પાનાંના પાના ભરીને લખવું અને ખાલી જગ્યાઓ પૂરવાનું ધ્યેય રાખવું એના કરતા થોડું પણ રચનાત્મક (ક્રીએટીવ) લખવું મને વધુ ગમે.
-સ્નેહા પટેલ
પાનાંના પાના ભરીને લખવું અને ખાલી જગ્યાઓ પૂરવાનું ધ્યેય રાખવું એના કરતા થોડું પણ રચનાત્મક (ક્રીએટીવ) લખવું મને વધુ ગમે.
-સ્નેહા પટેલ
ફૂલછબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 29-08-2012 નો લેખ
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
સમજદારીએ આગલા બારણે ગૃહ – પ્રવેશ કર્યો
અને
માસૂમિયત પાછલા બારણેથી સરકી ગઈ…
સુવાસ એકદમ ચૂપ ચાપ બેઠેલો હતો.સામે ટીવીમાં કોઇ અંગ્રેજી ચેનલ ચાલી રહેલી પણ સુવાસનું ધ્યાન એમાં સહેજ પણ નહોતું.અવકાશમાં શૂન્ય નજરે સતત કંઇક શોધ્યા કરતો હતો. હાથમાં પકડેલા કોફીના મગમાંથી વરાળ નીકળી-નીકળીને એના રીમલેસ ચશ્માના કાચ પર ઝાકળબિંદુઓ રચતી જતી હતી.ઝાકળનું સામ્રાજ્ય ચશ્મા પર ધુમ્મસ વધાર્યે જતું હતું. પણ સુવાસના મગજ પર કોઇ બીજાનો જ કાબૂ હતો જે આ બધા કરતા વધુ બળવત્તર હતો.એનો ભૂતકાળ વારંવાર એની તરલ નજર સમક્ષ છ્તો થતો જતો હતો, દિલમાં નાસૂર બનીને વધુ ને વધુ ઊંડે ખૂંપતો જતો હતો. માસૂમ – નિર્દોષ સુવાસ તકલીફોની દુનિયામાં ક્યાંક ખોવાઇ ગયો.
આહ..!
સામે પ્રીતિ-એની ખાસ મિત્ર - સોફા પર બેઠી-બેઠી સુવાસના ચહેરા પર સતત અવર જવર કરતા ભાવ જોયા કરતી હતી.
સુવાસ-.જેની સાથે પોતે એક એક વાત ‘શેયર’ કરતી હતી.કોઇ પણ પ્રોબ્લેમ હોય બેઝિઝ્ક સુવાસ સામે મૂકી શકતી હતી.સુલઝેલા દિમાગનો, સરળ મગજનો અને વિશ્વાસુ એવો સુવાસ એને હંમેશા બરાબર માર્ગદર્શન આપતો હતો.પણ પોતાની તકલીફો પ્રીતિને કદી કહેતો નહતો.
‘સુહાસ, ધીસ ઇઝ ટુ મચ.શું વાત છે?ઘણીવાર હું તને આમ પીડાના મહાસાગરમાં ગોતા લગાવતા, ડૂબી જતાં જોવું છું.પણ તને કંઈ પણ પૂછુ તો ‘કંઈ નથી’ કરીને વાતને ઉડાવી દે છે. શું તને મારી પર વિશ્વાસ નથી? હું તને મારી નાનામાં નાની વાતો કહુ જ છું ને.મને તો તારી પર કેટલો બધો વિશ્વાસ છે.તો તું કેમ આમ ?’
‘પ્રીતિ ,મને તારી પર પૂરો -કદાચ મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે.આવું ના વિચાર પ્લીઝ.’
‘તો કેમ તારું દુ:ખ મારી જોડે વહેંચતો નથી. દુ:ખો વહેંચવાથી ઓછા થઈ જાય છે. ભલે હું તને કંઇ મદદરુપ ના થઇ શકું પણ મને કહીને તારા હૈયાનો ભાર તો હળ્વો થઈ જ જશે ને.’
‘પ્રીતિ, તું અત્યારની જે ભોળીભાળી અને કોઇના પણ પર વિશ્વાસ મૂકી દેનારી નિર્દોષ છોકરી છું ને એવો જ એક સમયે હું પણ હતો. હું પણ મારી વાતો મિત્રો જોડે શેયર કરતો હતો. પણ એ બધામાં બહુ વિશ્વાસઘાતનો સામનો કરવાનો વારો આવેલો. બહુ માર ખાધો છે તારા આ મિત્રએ ત્યારે સમજદારીની દેવી એના પર રીઝી છે. આ બધી પ્રક્રિયામાંથી પસાર થતા થતા હવે હું એવા લેવલે પહોંચી ગયો છું કે મારે મારા દુ:ખ કોઇને કહેવાની કદી જરુર નથી પડતી.થોડા સમયમાં આપોઆપ એની જાતે જ ઠીક થઈ જાય છે.કોઇને તકલીફો કહેતા મારે વારંવાર એ તકલીફોના દોરમાંથી પસાર થવું પડે છે.બધું નજર સામે ફરીથી ભજવાઇ જાય છે.દિલ પર આરી ફરતી હોય એવું ‘ફીલ’ થાય છે જે વધારે પીડાદાયક બની રહે છે.એના કરતા જ્યારે પણ ભૂતકાળની ભૂતાવળ આંખો સામે નાચે ત્યારે શાંતિથી એને જોયા કરું છું.મારા કોઇ જ પ્રકારના પ્રતિભાવ ના મળતા એ એની મેળે જ થાકી હારીને પાછી જતી રહે છે.પહેલાં કરતાં એ ભૂતાવળોની તીવ્રતા ઘટી ગઈ છે.થોડા સમયમાં એ મૂળમાંથી જ નાબૂદ થઈ જશે મને વિશ્વાસ છે. જોકે મનોબળ મજબૂત બનાવવામાં મારામાંથી મારા સ્વભાવના ઘણા બધા અંશો પાછ્ળ છૂટી ગયા છે જે મને તારામાં આબેહૂબ દેખાય છે.મારો વિશ્વાસ ભલે તૂટતો- આખડતો – કચડાતો આવ્યો પણ તું મારામાં વિશ્વાસ મૂકી શકે એવો છું એનો મને ગર્વ થાય છે.મેં બહુ વિશ્વાસઘાત સહન કર્યા છે એની પીડા મને બરાબર ખ્યાલ છે.એટલે જ હું વિશ્વાસનું મહત્વ પૂરેપૂરું સમજુ છું. વિશ્વાસ્ઘાતના ડંખ મારીને એનું ઝેર કોઇને પણ ના આપુ એના માટે સતત સાવધ રહુ છું. જે મને નથી મળ્યું એ લોકોને મારામાંથી સતત મળી રહેનો આ આયામ છે!’
‘અરે પાગલ, મને તારી પર મારી જાત કરતા પણ વધુ વિશ્વાસ છે. પણ તારી આવી હાલતમાં હું તને કશું મદદ નથી કરી શકતી એનો અફસોસ થાય છે.પણ આમ મારી સમક્ષ તારી વાતો બોલતા ..ભૂતકાળના પોપડા ખોલતા તકલીફોના ઘા વધુ કોતરાતા હોય તો વાંધો નહી,રહેવા દે-ચાલશે.પણ તને કયારેય પણ મારી જરુર પડે તો હું કાયમ તારી સાથે છું.તેં તારા સ્વભાવના મૂલ્યવાન એવા લાગણીશીલ પાસા ગુમાવીને મેળવેલી વિશ્વાસુ સમજદારી તારી કિંમતી જણસ છે.’
અને પ્રીતિ એનો હાથ પોતાના હાથમાં લઈને આશ્વાસન આપતી આપતી પંપાળી રહી.
અનબીટેબલ :- All communication problems are because we do not listen to understand, we listen to reply
-સ્નેહા પટેલ
પ્રેમ – તક – સમજણ – સ્વતંત્રતા- વિકાસનો લ.સા.અ એટલે સુખ.
સ્નેહા પટેલ.
ગુજરાત ગાર્ડીઅન > ટેક ઇટ ઇઝી કોલમ > લેખ નં – 6 > 26-08-2012
http://www.gujaratguardian.in/26.08.12/magazine/index.html
‘બીગ બોસ’ એની ‘સિઝન 6’ માટે ધામધૂમથી તૈયારી કરી રહ્યું છે..અશ્લીલ ભાષા, ગાળાગાળી, માનસિક વિકૃતિની સરહદો પાર કરી શકવાની અદભુત ક્ષમતા હોય એવા વાઘ – એનાકોંડાની સામે નવા નવા- ફિલ્મોમાં પગ જમાવવા તનતોડ મહેનત કરી રહેલા હોય,પરાણે નિવૃત્તિ અપાઈ ગઈ હોય, સાવ નવરાધૂપ હોય અને રોયલ રીતે ‘બદનામીનું ભાથું’ વેચી ‘બેલેન્સ’ બનાવવા માંગતા હોય એવા દુષ્કાળ પીડિત -માયકાંગલા પશુધન જેવા કલાકારો(?)ને ખીલે બાંધી દેવાના ! ‘બીગ બોસ’ એટ્લે એક એવો ‘રીઆલીટી(!) શો ‘-જેની આખે આખી સ્ક્રીપ્ટ પહેલેથી જ લખાઇ ગઈ હોય, વિજેતા કોણ એ પણ પહેલેથી જ નકકી થઈ ગયું હોય છતાં આપણા મૂલ્યવાન વોટ થકી જ વિજેતા નક્કી થશેના ભ્રમ સાથે આપણે મનોરંજન(!) માણવાનું.
કોઇપણ સામાન્ય માનવી ના વિચારી શકે એ અમુક સર્જકો (!)વિચારી શકે.એમાં સારા- નરસા જેવા કોઇ ધારાધોરણ ના હોય, હોય તો ફકત છેવાડાના પરિણામોથી પણ ઉપરનું વિચારી શકવાની, યેન-કેન પ્રકારે સતત ચર્ચાસ્પદ રહેવાની તાકાત.આમ હોય તો તમે ચોકક્સ એક સફળ સર્જક થઈ શકો.આ વાતને મહેશભટ્ટે અનેક વાર સાબિત કરી છે. સાથે એ કહેવતને પણ સાબિત કરી કે ‘ગુરુ કરતા ચેલો સવાયો હોય’! ઓશોએ ‘સંભોગ સે સમાધી તક’ લખ્યું ને શિષ્ય ‘સમાધી સે સંભોગ તક’ની અનંત યાત્રા કચકડાની પટ્ટી પર કંડારે છે.
આ વખતે પણ એમણે પોતાના નવા મૂવી ‘જિસ્મ- ટુ’ વખતે આવો જ ધડાકો કર્યો. એ હિરોઈન તરીકે ‘બિગબોસ’ના ઘરમાંથી ભારતીય મૂળની કેનેડીઅન નાગરિક ‘એડલ્ટ મૂવી સ્ટાર’ સની લિયોન નામની ગોરી બલાને લઈ આવ્યા જેનામાં હજુ ‘દર્શનતત્વ ’ બાકી છે અને એ પીરસવા અંદરનો સર્જક(!) તરફડી રહયો છે.
‘દેશી બોટલમાં વિલાયતી શરાબ’ એકવીસમી સદીની બોલિવુડ ફિલ્મ ઇંડસ્ટ્રીને મહાન ભેટ !
શું કહ્યું .. ‘કર્મા ફિલ્મના ડોં. ડેન જેવી થપ્પ્ડની ગૂંજ સંભળાઈ !
ફિલ્મ રિલીઝ થવાના સમયે મહેશ ભટ્ટ ચર્ચાનો પતંગ બને એટલી ભારે દોરીએ ચગાવવા માટે જાતજાતના વિધાનો બહાર પાડીને વાવાઝોડા સર્જે જ રાખે છે. જેમ કે, સની લિયોનને ‘લવ મેકિંગ સીન’ કરતી વખતે શરમ આવે છે. જેમ બધી ‘પીળી ધાતુ’ સોનુ નથી હોતી એમ બધી ‘ગોરીચિટ્ટી ‘ એડલ્ટ ફિલ્મની હીરોઇન બેશરમ નથી હોતી
– પોઝિટીવ થીન્કીંગની જય હો.
ઝીરો સાઈઝની બોલિવુડી હીરોઇન બનવાના મરણતોલ પ્રયત્ન સાથે પૂજા ભટ્ટ પાસેથી હિંદી શીખવાની તાલીમ લઈ રહેલા આ સનીબેન આપણા વિદ્યાબેન (ડર્ટી પિકચરના લાલ સાડીવાળા બેન યાદ આવ્યું ? ‘ઉહલાલા..મૈં એન્ટરટેઈમેન્ટ હું’ ની માળા ઝપી ઝપીને મણકા ઘસી કાઢેલા એ જ) ની એક્ટીંગથી બહુ જ પ્રભાવિત છે.
‘હુસ્ન કે લાખો રંગ, કોન સા રંગ .. દેખ..ઓ..ઓ…ઓ…ગે..?’
સની લિયોન પોતાની જેમ જ અતિચર્ચીત ફિલ્મ નિર્માત્રી એકતાકપૂરને મળવા ગયેલી ત્યારે પોતાના ચાહકોની ભીડથી બચવા એ બેનને આખે આખું શરીર ઢંકાય એવો બુરખો પહેરવાની ફરજ પડેલી.
આટલો બધો સમય કપડાંનો ભાર આ બેને કેમનો સહન કર્યો હશે? ઇશ્વર પણ કેવા કેવા સ્વરૂપે પીડા આપે છે !
આ સનીબેન પરણેલા છે( પુરુષવાંચકો માફ કરે, જાણીજોઇને દિલ દુભાવવાનો કોઇ ઇરાદો નહોતો) અને નોર્મલ સ્ત્રીઓની જેમ જ એને પણ એક ડેનિયલ નામનો વફાદાર પતિ છે. ‘જિસ્મ- 2’ની કહેવાતી સફળતાથી હરખપદુડા થઈને એ લોકો કાયમ માટે ભારતમાં- મુંબઈમાં જ રહેવાનું વિચારે છે.
ભટ્ટ જેવા અન્ય કેમ્પસ માટે આઠેય પ્હોર આનંદના.
