ઓટલો -1


ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,કેનેડા પછી હવે અમેરિકાના અગ્રણી મેગેઝીન ‘દેશપરદેશ’માં આજથી મારી નવી કોલમ ‘ઓટલો’ ચાલુ થઈ રહી છે. ચીફ એફિટર મિત્ર કિશોરભાઈ વ્યાસ ઘણા જાણીતા કોલમિસ્ટ, લેખક, કવિ, ઉમદા વિવેચક છે. મેગેઝીનમાં બીજા ઘણાં બધા જાણીતાં, સિદ્ધહસ્ત લેખકો સાથે કામ કરવાનો એક નોખો અનુભવ મળી રહ્યો છે એનો આનંદ આપ સાથે વહેચું છું.

આજની પેઢી


છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.

અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે.
ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને  જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…

આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય.  મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે.
પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે.
જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન !
આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!

બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.

તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે..
અસ્તુ.
-સ્નેહા પટેલ.
Https://akshitarak.wordpress.com

Trust me


આજકાલ કોરોના વિશે બહુ બધી વાતો સાંભળી સાંભળીને આપણે સાવચેતીના નામે મગજમાં નકરો ડરનો પગપેસારો કરી દીધો છે. આપણે એક વાત ધ્યાન રાખવાની છે કે, ‘સાવચેતી એ સાવચેતી જ બની રહે, એના નામે મગજમાં નકારાત્મકતાના ઘાસ નથી ઉગાડી દેવાના.’

દરેક દર્દી અલગ અલગ હોય છે. એકની સાથે થયું એવું ‘સેમ ટુ સેમ’ બીજા સાથે થશે જ એવું સહેજ પણ જરૂરી નથી. દરેક દર્દીનું શરીર, તાસીર બધું અલગ અલગ હોય છે. રોજરોજ લોકોની દર્દીલી દાસ્તાન સાંભળી આપણે પણ એ જ ભોગવવું પડશે કે મરી જઈશું એવું સહેજ પણ નહીં વિચારવાનું. અનેકો લોકો આ રોગનો સ્વસ્થતાથી સામનો કરીને બહાર આવે છે. શીખવું જ હોય તો એમની પાસેથી માનસિક મનોબળ મજબૂત રહે, હસી ખુશીથી આ સમય યોગ્ય દવા ને આહારથી કેવી રીતે પસાર કરવો એ શીખવાનું છે.

જો આપણું મગજ બહુ જ સેન્સિટિવ હોય તો આવી વાતોથી દૂર રહેવું પણ એ જ સમયે મગજ બન્ધ નહિ કરી દેવાનું. એવું કરવાથી તમારો ડર supress થશે. ડર લાગે છે તો લાગે છે – સ્વીકારી લેવાનો અને પછી હળવેથી પ્રેમથી આપણા મગજને પંપાળીને આપણા મનગમતા કાર્યમાં જોતરી દેવાનું.

સૌથી પહેલાં તો આપણે આપના જીવનના મુખ્ય રસના વિષય શોધવા જોઈએ. રસ એટલે એવો રસ કે જેના દ્વારા ગમે એવા મહોલમાં આપણે શાંતિનો અનુભવ કરી શકીએ, ખુશી અનુભવાય. રસના આવા વિષયોને જીવનમાં ખૂબ માવજતથી દરેક માનવીએ ઉછેરવા જ જોઈએ. આવા ડરના માહોલમાં આપણું મગજ ફટાક દઈને એમાં ડાયવર્ટ થઈ જાય એવી પ્રેક્ટિસ આજીવન કરતા જ રહેવાની. આ સબ રોગોની એક દવા છે મિત્રો.
ડર સબકો લગતા હૈ…કોઈ માઈના લાલને મોતથી ક્યારેય બીક લાગી ના હોય એવું ના બને. ભલે આખો દિવસ પેન ધસડે, માઇક પર લેકચર્સ આપે,મોટી મોટી શિખામનની વાતો કરે…પણ ડર બધાને લાગે જ છે. મુખ્ય વાત દરેક જણની ડરને ટેકલ કરવાની રીત પર બધો મદાર છે. આપણે ડરીએ છીએ તો ડરીએ છીએ ok… પણ એને સ્વીકારી લો..ખાલી ખાલી હું નથી ડરતો કે ડરતી ના બણગાં ના ફૂંકો. એ રીતે તમે લોકો કરતાં તમારી જાતને વધુ ઉલ્લુ બનાવો છો. એવું ના કરો. હા, મને ડર લાગે છે…સ્વીકારીને મગજને તમારા મનગમતા કાર્યમાં પૂરોવી દો. જેટલું સહજતાથી આ ક્રિયા કરશો એટલી જ સરળતાથી પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો.
વિશ્વાસ રાખો.. શરૂઆત થોડી મહેનત માગશે કારણકે સરળતા, સહજતા બહુ અઘરી છે. પણ એ આપણી અંદર જ છે અને આપણે બધા કસ્તૂરીમૃગ જેવા બહાર શોધીએ છીએ.

મગજને કાયમ તમારા મનગમતા કાર્યમાં પ્રવૃત્તિમય રાખો. બસ. ખાલી ઢોરની માફક રખડવા ના દો નહિતર પેન્ડલુમની જેમ આમથી તેમ ઝોલા જ ખાશે.

ફરી એક વાર.. દરેક દર્દી અને એની વાર્તા અલગ હોય છે. કોઈની પણ વાત સાંભળી પોતાની જાત સાથે એને ના સાંકળી દેશો પ્લીઝ. સમય અને ડોકટર પર વિશ્વાસ ને ધીરજ રાખજો. બસ…પછી બધું આસાન છે.

TRUST ME 🙂

  • સ્નેહા પટેલ.

લાચારી નું સામ્રાજ્ય


ફેસબુક, વોટ્સએપ કશું પણ ખોલતા હવે ડર લાગે છે…રોજ કોઈક ને કોઈકના મૃત્યુના સમાચાર જોવાના ? પહેલા તો મહિને એકાદ આવતા પણ હવે તો દિવસમાં ત્રણ ત્રણ આવા સમાચાર જોવા મળે છે. ક્યાં અટકશે આ બધું?
નેટ ના ખોલીએ તો આજુ બાજુ ઉપર નીચે, નજીક દૂર બધે આ નું આ જ ચાલે છે. રોડ ઉપર એમબ્યુલન્સ લાઈટ, હોર્ન સતત ચાલુ ને ચાલુ જ. દર કલાકે રેમડેસીવર નથી, ઓક્સિજન નથી, બેડ નથી, જગ્યા નથી જેવા અતિલાચારીના સમાચાર જ સાંભળવા મળે છે.

