Click to access pancha_03.pdf
ફૂલછાબ > એક માસની વાર્તા . 28-03-2012
‘શું કરે..?’
“કંઇ નહી.બસ રુટીન કામ’
‘જમી’
‘ના..હવે બેસીશ જમવા..ચાલ આવ’
‘ઓકે આવું છું..રાહ જોજે.’
‘ઓકે..પહેલો કોળિયો તારા નામનો જ ગળે ઉતારીશ.’
રાત પડે….
‘સૂઈ ગઈ કે’
‘ના તારા મેસેજની રાહ જોતી હતી. તારી ગુડનાઈટ વિના તો કેમ ઊંઘ આવે..?
‘ઓકે..ચાલ..સૂઈ જઈએ..ગુડનાઈટ. સ્વીટ ડ્રીમ..સપનામાં તો મળવા આવીશને મને…’
અને શિલ્વી મેસેજના એ શબ્દોમાં, ટપકાંઓમાં ખોવાતી ખોવાતી પોતાના ચિત્તપ્રદેશનો હવાલો ક્યારે આકાશને દઈ બેઠી એની ખુદને પણ જાણ ના રહી.
અનેકવાર વિચાર્યું કે પોતે આ ‘આકાશ’ નામના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જાય. ‘આકાશ અને સ્પંદન્ની વચ્ચે ત્રિશંકુ જેવી હાલતમાં ઝોલા ના ખાય.ચક્કર આવી જાય છે હવે. મગજનું બેલેન્સ ખોરવાઈ જાય છે.
પણ ત્યાં તો આકાશનો મેસેજ આવી જાય અને એકાદ – બે વાત થાય અને બધો કંટ્રોલ હાથમાંથી કોરી રેતીની જેમ સરી જાય.
આ બધા ચકકરોમાં શિલ્વી પોતાના દરેક કામકાજ પ્રત્યે બેધ્યાન રહેવા માંડી. સમયસર અને વ્યવસ્થિત રીતે જવાબદારીઓ પૂર્ણ ના કરી શકાતા એની અકળામણ હદપાર વધી જતી. થોડી શોર્ટ ટેમ્પર થવા લાગી હતી એ.
ફકત એક અઠવાડિયાના ટુંકા સમયગાળા જેવા મેસેજીસની રમતથી શિલ્વી પાછી એની જોડે બોલતી થઈ ગયેલી. બધો સમય આકાશની જોડેના દિવા-સપનાંઓમાં વીતવા લાગ્યો..સપનામાં જ છે ને એ..એમાં ખોટું શું છે? હું તો હવે એને મળતી પણ નથી. સ્પંદનને કોઇ જ છેહ નથી આપતી.ના…બધું બરાબર છે..ઓલ વેલ..’
આકાશ… એ તો એની જાણ બહાર શિલ્વીના વિચારોમાંથી આરપાર થઇને છેક મનના તળિયા સુધી પહોંચી ગયેલો..
——
સ્પંદન સાથે જે વાતો નહોતી થઈ શકતી એ બધી વાતો શિલ્વી આકાશ જોડે શેર કરવા લાગી. સ્પંદન વર્તનનો માણસ. એને શબ્દોની રમતો કે આંટીધૂંટીમાં સમજ ના પડે. તડ ને ફડ. એમાં શિલ્વીના નાજુક સ્ત્રીમનની અનેકો ઇચ્છાઓ અધૂરી રહી જતી.
આકાશ આ વાત બહુ સારી રીતે સમજતો હતો અને એ શિલ્વીની દરેક નાની નાની વાતો ધ્યાનપૂર્વક સાંભળતો. દિવસમાં ૫-૬ વાર તો એકબીજાને ફોન કર્યા વગર ચાલે જ નહીં. વિચિત્ર સંબંધ બંધાતો જતો હતો આ..ના તો એકબીજા સાથે રહી શકતા હતાં કે ના તો એકબીજા વગર.
