ફૂલછાબ > એક માસની વાર્તા > ૨૧-૩-૨૦૧૨-ત્રીજો હપ્તો
સાંજે ઘરે આવ્યાં પછી સ્પંદન ફટાફટ નહાવા બાથરુમમાં ઘૂસ્યો અને શિલ્વીની બર્થે-ડે સ્પેશિયલ જેવો ‘મૂવી અને ડીનર’ના ગોઠવેલા પ્રોગ્રામ માટે તૈયાર થવાનું કહેતો ગયો.
છોકરાંઓ તો રાજીના રેડ. પણ શિલ્વી…એ તો જાણે કોઇ અલગ દુનિયામાં જ ગરી ગયેલી. સ્પંદન, છોકરાંઓ બધાંના શબ્દો એના કર્ણપટલ પર અથડાઇને પાછા જ વહી જતા હતાં.મગજ સુધી સંદેશો પહોંચાડતા જ નહોતા.
સ્પંદન અને છોકરાંઓ ઉતાવળે ઉતાવળે રેડી થઈ ગયા, પણ આ શું ? શિલ્વી તો હજુ એના પલંગ પર કોઇ બુક લઈને ઊંધી પડીને વાંચતી હતી. જોકે ધ્યાનથી જોતા સ્પંદને એનો બુક વાંચવાનો ડોળ પકડી પાડ્યો. એ બહુ જ નવાઇ પામ્યો. શિલ્વીનું આવું રહસ્યમય વર્તન..!! બાકી શિલ્વીને પિકચરોનો ગાંડો શોખ હતો, મૂવીનું નામ હોય એટલે ઘરમાં ખુશીઓનો પ્રલય આવી જતો. એ શિલ્વીની નજીક ગયો અને હળવેથી એના ખભે હાથ મૂકીને બોલ્યો,
‘શિલુ, શું થયું છે ? તબિયત તો બરાબર છે ને તારી ?”
અને શિલ્વીનો નશો જાણે એકદમ તૂટી ગયો. સચેત થઈને , અરે કંઇ નથી થયું મને. આ તો અમસ્તી થોડી થાકેલી એટલે જ્સ્ટ રીલેક્સ થતી હતી, બે મિનીટ બસ તૈયાર થઈને આવું છું અને જબરદસ્તીનું હાસ્ય મોઢા પર લાવીને એ તૈયાર થવા લાગી.
આકાશ સાથેની એ મુલાકાત ભવિષ્યમાં કેવા કેવા રંગ બતાવવાની હતી, ભાવિના પેટાળમાં શું ય છુપાયેલું હશે એ માસૂમને ક્યાં ખબર હતી. એ તો લપસણા મ્રુગજળીયા ઢાળ પર પૂરપાટ દોડતી હતી.
——————-
સ્પંદનને ખ્યાલ તો આવી જ ગયેલો કે શિલ્વી ક્યાંક ઉલઝાયેલી છે. આજે ડીનરમાં પણ એને ખાસ રસ નહોતો પડ્યો એ સ્પષ્ટપણે દેખાઇ આવતું હતું. પણ એ સીધો સાદો, નિખાલસ માણસ એની પત્નીને અનહદ ચાહતો હતો. હાથની હથેળીઓમાં સાચવીને જતન કરતો હતો. એણે કદી કોઇ જ બાબતમાં શિલ્વીને ટોકી નહોતી કે ક્યારેય કોઇ જ કચ કચ નહીં. એની શિલુ પર એને ભરપૂર વિશ્વાસ હતો.
સામે પક્ષે શિલ્વી પણ એકદમ માસૂમ અને નિખાલસ જ હતી. સવારથી માંદીને કે સાંજ સુધીની એક એક પળની વાતો એ સ્પંદન સાથે શેર કરતી. એમ ના કરે તો એને પેટમાં દુઃખે. સ્પંદનને ખૂબ પ્રેમ કરતી હતી.એણે ક્યારેય સ્પંદનને કોઇ જ કમ્પ્લેઇનનો મોકો નહતો આપ્યો.લગ્નજીવનને વિશ્વાસના અમી પાઈ પાઈને પ્રેમના પુષ્પોને હંમેશા તરોતાજા રાખેલાં. પોતાની પત્ની, માતા તરીકેની કોઇ જ મર્યાદા ક્યારેય નહોતી તોડી કે જવાબદારીઓથી ક્યારેય હાથ પાછા નહોતા ખેંચ્યા. પણ આ આજે ‘આકાશ’ નામના ત્રણ અક્ષર એના દિલોદિમાગ પર કબ્જો જ્માવીને બેસી ગયેલા. લાખ પ્રયત્નો છતાં એ પોતાના વિચારો પર કંટ્રોલ નહ્તી રાખી શકતી.