મિનિટે મિનિટે વધી રહેલો કોરોના પોઝીટીવનો આંકડો માંડ માંડ ગોઠવીને રાખેલા શ્વાસ વેરણ છેરણ કરી નાખે છે. યોગા, ફિટનેસ,ઉંમર જેવા કોઈ જ ગણિત કામમાં નથી લાગતા, કોણે કેટલી વેકસીન લીધી, કેટલી સાવધાની રાખી, કોના કેટલા સંપર્કમાં આવ્યા એ બધાની સમજણનો કોઈ જ કરતાં કોઈ જ અર્થ નથી.

બધે ડર, ખૌફનો માહોલ છે. લોકો આપાધાપીમાં પોતે શું કરી રહ્યા છે એ પણ સમજી નથી શકતા ને સાવ આંધળુકિયા જ કરે છે. સરકારને ગાળો આપવી, પ્રજાને જવાબદાર ગણવી, નેટ પર કે ફોનમાં લોકોને ફરિયાદો કરવી એવો સમય કે હિંમત પણ નથી બચી. કોઈને પૂછો કે, ‘કેમ છો?’ ત્યારે એક નવો જવાબ સાંભળવા મળે છે – હજી સુધી તો બધું ok છે પછી ખબર નહિ. નરી અસુરક્ષિતતામાં લિમિટલેસ જીવવાનું છે ને જે થાય એ જોયા કરવાનું, સ્વીકાર્યા કરવાનું. ભવિષ્યના કોઈ પલાનિંગ નહિ કરવાના કારણ કેટલું ભાવિ બાકી છે એ તો કોઈને ખબર જ નથી. દરેક જણ બીજાને સાંત્વના આપતાં આપતાં એનું ખોખલાપણું પોતે જાતે જ અનુભવી શકતો હોય છે ને અંદર અંદર એ પણ ડરતો જ હોય છે.
દરેક પોઝીટીવ આવતો માણસ પોતાનાને પણ infected કર્યાના guilt સાથે જીવી રહ્યો છે.
જે ગુનો કર્યો નથી એની માનસિક સજા ભોગવી રહ્યો છે.

હે પ્રભુ, હવે બહુ થયું – થોડા ખમૈયા કરો, શાંતિનો શ્વાસ લેવા દો તો સારું.
-સ્નેહા પટેલ.
17એપ્રિલ,2021

Happy birthday mummy


મારી વ્હાલી મમ્મી,

આજે તારી bday.

દર વર્ષે તું કેટલી આતુરતાથી રાહ જોતી આ દિવસની…ક્યારે 15 એપ્રિલ આવે અને ક્યારે તું અમને બધાને જમવા બોલાવે, અને અમે પણ બધા ભેગા થઈને તને સરસ મજાની ગિફ્ટ આપીએ ને તારા હાથની રસોઈ ખાઈએ એની રાહમાં જ હોઈએ..

આજે ફરીથી એ સુંદર મજાનો દિવસ આવ્યો છે ને આજે ફરીથી તને બહુ બધા hug and kisses.

એક.. બે…ત્રણ.. ચાર…બસ…હું હવે નથી ગણતી કે તું અમારી વચ્ચે નથી એને કેટલો સમય થયો છે. તારી સાથે વિતાવેલી સરસ મજાની યાદોનું ઓશીકું બનાવીને કાયમ એના પર સૂઈ જાઉં છું ને તારા ખોળા જેવી હૂંફ અનુભવું છું. મારામાં Imaginationની જે તીવ્ર શક્તિ છે એ આ બધામાં મને બહુ જ મદદ કરે છે.

હું તારા વ્હાલથી ભરપૂર સઁતોષ મેળવી અને સ્વસ્થ થઈ જાઉં છું ને પછી હકીકત સ્વીકારવા મજબૂત થઈ જાઉં છું. મનોમન તારો રૂપાળો, ગરવિલો ચહેરો યાદ કરીને મારા દિલના તાર હું તારી સાથે જોડીને તું જ્યાં પણ હોય ત્યાં સુધી મારો પ્રેમ વ્હેવડાવું છું. મને નથી ખબર તું આકાશના કરોડો, ખરબો તારાઓમાં વસેલી છે કે પછી મારી આજુ બાજુના કોઈ સુગંધી ફૂલની ખુશ્બુમાં ..કે પછી કોઈ પણ બીજા જીવમાં…મને ફક્ત એટલું ખબર છે કે તારો ને મારો સ્નેહ- સેતુ મજબૂત,અખંડ અને અમર છે. મારા સ્નેહનું વહેણ કાયમ તારા ને તારા તરફ જ રહેવાનું અને એમાં એટલી તાકાત છે કે ખુદ ઈશ્વર પણ એના કવચની સામે બેબસ થઈ જશે અને તને સુંદર જીવન આપવા મજબૂર થઈ જશે.

બસ ત્યારે …
તમે આમ જ હસતા,રમતા ને ખુશ રહો મમ્મીજી.

લિ.
તારા અણમોલ રતન
અમી,ઝરણાં,સ્નેહા.
15એપ્રિલ,2021.

Watch “II જાતને એપ્રિલફૂલ બનાવવી નથી ગમતી II સ્નેહા પટેલ II” on YouTube


હું સ્વાભિમાનથી છલોછલ છું
પરંતુ
હું જાણું છું કે એને લોકો અભિમાન પણ ગણે છે.
હું એક લાગણીશીલ સ્ત્રી છું
પરંતુ
મને સ્ત્રીઓમાં ઓછું
અને
પુરુષોમાં વધુ જોવા મળતો દિમાગનું આધિપત્ય ધરાવતો ગુણ આકર્ષે છે એ નકારીશ નહિ.
મને જાતે નિર્ણયો લેવાનું ખૂબ ગમે છે
પરંતુ
એમાં અમુક વખત હું ખોટી પણ હોઉં છું.
મને રસોઈ કરવી ખૂબ ગમે છે
પરંતુ
કોઈ પ્રેમથી રસોઈ કરીને જમાડવાનું કહે
તો એ વધુ ગમે છે.
મારા કામ મારે જ પતાવવાના હોય છે, જાણું છું,
પરંતુ
કોઈ આવીને જાદુની છડી ફેરવીને એ બધા કામ
મારી જેટલી જ ચપળતાથી
પતાવી આપે એવી ઈચ્છા પણ થાય છે.
આમ તો હું ખૂબ મજબૂત છું
પરંતુ
એ છબી સાબૂત રાખવા
રડવું હોય ત્યારે હસીને,’હું મજામાં છું’ એવું
નથી કરી શકતી.
હું ખૂબ જ સારી વ્યક્તિ છું
પરંતુ
અમુક અનિચ્છનીય અવગુણો મારામાં પણ છે.
મને બધો સ્વીકાર ‘જેવો છે એવો’ જ મને મંજૂર છે
પરંતુ
જાતને છેતરવા ‘એપ્રિલ ફૂલ’ કહી
જાત સાથે અંચઇ કરવી સહેજ પણ પસંદ નથી.
-સ્નેહા પટેલ.
1એપ્રિલ,2021.

