World Cup 2019


#team India

‘અમે તમારી સાથે છીએ’ ‘keep it up’, ‘જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા’ જેવા અનેક નારા સાથે આજે વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્ટેડિયમમાં ભારતના અદભુત ક્રિકેટ સમર્થકો નજરે ચડ્યાં.
પહેલી ત્રણ વિકેટ સ્ટાસટ પડી જતાં સર્વત્ર એક સોંપો જ પડી ગયેલો. 
ખેલાડીઓ ધીમે ધીમે  ઠીચુક ઠીચુક રમીને વિકેટ સાચવવાના પ્રયત્ન કરતા હતાં ને એમાં ય સફળ નહતા થતા. એક સમયે તો 6 વિકેટ પડી જતાં લોકો સાવ નિરાશ થઈ ગયા હતા એવા સમયે વોટ્સઅપ ને એફબી બધે નિરાશાજનક મેસેજીસ આવવાના શરૂ થઈ ગયા, લોકો ઘરમાં ટીવી બંધ કરીને બેસી ગયા ત્યારે સ્ટેડિયમમાં આશાભરી નજરે મેચ જોતાં જોતાં આ સમર્થકો પોતાની જગ્યાએ બેસી રહીને ભારતીય ટીમ માટે અદભુત પ્રેમ દર્શાવતા હતાં, વિકટ સમયમાં રમાતા એક એક પ્લેયડ બોલ પર પણ ખેલાડીઓને cheers કરતાં હતાં. એટમોસફિઅર એકદમ લાઈવ રાખતાં હતાં. એમને જોઈને મને લાગ્યું કે એમના મગજમાં ટીવી બન્ધ કરીને ભારતીય ટીમને ગાળો આપનાર અમુક નેગેટિવ પ્રજા જેવો વિચાર સુદ્ધાં નહિ આવ્યો હોય? મેચ ફિક્સિંગ, કોને લીધો..કેમ લીધો..કેમ ના લીધો..ધોની ઘરડો થઈ ગયો જેવા અનેકો નેગેટિવ વિચાર એમના વિશાળ દિલને સહેજ પણ નહીં સ્પર્શ્યા હોય ? 
એ લોકો પૂરી નિષ્ઠાથી ભારતીય ખેલાડીઓને હિંમત આપવાનું કામ કર્યે જતાં હતાં જાણે એમને કહેતાં ના હોય કે, ‘ તમે બધા અમારી જાન છો ને રહેશો, આ તો રમત છે એમાં હાર ને જીત તો થતી જ રહે તમે લોકોએ છેક સુધી તમારાથી બનતા બધા મરણીયા પ્રયાસ કર્યા જ છે અમે એના સાક્ષી છીએ, તમારામાંથી અમુક તો આજે રડ્યા પણ હશો જ અમને ખ્યાલ છે પણ ચિંતા ના કરો . અમે તમને ખૂબ ચાહીએ છીએ, તમારી શક્તિઓમાં પૂરતો વિશ્વાસ છે. આ નહિ તો આવતો વર્લ્ડ કપ આપણો જ હશે ! 
એક વાત અમે તમને કહીશું કે, ‘ જે સ્થિતિ હોય એમાં અમે કાયમ તમારી સાથે જ છીએ.’
આવા સમર્થકોથી રમતો ગમતી  બની રહે છે.
સારા સમયમાં ફટાકડા ફોડનાર, લખલૂટ મજા કરનારા ક્રિકેટ પ્રેમીઓમાંથી ખરાબ સમયમાં પણ ટિમ સાથે રહેનારા સાચા ચાહકોને સો સો સલામ ! 
Troll કરવું બહુ સહેલું છે, ખરી હિંમત કોઈ માનવીના અવળા સમયમાં સવળું બોલવામાં જોઈએ.

સ્નેહા પટે

Advertisements

Words with image


Taajgi


Mઘણાં લોકો અભિવ્યક્તિના નામે અહી- તહી વિચારોની ઉલટી કરતા ફરતા હોય છે. ને મગજમાં – દિલમાં આવ્યું બેબાકપણે બોલી – લખી નાખ્યું.