સૂતા સૂતા પડખું ફેરવ્યું તો એકદમ જ ઝબકીને પથારીમાં બેસી ગઈ. આ શું,એને બાજુમાં સૂતેલા નિર્દોષ સ્પંદનના ચહેરામાં આકાશનો ચહેરો કેમ દેખાવા લાગ્યો..આવું તો પોતે વિચારી પણ કેમ શકે? પોતે એક પરણેલી અને સુખી ઘરસંસાર ધરાવતી સ્ત્રી…જીવનમાં કોઇ જ ખાલીપો પણ નથી..તો આ બધું એની જોડે શું અને કેમ થઈ રહ્યું હતું ?
વિચારો ને વિચારોમાં પડખાં ઘસીને માંડ માંડ સવાર પડી ત્યારે એની રાતીચોળ આંખો અને થાકેલો ચહેરો આખી રાતના ઊજાગરાની સ્પષ્ટ ચાડી ખાતો હતો.
…………….
ઓહ..આજે માથું કેમ આટલું દુઃખે છે? કારણ નજર સામે સ્પષ્ટપણે આઇનો લઇને જ ઉભેલું પણ શિલ્વીથી એ સ્વીકારાતું નહોતું. કોઇ વિચિત્ર અપરાધભાવ જેવી ભાવના એને પીડી રહી હતી. શિલ્વી એક્દમ એક્સ્પ્રેસીવ સ્ત્રી હતી. એ પોતાની ખુશી કે દુઃખ, ગુસ્સો તરત જ જાહેર કરી દેતી. એક્દમ જ સરળ અને નિખાલસ,પ્રેમાળ અને કોઇની લાગણી ના દુભાય એની સતત કાળજી લેનારી સમજદાર સ્ત્રી. આ બધાથી એના વ્યક્તિત્વને એક પોઝિટીવ લુક મળતો. જેના આકર્ષણમાં એની આજુબાજુની દુનિયાના દરેક વય જૂથના લોકો આવી જતાં. એ સતત ઢગલો મિત્રોથી ઘેરાયેલી રહેતી. માણસોની ભીડમાં રહેનારી એક બહિરમુખી વ્યક્તિત્વ. આજે એને પોતાના દિલના ભાવ મોઢા પર આવતા રોકવા સતત એક તાણનો સામનો કરવો પડતો હતો.
એનું દિલ વારંવાર કાલે આકાશ સાથે ગાળેલા સમયની વાત સ્પંદનને કહી દેવા તરસતું હતું. પણ એ કયા શબ્દોમાં કહે..સ્પંદન કઈ જૂનવાણી માણસ તો નહતો જ.વિચારો અને વર્તન બેયથી એકદમ મોર્ડન હતો. પણ શિલ્વીનો અપરાધભાવ એને આવું કરતાં રોકતો હતો. એની જીભ પર મણમણના તાળાનો બોજ આવી પડેલો.
એવામાં જ શિલ્વીનું ધ્યાન ગયું, અરે..આ શુ ? રોટલીનો લોટ તો પોતે ક્યારનો બાંધી દીધેલો આ ફરીથી કથરોટમાં લોટ કાઢીને કેમ ઊભી રહી ગઈ. ગ્લાસમાં પાણી પણ લઈ લીધું..
વિચારોના તીવ્ર સબાકા માથામાં વાગવા લાગ્યાં. તરત જ એ બાથરુમમાં ભાગી. અને શાવર નીચે ઉભી રહી ગઇ. શાવરના પાણીના અવાજમાં એના હિબકાંનો ધ્રુજતો-થથરતો અવાજ દબાઇ જતો હતો. અલ્પવિરામ લઈ લેતો શ્વાસ, ડૂમો, વળી પાછા ઘૂમરીએ ચડતા વિચારો, દિલમાંથી લીલુછમ દર્દ પાણીની સાથે વહેવા માંડયું. રગ, ધમની શિરા બધુંય ફાડીને બહાર નીકળીને અટ્ટહાસ્ય કરતો અપરાધભાવનો રાક્ષસ..આ બધામાંથી બહાર આવતા શિલ્વીને લગભગ ચાલીસેક મિનીટ લાગી.
બહર નીકળી ત્યારે સ્પંદન એની ઓફિસનો સમય થઈ ગયો હોવાથી કોઇ જ ફરિયાદના શબ્દો વગર ચૂપચાપ ઓફિસે જવા નીકળી ગયેલો. આદિને નાન અને દમ આલુનું શાક બહુ જ ભાવતું હતું તો આજે એના માટે નાનનો લોટ બાધીને જવાનું વિચારેલું પણ હવે એવો સમય જ ક્યાં બચેલો ?
