સૂર્યોદય


‘મને કોઇ સમજતું નથી’ જેવી પરિસ્થિતીમાંથી ઉદભવતી એકલતામાં ઊંડા ઉતરીને હકીકતોનો સમજણપૂર્વક સ્વીકાર કરાય ત્યારે એકાંતનો ચમકતો સૂર્યોદય થાય છે.

સ્નેહા પટેલ

વીન્ડ ચાઈમ


 

 

 

ઘરમાં નાજુક રણકાર ફેલાવતું
‘વીન્ડ ચાઈમ’
કોલાહલના જંગલોમાં
ગૂંગળાઈ જાય છે
અને
ચોધાર આંસુએ રડે છે…

સ્નેહા પટેલ.

sanskaar


સંસ્કાર-સીંચનમાં ‘છોકરા – છોકરી’ જેવી જાતિ કરતાં ‘સારા માણસ’ની જાતિ ધ્યાનમાં રહે એ વધારે મહત્વનું.
સ્નેહા પટેલ

સ્પષ્ટતા


Click to access pancha_01.pdf

 

ફૂલછાબ > નવરાશની પળ > ૨૮-૦૩-૨૦૧૨

 

સ્પષ્ટતા 

‘પંખીએ બે ટહુકા વેર્યા,

હવા બધીયે ગુલાલ થઈ ગઈ.’

-અનિલ ચાવડા.

 

‘મમ્મા..મારે નવું જીન્સ લેવું છે.’

‘પણ..આ જીન્સ તો તેં હજુ ચાર મહિના પહેલાં જ લીધેલુંને.?”

‘હા, પણ આ હવે’આઉટ ઓફ ફેશન’ થઇ ગયું છે. મને હવે એ પહેરીને મારા ગ્રુપ સમક્ષ જતા થોડી શરમ આવે છે . જોકે આના માટે મેં મારી પોકેટમનીમાંથી ૮૦૦ જેટલા રુપિયા તો બચાવેલ છે જ..બાકીના ૮૦૦ જેવાની જરુર પડશે..એક કામ કરીએ, હું મારા ફ્રેન્ડસ જોડે મહિનામાં એકવાર હોટલ-મૂવીનો પ્ર્રોગામ બનાવીએ છીએ એમાં હું આ વખતે બહાનું બતાવી દઈને નહી જવું તો મારી જોડે ૫૦૦રુપિયા જેવું તો બચશે જ..બાકી રહ્યાં ૩૦૦..તો એટલાની તું જોગવાઇ કરી આપ.’

આ હતો શૈલજા અને એની ટીનેજર દીકરી ચાહના વચ્ચેનો એક ગુલાબી સવારનો સંવાદ.

શૈલજા વિચારમાં પડી ગઈ..ચાહના એક ડાહી, સમજદાર અને આજ્ઞાકારી દીકરી હતી.  એની ઉંમરની બીજી છોકરીઓ કરતાં એના ખર્ચા બહુ જ ઓછા હતાં. વળી નભન-એના પતિનો ધંધો પણ સરસ મજાનો હોવાથી એમને પૈસાની ખેંચ જેવા પ્રશ્નો નહોતા સતાવતા. બસ સંતાનોને પૈસાનું મૂલ્ય સમજાય એ જ હેતુથી એ લોકોને લીમીટેડ પૈસા વાપરવાની ફરજ પડાતી હતી. આજે ચાહનાએ જે જીન્સની ઓલ્ડ ફેશનની વાત કરી એ તો એના પણ ધ્યાનમાં હતું. ચાહના સહેજ પણ ખોટી નહોતી. ફકત એક વાત એને ના ગમી કે એની દીકરીને આત્મવિશ્વાસ મેળવવા માટે એક લેટેસ્ટ જીન્સનો સહારો લેવો પડે છે..પણ હજુ એ નાની છે…એને ધીમે ધીમે સમજાવટથી જ આ વાત સમજમાં ઉતારાય..બાકી એની સામે જીદ્દીપણું  દાખવીએ તો એની ઉંમરના સંતાનોના બળવાનો ભય પણ રહેલો છે.

રાત્રે ફ્રી થઈને એણે પતિદેવ નભન આગળ  વાત ચાહનાની વાત રજૂ કરી અને ધારણા મુજબ પહેલું  રીએક્શન નભનનો ઉકળાટ જ આવ્યો.

‘આખો દિવસ એને કોઇ કામ ધંધો નથી શોપિંગ કર્યા સિવાય, કોલેજમાં ફેશન મારવા જવાનું હોય કે ભણવા એ જ નથી સમજાતું મને તો. આપણી વખતે તો આપણે….’

અને શૈલજાએ નભનના મોઢા પર હાથ મૂકી દીધો..

‘નભન, જમાનો બદલાઈ ચૂક્યો છે જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. આજના બાહરી દેખાવને મહત્વ અપાતા જમાનામાં કપડા-મેકઅપ-એસેસરીઝ બધું ટીનેજરોના આત્મવિશ્વાસ વધારવામાં એક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.ચાહના ઉંમરના એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે બહુ જ સાચવીને એની જોડે વાત કરાય..નહીં તો એનું બધું ય શાણપણ ગુસ્સામાં છૂ..ઉઉ..થઈ જતા એક પળ પણ નહી થાય..ચાહનાની માંગણીના બધાય પાસા પર પણ મેં વિચાર કર્યો તો મને કોઇ આપત્તિજનક કારણ નથી મળતું..વિના કારણ સંતાનોને દાબમાં રાખવાનો કોઇ મતલબ નથી’

‘સારું મારી ઇચ્છા તો નથી પણ તું જો ઠીક સમજતી હોય તો એમ કર..’

‘ના..એમ નહી..કાં તો સ્પષ્ટ ‘હા’ પાડ, કાં તો સ્પષ્ટ ‘ના’..વળી ‘હા’ પાડે તો આનંદ, સમજણ, કોઇ જ વસવસા કે શરતો વગર પાડ. ના પાડવાના ઓપ્શન નથી એટલે ‘હા’ પાડવી યોગ્ય નથી. એ જ રીતે ‘ના’ પાડે તો એના પણ યોગ્ય કારણો, ફાયદા – ગેરફાયદા ક્લીઅર કરીને ચાહનાને સમજાવ.આમ ‘ધૂંધળી હા કે ના’ સંતાનનું યોગ્ય ઘડતર ક્યારેય ના કરી શકે. આપણા નિર્ણયોની અનિસ્ચિંતતા, સંદિદ્ગ્તા એ આપણા સંતાનોના ઉછેરની કમી નો આઈનો છે.’ બે પળ નભન વિચારમાં પડી ગયો ને પછી ખડખડાટ હસી પડ્યો.

‘મારી ગુરુજી, તું સાવ સાચી છું. આ લે ૮૦૦રુપિયા. .ચાહનાને કહેજે પપ્પાએ હસી ખુશીથી જીન્સ લેવા માટે હા પાડી છે.. એના માટે એનો મહિનાનો એક માત્ર પ્રોગ્રામ ‘મૂવી કમ ડીનર’ કેન્સલ કરવાની જરુર નથી.

અને શૈલજા  નભનના ગળામાં બે હાથ પૂરોવી એની છાતી પર માથું મૂકીને મંદમંદ હાસ્ય ફરકાવતી બેસી રહી.

અનબીટેબલ : ‘ every situations have three dimensions. my views, ur views and truth. sucess goes with the one who follow the third dimension.’(unknown)

સ્નેહા પટેલ.

 

અનુભૂતિ ભાગ – ૪,અંતિમ.


Click to access pancha_03.pdf

 

ફૂલછાબ > એક માસની વાર્તા . 28-03-2012

 

 

 

‘શું કરે..?’

 

“કંઇ નહી.બસ રુટીન કામ’

 

‘જમી’

 

‘ના..હવે બેસીશ જમવા..ચાલ આવ’

 

‘ઓકે આવું છું..રાહ જોજે.’

 

‘ઓકે..પહેલો કોળિયો તારા નામનો જ ગળે ઉતારીશ.’

 

રાત પડે….

 

‘સૂઈ ગઈ કે’

 

‘ના તારા મેસેજની રાહ જોતી હતી. તારી ગુડનાઈટ વિના તો કેમ ઊંઘ આવે..?

 

‘ઓકે..ચાલ..સૂઈ જઈએ..ગુડનાઈટ. સ્વીટ ડ્રીમ..સપનામાં તો મળવા આવીશને મને…’

 

અને શિલ્વી મેસેજના એ શબ્દોમાં, ટપકાંઓમાં ખોવાતી ખોવાતી પોતાના ચિત્તપ્રદેશનો હવાલો ક્યારે આકાશને દઈ બેઠી એની ખુદને પણ જાણ ના રહી.

 

અનેકવાર વિચાર્યું કે પોતે આ ‘આકાશ’ નામના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જાય. ‘આકાશ અને સ્પંદન્ની વચ્ચે ત્રિશંકુ જેવી હાલતમાં ઝોલા ના ખાય.ચક્કર આવી જાય છે હવે. મગજનું બેલેન્સ ખોરવાઈ જાય છે.

 

પણ ત્યાં તો આકાશનો મેસેજ આવી જાય અને એકાદ – બે વાત થાય અને બધો કંટ્રોલ હાથમાંથી કોરી રેતીની જેમ સરી જાય.

આ બધા ચકકરોમાં શિલ્વી પોતાના દરેક કામકાજ પ્રત્યે બેધ્યાન રહેવા માંડી. સમયસર અને વ્યવસ્થિત રીતે જવાબદારીઓ પૂર્ણ ના કરી શકાતા એની અકળામણ હદપાર વધી જતી. થોડી શોર્ટ ટેમ્પર થવા લાગી હતી એ.

 

ફકત એક અઠવાડિયાના ટુંકા સમયગાળા જેવા મેસેજીસની રમતથી શિલ્વી પાછી એની જોડે બોલતી થઈ ગયેલી. બધો સમય આકાશની જોડેના દિવા-સપનાંઓમાં  વીતવા લાગ્યો..સપનામાં જ છે ને એ..એમાં ખોટું શું છે? હું તો હવે એને મળતી પણ નથી. સ્પંદનને કોઇ  જ છેહ નથી આપતી.ના…બધું બરાબર છે..ઓલ વેલ..’

 

આકાશ… એ તો એની જાણ બહાર શિલ્વીના વિચારોમાંથી આરપાર થઇને છેક મનના તળિયા સુધી પહોંચી ગયેલો..

——

સ્પંદન સાથે જે વાતો નહોતી થઈ શકતી એ બધી વાતો શિલ્વી આકાશ  જોડે શેર કરવા લાગી. સ્પંદન વર્તનનો માણસ. એને શબ્દોની રમતો કે આંટીધૂંટીમાં સમજ ના પડે. તડ ને ફડ. એમાં શિલ્વીના નાજુક સ્ત્રીમનની અનેકો ઇચ્છાઓ અધૂરી રહી જતી.

 

આકાશ આ વાત બહુ સારી રીતે સમજતો હતો અને એ શિલ્વીની દરેક નાની નાની વાતો ધ્યાનપૂર્વક સાંભળતો. દિવસમાં ૫-૬ વાર તો એકબીજાને ફોન કર્યા વગર ચાલે જ નહીં. વિચિત્ર સંબંધ બંધાતો જતો હતો આ..ના તો એકબીજા સાથે રહી શકતા હતાં કે ના તો એકબીજા વગર.

 

આ બધામાં શિલ્વીની આકાશને ‘ના મળવાની જીદ’ ઓગળીને ‘હા’ પર આવી ગઈ… પછી તો મુલાકાતોની પરંપરા સર્જાવા લાગી. આગ અને ઘી સાથે રાખો તો શું થાય..?

 

પરિણામે એ જ થઇને રહ્યું જેનાથી શિલ્વી પોતાની જાતને દૂર રાખવાના મક્કમ પ્રયાસો કરતી હતી. બેય જણ બધી મર્યાદાઓ પાર કરી બેઠા…હવે..હવે શું..?

 

પણ પેલું કહ્યું છે ને કે શરમને કાનો માત્ર નથી હોતો. એક વાર એ તૂટી પછી બીજીવાર એ શરમ બહુ હેરાન નથી કરતી. શિલ્વી આંખો બંધ કરીને ખબર નહીં કઇ દિશામાં દોડી રહેલી. આ સ્પર્શ, આ જતન, આ અવાજ, આ પ્રેમ, આ બધું મનભરીને માણી લેવા દે. જિંદગીમાં કાલે શું થશે કોને ખબર ? આજે ભરપૂર જીવી લેવા દો. કોઇને ક્યાં વળી કશું જાણ થવાની હતી આ બધાની અને શાહમૃગની જેમ પોતાનુ માથું જમીનમાં ખોસી દેતી. પોતે દુનિયાને નથી જોતી દુનિયાને પણ એને જોવાનો ક્યાં સમય છે ? વળી સ્પંદન માટે પણ મને હજુ  એ પ્રેમ છે જ. હું એને ક્યાં કોઇ વિશ્વાસઘાત કરું છું…રોજ જાત જોડેની જાતની આ મથામણોમાં શિલ્વી લગભગ ખેંચાઇ જતી.

 

આ ઊંમરે થતી સોળ વર્ષની થતી અનુભૂતિઓ..યૌવન જાણે મહેંકી ઊઠેલું, પહેલવહેલી વાર પ્રેમમાં પડેલી હોય એવી લાગણીઓ, આકાશના સ્પર્શથી પળમાં જ રચાઇ જતી તીવ્ર સંવેદનોની અદ્ભુત જાદુઇ દુનિયા, ચામડી પર ઉપસી આવતા નાની નાની ફોડલીઓની અદ્બુત લાગણી.. પ્રેમની નવી નવી અનુભવાતી લાગણીઓની ટેવ પડવા લાગી હતી શિલ્વીને. આકાશની ટેવ છોડવી હવે અશક્ય જ લાગતી હતી.

——

શ્રેયા આજે કંઇક વધારે બેચેન લાગતી હતી. સ્પંદન એના માનસની ઉથલપાથલ એના ચહેરા પર સ્પષ્ટપણે નિહાળી શકતો હતો.

 

‘શુ થાય છે બેટા ? ‘ કપાળે હાથ મૂકીને ચેક કરી લીધું ક્યાંક એને તાવ બાવ તો નથી ને..પણ ના એવું કશું તો નહોતું જ.

 

સ્પંદને  સોફા પર બેઠેલી અને મોબાઇલમાં મેસેજીસ ટાઇપ કરી રહેલ શિલ્વી  સામું જોયું અને કહ્યું,

 

‘શિલુ,આને જો ને ડાર્લિંગ. કંઇક તો પ્રોબ્લેમ છે જ’

 

શિલ્વી એક ‘હ્મ્મ’ કરીને રહી ગઈ ને પોતાના મેસેજની દુનિયામાં ગુમ.સામે છેડે આકાશ હતો.  આખા દિવસની રાહ જોયા પછી માંડ માંડ અત્યારે મેસેજીસની આપ-લે થતી હતી.

 

સ્પંદન આજે પહેલીવાર થોડો અકળાયો શિલ્વી પર.

 

‘શિલુ, ફોન બાજુમાં મૂક અને દીકરીને સંભાળ પ્લીઝ..’

 

સ્પંદનનો આવો રુક્ષ વોઈસ ટૉન સાંભળીને શિલ્વી થોડી ચમકી, પોતાનું બેધ્યાનપણું ખુલ્લું પડી જતાં થોડી ઓઝપાઈ ગઈ અને હકીકતની દુનિયામાં પાછી ફરી.