મૂવીના શૂટિંગ વખતે પોતાના ચાહકોથી બચવા સની પોતાના પતિની આંગળી પક્ડીને ચાલતી હતી અને ડેનિયલ એ ભારે ભરખમ ભીડમાંથી એનો ‘બોડીગાર્ડ’ બનીને બચાવ કરતો હતો.
ત્રણ કલાકનું *આખુ પિકચર જોઇને બહાર નીકળતી વેળા દર્શકને પાછું વળીને પોસ્ટરની ઝલક જોવા પર પાબંદી !
એક જ પિકચરમાં બાપ -બેટી ભટ્ટે જેને હિંદી અને એક્ટીંગ બરાબર શીખવી દીધી છે એવા સની બેને નક્કી કરી લીધું કે એ હવે ‘પોર્ન ફિલ્મ્સ’ નહી પણ હીરોઈન તરીકેનું સન્માનજનક કામ જ કરશે.
એમ.બી.એ થયેલો વિધ્યાર્થી સાવ દસમા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરે તો કેવું લાગે ?
હજુ તો સનીબેન ‘બોલીને એક્ટીંગ કરવી પડે’ એ દિશામાં પાપા પગલી માંડી રહ્યા છે ત્યાં તો એક સ્ટ્રોંગ હરીફ એની સામે કમર કસીને ઉભી થઈ ગઈ છે. ઈન્ટરનેટ પર પોતાના હોટ વીડીઓ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ચર્ચા-વિવાદોમાં ‘સમરકંદ-બુખારા’ની સમ્રુધ્ધિનેય માત કરી દે એવી પૂનમ પાંડેની એક કરોડની રકમ સાથે’ આઇ એમ 18’ (પ્રેક્ષકોના હવે પુરા ૧૨ વાગવાના નક્કી ) નામની સાઈન કરેલ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.
એક તો ગ્લોબલ વોર્મિંગની તકલીફ છે એમાં આવી તીવ્ર હરિફાઈની ગરમીનો ઉમેરો. ઉફ્ફ..કોઇ પંખો ચાલુ કરો પ્લીઝ…
સનીબેનના એક ઇન્ટરવ્યુ પર નજર નાંખતા ખ્યાલ આવ્યો કે આ તો જીવનની જન્મધુટ્ટી પી- પચાવીને બેઠી છે..
– અભિનેતા અને પોર્ન અભિનેતા વચ્ચે મુખ્ય તફાવત શું હોય છે?
આ તો લોકોની મનની મૂંઝવણો હોય છે બાકી આ બે વચ્ચે કંઈ ખાસ તફાવત નથી હોતો.
સાપેક્ષ સમજ ! તમે સ્થિતીને જે પ્રમાણે જુઓ તે એવી હોય છે બરાબર અડધા ભરેલા ગ્લાસની જેમ.
– પોર્ન સ્ટારની ઈમેજમાંથી બહાર આવી શકીશ?
ના, લોકો મને આ જ ઈમેજમાં જોવાનું પસંદ કરે છે. આ ઈમેજમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ છે.-
હકીકતનો સ્વીકાર કરવાની જબરી જીગર ! સલામ એની ‘ડીમાંડ-સપ્લાયની થીયરી વાળી પાક્કી અર્થશાસ્ત્રી સમજને.
-તને ક્યારેય કાસ્ટિંગ કાઉચ (!)નો અનુભવ થયો છે?
ના, ક્યારેય થયો નથી થયો. હકીકતમાં પોર્ન ઇંડસ્ટ્રીમાં સ્ત્રીઓને પ્રેમ અને આદર આપવામાં આવે છે. બોલિવુડમાં આવું કંઈ થશે તો હું ફિલ્મોની ઓફર નહી સ્વીકારું.
હાયલ્લા, કોણ હસ્યું ! તમને ખ્યાલ નથી કે ‘કમળ હંમેશા કાદવમાં જ ઉગે છે.’
-એડલ્ટ ફિલ્મ્સમાં સીન્સ ભજવતા કોઇ મુશ્કેલી નથી અનુભવાતી ?
ના,ફિલ્મ્સમાં હું મારા પતિ સાથે હોવું એવી સાચી લાગણીથી જ સીન ભજવું છું.
લગ્નજીવનમાં દંપતિમાં અન્યોન્ય સાથે પણ બનાવટી લાગણીઓ આચરણમાં હોય ત્યાં કામને પૂરો ન્યાય આપવાના ચક્કરમાં આવી સો ટચના સોના જેવી વફાદારી ! (પાક્કી અભિનેત્રી )
-બોલિવુડની મસાલા ફિલ્મ કરવા માટે તૈયાર છે?
હા, બોલિવુડની એકદમ મસાલા ફિલ્મમાં કામ કરવા આતુર છું.
વિચારો અને વર્તનમાં કેટલું સામ્ય ! શું જોઇએ છે, જીવન કેમ જીવવું – એની દિશા-વિચારસરણી કેટલી કલીઅર કટ !
તો મિત્રો, ગ્લોબલ ભારતમાં આવા મહાન ‘સની દેવી’ પધારી રહ્યા છે. એના બધાય ભગતોનો વારો આવતો જશે એમ ઉધ્ધાર કરી- કરીને મોક્ષ અપાવતા જશે ! આ દેવીની જીવનસરણી – વિચારો પુસ્તક સ્વરૂપે બહાર પડાય તો પ્રકાશકોના ‘ઇકોતેર કુળ’ તરી જાય એ તો નક્કી.
-સ્નેહા પટેલ
જેટલી લખું
એટલી વણલખી રહી જાય છે.
મારી સમજ, પક્કડની બહાર છે
તું જિંદગી !
-સ્નેહા પટેલ
fulchhab paper > Navrash ni pal column > 22-08-2012 artical
નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.
-મકરંદ મૂસળે
સુનિધિ એક બેંકમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતી હતી. હંમેશા પોતાના કામમાં રત..ઢગલો કામના ખડકલા વચ્ચે પણ એ હંમેશા હસતી ને હસતી જ દેખાય. લોકો એના હસમુખા ચહેરાના શુકન કરીને દિવસની શરુઆત કરે જેથી એમનો દિવસ પણ સરસ અને સુનિધિ જેવો હસતા રમતા વીતે.
ઓફિસમાં નવા જ અપોઈંટ થયેલા જીગરને સુનિધિની અસાધારણ કાર્યક્ષમતા જોઇને બેહદ આશ્રચર્ય થતું. નવો નવો હતો અને નોકરીમાં જલ્દીથી આગળ વધવાની મહેચ્છાઓનો સાગર દિલમા ઉછ્ળતો હતો.. એક દિવસ મસ્કા મારવાના પ્રયત્નરુપે એણે સુનિધિને કહી જ દીધુ,’મેમ તમે સાચે અનોખી સ્ત્રી છો..આટલું બધું કામ…સાથે ઘરની સામાજીક જવાબદારીઓ …સંતાનોના ઉછેરની – ભણતરની જવાબદારી વધારાની…બહુ ‘હેક્ટીક’ શિડ્યુલ હશે કેમ તમારા…?અમારે પુરુષોને તો કમાવા સિવાયની વધારાની જવાબદારી ના હોય..પણ તમારે સ્ત્રીઓને એક સાથે કેટલા કામ..એમ છ્તાં તમે હસતા હસતા એ જવાબદારીઓ નિભાવો છો..સાચે ધન્ય છે તમને..!
સુનિધિ બે પળ એની પાણીદાર આંખોની ધારદાર નજરથી જીગરને તાકી રહી..બે જ પળમાં મન પર કાબૂ રાખીને વળતો જવાબ વાળ્યો,’ જીગર..આમ તો કોઇને મારી પર્સનલ વાતમાં દખલ દેવાનો અધિકાર મેં ક્યારેય નથી આપ્યો..પણ તમે વાત કાઢી જ છે તો કહી દઉં કે તમે માનો છો એવું કંઈ જ નથી..જવાબદારી મારા અને મારા વર – બેય ના માથે છે..એને પણ ધંધાના ટેંશનો હોય,,હરીફાઇમાઁ ટકી રહેવાની મથામણો હોય..મારી અને સંતાનોની આશાઓ પૂરા કરવાના કોડ હોય… પોતાની તબિયતની ચિંતા કર્યા વિના દિવસ રાત એની દોડાદોડ…આ બધું પણ મારા કામ જેટલું જ અઘરું છે…વળી આજના જમાનાના પુરુષો ઘરમાં કોઇ પણ કામ કરતા નાનમ નથી અનુભવતા..એ મને ઘરના- બહારના બધા કામમાં સમય ફાળવીને પૂરતી મદદ કરે છે..પ્રેમથી નિભાવાતી સહિયારી જવાબદારીમાં ક્યારેય થાક ના લાગે..તો મને નથી લાગતું કે હું કંઇ ધાડ મારવા જેવા કામ કરતી હોઉં…તમે પણ મારા વિશે એવા ખોટા ખ્યાલોમાં ના રહેશો.કે કોઇ અફવાઓ ના ફેલાવશો..એકવારમાં વાત સમજી જાઓ તો બેટર છે..પહેલીવાર છે એટલે માફ કર્યા જેને તમે છેલ્લી વાર ગણી લેજો..બાકી જે થાય એની જવાબદારી તમારી પોતાની રહેશે..હવે તમે જઈ શકો છો..’
જીગરના ચહેરા પર પારાવાર નિરાશા ઝળકી ગઈ…સુનિધિની કેબિનમાં બેઠેલી એની સખી રશ્મિ એને વિચિત્ર રીતે નિહાળી રહી..
’સુનિધિ..આમાં ખરેખર આટલા રુડ થવાની જરુર હતી કે..?’
અને હળવા સ્મિત સાથે સુનિધી બોલી: ‘ રશ્મિ..એ મને એ વાતનું આશ્વાસન આપવા માંગતો હતો જેની મારે જરુર જ નહોતી….દરેક સ્ત્રીને પોતાના વખાણ – હમદર્દી બહુ ગમે તો એમ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી શકાશે એવી માંદલી માનસિકતાથી એનું મગજ સડતું હતું અને મને એની ગઁધ આવી ગયેલી..મારા ખ્યાલથી પોતાનું સ્વમાન સાચવવા માટે દરેક સ્ત્રીએ વર્ષો જૂની માનસિકતા બદલવાની જરુરી છે.. પોતાની જાતની દયા ખાવાની કે પુરુષો જેવા કામ કરી એની બરોબરી કરવાના નક્કામા પ્રયાસો છોડીને પોતાની પૂરતી કાર્યક્ષમતા પોતાની જવાબદારીઓને સુપેરે નિભાવવામાં વાપરવી જોઇએ.. દરેક સ્ત્રીએ આ એટીટ્યુડ રાખવો જ જોઇએ તો એ નક્કામી હમદર્દીઓથી બચી જશે..બાકી આવો લાલચુ ‘પુરુષ-પ્રધાન ‘ સમાજ તો તૈયાર જ ઉભો છે સ્ત્રીઓને અબળા, બિચારી, અસુરક્ષિત ગણીને એને ઓર નબળી બનાવવા.પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે સ્ત્રીઓએ પોતે જ પહેલ કરવાની રહે તો ભવિષ્યમાં પુરુષ-સમોવડી જેવા ‘અન્યાયી’ શબ્દો જ નામશેષ થઈ જશે..
અનબીટેબલ : જવાબદારી જવાબદારી હોય છે..એને નિભાવવામાં સ્ત્રી – પુરુષ જેવા ભેદભાવ ના હોય.
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
સ્નેહા પટેલ
મારા કાયમથી અધૂરા સ્વપ્ન
હું તને બહુ જતનથી લાડ લડાવું છું
ઉરમાં સંગોપીને ઉછેરું છું
પળે-પળ અવનવી કલ્પનાઓની રંગપૂરણી કરું છું
નકરી લાગણીઓ ઉમેર્યા જ કરું છું
ઉમેર્યા જ કરું છું.
મને એ વાત બહુ સારી રીતે ખ્યાલમાં છે કે
આ મારું મહામૂલું, લાડકવાયું સપનું
ક્યારેય
પૂર્ણ નથી જ થવાનું !!
-સ્નેહા પટેલ.
Gujarat Guardian > Take it easy column > artical no -4 > 19-8-2012
આજ – કાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલે છે.છેલ્લાં બે અઠ્વાડીઆમાં એક પોસ્ટમાં – બે ફોન પર અને બે જાતે પગે ચાલીને –એમ કુલ પાંચ કંકોત્રીઓ ઘરમાં આવી.
બધું એટલું ઉપરા-ઉપરી થઈ ગયું કે મારા જેવી ‘નબળી યાદશકિત’ની સ્વામીનીને ડચકા ખાતા મારા મગજના કોમ્પ્યુટરમાં એકસામટો આટલો ‘ડેટા’ સ્ટોર કરવો અઘરો થઈ પડ્યો. છેલ્લે દર વખતે મારો સાથ આપતી મારી પેન અને કાગળ લઈને બધું લખવા બેઠી..
આ રુપેરી મોર અને કેરીની ડિઝાઈનવાળી કંકોત્રી રમેશભાઈની દીકરીના લગ્નની છે.એમાં ‘ગ્રહ-શાંતિ’ અને ‘લગ્ન’ એ બે પ્રસંગોમાં હાજરી આપવાની છે.બીજી મરુન રંગની કંકોત્રી છે એ સુહાસિની – મારી ખાસ બહેનપણીના દીકરાના લગ્ન છે એની.એનામાં વીંટી પહેરાવવાની,કેક કાપવાની,સંગીત સંધ્યા,રીસેપ્શન વગેરેમાં હાજરી આપવાની છે.ફોન પર વરજીના ‘બિઝનેસ રીલેશન’ની અને દીકરાના ફ્રેંડની મોટી બહેનના લગ્નના નિમંત્રણ હતા. બેય તારીખો અને જગ્યા નોંધી.છેલ્લે પોસ્ટવાળી કંકોત્રી જોઇ તો એની અને મારી સખીના દીકરાના લગ્નની તારીખ એક જ હતી.એટલે એનામાં જવાનું તો પોસીબલ જ નહોતું.
