કલ્પના-વિશ્વ.લાકડાંનું જૂનું,પુરાણું,સુંદર નકશીકામવાળું કાચના ‘ટૉપ’વાળું ટેબલ
પ્રિયજને ‘ગિફ્ટ’ કરેલ કોફીનો ગરમાગરમ વરાળ ઉગલતો ‘મગ’
ટેબલ પર થોડાં મનપસંદ વિષયના પુસ્તકો
ડાબી બાજુમાં એક મોટ…ટી વિશાળ સ્વચ્છ બારી
બારીમાંથી દેખાતું ભૂરું ભૂરું આકાશ
આકાશમાં સ્વછંદીપણે ઉડતા પંખીઓ
બગીચામાંથી સમીર સાથે ઢસડાઈ આવતી
જૂઇ-ચંપા-મધુમાલતીની મિશ્ર તીખી સુગંધ
ક્યાંક ભ્રમરોનું ગુણ ગુણ
ક્યાંક પતંગિયાઓનું ઉડાઉડ
થોડા છૂટા છવાયા કોરાં કાગળો
જોડે પૈસાના પ્રમાણમાં સસ્તી
પણ મારા અક્ષરોને
સુંદર રૂપમાં કાગળ પર પ્રસારનારી મારી મનપસંદ ‘પેન’
મારું કલ્પના-વિશ્વ.
-સ્નેહા પટેલ

unbeatable – 5


કવિતા એટલે ‘સા રૅ ગ મ પ ધ ની સા’ માં ગોઠવાયેલા જીવનના ખાટા-મધુરા સૂર.
સ્નેહા પટેલ

unbeatable – 4


સ્વીકારની હૂંફ


આવવું ને જાવું
બે ય તમારી મરજીને આધારીત હતું.
અમે તો એ સમયગાળાની
વચ્ચે સ્વીકારની હૂંફ જ ભરી બસ..

-સ્નેહા

unbeatable – 3


આપણી જાતની મૂલવણી સમજણપૂર્વક કોઇ જ પૂર્વગ્રહ કે લઘુતા-ગુરુતાગ્રંથીથી પીડાયા વગર જાતે જ કરવાની પ્રક્રિયા જીવનમાં ચોક્કસપણે આગળ વધારે છે.

સ્નેહા પટેલ

unbeatable -2


આપણું મગજ બહુ જ ડાહ્યું હોય છે. જીદી બનીને કોઇ પણ વાત ના માનતું હોય તો થોડો તર્કનો રંગ ભેળવીને એને પીરસો. તરત માની જશે.

સ્નેહા પટેલ

ચીવટતા


http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/25_Apr/pancha_01.pdf

ફૂલછાબ દૈનિક > નવરાશની પળ કોલમ > ૨૫-૦૪-૨૦૧૨નો લેખ :


ક્ષમા કરો મને કે મારો પંથ છે જરા જુદો,

મનસ્વી હું પતંગિયું, કતારમાં નથી જવું.

– ભગવતીકુમાર શર્મા

‘શું કરે પીન્કી.?’  આશમને ઓફિસથી એની પત્નીને ફોન કર્યો.

‘કંઇ નહીં..બસ આ કામનો, જવાબદારીઓનો ઢગલો..માથા પર સો મણનો ભાર લાગે છે જાણે’

‘કેમ, આજે કોઇ ખાસ કામ આવી ગયું છે કે..?’

‘ના.ખાસ તો કંઇ નહી.. એ જ રુટિન… પણ તકલીફ એ છે કે કાલે રાતે કમરના દુઃખાવાને કારણે બરાબર સૂઇ નહોતી શકી તો આજે સવારનું માથુ બહુ દુઃખે છે..અને ઘરમાં કામ કરનાર તો બીજું કોઇ નહીં..એમાં પણ આજે કામવાળી બાઈ પણ નથી તે એ કામ લટકાનુ.વળી મારી બહેનપણી સોનલના હસબન્ડની તબિયત છેલ્લાં ત્રણ બરાબર નથી તે આજે એને જોવા જવાનું વિચારતી હતી. આ બધું કેમનું પહોંચી વળીશ એ ટેન્શન મને જપવા નથી દેતું..’

‘પીન્કી..તું અને તારા કામ..આ શું આટલી બધી હાય હાય..આ જવાબદારીઓ કોઇની ક્યારેય પતી છે તે તારી પતવાની..? એક કામ કર..નાહી ધોઇને ફ્રેશ થઈ જા..સોનુ સ્કુલેથી આવે ત્યારે લંચ બહારથી મંગાવી લેજે ત્યાં સુધી બધું કામ ભૂલીને શાંતિથી ટીવી જોતાજોતા કે બુક વાંચતા વાંચતા આરામ કર. સોનલના પતિદેવની તબિયત જોવાનું એક વધારે દિવસ મુલત્વી રાખી લે’

‘આશુ..તું તો આમ જ કહેવાનો મને ખબર જ છે.પણ ઘર આમ રફે દફે..તને તો ખબર છે કે મને એક વસ્તુ પણ આમથી તેમ હોય તો ના ગમે.આ તીતર-બીતર ઘરમાં મને એક ડીપ્રેશન આવી જાય છે. ચીવટતા એ મારો સ્વભાવમાં છે’

‘પીન્કુ ડીયર, આવા નક્કામા ડીપ્રેશન તારી વિચારસરણીની જ નીપજ છે. સમયની કદર, ચીવટતા સારી વાત છે પણ એનું આમ ડીપ્રેશન રહે એ ખોટી વાત. એક વાત કહે, તેં કેટલાં ય સમયથી પેઈન્ટીંગ નથી કર્યું..યાદ કર તો  છેલ્લે ક્યારે કરેલું..?’

‘હ્મ્મ…યાદ તો નથી કદાચ બે એક વર્ષ તો થયા જ હશે..!’

‘તો એક કામ કર..આવતા મહિનામાં સોનુની બર્થ ડે આવે છે ને ..તો એના માટે એક મસ્ત પેઈન્ટીંગ તૈયાર કર.. બાકીનું બધું ભૂલી જા..થૉડી હળવાશની પળો માણી લે એટલે આપોઆપ તારું મગજ..શરીર બધું ય હળ્વુંફૂલ થઈ જશે. આજે આનો  એક પ્રયત્ન કર ચાલ.

અને પીન્કી ફ્રેશ થઈને પોતાના મનપસંદ શોખને મળવા જવા તૈયાર થઈ ગઈ.

કેનવાસ, રંગો , પીંછીઓ, કલ્પનાની ઉડાન..આ બધાની વચ્ચે એ બધું ડીપ્રેશન ભૂલી ગઈ.

એટલામાં ડોરબેલ વાગ્યો..દરવાજો ખોલતાં જ એની નજરે આશમન અને સોનુ નજરે પડ્યાં. આશમનના હાથમાં પેક કરાવેલું લંચ હતું.

‘અરે આશુ તું..અત્યારે અને આ સોનુ..?’

‘માય ડીઅર પત્ની, આજે મારે ઓફિસમાં કામ નહોતું તો સોનુને સ્કુલેથી લઈને લંચ પેક કરાવીને ઘરે આવવાનું જ વિચારતો હતો અને એટલે જ તને ફોન કરેલો પણ તેં તો મૂડ વગરની વાતો ચાલુ કરતાં તને સરપ્રાઇઝ આપવાનું જ વિચાર્યું..ચાલ બતાવ તારું પેઈન્ટીંગ..’

‘અરે વાહ..હજુ તુ ભૂલી નથી તારી આ કળા..બહુ જ સરસ. અને હા…ઘરમાંથી કોઇ જ ખરાબ સ્મેલ નથી આવતી કે કોઇ કીડા મકોડા નથી પડી ગયા કે પ્લેટફોર્મ પર ગરોળીઓ કે વંદા એમનું ઘર બનાવીને નથી બેસી ગયા.વોશિંગ મશીનના કપડાં પણ બૂમો પાડીને રડતા નથી કે, ‘અમને પ્લીઝ ટાઈમસર ધોઈ કાઢો..’ બધું તો બરાબર છે ઘરમાં.. ‘

અને પીન્કી એની આ મજાક પર જોરથી હસી પડી.

