http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx?site_id=2&supp_id=1
ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 28-11-2012નો લેખ :
ઉંબરે દીવો સળગતો મૂકવાનો છે સમય,
ટોડલે ટાંપીને બેઠી છે હવા પણ લાગમાં..
-ખલીલ ધનતેજવી.
નીરવ એક અતિ બુધ્ધિશાળી અને તરવરીયો જુવાન હતો. લેટેસ્ટ ટેકનોલોજીના જંગલો એને અનહદ આકર્ષતા. એ હંમેશા દુનિયાની દરેક માહિતીથી પોતાની જાતને બને એટલું અપડેટ રાખવાનો પ્રયત્ન કરતો. એમાં ને એમાં આજકાલ એને ફેસબુક ઉપર જાતજાતના પેજીસ અને ગ્રુપ્સમાં પોસ્ટ થતી વાતો વાંચવાની બહુ મજા આવતી હતી.
શરુઆતમાં ફકત કુતૂહલ ખાતર જોઇન કરેલા પેજીસ અને ગ્રુપના ડીસ્કશનોમાં જે પોસ્ટ ગમતી એને લાઈક કરતો..ફેસબુકમાં ‘અનલાઈક’ નું ઓપ્શન તો છે જ નહી એટલે એ પોસ્ટ ના ગમી..ના ગમી તો કેમ ના ગમીના કારણો એના મનમાં સતત ધુધવાતા સાગર પેઠે હિલ્લોળા લેતા રહેતા. ધીમે ધીમે એ ઘુઘવાટ શબ્દોનું રૂપ ધારણ કરવા લાગ્યો અને કોમેંટ્સ રુપે વરસવા લાગ્યો.
ફેસબુક એટ્લે ચર્ચાનો ચોરો. આપણી પોળોમાં પહેલાં લોકો જેમ થોડા નવરા પડે કે ઓટલાઓ પર ભેગા થઈને ચર્ચાઓના મંડાણ કરે એમ અહીં લોકો નેટ અવેલેબલ હોય એટલે ગમે ત્યારે ઓફિસ, ઘર કે ઇવન ઘણાં લોકો તો બાથરુમમાંથી પણ નેટ વાપરવાનું નથી ચૂકતા.
નીરવ બુધ્ધિશાળી અને નોલેજેબલ છોકરો હતો. ધીરે ધીરે ચર્ચાઓના વર્તુળોમાં એ પોતાની સચોટ અને ધારદાર કોમેંટ્સ, વિચારો દ્વારા મશહૂર થતો ચાલ્યો. એવામાં પોલિટીકલ પાર્ટીનું એક ગ્રુપ એના ધ્યાનમાં આવી ગયું.
પોતાના મનગમતા પોલિટીકલ નેતાની વિરુધ્ધમાં લખાયેલ લખાણો જોઇ જોઇને એનું લોહી ઉકળી જતું. નેટ પર જાતજાતની સાઈટ્સ સર્ફીંગ કરી કરીને, ગુગલ પરથી માહિતીઓ એકઠી કરી કરીને એ પોતાના નેતાને સિધ્ધાંતવાદી અને પ્રામાણિક પૂરવાર કરવામાં લાગી ગયો. એના માટે દિવસ રાત પોતાના મિત્રો સાથે સતત ફોન પર ચર્ચાઓ કરતો, ફેસબુકમાં પોતાની કોમેંટ્સની નીચે કોણ અને ક્યારે લખી જાય છે એનું સતત ધ્યાન રાખતો રહેતો અને બરાબર વિચારીને એમને વળતો જવાબ પણ આપતો..ફેસબુકમાં બીજે બધે પણ આવી ચર્ચાઓ ચાલતી એમાં પણ એ પૂરા જોરશોરથી પોતાની શાબ્દિક તલવારની ધાર કાઢીને કોમેંટ્સ કરવા માટે ઝંપલાવી દેતો.
કોણ બોલે છે, કોને કહે છે, કોના માટે…આ બધાંનું એને કંઈ જ ખ્યાલ નહોતું. નેટની દુનિયામાં અડધા ઉપરના ફેક આઈ ડી હોય છે એ વાતનું એને ભાન પણ નહોતું પડતું. જોશમાં હોશ ગુમાવી બેઠોહતો..ચોવીસ કલાક ફેસબુક..ફેસબુક…ફેસબુક…બધાની અસર એની નોકરી, સામાજીક સંબંધોમાં પણ પડવા લાગી. ધીરે ધીરે લોકો એનાથી દૂર થતા ચાલ્યાં. પણ એને તો એ બધાંની કોઇ પડી જ નહતી. એ ભલો ને એનું લેપટોપ કે મોબાઈલ ભલો..!
ચૂંટણીઓ નજીક આવતી ગઈ એમ એમ ચર્ચાઓ વધારે ને વધારે રંગ લાવતી ગઈ.નીરવનું નામ બધે વખણાવા લાગ્યું…વાહ..વાહ…એની કોમેંટ્સ કે સ્ટેટસને ઢગલેઢગલા લાઈક મળવા લાગ્યાં..અને…એક દિવસ ચૂંટણી પતી ગઈ.
નીરવે બીજા જ દિવસે ફેસબુકમાં પોતાના મનપસંદ પેજ ખોલવાનો પ્રયત્ન કર્યો તો રાતો રાત એ એકાઉંટ ડીલીટૃ કરી દેવાયેલા. નીરવની વાહવાહી કરનારા ઢગલે ઢગલા એકાઉંટ બંધ થઈ ગયેલા. એ બધા જ ફેક આઈ ડી હતા જે ફકત ચૂંટણીને લઈને હોહા-ચર્ચાઓ કરી કરીને પબ્લીસીટી મેળવવા માટે, લાઈમલાઈટમાં રહેવા માટે જ ખોલાયેલા. ગરજ પતી ને વૈદ વેરી. બધા એકાઉંટ્સ બંધ. નીરવ તો એકદમ હતપ્રભ થઈ ગયો. આ ચૂંટણીની ચર્ચાઓમાં એણે પોતાના રીઅલ લાઈફના કેટલાંય મિત્રો સાથે ફેસબુકમાં ખોટી ખોટી ચર્ચાઓ કરીને નારાજગી વહોરી લીધી હતી. વર્ચ્યઅલ દુનિયાના મિત્રોને સાચવવામાંએ વાસ્તવિક દુનિયાના મિત્રોને ગુમાવી બેઠેલો. નકરી ચર્ચાઓ કરી કરીને પોતાનો અમૂલ્ય સમય સાવ જ વેડફેલો. કોની જોડે ચર્ચાઓ કરી અને કોને પ્રસન્ન્ કર્યા એ તો રામ જાણે..બધા એકાઉન્ટ તો એક જ રાતમાં ડીલીટ..અને નીરવ વિચારમાં પડી ગયો…શું નેટની દુનિયા સાવ આવી ખોખલી, સંવેદનવિહીન, બેશરમ.અહીં કોઇને કોઇની બે આંખની શરમ જ નથી અડતી..પોતાના જેવા અર્થહીન ચર્ચાઓમાં સમય બગાડનારા મૂર્ખાઓ દુનિયામાં કેટલા એ વિચારતા વિચારતા બે હાથે માથું પકડીને પોતાના ટેબલ પર બેસી પડ્યો.
અનબીટેબલ :- Learn to appreciate what you have, before time forces you to appreciate what u lost.