આટલું લખતા લખતા તો મગજ ગોળ ગોળ ફરી ગયું. એસી થોડું ફાસ્ટ કરીને મગજને હળ્વું કરવાનો ‘ફૂલ ટુ’ પ્રયત્ન કર્યો. આ લોકો પરણે એમાં આપણને પરસેવો નીકળી જાય ! દીકરાની સ્કુલ,વરજીના અને મારા ‘ટાઈટ મ ટાઈટ શિડ્યુલ’ એમાં આ બધી તારીખો અને સમય એડજ્સ્ટ્ કરતાં કરતાં નાકેથી વધીને કપાળ સુધી દમ આવી જવાનો હતો.એમાંય એક લગ્ન તો રાજકોટ.એટલે ના છૂટકે એક આખો દિવસ એના નામે કરવો પડે.દલા તરવાડીની માફ્ક બે ચાર રીંગણાની જેમ બે ચાર કલાક એને ફાળવ્યે નહી ચાલે!
આટલા બધા સામાજીક વ્યવહારો કેમના નિભાવાશે ? ’કોને રાષ્ટ્રપતિ બનાવવા કે પાંચસોની નોટ પર કોનો ફોટો છાપવો’ આ બધી મહત્વની પંચાતો કરતી મારી જીંદગીમાં અચાનક ‘સ્પીડબ્રેકર’ આવી ગયું, બીપી હાઈ થવા લાગ્યું..
આપણા સમાજમાં આ વ્યવહારો સાચવાવાની એક સંસ્થા ખોલવી જોઇએ. મારા વતી જઈને આટલો વ્યવહાર સાચવી આવજો,મારા વતી હાજરી પૂરાવી આવજો.લાઈફ કેટલી સરળ અને સુંદર ! વ્યવહાર પણ સચવાઈ જાય અને આપણી આળસ પણ ! પણ મારા કમનસીબે હ્જુ સુધી એવો ‘ધાંસુ’ આઈડીઆ કોઇને આવ્યો નથી એટલે નાછૂટકે મારા વ્યવહારો મારે જાતે જ પતાવવા પડશે..!
ફક્ત સાત દિવસ અને આઠ પ્રસંગ નીપટાવવાના !કઈ સ્પીડે વ્યવહાર પતાવવાના એનું બરાબર પ્લાનીંગ થઈ ગયું. શરુઆતના બે-ત્રણ પ્રસંગો સુધી તો વાંધો ના આવ્યો.પણ ધીમે ધીમે મારામાંનો ‘આળસુ – અસામાજીક જીવડો’ એના રંગ દેખાડવા લાગ્યો..
વરજીના ધંધાને લગતું લગ્ન હતું એટલે એક ચાંસ લઈ લીધો.
‘રાજકોટ તો નહી જવાય,આખો દિવસ મારાથી ના નીકળે.’
મારી બધીય ચાલ એ સમજતા હતા પણ નાદાન – ભલા ભોળા પતિદેવની જેમ મારી ‘હા માં હા’ મિલાવી.
‘હા,બરાબર.તું કેમની પહોંચી વળીશ.ચાલશે એ તો હું એકલો જઈ આવીશ.’
હાશ,તીર બરાબર નિશાના પર લાગેલું. બાકી એકની એક સાડી-દાગીના તરત તો કેમના પહેરાય ? આપણી જોડે નવી નવી ડિઝાઈનની કેટલી સાડીઓ હોય ? વરજીએ મને ‘સાડી-ઘરેણા રીપીટેશન સંકટ’માંથી આબાદ ઉગારી લીધી.મનોમન હળવાશ અનુભવાઈ. રુમમાં એસીનું ટેમ્પરેચર 18 થી 21 સુધી લઈ જવાયું. 3 ડીગ્રી જેટલું સામાજીક ટેંશન ઓછું થઈ ગયું.
બાકીના ચાર પ્રસંગો હજુ ‘ગોવર્ધનપર્વત’ ની જેમ અડીખમ ઉભા હતા.જેને મારા નાજુક શિડ્યુલની છેલ્લી આંગળી પર ઉપાડવા જેવું અતિ મહાન કામ કરવાનું હતું.
એવામાં દૂરના એક સગા મારા ઘરે બે દિવસનું રોકાણ કરવાનું વિચારીને અચાનક ટપકી પડ્યાં.દરવાજો ખોલતાં જ એમના હાથમાં બેગ-બિસ્તરા જોઇને મારા મોતિયા જ મરી ગયા..હ્રદય એક ધડકન ચૂકી ગયું. પ્રેમમાં પડેલાંઓ નક્કામા વહેમ મારે છે કે અમારું દિલ ધડકન ચૂકી જાય છે.બહ્ અદભુત અને નવાઈની ફીલિંગ્સ.એમને મારી જગ્યાએ મૂકો તંઈ ખબર પડે કે અદભુત લાગણીઓ કેવી બિહામણી ભાસે છે.નવરા થઈને એક ધડકન ચૂકાઈ ગયાની કવિતાઓ લખી નાંખે અને અમારે અહીં આંખે અંધારા આવી જાય.કવિતા લખવાનું તો બાજુમાં વાંચવા – સાંભળવાના હોશ કોશ પણ ના રહે.
સંબંધીને ઘરે મૂકીને જઈએ તો પણ તકલીફ અને વગર નિમંત્રણે તો સાથે કેમનું લઈ જવાય ? એક પ્રસંગે પતિદેવે હાજરી પૂરાવી એકલા હાથે સાચવી લીધો.બીજામાં ઉભા ઉભા જઈને હાજરી પૂરાવી દીધી.ત્રીજો પ્રસંગ ઓવરડોઝમાંથી રાહતા મેળવવાના ઇરાદા સાથે મક્કમ મન કરીને છોડી દીધો.છેલ્લા પ્રસંગમાં સંબંધીએ સમજીને વિદાય લેતા અમે સહકુટુંબ જઈ શક્યા.આટલા પ્રસંગો ખાલી હાજરી પૂરાવવામાં જ વીત્યા.ખાસ કંઇ જમી જ નહોતા શક્યા.બધી કસ આજે પૂરી કરીશ એમ વિચારીને થોડા ઉમંગ સાથે તૈયાર થયા.ચાંલ્લાના પૈસા એટલીસ્ટ ક્યાંક તો વસૂલ થવા જોઇએ ને?
નસીબ આડે પાંદડું..અહીં તો મને આખે આખું ઝાડ લાગ્યું.કારણ,મેરેજના હોલ પર જઈને ધ્યાન ગયું કે આ તો જૈન સંબંધી.બધું જ જમવાનું જૈન. ઓહ્હ, પીળું પીળું પાણી જેવી ગ્રેવીવાળું પનીરનું શાક,પાપડ,સલાડ,પૂરી,ફ્લાવર વટાણા બધી સબ્જી ભેગી કરીને કોઇક વિચિત્ર ટેસ્ટ અને કલરનું ‘યુનિક’શાક..(આની રેસીપી કોણે શોધી હશે..હાથમાં આવે તો બે ધોલ ચોડી દેવાનું મન થઈ ગયુ) મહેનત તો બહુ કરાયેલી જમણવારમાં પણ લસણ ડુંગળીના ચટાકા લાગેલ આ જીભ પર હવે બીજો કોઇ સાદો સીધો ટેસ્ટ કેમનો અડે ! વળી પાણી જેવી ગ્રેવીવાળું શાક જેની પણ ડીશમાં હતું એમાંથી ઘણા બધાંના કપડાં પર એના ટપકાં પડેલા દેખાતા હતા.એટલે એ શાકને અડવાનો તો કોઇ સવાલ જ ઊભો નહતો થતો.
એટ્લામાં આમંત્રક સંબંધી સામે આવીને ઊભા.
’બરાબર જમજો હોંકે. તમે આ પનીરનું શાક તો લીધું જ નથી.આખી ડીશ ખાલી છે.કેમ ના ફાવ્યું જમવાનું?”
‘જમવાનું તો એકદમ સરસ છે.પણ મારું પેટ છેલ્લા બે દિવસથી ખરાબ છે.એટલે પનીર ને બધું હેવી પડે રાઈસ અને કઢી જ લઈશ.
‘’ઓહ,ઓકે. જમજો પેટભરીને હોં કે’ અને એ ત્યાંથી ચાલ્યા ગયા.નસીબે પુલાવ પણ સાવ ફીક્કો.કઢીમાં ખબર નહી કયો જાતનો લોટ વપરાયો હતો તે મોઢામાં ચીકણુ ચીકણું લાગતું હતું.જેમ તેમ એ પતાવી છેલ્લે ત્રણ ગ્લાસ છાશના ગટગટાવી ગઈ.છેલ્લ્લો જપ્રસંગ.ધીરજ ધર મનવા..મનને મનાવી-પટાવી,યાદગીરીના ફોટા પડાવી, ચાંદલાનું કવર,શુભેચ્છાઓ પાઠવીને ‘છુટયાં’ના શ્વાસ ફેફસામાં ભરતા હવે છ મહિના કોઇ જ સામાજીક પ્રસંગો અટેંડ કરવાના ના આવેની પ્રાર્થના કરતા કરતા ઘર તરફ રવાના થયા.
http://www.gujaratguardian.in/19.08.12/magazine/index.html
સ્નેહા પટેલ.
છોડ વાવીને મહાન કામ કરતો માનવી એના ઉછેરની જવાબદારી લેવાનું વિસરી જાય છે !
– સ્નેહા પટેલ
જે અનુભવ્યું શબ્દ્શ: આપની સામે –
આજે મારી કામવાળી (થોડા વધારે જ) મૂડમાં હતી. કામની વચ્ચે એની બકબક સાંભળવાની મારી મજબૂરીનો કોઇ પર્યાય નથી.
એણે ફેંકવા માંડી,
‘ મારો દીકરો બહુ પ્રામાણિક. કાલે એની રીક્ષામાં એક બુનનો અછોડો બટકાઈને પડી ગયેલો. એણે તો હાથ પણ ના લગાડ્યો. બોલો’
(શું બોલું ?)
‘હમ્મ્મ..પછી ?’
‘પછી શું, એ બુનનો ફોન આવ્યો મારા ભુરિયા પર :
‘ભુરીયાભાઈ, એ અછોડો મારો છે, હું આવીને લઈ જઊં છું. ત્યાં લગી એને સાચવજો. બીજુ કોઇ આવે તો આપી ના દેતા ‘
‘હે..એ..એ…!! એ બુન આઈમીન બેન જોડે ભુરિયાભાઈનો નંબર ક્યાંથી આવ્યો ?’
બે મીનીટની ગહન ચુપ્પી.
‘અરે, એ તો વાતવાતમાં એણે સાંભળ્યો હશે તે યાદ રહી ગયો હશે. રસ્તામાં પેસેંજરો જોડે વાત કરવાની મારા ભુરિયાને ટેવ ખરી ને !’
‘ઓહ..એમ ..સાચ્ચે તમારો દીકરો બહુ ઇમાનદાર ! ‘
‘થોડા સમય પહેલાં એક ચાંદીના ગણપતિ હીંચકાસાથે ના એક લાલ બોકસમાં રહી ગયેલા..તે એ કોણ એના માલિકને શોધવા જાય હેં.. ? રાખી લીધા અમે ઘરમાં જ. હેયને રોજ મારો જયેશીયો એને ઝુલાવે છે..હવે કોને ખબર કોનું બોકસ હશે..આપણે કોઇને ડાહ્યા થઈને આપી દઈએ અને બીજુ એની ઉઘરાણી કરતું આવે તો આપણે ક્યાં જવાનું હેં બુન..?’
“અહ્હ…હ…હા..હા..બરાબર :-(‘
‘પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં રહ્યો છે કેમ બેન. કૉઈનુ સારુ કરવા જતા આપણે જ ક્યાંક ભરાઈ જઇએ..એના કરતા બહુ ડાહ્યુય નહી થવાનું અને વળી આપણે ક્યાં કંઈ ચોરી કરવા ગયેલા હે…આપણા મનમાં ક્યાં કંઈ મેલ છે…? સારું ત્યારે..ચાલો..કામ પતી ગયુ. જઊં..બીજે ઠેકાણે આખું કામ બાકી પડ્યું છે હજુ ‘
તમારી જોડે આવા ખતરનાક અનુભવો થાય છે..થયા હોય તો પ્લીઝ શેર કરો..મારું મગજ ગોળ ગોળ ફરે છે.. આવી ‘ધડમાથા વિનાની વાતો સાંભળવાની શિકાર હું એકલી જ નથી થતી’ વિચારીને થોડી સાંત્વના મળશે.બીજું તો શું ..’
-સ્નેહા પટેલ
પટેલ સુવાસ મેગેઝીન > થોડામાં ઘણું સમજજો કોલમ > ઓગસ્ટ માસનો લેખ -2,
‘આ તમારી પેઢી બહુ જ અણસમજુ. લગ્ન જેવી જીવનભરના સંબંધોની વાતોને પણ તમે રમતમાં લો છો. થોડા તો ગંભીર બનો. જાતે જાતે છોકરાઓ પસંદ કરી લેવાના, ઘરના માટે ‘ઇન્ફોર્મની ફોર્માલીટી’ જ બાકી રાખવાની ! ‘લવ મેરેજ’ના ભૂત કેટલાંને ભરખી જશે શી ખબર !’
‘પણ મમ્મી,અમે જાતે પસંદગી કરીએ એમાં ખોટું શું છે ?’ કૃપાએ મમતાબેનને પૂછ્યું.