‘હા આશુ, તું સાચુ કહેતો હતો..કાયમ દરેક કામ સમયસર કરવામાં મને ટેન્શન થઈ જાય છે. આજે થૉડો મોડો કચરો વળાશે કે કપડાં નહી ધોવાય તો કોઇ આભ ના તૂટી પડ્યું. ઉલ્ટાનું બહુ જ વખત પછી કરાયેલા આ સર્જને મને એક અનોખી તાજગીની ગિફ્ટ આપી. હવે હું એક્દમ ફ્રેશ થઈ ગઈ છુ.રોજરોજ રઘવાટમાં જીવવાની નાહકની આદત જ પડી ગઈ હતી મને. ઘડીયાળના કાંટા સાથે ચાલવાની આદ્તને કોઇક વાર આમ અંચઈ કરીને છેતરી દેવાની સાચે મજા આવી. આ બધા કામ પછી આરામથી કરીશ..ચાલો હવે જમી લઈએ.’

સોનુ અને આશમન ડાયનિંગ ટેબલ પર એક હળ્વા સ્મીત સાથે ગોઠવાઇ ગયા.

અનબીટેબલ :  Don’t put problems on your head, Their weight may crush you. Instead put them under your feet & use them as a platform to climb new horizons. (unknown)

unbeatable – 1


લખાણ તો દેખીતી વાત છે..હકીકતે તો એની પાછળનો લેખકનો આત્મ-વિશ્વાસ અને વિચારવાની સાચી દિશા સમાજમાં વૈચારિક ક્રાંતિના પાયા નાંખે છે.

સ્નેહા પટેલ

તાજા – અર્થસભર વિચારો


એકના એક વર્ષોથી ચાલ્યા આવતા વિચારોને ગોળ ગોળ ફેરવીને શબ્દોમાં રમાતા ગદ્ય કે પદ્ય કરતાં તાજા, અર્થસભર, મૌલિક  વિચારો મને વધારે આકર્ષે છે.

-સ્નેહા પટેલ.

લખાણ


દરેક લખાણ ઇતિહાસ નથી સર્જતું.. થોડું ખૂણે-ખાંચરે ભટકતું હોય છે..આમથી તેમ ફંગોળાતું હોય છે તો ઘણું – ખરું અધવચાળે જ શ્વાસ મૂકી દેતું હોય છે.

-સ્નેહા પટેલ.

earth day


ચોતરફથી ધખતી પૃથ્વી પર – ગુસ્સો, અહમ, પંચાત, ચાડી, ઇર્ષ્યા, વેર-ઝેર – આ બધાની ગરમીનો મિથ્યા ઉમેરો તો ચોક્કસપણે નહી જ કરું.

-સ્નેહા પટેલ

ટપ ટપ..ટપ્પ્પાક..


કાલે રાતે સપનામાં

એક મીઠી..તીખી સુગંધ નાકમાં પ્રવેશી ગઈ

મનમાં ને મનમાં થોડું મરકી લીધું

આ નવું પરફ્યુમ ક્યારે ખરીદેલું..?

યાદ જ નથી આવતું

કઈ બ્રાન્ડ છે..

જાણીતી છે

જન્મથી જ ઓળખાણ હોય એમ

પણ પકડાતી નથી

નાક અને જીભને પાછા સારા બહેનપણા

ભલા..ક્યારેય કોઇને  પરફ્યુમ ખાધાનું યાદ છે ..

મને કેમ આજે એને ચાખવાનું મન થાય છે

મન સાચે મર્કટ જ છે

ત્યાં તો રુમની બારી ખુલી ગઈ

ફટ્ટાક..

કાં તો આજે એ.સી વધારે ઠંડક આપે છે

કાં તો  ટેમ્પ્રેચરના સેટીંગમાં ભૂલ થઈ ગઈ લાગે છે..

તરત જ આંખ ખૂલી ગઈ

આ શું

હકીકતની ધરતી પર સપનું ઝરમરી રહ્યું હતું

ટપ ટપ..ટપ્પ્પાક…!

-સ્નેહા પટેલ

અનોખી આસ્તિકતા


http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/18_Apr/pancha_01.pdf

ફૂલછાબ > નવરાશની પળ કોલમ > ૧૮-૦૪-૨૦૧૨ નો લેખ.

નીત નવા પ્રપંચો માણસ અહીં કરે છે,

ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે.

-કુતુબ આઝાદ

અસ્મિતા એક આધુનિકા..ઉનાળાની તો હજુ શરુઆત હતી અને ગરમીનો પારો ઊંચે ને ઊંચે જતો હતો..લગભગ ૪૧ ડીગ્રી..સવારના ૧૦.૦૦ વાગ્યાના સમયે તો અસ્મિતાની કોટન કુર્તી પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. વળી હમણાં જ આઠ વર્ષના દિકરા સ્મિત જોડે પોતાની ‘એસી વેગન આર’ કારમાંથી ઉતરેલી એટલે બહારની ગરમી એના તનને વધુ દઝાડતી હતી.

દીકરાને મંદિરની બહારના ચોકમાં ઊભો રાખ્યો અને રોજની આદત મુજબ જ થોડા શબ્દો એના કાનમાં શિખામણ સ્વરુપે સરકાવ્યા. સ્મિત માટે તો આ રોજનો ખોરાક હતો જેને અડધી પડધી રમત વચ્ચે મમ્મીના સંતોષ ખાતર સાંભળવાનો ડોળ કર્યો..એનું મગજ તો સામે ફૂલ લઈને બેઠેલ એના રોજના ગોઠિયા ફૂલવાળા કાકાની તરફ હતું. કાકા પણ એની સામે જોઇને ધીમું ધીમું મરકી રહેલા..એને જલ્દી પોતાની પાસે આવવાનું ઇજન આપી રહેલા.અસ્મિતા આ સંતાકૂકડીથી પરિચીત હતી એટલે ફટાફટ સ્મિતને ફૂલવાળાકાકા પાસે છોડીને મંદિરમાં અંદર ગઈ.

બહાર સ્મિત કાકા જોડે બેસીને એની કાલી ઘેલી વાણીમાં વાતો કરવા લાગ્યો..કાકાનો હાથ પકડીને મંદિરનો ઊંચો ઘંટ વગાડયો..મંદિરમાં એક બાજુ બનાવેલ પરબમાંથી માટલામાંથી પાણી પીધુ..અને મંદિરના આરસપહાણના પત્થરો પર મસ્તી કરતો ..લસરપટ્ટી કરતો કરતો કાકા જોડે ચાલવા લાગ્યો..

અસ્મિતાનો અને સ્મિતનો આ રોજનો કાર્યક્રમ નિહાળીને ચૂપ રહેતા એક ઘરડા માજીથી આજે ચૂપ ના રહેવાયું અને એના મનને ઘમરોળતો પ્રશ્ન એણે આખરે આજે અસ્મિતાને પૂછી જ લીધો..

‘બેન..રોજ આ બાબાને સાથે લઈને મંદિરે આવે છે તો એને અંદર કેમ નથી લઈ જતા..છેક કૂવા કાંઠે આવીને પણ દિકરાને તરસ્યો કાં રાખે છે..?’

