unbetabale-27


ઘણા મૌનના પડઘા ગગનભેદી હોય છે.

–સ્નેહા પટેલ

ચેતનવંતુ


નિજની જમીનમાં
ઊંડે સુધી
મૂળિયા ઉતારવા છે
મજબૂત કરવા છે
કાયમ
સ્વસ્થ
સ્થિર
રહીને
ચેતનવંતુ રહેવું છે.

-સ્નેહા.

એક્સપરીમેન્ટ -૨.


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

phoolchhab paper > navrash ni pal column > 23-1-2013

https://akshitarak.wordpress.com/2013/01/18/experiment-1/

part -2

આભમય અવકાશની ગહેરાઈમાં બોળું કલમ!

કે અગોચરનો અરથ અથથી ઈતિ પ્રગટો હવે.

-લલિત ત્રિવેદી.

 

 

અજાણતાં જ ગુનાની ગલીઓમાં ભુલી પડી ગયેલી ઝાંઝરી સતત ‘ગિલ્ટી’ ફીલ કરતી હતી. અસીમને મક્ક્મતાથી પોતાના જીવનમાંથી, મનમાંથી કાઢી મૂક્યા પછી રણકારનો સામનો કરવામાં હિચકિચાતી ઝાંઝરી હવે  એક અજબ હળવાશનો અનુભવ કરતી હતી. એણે બધું ભૂલીને ફરીથી રણકારની વધુ નજીક જવાનું ચાલુ કર્યું અને પોતાના મગજને બીઝી કરી દેવા એણે બીજી સારી નોકરી પણ શોધી કાઢી.

 

લાઈફ ફરીથી પાછી પહેલાંની જેમ..સ્મૂધ-ફાસ્ટ !

 

છેલ્લાં થોડા સમયથી ઝાંઝરી રણકાર સાથેની મીઠી મધુરી અંતરંગ પળોમાં બેચેની અનુભવતી હતી. કંઈક એને રોકતું હતું..શું..સ્મજાતું નહતું. ધીમે ધીમે એ ચહેરો સ્પ્ષ્ટ થવા લાગ્યો..એ અસીમનો ચહેરો હતો. એને અસીમ માટે પ્રેમ નહતો પણ બેય જણે શારિરીક રીતે બહુ નજીક હતાં. અસીમની પ્રેમ કરવાની – વાત કરવાની બધી સ્ટાઈલ  જ અલગ હતી. ઝાંઝરી હવે રણકારના ચહેરામાં, શરીરમાં, પ્રણય ચેષ્ટામાં અસીમની વાતોની ભેળસેળ અનુભવતી હતી. એ બેયને એ જુદા નહોતી તારવી શકતી.

 

ઝાંઝરીની નવી નોકરીમાં વિપુલ નામનો એક હેન્ડસમ, ગોરો ચિટ્ટો, મજબૂત બાંધો ધરાવતો છોકરો હતો. એની ‘સેન્સ ઓફ હ્યુમર’ પણ બહુસરસ હતી. એની વાતચીત – કપડાં પહેરવાની સ્ટાઈલ બધું ઝાંઝરીને બહુ જ ગમતું. બહુ જ ડીસન્ટ છોકરો હતો.  વિપુલ ધીરે ધીરે ઝાંઝરીની નજીક આવવાની કોશિશ કરતો હતો. એને ઝાંઝરીને રોજ રોજ નવા નામોથી બોલાવતો..બ્યુટીફુલ, ગોર્જીયસ, સ્વીટ લેડી…એની ડિક્ષનરીમાં શબ્દોની કમીજ નહતી. ઝાંઝરીને પણ  એની વાતો ગમતી. હવે વિપુલે ધીમે ધીમે ઝાંઝરીની કંપની પોતાને બહુ ગમે છે એ અર્થની વાતો કરવા માંડી હતી. ઝાંઝરીએ પણ થોડો વિચાર કર્યો..નોકરીમાં આગળ વધવું હોય, પ્રસિધ્ધિ જોઇતી હોય તો વિપુલ એને ખાસી મદદ કરી શકે એમ હતો.એક એક્પરીમેન્ટની જેમ જ એ વિપુલને કેમ ના લઈ શકે..અસીમના અનુભવ પછી જે ચોટ ખાધી અને પાછી બહાર નીકળીને નોર્મલ થઈને જીવી શકી એ પરથી એ ફલિત થતુ હતું કે એ ઇમોશનલી બહુ સ્ટ્રૉગ છે.વિપુલ એક હદથી વધારે એનું કશું નહી બગાડી શકે…અને ઝાંઝરીએ એક સાયકોલોજીકલ ગેમ રમવા માંડી. ધીરે ધીરે વિપુલ અને ઝાંઝરી  નજીક આવતા ગયા. ઝાંઝરીને આગળ વધવામાં જે સપોર્ટ જોઇતો હતો એ સરલતાથી મળવા લાગ્યો..ઝાંઝરીના બધા આસાનીથી પતવા લાગ્યા અને એને ઓફિસમાં પ્રમોશન પણ મળી ગયું..વિપુલનું કામ હવે પતી ગયું હતું..એ અતિશય સ્માર્ટ લેડીએ વિપુલને પોતાનો હાથ પકડવાથી સહેજ પણ આગળ વધવા નહતો દીધો. આખરે એણે એક દિવસ વિપુલ સાથેની મિત્રતાને ખતમ કરવાનો નિર્ણય લીધો અને મક્કમતાથી એણે એ કાર્ય માટે જરુરી પગલા પણ લેવા માંડ્યા.

પણ આ શું…એને રહી રહીને વિપુલનો સહવાસ..એની વાતો..એના શરીરને પામવાની લાલસા કેમ તીવ્ર થતી જતી હતી…વિપુલ સાથે વાતો કર્યા વગર એનો દિવસ નહતો ડૂબતો..અને ધીરે ધીરે એ પોતાના નિર્ણયમાં ઢીલી પડતી ગઈ. ઇમોશનસની સ્ટ્રોંગનેસ વાસનાની બલિ પર વધેરાઈ ગઈ. ઝાંઝરી પોતાની બધી મર્યાદા, ઇરાદા ભૂલીને વિપુલ સાથે બધી હદ પાર કરવા લાગી.. દિવસ અને રાત નશામાં વીતવા લાગ્યા.

 

થોડા સમયમાં એણે વિપુલના તન-મનને આખે આખું જાણી-સમજી લીધું. વિપુલની પ્રેમ કરવાની સ્ટાઈલથી, એની રોમાન્ટીક વાતોથી ધરાઈ ગઈ..એનામાં કશું નવીન બચ્યું નહતું. એની પાસેથી કંઈ જ ના મળી શકે એમ લાગતા એણે ક્રૂરતાથી વિપુલ સાથે રીલેશનશીપ તોડી કાઢી.. વળી એ સ્માર્ટ લેડી બહુ જ સાવચેતીથી સંબંધો આગળ વધારતી હતી, સેફ પ્લેયરની જેમ જ રમતી, જેથી એ ક્યારેય સામેવાળા પાત્રના બ્લેકમેઈલિંગ જેવા સાણસામાં ફસાય એવી શકયતાઓ નહીવત જ હતી.

અજાણતા જ એકપરીમેન્ટના નામે નવાનવા શરીરના નવા નવા પ્રેમની ટેવ પાડી ચૂકેલ ઝાંઝરી

રણકાર સાથે પણ નહતી શાંતિથી જીવી શકતી. ઝાંઝરીને પોતાની ભૂલ સ્પષ્ટ સમજાતી હતી. પણ એના એક્સ્પરીમેન્ટ કરવાની આદતો હવે એક વ્યસન બની ગયેલું અને એ વ્યસનની સજારુપે પોતાને સાચા દિલથી પ્રેમ કરનારા સીધાસાદા પતિ રણકાર સાથે એક લાશની જેમ જ જીવતી હતી. ભગવાન જાણે એ લાશમાં ફરીથી ચેતન લાવવા માટે અસીમ,વિપુલ પછી હવે કોનો વારો આવવાનો હતો..એક નવો એક્પરીમેન્ટ કોના શિરે લખાયો હશે..!

  અનબીટેબલ ઃ- જીવનપથ પર ભટકાતા દરેક અનુભવો એની રીતે મૂલ્યવાન જ હોય છે. ફરક આપણી એને વિશ્લેષણ કરવાની દ્રષ્ટિમાં જ હોય છે.

 

-સ્નેહા પટેલ

ઝંખના.


આંગણું શોભાવવાની ઝંખના
હોય તારા આવવાની ઝંખના.

ભીડની વચ્ચે હું બેઠી છું, તને
નામ દઈ બોલાવવાની ઝંખના.

છે અનેકો કામ, પડતાં મૂકશું
તારી પાસે બેસવાની ઝંખના.

સાવ હું લોઢું ને તું પારસમણી
પાસ આવી  સ્પર્શવાની ઝંખના.

થાય નહી ક્યારેય પોતાથી અલગ
હાથ એવો થામવાની ઝંખના.

ઝંખનાઓ તારી પૂરી થાય એ
જોઇને રાજી થવાની ઝંખના.

-સ્નેહા પટેલ.

‘હા…ક…છી…!’


Snap2

Gujarat guardian paper > ટેક ઈટ ઈઝી – લેખ નંબર -૨૭

http://www.gujaratguardian.in/E-Paper/01-20-2013Suppliment/index.html

વર્ષના આ છેલ્લા મહિનામાં વહેલી સવારે એકાએક જ મારા નાસિકાયુગ્મમાંથી ‘સી…અ….સ….સી…અ…સ…ટપ..ટપ..ટપાક’  કરતાં જલકણ મંદ ગતિએ ગરવા માંડ્યા. આમ તો છેલ્લાં પંદરે’ક દિવસથી શહેરમાં ચારેબાજુ આ ‘કોમન કોલ્ડ’ જેવી વ્યાધિનો ત્રાસ હતો. પણ હું મારી ‘ઇમ્યુનીટી સિસ્ટમ’ પર ગર્વ કરતી કરતી મારી ચારે બાજુના લોકો એમના નાકને રુમાલથી ફરજીયાત કવર કરવું પડે એવી સ્થિતીમાં મૂકાઈ ગયેલા એમની દયા ખાતી હતી. અભિમાન તો રાજા રાવણનું ય નહોતું ટ્ક્યું.એ જીવતો હોત તો આજે કદાચ એ પણ એના દસે દસ નાકને એના વીસ હાથ વડે રુમાલથી લૂછ્તો હોત, એના દસ માથાને વિકસ લગાવતો હોત અને દસ માથા માટે દસ તપેલીઓ ભેગી કરીને ગરમ પાણીનો નાસ લેતો હોત. મને એક વિચાર એમ પણ આવી ગયો કે એ રાવણભાઈને નાસ લેવો હોય તો દસ સગડીવાળો ગેસ બનાવડાવત કે બે બર્નરવાળા ગેસની સગડી પર પાંચ પાંચ તપેલીઓ વારાફરતી ગરમ કરત…વળી વારાફરતીમાં તો અત્યારે છે એવી ઠંડી છે એવી ઠંડી હોય તો તો છેલ્લી પંગતનો વારો આવતા આવતા તો પહેલી પેરની બે તપેલીઓનું પાણી તો ઠંડુ થઈ ગયું હોત..પછી રાવણ આ  પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા એક સ્પેશિયલ મંત્રીમંડળની મીટીંગ બોલાવત અને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી આપનારને  જોરદાર ઇનામ જાહેર કરત..ત્યાં તો ‘પર્ણોથીય વાદળકણૉ ટપ ટપ ગરે’ જેવા મારા નાકની હાલતે મને રાવણ-પંચાતમાંથી બહાર આવવાને મજબૂર કરી દીધી.