માનવીના મગજમાં સેંકડો વિચારોની આવનજાવન હોય છે.મનુષ્યનો એની પર ખાસ કોઈ કન્ટ્રોલ નથી હોતો. અમુક સિદ્ધ કહેવાતા લોકોને પણ આ વાત નિર્વિવાદપણે નડતી જ હોય છે. તમારા વિચારોને તમારા જીવન, આજુબાજુની દુનિયા, તમારી મહત્વાકાંક્ષા,લાગણી, ગમા અણગમા સાથે સારી એવી ગાઢ દોસ્તી હોય છે. જો એમાંથી તમે વ્યક્ત થવા માટે એમાંથી યોગ્ય વિચારની પસંદગી કરી શકો તો તમારી અડધી સમસ્યાઓનો ત્યાં જ ઉકેલ આવી જાય છે.

ઉદભવતા વિચારોમાંથી યોગ્ય વિચારની પસંદગી જેટલી સમજણના બીજ આજના જ શુભ ચોઘડિયે સર્વેમાં રોપાય ને વિકાસ પામે એવી શુભેચ્છા સાથે શુભ સવાર.

સ્નેહા પટેલ.

1-5-2019

દીલનો ટુકડો


ફરી ફરીને

પાછી ત્યાં જ વળું છું-

નક્કી,

એ તરફ જ

મારા દિલનો

કોઈ ટુકડો પડી ગયો હશે !

-સ્નેહા પટેલ

Writing – my love


સાહિત્યજગતમાં હોવું એટલે એકબીજાની ખોદણી, પગખેંચાઈ, ઈર્ષ્યા, પગચાટણી, સ્ટેજ – નામ માટે કાવાદાવા કરવાના બદલે નવું લોકોપયોગી સર્જનકાર્ય કરવું એ મુખ્ય કાર્ય /ફરજ સમજુ છું.

થોડાંક જ સ્ટેજ -મેળાવડાંઓના અનુભવો પછી એનો મોહ સાવ ઉતરી ગયો મને. ત્યાં જઈને નેગેટિવિટી ભેગી કરવી એના કરતા ઘરમાં બેસીને સર્જનકાર્ય કરવુ વધુ પ્રિય. મેડલોની ખેવના ય નહીં એટલે આવા પ્રોગ્રામોની કોઈ જ જરૂરિયાત નહીં મારે. વાંચનારા મને શોધીને વાંચી લે જ છે ને ઉમળકા ભર્યો પ્રતિસાદ પણ આપી દે છે..આપણે રાજી રાજી

-સ્નેહા.

My thought process


મારા લખાણની પ્રોસેસ વિચારતા એવું લાગ્યું કે હું ફટાફટ કોઈને સંભળાવી દેવા કે બતાવી દેવા ઉતાવળમાં બોલવાનું મોટાભાગે પસંદ ન કરું. સામેવાળાને બોલીને ( ઘણી વખત મજાકના નામે ટોન્ટ પણ હોય ) એ બોલીને ખુશ પણ થવા દઉં.. મને એમની એ વિચિત્ર ખુશીથી કોઈ ફરક નથી પડતો…મારું ખરું કામ તો એમના બોલાઈ લીધા પછી એમના વર્તન પર વિચાર આવે ત્યારે ચાલુ થાય છે ને પછી એના પર લખાય છે. બાકી મારી સૌથી મોટી પ્રશંસક કે ટીકાકાર હું પોતે જ છું એ ઘણી વખત કહી ચુકી છું. વળી મારું સત્ય મારા પોતાના માટે જ સત્ય હોય છે, બીજાઓ પણ એવું માને એવો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો !

દુનિયા ગોળ


હું સૌપ્ર્થમ કાગળમાં લખતાં શીખી , પછી ટાઇપ કરતાં એ પછી  ડેસ્કટોપ પર ટાઇપ કરીને નેટ પર અપલોડ કરતાં,  પછી લેપટોપ આવ્યું એટલે ખોળામાં ‘લેપ્પી’ લઈને ટાઇપ કરીને નેટ પર લખાણ અપલોડ કરતાં શીખી, પછી મોબાઈલમાં નેટ આવતાં બધી એપ ડાઉનલોડ કરીને એમાં જ સીધું ટાઇપ કરવાનો જ ચસ્કો ચડ્યો હવે  ટાઇપ કરીને કંટાળી એટલે પાછી કાગળ પેન પર હાથ અજમાવું છું – દુનિયા સાચે ગોળ છે કેમ મિત્રો ?