અને અસ્મિતા મંદ મંદ હાસ્ય ફરકાવતી બોલી,

‘માસી..મને તમારી વાતનું ખોટું સહેજ પણ નથી લાગ્યું.હું જ્યારે આના જેવડી હતી તો મારા ઘરના મને જબરદસ્તીથી મંદિરમાં દર્શન કરવા લઇ જતા હતા. મને કશું જ સમજ નહોતી પડતી તો પણ  મારે આ બધી ક્રિયાઓનું અનુકરણ કરવું પડતું..એક સમયે આ જબરદ્સ્તીના દર્શનથી મારા મનમાં મંદિરના નામથી જ નફરત થવા લાગેલી. કારણ.હું જે કાર્ય કરી રહેલી એનું મહત્વ સમજવા જેટલી મારામાં સમજ જ નહોતી..મોટાઓ કહે એટલે કરી લેવાનું એવું કેમ હોય..મને કંઇક તો સમજ..મજા આવવી જોઇએ કે  નહી દર્શન કરવાથી..!!

આવુ કંઇ મારા દિકરા જોડે ના થાય એટલે હું એના પર આવી કોઇ જ જબરદસ્તી નથી લાદતી. એને રોજ આ વાતાવરણમાં લાવું છું..શું સાચું ને શું ખોટું એની કાલીઘેલી વાતોમાં સમજાવું છું. એક જ વાતનો મને ભરપૂર સંતોષ છે કે  એને પાપ કરતાં બીક લાગે છે..એ બીક જ એને એક સારો માણસ બનાવશે.. ભવિષ્યમાં આ મંદિરની અંદર ખેંચી જવા પ્રોત્સાહિત કરશે. વળી એ ભગવાનના દર્શન કરવા નહી આવે તો પણ મારે મન એનું કોઇ મહત્વ નથી..એની મરજી..એના દિલમાં ભગવાન જીવતા હોય તો મંદિરનું પણ શું કામ..હું નાસ્તિક નથી પણ મન વગર ભગવાનના દર્શન કરવા એ વાતની એક્દમ વિરુધ્ધમાં છું. એની જાતે,,એની સમજથી જ્યારે મારો દિકરો આ મંદિરમાં પ્રવેશશે તો એ મારા માટે ‘ઉત્સવનો દિવસ’ એની ના નહીં..પણ એ એમ નહી કરે તો પણ મને કોઇ વાંધો નથી.. એ એક સારો, પ્રામાણિક , પાપથી ડરતો માણસ બને બસ…બાકી એની જીંદગીના નિર્ણયો એ જાતે પોતાની સમજથી, પોતાની મરજીથી લેશે તો જ એને લાંબા સમય સુધી ફોલો કરી શકશે. એ વાત તો નક્કી જ.

બહુ લેકચર આપી દીધું કેમ માસી..સ્મિતની સ્કુલનો સમય થઈ જશે..તો હું આપની રજા લઊં..આવજો..જય શ્રી ક્રિષ્ણા…!’

અને પાછળ ઘરડા માસીને વિચારપૂર્ણ સ્થિતીમાં મૂકીને અસ્મિતા સ્મિતને લઈને ગાડીમાં બેઠી.

અનબીટેબલઃ Having a smile on your face is a good compliments to life, but putting a smile on other’s face by your efforts is the best compliment to life.(unknown)

સ્નેહા પટેલ

https://www.facebook.com/notes/sneha-h-patel/%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%80-%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE/394483420585651

small thoughts


* થોડું નજીક અને થોડું દૂર રહેવું પડે છે
સંબંધમાં આટલું જ તો કરવું પડે છે….
*વાતના અનેકો અર્થઘટનો થાય
અને
વાત એમ જ ચૂંથાઈ જાય…
*  કોઇના ઉપર આધાર રાખવાની ટેવ ના પાડો જેટલી જ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે કોઇને તમારો આધાર લેવાની ટેવથી દૂર રાખો..સ્વતંત્ર રહેતા શીખો અને બીજાને પણ રહેતા શીખવો.

* લખતા લખતા અમુક સમયે સ્વકેન્દ્રી બની ગયાનો અહેસાસ થાય છે..થોડું વિચારતા, ઊંડુ ઉતરતાં એમ લાગ્યું કે એ સમયગાળાને ‘એકાંત’ કહી શકાય.’સ્વ’ સાથે સમય વિતાવતું ‘સ્વ’..

* નકરી લાગણીમાં વહી જવું કે નકરું દિમાગની હદોમાં બંધાઈને લખવું…બેય નકામું.
દિલ અને દિમાગ બેયના સંતુલનથી રજૂ થતું સ્પષ્ટ અને મક્ક્મ લખાણ જ હંમેશા સફળ થાય છે.* લોકોને આપણે જાતે આપણો પરિચય આપીએ અને બીજાઓ આપણો પરિચય આપે – આ બે પરિચય વચ્ચેની યાત્રા બહુ મહેનત અને લગનથી ખેડાતી હોય છે.

*  એક મિત્ર જોડે વાત-વાતમાં થયેલી વાત યાદ આવી ગઈ…’મારામાં રહેલ વાંચક-મન પર હંમેશા લેખક-મન સવાર રહે છે”વર્લ્ડ બુક ડે – કોપી રાઈટ ડે’ મુબારક.

*  દાદાગીરી, નફફટાઈ, દોગલાપણું, અન્યાય, બેશરમી
અસહય અસહાયતા …
જવા દે
આગળ કંઇ નથી લખવું..
* ‘ભરોસો’ મૂકતા પહેલાં મનમાંથી ‘ભરાશો’ની ભાવના બાદ કરી નાંખવી આપણા માટે જ હિતાવહ.
* લોકોની ‘પીઠ પાછળ’ ની વાતો મહેરબાની કરીને ‘મારી આગળ’ ના કરશો..
 _sneha

-સ્નેહા પટેલ

હોશ – જોશ


હોશની આહુતિ ચડાવીને ‘સ્વ’ની શોધમાં ફકત  જોશ-ઝનૂનપૂર્વક વર્તવું એ સમયનો બગાડ છે.

-સ્નેહા પટેલ

સજા


 

જમાનાથી આગળ ચાલવાની,મોર્ડન ગણાવાની તમારી લાલસાની સજા તમારા કરતા તમને પ્રેમ કરતી વ્યક્તિઓ વધારે ભોગવે છે.

સ્નેહા પટેલ

prashno


 

મૂળ સુધી ઉતરીને જવાબ શોધવાની તાકાત હોય તો જ પ્રશ્નો ઉપાડવાની મહેચ્છા રાખવી..નહીંતો મહદઅંશે એ ટાઈમપાસ કે ગોસીપમાં ખપી જવાની સંભાવના રહે છે.
સ્નેહા પટેલ

ખુશી


બીજા પર આધાર રાખતી ખુશીની આયુ હંમેશા અલ્પ જ રહેવાની.

સ્નેહા પટેલ

સંસ્કાર


ફૂલછાબ > નવરાશની પળ > ૧૧-૦૪-૨૦૧૨ નો લેખ.

 

 

ગુલાબ – જે ન ખીલ્યા આપના બગીચામાં ,

ઉછેરવા હું ઝઝુમું છું એને ખિસ્સામાં .

– રમેશ પારેખ  

 

ખેવનાએ હળ્વેથી નીલના ઝૂલાને ધક્કો માર્યો અને નીલના હીંચકાએ પાછો ગતિ પકડી.

 

‘મમ્મી, તોડી જોલથી ધક્કો માલો ને..આમ ધીલે ધીલે હીંચકા ખાવાની મજા નથી આવતી.’

 

‘તને આભમાં ઊડવાના બહુ શોખ છે કેમ મારા મીઠડા..!’

 

અને સાચવીને ચાલુ હીંચકાએ જ નીલના ગાલ પર એક પપ્પી કરીને એના હીંચકાને થોડો વધારે વેગ આપ્યો.

 

ઉનાળામાં તપેલો આખો દિવસ સાંજના ૬ વાગ્યાના સમયે આ બગીચાની ભીનાશને માથે ચડાવી એનું માન રાખતો’ક્ને થોડો શીતળ થયો હતો.માળી પાઇપ દ્વારા વૃક્ષોને પાણી પાઈ રહ્યો હતો જેના કારણે વાતાવરણમાં માટીની ભીની ભીની મીઠી સુવાસ પ્રસરી રહી હતી. ખેવના ઝાડપાનના ધીમા ધીમા હાલતા પાંદડાઓની સરસરાહટ અને આ શીતળ, મીઠા વાતાવરણનો આનંદ ઉઠાવતી એના ૫ વર્ષના દીકરાને નર્યા વ્હાલથી હીંચકે હીંચોળી રહી હતી.

