phoolchhab paper – navrash ni pal column – 19-12-2012
કેટલું ક્યાં બોલવું , એનો કરી અંદાજ..ને –
મૌનની શરતો બધીયે પાળજે હળવાશથી…!
જો પુરાવો કે ખુલાસો હોય ના સંગીન , તો –
સાવ સાચી વાતને પણ , ટાળજે હળવાશથી…
– લક્ષ્મી ડોબરિયા.
બેસતું વર્ષ. તાન્યા અને તિમિર પોતાના બે સંતાનો સાથે તિમિરના મોટાભાઈના ઘરે એમને મળવા – બેસતા વર્ષનું ‘પગે લાગવા’ ગયા હતા. છેલ્લાં 4 વર્ષથી તિમિરના મમ્મી અને પપ્પા બેયનું અવસાન થયું હોવાથી આ શુભ દિવસે તિમિરના બે ભાઈઓ અને બે બહેનો પોતપોતાના કુટુંબ કબીલા સાથે મોટાભાઈના મોટા ઘરે જ ભેગાં થતાં.
તિમિરની ભત્રીજી અમી ઓસ્ટ્રેલિયા રહેતી હતી. આ વખતે સ્પેશિયલ દિવાળી મનાવવા અમદાવાદ આવેલી. બે વર્ષમાં તો અમીના અને એના મમ્મી – પપ્પાના એટીટ્યુડમાં સુધ્ધાં ફેરફાર આવી ગયેલો. ‘અમે પણ કંઈક છીએ’નો ગરુર એમના વાણી વર્તનમાંથી છ્લકાઈ છલકાઈને ઢોળાતો જતો હતો. મોટેરાંઓને પગે લાગતી વેળા અમીને કોઇ શરમભાવ પીડી રહ્યો હતો. તાન્યાના સ્માર્ટ મગજમાં આ વાત તરત નોંધાઈ ગઈ.
‘અમી બેટા, થોડા નીચા નમીને પગે લાગશો તો વધુ રુડા લાગશો’ મજાકના સ્વરમાં જ એણે કહ્યું.
પત્યું.છેલ્લે બધાને પગે લાગતી અમી તિમિર આગળ આવી અને ઉભી રહીને બોલી,
‘તમને પગે લાગવું પડશે કે નાના કાકુ..?’
અને તાન્યાની તો સામુ પણ ના જોયું. આ બધું જ નિહાળી રહેલા અમીના મમ્મી પપ્પાએ પણ એમની લાડલીને એક અક્ષર પણ ના કહ્યો અને વાત હસવામાં કાઢી નાંખી.
પોતાની દીકરીની જેમ ઉછેરેલી અમીનું સાવ આવું ઉધ્ધત વર્તન જોઇને તાન્યા અને તિમિર તો આભા જ બની ગયા. પોતાની દીકરી જેવી ભત્રીજી જોડે મજાકની બે વાત પણ ના કરી શકાય કે..?
જેમ તેમ પ્રસંગ સાચવીને તાન્યા તિમિર ઘરે પહોંચ્યા. બે ય જણાએ આ વિષય પર વાત કરવાનું જ ટાળ્યું.
બીજા દિવસે ભાઈબીજ ના દિવસે અમીની મમ્મી-તાન્યાની નણંદ રુપાનો ફોન આવ્યો ;
‘ભાભી, આજે સાંજે મારા ઘરે ‘ભાઈબીજ’નું જમવાનું રાખ્યું છે. તો તમે ચોકકસ આવી જશો.’
કાલનું હાડોહાડ લાગેલું અપમાન આટલી જલ્દીથી કેમ ભુલાય ? આ જ રુપાએ તાન્યા ઉપર ચોરી –જુઠ્ઠાડીના આરોપો લગાડી લગાડીને સાસુ વહુના સંબંધોમાં આગ લગાડેલી અને એના કારણે તાન્યાએ છુટા થવાની નોબત આવેલી. તિમિરના મોટાભાઈ વડીલની જગ્યાએ આવતા એમણે યેંન-કેન પ્રકારેણ બે ભાઈ અને બે બહેનોના કુંટુંબમાં પ્રેમ જળવાઈ રહે અને વારે તહેવારે બધા ભેગા થતા રહે એવી ઇચ્છાને માન આપીને તાન્યા બધું ગઈ ગુજરી ગણી રુપાને સપ્રેમ પોતાના ફેમિલી મેમ્બર તરીકે આવકારેલી. એને એમ કે હવે ઉંમર વધતા રુપા થોડી સુધરી હશે પણ ઉંમર અને મેચ્યોરીટીને ક્યાં કોઇ સંબધ છે જ?
તાન્યા તરત તો કંઈ બોલી ના શકી. એણે આ વાત તિમિરને કહી અને તિમિર ભડક્યો.
‘તું સાવ ભોળીની ભોળી જ રહી. જેવા સાથે તેવા જ થવું પડે. તું રુપાને ના પાડી દે કે અમને નહી ફાવે..’
તાન્યાને એ ફાવે એમ નહોતું. છેવટે તિમિરે રુપાના મોબાઈલમાં મેસેજ કર્યો કે ‘અમને આજે સાંજે આવવાનું નહી ફાવે તો તમે અમારી રાહ ના જોશો. નક્કામી અમારા માટે રસોઇ બનાવીને ફેંકવાનીના થાય એ હેતુથી જ વેળાસરનો મેસેજ કર્યો છે.’
