http://www.gujaratguardian.in/E-Paper/12-09-2012Suppliment/index.html
ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઇટ ઈઝી કોલમ લેખ નંબર – 21.
આજે બહુ દિવસ પછી થોડો ફુરસતનો સમય મળતા “ડ્રોઇંગ’કરવા બેઠી. ડ્રોઈંગ પ્રત્યે મને નાનપણથી જ અદભુત પ્રેમ, પણ પહેલેથી નક્કી કે આ શોખને ફક્ત મજા માટે જ પોસવાનો,’વ્યવસાય નહી બનાવવાનો એટલે આમ ફુરસતના સમયે ડ્રોઇંગ કરવાની બેહદમજા આવે. જોકે આપણને શોખ હોય એ બધામાં આપણી માસ્ટરી હોય એવું સહેજ પણ જરુરી નથી. ડ્રોઇંગમાં પણ એવું જ …વળી એને વ્યવસાય તરીકે તો વિક્સાવવો નહતો એટલે કોઇના વિવેચનો કે વાહ વાહ ની પણ પડી ના હોય એ સ્વાભાવિક ! પેંસિલથી કાગળ પર જે શેડિંગ જોઇતું હતું એ થતું નહોતું..એટલે ડોકથી ધીમે ધીમે વળતા વળતા અજાણતા જ આખેઆખી પેંસિલ, કાગળમાં ડૂબી ગયેલી. ત્યાં તો મારી એક કવિયત્રી-સખી બારણે ડોકાઈ,
‘હાય સ્નેહા..’
પત્યું. આમ તો એ મારી સારી સખી હતી પણ અત્યારે મારે સાવ એકલા રહેવું હતું..હુ અને મારું એકાંત..! પણ એ ઇચ્છાને કોઇની નજર લાગી ચૂકી હતી. પરિણામો ભોગવ્યા વગર છુટકો નહતો. સમાધિની સ્થિતી ત્યાગીને સભાનતાની – સામાજીક પરિસ્થિતીમાં પ્રવેશી.
‘હાય ત્યાગી..’
થોડી આડીઅવળી વાતચીત થઈ અને એ મેઈન મુદ્દા પર આવી.
‘સ્નેહા, મારી કવિતાઓની એક બુક બહાર પાડવી છે પણ કોઇ પ્રકાશક જોડે નથી છપાવવી. જાતે જ પબ્લીશ કરવી છે.’
(ઓહ, ભોમિયા વિના કવિયત્રી નીકળી ડુંગરા ભમવા..!)
‘હા, તો કરો કંકુના. એમાં વળી રાહ કોની જોવાની?’
‘તું વાત સમજતી જ નથી. અરે બુક પબ્લીશ તો થઈ જાય પણ ગુર્જરગિરાને ક્ષેત્રે આ મહાનકાર્યને વિખ્યાત કેમ કરી શકાય એનો આઈડીઆ જોઇએ છે.’
બે પળ હું મંદની માફક એ ‘સદ્યોજાત’ કવિયત્રીને નિહાળી રહી.
બે મિનીટ રહીને મારા મોઢામાંથી શબ્દો નીકળ્યા.
’સૌથી ખતરનાક, જાનલેવા બિમારી જેમ કે એઈડસ, કેન્સર એ તને થઈ જાય તો લોકોનું ધ્યાન તારી તરફ આપોઆપ ખેંચાઈ જાય અને એમની સહાનુભૂતિ તને તરત મળી જાય..બસ.. એ જ્ સમયે તારા આ ખાનગી સાહસની એક સભા ભરી દેવાની.લોકો તારું પુસ્તક વાંચે એ પહેલાં જ તું પ્રખ્યાત થઈ જઈશ.’
‘ના, આવું જુઠાણું બહુ ના ચાલે, પકડાઈ જવાય અને માંડ માંડ થોડી પબ્લીસીટી થતી હોય એના કરતા બદનામી વધી જાય..’
હવે આને કેમ સમજાવું કે ‘ડિમાંડ કરતાં ઉત્પાદન વધારે’ એવા આજના જમાનામાં સચ્ચાઈ-, પ્રામાણિકતાની ગાયનું પૂછ્ડું પકડીને વૈતરણી તરવાની વાત કરે છે….જેમાં તરવા કરતા ડૂબવાની શક્યતાઓ વધારે છે.
‘ક્યાં ખોવાણી અલી? ‘પાંદડે પાંદડે વસંત’ નામના કાવ્યસંગ્રહની મહત્વની વાત કરું છું ..મારુ બેટુ સાવ ‘લોચા’નું પડીકું ખોલીને લોકોની સામે સ્ટેજ પરથી પુસ્તક ડાબેથી જમણે અને જમણેથી ડાબે હલાવીને પાછું ટેબલપર મૂકી દે તો કેવું લાગે ની..?’
‘હ્મ્મ્મ…બરાબર’
‘તબેલો બરાબર..’ હવે ત્યાગીએ એની ધીરજનો કેડો ત્યાગી દીધો ને મારી પર બરાબર અકળાઈ. તું આટલી ક્રીએટીવ – સ્માર્ટ છું તો કોઇ સારો આઈડીઆ તો આપ મને .મારી આશા પર આમ ‘બરાબર’નું પાણી ના ફેરવ !’