 

ત્યાં એની બાજુના હીંચકા ઉપર એક સરસ મજાની પીન્ક કલરના ફ્રોકમાં, માથાના સોનેરી ઝુલ્ફાંને હેયરબેન્ડમાં બાંધીને ઊંચી પોનીટેઇલ વાળી એક ઢીંગલી આવીને બેસી.દુશ્મ્નને પણ  વ્હાલી લાગે એવી મીઠડીને જોઇને ખેવના એની સામે હસ્યા વગર ના રહી શકી..સામે ઢીંગલી

એ પણ એક મસ્ત મજાનું બિન્દાસ આગળનો દાંત તૂટી ગયેલો એથી બોખું હાસ્ય જવાબમાં આપ્યું.

એની સાથે આવેલી સ્ત્રી, એની મમ્મીએ ઢીંગલીને હીંચકા નાંખવા માંડ્યા.

 

નીલ અને ઢીંગલી બેય ના હીંચકા એક રીધમમાં આગળ પાછળ જવા લાગ્યા. નીલનો હીંચકો થોડો વધારે ફાસ્ટ અને ઊંચો જતો એથી એ રીધમ વારે ઘડીએ તૂટી જતી.

 

‘મમ્મી, થોડા ફાસ્ટ નાંખોને..મને પણ આની જેમ આકાશમાં ખૂબ ઊંચે જવું છે..આકાશને અડવું છે’ ઢીંગલીએ ફરિયાદના સૂર કાઢ્યો.

‘બેટા, તું રહી છોકરી જાત..અત્યારથીજ પગ જમીન પર રહે એ સારા..આમ છોકરાઓની બરાબરી કરવી એ આપણને ના શોભે..!’

અને ખેવના તો બે ઘડી સ્ત્બધ બનીને  ઊભી રહી ગઈ.

 

‘બેન..આ શું કરો છો.,આટલી નાની ઊંમરે અને એ પણ રમવા કૂદવાની વાતમાં આપની ઢીંગલીના મગજમાં આ ભેદભાવના ઝેર શા માટે સીંચો છો..?’

 

‘બેન..તમે રહ્યાં દીકરાની મા..તમને આ વાત નહી સમજાય..અમારે દીકરીને પારકા ગહ્રે મોકલવાની હોય છે,..ત્યાં એને ‘ગમે તે’ વાતાવરણ મળે એ જરુરી નથી કે એને ‘ગમે એવું’ જ હોય..શાંતિથી અને સુખરુપે લગ્નજીવન જીવવા માટે કોમ્પ્રોમાઇઝ્, એડજસ્ટમેન્ટ, સ્વીકાર, ધીરજ આવા બધા સંસ્કાર એનામાં સીંચ્યે જ છૂટકો.દીકરીની જાતને ખુલ્લો દોર ના આપી દેવાય..પૂર્ણ સ્વતંત્રતા આપી દો તો એ છકી જાય..માટે મર્યાદા-રેખાઓ બતાવી દેવી સારી. તમારે તો દીકરો..મનમાની કરે કોઇ ફર્ક ના પડે..છોકરીઓની મનમાનીમાં ઇજ્જત દાવ પર લાગે તો ક્યારેય એ કલંક નથી ધોવાતું બેન..’

 

ખેવના બે પળ એની વિશાળ, સ્વચ્છ ભાવવાહી આંખોથી તાકી રહી અને બોલી,

 

‘બેન..સંસ્કાર દરેક સંતાન માટે જરુરી છે. એમાં દીકરી કે દીકરા જેવા ભેદભાવ વચ્ચે ના આવે. હું મારા દીકરાને પ્રામાણિક, વિશ્વાસને પાત્ર બનવાના સંસ્કારોની સમજ આપતી જ હોવું છું. વળી ભવિષ્યમાં એને પરણીને આવનારી એના માવતરને છોડીને ફકત એના ભરોસે જ મારા ઘરમાં આવશે તો એનું માન-સન્માન સાચવવું,એમ કરતાં કરતાં એને લોહી-પાણી એક કરીને ઉછેર કરનાર આ માવતરને પણ સાચ્વવાના જરુરી હોય છે એના માટે માનસિક રીતે પૂરેપૂરો સજ્જ કરવાની જવાબદારી તો ખરી જ જેથી બેય પક્ષે એક સંતુલિત વ્યવહાર કરીને પરિવારને ખુશીઓના તાંતણે બાંધવાની જવાબદારી સુપેરે નિભાવી શકે, વળી નૈતિક મૂલ્ય દીકરા માટે પણ એટલા જ જરુરી હોય છે..છોકરીઓની ઇજ્જત – સ્વમાન જેટલી જ મહત્વની એમની ખુમારી અને ઇજ્જત હોય છે..તક મળે તો દર બીજી સ્ત્રીની પાછળ લાળ ટપકાવવા માંડવાનું કે એની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની માનસિકતા રાખવી એ મારા ઘરમાં કોઇ પણ કાળે સ્વીકાર્ય નથી જ એ સમજ પણ એને આપવી જરુરી છે. બેન..સંતાન તો સંતાન છે..છોકરો કે છોકરી કરતા સૌપ્રથમ એ એક માણસ છે.માણસાઈ, નમ્રતા, ધીરજ, પ્રેમભાવ…આ બધા જ ગુણ બેય માટે સરખી જ અગત્યતા ધરાવે છે..મહેરબાની કરીને તમારા પૂર્વગ્રહ યુકત, જૂનવાણી ખાતર નાંખીને આ નાનકડા છોડને ના ઊછેરો..નહીંતો એના પર અસમાનતા, દુઃખ જેવા ફૂલો જ ઊગશે. પછી તમારી મરજી.મારે રસોઈનો સમય થઈ ગયો છે..ચાલો હું રજા લઊં’

 

અને નીલને હીંચકા પરથી ઉતારીને એણે ઘરની ડગર પકડી.

 

અનબીટેબલ :- સંસ્કાર-સીંચનમાં ‘છોકરા – છોકરી’ જેવી જાતિ કરતાં ‘સારા માણસ’ની જાતિ ધ્યાનમાં રહે એ વધારે મહત્વનું.

 

શાંતિની પળોજણ:


શ્રી સ્મૃતિ ખોડલધામ મેગેઝીન – આચમન કોલમ – એપ્રિલ – ૨૦૧૨ નો લેખ

અત્યાર સુધી મને એમ લાગતું હતું કે રેસ્ટોરંટમાં આજકાલના લવરમૂછિયાઓ જ ‘કલબલ કલબલ.. કરતા ઘોઘાટીયા હોય  છે. આજુબાજુ થોડું શાંત વાતાવરણ અને સોફ્ટ મ્યુઝિક્ના ઘૂંટ જમવાની સાથે ગળે ઉતારવાની શોખીન એવી મને જો આવી જગ્યાએ જમવાનું આવે તો જાણે મોત જ આવીએ ગયું હોય એમ લાગે..જમતા જમતા આપણે મૃદુ સ્વરે વાતચીત કરવાના પ્રયત્નો કરીએ તો આપણી સામેવાળો જાણે બહેરો હોય એમ બાઘાની જેમ આપણું મોઢું તાકીને બેસી રહે..વળી આપણને પેલા લોકોની જેમ મોટેથી બૂમો પાડીપાડીને બોલવાની આદ્ત પણ નહીં..પરિણામે આપણી વાતો કોરાણે મૂકીને પેલા લોકોની લવારીઓ સાંભળવાની..પેંપેઍપેં..ચે ચે ચે…!!