મારા પુસ્તકો – મારું ગૌરવ.


હું પુરુષ દાક્ષિણ્ય, માનવ દાક્ષિણ્યથી ભરપૂર આત્મવિશ્વાસી સ્ત્રી છું અને મને મારા નારીત્વ પર ખૂબ જ ગૌરવ છે.

આપણા સમાજમાં કોઈ પણ વર્ગ હોય એના ટોળા બનાવીને જીવવાની, ટેકો લેવાની એક ટેવ પડી ગઈ છે જે મારા સ્વભાવને સહેજ પણ અનુકૂળ નથી આવતું. હું મોટાભાગે મને ફક્ત સ્ત્રી હોવાના કારણે મળતી તક, અનામતનો વિરોધ કરું છું. મારી આવડતથી મળે એ જ મારું પોતાનું. મારી આવડત મને કોઈનો ટેકો લેવા મજબૂર કરે તો હજી પાયો કાચો એવું લાગે. ઈશ્વરની દયાથી ના જોયેલા સપનાઓ પણ પૂરા થઈને મારા ખોળામાં ખીલેલા ફૂલોની માફક આવી પડે છે.

જોકે આનો અર્થ એવો નથી કે જે ભેગા થઈને કામ કરે એ સ્ત્રીઓના કાર્યનું મારે મન કોઈ મૂલ્ય નથી. હું એ દરેકે દરેક સ્ત્રીને ખૂબ જ માન આપું છું. મને એમની સિધ્ધિઓનું પણ ગર્વ અનુભવાય છે. એ બધી સ્ત્રીઓ સમાજ માટે સુંદર ઉદાહરણ પૂરા પાડે છે, પ્રેરણા આપે છે. એ બધી જ સ્ત્રીઓને આજના દિવસે મારા તરફથી ‘ મહિલા દિવસ’ના વધામણાં છે.

ફક્ત મારા સ્વભાવમાં હું માત્ર મહિલા છું એટલે કોઈ તક મળે એ પસંદ નથી,મને એ અનામત સ્વીકાર પણ નથી. એ બાબતે હું બહુ જ સ્પષ્ટ છું.

મને ઘણી ઘણી ઓફરો આવતી હોય છે જેનો મારે અસ્વીકાર કરવો પડે છે એ બાબતે હું મને એ તક આપનારા દરેક મિત્રોની, શુભેચ્છકોની માફી માંગુ છું. આશા છે તેઓ મારી મજબૂરી સમજી શકશે ને મને જેવી છું એવી જ સ્વીકારશે.

ફરીથી, મને મારા નારીત્વનું બેહદ ગૌરવ છે. આવતા જન્મે પણ ઈશ્વર મને સ્ત્રી જ બનાવે અને એ પણ ‘સ્નેહા’ જેવી જ.

મારી બધી જ સહેલીઓને આજનો દિવસ અને આખું જીવન મુબારક મુબારક. ખુશ રહો,સ્વસ્થ રહો અને સફળ રહો.

આ સાથે જ મને આજના દિવસે મારા પ્રકાશક મિત્રએ એક સુંદર સમાચાર આપીને મારો આજનો દિવસ વધારે સુંદર બનાવી દીધો. ફોટો શેર કરું છું. આવા પુસ્તકોની વચ્ચે મારા એક નહિ પણ બે બે પુસ્તકોનું આવું ગૌરવવંતુ સ્થાન… અહાહા….

Thank you god.
-સ્નેહા.

Womenempowerment


‘સ્ત્રી સશક્તિકરણ’ની ચળવળોએ આધુનિક નારીને identity crisis, stress અને insecurityની ભેટ વધુ આપી છે.

womenempowerment

quotes

Unbeatable

-સ્નેહા પટેલ.

Maa nu dharm sankat


માનું ધર્મસંકટ

‘બેટા, નીચે પેલા છોકરાઓ છે ને..એમની સાથે બહુ ના રમતો, બહુ ગંદા છે.’
‘સારું મમ્મી, હું ઘરમાં એકલો જ રહીશ. મને નેટફ્લિક્સ, amazoneનું subscription કરાવવા પૈસા આપોને.’

-સ્નેહા પટેલ.

#microfiction.

Web series


વેબસિરિઝને સફળ થવા ગાળો અનિવાર્ય જ છે’ આવી ભ્રામક માન્યતા ક્યારે દૂર થશે ? સેન્સર થવું જ જોઈએ.

#વેબસિરિઝમાં_ગાળોનો_બહિષ્કાર

આ હેશટેગ વધુ ને વધુ ફેલાવું જોઈએ એવું નથી લાગતું ?

મોર્ડન દેખાવાના મોહમાં આપણે આવી ગાળો સાંભળતા શીખવું એ નરી મૂર્ખામી છે. અમુક લોકો લડતા લડતા વચ્ચે બે અંગ્રેજી ગાળો બોલીને સામેવાળાને દબાવવાનો પ્રયાસ કરે ત્યારે મને ખૂબ હસવું આવે છે ..જોકે અમુક વખત સામેવાળો બે ઘડી પ્રભાવિત થઈ જાય એનું દુઃખ પણ થાય છે.

સ્ત્રીદાક્ષિણયમાં માનતા સુસંસ્કૃત સમાજમાં એને જ અપમાનિત કરાતી ગાળોનો ધોધ વહે છે.

બે મોઢાળો સમાજ !

જે હોય એ…ગાળો એ નકરી ગંદકી અને માંદલી માનસિકતા માત્ર  છે એને સ્માર્ટનેસનો કોટ સમજીને દેખાદેખીના મોહમાં ઓઢીને ના ન ફરાય. મોટાભાગે તમારી પાસે કોઈ તાર્કિક દલીલ કે વજનદાર શબ્દો ના હોય ત્યારે તમારું ફ્રસ્ટેશન કાઢવા જ ગળોનો સહારો લેવો પડે છે. ગાળો એ માત્ર ને માત્ર કમજોર લોકોનું પાંગલું હથિયાર છે એવું હું સો ટકા માનું છું.

-સ્નેહા પટેલ.

કોરોના કાળ


આજના કપરા સમયમાં શબ્દોની રમતથી નહિ પણ તન-મન અને સમજણ ની સહિયારી તાકાતથી જ જીવવું પડશે.

‘ઓહ, કમ ઓન યાર, કશું જ નહીં થાય…એમ બી ને શુ જીવવાનું? બિન્દાસ થઈ જા અને ચા ફાફડાની જ્યાફત ઉડાવ એવું નહિ ચાલે ‘
તો સામે,
‘મને કશુંક થઈ જશે તો…હું ઘરની બહાર ક્યાંય નહીં નીકળું, ક્યાંય નહીં અડકું, કોઈને નહિ મળું,મારા ઘરના દરવાજા બંધ કરીને એકલા જીવી લઈશ’

એ પણ નહીં ચાલે.

