હું કોણ..?


Snap1-edited

Gujarat guardian paper >ટેક ઈટ ઈઝી – લેખ નંબર – ૨૩.

હમણાં જ  એક મોલમા શોપિગ માટે જવાનું થયેલું. ત્યારે બે ટીનેજર છોકરાઓ એમની એક (!) ગર્લફ્રેન્ડના મુદ્દે છુટ્ટા હાથની મારામારી પર આવી ગયેલા દેખાયા.  સારા ઘરના હેન્ડસમ અને બ્રાન્ડેડ કપડાં – એસેસરીઝમાં સજ્જ, સંસ્કારી લાગતા છોકરાઓ આમ ખુલ્લે આમ લડાઈ કરે એ માન્યામાં જ ના આવ્યું. એ વિષ પચાવીને ‘નીલકંઠેશ્વર’ થવાનો પ્રયત્ન કર્યો. કળ વળતા જ પરદુઃખભંજક સ્વભાવને કારણે મેં એમની ચોતરફ ફેલાયેલી ભીડમાંથી થોડા આગળ વધીને  એ બે લબરમૂછીયાઓની વચ્ચે પડવાનું જોખમ સામે ચાલીને સ્વીકાર્યું.

‘જુઓ, તમે બે સારા ઘરના છોકરાંઓ લાગો છો, આમ જાહેરમાં ઝગડો કરવો એ તમને શોભા દે છે ?’

બે પળ તો એ બે સ્માર્ટ -ગુડલુકીંગ જુવાનીયાઓ મારી સામે બીજા ગ્રહમાંથી ઉતરી આવેલા એલીયનના આશ્ચ્રર્યભાવથી મને નિહાળી રહ્યાં.

‘હલો..હુ આર યુ ? આ અમારો અંગત મામલો છે અને અમારી રીતે પતાવી દઈશુ.તમે અમારા ઝગડામમાં ‘બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના’વાળો રોલ ના ભજવો સ્વીટ લેડી..’

‘સ્વીટ લેડી’ વિશેષણનું શીરા જેવું ગળપણ એમના ‘હુ આર યુ’ના પ્રશ્નમાં અટવાઈ ગયું ને મારા મન સુધી પહોંચ્યુ જ નહીં.

હજું થોડા દિવસ પહેલાં જ એક સરકારી ઓફિસમાં પણ આવા પ્રશ્નનો સામનો કરેલો. ત્યાંનો ક્લાર્ક માને જ નહી કે હું ‘સ્નેહા – સ્નેહા પટેલ’ છુ. તમે તમે જ છો એની સાબિતી લાવો..અલ્યા ભાઈ, હું પોતે કહું કે હું હું જ છું તો એ પુરાવો ના કહેવાય ! વળી મારી વાત તને ના સમજાય તો હું હું નથી તો હું કોણ છું એ તું બતાવ. કારણ હું હું જ ના હોવું તો હું બીજું કોઇ પણ કેવી રીતે હોઇ શકું..?

બે પળ તીક્ષ્ણ નજરોથી પેલો મને તાકી રહ્યોઃે

‘તમે મને ગોળ ગોળ ફેરવવાના ધંધા ના કરો ..(મનોમન મારાથી એની ભારી ભરખમ ૯૦ કિલોની અને મારી ૬૦ કિલોની કાયાની સરખામણી થઈ ગઈ. પણ મહામહેનતે કામ શાંતિથી પતાવવાની ગરજે ચૂપ રહી) અમારે તમે તમે જ છો..મતલબ જાતે..પોતે સ્નેહા પટેલ એ કઈ રીતે માની લેવાનું..સાબિતી આપો..?’

પળભર તો મને આ મહાનુભાવ કોઇ મોટા તત્વજ્ઞ સમ જ ભાસેલા. એની પવિત્ર છાયામાં મારો અંદરનો ‘હું’ જાગી ગયો અને સહજ રીતે જ બોલાઈ ગયુ,

‘તમારો સવાલ આમ તો વિચારવા યોગ્ય જ છે. હું આમે ય ઘણાબધા ટુકડાઓમાં વહેંચાયેલ વ્યક્તિત્વ જ છું. ક્યારેક મા, ક્યારેક પત્ની, ક્યારેક દીકરી, તો ક્યારેક કોઇની માલિક, કોઇકની દાસી, કોઇની પાડોશી. કોઇની શિષ્યા, કોઇની શિક્ષક..અને શક્ય ના હોવા છતાં ‘વિશ્વસુંદરી’ બનવાની ઇચ્છા પણ બળવત્તર ! ઘણા બધા મને અનુકૂલ થઈને જીવે અને ઘણા બધાંને હું સહન કરીને ‘ક્ષમયા ધરિત્રી’ બનીને જીવું. ઇન શોર્ટ, આ બધાં ટુકડાંઓને ‘ ઝીગ – શૉ પઝલ’ ને તમે વ્યવસ્થિત ગોઠવી શકો તો મારું અસલી રુપ ભાળી શકો, મને સમજી શકો..બાકી જો એક પણ ટુકડો આડોઅવળો ગોઠવાય તો એમાંથી ઉપસતી તસવીર એ સાચી હું નહીં જ…કારણ હું તો ફક્ત હું છું – સ્નેહા પટેલ !

એ વખતે પેલો ક્લાર્ક મને કોઇ સીઝોફ્રેનિક ની જેમ જ તાકી રહેલો.