 

શ્રેયાને લઈને એ બેડરુમમાં ગઈ. પાસે બેસાડી પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતા ફેરવતા એને પૂછયું,

 

‘શું છે બેટા, કેમ આટલી અકળાયેલી અકળાયેલી ફરે છે? મને તારી બહેનપણી જ સમજ અને માંડીને વાત કર. દુનિયાનો કોઇ જ પ્રોબ્લેમ એવો નથી કે જેનું સોલ્યુશન ના હોય. મમ્મા વિશ્વાસ રાખ અને મનની બધી ભડાસ કાઢી નાંખ.ચાલ’

 

એનો ચિમળાયેલો ચહેરો બે હાથમાં લઈને શિલ્વીએ એના ગાલ પર વ્હાલની એક ચૂમી ભરી અને આ છોકરી પ્રત્યે..પોતાના લોહી પ્રત્યે આટલી બેદરકાર થઈ જવા બદલ થોડી ગુનેગાર હોવાની લાગણી પણ અનુભવી.

 

એકદમ જ શ્રેયા શિલ્વીના ખોળામાં માથું મૂકીને રડી પડી. થોડી વાર પછી સ્વસ્થ થતાં બોલી,

 

‘મમ્મા, હું આત્મન નામના એક છોકરાને  પ્રેમ કરું છું. એના વગર નહી રહી શકું. હું..હું..એના….આઇ મીન..મોમ..આઇ એમ પ્રેગનન્ટ !!’

શિલ્વીનો શ્રેયાના વાળમાં ફરતો હાથ  અટકી ગયો અને એક્દમ જ અવાચક થઇ ગઈ. પોતાની યુવાનીના ડગ પર કદમ માંડતી કુંવારી લાડલીના આવા વાક્ય કઈ મા સહન કરી શકે? પણ હવે વાત હાથ બહાર ગઈ છે ની વાસ્તવિકતાનું ભાન થતાં જ  સ્વસ્થતા કેળવવાનો પ્રયત્ન કરતા કરતા બોલી,

 

‘ કોણ છે આ આત્મન ? મને એના વિશે કંઇક તો કહે.’

 

શ્રેયા આંખો લૂછતાં લૂછતાં ઊભી થઈ. પોતાનું લેપટોપ ખોલ્યું અને ફેસબુકમાં પોતાના આઈ ડીમાં લોગ-ઇન કરીને એનું ફ્રેન્ડ લિસ્ટ ખોલ્યું.

શિલ્વી મનોમન વિચારતી હતી કે સારું છે કે શ્રેયા એના લિસ્ટમાં એડ નથી. નામ છોકરાઓને પ્રાઈવસી આપવાનું હતું પણ કામ તો પોતાની પ્રાઇવસી જાળવવાનું જ થતુ હતું.

 

શ્રેયા એ આત્મન નામના ફ્રેન્ડની પ્રોફાઈલ પર કલીક કરી. સરસ મજાના નેચરલ સીનવાળું પ્રોફાઈલ પિકચર જોઇને શિલ્વીને ગમ્યું.ત્યાં તો

પ્રોફાઈલના આલ્બમમાં આત્મન નામના છોકરાનો ફોટો જોતાં જ એના પર આભ તૂટી પડ્યું..આ તો.આ તો…આકાશ હતો. એનો આકાશ..એને મન મૂકીને ચાહનારો, એના રુપની પૂનમ પાછળ ઘેલો ઘેલો આકાશ…અને શિલ્વી એકદમ જ ચક્કર ખાઈને ત્યાં પડી ગઈ.

 

‘મમ્મા, એકદમ શુ થઇ ગયું તને..? પપ્પા.પપ્પા..જલ્દી આવો..’

 

અને સ્પંદન એકદમ હાંફળો ફાંફ્ળો દોડતો દોડતો ત્યાં આવ્યો. તરત જ ફેમીલી ડોકટરને ફોન કરી ઘરે બોલાવી લીધા. ડોકટર આવીને શિલ્વીને ચેક કરી અને એક ઇંજેક્શન આપતાં  બોલ્યા, ‘ગભરાવાની કોઇ જરુર નથી. સ્ટ્રેસના કારણે એમનું પ્રેશર થોડું લૉ થઈ ગયેલું.બસ.’

થોડી વાર રર્હીને શિલ્વી હોશમાં આવી ગઈ. સ્પંદન અને છોકરાંઓ એની આગળ પાછળ દોડાદોડ કરી રહ્યાં હતાં. એની ખબર પૂછતાં હતાં. પણ એ તો ક્યાક્ બીજી જ દુનિયામાં  ખોવાયેલી હતી.

 

થોડા દિવસો વીત્યાને શિલ્વીએ થોડી માનસિક તાકાત ભેગી કરી.ફેસબુકને કાયમ બાય બાય કરી દીધું. મોબાઇલમાંથી બધો ડેટા ડીલીટ કરીને વેચી દીધો. આ નપાવટ મોબાઇલના લીધે જ આ બધી ઉપાધિ ને..હવે આ જોઇએ જ નહીં. હવે એ ક્યારેય આવી ભૂલ નહીં કરે.

શ્રેયાને સમજાવવી અઘરી હતી…શ્રેયા આગળ સાચી વાત કહી શકાય એમ નહતું એ શિલ્વીની હૈયું વલોવી નાંખતી મજબૂરી હતી.

 

એક દિવસ એ પોતાની મનમાની કરીને જ રહી. મા બાપને કોઇ જ જાણ કર્યા એ ‘આત્મન-આકાશ’ જોડે ભાગી ગઈ. એને શોધવાના તમામ

પ્રયાસો વિફળ ગયા..!!

 

લગભગ એકાદ મહિના પછી..

 

એક રાતે સ્પંદન શિલ્વીના વાળમાં હાથ ફેરવતો ફેરવતો આખા દિવસના કામકાજની વાતો કરી રહ્યો હતો.ધીમે ધીમે સ્પંદનનો હાથ શિલ્વીના વાળમાં હળ્વેથી ફરતો હતો.

‘શિલ્વી જે થવાનું હતું એ થઈ ગયુ. હવે આ આઘાતમાંથી બહાર આવ પ્લીઝ..આ આપણા અભિની સામે તો જો..એને હજુ તારી ખૂબ જરુર છે..’

અને નમીને શિલ્વીને ગાલ પર એક હલકું ચુંબન કર્યું. શિલ્વીના લાંબા કાળા વાળમાં હેતથી હાથ ફેરવવા લાગ્યો. પણ આ શું..!!

 

શિલ્વીના તન- મનમાં આ સ્પર્શથી કોઇ પ્રકારની લાગણી ઉતપન્ન જ નહોતી થતી. આ જગ્યાએ આકાશનો સ્પર્શ થયેલો હતો..આકાશ અને સ્પંદન..બેયના સ્પર્શ વિચિત્ર રીતે એકબીજામાં ભળી જવા લાગ્યાં. શિલ્વી બસ ચૂપચાપ લાશની જેમ જ પડી રહી. શિલ્વીને સ્પંદનના પ્રેમની ગંગામાં નહાવું હતું, ડૂબવું હતું પણ તનમનમાં કોઇ જ સંવેદનોની અનુભૂતિ જ નહોતી થતી. અંદરથી જાણે સાવ જ સૂકાઇ ગયેલી . કદાચ હવે એ સૂકી ડાળમાં ક્યારેય લીલાશ નહોતી ફૂટવાની..!!

જીવનમાંથી સુંદર પ્રેમાળ અનુભૂતિઓની બાદબાકી, કાયમ માટે સુકાઇ ગયેલી એ લાગણીના મ્રુત્યુ પર શિલ્વીએ ચૂપચાપ બે-ચાર અશ્રુઓનું તર્પણ કરી દીધું. એટલું સારું હતું કે આંખનું જળ હજી નહોતું સૂકાયું.

 

-સંપૂર્ણ.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

 

સહનશક્તિ


આપણી સહનશક્તિની સીમારેખાઓ ગોપનીય રહે એ વધુ હિતાવહ.

સ્નેહા પટેલ

લેખક – લેખન


લેખકનો એના લેખનથી અલગ સ્વીકાર કરવાથી બેય પક્ષે તકલીફો ઓછી થાય છે.

સ્નેહા પટેલ

અનુભૂતિ ભાગ – 3


ફૂલછાબ > એક માસની વાર્તા > ૨૧-૩-૨૦૧૨-ત્રીજો હપ્તો

 

સાંજે ઘરે આવ્યાં પછી સ્પંદન ફટાફટ નહાવા બાથરુમમાં ઘૂસ્યો અને શિલ્વીની બર્થે-ડે સ્પેશિયલ જેવો ‘મૂવી અને ડીનર’ના ગોઠવેલા પ્રોગ્રામ માટે તૈયાર થવાનું કહેતો ગયો.

છોકરાંઓ તો રાજીના રેડ. પણ શિલ્વી…એ તો જાણે કોઇ અલગ દુનિયામાં જ ગરી ગયેલી. સ્પંદન, છોકરાંઓ બધાંના શબ્દો એના કર્ણપટલ પર અથડાઇને પાછા જ વહી જતા હતાં.મગજ સુધી સંદેશો પહોંચાડતા જ નહોતા.

સ્પંદન અને છોકરાંઓ ઉતાવળે ઉતાવળે રેડી થઈ ગયા, પણ  આ શું ? શિલ્વી તો હજુ એના પલંગ પર કોઇ બુક લઈને ઊંધી પડીને વાંચતી હતી. જોકે ધ્યાનથી જોતા સ્પંદને એનો બુક વાંચવાનો ડોળ પકડી પાડ્યો. એ બહુ જ નવાઇ પામ્યો. શિલ્વીનું આવું રહસ્યમય વર્તન..!! બાકી શિલ્વીને પિકચરોનો ગાંડો શોખ હતો, મૂવીનું નામ હોય એટલે ઘરમાં ખુશીઓનો પ્રલય આવી જતો. એ શિલ્વીની નજીક ગયો અને હળવેથી એના ખભે હાથ મૂકીને બોલ્યો,

‘શિલુ, શું થયું છે ? તબિયત તો બરાબર છે ને તારી ?”

અને શિલ્વીનો નશો જાણે એકદમ તૂટી ગયો. સચેત થઈને , અરે કંઇ નથી થયું મને. આ તો અમસ્તી થોડી થાકેલી એટલે જ્સ્ટ રીલેક્સ થતી હતી, બે મિનીટ બસ તૈયાર થઈને આવું છું અને જબરદસ્તીનું હાસ્ય મોઢા પર લાવીને એ તૈયાર થવા લાગી.

 

આકાશ સાથેની એ મુલાકાત ભવિષ્યમાં કેવા કેવા રંગ બતાવવાની હતી, ભાવિના પેટાળમાં શું ય છુપાયેલું હશે એ માસૂમને ક્યાં ખબર હતી. એ તો લપસણા મ્રુગજળીયા ઢાળ પર પૂરપાટ દોડતી હતી.

——————-

સ્પંદનને ખ્યાલ તો આવી જ ગયેલો કે શિલ્વી ક્યાંક ઉલઝાયેલી છે. આજે ડીનરમાં પણ એને ખાસ રસ નહોતો પડ્યો એ સ્પષ્ટપણે દેખાઇ આવતું હતું. પણ એ સીધો સાદો, નિખાલસ માણસ એની પત્નીને અનહદ ચાહતો હતો. હાથની હથેળીઓમાં  સાચવીને જતન કરતો હતો. એણે કદી કોઇ જ બાબતમાં શિલ્વીને ટોકી નહોતી કે ક્યારેય કોઇ જ કચ કચ નહીં. એની શિલુ પર એને ભરપૂર વિશ્વાસ હતો.

સામે પક્ષે શિલ્વી પણ એકદમ માસૂમ અને નિખાલસ જ હતી. સવારથી માંદીને કે સાંજ સુધીની એક એક પળની વાતો એ સ્પંદન સાથે શેર કરતી. એમ ના કરે તો એને પેટમાં દુઃખે. સ્પંદનને ખૂબ પ્રેમ કરતી હતી.એણે ક્યારેય સ્પંદનને કોઇ જ કમ્પ્લેઇનનો મોકો નહતો આપ્યો.લગ્નજીવનને વિશ્વાસના અમી પાઈ પાઈને પ્રેમના પુષ્પોને હંમેશા તરોતાજા રાખેલાં. પોતાની પત્ની, માતા તરીકેની કોઇ જ મર્યાદા ક્યારેય નહોતી તોડી કે જવાબદારીઓથી ક્યારેય હાથ પાછા નહોતા ખેંચ્યા. પણ આ આજે ‘આકાશ’ નામના ત્રણ અક્ષર એના દિલોદિમાગ પર કબ્જો જ્માવીને બેસી ગયેલા. લાખ પ્રયત્નો છતાં એ પોતાના વિચારો પર કંટ્રોલ નહ્તી રાખી શકતી.

સૂતા સૂતા પડખું ફેરવ્યું તો એકદમ જ ઝબકીને પથારીમાં બેસી ગઈ. આ શું,એને બાજુમાં સૂતેલા નિર્દોષ સ્પંદનના ચહેરામાં આકાશનો ચહેરો કેમ દેખાવા લાગ્યો..આવું તો પોતે વિચારી પણ કેમ શકે? પોતે એક પરણેલી અને સુખી ઘરસંસાર ધરાવતી સ્ત્રી…જીવનમાં કોઇ જ ખાલીપો પણ નથી..તો આ બધું એની જોડે શું અને કેમ થઈ રહ્યું હતું ?

વિચારો ને વિચારોમાં પડખાં ઘસીને માંડ માંડ સવાર પડી ત્યારે એની રાતીચોળ આંખો અને થાકેલો ચહેરો આખી રાતના ઊજાગરાની સ્પષ્ટ ચાડી ખાતો હતો.

…………….

 

ઓહ..આજે માથું કેમ આટલું દુઃખે છે? કારણ નજર સામે સ્પષ્ટપણે આઇનો લઇને જ ઉભેલું પણ શિલ્વીથી એ સ્વીકારાતું નહોતું. કોઇ વિચિત્ર અપરાધભાવ જેવી ભાવના એને પીડી રહી હતી. શિલ્વી એક્દમ એક્સ્પ્રેસીવ સ્ત્રી હતી. એ પોતાની ખુશી કે દુઃખ, ગુસ્સો તરત જ જાહેર કરી દેતી. એક્દમ જ સરળ અને નિખાલસ,પ્રેમાળ અને કોઇની લાગણી ના દુભાય એની સતત કાળજી લેનારી સમજદાર સ્ત્રી. આ બધાથી એના વ્યક્તિત્વને એક પોઝિટીવ લુક મળતો. જેના આકર્ષણમાં એની આજુબાજુની દુનિયાના દરેક વય જૂથના લોકો આવી જતાં. એ સતત ઢગલો મિત્રોથી ઘેરાયેલી રહેતી. માણસોની ભીડમાં રહેનારી એક  બહિરમુખી વ્યક્તિત્વ. આજે એને પોતાના દિલના ભાવ મોઢા પર આવતા રોકવા સતત એક તાણનો સામનો કરવો પડતો હતો.

એનું દિલ વારંવાર કાલે આકાશ સાથે ગાળેલા સમયની વાત સ્પંદનને કહી દેવા તરસતું હતું. પણ એ કયા શબ્દોમાં કહે..સ્પંદન કઈ જૂનવાણી માણસ તો નહતો જ.વિચારો અને વર્તન બેયથી એકદમ મોર્ડન હતો. પણ શિલ્વીનો અપરાધભાવ એને આવું કરતાં રોકતો હતો. એની જીભ પર મણમણના તાળાનો બોજ આવી પડેલો.

એવામાં જ શિલ્વીનું ધ્યાન ગયું, અરે..આ શુ ? રોટલીનો લોટ તો પોતે ક્યારનો બાંધી દીધેલો આ ફરીથી કથરોટમાં લોટ કાઢીને કેમ ઊભી રહી ગઈ. ગ્લાસમાં પાણી પણ લઈ લીધું..