કડકડતી ઠંડીમાં મારા નીચલા જડબાએ જાણે ઉપરના જડબા જોડે અબોલા લઈ લીધેલા..કેમે કરીને એ બેનો મિલાપ થતો નહતો. એમના અબોલા કેમના છોડાવવા એના વિશે એમના પાડોશી જેવા મારા દાંત અંદરો અંદર ચર્ચા વિચારણા કરતા હોય એમ કકડ કકડ કરતા હતા. અંગે અંગ પર એ ચિબાવલી શરદીએ પોતાની બિહામણી જાળ પાથરી હતી અને એ માયાજાળના પ્રતાપે જોડ્જોડ તૂટતું હતું..દુઃખતું હતું. મારા ગુમાની શરીરે પણ એની સામે બળવો પોકારવામાં બધી તાકાત વાપરી કાઢી હતી અને એ લડાઈના પરિણામરુપે ગુસ્સાથી એ પણ ગરમ લાહ્ય થઈ ગયું હતું. પથારીમાંથી ઉભી થવા ગઈ તો ગરમ લાહ્ય જેવા શરીરના પગ સાવ પાણી પાણી. નાકમાં ગલીપચી થતી હતી. ગલીપચી એટલે લોકોને હસાવવા માટે થતી એક ક્રિયા એવા સામાન્ય જ્ઞાનને આજે આ ગલીપચી ખોટી ઠેરવતી હતી અને નાકમાં કઈ જગ્યાએ કઈ ક્રિયા કરવી તો આ અકળામણ, મીઠી ચળ મારો પીછો છોડે એ નક્કી નહતી કરી શકતી.ત્યાં તો મોબાઈલ રણક્યો.

સવાર સવારમાં આ કોણ નવરું પડી ગયું..મોબાઈલ હાથમાં લીધો અને ખ્યાલ આવ્યો કે મારી સવાર પડતાં આજે ૯.૩૦ થઈ ગયેલી.

ગ્રીન બટન દબાવ્યું

‘હલો..’

અને હું ચમકી…આ મારા ગળામાંથી આટલો આર્દ્ર અને ભીનો-ભીનો અવાજ કોનો નીકળ્યો ! મારા ગળાનું અપહરણ થઈ ગયેલું. કોઇ આસુરી શક્તિ એના પર કબ્જો જમાવીને બેસી ગયેલી અને મારું ગળું દબાવી દબાવીને મારો અવાજ જાડો કરી કાઢ્યો હતો.કોઇ અજાણ્યો જણ સાંભળે તો હું સવાર -સવારના જ કાં’ક પી-બી ને બેઠી હોઇશ એવું ધારી લે. અડધી જાગુ ને અડધી ઉંધુ જેવી હાલતમાં મગજ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય નહતું કરી શકતું..એને એક ગરમ – આદુ ફુદીનાની ચાનો કડક ડોઝ જોઇતો હતો. મોબાઇલમાં રોંગ નંબર હતો એટલે ફટાફટ એને કટ કરી બાજુમાં મૂકી મક્ક્મ નિર્ધાર કરીને રસોડામાં ગઈ અને ઢગલો આદુ -ફુદીનો નાંખીને ચા બનાવવા મૂકી. ત્યાં તો બહાર પેસેજમાંથી બૂમ સંભળાઈ,

‘ભા…ભી…’

અને હું ચમકી. આ ‘ભાભી’ વિશેષણ ખરેખર કયા ‘ભાભી’ માટે વપરાયું હશે ? ભાભી વિશેષણ જોડે ભાભીનું નામ જોડી દેવાયું હોય તો મારા મગજને બહુ વિચારવાની તસ્દી ના લેવી પડત પણ આ વિશેષણે શરદી જેવા મહાન રોગમાં પણ વિચારવંતુ કરી દીધું. આમ તો થોડા ઘણા યોગના અભ્યાસથી હું એટલું તો સમજી શકી હતી કે આપણી બે નાડી હોય છે એક પિંગળા અને બીજી ઈડા અને કાયમ એમાંથી એક જ નાડી કાર્યવંતિ હોય છે પણ શરદીમાં તો બેય નાડી બંધ થઈ જાય એટલે ગરમપાણીની વરાળનો નાસ લેવો પડે અને મહામહેનત કરીને એકાદ નાડી ચાલુ કરવાના મહાન પ્રયત્નો કરવા પડે. એટલે મારો વિચાર ચા મૂકીને બાજુમાં એ મહાઅભિયાન હાથ પર ધરવાનો હતો પણ એ ઓઝોનમાં આ ‘ભાભી’ની બૂમે મોટુંમસ ગાબડું પાડી દીધું હતું.ડ્રોઅરમાંથી વિકસ ઇન્હેલર શોધીને  સૂંઘતા સૂંઘતા ‘એ બૂમ મારા માટે તો નથી ?’ ને એ વિચારતા વિચારતા દરવાજો ખોલીને બૂમ સંભળાયેલી એ દિશામાં નજર દોડાવી.

નીચે સફેદ ઝગારા મારતી સફેદીવાળી પાઘડી બાંધેલ અને ઝભ્ભો અને ધોતિયું પહેરેલ  નજરે પડયાં. એક હાથમાં પતરાની બેગ હતી અને બીજા હાથમાં મોબાઈલનું ડબલું. પાઘડી કરતાં લગભગ ૧/૩ ભાગ જેટલો ત્રિકોણાકાર ચહેરા પર એમના કપડાંની સફેદી જોડે હરિફાઈ કરતી સફેદ મોટી મૂછો હતી જે છેડેથી કળાત્મક રીતે વાળેલી હતી, એક કાનમાં મોટામસ ડાયમંડવાળી બુટ્ટી પહેરેલી હતી. ગોળ ગોળ લખોટી જેવી લાલઘૂમ આંખો, આસ્ચ્ર્યજનક રીતે એ ચહેરા પર સહેજ પણ સૂટ નહોતું થતું એવું નાજુક સુરેખ નાક અને સફેદ જથ્થાબંધ દાઢી મૂછવાળા ચહેરા પર વધેલી જગ્યા પર એક મોટો મસ કોફી કલરનો મસો જગાપૂરણી કરતો હતો. આખો ચહેરો ભરચક..!

મેં નીચે જોઈને ઇશારાથી પૂછ્યું…’કોનું કામ છે?’

બે પળ મારી સામે બીજા ગ્રહના પ્રાણીની દ્વિધાથી મને જોઇ રહ્યાં અને પછી એમણે પણ મને ત્રણ આંગળીઓ ઇશારામાં બતાવી. મારી તો નાકમાંથી નીકળતા જલપ્રવાહની અને બેસી ગયેલા સાદની મજબૂરી હતી પણ એમને શું તકલીફ હતી તે આમ ઇશારાથી વાત કરતા હશે..! કદાચ મને બહેરી મૂંગી ધારી લીધી હશે કે શું…? ફટાફટ મેં ઇન્હેલર બાજુમાં હટાવી અને બને એટલા જોરથી પૂછ્યું, ‘કાકા…કોનું કામ છે?’ આટલું બોલતા બોલતા તો મારો મારી શ્વસનક્રિયા પરનો કંટ્રોલ જતો રહ્યો અને મોઢામાંથી છ્વ્વીસ માઈલની ઝડપે એક છીંક બહાર ધકેલાઈ ગઈ.. મારા હાથમાંથી ઇન્હેલર છ્ટકીને સીધું એ કાકાના માથા પર જઈને એમની પાઘડીમાં સંતાઈ ગયું.

હવે કાકા થોડા બાઘા બનીને માથા પર હાથ ફેરવવા લાગ્યાં..આ મારું બેટું મારા માથામાં કયો બોમ્બ આવીને ઠોકાણો?  એ કોઇ અણુબોમ્બ નહતો પણ એવા જ વિસ્ફોટ્વાળો મારો શરદીના વાયરસનો બોમ્બ હતો એ એમને સમજાવવાની મને કોઇ જ ઇચ્છા સવાર સવારમાં તો નહોતી જ.

‘એ બુન, મારે સવિતાબેનનું કામ છે…એમના ગામનો ભાઈ થાઊં..મારી પાસે એમના ઘરનો નંબર નથી…તમે એમના વિશે કાંઈ જાણો છો કે ?’

અચ્છા, આ તો પેલા  બીજામાળ વાળા સવિતાબેનની વાત કરતા હતા.

‘જુઓ ભાઈ એ બીજા માળે ૨૦૨ નંબરના ફ્લેટમાં રહે છે. લિફટમાં જઈને ૨ નંબરનું બટન દબાવજો અને બહાર નીકળીને ડાબી બાજુથી બીજા નંબરનું ઘર છે..એમના બારણે ચકલી અને પોપટનું લાલ -લીલા રંગનું તોરણ લટકે છે…દ્રવાજાની જમણી બાજુ વાંસનું ચપ્પ્લ મૂકવાનું સ્ટેન્ડ છે પણ ચપ્પલો તો નીચે જ પડી હશે એ લોકો ચપ્પ્લના સ્ટેન્ડને એકદમ ્ચોખ્ખું રાખવામાં જ માને છે…ડાબી બાજુ એક તુલસીનો છોડ છે જેમાં ૧૭-૧૮ પાંદડાવાળૉ તુલસીનો છોડ હમણાં જ વાવ્યો છે અને એમના દરવાજા પર કેસરી કલરનું પગલૂછ્ણિયું છે જેના પર વિશાળ જડબા ફાડેલ વાઘનું ચિત્ર છે…’

સવાર સવારમાં શરદીથી હેરાન પરેશાન એવી મને વધુ હેરાન કરનાર કાકાને સવિતાબેનની મસમોટી ઓળખાણ આપીને એ ભાષણની એમની પર શું અસર થઈ એ જોયા વગર જ બારણું બંધ કરીને અંદર આવી ગઈ અને મનોમન એક નિર્દોષ બદલો વાળી દીધાનો સંતોષ માણી લીધો. અંદર આવીને જોયું તો મારી ચાએ એની ઉકળવાની ક્ષમતાથી વધુ ઉકાળતા ધૈર્ય ગુમાવીને તપેલીમામ્થી બહાર નીકળીને ગેસ પર રેલાઈ ગયેલી. તપેલીના તળિયે એના અવશેષોનું ડાર્ક બ્રાઉન જાડું મલાઈવાળું પડ થઈ ગયેલું…જે થોડીવાર વધુ ગેસ પર રહે તો તપેલીના જન્મોજન્મની સાથીની જેમ ચોંટી જાત અને પછી એને સાફ કરતાં મારા નવના તેર થઈ જાય એટલે ફટાફટ મેં એ ગેસ બંધ કરી બાજુના ગેસ પર પાણીની તપેલીમાં પાણી વિકસ નાંખીને, ગરમ કરી અને માથે ટુવાલ ઢાંકીને  વરાળનો નાસ લીધો. તુલસી, આદુ,ફુદીનાવાળી ચા જેવો જ સહોદરી આનંદ શરદીથી ખળભળતા નસકોરામાં એ વિક્સયુકત વરાળપ્રવેશથી થયો, કુદરતે મફતમાં આપેલ હવા આપણા માટે કેટલી કિંમતી છે એનો અનુભવ કફના પ્રવાહી આવરણે નસકોરા પર જડબેસલાક પહેરો બાંધી દીધો હોય અને જીવ રુંધાતો હોય ત્યારે જ થાય..પરમ શાંતિ…અહાહા…મારી બેય નાડી સાથે જાગ્રુત થઈ ગઈ હતી અને એ સુષુમણા નાડીના ચાલવાથી મને એક અલૌકિક -આદ્યાત્મિક – પરમ શાંતિનો અનુભવ થતો હતો

સદ્યસ્નાતા


લાગણીના પ્રવાસે
નીકળવાનું મન થયું
વચ્ચે
ઘડી બે ઘડી
પો’રો ખાવા બેઠી
પ્રવાસમાં આવેલા પહાડો
ખીણ બધાંય
નજર સામે તાદ્રશ્ય થઈ ગયાં
સંવેદનો ચરમસીમાએ વટાવી ગયા
થાકમાંથી કલા વહેવા લાગી
કલ્પનોનો ધોધ ફૂટી નીકળ્યો
આનંદના ઝરામાં
મારી કવિતા ઝબકોળાવા લાગી
સદ્યસ્નાતા !

unbetable


દરેક સર્જક હંમેશા ઉત્તમ સર્જનકાર્ય નથી કરી શકતો.આ વાત સર્જકના જ હિતમાં છે જે એને હંમેશા જમીન પર રાખે છે.