આ બધામાં શિલ્વીની આકાશને ‘ના મળવાની જીદ’ ઓગળીને ‘હા’ પર આવી ગઈ… પછી તો મુલાકાતોની પરંપરા સર્જાવા લાગી. આગ અને ઘી સાથે રાખો તો શું થાય..?
પરિણામે એ જ થઇને રહ્યું જેનાથી શિલ્વી પોતાની જાતને દૂર રાખવાના મક્કમ પ્રયાસો કરતી હતી. બેય જણ બધી મર્યાદાઓ પાર કરી બેઠા…હવે..હવે શું..?
પણ પેલું કહ્યું છે ને કે શરમને કાનો માત્ર નથી હોતો. એક વાર એ તૂટી પછી બીજીવાર એ શરમ બહુ હેરાન નથી કરતી. શિલ્વી આંખો બંધ કરીને ખબર નહીં કઇ દિશામાં દોડી રહેલી. આ સ્પર્શ, આ જતન, આ અવાજ, આ પ્રેમ, આ બધું મનભરીને માણી લેવા દે. જિંદગીમાં કાલે શું થશે કોને ખબર ? આજે ભરપૂર જીવી લેવા દો. કોઇને ક્યાં વળી કશું જાણ થવાની હતી આ બધાની અને શાહમૃગની જેમ પોતાનુ માથું જમીનમાં ખોસી દેતી. પોતે દુનિયાને નથી જોતી દુનિયાને પણ એને જોવાનો ક્યાં સમય છે ? વળી સ્પંદન માટે પણ મને હજુ એ પ્રેમ છે જ. હું એને ક્યાં કોઇ વિશ્વાસઘાત કરું છું…રોજ જાત જોડેની જાતની આ મથામણોમાં શિલ્વી લગભગ ખેંચાઇ જતી.
આ ઊંમરે થતી સોળ વર્ષની થતી અનુભૂતિઓ..યૌવન જાણે મહેંકી ઊઠેલું, પહેલવહેલી વાર પ્રેમમાં પડેલી હોય એવી લાગણીઓ, આકાશના સ્પર્શથી પળમાં જ રચાઇ જતી તીવ્ર સંવેદનોની અદ્ભુત જાદુઇ દુનિયા, ચામડી પર ઉપસી આવતા નાની નાની ફોડલીઓની અદ્બુત લાગણી.. પ્રેમની નવી નવી અનુભવાતી લાગણીઓની ટેવ પડવા લાગી હતી શિલ્વીને. આકાશની ટેવ છોડવી હવે અશક્ય જ લાગતી હતી.
——
શ્રેયા આજે કંઇક વધારે બેચેન લાગતી હતી. સ્પંદન એના માનસની ઉથલપાથલ એના ચહેરા પર સ્પષ્ટપણે નિહાળી શકતો હતો.
‘શુ થાય છે બેટા ? ‘ કપાળે હાથ મૂકીને ચેક કરી લીધું ક્યાંક એને તાવ બાવ તો નથી ને..પણ ના એવું કશું તો નહોતું જ.
સ્પંદને સોફા પર બેઠેલી અને મોબાઇલમાં મેસેજીસ ટાઇપ કરી રહેલ શિલ્વી સામું જોયું અને કહ્યું,
‘શિલુ,આને જો ને ડાર્લિંગ. કંઇક તો પ્રોબ્લેમ છે જ’
શિલ્વી એક ‘હ્મ્મ’ કરીને રહી ગઈ ને પોતાના મેસેજની દુનિયામાં ગુમ.સામે છેડે આકાશ હતો. આખા દિવસની રાહ જોયા પછી માંડ માંડ અત્યારે મેસેજીસની આપ-લે થતી હતી.
સ્પંદન આજે પહેલીવાર થોડો અકળાયો શિલ્વી પર.
‘શિલુ, ફોન બાજુમાં મૂક અને દીકરીને સંભાળ પ્લીઝ..’
સ્પંદનનો આવો રુક્ષ વોઈસ ટૉન સાંભળીને શિલ્વી થોડી ચમકી, પોતાનું બેધ્યાનપણું ખુલ્લું પડી જતાં થોડી ઓઝપાઈ ગઈ અને હકીકતની દુનિયામાં પાછી ફરી.