વિચારોના તીવ્ર સબાકા માથામાં વાગવા લાગ્યાં. તરત જ એ બાથરુમમાં ભાગી. અને શાવર નીચે ઉભી રહી ગઇ. શાવરના પાણીના અવાજમાં એના હિબકાંનો ધ્રુજતો-થથરતો અવાજ દબાઇ જતો હતો. અલ્પવિરામ લઈ લેતો શ્વાસ, ડૂમો, વળી પાછા ઘૂમરીએ ચડતા વિચારો, દિલમાંથી લીલુછમ  દર્દ પાણીની સાથે વહેવા માંડયું. રગ, ધમની શિરા બધુંય ફાડીને બહાર નીકળીને અટ્ટહાસ્ય કરતો અપરાધભાવનો રાક્ષસ..આ બધામાંથી  બહાર આવતા શિલ્વીને લગભગ ચાલીસેક મિનીટ લાગી.

 

બહર નીકળી ત્યારે સ્પંદન એની ઓફિસનો સમય થઈ ગયો હોવાથી કોઇ જ ફરિયાદના શબ્દો વગર ચૂપચાપ ઓફિસે જવા નીકળી ગયેલો. આદિને નાન અને દમ આલુનું શાક બહુ જ ભાવતું હતું તો આજે એના માટે નાનનો લોટ બાધીને જવાનું વિચારેલું પણ હવે એવો સમય જ ક્યાં બચેલો ?

શિલ્વીને બહુ જ દુઃખ થયું. આકાશના ચક્કરમાં એ સ્પંદન અને છોકરાઓને ફાળવવાના સમયની બલિ ચડાવી દે છે. એ પણ ટીફીન લીધા વગર જ ઓફિસે જવા નીકળી ગઈ.

 

ઓફિસે પહોંચીને રોજની ટેવ પ્રમાણે એનાથી ફેસબુક ખોલાઇ જ ગયું. પોતાના આઈડીમાં લોગ ઇન થતાં જ એની આંખો અચરજથી ફાટી ગઈ. એની વોલ પર  હોટલમાં એના ધ્યાન બહાર લેવાયેલા કાલના ફોટો ‘લિટલ સરપ્રાઇઝ ફોર યુ’શબ્દો સાથે એની હાંસી ઉડાવી રહેલાં.

 

આ ક્યારે..કોણે..એને આકાશ પર બહુ જ ગુસ્સો આવ્યો. એ આવું કરી જ કેમ શકે? એને આવો હક કોણે આપ્યો? નીચે લખેલી કોમેન્ટ્સ પરથી એને ખ્યાલ આવ્યો કે આકાશે આ બધું કામ  હોટ્લના એક વેઈટરને પૈસા ખવડાવીને કરેલું. થોડી શાતા વળતા સ્ત્રીસહજ સ્વભાવને  વશ થઈને પોતાના ફોટા જોવાની લાલચ રોકી ના શકાતા શિલ્વી એની પર ક્લીક કરવા લાગી.

એનો ફેઇસ ફોટોજનિક તો હતો જ. વળી આકાશે દરેક ફોટોગ્રાફ્સ જોડે રસદાયક કોમેન્ટ્સ પણ લખેલી.

‘શિલ્વી,તમારી કપાળ પર રમતી તોફાની અલકલટોએ વાતાવરણમાં જાદુ ફેલાવી દીધેલો.’

‘આ આસમાની રંગના ઝુમખાંમાં તમે અદ્ભુત લાગતા હતાં. આખે આખા આસમાની…સાચું કહું તો આસમાનમાંથી ઊતરી આવેલ એક પરી જેવા જ..’

‘તમારી પાણીદાર આંખો..રોજ કાજલ લગાવજો નહીં તો કોઇની નજર લાગી જશે એને..’

‘તમને જે એકવાર મળે એ ક્યારેય તમને ભૂલી ના શકે…હું પણ આપણી એ મુલાકાત ક્યારેય નહીં ભૂલી શકું..’

જેવું અલક મલક..’ અને શિલ્વી પાછી આકાશ તરફ વહેવા માંડી.એની જાણ  બહાર જ એના હોઠ મરકવા લાગ્યાં.

એટલામાં મોબાઇલમાં રીંગ વાગતા એનો નશો તૂટ્યો. જોયું તો આકાશનો ફોન.

‘કેવી લાગી સરપ્રાઇઝ શિલ્વી?”

ના ઇરછવા છતાં શિલ્વીથી બોલાઇ ગયું, ‘અદભુત..’ એને ગુસ્સો કરવો હતો..નારાજગી જાહેર કરવી હતી પણ એનું વર્તન એના શબ્દો એની મરજી વિરુદ્ધ બળવો પોકારીને અલગ જ સૂર આલાપી રહેલાં.

હવે તને ક્યારેય નહીં મળું ના બદલે જ્યારે આકાશે પૂછ્યું કે, ‘આજે સાંજે મળી શકો  થોડી વાર ? તો એનાથી ‘હા શ્યોર’ આમ જ બોલાઇ ગયું.

બોસ જોડે ખોટું બોલીને થોડી વહેલી નીકળીને એ રેસ્ટોરંટ્માં પહોંચી ગઈ. આકાશ હજુ આવ્યો નહતો. શિલ્વીના દિલ દિમાગમાં ફરી દ્વંદ્વયુધ્ધ થવા માંડ્યું..ના આ બરાબર નથી જ. શિલ્વી જવા માટે ઊભી થવા ગઈ અને ત્યાં જ એનું માથું પાછળથી આવી રહેલા આકાશ  જોડે જોરથી અથડાયું અને એ પાછી ખુરશીમાં જ બેસી પડી.બે મિનીટ તો ચક્ક્રર આવી ગયાં.ભાનમાં આવતાં ખ્યાલ આવ્યો કે આકાશ એના માથાને ધીરે ધીરે સહેલાવી રહયો હતો અને એ ફરીથી બેભાન થવા લાગી. અવશપણે એ આ સ્પર્શની બંધાણી થવા લાગી હતી. એની અંદરની ડાહી ડાહી વાતો કરનારી શિલ્વી પર પેલી તોફાની તોખાર મસ્તીખોર શિલ્વીએ જબરદસ્ત ભરડો લેવા માંડયો હતો.આકાશે શિલ્વીનો હાથ પકડી લીધો. જે છોડાવવા શિલ્વીએ કોઇ જ કોશિશ કરી. બંને પક્ષે એક મૂક સહમતિની આપ લે થઇ ગઈ હતી.

ધીમેધીમે આકાશનો નખ શિલ્વીની મુલાયમ હથેળીમાં ખૂંપવા લાગ્યો. શિલ્વી ‘ના આકાશ,આ બરાબર નથી’ બોલતી બોલતી એ સ્પર્શના સાગરમાં ગોતા લગાવવા માંડી. અને અચાનક જ આકાશે એના હાથ પર એક તસતસતું ચુંબન ચોડી દીધું. શિલ્વી આખેઆખી ધ્રુજવા લાગી હતી. સોળ વર્ષની તપતી માટી પરના પહેલવહેલાં વરસાદની અનુભૂતિ થવા લાગી,મહેંકવા લાગી. સ્પંદન સાથેની નાજુક પળો પર આકાશનું આ એક ચુંબન ભારે થવા લાગ્યું.

છેવટે બધો ઝંઝાવાત એની આંખમંથી  આંસુ બનીને વહેવા લાગ્યો. બેય જણ આ આંસુની ભીનાશથી હકીકતની દુનિયામાં પટકાઈ ગયા. અને શિલ્વી એક્દમ જ હાથ છોડાવીને ઊભી થઈને ત્યાથી નીકળી ગઈ.

રસ્તામાં મોબાઇલમાં આકાશનો મેસેજ્ બીપ બીપ થયો,

‘શિલ્વી માફ કરજે પણ તું એટલી રુપાળી છું કે મારો કંટ્રોલ ના રહયો. સોરી.’

‘આકાશ..ડોન્ટ ફીલ સોરી. બેય પક્ષ સરખા જવાબદાર છીએ. હવેથી આપણે ક્યારેય નહીં મળીએ જેથી આવી કોઇ વાતોના પુનરાવર્તનને અવકાશ રહે. બાય.’ ના ટુંકા જવાબ સાથે હવેથી આકાશને ક્યારેય નહીં મળવાના મક્કમ નિર્ધાર સાથે શિલ્વી ઘરે પહોચી.

ઘરે પહોંચી ત્યાં સુધીમાં તો મોબાઇલમાં આકાશના ૨-૩ મેસેજીસ ઉપરાછાપરી આવી ગયેલાં.

‘શિલ્વી જે થયું એ મને નથી ગમ્યું એમ તો નહીં જ કહું, મને પહેલેથી જ તારું તીવ્ર આકર્ષણ રહેલું જેને પાળ ના બાંધી શકાઈ. પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય એનો વિશ્વાસ રાખજે. મારે ફકત તારી દોસ્તી હશે તો પણ ઘણું છે.’

——

‘શિલુ, આ શ્રેયાને જોને. હમણાંની કેવું વર્તન કરે છે સમજાતું નથી. ભણવામાં પાછળ પડતી જાય છે. એના ફ્રેન્ડસ પણ કમ્પલેઇન કરતાં હતાં કે,શ્રેયા હવે અમારી જોડે બહુ હળતીમળતી નથી, એકલી એકલી કોઇ બીજી જ દુનિયામાં રહેતી હોય એવું લાગે છે, ખાવાપીવાના, ઊંઘવાના કે ઉઠવાના સમયનું પણ ઠેકાણું નથી રહેતું. આ ટીનેજરોની માનસિકતા સમજવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું જ છે’ બેડરુમમાં સ્પંદન શિલ્વીને કહી રહેલો.

“ડોન્ટ વરી સ્પંદન, આવું બધું ચાલ્યા કરે. મૂડસ્વીંગ્સ આવ્યાં કરે આ ઊંમરે. એ જાતે અમુક પ્રોબ્લેમ ઊભા કરશે અને જાતે જ બહાર આવશે. એમાંથી કાઢવા આપણે મદદ ઓફર કરીશું તો એને એમ લાગશે કે આ લોકો મારી લાઇફમાં ‘ઇન્ટરફીઅર’ કરે છે. હું સમય અને મૂડ જોઇને એની જોડે વાત કરીશ. તું ચિંતા ના કર મારા ભલા ભોળા પતિદેવ.” અને હસીને સ્પંદનનો હાથ પોતાના ગાલ પર દબાવીને એ ઊંઘી ગઈ.

સ્પંદન પણ એની વાત પર પૂરો વિશ્વાસ રાખીને એક હાશકારો અનુભવતો નિંદ્રાદેવીને શરણે થયો.

ક્રમશઃ

 

ઘર કી મુર્ગી દાલ બરાબર


 

ફૂલછાબ > નવરાશની પળ > ૨૧-૩-૨૦૧૨નો લેખ

ચાવીથી તાળું જ ખૂલી શકે છે

એવું કાચું કપાયું છેક સુધી

ડોકિયું કરો છો એ બારીને પૂછો કે કેવી ચણાયેલી ભીંત છે.

-અંકિત ત્રિવેદી.

આજે રવિવાર..રજાનો..મજ્જાનો દિવસ.

અંજનાનો મૂડ હતો કે બહુ વખતે માંડ હાથમાં આવેલ આ આખો દિવસ પોતાના પતિ અને દીકરા સાથે જ રીતે પસાર કરશે..

સવારની શરુઆત તો સારી થઈ હતી.ચા-નાસ્તા સાથે ડાયનિંગ ટેબલ પર બેઠા બેઠા કલાક અલકમલક્ની વાતો કરતા કરતા અંજનાએ પિકચર જોવા જવાની વાતની ઇરછાનો મમરો મૂક્યો જેનો પતિદેવ નીરજે સહર્ષ સ્વીકાર કર્યો. નાહીને તૈયાર થઈને એ લોકો બહાર નીકળવા માટે તૈયાર થઈ જ રહ્યાં હતાં ને  નીરજનો વર્ષો જૂનો ગોઠિયો ઘરના આંગણે જ પ્રગટ્યો.

‘અરે નીરજીયા, ચાલને આજે આપને પેલા અશોકના ઘરે જઈએ..આજે તારે રવિવાર એટલે રજા જ છે ને..બહુ દિવસથી આપણે બધા મિત્રો ભેગા નથી થયા..’નીરજના ખભે ધબ્બો મારતા અશોક બોલ્યો.

‘અરે ના આજે નહીં, આજે મારે થોડું કામ છે.’

‘અરે..કામ બામ તો થતા રહેશે, ચાલને હવે બહુ ભાવ ખાધા વગરનો..’

અને એનો હાથ ખેંચીને એને પોતાની સાથે લઈને અશોકે ચાલવા માંડ્યું..એની મરજીમાં નીરજે પગમાં જૂતા પહેરીને એક મૂક સંમતિનો સૂર નોંધાવી દીધો જે જોઈને અંજનાનું મગજ ગુસ્સાથી ફાટ ફાટ થવા માંડ્યું..

પોતાના પ્રોગ્રામ પર સાવ  હિમ જેવું ઠંડુ પાણી રેડાઇ જતાં એનો બધો ઉત્સાહ ઠરીને ઠીકરું થઈ ગયો.

નીરજ દોસ્તારોને મળીને લગભગ એકા’દ વાગે ઘરે આવ્યો તો ઘરમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ જોઇને એનું હૈયું આશંકા સેવવા લાગ્યું હતું અને એનો ડર સાચો જ પડ્યો..

ઘરમાં ખાવાનું નહોતું બન્યું..દીકરો એના રુમમાં અને અંજના ટીવીના રીમોટ સાથે સોફામાં બિરાજ્માન હતી. નીરજને જોઇને અંજનાની અકળામણે તીખા શબ્દોનું રુપ ધારણ કરી લીધું. અંજનાનો ગુસ્સો શબ્દોમાં નીકળી ગયા પછી એનો હાથ પોતાના હાથમાં પકડીને બોલ્યો,

‘અંજુ, તું તો મારી પત્ની છે. બહારના તો ના સમજે પણ તું તો મારી મજબૂરી સમજી શકે ને..જે પોતાના હોય એની આગળ જ મનમાની કરાય ને..દોસ્તારો આગળ ના પાડું તો શું ઇમ્પ્રેશન પડે..સમજવાનો પ્રયત્ન તો કર .તું તો આટલી સમજુ છું ને..’

‘સમજુ એટલે દર વખતે મારે જ સમજવાનું એમ..અને તારી જીંદગીમાં કોનું મહત્વ વધારે ..?’

‘ઓફ્કોર્શ..તારું જ તો ડાર્લિંગ..પૂછવાનું હોય કે..’

‘તો જેનું મહત્વ વધારે એને એવું ફીલ નહી કરાવવાનું..એની ધરાર અવગણના કરીને બહારનાને સાચવવાના..આ તારું દોગલું વર્તન મને નથી પસંદ નીરજ.તારી પહેલી ફરજ છે કે તારે મારું અને મારે તારું ધ્યાન રાખવાનું.. હું કંઇ રોજ રોજ તને મારી પસંદગી સાચવવાની વાત નથી કરતી. પણ જયારે તેં મને કમીટમેન્ટ કરેલું તો એને આમ મને કંઇ જ કહ્યા વગર તોડી કેમ શકે એ જ નથી સમજાતું..!!’

‘અંજુ બહારના આગળ..’

‘નીરજ તું બહારના આગળ ના બોલી શકે એનું પરિણામ મારે અને આપણા દીકરાએ ભોગવવાનું એ ક્યાંનો ન્યાય..? તકલીફ તારી છે..જીવનમાં શું સાચું અને શેની અગત્યતા વધારે એ તારે નક્કી કરતાં શીખવું જ રહ્યું. દર વખતે બહારના લોકોના લીધે તારી નજીકનાઓને તું અન્યાય કરે, ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ કે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જેવું કરે એ ઠીક નથી. લાંબે ગાળે આની અસર આપણા સંબંધો પર પણ પડી શકે..માટે અત્યારથી ચેતી જાય તો સારું..બાકી તારા આજના બે કલાકના મિત્રોના સંગાથની લાલચે મારા આખા દિવસના મૂડની પત્તર તો ખાંડી  કાઢી એ તો હકીકત છે..’

અને નીરજને પાછળ વિચારપૂર્ણ સ્થિતીમાં છોડીને એ બેડરુમમાં જઈને આડી પડી.

