prg no – 3
તારીખ : 19-03-2015ના રોજ સાંજે 9.15 મિનીટે ઓલ ઇન્ડિયા રેડિયો – ૩૫૪.૬ કી.મી એટલે કે ૮૪૬ મેગા હર્ટસ ઉપર પ્રસારિત થયેલ મારો ‘વૃક્ષ અને પર્યાવરણ’કાર્યક્રમ :
પર્યાવરણ એટલે પરિ+આવરણ. પૃથ્વી ઉપરની જીવસૃષ્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રાકૃતિક સંતુલનને પર્યાવરણ કહેવાય. પર્યાવરણના મુખ્ય બે અંગ છે. એક સજીવ અને બીજું નિરજીવ.સજીવ અંગ એટલે આકાશ, પાણી અને ભૂમિ પર વસતાં પશુ-પ્રાણી-પક્ષી અને જીવજંતુઓ. નિર્જીવઅંગ એટલે પૃથ્વી, નદી, પહાડ, ઝરણાં, સૂર્ય, ચંદ્ર અને નક્ષત્ર !
પર્યાવરણ અને સમાજજીવન વચ્ચેનો સંબંધ અત્યંત ઘનિષ્ઠ છે. પૃથ્વી પર માનવવસતિ કૂદકેને ભૂસકે વધી રહી છે પરિણામે માનવીની જરૂરિયાતો – અપેક્ષાઓ વધતી જાય છે. જેને સંતોષવાના પ્રયાસોમાં પૃથ્વીવાસી અભાન કે સભાનપણે એની આસપાસના પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડતો જાય છે. માનવી અને પર્યાવરણ વચ્ચેની સમતુલા ખોરવાઇ રહી છે. આપણા પર્યાવરણને આ પ્રદૂષણે છિન્ન-ભિન્ન કરી નાખ્યું છે. ખાસ કરીને પાણી અને હવાને આપણે એટલા પ્રદૂષિત કરી નાખ્યા છે કે એ સરળતાથી શુધ્ધ સ્વરુપે પ્રાપ્ત કરવા લગભગ દુર્લભ બની ગયા છે. સામાન્ય રીતે માણસને શ્વાસ લેવા માટે દરરોજ આશરે પચીસ કિલોગ્રામ શુધ્ધ હવાની જરુર પડે છે. આ હવા એટલે ઓકિસજન જે માણસને જીવન ટકાવી રાખવા માટે અગત્યનો પ્રાણવાયુ કહેવાય છે. પરંતુ મિત્રો, શું આપણને આટલી શુદ્ઘ હવા મળે છે ખરી ? બધાં એકીસાથે ડૉકું ઘુણાવીને કહેશે..ના જી… માણસની દૈનિક પ્રવૃતિ તથા ઉદ્યોગો દ્વારા લાખો ટન કાર્બન ડાયોકસાઇડ, હાઇડ્રોજન, કાર્બન મોનોઓકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુ અને કેડીયમ, પારો, સીસું, બેરિલિયમ, અને જસત જેવી જુદી જુદી ધાતુઓના અંશો વાતાવરણમાં ભળે છે ને હવા પ્રદૂષિત થતી રહે છે પરિણામે આજે માનવી શુધ્ધ હવાના બદલે આ પ્રદૂષણ ફેફસામાં ભરતો થયો છે , એની જરુરિયાત કરતાં અડધા પ્રમાણમાં ઓક્સિજનથી ચલાવતો થયો છે.
માનવસંસ્કૃતિનાં એકવીસમી સદી તરફ ગતિથી વધવાના પ્રયાસોમાં માનવી ઓકિસજનના બહુમૂલ્ય સ્ત્રોત એવા વૃક્ષોનું આડેધડ છેદન કરી રહ્યો છે. પર્યાવરણ અસંતુલિત થવાની મુખ્ય શરૂઆત જ આ પ્રક્રિયાથી થઇ છે. વર્ષોથી દુનિયાના માથે આ ખતરો તોલાયેલો છે અને ઠેર ઠેર વૈજ્ઞાનિકો સતત આના ઉપાયો શોધવાના પ્રયાસોમાં લાગેલા છે. પણ કમનસીબે એના રક્ષણ માટેના ઉપાયો શોધતા અને એને અમલમાં મૂકાતા અનેકો વર્ષો નીકળી જાય છે અને વ્રુક્ષોનો નાશ કરવા માટે ફકત થોડી પળની જ જરુર પડે છે. કોઇ વિધવાના અડવા હાથ જેવી , કોરી પાટી જેવી ધરતીની હાલત જોઇને મારા દિલમાંથી થોડાં શબ્દો સરી પડે છે,
ધરતીની કોરી પાટી પર નજર પડે, યાદ આવે
એક જનાવરે પ્રભુના હસ્તાક્ષરો ભૂંસ્યા’તા ત્યાં કાલે.
ધરતી પર પ્રભુએ કરેલ હસ્તાક્ષરો જેવા વ્રુક્ષનો નાશ બહુ દુઃખદ ઘટના છે ..તમે શું માનો છો મિત્રો ?