કોરોના, બ્રિટનમાં આવેલો નવો સ્ટ્રેઇન બધાથી જરૂર પૂરતું માહિતગાર રહી અને આપણું જીવન સલાતી,તકેદારી ના ખાના પાડીને જીવવાનું છે. પેનિક તો જરા પણ નથી થવાનું. પેનિક અને સાવચેતીનો મુખ્ય ભેદ સમજતા શીખવાનો આ મહાકાળ છે. કુદરત આપણને આ મહાપાઠ શીખવવા બેઠી છે તો પૂરતી ખુમારીથી એમાં પાસ થવાની હિંમત રાખવાની છે અને પૂરા સો માર્ક્સ સાથે એમાં પાસ થવાનું જ છે એવો સંકલ્પ કરવાનો છે. આ પાઠ કોઈ સ્કુલ કે કોઈ માનવી ક્યારેય નથી શીખવી શકવાનું.

ડિસેમ્બરના અંતની આ કડકડતી ઠંડીમાં ગરમાગરમ ચાનો એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને ઊચ્છવાસમાં બધી ચિંતાની ગરમી ચાની વરાળમાં ભેળવીને હવા કરી દેવાની છે. જાન્યુઆરીનો સોનવર્ણી સૂરજ ઉગવાની તૈયારીમાં જ છે. ખાસી એવી સફર તો આપણે ખેડી કાઢી જ છે હવે અંત સમયે થાકી નથી જવાનું. આશાવાદનો છોડ દિલના બગીચામાં મઘમઘતો રાખવાનો છે અને માસ્ક પાછળ છુપાયેલા શ્વાસની ઘેરી આશા એને સીંચતા રહેવાનું છે.

આ કોરોનાનું કોકડું ખાસુ એવું તો ઉકેલાઈ ચૂક્યું છે બસ હવે અંત હાથવેંતમાં જ છે.

તો મિત્રો, ચિંતા વગરની સલામતી સાથે ખૂબ જ સુંદર જીવજો. તમે આ નાવમાં એકલા નથી આખું વિશ્વ એકબીજાની પડખે છે.

God bless you all.

-સ્નેહા પટેલ.

રાતરાણી


ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત ‘નમસ્કાર ગુજરાત’ છાપાની મારી કોલમ ‘અક્ષિતારક’ની આ મહિનાની વાર્તા.

રાતરાણી:

ઉફ્ફ… આ રાતરાણીની માદક સુગંધ – અને શ્રીની આંખો બંધ થઈ ગઈ. નાકના ફણાં પર જાણે અનેકો રંગીન,નાજુક પતંગિયા નર્તન કરતા હતાં, નાકની અંદરના બારીક વાળની જાળીને આરપાર વીંધીને એ સુગંધ છાતી,ફેફસાં ને મગજ સુધી સડસડાટ વહેતી થઈ ગઈ. બે ઘડી નાભિમાં શ્વાસ અટકી ગયો અને શ્રી ચાલતા ચાલતા એ જ જગ્યાએ અટકી ગયો. પોપચાં ભારે થઈ ગયા અને બંધ આંખોમાં એક ચહેરો ઝળહળ થઈ ગયો.

‘રાણી’.

જુવાનીના રસથી લથપથ,છલકાતી, વહેતી મદમસ્ત યૌવના અને આ રાતરાણી સાથે શ્રીની ઘણી યાદો જોડાયેલી હતી.

લોકડાઉનમાં શ્રીએ ભીડભાડથી બચવા અને ચાલવાની આદતને જીવંત રાખવા રોજ પોતાના ફ્લેટની અગાસીમાં ચાલવા જવાની ટેવ પાડી હતી.

રાતનો સમય અને અગાસીનો કાળો સૂનકાર!

લોકડાઉનના કારણે આખો દિવસ ટ્રાફિક અને જાતજાતના અવાજોથી ઘેરાયેલો રહેતો શહેરનો આ ધનાઢય વિસ્તાર અત્યારે સાવ જ સૂનો થઈ ગયેલો. ક્યાંક રડયું ખડયું માસ્કની અંદર શ્વસતું જીવન આંખે ચડી જતું પણ એનો ય અવાજ તો માસ્કમાં જ અટવાઈ જતો. લોકો કોરોનાના ખોફથી શ્વાસ લેતાં ય ડરતાં હતા અને માસ્કમાં બોલવાની તો હજી ફાવટ પણ નહોતી આવી. શું બોલવું શું નહિ જેટલી સમજ જ નહોતી પડતી. કામની ચાર વાતને પણ એક વાત જેટલી નાની કરીને બોલતાં.

આ બધું શ્રીને અકળાવી મૂકતું. રોજના ઘોંઘાટથી અકળાઈને શાંતિની ઈચ્છા રાખી હતી પણ આવો સનનાટો તો વિચાર્યો પણ નહતો. કાનમાં ઈયરપ્લગ ભરાવી ને યુટ્યુબના ગીતો સાંભળતા સાંભળતા એ પોતાની જાત સાથે ચાલતો રહેતો.

એક દિવસ અચાનક રાતે ચાલતા ચાલતા એના નાકમાં તીવ્ર સુગંધ અથડાઈ અને એ ચમકી ગયો. સુગંધનો પીછો કરતાં કરતાં એનું સરનામું બાજુના ફ્લેટની અગાસીએ મળ્યું.
રાતના અંધકારમાં ચાંદનીના આછા અજવાસમાં એક નવયૌવના એની નાજુક હથેળીમાં રાતરાણીના ફૂલોના ગુચ્છાને રમાડતી રમાડતી, પાયલનો ઝણકાર રેલાવતી એની બહેનપણી સાથે એની મસ્તીમાં હસતી રમતી ચાલતી હતી.

રાતરાણીના ગુચ્છાની સુગંધ વધુ તીવ્ર હતી કે એ યૌવનાના હાસ્યની વણઝાર વધુ રમણીય – શ્રી નક્કી નહતો કરી શકતો.

નજર હતી કે બધું જ ભૂલીને એ નાજૂકડીને જોવામાં જ તલ્લીન થઈ ગયેલી. શ્રી ખૂબ જ મર્યાદાશીલ પુરુષ હતો પણ ખબર નહિ આ કેવું તીવ્ર આકર્ષણ હતું ! ખોબામાં રહેલાં રાતરાણીના બેચાર ગુચ્છાની પોતાની આટલી તાકાત હતી કે આ પરથી પેલી પાર પહોંચતી હતી કે એમાં બીજું પણ કશુંક ભળતું હતું?
ખબર નહિ પણ આખું વાતાવરણ હલકું ફૂલ બની ગયું હતું. કાનમાં ભરાયેલા ઈયરપલગમાં ગીતો વાગતા હતા પણ શ્રીના દિમાગને એ કશું જ સ્પર્શતું જ નહતું. આંખ,કાન,નાક,દિલ બધું એક જ ખીંટીએ ટંગાઈ ચૂક્યું હતું.
અને
શ્રીએ એ યૌવનાનું નામ ‘રાણી’ રાખી લીધું.