અનબીટેબલ : Every problem is like a big door, there has to be a solution like a small key to open it easily..(unknown)

ચર્ચા


 

સતત ચર્ચા ઘણીવાર વાતની સુંદરતાને મારી કાઢે છે.

સ્નેહા પટેલ

સમજ


સમજનારા એક લીટીમાં પણ સમજી જાય છે ના સમજનારાને આખું પુસ્તક વાંચવાનું પણ માથે પડે છે.

-સ્નેહા

સચોટ


‘રોજે-રોજ બોલાતું ખોટું એક દિવસ સત્ય થઈ જાય છે.’

રોજેરોજ કરાતા કટાક્ષો,ખોટા દોષારોપણો,મજાકમાં બોલાતી વાતો, વાંકદેખી પ્રવ્રુતિ..આ બધીય ક્રિયાઓ માટે આ કહેવત એટલી જ સચોટ છે.

સ્નેહા પટેલ

હાસ્ય


આજકાલ ભેજામાં હાસ્યકીડાઓ બહુ સળવળે છે..વાતમાં કંઇ ખાસ નથી પણ મને બહુ હસવું આવ્યું તો તમારી સાથે શેયર કરું છું..

આજે રસોઇ કરતા કરતા ફ્રીજમાંથી ગરમ મસાલાનું બોક્સ કાઢવા ગઈ ત્યારે ધ્યાન ગયું કે એ ભુલથી ઊંધી બાજુથી ખોલાઇ ગયેલું..એનું નામ વાંચવામાં ને વાંચવામાં ડોકની બિચારીની’ઐસી કી તૈસી’ થઈ ગઈ.

.

.

.

.

છેલ્લે ટ્યુબલાઈટ થઈ એટલે એને ‘રેક’માંથી બહાર કાઢીને ‘વાંચેબલ ડીગ્રી’એ સેટ કરીને નામ વાંચીને કામ પતાવ્યું.

એક આડવાતઃ હાસ્યની પોતાની આગવી ગરિમા હોય છે વળી સાથે થોડી ક્રીએટીવીટી હોય તો તો સોનામાં સુગંધ..કોઇની પર કટાક્ષો કરી કરીને દિલની ભડાસ કાઢવા કરતા નિર્દોષ હાસ્ય વધુ ઇરછ્નીય છે..!!

mobile no.


 

લગ્નજીવનના દસકા પછી

પતિ અને પત્નીના મોબાઇલમાં સતત ઉમેરાતા રહેતા નંબરોમાં

‘પત્નીના મોબાઈલમાં સંતાનોના મિત્રોની મમ્મીઓના નંબરો હોય છે જ્યારે પતિદેવના મોબાઈલમાં નવી નવી થતી બહેનપણીઓના’

એકદમ હળ્વી પોસ્ટની કોમેન્ટ્સ હળ્વા મૂડમાં અને હળ્વી જ કરાય એવી વિનંતી..
-સ્નેહા પટેલ

સંસ્કૃતિ


વિદેશમાં રહીને દેશ યાદ આવે અને દેશમાં રહીને વિદેશ લલચામણું લાગે આ બહુ સ્વાભાવિક છે..પણ પછી જે નથી એનો સતત અભાવ દિલને કોર્યા કરે એ નકામું..દૂધ ને દહીં બેય માં પગ રાખવાની નિરર્થક કોશિશો દુઃખ સિવાય કશું જ નથી આપી શક્તી.
હું તો એક જ વાત માનું કે,

‘જે દેશમાં રહો એની સંસ્કૃતિને ધીરજથી સમજો અને એની મર્યાદાઓ સાથે જ એને સ્વીકારો.’

– સ્નેહા પટેલ

આઠમું વચન


ફૂલછાબ – નવરાશની પળ કોલમ – ૧૪-૦૩-૨૦૧૨ 

 

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,

લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

-રમેશ પારેખ.

આહન બેઠો બેઠો પોતાના લગ્નનું આલ્બમ જોઇ રહ્યો હતો. એક એક ફોટા ઉપર બે ચાર પળ અટકી જતો હાથ એને ભૂતકાળના સોનેરી ઝૂલા પર ઝુલાવતો જતો હતો.પ્લાસ્ટિકના કાગળનો ચરચરાટ શાંત વાતાવરણનું મૌન ભંગ કરતું હતું. એવામાં અજલા એની પત્ની પણ આવીને એની બાજુમાં સોફામાં ગોઠવાઈ ગઈ.સારસ બેલડીની તરબોળ નજર ભૂતકાળના વહેણમાં ડૂબકીઓ લગાવતા લગાવતા અચાનક એક ફોટા પર અટકી ગઈ..એ ફોટો હતો એમની એકની એક પુત્રી ઇધિકાનો.

ફોટામાં લગભગ ૭-૮ વર્ષની એમની લાડકવાયી ઇધિકાના માથા પર એક મોટો સફેદ પાટો હતો અને આહન અને અજલા બેયની નજર એક્સાથે ઊચકાઇ અને પરસ્પર અથડાઈ. નજરમાં અપરાધભાવની આછી છાંટ સ્પષ્ટ દેખાઇ આવતી હતી.એમની સામે સત્તરેક વર્ષ પહેલાંનુ દ્રષ્ય તરવરવા લાગ્યું..

આહન અને અજલાના લગ્નને લગભગ દસેક વર્ષ થયેલા. બેય જણા મોર્ડન વિચારસરણી ધરાવતા હતા. આધુનિકતાની વ્યાખ્યામાં સેટ થવા પૈસા કમાવા માટેની દોડમાં બેય જણાએ એકબીજાને ખાસી એવી સ્વતંત્રતા આપી દીધેલી જે સ્વછંદતામાં ક્યારે ફેરવાઈ ગઈ એનો એમને ખ્યાલ પણ ના રહ્યો.

ધીમે પગલે પેંધી પડી રહેલ સ્વછંદતાએ પતિ પત્નીની વચ્ચે વિચારોની જબરદસ્ત ખાઇ ઉભી કરી દીધેલી જેમાં બેય જણ સાવ સામ સામે છેડે હતા. નહતો આહન અજલાના વિચારોને માન આપી શકતો કે નહ્તી અજલા આહનની પતિપણાની વિચારસરણીમાં સેટ થઈ શકતી. ધીરે ધીરે બેય જણ પોતપોતાની અલગ દુનિયામાં જ વિહરવા લાગેલા. પણ એક છત નીચે જીવાતી આ બે અલગ અલગ જીંદગીનો ભોગ એમની માસૂમ દીકરી  ઇધિકા બની રહી હતી એની એમને ખબર જ નહોતી.

એક દિવસ ઇધિકાને તાવ આવતો હતો.આહન અને અજલા બેય જણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય સેટ કરીને ઇધિકા પાસે કોણ રહેશે એની વાત કરતા કરતા ઝગડવા લાગ્યા.

 

‘મારે માટે આજે ઘરે રોકાવાનું સહેજ પણ પોસિબલ નથી .તું જ એડજ્સ્ટ કરી લેજે’

 

‘ના..મારી આજની ક્લાયંટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.એના થકી બીજા બે કોન્ટ્રાકટ મળવાની તક છે..પણ તારે શું..તું તો તારી વાઈફની પ્રગતિથી જલે જ છે એટલે મને આગળ વધવા જ નહી દે.મને ખબર છે બધું..આ તો ઇધિકાના લીધે હું તને સહન કરી લઊં છું.બાકી તો ક્યારની…!’

 

‘અજલા….એમ તો હું પણ તને ઇધિકાના લીધે જ સહન કરું છું..બાકી મારી પાછળ આજની તારીખે પણ ઢગલો છોકરીઓ ફીદા છે.વળી સંતાનની જવાબદારી એ માની પહેલી ફરજ છે..તું તો સાવ કેવી મા છે..!’

 

ઇધિકાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી રહ્યાં હતાં. હતી એટલી તાકાત કરીને બોલી,

‘મૉમ..ડૅડ પ્લીઝ..બંધ કરો..આમ મારા ખભે બંદૂક મૂકીને ઝગડા ના કરો.મારે તમારા બેમાંથી કોઇની જરુર નથી. તમે બેય જણ જાઓ..હું મારી સંભાળ જાતે લઈ શકું એમ છું..’

અને એ પાણી લેવા માટે રસોડામાં જવા ઊભી થઈ..અશક્તિના અને મેન્ટલ સ્ટ્રેસ બેયના કારણે એને ચકકર આવી ગયા..બાજુમાં રહેલ કબાટનો ટેકો લેવા ગઈ પણ એમાં અસફળ રહેતા બેલેન્સ ગુમાવી ચૂકેલી ઇધિકાનું માથું બાજુમાં પડેલી ટીપોઈની ધાર પર પછડાયું..લોહીની ધાર છૂટી અને એ બેભાન થઈ ગઈ.

 

પતિ પત્ની બેય ફટાફટ એને લઈને હોસ્પિટલ દોડ્યાં. ઘા ઊંડો હતો. બહુ બધુ લોહી વહી ગયેલું..લગભગ એક અઠવાડીઆની સતત મહેનત બાદ ઇધિકાને તાવ અને ઘા બેયમાંથી થોડી રાહત મળી. રાત -દિવસના આ સહવાસે આહન અને અજલામાં ઘણો બધો ફેરફાર લાવી દીધો. એકની એક દીકરી છેક મરણને અડકીને પાછી આવેલી.ઇધિકાથી અધિક કોઇ મૂડી નથી એનો અહેસાસ સતત એમના દિલદિમાગમાં છવાતો રહેલો.. એ મુશ્કેલ સમયનો પતિ પત્ની બેય જણાએ સાથે મળીને પસાર કર્યો.એકબીજાન દિલમાં મહેંકતી લાગણીની સુગંધ ફરીથી અનુભવી.દીકરીની આ હાલત પાછળ પોતાની ફરજ ચૂક્યાન ઓ અહેસાસ એમના દિલ પર રોજ શારડી ફેરવતો હતો.

 

‘અંજુ.. ‘અજલા ચમકી..બહુ વખતે આહને એને આ નામે બોલાવી. દિલમાં કંઇક ભીનું ભીનું થઈ ગયું.

 

‘હા આહન..બોલ’

 

‘આપણી ભૂલનું પરિણામ આપણી લાડકવાયી કેમ ભોગવે..શું આપણે પહેલાંની જેમ એકબીજાની સાથે પ્રેમપૂર્વક ના જીવી શકીએ..? આપણે સાથે રહેવા માટે એને શું કામ કારણ બનાવવાની.. આપણો પહેલાંનો પ્રેમ ફરીથી કારણભૂત ના બની શકે..થોડાંક એડજસ્ટમેન્ટ જ તો કરવાના હોય છે ને..ફરજિયાત કરતા મરજીયાતપણે સાથે રહીને સંગાથે જવાબદારીઓ ના વહેંચી શકીએ…ઇધિકાના કારણે લાગણી વગર સાથે રહેવું એના કરતાં સમજ અને લાગણી સાથે મળીને આપણા આ સંતાનનો ઉછેર ના કરી શકીએ..?’

 

‘આહન..તેં તો મારા મનની જ વાત કહી. તું પણ એક જવાબદાર પિતા છું એ સતત અનુભવી ચૂકી છું.અને મારા માટેની લાગણી પણ તારા વ્યવહારમાં જોઈ શકી છું.ચાલ ફરીથી મનોમન સાત ફેરા ફરી લઈએ..અને એક આઠમું વચન લઈએ કે

 

‘હવે આપણી વચ્ચે પ્રેમનું, આત્મીયતાનું, કાળજીનું  સામ્રાજ્ય હશે..નહીં કે સંતાનના ખભે બંદૂક મૂકીને જીવાતું ફરજીયાત, નામ માત્રનું સહ્જીવન..!!’

 

આલ્બમ પર ફરી રહેલા આહનના હાથ પર થોડોક કરચલીવાળો હાથ મૂકતી અજલાએ સૂચક નજરથી વાત કરીને પોતે એ આઠમા વચનને પૂર્ણપણે નિભાવ્યાનો પોરસ વ્યક્ત કર્યો જેનો આહને એના વાળમાં હાથ સેરવી એને પોતાની નજીક લાવી, લલાટ પર હલ્કું ચુંબન ચોડીને સ્વીકાર કર્યો.

 

અનબીટેબલ :- આજ કાલ લોકો ‘સુખી થવાના બદલે’, દુનિયાને ‘પોતે બહુ સુખી છે’ એવા ભ્રમમાં રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતા જ દેખાય છે.

 

સ્નેહા પટેલ

 

 

અનુભૂતિ ભાગ – ૨


ફૂલછાબ – એક માસની વાર્તા – અનુભૂતિઃ ભાગ – ૨

 

અનુભૂતિ ભાગ – ૧ વાંચવા માટેની લિંક

 

https://akshitarak.wordpress.com/2012/03/07/anubhooti-1/

 

‘હાય. વેરી ગુડ મોર્નિંગ એન્ડ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે.’

સામેથી એક પૌરુષત્વથી છલકાતો ઘેરો અવાજ શિલ્વીના ફોનમાં પડઘાઈ રહ્યો હતો.

 

‘પણ આપ કોણ બોલો છો..મને આપની ઓળખાણ ના પડી.’

 

મનગમતું નામ સાંભળવાની ઇચ્છા સાથે જ બેધ્યાનપણે શિલ્વીની આંખો બંધ થઈ ગઈ.

 

‘બસ ને..આટલી જ મિત્રતા ને. આટઆટલી વાતો કરી અને પરિણામ..’

 

અને અવશપણે જ શિલ્વીના મોઢામાંથી એક નામ નીકળી ગયું.

 

‘આકાશ ?’

 

‘હાસ્તો..આકાશ જ ને વળી’

 

શિલ્વીને થયું કે આ ખુશીના અતિરેકમાં એ ક્યાંક પાગલ ના થઈ જાય.

 

જોકે આકાશ માટે આવી લાગણી કેમ અને ક્યારથી ફૂટવા માંડી એ વાત એને સમજાતી જ નહોતી. એ ફક્ત એનો નેટનો એક મિત્ર હતો. એનાથી ખાસો પંદરે’ક વર્ષ નાનો. જેને એ ક્યારેય મળી નહોતી, જેના વિશે એ કશુંય જાણતી નહોતી.

 

આ કોયડા જેવી લાગણીઓને શું કહેવું હવે..!!  ૪૨મા વર્ષે ૨૪મા વર્ષ જેટલી અધીરાઈ, પાગલપણું કેમ ઉછાળા મારતું હતું..? કંઇ સમજાતું નહોતું.

 

ત્યાં તો પેલો ઘેરો ઘૂંટાયેલો મર્દાના અવાજ પાછો કાનમાં અથડાયો,

 

‘હેલો શિલ્વી, એક વાત કહું જો તમે ગુસ્સે ના થાઓ અને માનવાના હો તો.’

 

અને સામેથી જવાબની રાહ જોયા વિના જ આકાશે આગળ વાત ધપાવી.

 

‘આજે મારે તમને મળવું છે. આપણે બેય એક જ શહેરમાં રહીએ છીએ, એક વર્ષથી એકબીજાને જાણીએ છીએ..વાતો કરીએ છીએ પણ હજુ મળ્યાં નથી એ નવાઈ ના કહેવાય. મારે તમને તમારી બર્થડે પર પાર્ટી આપવી છે બસ, બીજું કંઇ ખાસ કારણ નથી. સમય, સ્થળ ફટાફટ બોલો..બાકી ‘હા’ કે ‘ના’ જેવી પસંદગીની વાત આમાં ક્યાંય વચ્ચે નથી આવતી.’

 

પોતાની જાત પરનો આટલો વિશ્વાસ જોઇને શિલ્વીને બહુ ગમ્યું. કોઇ પુરુષ પોતાની જોડે આમ હકથી વાત કરીને પોતાની વાત મનાવે એવો એના જીવનનો પહેલ વહેલો અનુભવ હતો.

