ફૂલછાબ – એક માસની વાર્તા – અનુભૂતિઃ ભાગ – ૨
અનુભૂતિ ભાગ – ૧ વાંચવા માટેની લિંક
https://akshitarak.wordpress.com/2012/03/07/anubhooti-1/
‘હાય. વેરી ગુડ મોર્નિંગ એન્ડ મેની મેની હેપ્પી રીટર્નસ ઓફ ધ ડે.’
સામેથી એક પૌરુષત્વથી છલકાતો ઘેરો અવાજ શિલ્વીના ફોનમાં પડઘાઈ રહ્યો હતો.
‘પણ આપ કોણ બોલો છો..મને આપની ઓળખાણ ના પડી.’
મનગમતું નામ સાંભળવાની ઇચ્છા સાથે જ બેધ્યાનપણે શિલ્વીની આંખો બંધ થઈ ગઈ.
‘બસ ને..આટલી જ મિત્રતા ને. આટઆટલી વાતો કરી અને પરિણામ..’
અને અવશપણે જ શિલ્વીના મોઢામાંથી એક નામ નીકળી ગયું.
‘આકાશ ?’
‘હાસ્તો..આકાશ જ ને વળી’
શિલ્વીને થયું કે આ ખુશીના અતિરેકમાં એ ક્યાંક પાગલ ના થઈ જાય.
જોકે આકાશ માટે આવી લાગણી કેમ અને ક્યારથી ફૂટવા માંડી એ વાત એને સમજાતી જ નહોતી. એ ફક્ત એનો નેટનો એક મિત્ર હતો. એનાથી ખાસો પંદરે’ક વર્ષ નાનો. જેને એ ક્યારેય મળી નહોતી, જેના વિશે એ કશુંય જાણતી નહોતી.
આ કોયડા જેવી લાગણીઓને શું કહેવું હવે..!! ૪૨મા વર્ષે ૨૪મા વર્ષ જેટલી અધીરાઈ, પાગલપણું કેમ ઉછાળા મારતું હતું..? કંઇ સમજાતું નહોતું.
ત્યાં તો પેલો ઘેરો ઘૂંટાયેલો મર્દાના અવાજ પાછો કાનમાં અથડાયો,
‘હેલો શિલ્વી, એક વાત કહું જો તમે ગુસ્સે ના થાઓ અને માનવાના હો તો.’
અને સામેથી જવાબની રાહ જોયા વિના જ આકાશે આગળ વાત ધપાવી.
‘આજે મારે તમને મળવું છે. આપણે બેય એક જ શહેરમાં રહીએ છીએ, એક વર્ષથી એકબીજાને જાણીએ છીએ..વાતો કરીએ છીએ પણ હજુ મળ્યાં નથી એ નવાઈ ના કહેવાય. મારે તમને તમારી બર્થડે પર પાર્ટી આપવી છે બસ, બીજું કંઇ ખાસ કારણ નથી. સમય, સ્થળ ફટાફટ બોલો..બાકી ‘હા’ કે ‘ના’ જેવી પસંદગીની વાત આમાં ક્યાંય વચ્ચે નથી આવતી.’
પોતાની જાત પરનો આટલો વિશ્વાસ જોઇને શિલ્વીને બહુ ગમ્યું. કોઇ પુરુષ પોતાની જોડે આમ હકથી વાત કરીને પોતાની વાત મનાવે એવો એના જીવનનો પહેલ વહેલો અનુભવ હતો.
જબરી ફસાઇ ગઇ હતી એ હવે. બે મિનીટ ચૂપચાપ ઊભી રહી ગઈ. અવઢવની એ ક્ષણોમાં કોઇ નિર્ણય પર પહોંચે એ પહેલાં તો સામેના છેડેથી બોલાઇ ગયું,
‘ઓકે. બપોરે લંચ અવરમાં ૧.૩૦ વાગ્યે શિવાજી રોડ પરની ‘ઘરોંદા’ હોટલમાં આપણે મળીએ છીએ. હું તમારી રાહ જોઈશ. આપણે એકબીજાના ફોટા નેટ પર જોયા જ છે, એટલે ઓળખવામાં બહુ તકલીફ નહીં પડે, તો ડન..ઓકે. બાય’
અવાજમાં છુપાયેલો આદેશાત્મક ભાવ શિલ્વીના સ્ત્રીસહજ સ્વભાવને આકર્ષી ગયો. પણ આમ સાવ અજાણ્યા પુરુષને આવી રીતે તો કેમનું મળી શકાય.. શુ કરવું હવે.. વિચારતી વિચારતી બે હાથે માથું પકડીને શિલ્વી ખુરશીમાં બેસી પડી.
