unbeatable – 18


જવાબદારી તો જવાબદારી હોય..એને  નિભાવવામાં સ્ત્રી – પુરુષ જેવા ભેદ ના હોય.

– સ્નેહા પટેલ

પરિવર્તન


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

ફૂલછાબ – નવરાશની પળ – 27-06-2012 નો લેખ

એક પળ માં નિખરવાનું,એક પળ માં વીખરવાનું,

આ ફૂલ જે ખીલ્યું,તે ખીલીને તો ખરવાનું,
હોડી ન હલેસાં હો, ન શઢ હો ન સુકાની હો,
દરિયોય જ દેખાતો ને પાર ઉતારવાનું……..

‘આદિલ’ મન્સૂરી

‘રાહુલની કારને એકસીડન્ટ થયો છે..જલ્દીથી સ્ટર્લીંગ હોસ્પિટલમાં આવી જાઓ ભાભી..’

અને ફોન  મૂકાઈ ગયો.

રુપા બાઘાની માફક પોતાના આઈફોનને તાકી રહી..મગજ બહેર મારી ગયું..એના દીયર રુપેશનો અવાજ હજુ એના કાનમાં પડઘાતો હતો.ત્યાં તો આરોહી એની આઠ વર્ષની દીકરીએ એને ઝંઝોડી…મમ્મા..શું થયું..કેમ આમ ગભરાઈ ગયાં છો..કંઇક તો બોલો..અને એકદમ રડવા લાગી.

આરોહીના રડવાનો અવાજ સાંભળીને રુપાનું મગજ ઠેકાણે આવ્યું અને કપડાં બદલવાની પણ દરકાર કર્યા વગર ગાડી- ઘર ની ચાવી અને ‘ક્લચ’ લઈને ઘરની બહાર નીકળી. ઘર લોક કરીને આરોહીને બાજુમાં રીતુબેનને ત્યાં મૂકીને ટુંકાણમાં વાત પતાવીને ગાડીની તરફ રીતસરની દોટ જ મૂકી.

બે મિનીટમાં તો એ સાલ હોસ્પિટલમાં હતી. રુપેશે બધી ફોર્માલીટી પતાવી દીધેલી અને રાહુલને ઓપરેશન થીયેટરમાં લઈ જવાયો હતો.

ઓફિસેથી આવતા અચાનક સામે આવી ગયેલ ૪ વર્ષના બાળકને બચાવવા જતા રાહુલનો બાજુમાં આવી રહેલી બસની જોડે જોરદાર એક્સીડન્ટ થઈ ગયેલો. હાથ..પગ અને માથામાંથી બ્લીડીંગ થયેલું.

લગભગ ૩એક કલાકના ઓપરેશન પછી ઓપરેશન સંતોષજનકના સમાચાર મળ્યાં પણ અનિવાર્ય સંજોગોમાં રાહુલનો જમણા હાથ કાપવો પડ્યો એનુ દુઃખ પણ જાણવા મળ્યું.

ચોતરફ અજબ સી નિસ્તબ્ધતા વ્યાપી ગઈ..ખુશ થવું કે દુઃખી કંઇ જ સમજાતું નહોતું.

થોડો સમય થયો અને રાહુલ બરાબર રીતે સાજો થઈને ઘરે આવ્યો. શરીરનું એક અગત્યનું અંગ ગુમાવી ચુકેલો એ હકીકત સ્વીકારી લીધેલી.

હાથ વગરના રાહુલને નોકરીએ કોણ રાખે હવે..એક ઓર મોટો ફટકો.

રાહુલની લાઈફ સ્ટાઈલ એકદમ વૈભવી હતી…ગાડી, મોબાઈલ, લેપટોપ, એલઈડી, લેટેસ્ત ફર્નિચર બધાંયના હપ્તા ઉપરાંત ચાર એસી સહિતના તોતિંગ લાઈટબિલો, આરોહીની સ્કુલના કોચીંગ ક્લાસીસના ખર્ચા..શોપિંગ..ઘરઘાટી..રસોઈઓ..અધધ..

મેરેજ પહેલાં રુપા એક કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતી હતી પણ મેરેજ પછી રાહુલની સરસ  મજાની જોબના કારણે એણે એક પ્યોર હાઉસવાઈફ બની રહેવાનું પસંદ કરેલું.

પણ આ હાલતમાં હવે એને જોબ કર્યા વગર છૂટકો જ નહતો.

ઓળખાણોથી એક સારી જોબ તો મળી ગઈ..પણ કામના કલાકો, જવાબદારી, ઘરનું કામ, લિમિટેડ આવક, રાહુલનું ધ્યાન રાખવું..રુપા નીચોવાવા લાગી..લગભગ એક મહિનામાં તો એનું વજન ૬૦ કિલોમાંથી ઘટીને ૫૨ કિલો થઈ ગયું.એની રુપાળા ગોરા ચહેરા પર કાળાશ, વેદનાનું વાદળું કાયમ પથરાયેલું રહેવા માંડ્યું.

એક દિવસ રાહુલ આગળ રડી પડી..રાહુલ નથી પહોંચી વળાતું..શું કરું.?

રાહુલ એનો ડાબો હાથ એના વાળમાં ફેરવતા બોલ્યો..રુપા એશોઆરામની આદતો પડતા અને મહેનતની આદતો છૂટતા ક્યારેય વાર નથી લાગતી. વળી મને તારી પર પૂરતો વિશ્વસ છે કે તું પહોંચી જ વળીશ. મેં પણ એક જોબ માટે વાત કરી છે..જેમાં ઘરે બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું રહેશે. વળી મારો એક મિત્ર કોઇ નકલી હાથ લગાવી શકાય એવી શક્યતા છે એમ પણ કહેતો હતો.એ થઈ જાય પછી હું પહેલાંની જેમ મારા બધા કામ આરામથી કરી શકીશ..હા થોડી સ્પીડ ઓછી થઈ જશે એની ના નહીં..વળી આપણે કયાં સાવ રસ્તા પર આવી ગયા છીએ..સારી બચત પણ છે..એટલા પૂરતો તો ભગવાનનો આભાર માન ડીઅર.. સમય કાઢી લે ધીરજ રાખીને બસ.