‘બેટા, વર્ષોથી જોતી આવી છું.આ ધોળા વાળનો અનુભવ બોલે છે કે,’મોટા ભાગના લવ મેરેજ લગ્ન પછી પ્રેમના બદ્લે છૂટાછેડાનું સર્જન વધારે કરે છે. પણ તમે નવજુવાનીયાઓ અમારું કશું માનો છો જ કયાં ! પોતાની મનમાનીમાં અમૂલ્ય જીંદગીની પત્તર ફાડી કાઢો છો ‘
‘મમ્મી,અમને અમારી પસંદગીની વધુ ખબર પડે. વળી નવેનવ ગ્રહોની દશા જોઇ, કુંડળી મેળવી મેળવીને 28 જેવા ગુણાંકો મેળવવાના, છોકરો-એના ઘરબારની બહારથી પૂરેપૂરી માહિતી ભેગી કરવાની.આ બધા ભગીરથ કર્યો પછી કરાતા કેટલાંય ‘અરેંજ મેરેજ’ની નાવ પણ ડિવોર્સના કિનારે પહોંચી જ જાય છે ને.એના કરતા જ્યારે મન મળ્યા એ જ શુભ ચોઘડિયું અને દિલને સ્પર્શયુ એ જ સાચા ગુણાંકવાળી અમારી પેઢીની માન્યતા શું ખોટી ?‘
મારી આજુબાજુ શ્વસતી મધ્યમવર્ગીય જીંદગીમાંથી દર બે – ચાર દિવસે આવી ‘લવ મેરેજ’ અને ‘અરેંજ મેરેજ’ ની બચાવ – વિરોધની દલીલો અચૂક કાને પડે.
દરેક લગ્નજીવનનો દાયકો તો જુવાનીના-આકર્ષણના નશામાં જ વ્યતીત થાય જ્યાં દિલની દાદાગીરી – લાગણીની જહોજલાલી હોય છે.
લવમેરેજ કરનારાઓને એક-બીજાને પહેલાંથી બરાબર જાણી – સમજી લેવાના ભ્રમ વધારે હોય છે એટલે અન્યોન્ય અપેક્ષાઓ પણ વધારે હોય છે. લગ્નના એક દાયકા પછી દિલ – લાગણીના નશાને બાજુમાં ખસેડીને બુધ્ધિશાળી દિમાગ પોતાનું કામ સંભાળી લેતા જીવનમાં જવાબદારીઓથી લદાયેલો પતિદેવ કે ઘરકામ અને છોકરાઓની પત્ની એકબીજાને તદ્દ્ન આસ્ચ્ર્યજનક રુપમાં જ જોવા મળે છે. ઘણી વાર મનોમન એ લોકો વિચારે કે:
‘ અરે, આને તો જાણે હું સાવ ઓળખતો/ ઓળખતી જ નથી એવું લાગે છે.’
તો સામે પક્ષે અરેંજ મેરેજ કરનારાઓની હાલત પણ આનાથી અલગ નથી હોતી. એમની સામે પણ દાયકા પછીનો સમય આવી જ અચરજ ભરેલ સ્થિતીઓના પટારા લઈને ઉભો હોય છે.
સામેવાળું પાત્ર તમે જાતે શોધેલું છે કે મમ્મી- પપ્પાએ એ વાતો એટલી બધી વાતોનો રત્તીભર ફરક આ બધી ઘટનાઓને નથી પડતો. મેરેજ તો મેરેજ છે. પછી એને ‘લવ’નું શિર્ષક હોય કે ‘અરેંજ’નું. કાગડા બધે કાળા અને બગલા બધે ધોળા ! બેય સ્થિતીમાં કે ગમે તે સ્થિતીમાં સાચું સહજીવન તો લગ્ન પછી જ ચાલુ થાય છે. તમે એકના એક માનવી જોડે ચોવીસ કલાક વીતાવો, જ્યારે મન થાય ત્યારે ‘ઇઝીલી અવેઈલેબલ’ નો શરુઆતમાં મીઠો લાગતો પણ પછી ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’નો ડાયાબિટીસીયો ડોઝ લો અને પછી રોજ રોજ નવીનતાને ઝંખવાની માનવ-સહજ નબળાઈઓના આકર્ષણો વચ્ચે તમારી સો ટચના સોના જેવી વફાદારીના સઢને મક્કમતાથી પકડી રાખો ત્યારે તમારા સહજીવનની નૈયા સુખરુપ ચાલી શકે. બે ય પક્ષની સમજ, અન્યોન્ય પ્રેમ, ધીરજ આ બધી બાબતો પર જ સહજીવનનો પાયો વધારે ટકેલો હોય છે. લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે પછીનો –પણ એ વફાદાર અને ટ્રાંસપરન્ટ હોય તો જ લગ્નજીવન ટકે.
બેજવાબદારીમાંથી જવાબદારીઓથી લદાતા જવાની ઘટનાઓમાં અનુકૂળ –સાનુકૂળ પરિસ્થિતીઓ માનવીના રુપ –રંગ ધરમૂળથી બદલી નાંખે છે.આ જ કારણથી જીંદગીના દરેક તબક્કે તમારો જોડીદાર તમને બદલાયેલો લાગે છે. કાલે તમે એને જેવો માનેલો એ ધારણાઓથી આજે તદ્દ્ન અલગ રીતે વર્તન કરતો પણ જોવા મળે. હકીકતે માનવી સમૂળગો ક્યારેય નથી બદલાતો અમુક અંશે આપણો દ્રષ્ટીકોણ –સમજણ બદલાય છે જેના કારણે સુખદ –દુ:ખદ ઝાટકાઓ અનુભવાતા રહે છે. આવા સંવેદનાશીલ ઝાટકાઓની તીવ્રતા કોઇ સાધનથી નથી માપી શકાતી.
વળી દરેક લગ્નજીવન અલગ અલગ હોય છે. ‘પેલાના લગ્નમાં આમ બન્યું એટલે મારી સાથે પણ આમ જ બનશે’ એવા સમીકરણોની રચના થાય એ પહેલાં જ એને મગજમાંથી સમૂળગી ડીલીટ કરી દેવી જ હિતાવહ છે. ‘કમ્પેરીઝ્ન’ કોઇ પણ લગ્ન-જીવન માટે ઊધઈ જેવું કામ કરે છે.
એ બધા પાસાઓ પર ધ્યાન કેંદિત કરવાના બદલે આપણા પ્રિય પાત્રની નબળાઈઓને સમજો , એ સુધરી શકે તો પ્રેમ અને ધીરજના સીંચન કરીને સમજણનો છોડ વાવવાનો યત્ન કરો અને સમજ્ણ ના જ ઉછરી શકતી હોય તો એની ખોટ આપણી સમજ – ઉદારતાથી પૂરી કરીને એને જેવો છે એવો સ્વીકારી લો. બસ – આ જ છે સુખી લગ્નજીવનનો મંત્ર. પછી એ ‘લવ મેરેજ’ ના રેપરમાં વીંટળાઇને જાતે મેળવેલી ગિફ્ટ હોય કે મા – બાપે શોધીને આપેલ ‘અરેંજમેરેજ’ ના રેપરમાં !
-સ્નેહા પટેલ.
ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી > 12-08-2012 નો લેખ.
ટચ સ્ક્રીન મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતી કરતી મારા ત્રણમાળીઆ ફ્લેટમાંથી નીચે ઉતરતી હતી. લિફટ ચાલુ હતી પણ આજે સીડીઓ ઉતરવાનું મન થયેલું. રોજની આદત હતી એટલે ‘ટપ ટપ ટપાક..’ રીધમમાં દાદર જાતે જ ઉતરાઈ જતા હતા.એકાદ દાદરે થોડો પગ વધારે પછડાય તો કો’કાદમાં ઓછો.ત્યાં તો છેલ્લાં દાદરે એક મોટી તકલીફ એનું વિકરાળ જડબું ફાડીને બેઠી મતલબ કે સૂતેલી હશે એનો તો ખ્યાલ જ ના આવ્યો.ટૂંટીયું વાળીને બેઠેલું એક ધોળિયું કૂતરું ‘પેટ્રોલના ભાવવધારા’ની જેમ અવળચંડાઈ પર ઉતરેલું.સાવ ખૂણામાં છુપાઈ ગયેલું.આપણે તો ‘મોબાઈલ ધ્યાનસ્થ.’ પગ સીધો કૂતરાની પૂંછડી પર.
ખરી તકલીફ તો એ કે એ ટૂંટીયાધારી કૂતરું સાવ જ અભણ નીકળ્યું. એને બિચારાને શું ખબર કે આ દાદરેથી એક મહાન લેખિકા એમના મોબાઈલમાં આજે થનારા સદીના સૌથી મહાન ગ્રહણનો મેસેજ લખતા લખતા દાદર ઉતરી રહ્યાં છે તો એને માન આપવા-એમનો આદર સત્કાર કરવા નીચી મુંડી કરીને એમના રસ્તામાંથી ખસી જવું જોઇએ.એ તો બિચારો નિર્દોષ. એટલે એણે મને કંઇ ખાસ ભાવ આપ્યો નહીં.પોતાની મખમલી પૂંછ્ડી પર પડેલો પગ કોઇ નાજુક નમણી યુવાન સ્ત્રીનો છે કે ભારે ભરખમ કાયા ધરાવતી કોઇ મારવાડણનો જોવાની દરકાર પણ ના કરી ને ક્ષણના ય વિલંબ વિના ટપાક દઈને ઉભું થઈને બચકુ ભરવાના ઇરાદા સાથે મોં ખોલીને મારી તરફ લપક્યું..
શાર્પ છ્ઠી ઇન્દ્રીયના વરદાનના કારણે આપોઆપ જ મારા પગ બાજુમાં રહેલા પિલર તરફ વળ્યાં.મોબાઈલ હાથમાંથી છૂટી ને જમીનદોસ્ત થઈ ગયો. લેખિકા – ફેખિકાનો બધોય નશો પળભરમાં છુઉ ઉ ઉ..આ ‘મોબાઇલ ધ્યાનભંગ’ એ ‘વિશ્વામિત્રના તપોભંગ’ કરતાં પણ વધુ દુ:ખદ. ધીમેથી મેં પિલ્લરની પાછળથી મોં કાઢ્યું. જોયું તો મારો મોબાઈલ સાવ જ છેલ્લી પાટલીએ જઈને બેઠેલો.એની બેટરી નીકળી ગયેલી,કવર ક્યાંય દૂર જઈને પડેલું અને વધેલા ઘટેલા અવશેષો સલમાનખાનની જેમ નંગધડંગ હાલતમાં જમીનદોસ્ત.મારા તાજા ખરીદાયેલા બે વર્ષની તપસ્યા બાદ માંડ મળેલ પ્રિય મોબાઇલની હાલત જોઇને આંખમાં આંસુ આવી ગયા. પેલું કૂતરું પણ અચરજભરી નજરે મને નિહાળી રહ્યું કે હજુ મેં આને કંઈ જ કર્યુ નથી તો આ રડે છે કેમ ?સાવ ડોબી જ છે એ.જોકે એને કેમ કહું કે ડોબી હું નહી ડોબો તો તું છે.આટલા કિંમતી મોબાઈલની પણ સમજ નથી.એવામાં એક પગ ઉંચો કરીને મોબાઈલ ઉપર જ પોતાનું મહત્વનું કામ પતાવી ‘ડોબાપણાની ચરમસીમા’ બતાવી આપી..હવે અરસપરસની આ ‘ડોબા પ્રૂવ’ કરવાની પ્રક્રિયા બાજુમાં ખસેડાઈ ગઈ અને મારા આંસુમાં હવે થોડી ચીતરી ઉમેરાઈ.ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એકદમ જ પીલરની બહાર આવી ગઈ.મારા આ એકદમના આગમનથી કૂતરું પાછું એકદમ એલર્ટ થઈને ‘સાવધાન’ની સ્થિતીમાં આવી ગયું અને પોતાની મખમલી પૂંછ્ડીનું તાજું અપમાન યાદ આવી ગયું..એ મારાથી ‘ડરતું હતું કે મને ડરાવતું હતું’ એની અવઢવમાં હું બે પળ ફસાઈ.
ત્યાં તો એણે એકદમ જ મારી દિશામાં દોટ મૂકી જેનાથી હું શ્યોર થઈ ગઈ કે આ ‘વેરના વળામણા’ કરવાના જબરદસ્ત મૂડમાં છે ’ભાગો’ અને હું પીલરની ગોળ ફરતે ચકકર ચક્કર ભમવા લાગી.મને આમ ગોળ ગોળ ફરતી જોઈને કૂતરું આને ‘ભરતનાટ્યમ કહેવાય કે કથ્થક’ જેવા અસમંજસના ભાવમાં ડઘાઈને મને જોઇ જ રહ્યું.પછી એકદમ જ કાન ટપાટપ કરીને હલાવ્યા અને માથું હલાવીને બધી વિમાસણોનો અંત આણ્યો.વળતી જ પળે ‘યા હોમ’ કરીને મારી પાછળ દોડ્યું.આ દોડાદોડીમાં અચાનક મારી સ્લીપરનો છેડો પાછ્ળથી એના મોઢામાં આવી ગયો જે એણે કચકચાવીને પોતાના મોઢામાં ફસાવી લીધો.
ઉપરવાળાએ મને ફકત મોઢાની આગળની સાઈડ પર જ આંખો આપેલી છે. એથી કૂતરાની આ ‘સ્લીપરપકકડ’ની મને તો જાણ નહોતી. જોકે ઇશ્વરને પોતાની એ ભૂલ પર પસ્તાવો થતાં પાછળથી બીજી બે આંખો જેવા ચશ્માનો આશીર્વાદ વરસાવેલો, પણ એ આશીર્વાદી આંખો પણ મારે આગળની જ બે આંખો પર જ ગોઠવવી પડે એમ હતું. પાછળ આંખો ચોંટાડવાના ચકકરમાં પડું તો ‘ના ઘરની રહું ના ઘાટ’ની મતલબ ના તો આગળ સરખું જોઇ શકું કે ના પાછળ..
માથાની પાછળની બાજુએ આંખો ના આપવાની ભયંકર ભૂલો ઇશ્વર કરે અને પરિણામ આપણા જેવા માસૂમોને ભોગવવાનું આવે.
કૂતરો ચંપલ પર એકહથ્થું શાસન ધરાવતો હોવાથી હું બેલેન્સ ના રાખી શકી.ભલભલાના મગજ ઠેકાણે લાવી દઈને બેલેન્સ કરી શકવાનો ગર્વિલો દાવો ઠોકતી હું આજે પોતે જ બેલેન્સ ગુમાવીને જમીન પર ધડામ.