 

જબરી ફસાઇ ગઇ હતી એ હવે. બે મિનીટ ચૂપચાપ ઊભી રહી ગઈ. અવઢવની એ ક્ષણોમાં કોઇ નિર્ણય પર પહોંચે એ પહેલાં તો સામેના છેડેથી બોલાઇ ગયું,

 

‘ઓકે. બપોરે લંચ અવરમાં ૧.૩૦ વાગ્યે શિવાજી રોડ પરની ‘ઘરોંદા’ હોટલમાં આપણે મળીએ છીએ. હું તમારી રાહ જોઈશ. આપણે એકબીજાના ફોટા નેટ પર જોયા જ છે, એટલે ઓળખવામાં બહુ તકલીફ નહીં પડે, તો ડન..ઓકે. બાય’

 

અવાજમાં છુપાયેલો આદેશાત્મક ભાવ શિલ્વીના સ્ત્રીસહજ સ્વભાવને આકર્ષી ગયો. પણ આમ સાવ અજાણ્યા પુરુષને આવી રીતે તો કેમનું મળી શકાય.. શુ કરવું હવે.. વિચારતી વિચારતી બે હાથે માથું પકડીને શિલ્વી ખુરશીમાં બેસી પડી.

 

થોડીવારે સ્વસ્થતા કેળવીને એ ઉભી થઈ..બાથરુમમાં જઈને મોઢું ધોઈને ફ્રેશ થઈ. એક ભરપૂર નજર આઇનામાં દેખાતા પોતાના પ્રતિબીંબ પર નાંખીને  એ રુપગર્વિતાએ થોડું પોરસાઈ લીધું.ત્યાં તો એના મગજમાં જાણે શું આવ્યું કે સવારે લિપ્સ્ટીકની ઇચ્છાને માંડ માંડ રોકી રાખેલી એ જ પર્સમાંથી કાઢીને હોઠ પર લગાવી દીધી.

 

એ અજબ શા ઓરેંજ શેડવાળા હોઠની ઉપરની બાજુએ એક નાનકડો તલ હતો,જે કોઇ પણ પુરુષના પણ દિલમાંથી એક ‘હાય’ કાઢવા માટે પૂરતો તાકાતવાન હતો. એણે કપાળ પાસેથી પીનઅપ કરીને રાખેલી પરાણે બાંધી રાખેલી અમુક તોફાની લટોને આઝાદ કરીને નાજુક ચહેરા પર રમતી મૂકી દીધી. ઘડીયાળમાં નજર નાંખી તો હજુ ૧૨.૩૦ જ થયેલા. હજુ તો કલાકનો સમય કાઢવાનો હતો. કામકાજમાં મગજ જ નહોતું ચોંટ્તું. આ સમય આટલો ધીમો કેમ ચાલે છે આજે..!

 

ત્યાં તો એની નજર જમણાં હાથની પહેલી આંગળીના નખ પર પડી. યાદ આવ્યું-સવારે જ દાળનો ડબ્બો ખોલતાં ખોલતાં અદધો તૂટી ગયેલો.

 

તરત જ પર્સમાં રાખેલું નેઈલકટર કાઢી એ નખ ફાઇલ કરીને સરખો શેઈપમાં કરી દીધો. રખે ને આકાશની નજર આની પર પડે તો પોતે કેવી અણધડ લાગે …!

 

શિલ્વી બે પળ તો અવાચક થઈ ગઈ..આ પોતાની જોડે શું થઈ રહ્યું છે ? એક નેટમિત્રને મળવા જવા માટે પોતે આટલી કોન્શિયસ કેમ થઈ ગઈ છે? પોતે કેટલી સુંદર લાગી શકે છે કે સુધડ છે એવું આકાશને બતાવીને શું કામ હતું કે પછી એક સામાન્ય સ્ત્રી જેવી જ હોટલમાં જવા માટે નોર્મલ તૈયાર થવાની ક્રિયાઓ હતી આ…ના એનાથી કંઇક વધારે હતું એ તો ચોકકસ. દિલ સમજતું હતું એ વાત દિમાગ સ્વીકારવાની ધરાર ના પાડતું હતું.

 

છેલ્લે ૧.૦૦ વાગ્યાની આસપાસ ટેબલ પર બધું સરખું કરી, પોતાની ફ્રેન્ડ રાખીને ‘લંચ લઈને આવું છું’ કહીને પર્સ લટકાવતી ઓફિસની બહાર નીકળી. લગભગ ૧.૧૫ની આસપાસ તો ઘરોંદા હોટલમાં પહોંચી ગઈ. ત્યાં જઈને એ થોડી સ્તબ્ધ થઈ ગઈ..આ શું..!! કેમ હોટલમાં અંદર બધું કાળું ધબ્બ છે. ભોંચક્કી થઈને એ બહાર જ ઊભી રહી ગઈ.

 

ત્યાં તો એની ઉપર ક્યાંકથી ગુલાબની પાંદડીઓની વર્ષા થઈ અને ‘હેપી બર્થ ડે ટુ યુ’ના સાદ સાથે બધી લાઈટસ ચાલુ થઈ ગઈ. સામે જ લાઈટ  બ્લેક લીનનના શર્ટ અને બેઈઝ કલરના ટ્રાઊઝરમાં આકાશ ઊભો હતો. પૂરી છ ફૂટની હાઈટ ધરાવતો આકાશ બહુ હેન્ડસમ તો નહતો પણ એની ડ્રેસિંગ સેન્સ, સલૂકાઇભર્યુ સંયમશીલ વર્તન અને સપ્રમાણ કસરતી શરીર આ બધું એના વ્યક્તિત્વને સુંદર બનાવી રહ્યું હતું. એની હસવાની વિશિષ્ટ છટા પર શિલ્વી એક જ મિનીટમાં ફીદા થઈ ગઈ. ના તો બહુ દાંત દેખાય કે ના એકદમ હોઠ ભીંચેલા લાગે..એકદમ એના સ્વભાવ જેવું જ સંતુલિત એનું હાસ્ય.

 

આકાશ એક આનંદી સ્વભાવ ધરાવતો, મા બાપ વગરનો ફોઈ-ફુઆ જોડે રહીને ઉછરેલો છોકરો હતો. અનાથ છોકરાંઓ આમે જલ્દી સમજુ થઇ જતા હોય છે ! આકાશમાં પણ ૩૦ વર્ષની ઊંમરે ઘણી બધી સમજ હતી. એના ફ્રેન્ડ લિસ્ટમાં એના સમજુ,શાંત,આનંદી સ્વભાવને કારણે સ્ત્રીમિત્રોની સંખ્યા વધારે હતી.

 

એકાદ વર્ષથી એ શિલ્વીને જાણતો હતો. એના જવાબો પરથી, ફોટા પરથી શિલ્વીના મસ્તીખોર અને રોમાન્ટીક મિજાજનો અણસાર એને આવી ગયેલો. એને ઘણીવાર શિલ્વીને મળવાનું મન થતું. પણ શિલ્વીના ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ’ નેચરને બરાબર જાણતો હતો. જો એ છેડાઇ જશે તો કાયમ માટે ‘બાયબાય’ કરી દેશે એવી બીક લાગતી હતી. અમુક કોમન ફ્રેન્ડ્સ નેટ પર એ ‘દુર્ગાવતાર’ના ગુસ્સાનો સ્વાદ માણી ચૂકેલા.

પણ આજે શિલ્વીની બર્થડે હતી એટ્લે ‘જેવા પડશે એવા દેવાશે’વાળી કરીને થોડી હિંમત કમ દાદાગીરી કરીને શિલ્વીને લંચ માટે મનાવી જ લીધી.

 

સામે સ્કાય બ્લ્યુ રંગના પંજાબીમાં સજ્જ શિલ્વીનો ઢીલા ઢાલા રેશમી વાળનો કમર સુધીનો ચોટલો, એક અજીબ ઓરેંજ શેડસવાળા હોઠ,એની પરનો સ્પ્ષ્ટ દેખાતો કાળો નાનકડો તલ, વારે ઘડીએ એની હવામાં બેફિકરાઇથી ઊડતી વાળની અલકલટો, જે  એના ગાલ પર વારંવાર અથડાતી રહેતી હતી એ બધું ય જોઇને આકાશનું દિલ એક પળ માટે જાણે ધડકવાનું ભૂલી ગયું હોય એમ જ લાગ્યું. પોતાની જાતને બે છોકરાની મા કહેતી અને ૪૨ વર્ષની ઊંમર કહેનારી આ સ્ત્રી એક પણ એંગલથી ૨૮-૩૦થી વધુ ઊંમરની નહોતી લાગતી. મહાપરાણે નજર એના પરથી હટાવીને મેનુમાં પૂરોવી.

 

‘બોલો મેડમ, શું લેશો ?’

 

”કઇ પણ મંગાવી લો ને..”

 

“અરે, એવું થોડી ચાલે..ઓકે..ચાલો એ કહો કે તમને પંજાબી, સાઊથ ઇન્ડિયન કે ચાઇનીઝ એમાંથી શું ફાવશે?”

 

અને ધીમા સ્માઇલ સાથે શિલ્વીએ પંજાબી પર પસંદગીની ચોકડી મારી.

 

છેલ્લે પંજાબી શાક અને નાન,પાપડનો ઓર્ડર આપીને બેય વાતોએ વળગ્યાં.

 

શિલ્વી થોડીક બેચેન હતી. એની બેચેની એના ચહેરા પર સ્પષ્ટપણે છલકતી હતી. આમ કોઇ નેટ્મિત્ર, કોઈ અજાણ્યા પુરુષ સાથે એ ક્યારેય એકલી લંચમાં નહોતી ગઈ. એનો પહેરવેશ, વર્તન, બોલી ભલે બધુંય મોર્ડ્ન હોય પણ સ્વભાવથી એકદમ ભારતીય હતી. સ્પંદનનો પ્રેમ,વિશ્વાસ આ બધું એના માટે બહ મહત્વની વાત હતી. આજે કોઇ પરપુરુષ જોડે આમ એકલા બેસતા એના દિલના કોઇ ખૂણે સતત એક અપરાધની ભાવના ઉતપન્ન થતી હતી. ત્યાં તો આકાશે એના હાથ પર પોતાનો હાથ મૂકીને એને થોડી ઝંઝોડી,

 

‘હેલો..શિલ્વી..ક્યાં ખોવાઈ ગયા..?’

 

અને શિલ્વીએ એક ઝાટકા સાથે પોતાનો હાથ ટેબલ પરથી ખેંચી લીધો. એને આકાશ પર થોડો ગુસ્સો આવી ગયો. એ આમ મારો હાથ પકડવાની હિંમત કઈ રીતે કરી શકે અને વળી સંબોધન પણ ફક્ત ‘શિલ્વી’..!!

 

પણ પોતાનો એ ગુસ્સો એ જાહેર ના કરી શકી અને ખોટું ખોટું હસતાં બોલી,

 

‘કંઇ ખાસ નહીં. બસ.નેટના કોઈ પણ મિત્રને ક્યારેય મળી નથી ને એટલે થોડું અજુગતું લાગે છે. બસ’

 

આકાશ પણ એના બોલાયા વગરના શબ્દોને સમજતો ચૂપ થઇ ગયો.

 

ત્યાં તો અજાણતાં જ ટેબલની નીચે શિલ્વીના પગ સાથે એનો પગ અથડાયો. એ પછી એણે પોતાનો પગ પાછો ખસેડવાની સહેજ પણ તસ્દી ના લીધી અને શિલ્વી..ના કશું બોલી શકી કે ના સહી શકાય જેવી હાલતમાં મૂકાઇ ગઈ. વિચારમાં પડી ગઈ કે,આ આકાશ જાણી જોઈને આવું વર્તન કરી રહ્યો છે..ના, પણ એના ફેસ પર તો એક્દમ નોર્મલ હાવ ભાવ છે..!!

 

એના આ સ્પર્શથી પોતાના દિલમાં કંઇક ભીનુ ભીનું શું લાગી રહ્યું હતું. આમ ને આમ એક કલાક પળ વારમાં પતી ગયો.

છેલ્લે આકાશે શિલ્વીના હાથમાં એની મનપસંદ ‘ટેમ્પ્ટેશન’ની કેડબરી પકડાવી દીધી. અરે..આ તો મારી ફેવરીટ કેડબરી..આને કેવી રીતે ખબર..ઓહ..એણે એક્વાર ચેટમાં એમ જ આને કહેલું. આટલું બધું ધ્યાન રાખે છે આ મારી નાની નાની વાતોનું..અમેઝિંગ !!

કેડબરી લઈને,થેન્ક્સ કહીને ઊભી થવા જતી હતી ત્યાંજ આકાશે અનાયાસે એનો હાથ પકડી લીધો;

‘ હું તમને ઓફિસ સુધી મૂકી જઊં છું ને.. વેઈટ.’

 

ખબર નહીં કેમ પણ, શિલ્વી આ વખતે પોતાનો હાથ ના છોડાવી શકી.ઊલ્ટાનું આ સ્પર્શે એના લાગણીના છોડ પર એક ગુલાબ મહેંકાવી દીધું.જોકે ગુલાબ સાથેના કાંટા એ ના જોઇ શકી.ત્યાં શિલ્વીના સ્વભાવની ‘ના ગમે એ નહીં જોવાનું..જિંદગીને ભરપૂર માણી લેવાની..’ શાહમ્રુગવૃતિ જોર કરી ગઈ.આજને ભરપૂર જીવી લેવાની, દુનિયાના બધા રંગોનો અનુભવ કરી લેવાનો.

 

પોતાના પાગલ સપનાઓ, અધૂરી ઇચ્છાઓની દુનિયા શિલ્વીએ બહુ જ સાચવીને તાળું મારીને દિલના એક ખૂણામાં ધરબી રાખેલી. એ આજે આકાશના સહવાસમાં તક મળતાં જ જોર કરીને બહાર આવી જ ગઈ.

 

ક્રમશઃ  

પુરસ્કાર


મારા લખવાના પૅશનનો મને સૌથી ગરવો-સંતોષકારક પુરસ્કાર
માર દીકરાને વાંચવાનો
અને
મમ્મીને એમની ડાયરી લખવાની
ટેવ પડી ગઈ છે..
-સ્નેહા પટેલ

કહુંબા


દુઃખ- દર્દ- સુખ બધાય કહુંબા હવે શબ્દોમાં લખીને જ ઘોળવાના…બોલવાની આઝાદી તો દુનિયાએ ક્યારની છિનવી લીધી છે…

સ્નેહા પટેલ

સર્જન


સર્જન અને મન:સ્થિતિ એક સિક્કાની બે બાજુ છે.

– સ્નેહા પટેલ

સ્વીકાર


અપેક્ષાઓ કાયમ આપણને જીવંત રાખે છે. એનો જન્મ કે મરણ આપણા હાથમાં ક્યારેય નથી હોતા – માટે પરિસ્થિતીઓનો સમજદારીપૂર્વકનો સ્વીકાર એ જ યોગ્ય રસ્તો છે.

-સ્નેહા પટેલ

અપેક્ષા


તમારી અપેક્ષાઓની જવાબદારી તમારી પોતાની છે.

-સ્નેહા પટેલ

મેસેજીયા સંબંધો :


ખોડલધામ સ્મૃતિ મંદિરમેગેઝિન – આચમન કોલમ : માર્ચ, ૨૦૧૨..


એકવીસમી સદી.. ‘સુપર ફાસ્ટ’ જમાનો..