અને રુપા હળ્વીફુલ થઈ ગઈ..રાહુલનો પોતાના પર વિશ્વાસ જોઇને પોતાની અંદર એક અનોખી તાકાતનો પવન ફૂંકાતો મહેસૂસ કરી રહી.

અનબીટેબલ ઃ પરિવર્તન હંમેશા શરુઆતના તબક્કે જ અઘરું લાગે છે..પછી એનાથી ટેવાઈ જવાય છે.

મેમરી


આજકાલ આર્ટીકલ લખીને કોમ્પ્યુટરમાં સેવ કરવા કરતાં કયો લેખ કેટ્લો લખાયો..કેટલો બાકી..કોને મોકલ્યો..હવે પછીનો લેખ મોકલવાની તારીખ કઈ..અડધો લખેલો લેખ ક્યાં સેવ કર્યો જેથી એડીટીંગ માટે ફરીથી એ તરત શોધી શકાય..વળી એડીટ કર્યા પછી એ ફરીથી પ્રોપર શિર્ષક સાથે ફરીથી સેવ કરું તો (રી-નેમ) તો પેલો જૂનો ડીલીટ કરી દેવાનો…સાલ્લ્લું..મને તઓ એમ કે કોમ્પ્યુટરની મેમરી સરસ..આપણે કંઇ જ યાદ ના રાખવું પડે..પણ એ ભૂલી જવાયું કે એમાં ડેટા તો મારે જ નાંખવાનો ને..મેન્યુઅલી મેનેજ કરવાનો ને..

એક રીતે મને આનંદ થયો કે હાશ..મારી મેમરી ધાર્યા કરતા ઘણી સરસ છે…અડધા લેખો તો મગજમાં જ આંટા ફેરા કરતા હોય…લખવા બેસું એટલે મારા હુકમને આધીન થઈને પોઈંટ ટુ પોઈંટ લેપટોપના કી -બોર્ડ પર આવીને બિરાજમાન થઈ જાય છે…

આવું તો બહુ બધુ છે મિત્રો…ફરી ક્યારેક શાંતિથી શેર કરીશ તમારી જોડે..:-)

 

વાંચન – હું


વાંચનની બાબતમાં હું સાવ કંગાળ છું એવું સ્વીકારવામાં મને કોઇ જ શરમ કે છોછ નથી અનુભવાતો. મોટ્ટા મોટ્ટા – મહાન લેખકો, ચિંતકો કોઇને મેં આત્મસાત કરવાની હદ સુધી ક્યારેય નથી વાંચ્યા..જે પણ લખાણ ગમે એ વાંચી લઊં પછી ખ્યાલ આવે કે ઓહ..આ તો આમનું લખાણ છે..!

હા..સ્કુલની લાઈબ્રેરીમાંથી દર અઠવાડીએ નિયમીતપણે એક બુક રીન્યુ કરાવવાની..એમ.જે.લાઇબ્રેરીમાં પણ મેમ્બરશીપ..પણ એ બધું તો એક નજરનું વાંચન…એ મુગ્ધાવસ્થાની રોમાન્ટીક – સસ્પેન્સ – થ્રીલર વાર્તાઓથી વધારે કંઈ નહીં..વળી યાદશક્તિ બહુ સરસ…એવું બધું વાંચીને ભૂલી જવાનું..મતલબ એ વાંચન આજની તારીખે લખવા બેસું તો કંઇ જ યાદ ના આવે..હું પાછી કોરી પાટી જેવી જ.. આ બધાની પાછળની મારી આદતોનું એનાલિસીસ મેં ક્યારેય નથી કર્યું..કે અત્યાર સુધી આવી કોઇ જરુર પણ નથી પડી.

અમુક જાણીતા લેખકોના આર્ટીકલ વાંચુ તો પહેલેથી છેલ્લે સુધી એક લેખકે આમ કહ્યું- ને બીજાએ પેલું..આખે આખો લેખ બીજાના મંત્વ્યો અને વિચારોથી જ ભરપૂર..છેલ્લે એ બાજુમાં મૂકતાં મને એમ થાય કે આમા આ લેખક્સાહેબે પોતે શું કહ્યું..? એ શું વિચારે છે એની તો મને કંઇ સમજ જ ના પડે..! જો કે વાંચનની અને એને યાદ રાખી શકવાની અદભુત શક્તિ ધરાવતા હોય એવા લોકોની મને મીઠી ઇર્ષ્યા ચોક્કસ થાય છે એની ના નહીં..

હવે બધા મિત્રો મને પૂછે કે તમે આમને વાંચ્યા છે કે ફલાણાને વાંચ્યા છે..હું ના પાડું તો કહે તો તમે આટલું બધું લખો છો કઈ રીતે.? ત્યારે મને વિચાર આવે કે..હા…મિત્રોનો આ પ્રશ્ન પણ અસ્થાને તો નથી જ..સામે પક્ષે એ પણ હકીકત કે મને મારા વિચારો એક્સપ્રેક્ષ કરવામાં ક્યારેય કોઇ જ તકલીફ નથી પડી. મારા પોતાના વિચારો એટલા બધા છે કે હું બીજા લેખકોનું વાંચુ તો એમાં મિક્સ અપ થઈને ‘રગડો’ થઈ જાય છે…આજની તારીખે પણ હું છાપું કે મેગેઝીન એક સમાચારની અપડેટસ માટે વાંચી લઊં..બાકી આખે આખી બુક એકધારી પતાવવાની હોય તો ચાર પાના વાંચીને જ અટકી પડું છું…પણ મને લખતી વખતે કયારેય મારા ઓછા વાંચનની કમીનો અહેસાસ નથી થતો..એક્ધારું લખી શકું છું..મન થાય ત્યારે થોડું વાંચી લઊં..ને પાછી વિચારોની દુનિયામાંથી લખવા તરફ વળી જઊં છુ..

હા..મને મારી આજુબાજુની દુનિયાને વાંચવી બહુ ગમે છે..એ હું એક્દમ ડીટેઈલ્સમાં ચૂપચાપ વાંચી શકું છું..અને એ બધું જ હંમેશા મારા લખાણમાં છલકતું હોય છે.