સામાન્ય સંજોગોમાં આપણે વૃક્ષની કિંમત તેનાં ફળ-ફૂલ કે તેમાંથી મળતાં લાકડાં પરથી આંકીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકોની દષ્ટિએ વૃક્ષનું મૂલ્ય માનવજીવન માટે ઘણું ઊંચુ છે. પચાસ વર્ષના સમયગાળા દરમિયાન એક વૃક્ષે પૂરા પાડેલા પ્રાણવાયુની કિંમત રૂપિયા અઢી લાખ જેટલી થાય છે. એક વૃક્ષ હવામાંનો કાર્બન ડાયૉકસાઇડ શોષી હવાના પ્રદૂષણનું નિયમન કરે છે. તેનાથી પાંચ લાખ રૂપિયાનો બચાવ થાય છે.વૃક્ષ જે પ્રોટીન પૂરું પાડે છે તેની લગભગ કિંમત વીસ હજાર રૂપિયા, જમીનનું ધોવાણ અટકાવવા ઉપરાંત તેની ફળદ્રુપતા જાળવવાના અઢી લાખ રૂપિયા અને વાતાવરણમાં રહેલા ભેજ તથા જળનિયમનના ત્રણ લાખની સાથે પશુ-પક્ષીઓ માટે છાંયો, આશ્રયસ્થાન વગેરેના અઢી લાખ રૂપિયા બચાવે છે. આ હિસાબે પચાસ વર્ષ જૂના એક વૃક્ષની કિંમત તેનાં ફળ-ફૂલ કે લાકડાં સિવાયની ગણતાં પંદરથી સોળ લાખ જેટલી થવા જાય છે. આંખો પહોળી થઈ ગઈ ને મિત્રો…?તો હવે થોડો સમય કાઢીને આ વાત પર શાંતિથી વિચારજો કે આપણી સગવડ માટે કાપેલ એક વ્રૂક્ષ થકી પર્યાવરણ અને માનવજાતિના આપણે કેટલા લાખના દેવાદાર બની ગયા છીએ ? કોઇ કપાઈ ગયેલ વૄક્ષને જોઇને મારા સંવેદનશીલ દિલમાંથી તો કાયમ આવી આહ નીકળી જાય છે…
કોઇ વ્રુક્ષ કપાય ને માંહે માંહે એક ચીસ ઉઠે,
લીલું છમ બધું ય ભૂખરી કરવતથી તૂટે.
વૃક્ષ છેદન નહીં અટકે ને આમ જ કરવતો ફરતી રહેશે તો આપણી આંખો પ્રુથ્વી પર લીલો રંગ જોવાને તરસી જશે..લીલા રંગની ઓળખ પણ ભૂલી જઈશું કદાચ..
એ વાત તો જાણતાં જ હશો ને કે વૃક્ષો થકી આપણાં જળસ્ત્રોતો પણ ધનવાન છે. આપણાં પ્રાચીન ઋષિ મુનિઓએ સૂક્ષ્મ ગણતરીઓ અને સંશોધનો કરીને જળ વિજ્ઞાનને લગતા અદ્ભૂત ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાં પૃથ્વીમાં કયા સ્થળે કેટલું જળ સંગ્રહાયેલું છે, કેટલી ઊંડાઇએ ખોદવાથી કેવું ને કેટલું પાણી મળશે તેની જાણકારી આપવામાં આવી છે. વૃક્ષની થડ, પાંદડા, થડની છાલનો રંગ વગેરે આધારિત વિગતો રજૂ કરીને વૃક્ષનો પાણી સાથેનો નાતો સમજાવાયેલ છે. ભૂગર્ભ જળ ભંડાર અંગેની વિગતો આપતા કહેવાયું છે કે જે જમીનમાં ભોંયરીંગણી, સાટોડી, વજ્રદંતી જેવી વનસ્પતિ થતી હોય ત્યાં દક્ષિણ દિશામાં ત્રીસ હાથ ઊંડો ખાડો ખોદવાથી અમૃત જેવું મીઠું પાણી મળી આવે છે. પાણીનો એક અદ્બભુત સ્ત્રોત છે આ વૃક્ષો અને આપણે આપણી ધમાલભરી લાઈફમાં આ પર્યાવરણને માંદલું કરી દેતી પ્રદૂષિત આકરી અસરોને જોઇને પણ નજરઅંદાજ કરી દઈએ છીએ.
નજરઅંદાજ કરાતી આ કાયરતાના બે ચાર ઉદાહરણ આપું તો
છેલ્લાં બે દાયકાથી ગરમી વધવાના કારણે ઉત્તર-પૂર્વ અમેરીકામાં Fall ઋતુનાં દીવસો ઘટી રહ્યાં છે. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નિકંદન નીકળી રહ્યું છે. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી હોય એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે. બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે એથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહે. પણ બરફનું પાણી બને ત્યારે માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે અને બાકીનાં 50% એ પાણી શોશી લે છે પરિણામે એ આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે. ગ્લોબલ વોર્મિગની આ ગરમીમાં ઉનાળાની ઋતુમાં વરસાદ પડે ને વર્ષાઋતુ કોરીધાકોર જાય જેના પરિણામે અનેક નવા નવા રોગોનો ઉદભવ થતો જાય છે અને એની દવા- વેક્સિન શોધાય ત્યાં સુધીમાં તો સેંકડો માનવીના મોતને શરણ થઈ જાય છે. વળી આ ગરમીનું સ્તર સતત વધતું જ જાય છે પરિણામે એક રોગની દવા શોધાય ત્યાં બીજો રોગ અજગરની જેમ મોઢું ફાડીને ઉભો રહી જાય છે. સડી ગયેલો માનવી એના બેજવાબદાર વર્તનથી પર્યાવરણને – માનવજાતિને જ્યારે હાનિ પહોંચાડે ત્યારે મનોમન એક દુઃખભર્યુ કાવ્ય રચાઈ જાય છે…
ઉગવું
શ્વસવું
અને ખરી જવું
ઇશ્વરના આ સરળ – માસૂમ ક્રમનો
ઉગ્યા વિના જ સડી ગયેલો
ખરી ગયેલો માનવી
છેદ ઉડાડી દે છે.
વિશ્વમાં પર્યાવરણ અંગેની જાગ્રુતિ માટે વિવિધ દેશો દ્વારા અનેકો પ્રયાસ થાય છે. જેમ કે ત્રીજી જુન,૧૯૭૨માં બ્રાઝિલની રાજધાની રિયો-ડી-જનોરોમાં પૃથ્વી શિખર સંમેલન યોજાયું હતું. આપણા દેશમાં વર્ષ ૧૯૭૨માં સંતુલિત પર્યાવરણ માટે રાષ્ટ્રીય સમન્વય સમિતિ રચાઇ હતી. વર્ષ ૧૯૮૦માં આ માટે એક અલાયદું મંંત્રાલય ઉભું કર્યું હતું.વર્ષ ૧૯૮૨માં સ્ટોકહોમમાં વિશ્વવ્યાપી પર્યાવરણ સંરક્ષણ માટે સંમેલન પણ યોજાયું હતું. ડરબનમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણને લગતી મંત્રણામાં કાર્બન પ્રદૂષણ ફેલાવનારા લોકો માટે ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાનું કાયદાથી ફરજિયાત બનાવવાની જોગવાઈ છે આ કરારને લગતી પ્રક્રિયા ૨૦૧૫માં પૂરી થશે અને તેનો અમલ ૨૦૨૦થી થશે.