પત્યું. સામેથી કોઇ રીપ્લાય ના આવ્યો.
વાત પતી ગઈ માનીને એ સાંજના તિમિરે એના નજીકના મિત્રોને ઘરે જમવા બોલાવી લીધા.બધા હસી મજાકના મૂડમાં હતા…રાતના સાડા આઠ થવા આવેલા અને ત્યાં તો એના મોબાઈલની રીંગ રણકી. જોયું તો મોટાભાઈનો ફોન.
‘હેલો ‘
‘તમે લોકો કેમ આડા ફાટ્યાં છો…અહીં કેમ નથી ?’
‘અરે પણ અમે મેસેજ તો કરેલો કે અમને ફાવે એમ નથી. ‘
પછી તો વાતમાંથી વાત નીકળતી ગઈ . રુપાએ મોટાભાઈના કાનમાં તિમિર –તાન્યા વિરુધ્ધ બરાબરનું ઝેર ભરેલું. ફરીથી તિમિર અને તાન્યા આરોપીના પાંજરામાં આવી ગયેલા. મોટાભાઈ એમની એક પણ વાત માનવા તૈયાર નહતા. વારંવારએક જ વાતનું રટ્ણ કરે રાખતા હતા,
‘મારેકોઇ પણ હિસાબે તમે લોકો અહીં જોઇએ. નહીં તો હું પણ નહી જમું.’
‘અરે પણ મારા ઘરે મારા મિત્રો આવેલા છે અને એ બધા અહીંડીનર લેવાના છે. હવે એ પોસિબલ નથી મોટાભાઈ..પ્લીઝ..વાત સમજો.’
‘એ બધો તારો પ્રોબ્લેમ છે…મારે કંઈ નથી સાંભળવું. બસ તમે અહી આવી જાઓ..’અને તાન્યા તિમિત્ર આ શબ્દોથી છ્ક થઈ ગયા…પોતાના મિત્રોને મૂકીને કેમના જઈ શકે અને એ તમારો પ્રોબ્લેમ છે એ વળી કેવી વિચિત્ર અને ઇમ્મેચોચર વાત..! પોતે મોટાભાઈનું માન રાખે છે એ વાત બરાબર પણ એના લીધે એમણે ઉષ્માવિહીન – જુઠ્ઠાડી – અવિશ્વાસુ – રુપાની જોડે મહાપરાણે સંબંધ કેમ રાખવાનો ? આ તે કેવો દુરાગ્રહ !
છેલ્લેસમજુ તાન્યાએવાતનો છેડો પોતાના હાથમાં લેતા ફોનમાં મોટાભાઈને કહ્યું,
’ઓકે મોટાભાઈ..અમે અમારા ફ્રેન્ડસ સાથે ડીનર લઈને આવીએ છીએ. પણ તમે પ્લીઝ અમારી રાહ ના જોતાં. જમી લેજો. જય શ્રી ક્રિષ્ના’
તિમિર આભો બનીને એની સામે જોયા જ કરતો હતો.
‘તું કેમ હંમેશા નમતું જોખી લે છે તાન્યા..તને તો ખબર છે કે આ લોકો ક્યારેય સુધરવાના નથી..’
એને વચ્ચેથી અટકાવીને જ તાન્યા બોલી,’જો તિમિર, આપણે નહી જઈએ તો પણ મોટાભાઈનું દિલ દુખાવ્યાનું આપણને દુ:ખ થાત એના કરતા જઈને થોડી વાર બેસીને આવતા રહીશું એ આપણા દિલને વધારે શાંતિ આપશે.બને ત્યાં સુધી સંબંધોમાં બોલ આપણા ‘કોર્ટ’ નહી રાખવાનો. સામેવાળાને આપી દેવાનો જેથી આપણને આપણો માંહ્યલો તો ના પજવે. દુનિયામાં સૌથી વધારે તકલીફ આપણી જાત આપણને ગિલ્ટી ફીલ કરાવે એ જ હોય છે એટલે આવી સ્થિતિમાં હંમેશા દિલની વાત જ સાંભળવાની.’
તિમિર ને પણ એની વાતમાં વજન લાગ્યું અને તાન્યાનો હાથ હાથમાં લઈને એક હળવું ચુંબન ચોડી દીધું.
અનબીટેબલ : Man asked god : “Who is your favourite person?’ God replied : “The one who has the power to take revenge but choose to forgive.
exactly saying…. aa story dwara ghana khara gharma bantu hoy che e te mast samjavyu che… aavu bane che.. ane te sachot udaharan apyu…….. અનબીટેબલ : Man asked god : “Who is your favourite person?’ God replied : “The one who has the power to take revenge but choose to forgive.
LikeLike
પણ ઉંમર અને મેચ્યોરીટીને ક્યાં કોઇ સંબધ છે જ?…………….
LikeLike
મોટાભાઈનું દિલ દુખાવ્યાનું આપણને દુ:ખ થાત એના કરતા જઈને થોડી વાર બેસીને આવતા રહીશું એ આપણા દિલને વધારે શાંતિ આપશે.બને ત્યાં સુધી સંબંધોમાં બોલ આપણા ‘કોર્ટ’ નહી રાખવાનો. સામેવાળાને આપી દેવાનો જેથી આપણને આપણો માંહ્યલો તો ના પજવે.
LikeLike