થોડીવારે સ્વસ્થતા કેળવીને એ ઉભી થઈ..બાથરુમમાં જઈને મોઢું ધોઈને ફ્રેશ થઈ. એક ભરપૂર નજર આઇનામાં દેખાતા પોતાના પ્રતિબીંબ પર નાંખીને એ રુપગર્વિતાએ થોડું પોરસાઈ લીધું.ત્યાં તો એના મગજમાં જાણે શું આવ્યું કે સવારે લિપ્સ્ટીકની ઇચ્છાને માંડ માંડ રોકી રાખેલી એ જ પર્સમાંથી કાઢીને હોઠ પર લગાવી દીધી.
એ અજબ શા ઓરેંજ શેડવાળા હોઠની ઉપરની બાજુએ એક નાનકડો તલ હતો,જે કોઇ પણ પુરુષના પણ દિલમાંથી એક ‘હાય’ કાઢવા માટે પૂરતો તાકાતવાન હતો. એણે કપાળ પાસેથી પીનઅપ કરીને રાખેલી પરાણે બાંધી રાખેલી અમુક તોફાની લટોને આઝાદ કરીને નાજુક ચહેરા પર રમતી મૂકી દીધી. ઘડીયાળમાં નજર નાંખી તો હજુ ૧૨.૩૦ જ થયેલા. હજુ તો કલાકનો સમય કાઢવાનો હતો. કામકાજમાં મગજ જ નહોતું ચોંટ્તું. આ સમય આટલો ધીમો કેમ ચાલે છે આજે..!
ત્યાં તો એની નજર જમણાં હાથની પહેલી આંગળીના નખ પર પડી. યાદ આવ્યું-સવારે જ દાળનો ડબ્બો ખોલતાં ખોલતાં અદધો તૂટી ગયેલો.
તરત જ પર્સમાં રાખેલું નેઈલકટર કાઢી એ નખ ફાઇલ કરીને સરખો શેઈપમાં કરી દીધો. રખે ને આકાશની નજર આની પર પડે તો પોતે કેવી અણધડ લાગે …!
શિલ્વી બે પળ તો અવાચક થઈ ગઈ..આ પોતાની જોડે શું થઈ રહ્યું છે ? એક નેટમિત્રને મળવા જવા માટે પોતે આટલી કોન્શિયસ કેમ થઈ ગઈ છે? પોતે કેટલી સુંદર લાગી શકે છે કે સુધડ છે એવું આકાશને બતાવીને શું કામ હતું કે પછી એક સામાન્ય સ્ત્રી જેવી જ હોટલમાં જવા માટે નોર્મલ તૈયાર થવાની ક્રિયાઓ હતી આ…ના એનાથી કંઇક વધારે હતું એ તો ચોકકસ. દિલ સમજતું હતું એ વાત દિમાગ સ્વીકારવાની ધરાર ના પાડતું હતું.
છેલ્લે ૧.૦૦ વાગ્યાની આસપાસ ટેબલ પર બધું સરખું કરી, પોતાની ફ્રેન્ડ રાખીને ‘લંચ લઈને આવું છું’ કહીને પર્સ લટકાવતી ઓફિસની બહાર નીકળી. લગભગ ૧.૧૫ની આસપાસ તો ઘરોંદા હોટલમાં પહોંચી ગઈ. ત્યાં જઈને એ થોડી સ્તબ્ધ થઈ ગઈ..આ શું..!! કેમ હોટલમાં અંદર બધું કાળું ધબ્બ છે. ભોંચક્કી થઈને એ બહાર જ ઊભી રહી ગઈ.