પર્યાવરણની રક્ષા માટે અનેકો નવતર પ્રયોગો થતા રહે છે. સફળ નીવડેલા પ્રયોગ એકબીજા સાથે શેર કરીને આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપવો જોઇએ.
વ્રુક્ષારોપણ અને એની જાળવણીના એકાદ બે નવતર પ્રયોગ કહું તો,
ગુજરાતની એક જ્યોતિષ સંસ્થા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, ‘જો તમારે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવું હોય તો દક્ષિણામાં વૃક્ષનો ઉછેર કરવો પડશે.’ ઓરોગોનમાં એક યુવક મોટું વૃક્ષ કાપવાના વિરોધમાં સીતેર ફૂટ ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલો હતો અને અઠવાડીયા સુધી વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો ન હતો જેથી એ વૃક્ષ કપાઇ ના શકે ! પોતાના વીસ કરોડના બંગલાની સુંદર એલિવેશનવાલી ગેલેરીમાં ૩૦ વર્ષ જૂનું વૂક્ષ આડે આવતા અમદાવાદના એક બિલ્ડરે એ વૃક્ષને કાપવાની ધરાર ના પાડી અને એમની ગેલેરીની મધ્યે જ એ ઝાડ જેટલી ગોળાકાર ડિઝાઈન બનાવીને એને યથાવત રાખ્યું. એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેર કર્યા વગર ઘર નથી વેચી શકતો..
તો ચાલો આપણે પણ થોડા જવાબદાર, સજાગ અને ક્રીએટીવ બનીએ ને નવા નવા આઈડીયાઝ વિચારીએ ને અમલમાં મૂકીએ. છોડ વાવીને આપણું કામ પતી ગયું એમ ના સમજો. આપણાં સંતાનોને આપણે જન્મ આપીને છોડી નથી દેતા એમ આ ધરતીના છોરુ પણ માવજત માંગે છે એની પૂરા મનથી કાળજી લઈને ઉછેર કરો. છોરું કછોરું થશે પણ તમે ઉછેરેલાં વ્રુક્ષો કદી તમને છેહ નહી દે – કવૃક્ષ નહીં થાય. તમે એને પથ્થર મારશો તો પણ એ સામેથી એનો પ્રેમ – ફળ – ફૂલ અને છાંયો વરસાવશે. વૃક્ષ કદી અહેસાન ફરામોશ નથી હોતાં.
એ તો છે નીલકંઠની લગોલગનું અસ્તિત્વ,
ઝેરી વાયુઓ પીને સદા અમૃતવાયુ જ અર્પે.
તો ચાલો દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ લો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે એક સમયનું ભોજન કરવાથી દુર રહેવા જેવા પ્રમાણમાં કઠોર નિયમો બનાવી લો અને પર્યાવરણને હર્યુ ભર્યુ અને સ્વસ્થ રાખીએ..
prg,no – 2
પ્રિય મિત્રો, તા.૫-૦૩-૨૦૧૫ ના રોજ સાંજના ૯.૧૫ મીનીટે મારો આકાશવાણીમાં પ્રસારિત થયેલ ‘વૃક્ષોનો સાહિત્યમાં ફાળો’ પ્રોગ્રામને આપ સૌએ બહુ જ પ્રેમથી વધાવ્યો છે. જે મિત્રો એ નથી સાંભળી શક્યા એમના માટે એ લેખ હું આજે બ્લોગ પર મૂકુ છું. ઓડિઓ ક્લીપ પણ હાથમાં આવશે ત્યારે મૂકીશ જ…ત્યાં સુધી બ્લોગમાં વાંચી શકો છો.
મિત્રો, આપ સૌ એ સાહિત્ય શબ્દ તો સાંભળ્યો જ હશે બરાબર ? પણ એમાંથી ઘણા લોકો એના અર્થથી પૂરેપૂરા પરિચીત નહી હોય ને મનમાં જ વિચારતા હશે કે આ સાહિત્ય વળી કઈ બલાનું નામ છે ? સાહિત્ય એટલે શું ? તો મિત્રો, ખૂબ જ સરળ ભાષામાં કહું તો, ‘ સાહિત્ય એટલે શબ્દોના અર્થનું દિલ સાથેનું તાદાત્મ્ય ! આપણાં દિલની જેમ સાહિત્યને પણ નાજુક સંવેદન સાથેનો ઘરોબો છે. સંવેદના અને લાગણી વગર કોઇ પણ માનવી કે એનું સર્જન રસવિહીન અને ફિક્કું લાગે.
હવે બે શબ્દો સાહિત્યકારો વિશે કરીએ. ઘણાં બધા મિત્રો સાહિત્યકાર શબ્દ સાંભળતા જ દિલ અહોભાવથી છ્લકાઇ જાય, એમને મળવાનું એમના વિશે વધુ ને વધુ જાણવાનું મન થાય. મનમાં જ વિચારે કે સાહિત્યકારો સામાન્ય માનવીઓથી અલગ કેવી રીતે હોય ? શું એમના માથે બે શિંગડા ઉગતા હશે કે તેઓ એલિયનના દેશમાંથી આવતા હશે કે ? તેમની જમાતમાં પણ આપણી જેમ જ બે ટાઈમ જમવાનું ને એક વખત નહાવાનું હશે કે ?
