Dadh no dukhavo


Phoolchhab newspaper > Navrash ni pal column >11oct,2017.

દાઢનો દુઃખાવોઃ

 

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.

-રમેશ પારેખ.

 

કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને પોતાની જાતની કંપની જ એંજોય કરતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઇ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઇ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર  વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.

આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો..  ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.

કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.

શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજ્વા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.

‘ઓહ..તો આ વાત છે.’

વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’

અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.

‘અરે મારી વ્હાલુડી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’

‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’

‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’

ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે  વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.

એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઇ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.

‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’

શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત  રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘કલીક’ જ નહતી થતી.

આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?

ખાવાનું ખાવું કેવી રીતે ?

ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી લીકવીડ ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !

બોલાતું નહતું અન સહેવાતું પણ નહતું.

અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.

‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઇ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.

‘નોનવેજ !’

અને ક્રુપાના અવાજમાં ના ઇચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.

‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’

‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’

‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’

‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લીકવીડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુધ્ધાં છે ?’

‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લીકવીડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’

અને કૃપાની કમાન છટકી.

‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’

‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઈફ ?’

‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’

‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઇ. તારામાં આત્મ્વિશ્વાસ, સમજની કોઇ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’

‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.

‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.

‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઇની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’

‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,

‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઇ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.

 

‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,

‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.

ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.

સ્નેહા પટેલ

મેનેજરઃ


phoolchhab newspapaer > navrash ni pal column > 28-9-2016

 

શું અન્ય કોઇ રીતે એ સંભવી શકે ના ?

સાબિત થવાનું જીવિત ધક ધક કરી કરીને ?

-સંજુવાળા.

 

રાજન અને નીકી નેટ પર સર્ફીંગ કરી રહ્યાં હતા. આ દિવાળીમાં એમને દુબઈ ફરવા જવાનો પ્લાન હતો અને એ પણ એમના ફેવરીટ છ મિત્રોના ગ્રુપ સાથે. એ બધા સ્કુલકાળના મિત્રો હતાં.કોલેજકાળમાં બધા થોડાં વિખરાઈ ગયેલાં. ફેસબુક અને વોટસએપના કારણે એ લોકોનો સંપર્ક શક્ય બન્યો હતો. ત્રણ મહિના પહેલાં એક સન્ડે એ લોકો મળ્યા હતાં અને ત્યાં આ પ્રોગ્રામ બન્યો હતો. બાળપણની દોસ્તી એમાં ય સ્કુલની મૈત્રીના સંભારણા તો કાયમ હર્યા ભર્યા અને સુખદ જ હોય ! રાજન અને નીકીને વારે ઘડીએ એ દિવસોની યાદ આવતી હતી અને ખુશીથી રુંવાડાં ઉભા થઈ જતા હતા, આંખો બંધ થઈ જતી અને બંને ફ્રોક ને ચડ્ડી પહેરતા એ બાળપણની ગલીઓમાં ભૂલા પડી જતાં. ઇન શોર્ટ બન્ને ખુબ જ એક્સાઈટેડ હતાં.

દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં હતા અને ઘરની સાફસફાઈ શોપિંગ સાથે દિવસો પવનવેગે ઉડતાં હતાં. નીકી રહી ઘરરખ્ખુ સ્ત્રી. એને ઘરની સાફસફાઈ અને નાસ્તા બનાવવામાં જ પહેલો રસ. એ કારણે એને ઘરની બહારના કામોમાં અનિયમિતતા આવી જતી. અમુક શોપિંગ તો રાજને એકલાં જ પતાવવા પડ્યાં હતાં. પણ બે ય જણ આ રીતથી ટેવાઈ ગયા હતાં. રાજનના શોપિંગથી નીકીને કોઇ પ્રોબ્લેમ કે કોઇ કચકચ નહતી એથી રાજન પણ બિન્દાસ થઈને પોતાની સમજ મુજબ શોપિંગ કરી લાવતો. આમ ને આમ દિવાળીના દિવસો આવી ગયા અને રાજન – નીકી બેસતા વર્ષના દિવસે બધા સગા સંબંધીઓને મળીને બીજા દિવસે ઉડ્યાં દુબઈ જવા – પોતાના ચડ્ડી બડી સાથે.

લગભગ બાર દિવસ પછી રાજન અને નીકી ટ્રીપ પતાવીને ઘરે પાછા વળ્યાં ત્યારે એ નીકીનો મૂડ થોડો અલગ જ હતો. મિત્રો સાથે આનંદ લૂંટવાનું જેટલું એકસ્પેક્ટેશન હતું એનાથી અડધા ભાગનો સંતોષ પણ એને નહતો મળ્યો. આવું કેમ ? સોહિનીનો એટીટ્યુડ તો એને ખૂબ જ ખટકતો હતો.  જાણે એ નવાઈની એક બિઝનેસ વુમન હતી ! આખો દિવસ બધા ઉપર ઓર્ડર છોડ્યાં કરતી અને જાણે આટલા બધામાં બધી જ જાતની સમજ એને એકલીને જ પડતી હોય એમ વર્તન કરતી. માન્યું કે એ નોલેજેબલ હતી, એને બિઝનેસ ટ્રીપના કારણે પોતાના કરતાં રખડવાનો વધુ એકસપીરીઅન્સ હતો. પણ એમાં શું નવાઈ ? એ બહાર ફરવામાં એકસપર્ટ હતી તો પોતે ઘર સાચવવામાં અને રસોઈકળામાં પાવરધી હતી. જે જેનું કામ એમાં આટલા વહેમ શું મારવાના ? રોજ ઉઠતાંની સાથે એની બકબક ચાલુ થઈ જાય. આજે આટલાં વાગ્યે આમ જવાનું , આમ ભેગાં થઈ જવાનું, ફલાણો રસ્તો પકડવાનો , ઢીંકણું વાહન ટ્રાન્સપોર્ટ માટે પકડવાનું…ઉફ્ફ. રોજ એના હુકમોની ધાણી ફૂટે. વળી ગ્રુપના બધા લોકો ય એનાથી અંજાઈ ગયેલા કે શું ? એ ચિબાવલી કહે એમ જ ચાલતાં હતાં. આમે નાનપણથી જ સોહિની થોડી ડોમિનેટીંગ હતી પણ એ સમય અલગ હતો. એ વખતની એની દાદાગીરીમાં એક ઇનોસન્સ અને દોસ્તીભાવ હતો આજના સમયે એ એક સમજુ ને અક્કલવાળી સ્ત્રી હતી. મનોમન ચાલતો રઘવાટ આખરે ઘરે પહોંચીને સોફા પર બેસીને પાણી પીતા જ રાજન સામે નીકળવા લાગ્યો.

‘રાજુ, તને આ સોહિનીની કચકચથી કંટાળો નહતો આવતો ?’

ને રાજન ચમક્યો. એને સોહિનીના વર્તનથી કોઇ જ પ્રોબ્લેમ નહતો થયો. એ એક સ્માર્ટ ને ઇન્ટેલીજન્ટ લેડી હતી જે દરેક પ્રકારની  સ્થિતી ખૂબ સારી રીતે મેનેજ કરી લેતી હતી. પણ નીકીના મોઢા પરથી એવું લાગતું હતું કે એ એનાથી ખૂબ કંટાળી ગયેલી હતી એટલે સોહિનીનો પક્ષ લેવામાં સાર નહતો જ. ખૂબ જ સાચવીને રાજને શબ્દો ગોઠવ્યાં ને બોલ્યો,

‘નીકુ, આમ જોવા જઈએ તો સોહિની થોડી વધુ જ લાઉડ હતી. હું તારી સાથે એગ્રી છું.’

‘અરે, લાઉડ શું – એ તો રીતસરની બધા પર હુકમો જ કરતી હતી, અને ગ્રુપના બધા જ લોકો પણ એની વાતો ચૂપચાપ કોઇ જ આર્ગ્યુ કર્યા વિના સાંભળી લેતાં હતાં. નવાઈ તો મને એની લાગતી હતી કે કોઇ એને ચૂપ કરાવવા કે વિરોધ કરવાની તસ્દી સુધ્ધા નહતું લેતું.’

‘જોકે એની વાતોમાં વિરોધ કરવા જેવું તને શું લાગ્યું?’

રાજને હળ્વેથી પ્રશ્ન તરતો મૂક્યો.

‘અરે, જાણે નવીનવાઈની એ જ આખી દુનિયા ફરતી હોય એમ દરેક પ્રોગ્રામના અને એની પણ આગળના પ્રોગ્રામના શિડ્યુલ એ જ ગોઠવ્યે રાખતી હતી. આપણે તો જાણે એના ચિઠ્ઠીના ચાકર, એ બોલે ને આપણે પગ ઉપાડવાના. આપણી કોઇ ઇચ્છા કે સગવડ અગવડનું કોઇ મહત્વ જ નહીં ?’

‘જો નીકી, શાંત થા બકા ને એક વાત કહે, જમવા, ઘરની સજાવટ રીલેટેડ, રેસીપી કોઇ પણ વાત હોય ત્યારે તું કેવી આગળ થઈ થઈને તારા મત રજૂ કરતી હતી ને ? એ સમયે તને ખબર છે સોહિનીને તો કંઈ ગતાગમ જ ના પડતી હોય એમ ચૂપચાપ તારું મોઢું તાક્યા કરતી હતી.’

‘હા, એ વાત તો મેં પણ નોટીસ કરી હતી.’ ને નીકીનું વદન ગર્વથી ભરાઈ ગયું.

‘નીકી, હવે શાંતિથી સાંભળ. સોહિની રહી એક બિઝનેસ લેડી એટલે એને રોજેરોજ મેનેજમેન્ટ લેવલના માણસો સાથે પનારો પડે. એ મેનેજમેન્ટમાં કાચી પડે તો ધંધો જ ના થઈ શકે. રાઈટ ? તો  મેનેજમેન્ટ એનું કામ છે. આપણે ફરવા જઈએ ત્યારે શક્ય એટલાં ઓછા ખરચા અને સમયમાં મેક્સીમમ જગ્યા જોઇ શકીએ અને એમાં કોઇ અડચણ ના પડે એ માટે પ્રોપર મેનેજમેન્ટ જરુરી થઈ પડે. વળી સોહિનીને કામના અર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે એથી એ ત્યાંથી ખાસી એવી પરિચીત પણ છે તો એ આ બધા પોઈન્ટ્સને લઈને આપણને હેલ્પ કરવાના આશયથી સૂચનો કરતી હતી અને બધા આ વાત જાણતાં હતાં એથી એની વાત પર વિશ્વાસ મૂકીને ચૂપચાપ ફોલો પણ કરતાં હતાં. આઈ થીન્ક એના સજેસન્સને લઈને આપણે કોઇ ખોટી પરેશાનીમાં તો નથી જ ફસાયા ને આખી ટ્રીપ શાંતિથી મેનેજ કરીને પતાવી શક્યાં એ વાત તો માને છે ને ? યાદ કર તું ઘર સાચવવામાં બહારના કામ મેનેજ નથી કરી શકતી એવું જ સોહિનીના કેસમાં હોય કે ઓફિસના કામમાં એક્સપર્ટ એવી એ ઘરના કામોમાં ‘ઢ’ હોય. દરેકે પોતપોતાની ચોઇસ મુજબની જીન્દગી જ સિલેક્ટ કરી હોય.’

‘હા, એ વાત તો છે રાજન.’

‘ તો પછી…સી..એ મેનેજમેન્ટ લેવલની વ્યક્તિ એટલે એને આજ સવારના પ્રોગ્રામથી માંડીને રાતના પ્રોગ્રામોના ટાઈમટેબલો બનાવીને જીવવાની આદત પડી ગઈ હોય અને એમાં એ સ્માર્ટ પણ થઈ ગઈ હોય. બહાર ફરવા જઈએ ત્યારે અનેક લોકો વચ્ચે આવા નાના નાના કારણૉને લઈને જ ઘર્ષણ થાય છે અને સંબંધો વણસી જાય છે એથી સૌથી પહેલાં તો વાતને સમજતા અને પછી થોડું ચલાવી લેતાં શીખવાનું ડીઅર. હું તો એટલું જ જાણું.’

‘હા રાજુ તારી વાત સાચી છે. એ મેનેજમેન્ટમાં ખાસી સ્માર્ટ છે એ વાત સ્વીકારતા મને અંદરખાને તકલીફ એક ઇર્ષ્યા જેવું થતું હતું પણ હવે એ નીકળી ગયું. થેન્ક્સ.’

‘ચાલ પગલી…હવે ફ્રેશ થઈને ચા પીએ.’

અને રાજને એના માથા પર હળવી ટપલી મારી દીધી.

અનબીટેબલ ઃ માનવી સરળ વાતોને અટપટી બનાવી દેવામાં માહેર છે.

સ્નેહા પટેલ

love merrige- arrange merrige


લવ મેરેજ – અરેંજ મેરેજઃ

phulchhab newspaper > 30-8-2016 > navrash ni pl column

 

તાર કાં તો માર રસ્તા બે જ છે.

જીત કાં તો હાર રસ્તા બે જ છે.

– ઇશિતા દવે

‘તમારા તો લવમેરેજ થયેલાં છે ને ? અમને તમારી સ્ટોરી તો કહો ? કુમારભાઈએ કેવી રીતે તમને પ્રપોઝ કરેલું એ તો કહો ? તેઓ આ ઉંમરે આટલા સ્માર્ટ – હેન્ડસમ કનૈયાકુંવર જેવા લાગે છે તો કોલેજકાળમાં તો એમની પાછળ કેટલીય છોકરીઓ પાગલ હશે કેમ ? આટલા હેન્ડસમ માણસની પ્રેમિકા બનીને આપને પણ ગર્વ થતો હશે કેમ રાધિકાભાભી ? જોકે તમે પણ કંઇ કમ રુપાળા નથી હોંકે – તમારી બે ય ની જોડી તો ‘રામ મિલાય’ જેવી છે.’

ઉત્સુકતાથી અને ઉતાવળથી ભરપૂર સોનાલીબેને રાધિકાની ઉપર એકસાથે પાંચ છ વાક્યોનો રીતસરનો મારો જ ચલાવી મૂક્યો હતો. એકસાથે આટલું બોલીને હાંફી ગઈ હોય એમ હવે એ શ્વાસ લેવા બેઠી અને રાધિકાબેન એના પ્રશ્નોના શું ઉત્તર આપે છે એ જાણવા એના મોઢા પર એણે પોતાની આંખો ખોડી દીધી.

‘સોનાલીબેન શું તમે પણ ? એવું કંઇ ખાસ નહતું. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ બધું આખરે તો સરખું જ હોય છે. તમારું લગ્નજીવન પણ કેટલું સુંદર છે જ ને !’લગ્નજીવનના બે દાયકાં વીતી ગયા છતાં રાધિકાને પોતાની પર્સનલ વાતો આમ કોઇની પણ સાથે શેર કરવામાં શરમ નડતી હતી. એને આવી સહેજ પણ આદત નહતી.

‘ના હો….લવ મેરેજ અને અરેંજ મેરેજમાં આભ જમીનનો ફર્ક હોય છે મારી બેના. તમે લગ્ન પહેલાં એકબીજાને જાણતાં હોવ, પૂરી રીતે સમજતાં હો અને એ પછી તમે બે વ્યક્તિએ આખી જીંદગી એકબીજા સાથે વીતાવવાનો નિર્ણય લીધો હોય. લવ મેરેજે એટલે ચોઇસવાળા લગ્ન જ ને આખરે તો. અમારે તો શું વડીલોએ બતાવ્યાં હોય એમાંથી પસંદ કરી લીધેલા. લગ્ન પહેલાં અમારી સગાઈનો ગાળો લગભગ ૬ મહિના રહેલો એટલા સમયમાં તો અમે એકબીજાને શું ઓળખી શકવાના ? અને ઓળખીએ તો પણ લવમેરેજના પ્રેમ – આકર્ષણ જેવી વાત એમાં ક્યાંથી ? ‘

‘સોનાલીબેન કેમ આમ બોલો છો ? પરમભાઈ તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમારા બે દીકરા ય હવે તો ટીનએજર્સ થઈ ગયાં છે. તો ય એમનો પ્રેમ યથાવત જળવાયેલ જણાઇ આવે છે જ.લવમેરેજમાં વ્યકતિને પહેલાં પૂરેપૂરી જાણી લો કે અરેંજ મેરેજમાં વ્યક્તિને મેરેજ પછી જાણો એમાં લગ્નજીવન પર ખાસ કંઇ ફર્ક નથી પડતો. ઉલ્ટાનું અરેંજ મેરેજમાં તો તમારે વડીલોનો સ્વીકાર પહેલેથી જ મળી ગયેલ હોય એટલે કોઇ જ વાતમાં વાંધા વચકા પડવાની શકયતાઓ ઓછી રહે જ્યારે લવમેરેજમાં છોકરીનું એક વર્ષ તો ઘરનાની નજીક જવામાં જ વીતી જાય.’

‘મારું હાળું આ વાત તમે  સાચી કહી હોં રાધિબેન. મારી સાસરીમાં બધા ય મને પહેલેથી જ પ્રેમથી સ્વીકારીને રહે છે. પણ તો ય લવમેરેજ વાળા લગ્નજીવનમાં રોમાંચ, આકર્ષણનું તત્વ વધારે રહેલ છે એવું તમને નથી લાગતું ?’

‘ના, મારા માનવા પ્રમાણે ખરું લગ્નજીવન તો લગ્નના પાંચ વર્ષ પછી જ થયું ગણાય – એ પછી લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ ! લવમેરેજમાં પણ તમે વ્યકતિની સાથે રહ્યાં વિના એની અમુક આદતો – બાબતો -સ્વભાવથી પૂરેપૂરા પરિચીત તો નથી જ હોતા. અમિક સ્થિતીમાં એ કેવી રીતે વર્તન કરશે – પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે એની તો એ સ્થિતીમાં હકીકતે મૂકાયા પછી જ સમજણ પડે. અરેંજ હોય કે લવ-  બે ચાર વર્ષ તો આકર્ષણથી – રોમાંચથી ભરપૂર જ રહે છે પછી જ જ્યારે જવાબદારીઓ ઉપાડવાનો સમય આવે ત્યારે એ બે જણ કેવી રીતે એ સ્થિતીનો સંયુકતપણે નિભાવે છે એ જોવાનું હોય છે. જીવન પળે પળે બદલાતું હોય છે. નોકરી-કામધંધો-સામાજીક જવાબદારીઓ-છોકરાંઓનો ઉછેર આ બધી જ સ્થિતીઓને લવ મેરેજ કે અરેજ મેરેજથી કોઇ જ ફર્ક નથી પડતો. સમય જતાં જતાં જ વ્યક્તિ એકબીજાને સમજે અને એકબીજાની વધુ નજીક આવે કે દૂર જાય છે. તમારે જેવા ઝગડાં થાય છે એવા નાના મોટાં ઝગડાં તો અમારે પણ થાય છે જ. જેમ અમુક સમયે  કુમાર હવે શું વિચારતો હશે કે શું ફીલ કરતો હવે એવું સ્મજાઈ જાય છે એવું તમને પણ પરમભાઈની આદતો, મૂડ સ્વભાવ વિશે પૂરેપૂરો ખ્યાલ હોય જ છે ને !  પરમભાઈમાં થોડી ખામી હશે તો ખૂબી પણ હશે જ ને..એમ કુમારમાં પણ અનેજ્ક ખૂબી છતાં અમુક ખામી છે જ..હોય જ ને..આખરે માણસ છે એ.  લગ્ન કરે એટલે માણસ સંપૂર્ણપણે સામેવાળાની મરજી પ્રમાણે થોડી જીવે ? એમને પણ સ્વતંત્રતા જેવું કંઇ હોય કે નહીં ? હા ઘરની બહાર એ આપણને સાચવી લે પણ પર્સનલ લાઈફમાં તો દરેકની સ્થિતી સરખી જ હોય. કોણ એ સિચ્યેશનસ કેવી રીતે હેન્ડલ કરે છે બધો દારો મદાર એની પર છે બેના.વળી  આજકાલ તો એક બીજાને પૂરી રીતે સમજવા વળી એક નવી ફેશન નીકળી છે – પસ્ચિમના લોકોથી રહેણી કરણીના આકર્ષણમાં ફસાઈને આજના યુવાનિયાઓ ‘લીવ ઇન રીલેશનશીપ’ કે જેમાં છોકરાં છોકરી પોતાનું ઘર લઈને મા બાપથી જ અલગ રહીને જીવે છે એમ છતાં ય અમુક વર્ષો પછી એ લોકો હસી ખુશીથી છૂટાં પડી જાય છે. લવમેરેજ કરતાં તો આ કમ સે કમ દસ સ્ટેપ આગળનો રસ્તો તો પણ એ સંબંધો ફેઇલ જાય છે બોલો.. માટે જ કહું છું કે લગ્નજીવનમાં ‘લવમેરેજ’ કે ‘એરેંજ મેરેજ’ની ટેગ કશું ખાસ કામ નથી કરતી. આખરે તો જીવન એકબીજા સાથે જીવતી વ્યક્તિની સમજણ, પ્રેમ, સ્વભાવ પર નભે છે.’

સોનાલી ચૂપચાપ એકીટશે રાધિકાની વાત સાંભળી રહી હતી. આજે રાધિકાએ એનો મોટો ભ્રમ બહુ જ સરળતાથી તોડી કાઢ્યો હતો.

અનબીટેબલ ઃ લગ્ન પછી ‘કોઇ હવે સંપૂર્ણપણે મારું’ એ લાગણી બહુ જ સુખદ હોય છે.

-sneha patel

short tempered


Short tempered:

हमने भी सोकर देखा है नये-पुराने शहरों में
जैसा भी है अपने घर का बिस्तर अच्छा लगता है ।
– निदा फ़ाज़ली

કૈરવ નાનપણથી જ બહુ ગુસ્સાવાળો છોકરો હતો. પારણામાં હતો ત્યારથી દૂધની બોટલ આપતાં સહેજ પણ વાર થાય તો બોટલનો ઘા સીધો પારણામાંથી બારણામાં જ જાય. વાળ ઓળતાં એકાદ વાળ પણ ખેંચાય તો પણ પીત્તો જાય ને ભેંકાટવાનું ચાલુ થઈ જાય. સહેજ પણ સહન કરી લેવું એ સ્વભાવમાં નહીં. આખી દુનિયાનો પોતે રાજા – દુનિયા નામની પ્રજા એની મરજી અને સહૂલિયત મુજબ જ ચાલવાનું, વર્તવાનું. પોતાની સહૂલિયત – કમફર્ટ ઝોન એ કૈરવના શોખમાંથી સ્વભાવ બનતો જતો હતો.

નાનપણ તો મા બાપ, બા દાદાના વ્હાલમાં આરામથી વીતી ગયું. હવે એ પારણાની દુનિયામાંથી દુનિયાના ઉંબરે- બારણે આવીને ઉભો હતો. ઘરના વ્હાલભર્યા ને સુરક્ષિત માહોલમાંથી બહાર નીકળ્યે જ છૂટકો હતો. પરિવારજનોએ તો એના ગુસ્સાને સહન કરીને એને છાવરવાનું કામ કરેલું -આ બધું ઘર પૂરતું તો બરાબર હતું પણ ઘરની બહારના લોકોમાં કૈરવનો આ સ્વભાવ સ્વીકાર્ય નહતો થતો. એને વાતવાતમાં દરેક જણ સાથે વાંધાવચકા પડવા લાગ્યાં ને પરિણામે સોસાયટી-સ્કુલ-સમાજ બધે જ એ શોર્ટ ટેમ્પર્ડ-અણસમજુ માણસ તરીકે પંકાવા લાગ્યો.

શરુઆતમં તો લોકોનો વિરોધનો સૂર ધીમો હતો પણ ધીમે ધીમે એ વાવંટોળ બનવા લાગ્યો. લોકો વાતે વાતે કૈરવને ધૂત્કારવા – ટોકવાં લાગ્યા. કોઇ પણ વાતમાં એની કોઇ રાય પૂછાતી નહીં કે એ બોલે તો કોઇ એની વાત માનીને એનો વિશ્વાસ પણ કરતાં નહીં. એના નામનાઅ જોકસ બનાવી બનાવીને ગ્રુપમાં મેસેજીસ બનીને ફરવા લાગ્યાં. આ બધું હવે હદ બહાર થતું જતું હતું. ઘરવાળા સામે ટણીવાળો – મજબૂત બની રહેતો કૈરવ એકાંતમાં ઘણી વખત રડી પડવા લાગ્યો. ગુસ્સાને બાદ કરતાં કૈરવમાં ઘણાં બધા સારા પાસા હતાં. એ એક લાગણીશીલ અને પ્રામાણિક સ્વભાવનો છોકરો હતો. ભણવામાં પણ બહુ જ હોંશિયાર હતો. પણ આ બધા ગુણ પર એનો શોર્ટટેમ્પર્ડનું લેબલ પાણી ફેરવી દેતું. કૈરવને હવે પોતાની આ ખામીના લીધે ભોગવવું પડતું નુકસાન સમજાવા લાગ્યું હતું. ધીમે ધીમે યોગા, પ્રાણાયામ, પોઝીટીવ થીન્કીંગની બુકસ, વીડીઓઝ જોઇ જોઇને પોતાનો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સંગતિ માટે દોસ્તો પણ શાંત સ્વભાવના શોધી લીધા જે બહુ જ અસરકારક ઉપાય નીવડ્યો. વાતવાતમાં ગુસ્સે થઈ જનારો કૈરવ ધીમે ધીમે અંદરથી શાંત થતો જતો હતો, દિવસમાં વીસ વાર ગુસ્સે થઈ ને મગજ પર કંટ્રોલ ખોઇ બેસનારો કૈરવ વીસ વીસ દિવસ સુધી એક પણ વાર ગુસ્સે નહતો થતો, વળી કોઇક વાર ગુસ્સે થઈ પણ જાય તો તરત જ શાંત  પણ થઈ જતો ને પોતાના શબ્દો – વર્તન પર જબરદસ્ત કંટ્રોલ કરી લેતો હતો.

આ સમયગાળા દરમ્યાન એના જીવનમાં એક ફૂલ જેવી છોકરી ‘પાયલે’ પ્રવેશ કર્યો અને એનું જીવન જ્વાળામુખીમાંથી બરફના ફૂલ જેવું બની ગયું. કાયમ એના મુખ પર એક મીઠું મધુરું સ્મિત ફરકતું રહેતું જે એને ઓર સુંદર બનાવતું હતું.

સ્માર્ટ કૈરવ હવે પોતાના ફોકસ પર વધુ સારી રીતે કોન્સનટ્રેટ કરી શકતો હતો અને પરિણામે એને સારી જોબ મળી ગઈ અને એ પોતાની કારકિર્દીમાં આગળ ને આગળ વધતો ચાલ્યો. માન પાન, નામ પૈસા કમાવા લાગ્યો. આ બધુ હોવા છતાં ક્યારેક કૈરવ ઘણો ઉદાસ થઈ જતો. કોઇક વાત એને અંદરથી ખૂબ જ કોરી ખાતી હતી. એક સલૂણી સાંજે પાયલે કૈરવનો હાથ એના હાથમાં લઈને એની અકળામણનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો,

‘કૈરવ, તું મને કેટલો પ્રેમ કરે છે ?’

‘કેમ આમ પૂછે છે પાયલ ? તું તો જાણે છે કે હું તને બેહદ ચાહું છું.’

‘તો તને મારા સમ છે, તારી આ અકળામણ – ઉદાસીનું કારણ મને કહે. આપણે સાથે મળીને કોઇ રસ્તો કાઢીશું. પ્લીઝ.’

પાયલ – લાઈફમાં બધું છે પણ સાલું કશું નથી એવું જ લાગે છે..’

‘ગોળ ગોળ નહીં ખૂલીને વાત કર.’

‘પાયલ તું મારા જીવનમાં આવી એ  પહેલાં મારો સ્વભાવ બહુ જ ગુસ્સેલ હતો. ગુસ્સાએ મારી સમજશક્તિને તાળા મારી દીધેલાં. લોકો મારી પર – મારા શબ્દો પર ક્યારેય વિશ્વાસ ના કરતાં ને મજાકમાં જ ઉડાવી દેતાં. જોકે આ વર્તન યોગ્ય જ હતું , માન્યું. પણ આજે જ્યારે હું સુધરી ગયો છું. મારા પગ પર ઉભો છું, મારી કાબેલિયત પ્રૂવ કરી દીધી છે ત્યારે મારા ઘરનાં – નજીકનાં લોકો જ મને માનતાં કે કશું ગણતાં નથી. એમના માટે તો હું હજુ પહેલાનો કૈરવ જ છું. મારી ગુસ્સેલ, અણસમજુની ઇમેજ બદલાતી જ નથી શું કરું ? કોઇ પણ મહત્વની વાત હોય ત્યારે મારી પર કોઇ વિશ્વાસ કરતાં જ નથી. હું બદલાઈ ગયો છું એવું વારંવાર બોલે છે પણ એ બદલાવ દિલથી સ્વીકારતાં જ નથી. પાયલ – આખી દુનિયાના માનપાન મળે છે પણ મારા ઘરમાં જ આવું…ઘરની મુર્ગી દાલ બરાબર જ છે. આ દુઃખ મારાથી સહન નથી થતું..શું કરું ?’

‘કૈરવ, હું તારી વાત સમજી શકું છું. માણસની જન્મજાત ઇમેજ બદલવી એ ખૂબ જ અઘરું કામ છે પણ અશક્ય તો નથી જ.ઘરનાંને તારી આ વાત સ્વીકાર્તાં થૉડો સમય લાગશે પણ ત્યાં સુધી તારે મગજ શાંત રાખીને ખરાબમાં ખરાબ સ્થિતીમાંથી યોગ્ય રસ્તાઓ શોધી શોધીને તારી જાતને પ્રૂવ કરવાની રહેશે, માન કમાવાનું ચાલુ રાખવું પડશે. એકચ્યુઅલી આપણા ઘરના આગળ આપણે જ હોઇએ એ આપણું કેરેકટર કહેવાય કારણ એ લોકો આપણી બધી જ ખામી ને ખૂબી જાણતાં હોય છે. જ્યારે દુનિયા આગળ જે હોઇએ એ આપણી પર્સનાલીટી. ત્યાં આપણે જે વસ્તુ જેમ બતાવવી હોય એમ જ બતાવી શકીએ છીએ. ઘરના આપણને અણુ અણુથી જાણતાં હોય છે. પણ એક વાત છે..ઘરનાં ભલે તારી વાત ના માને પણ સાચો પ્રેમ તો તને એ લોકો જ કરશે, બહારની દુનિયા ભલે ગમે એટલું માન મરતબો કે પૈસા આપી દેશે પણ ત્યાં એક જાતનું પ્રોફેશનલિઝમ ચોકક્સ વર્તાશે જ.જુવાનીમાં ડગ માંડતા દરેક સંતાનની સાથે આવું થાય જ છે. વડીલો એમને બાળકમાંથી યુવાન ને મેચ્યોર માનતા થૉડો સમય તો લે છે જ. એટલે તું આવી ખોટી ચિંતાઓ ના કર અને મસ્તરામ બનીને તારી કારકિર્દી પર પૂરેપૂરું ધ્યાન આપ. ફેમિલી તારી દુશ્મન નથી ચોકકસ તારા કામની, વર્તનની નોંધ લેશે અને તને માન આપશે જ – મારી આ વાત ગાંઠે બાંધી લે.’

પાયલ સાથેના નાનકડાં સંવાદે કૈરવના દિલ – દિમાગના ઘણાં બધાં દરવાજા ખોલી કાઢ્યાં હતાં અને એ અંદરથી રાહત અનુભવવા લાગ્યો હતો.

અનબીટેબલઃ  જે સામે છે  એ ‘છે’ અને નથી એ ‘નથી જ’ !

સ્નેહા પટેલ

 

lagna prasang


phulchhab newspaper > navrash ni pal column > 25-5-2016

 

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર

તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર.

-કુલદીપ કારિયા.

 

ગ્લોબલ વોર્મિંગનો ખતરનાક પરચો આખી દુનિયાને બહુ સારી રીતે સબક શીખવાડી રહેલો. મોબાઈલ એપમાં ગરમીનો પારો રોજ ૪૪ – ૪૫ ડિગ્રીનું ટેમ્પરેચર બતાવતો હતો પણ સરસ્વતીને ચોક્કસપણે ખબર હતી કે દિવસના અમુક સમયે એ પારો ૪૬-૪૭ સુધી પહોંચતો જ હશે. સવારના ૧૦ વાગ્યાથી શરુ થઈને રાતના ૧૦ સુધી નકરો ગરમ ગરમ પવન ફુંકાવાનો ચાલુ ને ચાલુ રહેતો. એરકન્ડીશન, ફ્રીજ, કુલર, ફ્રુટજ્યુસ એ બધું મોજશોખ કરતાં જરુરિયાતની વસ્તુમાં ગણાવા લાગ્યું હતું. રોડ પર વ્રુક્ષો છાતી કાઢીને રુઆબ સાચવી રાખવાના પ્રયાસોમાં પ્રખર ગરમી સામે ઝઝૂમતા હતાં પણ થોડા સમયમાં એ ય થાકી હારીને માણસો પાસે વધારે પાણી પાય એવી આશામાં નમી પડતાં હતાં. એમાં પાણીની તંગી. અમુક વ્રુક્ષના પર્ણ બળીને ખાખ થઈ જતાં. જોકે એના મૂળથી છુટાં નહતાં પડી જતાં એટલે માણસોને એમને જોઇને આશા બંધાતી કે આ ઇશ્વરના પ્રકોપ સમો સમય થોડાં ઘણા બળી જઈને પણ કાઢી લેવાનો છે, મૂળસોતા સાવ જ અકાળે તો નહીં જ ખરી જઈએ.

આવા સમયમાં રમ્યાના ઘરે દીકરી સરસ્વતીના લગ્નનો પ્રસંગ આવીને ઉભો હતો.સરસ્વતી – ૨૪  વર્ષની કોડભરી નાજુક નમણી યુવતી. જોઇને આંખ ઠરે, જે ઘરમાં જશે એનું નામ ઉજાળશે એવું એના મુખારવિંદ અને બોલચાલ પરથી તરત જ પરખાઈ જતું. રમ્યા અને રમેશ પોતાની એકની એક દીકરીના પ્રસંગને શક્ય એટલી ધામધૂમથી ઉજવવા માંગતા હતાં. ઠંડા પીણા, કુલર, એસી, વિશાળ લોનવાળો એસી હોલ અને શહેરની નામી હોટલમાં લગભગ ૨૫ એક જેટલાં રુમનું બુકિંગ થઈ ચૂકયું હતું. રમ્યાના બધા સગા વ્હાલા વર્ષોથી પરદેશમાં જ રહેતાં હતાં. ભારતીય રીતિરિવાજોની ઝાઝી ગતાગમ નહીં એટલે જે પણ હોય એ બધું રમ્યાના પરિવારના માથે જ આવીને ઉભું રહેતું. દુનિયામાં પૈસા ખર્ચતા જ બધું બરાબર થઈ જાય એવી માન્યતા અહીં સદંતર ખોટી પડતી હતી. પૈસા ઉપરાંત પર્સનલ અટેન્શન અને સમય પણ ખૂબ જ જરુરી હતાં. ૧,૦૦૦ જેટલાં તો ફક્ત વેવાઈપક્ષના જ માણસો હતાં.

લગ્નનો દિવસ માથે આવીને ઉભો. રમ્યા સવારની ગ્રહશાંતિની ને બીજી અનેક વિધીઓમાં પરોવાયેલી. એની બે બહેનપણી અને એક પડોશીને કામની બધી વિગત સમજાવી દીધી હતી પણ તો  ય વેવાઈપક્ષના એક ભાઈને ગરમીમાં નાચીને થાકી ગયા પછી સાદા પાણીનો ય ભાવ ના પૂછાયાની ફરિયાદ થઈને જ ઉભી રહી.

હવે ?

રમ્યા અને રમેશના હોશકોશ ઉડી ગયાં. જમાનો ભલે ગમે એટલો મોર્ડન થઈ જાય પણ કન્યાપક્ષના મા બાપે કાયમ વરપક્ષ આગળ નમતું જોખવું જ પડે છે. તેઓ એ ભાઈ પાસે ગયા અને ‘સોરી’ કહ્યું. પણ પેલા ભાઈ ના માન્યાં.

‘તમે લોકો તો લગ્ન કરવા બેઠાં છો કે રમત કરો છો ? જાનૈયાઓને બોલાવીને એમનું ધ્યાન પણ નથી રાખી શકતાં તો શું કામ બોલાવ્યાં? આટલી ગરમીમાં અમે લોકો કંઇ નવરા નથી કે આવા પ્રસંગોમાં હાજરી પૂરાવીએ. શું જોઇને નીકળી પડતાં હશે આવા લોકો  લગ્ન કરાવવા?’

