આલ્ફાંસો ફેમિલી

ગુજરાત ગાર્ડીયન દૈનિકપેપરમાં આજથી ચાલુ થતી નવી કોલમ ‘સ્માઈલ પ્લીઝ’.

http://www.gujaratguardian.in/22.07.12/magazine/index.html

આ વખતનો ઉનાળો બહુ સૂક્કો ગયો. એક તો ગ્લોબલ વોર્મિંગના સપોર્ટથી અમથીય ગરમીના મગજમાં રાઈ ભરાઈ ગયેલી.એમાં  સિઝનની મીઠી મધુરી મજા જેવી કેરીને પણ કદાચ ખોટું લાગી ગયેલું. આમંત્રણ પત્રિકામાં કોઇ લોચા વાગી ગયા હશે નક્કી તે ‘મારી બેટી’ આખો એપ્રિલ પતવા આવ્યો પણ એનું મોઢું જ ના બતાવ્યું..

‘વેદનો છેડો આવી ગયો’  કેરીના મુખ-દર્શન માટે ‘વેવલાં વીણવા’ જેવી હાલત થઈ ગઈ. એવામાં ‘બાજુવાળી સોસાયટીમાં કોઇ 2000 રુપિયામાં કિલો હાફુસ કેરી લઈ આવ્યાના સમાચાર / અફવા વહેતી થઈ’. પછી તો આજુબાજુની 10 સોસાયટીમાં એ વાત ચોરે ને ચૌટે ચર્ચાવા લાગી. આવી ‘રુમર’ પચાવવા માટે સોસાયટીના દરેક ઘરમાં ‘કાયમ ચૂર્ણ’ના ડબ્બે ડબ્બા ખાલી થઈ ગયા પણ એ ના જ પચી, આફરો થઈને મગજમાં ચડી ગઈ.લોકોનું મગજ ગોટાળે ચડવા લાગ્યું..નક્કી આની અંડરવર્લ્ડમાં ઓળખાણ લાગે છે. બાકી પૈસાનો સવાલ નથી.કેરી ખાવા અમે પણ હજારો ખર્ચવા તૈયાર છીએ, પણ આ હજાર મણનો ‘પણ’  કે એ ક્યાં મળે છે એ તો ખબર પડવી જોઇએ ને.પેલો માણસ પણ ‘આલ્ફાંસો કેરી’ જેવું ભારે ભરખમ નામ બોલી બોલીને ભયંકર મંદીમાં  ‘કિલો કેરી ધારક’ હોવાનો વહેમ મારતો પણ ‘ મગનું નામ મરી ‘ ના પાડતો.કેરી ક્યાંથી લાવ્યો એ કહેતો જ નહતો.

લોકો એના ઘરના ફળિયામાં અમથા અમથા આંટા મારવા લાગ્યાં કે નસીબ હોય તો આ હાફુસરાણીના છોતરા-ગોટલાંનાય દર્શન થઈ જાય તો પગે લાગીને કેરી-દેવતાને લાગેલું ખોટું દૂર કરીને મનાવી શકાય.વળી એ ‘હાફુસધારક’ ના મનમાં રામ વસે અને આપણને એના ઘરે ‘આવો ને’ કહી દે તો, એક પણ પળની રાહ જોયા વગર એ આમંત્રણ સ્વીકારી લેવાનું.શું લેશો જેવું પૂછે તો તરત ‘હાફુસકેરી’ જ કહી  દેવાનું.કોઇ  શરમ નહીં ભરવાની ‘ફુલ નહી ને ફુલની પાંખડી’રુપે એકાદ ચીરી કેરીની મહેમાનગતી માણવા મળે તો મોકો છોડાય નહીં..

‘જેણે રાખી શરમ, એનાથી રુઠ્યા કેરી-સનમ ’

ત્યાં તો અમારી સોસાયટીની યુનિક અને લોકોના રહસ્યો પરથી પડદા ઉઠાવવામાં પાવરધી ‘પંચાતિયણ ટીમ’ એક નવી માહિતી લઈ આવી કે,’ એ કેરીઘારકના ઘરમાં એકનો એક જુવાન દીકરો પરણાવવા જેવડો થઇ ગયો છે.’

