fulchaab paper > navrash ni pal column > 26-11-2012’s article
સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી
જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી.
-રમેશ પારેખ
રુપાલી આજકાલ બહુ ખુશખુશાલ રહેતી હતી. એના બધા કામ એ સમયસર સ્ફૂર્તિથી હસતાં – રમતાં પૂરા કરી શકતી હતી. કામ પત્યાં પછી પણ એની પાસે પોતાના ડ્રોઈંગ જેવા શોખ માટેપણ પૂરતો સમય ફાળવી શક્તી હતી. હસતાં – રમતાં ઉગતો દિવસ હસતા રમતા આથમતો. સંતોષ..આ બધા પાછ્ળનું કારણ હતું એની નવી કામવાળી છોકરી.
આશરે 15-16 વર્ષની આનંદી, મધ્યમ કદકાઠીની હસમુખી છોકરી રમાએ રુપાલીના ઘરનું સારું એવું નાનું નાનું કામ માથે લઈ લીધેલું અને ખૂબ જ સફાઈપૂર્વક એને પાર પાડતી હતી. પહેલાં પહેલાં એને સહેજપણ કામ કરતા નહોતું આવડતું. એની મા રુપાલીને ત્યાં વર્ષોથી કામ કરતી ને વારંવાર બીમાર રહેતી હતી. છેવટે એને છેલ્લા સ્ટેજનું કેન્સર ડીટેકટ થતા થાકી હારીને એણે રુપાલીનું કામ છોડી દીધું પણ ઘર ચલાવવા માટે એણે મજબૂરીમાં પોતાની મોટી દીકરી રમાને રુપાલીના ઘરે નાના મોટા કામ માટે મોકલતી. વારંવાર એ રુપાલીને કહેતી રહેતી,
‘બુન અમારે ગરીબ માણહને તો ઇજ્જત જ મોટી મૂડી. મને તમારી પર પૂરતો વિશ્વાસ છે. તમે મારી રમાડીને તમારી દીકરી જ્યમ જ હમજજો..’અને રૂપાલી થોડામાં બધું સમજી જતી.
‘ચિંતા ના કર બેન. તું તારે શાંતિથી આરામ કર અને જલ્દીથી સાજી થઈ જા.’
‘સાજી તો હવે…’અને રુપાલી એનું મોઢુ બંધ કરી દેતી.
‘સારું સારું વિચાર બેના..બધું સારું જ થશે.’
રમાને ઘરે તો લઈ આવી પણ એને કામમાં બહુ સમજ નહતી પડતી. રુપાલીએ ધીરે ધીરે એને ઘડવા માંડી. એનો પ્રેમ અને ધીરજ બેય રંગ લાવી હતી. ત્રણ મહિનામાં તો રમા ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ ગઈ. રુપાલીના કહ્યા વગર પૂરતી પ્રામાણિકતા અને ખુશીથી એના કામ ફટાફટ કરી નાંખવા લાગી. આજના જમાનામાં આવા કામવાળા મળે ક્યાં..પણ રુપાલીની ખુશી બહુ ઝાઝી ટકી નહી.
એક દિવસ રમાએ રુપાલીને કહ્યુ,
‘બેન, તમારા મોબાઈલમાંથી એક ‘મિસકોલ’મારવા દેશો ?’
‘કોને..?’
‘હઅ..અ…પેલા સાગરને..તમે તો ઓળખો છો ને..મેં થોડા દિવસ પહેલા અમે લગ્નમાં ગયેલાત્યાં મારા જીજાજીના મિત્રની વાત કરેલી તમને ..યાદ છે..બસ એ જ..’
‘પણ મીસકોલ શેના માટે..?’
‘હું મીસકોલ કરીશ એટલે એ સામેથી ફોન કરશે બેન..તમારે બીલ નહી ચડે..પ્લીઝ..પેલા એ બ્લોકમાં પેલા ભાભીને ત્યાં કામ કરુ છું એમના ત્યાંથી પણ આમ જ વાત કરું છું’
રમા પણ રુપાલી જોડે રહીને થોડા થોડા અંગ્રેજી શબ્દો સાથે સુધરેલી ગુજરાતી ભાષા બોલતા શીખી ગયેલી.