છેલ્લાં બે વર્ષથી જમણીબાજુની ડહાપણની દાઢ દુઃખતી હતી.ડહાપણની દાઢમાં પોતાનામાં જ ડહાપણ નહોતું એટલે એ આડી અવળી આવતી હતી.ગાલની અંદરની બાજુએ રોજ ઘસરકાં કરતી હતી પણ સીધી રીતે બહાર નહોતી આવતી.હવે એનામાં જ ડહાપણ નહોતું તો એ આપણને શું ડહાપણ આપવાની ધૂળ ને ઢેફાં.
‘દુનિયામાં જાતજાતના તૂત રામ નામ લખ્યાં વગર પણ એમણે જ તરી જાય છે.’
પડી ત્યારે એ દાઢની જગ્યાએ થોડું ખારું ખારું ગરમ ગરમ પ્રવાહી જેવું કંઇક રેલાતું લાગ્યું.બે ઘડી તો મગજ સુન્ન થઈ ગયું. સામે પેલો ધોળિયો મારી સામે એની આંખોમાં વિજયના ભાવ સાથે માત્ર અડધા ફૂટની દૂરી પર જીભ બહાર કાઢીને હાંફતો હાંફતો ઉભો રહી ગયેલો..’પડેલાંને પાટું મારે એ બીજા’ જેવી ઉચ્ચ ભાવના દર્શાવતો હતો. એની એ લપકારા મારતી જીભની બાજુમાં રહેલ મોટો દાંત જોઈને મારા ભેજામાં ટ્યુબલાઈટ થઈ અને અમદાવાદી જીવ ખુશ થઈ ગયો.ઉભા થવાની દરકાર કર્યા વગર એક આંગળી મોઢામાં નાંખીને દાંત ચેક કર્યા. જો દુઃખતી દાઢ જ પડી ગઈ હોય તો એ અવળચંડીને સુધારવાનો ખર્ચો બચી જશે અને પેલી ભારે ભરખમ દવાઓ પણ પેટમાં નહી પધરાવવી પડે.મફતીયા બધું..હાહા..ફાયદો થઈ ગયો આ તો.પણ આ ખુશી મ્રુગજળ જેવી જ નીવડી.પેલી અવળચંડીની બાજુનો દાંત તૂટી ગયેલો અને એ પણ અડધો.તો હવે લટકામાં એનો સમારકામનો ખર્ચો ઉમેરાયો.’બાર સાંધો ને તેર તૂટે’ જેવું ડાહ્યું ડાહ્યું લખતી તો હતી પણ એનો સાચો મતલબ તો આજે જ સમજાણો..
કૂતરું પણ હવે પોતાનો મનોરંજનનો- વેરનો ક્વોટા ખતમ થઈ ગયો હોય એવા ભાવ સાથે ત્યાંથી વિદાય થયું. જીવમાં જીવ આવ્યો થોડી સ્વસ્થતા ધારણ થતાં જ મોબાઈલના વેરવિખેર થયેલા અંગો સમેટ્યાં અને રામ નામ જપતાં જપતાં મોબાઈલ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો.એ તરત ચાલુ થઈ ગયો એટલે એને ડોકટર જોડે નહી લઈ જવો પડેની એક હૈયા ધારણ થઈ. પાર્કિંગમાં પડેલ સ્કુટરના મિરરમાં મોઢું જોયું તો મારા ‘નાજુક નાક’ની હાલત અત્યારની ‘તંદુરસ્ત ઐશ્વર્યા’ જેવી થઈ ગયેલી..પહેલાં નાકને બરફ ઘસવો પડશે નિર્ણય કરીને ઘર તરફ ડગ માંડ્યા.
– સ્નેહા પટેલ.
સુરેશ દલાલ – મારા પ્રિય કવિ. વધારે કંઈ નથી સૂઝતું અત્યારે તો. જય વસાવડાજીની કલમે લખાયેલ એક સુંદર લેખ આપની જોડે શેર કરું છું.
“લાકડા રંગવાથી અગ્નિનો રંગ બદલાતો નથી.”
આ મારું, નહિ સ્વર્ગસ્થ (ખરેખર તો ‘કાવ્યસ્થ’ !) સુરેશ દલાલનું ક્વોટ છે. ક્વોટ નથી, એક લીટીની અનંત કવિતા છે.
અને કેવળ કવિતા નથી. જીવનનું કાતિલ સત્ય છે.
મૃત્યુ.
કાળું. બદબૂદાર. ઠંડું. સખ્ત.
આખા ગુજરાતને રાધા-માધવ-મીરાના કાવ્યના લયમાં પરોવી દેનાર ‘સુરના ઈશ’ અને ‘દિલના લાલ’ એવા સુરેશ દલાલ ( આ શબ્દરમતો પણ એમનું જ તર્પણ છે, જેમના એ મહારથી હતા) જન્માષ્ટમીની જ રાત્રે અચાનક અમારા ભદ્રાયુભાઈના શબ્દોમાં મોરપીંછની રજાઈ ઓઢીને શ્યામને બદલે પોતે, ને એ ય વળી ચિરનિદ્રામાં પોઢી ગયા.
હું તો મધરાતના કૃષ્ણજન્મોત્સવને લીધે જરા વહેલો ચાલવા નીકળ્યો હતો , અને વરસાદ ખેંચાતા મેળા વિનાનું સુનું પડેલું મેદાન ખૂંદતો હતો ત્યાં સૌથી પહેલો મુંબઈથી સંજય છેલનો એસ.એમ.એસ. આવ્યો : સુરેશ દલાલ પાસીઝ અવે. અને એ ચાલી નીકળ્યાના સમાચાર વાંચી, હું સ્થિર થઇ ગયો. પછી તો ગુણવંત શાહના વિદૂષી પુત્રી અમીષાબહેન સાથે જરાક એસએમએસ ચેટ ચાલી. એમણે ય વસવસો પ્રગટ કર્યો જન્માષ્ટમીએ જ કૃષ્ણપ્રેમી કવિના…
View original post 1,185 more words
kheti ni vaat mag. > Mari hayti tari aas-paas-10 > aug. month’s artical
‘આ તને શું ભૂત ભરાયું છે સુગંધી..જીન્સ અને ટી-શર્ટમાં બિન્દાસ રખડતી મારી દીકરી આમ અચાનક સાડી પહેરવાની જીદ્દ કરે છે એ કંઇ સમજાતું નથી..!’
મમ્મી મારી નજીક આવીને મારા કપાળે અને ગળે હાથ મૂકીને શરીરનું ઉષ્ણતામાન ચેક કરવા લાગ્યા..
‘ના આમ તો બધું બરાબર છે..તાવ તો નથી તો આવા લવારા…!’
‘મમ્મી…પ્લીઝ..આમ હેરાન ના કરો..મારે આજે તમારી સૌથી સ્ટાઈલીશ સાડી પહેરવી છે..પેલી ગાજર કલરની જ્યોર્જટ -શિફોન કે ક્રેપ જે મટીરીઅલ કહેવાતું હોય એ સાડી..જેમાં સરસ મજાનું ગોલ્ડન ડાયમંડ અને ટીકીનું વર્ક કરેલું છે ને..એ જ..તમે જ્યારથી એ સાડી લીધી છે ત્યારથી મારા મગજમાં એને એક વાર તો પહેરીશ જ’ એવી ઇચ્છા કાંકરીચાળો કરે છે…તો બસ..આજે તક મળી છે તો હું એ પહેરવા માંગુ છું.. આ તમારી બહુ વિચારવાની ટેવ જ ખરાબ છે..સાવ સીધી સાદી વાતમાં પણ તમને રહસ્યોના ભંડાર દટાયેલા લાગે છે..હવે તમે મને પહેરાવો છો એ સાડી કે હું બીજા કોઇની જોડે પહેરવા જઊં..?’
‘હાય રામ..મારી દીકરી હવે મને ધમકીઓ આપે એવડી મોટ્ટી થઈ ગઈ છે ને કંઇ…’ અને મમ્મીએ એની માછલી જેવા આંખોની પાંપણો પટપટાવીને પહોળી કરીને પોતાનું મસમોટ્ટું આશ્ચર્ય વ્યકત કર્યું.
હવે મારી ધીરજનો અંત આવવા લાગેલો. જોકે મમ્મીની વાત સાવ પાયાવિહોણી તો નહોતી જ..હું એમની સામે હળાહળ જુઠ્ઠું બોલી રહેલી એનો મનોમન સ્વીકાર કરી લીધો..પણ હકીકત તો મમ્મી સમક્ષ કેમની રજુ થાય..?મમ્મીની જોડે બધીય વાતો શેર કરનારી જુવાન છોકરી એના પ્રેમીની એક ‘માસૂમ ઇચ્છા’ની વાત સાવ આમ નિર્લજ્જપણે કેમની કરી શકે..?
આશિર્વાદ…મારા આશુને હું બધાં જ આઊટફીટમાં હું મનમોહક જ લાગતી..સ્કીન ટાઈટ બ્રાન્ડેડ જીન્સ અને સ્પગેટીના લેટેસ્ટ ડિઝાઈનર ટોપના કારણે જ એ મારી તરફ સૌપ્રથમ આકર્ષાયો હતો..ધીમે ધીમે એ આકર્ષણ દોસ્તી અને દોસ્તીમાંથી પ્રેમના પંથ પર ડગ માંડવા લાગ્યું એ અમારા બેયમાંથી કોઇને ખ્યાલ જ આવ્યો..જીન્સ ટીશર્ટ..મીની સ્કર્ટસ, શોર્ટસ..શોર્ટ સ્લીવ્ઝ કે સ્લીવલેસ ટોપ..આ બધાંથી મારા રુપનો દીવાનો થઈ ગયેલો આશુ હમણાંથી ખબર નહીં કેમ..વારંવાર એક જ જીદ્દ લઈને બેઠેલો,
‘સુગંધી..મારે તને એક વાર સાડીમાં જોવી છે.’
‘અરે કેમ એક્દમ સાડી, એ કેટલી બોરિંગ છે એ તો તને ખ્યાલ છે ને ? હું એને કઈ રીતે મેનેજ કરી શકીશ..કેવી બાલિશ માંગણી છે આ તારી આશુ..’
‘જો સુગંધી..તું આ બધા જ કપડામાં ખૂબ જ સુંદર લાગે છે..પણ આ તારા તનને ઢાંકવા કરવા ઉજાગર વધારે કરતાં કપડામાં આજુબાજુ ફરતા દરેકની નજર તારી પર મંડરાયા કરે છે..એમની નજરમાં રહેલા વાસનાના સળવળ કરતાં સાપોલિયા જોઇને મને મનમાં કંઇક કંઇક થઈ જાય છે..મન થાય છે કે જઈને એની આંખો ફોડી કાઢું..પણ એમ તો કેટલાંની આંખો હું ફોડી શકવાનો..એના કરતાં તું જ હવે કપડાંની બાબતમાં થૉડી સુધરને..શરીરને ઢાંકતા કપડામાં પણ તમે સુંદર દેખાઇ જ શકો છો ને..મને તો તું બુરખામાં પણ સુંદર લાગીશ..વળી મારી ભવિષ્યની પત્ની તરીકે મારે તને જોવી છે..તને ખબર છે ઘણી વાર મારા સપનામાં તું સાડી પહેરીને સોળ શણગારમાં સજ્જ થઈને મારી સામે આવે છે..અને હું એકદમ સફાળો થઈને જાગી જાઊં છું.તું ગમે તે કર પણ મને એક વાર સાડી પહેરીને મારી સ્વપ્નાની સુગંધી થઈને મળ.કેમ.ક્યાં..ક્યારે…એ બધું જ તું નક્કી કરજે..’
અને આજે મને એ તક અનાયાસે જ મળી ગયેલી તો એને કેમની જતી કરાય. આ બધી વાતો મમ્મીને કેમની કરાય..! યેન-કેન-પ્રકારેણ..મમ્મીને મનાવ્યાં..એમની સૌથી સ્ટાઇલીશ સાડી એમના વોર્ડરોબમાંથી કઢાવી.
મમ્મી ગજબના રુપાળા હતાં..આ ઊમરે પણ રેગ્યુલર જીમ -યોગા કરી કરીને એમણે એમનું શરીર સૌષ્ઠવ બરાબર સાચવી રાખેલું..આ બધાના કારણે મને મમ્મીના ચોલી-બ્લાઉઝના માપના ફીટીંગમાં કોઇ જ તકલીફ ના પડી.
મમ્મીના ડ્રેસિંગ ટેબલના ત્રણેય કાચમાં જમણી-ડાબી-આગળ-પાછલ ફરી ફરીને એનું ફીટીંગ બરાબર ચેક કર્યું.. ઉપરની બાજુએ બરાબર માપ લઈને બંધાયેલ ફુમતું અને છેક નીચે ચોળીના બટન આ બેની વચ્ચે પડતો અદભુત લંબગોળ શેઈપ પડતો હતો..ફુમતાની નીચે લટકતી દોરીમાં લાલ-લીલા -સફેદ ઝીણાં મણકાંની પતલી નાજુક સેર હતી જે મારી પીઠ પર ગલી પચી કરી કરીને મારા તનમાં જાતજાતનાં સંવેદનો ઉભા કરતી હતી.
મમ્મીએ સાડી પહેરાવવાનું ચાલુ કર્યું..મમ્મી એટલે સાડી પહેરાવવામાં માસ્ટર..આખા ગામની છોકરીઓ એમની જોડે સાડી પહેરવા આવે..એમની આંગળીઓ પર ગોઠવાતી ગોઠવાતી સાડીની પાટલી ક્યારે મારા ખભા પર સેટ થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ના આવ્યો..નાજુક કલાત્મક વર્ક વાળો પલ્લુ સેટ કરતાં કરતાં છેલ્લે એમણે ખભા પર સુંદર મજાનું ડાયમંડનું બ્રોચ લગાવ્યું અને એમના કામની પૂર્ણાહુતિ કરી..
‘જો સુગંધી…મારે બહુ કામ છે..તું આ મારા વોર્ડરોબમાંથી તારે જે જોઇએ એ ઘરેણાં સાચવીને કાઢીને પહેરી લેજે..કોઇ જગ્યાએ કામ પડે તો મને ‘ઇન્ટરકોમ’ પર ફોન કરીને ઉપર બોલાવી લેજે..!”
‘અહા..મારી પ્યારી મમ્મા…અને મેં મમ્મીના ગળામાં હાથ પૂરોવીને એમના ગાલ પર વ્હાલથી એક ચુંબન કરી લીધું..