હમણાં એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે શહેરથી થોડે દૂર શાંત નૈસર્ગિક વાતાવરણમાં એક નવી સાઉથઇન્ડિયન રેસ્ટોરંટ ખૂલી છે. વળી જમવાનું પણ ટેસ્ટી અને ખીસાને પરવડે એવું હતું…અને આપણે તો ખુશ. ફેમિલી સાથે શાંતિથી જમવાની મજા માણવા બરાબર અઠવાડિયાનો મધ્યનો દિવસ પસંદ કર્યો અને ૮.૩૦વાગ્યે પહોંચી ગયા.  આખી હોટલ ખાલીખમ.. હૈયે ટાઢકનો રંગ લીંપાણો. હાશ..!   બરાબર વચ્ચેનું એક ટેબલ પસંદ કર્યું. આખી હોટલના જાણે આપણે એકલા જ ગ્રાહક રાજા/રાણી…પ્રજા !!

ખુશીનો શ્વાસ ભરીને આખી હોટલ પર એક નજર નાંખી..વિહંગાવલોકન.. ઈનટીરીઅરમાં ટીપીકલ સાઉથ ઇન્ડિયનની છાંટવાલી સફેદ કલરની સુંદર ડિઝાઇન હતી..જે ચાલુ ક્યાંથી થાય છે અને એનો અંત ક્યાં આવે છે એ જ ખ્યાલ નહતો આવતો..જબરી પઝલ-ડિઝાઇન હતી..ત્યાંતો  કાળી લુંગી અને પગમાં લાલ મોજાં સાથે કાળા બૂટ પહેરેલો વેઈટર મેનુકાર્ડ આપી ગયો..વાતાવરણમાં ધીમા સાદે પ્રસરી રહેલું અંગ્રેજી સોફ્ટ મ્યુઝિક મૂડ ખુશનુમા કરી ગયો.

કોફી કલરનું સરસ મજાનું મેનુ કાર્ડ ખોલીને જોયું તો મન પ્રફુલ્લિત થઈ ગયું..વાહ..અસ્સ્લ  ઇન્ડીઅન ખાણીપીણીનો ખજાનો..રસમ..વડાઈ..પુરમ…કુરમ… અહીંઆનો પેપર ડોસા જ ખાવો છે..મજા આવી જશે..હજુ તો આ નશો મગજના ખૂણાને તરબતર કરે ના કરે ત્યાં તો ચારે’ક આધેડ વયના કપલે હોટલમાં શાનદાર એન્ટ્રી મારી..અહાહા..શું એમનો ઠ્સ્સો…રુઆબ.

‘એય ..આ ટેબલ પર કકડો મારીને થોડું ચકાચક કર..’ એક ગ્રે સફારીવાળા, કાળાભમ્મર વાળ ધરાવતા કાકાએ ..(કાળા ભમ્મરવાળ હોય એટલાબધા જુવાનીયા  ના હોય એ તો હવે મારા બાર વર્ષના દીકરાને પણ ખબર છે…) ખુરશીને સ્ટાઇલથી પાછી ખેંચીને, કપાળ પર આવી ગયેલા વાળને ઝટકો આપીને પોતાની પત્નીને સલૂકાઇથી બેસાડ્યા અને બાજુની ખુરશીમાં પોતે બિરાજમાન થયા.. ત્યાં તો ઉભા રહેલા કપલમાંથી એક સ્ત્રી ‘ખુરશી એટીકેટ’વાળા જુવાન કાકાની બાજુમાં  બિરાજ્યા અને આંખ લાલ કરી..  આવું જોઇને મને થોડી નવાઇ લાગી પણ બે પળમાં જ ગુત્થી સુલઝાઇ ગઈ.. કાકીની એ કાકાને ધમકીભરેલ નજરથી જોવાની રીત પરથી ખ્યાલ આવી ગયો કે એ એમના ધર્મપત્ની હતા..જુવાનઅંકલે એમના ‘મિત્રપત્ની’ને ખુરશીમાં બેસાડયા પણ પોતાના ‘ધર્મપત્ની’ને તો વિસારી જ બેઠેલા..આવી બન્યું આ જુવાન  કાકાનું ઘરે પહોંચે એટલી જ વાર.. કાકાની જમણી બાજુમાં  ગુલાબી સિલ્કના ડ્રેસમાં સજ્જ, હાથ-કાન-નાકમાં ઘરેણાંની હાલતી ચાલતી દુકાન સજાવેલી અને નવી નવેલી દુલ્હનની જેમ મહેંદીવાળા હાથ..’તૌબા હા નખરા ગૌરી કા..’ જેવા સન્ન્નારી સાથે મોટી ફાંદવાળા ને ચમકતી ટાલવાળા પતિદેવને પરાણે ઘસડીને લાવ્યા હોય એવા હાવભાવ સાથે બેઠા.ચોથું કપલ સીધું સાદું પણ થોડું થાકેલું હતું.કદાચ કામ પરથી થાકેલા પાકેલા સીધા આવીને અહીં જોઇન થઈ ગયા હશે..

એટલામાં મારો મસ મોટો પેપર ડોસા આવી ગયો…એને કઇ બાજુથી કેટલા અંશના ખૂણેથી કેમનો તોડવો એના વિચારોમાં અટવાઈ..ત્યાં તો વાતાવરણમાં ગરમી ફેલાવા લાગી.જાણે ઓઝોનના પડમાંથી છિદ્ર પાડીને શરીરને બાળી દેતી ગરમી. આ અવાજ ક્યાંથી ચાલુ થઈ ગયો..ને હુ ચમકી..આ શુ…આ અવાજ ક્યાંથી..આ તો પેલા બુઢ્ઢાપાર્ટીનો શોરગુલ..ચેંચેંચેં..પેંપેંપેં.. હે ભગવાન..આ તો ફરીથી એની એ જ અવાજોની દુનિયા… એમાં પણ આ તો વળી નકલી દાંતના ચોકઠાના તાલ પર ઘસાઈ ગયેલા પીન જેવા બેસૂરા અવાજો..કોઇની વાતો ચોરીછૂપીથી ના સંભળાય એ એટીકેટનું માન હવે કેવી રીતે જળવાય જ્યારે વાતો ખુદ જ છેક સાતમો સૂર પકડીને બેઠી હોય..!

થોડી વાતચીત-રસ પરાણે કાનમાં રેડાયા પછી ખ્યાલ આવ્યો કે એ એક કીટી પાર્ટીના મેમ્બરો હતાં, જે દર મહિને એકાદ  વાર આવી રીતે કોઇ જગ્યાએ ભેગા થઈને  સુખદુઃખના પોટલાની ગાંઠો ખોલતા ખોલતા દિલનો અને માથે આવી ચડેલ પ્રૌઢાવસ્થાનો અણગમતો ભાર ઉતારી બુઢાપો હસીખુશીથી વિતાવવાની એષણા રાખતા હતા.

હવે આ કાકાઓના-કાકીઓના નામ નથી જાણતા એટલે આપણે એમને અ, બ,ક, ડ એવા નામ આપી દઈએ..

કાળાબૂટ અને લાલમોજા ઉપર લુંગીના યુનિફોર્મવાળો વેઈટર એ ટેબલ પર પહોચ્યો..

‘સાહેબ કેવું પાણી લેશો..રેગ્યુલર કે મિનરલ.’

‘મિનરલ;

પેટાપ્રશ્ન..

‘નોર્મલ કે ઠંડું..?”

આ તો થોડો અવઢવનો..ઇજ્જતનો પ્રશ્ન..

નોર્મલ કહે તો પોતે બુઢ્ઢા થઈ ગયા છે એવું લાગે અને ઠંડુ પાણી પીવાની શરીર ઇજાજત નહોતું આપતું..શું કરવું…વચેટીયો માર્ગ કાઢ્યો..એક ઠંડી અને એક નોર્મલ બોટ્લ લાવ..’

‘ઓકે..’

