Bhupindarji- we love u.

‘ કંકુના સૂરજ આથમ્યા ! ‘
ગરવા ગાયક ભુપિંદરસિંગની વિદાય :
—*—


ભુપિન્દરજીએ ગઈ કાલે 82 વર્ષની ઉમરે આખરી અલવિદા કહીને કરોડો હિંદી ફિલ્મ-સંગીત ચાહકો /હિંદી-ઉર્દૂ ગઝલ ચાહકો ઉપરાંત ગુજરાતી સુગમ-સંગીતનાય હજ્જારો ચાહકો/ભાવકો /શ્રોતાઓની આંખોને ભીંજવી દીધી.
1940 માં અમૃતસરમાં જન્મેલા ભુપિન્દરજીએ ગાયન /વાદનમાં કારકિર્દી બનાવવાના સપનાં યુવાન આંખોમાં આંજીને કલાનગરી, મોહમયી મુંબઈ નગરીમાં આવીને ધીમે પણ મક્કમ પગલે સાંગીતિક કારકિર્દીનો પ્રારંભ કર્યો ગિટાર વાદન દ્વારા. दम मारो दम, सागर किनारे જેવાં આર. ડી.બર્મનનાં સંગીત નિર્દેશિત સંખ્યાબંધ ગીતોમાં ગિટારનો જાદુ પાથરનાર ભુપિન્દરજીનો સ્વર હિંદી ફિલ્મ ક્ષેત્રે સૌ પ્રથમ સંભળાયો ચેતન આનંદની 1962 ની પ્રથમ હિંદી યુદ્ધફિલ્મ हकीकत માં.
સત્વશીલ સંગીત – નિર્દેશક મદન મોહને हकीकत ફિલ્મમાં कैफी आझमी લિખિત એક ભાવવાહી ગીત 4 ગાયકો પાસે ગવડાવ્યું, જે પૈકી 3 તો એ સમયે ટોચ પર હતા. રફી સાહેબ, તલત મહેમૂદ અને મન્નાડે. આ ત્રણેય દિગ્ગજ ગાયકો સાથે એક ચોથો સ્વર હતો એક નવયુવાન ગિટારિસ્ટ અને સુંવાળા સ્વરના માલિક ભુપિન્દરનો. જેનો એક અંતરો ભુપેન્દ્રના સ્વરમાં સંભળાયો એ, અદ્ભુત ગીત : हो के मजबूर, मुझे उस ने भूलाया होगा. આ ફિલ્મ हकीकत માં ફૌજી જવાનની એક નાનકડી ભૂમિકામાં પણ દ્રષ્ટિગોચર થાય છે ભુપિન્દરજી. રસપ્રદ ‘ હકીકત’ એ છે કે ફિલ્મ हकीकत માં ભુપિન્દરજી આ ગીતનો જે અંતરો પડદા પર ગાય છે એ એમના ખુદના નહીં, રફીસાહેબના સ્વરમાં છે.