‘ભાઈ એવું નથી. અમે જાનૈયાઓના આગમન વેળાએ શરબતની વ્યવસ્થા કરી જ હતી પણ્ કદાચ કોઇ વેઈટરથી ભૂલચૂક થઈ ગઈ હશે. આપ શાંતિથી અહીં બેસો હું જાતે જઈને આપના માટે શરબત લઈને આવું છું, પ્લીઝ.’ રમ્યાએ ભાઈનું મગજ શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

‘અરે શું હું જાતે વ્યવસ્થા કરું છું ? વર પક્ષના લોકો છીએ…આમ માંગી માંગીને થોડું શરબત પીવાનું હોય ? અમારી પણ કોઇ ઇજ્જત હોય કે નહીં ? અમે તો આ ચાલ્યાં ઘરે – ચાલ સીમા.’ ભાઈએ એમની પત્નીને આદેશ કર્યો.

‘જુઓ શંકરભાઈ, આપને કોઇ તકલીફ પડી હોય તો અમારા વેવાણ તમારી સામે ક્ષમા માંગે જ છે પછી વાતને શું કામ આટલી બધી ઉછાળો છો? એ શરબત ના મળ્યું એમાં આમ આકરા થઈ જઇએ એ આપણાં સંસ્કાર ન કહેવાય.’

રમ્યા અને રમેશની નવાઈ વચ્ચે એમના વેવાઈ કનુભાઈ એમના પક્ષે આવીને એમનું ઉપરાણું લઈને મહેમાનને સમજાવવા લાગ્યાં. આ જોઇને રમ્યાંનો બધો તણાવ દૂર થઈ ગયો.

‘વેવાઈ, અમારી કોઇ ભૂલચૂક હોય તો અમે માફી માંગીએ છીએ. અમારા કારણે તમે કોઇ સંબંધમાં ખટરાગ ઉભો ના કરતાં પ્લીઝ. લગ્ન પ્રસંગ લઈને બેઠા હૉઇએ એટલે આમ નાનું મોટું તો ચાલ્યાં જ કરે.’

‘વેવાણ, હું પણ એમ જ કહું છું કે આવડા મોટા પ્રસંગમાં ને આવા વાતાવરણમાં થોડું ઘણું આઘુ પાછું થાય જ એને આમ આબરુનો સવાલ ના બનાવી દેવાય. આ તમારી ઉજાગરાથી ભરેલી આંખો, ચિંતાતુર થઈને ચીમળાઇ ગયેલ વદન…એ બધું તો જુઓ…દીકરીના લગ્ન નહીં પણ જાણે એક મોટી જવાબદારી થઈ ગઈ. એવું ના હોય વેવાઈ- વેવાણજી. એમને આ પ્રસંગમાંથી જવું હોય તો જઈ શકે છે પણ તમારી ઇજ્જત સામે આમ કારણ વગર કાદવ ઉછાળવાનો હક એમને કોઇએ નથી આપ્યો. તમારા સ્વમાનને કોઇ જ કારણ વગર આમ ઠેસ પહોંચે એ હું ના ચલાવી શકું.’

‘હું પણ શંકરભાઈઅની વાતમાં હામી ભરાવું છું. માર પતિદેવે એક અતિથિને છાજે એવું વર્તન નથી કર્યું. એમને જવું હોય તો એ એકલા ઘરે જઈ શકે છે. હું તો લગ્નપ્રસંગ પૂરો મહાલીને જ ઘરે આવીશ.’ પેલા ભાઈની પત્નીએ પોતાનો હાથ એમના હાથમાંથી છોડાવીને કહ્યું. વીલા મોઢે પેલાભાઈ ચૂપચાપ ખુરશીમાં બેસીને લગ્નવિધી જોવા લાગ્યાં.

અને રમ્યા – રમેશભાઈના ચહેરા પર અનેરા સંતોષ  સાથે સરસ્વતીના ઉજજ્વળ ભાવિના જોયેલા સપના સાચા પડ્યાંનો અહેસાસ તરવરી ઉઠ્યો.

અનબીટેબલઃ માનવીમાં શ્રધ્ધા કાયમ રહે તો બહુ બધી અંધશ્રધ્ધાઓના વિષચક્રથી બચી જવાય છે.

-sneha patel.

લસણનાં છોતરાં


 

અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પેમલિપિ !

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

-ઉમાશંકર જોશી.

 

દસ માળના બિલ્ડીંગમાં દરેક ફ્લોર પર ચાર ચાર ફ્લેટસ ફળવાયેલાં હતાં. જો કે ચાળીસમાંથી લગભગ ૭ ફ્લેટ્સ તો કાયમી ધોરણે બંધ જ રહેતાં હતાં એટલે લગભગ તેત્રીસ મધ્યમવર્ગીય કુટુંબોની બિલ્ડીંગ અત્યારે બપોરના ત્રણ વાગ્યે નીરવ શાંતિમાં ડૂબેલી હતી. અહીંના લોકોને જમી પરવારીને બપોરે આડા પડવાની ટેવ હતી – શાંતિપ્રિય માનવીઓની વચ્ચે એકાદ બે સળી કરનારા જીવ તો રહેવાના જ.

મીનળ ઘરે બેસીને ઓનલાઈન ડ્રેસ ડિઝાઈનની શોપ ચલાવતી હતી. અત્યારે એક ક્લાયન્ટને લગ્ન માટેના સૂટની અરજન્ટ ડિલીવરી જોઇતી હતી એટલે ફોન પર એની સાથે લમણાઝીંક કરતી હતી. વાત કરતાં કરતાં એ ફ્લેટનો ઝાંપો ખોલીને ઘરની બહારના પેસેજમાં આંટા મારવા લાગી.

‘હું શક્ય એટલી જલ્દી કરાવું છું પ્રિયાબેન.’

‘એવા વાયદા નહીં, મને ચોકકસ સમય કહો. ચાર દિવસ પછી લગ્ન છે અને એ સમયે મારે મારો ડ્રેસ મારા હાથમાં જોઇએ. વળી એક દિવસ તો પાર્સલમાં જશે એટલે તમારી પાસે રહ્યાં ફકત ત્રણ દિવસ. એમાં તમારે હજી દુપટ્ટો ડાઇ કરાવવાનો, એમ્બ્રોયડરી વર્ક કરવાનું બધું બાકી…તમને લાગે છે કે તમે પહોંચી વળશો મીનળબેન ?’

‘હા, શ્યોર કરી લઈશ. ડોન્ટ વરી અમારા કારીગર રાત દિવસ કામ કરવા ટેવાયેલાં છે..’

મીનળની નજર વાત કરતાં કરતાં એની ઉપરના માળ પર ગઈ તો ત્યાં એમના પડોશી માસી ઉભા ઉભા એને જોઇ રહ્યાં હતાં. એમની નજરમાં રોષ જેવું કંઇક દેખાયું એટલે મીનળ થોડી ચમકી અને બે આંખો ચાર થતાં જ પેલા માસી એની પર બગડ્યાં.

‘આ નીચે પાર્કીંગમાં લસણનાં છોતરાં પડ્યાં છે એ તમે જ નાખ્યાં છે ને ?’

બે સેકંડ તો મીનળને ખબર જ ના પડી. એ તો એની ધૂનમાં જ હતી- પ્રિયાબેનને ભરોસો અપાવી રહી હતી.

‘જુઓ તો, હવે તો સામે જોતાં પણ નથી. લોકો કચરો નાંખવામાં એકસપર્ટ થઈ ગયા છે. સફાઈ તો ગમતી જ નથી ને..સાવ **** જાતિના લોકો અહીં ભેગાં થઇ ગયા છે.’

હવે મીનળને પાકી ખાતરી થઈ ગઈ કે આ ગાળીધારા એના માટે જ વહાવવામાં આવી રહી હતી એણે ફટાફટ વાત પતાવી અને ફોન ઘરમાં મૂક્યો અને બહાર આવીને ઉપર જોઇને બોલી,

‘તમે મને કહો છો માસી ?’

‘હાસ્તો, તને નહીં તો બીજા કોને ? આ કચરો નાંખીને ગંદકી કેમ કરો છો તમે ?’

‘માસી, બોલવામાં વિવેક રાખો, હું તો ફોન પર વાત કરતી હતી તમે જોયું જ..હું કેમની કચરો નાંખી શકું?’

‘અરે, તમે કચરો નાંખીને પછી ફોન પર વાત કરવા બેઠા…મેં મારી સગી આંખે જોયું છે આ.’

‘તમે તો બધુ કહો…એમ કંઇ તમે બોલ્યા એટલે બ્રહ્મવાણી થૉડી થઈ જાય. મારી પાસે આવા કામ કરવા માટે સહેજ પણ સમય નથી. હું કાયમ લસણના ફોતરાં એક કોથળીમાં ભેગા કરું છુ ને પછી એ આખી કોથળી જ કચરાટોપલીમાં પધરાવું છું. આજે પણ મારી લસણના ફોતરાંની કોથળી મારા બાસ્કેટમાં જ છે. આવીને જોઇ જાવો. વળી આપણા ફ્લેટમાં ઘણા બધા બપોરે બેસીને વાતોના વડાં કરતા કરતા પેસેજમાં બેસીને લસણ ફોલીને એકઠું કરે છે એ લોકો મારા કરતાં વધારે શકમંદ નથી આ ફોતરાંના કચરાં માટે. વળી મેં નાખ્યાં હોત તો પણ તમે કોણ મને કહેનારા ? આખા બ્લોકના લોકો જેમ મનફાવે એમ કચરાં નાંખે જ છે ને…દૂધના ધોયેલા થોડી છે કોઇ ? હવે ઘરમાં જાઓ અને સૂઇ જાઓ આમ કચકચ કર્યા વિના.’

પણ પડોશી માસીએ સહેજ પણ મચક ના આપી અને બૂમાબૂમ કરીને બધાંને ભેગાં કર્યાં. વાતનું વતેસર થઈ ગયું. મીનળને ઢગલો કામ હતું એમાં આ ઝગડો..એનું મગજ ગુસ્સાથી ફાટ્ફાટ થઈ રહ્યું હતું. કંઈ કર્યું નહતું એમ છતાં આવું ? પોતે ક્યારેય કોઇ જ જાતની મગજમારીમાં સંડોવાતી નહી અને આવી કનડગતનો તો એનો સ્વભાવ જ નહતો. ઘરમાં પણ ચોખ્ખાઈની આગ્રહી એના જેવી વ્યક્તિ પર આવું આળ.

એ પછી તો થોડાં દિવસ મીનળ એના કામમાં બીઝી રહી. પેન્ડીંગ કામ પતાવ્યા પછી એક દિવસ સાંજે એ રસોઇ માટે લસણ ફોલી રહી હતી ત્યારે એને પેલો ઝગડો યાદ આવ્યો અને એનું મગજ ભયંકર ફાટ્ફાટ થવા લાગ્યું. એ ઉભી થઈ અને ભેગાં કરેલા ફોતરાં લઈને પેસેજમાં ઉભા રહીને નીચે પાર્કિંગમાં ઠાલવી દીધાં.

‘કંઈ જ કર્યા વિના લોકોની ગાળો ખાવી એવું થોડું ચાલે ? આજે તો હું ખુલ્લે આમ આમ કચરો નાંખીશ..જોઉં છું કોણ મારું શું બગાડી લે છે.’ મનોમન સંવાદ સાધતી મીનળ પછી રસોડામાં કામે વળગી. થોડો સમય વીત્યો અને એના ઘરની બેલ વાગી. મસોતાથી હાથ લૂછતાં લૂછતાં મીનળે દરવાજો ખોલ્યો તો સામે પડોશી માસીની વહુ સુધા હતી.

‘મીનળબેન, એ દિવસના મારા સાસુના વર્તન માટે હું આપની માફી માંગુ છું. પણ હમણાં જ મેં આપને કચરો નાંખતાં જોયાં એટલે હું ખાસ આવી.’

‘હા, મેં નાંખ્યા છે લસણના છોતરાં..બોલો શું કરી લેશો ? સીધા સાદા વ્યક્તિઓને હેરાન પરેશાન કરી મૂકો છો તમે લોકો..સરળતાથી રહેવામાં કોઇ માલ જ નથી રહ્યો હવે તો..’

‘મીનળબેન, સૌપ્રથમ તો મારા સાસુના એ દિવસના વર્તન માટે હું આપની માફી માંગુ છું. એ દિવસે જ મેં એમને ખૂબ સમજાવેલું અને અંતે એ માની પણ ગયેલાં. પણ હવે તમે આમ વર્તન કરશો તો પાછા એ ભડકશે..ને આ વાત લાંબી ચાલશે. બીજાઓ પણ આનો ફાયદો લઈને બળતામાં ઘી હોમશે. માટે મહેરબાની કરીને આપને વિનંતી કરું છું કે આ વાત અહીં જ પતાવો. આવા કામ કરવાથી તમને તમારા માંહ્યલા વિના કોઇ રોકી નથી શકવાનું.’

‘હા સુધાબેન, આપ સાચું કહો છો. પણ ખાલી ખાલી આમ હેરાન કરે એટલે મને બહુ ગુસ્સો આવી ગયેલો. હવેથી હું આમ નહીં કરું. મારા તરફથી વાત અહીં જ પતાવું છું.ચાલો થોડી ચા બનાવું..પી ને જ જજો.’

‘ના રે બેન. મારે જમવાનો સમય છે ને હજી લસણ ફોલીને શાક વઘારવાનું બાકી છે.’

‘લસણ’ ના ઉલ્લેખથી બે ય સ્ત્રીઓ મર્માળુ હસી પડી.

અનબીટેબલઃ શક્ય હોય ત્યાં સુધી કોઇના પણ નાજુક ઇગોને ના સ્પર્શવું.

Sneha patel

ફેણ


phulchaab newspaper >  navrash ni pal column

 

मैंने तो इक बार बुना था एक ही रिश्ता

लेकिन उसकी सारी गिरहें

साफ नजर आती हैं मेरे यार जुलाहे !

– गुलझार.

 

અવની સી.સી.ડીમાં બેસીને એની કાપુચીનો કોફીનો ટેસ્ટ માણી રહી હતી. કોફીની કડવી તીખી સ્મેલ એને બહુ જ પસંદ હતી. આંખો બંધ કરીને નાકમાં એનો ગરમ ધુમાડો ખેંચીને છેક નાકથી ફેફસાં સુધી ખેંચવાનો પ્રયાસ કરતી હતી. ધુમાડો ફેફસાંથી મગજ સુધી પ્રવાસ કરતો હતો અને એના મગજમાં એક નશો છવાતો જતો હતો.

 

‘હાશ…હવે માંડ થોડી રીલેક્સ થઈ શકી. નહીંતર આ કરણનું વર્તન તો અસહય જ હતું.’

કરણ – અવનીનો આજની તારીખમાં ચાર વાગ્યાને પચીસ મીનીટ સુધીનો બોયફ્રેન્ડ. અત્યારે ઘડિયાળમાં પાંચને પાંચ થઈ રહી હતી. લગભગ ત્રીસ મીનીટના અંતરાલમાં અવની અને કરણની ચાર ચાર વર્ષની ગાઢ રીલેશનશીપનું સ્ટેટસ બદલાઈ ગયું હતું. ‘ઇન રીલેશનશીપ’ થી ‘સિંગલ’ની સફર ખેડી કાઢી હતી.

‘સાલો સાવ બાયલો છે, આટલા વર્ષોથી પ્રેમના બણગાં ફૂંકી ફૂંકીને પોતાની સાથે એક છેતરપીંડી જ કરી હતી કરણે. કરણના પેરેન્ટે એમના પ્રેમસંબંધને લગ્નના સંબંધમાં પરિવર્તીત કરવા માટેની મંજૂરીનો મજબૂતાઈથી વિરોધ કરતાં જ એ સાવ બદલાઈ ગયો. છેક છેલ્લી પાયરીએ જ જઈને બેસી ગયો. નામર્દ નહીં તો…આમ જ હતું તો પ્રેમ કરવા શું કામ આવેલો ?’ ને ગુસ્સામાં જ ગરમાગરમ કોફીનો લાંબો ઘૂંટ ભરાઈ ગયો. બેધ્યાનીમાં ભરાયેલો એ ઘૂંટ જીભથી ગળા સુધી એક તીખો લિસોટો ખેંચી ગયો ને અવનીના હાથનો કપ પડતાં પડતાં રહી ગયો. પ્રેમ પર નફરતનું લેબલ લાગી જતાં માત્ર ત્રીસ મીનીટ જ થઈ હતી. એને પોતાને પણ આ વાતની નવાઈ લાગતી હતી પણ હકીકત એ જ હતી કે એ આ સમયે – આ ઘડીએ કરણને બેઇન્તહા નફરત કરતી હતી. ત્યાં જ એના કાન પર જૂના પિકચરના જાણીતા ગીતના બોલ અથડાયા,

‘મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે..મુજે ગમ દેને વાલે તું ખુશી કો તરસે ‘ ને અવનીની આંખ આંસુથી છલકાઈ ગઈ.

આ ઘટના ઘટયે દિવસો પર દિવસો વીતતા ગયા. અઠવાડીયું, મહિના ને છેલ્લે વર્ષ !

અવનીને નવાઈ એ વાતની લાગતી હતી કે એ કરણને જ્યારે ખૂબ જ પ્રેમ કરતી હતી ત્યારે જેટલો યાદ કરતી હતી એના કરતાં વધુ એ અત્યારે યાદ આવી રહ્યો હતો. આજે તો એ કરણને બેઇન્તહા નફરત કરતી હતી તો આવું કેમ ? રોજ રોજ આ જ સવાલ એને મૂંઝવ્યા કરતો અને દિલ વલોવ્યાં કરતો. છેવટે ના રહેવાતા એ એની મમ્મી કમ ફ્રેન્ડ સુનીતા પાસે ગઈ અને એના ખોળામાં માથું નાંખીને લાંબી થઈ ગઈ.

‘શું વાત છે બેટા ? કેમ આમ ઉદાસ ?’

‘મમ્મી તું તો મારી અને કરણની રીલેશનશીપ વિશે બધું જાણે જ છે ને ? ‘

‘હા પણ હવે તો એ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે ને. તો ?’

‘મમ્મી, હું એને ખૂબ જ નફરત કરુ છું. હું એને ભૂલવા માંગું છું પણ અફસોસ…ભૂલી જ નથી શકતી. એવું ના માનીશ કે હું હજુ એને પ્રેમ કરું છું ને એની રાહમાં આંખો બીછાવીને ઉભી છું. પણ એને ભૂલીને મારી રુટીન લાઈફમાં સેટ નથી થઈ શક્તી. જ્યાં અટકી છું ત્યાંથી આગળ નથી વધી શકતી. બસ આ અકળામણ જીવ લઈ લે એવી લાગે છે.’

ને સુનીતા હળવું હસી પડી. અવનીના કાળા લીસા રેશમીવાળમાં હાથ ફેરવતાં ફેરવતાં ખૂબ જ હેતાળ અવાજથી બોલી,

‘બેટાં, તું બે સાવ અલગ વાત કરે છે. નફરત અને ભૂલવું.’

‘મતલબ?’

‘ માણસને ભૂલવો હોય તો એને નફરત ના કરાય દીકરા.’

‘તો ?’

‘તો શું ? ભૂલવો હોય તો એની યાદને સહજ બનાવીને ભૂલી જ જવાય. કોઇ પણ માણસને તમે નફરત કરો એટલે દિવસના ચોવીસ કલાક તમે એની યાદમાં, એના વિચારોમાં જ રચ્યાં પચ્યાં રહો અને એ તમને કડવા અનુભવોની ખીણમાં જ પછાડે. કોઇ માણસને ભૂલવો હોય તો પહેલાં મનથી સ્વસ્થ થવું પડે અને એના માટે તારે એની કોઇ પણ વાતોથી પર થવું પડે. એ પર થવા માટે એની નફરતને પણ ભૂલવી પડે. તું કરણને ધીમે ધીમે તારામાંથી બાદ કરતી જા અને એ પણ સભાનતાથી જ. તારું ટોટલ ધ્યાન એને બાદ કરવામાં જ લગાવ એને ધીક્કારવામાં સમય ના વેડફ. નફરતની લાગણી એના સુધી તો પહોંચવાની નથી. એ તો એની લાઈફમાં મસ્ત છે. એની રીત જ જીવે છે પણ હા – તારી નફરત તને છેક તળિયેથી ઝંઝોડીને હલબલાવી કાઢે છે. યાદના વમળમાંથી બહાર નીકળવા દેતી જ નથી. માટે સૌપ્રથમ તો નફરત શબ્દ – લાગણીની તારી ડીક્શનરીમાંથી બાદબાકી કર. નફરત આખરે આપણું પોતાનું જ પતન કરે છે. કરણની યાદને થોડો સમય આપ. એની તરફ એક નિરપેક્ષ લાગણી રાખ અને સમગ્ર ઘટનાઓ જળકમળવત રહીને જોતી રહે. પછીનું કામ બધું બહુ જ સરળ છે બેટાં. કરણને ભૂલવા માટે તારે આના સિવાય બીજો કોઇ પ્રયાસ જ નથી કરવાનો રહેતો.’

ને અવની વિચારમાં પડી ગઈ.

‘મમ્મીની વાત સાચી હતી. એ કરણને પ્રેમ કરતી હતી ત્યારે એક અદભુત લાગણીથી ભરાઈ જતી હતી. કરણને યાદ નહતો કરવો પડતો એની જાતે યાદ આવતો હતો.જ્યારે આજે એ મારી મચડીને એ લાગણી કચડવાનો પ્રયત્ન કરે છે તો યાદો ફેણ ચઢાવીને સામી થાય છે. મમ્મી કહે છે એમ મારે કરણને ભુલાવવા એની નફરતની લાગણીમાંથી બહાર આવવું જ પડશે. જે માનવી પ્રેમને છેહ આપે એ મારી નફરતને ય કાબિલ નથી.’ ને આ નિર્ણય લેતાં જ એ અંદરથી શાંત થવા લાગી ને નિંદ્રામાં સરી પડી.

અનબીટેબલ ઃ પ્રેમનું વિરોધી નફરત તો નથી જ !

ફર્સ્ટ ઇમ્ર્પેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશનઃ


phulchhab newspaper > navrash ni pal column

ના ગમે- હું આદરું તારી સ્પર્ધા,

ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે !

-હર્ષદ ચંદારાણા.

 

‘જૈનમ, આ શું વિચિત્ર કોમ્બીનેશન કર્યું છે તે ? બ્રાઉન ટ્રાઉઝર પર યલો શર્ટ ! સાવ કાર્ટુન લાગે છે. ચેન્જ કર પ્લીઝ. પેલું બ્રાઉન શર્ટ છે એ પહેર. એ બહુ જ સરસ સેટ થાય છે અને તને એ કલર પણ બહુ સરસ લાગે છે. અભિનવભાઈ પર તારી ફર્સ્ટ ઇમ્ર્પેશન ‘ઝક્કાસ’ પડશે.’

ગ્રીવાનો આદેશ થયો એટલે જૈનમે તરત જ શર્ટ બદલ્યું. આમ પણ એને ખબર હતી કે એની ડ્રેસિંગ સેન્સ સાવ ઝીરો હતી. મોટાભાગે એના કપડાનું શોપિંગ ગ્રીવા જ કરતી હતી અને એના થકી જૈનમને એના ફ્રેન્ડસ, રીલેટીવ્સ તરફથી કોમ્લીમેન્ટ્સ પણ મળતાં હતાં. આજે જૈનમ અને ગ્રીવા એમની એકની એક દીકરી વસુના માટે કરોડપતિ એવા અભિગમભાઈ અને રુપાબેનને – છોકરાપક્ષના લોકોને મળવાના હતાં. એમનો દીકરો અમિત અત્યારે ઓસ્ટ્રેલિયામાં હતો પણ વસુ અને અમિતે ફેસબુકમાં એક બીજાની વોલ પર ફોટા અને પોસ્ટ્સ જોઇ જ હતી. એક બીજાને થોડાં ઘણાં જાણતાં હતાં. અમિતને ગ્રીવા ગમી જતાં એણે એના મમ્મી પપ્પાને વાત કરી હતી અને એના મમ્મી પપ્પાએ પોતાના લાડલાની ઇચ્છા ગ્રીવા અને જૈનમને ફોન પર કહી હતી.

અમિત આવતા મહિને ઇન્ડીઆ આવવાનો જ હતો પણ ગ્રીવાની ખાસ ઇચ્છા હતી કે એ લોકો એક વાર પહેલાં છોકરાંના માતા પિતાને મળીને એમના વિશે થોડી જાણકારી મેળવે, ઓળખાણ વિકસાવે. આમ તો જૈનમને આવું પસંદ ના પડયું પણ ઠીક છે, ગ્રીવા એક દીકરીની મા છે એટલે આવી વાતો એના મગજમાં આવે વિચારીને એણે ધર્મપત્નીને સહકાર આપવાનું પસંદ કરી લીધું. પણ આ મેળાપમાં ગ્રીવા વારંવાર ફર્સ્ટ ઇમ્પ્રેશનનો રાગ આલાપતી હતી એનાથી જૈનમને થોડી તકલીફ થતી હતી.શાંત સ્વભાવના જૈનમે મગજને બીજા કામકાજમાં વાળી લીધું.

તૈયાર થઈને એ લોકો નક્કી કરેલ રેસ્ટોરાંમાં અભિગમભાઈ અને રુપાબેનને મળવા ગયાં.

ઓફવ્હાઈટ સિલ્કની સાડી અને રેડ ભરતવાળી બોર્ડર, ગળામાં હીરાનો ઝગમગતો હાર, આઠમાંથી છ આંગળીમાં વ્હાઈટ, ગોલ્ડ કલરની જાતજાતના રંગોના નંગમાં શોભતી વીંટીંઓ, કાનમાં લટકતાં ઝુમ્મર, હાથમાં ડાયમંડ બ્રેસલેટ અને ગોલ્ડ – સિલ્વરના કોમ્બીનેશન સાથેની ડાયમંડ જડેલી ઘડિયાળ…ગ્રીવા તો રુપાબેનના ઠસ્સાંથી અભિભૂત જ થઈ ગઈ. એણે પણ સરસ મજાની સિલ્કની લેટેસ્ટ ડિઝાઈનની સાડીને લાઈટ ડાયમંડના ઘરેણાં પહેરેલાં હતાં પણ રુપાબેનના વૈભવ આગળ તો એનું રજવાડું તો ચકલી જેવું જ હતું. સામે પક્ષે જૈનમને તો અભિનવભાઈના મોંઘા સૂટ બૂટ કશાંયથી કોઇ જ ફર્ક નહતો પડતો એ તો બિન્દાસ થઈને પોતાની નેચરલ સ્ટાઈલમાં જ વર્તન કરતો હતો.અંદરખાને તો એને આ લોકોને જોવા – મળવામાં કોઇ ખાસ રસ પણ નહતો. આખરે એની છોકરીને એમના દીકરા અમિત સાથે જીવન વીતાવવાનું હતું. એ આવ્યો હોત તો હા – વાત અલગ બનતી હતી. પણ…

ડીનર લેતાં લેતાં બે ય પરિવાર એક બીજા વિશે શક્ય એટલું વધુ જાણવાનો યત્ન કરતાં હતાં.વસુ અને અમિત વિશેની જાતજાતની ભાતભાતની વાતો કરી. ગ્રીવા તો પૂરેપૂરી ચકાચોંધ જ હતી એટલે એને તો બધું રુડું રુપાળું જ લાગતું હતું. એની દીકરીનું જો આ ઘરમાં ગોઠવાઈ જશે તો એનું જીવન ધન્ય થઈ જશે એવા વિચાર જ એના મનમાં આવતાં રહ્યાં. ઘરે આવીને કપડાં બદલીને બેડમાં લંબાવતા જ ગ્રીવા બોલી,

‘જૈનુ, તને શું લાગે છે ? ‘

‘ગ્રીવા, આમ જલ્દબાજી ના કરાય.આપણી દીકરીએ પણ અમિતને માત્ર ફોટામાં જ જોયો છે. ખાસ વાતચીત નથી કરી. વળી આમ એક જ મુલાકાતમાં આ લોકો વિશે હું શું કહી શકું ?’

‘તું છે ને સાવ જૂનવાણી જ છું. અરે એમની ફર્સ્ટ ઇમ્ર્પેશન જ જો..કેવી ધમાકેદાર રહી. એમના બોલવા-ચાલવા- ઉઠવા-બેસવા-ખાવા-પીવા બધામાં એક રજવાડી ઠસ્સો છે. વળી વાત ચીત પણ કેવી વિવેકપૂર્ણ, નક્કી એમના દીકરામાં પણ આવા જ ગુણ ને સંસ્કાર હશે. મને તો સગપણ મંજૂર છે. ‘

‘ગ્રીવુ, હદ કરે છે તું તો…ફર્સ્ટ ઇમ્પ્રેશનને શું ધોઈ પીવાની છે ? હું એવું કશું નથી માનતો. આજે એ ઇમ્પ્રેશન હોય એ કાલે બદલાઈ પણ શકે. કોઇ માઈનો લાલ એકના એક જેવું વર્તન કાયમ ના જ કરી શકે અને મને એમ કોઇ એક વખતની મીટીંગથી ઇમ્પ્રેશનમાં આવી જવું કે કોઇ માન્યતાઓ બાંધી લેવાનું ના ફાવે. હું તો ચા ય ફૂંકી ફૂંકીને પીવું છું જેથી દઝાઈ ના જવાય ને એનો ટેસ્ટ પણ સરસ રીતે માણી શકું. તો આ તો મારી એકની એક દીકરીના જીવનનો સવાલ છે. આમ ફટાફટ વિચારવાનું, ડીસીઝન લેવાનું ના ફાવે. હા, વસુ અમિતના પ્રેમમાં હોત તો વાત અલગ હતી આપણે કશું વિચારવાનું જ ના રહેત પણ એવું કશું નથી. આપણી ડાહી દીકરીએ એના જીવનના મૂલ્યવાન નિર્ણયની જવાબદારી પ્રેમ અને વિશ્વાસપૂર્વક આપણને સોંપી છે તો આપણે એનો પૂરેપૂરી સમજણથી પૂરી કરવી જોઇએ.’

‘જૈનમ, આખી દુનિયા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશનમાં માને છે પણ તું રહ્યો..જવા દે. કેવા જાજરમાન લોકો સામેથી દીકરી માટે માંગુ લઈને આવ્યાં છે ને તું છે કે મોઢું ધોવા જવાની વાત કરે છે..હ્મ્મ….’અને ગ્રીવા નારાજગીમાં લાઈટ બંધ કરી બીજી બાજુ મોઢું કરીને સૂઈ ગઈ.

મહિના પછી અમિત ઇન્ડીઆ આવ્યો અને બધા ફરીથી મળ્યાં.છોકરાપક્ષના લોકોને લગ્ન માટે ઉતાવળ હતી એથી એ વારંવાર ફોર્સ કર્યા કરતાં હતાં. ગ્રીવાને તો છોકરો મા બાપ કરતાં ય વધુ ગમી ગયો પણ જૈનમે પોતાનો મત રજૂ ના જ કર્યો. એણે વસુને થોડો સમય અમિતને મળવાંની અને એને વધુ નજીકથી જાણવાની સલાહ આપી. વસુને માણસ ઓળખવાની બાબતમાં મમ્મી કરતાં પપ્પા પર વધુ વિશ્વાસ હતો. એને આમ તો અમિત જોતાંવેંત જ ગમી ગયેલો પણ એક બાહ્યરુપને એ વધુ મહત્વ નહતી આપતી એથી અમિતને મળીને એના વિશે વધુ જાણવાની ઇચ્છા હતી.

પંદરે’ક દિવસ વીત્યાં અને એક સાંજે ગ્રીવાના ઘરમાં જાણે આભ તૂટી પડ્યું.

‘મમ્મી, મને આ લગ્ન પસંદ નથી.’

‘શું વાત કરે છે વસુ ? પાગલ છે કે ?’

‘ના મમ્મી, મને અમિત અને એના ઘરનાં દરેક સભ્યોનું વર્તન શંકાસ્પદ લાગે છે. એ લોકો નક્કી કોઇ વાત છુપાવે છે. બોલે છે કંઇક ને વર્તન કંઇક હોય છે. અમિત તો ઠીક પણ એનાં પપ્પા ય ઘણી વખત મારી વધુ નજીક આવવાનો…’ અને વસુ એક્દમ જ બોલતાં બોલતાં અટકી ગઈ. શરમથી એનું ગોરું મુખ લાલચોળ થઈ ગયું. એના શબ્દોનો મતલબ સમજતાં જ ગ્રીવા અને જૈનમ બે ય સ્તબ્ધ રહી ગયાં.

‘વસુ …દીકરાં આ તું શું બોલે છે ? એ લોકો તો કેવા સંસ્કારી અને ખાનદાની..’

‘ડેડ – પ્લીઝ. એ લોકો સાવ બનાવટી છે. મારી બહેનપણી ક્રુતિના પપ્પા પોલિસ ઇન્સ્પેક્ટર છે. એમણે મને બે દિવસ પહેલાં અમિત સાથે જોઇ ત્યારે એ ચોંકી ગયેલા અને પછી ક્રુતિ દ્વારા મને મેસેજ મોક્લાવ્યાં કે, ‘ અમિત એક મોટો હીસ્ટ્રીશીટર છે અને એ કોઇ ઓસ્ટ્રેલિયા – ફોસ્ટ્રેલિયા નહીં પણ પોલીસથી બચવા અંડરગ્રાઉન્ડ થઈને રહે છે. વળી એને તો કોઇ મા બાપ છે જ નહીં. આ બધું તો એણે ઉપજાવી કાઢેલ વાર્તાઓ છે.’

અને ગ્રીવા અને જૈનમ બે ય માથું પકડીને સોફા પર બેસી ગયાં. અમિત વિશે વધુ જાણકારી ભેગી કરવાનો યત્ન કરતા એમને કોઇ જ વિશ્વાસ લાયક માહિતી ના મળી. ક્રુતિના પપ્પાને મળતાં એમણે વસુની વાતને સમર્થન આપ્યું અને છેલ્લે વસુ કહે છે એ વાત જ સાચી એવા તારણ પર એ લોકો પહોંચ્યાં. અમિતને ફોન કરીને કોઇ જ કારણ આપ્યાં વિના ‘ વસુને આ સંબંધ મંજૂર નથી.’ કહીને વાત પતાવી કાઢી અને સમય રહેતાં બચી ગયા વિચારીને એક હાશકારાનો શ્વાસ લેતાં ફેમિલી ઘરમાં બેઠું હતું

‘ગ્રીવુ, તારી ફર્સ્ટ ઇમ્પ્રેશનનો અનુભવ કેવો રહ્યો ?’ જૈનમે ધીમેથી મમરો મૂક્યો.

‘પ્લીઝ, મને શરમિંદા ના કરો..હવેથી હું કદી ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન’ પર આંધળો ભરોસો નહીં કરું.તમારી વાત સાથે , વિચારો સાથે હું પૂર્ણ રીતે સહમત છું કે માણસને ક્યારેય એક ઝાટકે પહેલા મુલાકાતથી જ ના ઓળખી શકાય. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશનનો હું ધરાર વિરોધ કરું છું.’

ને ઘરના ડ્રોઇંગરુમમાં હાસ્ય ખળભળી ઉઠ્યું.

અનબીટેબલ ઃ દરેક કહેવત દરેક સંજોગોમાં સાચી હોય એવું જરુરી નથી.

-sneha patel

અમારા સપનાં – તમારી આંખો


phulchhab newspaper > navrash ni pal column

 

સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ

નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.

 

– રઈશ મનીઆર

 

એક મોટું લંબચોરસ સ્ટેજ હતું. સ્ટેજ પર જરુર પૂરતા ત્રણ બેનર અને પાછળની બાજુએ સ્ક્રીન માટે એક સફેદ પડદો લગાવાયો હતો જેથી વક્તાનો ફેઇસ પ્રોગ્રામમાં છેક પાછળ બેઠેલા સુધી દેખાઈ શકે. પ્રસંગ હતો બુક લોન્ચીંગનો – શ્રાવણીની બુક – ‘અમારા સપના- તમારી આંખો’ના લોન્ચીંગનો.

શ્રાવણી એક પાંત્રીસ ચાલીસ વર્ષની જાજરમાન અને સંવેદનશીલ લેખિકા હતી. એની સંવેદનશીલ ને વાર્તા લખવાની સ્ટાઈલથી એની ફેનકોલોની બેશુમાર હતી. પણ શ્રાવણી એ શ્રાવણી ! એને જીવનમાં કોઇ જ વાતનું ક્યારેય અભિમાન નહીં. પ્રસંશા હોય કે નિંદા બે ય ને પચાવીને પોતાની વાત – જાતને પોતાની આવડતથી લોકો સામે એવી અનોખી રીતે સાબિત કરતી કે સામેવાળા પાસે બોલવાનું કંઇ રહેતું જ નહીં. એ શબ્દો બોલીને બતાવનારી નહી પણ કામ કરીને સમજાવવાની માણસ હતી. આજે એ શ્રાવણીની ચિરાયુ નામના પ્રસિધ્ધ મેગેઝિનમાં વંચાઈ વંચાઈને વાંચકોમાં ખૂબ જ ફેમસ થઈ ગયેલ વાર્તાની બુકનું વિમોચન હતું.