‘એક કામ કરીએ..પેલી કોઇ ફિલ્મની કંપનીમાં ‘લેસર’થી જેમ કલાકારોના નામ લખાય છે એમ આપણે તારું પુસ્તકનું નામ લખીએ’
“ડ્ચ્ચ…’
‘તો પછી કોઇ સ્ત્રી ઉગતા સૂરજને અર્ધ્ય આપતી હોય એવા પોઝ સાથે તું …’
‘એક સાંભળીશ હો હવે..મશ્કરી છોડ’ રડમસ અવાજ સાથે મને વચ્ચે જ અટકાવી દેવાઈ અને એક મહાન વિચાર જન્મતા પહેલાં જ મ્રુત્યુને શરણ !
‘તો વસંતની સ્પેશિયલ ઇફેક્ટ લાવવા વિમોચન વેળા સ્ટેજની છતમાંથી ફૂલોના હિંડોળા પર પુસ્તક નીચે આવે..ડચ્ચ…! કાવ્યનું ઝરણું હ્રદયમાંથી સીધું ફૂટીને બહાર આવે છે જે પાનખરને વસંતમાં પલટાવી દે છે એમ બતાવવા કોઇ ડોશીમાના ગેટઅપમાં એક સ્ત્રી આવે અને પુસ્તક સ્ટેજની નીચે એક હોલ પાડીને ત્યાંથી ખેંચે..અને એકાએક એ ડોશીમા યુવાન સ્વરુપવાન સ્ત્રીમાં પલટાઈ જાય…’આવા ઢગલો પ્ર્તીકાત્મક આઈડીઆસ પર એણે “ડચ્ચ..’ની કાતર ફેરવી અને છેલ્લે અકળાઈને માથાના વાળ (એના) એના છેડેથી ચાવવા લાગી. મને થયું આને વધારે કંઈ કહીશ તો આ મારા વાળ ખેંચવાની હાલતમાં આવી જશે એટલે હું ચૂપચાપ દયામણું મોઢું કરીને બેસી રહી.
છેવટે એણે બેહદ હતાશા સાથે મારે ત્યાંથી વિદાય લીધી. મેં ધરેલ ચા- નાસ્તાને પણ ન્યાય ના આપ્યો. મને બહુ દુ:ખ થયું પણ હું લાચાર હતી.
પંદરે’ક દિવસ રહીને એક રુપાળી આમંત્રણપત્રિકા મળી.
’ગુજરાતી સાહિત્યમાં આ પા પા પગીના પ્રથમ આયાસને તમે બિરદાવીને ‘પાંદડે પાંદડે વસંત’ના શબ્દોની સુવાસ જનસમૂહ સમક્ષ વેરીને વાતાવરણને મઘમઘાવવાની એ ક્ષણે તમે પધારીને મારો ઉત્સાહ વધારશો ને?’
છેલ્લે એક નાનકડા કૌંસમાં ‘ સમારંભના અંતે ફેમસ કંપનીના આઇસક્રીમની વ્ય્વસ્થા રખાઈ છે’ શબ્દો ખાસ ધ્યાન ખેંચવાના હેતુથી લાલ ચમકતા અક્ષરે લખાયેલા.
આખરે આઇસક્રીમ તો ઠીક પણ મારી ક્રીએટીવીટી ઉપર રખાયેલા વિશ્વાસને હું સાચવી ના શકીના દુ:ખને હળવું કરવાના હેતુથી નિર્ધારીત સમયે હું શબ્દ-સુગંધથી તરબતર થવાના ઇરાદા સાથે હોલમાં પહોંચી.
પ્રેક્ષકો ઉઘરાવવામાં સારી એવી મહેનત કરેલી એ સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું.છેવટે ઘંટડીના બેલથી વસંત ખીલવાની એંધાણી અપાઈ. સ્ટેજ પર કાળો ધબ , નિબિડ અંધકાર છવાઈ ગયો અને ધીરે ધીરે સ્ટેજની જમણી તરફ લાલ-લીલા અને થોડા બ્રાઈટ ફ્લોરોસેંટ કલરના લાઈટના શેરડા ફેંકાયા. સ્ટેજ પર થોડી મનુષ્યાક્રુતિઓએ પ્રવેશ કર્યો અને ના ઇચ્છવા છતા એમની સરખામણી કોઇ હોરર પિકચરના ભૂતો જોડે થઈ ગઈ. ત્યાં તો ડાબી તરફથી અચાનક તબલાની થપાટ અને હાર્મોનિયમના ફૂલ મહેંકી ઉઠ્યા અને તારસ્વરમાં સ્ત્રી અવાજમાં ’આ….’નો અવાજ ઉઠ્યો..એ પત્યા પછી ખરજમાં પુરુષોનો ધ્વનિ ઉઠ્યો..