‘બસ હવે..મસ્કા ના માર..બધી સ્ટાઈલો ખબર છે મને તારી…અને હસતા હસતા મમ્મી ત્યાંથી વિદાય થયા.
હું પણ એ જ તકની રાહ જોતી હતી. રુમમાં એકલા પડતાં જ હળ્વેકથી મમ્મીના બેડરુમનો દરવાનો અંદરથી લોક કર્યો..સાડીનો થોડો ખુલ્લો રાખેલો પલ્લુ જમણેથી ડાબે અને ડાબેથી જમણે લહેરાવવા લાગી.
સુંદર દેખાવું એ મને પણ પસંદ હતું પણ એના માટે લોકો જે મેકઅપ અને ઘરેણાંના થથેડા કરતાં એની મને સખત ચીડ હતી..પણ આજનો દિવસ જ કંઇક અલગ ઉગેલો લાગતો હતો.
‘નેચરલ બ્યુટી’ની હિમાયતી સુગંધી પર આજે સોળ શણગાર સજીને ‘મેનકા’ બનવાની ઇચ્છા હાવી થતી ચાલી. આંખો મારી પણ એમાં દ્રષ્ટિ આશુની હતી..મારી દરેક ક્રિયામાં એક નવો અર્થ ભળતો – છલકતો જતો હતો..ડ્રેસિંગ ટેબલના ‘કોર્નર’ પર પડેલા લાકડાના સુંદર નકશીકામ વાળા ફ્લાવરવાઝમાં કળાત્મકતાથી ગોઠવાયેલા ગુલાબના ફૂલ પર મારાથી અનાયાસે હાથ ફેરવાઈ ગયો..એની નાજુક પાંદડીઓને સ્પર્શતા જ આંખો બંધ થઈ ગઈ..બંધ આંખોમાં ‘મારો આશુ’ છલકાઇ ગયો…મંદમંદ હસતો હતો..અને કંઇક અસ્ફુટ શબ્દોની ધારા એના મુખમાંથી વહેતી હતી..મેં કાન સરવા કર્યા..
‘નાજુક નાજુક ગુલાબી ગુલાબી
આ તો પ્રિયતમા જાણે નમણી રુપાળી..!’
અને મનોમન હું શરમાઈ ગઈ..બંધ આંખોના પોપચા ઓર બોઝિલ થતા ચાલ્યાં…
ક્રમશઃ
સ્નેહા પટેલ.
Image source : http://sareedreams.com/2011/05/bridesmaids-saree-never-looks-good/
ફૂલછાબ દૈનિક પેપર > નવરાશની પળ કોલમ > 8-8-2012 નો લેખ
બહુ ગડ્મથલમાં ના રહે એ જીવ
કે
સઘળાને ખુશ રાખવા શક્ય નથી.
એકવીસ વર્ષનો ખુશમિજાજ – તરવરીયો અજય છેલ્લાં 6 મહિનાથી બહુ અકળાયેલો અકળાયેલો રહેતો હતો. નવી –નવી નોકરી મળેલી..આગળ ઉજ્જ્વળ ભવિષ્ય માટેની બહુ તકો રહેલી હતી. પણ તનતોડ ઇમાનદાર અને પરિણામલક્ષી મહેનત એની સૌપ્રથમ શરત હતી. અજય તંદુરસ્ત અને મહેનતુ યુવાન હતો..બધાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતો હતો. અત્યાર સુધી કોલેજકાળની બિનજવાબદારી વાળા જીવનમાં આ બધા કાર્યો પાછ્ળ એ આરામથી સમય ફાળવી શક્તો હતો પણ હવેની વાત અલગ હતી. હવે એને પોતાના જીવનની કેડી કંડારવાની હતી. એના માટે પોતાની નોકરીને પ્રાથમિકતા આપીને એને પૂરતો સમય આપવો જરુરી થઈ પડતો હતો.
તકલીફ એ હતી કે એનું વિશાળ મિત્રવૃંદ એને આમ વહેંચાઈ ગયેલો જોઇ નહોતું શકતું..કાં તો જોઇને પણ સ્વીકારી નહોતું શકતું. નેટ પર ચેટીંગ..ફોન પર મેસેજીસના રેગ્યુલર રીપ્લાય..દર અઠવાડીએ એક દિવસ મૂવી-ડીનરના ..ગમે ત્યારે ફૂટી નીકળતા લોંગ ડ્રાઈવ-શોપિંગના પ્રોગ્રામો…આ બધામાં કોઇ કોમ્પ્રોમાઈઝ ના જોઇએ..અજય બધું મેનેજ નહતો કરી શક્તો..સમય જ ક્યાં રહેતો હતો..પરિણામે એના દોસ્તો એનાથી ગુસ્સે થવા લાગ્યા…દોસ્તી તોડવા લાગ્યાં..અજય રહ્યો માણસોની વચ્ચે રહેનારો માણસ…બહુ ભોગ આપેલા એણે આ દોસ્તોની દોસ્તી સાચવવા માટે..આજે એ જ લોકો આમ કન્ની કાટી જતા હતા એ સહન નહોતું થતું..પરિસ્થીતી પર પોતાનો કાબૂ ના હોય એવું આજ સુધી કયારેય નહોતું થતું એટલે આ પહેલવહેલી ખાવી પડતી સમયની કારમી થપાટ એનાથી સહન નહોતી થતી.
અજય એના દાદી રુપાબાથી એક્દમ નજીક હતો. રુપાબાની અનુભવી નજરોએ શારડી પેઠે એના અંતરની તકલીફોનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો..અજયે બધી તકલીફો દાદીને કહી સંભળાવી. રુપાબા બે ઘડી તો વિચારમાં પડી ગયા પછી બોલ્યાં, ‘દીકરા મારા..આ કેવી અણસમજ જમાત ભેગી કરી છે તારી આજુબાજુ તેં..આટલા વર્ષોની સંબંધોની આવી મૂડી..! આ તારા મહત્વના વર્ષો છે..અત્યારે જે વાવીશ એ ભવિષ્યમાં ઉગી નીકળશે..એમાં થોડી પણ લાપરવાહી ના વર્તાય નહીં તો આખી જીંદગીનો પાક બગડે બેટા.. આજુબાજુ નિંદામણ તો હોય જ..એક વાત સાંભળ…તારી મજબૂરી સમજી અને એને સ્વીકારી શકે એ જ તારો સાચો મિત્ર…જીવનના દરેક સ્ટેજે તને મિત્રતા નવા નવા અર્થો સાથે સામી મળશે..રોજ તારે સંબંધોના નવા પાઠ ભણવા પડશે..તારા નસીબનું છે એ કોઇ છીનવી નથી શકવાનું એમ જ તારું નથી એ તું ગમે એટલા ધમપછાડા કરીશ તો પણ સાથે નથી રહેવાનું..તો આ બધી નાહકની મથામણો છોડ અને અત્યારે તારી પ્રાથમિકતા તારી નોકરીને આપ..મિત્રો સાથે તારી વાત –મજબૂરી એક્દમ સ્પષ્ટતાથી રજૂ કરી દે…જે સમજે એ ઠીક ના સમજે એ બધા તાળી મિત્રો સમજીને ભૂલી જા…’
એક્ધ્યાનથી એમની સાંભળી રહેલા અજયની આંખમાં આંસુ આવી ગયા…હા દાદી…તમે સાચું કહો છો..સાચા મિત્રો મારી વાત સમજશે જ. અને દાદીના ખોળામાં માથુ મૂકીને સૂઈ ગયો..રુપાબા એના વાંકડીઆ ઝુલ્ફામાં આંગળી પરોવીને એના વાટે એમનો સ્નેહ સીંચતા રહ્યાં.
અનબીટેબલ : The purpose of a relation is not to have someone who can complete you..but to have someone with whom u can share your incompleteness.
સ્નેહા પટેલ
ખોડલધામ સ્મ્રુતિ મેગેઝિન > આચમન કોલમ > ઓગસ્ટ માસનો લેખ
રાહુલ આજે ઓફિસેથી વહેલો આવી ગયેલો. એ પ્રિયા –એની ‘પ્રાણ-પ્રીયા‘ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. હાથમાં ઓર્ચિડના ઓરેંજ કલરના-પ્રિયાના મનપસંદ કલરના ફુલ..મોટું મ્યુઝિકલ ગ્રીટીંગ કાર્ડ અને એક નાની રુપકડી પિંક કલરની ડબી હતી..જેમાં હમણાં જ ડી‘બીયર્સની દુકાનમાંથી ખરીદીને લાવેલ સરસ મજાની હીરાની લેટેસ્ટ ડિઝાઈનની વીંટી હતી.નોકરીના કારણે રાહુલને બહારગામ જવાનું વધારે થતું.જેના કારણે એને પ્રિયા સાથે ગાળવાનો સમય બહુ જ ઓછો મળતો. આજે એક પાર્ટીને મળવાનું કેન્સલ થતાં એને દિલ્હી જવાનો પ્રોગ્રામ રદ થયેલો. એટલે રજાનો મૂડ મમળાવતો મમળાવતો પ્રિયાને ખુશ કરી દેવાના ઈરાદા સાથે જ ઘરે આવેલો..
પણ આ શું? ઘરે આવ્યો તો ઘરે તો મોટું તાળું !
એનો મૂડ એક્દમ જ ‘ઓફ‘ થઈ ગયો.
“આમ કેમ ? હજુ તો મને ઘરેથી નીકળ્યાને માંડ કલાક જ તો થયો છે. વળી પ્રિયાએ કોઈ જ વાત પણ નહોતી કરેલી કે એનો બહાર જવાનો કોઈ પ્રોગ્રામ છે..તો એ અચાનક ક્યાં જતી રહી હશે?”
અકળાતો અકળાતો તાળું ખોલી ઘરમાં પ્રવેશ્યો.
ટાઈની નોટ ઢીલી કરી એ.સી ચાલુ કરીને સોફા પર શરીર લંબાવ્યું..ત્યાં તો પ્રિયાનો સેલ રણક્યો…
‘પ્રિયા અને પોતાનો ફોન આમ રેઢો મૂકીને બહાર નીકળી જાય એ બહુ નવાઈ કહેવાય..બાકી તો ચોવીસ કલાક એ અને એનો ફોન સાથે ને સાથે જ..‘
બબડતા બબડતાં સ્ક્રીન પર જોયું તો ‘દર્શન’ કોઈ અજાણ્યું નામ જ ઝળક્યું.
આ વળી કોણ ? દર્શન નામના કોઈ જ વ્યક્તિને તો એ જાણતો જ નથી કોણ હશે એ ?
એણે ફોન ઉપાડ્યો. હજુ તો એ કંઇ બોલે એ પહેલાં જ સામેથી એક અધીર પૌરુષી અવાજ સંભળાયો..
‘હલો ડીયર..હજુ ઘરે છું ? હું ક્યારનો અહીં ‘રોયલ પ્લાઝા‘માં રાહ જોઉં છુ. કંઈ બોલતી કેમ નથી ..હવે બહુ તડપાવ નહી..ચાલ જલ્દી આવ..”
અને રાહુલ તો એક્દમ ભોંચક્કો થઈ ગયો !!
આ એની પ્રિયાનું અસલી રૂપ..એણે ફોનના ઈન-બોક્સમાં જોયું તો ત્યાં દર્શનના ઢગલોક મેસેજીસ ખડકાયેલા હતા. જે એ બેયના સંબંધોને બહુ સારી રીતે ઊજાગર કરતા હતા..
રાહુલને સમજાયું નહીં કે ક્યાં ખામી રહી ગઈ એના પ્રેમમાં? એ બેય જણે તો લવ-મેરેજ કરેલાં..તો આમ કેમ..?
હવે એ ઘટનાની બહુ ડિટેલ્સમાં ના જઈએ અને મુળ મુદ્દા પર આવીએ તો એમ કહી શકાય કે,
દરેક સ્ત્રી હોય કે પુરુષ, એમની આંખોમાં પોતાની કલ્પનાનું – સ્વપ્નાનું એક અનોખું પાત્ર રમતું જ હોય છે. પોતાની ક્લ્પનાનું ‘સ્વપ્નપાત્ર‘. બહુ જ ઓછા લોકો કદાચ આ લિસ્ટમાંથી બાકાત રહી શકતા હશે. ગમે તેટલા સુખી કપલ હોય પણ એમના દિલમાં હંમેશા એક કોરોધાકોર ખુણો છુપાયેલો રહેતો જ હોય છે.
કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન નથી હોતું. આ એક સર્વસામાન્ય વાત છે. તો સામેવાળાની દરેક જરુરિયાત કોઈ એક જ માનવી કઈ રીતે સંતોષી શકે?
આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને એની ખૂબીઓ જ ખૂબીઓ દેખાય છે. એની કમીઓ સામે આપણે સહેલાઈથી આંખ આડાકાન કરી દેતા હોઈએ છીએ. કારણ ? બીજું કંઈ જ નહી,ફકત પ્રેમ અને પ્રેમ જ. આ પ્રેમ બહુ જ દિવ્ય, પણ સમજશક્તિને થોડી ‘પેરેલાઇઝ્ડ‘ કરી દેતી અનુભૂતિ છે. કારણ ત્યાં ફક્ત અને ફક્ત દિલની વાતોનો રુઆબ હોય છે. એના રાજમાં દિમાગની એક પણ વાત નથી ચાલતી. પ્રેમ સામાન્ય પ્રેમી કે પ્રેમિકાને ‘રતિ‘ અને ‘કામદેવ‘ બનાવી દે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતાનું પાત્ર સર્વોત્તમ જ દેખાતું હોય છે. એ કહે એ જ અને એટલું જ ખાવાનું..એ કહે તેવી જ હેર-સ્ટાઈલ કરાવાની, એને પસંદ હોય એ જ કપડાં કે દાગીના સુધ્ધાં એ કહે એવા જ પહેરવાના !!!
‘જો તુમકો હો પસંદ વો હી બાત કહેંગે ‘
એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પંખીડાઓ,’માંગ માંગ માંગે તે આપુ‘ જેવા મૂડમાં ખોબલે ખોબલા ભરીને વચનોની આપ-લે કરી દેતા હોય છે.
