(1) http://www.syahee.com/sneha-patel
નામ- સ્નેહા પટેલ
જન્મદિવસ- ૩૦-૧૦-૧૯૭૩
જન્મસ્થળ – ખંભાત
વસવાટ – અમદાવાદ
પ્રકાશિત પુસ્તકો – (૧) વાત થોડી હૂંફની
(૨) વાત બે પળની
(૩) વાત દીકરીની – દીકરીએ જ કેમ સાસરે જવાનું ?
‘ફૂલછાબ’ જેવા અનેકો પ્રતિષ્ઠિત પેપરમાં કોલમ મેળવનાર સૌપ્રથમ લેખિકાનું સન્માન જેમને પ્રાપ્ત છે એવા સ્નેહા પટેલને ડીડી-૧ ગિરનાર પર આવતા ‘ કવિ કહે છે’ કાર્યક્રમમાં કવિ શ્રી તુષાર શુક્લ અને શ્રી ધૂની માંડલિયા સાથે કાવ્યપઠનનો પ્રોગ્રામ કરવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયેલ છે.
1) તમારી સાહિત્યસફર ની શરૂઆત કઈ રીતે થઇ? પ્રેરણાસ્ત્રોત્ર કોણ કે શું બન્યું?
સાહિત્ય સફરની શરુઆત… બ્લોગ પર અભિવ્યક્ત કરાતી પોસ્ટ અનેકો વાંચકો અને એડીટરના ધ્યાનમાં
આવતી ગઈ અને કોલમ મળતી ગઈ. મુખ્ય પ્રેરણાસ્ત્રોત તો એક નજીકના સંબંધીનું એક વાક્ય – ‘તારી હેસિયત શું છે ?’ જીવનમાં પ્રથમ વખત એ વખતે મારી જાત માટે વિચાર્યું – થયું કે વાત તો સાચી છે, આપણા સમાજમાં ઘર ને છોકરાં સાચવીને બેસી રહેતી સ્ત્રીઓ આમ જ અવગણનાને પાત્ર બને છે , હવે જમાનો બદલાતો જાય છે તો મારે પણ બદ્લાવું જ જોઇએ અને કંઈક કરી નાંખવાનું જોમ ભરાઈ આવ્યું અને મારા પોતાના માટે થોડો સમય ચોરવા જેટલી સ્વાર્થી બનીને આટલી આગળ વધી. આજે પણ હું મારા એ પરમ પ્રિય સંબંધીની ઉપકારી છું.
2) આપના પ્રિય લેખક કોણ?
– ખાસ કોઈ નહીં. ઝવેરચંદ મેઘાણી, ધ્રુવ ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી, હરકિસન મહેતા, ગુણવંત શાહ, અશ્વીની ભટ્ટ , દીપક સોલિયા, જય વસાવડા, કાજલ ઓઝા, અમૃતા પ્રિતમ અને ઓશો..આ બધાના સિલેકટેડ આર્ટીકલ્સ વાંચુ પણ એમના દરેક લેખ કે વિચારો સાથે કાયમ સહમતિ ના હોય. મારા લખાણમાં ક્યારેય તમને કોઇ જ લેખકની છાંટ નહીં દેખાય. મારા લખાણમાં હું કાયમ મારા પોતાના વિચારોની અલગ જ શબ્દ- રંગોળી પૂરું છું અને એ માટે કાયમ સભાન રહું છું.
3) આપ કેવું સાહિત્ય વાંચવું પસંદ કરો?
-જેવો મૂડ. પ્રવાસ વર્ણન, નિબંધો, કાવ્યો, ગઝલો, નવલકથાઓ, લોકજીવન પર લખાયેલ લેખ, હાસ્યલેખ.મોટાભાગે લાગણીથી ભરપૂર, સંવેદનશીલ, તંદુરસ્ત વિચારસરણીવાળા અને કલાત્મક લેખો વધુ આકર્ષે.
4) “લખવા માટે વાંચન જરૂરી છે” : આપ આની સાથે સંમત કે અસંમત?