–> વાંચવાનું બહુ જ ગમે છે પણ એકધારુ વાંચી શકવાની કેપેસિટી નથી..થોડું વાંચીને બુક મૂકી દઊં છું ..આમ મારી આજુબાજુ મારી બહુ જ મનથી ભેગી કરેલી બુકસના ઢગલા પડ્યા જ રહે છે..થોડા થોડા સમયે થોડું થોડું વાંચી લેવાનું..આમે આખે આખા પુસ્તકનો ડેટા આ મગજમાં સ્ટોર ક્યાં થઈ શકવાનો…!

-સ્નેહા પટેલ

એડજસ્ટમેન્ટ


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > ૨૦-૦૬-૨૦૧૨ નો લેખ

કમીઓ

અમને પણ નડી જાય છે

માણસ છીએ..

રાજુ, શું કરે છે..જલ્દી કરને પ્લીઝ…મોડું થાય છે..મૂવી ચાલુ થઈ જશે ડીઅર.’

‘અરે બાબા..એક મિનીટ..બહુ બહુ તો આગળની બીજી મૂવીઝની જે પ્રોમો બતાવે છે એ જશે..એનાથી સહેજ પણ મોડુ નહી થાય. વિશ્વાસ રાખ.’

‘અરે મને એ જોવાનો બહુ ગમે છે..હું દરેક પિકચર ૧૦ મિનીટ વહેલી પહોંચીને એક પોપકોર્ન હાથમાં લઈને એ સ્ટાર્ટીંગની બીજા પિકચરની એડ જોવું છું..ક્યારેય મિસ નથી કર્યું..’

‘ઓફ્ફોહ..મને એવી ટેવ નથી સ્વીટી…એટલા વહેલાં પહોંચીને ત્યાં જાજમ પર આમથી તેમ ફરતા ફરતા આગળનો શો છૂટે એની રાહ જોયા કરવાની, ત્યાં આપણી જેવા પ્રતીક્ષા કરનારાઓના મોઢા જોઈને સમદુખિયાનો ભાવ વહેંચવાનો…હું ટાઇમ પર પહોંચનારો માણસ..’

‘અરે, પણ તું મારા માટે આટલું ના કરી શકે રાજુ…હું ક્યાં કંઈ વધારે માંગુ છું..તું થોડો વહેલો તૈયાર થઈ શકે એમ છે જ ને..તો વાંધો શું છે..?’

‘લિસન બેબી..મને એવી ટેવ નથી..આમે પરણ્યાં પછી પત્નીએ પતિને થોડા એડજસ્ટ થતાં શીખવું જ પડે..’

અને સ્વીટીનો પારો છટક્યો..એણે પોતાના હાથમાં રહેલી બેય ગુલાબી ગુલાબી ટિકિટના પળભરમાં ચૂરેચૂરા કરી નાંખ્યાં..અને રાજીવ હતપ્રભ થઈને એને જોઈ રહ્યો.

પિકચર તો એની જગ્યાએ રહ્યું..પણ ડિનર બહાર લેવાનો પ્રોગ્રામ હતો એથી ઘરમાં ખાવાનું પણ નહોતું બન્યું..એથી ભૂખ્યાં ભૂખ્યાં બે ય જણ એક બીજાથી પડખું ફેરવીને સામ સામી દિશામાં સૂઇ ગયા.

આ હતી નવા નવા પરણેલા સ્વીટી અને રાજીવની લગ્નના એકાદ મહિના પછીની એક ગરમાગરમ બપોર.

રાજીવ ઓસ્ટ્રેલિયા રહીને ભણેલો..બોમ્બે આવીને તરત મા બાપે પસંદ કરેલી સ્વીટીને એકાદ મુલાકાતમાં પસંદ કરીને તરત પરણી ગયેલો..બેય જણને એકબીજાને સમજવાનો -પારખવાનો કંઇ ખાસ સમય નહતો મળ્યો.

બીજા દિવસની સવારે ‘ગુડ મોર્નિંગ’ના ટહુકા સાથે હાથમાં ચા -નાસ્તાની ટ્રે સાથે ઉભેલા પતિદેવને નિહાળી રહેલી સ્વીટીની ઊંઘરેટી આંખો એકદમ જ આશ્ર્યમાં પહોળી થઈ ગઈ..મોઢું ખુલ્લુ નુ ખુલ્લું રહી ગયું.

રાજીવે એક હાથે ટ્રે સાઈડ ટેબલ પર મૂકીને બીજા હાથે સ્વીટીનું અધખુલું મોઢું બંધ કર્યું.

અને સ્વીટીના સોનેરી અધખુલ્લા વાળમાં હાથ પુરોવીને એના ગાલ પર એક ચુંબન ચોડી દીધું.

‘ચાલ, ચા પીએ હવે..ફટાફટ બ્રશ કરીને આવ’

સ્વીટી મૂંઝવણોની ભરમાર વચ્ચે બ્રશ કરીને પાછી આવી.

‘આ બધું શું છે રાજુ..મને તો એમ કે..’

‘જો સ્વીટી…સવારે વહેલો ઉઠી ગયો તો ચા બનાવવાનું અને તને મનાવવાનું મન થઈ ગયું. થોડુ વિચારતા એવું લાગ્યું કે આપણને બેયને એક બીજાને સમજવાનો સમય જ નથી મળ્યો એનું આ પરિણામ છે. આમ અત્યારથી જ જો નાની નાની બાબતમાં સામસામેના છેડે જઈને ઉભા રહીશું તો આગળ કેમનું નભશે..?’

