પટેલ સુવાસ-માસિક મેગેઝીનમાં મારી કોલમનો લેખ…
માનવીને નાનપણથી અમુક આદતો પડતી હોય છે – પાડવામાં આવતી હોય છે..સમય વીતતા એ વાતો –આદતો- માન્યતાઓ માનવીના મનમાં ઘર કરી જતી હોય છે…પછી માનવી એને જ ‘હકીકત’ માનીને ચાલતો જાય છે..દરેક સ્થિતીના અઢળક પાસા રહેલા હોય છે..સાચા..ખોટા…શક્ય ..અશક્ય…પણ માનવી પોતાની માન્યતા પ્રમાણે..પોતાની સાનુકૂળતા..પોતાને પડેલી ટેવ પ્રમાણે જ એમાંથી રસ્તો પસંદ કરતો હોય છે…એ બધાથી થોડી અલગ સ્થિતી સામે આવે ત્યારે એ થોડો શિયાવીયા થઈ જાય – અકળાઈ જાય છે.
એક સિમ્પલ ઉદાહરણ આપું તો..જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મોબાઈલ-કોમ્પ્યુટર જેવી વસ્તુ જાણે અજાયબઘરમાંથી આવેલ ‘ડીવાઇજીસ’ હોય એવું લાગતું..મોટો કાળા કંપાસ બોક્સ જેવો મોબાઇલ કે કાળુ- ધોળુ ચોરસ ડબલું જેના હાથમાં કે પહોંચમાં હોય એ વ્યક્તિ મારા માટે બીજા ગ્રહથી આવેલા ‘એલિયન’ જેવું થઈને ઉભું રહેતું..કોલેજકાળ વીત્યા બાદ નોકરી કરતા કરતા ઓફિસમાં બે વર્ષ મેઁ કોમ્પ્યુટર પર કામ કર્યું (ના કરવા માટેઓપ્શન જ નહોતું )..ત્યારે બહુ મહાન કામ કરતી હોઉ એવું જ લાગતું..’ફોક્સ.લોટસ…સી પ્લઝ..’.આવા શબ્દો બોલું ત્યારે મારી આજુબાજુના લોકો હવે મને એલિયન ગણવા લાગતા…એ જોઇને મને મજા આવતી..જ્યારે મારી જોડેની અમુક સખીઓ ફક્ત કોમ્પ્યુટર ના આવડવાને કારણે ઢગલો સારી તકવાળી નોકરીઓ ઠુકરાવતી ગઈ..એમની માનસિકતા જોઇને બહુ દુ:ખ થતું…પરિવર્તન-ફ્લેક્સીબીલીટીના નામે સહેજ પણ તૈયારી નહી.
.મેઁ જ્યારે નેટ વાપરવાનુઁ ચાલુ કર્યુ ત્યારે મને ટાઇપીઁગ..ફાઇલ ક્યાં કેવી રીતે સેવ કરવી એના સિવાય ઝાઝી ગતાગમ નહોતી પડતી..બહુ બધા લોચા લાપસી થતા..ઢગલો પ્રોબ્લેમ્સ સામે આવતા.. જાણકાર મિત્રોને ફોન કરી કરીને અડધો-પોણો કલાક માથું ખાઉં…પ્રોબ્લેમ આવે અને એને સોલ્વ કરું એ સમયગાળા દરમ્યાન ઢગલો વાતો નવી જાણવા મળતી..ગુજરાતી ટાઇપિઁગ કરતા શીખી..એ પછી બ્લોગ બનાવ્યો…ઇમેલ..ઓરકુટ્માં એકાઉંટ બનાવ્યા..ઓરકુટમાં મારી પોતાની કોમ્યુનીટી બનાવી..એને મેનેજ કરવા માટેના જરુરી સેટીઁગ્સ પણ શીખી..ફોટા..વીડીઓ..માહિતી અપલોડ-ડાઉનલોડ કરતા શીખી…ત્યાં તો ફેસબુકનો જમાનો આવી ગયો..ઓરકુટ છોડી ફેસબુક શીખવાનુઁ..વળી પાછી પરિવર્તનનું ચક્કર…એ પણ શીખી..ત્યાં તો પીસીના બદલે લેપટોપ – નેટબુક વાપરવાના દિવસો આવી ગયા…ધરમૂળમાંથી બદલાવ…આ સાથે મોબાઇલ પણ સતત બદલાતા રહ્યાં..નોકિયાનો સાદો ફોન..પછી કેમેરાવાળો ફોન..એ પછી ટચસ્ક્રીન વાળો ફોન..જાત-જાતના ‘સીમકાર્ડ’, જાતજાતની સ્કીમ, મેસેજીસ, ફોનમાંથી નેટ વાપરવાનું.. બધું પહેલાંની શીખેલી સ્થિતીઓથી તદ્દ્ન અલગ…રોજે રોજ પરિવર્તન…
‘ફ્લેક્સીબીલીટીની ચરમસીમાઓ કયાં હોય છે..!’
કાગળના પુસ્તકોમાંથી નેટ –બ્લોગ-ફેસબુક-ગુગલસર્ફીંગ કરીને વાંચતા શીખી…લાયબ્રેરીના શંત વાતાવરણમાઁ ચોપડીઓના પાના ફેરવવાને ટેવાયેલી એવી મને આ ભૂરી ભૂરી લાઈટ્વાળી સ્ક્રીનમાં ઝીણા ઝીણા અક્ષરોમાં વાંચવાનું બહુ કંટાળાજનક –માથું પકવી કાઢનારું લાગ્યું..બહુ જ અકળાવનારા આવા અમુક તબકકાઓ પસાર થયા પછી એ ફ્લેક્સીબીલીટી – પરિવર્તન સ્વીકાર્યાના મીઠા ફળ મળ્યાંત્યારે એક અનોખી તૃપ્તિ-સંતોષ થયો..અને ફરીથી એક વાર નવા પરિવર્તનને ’વેલકમ’ કહેવા તૈયાર ..!.
આવું બધું માનવીના માનવી સાથેના સંબંધોમાં પણ હોય છે..પૂર્વગ્રહોને છોડી સંબંધોને ઉછરવા એક નવી તક આપવાની મનથી તૈયારી રાખવી જોઇએ..પૂર્વગ્રહોના સીમિત આકાશમાંથી સંબંધ નામના પક્ષીને મોકળી આઝાદી આપવી જોઇએ .
‘વ્યાખ્યાઓ..અપેક્ષાની પહોંચની બહાર હોય એવા સંબંધોનું સાસરું વિસ્મય હોય છે.’
આ પરિવર્તંશીલતા સામેવાળાને જે ફળ આપશે એના કરતાં તમને પોતાને વધારે સુખદ રીઝલ્ટની ભેટ આપશે..
પરિવર્તન શરુઆતના તબક્કામાં જ અઘરું લાગે પછી ટેવાઈ જવાય છે..તો દોસ્તો..ક્યારેય પરિવર્તનને સ્વીકારવાથી ગભરાઓ નહીં. એકની એક માન્યતાઓ ઉપર ચાલ્યા કરવાને બદલે પરિવર્તનના રીસ્ક લઈને એના મીઠા ફળ મેળવવાની જીદ્દ દિલમાં રાખશો તો દુનિયાની કોઇ તાકાત તમને તમારી મનપસંદ મંઝિલ સુધી પહોંચતા નહી રોકી શકે..
’ઓલ ધ બેસ્ટ..!’
-સ્નેહા પટેલ.