– લખવા માટે વાંચન જરુરી નથી પણ લખવા માટે જે તંદુરસ્ત વિચારશૈલી જોઇએ એના માટે વાંચન જરુરી છે.વાંચી વાંચીને યાદ ના રાખવાનું હોય પણ એ બધું જ જ્ઞાન ઘૂંટી ઘૂંટીને આપણી અંદર ઉતારવાનું હોય અને કોઇએ આ વિચાર લખી નાંખ્યો છે તો મારે એ નથી લખવાનું એ સમજવા માટે પણ વાંચન જરુરી છે. તમારે નક્કી કરવાનું કે તમારું લખાણ ઉપરછલ્લું , થોડા ઘણાં અનુભવો ને સંવેદનોથી ભરપૂર હોવું જોઇએ કે એ બધામાં ઉંડા મંથન અને પોતીકી તંદુરસ્ત વિચારસરણીનો રંગ પણ લાગેલો હોવો જોઇએ ! તમારી પસંદગી મુજબ તમારો રસ્તો નકકી કરી શકો છો. (કોઇના વિચારોને થોડા ઘણા મારી મરોડીને પોતાના નામે ચડાવનાર વર્ગ લેખકની શ્રેણીમાં જ નથી આવતો. એમને માટે કોપી પેસ્ટના ઘણાં રસ્તા ખુલ્લાં જ છે પણ એ બધું થૉડા સમય પૂરતું જ મર્યાદીત હોય છે એ વાત સમજી લેવી જોઇએ. વાંચકો સૌથી વધુ બુધ્ધિશાળી હોય છે એ લોકો અંતે સત્ય શોધી જ લે છે )
5)ફુરસદની પળમાં……
-લાઈટ રોમાન્ટીક મ્યુઝિક સાંભળવું, ચાલવું – રખડવું – સાયક્લિંગ – એકસરસાઈઝ/ યોગા કરવા – ફ્રેન્ડસ સાથે ફોન પર ગપ્પાં મારવાં, કોઇ સુંદર મજાનું પુસ્તક વાંચવું – મૂવી જોવી- દિકરા સાથે ધમાલ કરવી, ફેમિલી સાથે ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ બનાવીને નવી નવી રેસિપીસ ટ્રાય કરીને ડીનર લેવું, કરાઓકે મ્યુઝિક સિસ્ટમમાં મનગમતા ગીતો ગાવા, શોપિંગ કરવું એમાંય વીન્ડો શોપિંગ તો બહુ જ પસંદ !
6) સૌ પ્રથમલેખ, આપનો સૌથી ગમતો લેખ તથા અત્યાર સુધીના પ્રકાશિત તમારા લેખ વિશે જણાવશો….
સૌપ્રથમ લેખ બરોડાથી પ્રકાશિત થતા મેગેઝિન “પાંચમી દિશામાં ” દિલ બોલે છે.
મારો સૌથી વધુ ગમતો લેખ – ‘ખેતીની વાત’ મેગેઝિનમાં ચાલતી મારી કોલમ ‘મારી હયાતી તારી આસપાસ’ માં લખાયેલો લેખ – ‘એક અહેસાસ હૈ યે રુહ સે મહેસૂસ કરો’ !
હું છ વર્ષથી વિવિધ મેગેઝિનમાં કોલમો લખું છું. જેમાં હાસ્યલેખ, નિબંધ, અછંદાસ, ગઝલો, ફિલોસોફી -સાયકોલોજી – દરેક સંબંધો ઉપર આધારિત પોઝિટીવ વિચારોની ટૂંકી વાર્તા, ગઝલોનો આસ્વાદ, નવલકથા વગેરેનો સમાવેશ થાય છે.
7) સાહિત્ય ક્ષેત્રે સ્ત્રીઓનું યોગદાન.