અને રુપાલી બધી વાત સમજી ગઈ. સાગર નામ તો સાંભળેલુ પણ એને એમ કે એ તો બે ઘડીની મસ્તી..પણ વાત આ હદ સુધી જશે એ તો એને સપને પણ ખ્યાલ નહતો.માંડ માંડ એક સારી કામવાળી મળી, એની પાછ્ળ આટલી બધી મહેનત કરી અને હવે જો એ એને વાતો નહી કરવા દે તો કદાચ એની છ્ટકી જાય અને કામ છોડી દે તો…તો…રુપાલીને એ વિચાર પણ તકલીફદેહ લાગ્યો. રમાના કારણે એ પાર્ટ ટાઈમ જોબ શોધી કાઢી હતી..પોતાના જીવનમાં આગળ વધવા જતી હતી અને ત્યાં..! વળી અત્યારે જો એ રમાને ફોન પર વાત કરવા દે તો તો આ ચક્કર ક્યાં જઈને અટકે એનો પણ એને અંદાજ હતો. રમા સાવ નાદાન અને ભોળી હતી. એને ફેરવીને પેલો છોડી દેવાનો એ તો નક્કી જ…અને આ બધી વાતની જ્યારે રમાની માને ખબર પડે તો…અને રુપાલીના શરીરમાંથી એક ઠંડુ લખલખુ પસાર થઈ ગયું. આ તો મોટુ ધર્મસંક્ટ..! ના..પોતે આમ કોઇના વિશ્વાસને છેહ ના દઈ શકે..પોતે પણ એક દીકરીની મા હતી..આની જગ્યાએ જો પોતાની દીકરી…આગળ એક પણ શબ્દ વિચારી ના શકી એ..
‘જો રમા, તારી મમ્મી એ મારી પર બહુ વિશ્વાસ મૂકીને તને અહીં કામ કરવા મોકલી છે. તારે શું કરવું કે શું નહી એની પંચાત હું નહી કરું પણ એ કામમાં મહેરબાની કરીને મને ભાગીદાર ના બનાવ…હું તને આમ મારા ઘરેથી તો વાત નહી જ કરવા દઊં કે મારા ઘરમાં એને મળવા બોલાવવાનું વિચારતી હોય તો એ મનમાંથી કાઢી કાઢજે.. પેલા ભાભીની વાત એ જાણે, પણ આમ એક માના વિશ્વાસને તોડવાનું કામ હું તો નહીં જ કરું.’
રમાનું મોઢું પડી ગયું…’કંઈ વાંધો નહી બેન..હું તમારી વાત સમજું છું..તમે તમારી જગ્યાએસાચા પણ છો.,,ચાલોચાલો..મારે વાસણ ઘસવાનાબાકી છે એ પતાવીને તમને ચા મૂકી આપું.’
અને એ કામે લાગી..પાછ્ળ રૂપાલી વિચારતી રહી કે આ યુવાનીનો જોશ છે…આમાં ને આમાં એ સારા -નરસાનું ભાન ગુમાવી બેસે છે તો આ બિચારી તો અબુધ બાળા..પણ પોતે એને સમજાવશે તો પણ એ નહી સમજે..કદાચ એને વાત કરવા કે મળવા ના મળે તો પોતાનું કામ પણ છોડી દે અને બીજા કોઇ એની જરુરિયાતો પૂરી કરતા ઘરના કામ બાંધી દે એમ પણ બને. ’વોટ એવર…’ જે થવું હોય એ થાય..પણ એને અંદરથી કોઇનો પોતાની પરનો વિશ્વાસ અખંડ રાખ્યાનો સંતોષ હતો…અને એ પોતાના જીવનમાં સૌથી અગત્યની વાત હતી અને રુપાલી પોતાના કામે વળગી.
અનબીટેબલ : Trust is like a sticker. Once it is removed it, may stick again and hold. But not as when u first applied it.”