રાણી તો એની જ મસ્તીમાં અગાસીમાં આમથી તેમ આંટા મારતી બહેનપણી સાથે મસ્તીમાં ઝૂમતી હતી. એ બે ય સખીઓને કદાચ કોરોનાનો ખૌફ નહતો, બે ય છોકરીઓના નાક પર માસ્ક જેવું કંઈ દેખાયું જ નહીં. સ્વાસ્થ્ય માટે અતિ સાવચેત એવા શ્રીને ઘડીભર પોતાના માસ્કની આદત પર શરમ આવી ગઈ, પણ એ નાક પરથી હટાવવાની હિંમત ના જ કરી શક્યો.
મનોમન એ રાણીની બેફિકરાઈ, હિંમત પર ફિદા થઈ ગયો.

બધો ખેલ માંડ દસ પંદર મિનિટનો જ હતો ને છોકરીઓ ગુમ.

એ પછી તો રોજ રાતના અગિયાર વાગે અગાસીમાં જવાનો શ્રીનો રોજનો નિયમ થઈ ગયો. ચાલવા જવું, સ્વાસ્થ્યની ચિંતા બધું કદાચ એક બહાનું થઈ ગયું હતું.

પાંચ દિવસ રાતરાણી સાથે રાણીની યુવાનીની મહેંકના અદભુત કોમ્બિનેશનની સિલસિલો રાબેતા મુજબ ચાલ્યો , વચ્ચે એક દિવસ તો પેલી તોફાનીઓએ પણ પોતાની નોંધ લીધી હોય એવો ભાસ પણ શ્રીને થતો રહ્યો.
હકીકત તો રામ જાણે !

અને અચાનક એક દિવસ બધું બંધ !

એક..બે..છ.. દસ..પંદર દિવસ. આ શાંતિ તૂટતી જ નહોતી.

શ્રી હવે અધીરિયો થઈ ગયો હતો અને એક દિવસ મન મક્કમ કરીને બાજુની સોસાયટીમાં જઈ પહોંચ્યો. ચોકીદારને એક સિગારેટ આપીને એને વાતોએ વળગાડ્યો.

‘આ રોગ બહુ ફેલાયો છે કેમ ભાઈ? હવે તો થાક્યાં બધા..તારે ઘરે બધા મજામાં ને?’
‘હા સા’બજી. માતાજીની કિરપા છે.’
ધીમે ધીમે વાત પોતાની અધિરાઈના અંત સુધી લઈ જવાના ઈરાદા સાથે શ્રી બોલ્યો,

‘આ સોસાયટીમાં પણ અમુક કેસ થયા છે નહીં ?’
‘હા સા’બજી. હજી ત્રણ દિવસ પહેલાં જ સોસાયટીની બે નાનકડી છોકરીઓ પોઝીટીવ આવેલી બોલો.’
‘હે..!’
શ્રીનું હૃદય એક ધડકન ચુકી ગયું. ગળું સૂકાઈ ગયું.માથામાં સણકા વાગવા લાગ્યાં. આગળ કશું પૂછે એ પહેલાં જ રાણીની બહેનપણી સોસાયટીના ગેટમાંથી અંદર આવતી દેખાઈ અને શ્રીના જીવમાં જીવ આવ્યો. આજે તેણીએ માસ્ક અને હાથમાં ગ્લોવસ પણ પહેરેલાં જોઈને શ્રીને થોડી નવાઈ પણ લાગી. એ હજી કશું બોલે એ પહેલાં જ પેલી નાનકડીની આંખો એને જોઈને ભરાઈ ગઈ. અચાનક જ એ શ્રીની નજીક આવી અને બોલી,
‘તમે રોજ અવાસીમાં ચાલતા હતા એ જોઈને અમને પણ રાતના અંધકારમાં અગાસીમાં ચાલવાની હિંમત આવતી હતી. આખો દિવસ માસ્કમાં ફરીને કંટાળી જતા એથી રોજ રાતે ખુલ્લી હવા લેવા અમે બે ઉપર અગાસીમાં ચાલવા આવતા. અતિસાવધાની છતાં ખબર નહિ કેમ પ..ણ એને કોરોના પોઝીટીવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. સુગંધની ભૂત એવી એ ગાંડી છોકરીને શ્વાસનો જ રોગ થઈ ગયો અને બે દિવસ પહેલાં જ એ મૃત્યુ પામી.’
અને વધુ બોલવાની, સાંભળવાની હિંમત ના હોય એમ શ્રીને સોસાયટીના ગેટ પાસે આવેલી રાતરાણીના વૃક્ષ પાસે એકલો મૂકીને ચાલી ગઈ.

હવે શ્રીને એ રાતરાણીના વૃક્ષ પાસે જવાનું વ્યસન થઈ ચૂક્યું હતું.
-સ્નેહા પટેલ.

Osho


बातें व्यर्थ हैं। अनुभव व्यर्थ नहीं। आत्मा, परमात्मा, मोक्ष शब्द की भाति, विचार की भाति दो कौड़ी के हैं। अनुभव की भांति उनके अतिरिक्त और कोई जीवन नहीं। बुद्ध ने मोक्ष को व्यर्थ नहीं कहा है, मोक्ष की बातचीत को व्यर्थ कहा है। परमात्मा को व्यर्थ नही कहा है। लेकिन परमात्मा के संबंध में सिद्धातों का जाल, शास्त्रों का जाल, उसको व्यर्थ कहा है।

मनुष्य इतना धोखेबाज है कि वह अपनी ही बातों से स्वय को धोखा देने में समर्थ हो जाता है। ईश्वर की बहुत चर्चा करते-करते तुम्हें लगता है ईश्वर को जान लिया। इतना जान लिया ईश्वर के संबंध में, कि लगता है ईश्वर को जान लिया। लेकिन ईश्वर के संबंध में जानना ईश्वर को जानना नहीं है। यह तो ऐसा ही है जैसे कोई प्यासा पानी के संबंध में सुनते-सुनते सोच ले कि पानी को जान लिया। और प्यास तो बुझेगी नहीं। पानी की चर्चा से कहीं प्यास बुझी है! परमात्मा की चर्चा से भी प्यास न बुझेगी। और जिनकी बुझ जाए, समझना कि प्यास लगी ही न थी।
ओशो