ઓહોહો !!
કેટલી સરસ મજાની અને સુંદર દુનિયા હોય છે એ. કંઈ જ નહી વિચારવાનું..ફકત સામેના પાત્રની સહુલિયત.એની લાગણી, એની પસંદ-નાપસંદ બસ સતત એના એ જ વિચારો મનમાં કોયલ પેઠે ટહુક્યા કરે. વળી સામે પક્ષેથી એ ટહુકારના પડઘા પણ સતત પડઘાતા રહે..બસ એમ થાય કે,
‘જીવન જીવી લીધું.આ ક્ષણે મોત આવી જાય તો પણ કોઈ જ ગમ નથી !‘
કૂણી કૂણી લાગણીઓ હૈયે સતત મહેંક્યા જ કરે. દિવસોના દિવસો પળવારમાં પસાર થઈ જાય અને ખબર પણ ના પડે..પણ જેમ જેમ સમય પસાર થાય એમ મગજમાંથી પ્રેમાસવની અસર ઓ્છી થતી જાય, એટલે સામેવાળા પાત્રની કમીઓ નજરે ચડવા માંડે છે. વાસ્તવિકતાની ધરતી પર પડતાં કદમો હકીકતનું ભાન કરાવવા માંડે છે.
પહેલાં એની કપડાં પહેરવાની સ્ટાઈલ તરફ જે અહોભાવ હોય એ જ હવે જૂનવાણી લાગવા માંડે,,ખટકવા લાગે. ખિલખિલાટ હસતા રમતા તરો-તાજાં ફુલોના ઢગલાં જેવા દંપતિઓ લગ્નના એક દાયકા સુધીમાં તો અપેક્ષાઓ, સતત વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા મુઠ્ઠીઓ વાળીને મુકવી પડતી દોટ અને એ દોટના કારણે વેંઢારવા પડતા માનસિક અને શારીરિક થાકથી ત્રસ્ત થઈને, કાળની ચકકીમાં પિસાઈને ચિમળાઈ જાય છે. એક-બીજા પાછળ ઈચ્છવા છતાં તેઓ સમય ફાળવી શકતા નથી. જવાબદારીઓના પહાડો વધતા ચાલે છે અને આપેલા વચનોનું પોકળપણું છતું થઈ જાય છે.
જોકે કેટલાંક સમજુ અને વિચારશીલ દંપતિઓ સમયાંતરે થોડો સમય ચોરીને પોતાના જીવનસાથી સાથે થોડો સમય ક્યાંક બહારગામ ફરવા ઉપડી જ જાય છે.અગ્નિની સાખે સાત ફેરા ફરેલા અને વચનોની આપ-લે કરેલી એ યાદ કરીને ફરી એક વાક્ય પણ ઉચ્ચારી લે છે કે,
‘ હું તારી સાથે અનહદ ખુશ છું. મને મારું જીવન તારી સાથે વિતાવી રહ્યાનો અનહદ આનંદ છે. મારે તારી જરુર છે ‘
થોડાક કેસમાં એ કામ કરી પણ જાય છે, પણ અમુક કેસમાં ફરી એ જ કાયમી કામોની ઘરેડમાં જીવન ગોઠવાતા માંડતા એ માણેલા ગુલાબી રોમાન્સનો રંગ પાછો ફીકો પડી જાય છે. પીકચરોમાં આવતા રોમાન્ટીક હીરોને જોઈને, કે કોઈ નવલકથાનું મનપસંદ પાત્ર વાંચતા વાંચતા, કાં તો રીયલ લાઈફમાં કોઇ વિજાતીય પાત્ર એમને પૂરે-પૂરા સમજી શકે છે એવી ભ્રામિક લાગણી ઉતપન્ન થતાં એ પાત્રના પ્રેમમાં પડી જાય છે. મનમાં ને મનમાં સતત એ પાત્રની સરખામણી તેઓ પોતાના જીવનસાથી સાથે કરતા થઈ જાય છે. વિચારોના ફણગા ફટ ફટ ફૂટ્યા કરે છે ને એક અફ્સોસ ભરેલો નિસાસો નીકળી જાય છે,
“કાશ, મારું પાત્ર પણ આમ જ વર્તન કરતું હોય તો !! આવા જ કપડાં પહેરતું હોય..આવી જ વાક્છ્ટા ધરાવતું હોય !!”
પછી તો કલ્પનામાં લાગણીના ઘોડાપૂર વહેવા માંડે. દિલના એક ખૂણે સતત એ કાલ્પનિક ‘સ્વપ્ન-પુરુષ‘ કે ‘સ્વપ્ન-સુંદરી‘ એનો અડ્ડો જમાવી જ દે છે. આંખો બંધ કરો તો પણ એ જ પાત્ર એમની સામે આવી જાય છે. ઘણાં પોતાના જીવનસાથીની ઊણપો આવા સ્વપ્નપાત્રોમાંથી સંતોષવાનો પ્રયત્ન કરે છે અને આંખોના દ્વાર ખોલતાં જ પાછા હકીકતની દુનિયામાં સેટ થઈને જીવવા માંડે છે. તો ઘણાં એ વિજાતીય પાત્ર તરફ અદ્મ્ય ખેંચાણ અનુભવે છે. કેટલીક્વાર એ ખેંચાણ ‘પ્રણયસંબંધ‘માં પણ પરિવર્તિત થઈ જાય છે. ત્યારે તેઓ જાતને સતત સમજાવતા – છેતરતા રહેતા હોય કે,
‘હું આને પણ પ્રેમ કરું છું અને મારા જીવનસાથીને પણ. હું એને કોઈ જ દગો કે બેવફાઈ નથી કરવા માંગતો / માંગતી. ઊલ્ટાનું આવી રીતે તો હું થોડો હ્રદયનો ઊભરો અહીં ઠાલવીને, હળવો થઈને, તરોતાજા થઈને મારા જીવનસાથી સમક્ષ જઊ છું, અને એને પણ ખુશ રાખવાના પૂરતા પ્રયત્નો કરીને એને સંતોષ આપવામાં સફળ થાઉ છું.’
પણ એક હકીકતથી તેઓ સતત આંખ આડા કાન કરતા આવે છે કે તમારું સ્વપ્નપાત્ર ભલે ગમે તેટલું સરસ અને તમને સમજનારું હોય, પણ હકીકતે માનવી ફકત એક અને એક જ જણને સાચો પ્રેમ કરી શકે છે. બાકી તો બધું દિલને બહેલાવવાની વાતો જ છે.
‘સ્વપ્ન પાત્રને પ્રિય પાત્ર‘ બનાવવાને બદલે ‘પ્રિય પાત્ર સ્વપ્નપાત્ર બને‘ એનો વ્યાયામ માનવીએ સતત કરવો જ રહ્યો.
હમણાં જ ક્યાંક વાંચ્યું કે કે ,’કેલિફોર્નિઆ યુનિવર્સિટીના ડોકટર જહોન ગોટમેન નામના સંશોધકે ત્રણેક હજાર જેટલા કપલના સહજીવનનો અભ્યાસ કર્યો અને અંતે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જે લગ્ન સંબંધોમાં પુરુષો પત્નીને ઘરના નાના નાના સાફસૂફીના,કરિયાણું લાવી આપવામાં, શાકભાજી સમારી આપવામાં મદદ કરતા હોય છે તો એમના જીવનમાં એક અનોખું જ ‘એટેચમે ન્ટ’ જોવા મળે છે. પતિને પોતાના કામની પૂરતી કદર છે.પોતે ફકત આ ઘરકામના ધસરડાં કરવા જ આ ઘરમાં નથી આવી. આ બધાની સકારાત્મક અસર એમના સહજીવન પર પડે છે.તો સામે પક્ષે પત્નીએ પણ પોતાના પતિદેવની ધંધાની દરેક વાતો રસપૂર્વક સાંભળીને એને સતત પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. સંતાનોની જવાબદારીઓ નિભાવતા-નિભાવતા બેધ્યાનપણે પતિદેવ તરફ તો ક્યાંક ઉપેક્ષા નથી દાખવતીને એ ધ્યાન રાખવું જ ઘટે. જીવનના દરેક તબક્કે એણે પહેલાંની જેમ જ પતિ માટે સાજ-શણગાર કરીને મનમોહક દેખાવાનો, વાણીમાં મીઠાશના , વર્તનમાં ધીરજ-વ્હાલના સભાન પ્રયત્ન કરવા જોઈએ.આ બધું સહજીવન સદાને માટે રસદાયક બનાવે છે.
બેય પક્ષે જો થોડી બાંધ-છોડ અને ધીરજથી જીવાય તો લગ્નજીવન સ્વર્ગ સમાજ બની જાય છે. સ્વપ્નાની ખોખલી દુનિયાનો અંત ક્યારેક તો આવે જ છે, અને જ્યારે એ તૂટે છે ત્યારે માનવી ક્યાંયનો નથી રહેતો.. ઘણીવાર એની હાલત ‘ધોબીકા કુત્તા‘ જેવી થઈ જાય છે..સ્વપ્નપાત્ર પણ હાથતાળી આપી જાય અને પતિ કે પત્ની પણ એ સંબંધોના કારણે વિશ્વાસ-ભંગના આઘાતથી તરછોડી દે છે. એના કરતાં વાસ્તવિકતાને સ્વીકારીને, જીવનમાં થોડું સમજદારીથી કામ લઈને, અપેક્ષાઓમાં થોડી બાંધ-છોડ કરીને, એક બીજાની વાતો અને જરૂરિયાતો સાંભળવા માટે પૂરતો સમય ફાળવીને એક તંદુરસ્ત લગ્નજીવન જીવવું એ વધુ હિતાવહ છે. જો બેયના શોખો અલગ અલગ હોય તો બેય જણ એકબીજાની પસંદ અને મરજી સમજીને એને થોડું પ્રોત્સાહન આપવું જોઈએ. જવાબદારીઓમાંથી ભાગી છૂટવાના પ્રયત્નરુપે
‘તું તારું કરી લે..હું મારું ફોડી લઈશવાળી વૃતિ‘ તો ના જ અપનાવાય ને. એણે કરેલા નાના નાના કાર્યોની પણ કદર કરતા રહેવું જોઈએ..વારેધડી બેય જણે એક-બીજાને સતત એ વાતનો અહેસાસ કરાવતા રહેવું જોઈએ કે,
“તું હજુ પણ એના જીવન માટે સૌથી મહત્વની વ્યક્તિ છે. તારા થકી જ મારું જીવન મહેંકે છે.”
સ્નેહા પટેલ
http://www.gujaratguardian.in/05.08.12/magazine/index.html
ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઇટ ઇઝી કોલમ > 5-8-2012નોલેખ (3)
પહેલાંના વખતમાં છાતી ઠોકીને કહી શકાતું કે હવે ગરમી-ઠંડી ની સિઝન આવશે અને એમાં ગરમી -ઠંડી જ પડશે, હવે વરસાદની ઋતુ આવશે એમાં વરસાદ જ પડશે.પણ આજકાલ ઋતુઓના કોઇ ઠેકાણા નથી.ગમે ત્યારે વરસાદ અને ગમે ત્યારે ગરમી – ઠંડી.ઋતુઓના આ ઘન-ચક્કરમાં રોજ નવી નવી બિમારીઓનો જન્મ થાય છે.એના માઠા પરિણામોની અસર મીઠડા અને નાના ભૂલકાંઓ સૌથી વધારે પ્રમાણમાં ભોગવે છે..
આ વખતે ગરમીના કારણે લોકોને આંખોમાં ખીલ-ગરમી થવી જેવી સમસ્યાનો સામનો કરવાનો આવ્યો.ઘણાંની આંખ ગુસ્સામાં અમથીય લાલ રહેતી હોય પણ આપણે અહીં એવી ‘મગજની ગરમી’ની વાત નથી કરવી.
મારો 12 વર્ષનો દીકરો બહુ ઉત્સાહી.કોઇ પણ નવી બિમારી માર્કેટમાં આવી હોય તો પોતાના પર અજમાવવાનો શોખ. તમે ફેસબુકમાં સ્ટેટસ કે બ્લોગમાં પોસ્ટ મૂક્યા પછી કોઇ જ કોમેંટ્સ કે લાઈક ના મળે તો તમારી હાલત કેવી કફોડી થઈ જાય?બસ અમારે પણ એવું જ સમજી લો ને.પરિણામે ડોકટરોને હજુ તો રોગ વિશે પૂરતી જાણકારી પણ ના હોય અને નવા રોગોની નવી નવી દવાના એક્પ્સ્રીમેંટ માટે એક તાજુ માજુ, મમ્મીના હાથનું હેલ્થી ફૂડ ખાઇ ખાઈને લાલચટ્ટાક થયેલું બોડી મળી રહે..
આ વખતે પણ ગરમીની બિમારીની શરુઆત અમારા ઘરેથી જ કરવામાં આવી.દીકરાને આંખોમાં ખીલ થઈ ગયા.ના ખુલ્લી રાખી શકે ના બંધ કરી શકે.’અશ્વત્થામા હણાયો’ ના અર્ધસત્ય જેવી અધખુલ્લી આંખમાંથી સતત પાણી નીકળ્યા જ કરે.એકાદ દિવસ ટેવ મુજબ ઘરગથ્થુ ઇલાજ કર્યા પછી બહુ રાહ જોવાનું હીતાવહ ના લાગતા હું જઈ પહોંચી આંખના ડોકટર પાસે..