શ્રાવણીએ પોતાની બુકનું વિમોચન પોતાના મેગેઝિનના એડીટરના હાથે જ કરાવવાનું નક્કી કરેલું ને બીજા બે પત્રકાર , એક લેખક મિત્ર પણ સ્ટેજ પર હતાં જેઓ શ્રાવણીની આ નવલકથાની આખીય સફરના સાક્ષી હતાં. મિત્રોએ અને એડીટરની લાડકી શ્રાવણીના એ લોકોએ ભરપેટ વખાણ કર્યાં. એના જેવી તેજતર્રાર પણ સંવેદનશીલતાના બેલેન્સવાળી લેખિકા બીજી ક્યારે જન્મ લેશે એવો વિચાર પણ વ્યકત કર્યો જેને પ્રેક્ષકોમાંથી અનેક લોકોએ ‘અત્યારે તો કોઇ દેખાતી નથી / હજુ ઘણો સમય જશે’ જેવા વાક્યો બોલીને પ્રત્યુત્તર પણ વાળ્યો. પછી બધા મિત્રોએ ભેગા થઈને શ્રાવણીની બુકને બે હાથમાં પકડીને એનું કવરપેજ લોકોને દેખાય એમ પકડીને પુસ્તક વિમોચન કર્યું. તાળીઓના ગડગડાટ અને મોબાઈલના કેમેરાની ક્લીકથી આખું ય સ્ટેજ ભરાઈ ગયું. વાતાવરણ એક્દમ રંગીન બની ગયું. વાંચકોના અને મિત્રોના પ્રેમથી શ્રાવણી ગદગદ થઈ ગઈ. એના જેવી સંવેદનશીલ સ્ત્રી માટે દુનિયામાં સૌથી મોટી મૂડી એ આ નિસ્વાર્થ – પ્યોર પ્રેમ હતી. હળ્વેથી આંખનો ખૂણો લૂછતાં’કને એણે માઈક હાથમાં લીધું ને બધાંનો આભાર માન્યો. આભાર શબ્દ બોલતાં જ એ એટલી ગળગળી થઈ ગઈ હતી કે એનાથી વધારે શબ્દો બોલી જ ના શકાયા. જોકે સામે પક્ષે એના ફેન્સને એને બરાબર જાણતાં હતાં એથી વધારે શબ્દોની જરુર જ નહતી. એમની લાડકી લેખિકા શ્રાવણીની ભાવભરી બોડીલેન્ગવેજના નજરોનજર સાક્ષી બની શક્યા એને પણ તેઓ પોતાનું અહોભાગ્ય માનતા હતાં.

ત્યાં જ અચાનક એક કોલેજિયન જેવી લાગતી છોકરી ઉભી થઈ અને બોલી,

‘મેમ, મે આઈ આસ્ક યુ સમથીંગ ?’

‘શ્યોર, વાય નોટ..’

‘મેમ, આમ તો હું બહુ નાની ગણાઉં પણ મને કાયમ એક પ્રશ્ન મૂંઝવે છે. તમે ૧૦ જેટલી નવલકથાઓ લખી છે જે ખૂબ જ સફળ થઈ છે નામના પામી છે અને મારી પાસે એ બધા પુસ્તકો છે. તમે સંબંધો પર જે લખો છો એને હું ‘બ્રહ્ર્મ વાક્ય’ માનીને જીવનમાં ઉતારી લઉં છું. પણ મેમ તમે સંબંધોને આટલી સારી રીતે સમજો છો, નિભાવો છો તો તમારા કોઇ પણ પુસ્તકના વિમોચનમાં તમારા પતિદેવશ્રી કેમ હાજર નથી હોતાં ? વળી ક્યારેય એમણે જાહેરમાં તમારા લખાણ વિશે કે તમારી નામના – સિધ્ધી વિશે કશું કહ્યું હોય એવું જાણમાં ય નથી આવ્યું. તો શું દરેક જગ્યાએ ‘ઘરની મુર્ગી દાલ બરાબર જ હોય કે ?’

અને શ્રાવણી ખડખડાટ હસી પડી. એની ધવલદંતપંક્તિ પર રોશની પડતાં ત્યાં અનેકો સ્ટાર્સની ઝગમગાહટ ફેલાઈ ગઈ.

‘જો બેટા, શરુઆતના ગાળામાં – બે ત્રણ પુસ્તકો સુધી તો મને પણ તારા જેવા જ પ્રશ્નો મગજમાં આવતા કે મારા પતિદેવ શ્રી નિખિલ મહેતા મારી કેરીઅરમાં કોઇ જ રસ કેમ નથી લેતાં? પણ સમય જતાં જતાં હું સમજતી ગઈ કે નિખિલ સાહિત્યનો માણસ જ નથી. એના માટે તો સાહિત્ય એટલે ફુરસતના સમયે કોઇ અઘોરી બાવાઓ કે ટેકનોલોજી પર લખાયેલ પુસ્તકો જ છે. એ આખો દિવસ મશીનની ઘરઘરાટીમાં જીવનારો વ્યક્તિ થોડો સમય ફ્રેશ થવા ટીવી જોવે કે ન્યુઝ વાંચે એવા સમયે હું એને મારા સેન્ટી સેન્ટી સબજેક્ટવાળા પુસ્તક વાંચવા માટે ક્યામ ફોર્સ કરું ? જો કે એ એના ફ્રેન્ડસના ગ્રુપમાં બહુ જ પ્રાઉડલી પોતાની વાઈફની સિધ્ધીઓ વિશે વાત કરતો હોય છે. ક્યારેય અન્ડર એસ્ટીમેટ નથી કરતો. વળી એ એની ઓફિસની મગજમારીઓ કે મશીનોની વાતો કરે ત્યારે મને પણ બગાસાં આવી જાય છે. હું પણ એની વાતમાં જીવ પૂરોવવાનો બહુ પ્રયત્ન કરું છું પણ એ શક્ય નથી થતું. હવે આ તકલીફ તો બે ય પક્ષે છે. હું એની વાતો સાંભળવાનો ડોળ કરી લઉં છું, અમુક વાત સમજાય અમુક બમ્પર જાય…એમ એ પણ અમુક સમયે મારી સાથે અમુક સંવેદનશીલ ટોપિક પર વાત કરે…પણ એ બધું ઘરની ચાર દિવાલોની વચ્ચેનો બહુ જ પર્સનલ મામલો છે અને મને એનાથી સંતોષ છે. બાકી તમે કોઇને પણ ફોર્સ કરીને તમારી વાત કે કામ ક્યારેય ના સમજાવી શકો. આજથી ચાર વર્ષ પહેલાં એ જે હતાં એનાથી આજે ઘણાં અલગ છે. આજે મારા કામને વધુ સારી રીતે સમજે છે. એક સમય આપવો પડે દરેક વાતને સ્વીકારવાનો અને એમાં પણ તમે સફળ જશો જ એવી ગેરંટીપત્ર લઈને ના ફરાય. આ તો સમય સમય ની અને સમજ સમજની વાત છે. આ વાતને આમ ઇગો કે લાગણીભંગનો ઇશ્યુ બનાવવા જેવી જરુર મને ક્યારેય નથી લાગી. એ એની ઓફિસ લાઈફ ને પર્સનલ લાઈફ અલગ રીતે હેન્ડલ કરે છે એમ જ હું પણ કરું છું તો એમાં શું મોટી ધાડ મારી ?’

‘વાહ મેડમ, તમે તો બહુ જ સરસ વાત કહી. મારા મનમાં આ પ્રશ્ન ક્યારનો ગોળ ગોળ ફરતો હતો જેને તમે આટલી સરસ રીતે જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે તમારો એક નવો શેડ જોવા મળ્યો એની પણ ખુશી.’

ગેટ આગળથી નિખિલની ગાડી એને પીકઅપ કરવા આવતી નજરે પડી ને શ્રાવણીની હસી પડી.

હું મને બહુ ગમું છુ..


 

જીવતરની ઝીણી જ્યોત

તરવા ચાલે

દૂરથી કોઇ ધજા ફરકાવે

આભમાં કોઇ ઝાલર રણકાવે

શબ્દ

નવા અર્થો પ્રગટાવે

દૂર કોઇ તેજલિસોટા તાણે

કોઇ રેશમી પાંખ પસારે

અને

જીવતરની ઝીણી જ્યોત

તરવા ચાલે.

-લત્તા હિરાણી.

સરસ્વતિએ શિવાંગના હાથમાંથી બુકે લઈને સીધો બારીમાંથી બહાર ઘા કર્યો અને શિવાંગ બે ઘડી સ્તબ્ધ થઈ ગયો.

આજે સરસ્વતીનો જન્મદિન હતો અને એ લોકોએ આજે ‘ફુલ ડૅ સેલીબ્રેશન’ નો ગ્રાન્ડ પ્રોગ્રામ બનાવેલો હતો. સવારના પહોરમાં જ એક ફોન આવી જતાં શિવાંગે એને મળવા ઓફિસે જવું અનિવાર્ય થઈ ગયું હતું એથી લાચારીમિશ્રિતભાવ સાથે સરસની સામે જોઇને મૂક મંજૂરી માંગી હતી પણ સરસે મોઢું મચકોડીને આડું જોઇ જઈને પોતાની સ્પષ્ટ નારાજી વ્યકત કરી દીધેલી. થોડી તકલીફ તો થઈ પણ જવું અનિવાર્ય હોવાથી શિવાંગે વધુમાં વધુ દોઢ કલાકમાં પાછા આવી જવાનું વચન આપીને ઓફિસે જવા નીકળી ગયો. પાર્ટી સાથે અનેક નવા વિષય પર ચર્ચા ધાર્યા કરતાં વધુ ચાલી અને પરિણામે થોડું મોડું તો થઈ જ ગયેલું પણ તો ય એમના પ્રોગ્રામમાં બહુ ખાસ ફરક નહીં પડે હજુ તો ખાસ્સો એવો સમય બાકી હતો એને સરસ મજાનો સ્પેન્ડ કરી શકાય એમ હતું – વિચારીને શિવાંગે રસ્તામાં ફ્લોરીસ્ટની શોપ પરથી ડાર્કમરુન રંગના પૂરાં પચ્ચીસ – બરાબર એની સરસની ઉંમર જેટલાં રોઝીઝ જ શોધી શોધીને ભેગાં કરીને બુકે બનાવડાવ્યો અને ઘરે આવ્યો. એ જહેમત – કાળજીવાળા બુકેના રુપાળા ફ્લાવર્સ અત્યારે રોડ પરની ધૂળ ભેગાં જ. જો કે થોડાં ઘણાં ગુસ્સાની આશા તો હતી જ પણ આટલા બધા સ્ટ્રોંગ રીએકશનની ખબર નહતી.શિવાંગ તદ્દ્ન હતાશ થઈ ગયો અને ચૂપચાપ બેડરુમમાં જઈને આડો પડીને, ‘આગળ શું કરવું કે જેથી સરસનો મૂડ સારો થાય અને એનો દિવસ સુંદર રીતે વીતે’ ના વિચારમાં પડી ગયો.

દસે’ક મીનીટ વીતી હશે ને શિવાંગની માથા પર ગોઠવાયેલી હથેળી પર કંઈક ગરમ ગરમ અને ભીનું ભીનું સ્પર્શ્યું. ચોંકીને શિવાંગે એક ઝાટકાં સાથે આંખો ખોલી તો સામે સરસ ! એની મોટી કાળી પાણીદાર આંખોમાં આંસુ ભરેલા હતાં ને એમાંથી બે બુંદ એની હથેળી પર પડ્યાંહતાં.

‘અરે આ શું પાગલ? રડે છે કેમ ?’

‘આઈ એમ સોરી શિવુ, તું તો જાણે છે મારા ગુસ્સાને…મારા દિલમાં કશું ના હોય પણ ગુસ્સો આવે એટલે ગમે એમ રીએક્ટ થઈ જાય છે.’

‘અરે, ઇટ્સ ઓકે યાર. આવું બધું ના વિચાર.’

‘હું બહુ ખરાબ છું ને શિવાંગ ? તને ખૂબ જ પ્રેમ કરું છું ને તારી પર જ અવારનવાર ગુસ્સે થઈ જાઉં છું. આ તો તું ઉદાર છે ને મને સમજે છે, પ્રેમ કરે છે એટલે જતું કરે છે.’

‘અરે ના…ના, તું તો બહુ જ સરસ છું મારી સરસ. આમ પાગલ જેવું ના વિચાર.’

‘ના હું સરસ નહીં બહુ જ ખરાબ છું. હું મને સહેજ પણ નથી ગમતી. ‘

‘ઓહોહો..તો તો સરસ તું મને પણ કેમની ગમી શકે ?’

‘મતલબ ?’ સરસની કાળી ભીની આંખોમાં કૂતુહલ અંજાઈ ગયું.

‘શિવુ, આવી મજાક ના કર પ્લીઝ, મારો જીવ કપાઈ જાય છે. યુ નો મી..મને ગુસ્સો જલ્દી આવે પણ જતો પણ જલ્દી રહે છે . વળી મારા દિલમાં એવું કશું નથી હોતું. બે ઘડીમાં તો બધું ગાયબ થઈ જાય છે.’

‘તો હું પણ એમ જ કહું છું ને ડીઅર કે તું દિલની ખૂબ સાફ છે, પ્રેમાળ છે. શરીરથી તો તું ખૂબ સુંદર છે જ પણ તારું મન પણ અરીસા જેવું સાફ છે ને એના થકી જ તું ઉજળિયાત છે. તો તને તારી જાત કેમ નથી ગમતી ? તું એને પ્રેમ કેમ નથી કરતી ? બીજા કોઇને પણ ગમે એ કરતાં પણ તને તારી જાત વધુ ગમવી જોઇએ. રહી વાત તારા ગુસ્સાની તો એ એક નબળાઈથી તારા બીજા આટલા સારા પાસાંઓને નજરઅંદાજ થોડી કરી શકાય ? હા, તારે એને કંટ્રોલ કરતાં ચોકકસ શીખવું જ જોઇએ એ હું ભારપૂર્વક કહીશ. જો કે એ અઘરું છે પણ અશક્ય નથી જ. થોડી જાગરુકતા કેળવ અને કોઇ પણ સ્થિતીમાં એકાએક રીએક્ટ કરતાં પહેલાં પાંચ મીનીટ જાતને રોકીને એ સ્થિતી પર થોડું વિચાર કરવાનું રાખ. બસ ગુસ્સો આપોઆપ છુ..ઉ..ઉ થઈ જશે અને જે યોગ્ય હશે એ જ રીએક્શન સ્ટ્રોંગલી આવશે. તારો ગુસ્સો તારી તબિયત માટે પણ હાનિકારક છે ડીઅર એ વાત સતત દિલમાં રાખ એટલે તારું સબકોન્સીયસ માઈન્ડ એનો પ્રોગ્રામ એની જાતે સેટ કરી લેશે અને તને ગુસ્સો કરતાં રોકી લેશે.’

‘એવું હોય શિવુ?’ મોટાં મોટાં વિસ્ફારીત નયનથી વાત સાંભળી રહેલ સરસ બોલી.

‘હા એવું જ….સો એ સો ટકા એવું જ ને બીજી એક મુખ્ય વાત કે જો તું તારી જાતને ના ચાહી શકતી હોય તો દુનિયાની કોઇ જ વ્યક્તિ ઇવન હું પણ તને ના ચાહી શકું. એટલે આજથી ને અબઘડીથી જ તું તારી જાતને પ્રેમ કર, દુનિયામાં બીજું કોઈ પણ કરી શકે એના કરતાં વધુ પ્રેમ કર..તો એના પડઘાંરુપે તને દુનિયામાંથી અધ..ધ…ધ પ્રેમ મળશે. તું પોતાની જાતને ચાહીશ તો તું બીજી વ્યક્તિઓને પણ ચાહી શકીશ અને આ બધી પ્રક્રિયા તારા ગુસ્સાને, ડીપ્રેશનને દૂર કરવામાં ખૂબ જ મોટો ભાગ ભજવશે. બાકી આવા ક્ષણીક આવેગના કારણે જાતને કદી કોશતી નહીં. તું સરસ છું…દુનિયામાં સૌથી વધુ સુંદર !’

‘તારી વાત સાંભળીને મને મારી જાત માટે પ્રેમના અંકુર ફૂટયાંનો અનુભવ થાય છે શિવુ….આઈ લવ યુ ટૂ મચ.’ને સરસ શિવાંગની બાહોમાં સમાઈ ગઈ.

અનબીટેબલ ઃ જાતને ચાહવા જેવું પવિત્ર,ઉત્તમ ને નિઃસ્વાર્થ કામ દુનિયામાં બીજું એક પણ નહીં.

-sneha patel

વર્તુળ


phulchhab newspaper > 9-12-2015 > navrash ni pal column

 

સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.
~ ગૌરાંગ ઠાકર

 

‘સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી..તુમ્હારી પ્યારકી બાતે..’ રોમાન્ટીક અંદાજમાં હીન્દી ગીત ગણગણાવતા અનાહદે મીતિના વાળની લટને પોતાની આંગળીમાં પરોવી અને નાક સુધી એને લઈ જઈને સ્ટાઈલથી સૂંઘવાનો પ્રયત્ન કર્યો એ સાથે જ મીતિની હંસી છુટી ગઈ.

‘અનહદ, શું પાગલપણ છે આ ? ‘

‘અરે જાનેમન, તું આને પાગલપણ કહે છે પણ આ તો મારી પ્રેમ કરવાની ‘ઇસ્ટાઇલ’ છે રે. આજ ના રોકો હમે જાલિમ..દિલ ભરકે પ્યાર કરને દો, રુહ તક ભિગ જાયે એસે હમે જલને દો..’

‘ઓહોહો, આજે તો શાયરીઓ, ગીતો, ડાયલોગ્સની ગંગા-જમના- સરસ્વતી વહે છે ને કંઇ ! લગ્નના પાંચ વર્ષ થયા આજે. પહેલાં પહેલાં વર્ષમાં તું સાવ આમ જ પાગલની જેમ મારી પાછળ શાયરીઓ ઠોકતો હતો એ પછી તો તારો આવો મૂડ મેં જોયો જ નથી.’ અને મીતિ પણ અનહદના અનહદ વ્હાલના ઝરામાં ભીંજાવા લાગી. ચાંદની બારીમાંથી ડોકાચિયાં કરીને પ્રેમનું ઝાકળ પી રહી હતી.

આ હતા અનહદ અને મીતિ- જે બે અઠવાડિઆથી ‘સંયુકત કુટુંબ’માંથી ‘વિભકત કુટુંબ’ની શ્રેણીમાં પ્રવેશ્યાં હતાં. ખુશ હતાં – બહુ ખુશ હતાં. થોડો સમય ખુશીની પવનપાવડી પર બેસીને સરકી જ ગયો. હવે અનહદ ને મીતિ વિભકત કુટુંબની રહેણીકરણીમાં સેટ થઈ ચૂક્યાં હતાં. સ્વતંત્રતાનો નશો ભરપેટ માણતાં હતાં. સંયુકત કુટુંબના દસ જણના કુટુંબમાંથી હવે એમનું કુટુંબ માત્ર ત્રણ જણ સુધીનું સીમિત થઈ ગયું હતું, એક બીજા માટે વધુ સમય ફાળવી શક્તા હતા – વધુ ધ્યાન રાખી શક્તાં હતાં. વડીલોના ખાવાપીવાના સમય – મૂડ સાચવવાનું ટેન્શન જીવનમાંથી નીકળી ગયું હતું. પોતાની રીતે પોતાનો સમય વાપરીને પોતાના મૂડ સ્વીંગને મુકતપણે વિહરવા દેવાનો મોકો મળી ગયો હતો. જીવન એટલે ખુલ્લું આકાશ થઈ ગયું હતું. પોતાના બચ્ચાંને પાંખમાં ઘાલીને તેઓ જ્યાં જેમ ઉડવું હોય એમ ઉડી શકતાં હતાં.

સમય એનું કામ કરતો જતો હતો અને સાથે બીજા અનેકો પરિબળો પણ. નવા ઘરમાં મીતિએ નવા પાડોશીઓને મિત્ર બનાવ્યા હતા. જૂના રીલેશન્સની કડવાશ આ નવા સંબંધોમાં મીઠાશ ભરીને સરભર કરી રહ્યાં હતાં જાણે.

‘આપણી તો દુનિયા જ બદલાઈ ગઈ છે કેમ અનુ ?’

‘હા મીતિ, હું તને અને અપૂર્વને ખુશ જોઇને ખુબ ખુશ છું.’

‘હું શું કહેતી હતી અનુ, આ આપણી બાજુના પાર્વતીબેન છે ને એ એમના હસબન્ડ સાથે વાતે વાતે તોડી પાડવા જેવું કરે છે. મને તો બિચારા રમેશભાઈની બહુ દયા આવે છે.’

‘એ રમેશભાઈ પણ ઓછા નથી, એમના લફડાંથી આખી સોસાયટી વાકેફ છે પછી પારુબેન આમ જ વર્તન કરે ને..’

‘ઓહ, કદાચ એમ ના હોય કે પાર્વતીબેનના સ્વભાવથી કંટાળીને રમેશભાઈ આમ વર્તન કરતાં હોય..’

‘ના મીતુ, મને તો પત્નીના ત્રાસથી કંટાળીને જ એ આમ કરે છે એવું લાગે. આ પત્નીઓ હોય જ….’ને એકાએક અનહદ અટકી ગયો. પણ વાતનો ભાવાર્થ તો બહાર પડી જ ચૂક્યો હતો. તપેલા મગજને માંડ માંડ કાબૂમાં રાખીને જાણે કંઈ જ નથી થયું એમ કરીને મીતિ રસોડામાં ચાલી ગઈ. એ પછી એને બાજુવાળા રમેશભાઈને જયારે પણ જોવે ત્યારે અનહદની વાત યાદ આવતી ને એ પણ યાદ આવતું કે ‘સંયુકત કુટુંબ’માં આટલા વર્ષોમાં અનહદ ને એની વચ્ચે આવી કોઇ જ ડાયલોગબાજી નહતી થઈ. એમની વચ્ચેના વાતોનો મેઈન પોઇન્ટ તો વડીલોની વધુ પડતી કચકચ ને રોકટોકનો , અણસમજનો જ રહેતો. એ સિવાય એમની પાસે વાતો કરવા ખાસ સમય નહતો રહેતો. વાતોના ટોપિક માટે એમનું કુંટુંબનું વર્તુળ મોટું હતું, આજુબાજુવાળા શું કરે છે ને શું નહી એ વિચારવાનો સમય સુધ્ધાં નહતો મળતો. પણ હવે સમય ભરપૂર છે – આજુબાજુ કેવા વિચિત્ર લોકો શ્વાસ લે છે એ જાણવાનો મોકો મળતો હતો પણ એની આ સાઈડ ઇફેક્ટ ! મીતિએ ધીમે ધીમે પાર્વતીબેન સાથે બોલચાલ ઓછી કરી દીધી. જોકે હવે સમય ઓર બચવા માંડ્યો એટલે એણે ટીવીના પ્રોગ્રામ જોવા, શોપિંગ કરવું જેવી હોબી કેળવવા માંડી.

‘અનુ, આજે હું અમોલ મોલમાં ગઈ હતી. આમ તો મારે કંઈ ખાસ લેવાનું નહતું – જસ્ટ વીન્ડો શોપિંગ જ કરવું હતું પણ ત્યાં મને આ અપૂર્વ માટે ડંગરીસેટ અને તારા માટે આ ચેક્વાળું શર્ટ ગમી ગયું તો લઈ આવી. કેવું છે ડાર્લિંગ ?’

‘કેટલાંનું છે ?’ અનુએ કપડાં જોવાના બદલે સીધી એની પ્રાઈસટેગ પર નજર નાંખી.

‘ઓહ, મીતુ – આ શું ? ખાલી ખાલી એમ જ ત્રણ હજાર ઉડાવીને આવી ગઈ તું. મહિનાની એન્ડીંગ ચાલે છે મારે કરિયાણાવાળાને ૧૭૦૦ રુપિયાનું બિલ ચૂકવવું છે તો ય વિચારું છું ને તું..’

‘અરે પણ હું કેટલા પ્રેમથી લાવી છું એ તો જો. આપણે શું આખી જિંદગી આમ પૈસો પૈસો કરીને જ જીવ્યાં કરીશું ? વળી આ સેલમાં હતું તો મને ૩૦૦૦ માં પડ્યું બાકી આવા બ્રાન્ડેડ કપડાં ૫,૦૦૦થી ઓછા ના જ આવે.’

‘સવાલ પ્રેમનો કે શોપિંગનો નથી પણ તેલ ને તેલનીએ ધાર જોઇને ચાલવાનો છે.’

‘તું તો બસ મારી દરેક વાતનો વિરોધ કરવામાં જ ઉસ્તાદ, આપણે જ્યારે ભેગાં રહેતા હતા ત્યારે પણ તેં મારી વાતોને કદી સમર્થન નથી આપ્યું ને આજે પણ નથી આપતો. મારામાં તો અક્ક્લનો છાંટૉ જ નથી ને.’ બસ પછી તો પાછલા પ્રસંગો યાદ કરી કરીને બે ય જણ એક બીજા પર દોષારોપણ કરતાં રહ્યાં. સાંજે ઘરમાં ખાવાનું પણ ના બન્યું. અનહદ રેસ્ટોરાંમાંથી જઈને ડીનર પેક કરાવીને લાવ્યો પણ જમવાની પહેલ કોણ કરે ? અપૂર્વને ખવડાવીને મીતિ ભૂખ્યાં પેટે જ બેડરુમમાં પલંગ પર આડી પડી અને અનહદ ડ્રોઇંગરુમની ટિપોઇ પર પડેલ જમવાનું જોતાં જોતાં સોફા પર બેસીને ટીવી જોવા લાગ્યો. બે જોડી આંખોમાં નિંદ્રાદેવી ક્યારે કામણ કરી ગયાં બે ય ને ખ્યાલ જ ના રહ્યો.

એ પછી તો આવું વારંવાર થવા લાગ્યું. અનહદ હવે ઓફિસેથી છુટીને મિત્રો સાથે સમય વિતાવીને મોડો મોડો ઘરમાં આવવા લાગ્યો જેથી મીતિ સાથે ઘર્ષણ થવાનો સમય જ ના આવે.મીતિ પણ ટીવીના પ્રોગ્રામમાં વધુ સમય આપવા લાગી,’એને મારી ચિંતા નથી તો હું શું કામ એની ચિંતા કરું?’ વિચારીને એકલા એકલાં જ જમી લેવા લાગી. અનહદનું ખાવાનું ટેબલ પર ઢાંકી દે એ જ્યારે આવે ત્યારે જાતે જ જમી લે. બે ય ને આ વ્યવસ્થા માફક આવવા લાગી હતી પણ વ્યવસ્થા વ્યવસ્થિત તો નહતી જ. અનહદના કોલેજ સમયના ગોઠિયા સુરેલના ધ્યાનમાં આ બધી વાત હતી. મનોમન એ આવા પ્રેમાળ કપલના ઝગડાંઓ માટે દુઃખી પણ થતો હતો.વળી એ મીતિનો પણ ફ્રેન્ડ હતો. એ બે ય જણને બેઝિઝ્ક જે પણ કહેવું હોય એ કહી શકવાની સ્વાયત્તા ધરાવતો હતો. એક દિવસ કંઈક વિચારીને એ અનહ્દના ઘરે ગયો. અનહદ તો ઘરે નહતો. મીતિ એને જોઇને બહુ જ ખુશ થઈ ગઈ અને ખાસ આગ્રહ કરીને એને ડીનર સાથે લેવાની જીદ કરી. થૉડીક જ વારમાં અનહદ ઓફિસેથી આવ્યો અને સુરેલને જોઇને ખુશ થઈ ગયો. બહુ દિવસો પછી મીતિ અને અનહદ સાથે બેસીને જમ્યાં. જમીને મુખવાસ ખાતાં ખાતાં સુરેલે મેઇન વાત ઉખેળી.

‘અનહદ, આ બધું શું ચાલી રહ્યું છે ?’

‘શું ?’ અનહદે અજાણ બનવાનો ડોળ કર્યો.

‘જો અનુ અને મીતિ, મને તમારી બધી વાતની બરાબર ખબર છે. મારાથી કશું ના છુપાવો. તમે લોકો પહેલાં સંયુકત કુટુંબમાં રહેતા હતાં. તમારું ધ્યાન રાખનારાઓ માટેનું વર્તુળ મોટું હતું. હવે એ વર્તુળ સાવ નાનું થઈ ગયું છે. ઇન – મીન ને તીન ! પહેલાં તમારો સમય ફેમિલાના બીજા મેમ્બરની ક્ચકચની વાતોમાં જતો હતો. હવે ઝંઝ્ટ તો દૂર થઈ ગઈ એટલે માનવી બીજી પ્રવૃતિ તો શોધવાનું જ ને ! તમે પોતે જ તમારું વર્તુળ નાનું બનાવ્યું છે એટલે હવે તમને પરિઘ તો ઓછો જ મળવાનો. એ પરિઘમાં સેટ થવું જ પડે નહીં તો આ વર્તુળ નાનું કરવા માટે બીજું કોઇ ઓપ્શન નથી તમારી પાસે. પહેલાં સમય બીજા સાથે મગજમારીમાં જતો હતો પણ તમારી બે ની વચ્ચે મનમુટાવ નહતો થતો. પણ હવે તમે બે જ જો આ વર્તુળમાં ઝગડવા માંડશો તો અંદરના બિંદુ વેરણ છેરણ થઈ જશે, વર્તુળ ચોરસ, ત્રિકોણ પણ થઈ શકે. માટે હજુ સમય છે ને સમજી જાઓ ને નવી સ્થિતીના ફાયદા સાથે ગેરફાયદાને સમજીને એનો નિકાલ લાવતા પણ શીખો. શક્ય હોય તો મીતિ તું તારું પ્રવ્રુતિઓ વધાર, નોકરી કર પણ સર્કલ મોટું કરો. જેટલું સર્કલ મોટું હશે એટલા તમે બે શ્વાસ લેવાનો વધુ જગ્યા મેળવી શકશો. વળી દરેક સર્કલ અકળામણ, ફરિયાદોથી ના ભરી દો. નવા સર્કલમાં સમજણ, સહન કરવાની – ચલાવી લેવાની વૃતિ જેવા બિંદુઓ રમતાં મૂકો એટલે સર્કલ વ્હાલું રુપાળું લાગશે.’

‘હા, સુરુભૈયા – તમે બરાબર કહો છો. હું પણ કેટલાં દિવસથી આ જ વાત ફીલ કરી રહી હતી પણ મારો ઇગો અનહદ સાથે વાત કરતાં રોકતો હતો. સમય રહેતાં જ તમે અમને ચેતવી દીધાં. તમારો આ આભાર હું ક્યારેય નહીં ભૂલું. અનહદ – ચાલ, સંગાથે વર્તુળ મોટું કરીએ ડીઅર.’ ને એણે અનહદ સામે હાથ લંબાવ્યો જેનો અનહદે બેહદ વ્હાલથી પકડીને એની વાતનો સ્વીકાર કર્યો.

અનબીટેબલ: સમય જુઓ ને સમયની ચાલને જુઓ !

-sneha patel

આધુનિક વાલિયો


આધુનિક વાલિયો

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,

આ હવા પણ બહુ ભયાનક છે !

-લેખિકાના કાવ્ય સંગ્રહ ‘અક્ષિતારક’માંથી.

 

 

રાતના દોઢ વાગ્યો હતો. વોલ કલોકની ટકટક આખા રુમની નીરવ શાંતિનો ભંગ કરી રહી હતી. બે વર્ષ પહેલાં જ વિધુર થયેલો અને બે દીકરીનો પિતા એવા શિશિરે થોડો સમય એ ટકટક સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કર્યો પણ વિફળ રહ્યો. એકાગ્રતા ના સાધી શકાતા એનું બેચેન મન વધુ બેચેન બની ગયું. અડધા બેઠા થઈને બાજુમાં પડેલી પાણીની બોટલ ઉઠાવી અને બે ઘૂંટડાં પાણી પીધું. મનનું વંટોળિયું જપવા નહીં જ દે અને તરત ઉંઘ નહીં જ આવેની ખાતરી હતી એટલે લેપટોપ ઓન કરીને નેટ ખોલ્યું અને સર્ફીગ કરવા લાગ્યો. ફેસબુકમાં એની મનગમતી છોકરીઓ સાથેની ચેટીંગની રમત ચાલુ કરી. બીજા દેશમાં હજુ બપોર હતી એટલે એવી ત્રણ ચાર સ્ત્રીમિત્ર મળી પણ ગઈ વાતો કરવા. સુંદર સ્ત્રીઓ સાથે વાત કરવામાં શિશિરને એક અનોખો આનંદ મળતો. ત્યાં જ અચાનક એના જ શહેરની અને એક પ્રોગ્રામમાં એક વખત મળીને એની મિત્ર બની ગયેલી સાડત્રીસ વર્ષની નિશા નામની સ્ત્રી ઓનલાઈન આવી. ખબર નહીં કેમ પણ શિશિરને એક જ મુલાકાતમાં આ નિશા માટે અદમ્ય આકર્ષણ ઉભુ થઈ ગયેલું.

નાજુક પાતળો બાંધો, ગોરી ત્વચા, લાંબા કાળા લીસા વાળ અને કાળી મોટી મોટી પાણીદાર આંખો ..જ્યારે શિશિરે એ જાણ્યું કે નિશાના પતિનું પાંચ વર્ષ પહેલાં જ એક રોડઅકસ્માતમાં અવસાન થયું છે અને નિશા એના વીસ વર્ષના દીકરા સાથે એકલી રહે છે ત્યારે આ અદમ્ય આકર્ષણ તીવ્ર ખેંચાણમાં બદલાઈ ગયેલું પણ મનને સંયમમાં રાખેલું. સમાજમાં એની છાપ એક સમજુ, ઠરેલ અને સંયમશીલ વ્યક્તિની, જવાબદાર – લાગણીશીલ બાપની હતી એ છબી ખરડાય એ ના ચાલે. આખરે બે જુવાનજોધ દીકરીઓનો પિતા હતો એ !

પણ આજે અચાનક આમ રાતે નિશાને ઓનલાઈન જોઇને શિશિરનું મન મચલી ગયું અને એની સાથે વાત કરવા લાગ્યો. થોડી હાય હલો પછી નિશા પણ ખૂલી ગઈ અને ભરપૂર વાતો કરવા લાગી. એ પછી તો આ રોજનું થયું. વાતોનો સિલસિલો મુલાકાત સુધી પહોંચી ગયો. બે ય પક્ષે કોઇ બોલનારું – ટોકનારું નહતું. બે ય વ્યક્તિ ભરપૂર સમજુ હતી. એકલા મળવા માટેના બહાના શોધવાની ય જરુર નહતી. મુલાકાતો નિરંકુશ બનતી ગઈ અને નિશા શિશિરના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ . પ્રેમમાં ગળાડૂબ સ્ત્રી જે માંગણી કરે એવી જ માંગ એણે પણ કરી.

‘શિશિર, ચાલને હવે આપણે પરણી જઈએ. તારા ઘરના બધા મને ઓળખે જ છે ને અંદરખાને મેં ફીલ કર્યું છે કે એ મને અને મારા દીકરા અરમાનને પસંદ પણ કરે છે.’

‘નિશા,શું સાવ નાના છોકરાંઓ જેવી વાત કરે છે. મેં તને પરણવાનું વચન ક્યાં આપ્યું જ છે કદી? વળી મારે બે જુવાનજોધ દીકરીઓ છે. હું લગ્ન કરું તો એમને અરમાન માતા આવે અને એની સાથે કેવું વર્તન કરે એ મને શું ખબર ? ના…આ તો શક્ય જ નથી.’

‘તો..તો…આ બધી મુલાકાતો, શારિરીક મિલન …આ બધું શું ? શું માત્ર એક શરીરની જરુરિયાત પૂર્ણ કરવાના બહાના માત્ર કે ?’

‘ઓહ કમઓન નિશા, બી મેચ્યોર ડીઅર.’

‘શું મેચ્યોર….હું તારા બાળકની મા બનવાની છું ઇડીઅટ, હવે તો તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે અને એ પણ વહેલી તકે !’

‘શું…શું વાત કરે છે ? બાળક…ના ના…આ તો શક્ય જ નથી. તું આ બાળકને પડાવી કાઢ ને વળી આપણા લગ્ન તો શક્ય જ નથી.’

‘શિશિર શું સાવ આવી બાયલા જેવી વાતો કરે છે ? સાવ પાણીમાં બેસી જવાનું કે ?તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી લઈશ. હું તારા વગર નહીં જીવી શકું..પ્લીઝ મારી મજબૂરી સમજ..’

‘નો વૅ…આ કોઇ કાળે શક્ય જ નથી. તું હવે મને ક્યારેય ના મળીશ. તારા ને મારા રસ્તા હવે સાવ અલગ છે. બે પળ મન બહેલાવવાની વાતો હતી. તેં પણ મારી સાથે સાથે ઘણી મજા માણી જ છે ને ! ગુડબાય.’

ને નિશા પાછળ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી બેસી રહી ગઈ.

થોડા દિવસ રહીને શિશિરના કાને નિશાની આત્મહત્યાની ખબર પડી. બે પળનું મૌન પાળીને એ પોતાના કામે વળગી ગયો.