પહેલાં એવું કહેવાતું કે : ‘જે કામ કરો એમાં સો એ સો ટકા ધ્યાન આપો તો જ ‘સફળતા’ નામની દેવી તમને વરશે..!!’ પણ આજના ગળાકાપ હરીફાઇના જમાનામાં એક કામ પકડીને બેસી રહ્યે કંઇ પત્તો ના ખાય…!! જમાના સાથે તાલ મિલાવવા માટે માણસે એના ટાઇમ-જીવન મેનેજમેન્ટ માટે  એક સાથે ૩-૪ જગ્યાએ કામ કરતા શીખવું જ પડે છે. આ માટે માનવીએ પોતાના નાનકડા મગજ પાસેથી કામ લેવાની ક્ષમતામાં વધારો કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે છે… દુનિયાની દરેકે દરેક નાની નાની માહિતીથી સતત અપડેટ રહેવું પડૅ છે. આજના જમાનામાં આ બધા કાર્ય માટે માણસને ડગલે ને પગલે મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, આઇ પેડ જેવા ઇલેક્ટ્રિનિક રમકડાં દ્વારા નેટ, સોશિયલ સાઈટસ વાપરવા અનિવાર્ય થઇ ગયા છે.

એ પછી થાય છે માનવીનો શબ્દોની જાદુઈ-કરામતની દુનિયામાં પ્રવેશ…

શબ્દો… શબ્દો…શબ્દો…નકરા શબ્દોની દુનિયા..

શરુઆતમાં જરુરિયાતના કે ટાઇમપાસના ધોરણે વપરાતા  નેટનો અજગર માણસને એની આદતના સકંજામાં ભરડો લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે.વર્ચ્યુઅલ દુનિયા સાથે વાસ્તવિક જીવનમાં તાલ મિલાવવા માટે ના ઉધામામાં માનવીનો એક હાથ કોમપ્યુટરના કે લેપટોપના કી બોર્ડ પર ટક ટક કરતો  હોય તો..બીજો મોબાઇલના કી-પેડ પર…!! સામે જમવાની ડીશ હોય..ટીવી પણ ચાલુ હોય અને એની બાજુમાં સીડી પ્લેયર બિચારું મોઢું વકાસીને એની સામે તાકી રહ્યું હોય..વિચારતું હોય : ‘ફુરસતના સમયે સાંભળવાની મહેચ્છા સાથે ઠેકઠેકાણેથી ભેગી કરાયેલી મનગમતી સીડીના ખજાનાને ક્યારે ન્યાય આપશો..?’ આ બધામાં સતત અટવાયેલ રહેવાના કારણે સામે વધતા રહેતા ઓફિસના કે ઘરના પેન્ડીંગ કામોના ઢગલાઓ દાંત કાઢતા પડ્યાં હોય…!!

વર્ચ્યુઅલ દુનિયાના સંબંધોને મેઈન્ટેન કરવામાં સૌથી મહત્વનું પાસું હોય તો મિત્રોના મેસેજના જવાબ સમયસર કાળજી પૂર્વક આપવાના.

‘વેર આર યુ’

‘શું કરે છે..’

‘મારું ફેસબુકનું (૪-૦૨-૨૦૦૪ ના રોજ સ્થપાયેલ આ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ એક હેકર હતાં. અત્યારે ફેસબુકની કિંમત લગભગ ૧૦૦ અબજ ડોલર {!!!} જેટલી આંકવામાં આવે છે)  સ્ટેટસ / ટ્વીટર પર ટ્વીટ વાંચ્યું/વાંચી કે…? વાંચીને રીટ્વીટ કે કોમેન્ટ્સ જરુરથી કરજે’

‘મારી રચના/ લેખ/ વાર્તા બરાબર છે કે..એક નજર બ્લોગ પર નાખજે ને…લિંક મોકલું છું અને હા કોમેન્ટ જરુરથી કરજે..’

શબ્દોમાં હસવાનું,રોવાનું,ગુસ્સે થવાનું, ઝગડવાનું, મિત્રતા કરવાની,પ્રેમનો એકરાર કરવાનો, સ્વીકાર કરવાનો, છૂટાછેડા લઇ લેવાના,પેચ અપ કરી લેવાનું..૧૪૦ અક્ષરો સુધીના મેસેજમાં  અભિવ્યક્ત થવાની રજા આપનાર ટ્વીટર હોય,યાહુ કે ગુગલમાં ચેટીંગ હોય, ફેસબુક કે પછી માનવી્ની અંગત ડાયરીનું સ્થાન લઇ લેનાર બ્લોગ..આ બધાએ એકવીસમી સદીમાં શબ્દોનું મહત્વ વધારી દીધું છે એ વાત તો ચોકકસ.

મિત્રોની આ માંગને સમયસર પહોંચી વળવાના પ્રયત્નોમાં એ મોબાઈલમાંથી નેટ ઓપરેટ કરવાના ચકકરોમાં ફસાય છે..ચોવીસ કલાક અવેઇલેબલ…૨૪ x ૩૬૫ ‘એટ યોર સર્વિસ’ જેવી આ ફેશનના ફળસ્વરુપે ભેટમાં મળે છે ટાઇમ – કટાઇમના મેસેજીસ, પ્રશ્નો, પર્સનલ અટેન્શન માંગનારાની અપેક્ષા સંતોષવાની જવાબદારીઓ. સવાર હોય કે બપોર, સાંજ કે રાત..બધાયની આગળ ‘ગુડ-ગુડ’નું ટેગ લગાડી લગાડીને મેસેજીયા દોસ્તારોને શુભેચ્છાઓ પાઠવ્યા રાખવાની..એકના એક શબ્દો-મેસેજીસ ગ્રુપમાં બધાં ફ્રેન્ડસને એકસાથે મોકલે રાખવાના.

આમાં ઘણી વાર મજાની વાત તો એ થાય કે સવારના  ‘ગુડ મોર્નિંગ’ માટે વિશ કરેલો મેસેજ બપોરે ફોરવર્ડ થાય તો પણ એ ‘મોર્નિંગ’ એડીટીંગ રહી જાય અને ભરબપોરે આપણી સવાર પડે.  નેટ ‘મેસેજ સાઈટ’ પરથી આવતા મેસેજ છોગામાં મિત્રનો મોબાઇલ નંબર પણ લખાયેલ લેતો આવે છે. હવે  ઉતાવળમાં એ નંબર એડીટ કરીને કાઢી નાંખ્યા વગર મેસેજ ભૂલથી બીજા મિત્રોને ફોરવર્ડ કરી દઈએ તો…તો આપણો મેસેજ સાઈટવાળા મિત્રના મોબાઇલનંબર સાથે જ બધાંય મિત્રોના મોબાઇલમાં જતો રહે છે..( ના સમજાણું ને..ફરીથી વાંચો..આવા લોચા લાપસી તો  આજ કાલ મેસેજ વર્લ્ડમાં એકદમ કોમન છે..!!) વળી અમુક મિત્રો એક જ ગ્રુપમાં હોય એ જાણી જાય કે ‘ઓહ.રાજુ પણ આને રેગ્યુલર મેસેજ કરે છે એમ ને…અને આ મિત્ર તો આપણને કહેતો હતો કે એ તો રાજુ જોડે બોલતો જ નથી..” ્બધી પોલ ખુલ્લી પડી જાય ..પછી ચાલુ થાય મેસેજયુધ્ધ…ફલાણા – ઢીંકણાને સફાઇઓ આપવામાં ને આપવામાં વચ્ચેનો મિત્ર બિચારો ધોવાઇ ધોવાઇને કધોણો થતો જાય.

અમ્રુત ઘાયલ સાહેબનો એક શેર યાદ આવી ગયો,

‘આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું

છે શબ્દ ચક્ર કૃષ્ણનું, બાણ રામ નું …”

આવું જ કંઇક..

આ ‘મેસેજવર્લ્ડ’માં તો એવું જ સમજી લેવાય છે કે મેસેજના જવાબ સમયસર આપવાના કામ સિવાય દુનિયામાં કોઇ અગત્યનું કામ વધ્યું જ નથી અને વળતા રીપ્લાયની પઠાણી ઉઘરાણી જ કરાય.. મોડું થાય કે ધ્યાન બહાર ગયું તો તો પત્યું..

‘મારા સવારના મેસેજનો રીપ્લાય હજુ સુધી નથી આપ્યો..એવો તો ક્યાં બીઝી છું તું..?’

જાણે આપણો મોબાઇલ નંબર આપ્યો કે સોશિયલ સાઈટ્સ પર મિત્રવર્તુળમાં સામેલ કર્યા એટલે પર્સનલ ડીટૅઇલ્સ માંગવાનો.. દરેક અપેક્ષિત જગ્યાએ રીસ્પોન્સ મેળવવાનો પરવાનો આપી દીધો હોય..!!

‘ધૂની’ માંડલિયા જેવા દિગ્ગજ કવિએ આવી પરિસ્થિતિ નિહાળીને જ લખ્યું હશે કે,

‘શબ્દ જયારે પણ સમજણો થાય છે

અર્થ ત્યારે કંકુવરણો થાય છે ‘

ઘણા મિત્રો ઈમેઇલ દ્વારા પર્સનલ જવાબ માંગવાની ખેવના રાખતા હોય છે. એમાં પણ જે દિવસે મેઈલ થાય એ જ દિવસે જવાબ અપાય તો જ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ.વળી એકદમ પરફેક્ટ સંબોધન , વિગતવાર નાની નાની વાતોને પણ ધ્યાનપૂર્વક આવરી લેવો પડે અને એક મોટો મસ ટાઇપીંગ વાળો (ઓછા શબ્દોમાં વધુ સમજનારો વર્ગ કેટલો..?) ઇમેઈલ હોય..થોડો પર્સનલ ટચ આપવા વ્હાલભર્યા બેચાર વાક્યો હોય તો તો અહાહા..એ તમારો મોટૉ ફેન..ના ના એસી થઈ જાય અને પછી ચાલુ થાય રોજના ઇમેઇલના ઢગલાં.

દરેક જગ્યાએ બધાને સતત ‘ પર્સનલ અટેન્શન’ મેળવવાનું એક વ્યસન થઈ ગયું છે.. પછી એ ઘર હોય , બહાર હોય કે નેટ હોય…:

“સાંભળો સાંભળો..ધીરજ રાખીને મને સાંભળો..અમારી તકલીફો સમજો..અમને આશ્વાસન, પ્રેરણા આપો.ભલે તમે પોતે અનેકો તકલીફોમાં સંડોવાયેલા હોવ..તમે ઢગલો કામમાં ફસાયેલ હોવ તો પણ અમારો મેસેજ આવે એટલે તરત તમારો રીસ્પોન્સ તો જોઇએ જ…તમારી રોજી રોટી કે તમારા પરિવારની, સંબંધીઓની અગ્રિમતા કરતાં અમારા જેવા મેસેજીયા મિત્રોનો હક સૌથી પહેલો. અમે તમને મેસેજ કરીએ એટલે અમને ‘યેન કેન પ્રકારેણ..’ તરત જવાબ જોઇએ જ ..એ ના મળે તો અમે તમને ગમે ત્યારે ફોન કરી દઈશું જે તમારે ગમે ત્યાં હો તો પણ ઉપાડવો તો પડશે જ …ભૂલે ચૂકે અમારો ફોન કટ કરો તો પાછા એની ચોખવટ કરતો મેસેજ વળતા જવાબમાં જોઇએ એટલે જોઇએ જ ..નહીં તો અમારું સંવેદનશીલ સ્વમાન- ભંગ થઈ જાય…!!!”

અરે ભલા માણસ..પેલો બિચારો ડ્રાઇવ કરતો હોય તો તમારો ફોન ના ઉપાડી શકે કે મેસેજના રીપ્લાય ના કરી શકે , તો તમે થોડી ધીરજ રાખીને એના ફ્રી થવા સુધીની રાહ ના જોઇ શકો…? એના બદલે એ સંવેદનશીલ સ્વમાનવાળા મિત્રના મગજમાં જાતજાતની શંકાઓના કીડા ખદબદ થવા લાગે.. જે છેલ્લે ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય

‘અરે..એ બીઝી છે તો અમે થૉડા નવરાધૂપ છીએ..અમારે પણ હજારો કામ કાજ છે..એવા તો કેવા અભિમાન વળી..’

વાતમાં કંઇ માલ હોય નહીં પણ માનવીની નકારાત્મક વિચારપ્રક્રિયા એને જાતજાતના વમળમાં ધકેલી દે અને એ એમાં ગોળ ગોળ ઘૂમરાયા જ કરે બસ..જે દેખાય, સમજાય..એ જ સચ્ચાઇ..જવાબની અનિયમિતતા પાછળના કારણો સમજવાની તસ્દી લેવા જેટલી ધીરજ આજકાલ બહુ ઓછા માઇના લાલ ધરાવે છે. પરિણામે સંબંધોના ડિસેક્ષન થઈ જાય..તોડફોડ..ચીંથરે ચીંથરા..’તું નહી ઓર સહી’ આજના નેટ, સોશિયલ સાઈટ્સના જમાનામાં મિત્રોની ક્યાં કમી છે..એક કહેતા હજારો મળી રહેશે..પછી બધું નવું જૂનું ફગાવી , મેસેજથી ચાલુ થયેલ સંબંધને ‘ગુડબાય ફોરએવર’ના મેસેજની તિલાંજલિ આપીને એક નવા મેસેજીયા સંબંધની (શિકારની) શોધમાં નીકળી પડે છે..!!

મિત્રોની પળેપળનો હિસાબ માંગ્યા વગર થોડી  સમજણ અને ધીરજ દાખવવામાં આવે તો બે ય પક્ષે આ સંબંધ ખુશી આપનારો છે. બાકી તો આ ‘મેસેજ-સંબંધો’ની આયુ કાયમ અલ્પ જ રહેવાની..!!!

તા.ક.  : હમણાં થોડા સમય પહેલાં ટેલિકોમ સર્વિસવાળાઓએ નવી ટેલિકોમ સર્વીસ લાગુ પાડીને મેસેજપ્રેમીઓના ભાવુક દિલને એક આંચકો આપી દીધેલો. આ પોલિસી અનુસાર રોજના ૫૦૦ ફ્રી મેસેજના સેન્સેક્સનો ગ્રાફ સીધો ૧૦૦ સુધી પહોંચાડી દેવામાં આવ્યો.

-સ્નેહા પટેલ.

અનુભૂતિ: પ્રકરણ – ૧


ફૂલછાબમાં આજથી શરુ થતી મારી ‘એક માસની વાર્તા – અનુભૂતિ’નું પ્રકરણ – ૧

શિલ્વીની આજે ૪૨મી વર્ષગાંઠ હતી.જીંદગીના ચાર દસકા વટાવી ચૂકેલી અને બે છોકરાઓની મા શિલ્વી હજુ માંડ ૩૦ વર્ષની લાગતી હતી.

રોજની જેમ આળસ મરડીને સિલ્કનું ટુ પીસનું પીન્ક નાઈટ ગાઊન સરખું કરતાં કરતાં શિલ્વીની નજર બાજુમાં સૂતેલા સ્પંદન પર પડી. માસૂમ ચહેરાવાળો એને ખૂબ જ પ્રેમ કરતો એનો પતિ- સ્પંદન.

૬’ બાય ૬’ના વિશાળ ડબલબેડની એક  બાજુ રાતે સ્પંદને ગણીને આપેલા પૂરા બેતાલીસ ડાર્ક મરુન રોઝીઝ હતાં તો બીજી બાજુ મસમોટું બર્થડે કાર્ડ. સાઈડ ટિપોઈ ઉપર કેકની ડીશ, નાઇફ અને શેમ્પેઇનની બોટલ બધુંય રાતે બર્થડેની શાનદાર ઉજવણીની ચાડી ખાતું યથાવત હતું. કેક કાપ્યા પછી સ્પંદને એ બધું સમેટવાનો મોકો જ ક્યાં આપેલો પોતાને..!!  વિચારતા વિચારતા જ શિલ્વી મનોમન હસી પડી. સ્પંદનના પ્રમાણમાં થોડા વધારે લાંબા કાળાભમ્મર ઝુલ્ફા પંખાના પવનથી ઊડી-ઊડીને વારેવારે એના કપાળ પર આવી જતાં હતાં.માસૂમ ચહેરો વધુ મનમોહક લાગતો હતો. શિલ્વીએ હાથ લંબાવી પોતાની આંગળીઓ એ વાળમાં પરોવી દીધી. સૂતેલા સ્પંદન પર આમે શિલ્વીને જરા વધારે જ વ્હાલ આવી જતું. વાળ સહેલાવતા સહેલાવતા ધીમેથી નીચે ઝૂકીને સ્પંદનના કાનની બૂટ પર હળ્વું બચકું ભરી લીધું. સ્પંદન થોડો સળવળ્યો અને સપનામાં જ આ વ્હાલ અનુભવીને મરકી રહ્યો.