-સ્નેહા પટેલ

સર્જન કરવું એટલે


સર્જન કરવું એટલે દિલ ભરાઈ જાય ત્યારે શબ્દોની ધાર વતી છેક અંદર સુધી ખોદાઇ જવાનું – ઉલેચાઈ જવાનું, પછી રેલમછેલ – અને આનંદ જ આનંદ. ક્યારેક શબ્દ કોમળ મળે તો ક્યારેક અથરો પણ મારા દિલ માટે એ એક રામબાણ ઈલાજ છે એ વાત ચોક્કસ. એણે ક્યારેય મને દગો નથી આપ્યો. ભીડમાં એણે મારી આંગળી પકડી છે ને એકાંતમાં ખોળો પાથરીને કાયમ મળ્યો છે. આમ કે તેમ અહીં કે તહી દરેક જગ્યાએ મેં એની સુગંધની મોજ માણી છે. એ અઢી અક્ષરના ‘શબ્દ’ને મારા અઢી અક્ષર ના ‘પ્રેમ’ની ભેટ ચડાવું છું.

– સ્નેહા પટેલ.

ટુકડો


ફરી ફરીને
પાછી ત્યાં જ વળું છું-
નક્કી,
એ તરફ જ
મારા દિલનો 
કોઈ ટુકડો પડી ગયો હશે !

-સ્નેહા પટેલ

womens’ day


 