સૌપ્રથમ તો સર્જક થવા માટે સર્જકનું દિલ પ્રક્રુતિ જેવું વિશાળ, આડંબરરહિત અને હરહંમેશ નવી નવી પળોને વધાવવા ઉત્સાહિત હોવું જોઇએ ! પ્રક્રુતિની સમીપે જવું એ પરમાત્માના સામીપ્યથી સહેજ પણ ઉતરતું નથી. અફસોસ, આજકાલ આપણે બધા બુધ્ધિના આધિપત્ય હેઠળ વધુ અને સરળતાને મૂર્ખતામાં ખપાવીને જીવીએ છીએ. આ ઉર્ધ્વ વિચારસરણીથી આપણે પ્રક્રુતિથી અને અંતે ઇશ્વરથી દૂર થતા જઈએ છીએ. સાહિત્યકારે સૌપ્રથમ તો ખરા અર્થમાં માનવ બનવું પડે. એ દિલમાંથી ‘હું જ કર્તા’ જેવી અહંકારની ભાવના કાઢી નાંખે અને નમ્ર બની જાય તો એનું સર્જન પણ ઇશ્વરની જેમ ઉત્તમ – અદભુત થઈ જાય.નમ્રતા વિના સર્જન અશકય છે.પ્રકૃતિના સંતાનોના કલબલ, ધીરજ, મજબૂતાઈ, ઇશ્વરમાં અતૂટ શ્રધ્ધા જેવા અનેકો ગુણથી પ્રકૃતિ ભવ્યાતિભવ્ય દીસે છે. આ બધા ગુણ સાહિત્યકારે કુદરત પાસેથી શીખવાના છે. કુદરત માનવીની સૌથી મોટી શાળા અને એમાં શિક્ષકો એટલે વૃક્ષ, નદી, પહાડ, પશુ, પંખી વગેરે અને ઋતુઓ પ્રિન્સીપાલ.
આ થઈ સર્જક અને સાહિત્યની વાત થઈ હવે સાહિત્યના પ્રકાર વિશે કહું તો,
નવલકથા, નવલિકા, નિબંધો, ડાયરી, પત્ર, વિવેચન, આત્મકથા અને પ્રવાસવર્ણન – આટલા લેખનપ્રકાર. આમાંથી કોઇ પણ વિષય પર પદ્યમાં કવિતા સ્વરુપે કે ગદ્યમાં ફકરારુપે લખવું હોય તો લગભગ દરેક પ્રકારમાં પ્રકૃતિની મદદ અનિવાર્ય જ છે એ વાત તમે નિઃશંકરુપે સ્વીકારશો. લાગણીના અમી સદા તરબતર રાખવામાં પ્રકૃતિનો ઘણો મોટો ફાળો . આજે આપણે પ્રકૃતિના માનીતા પુત્ર વૃક્ષની સાહિત્યજગતમાં સ્થાન વિશે વાત કરીએ ચાલો,
એક કવિએ કહ્યું છે કે ‘વૃક્ષો મારાં ભેરુ / વૃક્ષો એટલે હું’. વૃક્ષો સાથેનું આવું અદ્વૈત આપણે બધાંએ વારંવાર અનુભવ્યુ હશે ખરું ને ? બની શકે કે ઘણાં અભાગિયાઓએ પુષ્પોની ખીલીને ખરી જતી વેળાની સજાગતાથી નોંધ નહી લીધી હોય અને ઘણાં સદનસીબે કુંડાની ભીની ભીની પોચી પોચી માટી ખોદીને જતનથી વાવેલ બીજને ય રોજ ધ્યાનથી નિહાળ્યા કર્યું હશે. બીજમાંથી અંકુર ફૂટ્વાની વેળાએ આનંદથી આંખો ભીની કરી હશે અને અંકુરને ફૂલ પાન આવ્યાની વેળાએ પોતાના સર્જન પર ગર્વ પણ લીધો હશે, બે હાથ જોડીને ઇશ્વરનો આભાર પણ વ્યકત કર્યો હશે. વૃક્ષોની અંદર ચેતનાનું આખે આખું વિશ્વ ઘુમરાય છે જે ઋતુ ઋતુએ બહાર ઉભરાઈ આવે છે. વૃક્ષના ઉભરાઈ આવવાનો પ્રામાણિક આનંદ આપણે શબ્દોમાં વ્યકત કરવા જઈએ એટલે એક સુંદર ગદ્ય કે પદ્યનું સર્જન થાય થાય ને થાય જ ! આજના યંત્રયુગમાં વૃક્ષ સાથે પ્રેમ કરી શકવો એ કુદરતની મહેરબાની, આશીર્વાદ છે. માનવીએ એ વરદાનને હથેળી અને મન ખુલ્લા રાખીને ઝીલી લેતા શીખવું જોઇએ. વૃક્ષ એ જીવતા જાગતા દેવ છે એ દેવની પૂજા કરતા આવડે તો જ આપણે આપણી મહામૂલ્યવાન સંસ્કૃતિ, મૂલ્યો, સાહિત્ય અકબંધ રાખી શકીએ.
અફસોસ બધા એમ નથી કરી શકતાં સાહિત્યની ભાષામાં વૃક્ષોની ઉપમા આપી આ પ્રકારના માનવીના જીવન વિશે કહું તો એમના જીવન સૂકાં પાંદડાં જેવા જ ભાસે છે જે વેળાકવેળા કણસ્યા જ કરે છે. એમની મુઠ્ઠીઓ ખુલ્લી હથેળી બનવાનું જ ભૂલી ગઈ છે અને પરિણામે એ મુઠ્ઠી સ્વરુપે એક જ દશામાં જકડાતી જાય છે. એમની ચેતનાઓ સંવેદનબધિર બનતી જાય છે. વૃક્ષોની જેમ ખીલવાનું – ખુલવાનું સાવ ભૂલતા જાય છે અને એના જીવનમાં પાનખરની સ્થિતી કાયમ કરતો જાય છે ને જીવનમાંથી શાંતિનો છાંયડો કાયમ માટે બાદ કરતો જાય છે. આ વાત પર એક કવિનો સરસ શેર યાદ આવ્યો,
દુઃખ આમ તો પાનખરમાં વૃક્ષોને કંઇ નથી,
છાંયો ઘટી પડવાનો જરા વસવસો હશે.
વસવસાની આ ક્ષણે મને ટીંગુ મીંગું જાપાનીઓની ‘બોન્ઝાઈ- ઘરમાં વર્ષોના વર્ષોની જહેમત લઈને અતિ માવજતથી ટીંગુ મીંગુ સ્વરુપે વિશાળ વૃક્ષોની સાચવણીની કળા’ યાદ આવી જાય છે અને એમના વૃક્ષ પ્રેમ પ્રત્યે આદરથી માથું નમી જાય છે.
સાહિત્ય જગતમાં વૃક્ષનો મહિમા – મોભો જોવા માટે થોડા કવિઓની પંક્તિઓની મજા માણીએ ચાલો,
માધવ રામાનુજજી આંસુના જમુનાકાંઠે કદંબ વાવવાની વાત કરે છે,
રોઈ રોઈ આંસુનાં ઊમટે જો પૂર,
તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો..!