‘હા રાજુ..હું પણ એવું જ માનું છું..જો કે તેં કાલે મને પત્નીએ પતિને એડજસ્ટ થવાની વાત કરી એનાથી મને બહ્ જ ગુસ્સો આવ્યો..યુ નો..મારા મોમને હું નાનપણથી દરેક બાબતમાં મારા ડેડની વાતોમાં સહેમત થતા જોઇ છે..દરેક વખતે એ એડજસ્ટ કર્યા જ કરે કર્યા જ કરે..અને ડેડ એમની મનમાની..એ વખતથી આ એડજસ્ટમેન્ટ શબ્દ પર મને બહુ ગુસ્સો આવે છે. આપણે એક બીજાને પરણ્યાં એટલે એકબીજાના ગુલામ નથી થઈ જતાં. ‘હું આવો કે હું આવી જ ..તું મને હું જેમ છું એમ જ સ્વીકાર…’ એ બધી વાતોથી ગળે આવી ગઈ છું હું. એકબીજાને સમજો..થોડા તમે એડજસ્ટ થાઓ..થોડું સામે વાળું..બેય જણાએ સહિયારો પ્રયત્ન કરવાનો હોય ..હવે ‘એડજસ્ટમેન્ટ’ના નામે એક જણ વેંઢાર્યા કરે અને બીજું જલ્સા કરે એવો જૂનવાણી જમાનો નથી રહ્યો. જેમ તમે નાનપણથી આદતો પાડીને જીવતા હો એમ સામે વાળાની આદતો પણ હોઈ શકે એને આદર આપો..બેય જણ સમજણની કેડી પર થોડું થોડું  ચાલતા ચાલતા એકબીજાની નજીક આવે તો જ મજા.વળી અમુક ટેવો માનવી ક્યારેય નથી છોડી શક્તો..પણ કોઇ પ્રિયપાત્રનો પ્રેમ એની જલદતા ઓછી તો જરુર કરાવી શકે છે..બસ એક જણ ટેવોની જલદતા ઓ્છી કરે અને બીજો જેટલા અંશે બાકી રહી ગઈ એ ટેવને અપનાવી લે..પરિશ્રમ, લગાવ , કાળજી બે ય પક્ષે જરુરી છે..!’

અને રાજીવ એક ધારી સ્વીટીને જોઈ રહ્યો.

‘શું થયું રાજુ..હું કંઇ વધારે બોલી ગઈ..સોરી ઇફ આઈ હર્ટ યુ’

અને રાજીવ એકદમ અટ્ટહાસ્ય કરતાં બોલ્યો

‘અરે પાગલ, હું વિચારું છું કે તું કેટલી સમજુ છે. તારી બધી વાત સાથે હું દિલથી સહમત છું અને મનોમન મમ્મી પપ્પાનો આભાર માનું છું કે એ મારા માટે આવી છોકરી શોધી લાવ્યા !’

અને સ્વીટી હસતાં હસતાં રાજીવના ખબે માથું ઢાળીને નટખટ સ્માઈલ કરતાં બોલી

‘ઓકે..તો ચા પીને હવે ત્રીજા શોની પિકચરની ટિકિટ લઈ આવજે..’

અનબીટેબલઃ માણસ સુંદર ચહેરા કરતા એના સુંદર માનસથી વધુ શોભે છે.

unbeatable – 16


 

સ્થિતી કે માણસના બદલાવ કરતાં એનો સ્વીકાર વધારે સુખદ અને ચમત્કારીક પરિણામ આપે છે.

સ્નેહા પટેલ

unbeatable – 14


 

ટેન્શન – તકલીફોએ મને હંમેશા વધારે ને વધારે ઘડી છે.
હવે મને એનો નશો ચડે છે..
ભલે પધાર્યા..

સ્નેહા પટેલ

ખુશી- વિશ્વ


 ફૂલછાબ > નવરાશની પળ > ૧૩-૦૬-૨૦૧૨ નો લેખ

વાત એક અર્થઘટનો અનેક થાય છે

વાત એમ જ ચૂંથાઈ જાય છે !

 

કાવ્ય અને ગઝલ એક સુંદર મજાનું કપલ.ગઝલ પ્રમાણમાં થોડી વધારે સેન્સીટીવ સ્ત્રી..એને તો એ ભલી અને એની કલ્પના-સંવેદનો-અનુભૂતિની દુનિયા ભલી.પોતાના બગીચામાં કોઇ છોડને નવી કૂંપળ ફૂટી હોય કે ઘરના આંગણે અનાયાસે મોરની કળા કે ચકલી-ખિસકોલીની રમતો જોવા મળી જાય તો પણ એ ખુશ ખુશ થઈ જાય. એની દુનિયા એકદમ નાની નાની ખુશીઓથી ભરેલી હતી.પૈસા તો એના ‘ખુશી-વિશ્વ’માં જરુરિયાતના લિસ્ટમાં છેક છેલ્લે આવે.

 

કાવ્ય એક નોકરિયાત માણસ.માંડ માંડ ઘરના બે છેડાં અડતાં. ગઝલને એના ઓછા પગાર વિશે કોઇ જ શિકાયત નહોતી..એને મન તો કાવ્ય એને ભરપૂર પ્રેમ કરે છે એ વાત જ સૌથી વધારે મહત્વની હતી..ખાવા-પીવા જેટલો પૈસો મળી રહે એટલે એને સંતોષ.રોજે રોજ મોંઘા દાટ દાગીનાથી લદાઇને ફરવું કે ‘લેટેસ્ટ ડિઝાઈન’ના કપડાંઓની વોર્ડરૉબમાં થપ્પીઓ વધાર્યા કરવાના એને સહેજ પણ અભરખા  નહી. એની આ નાની નાની ખુશીમાંથી સંતોષ મેળવવાની-ક્યારેય બીજી સ્ત્રીઓની જેમ ખોટી ખોટી મોંઘીદાટ માંગણીઓ ના કરવાની ટેવથી કાવ્ય બહુ ખુશ રહેતો..પોતાને દુનિયાનો સૌથી નસીબદાર માણસ સમજતો.

 

ગઝલ જેમ નાની નાની વાતમાં ખુશ  થઈ જતી એમ એને નાની નાની વાતમાં લાગી પણ બહુ આવતું.

 

આજે એને બહાર જવાનો મૂડ હતો.ખાસ કંઇ નહીં..બસ…હાઈ-વે પર આવેલી પાણીપૂરીની લારી પરથી એની ફેવરીટ એવી રગડામાં પાણી-પૂરી ખાધે બહુ સમય થઈ ગયેલો.આજે આઈપીએલની ફાઈનલ મેચ હતી અને કાવ્યને આ રવિવારના દિવસે મળેલી સુવર્ણ તક જવા દેવાની સહેજ પણ  ઇચ્છા નહોતી થતી.

‘કાવ્ય, ચાલ ને..જલ્દી પાછા  આવી જઈશું..’

‘ના..એ પાણીપૂરીવાળાને ત્યાં બહુ લાઈન  હોય છે..એમાં પણ આજે રવિવાર..તું એક કામ કર..મમ્મીને  લઈને જઈ આવને..એમને પણ ખવાશે એ બહાને..એમને પણ બહુ ભાવે છે એની પાણીપૂરી..’