-sneha patel

એક્સ્પરીમેન્ટ -1


phoolchhab paper > Navrash ni pal column > 16-1-2013

 

પ્રેમ પીડા લાગણી કંઇ ના મળ્યું

જિંદગી અર્થાતમાં વીતી ગઈ !

-મેગી અસનાની.

‘આ પણ એક અનુભવ જ કહેવાય ને..જીંદગી એક જ વાર મળી છે તો બધા રંગ ચાખી જ લેવા જોઇએ ને..’

પોતાના રુપકડા આઈફોનને પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે ગોળ ગોળ ફેરવતી ઝાંઝરી સોફામાં આડી પડી પડી વિચારતી હતી. ઝાંઝરી એક ખુદ્દાર અને પ્રામાણિકતાથી છલોછલ આધુનિકા હતી.  પાંચ વર્ષ જૂની નોકરી પોતાના નાજુક અહમને ઠેસ વાગતા પળના ય વિલંબ વગર છોડી દીધેલી.જોકે એના પતિ રણકારનો બિઝનેસ ખૂબ સારો જામેલો હતો. ઝાંઝરીની કમાણી ના હોય તો પણ ઘરમાં કોઇ ફર્ક નહતો પડવાનો. પણ કોલેજકાળથી કામ કરતી આવેલી ઝાંઝરીને આમ સાવ ઘરના કામકાજથી પરવારીને બપોરનો સમય સાવ ફાજલ રીતે વિતાવવાનું સહેજ પણ ગમતું નહોતું. જીવન જાણે થંભી ગયેલું…સાવ બેસ્વાદ અને ફીક્કું થઈ ગયેલું. ઓફિસમાં આખો દિવસ પોતાના સ્ટાફના મિત્રો સાથે મજાક મસ્તી અને કામકાજથી ભરપૂર દિવસ ક્યાય વહ્યો જતો ખ્યાલ પણ નહતો રહેતો.સાસુ વહુની કે સિરીયલોની ટીપીકલ ગોસિપીંગમાં એને સહેજ પણ રસ નહતો.હા, વાંચન ખૂબ ગમતું..પણ હવે તો એ વાંચી વાંચીને કંટાળી..એ નવીનતાની માણસ – ચાહક હતી. આમ સાવ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’  જીવન એને નહોતું ગમતું. પંદર વીસ દિવસ તો થોડી રાહત લાગી પણ હવે એનામાં રહેલો હતપતીયો જીવ કુદ્કા મારવા લાગેલો.

 

આજે એ શોપિંગ માટે એક મોલમાં ગઈ હતી ત્યાં એને એની સહેલી શનાનો પતિ અસીમ મળી ગયેલો. અસીમ એકલો જ હતો. બેય જણાએ શોપિંગ પતાવીને ત્યાં જ બાજુમાં આવેલ રેસ્ટોરાંમાં લંચ લીધું. એ સમયગાળા દરમ્યાન  ઝાંઝરીએ એક તદ્દ્ન નવી જ જાતનો અનુભવ ફીલ કર્યો. એની સ્ત્રી તરીકેની સિક્સથ સેન્સ એને સતત સિગ્નલ આપતી હતી કે અસીમ આજે બોલવા ચાલવામાં વધારે છુટછાટ લઈ રહેલો. શના હોય ત્યારે પણ એ ઝાંઝરીની હાજરીમાં ખીલતો હતો પણ એ મજાક મસ્તીની એક હદ સુધી જ રહેતું. આજની વાત એ બધાથી અલગ જ હતી. ઝાંઝરી ખૂબ જ સ્માર્ટ હતી..એમાં પણ એને નોકરીના કારણે આખો દિવસ જાતજાતના પુરુષવર્ગ સાથે પનારો પડતો એને હેન્ડલ કરી કરીને એ પુરુષજાતિને બહુ જ સારી રીતે સમજી શકતી હતી. ભાગ્યે જ એનું અનુમાન્, ધારણાઓ ખોટી પડતી. આજે પણ એના મગજમાં ધારણાઓ તાંડવ નૃત્ય કરી રહેલી હતી.

લંચ લઈને બેય છૂટા પડ્યાં અને ઝાંઝરી ઘરે પહોંચી.

‘નવરું મગજ શેતાનનું ઘર’ ..સામાન્ય સંજોગોમાં ઝાંઝરી આવા બધા વિષયો પર બહુ વિચાર ના કરતી અને વાતને છોડી દેતી પણ ત્યાં તો અસીમનો મેસેજ આવ્યો ઃ

‘ઝાંઝરી, તમારી સાથે લંચ લઈને બહુ જ મજા આવી. તમારા પર્સમાં મેં તમારી જાણ બહાર એક નાની લાલ ડબ્બી સરકાવેલી, એ કાઢીને જોઇ લેજો . પ્લીઝ, ગુસ્સે ના થતા અને આ વાત આપણા સુધી જ રાખશો..’

ઝાંઝરીએ તરત જ પોતાના પર્સમાંથી લાલ ડબ્બી કાઢીને જોયું તો એમાં ડાયમંડની રીંગ હતી. આ રીંગ તો એણે પણ જોયેલી..એને બહુ જ ગમી ગયેલી અને જોઈને પાછી મૂકી દીધેલી. પણ અસીમનું મને આટલી મોંઘી ગિફ્ટ આપવા પાછળ શું કારણ હોઇ શકે? આ બધાને પોતાની તર્ક શક્તિ પર ઘસતા એક જ વાત ફલિત થતી હતી. સાંજે રણકાર ઘરે આવે ત્યારે એને વાત કરીશ..જોઉં તો ખરી એ શું કહે છે, બની શકે કદાચ મારી વિચારધારા ખોટી પણ હોય ‘

 

સાંજે રણકાર આવ્યો ત્યારે ઝાંઝરી લાખ ઇચ્છા છતાં પોતાની વાત રણકાર સમક્ષ ના કરી શકી અને આખી રાત એમ જ વીતી ગઈ..બીજો દિવસ એના સમયાનુસાર ટાઈમસર ઉગી નીકળ્યો.

અને અસીમનો મેસેજ આવ્યો.એક રોમાન્ટીક શાયરી હતી. એની નાદાન હરકત પર ઝાંઝરીને હસવું આવી ગયું. ત્યાં તો બીજો..ત્રીજો..ચોથો..ઉપરાઉપરી દસ મેસેજ એના ફોનમાં રણકી ઉઠ્યાં. હવે ઝાંઝરી ચમકી..એનો વહેમ પાકકો થઈ ગયો કે અસીમ માટે એ જે વિચાર કરતી હતી એ બરાબર જ છે. પોતાની જ પત્નીની બહેનપણી સાથે આમ  ફલર્ટ કરનાર વ્યક્તિ પર એને બહુ જ ગુસ્સો આવ્યો.આ પુરુષ જાત….! મનોમન એણે અસીમને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું.એણે એક ચેલેન્જની જેમ જ અસીમની જોડે દોસ્તી સ્વીકારી અને રોજ રોજ એની સાથે કલાકોના કલાકો ફોન પર વાતો કરવા માંડી. પહેલાં પહેલાં તો નવીન અનુભવથી ઝાંઝરીને બહુ મજા આવી. અસીમ પણ શનાથી કંટાળી ગયો છે. ઝાંઝરીને એ દિલોજાનથી પ્રેમ કરે છે એમ જતાવતો હતો. આ ઉંમરે પ્રથમ નજરનો – આકર્ષણનો માસૂમ પ્રેમ ના હોય પણ ગણત્રીના સંબંધો જ હોય. ઝાંઝરી પણ પ્રયોગોના ખેંચાણમાં પરપુરુષ – બીજા પુરુષની પ્રેમ કરવાની રીતથી અંજાતી ગઈ. એક્સપરીમેન્ટમાં એની જાણ બહાર જ એના ઇમોશન્સ પણ ઉમેરાવા માંડયા અને ધીમે ધીમે બેય જણ પ્રેમના નામે શારિરીક સંબંધ બાંધવાની કક્ષાએ પહોંચી ગયા..એક..બે..ત્રણ..પછી તો આ સિલસિલો ચાલવા લાગ્યો. અસીમ પોતાની રોમાન્ટીક વાતોથી ઝાંઝરી માટે અનહદ ખેંચાણ છે …એ એક અદભુત સ્ત્રી છે એવું સતત ફીલ કરાવતો જેની ઝાંઝરીને ટેવ પડવા લાગેલી.

 

ઝાંઝરીને રણકાર માટે  બહુ જ પ્રેમ હતો પણ રણકારે એની સાથે કદી આવી વાતો નહતી કરી. આ એક અલગ જ નશીલો અનુભવ હતો.. બે-ચાર મહિનાના આ સહવાસ પછી ઝાંઝારીને અસીમ પોતાના લગ્નજીવન માટે ખતરારુપ લાગવા લાગ્યો  હતો. એણે અસીમના તન – મન બધાને તળિયા સુધી જાણી લીધો હતો. હવે અસીમની વાતમાં પણ કંઈ નાવીન્ય નહતું લાગતું..પોતાના ઇમોશન્સમાં આવતા ‘અપ્સ એન્ડ ડાઉન્સ’ ઝાંઝરીને કનડવા માંડેલા..પોતાની જાત પર કંટ્રોલ કરતા એને પણ તકલીફ થવા લાગેલી..આ બધાના ખતરા નજર સામે રમતા રહેતા એના ઉપાયરુપે એણે ધીમ ધીમે હવે અસીમથી દૂર રહેવાનું, એને અવોઈડ કરવાનું ચાલુ કર્યું. અસીમનો અહમ ઘવાતા એણે ખાસા એવા ધમપછાડા કર્યા…ઇમોશનલી બ્લેકમેઈલની રમતોમાં એ માસ્ટર હતો પણ ઝાંઝરીએ તો એનામાંથી બહાર નીકળી જવાનું જાણે પ્રણ લીધેલું હતું…અને ધીરે ધીરે મકકમતાથી એ બહાર નીકળી પણ ગઈ. અસીમે પણ થાકી હારીને એના હથિયારો હેઠા મૂકી દીધા.

ક્રમશઃ

અનબીટેબલ :– Nothing fools you better than the lie what you tell to yourself.

 

 

 

સુખડું અલ્પ -દુઃખડુ સાગર સમ -2


Snap1

 

Gujarat guardian  paper > ટેક ઈટ ઈઝી – ૨૬. 13-1-2013

http://www.gujaratguardian.in/E-Paper/01-13-2013Suppliment/index.html

તો ગયા રવિવારની મારી કરમ કહાની તરફ આગળ વધીએ મિત્રો..