શિલ્વીને બહુ જ દુઃખ થયું. આકાશના ચક્કરમાં એ સ્પંદન અને છોકરાઓને ફાળવવાના સમયની બલિ ચડાવી દે છે. એ પણ ટીફીન લીધા વગર જ ઓફિસે જવા નીકળી ગઈ.
ઓફિસે પહોંચીને રોજની ટેવ પ્રમાણે એનાથી ફેસબુક ખોલાઇ જ ગયું. પોતાના આઈડીમાં લોગ ઇન થતાં જ એની આંખો અચરજથી ફાટી ગઈ. એની વોલ પર હોટલમાં એના ધ્યાન બહાર લેવાયેલા કાલના ફોટો ‘લિટલ સરપ્રાઇઝ ફોર યુ’શબ્દો સાથે એની હાંસી ઉડાવી રહેલાં.
આ ક્યારે..કોણે..એને આકાશ પર બહુ જ ગુસ્સો આવ્યો. એ આવું કરી જ કેમ શકે? એને આવો હક કોણે આપ્યો? નીચે લખેલી કોમેન્ટ્સ પરથી એને ખ્યાલ આવ્યો કે આકાશે આ બધું કામ હોટ્લના એક વેઈટરને પૈસા ખવડાવીને કરેલું. થોડી શાતા વળતા સ્ત્રીસહજ સ્વભાવને વશ થઈને પોતાના ફોટા જોવાની લાલચ રોકી ના શકાતા શિલ્વી એની પર ક્લીક કરવા લાગી.
એનો ફેઇસ ફોટોજનિક તો હતો જ. વળી આકાશે દરેક ફોટોગ્રાફ્સ જોડે રસદાયક કોમેન્ટ્સ પણ લખેલી.
‘શિલ્વી,તમારી કપાળ પર રમતી તોફાની અલકલટોએ વાતાવરણમાં જાદુ ફેલાવી દીધેલો.’
‘આ આસમાની રંગના ઝુમખાંમાં તમે અદ્ભુત લાગતા હતાં. આખે આખા આસમાની…સાચું કહું તો આસમાનમાંથી ઊતરી આવેલ એક પરી જેવા જ..’
‘તમારી પાણીદાર આંખો..રોજ કાજલ લગાવજો નહીં તો કોઇની નજર લાગી જશે એને..’
‘તમને જે એકવાર મળે એ ક્યારેય તમને ભૂલી ના શકે…હું પણ આપણી એ મુલાકાત ક્યારેય નહીં ભૂલી શકું..’
જેવું અલક મલક..’ અને શિલ્વી પાછી આકાશ તરફ વહેવા માંડી.એની જાણ બહાર જ એના હોઠ મરકવા લાગ્યાં.
એટલામાં મોબાઇલમાં રીંગ વાગતા એનો નશો તૂટ્યો. જોયું તો આકાશનો ફોન.
‘કેવી લાગી સરપ્રાઇઝ શિલ્વી?”
ના ઇરછવા છતાં શિલ્વીથી બોલાઇ ગયું, ‘અદભુત..’ એને ગુસ્સો કરવો હતો..નારાજગી જાહેર કરવી હતી પણ એનું વર્તન એના શબ્દો એની મરજી વિરુદ્ધ બળવો પોકારીને અલગ જ સૂર આલાપી રહેલાં.
હવે તને ક્યારેય નહીં મળું ના બદલે જ્યારે આકાશે પૂછ્યું કે, ‘આજે સાંજે મળી શકો થોડી વાર ? તો એનાથી ‘હા શ્યોર’ આમ જ બોલાઇ ગયું.
બોસ જોડે ખોટું બોલીને થોડી વહેલી નીકળીને એ રેસ્ટોરંટ્માં પહોંચી ગઈ. આકાશ હજુ આવ્યો નહતો. શિલ્વીના દિલ દિમાગમાં ફરી દ્વંદ્વયુધ્ધ થવા માંડ્યું..ના આ બરાબર નથી જ. શિલ્વી જવા માટે ઊભી થવા ગઈ અને ત્યાં જ એનું માથું પાછળથી આવી રહેલા આકાશ જોડે જોરથી અથડાયું અને એ પાછી ખુરશીમાં જ બેસી પડી.બે મિનીટ તો ચક્ક્રર આવી ગયાં.ભાનમાં આવતાં ખ્યાલ આવ્યો કે આકાશ એના માથાને ધીરે ધીરે સહેલાવી રહયો હતો અને એ ફરીથી બેભાન થવા લાગી. અવશપણે એ આ સ્પર્શની બંધાણી થવા લાગી હતી. એની અંદરની ડાહી ડાહી વાતો કરનારી શિલ્વી પર પેલી તોફાની તોખાર મસ્તીખોર શિલ્વીએ જબરદસ્ત ભરડો લેવા માંડયો હતો.આકાશે શિલ્વીનો હાથ પકડી લીધો. જે છોડાવવા શિલ્વીએ કોઇ જ કોશિશ કરી. બંને પક્ષે એક મૂક સહમતિની આપ લે થઇ ગઈ હતી.