બોટ્લ આવ્યા પછી ‘અ'(ખુરશી દાક્ષિણ્ય વાળા) કાકાએ બોટલ હાથમાં લીધી ને એકદમ ચમક્યા..અરે આ તો એક્દમ ગરમ પાણી..હેય વેઈટર..આવું પાણી તો કેમ પીવાય..એક કામ કર..આને થોડી વાર ફ્રીજમાં મૂક અને થોડી ઠંડી થાય એટલે લઇને આવ..’

બિચ્ચારો વેઈટર..આજુબાજુના બધાય ટેબલની નજર અને કાન એ પ્રૌઢટેબલ પર જ ખોડાયેલ હતી એટલે એ થોડો ઓઝપાઇ ગયો ને ફટાફટ એ બોટલ લઇને હાલતો થયો

‘બ'(મોટી ફાંદ અને ટાલના માલિક) કાકાએ ચશ્મા થોડા નાક પર સેરવ્યાં ને મેનુમાં નજર નાંખી..બધાંયની ચોઇસથી માહિતગાર હોય એમ ફટાફટ ઓર્ડર આપવા માંડયો…

‘દસ જણ…એટલે એક કામ કર..ચાર રવા મસાલા ઢોસા,,બે ઈડલી,,,બે મેંદુવડા.. અને એક પેપર મસાલા..લઈ આવ..’

એમની તાનાશાહીથી નારાજગીનું એક મોજું ટેબલ પર ફરી વળ્યું ..પાછો શોરબકોર વધી ગયો..

‘અરે..પણ મારે તો જૈન સાદો પેપર ઢોસો ખાવો છે..અને મારે ઉત્ત્તપા.મારે તો ભાજીપાઊં ખાવો છે….મારે પેલું જોઇશે..અને ‘બ’ કાકાના નાક પરના ચશ્મા સરકીને ગળા પર આવી ગયા.

છેલ્લે બધામાં થોડા ઠરેલ અને વિશાળ ભાવવાહી આંખો ધરાવનારા સમજુ લાગતા ‘ડ'(સીધા સાદા થાકેલા) કાકાએ બધાની મરજી પૂછીને ‘વન બાય વન’ બધાની પસંદગીનો ઓર્ડર આપીને વાત પતાવી..

‘અરે..તારો ઢોસો તો સાવ ઠંડો થઈ ગયો મમ્મી..ક્યાં ખોવાઈ ગઈ છું..’

મારા દીકરાએ મને જાણે કોઇ સપનામાંથી ઢંઢોળીને ઉઠાડી દીધી હોય એમ લાગ્યં..કોઇના ટેબલ પર આમ આંખ, કાન ચોંટાડીને પંચાત કરવાની મારી આ વૃતિ પર મને મનોમન થોડી શરમ આવી ગઈ..(જો કે આખી હોટલની આંખ..કાનના આકર્ષણ બિંદુમાં એ ટેબલ મધયવર્તી સ્થાન પર જ હતું..!!)

મગજને થોડું ‘ડાયવર્ટ’ કરીને પાછું અમારા પોતાના ટેબલ અને ડીશો પર સેટ કરીને ‘પારકી પંચાત પાપ…’વાળા ત્રણ ‘પ’ નો નિયમ યાદ કરીને ‘પોતાના’ ‘પ’ પર વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો.વચ્ચે વચ્ચે પરાણે પતિદેવ અને પુત્ર સાથે થૉડો સંવાદનો સેતુ રચવાનો વિફળ પ્રયત્ન પણ કરતી રહી..!!

ત્યાં તો ફરી એક અવાજનું મોજું જમણીબાજુના પ્રૌઢ ટૅબલ પર ફરી વળ્યું ને મારા હાથમાંથી કાંટો નીચે પડી ગયો..

‘અરે..મારો સંભાર જૈન લાવવાનો હતો ને..’

ખુરશી દાક્ષિણ્યવાળા જુવાનકાકાએ પણ એમના સૂરમાં સાથ પૂરોવીને વેઈટરને બરાબરનો ખખડાવતા હતા..( લાગતું હતું કે  ઘરેથી દીકરા અને વહુ જોડેથી ઝગડીને આવ્યા હશે અને એનું ફ્રસ્ટેશનનો ભોગ પેલો વેઈટર બનતો હતો..) એ ફટાફટ સંભારનો બાઉલ  ઉપાડીને ચાલતો થયો અને વળતી જ પળે જૈન સંભાર અને લટકામાં થોડી ઠંડી થઈ ચૂકેલી બોટલ પણ લેતો આવ્યો..રખે ને ક્યાંક એ વધારે ઠંડી થઈ જાય તો પાછું આ બુઢ્ઢાપારાયણ..આમે આજની સાંજ ખરાબ જ ઉગેલી હતી એના માટે..!!”

ઓર્ડર પ્રમાણે ખાવાનું પહોંચતl લગભગ ૧૦એક મિનિટ થઈ ગઈ..આખી હોટલ પોતાનું ખાવાનું ભૂલીને આ રસપ્રદ ટેબલ પર ટીકી ટીકીને મીટ માંડીને નિહાળી રહ્યું હતુ. એ બધાથી પોરસાતું..’સેન્ટર ઓફ અટ્રેકશન’ના મિજાજમાં રંગાયેલ જુવાન બુઢ્ઢાઓ એમની મસ્તીમાં મસ્ત..

ત્યાં તો ભાજીપાઊંની ડીશ આવી..’ડ’કપલના દેવીજીએ પાઊં ઉપાડયો તો નીચે ‘જન્નત’ લખેલું..એ જોઇને એમની ખેંચવાના પેંતરા સાથે ‘બ’કાકાએ એમને પૂછ્યું, ‘તમારા સરનું નામ ‘ઇશ્ક કી છાંવ’ હતું ને..અને ‘ડ’ દેવીજીનો પાઊં હાથમાં જ રહી ગયો..બધાંય એ વિચિત્ર વાક્ય પર ‘બ’કાકાને ડોળા ફાડીને નિહાળી રહ્યાં..અને ‘બ’કાકા અટ્ઠહાસ્ય કરીને બોલ્યા, ‘અરે, તમે પેલું ગીત નથી સાંભળ્યું..’જીનકે ‘સર’ હો ‘ઇશ્ક કી છાંવ, ‘પાઊ’ કે નીચે ‘જન્નત’ હોગી..’ એમની વાતનો મર્મ સમજતાં જ બધા એકસાથે હો..હો..હો કરીને હસી પડ્યાં..એમાં ને એમાં ‘ડ’ કાકાનો હાથ ટેબલ પરના ગ્લાસ પર અથડાયો અને બધું ય પાણી પેલા ભાજીપાઊંની ડીશમાં..અને બધાના હાસ્યને એક્દમ જ બ્રેક વાગી ગઈ..પળ વળતી જ પળે એ પાણી ઢોળાવાની પ્રક્રિયા પર ફરીથી બધા હાસ્યના હિલ્લોળે ચડ્યા.

હોટલમાં હાસ્યનું સુનામી આવી ગયું.

‘આજે તો તમારી મેરેજ એનીવર્સરી હોય એમ સજી ધજીને આવ્યા છો હોંકે દીપાલી બેન..”અ’કાકાએ વાતને અણધારો જ વળાંક આપી દીધો..અને મને એમ કે પત્યું..હમણાં દિપાલીબેનના પતિદેવ ફુલટોસ બોલ પર સિકસર મારી જ સમજો…

ત્યાં તો,

‘અરે..આજે નહી પણ પાંચ દિવસ પછી તો એમની બર્થ ડે આવે જ છે ને..કેમ દિપાલીબેન ખોટું કહ્યું કે..” ‘ડ’ કાકાએ ટાપસી પુરાવી..

અને પીન્ક સિલ્ક્ધારી દાદીમાના ગાલે શરમના રાતા શેરડા ફૂટી નીકળ્યાં..