‘બેનજી, માફ કરો. તમે તમે જ છો. સમજાઈ ગયું. મારી જ ભૂલ થઈ ગઈ તમને ઓળખવામાં. મહેરબાની કરીને અહીંથી પ્રસ્થાન કરો. મારા લંચ અવરની દસ મિનીટનો ભોગ લેવાઈ ગયો મારી આ ભૂલમાં.આ પામર જીવને માફ કરો અને હવે જીવનમાં મને ક્યારેય નહી ભટકાઓ એવું વરદાન આપો દેવી..’ અને મારા જવાબની રાહ જોયા વગર જ એનું ટીફીન બોકસ લઈને ચાલવા લાગ્યો.

એ તો જતો રહ્યો પણ મારા મગજમાં ઢગલો સવાલોની ફૂલઝડીઓ છોડતો ગયો. આ હું સાચે હું જ છું…એનો પુરાવો શું? આપણે કહીએ એ લોકો કેમ માની લે..અને શું કામ માને.આજના જમાનામાં અમથુંય સત્ય બોલવાનું ચલણ ઘટી ગયું છે. ખપ પૂરતો જ વપરાશ થાય છે. એમાં આપણે આપણે જ એવું ખોટું પણ બોલતા હોઇ શકીએ ને !

ત્યાં પેલા સવારના ટીનેજરી છોકરાઓના સવાલોએ ફરીથી ઉથલો માર્યો.

એમના ઝગડાંવચ્ચે પડનારી ખરેખર ‘હું કોણ છું?’ આધ્યાત્મિક ચોપડીઓમાં તો બહુ લાંબીલાંબી વિધીઓ અને પરીક્ષાઓમાંથી પસાર થઈએ તો પણ આપણે આપણને મળીએ જ એની કોઇ લેખિત ગેરંટી નહી. તો એવા ખાલી ફોગટના સમય કોણ વેડફે ? આટઆટલા સમયથી હું મારી જોડે રહું છું એટલે હું તો મારી જાતને જાણતી જ હોવું ને કે હું કોણ..પણ હકીકતે એમ હતું..? મારી એકલી માટે જ નહી પણ બીજા કોઈ પણ માટે આ યક્ષપ્ર્ષન.. આપણે વર્તમાનમાં જે સ્થિતીમાં છીએ એ આપણે કે આપણે જે બનવા માંગીએ છીએ, તલપાપડ થઈએ છીએ એ આપણે ?…કેટલા જણ આનો વ્યવસ્થિત અને ચોક્કસ ઉત્તર આપી શકે?

હું મારી જાતને ખૂબ આનંદી અને મસ્તરામ માનું છું, પણ દિવસમાં એકાદવાર તો ચોકકસપણે મને નાનો મોટો, જરુરી -બિનજરુરી  ચિંતાનો એટેક આવી જ જાય. બડબડ કરનારી ક્યારેક મને સાવ જ એકલા બેસીને જાત જોડે બબડવાનું મન થઈ જાય..આવું તો તમારી બધાની સાથે પણ થતું જ હશે ને…ત્યારે પ્રશ્ન એ થાય કે આમાંથી સાચી ‘હું’ કઈ..આ કે પેલી ?આ ‘દુનિયા બનાનેવાલો’ પણ બડો સસપેન્સ, થ્રીલર સ્ટોરી રાઈટર છે…..દરેક કૃતિઓમાં અઢળક ચમત્કારીક પાસાઓની ભરમાર..!

મારું માથું હવે ભમવા લાગ્યું. હું વિચારોના વનમાં જાણીજોઇને પ્રવેશેલી પણ હવે એ વિચારવન મારા પર હાવી થઈ જતુ લાગ્યું.  વિચારો આપણી પર રાજ કરે એ તો મને સહેજ પણ ના પોસાય..મને લાગ્યુ કે મારે હવે આ મારી જાતની શોધના નિરર્થક પ્રયાસો છોડીને એને સસપેન્સના વમળોમાં ગોળ ગોળ ફરવા જ દેવી જોઇએ.

ઘરમાં આ જ વિચારમા ને વિચારમાં ડ્રોઈંગરુમની ટીપોઈ જોડે અથડાઈ..’ધડ..ડામ..’

‘અરે, સ્નેહા, સંભાળજે તો. વાગ્યું તો નથી ને..આ શું આખો દિવસ વિ્ચારોમાં ને વિચારોમાં ગુમ હોય છે તું ?’

‘ઓત્તેરી..આ તો  હું સ્નેહા છું એનો સોલિડ પુરાવો..’ અને હું ખુશ થઈ ગયેલી.

મારી આઈડેન્ટીટી સીધી સાદી બે ચાર વાક્યોમાં કેદ્‍ થઈને રહી જાય એમાં આમે કયાં મજા છે? એવા બંધનોમાં બંધાઈ જઈએ તો આખી દુનિયાને ખબર પડી જાય કે હવે આ સ્થિતીમાં આમ જ વર્તન કરીશું, આમ જ બોલીશું..કોઇ અટકળો જ ના થઈ શકે એવા વિશ્વમાં જીવવાની શું મજા..! જીવન એક સીધી સાદી નોવેલ કરતા રહસ્યમય, થ્રીલર, અનપ્રીડક્ટેબલ વાર્તા જેવું હોય એઆં જ મજા છે. હા, કોઇ વાર આપણી ઓળખાણની સાબિતી આપવાની જરુર પડે ત્યારે સરકારનું ‘આધાર કાર્ડ-પાસપોર્ટ’ જેવી ક્ષુલ્લ્ક સાબિતીઓ આપણી જોડે રાખવાની… એમાં એમના ખપ પૂરતી બધી માહિતી આવી જાય.

બાકી આપણા વિશે  કોઇને કશું યે કહેવાની કોઇ જરુર નથી, થોડી દુનિયાને પણ મહેનત કરવા દો આપણને ઓળખવાની !

-સ્નેહા પટેલ.