બીજા દિવસનો સૂર્ય મારા માટે તકલીફોના કાળા ઘનઘોર વાદળો લઈને જ ઉગેલો. વળી ગમે એટલા ઘેરાયા હોઇએ પણ વરસાય નહી –  યેન કેન પ્રકારેણ મગજની સ્થિતી કોઇ પણ સંજોગોમાં કાબૂ બહાર જઈને ગુસ્સામાં હણહણવી ના જ જોઇએ એવી કોઇ જ કરારો વગરની મૂકશરતો તો ખરી જ !

સવારના આઠ વાગ્યામાં ચાંદ જેવા ઉજળા કપડામાં કાળા ડાઘ જેવા વાનની મારી કામવાળી છોકરીએ અધખુલ્લા બારણાંને જોરથી ધક્કો મારીને એની મમ્મી સાથે મારા ઘરમાં પ્રવેશ કર્યોં. હું અને પતિદેવ આદુ-ફુદીનાની કડક મીઠી ચા સાથે છાપુ વાંચવાનો સ્વર્ગીય આનંદ માણતા હતાં એમાં આ ધડાકાએ મારા છ્લોછલ ભરેલ ચા ના કપમાંથી થોડી ચા છ્લકાવી દીધી..બે પળમાં જ મેં મારી જાતને સંતુલિત કરી અને ગુસ્સાને મગજમાંથી છલકાતા રોકી દીધો. મગ ટ્રેમાં પાછો મૂક્યો અને એ બેયને લઈને બાજુના રુમમાં ગઈ જેથી પતિદેવ એમનો ચા – નાસ્તો કોઇ જ વિધ્ન વિના પતાવી શકે.

‘મંજુ, તને ઇલુએ કોઇ વાત કરી’કે ?’

‘હા ભાભી, પણ ચેલ્લાં દહ – દહ વરસથી અમે આ સોસાયટીમાં કોમ કરીએ સ તે અમારી વિરુધમાં યેક પણ વાત જાણવા મળી હોય તો કહો…મેલડી મા ના હમ.. કોઇના ઘરનો એક રુપયો પણ ચ્યારેય આમથી ત્યમ નો કરીએ…એવો અધર્મનો યેક રઉપયો પણ અમને નો પરવડે..તમને તો અમારો આખોય રેકોરડ ખબર્ય જ છ તો પછ કેમ આમ અમારી પૂસપરસ કરવાની..?’

‘મંજુ તને લખતા તો આવડે છે  ?’

‘હા પણ એ મારે બંધ થઈ ગયું છે કારણ હું લખું એ કોઇને સમજમોં જ નહોતુ આવતું તે પછ મેં લખવાનું જ છોડી દીધું..’

‘ઓહ…’આઘાતથી આ બે જ અક્ષર મારા મોઢામાંથી નીકળ્યા. આવો અઘરો કોઠો પાર કરવાનું કામ મારે જ નસીબે કેમ લખાયું ?

‘અરે હા, અમારી બધી બુનને આવા કાગળીયા મલ્યા સે..પણ એ લોકો પાસા ફોટો માંગે સ..તે બુન આ મારી જુવાનજોધ છોડીનો ફોટો પોલીસ ટેશને આપું તો કાલે ઉઠીને એના લગન ચેમના કરી શકાય..?’

એની વાતનો સંદર્ભ સમજતા મને લગભગ બે – ત્રણ મિનીટ થઈ.લોજીક હોય તો કોઇ સમજાવી શકાય પણ આમ લોજીક વગરની વાતમાં મારે શું બોલવું ને શું સમજાવવું એમાં હું ભારે ગૂંચવાણી.

‘જો મંજુ, આમાં કોઇ પોલીસ કેસ ના કહેવાય..આ એક ફોર્માલીટી..મતલબ..મતલબ..’  સવાર સવારના ચા પીધા વગર ફોર્માલીટી જેવો શબ્દ આને કઈ ભાષામાં સમજાવું એ જ નહતું સમજાતું..એટલે મેં ય લારા ચાવવા માંડ્યા.

પેલી બે ય જણી એકધ્યાન થઈને મારા ચહેરાને તાકી રહેલી જાણે મારું કહેલું બધું બરાબર સમજતી હોય એમ.

‘બુન..તમે કહો સો એ સંધુ ય બરોબર્ય…પણ…આમ જુવાન છોડીનો ફોટો ચ્યમનો…?’

‘એક કામ કર મંજુ, તું તારો ફોટો આપી દે તો પણ ચાલશે.’

‘હા એ બરોબર્ય કહો સો…પણ આમ તો અમે ચેટલા ઘરે કામ કરીએ..બધે ફોટા આપવા બેસીએ તો…અને એ પડાવવા જઈએ તો ચેટલા પૈસા…’

હું એની આગળની બધીય વાત સમજી ગઈ. પણ અત્યારે ગરજ મારે હતી.

‘એક કામ કર..આ મારો કેમેરો છે એમાં તારો ફોટો પાડી લઉં અને પછી હું મારી રીતે એની પ્રીન્ટ કઢાવી દઈશ. તું એની ચિંતા ના કર’

મંજુ તો ખુશ ખુશ થઈ ગઈ.

‘બુન..તમારી પેલી ગુલાબી બાંધણીની સાડી આપશો મને પહેરવા…વાત એમ ચે ને કે બહુ વખતથી ફોટા નથ પડાવ્યા…તે…’

‘હા..સારું …સારું…એ પહેરજે અને પછી તું લઈ જજે તને બહુ ગમતી હોય તો..’

‘અને બુન..મને પેલું તમે વાળમાં લાંબા લાંબા મશીનથી કંઈક કરો છો ને..એવું કરી આપશો…’

એનો સંદર્ભ મારા ‘હેર સ્ટ્રેટનર’ વિશે હતો..અને મને આંચકો લાગ્યો..આ વિગતોનું ફોર્મ મારી પાસે હજુ કેટલા ખેલ કરાવશે રામ જાણે..!

મેં તરત મારા કબાટમાંથી એને કપડાં આપીને બદલવા કહ્યું..પતિદેવ આ બધા ડ્રામાથી કંટાળેલા તો મને દૂરથી જ મગજ શાંત રાખીને કામ પતાવી લેજે…ઓલ ધ બેસ્ટ – થમ્સ અપ કરીને વહેલા તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા.

એટલામાં તો પેલી તૈયાર થઈને બહાર આવી. મારી પ્રિય ગુલાબી બાંધણીની સાડી પહેરાયા પછી આટલી ગંદી પણ લાગી શકે એ વાત માન્યામાં જ ના આવી. એનું દુઃખ મોઢું હસતું રાખીને ગળા નીચે ઉતાર્યું અને એને થોડા વાળ ભીના કરવાના કહ્યાં. બે મીનીટમાં તો એ આખું માથું ભીનું કરીને મારા ઘરની બધી લાદી પર એની નાજુક પાનીની છાપ પાડતી પાડતી મારી સમક્ષ આવીને ઉભી રહી.મારી સાડીનો છેડો પકડીને શાહજહાં હાથમાં ગુલાબ લઈને સૂંઘતો હોય એમ આંખો બંધ કરીને ઉભી રહી ગઈ. હું અવાચક થઈને એને નિહાળી રહી.આને શું થઈ ગયું..શિયાળામાં માથું ભીનું કરવાથી મગજનો તાવ તો નહી ચડી ગયો હોય ને…છાતીમાં ગભરામણ થવા લાગી ત્યાં તો પેલીએ એની નશાર્ત આંખો અધખુલી કરીને કહ્યું,

‘બુન…આ અત્તર તો બહુ રુપાળું..મને ઉંઘ આવી ગઈ એની ગંધથી…!’

મારા ફેવરીટ વિદેશી પરફ્યુમને ‘ગંધવાળું’ અત્તર કહેનારી આ અણધડ બાઈ પર મને હવે સખત ગુસ્સો આવતો હતો..મગજની નસો બરાબર ખેંચાતી હતી પણ ખેંચાયેલ કમાનમાંથી ગુસ્સાનું તીર છોડવાનું પોષાય એમ નહતું એ બરાબર જાણતી હતી. મન તો થયું કે આવા નમૂનાઓના લીધે જ ‘સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે..એક વાર તો મન થયું કે આની પાનીનો ભાગ ઉપર રાખીને ખાલી યાને મગજનો ભાગ નીચેની તરફ રાખવાની ક્રિયા યાને શિર્ષાસન કરાવી દઉં..વળતી પળે એક ખતરનાક આશંકા મગજમાં ઉદભવી ઃ’આની પાનીમાં પણ અક્કલ હશે કે ?’

‘બેન..તમે પેલું સોનાક્ષી સિન્હાનું ગીત જોયું છ ને..ઈમાં એના વાળ્ય કેવા સીધ્ધા ને સટ્ટ ચમકતા હોય સ..મને એવી વાળની હેર-ઈસ્ટાઈલ કરી આપજો હોં’કે..!

‘ઓકે’

એક માહિતીપત્રકે મને એક બ્યુટીશીયન બનાવી દીધી અને એ પણ મારી કામવાળીની -એ પણ મફતિયા…સાચ્ચે…એક સરખા દિવસો કોઇના કદી જાતા નથી !  આજના કળયુગમાં કોઇની પણ સાથે કંઈ પણ થઈ શકે છે.અડધા કલાકની શારિરીક અને માનસિક મહેનતના અંતે હું એ ડામરના પીપડાને મારા કેમેરામાં થોડી ઘણી સમાવી શકું એટલી તૈયાર કરી શકી. વચ્ચે વચ્ચે એના રાજાશાહી ફરમાનો છુટતા જતા હતા જેના તરફ મેં સદંતર દુર્લક્ષ જ સેવ્યું હતું.

એ પછી ફટાફટ મેં એના એક સાથે ત્રણ ફ્રી જેવા ફોટા ક્લીક કર્યા..છેલ્લે એણે એની દીકરી સાથે ફોટો પડાવવાનું વધારાનું ડીસ્કાઉન્ટ માંગ્યુ, એ પણ આપ્યું અને ‘ફોર્મ સાંજે ભરાવીને યાદ રાખીને લેતી આવજે’ ની શિખામણ બરાબરની રટાવી રટાવીને વિદાય કર્યાં.

સાંજે ઇલુ ને ખાલી હાથે આવેલી જોઇને મને એટેક આવતા આવતા રહી ગયો..હવે આને શું થયું પાછું..?

‘ભાભી..મમ્મીએ તપાસ કરી તો બીજી કોઇ બેનોએ એમના ફોટા અને ફોરમ નથી આપ્યાં..એ લોકો આપશે પશે જ અમે આપીશું.એમ અમારા એકલાના ફોટા અને ફોરમ થાણામાં જમા કરાવીને ચ્યોં ફાયદો..?અને હા, મમ્મીએ પેલા ફોટા મંગાવ્યા સે..તે પસે યાદ રાખીને આપજો ને…’

આને સમજાવવાની મારી બધી તાકાત ખતમ થઈ ગઈ હતી. હમણાં સુધી તો પોલીસ ચૂંટણીમાં બીઝી હતી પણ હવે જેવી ફ્રી થશે અને આ માહિતીના ફોર્મની વાત યાદ આવશે તો શું થશે..? સામેની બિલ્ડીંગમાં તો એક જણને આ જ વાત માતે એક રાત માટે જેલભેગો કરી દીધેલો..ક્યાંક અમારે પણ…આગળની સ્થિતી વિચારતા મારા રુંવાડા ઉભા થઈ ગયા. બધું ભગવાનને ભરોસે..એ જેમ રાખે એમ રહીશુ બીજું શું…!