કવિ પંકજ વખારિયાનો એક શેર યાદ આવ્યો,
ધરતીમાં ઉંડે અને આભમાં ઉંચે ગયો હશે,
એમ જ કોઇ માનવી પુષ્પ્તિ થયો હશે !
વાહ ..માનવી પુષ્પિત થવાની આ કલ્પના વ્રૂક્ષના અસ્તિત્વ વગર આપણને માણવા ક્યાં મળત ?
છોડની મહારાણી ને પવિત્ર ગણાતી તુલસી પરથી ગુજરાતી ભક્તિગીત યાદ આવ્યું જેમાં તુલસીને અદકેરા લાડ લડાવાયા છે અને ભગવાનની સાથે સાથે દરેક કડીમાં એને યાદ કરાઈ છે.
ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ, ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન.
વનમાં વસે તુલસી ને મંદિરમાં વસે રામ, રુદિયામાં વસે મારો શ્રી ભગવાન.
બોલો હરિજન કૄષ્ણનું નામ.
એવી જ રીતે એક નવપરિણીતા પાંદડાની ઉપમા આપીને ગીત ગાય છે એ લોક્ગીત કેટલું મીઠું મધુરું છે સાંભળો,
‘પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડું….પાંદડાંની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડું.
હે માડી મારો સસરો આડે આવ્યો..હે માડી હું તો સસરા ભેળી નહીં જાઉં – સાસુજી મેણાં બોલે…પરદેશી લાલ પાંદ્ડું.
એ પછી તો જેઠજી ને દેરજી સાથે જવાની ય એ યુવતી ના પાડે છે પણ જેવી એના પ્રિયતમ – પરણ્યાંની વાત આવે છે ને આખી ય વાત જાણે બદલાઈ જાય છે.
‘માડી મારો પરણ્યો આડે આયો…હે માડી હું તો પરણ્યા ભેળી ઝટ જાઉં.. પરણ્યોજી મીઠું બોલે…’
અહાહા..કેવું મીઠું મધુરુ ગીત છે કેમ મિત્રો..
એક ખૂબ જ જાણીતું હિન્દી ગીત યાદ આવ્યું,
‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં..ફૂલ નહીં મેરા દિલ હૈ.’ તમે પણ જરુરથી આ ગીત સાંભળ્યું જ હશે.
ઝાડના છોરું ફૂલ વિના આવી મહેંકતી, તરબતર ઉપમા ક્યાંથી શકય..ઉપમાની વાત તો છોડો, પ્રેમનો એકરાર કરવા માટે, પ્રેમ જતાવવા માટે ય ફૂલોનો ઉપયોગ થાય છે. ફૂલ જ ના હોય તો પ્રેમની રજૂઆત પણ કેવી પાંગળી બની જાય. આ દુનિયામાં સૌથી વધુ સાહિત્યનો ઉપયોગ તો આ પ્રેમીઓ જ કરતાં હોય છે. પુષ્પો વિના સાહિત્ય અધમૂઉં.. સુંદર શબ્દોના ધાગામાં પૂરોવાયેલ નાજુક લાગણી અને સંવેદનોના સાહિત્ય વિના પ્રેમની રજુઆત ફીકીફસ્સ…તો પ્રેમ વિના માનવીનું જીવન વિચારો તો દોસ્તો..કલ્પના પણ નથી આવતી ને ?ઝાડ, પાન, ફૂલ વગર તો આ સાહિત્ય જગત કેવું ફીક્કું ફસ જ લાગે ને.
વૃક્ષ સાહિત્યની ધોરી નસ છે. કવિ કે લેખકની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે, વૃક્ષોના પર્ણની ઝીણી ઝીણી મરમર ના ફરફરે , ફૂલોની ફોરમ ના મહોરે તો એનું સર્જન શંકાશીલ જ ગણવું. આજના નેટના જમાનામાં સર્જકો એક વાતથી થોડી રાહત અનુભવી શકે છે કે વ્રૂક્ષપ્રીતિના કાવ્યો , લેખો હવે એને જ કાપીને બનાવાતા કાગળના બદલે ચોરસ – લંબચોરસ કોમ્પ્યુટર – લેપટોપમાં લખી શકે છે. બાકી કોમર્શીયલ કે પોતાની સગવડ સાચવવાના સ્વર્થી હેતુથી વ્રૂક્ષની લીલાશ કાપીને સિમેન્ટ, કોંક્રિટનો કાળો ભેંકાર વાવનારા લોકો એ વાત ક્યારે સમજશે કે તેઓ વૃક્ષોની સાથે સાથે કોઇનો આશરો, છાંયડો, ભોજન અને અમુક અંશે લોકોના જીવન પણ કાપી નાંખે છે. આજે જ્યારે અનેક જગ્યાએ અનેકો વર્ષોથી વટ સાથે ઉભા રહેલા ઝાડ કોમર્શીયલ ઉપયોગ માટે વાઢી કઢાય છે ત્યારે હૈયું ભરાઈ આવે છે. વૃક્ષોના જીવન આમ અકુદરતી રીતે ટૂંકાવી દેવામાં મનુષ્યએ કયો મોટો મીર મારી દેવાનો હશે એ જ નથી સમજાતું. એ ઝાડ વાઢનારા અને એવા નિર્ણય લેનારાઓના જીવનમાં બધિરતા પ્રવેશી ગઈ છે એમ જ માનવું પડે. એમને જઈને સમજાવવાનું મન થાય છે કે ભાઈ, તમે આ રીતે તમે આડકતરી રીતે આપણી સંસ્ક્રુતિ – સાહિત્યનો છેદ ઉડાડો છો. આ રમણીય લાલ -પીળા-સફેદ-જાંબલી જેવા ફૂલ અને લીલા ચટ્ટાક -પીળા પીળાં પાંદડા વિનાના ઝાડવાંઓનું આમ જ નિકંદન કાઢતા રહ્યાં તો આપણા ભાવિ સાહિત્યકારોના ભાગે ફૂલ છોડના ફોટા જોઇને કે એની કલ્પના માત્રથી જ લખવાનું આવશે, આપણી સંસ્ક્રુતિ કલ્પનાના ઘોડાની સવાર જ થઈને રહેશે એને કોઇ મજબૂત વાસ્તવિક અનુભવોની ધરતી નહીં મળે..બધું ય અધ્ધરતાલ ! વૃક્ષને નકારવા એટલે જીવન ચેતનાનો નકાર જ સમજો ને. જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જીવનપ્રીતિ નથી. એ માનવી માનવી કહેવડાવાને લાયક જ નથી.