– સૌપ્રથમ તો ‘સાતપગલાં આકાશમાં’ નવલકથાના સર્જક કુંદનિકાબેન કાપડિયા આવી ગયા. એ વાંચકો દ્વારા વ્યાપકપણે સ્વીકારાયેલ નારીચેતનાનું પુસ્તક છે. એ પછી ગુજરાતમાં સભાનપણે નારીવાદી સાહિત્ય સર્જન સર્જાવાની શરુઆત થઈ. એ પછી રાજસ્થાન અને ગુજરાત બે ય ના રહેવાસી અને અદ્બભુત કવિયત્રી મીરાંબાઈ યાદ આવી ગયા જેમણે પોતાના જમાનાથી ક્યાંય આગળનું અદભુત સાહિત્ય રચ્યું છે. એ પછી લીલાવતી મુન્શીથી ધીરુબેન પટેલ, જયા મહેતા,વસુબેન ભટ્ટ, ગીતા નાયક, વર્ષાબેન અડાલજા,પન્ના ત્રિવેદી ,દક્ષા વ્યાસ જેવી અનેકો લેખિકાઓએ સર્જન દ્વારા અને શરીફાબેન વીજળીવાળા જેવા સર્જનોએ એમના સંકલન દ્વારા નારીકેન્દ્રી હવામાનનું સર્જન કર્યું છે. અનેકો નામ હજુ રહી ગયા હશે . પહેલાં નારીની છેડતી, દહેજ,દૂધપીતી કરવાનો કે સતીપ્રથા જેવા રિવાજો, પુર્નલગ્ન પર લખાતું હતું તો હવે જમાનાની હવા બદલાઇ ગઈ છે અને એનાથી આગળ વધીને નારીવાદી લેખનનો ટ્રેન્ડ જોવા મળે છે. આજે પુરુષ અને સ્ત્રીઓ બે ય સર્જકો દ્વારા નારીની સમાનતા, સ્વતંત્રતા, કેરિયર વગેરેને લઈને લખાતા લખાણોનો ચીલો જોવા મળે છે.
8) આપના જીવનના યાદગાર પ્રસંગ જે કાયમ માટે છાપ મૂકી ગયા ?
– બહુ નજીકના સંબંધોની તોડફોડે જીવનમાં કાયમ ઉથલપાથલ મચાવી છે. જેમાંથી દર વખતે કંઈક નવું શીખીને વધુ મેચ્યોર થઈ છું.
9)જીવનની એક પ્રબળ ઈચ્છા જે કોઇપણ સંજોગોમાં પૂરી કરવાની તમ્મના હોય ?
– માણસ બની રહેવાની ! મારામાંનો સર્જક આત્મા મારી પોઝિટીવીટીના વિચારો અને આચરણનો ગુલામ છે.
દુનિયાનો કોઇ પણ માનવી કે કોઇ પણ પ્રસંગ મારી અંદર નેગેટીવીટીની ખળભળ મચાવે નહી અને મારામાં રહેલ મારા પશુત્વને જગાડે નહીં. જ્યાં સુધી જીવું ત્યાં સુધી જીવી જવું છે.
10) અત્યારે સાહિત્યક્ષેત્રે ઝંપલાવી રહેલા યુવાવર્ગને શું સંદેશો આપશો?
– આમ તો હું હજુ પોતે જ યુવાન છું પણ હા, અનુભવમાં ઘણી આગળ છું એટલે નવા ઉગતાં લેખકો – કવિઓને એક જ વાત કહીશ કે તમારી પાસે વ્યક્ત થવાના માધ્યમો અનેક છે અને એને લઈને અનેકો તક આસાનીથી મળી રહે છે. આ આસાનીથી મળી રહેતી તકો તમારો આંતરિક વિકાસ રુંધી ના કાઢે એનું બરાબર ધ્યાન રાખવું જ ઘટે.
એક લાઈનના સ્ટેટસ કે એક બે સારા લેખ કે જોડકણાંથી કવિ કે લેખક નથી બની જવાતું. આ તો એક રોજ બ રોજ કરવાનો અભ્યાસક્રમ છે અને એની સતત સાધના કરવી પડે છે…દરેક ઘટના, અનુભવોમાં ઉંડે થી પણ વધુ ઉંડે ઉતરતા શીખવું પડે છે. આજે જે છો એ કાલે નહતા અને કાલે જે હશો એ આજે નથી જ. સતત વિકસતા રહો !
તમારી હરીફાઈ સતત તમારી જોડે રાખતા રહો. આ પ્રશ્નને લઈને મને મારો જીવનમંત્ર યાદ આવી ગયો ‘
મને મારી લાયકાતથી વધુ નથી જોઇતું પણ મને મારી લાયકાત જેટલું તો જોઇએ જ છે’ મારા સંઘર્ષથી માંડીને
મારી સફળતા સુધીની આખી સફર આ એક વાક્યમાં જ સમાઈ જાય છે.