-સ્નેહા પટેલ.

તારા વગર..


loneliness

શબ્દો ખોવાઈ ગયા છે
ભાવ રિસાઈ ગયા છે
પ્રાસ પણ ગોટાળે ચડી ગયા છે
તારા વગર…કવિતા શું લખું ?

દિવસો ઉગે છે..આથમે છે
વર્ષોના વર્ષો વહી જાય છે
મારી ઘડિયાળનો કાંટો એક જ જગ્યાએ અટકી ગયો છે.
તારા વગર…એને પુર્નજીવિત કઈ રીતે કરું?

જગત આખું એકબીજા જોડે વાત કરે છે
હાથમાં હાથ મિલાવી મુલાકાત કરે છે
આનંદ- કિલ્લોલ કરી છુટા પડે છે
તારા વગર… ઘરની બહાર નીકળીને કોને મળું ?

ચોમેર હવાની હરફર છે
વૃક્ષો ઝૂમે છે
પંખીઓ ચહેંકે છે
ફૂલો મહેંક વહેતી મૂકે છે
તારા વગર… શ્વાસ ભરીને શું કરું ?

-સ્નેહા પટેલ

સ્થાનપલટોઃ


phoolchhab newspaper > navrash ni pal column > 9-1-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

Image

હજુ વાળમાં હાથ ‘મા’નો  ફરે છે

મને બાળપણ પાછું જિવાતું લાગે.

અજંપા અમસ્તા ઉધામા કરાવે

તને જોઇ  સઘળું સમેટાતું લાગે !

-હર્ષદ ચંદારાણા.

સલૂણી સાંજ હતી. સંધ્યાની લાલીમાં સુવર્ણાને એક તપસ્વીપણું દેખાતું હતું. વિધાયક સુવર્ણાનો પતિ હજુ ઓફિસેથી આવ્યો નહતો. સુવર્ણા રસોઈ – પરવારીને હીંચકા ઉપર બેઠી હતી. આભને ગેરુરંગનો સ્પ્રે કરેલ હોય એવા વાતાવરણમાં ઘરની બાજુમાં રહેલ મંદિરમાંથી ઘંટનાદ થયો અને સુવર્ણાના કાનને આનંદથી મખમલી ગલીપચી થઈ..આનંદની અદભુત અનુભૂતિથી એ છ્લકાઈ ગઇ.

આનંદના એ નશાને બમણો કરવા, પોતાનો ખાલી સમય ભરપૂર કરવા સુવર્ણા કબાટમાંથી  કેમેરામાં કંડારાયેલ પોતાના જીવનની આહલાદક ક્ષણોવાળું આલ્બમ લઈ આવી. પોતાની દીકરીના નાનપણના ફોટા નિહાળી રહી હતી. અમુક ફોટામાં ખુશ્બુ, એની દીકરી એને વ્હાલથી ચૂમી ભરતી હતી, અમુકમાં ખાલી ખાલી નાટક કરતી કરતી ગુસ્સે થતી હતી, તો એક ફોટામાં એના ખોળામાં ગોટમોટ થઈને, દુનિયાની બધી તકલીફોથી બેખબર થઈને ઢબૂરાઈ ગયેલી…સુવર્ણાને અનાયાસે જ એનું બાળપણ યાદ આવી ગયું. એના મા -બાપનું એકનું એક લાડકું સંતાન.

‘મા..’

‘શું છે બેટા..?”

‘આજે ડ્રોઈંગ કોમ્પીટીશનમાં ફર્સ્ટ આવી આ જો એની ટ્રોફી..’

‘અહાહા..મારી લાડલી..’ મા એના માથે વ્હાલથી ચૂમી ભરી દેતી.

‘મા..આ જો ને આજે મારે રૂપા સાથે ઝઘડો થઈ ગયો..સમજતી જ નથી ને કોઈ વાતે એ..’

‘હોય હવે બેટા..ચાલ્યા કરે…કાલે પાછા બહેનપણા કરી લેવાના..આવું તો ચાલ્યા કરે,દુનિયામાં બધા સરખા ના હોય..થોડું લેટ-ગો કરી લેવાનું..ચાલ ગુસ્સો છોડી જમી લે હવે.”

મા વાળમાં હેતથી હાથ ફેરવતી ફેરવતી એને જમાડતી અને એ જમીને માના ખોળામાં માથું મૂકીને દુનિયાથી બેખબર થઈને સૂઈ જતી.આખેઆખી અકળામણની પાનખર મા ના હુંફાળા ખોળામાં વસંત થઈ જાતી અને એ જાગે ત્યારે પોતાની જાતને પહેલાં જેવી જ ખુશીઓથી હરીભરી અનુભવતી. માની મમતા યાદ આવતા એનાથી એકલા એકલા મરકી જવાયું.

ત્યાં તો ઘરનો ડોરબેલ રણક્યો…

“ટીંગ-ટોંગ…”

સુવર્ણાએ આલ્બમ બાજુમાં મૂકીને દરવાજો ખોલ્યો.

અરે. આ તો મમ્મી… પણ એ સાવ નિસ્તેજ અને થાકેલી થાકેલી કેમ લાગે છે…?

‘શું થયું મમ્મી? કેમ આટલી ઊદાસ..?’

‘બસ બેટા…તારા પપ્પા જોડે થોડું બોલવાનું થયું..શરીર અને મગજ બેય સાથ નથી આપતું હવે..થાકી જવાય છે આ બધાથી. કંટાળી ગઈ છું આ જીન્દગીથી હવે..’

‘અરે મમ્મી, હોય હવે, સંસાર છે તો ચાલ્યા કરે. કાલે અબોલા તોડીને પાછા સાથે હળી-મળીને જીવવાનું..હવે પહેલાં એ કહે કે તું જમી છું કે નહીં ?’

‘ના…મૂડ જ નથી’

‘અરે..એવું થોડી ચાલે…ચાલ મારા હાથે જમાડી દઊ આજે તને…!’

અને સુવર્ણાના હાથે કોળિયા ભરતા ભરતા સુમિત્રાબેન એના ખોળામાં માથું મૂકીને દુનિયાની તકલીફોથી બેખબર થઈને સૂઈ ગયા.

પોતે ઊભી થાય તો મમ્મી જાગી જાય એટલે સુવર્ણાએ એંઠા હાથ નેપકીનથી લૂ્છી લીધા, અને બેઠી બેઠી સુમિત્રાબેનના વાળમાં હેતથી હાથ ફેરવવા માંડી…આજે એણે સંબંધોમાં સ્થાનપલટો કર્યો.

સુમિત્રાબેનની દીકરી મટીને આજે  એમની મા બની ગઈ હતી !!

અનબીટેબલ :- વરસાદ પડી જાય પછી બારી બારણાની જેમ ઉઘડી જઈએ, તો  ઉઘાડ પછીના મેઘધનુનો આનંદ માણી શકાય.

–સ્નેહા..

આસ્તિક – નાસ્તિક


patel suvas mag. > થોડામાં ઘણું સમજજો – લેખ નં-  5.

ઘણાં વ્યક્તિઓ વારે ને તહેવારે બહુ ગર્વ સાથે પોતાનું મક્ક્મ સ્ટેટમેન્ટ ડિકલેર કરી દે છે કે ‘હું તો ભગવાન – બગવાન માં કંઈ માનતો જ નથીને..એ બધા તો નર્યા તૂત જ છે.  પથ્થરની મૂર્તિને પૂજ્યા કરવાનું..માળા-મણકાં જપ્યા કરવાના…આ બધું તો ખાલી દેખાડા જ છે. તમે મને નાસ્તિક કહો તો નાસ્તિક છું..જે કહો એ..આઈ ડોંટ કેર’.

જ્યારે ઘણા વ્યક્તિઓ ધર્મભીરૂ હોય છે. નાની નાની વાતમાં ભગવાનથી ડરીને ચાલનારા.એમના માટે ભગવાનની પૂજા – આરતી જીવનની દિનચર્યાનો  અતિમહત્વનો ભાગ હોય છે, જીવવા માટેનું પ્રેરકબળ હોય છે. વિશ્વાસ, શ્રધ્ધા જેવા ગુણોથી એમની આસ્તિકતા હંમેશા મહેંકતી, દમકતી, ચમકતી હોય છે. એમની દરેકે દરેક સમસ્યાનું સોલ્યુશન એમની શ્રધ્ધાના – પરિશ્રમના જોરે એમના પરમાત્મામાંથી જ મળી રહે છે. આખી ય દુનિયાને ચલાવનાર, સંભાળનાર એમનો પરમાત્મા એમને ફૂલ-નદી-ઝરણાં-પહાડો-પશુ-પંખી-માનવી…દરેકે દરેક જગ્યાએ દ્રશ્યમાન થાય છે. મનમાં સદા સંતોષ,આનંદ વ્યાપેલો રહે જેની ચમકથી એમનો ચહેરો સદૈવ તાજગીસભર, વિશ્વસનીય, લાગણીસભર દેખાય છે. કર્મ કરીશું પણ તારી મહેરબાની નહી હોય તો ફળ તો નહી જ મળે એવી અતૂટ શ્રધ્ધા એમના ઘણા બધા મુશ્કેલ કાર્યોમાં ‘શૂળીનો ઘા સોયથી સર્યો’ જેવી સ્થિતીનું નિર્માણ કરતો હોય છે અને પરિણામે એમની કદી પણ ના જોયેલા ઇશ્વર પર શ્રધ્ધા ટકી રહે છે..રોજ એમના ઘરમાં દીવાબત્તી સમયસર થતી રહે છે. પોતે સર્વોત્તમ છે એવું ગુમાન ક્યારેય એમના મગજમાં રાઈ ભરતું નથી અને તેઓ ડાઉન ટુ અર્થ રહીને સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.

હવે આવીએ  નાસ્તિકતાના પૂજારીઓ તરફ. જોકે આવા લોકો પોતાની નાસ્તિકતાને જીવનની દરેક પરિસ્થિતીમાં વફાદાર રહીને દુનિયાના બીજા જીવોને હેરાન કર્યા વગર ‘જીઓ ઓર જીને દો’ જેવા ગુણોથી છ્લકાતા હોય તો એમની શારિરીક અને માનસિક શક્તિ માટે મને દિલથી માન થાય છે. પોતાને સર્વોપરી માનવાથી દૂર રહી શકતા હોય, પોતાની અંદરની સારપને ઇશ્વર સમજીને સારા-ખોટાના ભેદની તારવણી કરીને જીવન જીવી શકતા હોય તો તો અતિઉત્તમ ! આવા નાસ્તિક બની રહેવામાં કંઈ ખોટું નથી. પણ થાય છે એવું કે, જ્યાં સુધી પોતાના જીવનની ગાડીનું સ્ટીઅરીંગ પોતાના હાથમાં હોય, રસ્તા પોતાને અનુકૂળ મળે અને મનચાહી મંઝિલ મળે ત્યાં સુધી તો આ ‘નાસ્તિકતા’નો જુસ્સો જળવાઈ રહે છે. પણ જ્યાં રસ્તામાં તકલીફોના ‘બમ્પ’ આવ્યાં અને ગાડીની સ્પીડ ખોડંગાઈ કે એક્સીડન્ટ થઈ ગયા, સતત પ્રયાસ કર્યા બાદ પણ મનચાહી મંઝિલના છેડાંને અડકવાને પણ અસમર્થ થઈ જાય,ચારે કોર અંધારું ઘોર હોય અને ક્યાંય કોઇ જ આશાનું કિરણ ના દેખાય ત્યારે એ નાસ્તિક માનવી અંદરથી તૂટવા માંડે છે, સેલ્ફ-કોન્ફિડનસ, ધીરજ હાથથી છુટવા લાગે છે. આવી સ્થિતી લાંબી ચાલે તો એ જ નાસ્તિક ધીરે-ધીરે ‘આસ્તિકતા’નો છેડો પકડીને એકાએક  ધર્મમાં માનતો થઈ જાય છે, પથ્થરની મૂર્તિઓમાં જીવંત ધબકારવાળા પ્રભુજીને શોધવા માંડે છે. પોતે નાદાન હતો, અજાણતાં બહુ બધી ભૂલો થઈ ગઈ,હે પરમકૃપાળુ પરમેશ્વર તારો બાળ સમજીને માફ કર અને તારી દયા દ્ર્ષ્ટિથી મને આ મુશ્કેલીઓના મહાસાગરમાંથી બહાર કાઢ..મારો હાથ પકડ !