પછી તો તમાશાને તેડું ના હોયની જેમ જ…દરેક પરણાવવા યોગ્ય દીકરીઓના મા-બાપના મોઢે એ ’આલ્ફાંઝો ફેમિલી’ના છોકરાને કેમ કરીને પટાવાય,એને  શીશામાં કેમનો ઉતારાયની વાતો જ રમવા લાગી.બહુ અઘરું હતું પણ કેરીના રસિયાઓ કેરી માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હતા..પેલા મુરતિયાને પણ માર્કેટમાં આવેલ અણધારા ઉછાળાની ખબર પડી ગયેલી તે આખો દિવસ પોતાના ઘરની બાલ્કનીમાં નવી નવી ડિઝાઈનના કપડાં પહેરીને,સ્ટાઈલથી વાળમાં હાથ ફેરવતા ફેરવતા ઉભો રહેતો જોવા મળતો. દરેક જુવાન છોકરીની નજર જાણે પોતાની સુંદરતાનો પીછો કરી રહી છે એવા ભ્રમમાં રહેવા લાગ્યો. પોતાના જ ગળાડૂબ પ્રેમમાં પડી ગયો. ‘પોતે કનૈયો અને એ બધી ય ગોપી’ આમાંથી એક રાધા શોધવાની હતી બસ..એક ગોરી-ચિટ્ટી અદભુત રાધા મળી જાય તો હનુમાનજીને જઇને બે આલ્ફાંસો કેરી ચડાવી આવવાની ભિષ્મ – પ્રતિજ્ઞા લઈ લીધી..

આમિરખાનના ‘સત્યમેવ જયતે ‘ કરતાં પણ આ ‘કેરીપુરાણ’ વધુ ચર્ચાસ્પદ અને ટીઆરપીથી છલકાતું રહ્યું.

‘આલ્ફાંસો ફેમિલી’ લોકોને લલચાવી લલચાવીને રોજ એક- એક કેરી ખાઈને એ કેરીના ગોટલાં અને છોતરાં બરાબર ધોઇ કરીને બાલ્કનીમાં ક્લીપ અને દોરીની મદદથી કપડાં સૂકવવાની દોરી પર એને લટકાવી દેતાં,જેથી આવતા જતા દરેક લોકો એ કેરી દેવતાનાં દર્શનનો લ્હાવો મેળવી શકે ! સોસાયટીના લોકો હવે ભૂરાયા થયા..પોતાના ઘરમાં જમવા બેસતી વેળા કેરીના રસની જગ્યાએ તુવેરની દાળ કે કઢી જોઈને ‘જમતીવેળાએ કરિશ્મા કપૂર સાઈની ફ્રેશ ટોઈલેટ ક્લીનરની એડ  નજરે ચઢી  ગઈ હોય અને જમતી વેળાએ ટોઈલેટ જોઇને જેવી ચીતરી ચડે ‘ એવી લાગણી અનુભવતા..અરમાનોના ટુકડે ટુકડા થઇ જતાં. એમની સહનશક્તિ સાથ છોડવા લાગી હતી..રોજ  રોજ  કેરી પર કવિતાઓ – પ્રાર્થના-સ્તુતિઓ લખાતી..રોજ પ્રભુને મનામણી થતી..નેટ પર ગુગલ પર ‘કેરી-સર્ફીંગ’ કરાતું. ફેસબુકમાં સ્ટેટસ,ટ્વીટરમાં ટ્વીટ..જ્યાં જુઓ ત્યાં કેરી-રોદણાં જ નજરે પડતાં..ત્યાં ‘પડતાંને પાટું’ જેવા સમાચાર નજરે  પડ્યાં કે,

‘ તાલાળાથી કેરી ભરીને સુરત જતો ટ્રક ગાવડકા ચોકડી નજીક પસાર થતો હતો ત્યારે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઇ ગયો ‘ અરેરે…પલટી જ ખાવી હતી તો આ રસ્તો શું ખોટો હતો..અમે વીણી લેત એ કેરીઓ..નસીબ જ ખરાબ ,બીજું શું.

લોકોના હાયકારાઓ હવે આસમાનને વીંધવા લાગ્યાં..એ બધી ગરમીની અસરથી કદાચ ભગવાન રીઝ્યા અને અમારી પડોશીની દીકરી ઓફિસેથી આવતાં માર્કેટમાં ‘કેરી- દર્શન’ કરીને આવીના સમાચાર લઈને આવી..બધે ખુશીઓની છોળો ઉછળવા લાગી..આ વખતે કેરી ખાવા નહી જ મળે એવી માન્યતાથી અમુક લોકો ‘મન પર કાબૂ રાખવાના 1001 ઉપાયો’ની ચોપડીઓ ખરીદી લાવેલા એના પાને પાના ફાડીને કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની જેમ આકાશમાં ઉડાડવા લાગ્યાં.સર્વત્ર ખુશીઓનું વાવાઝોડું ફૂંકાઈ ગયું..બધાએ હરખભેર પોતાની માનતાઓ પૂરી કરી..’સંપ ત્યાં જંપ’ની ભાવનાને અનુસરીને બધાંય સમુહમાં માર્કેટમાં જઈને જથ્થાબંધ ભાવે કેરીના ટોપલે -ટોપલાં ખરીદી કરી લાવ્યાં.