આખી ય ઘટનાને છ મહિના વીતી ગયા અને એક દિવસ એની મોટી દીકરી પ્રિયાના બેડરુમમાંથી કોઇક અવાજ આવતો હતો. શિશિરે કાન સરવા કર્યા તો એ અવાજ એની વ્હાલુડીના રુદનનો હતો. શિશિર સન્નાટામાં ઉભો રહી ગયો. એને પોતાની દિકરી માટે અનહદ વ્હાલ હતું. એ દુનિયાની કોઇ પણ તકલીફ સહન કરી શકે એમ હતો પણ એના સંતાનની વાત આવે એટલે એ સાવ ઢીલો ઢફ થઈજતો. હળ્વેથી એણે બેડરુમનો દરવાજો ખોલ્યો અને પ્રિયાની નજીક જઈને ઉભો રહ્યો. ધીમેથી એના વાળમાં હાથ ફેરવીને બોલ્યો,

‘શું વાત છે બેટા, આમ આટલું બધું રડવાનું કોઇ કારણ..?’

પહેલાં તો પ્રિયાએ ગલ્લાં તલ્લાં કર્યા પણ પછી જ્યારે પ્રિયાના રડવાનું સાચું કારણ એના ધ્યાનમાં આવ્યું ત્યારે એ હક્કો બક્કો રહી ગયો. આ એનું લોહી…ના..ના…એ આવું કરી જ કેમ શકે…જે પોતે હજુ બાળકી હતી એ આજે કોઇ છોકરાંના પ્રેમમાં પાગલ થઈને એના બાળકની ‘કુંવારી મા’ બનવાની હતી…આવું સાંભળતા પહેલાં એનો જીવ કેમ ના જતો રહ્યો ? થોડી પળ વીતી અને શિશિરે પોતાના મનને સ્થિર કર્યું.

‘પ્રિયા, કાલે એ છોકરાંને મળવા બોલાવી લે ઘરે.’ ને એ પોતાના બેડરુમમાં જતો રહ્યો.

બીજા દિવસના બપોરના બાર વાગ્યે જમી કરીને બેઠા જ હતાં ને શિશિરના દરવાજે એક હેન્ડસમ ફૂટડો જુવાનિયો આવીને ઉભો રહી ગયો.

‘હાય અંકલ. આઈ એમ અરમાન. પ્રિયાનો ફ્રેન્ડ ‘, સહેજ અટકીને એણે ઉમેર્યુ, ‘ ખાસ ફ્રેન્ડ’ ને હસ્યો.

ખબર નહીં કેમ પણ શિશિરને એના હાસ્યમાં થોડી ખંધાઈ લાગી પણ કદાચ…મનનો વહેમ હશે વિચારીને એણે અરમાનને પગથી માથા સુધી નિહાળ્યો. છોકરો બહુ જ સરસ હતો. ઉઠવા, બેસવા, બોલવા ચાલવા કપડામ પહેરવાની – વાળની સ્ટાઈલ…બધું ય આકર્ષક હતું. શિશિરને એક નજરે જ છોકરો ગમી ગયો. પૂછપરછ કરતાં છોકરો સારી કંપનીમાં છ આંકડાના પગારથી કામ કરતો હતો. પોતાનો બંગલો હતો અને મેઈન વાત કે આ દુનિયામાં એ સાવ એકલો જ હતો. મા બાપ બે ય ભગવાનને પ્યારા થઈ ગયેલા હતાં. શિશિરને તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું થયું. આધુનિક જમાનો છે…ભલે ને છોકરાં છોકરી જાતે એક બીજાને પસંદ કરી લે…પાત્ર સારું હોય પછી શું વાંધો હોય ? વિચારીને એણે ધીમે રહીને અરમાનને કહ્યું,

‘બેટા, અમે બધા ઇચ્છીએ છીએ કે તું અને પ્રિયા બને એટલી વહેલી તકે પરણી જાઓ. કારણની તો તને ખબર જ છે ને ?’

‘લગ્ન..શું અંકલ ..તમે પણ સારી મજાક કરો છો . મેં અને પ્રિયાએ તો ફકત મોજમજા માટે જ આવી દોસ્તી બાંધેલી છે બાકી પ્રિયાને મેં ક્યારેય કોઇ જ વચન નથી આપ્યું કે હું એની સાથે લગ્ન કરીશ…હું તો રહ્યો મુકતજીવ…લગ્નના બંધનમાં બંધાઈ જવાનું મને ના ફાવે…’ અને અચાનક જ એની આંખોમાં ખુન્ન્સ ઉતરી આવ્યું ને બોલ્યો,

‘જેમ તમને નહતું ફાવ્યું…મારી મા નિશા સાથે લગ્ન કરવાનું અને એના કારણે મેં મારી માતાથી હાથ ધોઈ કાઢવા પડ્યાં.’

‘શું……શું…’

‘હા મિ.શિશિર ઉપાધ્યાય. હું એ જ નિશાનો દીકરો છું જેને તમે પ્રેગનન્ટ કરીને તરછોડી દીધી ને એણે આત્મહત્યા કરી લીધી. મેં તમને એ પાછું વાળ્યું. પ્રિયાને કહેજો હવે પછી મને મળે નહીં હું કંઈ એને પ્રેમ બ્રેમ નથી કરતો. આ તો એક સોદો હતો…ગુડ બાય.’

હાથમાં પાણીની ટ્રે લઈને આવતી ને બારણા પાસે જ અટકી ગયેલી પ્રિયાએ અરમાન અને એના પપ્પાની બધી વાતો સાંભળી લીધી અને એનું દિલ ધક્ક થઈ ગયું, આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નાનપણમાં દાદીએ કહેલી વાલિયા લૂંટારાની વાર્તા યાદ આવી ગઈકે જે એ એના કુંટુંબીજનોને પૂછતો હતો,

‘મારા પાપની કમાણીમાં તો તમે સૌ ભાગીદાર છો પણ એ કમાણી ભેગી કરતાં કરેલાં મારા પાપમાં – કુકર્મોમાં તમે કેટલા ટકાના ભાગીદાર ?’

 

અનબીટેબલ ઃ નાનપણથી ગોખાઈ ગયેલી અનેક કહેવત, શીખ સંજોગો અનુસાર અર્થ બદલી શકે છે ને ખોટી પણ પડી શકે છે.

-સ્નેહા પટેલ.

બિચારી – બાપડી.


ફૂલછાબનો ૨૮-૧૦-૨૦૧૫નો ‘નવરાશની પળ’ કોલમનો લેખ.

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી.
~રાજેશ વ્યાસ’મિસ્કિન’.

 

ઘડિયાળનો કાંટો ટીક..ટીક કરતો ધીમી પણ મક્કમ ચાલે અવિરતપણે એની નિર્ધારીત ગતિ કાપી રહ્યો હતો. એને રોકવાનું કોઇ માઈના લાલની તાકાત નહીં. હા બહુ બહુ તો માનવી ઘડિયાળ બંધ કરી શકે, એની પહોંચ માત્ર એટલી જ સ્તો. બાકી સમય તો અદ્રશ્ય જ..જે જોઇ જ નથી શકાતું એને રોકવાનું કેવી રીતે શક્ય બને ? સમયની આ દાદાગીરી સામે ભલભલા ભડ માણસે પણ માથું નમાવવું પડે છે. નોરેલ પણ એને નતમસ્તક જ હતો. શક્ય એટલી બધી ધમાલ કરીને એ તૈયાર થયો તો પણ ઘડિયાળનો આપખુદી નાનો કાંટો દસ અને મોટો બાર પર પહોંચી જ ગયો હતો અને બે ય જણ ભેગાં થઈને કાચના આવરણ પાછળથી નોરેલની હાંસી ઉડાવી રહ્યાં હતાં.

‘નીરંતિકા, છાપું પછી વાંચજે પહેલાં મારું ટીફિન ભરી દે પ્લીઝ. બહુ જ મોડું થઈ ગયું. આજે દસ વાગે તો મારે મીટીંગ હતી પણ હું તો..’ અને ફટાફટ મોબાઈલ ગાડીની ચાવી લઈને એ સોફા પર બેસીને મોજાં પહેરવા લાગ્યો.

‘નવાઈના તમે ઓફિસે જાઓ છો તે રોજ આમ બૂમાબૂમ. અમે બૈરાંઓ ય આખો દીવસ ઘરમાં ઢસરડાં જ કરીએ છીએ પણ તમને પુરુષોને કદી કયાં એ દેખાય જ છે. આજે દુનિયા એકવીસમી સદીમાં પહોંચી ગઈ પણ આપણાં ઇન્ડીઅન પુરુષોની મેન્ટાલીટી ના સુધરી તે ના જ સુધરી. સવારના છ વાગ્યાંના ઉઠ્યાં હોઇએ ને માંડ અત્યારે ઘડી શ્વાસ ખાવા બેઠાં એમાં ય તમારા ઓર્ડરની તોપ ફૂટવા લાગે. સાલ્લું અમારા બૈરાંઓની તે આ જિંદગી છે કંઇ ?’

બે પળ નોરેલનો હાથ મોજાં પહેરતાં પહેરતાં અટકી ગયો અને મગજનો પારો હાઈ થઈ ગયો પણ વળતી જ પળે એણે ગુસ્સા પર કાબૂ મેળવી લીધો અને ‘આની સાથે મગજમારી કરીને સમય અને મગજ બે ય ખરાબ કરવા કરતાં બહારથી કંઈક મંગાવી લેવું વધુ સારું’ એવું વિચારીને શૂઝ પહેરીને ઓફિસ જવા નીકળી ગયો.

કોઇ જ રીએક્શન ના આવતાં નીરંતિકાની ખોપડી ઓર છટકી પણ એની આજુબાજુ કોઇ હતું નહીં કે જે એને પંપાળે અને એને સાચી પૂરવાર કરી શકે. ગુસ્સાનો લાવા બહાર કાઢવો જરુરી હતો નહીંતર એનો આખો દિવસ આમાં જ જાય પણ શું કરે..અચાનક એને પોતાની ઇન્ટીરીઅર ડિઝાઈનર ફ્રેન્ડ અવની યાદ આવી અને સંકટ સમયની સાંકળને ખેંચીને એનો મોબાઈલ નંબર ડાયલ કર્યો.

‘હાય નીરુ, અત્યારના સવાર – સવારમાં કેમ યાદ કરી મને બકા?’

‘કંઇ નહીં યાર, આ પુરુષો આપણને સાવ એમના પગની જૂતી જ સમજે છે. એ લોકો ઓફિસમાં કામ કરવા જાય છે તો આપણે ઘરમાં બેસીને જલસાં કરીએ છીએ એમ ?’ ધૂંધવાયેલી નીરંતિકાને પોતાને જ પોતાનો પ્રોબ્લેમ નહતો સમજાતો તો અવનીને કેમની સમજાવે ? અવની એને બરાબર ઓળખતી હતી. ધીમે ધીમે એણે નીરંતિકા પાસેથી આખી વાત જાણી લીધી અને એને વાતનું હાર્દ સમજાઈ ગયું. જોકે અવનીને પણ ઓફિસે જવાનું મોડું થતું હતું પણ આજે એવું કોઇ ખાસ ઇમ્પોર્ટન્ટ કામ નહતું કે થોડો ઘણો સમય એ નીરંતિકાને ના આપી શકે. એણે ધ્યાનથી વાત સાંભળી અને બોલી,

‘નીરુ, આ આખીય વાતમાં નોરેલે તને એના ટીફિન ભરવા સિવાય કોઇ જ વાત કરી એવું તો ખ્યાલ આવતો જ નથી. વળી એને દસ વાગ્યે આજે મીટીંગ હતી અને એ વાત તું પણ જાણતી હતી તો એમાં ખોટું શું બોલ્યો ?’

‘વાત એમ નથી, તું સમજતી નથી. આ બધા પુરુષો આપણને સ્ત્રીઓને એક કામ કરવાનું મશીન જ સમજે છે. એ લોકોને આપણાં કામની કોઇ કદર જ નથી કરતાં. માંડ છાપું લઈને બેઠીને એમના ઓર્ડર ચાલુ…’

‘નીરુ, એક વાત કહે તો..તારા ઘરે ઘરઘાટી , રસોઇઓ અને ડ્રાઈવર સુધ્ધાં છે તો નોરેલ ઓફિસે જાય પછી તું શું કરે છે ?’

‘અરે..ઘર છે તો કેટલાં કામ હોય..એના ગયા પછી મારે નાહવાનું, પૂજા પાઠ કેટલું બધું કામ હોય છે ! સવારના છ વાગ્યાંની ઉઠી હોવું તો બે છોકરાંઓને તૈયાર કરીને એમને સ્કુલે મોકલવાનાથી માંડીને અમારી ચા મૂકવા સુધી કેટકેટલું કામ પહોંચે છે મારે..માંડ બપોરે એક વાગ્યે જમીને પરવારીએ પછી થૉડી વાર ટીવી જોવું, સૂઇ જઉં થોડી વાર આજુબાજુ વાળાઓ સાથે પંચાત કરું ને ત્યાં તો છોકરાંઓ આવી ચડે એથી એમના દૂધ – ચા બનાવું. આખો દિવસ બીઝી..બીઝી યાર…’

અને સામે પક્ષે અવની ખડખડાટ હસી પડી.

‘નીરંતિકા, એક તો તું આ આડીઅવળી નારીવાદી વાર્તાઓ વાંચવાનું બંધ કર. તારા મગજમાં ઢગલો કચરો ભરાઈ ગયો છે. જો હું પણ એક સ્ત્રી છું ને ઘરનાં બધા કામ ઉપરાંત હું ઓફિસ પણ સંભાળુ છું પણ મને તો કદી તારા જેવી ફીલિંગ નથી આવતી. સાચું કહું તો તું એક મલ્ટીટેલેન્ટેડ સ્ત્રી છું. તું તારો સમય પંચાત કરવામાં. ખોટું ખોટું વિચારીને દિમાગ ખરાબ કરવામાં ને ટાઇમપાસના રસ્તાઓ શોધવામાં બગાડે છે. તારી પાસે ઢગલો ફાજલ સમય છે એનો સદૌપયોગ કરીને તારે થોડાં પૈસા કમાતા શીખવું જોઇએ. આપણે સ્ત્રીઓ સવારે ને સાંજે રસોઇ કરીએ તો પુરુષો ય આખો દિવસ ધંધા – નોકરીમાં મજૂરી કરે જ છે ને..એ લોકો તો ક્યારેય આટલી બૂમાબૂમ નથી કરતાં. એકચ્યુઅલી આપણા મનમાં જ લઘુતાગ્રંથી ઘુસી ગઈ છે યા તો યેન કેન પ્રકારેણ મગજમાં ઘુસાડી દેવામાં આવી છે. દરેક સ્ત્રી બાપડી બિચારી નથી હોતી ને તું તો સહેજ પણ નથી, ઇન ફેક્ટ હું તો તને વર્ષોથી જાણું છું, તારી લાઈફ સ્ટાઈલ પણ ખબર છે તો થોડા કડવાં શબ્દોમાં કહું તો તું સાવ નવરી જ છું જે પોતાને બાપડી બિચારી ગણીને રોદણાં રડવામાંથી જ ઉંચી નથી આવતી. બાપડી બિચારી તો તારા ઘરની કામવાળી છે કે જે સવારની પાંચ વાગ્યાની ઉઠીને પોતાના ઘરનું કામ પતાવીને પછી તારા જેવી દસ શેઠાણીઓના ઘરના કામ કરે અને ઘરે જઈને એના ઘરવાળાની ગાળો ખાય, ઓર્ડર – નાઝ નખરાં ઉઠાવે. બાકી તારા જેવી કે જેના ભાગે ઘરની અડધીથી ય ઓછી જવાબદારી છે એ બાપડી – બિચારીના રોદણાં કેવી રીતે રડી શકે એ જ નથી સમજાતું ડીઅર, સોરી પણ હવે આ વાત પર તું તારી જાતે જ વિચારજે મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે તો હું નીકળુ છું.’

અવનીએ કહેલી વાતો તો નીરંતિકાનું મન પણ જાણતું હતું એથી એ કોઇ વિરોધ કરી શકે એવી સ્થિતીમાં પણ નહતી. જોકે પ્રિય સહેલીની કડવી વાતોથી દિલના એક ખૂણામાં ઉજાસની એક કિરણ ચોકકસ ફૂટી નીકળેલી, બસ સૂરજ ઉગી નીકળે એટલી જ વાર હતી.

અનબીટેબલ ઃ સત્યનો સ્વીકાર અંતે સુખની મંઝિલ સુધી પહોંચાડે છે.

મેસેજની દુનિયા


fulchhab newspaper > column navrash ni pal > 21-10-2015

ઘણાં બસ મૌન રાખે તોજ શોભે છે જગતમાં ને,
ઘણાં ને બોલવા દીધાં પછી જલસો જ જલસો છે.
-હેમાંગ નાયક

અધખુલ્લી આંખોએ અનુષ્કાએ મોબાઈલ હાથમાં લીધો અને એમાં સમય જોયો. સવારના સાડા છ થયા હતાં. હજુ દસે’ક મિનિટ સૂઇ શકાશે, એમ વિચારીને મોબાઈલનું સ્ક્રીન બંધ કરવા જ જતી હતી અને ત્યાં જ વોટસ એપના ગ્રુપમાં એક મેસેજ આવ્યો અને મેસેજ જોવાની ઇંતજારી સળવળી ઉઠી. ઉંઘરેટી આંખે જ એણે વોટસએપ ખોલીને મેસેજ જોયો,
‘everything is hurt only if u think more. forget and move on…’ આગળ પણ કંઈક લખેલું હતું પણ અનુષ્કાએ તો આટલું વાંચીને જ અટકી ગઈ, આખું ચાર લાઈનનું લખાણ વાંચવાની તસ્દી શું લેવાની અને અડધી ઉંઘમાં જ એણે એ મેસેજ સિલેક્ટ કરીને ફોરવર્ડનું ઓપ્શન વાપરવા લાગી. જોતજોતામાં તો ત્રણ ગ્રુપ અને ૨૦ થી ૨૫ મિત્રોને મેસેજ મોકલી દીધો. મગજ એક્ટીવ થઈ ગયું હતું હવે ઉંઘવાનો યત્ન કરવો વ્યર્થ હતું. થોડો અફસોસ થઈ ગયો. લગભગ ૨૦ એક મિનીટ સવાર સવારમાં મિત્રોને ગુડમોર્નિંગનો મેસેજ મોકલવામાં જતી રહી એના કરતાં એટલો સમય ઉંઘ ખેંચી લીધી હોત તો ફ્રેશ થઈ ગઈ હોત પણ ઠીક હવે…આમ પણ આ રોજનું થઈ ગયું હતું. ટેવાવું જ પડે, મિત્રો માટે આટલું તો કરવું જ પડે ને !
લાંબી આળસ મરડી અને નાઈટી સરખી કરતી અનુષ્કા ઉઠી અને બાથરુમમાં ગઈ. થોડી વાર રહીને એણે ચા બનાવી, માટલું ગળી અને નાસ્તામાં થૉડા મમરાં વઘારીને બ્રશ પતાવ્યું અને ઉર્વિનને ઉઠાડવા માટે બૂમ પાડી. ઉર્વિશ તો એક ઝાટકે જ ઉઠી ગયો અને બે મિનીટમાં તો ફ્રેશ થઈને ટેબલ પર હાજર થઈ ગયો. અનુ ઉર્વિનની આ સ્ફુર્તિ જોઇને કાયમ ખુશ થઈ જતી. ઉર્વિન રોજ સવારે ઉઠે ત્યારે તાજા તાજા ગુલાબની જેમ ખીલેલો જ લાગે. કોઇ પણ પ્રોબ્લેમનું સમાધાન શોધવાનું હોય તો ઉર્વિન સવારનો સમય જ પસંદ કરે પણ અનુની સવાર તો કાયમ ઉલ્ટી જ હોય.
‘અનુ, આજે ચામાં મજા નથી આવતી યાર, પાણી નાંખવાનું ભૂલી ગઈ છે કે શું ? એકલા દૂધની ચા બનાવી હોય એવું કેમ લાગે છે ?’
અને અનુષ્કા ઝબકીને જાગી, ‘ચા બનાવતી વેળા પાણી રેડવાનું તો ભૂલી જ ગયેલી. એક કપ દૂધ અને એક કપ પાણીના બદલે એણે પૂરાં બે કપ દૂધ જ ચા બનાવવામાં વાપરી કાઢેલું.’
‘અરે હા ઉર્વિન, સોરી જરા ઉંઘ પૂરી નહતી થઈ એટલે મગજ અડધું પડધું બંધ જેવું જ લાગે છે..તું ચા સરખી કરીને લાવને ડીઅર પ્લીઝ.’
‘ઓકે, જેવો મેડમનો હુકમ.’ અને ઉર્વિન પાંચ મિનીટમાં તો આદુ, ફુદીનો અને લીલી ચા નાંખીને સરસ મજાની ચા બનાવીને લઈને આવ્યો. ચા પીતાં પીતાં બોલ્યો,
‘અનુ, એક વાત કહું ખોટુ ના લગાડીશ પણ તને આ મેસેજીસની ટેવ જ ખોટી પડી ગઈ છે. રોજ સવાર સવારમાં શું ગુડમોર્નિંગ કરવા બેસી જાય છે ? તારા મેસેજ વિના કોઇની સવાર નહીં ઉગે ?’
‘અરે ના..ના..એવું કંઇ નહીં પણ આ એક ટ્રેન્ડ થઈ ગયો છે. કામ ધંધો હોય કે સગા સંબંધીઓ – બધાંને સવારમાં એક તાજો ફડફડતો ગુડ મોર્નિંગનો મેસેજ મોકલી દઈએ એટલે બધાંને આપણી મીઠી યાદ પહોંચી જાય અને આમ એકબીજાના સતત ટચમાં રહેવાય.’
‘અનુ, તું તારા મમ્મી – પપ્પાને કે તારી સૌથી નજીકની સખી ધારિણીને કદી આવા નિયમિત મેસેજીસ કરે છે ?’
‘ના રે, એમને વળી શું મેસેજ કરવાના ? એમને તો ફોન જ કરી દઉં અને બહુ યાદ આવે તો મળવા જ ઉપડી જાઉં.’
‘તો તું એવું કેમ કહે કે આવા ગુડમોર્નિંગ મેસેજીસ અનિવાર્ય જ છે ? ઓકે, ચાલ એક વાત કહે, આજે તેં કયો મેસેજ મોકલ્યો બધાંને અને એનો અર્થ શું હતો ?’
‘શું ઉર્વિન તું પણ…એમ કંઈ મેસેજ થોડા યાદ રહે. વેઈટ અ મીનીટ.’ અને મોબાઈલ લઈને એ મેસેજ જોઇને એણે ઉર્વિનને કહ્યો. ઉર્વિન આ જોઇને ખડખડાટ હસી પડ્યો.
‘અલ્યા, શું થયું, કેમ આમ હસવું આવી ગયું ?’
‘તમારી મેસેજીયણ જમાત જોઇને હસવું આવ્યું. તમે મેસેજ પૂરતો વાંચતા ય નથી અને એ કેટલ અંશે સાચો કે ખોટી માહિતી પૂરી પાડે એવો પણ કોઇ વિચાર કરતાં નથી. બસ, સામેવાળાના મોબાઈલમાં તમારી હાજરી પૂરાવવા આંખો બંધ કરીને મેસેજ ઠોકે રાખો છો. વળી દુઃખ તો એ જ છે કે આવા લોકોની વસ્તીથી લગભગ પોણાભાગથી પણ વધુ વસ્તી છે. જેને કંઈ જ વિચારવું નથી, સમજવું નથી….બસ ઘેટાં બકરાં જેવી જિંદગી જ જીવવી છે. દિલ, દિમાગ, સમયનો કેટલો વેડફાટ કરો છો તમે લોકો. વળી એક ગુડમોર્નિંગથી ય તમારા સંબંધો સચવાતા નથી તો આખો દિવસ ‘જે આવે એ બીજાને મોકલ્યે જ રાખવામાં વ્યસ્ત. એક લાઈન જાતે વિચારીને લખવાની હોય તો કદાચ આ બધી એપ જ બંધ થઈ જાત. એ લોકો તમને રેડી મેસેજીસ, સ્માઈલીસ ની ફેસીલીટીસ પૂરી પાડે રાખે ને તમારા સંબંધોનું રીનોવેશન થયા કરે છે, ગાડું ચાલ્યે રાખે છે. રામ જાણે આમાં કેટલું સાચું ને કેટલું ખોટું ! મને તો આ બધું અર્થહીન અને સમય – શક્તિનો વેડફાટ જ લાગે છે. જરુર હોય ને મેસેજીસ કરો, કોઇ યોગ્ય વ્યક્તિને યોગ્ય શબ્દોવાળો મેસેજ કરો, યોગ્ય ઇન્ફોર્મેશન હોય કે ન્યુઝ હોય તો મેસેજ કરો…આ બધું ઠીક પણ સાવ જ પોતાની હાજરી પૂરાવવા આમ મેસેજીસ કર્યા કરવાનું બંધ કર તો સારું હવે. કોઇ પણ વાતની અતિશયોક્તિ સહેજ પણ હિતાવહ નથી ડીઅર. બાકી હું તને ક્યારેય કોઇ બાબતમાં રોકતો કે ટોકતો નથી તું જાણે જ છે.’
ઉર્વિનની વાત સાંભળીને અનુષ્કા મનોમન આખા દિવસ દરમ્યાન મેસેજમાં થતો પોતાના સમય અને શક્તિનો વેડફાટ વિશે વિચારવા લાગી. ઉર્વિન ઘણા ખરા અંશે સાચો હતો જ. વળી મેસેજથી રીલેશન્સ સચવાય એવું પણ ક્યાં હોય છે…લોકો પોતાની મરજી મુજબ, અનુકૂળતા મુજબ જ એ વાપરે છે બાકી ના ફાવે તો ફ્રેન્ડસ તરીકે બ્લોક કરી દેતાં કે ગ્રુપમાંથી રીમૂવ થઈ જતાં એક સેકંડ પણ ક્યાં વિચારે છે…સાચે..આ બધું અર્થહીન જ છે. મનોમન એણે મેસેજીસ પર કંટ્રોલ કરવાનો નિર્ણય લઈ લીધો.
અનબીટેબલ ઃ શાંતિનો મહાસાગર ઘરમાં જ હિલ્લોળે ચડ્યો હોય છે ને મનુષ્ય મોબાઈલનું ખાબોચિયું ઉલેચતો ફરે છે.
-સ્નેહા પટેલ

અડસઠમું વર્ષ


phoolchhab newspaper > 14-10-2015 > Navrash ni pal column

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
-દેવિકા ધ્રુવ

‘અલી રમાડી, આ સાવ આવું કરવાનું ? આખી જિંદગી સાથે જીવવાના કોલ હતાં ને તું સાવ આમ અધવચાળે છોડીને કાં જતી રહી ? ઓ માડીરે..આ કાળઝાળ બુઢાપો સાવ એકલાં કેમનો જીવાશે ?’
રમેશભાઈ મનોમન કકળી રહ્યાં હતાં. સામે એમની જીવનસંગીની રમાબેનનો મૃતદેહ પડ્યો હતો જે સાવ નજીવા તાવની બે દિવસની માંદગીમાં જ મૃત્યુ પામ્યાં હતાં. રમેશભાઈ રહ્યાં પુરુષ માણસ ! રડવાની – જીવ હલકો કરવાની ટેવ તો પહેલેથી જ નહીં એટલે આજે પણ આંખો ભીની તો ના જ થઈ પણ અંતરાત્મા લોહીલુહાણ થઈ ગયો હતો. સામે એક દીકરો,દીકરી, જમાઈ, વહુ અને બે પૌત્ર બેઠેલા હતાં દરેકની આંખમાંથી ગંગા જમના વહી રહી હતી. સાજા સમા રમાબેન સાવ જ આમ એમને રેઢાં મૂકીને ચાલ્યા જશે એવી તો કલ્પના ય નહતી કરી એ લોકોએ.પણ કુદરત આગળ કોનું ચાલ્યું છે ?
રમાબેનની અંતયેષ્ટી પતી અને બધાં ધીમે ધીમે એ આઘાતમાંથી રુટીન જીવનમાં સેટ થવા લાગ્યાં. દીકરો રીવાન અને દીકરી રેવા તો જુવાન હતા અને કામ ધંધાવાળા. મહિનો એ’ક રમેશભાઈ પાસે રહી એ લોકો પોતપોતાના કામે પાછા ચડવાનું વિચારવા લાગ્યાં અને પોતપોતાના માળા તરફ ઉપડવાનું વિચારવા લાગ્યાં. પણ પાછળ રમેશભાઈનું શું ? એ હતાશ, તૂટી ગયેલા જીવને સાવ એકલા જીવવા છોડી દેવાનો બેમાંથી એક પણ સંતાનનો જીવ નહતો ચાલતો પણ સામે પક્ષે એ લોકો સમયની દોડ સાથે તાલ મિલાવી રહ્યાં હતા અને એમાં સહેજ પણચૂક્યાં તો એમના જીવનની ગાડી ખોટકાઈ જાય દોડ્યાં વિના તો છૂટકો જ નહતો. છેવટે રેવા અને જમાઈએ રમેશભાઈને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો.
ગર્વીલા રમેશભાઈ પણ અત્યારે તો તૂટી જ ગયેલા હતાં એમને પણ આ વ્યવસ્થા યોગ્ય લાગી અને તૈયાર થઈ ગયાં.
રેવાની બીજા દિવસની સવાર સાતના બદલે પાંચ વાગ્યે પડી ગઈ, કારણ રમેશભાઈને પાંચ વાગ્યામાં ચા પીવાની ટેવ હતી અને રમાબેન એમને પાંચ વાગ્યામાં ગરમા ગરમ ચાની સાથે નાસ્તો ખાટલે બેઠાં બેઠાં આપતા હતાં એ રુટીન તો કેમનો તોડાય ? રાતના બાર – એક વાગ્યે બધા કામ પતાવીને સૂતેલી રેવાને આજે બે કલાકની ઉંઘની ખોટ બહુ અઘરી પડતી હતી. નોર્મલી એ પોતાની ઉંઘ ડીસટર્બ ના કરે જ્યાં સુધી ચાલી જતું હોય ત્યાં સુધી એ ચલાવી લે પણ પિતાની ચાનો સમય કેમનો ડીસ્ટર્બ થાય ? એમના આખા દિવસનો સવાલ હતો ચા મોડી મળે તો એમનો દિવસ બગડે ને. એ પછી પણ રમેશભાઈનો દિવસ સુધારવા રેવાએ દરેક જગ્યાએ નાની નાની તકેદારી રાખવા માંડી. પપ્પાને ગળી દાળ જ જોઇએ, દરેક શાકમાં બટાકા તો જોઇએ જોઇએ ને જોઇએ જ, નાહવા જાય ત્યારે એમના કપડાં ને ટુવાલ પલંગ પર જોઇએ, એમનો મનગમતો સાબુ અલગ ડબ્બીમાં જ જોઇએ, રોજ નાહીને વાળમાં તેલ નાંખવા જોઇએ, પાંચની ચા પછી નવ વાગ્યે કેસર પિસ્તાવાળું દૂધ જોઇએ….જોઇએ જોઇએ જોઇએ નું લિસ્ટ વધતું ગયું અને રેવા એના ચકકરોમાં ગોળ ગોળ ફરવા લાગી. થૉડા દિવસ તો એણે બધું એડજસ્ટ કર્યું પણ હવે એ એડજસ્ટમેન્ટની અવળી અસર એની જોબ, પતિ ઋગ્વેદના સંબંધ પર અને એના દિકરાના ઉછેર પર પડવા લાગી. આખા ઘરમાં પપ્પા એક જ મહત્વની વ્યક્તિ રહી ગઈ હતી બાકી બધા પોતાના કામ પોતાની રીતે પતાવીને પપ્પાને એડજસ્ટ થવામાં કાઢવા લાગ્યાં.
રમેશભાઈ દુનિયાનો સૌથી દુઃખી જીવ ! એ તો પોતાના દુઃખની દુનિયામાં જ વ્યસ્ત હતાં. આજુબાજુ કોણ શું કેમ જીવે છે એની સાથે એમને કોઇ જ લેવા દેવા નહતી. રમાની સ્મ્રુતિ એમને નિરાંતે જંપવા નહતી દેતી.
થોડા દિવસમાં રેવા કંટાળી ગઈ. આવું તો ના ચાલે. એણે આડકતરી રીતે પપ્પાને પોતાની તકલીફ, સ્થિતી સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ રમેશભાઈને તો જાણે કંઈ સમજવું જ નહતું. આંખ આડા કાન કરીને બેસી ગયેલાં. પોતે એક વડીલ છે પોતાના પૌત્ર વરુણ સાથે થોડો સમય કાઢે ઘરની થોડી જવાબદારીઓ પોતે ઉપાડી લે તો રેવાને શાંતિ રહે, વળી પોતાની ટેવો પૂરી કરવી એ પોતાની પત્ની પાસેથી અપેક્ષા રાખી હોય ત્યાં સુધી યોગ્ય હતી પણ દીકરી, જમાઈ પાસેથી રાખવી તો સાવ જ અયોગ્ય કહેવાય એ વાતની એમને સમજ જ નહતી. પોતે બાપ છે અને પોતાની સગવડ સાચવવી,ધ્યાન રાખવું એ પોતાના સંતાનોની ફરજ છે. એમણે તો એમનું જક્કી વલણ ચાલુ જ રાખ્યું. રીવાએ કંટાળી ધીમે રહીને રેવાનને પપ્પાને થોડો સમય પોતાના ઘરે લઈ જવા કહ્યું ને રીવાન એમને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પણ એ જ હાલત,
રીવાનની સહિષ્ણુ અને ધૈર્યવાન પત્ની રેખા પણ પોતાના જક્કી સસરાથી કંટાળી ગઈ, પણ આ તો સસરા- એમની વિરુધ્ધ તો વિચારાય પણ કેમ ? વળી પરણીને તરત અલગ રહેવા લાગેલા એટલે એમની લાઇફસ્ટાઈલ અને રમેશભાઈને લાઈફસ્ટાઈલમાં આભ જમીનનો ફર્ક. રમેશભાઈ બાથરુમમાં જાય તો સરખું પાણી ના રેડે, જમવા બેસે તો ચારે બાજુ ખાવાનું વેરે, હાથ લૂછવા માટે નેપકીનનો ક્યારેય ઉપયોગ ના કરે જે હાથમાં આવ્યું ત્યાં જ ..ભલે ને પછી એનો સોફો કેમ ના હોય..કપડાં ય ત્રણ ત્રણ દિવસ સુધી ધોવા ના નાંખે, રોજ સવારે મોટેમોટેથી અવાજ કરીને અડધો કલાક કોગળાં કરે અને ગળામાં આંગળી નાંખી નાંખીને કફ કાઢે…રેખાની ધીરજ પણ છૂટવા લાગી હતી. એ આખો દિવસ રમેશભાઈની પાછળ પાછળ ફરવામાં દિવસ નીકળી જતો અને ઘરના ઢગલો કામ એમના એમ જ પડ્યાં રહેતા. રીવાન અને પોતાના દીકરાની માટે તો એની પાસે સહેજ પણ સમય નહતો નીકળતો. અંદરો અંદર એ અકળાવા લાગી પણ આનો ઉપાય શું? તાળી એક હાથે તો ના જ પડે ને ? જો પોતે રમેશભાઈને સાથે રાખવાની ના પાડે તો સમાજ તો એમને ફોલી જ ખાય ને કે બુઢ્ઢા સસરાને સાવ એકલાં તડપવા છોડી દીધાં…આવા તો કેવા છોકરાંઓ છે આ ? રીવાન પણ રેખાની મનોસ્થિતી સમજતો હતો. એક દિવસ એ ઓફિસથી થોડો વહેલો આવી ગયો અને રમેશભાઈને લઈને બેડરુમમાં ગયો,
‘પપ્પા, મમ્મીના જવાનું તમને એકલાંને જ દુઃખ છે એવું માનો છો કે ?’
‘ના રે દીકરા, રમા તો બધાની લાડકી હતી.’
‘ઓકે. હવે પપ્પા એમ કહો કે એના ગયા પછી તમારી લાઇફસ્ટાઇલમાં કોઇ ફેરફાર આવ્યો કે ?’
‘ના, આમ તો ખાસ કંઈ નહીં. હા મારું જીવન ખાલી ખાલી થઈ ગયું દીકરા.’
‘પપ્પા, તમે મમ્મી પાસેથી જે કામની અપેક્ષાઓ રાખતાં હતાં એવી અપેક્ષા તમે તમારા સંતાનો પાસેથી રાખો એ કેમ ચાલે ?’ વાત લાગણીના પાટે વળી જાય એ પહેલાં જ રીવાન ‘ટુ ધ પોઈંટ’ બોલ્યો.
‘ના રે…મારી એવી કોઇ આશા ક્યાં છે…’
‘તો આ બધું કામ તમારા સમયે અને તમારી રીતે જ થવું જોઇએ એવી આશા કેમ રાખો ? રોજ સવારે પાંચ વાગ્યે ચા જોઇએ જ…એના માટે બીજાને જે તકલીફ પડવી હોય એ પડે..હાથ નેપકીનથી નહીં લૂછવાના…ઘરનાં ઉંઘતા હોય ને મોટેમોટેથી કોગળાં કરીને એમની ઉંઘ બગાડવાની…પપ્પા, માન્યું કે તમને વર્ષોથી આવી ટેવો પડી છે ને મમ્મી સાથે એ રીતે જીવ્યાં જ છો પણ અમારી લાઇફસ્ટાઇલ સાવ અલગ છે. તમે એમાં એડજસ્ટ થવાનો સહેજ પણ પ્રયત્ન જ નથી કરતાં એવું કેમ ચાલે ? વળી અમારી લાઈફસ્ટાઈલ સુઘડ અને વ્યવસ્થિત છે તો એ અપનાવવામાં,સમય પ્રમાણે અપડેટ થવામાં વાંધો શું છે? તમને નથી લાગતું કે તમે જે સાવ આંખો બંધ કરીને, જડતાપૂર્વક જીવો છો ખોટી વાત છે. થોડાં અમે તમને એડજસ્ટ થઈએ અને થોડા તમે એડજસ્ટ થાઓ તો જ પ્રેમપૂર્વક અને સન્માનપૂર્વક જીવી શકાશે બાકી આમ તો બહુ લાંબુ નહીં ચાલે પપ્પા. આદરભાવ અલગ વાત છે પણ એને લઈને કોઇ તમારું ગુલામ બનીને રહે એવી માન્યતાઓ ભૂલભરેલી છે. સમય સાથે દરેકે બદલાવું જ પડે છે અને તમારે ય તમારી ટેવોમાંથી થોડાં બહાર આવવું જ પડશે. બાકી સમાજ તો નવરો છે…એક દીકરાએ પોતાના બાપને ના રાખ્યો ..સાવ લાગણીહીન છે જેવું બોલીને ચૂપ થઈ જશે. અંદરની તકલીફ કોઇ જોવા નથી આવતું હોતું ને મને એવા સમાજની કોઇ તમા ય નથી. સો વાતની એક વાત સ્વમાનથી જીવવું હોય તો જ્યાં રહેવુ હોય ત્યાં એક લાગણીભીના, જવાબદાર વડીલ – સદસ્યની જેમ રહો , બાકી તો ઘરમાં બહુ ફર્નિચર પડ્યું હોય છે જ !’
રમેશભાઈ એકીશ્વાસે બોલી રહેલ રીવાનની વાત એકીશ્વાસે જ સાંભળી ગયાં. આખી જિંદગી પોતાના સિવાય એમણે કદી બીજાનો વિચાર જ નહતો કર્યો અને રમાએ તો પ્રેમપૂર્વક એ નીભાવી પણ લીધો પણ છોકરાંઓની જિંદગી આમ ડહોળવાનો એમને કોઇ હક નહતો. આંખ ને કાનની સાથે સમજણનાં દ્વાર પણ ખોલીને જીવવું જોઇએ એ વાત જીવનના અડસઠમા વર્ષે સમજાઈ હતી.
અનબીટેબલ ઃ સમયના પ્રવાહને અનુરુપ વહીએ નહીં તો કોહવાઈ જઈએ.
-sneha patel

પેંડાનું બોકસ.


phoolchhab newspaper > navrash ni pal column > 1-1o-2015:

પેંડાનું બોકસ.