Candle light


‘તમારે ત્યાં લાઈટ છે ?’
‘હા-કેમ?’
‘અમારે તો ગઈ છે…’
‘એવું કેમ ?’
‘અલ્યા..અમારે પણ છે હોં કે…’
‘હાશ…અમારે પણ આવી ગઈ.’
‘અરે, હવે અમારે જતી રહી.’
‘કદાચ એરિયાવાઇસ ઇલક્ટ્રિકસીટીનું કોઈ કામ ચાલતું હશે …હમણાં તમારે ય આવી જશે.’
આ હતો બે એક કલાક પહેલા વોટ્સઅપ માં એક ગ્રુપમાં ચાલતો સંવાદ.
અમારા સેટેલાઈટના એરિયામાં બહુ જ રેર લાઇટ્સ જાય અને એ પણ હાર્ડલી 2-3 મિનિટ. પણ આજે એવું નહોતું. અંધકાર નો સમય થોડો વધુ રહ્યો. સૌથી પહેલા તો લિફ્ટમાં કોઈ નથી ફસાયું એ જોઈ રાહત થઈ પછી ડેકોરેશનના કામમાં શોખ માટે વપરાતી કેન્ડલ્સ આજે જરૂરીયાતના ઉપક્રમે પ્રગટાવી. આખા ઘરની બધી મીણબત્તી સળગાવી દીધી ને મજા પડી ગઈ. ચારેકોર અંધારું ને એમાં ટીમટીમ અજવાળું! ટીવી…લેપટોપ…નેટ બધા ઉપક્રણો બંધ. મોબાઇલની બેટરી પણ સાચવીને વપરાતી. આવા સમયે માટે આપણે કેટલી ગોઠવણ કરવી પડે જ્યારે આજે એવો સમય સામેથી આવીને ખોળામાં…મતલબ ઘરમાં ટપકયો હતો. લાઈટના ડીમ પ્રકાશમાં બધાના ચેહરા તરફ ધારી ધારીને જોઈને વાત કરવાની..બધા ઉપકરણોથી દૂર , કેંડલ્સના ટીમટીમ લાલ..પીળા..ભૂરા અજવાળામાં ઘરના બધા સદસ્ય એકબીજા સાથે સંપૂર્ણ રીતે હાજર રહે એવો થોડા સમયનો અંધકાર તો આજના જમાનામાં ખરેખર આશીર્વાદ રૂપ લાગ્યો.
-સ્નેહા પટેલ.
4nov.2018

Youtube programme


સાહિત્ય સરિતા મુંબઈ અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ ‘માતૃવંદના’ કાર્યક્રમ.

[Name] Sanil Fisheries Boriwali
[Mobile] +917718872777

rape


“બળાત્કાર એ મર્દાનગી નહીં પણ નપુંસકતાની નિશાની છે.”


જ્યારે કોઈ વ્યક્તિને એને જોઈતું મહત્વ ના મળે ત્યારે એ પોતાની જાતને સાબિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દે છે. એમાં સારા નરસા જેવું કશું જ મહત્વનું રહેતું નથી, મહત્વ હોય છે તો ફક્ત એક જ – પોતાને સાબિત કરવાનું ! 

બળાત્કાર એ પુરુષનો કોઈ જગ્યાએ અસ્વીકાર થયો હોય અને એનો ઘમંડ, જીદ્દ્ને ઠેસ  પહોંચી હોય ત્યારે મરાતા હવાતિયાનું એક મુખ્ય કારણ છે. જ્યારે કોઈ પણ સ્ત્રી પર બળાત્કાર થાય છે ત્યારે ત્યારે એ રેપીસ્ટના પૌરુષત્વનો કારમો પરાજય થાય છે. એમનામાં સાચું પૌરુષ તો સ્ત્રીને પ્રેમ, કાળજીથી વશ કરવામાં છે એવી સમજ જ  નથી હોતી. દરેક બળાત્કાર એ એના રેપીસ્ટના માવતર એમને સ્ત્રી-પુરુષના સંબંધની ગરિમા સમજાવવામાં, સાચા સંસ્કાર આપવામાં વિફળ ગયા એની  નિશાની છે.

બળાત્કાર પછી જે પ્રકારે સ્ત્રીને વીંખી નાંખવાનો નવો શોખ ઉદ્દભવ્યો છે એ કોઈ પણ સમાજ માટે લાલબત્તી સમાન છે. દુનિયા આગળ વધતી જાય છે ત્યારે આ માણસો એમના પશુપણા તરફ પાછા વળી રહયાં છે. જોકે માદાને વીંખી નાંખવાનું ચલણ તો એ સમાજમાં પણ નથી હોતું, તો આવા માણસો એ પશુઓથી પણ બદતર કહેવાય. 

મીણબત્તી જેવા સૌમ્ય પ્રકાશથી એમના અંતરમન પર કોઈ અસર થવાની નથી. એમને તો ધગધગતા લાવામુખ પર બેસાડવાની સજા જ થવી જોઈએ. આવા હેવાનો રોશની નહીં, ગરમીની ભાષા જ સમજે છે.  એમની પાછળ કરોડો મીણબત્તી સળગાવવામાં કરોડો ઋજુ માનવસમય બગાડવાનો કોઈ જ મતલબ નથી. કાને બહેરા ને આંખે આંધળા એવા આ રાક્ષસોને એક જ ઇન્દ્રિયનું જ્ઞાન હોય છે ને એમની એ જ ઇન્દ્રિયને કાયમી સજા કરવી એ જ આ કારમા કૃત્યનો એક માત્ર રસ્તો છે.

પુરુષ બનીને જન્મવા માત્રથી પૌરુષત્વ પ્રાપ્ત નથી થઈ જતું. એને લાયક ગુણ વિકસાવ્યા પછી જ તમે એના સાચા હકદાર બનો છો.

‘રેપીસ્ટ’ સમાજના સૌથી મોટા નપુંસક છે.

-સ્નેહા પટેલ.

Video

ahmedabad sola highcourt road in corona


કોરોનાની અસરમાં અમદાવાદના સોલા હાઇકોર્ટની મકાઈની લારીવાળાઓ પણ સૂના સૂના..રવિવારની સાંજ અને મકાઈની લારી પર યારો દોસ્તો સાથે ગપ્પાં મારતાં અમદાવાદીઓ ઘરના ખૂણામાં બેસી ગયા છે. કાયમ ધમધમતો ધંધો અત્યારે સાવ ઠંડો. મારું શહેર ક્યારે નોર્મલ અને ભયહીન થશે ?