આ જમાનાનો વાયરો સ્ત્રીઓને પોતાના હક માટે સચેત કરી રહ્યો છે. ધીમી ધીમી થપકીઓ નહિ પણ સપાટાભેર ઝાપટ મારીને આજ દિન સુધી દરેક સ્ત્રીના ભાગે ભોગવવાની આવેલી માનસિક, શારિરીક બંધનોનો એકસાથે બદલો લેવા પ્રેરિત કરી રહ્યો છે. ઠેર ઠેર સ્ત્રીઓ એકજૂથ થઈને ‘અમારો હક આપો’ની માંગણી કરી રહી છે.
ઘણી જગ્યાએ દ્રશ્ય સાવ ધૂંધળું છે. સ્ત્રીઓ ટોળાં બનાવે , જોમ જુસ્સો બહુ આવે છે પણ બધો વિવેક અતિલાગણીના અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. પોતે શું અને કેમ માંગી રહી છે, મુખ્ય મુદ્દો શું છે ?, વળી કોની પાસે માંગી રહી છે એવી સામાન્ય સમજ પર પાણો પડી ચૂક્યો છે. વળી જે માંગી રહી છે એ વર્ષો જૂની રીતિ રીવાજો, માનસિકતા સામેનો જંગ છે તો એનું પરીણામ ‘ચટ મંગની પટ બ્યાહ’ જેવું તો ના જ હોય એવું એમને સમજાતું નથી. આ બધા માટે બહુ ધીરજ, સમજણ જોઈએ વળી જે માંગી રહયાં છો એ એની પોતાની કિંમત લઈને જ આવશે તો એ કઈ રીતે ને શેનાથી ભરપાઈ થશે એવો દૂરંદેશી વિચાર સુદ્ધાં એમને નથી આવતો.
સમાનતા, એક કદમ આગળ આ બધા વમળો છે જેમાં સૌપ્રથમ તો સ્ત્રીએ પોતે બધી રીતે સશક્ત થવાનું છે, વર્ષોથી જાતે જ પહેરીને બેઠેલી ઘણી બધી જંજીરોમાંથી જાતે જ મુક્ત થવાનું છે એ પછી સમાજને તમને તમે જેને યોગ્ય છો એ આપ્યા સિવાય છૂટકો જ નથી એટલું સમજવાનું છે. પોતાની જાતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. એ વિશ્વાસ મેળવવા શિક્ષણ, સ્વરક્ષાના પાઠ – તાલીમ, સરકારે આપેલ હકનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એની પૂરતી સમજ આ બધું કેળવવાનું છે.
મુખ્ય સમસ્યા પુરૂષોનું આધિપત્ય નહિ પણ સ્ત્રીઓએ સ્વીકારી લીધેલી ગુલામી છે. જયાં સુધી દરેક સ્ત્રી આ સાંકળો તોડવા મજબૂત રીતે તૈયાર નહિ થાય ત્યાં સુધી કોઈ વિકાસ શક્ય નથી.કોઈ માઈનો લાલ આ ગુલામીમાંથી તમને બહાર નહીં કાઢી શકે.
મુખ્ય મુદ્દો પુરુષોની બરાબરી કે એક કદમ આગળ ને એવું બધુ છે જ નહીં. આપણે બધા ‘ મોટી લીટીને નાની કરવાની’ વાર્તા અને રસ્તો સુપેરે જાણીએ પણ અમલમાં મૂકવાનું આવે ત્યારે કશું યાદ નથી આવતું. જે સ્ત્રીઓ પોતાની લીટી લાંબી કરવાની ઇચ્છા રાખે છે ને એ દિશામાં મન રેડીને કામ કરે જ છે એ ઓલરેડી પોતાના ક્ષેત્રમાં એટલી આગળ વધી ચુકી છે કે સમાજે એની સમર્થતાને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી અને એ સ્ત્રીઓને સમાજના કોઈ પણ સ્વીકારની પડી પણ નથી હોતી.
મુખ્ય મુદ્દો સ્ત્રીઓના પોતાના વિકાસનો છે. પુરુષો ભલે એમની રીતે એમના કામ કરે પણ એમની સામે સ્ત્રીઓ એ એક મજબૂત વિશ્વાસ ની ઢાલ લઈને ઉભા રહેવાનું છે જેથી એમના કોઈ જ ઘા એના નાજુક દેહ, તનને નુકસાન ના પહોંચાડી શકે. કોઈએ શુ કરવું એ આપણે બહુ જડતાથી કહીએ એના કરતાં આપણે શું કરી શકીએ ને એ વિચાર પર અમલ કરવાની દિશામાં એક ડગલું આજથી જ આગળ ભરીએ – દરેક સ્ત્રીને મારી આ જ છે સાચી ‘ મહિલા દિનની શુભેચ્છાઓ’

મજબૂત બનવા ઇચ્છતી વિશ્વની દરેક મહિલાને અઢળક વ્હાલ સાથે મારી આ પોસ્ટ સમર્પિત.
સ્નેહા પટેલ.
9 માર્ચ,2019.

atal savera

Kachori


https://wp.me/sovbN-kachori

કચોરી:

નાનપણ માં મમ્મી મોટાભાગે માણેકચોકના શાક માર્કેટમાં જઇ – શિયાળુ શાકની સીઝન બરાબરની જામી હોય, સારો ભાવ હોય ત્યારે કૂણી કૂણી તુવેરો શોધીને બે ચાર કિલો ખરીદીને કાપડ ના થેલામાં ભરી લાલ દરવાજા સુધી ચાલતા જઈ ને ઘરે પહોંચાડતી બે બસ 42 અને 48ના બસ સ્ટેન્ડ પર બેસતી. બસને આવવાની વાર હોય તો સ્ટેન્ડ પર બેઠા બેઠા પોતાનું પર્સ, બીજો સામાન સાચવતી’કને થોડી તુવેર ફોલીને દાણા કાઢીને થેલા માં જ નાખી દેતી. લાલ દરવાજાના દૂરનાં વળાંકથી વળતી બસના ડાબી બાજુના મોટા ચોરસમાં લખાયેલ નંબર પર નજર તકાયેલી રહેતી. જેવો ઘરની બસનો નંબર દેખાય એટલે પોતાનો બધો સામાન સાચવીને સમેટીને ચોર..પર્સ કાતરુઓથી બચતી ને લાઈનમાં કોઈ આગળ ના વહયું જાય એ બધું ધ્યાન એકસાથે રાખતી બસ નજીક આવે એટલે ત્વરાથી એમાં ચડી જતી. ઓફીસ અવર…નસીબ હોય તો જગ્યા મળે નહીતો હાથના થેલા પગના આધારે અને એ પોતે માથા પર આવેલ રોડમાં લટકતા ચામડાના પટ્ટાના સહારે. એ વખતે #me too જેવી ચળવળો નહતી ચાલતી, બસની ધક્કા મુક્કીમાં પોતાની જાતને મજબૂતાઈથી બચાવી શકતી – આંખની કડપ માત્રથી સામનો કરી શકતી એ સિંહણ જેવી સ્ત્રીને જોકે એવી ચળવળોની જરૂર પણ નહતી પડતી.