મારો બ્લોગ – https://akshitarak.wordpress.com/
ફેસબુક પેજ – https://www.facebook.com/pages/Sneha-h-patel/897742246922927
(2) http://www.pratilipi.com/author-interview/5690638058127360
નામ – અટક : સ્નેહા પટેલ
જન્મતારીખ : ૩૦ – ૧૦ -૧૯૭૩
મૂળ વતન : અમદાવાદ- ગુજરાત
ડિગ્રી-ઉપાધિ : બી.કોમ
1. સ્વભાવ :
મળતાવડો, મસ્તીખોર, પ્રામાણિક્, વિશ્વાસુ,અતિ સંવેદનશીલ, નાવીન્યપ્રિય,કોઇ ખોટું દબડાવે તો સહેજ પણ સહન ના થાય કે કોઇને ખોટા ખોટા મસ્કા મારવા સહેજ પણ ના ગમે. સ્વમાની પણ અહંકાર સહેજ પણ નહીં…ઘણા ખરા અંશે સરળ અને કાયમ પરિવર્તનને આવકારવા તૈયાર.
2. જીવનનો એક એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલી શકાય :
આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે હું મા બની એ અને આજથી બે વર્ષ પહેલાં મેં મારી મા ગુમાવી એ બે મારા જીવનની હર્ષ અને દુઃખની ચરમસીમા.
3. સ્વતંત્રતા ને વ્યક્તિગત જીવનમાં કઈ રીતે જીવો છો ?
શ્વાસ લેવા જેટલી જરુરી પણ સ્વતંત્રતાની પોતાની એક કિંમત હોય છે. જેટલી કિંમત ચૂકવવા તૈયાર હો એટલી સ્વતંત્રતાને જ તમે લાયક છો. સ્વતંત્રતા કમાતા અને પચાવતા શીખવું પડે.
4. પ્રિય ભોજન :
દાળ,ભાત, રોટલી, શાક., કોઇ પણ હેલ્ધી અને વેજીટેરીયન ફૂડ – પીણું. સ્વાદની બહુ ચિંતા નહીં
5. તમારી જિંદગીને એક વાક્યમાં વર્ણવી હોય તો :
નદી જેવી બિન્દાસ વહુ છું,હા એટલું ખરું – વળાંકોને અનુરૂપ થઈ જઉ છું !
6. જીવનને પ્રભાવિત કરનાર ત્રણ વ્યક્તિ ?
સોરી, હું નોર્મલી કોઇનાથી પ્રભાવિત થવામાં નથી માનતી. માન – પ્રેમ અલગ વાત છે.
7. અણધાર્યા સંજોગો અને સ્થિરતા વચ્ચે તાલમેલ માટે તમારી સલાહ ?
સલાહ તો શું આપવાની હોય… દરેક માનવીના દુઃખ દર્દ , એને સહન કરવાની માનસિક, શારિરીક તાકાત અને તકલીફો અલગ અલગ હોય. પણ મારા અનુભવો પરથી એક વાત કહીશ, તકલીફોના સમયે સામા પાણીએ તર્યા વગર જ્યાં છો ત્યાં સ્થિર થઈને બેલેન્સ કરીને રહો. કપરો સમય વીતી જાય પછી જ યોગ્ય દિશા વિચારો અને નિર્ણય કરીને તરવાનું ચાલુ કરો. અટકી જવું અને પોરો ખાવો એ બે અલગ વાત છે. જીવનમાં ક્યારેય અટકો નહીં.
8. એવી એક વસ્તુ જે લખલૂટ લુંટવાનો મોકો મળે તો એ શું હશે ?
એકથી મન નહીં ભરાય સોરી, કુદરતનું સાન્નિધ્ય, ઇશ્વરની કૃપા, બાળકોની માસૂમ કંપની, મનગમતી વ્યક્તિઓનો સહવાસ અને લખલૂટ હાસ્ય !
9. નાનપણમાં આગળ વધીને શું બનીશનો જવાબ શું હતો ? ( પ્રામાણિકતા જાળવવી ) :
માસૂમ, નિર્દોષ નાનપણ તો રમત ગમત ને પરિવારજનોના વ્હાલમાં ક્યાં ચાલી ગયું ખ્યાલ જ ના રહ્યો…સાચું કહું તો હજુ આજ સુધી પણ આ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી…ઉપરવાળો જે બનાવે એ – એના સંકેતો ઉકેલવાની કસરત જ કરું છું બાકી તો બધું એને હાથ હું તો કઠપૂતળી !