Sushant Singh Rajput


સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળીને લોકોનું ફોક્સ કોરોના તરફથી ફંટાઇને ડિપ્રેશન તરફ જતું રહ્યું છે એ જોઈને મને એક જ સત્ય અનુભવાયું કે,’મૃત્યુના ડર કરતાં પણ માનવીને સનસનાટીનો રોમાંચ વધુ નશીલો લાગે છે.’
માણસો જ્યાં જે પણ અપડેટ વાંચીને એની આત્મહત્યા પાછળના કારણો શોધવામાં, લોકો સાથે ચર્ચા કરવામાં અને ડિપ્રેશન જેવો ભારે ભરખમ શબ્દ વારંવાર બોલવા – સમજવામાં પડ્યા છે.
અમુક લાગણીશીલ લોકો કોઈ માણસને મરતો બચાવી શકાય એ ઉમદા હેતુ સાથે વારંવાર સ્ટેટ્સ, મેસેજમાં, ‘હું કાયમ અવેલેબલ છું, તમારા દુઃખ દર્દ મને કાયમ સંભળાવી શકો છો, વાત કરી શકો છો અને દિલ હળવું કરી શકો છો’ જેવું લખવા લાગ્યાં છે.
હકીકતે આ બધું બોલવા, લખવા જેટલું સહેલું નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ કાં તો પોતાના બહુ જ અંગત વ્યક્તિને કહી શકે કાં પોતાના ડોક્ટરને. આવી વાતો કરવા સામેવાળા વ્યક્તિ પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે અને વિશ્વાસ કાં તો ઇમોશનલી એટેચ હોય એમની પર મૂકી શકાય કાં તો આનો કોઈ ચોક્કસ રસ્તો શોધી જ શકશે એવી આવડત હોય તો.
સામે પક્ષે જે સાંભળનારા છે એમને ભલે એવું લાગે કે તેઓ બીજાના દુઃખ દર્દ સાંભળીને એમને બચાવી લેશે પણ હકીકતે આ કામ ખૂબ જ અઘરું છે. કોઈ વ્યક્તિ કોઈ પણ સમયે ફરીથી કહીશ કે ‘કોઈ પણ સમયે..’ તમને એના દુઃખ કહેવા બેસે ત્યારે એ વ્યક્તિને ધ્યાનથી સાંભળવો ખૂબ જ જરૂરી હોય છે. વળી તમારે ચૂપચાપ સાંભળીને બેસી રહેવાનું નથી હોતું પણ એનો રસ્તો શોધવામાં એને મદદ કરવાની હોય છે.
‘કોઈને મદદ કરવાની ઓફર કરતાં પહેલાં આપણે એને એ મદદ કરી શકવાને કેટલાં લાયક, આપણી કેટલી તાકાત’ એ વાતની સમજ આપણને સૌપ્રથમ હોવી જોઈએ. નિયત તો પછીનું સ્ટેજ. દુનિયાની દરેક તકલીફોના રંગ દરેક વ્યક્તિની શારીરિક,માનસિક, આર્થિક દરેક રીતે અલગ હોય છે. તમે કોઈ સ્થિતિને તમારી રીતે હેન્ડલ કરતાં હો એ બીજા વ્યક્તિ માટે હોય એવું સહેજ પણ જરૂરી નથી.
કોઈને સાંભળવું એ દુનિયાનું સૌથી અઘરું કામ હું તો માનું છું. બોલનારા તો ચોતરફ પડેલાં જ છે. એમાં પણ કોઈને ડિપ્રેશનમાં યોગ્ય સલાહ આપવી, સપોર્ટ કરવો એ ખૂબ જ…ખૂબ જ અઘરી વાત છે. કોલમો લખતા લખતા આ બધા અનુભવોમાંથી હું બરાબર પસાર થઈ છું ને બહુ જ જવાબદારીથી, પ્રામાણિકતા અને વિશ્વસનીય રીતે આ કામગીરી નિભાવી છે. ઘણી વખત હું સાવ જ ચૂપ પણ રહી છું. દરેક તકલીફોના સમાધાન મને પણ નથી ખબર હોતી. હું કોઈ ભગવાન કે કોઈ મનોચિકિત્સક ડોકટર નથી. યોગ્ય રસ્તો ના મળે તો ચૂપ રહેવું વધુ બહેતર પણ કોઈને ભૂલથી પણ ભળતો ઉપાય ના બતાવી દઉં એની પૂરેપૂરી તકેદારી રાખું છું.ઘણી વખત મેં સાવ જ ધડમાથા વિનાની તકલીફો..મેસેજીસ પણ સાંભલ્યાં, વાંચ્યા છે ને હતપ્રભ થઈને એવોઇડ પણ કર્યા છે. એવોઇડ કરતી વખતે મનમાં કાયમ એક ડર રહ્યો છે કે, ‘હું ધ્યાન નથી આપતી ને આ માણસ કોઈ ખોટું પગલું ભરી લેશે તો હું જાતને માફ કરી શકીશ?’ બહુ બધા ઇમોશનલ અપડાઉનમાંથી હું જાતે પસાર થઈ છું. કોઈને સાંભળતા એની સાથે એટેચ થવું પડે છે ને રસ્તો બતાવ્યા પછી ડિટેચ…
આ બહુ જ અઘરી વાતો છે મિત્રો..કોઈને કોઈ પણ મદદ કરવાની ઓફર કરતા પહેલા આ ગંભીર પાસાંઓનો જરૂરથી વિચાર કરજો અને તમે પોતાને એ સ્થિતિ હેન્ડલ કરવા માટે કેટલાં લાયક સમજો છો એનું તારણ કાઢીને જ આગળ વધજો, આવી નાજુક જવાબદારીઓ હાથમાં લેજો.
-સ્નેહા પટેલ.17june,2020.

Lockdown side effect


1. ‘એ બકા…તને ખબર – જ્યારે ખબર નહોતી કે આ કોરોના એટલે શું? એની સાવચેતી એટલે શું, ત્યારે આપણે બધા બારીબારણાં સુદ્ધા બંધ કરીને ફફડતા જીવે ઘરમાં પૂરાઈ ગયેલા. બહુ ડરી ગયેલા લ્યાં…’
‘હા…હોં, તદ્દન ખરું.
‘જોકે હવે સ્થિતી અલગ છે. બજાર ધીમે ધીમે ખૂલતું જાય છે. જીવન પણ રાબેતા મુજબ ચાલતું થઈ ગયું છે.’
‘હા, એ તો સાચું.’
‘ સૌપ્રથમ ચીનમાં આ રોગ હતો ત્યારે સમાચાર, બિહામણા વીડિઓ જોઈ જોઈને મગજ જ બન્ધ થઈ ગયેલું સાલું કે આ હમણાં આપણાં દેશમાં આવ્યો જ સમજો ને આવ્યો તો તો મર્યા જ સમજો. વુહાનવાળાની હાલત અહીં અમદાવાદમાં મને બીવડાવતી, પેટમાં ગોટાળા વળી જતાં.’
‘બે…હા હો..સાવ એવું જ હતું.’
‘પણ હવે તો એ ધીમે ધીમે આપણા દેશમાં પગપેસારો કરી ચૂક્યો છે અને ઠેર ઠેર એના સંક્રમીતો ફેલાઈ ચૂક્યા છે. જયાં જ્યાં નજર મારી ઠરે… હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી જ..’
‘અબે હા..સાસાચ્ચે જ…’
‘હાશ, હવે તો આપણે સાવચેતી રાખીને બહાર નીકળી શકીએ છીએ. ભગવાનની પૂરતી દયા છે કે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ ગયું.’
‘એ હા અલ્યા. .તું તો જબરદસ્ત સ્માર્ટ છું હોં. ચાલો મળ્યાં પછી.’
-સ્નેહા પટેલ.3rd june,2020.#corona #કોરોના #ahmedabad