ને આમ એક ચકલી પોતાના માળામાં ચાતક નજરે રાહ જોઈ રહેલા બચ્ચાંઓ વાળા માળામાં પાછી ફરતી. બચ્ચાંઓની નજર મમ્મીના પર્સ ને હાથના થેલામાં કાયમ રહેતી જ હોય.આટલા વજનનો થેલો જોઈને મનોમન ખુશ થઇ જાય,

‘ નક્કી કૈક મોજ થવાની ઘરમાં’

એ પછી ચાલુ થતો તુવેરો ફોલવાનો સિલસિલો !
રાતે ટીવી જોતા જોતા ઘર ના દરેક સદસ્ય પૂરા મનથી તુવેરોના દાણા ફોલવાની ફરજ નિભાવતું. કોઈ જાતની ફરજ પાડવામાં નહોતી આવતી પણ સદસ્યો નો એક અનેરો ઉત્સાહ !

એ પછી તો ‘ મિશન તુવેર’ ની પાછળ આખું ઘર પૂરતી તન્મયતાથી મચી પડતું તે બે દિવસમાં એનો ઝપાટો બોલાવીને જ જપતું. જેટલી વહેલી ફોલાય એટલી જલ્દી મનભાવતી વાનગી ‘કચોરી’ ખાવા મળે એવી લાલચ.

મોટાભાગે તો આવા મોટા (!!) પ્રોગ્રામ રવિવારના દિવસે જ બનતાં કે જ્યારે આખા ઘરને રજા હોય ને સાથે બેસીને બનાવી શકાય ને આરામથી ઘડિયાળના કાંટા જોયા વિના આરોગી શકાય એવો દિવસ જ નક્કી થતો. ફોલાયેલ તુવેરના દાણા વીણવા ની જવાબદારી ઘરના સૌથી નાના સદસ્યની એટલે કે આપણી પોતાની. કોની દાણા ફોલવાની સ્પીડ સૌથી વધુ, કોણ કેટલા દાણા જોયા વિના ફોલે એવી બધી પંચાત કરતા કરતા દાણામાંથી સડેલ દાણા, કચરો કાઢવાનું કામ પૂર્ણ થતું. આપણું મોટાભાગનું કામ પતી ગયું એ પછી આવતો મોટીબેન ધ ગ્રેટનો વારો. એ વખતે કદાચ ઘરમાં મિક્સર નહોતું એટલે એક કાળીગોળ માટીની કુંડીમાં એ ધોયેલ દાણા મોટીબેન લાકડાં ના દસ્તા વડે ઘસી ઘસીને દાણાનો માવો બનાવતી. જોકે આ થોડો સમય જ…એ પછી મિક્સર આવી જતાં એમાં દાણા ક્રશ કરવાનું કામ પણ મોટીબેનનું જ ! મોટીબેન કાયમ જીંદાબાદ!
આપણે આરામથી ટીવીમાં ચિત્રહાર, ચંદ્રકાંતા, તમસ, બુનિયાદ જે આવતું હોય એ પ્રોગ્રામ જોવાના.

ઘરના સૌથી નાના ને સૌથી લાડકાં એવા આપણે !