માનવજીવન દરમ્યાન એક નવજીવન ના વાવી શકીએ તો આપણી આવનારી પેઢી ખતમ થઈ જાય છે. આ વાક્ય માનવીના સંતાનોની જેમ ધરતીના સંતાનો વ્રૂક્ષ માટે પણ એટલી જ લાગુ પડે છે. આપણી પેઢીને આપણે કમ સે કમ એક હાથે વાવીને મોટો કરેલો છોડ અને એમાંથી બનેલું વિશાળ ઘટાદાર વૃક્ષ વારસામાં આપીને ના જઈ શકીએ?
prg. no -1 તારીખ : ૩૦-૧૨-૨૦૧૪ ના રોજ સાંજે ૮-૧૫ મિનીટે ઓલ ઇન્ડિયા રેડિયો – ૩૫૪.૬ કી.મી એટલે કે ૮૪૬ મેગા હર્ટસ ઉપર પ્રસારિત થયેલ મારો કાર્યક્રમ :
પ્રવાસી ભારતીય દિવસ
મિત્રો,
જીવનની રોજિંદી અને ટેન્શનોવાળી અતિવ્યસ્ત ધમાલભરી લાઈફમાંથી મુક્ત થઈને પ્રકૃતિની શરણે જવાનું કોને ના ગમે ? આ પ્રવાસ માનવીના લોહીનો પ્રવાસ વ્યવસ્થિત રાખે છે. પ્રવાસ માનવીને ‘હું’ માંથી ‘વિશ્વમાનવ’ બનાવે છે. પ્રકૃતિ પ્રત્યે માનવીનું અનન્ય ને અદમ્ય આકર્ષણ આદમ અને ઇવના જમાનાથી ચાલ્યું આવે છે. આજના યંત્રયુગમાં અનેક આધિ – વ્યાધિ અને ઉપાધી વચ્ચે માનવીના દિલ અને દિમાગને અનોખી શાંતિ અપનારું એક માત્ર સ્થળ પ્રકૃતિનો રમ્ય, નિઃસ્વાર્થ ને માસૂમ ખોળો છે. સંસ્કૃતનું એક બહુ જ પ્રખ્યાત સુભાષિત યાદ આવ્યું કે ‘ ચરણ વે મધુ વિન્દતિ’ -ફરનારો મધ મેળવે છે !
ભારતનો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો, પવિત્ર તીર્થ ધામો, વિશાળ સાગરતટ આ બધું કાયમથી વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણના – અભ્યાસના કેન્દ્ર બન્યાં છે. જાપાન પછી એશિયામાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાં જ આવે છે. વૃક્ષની જેમ માનવી પણ જ્યાં વસી જાય ત્યાં ઉગી જાય છે પણ એના મૂળિયાં સ્વભૂમિમાં હોય છે જેના દ્વારા એ જીવન જીવવાનું નવું જોમ, સંસ્કારોનો વારસો અને ચેતનવંતુ પોષણ મેળવીને વિકાસ પામતો રહે છે.
આપણે બધાંએ શ્રી ઉમાશંકર જોશીનું આ પ્રવાસી કાવ્ય સાંભળ્યું, વાંચ્યું, માણ્યું જ હશે. આજે એક વાર ફરી એની મીઠી યાદો મમળાવીએ..
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી.
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,
રોતા ઝ્રરણાંની આંખ લોહવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાંખે,
હંસોની હાર મારે ગણવી હતી.
દળે ઝૂલન્ત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા !
જંગલ, પહાડ, ઝરણાં, સરવરિયા…આ બધું કોઇ જ ભોમિયાની સહાયતા વિના આપસૂઝથી ફરવાનું…કેટલી સરસ વાત છે કેમ દોસ્તો..!
વિદેશી ભારતીયોનું રોકાણ દેશમાં લાવવા તથા તેમની સાથેનો નાતો સુદ્રઢ કરવા દર વર્ષે ત્રણ દિવસ માટે યોજાનારા ‘પ્રવાસી ભારતીય દિવસ’ એટલે કે પી.બી.ડી ની ઉજવણીમાં આ વખતે ગુજરાતને યજમાન બનવાની તક મળી છે. દર વર્ષે આ કાર્યક્ર્મ દિલ્હીમાં થાય છે પણ આ વખતે ગુજરાતમાં તેની ત્રણ દિવસિય ઉજવણી થશે. ‘પ્રવાસી ભારતીય દિવસ’ ૨૦૦૩થી ઉજવાય છે. આ વર્ષ એનું તેરમું વર્ષ છે. જોકે આ ગુજરાતને મળેલી આ અનોખી તકના બીજ તો નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કેરળમાં ઉજવાયેલ પ્રવાસી ભારતીય દિનની ઉજવણી વખતે વાવી દીધેલા અને એ સમયના તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ સમક્ષ ગુજરાતને પ્રવાસી ભારતીય દિનની ઉજવણીના યજમાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી દીધેલી.