2.
‘આ A હતો એટલે B નો ખતરો ઓછો છે- સમજ્યા?’
‘ મતલબ A છે એથી B નહીં આવે બરાબર ને?’
‘ ના, એવું નહિ..B નથી એટલે જાનહાનિ નહિ થાય.’
‘મતલબ A આપણું જીવનરક્ષક, જીવનજરૂરી છે!’
‘હાસ્તો..ભગવાનનું અમૂલ્ય વરદાન…જય ભગવાન!’
‘ઓહો…આ A કાયમ આમ જ આપણો જીવ બચાવે…ભગવાન ભગવાન. અચ્છા તો હવે Aના 1,2,3,4..સતત એક પછી એક પડ ચડતાં જાય છે તો આ જડબેસલાક કવચમાં શ્વાસ નથી લેવાતો..બહુ મૂંઝારો થાય છે, તો કોઈ હવાબારી જેવું કશું ના રખાય?’
‘તે રાખી જ છે ને. 5માં નંબરનું પડ છે એમાં અમુક જગ્યાએ તો બધી બારી ખોલી કાઢી છે ને અમુક જગ્યાએ હળવી બંધ રાખી છે.’
‘વાહ, ખૂબ સરસ. ઈશ્વર દયાળુ. પણ આ પાંચમા નમ્બરની બારીમાંથી B અંદર તો નહીં આવી જાય ને?’
‘એવી કોઈ ગેરંટી નહિ ભાઈ. તું નાહક મારું મગજ ખરાબ ના કર ને…B તો અત્ર તત્ર સર્વત્ર આખી દુનિયામાં રાજ કરે છે. આપણો A કયા ખેતીવાડીની મૂળી વળી?’
‘પણ તમે તો કહ્યું હતું કે A છે એટલે Bનો ખતરો ઓછો.’
‘અરે મૂર્ખ..તું યાદ કર. મેં કહેલું કે B નથી તો જાનહાનિ ઓછી થશે.’
‘પણ તમે તો કદાચ જાનહાનિ નહિ થાય એવું કહેલું.’
‘ ભાઈ, તું રહેવા દે ને હવે…તને કશું સમજ જ નથી પડતી. બારીમાંથી શ્વાસ લે અને ચૂપચાપ જે થાય એ જોયા કર.’
-સ્નેહા પટેલ.31મે,2020.

3.
ક ને x જગ્યાએ જરૂરી કામ હતું. રસ્તો ખબર હતો પણ વિચારતો હતો કે, ‘શાંતિથી જઈએ છે, ઉતાવળ તો છે નહીં.’ એ એની મસ્તીમાં ચાલતો ચાલતો જતો હતો ને રસ્તામાં ખ મળ્યો.
‘ક્યાં જાય?’
‘X જગ્યાએ’
‘અચ્છા..તને ખબર છે – ત્યાં જતા રસ્તામાં ખતરનાક માનવભક્ષી પ્રાણીઓ રહે છે. તું એક કામ કર y ના રસ્તે જા.’
‘પણ Y નો રસ્તો તો ખાડાટેકરા, ઝેરી જીવજંતુવાળો, પોચી જમીનવાળો જીવના જોખમ જેવો છે. મંજિલ સુધી પહોંચવા જેટલો હું જીવતો રહીશ.’
‘હા ખતરો તો છે જ. પણ ગમ શૂઝ અને આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરી લેજે અને મોઢું બોઢું પણ બરાબર ઢાંકી લે જે એટલે બહુ વાંધો નહીં આવે.’
‘અચ્છા એટલે આટલી સાવધાની પછી Y રસ્તે વાંધો નહિ આવે એમ ને?’
‘ ના.ના…સાવ એવું નહીં.. આવી તો શકે જ..પણ આપણે આપણી રીતે પૂરાં સાવધ રહેવાનું ને.’
‘એ સાવધાની તો X રસ્તે પણ હતી જ ને..’
‘ના હવે…એ પૂરતી સાવધાની નહોતી. ત્યાં જીવ જવાનું 100 ટકા જોખમ છે.’
‘તો Y ના રસ્તે ?’
‘ત્યાં 80 ટકા જેટલું જ છે.’
‘એટલે જોખમ તો છે જ એમ ને?’
‘હાસ્તો…તું કેવી વાત કરે છે ? જોખમ તો આખી દુનિયામાં છે.’
‘મને થાય કે હું ઘરે પાછો જ જતો રહું.’
‘જોજે એવી ભૂલ કરતો. ઘરે જઈશ તો કામ ધન્ધો કોણ કરશે? પૈસા ક્યાંથી આવશે? ઘરનાં ખાશે પીશે શું? તારે તો લડવાનું છે, તું તો એક બહાદુર લડવૈયો છું ને…’
ક હવે અકળાયો,’અલ્યા, હું મરી જઈશ એનું કશું નહીં.’
‘ ખાવાપીવાનું નહિ મળે તો જીવીને ય શું કરીશ?’
‘હા પણ ઘરે જઈને શાંતિથી વિચારું કે X સારો કે Y..કાં પછી હું કોઈ નવો Z રસ્તો શોધુ.’
‘ ઘરે જઈશ તો પણ જોખમ છે. ઘરમાં પણ A, B, C સાવચેતી તો રાખવી જ પડશે’
‘અલ્યા ઘરમાં તો સખેથી શ્વાસ લેવા દે…અચ્છા ઘરમાં A, B, C જેવી સાવચેતીથી તો અમે બધા સલામત રહીશું એ નક્કી ને?’
‘ ના હોં.. એવી ભ્રમણામાં તો રહીશ જ નહીં. જોખમનું કશું જ નક્કી નથી.’
‘એટલે મારે કરવાનું શું? ઘરમાં રહું કે બહાર કામે જઉં?’
‘ એ તો હવે તારે વિચારવાનું ને? તારે પૂરાં સાવચેત રહેવાનું, તારા જીવનનું તું ધ્યાન નહિ રાખે તો બીજું કોણ રાખશે ? થોડો જાગૃત થા હવે. બુદ્ધિ ફુધ્ધિ ચલાવ, આત્મનિર્ભર બન. ચાલ હવે…ત્યાં ગ મારી રાહ જોવે છે. હું જઉં આવજે.’
ને ખ એ માવો મસળીને હોઠના ખૂણામાં દબાવ્યો અને ત્યાંથી હાલતી પકડી.
-સ્નેહા પટેલ.30મે,2020.