માત્ર હોય ધબકારા, લાગણી ન હો બિલકુલ,
એમ લાગે છાતીની આ જગા અધૂરી છે.
-કિરણસિંહ ચૌહાણ

ઘરના બગીચામાં આશાવરી હીંચકા પર ઝૂલતી ઝૂલતી પોતાના લાંબા રેશમી વાળની લટને કાન પાછળ ગોઠવતી હતી જે વારંવાર પવનની થપાટથી એના ચહેરા પર પાછી રમતી થઈ જતી હતી. એની નજર ગાર્ડનના લીલા લીલા ઘાસ પર ધીરી ગતિએ સરકતી ગોકળગાય પર ઠરી ગઈ. હળું હળું એ મુલાયમ ગોકળગાય સરકતી અને એની પાછળ ચળકાટવાળો ઉત્સર્ગ પાથરતી જતી હતી. બાજુના એકઝૉરાના છોડ પર એક રંગબેરંગી પતંગિયું આમ થી તેમ ઉડી રહ્યું હતું, બાજુમાં આસોપાલવના લીલાછમ્મ લાંબાં પાંદડાંઓની વચ્ચે થોડી જગ્યા કરીને એક કબૂતરે પોતાનો માળો બનાવેલો અને એમાંથી સફેદ ઝગ મારતાં ઇંડાં દ્ર્શ્યમાન થતાં હતાં. આખું વાતાવરણ અનોખી એનર્જીથી ભરાઈ ગયેલું હતું અને એ જોઇને આશાવરીનું દિલ પણ ખુશીનો ચળકાટ અનુભવવા લાગ્યું હતું ત્યાં જ એના કાન પર એક તીણો અવાજ અથડાયો,
‘અરે આશા બેન, સાંભળ્યું કે તમારે ત્યાં નવી ગાડી લીધી ને કંઇ..વટ છે હોંકે તમારો તો.’
પાડોશના વિભાબેનને જોઇને આશાનું મોઢું થોડું ખાટું થઈ ગયું. એક તો એમનો અવાજ તીણો, એમાં એમનો બોલવાનો લહેંકો તો તદ્દન ગામઠી જ અને વાતો કરે એ સાવ છેવાડાંના વિચારોની જ. એમના ઘરમાં કોઇ નાનો શો ફેરફાર સુધ્ધાં થાય તો પણ એ ચિબાવલીને ખબર નહીં કેમ જાણ થઈ જાય અને જ્યારે ને ત્યારે ‘પેંડા ખવડાવો ને પાર્ટી આપો’ની રેકોર્ડ ચાલુ થઈ જાય.
‘હા, જૂની ગાડીને દસ વર્ષ થઈ ગયેલાં અને રીપેરીંગ પણ બહુ માંગતી હતી એટલે પૈસાની થોડી સગવડ થતાં જ આ પહેલું પગલું લીધું.’
‘સરસ સરસ બેન, ચાલો પેંડા ખવડાવો નવી ગાડી લીધી એના માનમાં . તમારી પ્રગતિથી બહુ ખુશી થાય છે, અત્યારે થોડું કામ છે હું પછી આવીશ શાંતિથી બેસવા.’
‘હા વિભાબેન, ચોકકસ ખવડાવીશ જ ને. અત્યારે થોડું કામ છે રજા લઉં.’
અને વિભાબેન સાડલાંનો છેડો માથે સરખો કરતાં કરતાં ચાલ્યા ગયા. આશાવરી પાછળથી એમની ચાલવાની દેશી, કઢંગી ચાલને જોઈ રહી.
‘જાતજાતના લોકોથી આ દુનિયા ભરેલી છે. આવા માંગણિયા પાડોશી એમના જ નસીબમાં કેમના લખાયાનો અફસોસ કરતી આશા હીંચકા પરથી ઉભી થઈને ઘરમાં અંદર ચાલી ગઈ.
સાંજે આશાનો પતિ અભિનંદન ખુશખુશાલ વદને ઘરમાં પ્રવેશ્યો,
‘આશુ ડાર્લિંગ આજે તો બહુ જ મજ્જ્જાનો દિવસ ગયો. હું એટલો ખુશ છું..એટલો ખુશ છુ કે ના પૂછો ને વાત !’
‘અભિ, શું છે નાહકનો કેમ બૂમાબૂમ કરે છે ? તારી બૂમોથી હું ચોંકી ગઈ અને હમણાં જ મારો હાથ આ ગરમ ગરમ તાવડીને અડતાં રહી ગયો, દાઝી ગઈ હોત તો ક્યાંક…થોડી શાંતિ રાખને પ્લીઝ.’
અને અભિનંદનનો બધો ઉત્સાહ પાણીમાં બેસી ગયો. છેલ્લાં છ મહિનાથી લાગલગાટ અભિ એક પ્રોજેક્ટ પાછળ પડ્યો હતો. ખૂબ જ મહેનત કરી રહ્યો હતો અને પરિણામ સ્વરુપે આજે મહિનાના છેલ્લાં દિવસે એ પ્રોજેક્ટ બમણી સફળતાપૂર્વક પાર પડ્યો હતો. એના સેલ્સનું જે ટારગેટ હતું એના કરતાં એણે ચારગણું સેલ કરીને બતાવ્યું હતું. અભિની નિષ્ઠા જોઈને એના બોસ ખૂબ ખુશ થઈ ગયા હતા અને સ્ટાફમાં બધાને અભિનું ઉદાહરણ આપવા લાગ્યાં હતાં અભિ એકાએક હીરો બની ગયો અને બોસે ખુશીમાં એને પ્રમોશન કમ ચાર પગાર બોનસમાં આપી દીધા હતાં. અભિને ચિંગુસ બોસ પાસેથી વખાણની આશા તો હતી જ પણ આમ એકાએક આટલું બધું..એના તો માન્યામાં જ નહતું આવતું. એના પગ જમીન પર પડતાં જ નહતાં જાણે એ હવામાં જ ઉડી રહ્યો હતો. ખુશીના આવેગમાં જ એ ઘરે આવતાં રસ્તામાં આશાવરીના મનપસંદ મિઠાઇવાળાની દુકાનેથી કિલો પેંડાનું બોકસ લઈને આવ્યો હતો. મીઠા મીઠા પેંડાની સાથે મીઠી મીઠી ખુશખબર અને મીઠી મીઠી એક ‘કિસ’ના સ્વપ્નમાં રાચતા અભિનો બધો જ આનંદ આશાના તીખા સ્વરમાં વહી ગયો. આજે એ ખૂબ જ ખુશ હતો પણ એ ખુશી શેર કરવા માટે આજે એની પાસે કોઇ નહતું એનું દુઃખ એનું દિલ કોરી ખાતું હતું. હતોસ્તાહ થઈને એ પેંડાનું બોકસ ટીપોઇ પર મૂકીને શાવર લેવા માટે બાથરુમ તરફ વળી ગયો.
અનબીટેબલ ઃ કોઇના નિઃસ્વાર્થ પ્રેમથી આપણું દિલ દુભાય એનાથી વધુ કમનસીબી બીજી કોઇ નહીં !
-sneha patel

ઇશ્વરની શોધ


phoolchhab newspaper > 23-09-2015 > navrash ni pal column

છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે,
એમ લાગ્યું કે બસ મૄગજળ સુધી ચાલ્યા અમે !
– સુરેશ વિરાણી

‘દિત્સુ, આ સમાચાર વાંચ્યા કે ?’
‘શું છે ચાણક્ય , સવાર સવારમાં કેમ આમ બૂમાબૂમી કરી મૂકી છે તેં?’
‘આ તો તું રહી આધ્યાત્મિક જીવડો અને એ બાબતે મને આ સમાચારમાં કંઇક નવું લાગ્યું એટલે ઉત્સાહ વધી ગયો યાર, તને નહીં ગમતું હોય તો નહીં વાત કરું જા.’
અને ચાણક્યનું મોઢું પડી ગયું.
‘ઓહ મારો ચારુ, સોરી ડાર્લિંગ. મારો કહેવાનો મતલબ આવો નહતો. હું થોડી રસોઇ પતાવવાની ઉતાવળમાં હતી એટલે ‘વૉઇસ ટોન’ તને એવો લાગ્યો હશે. બોલ બોલ શું નવી નવાઈના સમાચાર છે ?’
અને ચાણક્ય એકદમ ઉત્સાહમાં આવી ગયો. પેપર ખોલીને પેજ નંબર પાંચ પર રહેલી ચોથી કોલમના ન્યુઝ દિત્સાને બતાવવા લાગ્યો.
‘આ જો, આ બાબા કેવા મહાન છે ! એ વર્ષોથી એકાંતવાસ ગાળે છે અને ચૂપચાપ સાધના કરે છે. આ સાધનાના પરિણામે એ બાબાને ઝાડ,પાન, ઝરણાં, પક્ષી..અત્ર તત્ર સર્વત્ર..બધ્ધે બધ્ધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. કેવો ઉચ્ચકોટીનો આત્મા કહેવાય આ કેમ ? આપણે આવા લેવલે ક્યારે પહોંચીશું દિત્સુ ?’
દિત્સાએ ચાણક્ય પાસેથી પેપર લઈને ધ્યાનથી ન્યૂઝ વાંચ્યા. ચાણક્ય સાચું કહી રહ્યો હતો. બે પળ તો એ પણ વિચારમાં પડી ગઈ. દિત્સા બાળપણથી જ આધ્યાત્મમાં ખાસી રુચિ ધરાવતી હતી અને સદા એ આચાર વિચારોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેતી હતી. એના એ જ સાદાઈભર્યા સ્વભાવને લઈને ચાણક્યને એ બહુ જ પસંદ હતી. પણ આ જે વાત કરી એવી તો દિત્સાના જીવનમાં ક્યારેય નહતી બની. એ પણ ભગવાનના દર્શનની ઇચ્છા ધરાવતી હતી, એના માટે ચાતક નજરે રાહ પણ જોતી રહેતી હતી. અચાનક એનો પાંચ વર્ષનો મીઠડો -એનો દીકરો એની સામે આવ્યો. એના હાથમાં ‘યૉ યૉ બોલ’ હતો.
‘મમ્મા, આ જુઓ તો આ લાલરંગનો બોલ ગોળ ગોળ ફેરવું છું તો પીળો બની જાય છે કેવું મેજીક છે ને!’
અને મીઠડો યૉ યૉ બોલને સ્પીડમાં હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો ને દિત્સા હસી પડી.
‘અરે બેટા, આ તો આપણો ભ્રમ – ઇલ્યુશન છે. બોલ તો હકીકતે લાલ જ છે. એને ઝડપથી ફેરવે એટલે એ પીળો કલરનો લાગે’ આટલું બોલતાં બોલતાં તો દિત્સુના મગજમાં કંઈક નવાઈની ક્લીક થઈ અને એ એક્દમ જ ખુશ થઈ ગઈ.
‘ઓહ મમ્મા, એવું હોય કે ? ‘ ને મીઠડાંના ભોળા મુખ પર અચરજના રંગ લીંપાઈ ગયા.
‘હા દીકરા,એવું જ હોય.’ અને દિત્સાએ મીઠડાંને નજીક ખેંચીને એના ગાલ પર પપ્પી કરીને વ્હાલ કરી લીધું.
‘ચાણક્ય એક કામ કર તો આ બાબાને આપણાં ઘરે આવવા માટે આમંત્રણ આપ તો, છાપામાં એડ્રેસ છે જ. મારે એમની સાથે થૉડી વાત, સત્સંગ કરવો છે.’
‘ઓકે મેડમ, જેવો આપનો હુકમ’ અને ચાણક્ય એ ફોન કરીને બાબાની બે દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મેળવી લીધી.
બે દિવસ પછી,
‘અહાહા, શું સુંદર અને પોઝિટીવ વાતાવરણ છે દીકરા તારા ઘરનું , અહાહા… પગ મૂકતાં જ હું તો પ્રસન્ન થઈ ગયો ! ‘ બાબા દિત્સાના ઘરમાં પ્રવેશ કરતાં જ બોલી ઉઠયાં.
‘જી આભાર બાપજી.’દિત્સા સાવ ટૂંકાણમાં જ બોલી. જાતજાતના ફળાહાર કરાવીને શાંતિથી દિત્સા અને ચાણક્ય બાબાની સાથે બેઠાં.
‘બાપજી, એક વાત કહો તો. તમને આ જે વૃક્ષ, પહાડ, નદી બધી જ જગ્યાએ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી ?’
‘હા બેટા, મેં વર્ષોથી એનો અભ્યાસ કર્યો છે. તપસ્યા કરી છે એટલે આજે હું ઇશ્વરને જોઇ શકવા સક્ષમ થઈ શક્યો છું. બધી ઉપરવાળાની મહેરબાની.’
અને આટલું બોલતાં બોલતાં તો બાપજીનું મોઢું તેજથી, અનોખી આભાથી ભરાઈ ગયું.
‘અચ્છા બાપજી, તમે આજનો દિવસ અહીં મારા ઘરે રોકાશો ? પણ હા એક શરત – તમે ક્યાંય ઇશ્વરને શોધવાનો પ્રયત્ન ના કરતાં.’
દિત્સાએ ખૂબ જ ભાવપૂર્વક બાબાને આમંત્રણ આપ્યું અને બાબા એનો અસ્વીકાર ના કરી શક્યાં. સાંજે જમી કરીને થોડી વાતો કરીને નિત્યક્રમ મુજબ સાડા દસ વાગે બાબા ‘ગેસ્ટરુમ’માં સૂવા ગયાં.
સવારે દિત્સા ઉઠીને રસોડામાં ગઈ તો બાબા ઘરની ગેલેરીમાં ઉદાસ મોઢે બેઠેલાં દેખાયા અને દિત્સા ગભરાઈ ગઈ.
‘શું થયું બાપજી ? કેમ આમ ઉદાસ ?’
‘તમે મારા ઇશ્વર છીનવી લીધાં. કાલથી મેં બધે ભગવાનને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધો તો હવે એ મારાથી રિસાઈ ગયા. મારી વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું.’
અને દિત્સા ધીમું હસી પડી.
‘બાપજી એક વાત કહું. તમે જે ઇશ્વરને જોતાં હતાં એ તો તમારી કલ્પના માત્ર હતી. તમે તમારી નજર, દિમાગને એ રીતે જ ટ્રેઈન કરેલું પણ હકીકત ને કલ્પના બહુ અલગ હોય છે. તમારે નદી, ઝરણામાં ઇશ્વરને શું કામ શોધવાના ?’
‘મતલબ ?’
‘મતલબ એ જ કે તમારે એ લેવલે તમારી સાધનાને લઈ જવાની કે તમને ચોતરફ ફકત ને ફકત ઇશ્વર જ દેખાય. પ્રશ્ન એ થવો જોઇએ કે નદી – ઝરણાં ક્યાં ગયાં ? કારણ – જે છે એ તો બધું જ ભગવાન જ છે ! આ વાત, અનુભવ માણસ જ્યારે પોતાની જાતને ભૂલી જાય અને પોતાની અંદર જ ઇશ્વરને શોધવાનો યત્ન કરે ત્યારે જ શક્ય બને. આટલા વર્ષોના મારા ચિંતન, મનન પછી હું તો આટલું જ જાણી શકી છું. બાકી તો આપ વધુ અભ્યાસુ.’
‘હા દીકરી, અભ્યાસ તો વધારે છે પણ કોર્સ ખોટો હતો. હું તારી વાત સમજી શકું છું અને એની સાથે સર્વથા સહમત પણ થાઉં છું. મને રાહ ચીંધવા બદલ ખૂબ ખૂબ આભાર.’
અનબીટેબલઃ ઘણીવાર પ્રયત્નોથી ના મળે એ સહજતાથી જરુર મળી શકે.
-સ્નેહા પટેલ.

કચરાવાળી બાઈ ઃ


phulchhab newspaper > navrash ni pal column > 8-9-2015
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
– અમૃત ઘાયલ

પોતાનો આઈફોન ત્રાંસો, સીધો કરીને ‘સેલ્ફી’ માટે ફેસ આમથી તેમ સેટ કરતી માદ્યાની નજર પોતાની જમણા હાથની આંગળી પર ગઈ અને આંખમાં એક ચમકારો થઈ ગયો. આંગળી પર છેલ્લાં વેઢા પાસે એક કાળું મોટું ચકામું પડી ગયેલું હતું.
‘આ તો…આ તો પેલા દિવસે વિચારોના સાગરમાં ગોથા ખાતી હતી અને સિગારેટનું સળગતું ઠૂંઠૂં આંગળીને આવીને ક્યારે ચુંબન કરી ગયું અને અંગારો ચાંપી ગયુ હતું એનું ધ્યાન જ નહતું રહ્યું..’ એ દિવસના વિચારોના વિચારમાં પાછા નહતું પડવું અને માદ્યાએ જોરથી માથું હલાવીને વિચારને ખંખેરી કાઢવાનો પ્રયત્ન કર્યો. સેલ્ફીનો મૂડ જતો રહ્યો અને અચાનક સિગારેટની તલપ અનુભવવા લાગી. ધીમેથી જીન્સના ફ્રંટ પોકેટમાં ખોસેલી છુટ્ટી સિગારેટ કાઢી અને લાઈટરથી જલાવીને ઝડપથી એક ફૂંક મારી દીધી. સિગારેટના ગોળાકાર વલયની આરપાર નજર જતાં એની નજરે એક મેલા ઘેલાં કપડામાં વીંટળાયેલી મજૂર જેવી લાગતી સ્ત્રી નજરે ચડી. એ હાથમાં લાંબાં ઝાડુ સાથે રોડ પર પડેલાં વૃક્ષના સૂકા પર્ણનો કચરો એકઠો કરીને સડકની એક બાજુએ જમા કરી રહી હતી. આ ગમાર પણ કેવી ભાગ્યહીન ! એક જોડી સારા કપડાં ય એના નસીબમાં નહીં કદાચ કોઇ દયા કરીને સારા કપડાં આપી દે તો આમને ઉત્સવ થઈ જતો હશે. એના ભાગ્યને કોસતી એ સિગારેટમાં વિચારોને ફૂંકવા લાગી
સાંજના સાત વાગ્યાનો સમય હતો. ટ્રાફિક માટે અતિ મશહૂર એવો શહેરનો આ રસ્તો આજે આસ્ચ્ર્યજનક રીતે શાંત હતો. એકલ દોકલ વાહનની અવર જવર નજરે પડતી હતી. જો કે સવારનો રોજિંદો સમય છોડીને કચરો વાળનારીએ આજે આ સમય કેમ પસંદ કર્યો હશે એ વિચારમાં ચડીને માદ્યાએ સિગારેટના બીજા બે કશ લગાવી દીધા. ફોનને જીન્સના પોકેટમાં સરકાવીને બોબ્ડથી થોડાક વધુ લાંબાવાળને અદાથી એક ઝટકો માર્યો. લીસા, ભૂરાવાળ ઝાટકા સાથે એક સેકંડ માટે પાછળની બાજુ ગયા અને તરત જ એના લપસણા ગુણધર્મને વશ થઈને પાછા માદ્યાના કપાળ પર સરકી આવ્યાં. માદ્યા પણ હવે એના સુંવાળા કેશની આ અવળચંડાઈથી ટેવાઈ ગઈ હતી, બીજીવાર વાળને વારવાની કોઇ કોશિશ ના કરી અને ચૂપચાપ વૃક્ષની નીચેના ઓટલા પર પગ લાંબા કરીને બેફિકરાઈથી બેસી ગઈ. કચરોવાળનારી પણ સિગારેટ પીતી સ્ત્રીને જોઇ ને બે પળ થોડી એના તરફ આકર્ષાયેલી પણ પછી પોતાના કામ સાથે કામ રાખીને પાછી કચરો વાળવા લાગી હતી.
એવામાં એક બાઈક પર બે જુવાનિયાઓ ત્યાંથી પસાર થયાં અને માદ્યાને સિગારેટ ફૂંકતી જોઇને બાઇકસવારનો પગ આપોઆપ બ્રેક પર વાગી ગયો. ફુલસ્પીડના બાઈકને અચાનક બ્રેક વાગી. આખો રસ્તો બ્રેકની ચરચરાહટથી ભરાઈ ગયો. માદ્યાની નજર પણ એ અવાજથી આપોઆપ બાઈક તરફ વળી પણ તરત જ એણે નજર વાળી લીધી અને આઈફોન કાઢીને એમાં મનપસંદ ગીતો શોધવા લાગી. ગીતો શોધીને કાનમાં ઇયર પ્લગ ભરાવીને એણે ગીત સ્ટાર્ટ કરવા પર આંગળી દબાવી જ હતી કે પેલા બાઈકવાળા બે યુવાન એની નજીક આવીને ઉભા રહ્યાં.
‘ કંઈ પ્રોબ્લેમ છે ?’ સિગારેટની કડવાશ માદ્યાના સ્વરમાં ઝલકતી હતી.
‘પ્રોબ્લેમ તો શું હોય ..આ તો જરા મૌસમની મજા માણવાની ઇચ્છા થઈ ગઈ..’ અને એ યુવાન હસતાંહસતાં માદ્યાની નજીક ઓટલા પર બેસી ગયા.
‘મૌસમની મજા…મીન્સ ? હું કંઇ સમજી નહીં. જે વાત હોય એ ક્લીઅર કહો અને હાલતી પકડો. મને અજાણ્યાં લોકો સાથે વાત કરવામાં કોઇ રસ નથી.’
બેમાંથી એક યુવાને ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢીને બે સિગારેટ કાઢીને સળગાવી અને બીજી પોતાના મિત્રને આપતાં બોલ્યો,
‘કામ કંઈ નહીં સ્વીટી, આ તો તું એકલી એકલી સિગારેટ ફૂંકે છે તો તને કંપની આપવાના ઇરાદે અમે રોકાઈ ગયા છીએ બસ. એમાં આટલી આકરી કાં થાય છે ?’
નફ્ફટાઈથી હસતાં એ યુવાન બોલ્યો.
‘ઓહ..થેન્ક્સ. પણ મેં તમારી કંપની કયારે માંગી ? પ્લીઝ, અહીંથી ચાલતી પકડો નહીંતો હમણાંબૂમાબૂમ કરીને લોકોને ભેગાં કરી દઈશ. આ એરીઆમાં પચાસ જણ તો ચપટી વગાડતાં જમા થઈ જશે એ તો તમે બહુ સારી રીતે જાણતાં જ હશો ને !’
ને માદ્યાએ સિગારેટનો છેલ્લો કશ લગાવીને ઠૂંઠૂં સડકની બાજુમાં ફેંક્યું.
‘અરે જાનેમન, એક તો બેપનાહ હુસ્ન ઓર ઉસપે યે અદા..અહાહા…બનાનેવાલેને ભી ક્યા ફુરસતસે તુજે બનાયા હોગા..’
અને એ યુવાને માદ્યાને આંખોથી એક અશ્લીલ ઇશારો કર્યો. માદ્યા પગથી માથા સુધી સળગી ગઈ. એની સાથે આટલી ખરાબ રીતે હજી સુધી એની સાથે કોઇએ વાત નહતી કરી. એ હજુ કશું બોલવા જાય ત્યાં સુધીમાં તો પેલી કચરો વાળનારી બાઈ એની પાસે આવીને ઉભી રહી ગઈ.
‘ચ્યમ લ્યા, આ બુનને હેરાન કરો સો..’
‘બે..જાને સાલી..ઢે…્ચૂપચાપ તારું કામ કરને જા. આટલી મોર્ડન લેડી આમ રસ્તા પર સિગારેટ ફૂંકતી હોય એટલે એ બધી રીતે પૂરી જ હોય. તને બુડથલને એમાં શું સમજ પડે ? તું તારે હાલતી પકડ ચાલ.’
‘લ્યા,ઈ બાઈ માણહ સિગારેટ ફૂંકે તંઈ તારા બાપને ચેટલા ટકા હં..? તમે આદમીઓ સિગારેટ ફૂંકે તંઇ અમે બૈરા માણહ કદી કોઇ વિચાર – પૂછપરસ કરીએ સીએ ..બોલ્ય તો ! એની મરજી, એને જે કરવું હોય ઇ કરે..તમતમારે તમારો રસ્તો માપો ની..નહીં તો આ મારું ચાકુ કોઇનું સગલું નહીં થાય કહી દઉં સુ હાં..’
અને એ કચરાવાળી બાઈએ એની કમરેથી ચાકુ કાઢીને ચાંપ દબાવીને એને ખોલી કાઢ્યું. ચપ્પાની ચકચકીત ધાર અને એ ગમાર બાઈની આંખમાંથી નીકળતી આગ જોઇને એ બે યુવાનોના હાંજા ગગડી ગયાં. બે મીનીટમાં જ બધી રોમિયોગીરીનું ભૂત ઉતરી ગયું અને સિગારેટ ત્યાં જ ફેંકીને બાઇક ચાલુ કરીને રફુચક્કર થઈ ગયાં.
માદ્યા તો હજુ પણ આ બે મિનીટમાં પલટાયેલી બાજી જોઇને હતપ્રભ થઈને ઉભી હતી. હજુ પણ પેલીબાઈએ એને બચાવવા માટે આવો પ્રયત્ન કર્યો એ એના માન્યામાં નહતું આવતું. અચાનક એની આંખ છલકાઇ ગઈ અને એ કચરાવાળીબાઇનો હાથ પકડીને એનો આભાર માનવા લાગી.
‘અરે બુન, એમાં આભાર શું.આપણે પણ માણહ છીએ. દરેક જણ પોતાની તકલીફોનો રસ્તો પોતાની મેળે જ શોધતો હોય છે. તમે તમારી ચંત્યા દૂર કરવા આ બીડી ફૂંકો તંઈ એમાં ખોટું શું ? એનો મતબલ એમ તો નહીં ને કે તમે કોઇ કોઠાવાળી બાઈ છો ? જાવા દે ને બુન, આ સમાજ જ આવો સે . અસ્ત્રીઓને ને ભાયડાં માટે બધા ય નિયમો નોખા ! હું એમ નથ કહેતી કે સંધી ય અસ્ત્રીઓએ આમ બીડીઓ ફૂંકવી જોઇએ પણ કોઇ અસ્ત્રી એની મરજી મુજબ એ ફૂંકે તો એમાં ખોટું શું સ…એની જંદગીની એ માલેક..બીજાઓએ એમાં ચ્યમ ચપચપ કરવાની .હેં..? તમતમારે નિરાંતે ઓલ્યા ઓટલે બેહજો ને તમારી બીડીયું ફૂંકજો, હું ય જોવું છું કે કોણ માઈનો લાલ તમારી સામે આંખ ઉઠાવીને જોવે સે. પણ મારી બુન એક વાત કહું..આ મારો ધણી આ બીડીઓ ફૂંકી ફૂંકીને જ દેવને વ્હાલો થૈ ગયેલો. તો બની શકે તો તું પણ આ કાળોતરીથી દૂર રહેવાનો પરયત્ન કરજે. હજી તો ઘણી જુવાન સે તું. બહુ તડકી છાંયડી જોવાની બાકી સે તારે..આમ જીવન ના બગાડતી મારી બુન’ ને પાલવની કોરથી ભીની થઈ આવેલી આંખો લૂછતી, ચપ્પુ પોતાની સાડીની કિનારીએ બાંધતી કચરાવાળી બાઈ પોતાના કામે વળગી.
સાવ ગમાર અને અભણ બાઈની આટલી આધુનિક વિચારસરણી હિંમત અને ઉંડી સમજણ જોઇને માદ્યા દંગ રહી ગઈ. ત્યાં જ માદ્યાએ બેપરવાઈથી ફેંકી દીધેલ સિગારેટના ઠૂંઠાથી સડકના કિનારે ભેગા કરાયેલ સૂકા પર્ણના કચરાના ઢગમાં આગ લાગી ગઈ અને માદ્યા એ આગની ચિનગારીની તુલના કચરાવાળી બાઈની નજરમાંથી નીકળતાં તણખાં સાથે કરી બેસી.

મોડીફીકેશન


phulchhab newspaper > navrash ni pal column > 26-8-2015

તેં કહ્યું તે મેં ના માન્યું, મેં કહ્યું તે તેં કદી,
આમ નાની જીદમાં એક વારતા સરજાય છે.

– લેખિકાના નવા કાવ્યસંગ્રહ ‘અક્ષિતારક’ પુસ્તકમાંથી.

હમણાં જ વરસાદ પડી ગયેલો. વાતાવરણમાં એક અનોખી માદકતા પ્રસરી રહી હતી. આમ તો ખંજનાને વરસાદ પડી ગયા પછી ‘વૉક’ લેવા જવાનો કંટાળો આવે. ચોમેર ગંદકીથી બચીને ચાલતા જવાનું હોય એમાં ચાલવા માટેની જરુરી અને એકધારી સ્પીડ જ ના પકડાય પણ આજે એનું મન ખિન્ન હતું અને એને થોડો ચેઇન્જ જોઇતો હતો એથી એ પ્લેટફોર્મ હીલ વાળા ચાલવામાં સુવિધાજનક એવા ચંપલ પહેરીને ચાલવા નીકળી. રસ્તાની ગંદકીને નજરઅંદાજ કરીને એણે ઠંડકભર્યા વાતાવરણ સાથે જ તાદાત્મય સાધ્યુ અને ધીમી પણ મક્કમ ચાલે ચાલતી ચાલતી પોતાના મનપસંદ એવા આશ્રમ પાસે પહોંચી ગઈ. ત્યાં જઈને એની નજરે એક અદભુત નજારો જોવા મળ્યો. ઉનાળામાં સાવ જ ભૂખરાં રંગે રંગાઈને નખાઈ ગયેલી હાલતમાં જીવતી ટેકરી પર થોડા દિવસના વરસાદ પછી લીલુડાં ઘાસની ઝીણી ઝીણી ઝાંય ફૂટી નીકળી હતી જાણે નવા નવા જુવાન થયેલા છોકરાના મોઢા પર ઉગી નીકળેલી સોનેરી – મુલાયમ રુંવાટી ! આજુબાજુથે વહેતો મંદ મંદ પવન અડતાં જ એ લીલી રુંવાટી રણઝણી ઉઠતી હતી. ટેકરીમાં પગથિયાં કોતરીને ઉપર એક મંદિર બનાવેલું હતું એ મંદિરની કેસરી ધજા હવામાં ફરફર થતી હતી એ જોઇને આખા વાતાવરણમામ એક દિવ્યતાનો અનુભવ થતો હતો. મંદિર સુધી પહોંચવાની પગદંડીના પગથિયાં વરસાદમાં ધોવાઈને ચોખ્ખાં ચણક થઈ ગયા હતાં. આજુબાજુના વૃક્ષોની વચ્ચેથી ચળાઈને આવતા તડકાંની ધારથી ટેકરીનું શિખર સોનાનું લાગતું હતું. ત્યાં જ મંદિરના ઘંટનો અવાજ વાતાવરણમાં રણકી ઉઠ્યો અને સાથે ખંજનાના મોબાઈલની રીંગ પણ અને ખંજનાનું ધ્યાન તૂટ્યું. એક પણ થૉડો ગુસ્સો આવી ગયો.પોતે શાંતિ ઇચ્છતી હતી તો મોબાઈલ શું કામ લઈને નીકળી ? જાત સાથે થોડી પળો વીતાવવી હતી પણ રોજિંદી ટેવવશ મોબાઈલ હાથમાં લેવાઈ ગયેલો. ખંજનાએ સ્ક્રીન પર નજર નાંખી તો પારીજાતનું નામ ઝળક્યું.
‘બોલ.’
‘ખંજના, ક્યાં છે તું ? કશું જ કહ્યા કર્યા વિના કેમ નીકળી ગઈ ? હું ક્યારનો તને શોધુ છું.’ સામેથી વિહ્વળ અવાજ આવ્યો.
‘પારી, હું ટહેલવા નીકળી છું. આશ્રમ આગળ જ છું. ચિંતા ના કર હમણાં થૉડી વારમાં આવી જઈશ.’ ને ફોન કટ કરી દીધો અને વિચારવા લાગી,
‘પારી એને કેટલો બધો પ્રેમ કરે છે..તો પછી આમ કેમ.?’ અને માથાને એક ઝાટકો મારીને બધા વિચારો ખંખેરીને મન પાછું મંદિરમાં, ટેકરીમાં પરોવ્યું. થોડી વાર મંદિરમાં બેસીને પરિતૃપ્તિનો આનંદ મેળવીને ખંજના ઘર તરફ વળી. ઘરે જઈને જોયું તો પારીજાત ચા ની ટ્રે અને નાસ્તા સાથે એની રાહ જોતો હતો એ જોઇને ખંજનાને એક ઓર ખુશીનો ઝાટકો લાગ્યો.
‘આ શું ? હું કહી કહીને અડધી થઈ જાઉં તો ય તું ચા ના મૂકે અને આજે…ઓહ..એક મીનીટ, હું હાથ – મોં ધોઇને આવું છું ડાર્લિંગ.’
ફ્રેશ થઈને ખંજના ચા પીવા સોફા પર બેઠી અને ટીપોઇ પર નજર નાંખી તો ફરી એક નવાઈનો ઝાટકો લાગ્યો,
‘અરે, ટીપોઇ આટલી ચોખ્ખી ચણાક કેમની ? આગળના દિવસના બધા પેપર, મેગેઝિન બધું જ ત્યાંથી ગાયબ હતું. ફકત આજ્નું પેપર જ ત્યાં વ્યવસ્થિત રીતે ગડી કરીને ગોઠવાયેલું હતું.
‘પારી, આ બધા પેપર ક્યાં ગયાં?’
‘અરે, એ તો તારી રાહ જોતાં જોતાં કંટાળેલો તો મેં ઘરમાં થૉડી સાફસફાઇ કરી નાંખી. જો ને બારીના કાચ પણ કેવા ચોખ્ખા ચણાક છે ને સોફા પરના કુશન, ફોનનું ટેબલ, બેડરુમની બેડશીટ અને કુશન કવર સુધ્ધાં બદલીને જૂની ચાદર વોશિંગ મશીનમાં નાંખીને મશીન પણ ચાલુ કરી દીધું છે.’
‘અરે, હું આખો દિવસ ઘર સાફ રાખવામાં મદદ કરવા માટે તને અને તારી વ્હાલી દીકરી ખુશાલીને રોજ બૂમો પાડી પાડીને કહુ પણ તમે બે તો સાંભળો જ ક્યાં…જાણે આ બધું મારી એકલીની જ જવાબદારી છે એવું વર્તન જ કરો અને આજે અચાનક જ આમ….’
‘ખંજના, એવું કંઈ નથી. હું તો ઘણી વખત ટીપોઇના પેપર, ટીવીનો કાચ પણ સાફ કરી નાંખુ છું. બે દિવસ પહેલાં તો તું મમ્મીને ઘરે ગયેલી ત્યારે રુમમાં પડેલા બધા અસ્તવ્યસ્ત કપડાં ગડી કરીને બધાના કબાટમામ વ્યવસ્થિત ગોઠવી દીધેલા. ખ્યાલ છે ?’
અને ખંજનાની નજરે એ દિવસનું ચોખ્ખા ઘરનું દ્ર્શ્ય તરવરી ઉઠ્યું.
‘ઓહ, એ દિવસે મને ચોખ્ખાઇનો અનુભવ તો થયેલો પારી પણ તેં આવું કામ કરેલું એ ખ્યાલ ના આવ્યો ને હું તો સીધી રસોડામાં ઘૂસીને કામમાં લાગી ગયેલી.સોરી ડીઅર, પણ આજે સવારે જ મેં તને ફ્રીજમાં પાણીની બોટલ ભરી દેવાનું કહ્યું અને તેં સાંભળ્યું જ નહીં ત્યારે મને બહુ જ ગુસ્સો આવેલો ને હું ફેશ થવા ઘરની બહાર નીકળી ગઈ એ વખતે તારે મને ના કહેવું જોઇએ કે તું આ બધું કામ ચૂપચાપ કરે છે. આજે જ્યારે આ વાત નીકળી ત્યારે મને એ વાતનું ભાન પડે છે કે તું મને ઘરકામમાં કેટલી મદદ કરે છે.’
‘અરે, ખંજના એમાં બોલવાનું શું ? કામ કરવાનું હતું તો કરી કાઢ્યું.’
‘ના પારી,કાયમ આમ ચૂપચાપ રહીને કામ ના થાય. તમે જે કામ કરો એનો સામેવાળાને અહેસાસ થવો જોઇએ. હું મારી કામની ધૂનમાં જ હોવું અને અનેકો ટેન્શનમાં ફરતી હોવું ત્યારે તારું આ ચૂપચાપ કરાતું કામ મારા ધ્યાનમાં ય નથી આવતું અને અંદરોઅંદર હું અકળાયા કરું કે’,ઘરની સાફસફાઈ, સુપેરે ચલાવવાની જવાબદારી કાયમ મારી એકલીની જ..? આ તો ઠીક છે કે આપણાં બે વચ્ચેની વાત છે પણ તું તો સંબંધીઓમાં પણ આવું કરે છે અને મોટાભાગે લોકોને તારા ચૂપચાપ કરાયેલા કામની કોઇ ખબર જ નથી પડતી. કાયમ ચૂપ ના રહેવાય ડીઅર, સમયાંતરે બોલતાં રહેવું જરુરી છે. નહીં તો આજે મેં મનોમન તારા વિશે વિચારીને જે અન્યાય કર્યો એવો જ લોકો કાયમ તને કરતાં રહેશે જે મારાથી તો સહન નહી જ થાય. માન્યું કે ચૂપચાપ કામ કરવું એ તારો સ્વભાવ છે પણ એને તારે મારી ખાતર પણ થોડો મોડીફાય તો કરવો જ રહ્યો..પ્લીઝ.પોતે કરેલા કામ વિશે થોડું બોલતાં શીખ જેથી સામેવાળાને રીયલાઈઝ થાય અને એની કદર કરે. જો કે કદર કરે કે ના કરે એની કોઈ ચિંતા નથી પણ તને અન્યાય તો ના જ કરે. માનવીએ બઢી ચઢીને માર્કેટીંગ કરવું જોઇએ એમ નથી કહેતી પણ સાવ તારી જેમ ચૂપ રહીને પણ કામ ના જ કરવા જોઇએ.’
‘ઓકે બાબા, હવેથી હું ધ્યાન રાખીશ. હવે ચાલ ચા પી લઈએ..વેઈટ હું ઓવનમાં બે મીનીટ મૂકી દઉં. તને પાછી ઠંડી ચા નહી ભાવે..’
ને ખંજના અતિ પ્રેમાળ પતિદેવને જોઇને મનોમન હરખાતી રહી.
ગરમીથી ત્રાસેલી ટેકરી પર વરસાદના છાંટણાંથી અતિ નાજુક લીલા સ્પંદનો સળવળી ઉઠયાં.