પછી તો પંચમના પિતા સચિન’દાએ ज्वेल थीफ ફિલ્મનાં होठो पे ऐसी बात ગીતમાં ओ… शालु ! એવો લહેકો ભુપેન્દ્ર પાસે કરાવડાવીને એક ગીત બાદમાં किशोर कुमार સાથે प्रेम पूजारी માં ગવડાવ્યું : यारो, निलाम करो सुस्ती, हम से उधार मिलो मस्ती !
— ચેતન આનંદે જ બાદમાં 1967 ની પોતાની ફિલ્મ आखरी खत માં ‘ ક્લબ સિંગર’ ની ભૂમિકા આપીને ખય્યામે સ્વરાંકિત કરેલ, કૈફી આઝમીએ લખેલ ગીત એમના જ સ્વરમાં અને પડદા પર હાથમાં ગિટાર સાથે ગવડાવ્યું નીચેનું ગીત :
” रुत जवां जवां रात मेहरबां..”
પછી તો Rest is history. આર. ડી. બર્મન /મદન મોહન /ભપ્પી લાહીરી/લક્ષ્મી-પ્યારે જેવા સુજ્ઞ /સ્થાપિત સંગીત નિર્દેશકોએ ભુપિન્દરના સ્વર અને સૂરની અનન્યતા પારખીને અઢળક મીઠડાં ગીતો ભુપિન્દર પાસે ગવડાવીને આપણી કર્ણેન્દ્રીયને સમૃદ્ધ કરી, સભર કરી.
લતાજી, આશાજી, રૂના લૈલા, અનુરાધા પૌડવાલ જેવા નમણા નારીસ્વરો સાથે સંગત કરીને ભુપેન્દ્રજીએ કેટલાંક મીઠડાં યુગલગીતો થકી પણ આપણને ન્યાલ કર્યા. થોડાક ગમતીલાં ગીતોને યાદ કરીએ તો –
— दिल ढूंढता है..
— बोले रे सुरीली बोलीयां..
— मेरे घर आना, जिंदगी…
— किसी नजर को तेरा इंतजार..
— बीती ना बीताइ रैना..
—एक अकेला इस शहर में..
— सैया बीना घर सूना…
— दुग्गी पे दुग्गी हो..
— करोगे याद तो..
— कभी किसी को मुकम्मिल जहां..
— ફિલ્મોમાં ગાયનની સાથોસાથ ભુપિન્દરજીએ મિતાલી સાથે મળીને હિંદી /ઉર્દુ ગઝલોનાં કાર્યક્રમો પણ સમાંતરે ચાલુ રાખીને, દેશ /વિદેશોમાં અનેક કોન્સર્ટ્સમાં ગઝલ-ગાયનનાં અવનવા આયામો હાંસલ કર્યા. જગજિત – ચિત્રા અને રાજેન્દ્ર – નીના મહેતાની જેમ ભુપિન્દર – મિતાલીની સ્વરબેલડીએ પણ લોકપ્રિયતાના શિખરે પહોંચીને ગઝલ – ગાયકીને એક અનેરી ઊંચાઈ બક્ષી. આ બેલડીનાં અસંખ્ય આલ્બમ્સ /કેસેટ્સ એનો ‘ બોલતો / ગાતો’ પુરાવો છે.