ત્યાં તો એની ઉપર ક્યાંકથી ગુલાબની પાંદડીઓની વર્ષા થઈ અને ‘હેપી બર્થ ડે ટુ યુ’ના સાદ સાથે બધી લાઈટસ ચાલુ થઈ ગઈ. સામે જ લાઈટ બ્લેક લીનનના શર્ટ અને બેઈઝ કલરના ટ્રાઊઝરમાં આકાશ ઊભો હતો. પૂરી છ ફૂટની હાઈટ ધરાવતો આકાશ બહુ હેન્ડસમ તો નહતો પણ એની ડ્રેસિંગ સેન્સ, સલૂકાઇભર્યુ સંયમશીલ વર્તન અને સપ્રમાણ કસરતી શરીર આ બધું એના વ્યક્તિત્વને સુંદર બનાવી રહ્યું હતું. એની હસવાની વિશિષ્ટ છટા પર શિલ્વી એક જ મિનીટમાં ફીદા થઈ ગઈ. ના તો બહુ દાંત દેખાય કે ના એકદમ હોઠ ભીંચેલા લાગે..એકદમ એના સ્વભાવ જેવું જ સંતુલિત એનું હાસ્ય.
આકાશ એક આનંદી સ્વભાવ ધરાવતો, મા બાપ વગરનો ફોઈ-ફુઆ જોડે રહીને ઉછરેલો છોકરો હતો. અનાથ છોકરાંઓ આમે જલ્દી સમજુ થઇ જતા હોય છે ! આકાશમાં પણ ૩૦ વર્ષની ઊંમરે ઘણી બધી સમજ હતી. એના ફ્રેન્ડ લિસ્ટમાં એના સમજુ,શાંત,આનંદી સ્વભાવને કારણે સ્ત્રીમિત્રોની સંખ્યા વધારે હતી.
એકાદ વર્ષથી એ શિલ્વીને જાણતો હતો. એના જવાબો પરથી, ફોટા પરથી શિલ્વીના મસ્તીખોર અને રોમાન્ટીક મિજાજનો અણસાર એને આવી ગયેલો. એને ઘણીવાર શિલ્વીને મળવાનું મન થતું. પણ શિલ્વીના ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ’ નેચરને બરાબર જાણતો હતો. જો એ છેડાઇ જશે તો કાયમ માટે ‘બાયબાય’ કરી દેશે એવી બીક લાગતી હતી. અમુક કોમન ફ્રેન્ડ્સ નેટ પર એ ‘દુર્ગાવતાર’ના ગુસ્સાનો સ્વાદ માણી ચૂકેલા.
પણ આજે શિલ્વીની બર્થડે હતી એટ્લે ‘જેવા પડશે એવા દેવાશે’વાળી કરીને થોડી હિંમત કમ દાદાગીરી કરીને શિલ્વીને લંચ માટે મનાવી જ લીધી.
સામે સ્કાય બ્લ્યુ રંગના પંજાબીમાં સજ્જ શિલ્વીનો ઢીલા ઢાલા રેશમી વાળનો કમર સુધીનો ચોટલો, એક અજીબ ઓરેંજ શેડસવાળા હોઠ,એની પરનો સ્પ્ષ્ટ દેખાતો કાળો નાનકડો તલ, વારે ઘડીએ એની હવામાં બેફિકરાઇથી ઊડતી વાળની અલકલટો, જે એના ગાલ પર વારંવાર અથડાતી રહેતી હતી એ બધું ય જોઇને આકાશનું દિલ એક પળ માટે જાણે ધડકવાનું ભૂલી ગયું હોય એમ જ લાગ્યું. પોતાની જાતને બે છોકરાની મા કહેતી અને ૪૨ વર્ષની ઊંમર કહેનારી આ સ્ત્રી એક પણ એંગલથી ૨૮-૩૦થી વધુ ઊંમરની નહોતી લાગતી. મહાપરાણે નજર એના પરથી હટાવીને મેનુમાં પૂરોવી.
‘બોલો મેડમ, શું લેશો ?’
”કઇ પણ મંગાવી લો ને..”
“અરે, એવું થોડી ચાલે..ઓકે..ચાલો એ કહો કે તમને પંજાબી, સાઊથ ઇન્ડિયન કે ચાઇનીઝ એમાંથી શું ફાવશે?”
અને ધીમા સ્માઇલ સાથે શિલ્વીએ પંજાબી પર પસંદગીની ચોકડી મારી.
છેલ્લે પંજાબી શાક અને નાન,પાપડનો ઓર્ડર આપીને બેય વાતોએ વળગ્યાં.