‘કાવ્ય..તારી જોડે બહાર જવાનું મન થયું હોય એમાં મમ્મીજીની જોડે કેમની જઊં….તું આવીશ તો જ જઈશ..નહીં તો નથી જવું રહેવા દે..’

 

પત્યું..મોટી મોટી વાતોમાં સરળતાથી સમાધાન કરી લેનારી ગઝલ આજે પાણીપૂરી જેવી નાની શી  વાત પર જીદ પર અડી ગઈ.

 

કાવ્ય અકળાયો અને મમ્મીના બેડરુમમાં ગયો.

 

‘મમ્મી..આ ગઝલને સમજાવોને.. વાતમાં કંઈ નથી..પણ નાહકની જીદ્દ કરે છે..’

 

મધુરિમાબેને  આખી વાત જાણીને મંદ મંદ હાસ્ય  ફરકાવતા કહ્યું,

 

‘બેટા, સ્ત્રીઓનું તો આવું જ  હોય..એમાં પણ  ગઝલ રહી એકદમ નાજુક સંવેદનશીલ..એ જયારે નાની નાની વાતમાં ખુશ થઈ  જાય  છે…સંતોષ  અનુભવી લે છે…મોટામોટા સમાધાનો કરી લે છે..મોટી મોટી ડિમાન્ડ નથી કરતી તો તને કેવી વ્હાલી લાગે છે..! તો અત્યારે એની આ નાની શી જીદ જે તારા માટે ‘જીદ્દ’ ગણાય પણ એના માટે જીવનચાલક બળ જેવી નાની નાની ખુશીઓના ઇધણ જેવી ‘પ્રેમાળ અપેક્ષા’ છે..જેને અકળાઇને નહી પણ તારે હસી-ખુશીથી નિભાવવી જ જોઇએ. એ તારી ફરજ છે. બેટા હજુ તો બહુ બધા પ્રસંગો આવશે તમારી જીંદગીમાં..ત્યારે  કદાચ  હું ના પણ  હોવું…બને એટલા તમારા પ્રોબ્લેમ્સ તમે અંદરો અંદર જાતે જ સોલ્વ કરી લેતા શીખો અને  એ પણ એકબીજાની ડીગ્નીટી સચવાય એ રીતે.. આપણને પ્રેમ કરનાર વ્યક્તિ માટે કો’ક વાર નમી જવામાં  આપણે નાના ના થઈ જઈએ.. આ બધું તો પ્રેમનું ખાતર છે …નાની નાની વાતોમાં ખુશ થનાર નાની નાની વાતમાં દુઃખી થાય તો વાતના વતેસર કર્યા વગર એની સંવેદનાને સમજીને સમયસર સાચવી લેતાં શીખ તો જીવન સ્વર્ગ છે દીકરા..આમે ય પાણી પછી પાળ બાંધવાનો કોઇ મતલબ નથી રહેતો..’

અને કાવ્ય પલંગની ધારે બેઠો બેઠો વિચારી રહ્યો..પોતે આટલો સમજદાર હોવા છતાં પોતાને આ વાતનો ખ્યાલ કેમ ના આવ્યો. જેને બેહદ પ્રેમ કરે છે એની સાયકોલોજી હજુ કેમ ના સમજી શક્યો…કદાચ..મેં આ વિશે બહુ ધ્યાનથી વિચાર્યુ જ નહીં હોય. જે હોય એ..પણ મમ્મી સાચું જ કહે છે અને ત્યાંથી જ બૂમ પાડીને ગઝલને કહ્યું,

‘ગઝુ..ચાલ જલ્દી કર…તૈયાર થઈ જા આપણે પાણીપુરી ખાવા જઈએ’

અનબીટેબલ – Life can give us numbers of beautiful relations but only true relations can give us beautiful life. – via msg.

સ્વાભિમાન – અભિમાન


સ્મૃતિ ખોડલધામ મેગેઝીન > આચમન કોલમ > જુન-૨૦૧૨

 

સ્વાભિમાન – અભિમાન

માનવી…એની અવઢવ : ‘ શું હું કંઇ જ નથી – ના-ના, હું બધું જ છું…અત્ર-તત્ર -સર્વત્ર. !.મારાથી કંઇ નથી થઈ શકતું શું કરું..  અરે, આ હું કેમ ના કરી શકું !

આ અવઢવમાં હક, અપેક્ષાઓની રંગપૂરણી થાય – ‘મને પણ શાંતિથી જીવવાનો હક છે..માંડ માંડ મળેલું આ માનવજીવન પાણીની જેમ વેડફી તો ના જ નંખાય ને..મારા ઢગલો સપનાઓ, ઇચ્છાઓ, બધાંનો જન્મ એના પૂર્ણત્વને ભેટવાને પૂરા હકદાર છે. દુનિયાની દરેક સારી વસ્તુ માટે હું સૌથી લાયક વ્યક્તિ છું કારણ, દુનિયાના કોઇ પણ માનવીનું મેં ક્શું જ નથી બગાડયું એટલે તેઓ પણ મારું કશું ના જ બગાડી શકે..એમણે મને કશું  આપ્યું નથી તો મારી પાસેથી કંઇ મેળવવાની આશા નક્કામી જ ઠરે..એ જ પ્રમાણે મેં કોઇને જો મદદ કરી છે તો સામે એનો બદલો મેળવવાની (ચક્રવૃધ્ધિ વ્યાજ કોને વ્હાલું ના હોય ) એષણા એ સહેજ પણ અસ્થાને નથી. હું એક જીવતું જાગતું ઉત્સાહથી છલકાતું ઇશ્વરનું સુંદર મજાનું રમણીય – ગમતીલું સંતાન – સર્જન. આ સર્જનના મિજાગરાઓ સફળતાના તેલથી સતત ઉંજાવાની પ્રક્રિયા ચાલવી જ જોઇએ, જેથી મારું જીવન મારી ઇચ્છા મુજબ્ સરળતાથી મનધાર્યા રસ્તે અવિરત ચાલતું રહે. પ્રૂથ્વીના નાનામાં નાના જીવની જેમ જ મારી સ્વતંત્રતા મને અનહદ પ્રિય છે…જીવથી પણ અદકેરી..એના રખોપા માટે હું મારી એડી ચોટીનું જોર લગાવી શકું છું. સ્વતંત્રતા મારો જન્મસિધ્ધ અધિકાર છે. ‘