અને હું આઘાતની મારી જમણેરી ટેબલ પરની બધીજ ક્રિયા-પ્રતિક્રિયાઓ જોઇને થોડી બ્લેન્ક થઈ ગઈ.

ત્યાં વળી નવો ટોપિક ખુલ્યો..

‘આવતી વખતની પાર્ટી આપણે બગીચામાં રાખીશું.. મેં જગ્યા નક્કી કરી દીધી છે..પણ આ વખતે થોડું જલ્કી હાં કે..આમ આખો મહિનો રાહ નહી જોઇએ..પંદર દિવસનો ગાળો હોય તો સારું રહે છે..’પીન્ક સિલ્કવાળા બેને પોતાનો મત રજૂ કર્યો.

પછી તો બગીચામાં કેટલા વાગે મળીશું..શું નાસ્તો બનાવીને લાવીશું..કેવી કેવી એક્ટીવીટી કરીશુંની ચર્ચાએ આખુંય વાતવરણ ઉત્તેજના અને શોરબકોરથી ભરી દીધું..આજુબાજુના બધાંય પરોક્ષ રીતે મનોમન એમના પ્રોગ્રામમાં ઇનવોલ્વ થતા ચાલ્યા હતાં..

ત્યાં તો પતિદેવે મને કહ્યું..થોડો ગરમ સાંભાર લઈશ કે..આ તો સાવ ઠ્ંડો થઈ ગયો છે..’

અને હું એક્દમ સાતમા આસમાનમાંથી મારા ટેબલ પર પટકાઇ… મારા ટેબલ પર પતિદેવની ડીસ ખાલી .દીકરો પણ ઓલમોસ્ટ જમી રહેલો..જ્યારે હું…હજુ તો અડધે પણ નહોતી પહોંચી..

મન મક્ક્મ કરીને એ કોલાહલ વચ્ચે મારો ઢોસો પૂરો કરવાનો નિર્ધાર કર્યો ત્યારે પેલું રસદાયક ટેબલ એમની વર્ષ પહેલાંની ગોવાની ટ્રીપની વાત કરી રહેલું ધ્યાનમાં ચડ્યું..પણ હવે માથું એના દુઃખાવાની ચરમસીમાએ પહોંચી ગયેલું..કાન કચકચથી આખેઆખા જાણે કે છલકાઇ ગયેલા..બાકીનો ઢોસો ડીશમાં જ રહેવા દઈ પાણીનો ગ્લાસ મોઢે માંડીને બે ધૂંટડા સાથે બધુંય એકઝાટકે ગળા નીચે ઉતારી દીધું. નવો ડેટા સ્ટોર કરવાની કોઇ જ મગજમાં કોઇ જ તાકાત નહોતી બચી એટલે પતિદેવને બીલ ચૂકવીને બહાર આવવાનુ કહીને છેલ્લી એક સરસરી નજર એ મસ્તરામ ટેબલ પર નાંખી.  એક વાર  એ વયસ્કોને જીવનને ખરા અર્થમાં માણી લેવાના અભિનંદન આપવાનું મન થયું ..પણ એ પ્રયાસોએ પરોક્ષ રીતે મારી  સાંજનું સત્યાનાશ કરી નાંખેલુ એટલે મનની મનમાં જ રાખીને શાંતિદેવીએ ફરીથી એક વાર મને ધરાર ઠેંગો બતાવ્યાની લાગણી હૈયામાં ઢબૂરીને હોટલની બહાર નીકળી ગઈ.

– સ્નેહા પટેલ.

પ્રગતિશીલ સર્જક


ફકત પ્રેરણા ઉપર આધારિત સર્જન મર્યાદિત સીમાડાઓમાં બંધાઈ જાય છે. જીજ્ઞાસાવૃતિ, નિરીક્ષણશક્તિ અને સતત કાર્યરત રહેવાની ધગશ જેવા ગુણ ધરાવનાર સર્જક હંમેશા પ્રગતિશીલ
રહે છે.

સ્નેહા

ગુલાબી રંગ પર પ્રીતની છાંટ


ખેતીની વાત મેગેઝીન > મારી હયાતી તારી આસપાસ > એપ્રિલ માસ.૨૦૧૨નો લેખ

 

આ પીન્ક કલરમાં નવી પ્રીન્ટ માર્કેટ્માં આવી છે મેડમ..તમને આ ક્યાંય જોવા નહી મળે..અને તમારી ગોરી સ્કીન પર સરસ પણ લાગશે..’

‘પીન્ક કલર…ના..ના…મને તો સ્કાય બ્લ્યુ, પરપલ કે લેમન યલો કલરમાં કોઇ મટીરીઅલ બતાવો..આ બધા મારા ફેવરીટ કલર છે’

‘ઓ.કે. એઝ યુ વીશ’

દુકાનદારે મારી પસંદગીના કલરવાળા કાપડના તાકા મારી સામે ખડકવા માંડયા..

ગમ્યાં તો બહુ બધા પણ નજર વારેઘડીએ પેલા પીન્ક કલરના ડ્રેસ પર જ કેમ સરકતી હતી..!!

દુકાનદારની અનુભવી નજરોએ મારી નજરની આ લસરપટ્ટી પકડી પાડી અને ઉભો થઈને એ પીન્ક ડ્રેસ લઈ આવ્યો અને મેં ચોઈસ કરેલા બીજા બધા મટીરીઅલની બાજુમાં ચૂપચાપ એને ગોઠવી દીધો.

મારી જાણ બહાર જ મારો હાથ એ ગુલાબી ગુલાબી કાપડ પર ફરવા માંડ્યો..આ આજે મનને શું થતું હતું..આંખો બંધ કરીને એ ગુલાબી સ્પર્શ માણી રહી હતી..મગજમાં કંઈક અસંબધ્ધ સંવાદોથી જાણીતું ચિત્ર દોરાતું જતું હતું.અને હા..યાદ આવી ગયુ..આ કલર તો.. આ કલર તો..અને ડ્રેસનો પીન્ક કલર મારા ગાલ પર આવી ચડ્યો..

‘શું સાચે આમ હશે કે..?’

 

અને બે દિવસ પહેલાંની એક રાતી શીતળ સાંજ મારી આંખો સામે તરવરવા લાગી..

બે દિવસ પહેલાં આપણે બેય એકબીજાનો હાથ પકડીને દરિયાકિનારાની લીસી રેતીમાં પગ લાંબા કરીને બેઠા હતાં.હું એકીટશે ડૂબતા સૂરજને જોઇ રહી હતી અને તું મને..!! સૂરજના લાલ..કેસરી..જાંબુડીયા કિરણોથી છવાયેલું આહલાદક વાતાવરણ અને તારો સાથ.. બધું અદભુત-અદભુત એકદમ નશીલું હતું.. પવનમાં ઉડતા મારા કોરા લીસા કેશ તારા ચહેરા પર અથડાતા હતાં..અને તું આંખો બંધ કરીને એનો સ્પર્શ તારા ચહેરા પર ઝીલી રહ્યો હતો..

‘તારા વાળમાંથી કોઇક અજબ સુગંધ આવે છે..મારી સુગંધી..!!’

અને મારું આદિત્યદર્શનનું ધ્યાન એકદમ જ ભંગ થઈ ગયું..હું આજુબાજુ જોવા માંડી.

‘અરે..કોને શોધે છે…?’

‘કોને તે આ સુગંધીને..બીજા કોને..?’

‘હા..હા..હા..અરે એ તો મેં તને કહ્યું..આ વાતાવરણમાં તારો આ સથવાર..તને ખબર છે આ પળે તું દુનિયાની સૌથી અદભુત સ્ત્રી લાગે છે.. તારા વદન પર આ જાંબુડિયા.કેસરી મિક્ષ રંગની ઝાંય પડે છે..અને તારી લીસી લીસી ગૌરવર્ણી ચામડી એકદમ ગુલાબી ગુલાબી લાગે છે, તારા આ લીસા કેશ મારા મોઢા પર પથરાય છે અને હું એની રેશમજાળમાં ઉલ્ઝાઇ જઊં છું.એમાંથી પ્રસરતી આ માદક સુગંધ…અહાહા મગજ નશાથી તરબતર થઈ ગયું છે.. …બાવીસ વર્ષનું આ અછૂતું યૌવન  એના દિલના ખૂણે મારા માટે ઢગલો’ક હેત સંઘરીને મારી આટલી નજીક છે..આ બધુ મને પાગલ કરી નાંખે છે..પણ તું છે કે…છે કે…જવા દે,,તું નાહકની ગુસ્સે થઇ જઇશ પાછી..!’