મોટીબેન નું કામ પતે ત્યાં સુધી બીજી દીદી લોટ બાંધીને લુવા પાડી દેતી ને મમ્મી નાહવા, કપડાં ધોવા સાથે મારા જેવા આળસુઓને નાહી -ધોઇને તૈયાર થવા જેવા મોટા કામ (!) પતાવવાની સૂચના આપતી જતી. મમ્મી બહુ વ્હાલી પણ એ ગુસ્સે થાય તો સાલું બીક તો લાગતી એટલે એ ગુસ્સે થાય એ પહેલાં એની સૂચના મુજબ કામ પતાવી કાઢતી. પછી મુખ્ય કામ આવતું માવાનો મસાલો કરી માવો શેકવાનું ને એમાં મારી માસ્ટર મમ્મી માળીયામાંથી જાડા તળિયાવાળું ને આવા કામ માટેનું સ્પેશિયલ પીત્તળનું તપેલું ઉતરાવડાવતી.
(ઘરના કામ જેવા કે, બહારથી વસ્તુઓ લાવવી મૂકવી કે માળિયામાં ચડીને વસ્તુઓ, અનાજ ઉતારવું એ બધાને કામ કહેવાય એવી સમજ પણ નહોતી , એ સમયથી મારા હતાં. )

એ પછી પિત્તળના તપેલામાં તેલ,માવો, મસાલો મિક્સ કરાતો અને ઘરના દરેક સદસ્ય ત્યાં દિવેટવાલા પ્રાઈમસની આજુબાજુ બેસીને જોતા. એક હાથે રૂમાલ પકડીને એનાથી તપેલું પકડીને માવો હલાવતી મમ્મી ના હાથમાંથી વચ્ચે વચ્ચે બધા તવેથો લઈને પૂરી નિષ્ઠાથી એ કામમાં પોતપોતાનું શક્ય યોગદાન આપતા. પપ્પા…હા…આ મહાયજ્ઞમાં અમે બધા રત હોઈએ ને કોઈના મગજમાં ચા પીવા નો કીડો સળવળે ને ઓર્ડર છૂટે, ‘પપ્પા, ચા મૂકી દો ને..’ અને પપ્પાને પણ ચા ની તલપ લાગી જ હોય એટલે એ પણ બહારનો ચોવીસ કલાક ખુલ્લો રહેતો ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી રસોડામાં આવે.
પાંચ સદસ્યોનું મોટું કુટુંબ નાનકડા રસોડામાં આરામથી જગ્યા કરીને પોતપોતાનું કામ કરતું.
એ પછી ચા પીવા વિરામ લેવાતો અને મારા જેવો અવળચન્ડો જીવ માવો કેવો બન્યો છે? ની ભરપૂર જિજ્ઞાસા સાથે વચ્ચે વચ્ચે એ ચાખી પણ લેતો. જેટલું ચાખીએ એટલી સ્વાદેન્દ્રિય ઓર તેજ થતી જતી. આવા સ્પેશિયલ સમય માટે ફ્રિજમાં મૂકી રખાતા કાજુ, દ્રાક્ષ થી મોઢામાં પાણીના ફુવારા છૂટતાં. જોકે એ પછી નું કામ ફટાફટ થતું. જમવાનો સમય નજીક આવતો જતો હોય ને એટલે.
દીદી પૂરી વળે , કઈ સાઇડ સીધી ને કઈ ઉંધી એની મમ્મી સમજ પાડતી ને બીજી દીદી પૂરીમાં માવો ભરતી. જોકે ભારે ચીવટ વાળી મમ્મી ને એનાથી સંતોષ ના થતા વચ્ચે વચ્ચે કચોરીની કાંગરી બરાબર કેમની પડે, પૂરી નું પડ પાતળું..જાડું… એવી સલાહ આપતી દિવેટવાળા પ્રાઈમસ પરની તેલની તાવડીમાં કચોરી તળવા લાગતી. વચ્ચે વચ્ચે હું પણ કચોરી ભરવાનો પ્રયત્ન કરીને કોઈ મહાન કામ શીખ્યા નો ભરપૂર આનંદ લઈ લેતી અને કોથમીરની ચટણી, છુંદો, ટોમેટો સોસ લઈને બધા પોતપોતાની ડીશ લઈને જમવા બેસતાં.
અહાહા….અદભુત વાતાવરણ !
આ આખી કથા એટલે યાદ આવી કે કાલે હું તૈયાર દાણા લાવીને, માવો બનાવી, પૂરી માં ભરીને તળવા સુધીની દરેક પ્રક્રિયા માં એકલી હતી.ઇનમીન ને તીન ના ફેમિલીમાં બધા બીઝી બીઝી…મિક્સર…દાણા…એ બધું રમત…કાજુ, દ્રાક્ષ પણ હવે રોજ ખવાય. કચોરી સરસ બની હતી , સદસ્યોએ ખાધી પણ પૂરાં પ્રેમથી ને વખાણી પણ દિલના કોઈ ખૂણે બહુ બધી સ્મૃતિઓ ખળભળતી હતી ને એ ખળભળાટથી લાચાર થઈને આ લેખ લખ્યાં વિના ના રહેવાયું .
મારો વ્હાલો પરિવાર…લવ યુ !