ધીમેધીમે આકાશનો નખ શિલ્વીની મુલાયમ હથેળીમાં ખૂંપવા લાગ્યો. શિલ્વી ‘ના આકાશ,આ બરાબર નથી’ બોલતી બોલતી એ સ્પર્શના સાગરમાં ગોતા લગાવવા માંડી. અને અચાનક જ આકાશે એના હાથ પર એક તસતસતું ચુંબન ચોડી દીધું. શિલ્વી આખેઆખી ધ્રુજવા લાગી હતી. સોળ વર્ષની તપતી માટી પરના પહેલવહેલાં વરસાદની અનુભૂતિ થવા લાગી,મહેંકવા લાગી. સ્પંદન સાથેની નાજુક પળો પર આકાશનું આ એક ચુંબન ભારે થવા લાગ્યું.
છેવટે બધો ઝંઝાવાત એની આંખમંથી આંસુ બનીને વહેવા લાગ્યો. બેય જણ આ આંસુની ભીનાશથી હકીકતની દુનિયામાં પટકાઈ ગયા. અને શિલ્વી એક્દમ જ હાથ છોડાવીને ઊભી થઈને ત્યાથી નીકળી ગઈ.
રસ્તામાં મોબાઇલમાં આકાશનો મેસેજ્ બીપ બીપ થયો,
‘શિલ્વી માફ કરજે પણ તું એટલી રુપાળી છું કે મારો કંટ્રોલ ના રહયો. સોરી.’
‘આકાશ..ડોન્ટ ફીલ સોરી. બેય પક્ષ સરખા જવાબદાર છીએ. હવેથી આપણે ક્યારેય નહીં મળીએ જેથી આવી કોઇ વાતોના પુનરાવર્તનને અવકાશ રહે. બાય.’ ના ટુંકા જવાબ સાથે હવેથી આકાશને ક્યારેય નહીં મળવાના મક્કમ નિર્ધાર સાથે શિલ્વી ઘરે પહોચી.
ઘરે પહોંચી ત્યાં સુધીમાં તો મોબાઇલમાં આકાશના ૨-૩ મેસેજીસ ઉપરાછાપરી આવી ગયેલાં.
‘શિલ્વી જે થયું એ મને નથી ગમ્યું એમ તો નહીં જ કહું, મને પહેલેથી જ તારું તીવ્ર આકર્ષણ રહેલું જેને પાળ ના બાંધી શકાઈ. પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય એનો વિશ્વાસ રાખજે. મારે ફકત તારી દોસ્તી હશે તો પણ ઘણું છે.’
——
‘શિલુ, આ શ્રેયાને જોને. હમણાંની કેવું વર્તન કરે છે સમજાતું નથી. ભણવામાં પાછળ પડતી જાય છે. એના ફ્રેન્ડસ પણ કમ્પલેઇન કરતાં હતાં કે,શ્રેયા હવે અમારી જોડે બહુ હળતીમળતી નથી, એકલી એકલી કોઇ બીજી જ દુનિયામાં રહેતી હોય એવું લાગે છે, ખાવાપીવાના, ઊંઘવાના કે ઉઠવાના સમયનું પણ ઠેકાણું નથી રહેતું. આ ટીનેજરોની માનસિકતા સમજવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું જ છે’ બેડરુમમાં સ્પંદન શિલ્વીને કહી રહેલો.
“ડોન્ટ વરી સ્પંદન, આવું બધું ચાલ્યા કરે. મૂડસ્વીંગ્સ આવ્યાં કરે આ ઊંમરે. એ જાતે અમુક પ્રોબ્લેમ ઊભા કરશે અને જાતે જ બહાર આવશે. એમાંથી કાઢવા આપણે મદદ ઓફર કરીશું તો એને એમ લાગશે કે આ લોકો મારી લાઇફમાં ‘ઇન્ટરફીઅર’ કરે છે. હું સમય અને મૂડ જોઇને એની જોડે વાત કરીશ. તું ચિંતા ના કર મારા ભલા ભોળા પતિદેવ.” અને હસીને સ્પંદનનો હાથ પોતાના ગાલ પર દબાવીને એ ઊંઘી ગઈ.
સ્પંદન પણ એની વાત પર પૂરો વિશ્વાસ રાખીને એક હાશકારો અનુભવતો નિંદ્રાદેવીને શરણે થયો.
–ક્રમશઃ