આ છે માનવીના મગજમાં આખા જીવન દરમ્યાન ચાલ્યા કરતા જાત જોડેના જાતના સંવાદોની વણથોભી વણઝાર..જાતે જ બોલો..જાતે જ સાંભળો..જાતે જ નિર્ણયો લો..જાતે જ એ નિર્ણયો પર અમલ કરો અને જાતે જ એના ફળ  ભોગવો. જીવનના દરેક સ્ટેજ પર માનવીને વત્તે ઓછે અંશે પોતાની શારીરિક તાકાતનું મહત્વ સમજાતું જ હોય છે. નાના બાળકમાં પણ પોતાનાથી જોરાવર બાળક પરત્વે આછી ઇર્ષાના લસરકા હોય છે, જુવાનિયાઓ ‘ જાકે ના આયેગી યે જુવાની ‘ના સમયગાળા દરમ્યાન પોતાના ઉત્સાહ, સાહસ,સફળતાનો ઝરો સદા ઉભરાતો રહે એની ભાંજગડમાં વ્યસ્ત..તો પોતાની વસંત ગુમાવી બેઠેલા વયસ્કોના પાનખરી નિસાસાઓમાં સૂકા, ખરી ગયેલા અને આંધી સાથે આમથી તેમ ભટકતા..ઉડતા..ખખડતા અનુભવી વર્ષોનો પાકટ કોલાહલ ડરામણી રીતે ભળેલો હોય છે.

માનવીને જ્યારે એનું શરીર સાથ આપતું હોય, એની શારિરીક શક્તિનો પારો ઉચ્ચતમ સપાટીને સ્પર્શતો હોય ત્યારે એના દિમાગમાં બેધ્યાનપણે ‘અહમ’ નામનો  અદ્ર્શ્ય  રાક્ષસ જન્મતો, વિકસતો હોય છે, શારીરિક જોર થકી મળતી સફળતાની દરેક ઇંટ એના ભ્રમ,માન્યતાની દિવાલ વધુ ને વધુ ઉંચી અને મજબૂત કરતી જાય છે. મનુષ્ય તો આખરે મનુષ્ય..એ તો પોતાના ‘અહમ’ને ‘સ્વાભિમાન’ જેવા રેપરમાં વીંટતા રહેવાની ભાંજગડમાં જ રત રહે છે, અભિમાનના હિંડોળે વધુ ને વધુ ઉંચો જઈને ઝૂલતો- ઝૂમતો રહે છે. પોતાનું સ્વાભિમાન લોકોની નજરે અભિમાન બનતું જાય છે એ  ઉંચાઈ પરથી નિહાળવાની સમજ અને દષ્ટી બેય ગુમાવી ચૂક્યો હોય છે. સ્વાભિમાન અભિમાનની પરતો હેઠળ ઢંકાતું જાય છે..ઝાંખુ થતું જાય છે..અભાનપણે માનવીમાં એનાથી ઓછા સમર્થ લોકોમાં એક હીન ભાવના જન્માવવાનો, એને પોસવાનો વિક્રુત શોખ વિકસતો થતો જાય છે. પોતાની સફળતાના તેજમાં ચકાચોંધ કરીને એ લોકોને સતત પોતાની શિખામણો, સ્વસ્તિવચનો સાથે સિધ્ધીઓની ઝાંખી કરાવતો નબળા લોકોને હીન ભાવનાના વમળોમાં વધારે ને વધારે ઉંડા ધકેલી દે છે, કોમ્પ્લેક્ષના કુવામાં ધક્કો મારતો રહે છે…એના અત્મવિશ્વાસના મૂળિયા જડમૂળથી હચમચાવી કાઢે છે…એની માનસિક શક્તિ – વ્હીલપાવરના ફૂરચેફૂરચા ઉડાવી કાઢે છે. એ તૂટતા -વિખરાતા અસમર્થ વ્યક્તિની દશા એના અહમને વધારે ને વધારે સંતોષતી જાય છે. ટેકરો ઉંચો ને ઉંચો બનતો જાય છે. માનવીમાંથી અમાનવી તરફનું પ્રયાણ..!!

 

એ પોતાના ગાણા ગાવાના તાનમાં જ હોય છે…નકરું બોલ બોલ કર્યા જ કરે છે..કોઇની આપવીતી તકલીફો સાંભળવાની ફુરસત પણ નથી હોતી પોતાની મસ્તીમાં જ ગુલતાન. ‘સારી દુનિયા મેરી મુઠ્ઠીમેં, મેં દુનિયા કા સુલતાન..’

 

લોકો મારી સફળતાથી ઇર્ષ્યાની આગમાં બળે છે તેથી જ મારા સ્વાભિમાનને અભિમાનમાં ખપાવે છે. હું આટઆટલી મહેનત કરું છું, તન મન બધીય રીતે પૂરેપૂરો ઘસાઇ જઉં છું ત્યારે સફળતાની દેવી મારા શિરે તાજ પહેરાવે છે જેનો ગર્વ લેવો એ મારો અધિકાર છે.મને મારું સ્વાભિમાન, ખુમારી  અનહ્દ વ્હાલા છે…હોવા જ જોઇએ એ તો…કબૂલ..પછી ધીમે ધીમે સ્વાભિમાન-ખુમારી માણસમાંથી  બહાર છલકાવા લાગે છે..ઢોળાવા લાગે છે..દદડતું દદડતું અંતે એ અભિમાન બની જાય છે. એ અલગ વાત છે કે માનવીને પોતાને એ વાતની ખબર નથી પડતી. એ તો એક પ્રકારના ‘ટ્રાન્સ’માં જ જીવતો હોય છે આ બધું ઢોળાવું – વેડફાટ એ ક્યાં જોઇ સમજી શકવાનો…!