સવાલ એ છે કે બધું ય ગુમાવીને ડરી ગયેલા, હાર માનેલા વ્યક્તિની સગવડીયણ ભક્તિ વધારે યથાર્થ કે બધું હોવા છતાં ફક્ત શ્રધ્ધા અને વિશ્વાસના ભરોસે કરાતી નિ:સ્વાર્થ ભક્તિ ?
જવાબ તો થોડામાં ઘણું સમજી જતાં આપણાં સમજુ, વિચક્ષણ વાંચકોને ખબર જ છે..બસ સ્વીકારવાનો છે.
-સ્નેહા પટેલ.

Unbeatable


ચર્ચાઓથી પ્રખ્યાત ચોક્કસ થઈ શકાય, પણ લોકપ્રિય થવા માટે તો નક્કર પરિણામ જ જોઇએ.
-સ્નેહા પટેલ

યથાર્થ.


પાનખરની  ઋતુમાં
ભૂતકાળની કડવી યાદો ખરી જઈને
નવી સુમધુર યાદો
ખુશીની લીલાશ સાથે ફૂટી નીકળે
અને વર્તમાન મહેંક મહેંક થઈ જાય..
તો જ આ વસંત યથાર્થ.
-સ્નેહા પટેલ.

સુખડું અલ્પ ને દુઃખ સાગર સમું…


Gujarat guardian paper > Take it easy – 25.

http://www.gujaratguardian.in/E-Paper/01-06-2013Suppliment/index.html

Snap1


‘જાગીને જોઉં તો

જગત દીસે નહીં

ઊંઘમાં અટપટા

ભોગ ભાસે..’

 

નરસિંહ મહેતાએ આ કયા મૂડમાં લખ્યું હશે એની તો મને જાણ નથી..પણ મને આનો આજે જાગી ત્યારથી બરાબર અનુભવ થતો હતો. વાત એમ હતી કે અમારા એરીયામાં  એકલા રહેતા વૃધ્ધ ધનવાન  કપલોને મારીને એમના ઘરમાં ચોરી કરીને ભાગી જનારા ઘરઘાટીઓનો ત્રાસ તો પહેલેથી જ હતો. પણ આજકાલ ‘જન્મીને તરત બાળપણ વિના સીધી મદમસ્ત જુવાનીમાં પહોંચી જતી મોંઘવારી’એ માણસોની હાલત એટલી ખરાબ કરી નાંખી હતી કે દરેક માણસ પોતાનું માનવપણું ભૂલવા લાગ્યો હતો..પહેલાં જીવતા રહેવા દો..! જીવન જરુરિયારતો પૂરી થશે અને જીવીશું તો ‘માનવી માનવ બને તો ય ઘણું’ થઈ શકશે.  બાકી ભૂખ્યા પેટે, ફાટેલા લુગડે અને તૂટતા ડિલ સાથે ફિલોસોફી કે કવિતા કોઇ રંગ આપણી પર ના ચઢી શકે. સમજુ, બિન-ઉપદ્રવી અને માણસો (!)ની કેટેગરીમાં માનવીઓ પણ આજકાલની મોંઘવારીમાં પોતાના મગજ અને અદવિચારો પરનો કંટ્રોલ ખોઇને પૈસા કમાવવાના બદલે મેળવવાના બને એટલા નવા નવા માર્ગો અપનાવતા થઈ ગયેલા. હવે માણસોની આ હાલત હોય તો જે પહેલેથી જ જડસુ ,જનાવરોની કક્ષામાં મૂકાતા હોય એવા ઘરઘાટીઓ કે કામવાળાઓની તો વાત જ શું કરવી..એમની પાસેથી ચારઆનાની અકક્લની અપેક્ષા રખાતી, એ ય હવે તો  અપેક્ષાનો વાડો કુદાવી ગયેલી. પરિણામે રોજ બરોજ છાપાઓમાં ઘરઘાટી દ્વારા એના માલિકની હત્યાના સમાચાર નજરે ચડતા જ સવાર સવારમાં મારી સ્ટ્રોંગ અને મીઠી ચા બ્લેક કોફી જેવી બની જતી.

આજે પણ એવો જ એક કિસ્સો ધ્યાન દોરી રહેલો ત્યાં તો મારા ઘરના દરવાજાની નીચેથી સરરર..કરતું એક ફરફરીયું ઘરમાં પ્રવેશ્યું. એ સ્વછંદી કાગળને બે પળ તો આવકારવાનું મન ના થયું…હશે..જે હશે એ..પછી નિરાંતે એને હાથમાં લઊં..પણ પવનમાં એનો ધીમોધીમો ફડફડાટ મને સતત એના તરફ આકર્ષી રહેલો…નાછૂટકે બધી આળસને ત્યજી મેં એને હાથમાં લીધું..એમાં જે લખેલું એ વાંચીને મારી બધી નિરાંતનો નશો છુ….ઉ…ઉ..થઈ ગયો.

એ એક ફોર્મ હતું જેમાં દરેક ઘરમાલિકે એના ઘરમાં કામ કરવા આવતા દરેક નોકરોની એમાં પૂરતી માહિતી અને એનો ફોટોગ્રાફ આપવાનો હતો અને બે દિવસમાં નજીકના પોલીસસ્ટેશનમાં એ વિગતોવાળું ફોર્મ જમા કરાવી દેવાનું હતું.

અત્યારની સ્થિતી પ્રમાણે આ પગલું અત્યંત આવશ્યક હતું પણ એ કાર્ય દેખાય એટલું સરળ ક્યાં હ્તું..નવના તેર થઈ જવાના હતા, ચોકકસ..!

 

ફરજીયાતપણે – ચોકકસ સમયાવધિમાં પૂર્ણ કરવાના કાનૂની કાર્યમાં મારી આળસ કે બીજા કામોની પ્રાયોરીટીને કોઇ અવકાશ નહતો. મારે ત્યાં આવતી ‘ઇલુ’ (આ મેં એનું કોઇ લાડનું નામ નથી પાડ્યું..એનું નામ જ ઇલુ છે. પણ મને એની ઉદભવકથામાં કોઇ રસ નહતો એટલે એ નામ વિશે મેં ઝાઝી ખણખોદ કરીને મારો અમૂલ્ય સમય એની પાછળ ક્યારેય નહતો બગાડ્યો..) એનો  ગિફ્ટમાં મળેલ નવો નવો ગ્રીન ડ્રેસ ચડાવીને લટક મટક કરતી પધારી. થોડા લાડભર્યા અવાજે મોટેથી સાદ પાડ્યો,

‘ભા….ભી…’ હું સામે જ ઉભી હતી એવું એને સમજાવવાનો કોઇ મતલબ નહતો…ચારઆનામાંથી આને ભગવાને એક આનો આપેલો એ પણ વચ્ચે મોટા કાણા સાથે..હું જે પણ બોલું એ બધું ય પેલા કાણાંમાંથી નીકળી જવાનું..એટલે મેં સામે એકદમ ધીમા અવાજે કહ્યું,

‘બોલ..!’  ( સામેવાળો બરાડતો હોય અને આપણે ધીમા અવાજે પ્રત્યુત્તર આપીએ તો એને પોતાના બૂમબરાડાનું ધ્યાન આવે પણ આ કેસમાં તો મેં એવી કોઇ જ આશા નહોતી રાખી.મારુ મગજ શાંત રહે અને એ મારું કામ શાંતિથી પતાવીને જાય એટલી જ આશા.) આજે તો એક વધારાનું કામ પણ કરાવવાનું હતું એનું ટેન્શન મારા માથે ગોળ ગોળ ચકરાવા લેતું હતું.

‘આ જુઓ, નવો ડ્રેસ…આને પેલું…શું કહે બળ્યું…પતિ…પતી..’

‘આને પતીયાલા કહેવાય ‘

‘અરે હા એ જ..મારી મા બહુ ગુસ્સે થાય આવું  નાનુ નાનું ટોપ પહેરીએ ને તો અને આ પહોળો પહોળો લેંઘો જોઇને મારો નાનો ભાઈ મારી હામે દાંત કાઢતો હતો કે આ શું ભરવાડોની ચોયણી જેવું પહેર્યું ચે તેં..પણ મેં તો એ કો….ઇ..ની ય વાત કાને જ ના ધરી..આ નવી નવી ફેશન છે તે લો અમને મન નો થાય આવુ બધું…તેં પહેરી લીધું..બધા ય કહે ઇલુ તું તો બહુ રુપાળી લાગે છે આમાં…તે..હેં ભાભી તમે કહો ને..કેવી લાગું છુ..?’અને પછી એનું ડોકું જમણીબાજુ ખભાને દબાવી અને ડાબેથી જમણે અર્ધવર્તુળાકારે ઘુમાવ્યું. હવે ટેવાઈ ગયેલી એટલે સમજાઈ ગયું કે આ એની લાડની, શરમાવાની સ્ટાઇલ છે એટલે આઘાત ના લાગ્યો.

દિવસે પણ સફેદ કપડાં પહેરે ત્યારે માંડ દેખાય એવા એના પાકા કાળા કલર ઉપર આ ડાર્ક ગ્રીન ડ્રેસ જોઇ મને લીલા -પીળા પટ્ટા સાથેની અમદાવાદની ઓટોરિક્ષા યાદ આવી ગઈ.

પણ ઉદારદિલે મનને ટપાર્યું..’અંધને અંધ ના કહીએ કદી..’

આમાં મારે કોઇ જ સૌંદર્યપારખુ બનીને જજ નહતું થવાનું…

‘સરસ લાગે છે’

નો દર વખતે બોલાતો એકનો એક ડાયલોગ જ ઘસડી મારવાનો હતો ને મેં એ ફરજ પતાવી દીધી અને ધીરે રહીને મારા કામનો મમરો મૂક્યો ઃ

‘ઇલુ…હું શું કહેતી હતી કે આ એક ફોર્મ આવ્યું છે. એમાં તારા વિશેની બધી વિગત..મતલબ..તારા ઘરનું એડ્રેસ, કેટલા સમયથી તું અહીંઆ રહે છે, તારું ગામ ક્યું જેવી બધી વાત સાથે તારો અત્યારનો એક ફોટો આપવાનો છે…અને મારે એને બને એટલી જલ્દીથી પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાનું છે’

‘પોલીસ-સ્ટેશન…હાય રામ..તેં બુન મેં એવું ક્યાં કંઈ કર્યું છે તે મારો ફોટો ત્યાં આપવાનો..’