— ગુજરાતી સુગમ સંગીત અને ભુપિન્દરસિંગ :

ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં બિનગુજરાતી ગાયકો/ગાયિકાઓનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.લતાજી /આશાજી /ઉષા મંગેશકર /સુમન કલ્યાણપુર /રફીસાહેબ /મુકેશજી /મન્નાડે જેવા પ્રસ્થાપિત કલાકારોથી માંડીને ગીતાદત્ત /કવિતા કૃષ્ણમૂર્તિ /આરતી મુકર્જી /સુધા મલ્હોત્રા /મીનુ પુરુષોત્તમ /હરિહરન /જગજિતસિંગ વગેરે અન્ય અગ્રણી બિન-ગુજરાતી સુગમ કલાકારોની પંગતમાં એક નમણું નામ એટલે ભુપિન્દર /મિતાલીની બેલડી :
— દિગ્ગજ સ્વરકાર સ્વ. અજિત શેઠે ભુપિન્દરના મીઠડા સ્વરમાં ઘણી રચનાઓ ગવડાવી. જેમ કે –
–” ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને હળ્યાં.. ( જગદીશ જોષીની રચના )
–” મને આપો ઉછીનું સુખ થોડું..( આ પણ જગદીશ જોષી)
— ” મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.. ( રાવજી પટેલની અજરામર રચના)
–” જીવવાની હામ.. ( પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન)
— આ ઉપરાંત દિલીપ ધોળકિયા સ્વરાંકિત ‘ બેફામ’ ની રચના :
‘ એકલા જ આવ્યા મનવા, એકલા જવાનાં (1976 ની ગુજરાતી ફિલ્મ ‘ જાલમસંગ જાડેજા’ માટે )
કવિ નર્મદની રચનાઓને પણ સ્વરદેહ આપનાર ભુપિન્દરે કમલેશ સોનાવાલાની નીચેની રચના ઉદય મજુમદારનાં સ્વરાંકનમાં અજાયબ લહેકાથી ગાઈ છે :
–” જીવનનો મધ્યાહ્ન છતાં સાંજ શોધું છું શાને…”
— મિતાલી મુકર્જી આમ તો બંગાળી છે પરંતુ અડધા ગુજરાતી છે. ભુપિન્દરસિંગ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અગાઉ મિતાલી થોડા વરસો વડોદરામાં વીતાવી ચૂક્યાં છે. તેથી ગુજરાતી ભાષા /સાહિત્ય /સંસ્કૃતિ સાથે મિતાલીનો ઘરોબો ઘાટો અને ઘેરો રહ્યો છે. વડોદરામાં શિક્ષણકાળ દરમ્યાન મિતાલીએ આકાશવાણી અમદાવાદ – વડોદરા અને અને દુરદર્શન ઉપર ઘણી ગુજરાતી રચનાઓ પ્રસ્તુત કરેલ છે.
મિતાલીજીએ ગાયેલ કેટલીક ગુજરાતી રચનાઓ જોઈએ તો –
— “મને મારગે મળ્યા’તા શ્યામ..” (હરીન્દ્ર દવેની રચના અને રસિકલાલ ભોજકનું સ્વરાંકન)
— ” કોયલ ઉડી રે ગઈ.. ( અવિનાશ વ્યાસ)
–” ચૂડી ને ચાંદલો.. ( અવિનાશ વ્યાસ)
ઉપરાંત, સુખ્યાત સ્વરકાર બેલડી શ્યામલ – સૌમિલનાં સ્વરાંકનથી મઢેલી અને એમનાં આલ્બમ ‘ હસ્તાક્ષર ‘ માં સમાવિષ્ટ રચનાઓ પૈકી કવિશ્રી માધવ રામાનુજની નીચેની બે રચનાઓ નોંધપાત્ર છે, જેને સ્વર સાંપડ્યો ભુપિન્દરસિંગ અને મિતાલીજી-બંનેનો.
— ” પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ..”
અને –
— ” ગોકુળમાં કો’કવાર આવો તો શ્યામ, હવે રાધાને મુખ ના બતાવશો..”
–*–
ગુજરાતી સુગમ સંગીત અને સ્વરકારો વિશે વાત કરતાં ભુપિન્દરસિંગ સુશ્રી નંદિની ત્રિવેદી સાથેની મુલાકાતમાં જણાવે છે :
— ” ગુજરાતી ગીતોમાં ગુજરાતની સંસ્કૃતિનો સંસ્પર્શ બરાબર અનુભવાય છે. હિંદી સ્વરકારોની તુલનાએ ગુજરાતી સ્વરકારો જૂદા કોર્ડઝ્ પ્રયોજે છે. એમની સિમ્ફની અલગ હોય છે. મારી દ્રષ્ટિએ ગુજરાતી સંગીત મોર્ડન થઈ રહ્યું છે. મેં અજિત શેઠ, ગૌરાંગ વ્યાસ, શ્યામલ-સૌમિલ તથા અન્ય કેટલાક જાણીતા સંગીતકારોનાં સ્વરાંકનો ગાયાં છે. ગુજરાતી સંગીતકારો મૈત્રીભાવ રાખે છે… ઉદય મઝુમદાર ઇન્કિલાબી કમ્પોઝર છે. એ ઘણા પ્રયોગો કરે છે. મારી દ્રષ્ટિએ સ્વરકારે ખુલ્લા હ્રદયથી સંગીત સર્જન કરવું જોઈએ. ઉદય એ કરી શકે છે.. “
— આમ, ગુજરાતી કાવ્ય-સંગીત પ્રત્યે વિશિષ્ટ લગાવ અને લાગણી ધરાવનાર ભુપિન્દરનો ઘૂંટાયેલો, કેળવાયેલો સ્વર ગુજરાતી કાવ્યોને પણ સાંપડ્યો અને ગુજરાતી કાવ્ય – સંગીત વધુ રળિયાત બન્યું,વધુ સમૃદ્ધ અને સદ્ધર બન્યું.