 

એક દિવસ અચાનક એના શરીરનું કોઇ એક અંગ બળવો પોકારે છે.રોકેટ જેવી ગતિને અવરોધક બની જાય કાં તો કાયમ માટે હડતાળ પર ઉતરી જાય છે. ત્યારે સ..ર…ર..સ..ટ..ટા..ક આ બધોય ‘ટ્રાન્સ’ તૂટી જાય છે. માનવી જીવ પર આવી જાય છે, મરણિયો થઈ જાય છે અને પોતાની શારીરિક તાકાતને સાચવી રાખવાના ‘યેન કેન પ્રકારેંણ’ હવાતિયા મારવા લાગે છે.

 

હવે માણસ તો માણસ છે, ભગવાન થોડી છે. અમરપટ્ટો મેળવીને થોડો આવ્યો  છે ..બનવાકાળ જે થવાનું હોય છે એ તો આખરે થઈને જ રહે છે., એના ધમપછાડાથી કંઇ વળતું નથી ઉલ્ટાંનો શારિરીક-માનસિક રીતે એ નીચોવાતો જાય છે. જીવનના રસ્તે ભટકાયેલા તોડેલા-ફોડેલા -વિખરાઈ ગયેલા અસમર્થ માનવીઓ એની આંખ સામેથી એક ચિત્રપટની રીલની જેમ પસાર થવા માંડે છે, એમની વાતોને મજાક માનીને હસી કાઢવાની પોતાની ભૂલ પર ભરપેટ પસ્તાવો થાય છે. હવે એને પોતાનો રોલ બદલાતો દેખાય છે..

 

‘સર્વશક્તિમાન સમર્થ’માંથી ‘અસમર્થ – પરવશ’ લોકોની યાદીમાં પોતાનો સમાવેશ થતો દેખાય છે..સામે પક્ષે નવા ઉભા થયેલા સમર્થોની હાંસી પર હવે એ ગુસ્સે પણ નથી થઈ શકતો. નકરા માનસિક – શારીરિક ઘર્ષણોએ આપેલ ‘ડાયાબિટીસ અને પ્રેશર જેવા રોગોની ભેટ એને ગુસ્સે થવાની પરમીશન પણ નથી આપતાં.. ધીરે ધીરે એણે અપમાન સહન કરવું,ગુસ્સો પી જવો જેવી ટેવ પાડવી પડે છે..શીખવું પડે છે.

 

ધીરેથી સ્વાભિમાન જેવો શબ્દ  ડીક્ષનરીમાંથી કોરાણે મૂકાઈ જાય છે.અને સમતા જેવો શબ્દ પ્રવેશતો જાય છે. પરિણામે માનવી માનસિક રીતે મજબૂત થતાં શીખે છે. સમજણથી છલકાઇ ઊઠે છે. હવે એ ફરીથી સમર્થ થાય છે..પણ શારીરીક રીતે નહી માનસિક રીતે.. જોકે આ બધી સમજ માનવીનું શારીરિક શક્તિનું ગુમાન ઓસર્યા પછી જ આવે છે..

 

એક થીયરી ચોકકસ ઘડી શકાય કે ‘શારિરીક તાકાત અને અહમ બેય એક બીજા જોડે અપ્રત્યક્ષ  રીતે જોડાયેલ હોય છે’

 

-સ્નેહા પટેલ

ના તમે ખોટા ના અમે


phulchaab > navrash ni paL column > 6-6-2012.

હો ફુલ કે હો પથ્થર; બંનેનું વજન સરખું;

મુરલીય ઉપાડું છું, ગોવર્ધન ઉપાડું છું.

– ભગવતીકુમાર શર્મા

રુચીતા ટીવીના રીમોટ સાથે રીતસરની રમત જ કરી રહી હતી. ચેનલ પર ચેનલો ફેરવતી જતી હતી પણ એના મૂડને અનુરૂપ એક પણ પ્રોગ્રામ એ ભૂરી ભૂરી લાઈટવાળા ચોરસ ડબલામાં આવતો નહતો. કંટાળાની ચાડી ખાતા બગાસાઓ પોતાની હાજરી પૂરાવવા લાગેલા.બાજુમાં સોફા પર લેપટોપમાં પોતાનું કામ કરી રહેલ નમન પત્નીની આ ક્રિયા પર મનોમન હસી રહયો હતો.

એવામાં ડોરબેલનો અવાજ ડ્રોઇંગરુમમાં રણક્યો અને રુચીતા ટીવીને સોફા પર હળ્વેથી ફંગોળતી’કને ઉભી થઇ. બારણામાં એની પાડોશી કમ સખી પ્રીતિ દ્રશ્યમાન થઈ.

પ્રીતિનું ઉદાસ મોઢું જોઇને રુચીતાને અડધી વાત તો વણકહ્યે જ સમજાઈ ગયેલી.

‘શું થયું ..બધું બરાબર ને..?’

આ પ્ર્ર્શ્નની રાહ જ જોતી હોય એમ પ્રીતિ બોલી ઉઠી

‘આજે ફરીથી  સાસુમા જોડે બોલવાનું થયું.એ જ એમની એમના ધ્યાનશિબિરની વાતોનો, ઉપદેશોનો અવિરત પ્રવાહ. આખો દિવસ એમની આ ધ્યાનની વાતો સાંભળી સાંભળીને મારું મગજ પાકી ગયું છે હવે. એમને કરવું હોય એ કરે પણ મારે એમની શિબિરોમાં પરાણે ઢસડાવાનું..આખો દિવસ એમના ધ્યાનની સીડીઓ ચાલે..ટીવીમાં પણ એમની પોઝિટીવ થીંકિંગની વાતોના ગાણા ગાતા પ્રોગ્રામોનું એકહથ્થું શાસન..શું કરું.મારૂ ચાલે ને તો આવા બધા ધ્યાન બ્યાનના ગતકડાં જ બંધ કરાવી દઊં.’

‘ઓહોહો…આટલી નાની શી વાત પ્રીતિ.!’

‘તને નાની લાગે એ તો..બાકી તારા માથે આવું ઝીંકાય ને તો તને એની તકલીફ ખબર પડે..’

