વરસાદી સ્કીમ


ગુજરાત ગાર્ડીયન દૈનિકમાં ‘ટેક ઇટ ઇઝી’ કોલમનો આજનો  લેખ -2

http://www.gujaratguardian.in/29.07.12/magazine/index.html

આ વર્ષે વરસાદના ‘નવી વહુ’ જેવા માનપાન મેળવવાની લાલચમાં આપણી હાલત ‘ધોબી કા કુત્તા’ જેવી થઈ ગઈ છે.એ વરસતો તો નથી જ પણ રોજ આપણને ઉલ્લુ બનાવવા વાદળછાયા આકાશ અને ભેજથી ભરપૂર વાતાવરણનો હેવી ડોઝ આપણા માથે ઝીંકે રાખે છે.પરિણામે આપણે કડકડતી નોટમાંથી સાવ હવાઈ ગયેલા પાપડ જેવા થઈ જઈએ છીએ.

જોકે વરસાદના નસીબ પણ સત્તા’ધારી પક્ષ જેવા જ. વધારે વરસે તો પણ ગાળો પડે, માપસરનો પડે તો પણ ગાળો અને ઓછો પડે તો તો ગાળોનો ટોપલો નક્કી જ હોય !

વર્ષા- ઋતુ આવે એટલે આપોઆપ લોકોની યાદશક્તિના કોથળામાંથી કવિ કાલિદાસના  બિલાડા જેવું ‘મેઘદૂત કાવ્ય’ નીકળે અને એનો નાયક – વિરહી પ્રેમી યક્ષ યાદ આવી જાય.મારું હાળું એ તો બહુ જબરો ! પોતાની પ્રિયાને વાદળાઓ જોડે કવિતાઓ – સંદેશા મોકલે. વળી એ બધું ય મફતિયા. ‘રામ રાજ્ય પ્રજા સુખી.’ પણ આજ્કાલના જુવાનિયાઓ બિચારા શું કરે? એમને તો એક માત્ર આધાર ’મોબાઈલ – મેસેજીસ’ જ. કોકટેલ મૂવીના રાપચીક સોંગ ‘તુમ્હી દિન ચઢે,તુમહી દિન ઢલે, તુમ્હી હો બંધુ-સખા તુમ્હી’ની જેમ આજ-કાલના જુવાનિયાઓની લવસ્ટોરીનો મોટા ભાગનો દારોમદાર મોબાઈલના ટોકટાઈમ -મેસેજીસની સ્કીમસ પર જ હોય છે.

ધારો કે, વરસાદમાં મોબાઈલના સીમકાર્ડ જેવી સ્કીમ્સ હોય તો…

જો શહેરના બધા જુવાનિયાઓ એવી પ્રતિજ્ઞા લે કે વરસાદમાં ગમે એટલી રુપાળી – પલળેલી છોકરીઓ સામે મળશે પણ એ લોકો પોતાની એક માત્ર ગર્લફ્રેંડને યાદ કરીને એ રુપનીતરતી યૌવના સામે નજર સુધ્ધાં નહી નાંખે. ‘ભારત મારો દેશ છે અને એકને છોડીને બધીય છોડીઓ મારી બેન’ તો એમને એ માનસિક વફાદારી દાખવ્યાના ઇનામરુપે ‘ફુલ વરસાદ ટાઈમ’ મળશે. હેય ગર્લફ્રેંડ જોડે ભલે ને ભરપૂર ધુબાકા મારે પછી એ ધોધમાર વરસાદમાં(મનોમન આ માનસિક પ્રામાણિકતા દાખવ્યાનું ગુમાન કે અફસોસ ના થવો જોઇએ નહીં તો અડધો વરસાદી ટાઈમ કટ)

છોકરીઓ તો બિચારી જન્મજાત ડાહી.એટલે એમને માટે આવા બધા કોઇ નિયમ – કાયદા નહી. દિવસમાં એકાદ વાર ભગવાનને હાથ જોડીને, થોડી વધારે ઇફેક્ટ લાવવા માથા પર દુપટ્ટો નાંખી દે અને પ્રાર્થના કરીને વિનવી લે તો એમને માટે દાળ-શાકમાં નાંખતી વખતે સમારેલી કોથમીરને નીચોવી નીચોવીને નાંખતા પાણીના જે છાંટા ઉડે એવો ઝરમર ઝરમર વરસાદ ટાઈમ ચાર માસના ચોમાસાની  ફુલ વેલિડીટી સાથે. ઝરમર- ઝરમર પાછળનું ખાસ કારણ છોકરીઓની નાજુક પ્રકૃતિ.‘રીમઝીમ રીમઝીમ, તુમ હમ-હમ તુમ’ જેવી ઝરમરમાં મન મૂકીને ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ટાઈપનું પલળતી વેળા એ નાજુક કન્યાઓને શરદી થવાના ‘ચાંસ’ સાવ ઓછા રહે ને ! વરસાદને પણ સુંદરતા માટે થોડો સોફ્ટ કોર્નર તો હોય જ ને ! આફટર ઓલ એના થકી જ તો કુદરત સુંદર દીસે છે !

ધારો કે દરેક ક્ષેત્રના લોકો માટે અલગ અલગ સ્કીમ હોય તો ?