અનબીટેબલ ઃ શબ્દો અને મૌન પ્રાર્થનાના જ બે રંગ છે
-sneha patel

અમારો જમાનો –


phulchhab newspaper > navrash ni pal oclumn
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

‘પ્લીઝ પપ્પા, હવે અમે થાકી ગયા છીએ આ તમારા જમાનાની વાતો સાંભળી સાંભળીને. બસ કરો. આજે જ્યારે બે બે વર્ષે જમાનો બદલાઈ રહ્યો છે ત્યારે તમે અમારી પાસે આજથી ચાલીસ વર્ષ પહેલાંના તમારા વર્તન જેવી અપેક્ષા રાખો એ કેટલું વ્યાજબી ? થોડા સમજુ બનો ને જમાનાની બદલાતી હવાઓ સાથે તમારા સ્વભાવની તાલમેલ સાધીને જક્કીપણું છોડતાં શીખો.’
એક શ્વાસે આટલું બોલીને ઓગણીસ વર્ષનો અપૂર્વ માઇલોના માઇલોનું અંતર દોડી આવ્યો હોય એમ હાંફી ગયો. યુવાન વય હતી એટલે બોલીને હાંફી ગયો હોય એના કરતાં આવેશમાં હાંફી ગયો હશે એમ માનવું વધુ યોગ્ય લાગતું હતું. એની બાજુમાં ઉભેલી અપૂર્વથી બે’ક વર્ષ નાની એની બેન આસ્થાએ પણ ભાઈની વાતમાં નજરથી જ મૂક સંમતિનો સૂર પૂરાવ્યો.

અશ્વિન અને અર્પણા – અપૂર્વ – આસ્થાના મમ્મી પપ્પા પોતે સંતાનોના ઉછેરમાં ક્યાં ચૂક્યા જેવા અપરાધભાવથી એકબીજાનું મોઢું તાકતા રહી ગયાં. વાતમાં ફક્ત એટલું જ હતું કે અશ્વિને બે ય સંતાનોને સમય મળે ત્યારે એની મમ્મીને ઘરકામમાં મદદ કરાવવા જેવી શિખામણ આપી હતી. બે ય જુવાનિયાઓને કોલેજ,સ્કુલ ને ટ્યુશનક્લાસીસ પછી જે સમય વધે એમાં તેઓ દોસ્તારો, બહેનપણીઓ સાથે ફરવા, રમવા ઉપડી જતાં ને કોઇ જ ના મળે તો મોબાઈલ, લેપટોપમાં માથું ઘાલીને પડ્યાં રહેતાં જેમાંથી ફક્ત ભૂખ લાગે કે પૈસાની જરુર હોય ત્યારે જ એમનું માથું ઉંચુ થતું હતું. પોતાની એક અલગ જ દુનિયામાં જીવતા હતાં.

જોકે અશ્વિનને એની સામે કોઇ વાંધો નહતો. એમની ઉંમર છે તો ભલે આરામથી જીવે પણ આજકાલ અર્પણાની તબિયત ગાયનેક પ્રોબ્લેમને લીધે નરમ ગરમ રહેતી હતી. તબિયત સારી હોય ત્યારે એ રાંધતી ને ના ઠીક લાગે તો પથારીમાં પડી રહેતી. એવા સમયે પણ એમના જુવાનજોધ સંતાનો પોતાની જવાબદારી સમજતા નહતાં ને બહારથી ખાવાનું લાવીને ખાવાની નોબત આવતી. મમ્મીની તબિયત તો રોજ આવી જ રહે ..ચાલ્યાં કરે..એમાં આપણી લાઈફસ્ટાઈલમાં શું કામ ફર્ક પડવો જોઇએ..? આ તો રોજનું થયું ! બસ, આ લાગણીશુષ્કતા – બેજવાબદારી અશ્વિનથી સહન નહતી થતી.

અશ્વિનનું બાળપણ બહુ જ ગરીબીમાં વીતેલું હતું. બે બેન ને બે ભાઈમાં એ સૌથી મોટો ભાઈ. નાના ભાઈ બેનોને ભણાવવા ને મોટા કરવામાં એણે બારમા ધોરણ સુધી અભ્યાસ કરીને નોકરી શોધી લીધેલી અને અઢળક પરિશ્રમ કરીને પોતાના ભાઈ બેનોની જવાબદારી પૂરી કરીને પછી જ એણે પોતાનો સંસાર માંડ્યો. પોતે જેવું જીવેલો એવું પોતાના સંતાનો તો નહીં જ જીવે, પોતાનું બાળપણ ભલે અનેકો અભાવોમાં વીત્યું પણ પોતાના આંખના તારાઓને તો એવું જીવન નહીં જ જીવવા દે. દિન રાત જોયા વિના ટાઢ તડકો વેઠીને ય એ મહેનત કરતો અને એ મહેનત આખરે રંગ લાવી હતી. આજે એની પાસે સારા એરીઆમાં ત્રણ બેડરુમવાળો સુવિધાયુકત ફ્લેટ અને બે મોટી ગાડીઓ હતી. સંતાનો પાણી પણ ના માંગે ત્યાં તો એ ફ્રૂટ જ્યુસીસ ને આઇસક્રીમ લાવીને મૂકી દેતો. અર્પણા એને કાયમ ટોકતી કે તમારા લાડપાદ છોકરાઓને બગાડી મૂકશે પણ અશ્વિનના મગજમાં તો એક જ ધૂન..પોતે જે સહન કર્યું એ પોતાના સંતાનો તો નહીં જ કરે બસ ! અને આજે એ જ બે સંતાનો એમને આમ કહેતા હતાં એ જાણીને અશ્વિન સાવ ભાંગી ગયો.અશ્વિનની હાલત જોઇને અર્પણા ય અંદર સુધી હાલી ગઈ. કોઇ દિવસ એ સંતાનો અને બાપની વાતોમાં માથું ના મારતી પણ આજે એનાથી ના રહેવાયું,
‘અપૂર્વ, આ તું શું બોલે છે તને ભાન બાન છે કે નહીં ?’ ના ઇચ્છવા છતાં ય અર્પણાનો અવાજ થોડો તીખો થઈ ગયો.
‘ઓહ કમઓન મમ્મી, હવે તું ચાલુ ના કરીશ પ્લીઝ. આજના ઇન્ટરનેટના જમાનામાં તમે લોકો તમારા જમાનાની લેન્ડલાઈનની તકલીફોની વાત કરો તો કેવું ‘ફની’ લાગે ! તમારે થોડું સમજવું જોઇએ..તમે જે જીવ્યાં એ સમય અલગ હતો જે આજનો સમય અલગ છે. આજના જમાનાની માંગ અલગ છે. અમે લોકો તમારી જેમ જીવવા બેસીશું તો સાવ લલ્લુ જ લાગીએ ને !’ આસ્થાના જુવાન અવાજમાં કડવાશ ભળેલી હતો.

‘છોકરાંઓ, તમારા પિતાજીની એક ભૂલ એ થઈ ગઈ કે એ જે અભાવમાં જીવ્યાં એનો આછો સરખો છાંયો પણ તમારા ઉછેરમાં ના પડવા દીધો. જુઓ બેટા, દરેક મા બાપનું એક કોમન સપનું હોય હોય ને હોય જ કે એ જે જીવ્યાં , એમના સંતાનો એમનાથી સારું જીવન જ જીવે. કાલે તમે જ્યારે પરણશો ને સંતાનના માતા પિતા થશો ત્યારે તમે પણ એમ જ વિચારશો. હવે અભાવોની જિંદગીથી સુખસાહ્યબીની જીંદગી સુધીની સફર માતા પિતાએ કેમની પાર કરી હોય એ તો એ લોકો જ જાણતાં હોય. તમે આજકાલના લોકો મોર્ડનના નામે આધુનિક ઉપકરણોના ગુલામ બનીને આળસુ બની ગયાં છો. અમારા સમયમાં સારું જ છે કે આ બધું નહતું અને અમે પરિશ્રમી બની શક્યાં. જોકે તમે મોર્ડન, સ્માર્ટ બનો એની સાથે તો અમે ય ખુશ જ છીએ પણ એ સ્માર્ટનેસના ચક્કરમાં કોઇ જ કામ ના કરવું કે કોઇ જવાબદારી નિભાવવાની તસ્દી જ ના લેવી એના જેવી ખોટી વાત તો બીજી એક પણ નથી..નથી ને નથી જ. વળી તમને કામ પણ શું કહ્યું છે..ઘરમાં મદદ કરવાનું જ ને…તો એમાં શું મોટી – સ્માર્ટનેસની વિરુધ્ધની વાત થઈ ગઈ?’
‘મમ્મી, અમારા ગ્રુપમાં કોઇ જ છોકરી કે છોકરો ઘરમાં કામ નથી કરાવતાં. અમે લોકો તો તો પણ તમને શાકભાજી, કરિયાણું લાવી આપીએ છીએ પણ એ લોકો તો સાવ જ.. ના માનતા હો તો લો પૂછી જુઓ કોઇને પણ..પણ ના, તમે તો એ સ્વીકારવાને બદલે અમે નાના હતાં ત્યારે અમારા માતા પિતાને આમ મદદ કરતાં ને તેમ કરતામાંથી જ ઉંચા નથી આવતાં. સમજતાં કેમ નથી તમે કે જમાનો બદલાઈ ગયો છે.’
‘દીકરા જમાનો નહીં પરિસ્થિતી બદલાઈ છે અને એ બદલનારા તમારા પિતા છે. તમારી પાસે જરુર કરતાં ય વધુ પૈસો છે એનું શ્રેય તમારા પિતાના અભાવભરેલ બાળપણને જાય છે. બાકી એ જે પરિસ્થિતીમાં જીવ્યાં છે એમાં જ તમને જીવાડ્યાં હોત તો આજે તમે લોકો તો સાવ તૂટી જ ગયાં હોત, તમારા પિતા પાસે તો આત્મવિશ્વાસ અને ઘર માટે કંઇ પણ કરી છૂટવાની લાગણીને મૂડી ભરપૂર હતાં તમે તો ત્યાં ય ખોખલાં સાબિત થઈ જાઓ છો. બે મહિના પોકેટમની વગર જીવીને, મેનેજ કરીને બતાવો તો ખબર પડે. તમારા પપ્પા જે સ્થિતીમાં જીવ્યાં એ જ સ્થિતીમાં આજે પણ લાખો લોકો જીવે જ છે અને એમને તો સ્માર્ટનેસ, મોર્ડન એવું બધું વિચારવાનો, સમજવાનો સમય સુધ્ધાં નથી મળતો. એ ય પપ્પાની જેમ જ આંખો બંધ કરીને કચકચાવીને જીવ્યે જ જાય છે. ખરા અર્થમાં તો સતત અભાવો – જવાબદારીના પહાડોમાં માથા મારીને પાણી કાઢનારા તમારા પિતા તમારા કરતાં વધુ સ્માર્ટ અને મોર્ડન કહેવાય એ વાત ના ભૂલો. એ તો સમય પરિસ્થિતી પ્રમાણે સતત બદલાતા રહ્યાં છે તમે લોકો સ્માર્ટનેસ ને મોર્ડનના નામે આળસુ બની ગયા છો એ જુઓ. કામથી બચવામાં નહીં કામ કરીને સ્થિતી સંભાળી લેવામાં જ સ્માર્ટનેસની ખરી કસોટી થઈ જાય. સમજવાનું અમારે નહીં તમારે છે. અમે તો ઘણી પરીક્ષાઓ ડીસ્ટીન્કશન સાથે પાસ કરી ચૂક્યાં દીકરા..વારો તો હવે તમારો છે.’
અપૂર્વ અને આસ્થા પાસે મમ્મીની ધારદાર વાતો સામે બોલવા કંઈ ખાસ બચ્યું નહતું પણ જીવન સારી રીતે જીવવા અને પોતાના સંતાનોને ય સારું ભવિષ્ય આપવા પોતાના બાપાએ કમાઈને આપેલી સુવિધાઓવાળી સ્માર્ટનેસમાંથી બહાર નીકળીને પરિશ્રમ કરીને પોતાની સ્માર્ટનેસ કમાવા તરફ એક ડગલું ભરવું જ પડશે એવું તો એ બે ય ને સમજાઈ જ ગયેલું.
અનબીટેબલ ઃ આજે માણી શકાતી સુગંધ પાછળ અનેક વર્ષના પરિશ્રમનો ભૂતકાળ શ્વસતો હોય છે.

પલાશ


phulchhab newspaper > 7-8-2015 > navrash ni pal column.

sneha patel

sneha patel

 

ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,

સઘળી ખીલી છે વનવેલ;

ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,

ટહુકે મયુર અને ઢેલ !

બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.

– નરહરિ ભટ્ટ

 

પૂર્વદિશામાંથી સૂરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો. પક્ષીઓ લયબધ્ધ અવાજે એના આગમનની છડીઓ પોકારતા પોતપોતાના કામે ચડી રહ્યાં હતાં. શહેરના ‘પોશ’ એરીઆમાં આવેલા પોશ ફ્લેટ્સના પંદરમા માળના ફ્લેટની ગેલેરીમાંથી રીતુ કોફીની ધીમી ધીમી ચુસ્કી સાથે એ દ્રશ્યને નજરમાં સમાવી લેવાનો પ્રયત્ન કરી રહી હતી.

 

રીતુને નાનપણથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા અનહદ પસંદ હતાં. એ અચૂક એનો લ્હાવો માણે માણે અને માણે જ.વળી સદનસીબે એના ઘરનો વ્યૂ પણ એવો સરસ હતો કે સૂર્યને ‘આવો થી માંડીને આવજો’ કહેવાનો બે ય વેળાનો એ લ્હાવો ઉઠાવી શકવાને સક્ષમ હતી. ધીમે ધીમે ઉગી રહેલા સૂર્યના ઉજાસમાં સવારના લગભગ ખાલી રોડની જમણી બાજુએ ઉગેલા ખાખરાના વૃક્ષને જોઇને રીતુ કાયમ અત્યંત ભાવવિભોર થઈ જાય, એવા સમયે એ ‘માંગ માંગ માંગે તે આપું’ જેટલી પ્રસન્નતાની ભાવનાથી છલકાઈ જાય. બહુ ઉંચુ નહીં ને બહુ નીચું પણ નહીં, એ ખાખરાનું વૃક્ષ સાવ સામાન્ય જ, ઝાડ રુપાળું નહીં પણ એના ફૂલ અતિસુંદર. સાંજના સમયે તો પલાશના ફૂલો જાણે અગ્નિના ઝીણાં તિખારા જેવા જ લાગતાં.અહાહા…આજે પણ સૂર્યોદય નિહાળતાં રીતુની નજર સૂર્યકિરણોની સાથે સાથે એ અતિપ્રિય પલાશના ફૂલ પર પડી પણ આ શું..એને એક આંચકો લાગ્યો.અંદર કોઇ સંવેદનોના તાર જ ના રણઝણ્યાં. રીતુએ ફરીથી એક વાર નજરમાં એ આખું વાતાવરણ ભરી લેવાનો યત્ન કર્યો. પણ એ એની ખુશી માણવાના પ્રયાસમાં વિફળ નીવડી.

 

‘આ..હ.’ આ એની સાથે શું થઈ રહ્યું છે ? નાનપણથી જે વસ્તુઓના, મંઝિલના સપનાં જોઇ જોઇને મોટી થઈ છે, રીતસરની એ પૂરા કરવાને એ ટટળી છે, તરફડી છે એ સપનાં ધીમે ધીમે પૂરાં થઈ રહ્યા હતાં. અભાવોની વચ્ચે ગુજરેલાં બાળપણમાં પાડોશીના ઘરે ટીવી જોઇજોઇને મોટી થતી રીતુએ મોટા થઈને બહુ પૈસા કમાઈને એક મોટું ટીવી ખરીદવાનું માસૂમ સપનું જોયુ હતું. આજે ચાલીસીના પડાવે એ ઉભી હતી અને એની પાસે એના ચાર બેડરુમના ઘરમાં દરેક રુમે રુમે એક એલઈડી ટીવી હતું. ટીવી જોવા માટે બીજા રુમમાં જવાની ય તસ્દી લેવાની જરુર નહીં. પોતાના ઘરે મહેમાન આવ્યાં હોય ત્યારે એમના માટે બનાવાતા શરબત માટે જોઇતો બરફ પણ એ પાડોશીના ઘરેથી માંગવા જતી ત્યારે ભવિષ્યમાં પોતાના ઘરમાં એક મસમોટું ફ્રીજ હશે એવું વિચારતી અને આજે…એના ઘરમાં ડબલડોરના બે ફ્રીજ હતાં અને એ પણ આઇસક્રીમ , કોલ્ડડ્રીંક, ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ્સથી ઠસોઠસ ! એની સ્કુલ ઘરથી અડધો કલાકના અંતરે હતી જે રસ્તો એણે ચાલીને પસાર કરવો પડતો.એ વેળા રીતુ રસ્તા પર આવતાં જતાં વાહનોને એક તરસથી નિહાળતી અને આજે એની પાસે બે મસમોટી કાર , એ પણ શોફરડ્રીવન અને એક એક્ટીવા પણ હતું. નાના એવા બે રુમના અને રોજબરોજ ગાળાગાળીથી દિવસ શરુ કરનારા પાડોશીની વચ્ચે રહી રહીને એના કાન પાકી જતાં હતાં જ્યારે આજે..એની પાસે નિરાંતે પોતાના મનગમતાં સંગીતને માણી શકે એવો , શહેરના અતિધનવાન લોકોમાં ગણના થાય એવા એરીઆમાં એક સુંદર મજાનો ફ્લેટ હતો. પોતાનો વેલસેટલ્ડ બિઝનેસ હતો. એકાદ મહિનો ઓફિસે ના જાય તો પણ કોઇ જ તકલીફ ના પડે એવો વિશ્વાસુ સ્ટાફ પણ હતો. તો પછી..આવું કેમ ?

નાનપણમાં પાડોશીના ઘરે ચિત્રહાર જોઇ જોઇને જે ખુશી મળતી એ આજે પોતાના મસમોટા ટીવીમાં મનગમતી ચેનલોના મનપસંદ પ્રોગ્રામમાં કેમ નહતી આવતી ? ગંદકીથી ખબબદતા રસ્તા પર મસ્તીથી ચાલી જતી હતી એ વેળાની મજા આજે સુંદર મજાની એ.સી.વાળી ગાડીમાં ય કેમ નહતી આવતી ? પંદર પૈસાની પેન્સિલથી ચિત્રો દોરીને , દસ રુપિયાના વેક્સ ક્રેયોનથી કલર કરતી વેળા જે મસ્તીની હેલીમાં એ તરબોળ થતી એ આજે કેનવાસ પર મોંઘા દાટ – દેશ વિદેશથી સ્પેશિયલ મંગાવેલા કલર લઈને પેઇન્ટીંગ કરવામાં કેમ નહતી આવતી ? નાનપણમાં એના ઘરે ભાજીપાઉં કે ઢોંસા બને ત્યારે એક મહાઉત્સવ જેવું લાગતું જ્યારે આજે એ શહેરની ફાઈવસ્ટાર હોટલમાં બ્રંચ – ડીનર – બુફે કરતી હતી પણ તો ય..મજાની એ લહેરખી ક્યાં ? મનગમતો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા એ સ્પેશિયલ ઘરના ધાબે અડધો અડધો કલાક રાહ જોતી હતી જ્યારે આજે એ મનપસંદ્ દ્શ્ય એના ઘરમાંથી જ નિહાળી શકાતું હતું પણ એ ઉલ્લાસની એક ઝીણી સરખી છાંટ સુધ્ધાં એમાં નહતી અનુભવાતી. પોતાની અંદરનું નાજુક, સુંદર મન ક્યાં ખોવાઈ ગયેલું ?

 

એક ઝાટકાં સાથે રીતુ ઉઠી અને બાથટબમાં પાણી કાઢી, બોડીલોશન મીક્ષ કરીને સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને તૈયાર થઈને એ એના આધ્યાત્મિક ગુરુમાના આશ્રમમાં ગઈ. ગુરુમા નાનપણથી રીતુને ઓળખતા હતાં અને દરેક સારા – માઠા પ્રસંગે એની તાકાત બનીને ઉભા રહેતાં. જોકે આજનો પ્રસંગ સારો – માઠો કરતાં પણ વધુ નાજુક, વધુ સંવેદનશીલ હતો. સ્લીવલેસ જાંબુડી રંગની શિફોનની સાડીમાં વીંટળાયેલી એકવડીયા બાંધાની બેદાગ ગોરી લીસી ત્વચા ધરાવનારી રીતુના લીસા – કાળા વાળ ખુલ્લાં હતાં ને મંદ મંદ પવનનાં ફરફરતાં હતાં. આસમાનમાંથી ઉતરી આવેલી પરી જેવી રીતુની સામે જોઇને ગુરુમાએ એક મમતાળુ સ્મિત આપીને આવકાર આપ્યો.

‘બોલ બેટા, આ મારા રુપાળા ચાંદ પર આજે અમાસની કાળી છાયા કેમ પથરાયેલી છે ?’

‘મા..અમાસની છાયા જ હોય તો સારું. મને તો હું ખુદ અમાસ..’ ને ગુરુમાએ એના મોઢા પર હાથ મૂકી દીધો.

‘અર..ર પગલી, આ શું બોલે છે ? આટલી નાજુક, સમજુ છોકરી ને સાવ આવી વાતો ?’

‘મા, સાવ એકલી છું. મા બાપ ક્યારનાં મરી પરવાર્યા અને હું કોઇને પરણીને મા બની શકું એવો કોઇ સમય મળ્યો જ નહી કે એવો વિચાર પણ નથી આવ્યો. આજે જ્યારે મારા નાનપણી સપનાંઓ હકીકતનું સ્વર્ગ બનીને મારું જીવન અજ્વાળી રહ્યાં છે ત્યારે મારું અંતર ઝળઝળના બદલે એની આજુબાજુના અંધારામાં ખોવાઈ જાય છે. પહેલાં ગરીબ હતાં ત્યારે જે નાની નાની ખુશીઓની અમીરી હતી એ આજની જાહોજલાલીમાં ગમે એટલા પૈસા વેરવા છતાં ય નથી મળતી. એકચ્યુઅલી મા, હું બહુ તરસી છું આ વૈભવ, ઝાકમઝોળ માટે. આમ ને આમ જ જીવનના ચાલીસ વર્ષ વીતી ગયાં. સપનાં પૂરા કરવામાં ને કરવામાં બહુ ઉઝરડાં પડ્યાં છે, પીડાઓના સાગર ખેડ્યાં છે, આ બધું વેઠીને હું થોડી મજબૂત થઈ ગઈ એમ વિચારતી હતી પણ એ મજબૂતાઇ પાછળ મારી સંવેદનશીલતાનો ભોગ લેવાઈ રહ્યો છે એનું મને ભાન સુધ્ધાં નહતું થતું. પહેલાં ઘરના ગોળાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી વીંટાળીને કરાયેલું ઠંડું પાણી પીવામાં જે મજા આવતી હતી એ મજા આજના મસમોંઘા ફ્રુટ્જ્યુસીસમાં પણ નથી આવતી. જીવનમાં લાંબો સમય સામ્રાજ્ય ભોગવી અને વિદાય થયેલી તરસ જતી વેળાં મારી નાજુક સંવેદનાઓને પણ સાથે લેતી ગઈ છે મા…’ અને રીતુની માછલી જેવી મોટી આંખોમાં બે મોટાં મોતીડાં ચમકી ઉઠ્યાં.

ગુરુમાનું નાજુક હ્રદય પણ રીતુની વેદનાથી દ્વવી ઉઠ્યું. રીતુના દરેક સંઘર્ષના એ સાક્ષી હતાં. પણ એ સંઘર્ષ સાથે લડવામાં, મજબૂત બનવાની રીતુએ આ કિંમત ચૂકવવી પડી હશે એનો તો એમને અંદાજ સુધ્ધાં નહતો. પ્રેમથી એમણે રીતુને નજીક ખેંચી. રીતુ એમના ખોળામાં માથું મૂકીને એકદમ નાની છોકરી બની ગઈ.એના લીસા કેસમાં પોતાની કરચલી ભરેલી, ચમકતી ત્વચાવાળી આંગળીઓ પૂરોવી અને આર્દ્રતાથી ગુરુમા બોલ્યાં,

‘દીકરી, સમયે તને તારા સપના પૂરાં કરવામાં, તારી મનગમતી મંઝિલે પહોંચવામાં તને બહુ હેરાન કરી છે મને ખ્યાલ છે.વળી તું એ બધા સામે હિંમતથી અને પૂરતી પ્રામાણિકતા અને સમજદારીથી ઝઝૂમી છું એનો મને ગર્વ પણ છે. પણ એક વાતે તું ચૂકી ગઈ. તું જીદમાં જીદમાં નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરતી ગઈ. મોંઘીદાટ ચીજ્વસ્તુઓ તને વધુ ખુશી આપી શકશે એવા વિચારોમાં તું નાની નાની ખુશીઓથી બેધ્યાનપણે દૂર થતી ગઈ. પરિણામે..જ્યારે આજે તારા બધા સપના પૂરાં થાય છે ત્યારે તારામાંનો અચરજભાવ જ મરી ગયો છે. અચરજ વિના પૂરાં થતાં સપના તારી જીદ પૂરી કરતા હતાં પણ તને જોઇએ એવી ખુશી નહતા આપી શક્તાં. ચોતરફ રાખોડી રંગનું સામ્રાજ્ય વર્તાય છે. તેં તારામાંનો આ અચરજભાવ કયાં ને ક્યારે છોડી દીધો એ તને પોતાને પણ ધ્યાન નહીં હોય. નાની નાની ખુશીઓમાંથી મળતો આનંદ કરોડો રુપિયાના પૂરાં થતાં સપના કરતાં ય ક્યાંય અદભુત અને કિંમતી હોય છે બેટા.પણ અફસોસ તને એ વાત છેક અત્યારે અનુભવાઈ. હજુ મોડું નથી થયું. તું એક સરસ મજાનો છોકરો શોધી લે અને પરણી જા. તારામાં રહેલી સ્ત્રીને એની પૂર્ણતા અર્પણ કર. ભીતરનો ખાસ્સો એવો ટળવળાટ એનાથી જ શમી જશે. પૈસા…પૈસા…પૈસાના સપનાંઓને જીવનમાંથી વિદાય કર અને જીવનમાં હવે થોડી રિવર્સમાં જા. જ્યાં થોડો ઘણો અભાવ હતો, પૈસા વિનાની નાની નાની ખુશીઓ તારું તન મન મદહોશ કરી દેતું હતું, વગર વર્ષાએ તને ભીંજવી દેતું હતું.’

અને ગુરુમા ના મધમીઠા વચનો રીતુના દિલ પર મલમનું કામ કરતાં ચાલ્યાં, દિલની વેદનામાં થોડી રાહત મળી. ભીતરે પોઢી ગયેલી પહેલાંની સંવેદનશીલ રીતુને જગાડવાની હતી, ખુશીઓના હિલ્લોળે ઝૂલવાનું હતું. કામ અઘરું જરુર હતું, અશક્ય નહીં. તરસ હદથી વધી જાય ત્યારે એક રોગ બની જાય છે. તરસ પૂરી કરવા માટે પાગલપણની હદ સુધી ઝઝૂમી લીધું હતુ પણ હવે બસ…થોડો પોરો ખાવો હતો અને,

રાખોડી ખાખરાનાં પીંછાકાર પર્ણોની વચ્ચેથી મુલાયમ કેસરી રંગના પલાશના ફુલો ઝૂમી ઉઠ્યાં.

અનબીટેબલ ઃ જીવનમાં નાની નાની ખુશીઓને કાયમ જીવંત રાખવી !

 

-સ્નેહા પટેલ-

ડગલું.


#phoolchhab newspaper > 22-07-2015 > navrash ni pal column

 

કોણ સાચું કોણ ખોટું, તું ખુલાસો ના કરીશ,

વિતવા દે જે સમયને , તું ખુલાસો ના કરીશ.

– ડો.મુકેશ જોષી

 

‘આ બધી શી માથાકૂટ છે? આપણી બિલ્ડીંગમાં ક્યારેય કોઇ જ કામ ટાઇમસર અને સારી રીતે પૂર્ણ થતું જ નથી. જ્યારે જોઇએ ત્યારે કોઇ ને કોઇ ડખા કરવા તૈયાર જ હોય છે.’મીનળના નાજુક નાકની ટોચ રોષથી ટામેટાં જેવી લાલ થઈ ગઈ હતી.

‘શું છે મીનળ ? કેમ આટલી બધી અકળાઈ ગઈ છું આજે ?’ નીલેશ – મીનળનો પતિ સોફા પર એની પાસે જઈને બેઠો.

‘આ આપણી લિફ્ટ જુઓને, વારંવાર હેરાન કરે છે . છેલ્લા ચાર મહિનામાં લગભગ બે મહિના તો બંધ રહી અને આજ કાલ તો ગમે ત્યારે, ગમે તે ફ્લોર પર જઈને અટકી જાય છે..છતી લિફ્ટે દાદરા વાપરવાના ! તમે બધા પુરુષો વારંવાર એના માટે મીંટીંગો જ ભર્યા કરો છે અને રીઝલ્ટના નામે શું ? તો કહે કે મીંડું ? આવી રીતે તો કંઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું હશે ?’

‘પણ મીનળ, અહીંની પ્રજાને તો તું જાણે જ છે ને ? કેવી વિચિત્ર છે. કોઇ સમયસર મેઇન્ટેનન્સ ભરતું નથી અને જ્યારે પણ લાઈટબીલ ભરવાના આવે ત્યારે આપણી પાસે સિલકમાં મીંડું ને મીંડું જ હોય છે.લોકોને વારંવાર પૈસા આપવાનું યાદ કરાવવાનું અને અડધા તો જાતજાતના વાંધાવચકા કાઢીને એનું સોલ્યુશન નહી આવે ત્યાં સુધી પૈસા જ નહીં આપીએ જેવી ટણી પણ કરે છે. અમુક વહીવટ કરનારાઓ આગળના ઉઘરાવેલા પૈસા ચાઉં કરી ગયા છે ને કોઇ હિસાબ જ નથી આપતાં.. આ લોકોની માનસિકતાનો શું રસ્તો કાઢવો એ જ નથી સમજાતું. ‘

‘એવું થોડી ચાલે ? સુવિધા ભોગવે છે તો દર મહિને પોતાના ભાગે આવતા પૈસા તો ભરવા જ પડે ને. એ સિવાય આ વરસાદની સિઝન છે ને એનું પાણી લિફ્ટ આગળ ભેગું થાય છે ને લિફટમાં ઉતરે છે તો એનો કોઇ રસ્તો શોધવો પડે, આપણું પાર્કિંગ પણ કેટલું અસ્તવયસ્ત ને કચરાવાળું હોય છે એ પણ આપણે કચરો વાળવા આવે છે એની પાસે ઉભા રહીને સાફ કરાવવું જ પડે. કોઇ મહેમાન આવે તો કેટ્લું ગોબરું લાગે છે બધું. ઘર ગમે એટલું સરસ પણ આંગણું જ ગંદુ હોય તો શું કરવાનું ? કોઇ આવે તો આપણા વિશે શું વિચારે ? હવે શરમ આવે છે કે આપણે આવી જગ્યાએ રહીએ છીએ. પણ આ બધાની પુરુષોને શું સમજ પડે.. જવા દો, અમે બૈરાંઓ જ ભેગાં થઈને આનો કોઇ રસ્તો શોધીશું. તમતમારે ઓફિસ જ સંભાળો..હુ…હ..હ..’

‘જો મીનળ, તું આ બધી પંચાતોમાં ના પડ. આ બધાની પાછળ બહુ રમતો છુપાયેલી છે તું રહી સીધી સાદી ને સ્ટ્રેઈટ ફોરવર્ડ,નહીં પહોંચી વળે ને વળી અમથાંય તારે ઢગલો કામ હોય છે ને એમાં વળી આ નવી ઉપાધિ શું કામ વહોરી લે છે ?’

‘એવું દબાઈને બેસી રહેવાનું થોડી પોસાય ? ના હવે તો અમારે મહિલામંડળે જ કંઈક કરવું પડશે. તમતમારે ઓફિસોની ફાઈલો જ ખૂંદ્યા કરો.’ ને મીનળે દાંત ભીંચીને પોતે લીધેલા નિર્ણયમાં મક્કમતા જાહેર કરી જ દીધી.

પંદર વર્ષથી ચાલતા પુરુષોના ક્ષેત્રમાં મહિલાઓએ ગર્વભેર પ્રવેશ કર્યો અને તડાફડી મચાવી દીધી.