———–

શિલ્વી અને સ્પંદન.સારસ બેલડી. લગ્નના ૨૦ -૨૦ વર્ષ પછી બે -બે છોકરાઓની જવાબદારીઓ વધ્યાં પછી પણ શિલ્વી અને સ્પંદન વચ્ચે પહેલાં જેવો જ તરોતાજા પ્રેમ હતો. જીંદગીના તડકાં છાંયડા,ધોધમાર વરસાદ એમના પ્રેમને ફીકો નહોતી પાડી શકી. ઊલ્ટાનું સાથે રહીને એ મુસીબતો સામે ઝીંક ઝીલી ઝીલીને એમનો પ્રેમ વધુ પરિપકવ અને સમજુ બનેલો. જિંદગીના ઉતાર ચડાવો,અભાવો, તકલીફોએ એમની સહનશક્તિ વધારી દીધેલી.

ઇનશોર્ટ, શિલ્વી અને સ્પંદન એટલે ‘અમે બે અમારા બે જેવું એકબીજાને સાચવીને-સમજીને જીવતું આનંદી કપલ.

જોકે બેયના સ્વભાવમાં આસમાન જમીનનો તફાવત હતો. સ્પંદન સાવ જ સીધોસાદો અને મશીનો જોડે માથા ફોડતો રહેતો ટેકનીકલ માણસ. જ્યારે શિલ્વી નકરી સ્પનાઓની દુનિયામાં જીવતી એક્દમ સંવેદનશીલ નારી. સ્પંદનને શિલ્વી જેવું લાગણીસભર બોલતાં કે ઘણીવાર તો એની ગાંડીઘેલી વાતો સમજતાં પણ ના આવડે.પણ શિલ્વીનું અલ્હડપણું એને અનહદ ગમતું. કદી શિલ્વીને કોઇ વાતમાં રોકતો નહીં. એ ભલો ને એનું કામ ભલું. જ્યારે શિલ્વી,  પોતાની નાની નાની વાતો, અનુભૂતિઓનો દરિયો પણ સ્પંદન જોડે ઠાલવી દેવા તત્પર.

‘સ્પંદન આ જો..આજે આ નવું જીન્સ લઈ આવી મારા માટે. અત્યાર સુધી ૩૨ ઇંચની કમરની વેસ્ટવાળું જીન્સ પહેરતી હતી પણ આ વખતે ૩૦ ઇંચ પણ પરફેક્ટ ફીટીંગમાં આવી ગયું. લેટેસ્ટ ટાઈટબોટમવાળું જીન્સ..આમ તો ૧૬૦૦ રૂપિયાનું હતું પણ સેલમાં મને માત્ર ૧૦૦૦માં પડી ગયું..પૂરા ૬૦૦ રૂપિયા બચાવ્યા તારી બેટરહાફે આજે.   આજે મેં એક નવી ચ્યૂઇંગ ગમનો ટેસ્ટ કર્યો. કંઇક વિચિત્ર હતો બહુ ખ્યાલ ના આવ્યો કે શેના જેવો..પણ નવો ટેસ્ટ એટલે મજા આવી. આજ-કાલ આપણી ગેલેરીમાં રોજ સવારે શાર્પ આઠ વાગે એક સફેદ ક્બૂતર આવે છે. બહુ જ સરસ મજાનું છે. હું રોજ એની જોડે ઢગલો વાતો કરું છું. તું મને બહુ જ ચાહે છે એ પણ કહું છુ અને એ પણ જાણે બધું સમજતું હોયુ એમ મારી સામે ટગર ટગર જોતું ઘૂ-ઘૂ કર્યા કરે છે.હા..હા..બહુ મજા આવે છે એની જોડે ખપાવવાની.’

રાતે આકાશમાં તારાઓને ટગર ટગર જોયા કરતી અને એકદમ જ પોતાની ઓઢણી સ્પંદનની આંખો પર નાંખીને સ્પંદનને કહે કે,

‘જો..આ જે તારા છે ને એ મારી ઓઢણીમાં કેવી સરસ મજાની ભાત પાડે છે’. તો કોક વાર પૂનમનો ચંદ્ર જોઇને માસૂમિયતથી સ્પંદનના વાળમાં હાથ ફેરવતા ફેરવતા માસૂમિયતથી પૂછી બેસતી,’હે સ્પંદન આ ચંદ્ર આટલો ઊજળો,રુપાળો કેમ લાગે છે..મને લાગે છે કે એ આજે ફેશિયલ કરાવીને આવ્યો લાગે છે’ અને  ધડમાથા વગરની આવી વાતોથી સ્પંદન ખડખડાટ હસી પડતો. આખા દિવસના મશીનોના બેસૂરા અવાજો જોડે પનારો પડ્યાં પછી શિલ્વીની આવી નિર્દોષ વાતોથી એનો બધો થાક ઉતરી જતો. અને આટલી પોતે એની આટલી બક બક સાંભળી એના બદલા પેઠે શિલ્વીને પોતાની મજબૂત બાહોમાં ભીંસીને ચુંબનથી નવડાવી દેતો.

પોતાના રેશમી અધખુલ્લા કમર સુધી પહોંચતા વાળનો ઢીલો અંબોડો વાળી શિલ્વીએ એમાં એક બટરફ્લાય લગાડ્યું અને પથારીમાંથી ઉભી થઈ, ફટાફટ ઘરની સાફસફાઈ પતાવી છોકરાઓ અભિ અને શ્રેયાને ઉઠાડ્યાં. એ બેયના દૂધ-કોર્નફ્લેકસ, નાસ્તાના ડબ્બાં, ન્હાવાના પાણી એ બધાંની દોડમદોડ વચ્ચે પોતાની અને સ્પંદનની ચા મૂકીને સ્પંદનને ઉઠાડયો. છોકરાઓ પણ યુનિફોર્મમાં સજ્જ થઈ શિલ્વીને ગળે વળગતાં ‘હેપી બર્થડે ટુ યુ ટુ વર્લ્ડ’સ મોસ્ટ બ્યુટીફુલ મમા’ કહેતાં કહેતાં બે ચાર ઉતાવળી કીસ એના ગાલ પર ચીપકાવતા સ્કુલે ભાગ્યાં. ચા-નાસ્તો પતાવી છેલ્લે શિલ્વી નહાવા ગઈ.

આજે ખબર નહીં કેમ પણ એણે તૈયાર થવામાં થોડો વધારે સમય વીતાવ્યો. શિલ્વી થોડી ઘઊંવર્ણી હતી. પણ આટલા વર્ષે પણ એની એ ચામડીમાં અદભુત કુમાશ હતી. પાણીદાર કાળી કાળી આંખો અને એના હોઠનો કંઇક ઓરેંજ જેવો પકડતો કલર..આ બધું એને ગજબની આકર્ષક બનાવતું હતું. જોનારની નજર ઘડી બે ઘડી તો ચોકકસ અટકી જ જાય. એનો પ્રિય આસમાની કલરનો કલમકારી ભાતવાળો ખાટ્લાવર્ક ભરેલો પંજાબી સૂટ પહેર્યો. આંખો પર એજ શેડની લાઈનર, આસમાની કલરનો નાજુક ડાયમંડવાળો ચાંદલો અને બેય હાથમાં એક એક ડઝન કાચની એની મનગમતી બંગડીઓ ચડાવી. છેલ્લે એના રેશમીવાળને એક રબરબેન્ડમાં બાંધીને પોનીટેઇલમાં કેદ કરી દીધા અને કાનમાં લાંબા આસમાની અને વ્હાઇટ મોતીના કોમ્બીનેશનવાળા ઝુમખાં પહેર્યાં. આજે એની બર્થ ડે હતીને..કદાચ..એટલે જ એ આટલું સજી ધજીને તૈયાર થયેલી. છેલ્લે એક નેચરલ શેડવાળી ગુલાબી લિપસ્ટીક પણ હાથમાં લીધી અને પાછી મૂકી દીધી..ના ના…થોડુંક વધારે થઈ જશે રહેવા દે. ઓફિસમાં જ જવાનું છે ને. અને થોડી મસ્તીના મૂડમાં જાતને અરીસામાં જોઇને એક આંખ મારીને ‘પોતે જાતના ગળાડૂબ પ્રેમમાં છે’ ની સાબિતી આપતી અરીસાની શિલ્વી સામે એક ફ્લાઇંગ કીસ ફેંકી દીધી અને ઓફિસે જવા નીકળી.

આજે રસ્તામાં બધાની નજર થોડી વધારે પડતી જ પોતાના તરફ ખેંચાતી જોઇને શિલ્વી થોડીક સભાન થઈ ગઈ. આ આજે કેમ પોતે આટલી આસમાની આસમાની તૈયાર થઈને નીકળી છે..!! રે,સાવ ગાંડી જ છું હું સાચે…સ્પંદન અમુક સમયે જે કહે છે એ એકદમ સાચું છે –

‘આટલા વર્ષે પણ મારામાં સાવ છોકરમત અકબંધ છે.’

ઓફિસે પહોંચીને ફટાફટ થોડું રુટીન કામકાજ પતાવ્યું અને તરત એનો હાથ કોમ્પ્યુટરના કીબોર્ડ પર ગયો. નેટ ખોલીને ફેસબુક, જીમેલ, યાહુ, ટ્વીટર બધી સાઈટ્સ ફટાફટ ઓપન કરી નાંખી.

ત્યાં તો ઓફિસનો સ્ટાફ હાથમાં મોટો બુકે લઈને એને બર્થડે વિશ કરવા આવી પહોંચ્યો. બધાંયને સ્મિત સાથે આવકારીને ચા કોફી અને નાસ્તો કરાવીને ફટાફટ ભગાડ્યા અને છેલ્લે હાશનો એક શ્વાસ લઈને એણે ફેસબુકમાં લોગઈન કર્યું. એને પોતાની આટલી અધીરાઈ પર થોડી નવાઈ પણ લાગી. એને વળી આ નેટ – બેટના વ્યસનોની ક્યાંથી ટેવ પડી જવા લાગી..એ તો નેટની દુનિયાની સખત વિરોધી હતી.

પોતાની ૧૭ વર્ષની દીકરી શ્રેયાએ જયારે ફેસબુકમાં એકાઊન્ટ ઓપન કરેલું ત્યારે એક પેરેન્ટસ તરીકે એનું ધ્યાન રાખવા જ, ફેસબુક વાપરનારા થોડા મિત્રોની મદદથી શિલ્વીએ પણ ફેસબુકમાં એકાઊન્ટ ખોલેલું. . જોકે શ્રેયાને એ પોતાની પ્રાઈવેસીના હક પર તરાપ મારવા જેવું લાગતા ધરાર એને  ફ્રેન્ડ લિસ્ટ્માં એડ નહોતી કરી એ વાત અલગ હતી. એ પછી શિલ્વીએ રોજબરોજની જિંદગીને લગતી માહિતીઓથી અપડેટ રહેવા જ નેટ વાપરવાનું ચાલુ રાખેલું. પણ આ અધીરાઇ પાછળનું કારણ …કારણ તો સામે જ હતું પણ શિલ્વીનું મન એ સ્વીકારવા તૈયાર નહોતું બસ…!

એણે થોડી બેકરારીથી પોતાની વોલ પર કોઇ નામની શોધ આદરી પણ અફસોસ..ત્યાં કંઈ નહોતું. આટલી અધીરાઇથી કોની પ્રતિક્ષા હતી શિલ્વીને..?

‘આકાશ’.. છેલ્લાં એક મહિનાથી આ આકાશ નામનો ફ્રેન્ડ એને ફેસબુકમાં ટાઇમ ટુ ટાઇમ દરેક સમય અને પળ વિશ કરતા અવનવા કાર્ડસ, મેસેજીસ અને મેઈલ મોક્લતો રહેતો હતો. સામે એની કોઇ જ અપેક્ષા નહીં. શિલ્વીએ એ મેસેજીસ જોયા..લાઈક કર્યા, સામે રીપ્લાય કર્યો કે નહીં એવી કોઇ જ કમ્પલેઇન નહીં. બસ એ પૂરી પ્રામાણિકતાથી,નિયમિતતાથી પોતાનું મેસેજીસ સેન્ડ કરવાનું કામ કરે જતો હતો.

શિલ્વીએ એનું ‘આકાશ’ નામ જોઈને જ એને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં એડ કરેલો.

એને આકાશના-નભના અલગ અલગ સમયના જાતજાતના શેડ્સ,એમાં ઊંચે ઊંચે સુધી ઊડતા પંખીઓની હારમાળાઓ, એની વિશાળતા, વાદળોથી રચાતા જાતજાતના આકારો..બધુંય અનહદ આકર્ષતું. એટલે જ એનો પ્રિય રંગ પણ આસમાની હતો. આકાશ અજાણ્યો હોવા છતાં એના નામના લીધે જ એની જોડે વાત કરતી. બાકી એ નેટ પર જલ્દી કોઇની સાથે બહુ વાતચીત કરવામાં ઇન્ટરેસ્ટ નહોતી લેતી.

સામે પક્ષે આકાશ પણ એક્દમ સંયમશીલ અને વિવેકી છોકરો હતો. વાતચીતમાં કાયમ એક અંતર રાખીને જ વાત કરતો. જોકે કાલે એણે અપ્રત્યાશીત રુપે એક ડગલું આગળ વધીને શિલ્વી જોડે એનો મોબાઇલ નંબર માંગવાની ગુસ્તાખી કરી દીધેલી. જેના જવાબમાં એક વર્ષના વર્તન દ્વારા મનોમન એને સાફ દિલ કેરેકટરનું સર્ટીફીકેટ આપી ચૂકેલી શિલ્વીને પોતાનો નંબર એને આપવામાં ખાસ કોઇ હેઝીટેશન ના થયું.

આકાશનો કોઇ જ મેસેજ ના દેખાતા  છેલ્લે શિલ્વીએ લ્હાય જેવો નિઃસાસો નાંખીને થોડીક નિરાશા સાથે ટેબલ પર પડેલ કોફીની ચૂસકીઓ લેવા માંડી.

ઇમેઇલ, ટ્વીટર, ફેસબુક..બધે મિત્રોની ઢગલે ઢગલા શુભેચ્છાઓ પણ એક મનગમતી શુભેચ્છા વગર એ બધી ફીકકી લાગતી હતી. આકાશને મન પોતાની બર્થડેનું કોઇ મહત્વ જ નહીં હોય કે શું?  મનગમતી વ્યક્તિ જ બર્થડે વિશ ના કરે તો આવા દિવસની મજા જ શું રહે ? કાલે તો કેટલી ડીસન્ટલી  પોતાની પાસેથી મોબાઇલ નંબર માંગેલો…!! ચાલ મોઢું ધોઇ લેવા દે..થોડી ફ્રેશ થઇશ વિચારીને વોશરુમમાં જવા માટે ઉભી થઈ ત્યાં તો એનો સેલ રણકી ઉઠ્યો. ચમકીને એક નજર એ તરફ નાંખતા જ કોઇ unknown no. દેખાયો.. ખબર નહીં કેમ પણ એની છાતી એક તીવ્ર અંદેશાથી ધડકી ઉઠી. મનગમતી ધારણા સાથે ધીમેથી

‘હેલો’ના શબ્દો મોબાઇલમાં સરકાવી દીધા.

ક્રમશઃ  

 


પ્રેમના સમીકરણો


ફૂલછાબ > નવરાશની પળ > ૭-૦૩-૨૦૧૨ નો લેખ.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,

હર ઝેર પીનારા શંકર નથી હોતા.