10. શોખ :
તંદુરસ્ત રહેવું, ફોટોગ્રાફી, લખવું, વાંચવું,રખડવું મનગમતાઓને એમની મનપસંદ વાનગીઓ રાંધીને ખવડાવતા રહેવું, સંગીત સાંભળવું, ગાવું, ઘણીવાર પંચાત કરવી પણ ગમે..પણ નિર્દોષ, મૂવી જોવી, નાટકો જોવા…ગમતા લોકોને -મિત્રોને મળતાં રહેવું – ધમાલ મસ્તી કરવી…જીવન મજ્જાથી જીવવું…
11. પ્રતિલિપિ એ..
પ્રતિલિપિ એ હિન્દી, ગુજરાતી, મરાઠી લેખકો અને વાંચકોને જોડી રાખવા માટે મહેનત કરતી એક સુંદર કડી છે. વાંચનની દુનિયામાં ક્રાંતિ લાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. એનો વ્યાપ વધતો રહે અને અનેકો સર્જકોને એનો લાભ મળતો રહે એવી અભ્યર્થના.
વાચકોને સંદેશ :
સંદેશ આપવા જેટલી મહાન નથી હા મારા દિલની વાત કહીશ કે કોઇ જ ખોટી વાત ક્યારેય છુપી રહી શક્તી નથી. એને ઉજાગર થવામાં થોડું મોડું વહેલું થઈ જાય છે બસ..જીવનમાં સુખી રહેવા માટે કોઇ પણ માનવી સાથે કોઇ જ રમતો રમવાની સહેજ પણ જરુર નથી. તમારી લાયકાત કેળવો અને સફળતા આપોઆપ તમારો દ્વાર ખખડાવશે. સફળતા પચાવતા શીખો, એ તમારા માથા પર ચડી જતી લાગે તો વહેલી તકે એનાથી દૂર થઈ જાવ અને ભૂલી જાવ. સાદગી, સરળતા, પ્રામાણિકતા, નમ્રતા, ધીરજ જેવા ગુણ વિક્સાવો અને ઇશ્વરમાં અતૂટ શ્રધ્ધા રાખો અને સદા સ્વસ્થ, હસતા રમતા, ખુશખુશાલ રહો.
આમ તો આખો લેખ લખાઇ જશે..શું કરું લેખક છું ને..આદતથી મજબૂર !
Vah… sundar aalekh.
LikeLike
Khub j saras..sahitya safar ma vadhta j raho..
LikeLike
Vah… bahu maja aavi aapno interview vachi ne.. aapne madya no aanand to hatoj pan aa interview vachi ne em lage che tamne vadhu sari rite samji sakyo…
LikeLiked by 1 person
aapno khub khub aabhar sanjaybhai
LikeLiked by 1 person
Nice congratulations
LikeLike
અક્ષિતારક” ( અતિપ્રિય / ગમતા એવા,તમને કોઈ તકલીફ ન થાય એવું માનનારા )આ શબ્દ નામ ને ઉજાગર કરતા રહી ‘સાર્થક’ કરો એવા આશીર્વાદ+શુભેચ્છાઓ [L.M.Thakkar,about.me/lakant46]
LikeLike
એકદમ નિખાલસ ઈન્ટરવ્યુ, કોઈપણ પ્રકારનો દંભ નહી. વ્યક્તિ જ્યારે પ્રામાણિક અને સરળ હોય ત્યારે તેને સફળ બનતા કોઈ રોકી નથી શકતું કારણ કે, આવા વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા હોય છે, કુદરત રાજી હોય છે અને આવી સફળતા લાંબો સમય કે પછી જીવનભર ટકે છે. તમે સફળ છો, છતાય સરળ છો એ જ વાત તમને મહાન બનાવે છે. વધુ તો શું કહું બસ, આમ જ સરળ રહો, સદા સારી અને અદ્ભુત કોલમો લખતા રહો અને ખુબ સફળતા મેળવો તથા તમારુ પારીવારીક જીવન, વ્યવસાયિક જીવન ખુબ જ આનંદમય અને સુખમય રહે એ જ મારી શુભેચ્છાઓ…
– અમિત બી. ગોરજીયા
LikeLike