મીંટિંગ ભરી અને એક્સ્ટ્રા ૪૦૦ રુપિયા આપીને સોસાયટીના સફાઈવાળા ભાઈ પાસે સાફ કરાવવાનું નક્કી કર્યું. સફાઈવાળો પણ રાજીખુશીથી તૈયાર થઈ ગયો. ઘરદીઠ મહિને ૨૫ રુપિયા આવતા હતાં. ફ્લેટના મેમ્બરોને શું વાંધો હોય ? દરેકને સફાઈ તો ગમે જ ને , એ લોકો ય આ નવીનવાઈના અભિયાનમાં ખુશીથી જોડાયા અને પોતાનો ફુલ સપોર્ટ જાહેર કર્યો. નક્કી કર્યા મુજબ બીજા જ દિવસે સફાઈ કામદાર સવારના દસ વાગ્યામાં મીનળના ઘરે આવીને ઉભો રહી ગયો ને મીનળ અડધી રસોઇ પડતી મૂકીને એની સાથે પાર્કિંગ સાફ કરાવવા ઉપડી. વોચમેનને મોકલીને દરેક ઘરનાં લોકોને પોતાના વાહનો હટાવી લેવાનો સંદેશ મોકલાવ્યો. દરેક મેમ્બરે દિલથી સપોર્ટ આપ્યો. વાહનો હટાવતા હટાવતા કલાક વીતી ગયો એ પછી મીનળે ઉભા રહીને સૂચનો કરી કરીને પાર્કિંગ સાફ કરાવ્યું. કલાકની મહેનત પછી જ્યારે ચકચકાટ પાર્કિંગ જોયું ત્યારે એને પોતાની જાત પર, પોતાના નિર્ણય પર ગર્વ થયો. થાકી પાકી ઘરે આવીને ઘડિયાળમાં જોયું તો નાનો કાંટો બારને અને મોટો ત્રણને ‘ટચ’ થતો હતો. નીલેશ જમ્યાં વિના ઓફિસે જવા નીકળી ગયો હતો. મીનળનો બધો આનંદ રફુચક્કર..ઓહ, આ બધી બબાલોમાં પોતે ઘરની જવાબદારીઓને તો સાવ જ અવગણી બેઠી હતી. અઠવાડિયાના બે દિવસ સાવ આમ તો ના પોસાય. આ તો બધાની સહિયારી જવાબદારી કહેવાય. દરેકે પોતપોતાના ભાગનું કામ તો કરવું જ પડશે, હવે પછીની મીટીંગમાં બધાંના વારા કાઢીએ. એક અઠવાડિયે સાફસફાઇનું કામ આ બેન કરાવે તો બીજા અઠવાડિએ બીજા બેન…જવાબદારી વહેંચાઈ જાય પછી તકલીફ નહીં પડે.

મીટીંગમાં મીનળે પોતાની વાત રજૂ કરી અને તરત જ લોકોના રંગ ઢંગ બદલાઈ ગયાં. સવારના પહોરમાં સમય કાઢીને આમ સફાઈ અભિયાન કરાવવા કોઇ તૈયાર નહતું ને સફાઈવાળો બપોરના સમયે તો આવે નહીં. મીનળ જબરી મૂંઝાઈ ગઈ. હવે ? લોકો પાસેથી પૈસા તો ઉઘરાવીને બેઠેલી અને શરુઆતમાં જે બધા એ ઉત્સાહથી એની હા માં હા મિલાવી હતી એ બધાંય હવે જવાબદારી લેવાના નામથી જ ભાગવા લાગ્યાં હતાં. આમ ને આમ બીજો દિવસ પણ આવીને ઉભો રહ્યો પણ કોઇ સમય કાઢવા તૈયાર નહતું. વળી સફાઈ કરેલા પાર્કિંગમાં ફ્લેટના સદસ્યો મનફાવે એમ કચરો તો નાંખતા જ હતાં. આજનું ચોખ્ખું કરાયેલ પાર્કિંગ બીજા દિવસે તો એવું ને એવું જ. કોઇને કોઇ કહેનારું નહીં કે કોઇ જાતે સમજે ય નહીં.આ અનુભવોથી મીનળને બહુ દુઃખ થયું, એ જેમ તેમ કરીને પોતાનો સમય સફાઈવાળા સાથે સેટ કરી કરીને કામ કરાવવા લાગી. મહિનો વીતવા આવ્યો અને એક નવી સમસ્યા ઉભી થઈ. સફાઈ કામદાર ૪૦૦ રુપિયાના ૮૦૦ રુપિયા માંગતો હતો. મીનળે એની સાથે બહુ રકઝક કરી પણ એ એક નો બે ના થયો.મીનળે બધી બેનો સમક્ષ આ વાત મૂકતાં બધાનું મગજ ફરી ગયું ને એ કર્મચારીને ગાળો ભાંડતાં ભાંડતા છુટા પડ્યાં. વાતનો નીવેડો તો કંઈ આવ્યો જ નહીં.

બીજો કોઇ માર્ગ ના મળતાં સાંજે જમીને બેઠા પછી મીનળે પોતાની તકલીફ નીલેશ સમક્ષ રજૂ કરી.

‘નીલેશ, આનો કોઇ રસ્તો નથી મળતો. લોકો કેટલાં મતલબી હોય છે એનો બરાબર અનુભવ થઈ ગયો મને. હવે શું કરું ?’

‘મીનળ, મેં તને પહેલાં જ આ બધી ભાંજગડમાં પડવાની ના પાડી હતી. અમે વર્ષોથી એક સાંધીએ ને તેર તૂટે એવી હાલત સહન કરતાં આવ્યાં છીએ. વળી લોકો કેવા મતલબી ને શું એ બધું વિચારવાનું છોડ. આજના જમાનામાં માણસ કમાવા જાય, રાંધવા બેસે કે આવી બધી જવાબદારીઓ ઉભી કરીને એને પૂરી કરવા બેસે..? બધાને સાથે લઈને ચાલવું એ કંઇ રમત વાત નથી હોતી પણ તને એ કહીને કોઇ મતલબ નહતો. સારું થયું કે તેં જાતે જ એ અનુભવ મેળવ્યો. હવે પછી ક્યારેય પણ પરિસ્થિતીનો પૂરો તાગ પામ્યા વિના ઉત્સાહ કે આવેગમાં આવીને આવી કોઇ જવાબદારીઓ લેવા ઉતાવળી ના થઈ જતી અને આ મહિનો પૂરો થાય એટલે આ બધું બંધ કર. અમે મીટીંગમાં વર્ષોથી આ સફાઈવાળા સાથે મગજમારી કરતા આવ્યાં છીએ પણ એ જાતને ના પહોંચી વળાય. એ કામ કરતાં ય નથી અને બીજાને એની જગ્યાએ આવવા દેતાં ય નથી. બીજાને રાખો તો એની સાથે લડી લડીને એને અડધો કરી નાંખે. આ બધી વાતોથી અમે ય કંટાળ્યા છીએ. જો કે કોઇ રસ્તો શોધવાનો યત્ન તો ચાલુ જ છે. .’

‘હા નીલેશ, પુરુષોને ભાંડીને હું સમજ્યા વિના સ્ત્રીઓને મહાન કરવા નીકળી પડેલી. પોતાના બલબૂતા પર એકલા લડી લેવાનું અભિમાન રાખીને ડગલું ભરેલું પણ સમસ્યાના હલ સુધી તો હું પહોંચી જ ના શકી, એવું હોત તો ય કંઈક લેખે લાગત. મને માફ કરજે.’

અનબીટેબલ : સમસ્યાઓ સ્ત્રી કે પુરુષ જાતિ જોઇને ક્યારેય નથી આવતી.

-સ્નેહા પટેલ

સેલ્ફી વીથ ડોટર


phoolchab newspaper > 15-07-2015 > navrash ni pal column
#સેલ્ફી વીથ ડોટરઃ

મેજ, બારી, બારણાં ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં.

-ચંદ્રેશ મકવાણા.

‘ લોકો આટલી સરસ રીતે સેલ્ફી કેમના ખેંચતા હશે એ જ નવાઈ લાગે છે મને તો. હું તો ક્યારની મારા ક્યુટડા દીકરા વ્હાલ સાથે એક સેલ્ફી લેવાનો પ્રયત્ન કરું છું પણ અમુકમાં ફેસ લાંબો થઈ જાય છે, તો અમુકમાં જાડો,અમુકમાં બ્લર. વળી દસ વખત પ્રયત્ન કરું છું ત્યારે તો માંડ એક વખત મોબાઈલના સ્ક્રીન પર અંગૂઠો સેટ થાય અને બરાબર રીતે ક્લીક થાય છે. મોટાભાગે ભેગા થઈએ ત્યારે બીજા લોકો જ સેલ્ફી લેતા હોય છે આમ પોતાનો સેલ્ફી પોતે જ લેવાનો સમય તો પહેલી વખત જ આવ્યો છે. જે થાય એ પણ આ મહાન કાર્યમાં સફળ તો થવું જ પડશે અને એ પણ અવ્વલ નંબરના રીઝ્લ્ટ સાથે. આખરે દીકરા સાથે સેલ્ફી ખેંચવાનું છે , નહીં હોય તો સેલ્ફી સ્ટીક લઈ આવીશ પણ વ્હાલ સાથે એક સરસ મજાનું સેલ્ફી તો ખેંચીને જ રહીશ.’
ને ત્યાં જ પાડોશીના રેડિયો પર સલમાનનું ગીત વાગ્યું,’ ચલ બેટા સેલ્ફી લે લે રે..’ પોતાના સેલ્ફી અભિયાનના પ્રયત્નો આટલા અસરકારક કે ? વિચારીને ભૂમિકા મનોમન હસી પડી. ત્યાં જ વિરાટનું ઘરમાં આગમન થયું. બેગ સોફા પર મૂકીને, શર્ટનું ટક ઇન કાઢતાં કાઢતાં બોલ્યો,
‘ભૂમિ, પાગલ થઈ ગઈ છે કે ? આમ એકલી એકલી કાં હસે ?’
‘આવ વિરાટ, આવ. આ જોને આપણાં વડાપ્રધાનની જાહેરાતો..’સેલ્ફી વીથ ડોટર’. હરિયાણામાં કોઇ ભાઈએ આની હરિફાઈ કરી તો આમને ય ભૂત ચડયું ને એમણે ય હરખમાં આવીને દરેક દીકરીના માબાપને ‘હેશ ટેગ સાથે સેલ્ફી વીથ ડોટર’ કરીને ફોટો અપલોડ કરવાના પાના ચડાવી દીધા. પ્રજા તો જાણે સાવ નવરી ધૂપ જ છે ને..’
‘અરે ભૂમિ, તો એમાં ખોટું શું છે ? એની પાછળનો એમનો આશય કેટલો સરસ છે જ ને ! દીકરીઓના ગૌરવ અને સુરક્ષાનો કેટલો સરસ હેતુ છે એમનો. ખાલી ખાલી વાતને શું કામ ટ્વીસ્ટ કરે છે?’
‘અ..હ..હ…ના ના..એકચ્યુઅલી એવું કંઈ નથી. લોકો પોતાની દીકરી સાથે સેલ્ફી લે, પોસ્ટ કરે એની સામે મને શું વાંધો હોય પણ વિરાટ આપણા જેવા ફેમિલી જેને સંતાનના નામે એક માત્ર પાંચ વર્ષનો વ્હાલ જેવો દીકરો જ હોય એમણે શું કરવાનું ? આપણે તો કદી સંતાનમાં દીકરો કે દીકરી જેવા ભેદભાવ નથી વિચાર્યા.કદાચ વ્હાલના બદલે આપણે ત્યાં કોઇ સરસ મજાની ઢીંગલી હોત તો એને પણ આપણે આટલા જ પ્રેમથી મોટા કરવાના હતાં ને ? આપણાં માટે ‘આપણો દીકરો કે દીકરી’ જેવી માનસિકતા ક્યાં અસ્તિત્વમાં જે હોય એ ઇશ્વરની કૃપા જ છે. દીકરો હોય કે દીકરી એનાથી શું ફર્ક પડે છે – આખરે છે તો આપણું જ લોહી ને -આપણું સંતાન. હવે વડાપ્રધાનજી આમ દીકરી પ્રત્યેના વધુ વ્હાલમાં આવીને આવી આવી જાહેરાતો કરે તો એમને કદી એવો વિચાર આવે છે કે જેના સંતાનમાં ફકત એક દીકરો જ હોય એમના દિલ પર શું વીતે ? દીકરીઓ સાથેના અનેકો સેલ્ફી નેટ પર ફરતાં જોઇએ ત્યારે અમારે દીકરી નથી એનો વસવસો થઈ આવે છે એનું શું કરવાનું ? તું તો જાણે જ છે મને દીકરીનો કેટલો ક્રેઝ ! ‘
‘ઓહોહો…મારી વ્હાલીને આ વાતનું આટલું બધું ખોટું લાગી ગયું છે એમ કે ? જો કે લાગે અને લાગવું જ જોઇએ, કારણ આ વાત તમારા સંતાનના પ્રેમ સાથે સીધી જોડાયેલી છે અને મોટાભાગે જેને પણ સંતાનમાં એક માત્ર દીકરો હશે એના મગજમાં તારા વિચાર ચોકકસ આવ્યાં જ હશે. પણ એક વાત કહે તો, વડાપ્રધાને ક્યાંય દીકરાઓ રાવણ જેવા હોય કે દીકરાઓને લાડ પાડ જ ના કરો એવા મતલબનું કશું કહ્યું છે ? આપણા સમાજનું બંધારણ જ એવું છે કે જ્યાં દીકરાઓને દૂધપીતા કરવા જેવા રિવાજો ક્યારેય અસ્તિત્વમાં જ નહી આવે, વળી કોઇ જુવાન છોકરાની લાજ લૂંટાયા જેવા કિસ્સાઓ પણ બહુ ધ્યાનમાં નહીં આવે. છોકરાઓના ય શોષણ થતા હોય છે પણ છોકરીઓ , સ્ત્રીઓ જે હદમાં સહન કરે છે એ હદ સુધી એમના ભાગે સહન કરવાનું નથી જ આવતું એ તો તું પણ માનીશ ને ? તું પણ એક છોકરી એક સ્ત્રી છું આખરે. આ કોઇ દીકરીના ભોગે કોઇ દીકરાઓના સન્માનને ઠોકર મારવાની વાત જ નથી. તકલીફ આપણી સમજશક્તિની છે. આપણે વાતને જે રીતે જોઇએ એ રીતે જ વાત સમજવા ટેવાયેલા હોઇએ છીએ. કોઇના દીકરી સાથેના સેલ્ફીને વડાપ્રધાન રીટ્વીટ કરે તો એમાં આપણા દીકરાનું માનપાન ક્યાંથી ઓછું થઈ જવાનું છે ? આપણા સમાજમાં અને ફકત આપણા સમાજ જ નહીં આખી દુનિયામાં સ્ત્રીઓને અનેક માનસિક – શારિરીક તકલીફો અને પ્રશ્નોના સામનો કરવો પડે છે એથી આ જાહેરાત ફકત સ્ત્રીઓના ગૌરવની જાળવણી કરવાનો જ છે. કોઇનું ગૌરવ વધે એવું કાર્ય કરવાથી બીજાનું ગૌરવ ઘટે એવું કદી ના હોય. આપણે સંતાનમાં ભેદભાવ નથી પણ હજુ લાખો કરોડો લોકો દીકરી સાથેની જૂનવાણી માન્યતાઓમાંથી બહાર નથી આવતા. આજકાલની દીકરીઓ એ માન્યતાઓની વાડને તોડીને આધુનિક વિચારસરણી સાથે એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રીના રુપમાં બહાર આવવા પ્રયત્ન કરે જ છે પણ સમયને, સમાજની માનસિકતાઓને બદલાતા ખાસો સમય લાગશે. આવા બધા પ્રયત્નો એ આધુનિકાઓને ચોક્કસપણે સપોર્ટ કરશે જ. આખરે તું પણ એક દીકરી એક સ્ત્રી છું જ ને ! માટે મહેરબાની કરીને તું તારી વિચારધારાને પોઝિટીવ વળાંકમાં ઢાળ અને સંતાન પ્રત્યેના અતિપ્રેમમાં અંધ ના બન. વાતને સ્વસ્થતાથી સમજવાનું રાખ પ્લીઝ. નહીંતો બીજા કોઇને તો કંઇ ફર્ક નથી પડવાનો હેરાન તો તું જ થઈશ.’
‘હા વીરુ, વાતને આ દ્રષ્ટિકોણથી તો મેં જોઇ જ નહીં. આ વાત સાંભળીને જ મારું લોહી ઉકળી ગયેલું અને આવેશમાં જ મેં આવું બધું વિચારી લીધું હતું. વડાપ્રધાનજીએ જ્યારે જાહેરાત કરી હશે ત્યારે એમના મગજમાં તો આવી વાતોનો વિચાર પણ નહીં આવ્યો હોય એમણે તો એક શુભભાવના સાથે જ આવું વિચાર્યું હશે. ઉફ્ફ..આ મારો ભાવાવેશ ! સારું થયું તેં મારી વિચારધારાને યોગ્ય વળાંક આપ્યો. ચાલ હું પપ્પાને મળીને આવું.’
‘અરે અચાનક, આ સમયે ?’
‘હું એક દીકરી છું એ વાત યાદ કરાવીને તો હવે હું પપ્પાને મળતી આવું અને એક સેલ્ફી એમની સાથે ખેંચતી આવું ‘ અને ભૂમિકા ને વિરાટ બે ય ખડખડાટ હસી પડ્યાં.
અનબીટેબલ ઃ અંધારાના સામ્રાજ્ય પાછળ ઘણી વખત બંધ રાખેલી બારીઓ પણ જવાબદાર હોય છે.
#Sneha patel

અનુવાદ


Phoolchhab newspaper > Navrash ni pal column > 4-06-2015

આ પ્રેમલ વિખવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો,

તેં મારો અનુવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો ?

-અનિલવાળા.

 

આજે આમ તો બીજો વિચાર મગજમાં લઈને બેઠી હતી પણ ત્યાં જ ‘વોટસ એપ’માં ‘ક્લાસીક’ ગ્રુપમાં મિત્રો સાથે એક નવા જ ટોપિક પર વાત થતાં મારા વિચારની દિશા જ બદલાઈ ગઈ અને એક નવી જ વાર્તા લખાઈ ગઈ. આજની એ વાર્તા મારા એ તમામ મિત્રોને અર્પણ !

 

‘ઝરણાંબેન, જરા તમારા હર્ષને મારે ત્યાં મોક્લજો ને જરા.’

‘શું થયું અમીબેન ? આમ અચાનક સવાર સવારમાં..?’

‘કંઈ ખાસ નહી, આ મારા પૌત્ર ઋષિનું કંઇક પાર્સલ જેવું આવ્યું છે, એમાં કંઈક મોબાઈલમાં આંગળીથી સહી કરવાની છે એવું કહે..હવે મને આ બધી માથાપચ્ચીમાં કંઈ સમજ નથી પડતી. મૂઆ એ આખો દિવસ લેપટોપ ને મોબાઈલમાં શું નું શું ય ગોરખધંધા કર્યા કરતો હોય છે, કંઇક લાઈન શોપ…જેવું બધું..’

‘અમીબેન, એને ‘ઓનલાઈન શોપિંગ’ કહેવાય. તમે ચિંતા ના કરો હું ઋષિને મોકલું છું.’ ઝરણાંબેનથી થોડું હસી પડાયું.

ચીલ્ડ મેંગો શૅકની ઘૂંટ ઘૂંટ ભરીને મજા લેતા ઋષિને અડધો ગ્લાસ મૂકીને જવું પડશે એ વિચારથી થોડો ગુસ્સો તો આવ્યો પણ શું થાય ? ગ્લાસ ફ્રીજરમાં મૂકીને એ અમીબેનના ઘરે ગયો. ત્યાં ઓનલાઈન શોપિંગનો માણસ ખભે મસમોટો કાપડનો થેલો લઈને અને માથા પર કેપ ચડાવીને એની કાગડોળૅ રાહ જોતો ઉભેલો દેખાયો.એની પાસેથી એનો મોબાઈલ લઈને એમાં એણે તર્જનીથી પોતાના નામની સહી કરી અને એને પાછો આપ્યો. બે સેકંડના આ કામ માટે દસ મિનીટથી આ ઉનાળાની ગરમીમાં રેબઝેબ થતો ઉભેલો પેલા માણસે જાણે જેલમાંથી છૂટયો હોય એવા હાવભાવ સાથે આભારવશ ઋષિ સામે સ્મિત ફેંક્યું અને અમીબેન પાસે એક ગ્લાસ ઠંડાપાણીની માંગણી કરી.અમીબેન પાણી લેવા રસોડામાં ગયા ને ઋષિએ એ સેલ્સમેનને પૂછ્યું,

‘આ મોબાઈલમાં સહી કરવાની – એનું કોઇ સોફ્ટવેર છે કે ?’

‘અમારી કંપનીએ એક એપ્લીકેશન ડેવલોપ કરી છે આના માટે..’

‘હમ્મ..’ ત્યાં જ અમીબેન પાણીના ગ્લાસ સાથે ડોકાયા. પાણી પીને પેલો માણસ ચાલ્યો ગયો ને અમીબેન ઋષિ તરફ જોઇને બોલ્યાં,

‘આ તમારી પેઢીના જબરા તૂત હાં કે, તમારા મા-બાપે જ તમને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી મૂકીને બગાડી મેલ્યાં છે. નવી નવાઈનું અંગ્રેજી ભણવાનું અને બળ્યાં તમારા આ અંગ્રેજી તોરતરીકાઓ..!’

ઋષિ પંદર વર્ષનો તરવરીયો જુવાન. સવાર સવારમાં દૂધ પીતા ઉઠાડીને કામ કરાવવા બદલ આ આંટી એને ‘થેન્ક્સ’ કહેવાના બદલે એમની પેઢીને અને અંગ્રેજી માધ્યમને ગાળો દેવા બેસી ગયા એ જોઇને અકળાઈ ઉઠ્યો.

‘એમાં અમારી પૅઢીનો શું વાંક આંટી ? આજ કાલ જે રીતે જમાનો ચાલે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ.અંગ્રેજી માધ્યમને ગાળો આપવાનો શું અર્થ ? અમારા મમ્મી પપ્પાએ જમાનાના બદલાતા પવનો જોઈને અમારા સારા ભવિષ્ય માટે જે પ્રયત્નો કર્યા એને આમ વખોડો છો શું કામ ? એ પહેલાં અમારી કમાણીની ચિંતા કરે કે ભાષાના રખોપાની ? પ્રાયોરીટી ભી કોઇ ચીજ હૈ ના ! આ તમારી ગુજરાતી ભાષાને જ કહો ને કે અમને ઉજ્જવળ ભવિષ્ય આપવાની ક્ષમતા ધરાવે, આજીવિકાની તકો વધારે…પછી જુઓ…કોઇ મા બાપ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે કે ? ‘

‘બળ્યું તમારું અંગ્રેજી, કોઇ જાતના સંસ્કારો જ નહીં ને. આ તું જોને મારી સાથે કેવી જીભાજોડી કરતો થઈ ગયો છે ! આપણી માતૃભાષાની ઘોર ખોદવા બેઠા છો બધા ભેગા થઈને.’ ઋષિ બે મીનીટ તો સમસમી ગયો પણ પછી સંયત અવાજે બોલ્યો,

‘માસી, અંગ્રેજી સર્વસ્વીકાર્ય માધ્યમ છે તો એને શીખવામાં શું વાંધો હોય ? વળી અંગ્રેજી જ શું કામ.. મારા પપ્પાને તો ધંધામાં જર્મન, ફ્રેંચ, ચાઈનીસ ..જેવી કેટકેટલી ભાષાઓનો ખપ પડે છે અને એ આ ઉંમરે પણ એ ભાષાઓ શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. તમને ખબર છે મારા પપ્પા ભાષાશાસ્ત્રમાં પીએચડી કરે છે. એમાં એક વખત એમણે એમની કવિ ઉમાશંકરની કવિતા રજૂ કરી તો એમના માર્ગદર્શકો એ આખી ચર્ચા અંગ્રેજીમાં જ થી હોવાથી પપ્પાને એ કવિતા અંગ્રેજીમાં ટ્રાન્સલેટ એટલે કે અનુવાદ કરીને રજૂ કરવાનું કહેવાયું હતું. પપ્પાએ એ કૃતિ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી ડીપાર્ટમેન્ટને મોકલી અને ત્યાંની ઓથોરીટીએ એ ક્રુતિનો અનુવાદ કરીને મોકલ્યો. હવે અંગ્રેજી ભાષાના જ્ઞાન વગર આ અનુવાદ કયાંથી શક્ય હતો બોલો ?’

અમીબેન તો આવડા ટેણિયાના મૉઢે આવડી મૉટી મોટી વાતો સાંભળીને થોડાં ઝંખવાઈ જ ગયાં, કશું ના બોલી શક્યાં. પણ એમની પાછળ જ એમના પતિદેવ રીતેશભાઈ ઉભા હતાં એમને આ ચર્ચામાં બહુ રસ પડ્યો. એમણે અમીબેનને એમના અને ઋષિ માટે નારંગીનો જ્યુસ લાવવાનું કહ્યું અને ઋષિને અંદર બોલાવીને સોફા પર બેસાડ્યો.

‘બેટા, તું આ અનુવાદની વાત કરતો હતો તો એમાં તને કેટલી સમજણ પડી છે એ કહે .’

‘અંકલ, સાચું કહું તો આજકાલ જ્યાં ત્યાં બધે જ અંગ્રેજીનો વ્યાપ વધતો જાય છે, એ શીખ્યા વિના અમારે લોકોને છૂટકો જ નથી અને એમાં ભણવાનું રાખીએ તો આ આંટી જેવા અનેકો લોકો ખાલીખાલી અમારા માથે અપરાધભાવનો ટોપલો ઢોળતાં જાય છે. અમને તો ઠીક અમારા મા બાપને ય એમાં ધસેડી કાઢે છે એ સહન નથી થતું. અલ્યા, અંગ્રેજીમાં ભણીએ છીએ..કોઇ ગુનો તો નથી કરતાં ને ? એટલે આવું કોઇ કંઇ બોલેને તો મારાથી સામે જવાબ અપાઈ જાય છે. માફ કરજો, આંટીનું અપમાન કરવાનો મારો કોઇ ઇરાદો નહતો.’

‘દીકરા, સૌપ્રથમ તો તું મારી વાત જ ના સમજ્યો. જે શિક્ષણ તમને સુંદર ભાવિ આપી શક્તું હોય એવી દુનિયાની કોઇ જ ભાષામાં શિક્ષણ સામે મારો તો કોઇ જ વાંધો નથી, એનો મતલબ એવો નહીં કે મને મારી માતૃભાષા માટે પ્રેમ નથી. હું તો ગુજરાતી ભાષામાં પુસ્તકો લખું છું. એ બધી વાતો છોડ. મને તો તારા આ અનુવાદના પ્રસંગમાં રસ પડ્યો છે. તું શું માને આ અનુવાદ કોઇ પણ ભાષાના સાહિત્ય માટે કેટલો જરુરી છે ?’

‘ઓહો અંકલ, હવે તમારો પોઈંટ સમજ્યો. આ સાહિત્ય – બાહિત્ય જેવા અઘરા શબ્દોમાં મારી ચાંચ તો ના ડૂબે પણ એટલું ખરું કે એ દિવસે મારા પપ્પાની થીસીસ રજૂ કરવા માટે ગુજરાતી કવિતાનો અનુવાદ અનિવાર્ય થઈ ગયો હતો. એ પછી અંગ્રેજી હોય કે ઉર્દૂ કે ફ્રેંચ કે કોઇ પણ ભાષા, મનુષ્યો એમના જીવન દરમ્યાન અનેકો ભાષા શીખે તો ખોટું શું છે. ઉલ્ટાનું આ તો સમાજને ઉપકારક કાર્ય છે.હવે વધુ તો આપ વડીલ સમજાવો.’

‘દીકરા, તું વ્યાપ, ઉપકારક, રોજગારી જેવા અનેકો શબ્દો તારી વાતચીતમાં સમાવેશ કરી જાણે છે. તારું ગુજરાતીના શબ્દોનું જ્ઞાન પણ ઘણું સારું છે એ હું જોઇ શકું છું. હું તો વિશાળ આચાર-વિચારોનો માલિક છું. તેં જે કહ્યું એ પરથી મને આ ક્ષણે એટલું સમજાય છે કે આપણા ગુજરાતી સાહિત્યને દુનિયાના છેડાં સુધી પહોંચાડવા માટે આપણે દુનિયાભરની ભાષાઓનો અભ્યાસ કરવો જ પડે. આપણી વાત આપણે એમને એમની ભાષામાં જ કહેવી પડે. બાકી તો કાલે આ હર્ષ મને કહેતો હતો કે,’દાદાજી, આ ફોરેનમાં સહેજ પણ ના ચાલી હોય એવી ફિલ્મો ય આપણે અહીં અહોભાવથી જોઇએ છીએ. એ લોકોને ત્યાં એ વાત ચવાઈ ગયેલી લાગે છે પણ આપણા માટે તો એ દુનિયા સાવ નવી હોય છે. પિકચરો દ્વારા આપણે એમની દુનિયામાં ડોકાચિયાં કરી શકીએ છીએ. એમની સામાજિક પ્રણાલી, જીવન પધ્ધતિને નજીકથી જાણી સમજી શકીએ છીએ’, આ પરથી તું વિચાર કે આપણે આપણી વાર્તા, કવિતાઓ, નાટકોનો અનુવાદ કરી શકવાને સક્ષમ બનીએ તો આપણા સાહિત્યની કેવડી મોટી સેવા થઇ શકે એમ છે. કયા માધ્યમમાં ભણવું જેવી વાતોની પસંદગી અંગત હોય છે પણ થોડા વિશાલ હ્રદયના થઈ શકીએ તો જ અનુવાદ જેવા કામ હાથમાં લઈ શકાય દીકરા. કોઇ પણ ક્રુતિના અનુવાદમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. તમે જે ભાષામાં અનુવાદ કરી રહ્યાં છો એ અને જે ભાષાનો અનુવાદ કરો છો એ – આ બે ય ભાષાનો પૂરતો અભ્યાસ અને જ્ઞાન હોવું અતિઆવશ્યક. મૂળ રચનાનું સૌંદર્ય મરી ના જવું જોઇએ અને અતિક્રમી પણ ના જવું જોઇએ. અનુવાદક મુખ્ય સર્જક કરતાં વિશાળ હ્રદયનો ગણી શકાય, કારણ કે એણે સૌપ્રથમ તો આજે જયારે બધા જ બોલવા બેઠા છે એવા જમાનમાં મૂળ સર્જક જે કહેવા માંગે છે એ સાંભળવાની તૈયારી રાખવી પડે છે વળી અતિઉત્તમ અનુવાદનું કામ કરીને પણ એની ક્રેડિટ તો મૂળસર્જક સાથે વહેંચવાની હોય છે. વળી સર્જકને તો જે તે ભાષામાં કામ કરે એની જ પૂરતી જાણકારી હોય તો ચાલી જાય પણ અનુવાદકના માથે બે ય ભાષાની પૂરતી સમજણની અપેક્ષાનો ભાર લટકતી તલવાર જેવો હોય છે. પોતાની ભાષાનો ઉત્તમ સર્જક ઉત્તમ અનુવાદક હોય એવું તો સહેજ પણ જરુરી નથી જ. અનુવાદક ઉત્તમ સર્જનને દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સાહિત્યના બહોળા પ્રચાર, સમ્રુધ્ધિ માટે હું તો માનું છું કે વિશાળ પાયે આવા અનુવાદો થવા જ જોઇએ.પણ આપણે ત્યાં તો હજુ દુનિયામાં સર્વસ્વીકાર્ય અંગ્રેજી જ નથી સ્વીકારાતી તો …અફસોસ થાય છે ! તમે ય આટલી ઉંમરમાં આ અંગ્રેજીના કારણે કેટલું નવું નવું વાંચી, જાણી શકો છો, તમારો વિકાસ કેટલો સરસ રીતે થાય છે. અંતે તો તમારો વિકાસ દેશનો જ વિકાસ છે ને..’

અને બારણાંની આડસ લઈને ઉભેલાં અમીબેન અને સોફાના હાથા પર કોણી ટેકવીને એના પર હડપચી ગોઠવીને બેઠેલ ઋષિ બે ય ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગયા.

અનબીટેબલ ઃ સ્વીકારનો અનુવાદ વિશાળતા કરી શકાય ને ?

markat


મર્કટ.
phoolchhab newspaper > 27-05-2015. > navrash ni pal column

થાય ઇચ્છા ત્યારે એ નફફટ બને છે,
પૂર્વજો માફક નર્યા મર્કટ બને છે !
-લેખિકા.