આપણા રાષ્ટ્રપિતા મહાત્માસ ગાંધી સાઉથ આફ્રિકાથી જાન્યુઆરી ૯, ૧૯૧૫ના રોજ પાછા ફરેલા તે ઘટનાને આ વર્ષે એટલેકે ૯,જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૧૦૦ વર્ષ પૂરા થશે. વિશ્વના સૌથી મહાન પ્રવાસી એવા મોહનદાસ કરમચંદ ગાંધીની સ્મ્રુતિમાં તા. ૭, ૮,૯ જાન્યુઆરીએ ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉજવાશે. વર્ષ ૨૦૧૫ ની ૭ મી થી ૧૩મી જાન્યુઆરી સુધી ગુજરાત જબરદસ્ત વ્યસ્ત રહેવાનું. સમગ્ર દુનિયાનું ફોકસ અહીં કેન્દ્રીત થશે. વિશ્વ પ્રવાસી ભારતીય દિવસની શરુઆતમાં ૭ મીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પ્રદર્શનનો પ્રારંભ કરાવશે. જેમાં આશરે 5 હજાર ડેલીગેટસ ભાગ લેશે. પીબીડીના બીજા દિવસે એટલે કે ૮મી જાન્યુઆરીનો કાર્યક્રમ કાંકરિયા લેક ફ્રંટ ખાતે ઉજવવામાં આવશે જેમાં સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. ત્યાં વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો યોજવામાં આવશે. જેમાં ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી, ગુજરાતના વિવિધ નૃત્યો અને ચીનની સંસ્ક્રુતિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવશે. ‘ગાંધીજીની ફિલોસોફીની વર્તમાન સદીમાં ભૂમિકા’ ઉપર સેશન યોજાશે. ૯ મી જાન્યુઆરીના રોજ પીબીડીની ઉજવણી સાબરમતી રિવરફ્રંટ ઉપર થશે. જેમાં કલ્ચરલ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્ય સરકારે પીબીડીની ઉજવણીના જરુરી આનુષંગિક ખર્ચ માટે ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન’ને રુપિયા ૩૦ કરોડની ગાંટ ફાળવી છે.
પ્રવાસી ભારતીય દિનની ઉજવણી પહેલાં અમદાવાદમાં એન આર આઈ લોકોનું આગમન શરુ થઈ જશે. આ લોકોને આકર્ષવા કાંકરિયા કાર્નિવલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં ફ્લાવર શૉની ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણીમાં લગભગ વિશ્વભરના ૫૦૦૦ જેટલાં એન આર આઈ લોકો ભાગ લેશે. પીબીડીની ઉજવણી દરમ્યાન પ્લેનેરી સેશન હેઠળ ઇન્ડિયન ડાયસ્પોરાની સિધ્ધિઓ, ગ્લોબલ એન્ગેજમેન્ટ અને સપોર્ટ પાવર ઇન ઇન્ડિયા જેવા વિષયો પર ચર્ચા થશે. નમામી ગંગા,સ્માર્ટ સિટીઝ, શહેરી કૌશલ્ય, સફાઈ અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા , આર્થિક સુધારા જેવા મુદ્દા એનઆરઆઈ મહેમાનો સમક્ષ સ્પષ્ટ કરવામાં આવશે. ૮ મી જાન્યુઆરીએ યોજાનારા કોન્કલેવને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દાંડી કુટિરનું ઉદઘાટન કરશે અને ૯ મીએ ઉપરાષ્ટપતિ શ્રી હમીદ અન્સારી હાજર રહેશે અને એમના હસ્તે પ્રવાસી ભારતીય સન્માન અવોર્ડ આપવામાં આવશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે તથા કેન્દ્રીય વિદેશ પ્રધાન શ્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે,તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માટે ખાસ આમંત્રણ અપાયા છે. ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડના મુખ્ય પ્રધાનોએ તેમનું આવવાનું નિશ્ચિંત કર્યું છે. એનઆરઆઈસને ગુજરાતના પ્રવાસન પર્યટન ક્ષેત્રના વિકાસની અનુભૂતિ કરવાનું ઇજન આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત ટ્રેડર્સ સ્ટેટમાંથી મેન્યુફેકચર્સ સ્ટેટ બની ગયું છે. એણે ઇન્ફ્રાસ્ટ્કચર, પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ, ગેસ ગ્રીડ, પાવર ગ્રીડ, રિવર વૉટર ગ્રીડ, ઓ એફ સી, આઈ ટી નેટવર્કની બ્રોડબેન્ડ કનેક્ટીવીટીના લેવલની એકવીસમી સદીના આધુનિક માળખાકીય સુવિધા વિકાસની સિધ્ધિઓ મેળવી છે. ગુજરાતની વાઈબ્રન્ટ ટેકસટાઈલ પોલિસી અનોખી છે. ટેક્ષટાઈલ ઇન્ડ્સ્ટ્રીઅલ ડેવલપમેન્ટમાં મેનપાવર, ઝીરો મૅન ડૅઈઝ લોસ, પોલિસી ડ્રિવન રિફોર્મ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, યુથ પાવર જેવા અનેક નવા વિકાસના આયામોથી ગુજરાત દેશ વિદેશમાં સન્માનને પાત્ર બન્યું છે. મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે એમ પણ ઉમેર્યુ કે અગાઉના વર્ષોના પ્રવાસી ભારતીય દિનની ઉજવણીની તુલનાએ આ વર્ષે ચાર ગણું રજીસ્ટ્રેશન કરાવીને બિન નિવાસી ભારતીયોએ આ ઉજવણીમાં સહભાગી બનવા માટે અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો છે. આ દિનની ઉજવણીની વિગતો આપતાં આનંદીબેને કહ્યું કે, આ ત્રિદિવસીય સમારોહના પ્રથમ દિવસે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશાળ પાયે રજૂ કરતું વિશ્વકક્ષાનું પ્રદર્શન ખુલ્લું મૂકાશે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓની પહેલરુપ સિધ્ધિઓના કેન્ર્દવર્તી વિચાર સાથેની પ્રર્દશની યોજવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યથોચિત સન્માન – શ્રધ્ધાંજલિ આપવા ગાંધીનગરના મહાત્મા મંદિરના પરિસરમાં એ યુગપુરુષની જીવન યાત્રાને ઉજાગર કરતું ‘સોલ્ટ માઉન્ટ’નું કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગો, બાળપણના સ્મરણોનો મલ્ટી મીડિઆ શો બતાવાશે. બે મોટા ચરખા પણ કુટિરમાં મૂકાશે. કોઇ વ્યક્તિગત જીવનના ઐતિહાસિક પ્રદર્શન માટે આધુનિક ટેકનોલોજીના વિનિયોગની આ સંભવતઃ પ્રથમ ઘટના છે.