‘જો પ્રીતિ, રૂપાબાની હવે ઉંમર થઈ ગઈ. શારિરીક શક્તિ ઓછી હોય એટલે માનસિક શક્તિને ડેવલોપ કરવાના બધા ઉપાયો એ કરી છૂટે એમાં કંઇ નવાઈ નથી. આપણે ભલે ને ના માનતા હોઇએ પણ એ માન્યતાથી એમને શાંતિ મળતી હોય, બીઝી રહેતા હોય તો શું ખોટું છે ? એટલીસ્ટ પોઝિટીવ થીન્કીંગના નામે પોઝીટીવ વર્તન કરવાના પ્રયત્નો તો કરશે ને..બાકી નવરું દિમાગ શેતાનનું કામ કરે..ત્યાંથી નવરા પડશે તો ઘરમાં ‘આ કામ સમયસર નથી થયું ને પેલું બાકી રહી ગયું’ ની મગજમારી ચાલુ થઈ જશે..અત્યારે  એટલી તો શાંતિ છે ને.ઉંમર થાય એટલે આવું બધું થોડું ચાલ્યા કરે, કદાચ વ્રુધ્ધાવસ્થામાં આપણે પણ આવા જ થઈ જઈશું’

‘હા રુચીતા..એ તો છે…એમની બીજી કોઇ મગજમારી નથી પણ આ તો..તું સમજે છે એટલે દિલ ઠલવાઈ ..ચાલ બહુ કામ પડયું છે..હું જવું..’

નમન કામ કરતાં કરતાં આ વાર્તાલાપ સાંભળી રહેલો.

એની વિદાય પછી થોડીવારમાં જ રુપાબા ટપકયાં..

‘રુચી, સાચું બોલ તો આ પ્રીતિ મારી ચુગલી કરવા જ આવેલી ને..?’

‘શું બા તમે પણ, એ તો મારી પાસે પંજાબી શાકની રૅસીપી લેવા આવેલી. અમારે તો ક્યારેય તમારા વિશે કશું વાતો નથી થતી.હા..તમે કંઇક ધ્યાન -પોઝીટીવ થીન્કીંગ કરો છો અને એનાથી તમારા સ્વભાવમાં ધીરજ આવી છે એવી વાત એણે ચોકકસ કહી. એ તો તમારા વખાણ કરતી હતી..પણ બા એક વાત કહો..તમે વાતો ‘પોઝીટીવીટીની’ કરો..અને વિચારો -કામ આવા ‘નેગેટીવીટી’ના.. આમ તો તમે ધ્યાનની ચરમસીમાએ ક્યાં પહોંચી શકવાના ? અંદરની સપાટીએ સ્પર્શે એ જ ધ્યાન બાકી મને તો લાગે છે કે તમે ખાલી ઉપર ઉપર છબછબીયા જ કરો છો.’

‘ના ના દીકરા..એ તો હું જ્યારે એને ધ્યાનની વાતો કહું તો એનું મોઢ્ં દિવેલ પીધા જેવું થઈ જાય છે એને દીઠું ના ગમતું હોય એવું લાગે છે.એટલે આવું બોલાઇ ગયું’

‘બા જુઓ, તમે ધ્યાન કરો પણ એનું ‘પૅશન’ તમારા સુધી જ સીમિત રાખો ને.તમને ગમે એ બધાંને ગમે એવું થોડી હોય.પ્રીતિ હજુ જુવાન છે,.,એના હરવા ફરવાના, મોજમસ્તીના દિવસો છે..એની ધમાલિયણ લાઈફમાં કામકાજના ટાઇમટેબલમાથી માંડ નવરી પડીને એ એની મરજી મુજબ એનો સમય પસાર કરવા માંગતી હોય અને તમે એને ધ્યાન-અનુભૂતિની વાતોમાં લગાડી દો તો એ અકળાય એ સ્વાભાવિક છે ને. હા, એ તમને ધ્યાન કરતાં રોકે કે શિબિરોમાં જવાની બાબતે ચડભડ કરે તો ઠીક એને સમજાવાય..બાકી આખા ઘરનો ભાર એણે એકલા હાથે સંભાળ્યો છે એટલે તમને ધ્યાન ધરવાનો સમય મળે છે એ તો વિચારો..’

‘હા..વાત તો તારી સો ટકા સાચી.મારી વહુ તો સોનાની છે..’ અને એમણે હસીને વિદાય લીધી.

નમન અવાચક થઈને રુચીતાને જોઇ રહ્યો. કળ વળતાં બોલ્યો..’રુચી, તારા મતે આ બેમાંથી ખોટું કોણ એ તો કહે ?”

રુચીતા મંદમંદ હસતાં બોલી,’બેમાંથી એક પણ નહી..બેય પોતપોતાની જગ્યા પર સાચા છે. બેયની ઉંમર, પરિસ્થિતી, જરૂરિયાત અલગ અલગ છે. આ ભેદની જ તકલીફો છે બધી. આજે રજાનો દિવસ યાદ છે ને..આજે ચા મૂકવાનો તમારો વારો..’

અને ઘરમાં હાસ્યના મોજાં પથરાઇ ગયાં.

અનબીટેબલ : દરેક માનવીની સમજશક્તિ અલગ અલગ હોય છે. એમની જોડે એમની ભાષામાં વાત રજૂ કરાય તો પ્રયત્ન મોટાભાગે સફળ થાય છે.

બસ એમ જ….


6.

છે બધું તો ય કંઈક ખૂટે છે,
હું જીવું છું ને શ્વાસ તૂટે છે.

5 –

ડગલે ને પગલે જાત અટકે છે,

તારી મારી ત્યાં  વાત અટકે છે.

4-

ખબર ના પડી કે રમંતા રમંતા

ભેદ્યાં શબ્દ ચક્રોના વ્યૂહો મેં આજે.

3.

ક્ષણોમાં સદીઓ વહે લઈ ખુમારી

સપનમાં મહેંકી ગયેલો તું આજે.

2-

ખબર ક્યાં મને કે લખું છું શું આજે

     ચલાવું કલમ ને વહે શબ્દ આજે
1 –
તમારી ધરા છે તમારું ગગન કે !
    ભરી ધૂળ મુઠ્ઠી કપાળે ધરી લો

unbeatable – 13


દુનિયામાં મોટાભાગની તકલીફો – દુઃખ આપણે માની લીધેલા હોય છે. બે કદમ આગળની દુનિયા ચોક્કસ વધારે સુંદર છે..આટલું જ વિચારવાનું હોય છે.

-સ્નેહા પટેલ