કેરીના રસના બાઉલ અને જેને કાપેલી કેરી ખાવી હોય એમના માટે સરસ મજાના એક સરખા ચોરસ કટકા કાપીને મૂકાયા.મેંગો શેકના જગની પણ વ્યવસ્થા કરાઈ હતી.ચારેબાજુ કેરી જ કેરી ! થોડી વેરાઈટીના ભાગ રુપે અથાણું કે છુંદો પણ રખાયો. સમુહમાં ધાબા પર બેસીને ચંદ્રમાને જોઇને સોસયટીની સૌથી નાની કુંવારિકા-6 માસની ઢબુડીને સૌપ્રથમ ચમચીથી કેરીનો રસ ચટાડ્યો અને પછી બધાંયના ‘કેરી-ઉપવાસ’ છૂટ્યાં.

ત્યાં તો સામેના ધાબાની પાળીએથી પેલાં ‘આલ્ફાંસો-રાજા’નું ગરીબડું મુખડું ડોકાયું.બે –ચાર તોફાનીઓએ એના ધાબા તરફ ખાધેલી કેરીઓના ગોટલાં ફેંકીફેંકીને પોતાની દાઝ ઉતારી. કેરીની લાલચમાં એની સાથે જે છોકરીની સગાઇ કરાઈ હતી એ છોકરી પણ એના સ્વાર્થી અને આપખુદી સ્વભાવને ધિક્કારતી હતી. એથી એ અમારી સાથે અમારા ધાબે કેરીની ઉજાણીમાં,અમારી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી..હર્ષોલ્લાસ સાથે આ અનોખો ‘કેરી-ઉત્સવ’ રંગે-ચંગે ઉજવાયો અને મોડી રાતે દાઢી-મૂંછો ,દુપટ્ટા-સાડીના પલ્લુ પર  ચોંટેલ કેરીના રસ સાથે ‘કેરી ઉત્સવ’ની અનોખી યાદગીરીરુપે ફોટોસેશન કરાવીને છૂટા પડ્યાં.

‘અંત ભલા તો સબ ભલા’

-સ્નેહા પટેલ.

10 comments on “આલ્ફાંસો ફેમિલી

  1. Dear sneha,Jay Shree krishna.have a happy n healthy day as it passes….finally u
    eat mango with everybody n laugh lot.N u know what here by just reading i eat with
    my family n laugh too…congratulation for to join in new era.I’m glad n happy for u..

    Like

  2. Dear Snehabeta vah and aakhare AAP sau thaki aamo in USA paan Alfanzo and Hafoos no Chatako Manni shakya….Here we have some GOOD Quality of Mangoes but but we can very well Judged it as Artificial Pakaveli and Smell of that Black Padiki too..Only ONCE we have had from Indian Store here and have to finished them within Week’s time…
    AAM ne AAMRA RASS ne emaj MADHURO ne TRUPT nathi kahyo!!!!!
    God bless you
    Jay shree Krishna
    Dadu..

    Like

  3. સ્નેહાબેન,

    ખૂબજ સહજ અને સુંદર આલેખન સાથે હાસ્ય-=વ્યંગ ની છોળો તમે ઉડાડી… એટલું જ નહિ પણ કેરી ના ખાતાં લોકોને પણ એક વખત તો ટે સ્વાદ માણવા મજબુર કરી આપ્યા… ખૂબજ સુંદર આલેખન ! ધન્યવાદ !

    Like

  4. Your content is more juicy and tempting than the Alphonso itself…and himself…Afonso de Albuquerque one responsible to inspire everyone along with you to express such a nice sweet write-up….All the best…

    Like

  5. Khooob khoob Abhinandan Sneha D… 🙂

    Smile plz….
    આવી ‘રુમર’ પચાવવા માટે સોસાયટીના દરેક ઘરમાં ‘કાયમ ચૂર્ણ’ના ડબ્બે ડબ્બા ખાલી થઈ ગયા પણ એ ના જ પચી, આફરો થઈને મગજમાં ચડી ગઈ…

    ‘અંત ભલા તો સબ ભલા’

    -સ્નેહા પટેલ. 🙂 mast….

    Like

  6. વાહ વાહ..શૂ મજા આવી શરુથી જ હળવાશ સાથે આછુ આછું હાસ્ય ઉભરાવી દે..ને પેલી આલ્ફાન્સો કે હાફૂસ વિના જ..મધુરપ મળી ગઈ..આવું સુંદર વામ્ચન નથી મળ્યુ અને જરુર મનને પૂષ્ટ કરે છે..ખુબ ખુબ અભિનંદન આ નવી કોલમ આવી જ મઘમઘે..
    જેમ કેરીનો દરેક ભાગ મીઠો તેમ ગમે ત્યાંથી વાંચો તોય વિષય ન ચુકાય ને મીઠાશ મીઠાશ..હળવાશ હળવાશ ને સ્મિતની રેલાશ તો ઘણીવાર રહી જશે…
    ભલે ફાહુસ અલ્ફાન્જો મળે ના મળે
    પણ આવી જ સ્મિતની લહેરો રેલાવતા રહેજો..

    Like

Leave a comment