‘ઉંડા અંધારેથી….પ્રભુ પરમ તેજે તું લઈ જા’ ગવાયું અને સ્ટેજ લાઈટના પ્રકાશથી ચકાચોંધ થઈ ગયું. સ્ટેજ પર લાલ લીલા ચાકળા સાથે એબ્સ્ટ્રેક્ટ પેઈંટીગ જેવા ડેકોરેશનનો વિરોધાભાસ સર્જ્યો હતો. જાતજાતના ..લગભગ દુનિયાના દરેક રંગની જાતજાતની ચિત્ર વિચિત્ર વસ્તુઓથી સ્ટેજને બને એટલો ભરચક કરીને ડેકોરેટ કરવાનો મહાન પ્રયત્ન કરાયેલો..એ માનસિકતા મને બહુ સમજાઈતો નહી પણ ‘કોઇને આ ના ગમે તો પેલું તો ગમી જ જાય’ના ભાવથી હશે કદાચ, એમ વિચાર્યુ..
પ્રવકતા બેને ભીના ભીના શક્ય એટલા કોમળ સ્વરે ઉદઘાટકને બે શબ્દો બોલવા વિનંતી કરી. ઉદઘાટક ડેકોરેશનની રંગોની દુનિયામાં (ડેકોરેશનની આગળ જ પ્રાર્થના ગાઈ હતી એ સૂરીલી સુંદર કન્યાઓ બિરાજમાન હતી) ખોવાઈ ગયેલા જેને ત્યાગીએ રીતસરના ઢંઢોળીને જગાડ્યા…
‘અ…હ..હ…યુધ્ધમાં શહીદ થઈ ગયેલ વીર જવાનની પાછળ એની જોડે જ ચિતામાં સળગીને મરી જવાનો નિર્ણય લેનારી સતીઓ ભરવસંતે પાનખરને સ્વીકારે છે. પોતાના કુંકુંમવિહોણા કપાળ સાથે જીવવા કરતા જાત જ હોમીને પોતાની જીવનલીલા હસતા મોઢે સંકેલી લે છે. એ મહાન સતીઓ શહીદ થયેલા જુવાન કરતાં પણ વધારે સન્માનને પાત્ર છે..’
વાહ વાહ…વાહ વાહ…શું મહાન વિચાર છે..શું ચમત્ક્રુતિ સર્જી છે…ત્યાગી પણ પ્રેક્ષકોની એ બધી વાહ વાહમાં ઉછ્ળી ઉછળીને તાળીઓ પાડી રહી હતી. રસ્તા પર મદારીના ડમરુના તાલે ઉછ્ળતી બંદરીયા યાદ આવી ગઈ. આ શહીદ, સતી, આ બધાને કાવ્યના પુસ્તક સાથે શું લેવાદેવા..મારી બુધ્ધિ મારી જોડે કીટ્ટા કરીને મારા મસિત્ષ્કમાંથી ભાગી નીકળી હોય એમ જ લાગ્યું.એ હાલતમાં હું આગળના ગીત – સંગીત કશું જ ના સાંભળી શકી. છેલ્લે હું જેની રાહ જોઇ રહી હતી એ વિમોચન-ક્ષણની પ્રવકતાએ જાહેરાત કરીને ઉદઘાટકને એ વિધિ માટે વિનંતી કરી. મેં આતુર નયન સ્ટેજ પર માંડ્યા. સ્ટેજ પરની છ્તમાંથી એક ઝાડ નીચે આવ્યું.એની પર કલર કલર(!) ના ફૂલોના બદલે રેપરમાં પુસ્તકો હતા. ઉદઘાટકે એ ઝાડને નજાકતતાથી ખંખેર્યું અને એ પુસ્તકો સ્ટેજ પર વેરાઈ ગયા..અને પાછ્ળથી મ્યુઝિક કંપનીએ ત્યાગીની એક કવિતા કોમ્પોઝ કરેલી એ ગાઈ. ઉદઘાટકે ત્યાગીને એક પુષ્પગુચ્છ આપ્યો અને પુસ્તકનું રેપર ફાડી પુસ્તકને ધ્વજની જેમ પ્રેક્ષકો સમક્ષ ફરકાવ્યું. એ ક્ષણની રાહ જોઇને માંડ માંડ પોતાની જાતનેકંટ્રોલ રાખીને બેઠેલા પ્રેક્ષકોએ પોતાની તાળીઓના બદલે જેની જેટલી તાકાત એ પ્રમાણે 1-2-3 પ્લેટ આઇસક્રીમ ઝાપટવા લાગ્યા.
છેલ્લે છૂટા પડતી વેળાએ ત્યાગી મારી નજીક સરકી : “ પહેલા તો છ્ટકી ગઈ પણ હવે પુસ્તકના માર્કેટીંગમાં તો મદદ કરજે..નહીં તો મારું પુસ્તક વાંચશે કોણ ? તારો કાકો..!’
હવે મારા એકના એક કાકા તો ક્યારના સ્વર્ગે સંચર્યા હોવાથી એમની યે આશા ઠગારી એવું ત્યાગીને કેમ સમજાવાય?
-સ્નેહા પટેલ