શ્રેયાને લઈને એ બેડરુમમાં ગઈ. પાસે બેસાડી પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતા ફેરવતા એને પૂછયું,
‘શું છે બેટા, કેમ આટલી અકળાયેલી અકળાયેલી ફરે છે? મને તારી બહેનપણી જ સમજ અને માંડીને વાત કર. દુનિયાનો કોઇ જ પ્રોબ્લેમ એવો નથી કે જેનું સોલ્યુશન ના હોય. મમ્મા વિશ્વાસ રાખ અને મનની બધી ભડાસ કાઢી નાંખ.ચાલ’
એનો ચિમળાયેલો ચહેરો બે હાથમાં લઈને શિલ્વીએ એના ગાલ પર વ્હાલની એક ચૂમી ભરી અને આ છોકરી પ્રત્યે..પોતાના લોહી પ્રત્યે આટલી બેદરકાર થઈ જવા બદલ થોડી ગુનેગાર હોવાની લાગણી પણ અનુભવી.
એકદમ જ શ્રેયા શિલ્વીના ખોળામાં માથું મૂકીને રડી પડી. થોડી વાર પછી સ્વસ્થ થતાં બોલી,
‘મમ્મા, હું આત્મન નામના એક છોકરાને પ્રેમ કરું છું. એના વગર નહી રહી શકું. હું..હું..એના….આઇ મીન..મોમ..આઇ એમ પ્રેગનન્ટ !!’
શિલ્વીનો શ્રેયાના વાળમાં ફરતો હાથ અટકી ગયો અને એક્દમ જ અવાચક થઇ ગઈ. પોતાની યુવાનીના ડગ પર કદમ માંડતી કુંવારી લાડલીના આવા વાક્ય કઈ મા સહન કરી શકે? પણ હવે વાત હાથ બહાર ગઈ છે ની વાસ્તવિકતાનું ભાન થતાં જ સ્વસ્થતા કેળવવાનો પ્રયત્ન કરતા કરતા બોલી,
‘ કોણ છે આ આત્મન ? મને એના વિશે કંઇક તો કહે.’
શ્રેયા આંખો લૂછતાં લૂછતાં ઊભી થઈ. પોતાનું લેપટોપ ખોલ્યું અને ફેસબુકમાં પોતાના આઈ ડીમાં લોગ-ઇન કરીને એનું ફ્રેન્ડ લિસ્ટ ખોલ્યું.
શિલ્વી મનોમન વિચારતી હતી કે સારું છે કે શ્રેયા એના લિસ્ટમાં એડ નથી. નામ છોકરાઓને પ્રાઈવસી આપવાનું હતું પણ કામ તો પોતાની પ્રાઇવસી જાળવવાનું જ થતુ હતું.
શ્રેયા એ આત્મન નામના ફ્રેન્ડની પ્રોફાઈલ પર કલીક કરી. સરસ મજાના નેચરલ સીનવાળું પ્રોફાઈલ પિકચર જોઇને શિલ્વીને ગમ્યું.ત્યાં તો
પ્રોફાઈલના આલ્બમમાં આત્મન નામના છોકરાનો ફોટો જોતાં જ એના પર આભ તૂટી પડ્યું..આ તો.આ તો…આકાશ હતો. એનો આકાશ..એને મન મૂકીને ચાહનારો, એના રુપની પૂનમ પાછળ ઘેલો ઘેલો આકાશ…અને શિલ્વી એકદમ જ ચક્કર ખાઈને ત્યાં પડી ગઈ.
‘મમ્મા, એકદમ શુ થઇ ગયું તને..? પપ્પા.પપ્પા..જલ્દી આવો..’
અને સ્પંદન એકદમ હાંફળો ફાંફ્ળો દોડતો દોડતો ત્યાં આવ્યો. તરત જ ફેમીલી ડોકટરને ફોન કરી ઘરે બોલાવી લીધા. ડોકટર આવીને શિલ્વીને ચેક કરી અને એક ઇંજેક્શન આપતાં બોલ્યા, ‘ગભરાવાની કોઇ જરુર નથી. સ્ટ્રેસના કારણે એમનું પ્રેશર થોડું લૉ થઈ ગયેલું.બસ.’