આ મેગા ઈવેન્ટમાં ૫૦૦૦થી વધુ બિનનિવાસી ભારતીયો અને વિશ્વભરમાંથી ૨૦૦૦ જેટલા પતિનિધિઓ ઉપસ્થિત રહે એવી અપેક્ષા છે. તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમનના પ્રવાસને ૧૦૦ વર્ષ પૂરાં થતાં હોઈ દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન ડોનાલ્ડ રામોતાર, સંયુકત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂન, અમેરિકી વિદેશમંત્રી ઝોન કેરી, ડેનમાર્કના વડાપ્રધાન હેલે થોનિંગ, નેધરલેન્ડના વડાધાન માર્ક રુથ, સિંગાપોરના વડાપ્રધાન કેશિંગા ટોબગે, જાપાનના વડાપ્રધાન શીનગો એબે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શેના એબોટ ઉપરાત વિદેશી પ્રતિનિધી મંડળો, ઉદ્યોગ જગતના માંધાતાઓ અને પંદરેક રાજ્યોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.
આનંદીબેન પટેલ કહે છે કે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની એમની પ્રવાસી ભારતીય દિવસના યજમાન બનવાની ઇચ્છા હવે સાકાર થવા જઈ રહી છે. એમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ૨૦૦૩ની સાલની વાયબ્રન્ટ ઇવેન્ટ્સમાં કોઇ દેશ ભાગીદાર નહતો થયો આ વખતે ૮ અગ્રણી દેશ જેવા કે કેનેડા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ,ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા , સિંગાપોર અને સાઉથ આફ્રિકા એમાં ભાગીદારી કરી રહ્યાં છે. હજી અનેકો દેશો એ પાછળથી રસ બતાવ્યો હતો જેમને આપણે સોરી – હવે મોડું થઈ ગયું છે કહીને ના પાડવી પડી.
પરિસ્થિતી અને પવન હવે ગુજરાત માટે અનુકૂળ છે. ગુજરાત ભારતનું પહેલું અને એક માત્ર રાજ્ય છે જે ૨૪૦૦ કિ.મી.ના ઇન્ટીગ્રેડ ગેસ ગ્રીડ ધરાવે છે. ૧.૨૦ લાખ કિંમી લાંબી પાણી પુરવઠા ગ્રીડમાંથી ગુજરાત ૭૫ ટકા વસ્તીને પાણી પૂરું પાડે છે. રાજ્યમાં ૧ આંતરરાષ્ટ્રીય અને ૧૬ ડોમેસ્ટીક એરપોર્ટસ છે. ૭૭, ૬૯૦ કિમી લંબાઈના રોડ, ૫,૨૫૭ કિમી. લાંબી રેલ્વે લાઈન જે ભારતની કુલ રેલવેલાઈનનો ૮.૨૫ ટકા હિસ્સો છે એ ગુજરાત ધરાવે છે. ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા ૨૨,૮૭૯ મેગાવોટ છે. ૪૧ માઈનોર અને ૧ મેજર પોર્ટ છે જ્યાંથી દુનિયાના તમામ બંદરો સાથે વ્યવહાર થઈ રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશ્માં સૌથી વધુ ઓપરેશનલ પોર્ટસ અને કોમશિર્યલ પોર્ટસ ધરવે છે. ૨૦૧૨-૧૩ ના આંકડા પ્રમાણે ભારતીય બંદરો પર જે કુલ માલસામાન હેન્ડલ થાય છે એમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત ડેનિમ કાપડનું વિશ્વનું ત્રીજા ક્રમનું ઉત્પાદક અને પોલીસ્ડ હીરાનું વિશ્વનું સૌથી વધુ મોટું મથક છે. ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક ( જીસ્વાન) એસિયાનું સૌથી વિશાળ નેટવર્ક છે.વિશ્વની વિશાળ પેટ્રોલિયમ રિફાઈનરી જામનગર ખાતે છે. દવા, રસાયણ અને પેટ્રો કેમિકલના ઉત્પાદનમાં ગુજરાતનો સિંહફાળો છે નમક , સોડા એશ અને ખનિજનું ગુજરાત દેશનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. ભારતના શેરબજારની મૂડીમાં ૩૦ ટકા ને દેશની નિકાસમાં ૨૫ ટકા હિસ્સો ગુજરાતનો છે એટલે જ આનંદીબેને કહ્યું એમ ગુજરાત દેશ દુનિયા્ માટે ડેસ્ટીનેશન પોઇન્ટ બનીને ઉભર્યુ છે.
ભારત દુનિયાભરમાં એના આતિથ્ય – અતિથી દેવો ભવ ની ભાવના માટે જાણીતું છે.રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલ ‘હોમ સ્ટે’ પોલિસી હેઠળ જે કોઇ એનઆરઆઈ મહેમાનના યજમાન બનવા માંગતું હોય તેમણે નોંધણી કરાવવા જેવી સામાન્ય પ્રોસિઝર પાસ કરવાની રહે છે એ પછી તેઓ એનઆરઆઈ ને પોતાના ઘરે લઈ જઈ શકે છે. વિદેશીઓના હોટલના વસવાટ દરમ્યાન તેઓ આપણી સંસ્ક્રુતિથી બહુ ઓછા અંશે પરિચિત થઈ શકે છે પણ જ્યારે તેઓ આપણું આતિથ્ય માણે તો આપણા ઘરની રહેણી કરણી, રીતભાત, સંસ્કારો વગેરેથી બહુ નજીક સમજી અને માણી શકે છે.ખરેખર આ એક અદભુત યોજના છે.
‘ચરતિ ચરતો ભગ’ અર્થાત
‘ બેઠેલાનું રહે બેસતું, ઉભાનું રહે ઉભું.
નસીબ સૂતાનું સૂએ, ચાલે ચાલતા સંગ !’
આ જ વાત કહીને નરેન્દ્રમોદીએ ભારતની બહાર વસતા ભારતીય મૂળના લોકોને ગુજરાતના પ્રવાસે પધારવા અને ગુજરાતમાં રહેલી ઇન્વેસ્ટમેન્ટની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.
-સ્નેહા પટેલ
Thanks for sharing an excellent writeup.
Ramesh Patel(Aakashdeep)
…………………………..
Resp Snehaben
A request to assist to play my song on Radio…on 26 Janu.
http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારી-શાન-ત્રિરંગા-શ્રી-રમ/
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે… આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર
LikeLike
Very good article. I will be dealing with many of these issues as well..
LikeLike