  • ‘મારી આંખે કંકુના સૂરજ..’
    કે
    — ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’
    કે
    — ‘ મને આપો ઉછીનું સુખ થોડું ‘ જેવી ભુપિન્દરે ગાયેલ રચનાઓ વિના ગુજરાતી સંગીતનો કાર્યક્રમ અધુરો લાગે.
    ગુજરાતી ભક્તિ-સંગીત કે પ્રાર્થનાસભાનાં કોઈ કાર્યક્રમમાં ભુપિન્દરે ગાયેલ ‘ બેફામ’ની રચના ‘ એકલાં જ આવ્યા મનવા ‘ પ્રસ્તુત ન થઈ હોય એવું ભાગ્યે જ બને.
    –*–
    मेरी आवाज ही पहचान है, गर याद रहे જેવી गुलज़ार લિખિત કાળજયી રચના ભુપિન્દરે જેમની સાથે ગાઈ એ સ્વરકોકિલા લતાજીએ પણ તાજેતરમાં વિદાય લીધી અને એમની સાથે બાકી રહી ગયેલ તે ‘ સહગાન’ પૂરું કરવા ભુપિંદરસિંગ પણ લતાજીને મળવા જાણે કે દોડી ગયા. લતાજી અને ભુપિન્દરજી જેવા સ્વરસાધકો ભલે સ્થુળદેહે આપણી વચ્ચે નથી પણ સ્વરદેહે તો ઉપસ્થિત હશે જ, રહેશે જ આપણી આસપાસ ને આપણા ગયા પછી પણ, યુગો સુધી.
    –અંતમાં, આપણે સૌ ભુપિન્દરના સ્વર ચાહકો પણ એ રચનાના શબ્દો સાથે ભુપિન્દરના એ ઘેઘૂર સ્વરને સ્મરીને એમની સ્વરચેતનાને ભાવપૂર્વક વંદીએ :
  • ” એકલાં જ આવ્યા, મનવા ! એકલાં જવાનાં,
    સાથી વિના, સંગી વિના,
    એકલાં જવાનાં.
    — આપણે એકલા ને કિરતાર એકલો,
    એકલા જીવોને એનો આધાર એકલો.
    એકલા રહીએ ભલે,એકલા સહીએ ભલે,
    એકલા રહીને બેલી થાઓ રે બધાનાં,
    એકલાં જવાનાં, એકલાં જવાનાં “
    — नमस्कार :
    -R. P. Joshi : Rajkot :19 /07/22

3 comments on “Bhupindarji- we love u.

  1. ભૂપેન્દરસિંગ યાદ રહેશે..તેમના અંજલિ લેખમાં સારી માહિતી આપી..
    તેમને હકીકત ફિલ્મમાં લાવનાર જ સંગીત નિર્દેશક મદનમોહનજી..બેકગ્રાઉન્ડમાં સંગીત વગાડનાર થી ગીત ગાઈ છવાઈ જનારા નસીબદાર બન્યા હતા નહીતર મોટાભાગના વાધ વગાડનાર ઉપેિક્ષત જ રહેતા હોય છે..💐🙏સરસ અંજલિ પોષ્ટ

    Liked by 1 person

  2. ભૂપેન્દરસિંગ યાદ રહેશે..તેમના અંજલિ લેખમાં સારી માહિતી આપી..
    તેમને હકીકત ફિલ્મમાં લાવનાર જ સંગીત નિર્દેશક મદનમોહનજી..બેકગ્રાઉન્ડમાં સંગીત વગાડનાર થી ગીત ગાઈ છવાઈ જનારા નસીબદાર બન્યા હતા નહીતર મોટાભાગના વાધ વગાડનાર ઉપેિક્ષત જ રહેતા હોય છે..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s