થોડી વાર રર્હીને શિલ્વી હોશમાં આવી ગઈ. સ્પંદન અને છોકરાંઓ એની આગળ પાછળ દોડાદોડ કરી રહ્યાં હતાં. એની ખબર પૂછતાં હતાં. પણ એ તો ક્યાક્ બીજી જ દુનિયામાં ખોવાયેલી હતી.
થોડા દિવસો વીત્યાને શિલ્વીએ થોડી માનસિક તાકાત ભેગી કરી.ફેસબુકને કાયમ બાય બાય કરી દીધું. મોબાઇલમાંથી બધો ડેટા ડીલીટ કરીને વેચી દીધો. આ નપાવટ મોબાઇલના લીધે જ આ બધી ઉપાધિ ને..હવે આ જોઇએ જ નહીં. હવે એ ક્યારેય આવી ભૂલ નહીં કરે.
શ્રેયાને સમજાવવી અઘરી હતી…શ્રેયા આગળ સાચી વાત કહી શકાય એમ નહતું એ શિલ્વીની હૈયું વલોવી નાંખતી મજબૂરી હતી.
એક દિવસ એ પોતાની મનમાની કરીને જ રહી. મા બાપને કોઇ જ જાણ કર્યા એ ‘આત્મન-આકાશ’ જોડે ભાગી ગઈ. એને શોધવાના તમામ
પ્રયાસો વિફળ ગયા..!!
લગભગ એકાદ મહિના પછી..
એક રાતે સ્પંદન શિલ્વીના વાળમાં હાથ ફેરવતો ફેરવતો આખા દિવસના કામકાજની વાતો કરી રહ્યો હતો.ધીમે ધીમે સ્પંદનનો હાથ શિલ્વીના વાળમાં હળ્વેથી ફરતો હતો.
‘શિલ્વી જે થવાનું હતું એ થઈ ગયુ. હવે આ આઘાતમાંથી બહાર આવ પ્લીઝ..આ આપણા અભિની સામે તો જો..એને હજુ તારી ખૂબ જરુર છે..’
અને નમીને શિલ્વીને ગાલ પર એક હલકું ચુંબન કર્યું. શિલ્વીના લાંબા કાળા વાળમાં હેતથી હાથ ફેરવવા લાગ્યો. પણ આ શું..!!
શિલ્વીના તન- મનમાં આ સ્પર્શથી કોઇ પ્રકારની લાગણી ઉતપન્ન જ નહોતી થતી. આ જગ્યાએ આકાશનો સ્પર્શ થયેલો હતો..આકાશ અને સ્પંદન..બેયના સ્પર્શ વિચિત્ર રીતે એકબીજામાં ભળી જવા લાગ્યાં. શિલ્વી બસ ચૂપચાપ લાશની જેમ જ પડી રહી. શિલ્વીને સ્પંદનના પ્રેમની ગંગામાં નહાવું હતું, ડૂબવું હતું પણ તનમનમાં કોઇ જ સંવેદનોની અનુભૂતિ જ નહોતી થતી. અંદરથી જાણે સાવ જ સૂકાઇ ગયેલી . કદાચ હવે એ સૂકી ડાળમાં ક્યારેય લીલાશ નહોતી ફૂટવાની..!!
જીવનમાંથી સુંદર પ્રેમાળ અનુભૂતિઓની બાદબાકી, કાયમ માટે સુકાઇ ગયેલી એ લાગણીના મ્રુત્યુ પર શિલ્વીએ ચૂપચાપ બે-ચાર અશ્રુઓનું તર્પણ કરી દીધું. એટલું સારું હતું કે આંખનું જળ હજી નહોતું સૂકાયું.
-સંપૂર્ણ.
સ્નેહા પટેલ – અક્ષિતારક
Like this:
Like Loading...