શિલ્વી થોડીક બેચેન હતી. એની બેચેની એના ચહેરા પર સ્પષ્ટપણે છલકતી હતી. આમ કોઇ નેટ્મિત્ર, કોઈ અજાણ્યા પુરુષ સાથે એ ક્યારેય એકલી લંચમાં નહોતી ગઈ. એનો પહેરવેશ, વર્તન, બોલી ભલે બધુંય મોર્ડ્ન હોય પણ સ્વભાવથી એકદમ ભારતીય હતી. સ્પંદનનો પ્રેમ,વિશ્વાસ આ બધું એના માટે બહ મહત્વની વાત હતી. આજે કોઇ પરપુરુષ જોડે આમ એકલા બેસતા એના દિલના કોઇ ખૂણે સતત એક અપરાધની ભાવના ઉતપન્ન થતી હતી. ત્યાં તો આકાશે એના હાથ પર પોતાનો હાથ મૂકીને એને થોડી ઝંઝોડી,
‘હેલો..શિલ્વી..ક્યાં ખોવાઈ ગયા..?’
અને શિલ્વીએ એક ઝાટકા સાથે પોતાનો હાથ ટેબલ પરથી ખેંચી લીધો. એને આકાશ પર થોડો ગુસ્સો આવી ગયો. એ આમ મારો હાથ પકડવાની હિંમત કઈ રીતે કરી શકે અને વળી સંબોધન પણ ફક્ત ‘શિલ્વી’..!!
પણ પોતાનો એ ગુસ્સો એ જાહેર ના કરી શકી અને ખોટું ખોટું હસતાં બોલી,
‘કંઇ ખાસ નહીં. બસ.નેટના કોઈ પણ મિત્રને ક્યારેય મળી નથી ને એટલે થોડું અજુગતું લાગે છે. બસ’
આકાશ પણ એના બોલાયા વગરના શબ્દોને સમજતો ચૂપ થઇ ગયો.
ત્યાં તો અજાણતાં જ ટેબલની નીચે શિલ્વીના પગ સાથે એનો પગ અથડાયો. એ પછી એણે પોતાનો પગ પાછો ખસેડવાની સહેજ પણ તસ્દી ના લીધી અને શિલ્વી..ના કશું બોલી શકી કે ના સહી શકાય જેવી હાલતમાં મૂકાઇ ગઈ. વિચારમાં પડી ગઈ કે,આ આકાશ જાણી જોઈને આવું વર્તન કરી રહ્યો છે..ના, પણ એના ફેસ પર તો એક્દમ નોર્મલ હાવ ભાવ છે..!!
એના આ સ્પર્શથી પોતાના દિલમાં કંઇક ભીનુ ભીનું શું લાગી રહ્યું હતું. આમ ને આમ એક કલાક પળ વારમાં પતી ગયો.
છેલ્લે આકાશે શિલ્વીના હાથમાં એની મનપસંદ ‘ટેમ્પ્ટેશન’ની કેડબરી પકડાવી દીધી. અરે..આ તો મારી ફેવરીટ કેડબરી..આને કેવી રીતે ખબર..ઓહ..એણે એક્વાર ચેટમાં એમ જ આને કહેલું. આટલું બધું ધ્યાન રાખે છે આ મારી નાની નાની વાતોનું..અમેઝિંગ !!
કેડબરી લઈને,થેન્ક્સ કહીને ઊભી થવા જતી હતી ત્યાંજ આકાશે અનાયાસે એનો હાથ પકડી લીધો;
‘ હું તમને ઓફિસ સુધી મૂકી જઊં છું ને.. વેઈટ.’
ખબર નહીં કેમ પણ, શિલ્વી આ વખતે પોતાનો હાથ ના છોડાવી શકી.ઊલ્ટાનું આ સ્પર્શે એના લાગણીના છોડ પર એક ગુલાબ મહેંકાવી દીધું.જોકે ગુલાબ સાથેના કાંટા એ ના જોઇ શકી.ત્યાં શિલ્વીના સ્વભાવની ‘ના ગમે એ નહીં જોવાનું..જિંદગીને ભરપૂર માણી લેવાની..’ શાહમ્રુગવૃતિ જોર કરી ગઈ.આજને ભરપૂર જીવી લેવાની, દુનિયાના બધા રંગોનો અનુભવ કરી લેવાનો.
પોતાના પાગલ સપનાઓ, અધૂરી ઇચ્છાઓની દુનિયા શિલ્વીએ બહુ જ સાચવીને તાળું મારીને દિલના એક ખૂણામાં ધરબી રાખેલી. એ આજે આકાશના સહવાસમાં તક મળતાં જ જોર કરીને બહાર આવી જ ગઈ.
–ક્રમશઃ

Like this:
Like Loading...