પત્યું..મારી કવાયત ચાલુ..

‘અરે, આ તો એક ફોર્માલીટી ્છે, બધાંય કામવાળાઓ પાસેથી આ વિગત લેવાશે. ‘ મેં મગજ પર પૂરતો કંટ્રોલ રાખીને બને એટલી સરળ ભાષામાં એને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડી ઘણી વાત એના ભેજામાં ઉતરી…વળી એની બીજી બહેનપણીઓને પણ આવો અનુભવ થયેલો એટલે થોડી ઘણી વાત એની સમજ મુજબ ખ્યાલમાં હતી.

‘તે બુન..મારી ઉંમર તો મને નથી ખબર…કદાચ સોળ – બાર વર્ષ હશે..!’

ચાર ચાર વર્ષનો ભેદ ઉકેલવામાં મને કોઇ ગાજર ખાતો કરમચંદ જાસૂસ કે કીટી મદદરુપ નહતા થવાના.

‘તારો ભાઈ તારાથી મોટો છે ને..’

‘હા..’

‘એ કયા ધોરણમાં ભણે છે ?’

‘એ તો…આ આપણા અક્ષતભાઈ જેવડો જ..અક્ષતભાઇ ક્યા ધોરણમાં ભણે..?’

‘આઠમામાં’

‘બસ તો એ પણ દસમામાં જ છે !’ હાથની મુઠ્ઠી ભીડાઈ ગઈ..કંટ્રોલ !

‘તું કેટલા વર્ષ નાની એનાથી..?’

‘મને બહુ ખ્યાલ નથી એવો બધો..પણ લગભગ ત્રણ ચાર વર્ષ હોઇશ..’

મનોમન હિસાબ લગાવ્યો..લગભગ બાર – તેર વર્ષ થાય…પણ એ કોઇ પણ સંજોગોમાં એટલી નહતી લાગતી.

‘ઇલુ..મને લાગે કે તું સોળ વર્ષની ઉપરની હોવી જોઇએ.’

‘હોવ રે..તે એટલા તો હશે જ ને મને…શું તમે ય તે..જોકે આ આપણા અક્ષતભાઇ કરતાં નાની..એ તો જુઓ ને તમારાથી ય બેં વેંત ઉંચા છે. અરે હા..મારો નાનો ભાઈ છે એની ઉંમર લગભગ પંદર -સોળ વર્ષની હશે..તમને ખબર..મને અને મારા ભાઈને એક સાથે તાવ આવેલો ને તો હંગાથે હોસ્પિટલમાં દાખલ કરેલા. એ મોટ્ટા મોટ્ટા અંજેક્શનો ઠોકે..એની ને મારી દવા પણ સરખી..હું તો પછી છે ને દવા જીભ નીચે સંતાડી રાખું..અને પાણી પી જતી. બધા જતા રહે પછી મોઢામાંથી કાઢીને બારી મંઈથી બા’ર ફેંકી દેતી..પછી તો અમારી બાજુના પલંગ પર  ‘માસી’ આવેલા..બોલો..!’

આઘાતમાં મારાથી બોલાઈ ગયું..’તારા માસીને પણ તાવ આવેલો કે..?’

અને એ ખડખડાટ હસી પડી.’શું ભાભી તમે ય..માસી એટલે જ હમજતા નથ..માસી એટલે કે..’

અને મને એકદમ એનો સંદર્ભ ખ્યાલ આવ્યો

‘ઓહ ..ઓકે..ઓકે..’

‘તે પછ..અમે તો રુમ બદલાવી કાઢ્યો…એમ માસીઓ જોડે ચ્યમનું ફાવે હે..?’

‘હા ના જ ફાવે..’

મને થયું કે હવે આને વધારે પૂછ પરછ કરીશ તો હું કદાચ મારા દીકરાની ઉંમર ભૂલી જઈશ.

 

‘શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી,

સુખડું અલ્પને

દુઃખ સાગર સમું…’

 

રમ્યા વગર જ હાર માની બેઠેલા યોધ્ધાની પેઠે મેં એને કહ્યું,

‘તું અત્યારે કામ પતાવ..અને સાંજે તારી મમ્મી કે પપ્પાને લઈને આવજે. હું એમની જોડે વાત કરી લઈશ..’

‘એ હારું બુન…’

 

-વધુ આવતા અંકે.

-સ્નેહા પટેલ

લીવ ઇન રીલેશનશીપ


Smruti khodaldhaam mag. > january months articl

હમણાં જ રાજેશખન્નાના મોત પછી એની મિલકત માટે માર્કોસ ફેમિલીની ભત્રીજી –ભાણી અનીતાનો ‘કાકા’ની મિલક્તમાં હિસ્સો માંગ્યો એ વાત વાંચવામાં આવી. એની હિસ્સો માંગવા પાછળ એ બેની વચ્ચેનો સંબંધ કયો તો જવાબ મળ્યો – ‘લીવ ઇન રીલેશનશીપ’. ગયા વર્ષે મીનાકુમારીને શ્રધ્ધાંજલી આપવા અનિતા શોકસભામાં ગયેલી ત્યારે લોકોની નજરમાં એ ‘કાકાની ગર્લ ફ્રેંડ’ તરીકે લાઈમલાઈટ્માં આવી ગયેલી.

રોમાન્ટીક હીરોના આઈકોન સુપરસ્ટાર રાજેશા ખન્નાના જીવનમાં  આમ તો ટીના મુનીમ,મુમતાઝ.ડિમ્પલ,અંજુ મહેન્દ્રા જેવા નામ તો જાણમાં હતા જ પણ આ નામ નવું લાગ્યું, નેટ પર શોધતા ખ્યાલ આવ્યો કે આ તો કાકાની લેટેસ્ટ ગર્લફ્રેંડ. જોકે મારા માટે જ આ નામ નવું હશે…કારણએ દેવીજીએ તો ‘કાકા’અને પોતાના સંબંધો 33 વર્ષ જૂના બતાવ્યા છે..એ લગભગ તેર વર્ષની હતી ત્યારે કાકાએ એની મરજી વિરુધ્ધ એની સાથે દૈહિક-સંબંધ બાંધ્યા હતા અને પછી એ બેનને એકદમ જ મહાગ્યાનની પ્રાપ્તિ થઈ કે રામ જાણે શું ..એણે સામેથી કાકા જોડે’લીવ ઈન રીલેશનશીપ’ની સ્થિતી હસતા મોઢે સ્વીકારી લીધી. સાઈઠે લોકોની બુધ્ધિ નાસે ત્યારે કાકાની તો આ ઊંમરે પણ નવી નવી ગર્લફ્રેંડસ કેમ પટાવી શકાય એની બુધ્ધિ સાબૂત હતી. જો કે મજબૂત પાસુ તો એનો 200 કરોડનો આશીર્વાદ બંગલો જ  ગણાય. પછી સાચી વાત તો હરી જાણે.

આખીય વાતમાં આ ‘લીવ ઇન રીલેશનશીપ’ શબ્દ જ મને કઠ્યો.આ ‘રીલેશનશીપ’ આટલા મોટા પાયે અસ્તિત્વમાં આવવા પાછ્ળનું કારણ શું હોઇ શકે ? આ લીવ –ઇન –રીલેશનશીપ એ આપણે માનવીઓએ મારી મચડીને –પ્રેમના રોદણા રડીને પોતાની તરફેણમાં કરી લીધેલો કાયદો નથી ? સગવડીયો ધર્મ હોય એમ જ આ સગવડીયો પ્રેમ !

બાળપણમાં કંટાળ્યા હો અને  મન બહેલાવવા માટે-રમવા માટે માર્કેટમાંથી તમારી ઇચ્છાશક્તિ – ખરીદશક્તિ પ્રમાણે રમકડાંની ખરીદી કરી લેતા હો એમ જુવાનીમાં મન બહેલાવવા માટે એક પાર્ટનર શોધી લેવાનો. આજકાલ  ઉચ્ચ  શિક્ષણ મેળવીને પોતાની કેરીઅર બનાવવાના ચક્કરમાં યુવાનીયાઓથી પોતાની વધતી જતી ઉંમર, એની જરુરિયાતો ને નજરઅંદાજ નથી કરી શકાતી. પૈસો અને શારિરીક જરુરિયાત બેય એમના માટે મહત્વની થઈને ઉભી રહી જાય છે. એમાંથી પસંદગી બહુ અઘરી હોય છે. વળી આજકાલની ભણેલી ગણેલી પેઢી આત્મવિશ્વાસથી ફાટ ફાટ થતી અને પ્રામાણિક હોય છે એટલે એમને લગ્ન પહેલાં પોતાને એક જોડીદારની જરુર છે એમ સ્વીકારવામાં કે એનો સમાજ સમક્ષ સ્વીકાર કરવામાં કોઇ સંકોચ નથી થતો. મારી મચડીને દરેક તથ્યો પોતાની અનુકૂળતાના ચોકઠામાં ગોઠવીને જીવતી આ પેઢીના જીવનમાં ‘પૈસો કે પાર્ટનર’ બેમાંથી એકની પણ કમી હોય તો એમનો પહાડ જેવો આત્મવિશ્વાસ ઘડીના છઠ્ઠા ભાગમાં ચકનાચૂર થઈ જતા વાર નથી લાગતી. વળી ઉચ્ચ શિક્ષણ મેળવીને તર્કના ઢગલા પર બેઠેલી આ પેઢી માણસમાં વિશ્વાસ મૂકવાનું અને પોતાનામાં મૂકેલો વિશ્વાસ સાચવવાનું બહુ મહત્વનું નથી ગણતી. એટલે એમના માટે લગ્ન કરીને કોઇ એક માણસમાં પૂરેપૂરો વિશ્વાસ મૂકવાનું કાર્ય તો અતિ દુશ્કર જ લાગે. એટલે આવા ‘લીવ ઇન રીલેશનશીપ’માં પાર્ટનરનો ‘ટ્રાયલ એન્ડ એરર’ જેવા સ્કોપ સાથે ચાંસ લઈ લે છે. આ પેઢીમાં નૈતિક મૂલ્યો હવે એમની વ્યાખ્યા બદલી રહયા છે.

આ ચલણનો મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં તો રાફ્ડો ફાટયો છે. આઈટી જેવા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં યુવાનીઆઓ પોતાના શહેરને છોડીને બીજા શહેરમાં નોકરી કરવા જવુ પડે છે. ત્યાં મોંઘવારી, ઘરના ધરખમ ભરવા પડતા ભાડા આ બધું આ પેઢીને લિવ ઇન રીલેશનશીપના સંબંધ તરફ વધારે આકર્ષે છે.બેય પોતપોતાની મન થાય એ રીતે જીવે, કોઇએ એક હદથી વધારે બીજાના કામકાજમાં માથું નહી મારવાનું. બે ય જણ આમ બંધાયેલા અને આમ છૂટ્ટા. જોકે અહીં બંધાયેલ શબ્દ કદાચ અર્થહીન થઈ જાય. બંધન તો લગ્નમાં જ આવે આમા તો હરાયા ઢોર જેવા છૂટ્ટા જ ફરવાનું, મન થાય ત્યારે ચારો ખાઇ લેવાનો.