– કમલેશ સોનાવાલા –

Top of Form

Bottom of Form

‘રીકીનમાં દયાનો છાંટો પણ નથી..સાવ જડસુ જ છે એ ‘

રીકીનના બધા મિત્રો, સંબંધીઓમાં રીકીન આ રીતે જ પંકાયેલો હતો. લગ્નજીવનના શરુઆતના સમયકાળ દરમ્યાન રીકીનને પોતાની પત્ની નિરાલી માટે અનહદ પ્રેમ હતો. પણ છેલ્લા થોડા વખતથી એની જડતાનો ઓછાયો નિરાલી પોતાના સાંસારિક જીવન પર અનુભવી રહી હતી..એ કાળા કાળા પડછાયા એને સતત બીવડાવતા રહેતા..

આજે નિરાલીને પિકચર જોવા જવું હતું અને રાબેતા મુજબ રીકીન પાસે સમયની તંગી..એજ કામના બહાના.!!  લગ્નના દસ વર્ષ દરમ્યાન એને પોતાની વાત મનાવવા માટેના ઢગલો ઉપાયો અજમાવી ચૂકેલી નિરાલીએ આજે બહુ જ વિચારીને એક નવો રસ્તો અપનાવ્યો એને મનાવવા માટે .પણ હાય રે નસીબ..એ આઈડીઆ પણ ફ્લોપ..!! પ્રેમ, ગુસ્સો, રીસામણા..બધાંયથી જાણે કે રીકીન સાવ પર થઇ ગયેલો ..પૈસા કમાવાની ધૂનમાં એ નિરંતર કોઇ બીજી જ દુનિયામાં જીવતો હતો, જેમાં નિરાલીની નાની નાની ખુશીઓ સંતોષવા માટેનો સમય લખાયેલો જ નહતો. નિરાલીનું ધૈર્ય હવે જવાબ દેવા માંડેલું. જેટલા જોરથી એ રીકીનને સમજાવવાનો યત્ન કરતી એનાથી બમણા જોરથી રીકીન નનૈયો ભણી દેતો. જેટલો સમજાવવાનો પ્રયત્ન કરતી એટલો વધારે એ જીદ્દી અને જડ થતો જતો હતો. પોતાના પ્રેમનો બદલો આમ નિષ્ઠુર નકારમાં જ મળતા નિરાલી હવે થોડી ભાંગી પડી હતી. રીકીન નામના આ છોડમાં સંવેદનાના ફૂલ ક્યારેય નહી જ ખીલે એવો વિચાર પણ એના જેવી લાગણીશીલ સ્ત્રી માટે કાળજું વલોવી કાઢનારો હતો..

છેલ્લા એક અઠવાડીયાથી રીકીન બહાર હતો..એકના એક દીકરા ઉર્વિનને સતત તાવ રહેતો હતો… રીપોર્ટો…ડોકટરો…દવાઓ..નિરાલી હવે થાકી..રીકીનના સાથની કમી એને તીવ્રતાથી સાલતી હતી.એને ફ઼ોન કરે તો ઉપાડે નહી.. મેસેજ કર્યા તો પણ નો રીપ્લાય.. :

’સાવ જ જડ છે આ માણસ.. પોતાનો સગો દીકરો અહીંઆ તાવમાં ધખે છે ને એ જો..છે એને કોઇ ફ઼ીકર..!!’

રીકીનના શિડ્યુલ મુજબ તો એને આવવાની હજુ ૪-૫ દિવસની વાર હતી. નિરાલી હતાશ થઈ ગઈ..સાવ ભાંગી પડી હતી.આમે ય એના જેવી સંવેદનશીલ નારીઓ માટે શારીરિક કરતાં માનસિક થાકનો થાકોડો વધુ હોય.

એવામાં ડોરબેલ વાગી ..

ઝડપથી ઊઠીને જોયું તો સામે રીકીન.. નિરાલીના ધીરજનો બધો બાંધ તૂટી ગયો અને બારણા વચાળે જ એને વળગીને એકદમ રડી પડી.

રીકીને એક હાથે બેગ નીચે મૂકી..બીજો હાથ નિરાલીના વાળમાં ફેરવવા માંડ્યો..

‘શાંત થા..હું આવી ગયો છું ને..બસ…હવે જોજેને આપણો ઉર્વિન  ફ઼ટાફ઼ટ પથારીમાંથી ઉભો થઇ જશે..તું સહેજ પણ ચિંતા ના કરીશ..ચાલ, એક ગ્લાસ ઠંડુ પાણી લાવ તો..’

નિરાલી તો આભી જ બની ગઈ. પાણીનો ગ્લાસ લાવીને રીકીનને આપ્યો અને એની સામે આંખનું મટકું ય માર્યા વગર નિહાળતી રહી..

‘હેય  પાગલ..શું થયું…?”

‘કંઇ નહી..કેટલા વર્ષો પછી પ્રેમાળ અને કાળજી લેનારા રીકીનને જોઇ રહી છું ને..મને તો એમ કે આ જનમમાં તો એને મળવાનું સાવ જ ઇમ્પોસિબલ છે..પણ એ ધારણા ખોટી પડતી જોઇને ગમ્યું.’

‘નિરુ..હું પહેલેથી આવો નહતો તને  ખ્યાલ છે જ..આ તો સમય અને સંજોગોએ મને હથોડા મારીને ટીપી ટીપીને આવો બનાવી દીધો છે..આખરે હું પણ માણસ છું.. મને તારી જેમ લાગણી બતાવવાનું નથી ફ઼ાવતું. વળી ધંધામાં આવા લાગણીવેડા ના ચાલે..એમાં તો નકરી શતરંજી બાજીઓ જ રમવાની હોય.એટલે  ચોવીસ કલાક મગજ એમાં જ પૂરોવાયેલ હોય.જેની થોડી ઘણી અસર રોજીંદી લાઇફ઼માં પણ દેખાઇ જાય..આ બધું તો ક્ષણિક હોય બાકી તું અને ઉર્વિન તો મારું જીવન છો.આખી દુનિયા સાથે ભલે હું જડ હોવું પણ તમારા બે માટે તો હું ક્યારેય લાગણીહીન ના થઇ શકું એટલો વિશ્વાસ રાખજે.. પ્રેમના સમીકરણો દરેક સંબંધે અલગ અલગ હોય..દરેક જગ્યાએ એક સરખી રીતે ના વર્તાય ડીયર..ચાલ હવે એક કપ કડક કોફી પીવડાવ ને મને ઉર્વિનના રીપોર્ટ્સ જોવા દે હવે…’

અને નિરાલી હસતા હસતા આંસુ લૂછ્તી લૂછતી રસોડા તરફ વળી..

અનબીટેબલ :  તમને કોઇ વ્યક્તિ સમજે એવું ઇચ્છતા હો તો, પહેલ કરીને થોડું એને પણ સમજતા શીખો.

સ્નેહા પટેલ

મનગમતું – ૨ખેતીની વાત > મારી હયાતી તારી આસપાસ, મનગમતું – ૨ > માર્ચ ૨૦૧૨.

https://akshitarak.wordpress.com/2012/02/15/managamatu-1/

ગતાંકથી ચાલુ..

થીયેટરમાંથી પિકચર જોઇને નીકળ્યા બાદ તેં મને ઘર સુધી છોડવા આવવાની વાત કરી અને મેં એના કોઇ જ અર્થઘટનોના ચક્કરમાં પડ્યા વગર સ્વીકારી લીધી.

રસ્તામાં આઇસક્રીમના પાર્લર પર તેં મને આઇસક્રીમ ખાવાની વાત કરી ..એક ઓર મનગમતી વાત.. ના તો કેમની પાડું..અને બેય જણ ટેબલની સામ-સામે આઇસક્રીમ લઈને ગોઠવાયા.

આજે મારી નજર તારી નજરનો સામનો જ નહતી કરી શકતી.. વારંવાર તારું ધ્યાન ના હોય ત્યારે છુપાઇને તને જોઇ લેવાની એ ચેષ્ટા પર મનોમન નવાઇ પણ લાગતી હતી કે તું તો મારો વર્ષો જૂનો મિત્ર..આ બધું મારી સાથે આજે શું થઈ રહ્યું છે..કંઇ જ સમજાતું નથી..

મારા હાથમાંથી આઇસક્રીમ પીગળી પીગળીને મારા ટી-શર્ટ પર પડવા લાગ્યો..પણ દિવાનીને એ ભાન જ ક્યાં..!! એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ.અડધો જમીન-દોસ્ત  ને અડ્ધો તેં એને બચાવવા લંબાવેલા હાથ પર પ્રસરી ગયો..તું ખડખડાટ હસી પડ્યો ને તોફાની સ્વરમાં બોલી ઉઠ્યો,

‘ખરી છે તું પણ..લિફ્ટમાં મારા ગાલ તારા ગરમાગરમ, અસ્ત-વયસ્ત શ્વાસોચ્શ્વાસથી ભરી દીધેલા અને અત્યારે મારો હાથ ઠંડા ઠંડા આઇસક્રીમથી..’

અને હું શરમથી રાતીચોળ..પાછું મનમાં એક વિચારે ચૂંટીયો ખણ્યો : ‘તારી આ વાતોનો સંદર્ભ હું સમજું છું એ જ છે કે આમાં પણ હું મારી મચડીને મનગમતો અર્થ શોધુ છું..?’

ત્યાં તો અચાનક તું ઉભો થઈને મારી બાજુની ખુરશી પર બેઠો..મારો હાથ પકડી લીધો અને બોલી ઉઠ્યો,

‘એક મીનીટ મારી આંખોમાં જો મારે તને કંઇક કહેવું છે..’

નજરથી નજરનો તાર સંધાયો..

‘તું મને ગમે છે…બહુ જ ગમે છે… પહેલી મુલાકાતથી ગમે છે.. શું તું મારી જીવનસંગીની બનીશ…? આ પીઘળતા આઇસક્રીમની સાખે તને વચન આપું છું કે તને હું મારા જીવથી પણ અદકેરી સાચવીને રાખીશ.દુનિયાની સર્વ ખુશીઓ તારા દામનમાં ભરી દઈશ..જો કે તારા પક્ષે ના પાડવાની પૂરી છૂટ છે. પણ એ પછી આપણે દોસ્ત નહી રહી શકીએ..કારણ જેને પ્રેમ કરતાં હોઇએ એને દોસ્ત તરીકે સ્વીકાર કરવો એ વાત સાવ જ પાયાહીન છે. તો હવે વિચારીને શાંતિથી જવાબ આપ..”

જવાબની માંગણીએ તારામૈત્રક તૂટી ગયું..

હું શું બોલુ..સાવ જ ચૂપચાપ..મારા દિલની વાત આમ સાવ જ બેશરમ થઈને કેમની કહી દઉં..આ અમૂલ્ય પળો મારા જીવનમાં પ્રથમ વખત અનુભવી રહી હતી.  મારા જીવનબાગમાં આ વસંત પહેલવહેલી વાર ખીલી રહી હતી..ચોતરફ સંવેદનાના નાજુક પુષ્પો ખીલી રહ્યાં હતાં. આ પળોને ભરપેટ માણી રહેલી. આંખોમાં નશીલો ઉન્માદ છવાઇ ગયો..રાતા રાતા ટશિયા એની ચાડી ખાઇ જતા હતા.

પ્રાર્થનાના ફ઼ુલ જેવી  પવિત્ર છે આ પળો,

આંખે અડાડીને  માથે ચડાવું છું આ પળો.

ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય,

આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફ઼ેલાય,

પ્રભુની લગોલગ પહોંચાડી દેતી,

બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…!!

તું પણ સાવ જ નાદાન..મારા દિલમાં પણ તારા માટે પ્રેમના અંકુર ફૂટી નીકળેલા એ વાત સમજી કેમ નહતો શકતો..મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું…..નજર નીચી અને પગનો અંગૂઠો સતત જમીન કોતરવામાં વ્યસ્ત…છેલ્લે પગનો નખ પણ થાકીને બેવડ વળી ગયો..તૂટી ગયો….!! આઉચ, શું થયું…અહ્હ..કંઇ નહીં એ તો…

તું પણ સાવ જ નાદાન..મારી પ્રેમોર્મિની ઉષ્મા તને સંવેદાતી કેમ નહતી, બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!!

અશબ્દ..અભિવ્યક્તિ..આ બેય વજનદાર પડની વચ્ચે મારી શરમ મને પીસતી રહી ત્યાં તો તારી ધીરજ ખૂટી ગઈ,

‘એક મીનિટ મારી આંખોમાં આંખો નાંખીને તો જો’

એ આદેશાત્મક ઘેરા અવાજના આકર્ષણમાં ખેંચાઇને મારી નજર તરત તારા ચહેરા તરફ ગઈ, પણ વળતી જ પળે પાંપણો લાજના ભારથી ઝુકી ગઈ.

‘નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે,

સાજન હો નયનની સામે અને

દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે.

‘તારા શારીરિક હાવભાવ સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે તારા દિલમાં પણ મારા માટે કંઇક તો છે જ..શું હું ખોટો છું..?’

‘….’

‘તો હું સાચો ને?’

‘……’

અને તું મારી વધારે નજીક આવ્યો.તારા શ્વાસ મારા ચહેરા પર અથડાવા લાગ્યા, મારા રુંવાડા ઉંચા થઈ ગયા, હૈયું એક ધબકાર ચૂકી ગયું, આંખો બંધ થઈ ગઈ ને એની કિનારથી આંસુની એક પતલી ધાર વહી ગઈ, હોઠ થરથરવા લાગ્યા પણ શબ્દો બહાર ના નીકળી શક્યા ને મારાથી મનોમન બોલાઇ ગયું..

આંખ બંધ કરું ને તું દેખાય,

આંખ ખોલું તો તું દેખાય,

મને તો બહુ સમજ નથી પણ,

લોકો કહે છે કે આને પ્રેમ કહેવાય..’

અને તેં નિર્ણયાત્મક રીતે મારો હાથ પકડી લીધો, મક્ક્મ અવાજે બોલ્યો..

‘તો આજથી આ નાજુક હાથ મારો.’

અને હું ના તો કંઇ બોલી શકી કે ના તો હાથ છોડાવી શકી..બસ વિચારી રહી,

‘બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે ત્યારે

એ બેયની ભાગ્યરેખાઓ પણ એક

થઇ જતી હશે કે..’

સૃષ્ટિ-નિયંતા તું પણ જબરો કારીગર છે હોંકે.. આંખ, કાન જેવા બાહ્ય આકારના અવયવોના કાર્ય વિશે તો હું પૂર્ણ રીતે જાણકાર હતી.પણ સૌથી મહત્વના અવયવ હ્ર્દયને તેં ગુપ્ત રીતે ચામડીના આવરણો હેઠળ ઢબૂરી દીધું.  આખે આખું તન જેની પર આધારીત એવા સૌથી નાજુક અંગ-હ્રદયમાં જીવન રક્ષક અને પોષક પ્રેમ-પદાર્થ મૂકીને તેં કમાલ જ કરી નાંખી છે.

એક પણ શબ્દ બોલ્યા વગર મારી હસ્તી જોડે જેના તાણાવાણા વણાવા લાગેલા એવી ‘મારી’..’તારી’…ના ના.. ‘આપણી’ નિર્દોષ-નિષ્છલ પ્રેમકહાનીના મંડાણ- અથશ્રી થયા..

‘કોઇ અક્ષત, કંકુના છાંટણે એને વધાવજો રે

રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે..’

સ્નેહા પટેલ – અક્ષિતારક

ઇશ્વર


 

દરેકમાં થોડાઘણા અંશે ઇશ્વર વસેલો છે એવી દ્રઢ માન્યતાના કારણે જ હું માનવીના સો અવગુણો છોડી એક ગુણમાંથી એને શોધી કાઢવા પ્રયત્નશીલ રહું છું.

સ્નેહા પટેલ

સરળતા


સરળતાને મૂર્ખતામાં ખપાવનારા જેવો મૂર્ખો બીજો કોઇ નથી.

– સ્નેહા પટેલ