સ્નેહા પટેલ.
24 નવેમ્બર,2018

Taajgi


મારું સુખ હું સાત તિજોરીમાં છેક તળિયે છુપાવીને રાખું છું. જોકે, મારા દુઃખ પણ લોકો ને બતાવવાની ટેવ નથી પણ લોકવાયકા એવી છે કે, “સુખને લોકોની નજર લાગે અને તમારા દુઃખથી મોટાભાગની દુનિયા ખુશ થાય.”એટલે દુનિયાની અને મારી બે ય ની ખુશીના રખોપા કરીને મારા દુઃખને રઝળતા મૂકી દઉં છું. જેને એ સામે મળે…પંપાળે…હસે..બે ઘડી ખુશ થાય…એનાથી મને બહુ ફરક ના પડે પણ સુખની યાદો તો તિજોરીમાં કેદ જ સારી ! સુખની યાદો સુખ ઉતપન્ન કરે જ્યારે દુઃખની દુઃખ! મને ખુશ રહેવું ખૂબ ગમે છે, તમને પણ ગમતું જ હશે ને ? માનવસહજ કુદરતી ઈચ્છા છે. આપણો જન્મ જ ખુશ રહેવા ને ખુશ રાખવા થયો છે એ યાદ રહે તો બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય.
અરે…આ શું ? પેરેગ્રાફ ની શરૂઆતમાં ‘સુખ’ ની વાત કરતા કરતા હું અત્યારે ‘ખુશી’ની વાત પર આવી ગઈ !
સુખ એ ખુશીનો પર્યાય ના બની શકે પણ ખુશી સુખનો સમાનાર્થી ચોક્કસ છે જ !

ઓહ..મતલબ દુનિયામાં ખુશ રહેવું સૌથી મહત્વનું.. ને એ જ શીખવાનું છે..એ આવડી જાય પછી કોઈ સાત તિજોરીના તાળાઓની જરૂર નહીં પડે…ખુશી પણ હવામાં વહેતી મૂકી શકાશે…શું કહો મિત્રો ?
-સ્નેહા પટેલ
23 નવેમ્બર,2018

377 & metoo


એકબાજુ 377 ને જોરદાર સમર્થન મળી રહ્યું છે ને બીજી તરફ આ #metoo આંધળી સમજથી આગળ ધપી રહ્યું છે – આના પગલે મને લાગે છે કે લોકો એટલા સજાગ (!!) થઈ જશે કે ભવિષ્યમાં છોકરી છોકરી અને છોકરાઓ છોકરાઓ ઉપર #metoo નો દાવો ઠોકશે.
: D
-સ્નેહા પટેલ.