-સ્પોર્ટસના ખેલાડીઓ માટે

સાનિયા મિર્ઝા લીએન્ડર પેસ જોડે ઓલિમ્પિકમાં રમશે કે નહી એની ‘જળ બિલાડી’ જોડે આગાહી કરાવવી જોઇએ. બિલાડીની ‘હા’ કે  ‘ના’ પર વરસાદની સ્કીમનો આધાર.  પોઝિટીવીટી વધારે હોય તો’ સંપ ત્યાં જંપ’ ની ભાવનાનો આદર કર્યો એના બદલ ‘ગ્રુપમાં અંદરો-અંદર વાતચીત કરવા માટેની સુવિધા ટોટ્લી ફી’ જેવી સગવડીઅણ વરસાદી સ્કીમ આપવી જોઇએ. જેમાં એમના રમવાના સમયે ગ્રાઉંડ એકદમ કોરુકટ મળે અને રમી રહે એટલે એમને ભીંજવી દેતો ભરપૂર વરસાદ પડે.

‘મ્યુઝીક લવર્સ’ માટે

‘ઇન્ડીયન આઈડોલનો પ્રોગ્રામ પ્રેમથી જોતા લોકો માટે ‘હર એક જજને સહન કરવો જરુરી નથી’ વાળી સ્કીમ આપવી જોઇએ. જેના પરિણામરુપે જજ અનુ મલિકની શાયરીઓ બંધ કરાવાય કાં તો પ્રોગ્રામમાંથી  અનુ મલિકને આખે આખો જ બાદ કરાય તો મ્યુઝીક લવર્સનો માથાનો દુ:ખાવો થોડો ઓછો થાય, એમના મગજ ઓછા તપે અને એને ઠંડા રાખવા પાણીની બહુ જરુર ના પડે. એ વધારાના પાણીનો આવતા વર્ષ માટે સ્ટોક કરી શકાય .

પરદેશ ‘કેવી રીતે જઇશ’ વિચારનારા માટે

આપણે ત્યાં આમે ય ‘પશ્ચિમી વાયરા’નું જોર જરા વધારે . એના રંગે રંગાઈને પરદેશ સેટલ થવાના પ્લાન કરનારાઓ એ અંગરેજીમાં ગટર પટર બોલવાનું શીખવાના બદલે ત્યાંની અતિ આવશ્યક અને હાઇજેનિક ટેવ અપનાવીને ટોઈલેટમાં પાણીના બદલે ટીશ્યુપેપર વાપરવાનું ચાલુ કરી દેવું જોઇએ. ટીશ્યુ પેપરનો જથ્થો પૂરતો  ના મળે તો કોકાકોલા,પેપ્સી જેવા પીણા વાપરીને પણ પરદેશ જતા સુધીમાં એ ‘ટોઈલેટી રીતભાત’ તો સંપૂર્ણપણે શીખીને જ જઈશું ની દેશદાઝ દિલમાં રાખવી જોઇએ. એમણે દાખવેલા દેશપ્રેમ બદલ  ‘ફુલ વરસાદ સેવા સ્કીમ’ આપવી જોઇએ. જેટલી દેશસેવા કરી એટલો ફુલ ટોકટાઈમ.નો હીડન ચાર્જીસ.

વૈજ્ઞાનિકો માટે-

વિજ્ઞાનમાં ‘ઇશ્વર’ શબ્દ વાપરયો એ બહુ  ક્રાંતિકારી પગલું કહેવાય. ઇશ્વરીય કણ -’હીગ્ઝ બોઝોન’ની શોધની સફળતાને વધાવવા માટે વૈજ્ઞાનિકોને મોઢું મીઠું કરાવવા જેવી ભાવના સાથે છૂટાછવાયા ઝાપટાઓથી ભીંજવીને અમુક અમુક સમયાંતરે આવતી રહેતી લોભામણી સ્કીમસ જેવી ‘ વરસાદી દિલખુશ સ્કીમ’ આપવી જોઇએ.

આરોગ્યના ચાહકો માટે

પોતાના આરોગ્ય માટે અતિ સાવચેત રહેનારા,દરેક સિઝનમાં બધી આળસ ખંખેરીને પણ કલાકે’ક જોગીંગ–વોકિંગ કરનારા,જમ્યા પછી  ‘કાયમચૂર્ણ’ કે ‘સોડા’ની જરુર ના પડે એ હેતુથી ગમે એટલા થાકેલા હોય કે મોડું થઈ ગયું હો પણ ‘યેન કેન પ્રકારેણન’ સો ડગલા ચાલવાની નિષ્ઠા ધરાવનારા લોકોને ચાલવામાં સરળતા રહે એમની નિષ્ઠાને સલામ કરીને રસ્તો ના તૂટે,પાણી ના ભરાય એવી સંતુલિત ધાર વાળો, રોજ બપોરે એક નિર્ધારીત સમયે પડીને પછી બંધ થઈ જનારા વરસાદની ‘રેઈનકોટ અને છ્ત્રીલેસ સ્કીમ’

સામાજીક સંબંધના મમતાળુ જીવ માટે

સામાજીક સંબંધોને જીવથી પણ અદકેરા માનનારા ભોળા –માસૂમ લોકોને વ્યવહાર સાચવવામાં વચ્ચે ના આવે એના માટે એક નવા પ્રકારની સ્કીમ.. ’સીધીને સટ સ્કીમ’ ‘પૂછ કે બતાતા હુ વાળી’ મીંઢી વાતો નહી. વરસાદ ગમે ત્યારે પડે પણ પાણી ના ભરાય. આકાશમાંથી સીધો ખેતરો,કુવા, નદીઓ જ્યાં સ્ટોરેજ કરવાનો હોય સીધો ત્યાં જ ખાબકે.હંસાના પ્રફુલની જેમ જ..’વરસાદ નો વરસાદ અને ચોકખાઈની ચોકખાઈ’ ટેઉ ઉ ઉ…ટે ઉ ઉ ઉ…!

સ્નેહા પટેલ.