ડોકટરની બપોરની અપોઈંટ્મેંટ માંડ માંડ મળી.બે વાગ્યાની ગરમીમાં ચારમાળીય કોમ્પ્લેક્ષમાં જમણા હાથે દાદરો ચડીને પહેલાં માળે આવેલ ડોકટરનું ડિઝાઈનર ક્લીનીક જોઇને મારી આંખોને ટાઢક વળી..ત્યાં યાદ આવ્યું કે અહીં મારી નહી મારા દીકરાની આંખોની ટાઢક માટે આવેલા અને બેધ્યાનપણે મેં કાચના દરવાજાને અંદરની બાજુ ધક્કો માર્યો.ભોંઠપનો ટોપલો ઢોળાઈ ગયો.દરવાજો અંદર ખૂલતો જ નહતો. તરત જ મેં કોઇ મારી ભૂલ નોટ્ કરે એ પહેલા એને બહારની બાજુ ખેંચ્યો.ચમત્કાર, આ તો બહાર પણ નહતો ખૂલતો.! ત્યાંતો અંદરના ચોરસરુમમાં રીસેપ્શન કાઉંટર પર લાલચટ્ટ્ક પંજાબી પહેરીને બેઠેલી છોકરી તરફ મારું ધ્યાન ગયું.એ અંદરની બાજુથી મને કંઈક ઇશારાઓ કરતી હતી.એના ઇશારાનો મર્મ પકડવામાં હું ગોથા ખાતી હતી ત્યાં તો દીકરો બાજુના દરવાજાને ધક્કો મારીને અંદર પ્રવેશી ગયો અને હું બાઘાની જેમ એને જોઇ રહી..મે પણ ત્વરાથી અંદર પ્રવેશ મેળવી લીધો.
‘એ દરવાજો અંદરથી લોક છે.અમે બેમાંથી એક બાજુનો દરવાજો જ ખુલ્લો રાખીએ છીએ.’રીશેપ્શનીસ્ટ ઉવાચ.
ઓહ, બેદરકારી એમની કે એમણે દરવાજા પર બોર્ડ નહોતું લગાવ્યું.અધૂરામાં પુરું એક બાજુનો દરવાજો ‘શોભાના ગાંઠિયા’ની જેમ અંદરથી બંધ.કોણ જાણે ખોલ – બંધ થવાથી એ વધારે ઘસાઈ જવાનો ના હોય !જે હોય એ,ભૂલ આપણી નહોતી એટલે આપણે ‘બાધાપણાની કાળી ટીલડી’ માથે લાગતા બચી ગઈનો સંતોષ માન્યો.
‘ડોકટર સાહેબ ઓપરેશનમાં છે.બેસો થોડી વાર.’
આપણી પાસે આમે કોઇ ઓપ્શન જ ક્યાં હતું.ચોરસ રુમમાં બેઠા બેઠા બધે નજર ફરવા લાગી.ચોરસ ક્રીમ કલરનું રીસેપ્શન ટેબલ,એની પાછ્ળ એક ઉભુ અને એક આડું ચોરસ ગોઠવ્યું હોય એવી ડિઝાઈનની બ્રાઉન-ડિઝાઈનર ખુરશી. પાછ્ળ ની દિવાલે ચોરસ સીમેંટ શીટ જેવું કંઇક લગાવેલું અને એને ‘રીચ વ્હાઈટ’ કલર મારેલો, જેની પર બ્લેક વુડન ફ્રેમવાળું ચોરસ ઘડિયાળ લટકતું હતું.ઘડિયાળમાં લાકડાનો ચોરસ ડંકો ડાબેથી જમણે અને જમણેથી ડાબે ઝૂલી રહેલો.સીલિંગમાંથી એક ચોરસ ઉખડી ગયેલું એમાંથી પીળા-ભૂરા – લાલ વાયરોના ગૂંચળા લટકી રહેલા.મને લટકતા સાપ હોય એવી ફીલીઁગ થઈ .તરત મેં ત્યાંથી નજર ફેરવી લીધી. તો ત્યાં પણ વુડન ફ્લોરીંગમાં ચોરસ બ્લોક્સથી ડિઝાઈન પાડેલી હતી.પાર્ટીશન દિવાલમાં કાચની ચોરસ ચોરસ લાઈટ જડેલી હતી.એની નીચે ચોરસ સોફા-ચેર હતી ત્યાં બે કોલેજીયન બેઠેલા.એક કાનમાં આઈપોડ ભરાવીને બેઠેલો બીજો બેચેનીથી મેગેઝીનને ગોળ ગોળ વાળીને ‘વણેલા ફાફડા’ જેવું બનાવીને પગના સાથળ પર ધીમે ધીમે પછાડી રહ્યો હતો. સામેની બાજુના સોફામાં મધુબાલા જેવી વાંકડીયા લટ કરેલી છોકરી ટાઈટ જીંસ અને ગુલાબી વિચિત્ર ડિઝાઈનવાળું ટોપ પહેરીને બેઠેલી હતી.બે બે મિનિટે કોઇને મેસેજ કરતી,વળી પાછી આંખો લૂછતી..મોટ્ટા ટેડીબેરવાળું કીચેન જમણા હાથની પહેલા આંગળીમાં ભરાવીને ગોળ ગોળ ફેરવતી.એનાથી બોર થઈ જાય તો એનો પહોળો પહોળો મોબાઈલ ફોન ગોળ ગોળ ફેરવતી.મને એની ચિંતા થઈ ગઈ. આ થોડો વધુ સમય આવી હાલતમાં રહેશે તો ક્યાંક ડીપ્રેશનમાં ગરી જશે.
સમય પસાર થતો હતો.ડોકટરનું ઓપરેશન પતતું જ નહોતું.10 મિનીટ કહી કહીને પેલી ચિબાવલી રીસેપ્શનીસ્ટ બે કલાક્થી હેરાન કરતી હતી.આઇપોડવાળો છોકરો ઉંઘી ગયેલો લાગ્યો.મધુબાલા થોડી થોડી વારે બહાર જતી ને અંદર આવતી. મારી ધીરજ પણ ‘સરકતી જાય હૈ રુખ સે નકાબ’ જેમ હાથતાળી આપતી’કને સરી જતી હતી.દીકરો પણ મોબાઈલમાં ગેમ રમી રમીને થાક્યો.
પેલો કોલેજીયન કંટાળીને ચાલવા લાગ્યો.ત્યાં યાદ આવ્યું કે એનો જોડીદાર તો રહી ગયો એટલે એના માથામાં જોરથી એક ઝાપટ ફટકારતો ગયો.પેલો સફાળો ઉભો થઈને હાથમાંની ફાઈલ લઈને અંદર ડોકટરની કેબિન તરફ ચાલવા લાગ્યો.ત્યાં ધ્યાન ગયું કે દોસ્તાર તો બહાર જઈ રહેલો.એ થોડો કંફ્યુઝ થઈ ગયો કે એણે હવે કઈ બાજુ જવું. છેલ્લે ફાઇનલ ડીસીઝન લઈને ખભે બેગ લટ્કાવીને બહારનો રસ્તો પકડ્યો.મને ય હવે ચોરસ રુમમાં-ચોરસ ફર્નિચરની વચ્ચે ‘ચોરસ-ચોરસ’ ચક્કર આવવા લાગ્યાં.ત્યાં તો રીસેપ્સનીસ્ટ એક માજીનો હાથ પક્ડીને બહાર આવી.મધુબાલા આંખો લૂછ્તી લૂછ્તી એની ખબર પૂછવા લાગી.
‘ઓહ, તો એ એની મમ્મીની આંખના ઓપરેશન માટે આવેલી.’
રીસેપ્શનીસ્ટે અમને અંદર જવા જણાવ્યું. અંદર જઈને મારું મોઢું ખુલ્લુ જ રહી ગયું.ડોકટરનો ફેસ ચોરસ શેઇપનો હતો જેના પર ચોરસ ફ્રેમના ચશ્મા,ચોરસ નાક,બરાબર વચ્ચે પાંથી પાડીને કરેલી ચોરસ હેર સ્ટાઈલ.‘ઓહ,તો ક્લીનીકની ‘ચોરસભૂગોળ’નું આ રહસ્ય હતું !’
દીકરાની આંખોમાં ‘વાઇરલ’ની અસર હતી.બે કલાકની રાહનો બદલો વાળતા એ ‘ચોરસ ડોકટર’ને બે મીનીટ પણ ના લાગી.દવા લઈને રિક્ષામાં બેસતા રિક્ષાવાળાએ પૂછ્યું,
’ક્યાં જવું છે?’
અને મારાથી બેધ્યાનપૂર્વક જવાબ અપાઈ ગયો,’ચોરસ !’
-સ્નેહા પટેલ.
કોઇ વ્યક્તિ પર ભરપૂર વિશ્વાસ મૂકો ત્યારે એણે પણ તમારા વિશ્વાસનો ભંગ ના જ કરવો જોઇએ એવી અપેક્ષા રાખશો તો મોટાભાગે પસ્તાશો.
-સ્નેહા પટેલ.
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?
– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)
‘સૂરજ, આ જોને તારો લંગોટીયો મિત્ર અનુજ કેવું વર્તન કરે છે.
‘કેમ, શું થયું ?’
‘આજે એણે રુમી –એની પત્ની સાથે કેટલી બેશરમીથી ઝગડો કર્યો અને એની પર હાથ પણ ઉપાડ્યો.’
અને સૂરજ બે પળ આઘાત પામી ગયો.
અનુજ – જેની સાથે નાનપણથી લખોટી-પત્તા-ક્રિકેટ રમીને મોટો થયો, પોતાની મમ્મી નોકરી કરતી હતી એટ્લે મોટાભાગનો સમય અનુજના ઘરે જ વીતતો. એના ઘરનું વાતાવરણ એક્દમ શાંત અને સંસ્કારી હતું. પોતાની મમ્મીની વાત એક વાર ના માને પણ અનુજના મમ્મીની એ ક્યારેય ના ટાળી શકે. અનુજ જેટલા જ લાડકોડ એને પણ એ ઘરમાંથી મળેલા. અનુજ પર જે સંસ્કારનો હાથ ફરેલો એ જ હાથ એના પણ માથે ફરેલો.ક્યારેય લડાઈના બેસૂરા રાગે એમના ઘરના સઁગીતમય -પ્રેમાળ વાતવરણની શાંતિને ડહોળી હોય એવું એના ધ્યાનમાં નહોતું આવ્યું. એ ઘરનું ફરજંદ આવું છેલ્લી કક્ષાનું વર્તન કરે એ વાત ગળે ઉતારવી થોડી અઘરી થઈ પડી.
ત્યાં તો રાધા –એની પત્નીએ ફરીથી પોતાની સખી રુમીના અપમાનભંગની તકલીફ સૂરજ સામે મૂકી.
‘સૂરજ, આ યોગ્ય વર્તન કહેવાય ?’
‘જો રાધા,આપણને એ બેયની વચ્ચેની વાતનો કંઈ જ ખ્યાલ નથી..’
‘અરે, વાતમાં કંઇ નહોતું. રુમીથી અનુજની ઓફિસના કોમ્પ્યુટરના ડેટાવાળી ‘પેન ડ્રાઈવ’ આડી અવળી મૂકાઈ ગયેલી. જે સમયસર ના મળતા અનુજને ઓફિસે જવાનું મોડું થયેલું. આજ કાલ એની ઓફિસમાં એના પ્રમોશનની વાત ચાલે છે એટલે હું માની શકું છુ કે એ પોતાની ઇમેજ માટે થોડો વધારે કોંન્શિયસ રહે..પણ એમ તો પેલા દિવસે મેઁ પણ તારું વોલેટ આડુ અવળુ મૂકી દીધેલું તો તારે પણ ઓફિસે જવાનું મોડુ થયેલું જ ને..તારે પણ તારા બોસનો ઠપકો સાંભળવો પડેલો.પણ તેં તો મને એક પણ અક્ષર ગુસ્સાનો નહતો કહ્યો.તમે બેય એક જ સંસ્કારની છ્ત્રછાયા હેઠળ ઉછરેલા.તો પણ બે આટલા અલગ અલગ કેમ મને તો એ નથી સમજાતું !’
‘રાધા, સંસ્કારો ભલે એક હોય પણ અમને જીંદગીમાં સ્થિતીઓ બહુ જ અલગ અલગ મળી છે. હું અને અનુજ એક જ જેવા હતા .લોકો અમને સગા ભાઈ માનવાની ભૂલ કરી બેસતા.અમારા બેયના શોખ,આચાર વિચાર બધું ય એક જ હતું.પણ મારા નસીબમાં આસાનીથી વસ્તુઓ મળી જાય છે જ્યારે એણે દરેક સ્ટેજ પર સંઘર્ષ જ કરવો પડે છે અને એ સંઘર્ષો પછી પણ જોઇતા પરિણામો હાથતાળી આપી જાય છે. તો આવા સમયે એનો પોતાના પર કાબૂ ના રહે એ સ્વાભાવિક છે.હા, પત્ની પર હાથ ના ઉપાડવો જોઇએ એ વાત સાથે સો ટકા એગ્રી.પણ એક વાત છે,હું એની જગ્યાએ ગયા વગર એની તકલીફોનો દરિયો કેટ્લો ઊઁડો છે એ ના સમજી શકું.સતતા તરતા રહેવાની એ ક્સરતમાં એ ક્યાં ક્યાંથી છોલાયો – અથડાયો એ બધી મને ક્યાંથી ખબર પડે..મારા ભાગે તો અનુકૂળ વહેણમાં જ તરવાનું આવ્યું છે.એક જ ઘરમાં – એક જ મા –બાપના હાથ નીચે ઉછરેલા બે બાળકોના વર્તન અલગ અલગ હોય એમાં કોઇ જ નવાઇની વાત નથી.આખરે પરિસ્થિતી મહાન નિયતી છે.એ નચાવે છે.મનુષ્યએ નાચવું પડે છે.હું કાલે અનુજને મળીશ અને બધી વાત સંભાળી લઈશ.એ દિલનો હીરા જેવો માણસ છે મને ખબર છે કે એ રુમીની માફી માંગી જ લેશે.’
સૂરજની વાત પૂરી થાય ત્યાં તો રાધાનો મોબાઈલ રણક્યો.સામે રુમી હતી.
‘રાધા, બધી વાત પતી ગઈ છે.ચિંતા ના કરતી. અનુજે માફી માંગી લીધી છે.એને બેહદ પસ્તાવો છે પોતાની એ હરકત પર.ભવિષ્યમાં આવું કંઇ નહી થાય એની ગેરંટી આપી છે.આમ દિલનો હીરા જેવો છે મારો વર.આ તો પરિસ્થિતીઓ જ કંઇક..’
અને રાધા વિસ્ફારિત નયને મોબાઇલને તાકી રહી.
અનબીટેબલ :- Life never turns the way we want, But we live in the best way we can..