#metoo


#metoo ની પોસ્ટ્સ જોઈને મારી ફૂલછાબ પેપરની ‘ નવરાશની પળ’ કોલમનો એક લેખ યાદ આવ્યો જેમાં મેં લખેલું કે, ‘ કોઈ પણ સફળતા મેળવતા પહેલા તમારે એક્ઝેટલી શુ જોઈએ છે અને એના માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છો એ નક્કી કરવાનું હોય છે ‘ વાર્તાનું નામ યાદ નથી નહીતો એ વાર્તા જ અહીં મૂકત. સફળતા મેળવવા સ્ત્રીઓએ પોતાની યોગ્યતા પર મદાર રાખવાને બદલે મરજીથી અનેક કોમ્પરોમાઇઝ કરી લીધા અને આગળ વધી ગઈ અને આજેસફળતા ને સ્પર્શી લીધા પછી #metoo ની ધારામાં હાથ ધોવા બેઠી છે એમની માનસિકતા કેટલી યોગ્ય ?
સૂકા ભેગું લીલું ય બળે એ ખબર પણ લીલાનું પ્રમાણ સૂકા કરતા વધી ના જાય એ પણ સ્ત્રીઓએ ધ્યાન રાખીને કોઈ પણ metoo ને સ્પીર્ટ કરતા પહેલા વિચારવાની ખાસ જરૂર છે.આજકાલ ‘હેરેસમેન્ટ’ની વ્યાખ્યામા ઘણા નિર્દોષ પુરુષો અટવાઈને ગડથોલા ખાય છે કદાચ કાતદાનો..ઓછી સમજનો, ઘેટાંવૃત્તિઓનો આવો અતિરેક જ પુરુષોને સ્ત્રી બાબતે ઇનસિક્યોર ફિલ કરાવે છે ને આવી ચળવળ વખતે અકળાઈ ઉઠે છે – આ ના ચાલે. અમુક પુરૂષના કારણે આખો પુરુષવર્ગ ખરાબ એવી વ્યાખ્યા કરીને દરેકને શંકાની શૂળ ના ભોંકાય.આમ તો સમાજમાંથી વિશ્વાસની વ્યાખ્યા જ નામશેષ થઈ જશે. દરેક વાતમાં વિવેકની જરૂર હોય છે મિત્રો.
બાકી આવા વર્ષો પહેલાના કોંપ્રોમાઇઝને રાજીખુશીથી કરાયેલ એક સોદાથી વધુ કશું જ ના કહેવાય એવુ મારું દ્રઢપણે માનવું છે.
-સ્નેહા પટેલ.
#metoo

Video calling


પ્રિય મમ્મી,

તારે સંતાનમાં ત્રણ દીકરીઓ અને બધી તારી લાડકવાયી. તું એમના માટે કઈ પણ કરી છૂટે, તારામાં સંતાનો માટે લડવાની ગજબની તાકાત હતી. મને એના માટે તારી પર કાયમ ગૌરવ રહ્યું છે. ત્રણ દીકરીઓને પરણાવી સાસરે વળાવીને તું સાવ જ એકલી પડી ગઈ જાણે…આજથી સાત વર્ષ પહેલાં આમારો સાથ છોડીને તું જતી રહી તે વખતે ‘વોટ્સએપ’ ને ‘ વિડિઓ કોલિંગ’ જેવી સુવિધા નહોતી.મન થાય ત્યારે આપણાં સંતાનોને ફરી આપણી હથેળીમાં મોબાઈલના સ્ક્રીન થકી સમાવી લેવાના, એના સ્ક્રીન પાર વ્હાલથી હાથ ફેરવી મીઠી પપ્પી પણ લઈ લેવાય, બહારગામ જસ્ય તો વિડિઓ કોલિંગ દ્વારા પ્રવાસમાં ય સતત એમની સાથે રહયાનો સુખદ અનુભવ થાય.પણ આ બધું તારા…નહી નહીં…આપણાં નસીબમાં નહોતું..ખૂબ જ અફસોસ થાય છે.
આજે તું જ્યાં હોય ત્યાં મારા દિલના મોબાઈલથી તને વિડિઓ કોલિંગ કરું છું.તારા ખબર અંતર જાણવા છે, તારો ચહેરો જોવો છે, ચુંબનોથી નવડાવી દેવો છે..બહુ વાતો કરવી છે… ફોન ઉપાડ ને…પ્લીઝ. !

-સ્નેહા પટેલ.