સંવેદનાનો એક તીવ્ર નશો મારા કાનના રસ્તે થઇને મગજમાં રેલમછેલ થઈ રહ્યો હતો..મારું મગજ જ સુન્ન થઈ ગયું હતું..તારું બોલાયેલું અડધું પડધું તો કંઇ સમજાયું જ નહીં…પણ તારી વણબોલાયેલી બધીય લાગણીઓના સંદર્ભ, ઇચ્છા એકદમ સ્પષ્ટ હતાં.

‘ઇચ્છાને અધૂરી ના છોડ..બોલ..શું હતું..’

‘તું ગુસ્સે નહી થાય ને વચન આપ..’

‘આપ્યું..’

દિલ..કાન..મગજ…બધું ય એકધ્યાન થઈ ગયું..આગળના શબ્દો…ઇચ્છાઓ બધું ય મને ખબર જ હતું..બસ તારા મોઢામાંથી બહાર આવે એટલી જ પળોનો ઇંતજાર હતો.

‘ ‘સુગંધી..’ આજથી હું તને ‘સુગંધી’ જ કહીશ.. હા..તો સુગંધી..આપણી વચ્ચે આટઆટલો પ્રેમ છે..તો એને લક્ષમણરેખાથી ક્યાં સુધી બાંધી રાખીશ.. તારો હાથ પકડવાની જ છૂટ..આનાથી આગળ..’

અને બાકીના શબ્દો તેં જાણી જોઇને અધૂરા એ નશીલા વાતાવરણમાં તરતા મૂકી દીધા..

આખા શરીરનું લોહી જાણે મારા ચહેરા પર ઠોકરો મારવા માંડ્યું હોય એમ જ લાગ્યું.. કાનની બૂટ , ગાલ બધુંય રાતું ચોળ..

‘તને ખબર છે… તું અત્યારે એક્દમ પીન્ક પીન્ક લાગે છે…સામેનો સૂર્ય અસ્ત થઇને જાણે તારા ચહેરા પર ફૂટી નીકળ્યો હોય એમ તું ચમકે છે..’

અને તું મારી વધારે નજીક સરક્યો..

‘હું તારા માટે એક ગુલાબી કલરનો ડ્રેસ લઈ આવીશ..મારી સુગંધીને ગુલાબી રંગ બહુ જ  સ્રરસ લાગે છે..તું અને પીન્ક ડ્રેસ બેય એકબીજામાં ભળી જાઓ..અને મારી દુનિયા ગુલાબી ગુલાબી… અહાહા..’

તારા શબ્દો મને પાગલ કરતા જતા હતા…અને આ જ તકનો લાભ લઈને તું મારી વધારે નજીક સરક્યો..

‘સુગંધી..મારી સુગંધી..હું તને અનહદ પ્રેમ કરું છું.’

‘હું પણ..’

અને તેં મારા હાથ પર તારી હથેળીની ભીંસ વધારી…મારી વધારે નજીક આવ્યો… બીજો હાથ મારા વાળમાં સેરવી દીધો.. ધીમે ધીમે નજીક આવતી આ નજદીકીમાં હું પણ અવશ થતી જતી હતી..દિલના એક ખૂણે સતત કંઇક પીઘળતું જતું હતું..આંખો જાણે કદી આ દુનિયા જોવા જ ના માંગતી હોય એમ સતત બંધ થતી જતી હતી..હોઠ..દિલ..બધે થતો થરથરાટ..ચામડી પર નાની નાની ફોડલી જેવું કંઇક ઉપસી આવ્યું..અને તેં હળવેથી  તારા હોઠ મારા ગાલ પર ચાંપી દીધા..ધગધગતી ધરતી પર વર્ષાના અમીછાંટણા..તારા હોઠની ભીનાશ મારા ચહેરામાં છેદ કરીને છે..ક્ક…દિલ સુધી ઉતરી ગઈ..નાભિમાં કંઇ વિચિત્ર થરથરાટી અનુભવાઇ..સંમોહનની આ સ્થિતીમાં વીતેલી આ નાજુક પળો દિલ-દિમાગ પર પોતાનો કબ્જો જમાવી બેઠી..અને..ખબર નહી શું થયું..પણ આ બધા સંવેદનો આંખના એક છેડેથી આંસુના સ્વરુપે વહેવા લાગ્યાં..અને તું ચમક્યો..

‘સોરી..મારે આમ …તને પૂ્છ્યા વગર…સોરી..માફ કરી દે મને..પ્લીઝ..પણ આમ રડ નહીં…’

અને બધોય નશો તૂટ્યો..આ ‘સોરી’ ક્યાંથી આવી ગયું વચ્ચે …? ઓહ આ તો તું મારી ભીની પાંપણોનો અલગ મતલબ નીકાળી બેઠેલો…પણ હવે તને કઈ રીતે સમજાવું મારા મનની વાત…? મન તો થતું હતું કે હું પણ….

‘મારી હથેળી

તારો ચહેરો

મારા હોઠ

તારુ લલાટ

બસ…

આ જ મારી પ્રાર્થના’

આ તો મારી પણ મનચાહેલી પળો હતી.. બાવીસ વસંતો અનુભવી ચૂકેલ પણ ફૂલો તો આજે જ ખીલ્યા હોય એવું લાગતું હતું.. આ બધું તને કેમ કરીને સમજાવું.. તારી જેમ મારી સંવેદના શબ્દોમાં ઢાળતા મને  મારી શરમ રોકતી હતી..અને મારી ચૂપકીદી તું સમજતો નહતો..

‘મેડમ..શું થયું..આ ગુલાબી કલર અને શિફોનનું મટીરીઅલ..એમાં પણ પાછી આ પ્રિન્ટ.ક્યાંય નહીં મળે..મારી વાત પર વિશ્વાસ રાખો.’

અને મારું ગુલાબી સ્વપ્ન તૂટ્યું..સાતમા આકાશમાંથી પાછી જમીન પર પટકાઇ.

‘અહહહ..હા.શું.. ‘

દુકાનદાર પણ  મારા વિચિત્ર વર્તનથી થોડો ચમક્યો..એને કંઈ જ બોલવાની તક આપ્યાં વગર હું બોલી,

‘હા..તમે સાચું કહો છો..ગુલાબી કલરમાં આ છાંટ ક્યાંય નહી મળે..મને આ જ ડ્રેસ પેક કરી આપો..

અને દુકાનદાર પોતાની માર્કેટીંગ સ્કીલ પર પોરસાતો પોરસાતો ત્યાંથી ઉભો થઈને કાઉન્ટર તરફ વળ્યો..

પાછળ મનોમન શરમાતી હું વિચારતી હતી….

‘ગુલાબી રંગ પર તારી પ્રીતની છાંટ

આવ સાજન

આજે તને જ ઓઢું

તને જ શ્વસું..’

 

– સ્નેહા પટેલ

સ્વતંત્રતા


સ્વતંત્રતા કોઇ પણ હોય, ઇમોશનલ..શારિરીક..માનસિક..આર્થિક.. -ચૂકવણી ભારી-ભરખમ જ હોય છે.

સ્નેહા પટેલ

Diplomatic


 

કોઇ પણ વાત જ્યારે અધૂરી જ સમજાય ત્યારે એ થોડી ‘ડીપ્લોમેટીક’ લાગે છે.

 

– સ્નેહા પટેલ