સવારના નવ વાગ્યાનો સમય હતો. ક્યાંક દૂર દૂર કોઇ કુકરની સીટી વાગી રહી હતી તો ક્યાંક કોઇ ગાડી ચાલુ નહતી થતી તો વારંવાર ઇગ્નીશનમાં ચાવી ભરાઈને એને ચાલુ કરવાના પ્રયાસ થતા હતા, ક્યાંક કોઇ ઘરમાં સાસુ વહુની ચર્ચા કમ ઝગડાંની મોસમ પૂરબહારમાં ખીલી હતી. વાતાવરણમાં ચોતરફ ધીમો ધીમો કોલાહલ ફેલાયેલો હતો. કોશાની શ્રવણશક્તિ બહુ જ સારી એથી એને નાનામાં નાનો સળવળાટ પણ સંભળાતો. પણ આજે આ કાનની શક્તિ એને પરેશાન કરતી હતી. સરકારે હવે આ ‘નોઇસ પોલ્યુશન’ વિરુધ્ધ કાયદા બનાવી અને એના ઉપર જડબેસલાક અમલ કરાવવો જોઇએ, આજના ઘોંઘાટીયા વાતાવરણમાં માનવીના મગજનું સંતુલન ખોરવાતા વાર ના લાગે ! આ બધા અણગમતા અવાજોથી બચવા કોશાએ મનગમતા ગીતો સાંભળવા માટે રેડિયોમાં સ્ટેશન બદલ્યું અને રસોઇના કામે વળગી. ઘડિયાળમાં જોયું તો ઘડિયાળનો મોટો કાંટો દસ અને અગિયારની વચ્ચે પ્રવાસ કરતો હતો જ્યારે નાનો કાંટો નવનો આંકડો કુદાવીને દસ નંબર પર પહોંચવા માટે બેબાકળો – ઉતાવળો !
‘ઉફ્ફ, હમણાં રાજીવ નાહીને નીકળશે અને ટીફીન માટે બૂમાબૂમ કરી મૂકશે.’ મગજને બધા અવાજથી પર કરીને એક ઉંડો શ્વાસ ખેંચ્યો અને બે પળ આંખ બંધ કરી દીધી. થૉડી હળવાશ અનુભવાઈ ગઈ અને કોશાએ રસોઇનું કામકાજ ચાલુ કર્યું. હાથ વર્ષોથી રસોઇનો અનુભવી હતો એટલે રસોઇમાં કાળજી સિવાય બીજી ખાસ કોઇ ધ્યાન આપવાની જરુર નહતી. એની જાતે જ જાણે બધું પાર પડયે જતું હતું. કૂકર ખોલીને દાળનો ડબ્બો લઈને દાળ તપેલીમાં કાઢી અને બે ગ્લાસ પાણી રેડી ગ્રાઈન્ડર ફેરવીને કોકમના ફુલ નાંખી દાળ ગેસ પર મૂકી, બીજી બાજુ રોટલીનો લોટ બંધાઇ ગયો હતો . કણકમાં થોડું પાણી વધુ અંદર ઉતરે એ હેતુથી એને રોટલીના ડબ્બાને ઉંધો કરીને ઢાંકી રાખી હતી. શાક પણ ચડવા આવ્યું હતું. ત્યાં જ કોશાને યાદ આવ્યું, ‘અરે, લીમડો ને તો ઘરમાં છે જ નહી. હવે ? એના વગર તો દાળનો વઘાર જ કેમનો થાય ? કાલે યાદ રાખેલું પણ મૂઆ આ અવાજના ચક્કરોમાં શાક્વાળાને ફોન કરવાનું અને ઓર્ડર નોંધાવવાનું જ રહી ગયેલું. હવે ..?
ત્યાં જ એની નજર એના સામેના ફ્લૅટમાં ગઈ. એના પાડોશી સરલાબેન દેખાયા અને એનાથી બૂમ પડાઈ ગઈ,
‘માસી…તાજો લીમડો છે કે ?’
‘તાજો કે વાસી…બેમાંથી એકે ય નથી બેટાં.’
ત્યાં જ એમના ઘરમાં બેઠેલા દર્શનાબેનનો અવાજ આવ્યો,’ એ મારા ઘરમાં છે, ફ્રીજમાં. કાલે જ મારી બેનના ગાર્ડનમાંથી તાજો તોડી લાવી છું. જા લઈ લે.’
દર્શનાબેન એટલે કોશાના બીજા પાડોશી જે સવાર સવારમાં સરલાબેનના ઘરે આવીને બેઠા હતાં. એમના નામથી જ કોશાના મોઢામાં ક્વીનાઇનની ગોળી ખાઈ લીધા જેવો સ્વાદ ફેલાઈ ગયો અને એક ઉબકો આવી ગયો.
‘ના. ચાલશે.’
‘અરે, પણ મારા ઘરમાં છે..જા ને લઈ લે ને…’
‘ ના..’કોશાના મોઢામાંથી મકક્મ સ્વર નીકળી ગયો.
નાહીને બહાર આવી રહેલ રાજીવ કોશાના ચહેરા પરના બદલાતા ભાવ ધ્યાનથી નિહાળતો હતો.
‘કોશા, શું થયું ? તારા નાજુક હસમુખા મોઢા પર આવા કડવાશના ભાવ કેમ પથરાઈ રહ્યાં છે ? મેં કાયમ મારી કોશુના મોઢા પર મમતા, સ્મિતના ભાવ જ જોયા છે. આવું તો બહુ જ ‘રૅર’ બને.’
‘રાજીવ, આ દર્શનાબેન…મને એમની પર બહુ જ ગુસ્સો આવે છે. આપણને અહીં રહેવા આવ્યે દસ વર્ષ થયા. આટલા વખતમાં એણે મારાથી નાની નાની બાબતોમાં ઝગડાં જ કર્યે રાખ્યા છે અને પછી એકદમ જ બોલવાનું બંધ કરી દે. વળી પાછું એનું મગજ શાંત થાય એટલે સામેથી ચાપલૂસીઓ કરતાં બોલવા આવે, વાટકી વ્યવહારો ચાલુ કરી દે છે. આ માણસોનો કેવો વિચિત્ર સ્વભાવ હોય છે રાજુ જો ને..મન થાય ત્યારે બોલવાનું ને એમની ઇચ્છાપૂર્તિ ના થાય એટલે અબોલા. આપણે તે સાલ્લ્લ્લ્લું…લોકોની ઇચ્છાઓ સંતોષવા જન્મ લીધો છે કે ? હવે હું થાકી છું. અત્યાર સુધી વિચારતી કે સાથે રહેવાનું નેરોજ સામે અથડાવાનું તો શું સંબંધ બગાડવાના ? હમણાં બે દિવસ પહેલાં જ એની દીકરીના લગ્નનો પ્રસંગ હતો અને એ સમયે આપણા બ્લોકની પાણીની મોટર બગડેલી. એ વખતે એ આખો દિવસ મારી પાસે પીવાના પાણીની માંગણી કર્યા કરતી હતી. એક્વાગાર્ડમાં હતું ત્યાં સુધી મેં ય આપ્યું પણ પછી આપણા ઘરના લોકોનો તો વિચાર કરું જ ને ? ઘરના છોકરાં ઘંટી ચાટે એવું કોઇ થોડું કરે…તે એમને ખોટું લાગી ગયું. લગ્નમાં પણ આપણે ગયાં તો કેવું મોઢું ચઢાવીને ફરતા હતાં. સાવ નીગ્લેક્ટ જ કરતા હતા મને..નાઉ ઇનફ ! અમુક લોકો સંબંધોને લાયક જ નથી હોતા. હવે મારે આ પાર કે પેલે પાર થઈ જ જવું છે.’
‘હા કોશુ, એ મારી સાથે હસી હસીને વાત કરતા હતા અને તને તો જાણે ઓળખતા ય ના હોય એમ ! એ વખતે તો મને પણ વિચિત્ર લાગ્યું હતું કે કોઇને પ્રસંગમાં બોલાવીને એની સાથે આવો વ્યવહાર કેમનો કરાય ? પણ હું આપણા પાડોશી સમજીને ચૂપ રહી ગયેલો. તું બરાબર જ વિચારે છે ડીઅર. અમુક લોકો સાથે દૂરના કે નજીકના દરેક સંબંધ નક્કામા હોય છે. તું બરાબર જ વિચારે છે. આ નિર્ણય પાછળ તારી નેગેટીવીટી નહી પણ ‘સેલ્ફ ડીફેન્સ’ જેવો ભાવ રહેલો છો. સો કીપ ઈટ અપ. ચાલ હવે જલ્દી મારું ટીફીન ભર..મોડું થાય છે.’
અને કોશા ઝડપભેર રસોડા બાજુ વળી.
અનબીટેબલ ઃ દરેક માનવી પોતાની લાગણી ના દુભાય એનું ધ્યાન રાખીને જ વર્તન કરે છે – એમાં ખોટું શું વળી ?
-sneha patel

bhulakkad


ભુલક્કડ

दर्द की सारी तहे और सारे गुजरे हादसे
सब धुवां हो जायेंगे, एक वाकिया रह जाएगा

– इफ्तिखार इमाम सिद्दीकी,
‘મમ્મી, મને ચક્કર આવે છે, કંઈક અજબ ગજબનું ફીલ થાય છે.’ સોફા પર બેસીને દૂધ પી રહેલો હાર્દિક થોડા ચિંતાતુર અવાજમાં બોલ્યો.સામે બેઠેલી મુદ્રા એક હાથમાં કપ અને બીજા હાથમાં સમાચારપત્રક પક્ડીને વાંચતી હતી. એ બે ક્ષણ હાર્દિકની સામે જોઇ રહી. એને પણ માથું થોડું ભારે લાગતું હતું પણ એને એમ કે આજે પ્રેશરની દવા લેવામાં મોડું થઈ ગયું છે એથી થોડી બેચેની હશે હમણાં ચા પીને દવા લઈ લઈશ. પણ આ પંદર વર્ષના છોકરડાંને કેમ ચક્કર આવતા હતા? અચાનક જ મુદ્રા અને હાર્દિકના મગજમાં એકસાથે ટ્યુબલાઈટ થઈ અને બન્ને સોફામાંથી સફાળા જ ઉભા થઈ ગયા.
‘આ તો ધરતીકંપ..ચોક્કસ !’
અને બે ય જણ એકી શ્વાસે ફ્લેટમાંથી નીકળીને સીડી દ્વારા નીચે ત્રણ માળ સડસડાટ ઉતરી ગયાં તે છેક નીચે જઈને શ્વાસ હેઠો બેઠો.
‘મમ્મી, હું નાનો હતો ત્યારે પણ આવો જ ધરતીકંપ આવેલો કેમ ? એ કેટલી તીવ્રતાનો હતો ? ‘
‘કયો ભૂકંપ બેટા ? ‘ અને મુદ્રા હાર્દિકની સામે બઘવાઈને જોતી રહી ગઈ.
‘મમ્મી, શું તમે પણ ! તમારું મગજ તો સાવ જ કટાઈ ગયું છે. કેટલા ભુલક્કડ થઈ ગયા છો તમે ! કાલે જ મારા મિત્ર રોહિતનો ફોન આવેલો અને તમે ઉપાડેલો. એ પછી મને કહેવાનું ય ભૂલી ગયેલા એમાં મારો અને રોહિતનો પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. ના હોય તો તમે કોઈ સારા ડોકટરને બતાવો હવે.’ અને મુદ્રાના મોઢા પર થોડી લાચારીના, હતાશાના ભાવ રેલાઈ ગયા.
‘મને હવે બહુ યાદ નથી રહેતું…શું હું સાડત્રીસ વર્ષમાં સાવ બુઢ્ઢી થઈ ગઈ કે ?’
ધરતીકંપના આંચકાથી ડરીને બાજુના ફ્લેટમાંથી મુદ્રા અને હાર્દિકની જેમ જ ફ્લેટના કોમનપ્લોટમાં ઉતરી આવેલા એક આધેડ વયનો પુરુષ મા-દીકરા વચ્ચેનો આ સંવાદ બહુ જ ધ્યાનથી સાંભળી રહેલો, એમણે મુદ્રાબેનને પૂછ્યું,
‘બેન, આ તમારો દીકરો સૌથી પહેલો શબ્દ શું બોલેલો ?’
‘બ…બ…બા..’
‘એ ચાલતા કેટલા મહિને શીખેલો ?’
‘એમાં એવું છે ને કે એ આઠ મહિના અને બાર દિવસનો હતો ત્યારે ઘૂંટ્ણિયા ભરવાનો પ્રયત્ન કરતો હતો અને લગભગ જુઓને નવ મહિના અને ઉપર બે દિવસ થયા ત્યારે તો બધું ફર્નિચર પકડી પકડીને ચાલતા શીખી ગયેલો. એ પછી તો બાર મહિના ઉપર લગભગ ચોથા દિવસે દાદર ચડતા ય શીખ્યો .’
મુદ્રા તો એના મમતાળુ ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી અને અસ્ખલિત રીતે મહિના અને દિવસો ઉપરાંત ઘણા દિવસ તો વાર સાથે યાદ કરી કરીને બોલ્યે જતી હતી. હાર્દિકની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી અને પેલા આધેડના મોઢા પર એક ગૂઢ સ્મિત ફરકી રહ્યું હતું. હાર્દિકે આંખમાં ઢગલો સવાલ ભરીને એમની સામે જોયું અને આધેડ એ સવાલ પામી જઈને બોલ્યાં,
‘દીકરા, હું એક મનોચિકિત્સક છું. મારી ધારણા પ્રમાણે તો તારી મા ના માથે અ.ધ..ધ..ધ કામનો બોજ લાગે છે. એને મેમરીનો કોઇ જ પ્રોબ્લેમ નથી પણ એનું અજ્ઞાત મન એના અધધ કામમાંથી જરુરી કામ પર જ ધ્યાન આપીને પોતાને સ્વસ્થ રાખવામાં કાર્યરત છે. તું જ જો..એને તારા નાનપણની રજેરજની વાતો એને કેવી યાદ છે. અચ્છા એક વાત કહે કે તેં એને જે અગાઉના ધરતીકંપ વિશે પૂછ્યું એમાં તમારા કોઇ નજીકના વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો કે ?’
‘હા અંકલ, એ સમયે મારી નાની માસી અમારા ઘરે રહેવા આવેલી અને એ ધરતીકંપમાં એમના ૯ મહિનાના બાળકને લઈને દાદર ઉતરવા જતા એ લપસી પડેલા અને એમાં એમના બાળકનું મૃત્યુ થઈ ગયેલું. મમ્મીને એ વાતનો બહુ જ આઘાત લાગેલો અને એ પછી લગભગ પંદર દિવસ એમણે સાઇકીયાટ્રીક પાસે કાઉન્સેલિંગ લેવું પડેલું જો કે એ પછી જ મમ્મીમાં આ ભૂલી જવાની આદતે પગપેસારો કર્યો છે. ‘
‘તો એમ વાત છે. જો દીકરા, તારા મમ્મીનું સબકોન્સિયસ માઈન્ડ જબરદસ્ત પાવરફુલ છે. એ હાદસા પછી પોતાની જાતને અતિલાગણીથી પડતા ઘસારાથી બચાવવા માટે એણે એક સુરક્ષાકવચ બનાવી લીધું છે. એ અમુક દુઃખભરી વાતોને પોતાના એ કવચની બહાર જ રાખે છે જેથી તારી મમ્મી એ દિવસની વાત યાદ કરવાને અસમર્થ જ છે. વળી આપણું મગજ કાયમ દુખની વાતો જ યાદ રાખવામાં એક્સપર્ટ હોય છે. સુખની વાતો તો એ ફટ દઈને ભૂલી જ જાય છે. આથી તારા મમ્મીની સબકોન્સિયશ માઈન્ડની આ આદત એક સારી જ વાત છે. મગજ રીસાઈકલ થઈ જાય છે. નક્કામી દુખની વાતો મગજની રેમમાંથી કાઢી નાંખો તો વર્તમાનના સુખદ પ્રસંગોને ભરી શકવાની જગ્યા બની રહે છે. આપણું મગજ આપણા મનના રક્ષણ માટે અમુક પ્રકારે વર્તન કરે તો એને સ્વીકારી લેવાનું એમાં જ ભલાઈ છે. તમારે ફેમિલી મેમ્બર્સે પણ એમની આ હાલતને સમજીને એને સપોર્ટ કરવો જોઇએ નહીં તો એનો આત્મવિશ્વાસ ધીમે ધીમે નબળો પડતો જશે. અરે હા બેટા, આજે શું રસોઇ બનાવવાની છું ? હું આવું ને જમવા?’
‘અરે ચોક્ક્સ , આજે તો હું અનિલને બહુ જ ભાવતી પૂરણપોળી, કઢી અને બટેટાંનુ શાક બનાવવાની છું. મૂઆ આ પરમદિવસે બટાકાવડા બનાવ્યા એમાં બટેટાં ય ખાલી થઈ ગયા છે હાર્દિક જરા કિલો બટેટા લેતો આવજે તો અને હા, અઠવાડિયા પહેલાં મેં શાકવાળી પાસેથી દસ રુપિયાના લીંબુ લીધેલા ને પચાસની નોટ આપેલી. એની પાસે છુટા પૈસા નહતા તો આપણા ચાલીસ રુપિયા એની પાસે જમા છે એનો હિસાબ કરતો આવજે હોંકે .’
અને આધેડ પુરુષ અને હાર્દિક એકબીજાની સામે જોઇને ગર્ભિત રીતે હસી પડયાં.

-sneha patel

swa swikar –


phoolchhab newspaper > navrash ni pal column > 13-05-2015
સ્વ- સ્વીકારઃ

આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,
આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.
– મુકુલ ચોક્સી
‘તમે તો બહુ આગળ વધી ગયા છો રીતુબેન ! તમને તમારી નવલકથા માટે સાહિત્યજગતનો સૌથી મોટો અવોર્ડ મળવાનો છે એવું સાંભળ્યું છે ને ! આઈ એમ પ્રાઉડ ઓફ યુ – નાઉ યુ આર અ સેલીબ્રીટી.’
‘શું સેલીબ્રીટી -કંકોડા ? તમે પણ મને ચણાના ઝાડ પર ના ચડાવો હોં હીનાબેન. સેલિબ્રીટી – ફેલીબ્રીટી બધું આપણું કામનું નહી હોં કે, આપણે તો રહ્યાં સીધા સાદા ઘરને સાચવીને બેસી રહેનારા આદર્શ ગૃહિણી. આવું બધું એવોર્ડ – બવોર્ડ તો ઠીક હવે ચાલે રાખે.’
‘રીતુબેન,આ તમે આમ સાવ આવી નાંખી દેવા જેવી વાત કેમ કરો છો ? તમે આટલા સારા લેખક છો. કેટકેટલા વિષયો ઉપર તમે કેટલી આસાનીથી લખી શકો છો. વળી સૌથી મહત્વની વાત કે લોકો તમને, તમારા લખાણને, તમારા વિચારો -આદર્શોને ખૂબ ખૂબ પસંદ કરે છે. તમારા પાંચ પુસ્તકો છ્પાઈ ચૂક્યા છે અને બીજા બે છ્પાવા માટે પ્રેસમાં. તો હવે કહો તમે એક સામાન્ય નારી, માણસ કેમના કહેવાઓ ?’
‘જુઓ હીનાબેન, આ બધું તો હું મારા નવરાશના સમયમાં કરું છું. મારો સમય રચનાત્મક કાર્યમાં પસાર થાય એ જ મુખ્ય કારણ છે. પણ મારું ઘર પહેલું એ પછીના નવરાશના સમયમાં જ આ બધું લખવાનું કાર્ય કરું. ઘરની જવાબદારી માથે રાસડા લેતી હોય તો હું મારો જીવ લખવામાં ય ના પૂરોવી શકું. મારા માટે તો મારું ઘર પહેલાં.’
‘રીતુબેન, મેં તમારી એ વાતનો ક્યાં વિરોધ કર્યો છે. ઉલ્ટાનું મને તો તમારા એ સ્વભાવને લઈને તમારી ઉપર માન છે કે તમે તમારી બધી જવાબદારીઓ સુપેરે પતાવીને મળતા નવરાશના સમયની હળ્વી પળોમાં આરામ કરવાનું વિચારવાને બદલે એ સમયનો આવો સર્જનાત્મક રીતે ઉપયોગ કરો છો. પણ તમે આટઆટલું કામ કરીને પછી પણ પોતાની જાતને સાવ જ સામાન્ય માનવી માનો છો એ મને નથી ગમતું. મારો વિરોધ ફકત એ એક જ બાબતે છે. તમે હવે એક સેલીબ્રીટી છો તો છો, એમાં કોઇ જ મીનમેખ ના કાઢી શકાય. સૌપ્રથમ તો તમારે પોતે એ વાતને સ્વીકારતા શીખવું પડશે.’
‘બળ્યુ એ શું બધું ? તમને ખબર છે હીનાબેન ? મારી ત્રણ ત્રણ બુક છ્પાઈ ગઈ ત્યાં સુધી તો મારી બાજુવાળાને પણ નહતી ખબર કે હું લેખનના ક્ષેત્રે જોડાયેલી છું. એ તો મારી નીચેના ફ્લેટમાં એક ભાઈનું મૃત્યુ થયું અને એ વખતે મેં મારા પ્રેસના કોન્ટેકટનો યુઝ કરીને એમની મરણનોંધ છ્પાવવામાં મદદ કરી ત્યારે તો એમને મારા કામનો થોડો ઉપરછલ્લો ખ્યાલ આવ્યો કે આ કંઈક આવું કામ કરે છે.’ અને રીતુબેને એક ખડખડાટ ઝરણાં જેવું હાસ્ય રમતું મૂકી દીધું. હીના એમના એ ખિલખિલાતા ચહેરા તરફ બે પળ જોઇ જ રહી અને કંઇક વિચારીને બોલી,
‘રીતુબેન, તમે આ જે કહો છો એ તમારી નમ્રતા છે પણ એક હદથી વધુ નમ્રતા પણ ખોટી કહેવાય. તમે આટલી લગનથી જે કાર્ય કરો છો અને એમાં આટલી હદ સુધી સફળ પણ થાઓ છો એના પર તમને ગર્વ તો હોવો જ જોઇએ. જો તમે જ તમારી જાતને મૂલ્યવાન નહી સમજો તો લોકો તો હીરાને કાચ અને કાચનો હીરો કરવા તૈયાર જ છે. પ્રાથમિક સમજ તો ચમક દમકની જ છે એ પછી એના પાસાં જોવાની તસ્દી લેવાય છે. તમે તો તમારી ચમકનો જ અસ્વીકાર કરો છો તો પાસા કેમના ઉજાગર કરી શકશો ? લોકો જે વિચારી પણ નથી શકતા એવી ઇતિહાસની – વિજ્ઞાનની ગૂઢ વાતો પર અદભુત સંશોધન કરો છો, માનવસંબંધોને, મૂલ્યોને માન આપો છો, લોકોની માનસિકતાનો પૂરા ઉંડાણપૂર્વક અભ્યાસ કરો છો અને એ પછી તમે તમારી કલમમાં સરળતાની શાહી ભરીને એક સરસ મજાની નવલકથા લોકોને પીરસો છો. કેટકેટલી મહેનત અને ઉપાસના ! આ કોઇ સામાન્ય નારીનું કામ કેવી રીતે હોઇ શકે મને તો એ જ નથી સમજાતું ? તમારા જેવા પરિવર્તનશીલ લેખક પોતાની જાત, ઓળખ માટે આટલા ઉદાસીન અને જડ કેમ છે એ જ મને નથી સમજાતું? જાતને સાવ આવી છેલ્લી કક્ષાએ જઈને કેમ મૂલવો છો ?’
રીતુબેન આંખો ફાડીને હીનાબેનની સામે જોઇ જ રહ્યાં અને હીનાબેનની વાત આગળ વધી,
‘રીતુબેન, તમે ઘરમાં જ રહીને ઘર પણ સંભાળૉ છો અને આ લખાણ – આવડત દ્વારા પૈસા પણ કમાઈ જાણો છો. ઘરે બેઠા આટલા પૈસા, માન – સન્માન…અહોહો…તમને બધું આસાનીથી મળી જાય છે એટલે કદાચ તમને એનો અહેસાસ નથી. લોકોની તો આખી જિંદગી આમા નીકળી જાય છે. મળ્યું છે એ નસીબ હોય કે આવડત પણ એને સાચવતા અને એની કદર કરતાં તો શીખવું જ જોઇએ. આવું જડ વલણ ના ચાલે તે ના જ ચાલે. એક કામ કરો, થોડી વાર તમારી અંદર ડૂબકી મારો અને વિચારો કે તમે આવા વલણ દ્વારા શું મેળવ્યું ? તમે જેને લાયક છો એ બધું મેળવી શક્યા છો કે અંદરખાને બીજાઓને તમારાથી પા ભાગની લાયકાતે પણ આગળ વધી ગયેલા જોઇને તકલીફ અનુભવો છો એ વિચારી જુઓ તો કદાચ તમને મારી આખી વાત સમજાઈ જશે.’
અને રીતુબેન સાચ્ચે આંખો બંધ કરીને વિચારોના સમંદરમાં ડૂબકી મારી ગયાં. થોડીક ક્ષણો પછી એમની આંખો ખુલી તો એમાંથી હીનાબેન માટે આદરથી બે અશ્રુમોતી ટપકી પડયાં.
અનબીટેબલ ઃ જાતને સૌપ્રથમ આપણે જાતે જ ઓળખતા – સ્વીકારતા શીખવું પડે છે પછી તો બધુ એની જાતે થઈ જાય છે.
-sneha patel

ghatnao


phoolchhab newspaper > 6-5-2015 > navrash ni pal column

ઘટનાઓ :

સમય જતાં જ ફરી ગોઠવાઈ જાય બધું,

સતત ન કોઈને આવ્યા-ગયાનું હોય દરદ.

~અશોક ચાવડા ‘બેદિલ’

ઘરની તાજી તાજી રંગાયેલી દિવાલ પર કરોળિયાનું મોટું મસ જાળું જોઇને સફાઈપસંદ રાઈશાનો મૂડ ઓફ્ફ થઈ ગયો. ટિપોઈ પર અંગ્રેજી મેગેઝિન પડેલું એ લીધું અને સોફા ઉપર ચડીને દિવાલ પરથી એ જાળું સાફ કરવાનો પ્રયત્ન કરવા લાગી. જાળું સાફ કરવામાં એકધ્યાન રાઈશાને સોફાની કિનારીનું ધ્યાન ના રહ્યું અને ધબા..ક દઈને સોફા પરથી નીચે પડી. લૉ-સીટીંગ સોફા હોવાથી રાઈશાને કંઈ ખાસ વાગ્યું નહીં પણ પોતાની બેધ્યાની પર હસવું કે અકળાઈ જવું એ નક્કી નહતી કરી શકતી. ત્યાં જ એના કાને અટ્ટહાસ્ય અથડાયું ને એની નજરે એ અવાજનો પીછો કરતાં જ સામે એની કામવાળી રમલી નજરે પડી.

‘અર..ર…ર બુન, આ ચ્યમના પડી ગ્યાં ? ‘

‘કંઇ નહી રમલી, એ તો પેલું જાળું છે ને એ સાફ કરવા સોફા પર ચડેલી ને ધ્યાન ના રહેતાં બેલેન્સ ના રહ્યું ને પડી ગઈ પણ બહુ વાગ્યું નથી. ચિંતા ના કર અને જા પેલી બાંબુ સાવરણી છે ને એ લઈને આ જાળું તું પહેલાં સાફ કરી નાંખ એટલે મારા જીવને ચેન પડે.’

અને રમલી પોતાની સાડીનો છેડો કમરની ફરતી ગોળ વીંટાળીને પોતાના કામે ચડી.

વિરાજ – રાઈશાનો પતિ ઘરમાં પ્રવેશી જ રહેલો ને એની નજરે આ આખું દ્રશ્ય ઝડપાઈ ગયું. રાઈશાની નજીક સોફા ઉપર બેઠો અને બોલ્યો,

‘આજકાલ કેમ આમ અકળાયેલી અકળાયેલી રહે છે રાઇશુ ?’

‘ના..ના..એવું કંઈ નથી વિરાજ, આ તો એમ જ આ સાફ સફાઈ કરવામાં…’

‘હું આજની વાત નથી કરતો. છેલ્લાં મહિનાની વાત કરું છું ડીઅર.’ વિરાજે રાઇશાની વાત વચ્ચેથી કાપતાં કહ્યું.

‘તારા મનનો વહેમ છે બધો.’

‘મારી આંખોમાં આંખ મિલાવીને કહે તો કંઈ જ વાત નથી.’ અને રાઇશાની ચોરી પકડાઈ ગઈ. એ વિરાજથી નજર બચાવવા લાગી. એને ખબર હતી કે એ વિરાજની આંખોમાં આંખ નાંખીને બોલવા જશે તો એના દિલનો ચોર પકડાઈ જશે.

‘રાઇશુ, મને ખબર છે કે જે દિવસથી આપણી ગાડીમાંથી એક લાખ રુપિયાના દાગીનાની ચોરી થઈ ત્યારની તું અકળાયેલી અકળાયેલી રહે છે. પણ ડીઅર, એ દાગીનાનો બટવો તો તારા ધ્યાન બહાર તારા પર્સમાંથી સરકીને ગાડીની ફ્રન્ટ સીટ પર પડી ગયેલો અને પેલું કાગનું બેસવું ને ડાળનું પડવુંની જેમ એ જ દિવસે ચોરની નજર પણ એના પર પડીને એણે હાથ સાફ કરી દીધો. પણ ઠીક હવે, વાત પતી ગઈ. આમ વારંવાર જાતને વખોડ્યા કરવાથી થઈ ગયેલ વાત બદલાઈ નથી જવાની. બહાર નીકળ એ ઘટનામાંથી.’

‘હું બહુ જ બેદરકાર છું મને ખબર છે. જો ને હમણાં એ જ બેદરકારીને કારણે સોફામાંથી પડી ગઈ ને. પણ હું શું કરું ?’

‘અરે આવી નાની મોટી ઘટનાઓ તો બધાની સાથે થતી હોય છે. તું કંઈ નવી નવાઈની નથી. અચ્છા તું એમ કેમ નથી વિચારતી કે ગાડીમાંથી ફકત દાગીનાનો બટવો જ ચોરાયો બાકી ચોરવા જેવું તો ગાડીમાં ઘણું બધું હતું. ડીવીડી, તારું લેપટોપ, લેપટોપની બેગમાં તારું વોલેટ, વોલેટમાં તારા ક્રેડિટકાર્ડ, તેં જે મોંઘી મોંઘી સાડીઓનું શોપિંગ કરેલું એ શોપિંગ બેગ્સ ..કેટલું કેટલું હતું ! વળી તું એમ કેમ નથી વિચારતી કે, ‘બની શકે કે સોયનો ઘા સૂળીએ ટળ્યો. બાકી જો તારું આખું પર્સ જ ગાડીમાં રહી ગયું હોત તો ? એમાં આપણે પાર્ટીને ચૂકવવાના દસ લાખની કેશ હતી..ઓહ્હ..આવી ઘટનાનો તો વિચાર પણ નથી આવતો . ને થઈ ગયું એ થઈ ગયું ને બદલી શકાવાનું નથી વળી ઘટનાને જેમ લઈએ એમ હોય છે તો આપણે પોઝીટીવ વિચાર જ કરીએ ને મનને શાંત રાખીએ એ જ વધુ હિતાવહ નથી. ‘

‘હા વિરાજ, તારી વાત સાચી છે.’ રાઇશાના મોઢા પરના હતાશાના વાદ્ળ થોડાં વિખરાઈ ગયાં. વિરાજે રાઇશાનો હાથ પોતાના હાથમાં લીધો અને અવાજમાં શરારતી રંગ ભેળવતા બોલ્યો,

‘અને મારી સૌથી મોંઘેરી જણસ તો તું. જો એ ચોર તને ગાડી સમેત ઉપાડી ગયો હોત તો…તારા શરીર ઉપર કમ સે કમ બે ચાર લાખના દાગીના તો છે જ..વળી મારી ગાડીની કિંમત પણ પાંચ લાખની…અને તું..તું તો અમૂલ્ય…આ બધું બચી ગયું. વાતને આમ વિચારને. વળી જાતને વારંવાર આમ હીનભાવનાથી ગ્રસ્ત રાખીને જીવીશ તો તારો સેલ્ફ કોન્ફીડન્સ તું ગુમાવી દઈશ , તારી જાતને અશકત બનાવી દઈશ. એની ભરપાઈ તો કોઇ કાળે કોઇ જ કિંમત ચૂકવીને નહી થઈ શકે. માટે મહેરબાની કરીને ભૂતકાળમાંથી બહાર નીકળ અને વર્તમાનમાં જીવીને ભવિષ્યને સશકત બનાવવાના પ્રયત્ન કર.’

‘વિરાજ, તું સાચું કહે છે. હું છેલ્લા મહિનાથી હીનભાવનાનો શિકાર થઈ ગઈ છું, મારો મારી જાત પરથી વિશ્વાસ જ ઉઠી ગયેલો પણ આજે તેં મારો કોન્ફીડન્સ પાછો મેળવવામાં મને બહુ જ મદદ કરી છે. થેન્ક્સ અ લોટ ડીઅર.’

‘ઓયે, આ કોરું કોરું થેન્ક્સ બેન્ક્સ નહીં ચાલે એની કિંમત ચૂકવો ચાલો…’

વિરાજની વાતનો મર્મ સમજતા સહજીવનના બે વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં પણ રાઇશાનું મોઢું નવીનવેલી દુલ્હનની માફક લાલચોળ થઈ ગયું.

અનબીટેબલ ઃ હકારાત્મક વિચાર ખુશીનું  સરનામું છે.

વિશ્વાસના શ્વાસ.


phoolchhab newspaper > navrash ni pal column > 29-04-2015
જાતને વાદળ બનાવી રાખવી,

કોણ જાણે, કોઇ ક્યારે તરફડે !

-નેહા પુરોહિત.

‘ક્યારનો ફોન કરું તો ઉપાડતો નથી વળી મેસેજીસના ય રીપ્લાય આપતો નથી ! નવાઈનો જાણે એ જ આખી દુનિયાનો વ્યસ્ત છે. સાવ જુઠ્ઠાડો છે; આ બધાની વાતો પર વિશ્વાસ કરાય જ નહીં.’વત્સલના અવાજનો પારો એની તીવ્રતમ સપાટીને સ્પર્શતો જતો હતો.

‘શું થયું બેટા ? કેમ આટલો બધો ગુસ્સો ?’ વત્સલની સામે બેઠેલા વયસ્ક રવિભાઈએ હાથમાં પકડેલા અખબારની અને આંખે પહેરેલાં બેતાલાના ચશ્માની ઉપલી સપાટીએથી નજર વત્સલના મુખ પર ઠેરવી. વત્સલના મોઢા ઉપર અણગમાની છાયા પ્રસરેલી હતી જે સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.

‘અરે આ અજય – મારા ધંધાની નવી પાર્ટી – એ મારો ફોન જ નથી ઉપાડતો. મારે આજે મારા કારીગરોને પગાર ચૂકવવાનો છે અને એના માટે પૈસાની તાતી જરુર છે. આજે એણે મને પેમેન્ટ કરવાનું હતું તો મને એમ કે હું એ પેમેન્ટમાંથી મારી ચૂકવણીઓ પતાવી દઈશ. અજયે મને આજની તારીખે ચેક આપી દઈશ એવો વાયદો કરેલો અને આજે જુઓ…ફોન જ નથી ઉપાડતો.’

‘ફોન ના ઉપાડે એટલે આટલી બધી ગાળો ? બની શકે કે એ સાચે કોઇ કામમાં ફસાયેલો હોય ?’

‘અરે પપ્પા, તમે આ બધાને ઓળખતાં નથી. આની પહેલાં પેલા સુબ્રતોની વાત તો તમે જાણો છો જ ને ? એક તો ક્રેડિટથી માલ વાપરે અને પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં. સાવ જાડી ચામડીના જ બનેલા હોય છે આ બધા. મેં એને ચડેલા બિલો પર વ્યાજ લેવાની ધમકીઓ પણ આપેલી પણ એ કાળિયાને એની કોઇ જ અસર ક્યાં થતી હતી ! કંટાળીને આપણે એની સાથે ડીલીંગ જ બંધ કરી દીધું. હજુ આજની તારીખમાં એની લેણી નીકળતી રકમમાંથી માંડ સીત્તેર ટકા જ નીકળી શકી છે. બાકીની ત્રીસ તો આવશે ત્યારે હવે. એ સુબ્રતો પણ હું જ્યારે ફોન કરું ત્યારે આવા ગલ્લાં તલ્લાં જ કરે. ફોન સ્વીચ ઓફ હતો, હું મીટીંગમાં હતો, મારે બહારગામ જવાનું છે, બીજી પાર્ટીને પેમેન્ટ આપવાના છે, મારે ય પૈસા ફસાયેલા છે મન થાય છે કે નાદારી જ નોંધાવી દઉં..વગેરે વગેરે.ત્રીસ ટકાની રકમ તો માંડી વાળવાનો જ વારો આવશે કદાચ. ‘

‘પણ એમ ના બને કે આ તારો કોણ…હા; અજય, એ સાચે ફોન ના લઈ શકે એવી સ્થિતીમાં હોય ?’

‘મારા ધંધામાં મારે રોજ રોજ આવા ‘ફોન ના ઉપાડવા કે મેસેજીસના જવાબ ના આપવા’ જેવી વર્તણૂકનો સામનો કરવાનો આવે છે. હવે હું આ બધી રીતોથી પૂરેપૂરો પરિચીત થઈ ગયો છું. મને આવા કોઇના જવાબ પર વિશ્વાસ જ નથી આવતો .’

‘દીકરા, તું થોડો વધુ પડતો નેગેટીવ થઈ ગયો છે એમ નથી લાગતું ? આ અજય સાથે તો તારું પ્રથમ ડીલીંગ છે, સાવ નવો નવો છે. એની રીતભાતથી ય તું પૂરતો પરિચીત નથી. પેલા સુબ્રતોએ દગો કર્યો એનો અર્થ એમ થોડો કે અજય પણ એવું જ કરશે ?’

‘પપ્પા, આજના જમાનામાં પૈસા લેવામાં સૌ એક્કા છે પણ પૈસા કાઢવાના હોય ત્યારે બધા એક સરખાં જ થઈને ઉભા રહે છે. વિશ્વાસ જેવી મહામૂલી મૂડી આવા લોકો પર ના વેડફાય.’

‘જો તને વિશ્વાસ જ નથી તો લોકોને આમ ક્રેડિટ પર માલ શું કામ આપે છે ? એડવાન્સ પૈસા જ લઈ લે ને .’

‘અરે..આજના હરિફાઈના જમાનામાં એ વાત શક્ય જ નથી. ક્રેડિટ ના આપીએ તો પાર્ટી બીજા સપ્લાયરને પકડી લે. ક્રેડિટ પર માલ આપવો એ મજબૂરી છે.’

‘ઓકે..તો તું માલ ક્રેડિટ પર લે. એથી તારા પૈસા ઓછા ફસાશે.’

‘એ પણ શક્ય નથી. આજકાલ આપણે જે માલ વાપરીએ છીએ એની તંગી રહે છે જેથી કેશ પેમેન્ટ પર જ એ માલ ખરીદવો પડે છે.’

‘ઓહ, તારી હાલત હું સમજી શકું છું બેટા. પણ એક જણ વિશ્વાસ તોડે એટ્લે બીજા પર અવિશ્વાસ રાખવો એ તો આપણી નબળાઇનું પ્રતિક કહેવાય. વળી વિશ્વાસ વગર તો આપણે કોઇ જ કામ ના શ્રી ગણેશ કરી જ ના શકીએ. હા બને એટલી કાળજી અવશ્ય રાખવાની અને એ તો આપણે રાખતાં જ હોઇએ છીએ. બાકી આ અવિશ્વાસ તો ઝેર સમાન હોય છે. એની છાયામાંથી બહાર નીકળ ને વિશ્વાસના શ્વાસ લે. થોડી ધીરજ રાખ મારું દિલ કહે છે કે અજયનું પેમેન્ટ સમયસર આવી જ જશે.’

‘પપ્પા, એવી સૂફિયાણી વાતો પર ધંધા ના…’ વત્સલ હજુ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં દરવાજાની ઘંટી વાગી અને વત્સલ દરવાજો ખોલવા ગયો. દરવાજો ખોલતાં જ એનું મોઢું અચરજથી પહોળું થઈ ગયું. સામે હસતા વદનવાળો અજય ઉભો હતો,

‘હાય વત્સલભાઈ, સોરી મારે થોડું મોડું થઈ ગયું. એકચ્યુઅલી હું આ બાજુ જ નીકળતો હતો તો થયું કે લાવ હું જ તમને ચેક પહોંચાડી દઉં. ખાલી ખોટ્ટું તમને મારી ઓફિસે ક્યાં ધક્કો ખવડાવું ? તમે આમ પણ દસ વાગ્યા સુધી તો ઘરે હોવ છો એનો મને ખ્યાલ હતો. તો હું જાતે જ અહીં હાજર થઈ ગયો. નીચે પાર્કિંગમાં સ્કુટર પાર્ક કરતાં ખીસ્સામાંથી ફોન કાઢ્યો તો આપના મેસેજીસ ને ફોન જોયા પણ સોરી, હું ટ્રાફિકમાં હતો તો મને ખ્યાલ જ ના રહ્યો. આ લો તમારા એંસી હજારનો ચેક અને તમને બીજી ડીલમાં થોડી સરળતા રહે એથી આ બીજો પચાસ હજારનો એડવાન્સ ચેક ! અમને તમારા માલની ક્વોલિટી બહુ જ ગમી અને બીજો માલ તૈયાર થાય એટલે સમયસર ડિસ્પેચ કરાવી દેશો.’

‘અજયભાઈ, અંદર તો આવો. જરા ચા – બા..’

‘ના ના. મારે બહુ જ મોડું થાય છે. ચા ઉધાર રહી .’ કહીને મીઠું મરકતાં અજય ત્યાંથી નીકળી ગયો.

અને વત્સલ હાથમાં બે ચેક લઈને સામે ઉભેલા રવિભાઈની સામે જોઇ જ રહ્યો. એની પાસે બોલવા જેવું કશું ય બચ્યું જ ક્યાં હતું !

અનબીટેબલ ઃ ઘણી વખત બીજો ગાલ ધરવાથી વ્હાલ પણ મળે છે