આતો થઈ અપરિણીતોની વાત..હવે પરિણીત યુગલોની વાત લઈએ તો,

મનુષ્યનું મગજ સતત બદલાવ ઝંખતુ હોય છે. એ કોઇ પણ એકની એક સ્થિતી કે સંબંધમાં બહુ સમય મનથી બંધાઈને નથી રહી શક્તો. વખત જતા એને પોતાના સંસ્કારો, લાગણી, નૈતિક મૂલ્યો આ બધું બધું લગ્નજીવનને ટકાવી રાખવામાં બહુ મદદરુપ થાય છે. ‘ટકાવી’ રાખવા જેવો શબ્દ જ કેવો વિચિત્ર લાગે છે કેમ? પણ આ હકીકત છે. સમય જતા આપણે સામેવાળા પાત્રના અસ્તિત્વમાંથી અધૂરપના કાંકરા વીણવા માંડીએ છીએ જે સમય જતા ધીરે ધીરે આપણને પહાડ જેવા મોટામસ લાગવા માંડે છે. જેના પરિણામમાં  છુપા-છુપીની રમત સાથે આવા ‘લીવ-ઇન –રીલેશનશીપ’ સંબંધો અસ્તિત્વમાં આવે છે.  જોકે આ પેઢી આજકાલના યંગસ્ટર જેટલી પ્રામાણિક કે જેવા પડશે એવા દેવાશેની વિચારધારાવાળી  બિન્દાસ કે સાવ છેલ્લી કક્ષાની અસામાજીક નથી હોતી…દૂધમાં અને દહીંમાં એમ બેયમાં પગ રાખવાનું સરળ તો નથી જ એ વાત તેઓ બરાબર જાણે છે. નવી પેઢી ભૂલો કરે છે અને એના પરિણામો પણ ખુદ્દારીથી સ્વીકારી, પચાવી જાણે છે.. છુપાઈ -છુપાઈને  લીવ ઇન રીલેશનશીપ બાંધતા પરિણીત લોકોને પણ ખબર હોય છે કે સત્ય ગમે ત્યારે ઉજાગર થવાનું જ છે.કોઇ વાત ક્યાં સુધી છુપાવી શકવાના ? એ લોકોએ થોડી પળોની અવિચારીપણે મજા માણતા પહેલાં એના જે પરિણામો આવે એ સ્વીકારવાની તૈયારી રાખતા શીખ્યે જ છુટકો.

બાકી કોઈ કોઇને કદી કયાં સમજાવી શક્યું છે ? બેટર છે કે…

તમે ધીરજ , પ્રેમ અને સમજણ રાખીને શાંતિથી – પ્રેમથી જોડે ના રહી શકતા હો તો સંબંધમાં બંધાયેલ માણસને છેતરો નહી, પવિત્ર અને સુંદર સંબંધોની છબી ના બગાડો અને છૂટાછેડા લઈને ગરિમાપૂર્વક અલગ થઈ જાઓ.

આપણા સમાજના લગ્નજીવનની ‘લીવ ઇન રીલેશનશીપ’ ની જેમ આ ‘ફરજીયાતપણે સંબંધ ટકાવી રાખવા’ એ પણ એક અતિ દુ:ખદ સ્થિતી છે .  આપણે જોતા આવ્યા છીએ કે આપણા સંતાનો આપણી વાતો કરતા આપણા વર્તનને જોઇને વધુ શીખે છે. શું સંતાનોને આપણો ભવ્ય વારસો આવો જ હશે ?  આવનારી પેઢીના જ્યાં દરેક યુગલમાં સ્ત્રીનો પહેલા પતિનો પુત્ર અને બીજા પતિની પુત્રી કાં તો પુરુષનો પહેલી પત્નીનો પુત્ર અને અત્યારની પહેલી—બીજી—ત્રીજી—લીવ ઇન રીલેશનશીપવાળી  (આને પત્ની તો ના જ કહેવાય / કાં તઓ અંદરખાનેએકાંતમાં મન મનાવવા કહેતા હોય તો ખબર નહી…આ બહુ  જ કંફ્યુઝીંગ વાત છે એટલે એને અહીં જ છોડી દઈએ )   કે ઓફિશીયલ સાત ફેરા ફરીને પરણેલી સ્ત્રીઓના સંતાનો અંદરો અંદર પ્રેમમાં પડે – લીવ ઇન રીલેશનશીપ બાંધે કે છેલ્લે પરણી પણ જાય એવી સ્થિતિ ઉતપન્ન થાય તો નવાઈ ના પામતા..!

-સ્નેહા પટેલ.

હીરાની વીંટી


યાદ તારી સાચવી શકુ એવી
એક દાબડી દઈ દે
.
.
.
મને એક હીરાની વીંટી લઈ દે !

-સ્નેહા પટેલ.

કમાણી


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

phulchhab paper > Navrash ni pal column > 1-2-2013

 

નવો મારગ મેં કંડાર્યો હતો મારા પગલાંથી

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાઓથી.

-ખલીલ ધનતેજવી.

 

મૃણાલ એક સુંદર મજાની નાજુક અને નમણી 25 વર્ષની યુવતી હતી. એક ખાનગી કંપનીમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરતી હતી. એના મધ્યમવર્ગના પરિવારમાં એક નાનો ભાઈ અને મમ્મી પપ્પા હતાં પપ્પાની કમાણીમાંથી ઘરનું પાલનપોષણ આજની મોંઘવારીમાં દુ:ષ્કર હતું. નાનો ભાઈ હજુ  બારમા ધોરણમાં ભણતો હતો. મૃણાલની નોકરી પછી એના ઘરની સ્થિતીમાં ખાસો એવો ફરક પડ્યો હતો.સામાન્ય મધ્યમવર્ગમાંથી એમનો પરિવાર ઉચ્ચ મધ્યમવર્ગની કક્ષાએ પહોંચી શક્યો હતો.

મૃણાલની મા સિવાય બધાંય ઘરમાં હાશકારાનો શ્વાસ ભરતા હતાં. મૃણાલના મમ્મી લતાબેનને મૃણાલની વધતી જતી ઉંમરની ચિંતા થતી હતી. વળી છેલ્લા 5 વર્ષથી એ અને પર્યાંક ગળાડૂબ પ્રેમમાં હતાં તેની લતાબેનને એકલાને જ જાણ હતી. એમની મૃણાલ આજના જમાનાની ઉછાંછ્ળી છોકરીઓ જેવી નહતી પણ જુવાનીનો નશો ભલભલા ડાહ્યા માણસોને પળમાં ભાન ભૂલાવી શકે છે એ લતાબેન બરાબર જાણતા હતાં. એમનો જીવ સતત ઉચાટમાં રહેતો. આખરે એમણે આટલા વર્ષોથી મનમાં ધરબેલી વાત પતિ રમેશભાઈને કહી. રમેશભાઈ બે ઘડી તો સૂન્ન જ થઈ ગયાં.પછી જ્યારે એમને ખબર પડી કે પર્યાંક સારા ઘરનો સંસ્કારી છોકરો છે અને લતાબેન એને સારી રીતે જાણે છે ત્યારે એમને થોડી રાહત થઈ. કમાઉ દીકરીને હવે પરણાવી દેવી પડશે..માંડ માંડ થોડો રાહતનો શ્વાસ લઈને પોરો ખાતા હતા ત્યાં તો ‘દીકરી પારકી થાપણ’ ની ક્રૂર વાસ્તવિકતા વિશાળ અજગર સમી એમની સામે મોઢુ ફાડીને ઉભી રહી. પોતાના મનમાં ઉઠેલ વિચારની ફેણ તરત દબાવીને મનમાં પાછો ધરબી દીધો.

પર્યાંકના ઘરે બધાને મૃણાલ વિશે ખ્યાલ હતો.એ લોકોને તો છોકરી બહુ જ ગમતી હતી. શુભ દિવસ જોઈને ગોળધાણા માટેનો દિવસ નક્કી કર્યો.

મૃણાલના સમૃધ્ધ સાસરાની જાહોજલાલી જોઇને રમેશભાઈ મનોમન મૂંઝાતા હતા. છેવટે એમણે પોતાના મનની વાત લોકો સમક્ષ ઉચ્ચારી :

‘વેવાઈ,તમારી બધી વાત બરાબર પણ તમે લોકો લગ્ન વખતે અમારી જોડેથી…આઈ મીન…અમારી આર્થિક સ્થિતી તો તમે જાણો જ છો…મતલબ…તમારી ઇચ્છા…’ રમેશભાઈ એ લારા ચાવવા માંડ્યા.

મૃણાલના ભાવિ સસરા રાકેશભાઈ તરત બોલ્યા:

‘અરે,રમેશભાઈ…આ શું બોલ્યાં? આજના જમાનામાં તો છોકરા છોકરીના મન મળે એ જ સૌથી મોટું કરિયાવર. એમની વચ્ચે પ્રેમ આવો ને આવો જ તરોતાજા રહે એમાં જ આપણી ખુશી. વળી તમે તમારી દીકરીને આટલા સારા સંસ્કાર આપ્યાં છે..ભણી ગણીને આજે આટલા સારા પગારની નોકરી કરે છે..પોતાના પગ પર ઉભી છે. આવી સ્વનિર્ભર, ખુદ્દાર, સંસ્કારી અને પ્રેમાળ છોકરી સિવાય વધુ શું જોઇએ કોઈ પણ છોકરાના મા-બાપને?’

અને રમેશભાઈની આંખમાંથી આંસુ ચૂઈ પડ્યાં.તરત જ પર્યાંક આગળ આવ્યો અને રમેશભાઈ અને લતાબેનનો હાથ પકડીને બોલ્યો :

‘મમ્મી-પપ્પા, તમે દીકરી આપીને દીકરો મેળવશો..એની ખાત્રી રાખજો. વળી મૃણાલ પહેલાંની જેમ જ પોતાનો પગાર એ ઇચ્છે ત્યાં વાપરી શકે છે.એની ઇચ્છા હોય તો એ પૂરેપૂરો તમારા હાથમાં મૂકે, એની ઇચ્છા હોય તો બચત કરે, શોપિંગ કરે…એને કોઈ કંઈ જ પૂછ્નારું નથી.. મને એની સમજ્શક્તિ પર પૂરો વિશ્વાસ છે.’

‘અરે જમાઈ બાબુ, એમ થોડી હોય…દીકરી પરણી ગયા પછી એની કમાણી અમારાથી ના લેવાય..એ તો મોટું પાપ….’

એમને વચ્ચે જ રોકીને પર્યંક બોલી ઉઠ્યો,

‘એ બધા જમાના ગયા પપ્પા. દીકરો હોય કે દીકરી..દરેક માણસ પોતાની મહેનત, બુધ્ધિ , આવડતથી કમાય છે અને પોતાના પૈસા એણે કયાં વાપરવા એનો એને પૂરતો અધિકાર છે. દીકરીની ને દીકરાની કમાણી એ વળી શું ભેદભાવ..? મારા પૈસા હું મારા મમ્મી પપ્પા પાછ્ળ વાપરું તો મૃણાલ મને રોકવાની છે..? તો એને હું એના માતૃત્વનું ધ્યાન રાખતા કેમ ટોકી શકું..? તમે જરા પણ ચિંતા ના કરશો વડીલ…અમે બેય જુવાનીયા આ બેય ઘરનું બરાબર ધ્યાન રાખી શકીએ એટલા સમજદાર અને કેપેબલ થઈ ગયા છીએ. અમારી સમજશક્તિ અને પ્રેમ પર વિશ્વાસ રાખીને અમને બેયને લગ્ન કરવાની પ્રેમપૂર્વક મંજૂરી આપો,,બસ !’

અને

ત્યાં ઉભેલા દરેક જણની આંખોની કિનારીઓ પલળી ગઈ.

અનબીટેબલ : દરેક નવીન અને સાચી વાત પહેલા મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેલ્લે તેનો સ્વીકાર થાય છે. – સ્વામી વિવેકાનંદ