હું તને ચાહું છું


phoolchaab paper > Navrash ni pal column > 12-12-2012’s article.

દોસ્તો, ગયા બુધવારે આપણે ‘મારી વ્હાલી’ વાર્તા હેઠળ એક પુરુષના પ્રેમની વાત વાંચી.

https://akshitarak.wordpress.com/2012/12/05/mari-vhaali/

આજે એના જેવી જ એક સ્ત્રીના પ્રેમની વાત કરું છું.

 

સાર્થકતા એ જ સંબંધોની છે,
સૂર્ય ને સૂરજમુખી સમ આચરણ.

તું તને મળતો રહે બસ ભીતરે,
તો પછી દુનિયા થશે તારે શરણ.

-ગૌરાંગ ઠાકર

અભયને લંડન ગયે આજે ચાર દિવસ થવા આવ્યા હતાં. સોનાલી –એની પત્નીને અભય વગર સહેજ પણ ચાલતું નહતું. વાતે વાતે એને અભયની કમી મહેસૂસ થતી હતી. એ અભયને બહુ જ પ્રેમ કરતી હતી. એના વગર જાણે દિવસ નહતો ઉગતો કે રાત પણ નહતી પડતી. જાત આખી અધૂરી અધૂરી લાગતી હતી.

ત્યાં તો દરવાજાનો બેલ વાગ્યો. દરવાજો ખોલતાં જ સામેનું દ્રશ્ય જોઇને હક્કીબક્કી રહી ગઈ. આઘાતનો સાપ એના પ્રાણ હરી લેશે એવી અનુભૂતિ થવા લાગી. સામે એની એકની એક દીકરી સુહાની એની ત્રણ બહેનપણીઓના ટેકા સાથે માંડ માંડ ઉભી હતી. સ્કુલેથી આવતા એના એક્ટીવાને કોઇ સ્કુટરસવારે ટક્કર મારી દીધેલી અને એ એના એક્ટીવા સાથે 10 ફૂટ દૂર ઘસડાઈ ગઈ હતી. જમણો હાથ ખાસો એવો છોલાઈ ગયેલો અને ડાબામાં કદાચ ફેકચર જેવું લાગતું હતું.

તરત સોનાલીને અભયની યાદ આવી. આવા સમયે નોર્મલી સોનાલી અભયને ફોન કરીને ગમે ત્યાંથી ઘરે બોલાવી લેતી અને સુહાની જોડે દવાખાને મોકલતી. કારણ તો બસ એક જ કે એનાથી સુહાનીને કંઈ પણ થાય તો સહન નહતું થતું, એવી સ્થિતીઓને એ પહોંચી નહતી વળતી. પણ અત્યારે તો એ શક્ય નહતું. તરત ગાડીની ચાવી લઈને એ સુહાનીને ડોકટરને ત્યાં લઈ ગઈ. નસીબજોગે ઘા બહુ ઉંડા નહતાં. દવાખાનેથી ઘરે આવતા સોનાલીને ખાસ્સું મોડું થઈ ગયેલું. નોર્મલી તો સોનાલી બહારહોયઅને રસોઇનોસમય થઈ ગયો હોય તો અભય રસોઈમાં કંઈક ને કંઈક બનાવી રાખતો અને એમના ડીનરનો સમય સચવાઈ જતો. સોનાલી વગર ઘરનું રસોડું અટકી ના જાય પણ આજની વાત તો અલગ હતી ને..ફટાફટ ઘરે આવી કપડાં બદલીને ખીચડી, કઢી અને શાક બનાવી દીધા જમતા જમતા રાતના દસ વાગી ગયાં. સોનાલીની દવા નહતી મળતી અને એને ફ્રુટપણ ખાવા હતા. અભય હોય તો સુહાનીની દવા અને ફ્રુટ લઈ આવત..પણ આજે તો…ફટાફટ જમીને સોનાલી દવાનું પ્રીસ્ક્રીપશન લઈને ઘરની બહાર નીકળી ગઈ. લગભગ ચાર જેટલા મેડીકલ સ્ટોર પર ફરી ત્યારે એને સોનાલીની દવા મળી. ફ્રુટ અને દવા લઈનેઘરે  આવતા ખાસ્સું મોડું થઈ ગયું. આવીને સુહાનીને ફ્રુટ ખવડાવીને દવાઆપી. સામે રસોડું અસ્ત વ્યસ્ત…અભય હોત તો આવા સમયે ઘરમાં ઉંચું નીચું મૂકી દે ..ઇવન પ્લેટફોર્મ સાફ કરીને વાસણો ફ્રીજમાં મૂકવાનું કામ પણ એ કરી લેતો..પણ આજે તો..? સોનાલીને હવે રહી રહીને અભય પર ગુસ્સો આવતોહતો..એ ગયો જશું કામ..એને ખબર છે કે એના વગર મને સહેજ પણ નથી ચાલતું..સાવ આમ એકલી મૂકીને…

ત્યાં એની બહેનપણી રેખાનોફોન આવ્યો.

‘હાય સોનુ,શું કરે?’

‘કંઈ નહી જવા દે ને..આજ કાલ દિવસો જ ખરાબ છે.’

‘કેમ,શું થયું બકા? આજે આમ સાવ મૂડલેસ કેમ છું..?’

‘કંઈ નહીં, આ અભય ઓફિસના કામથી લંડન જતો રહ્યો છે અને મને એના વગર જીવવાની આદત નથી. બહુ રડુ આવે છે એના વગર. એમાં વળી આજે સુહાનીને એક્સીડંટ થયો. એકલા હાથે બધે પહોંચી વળવાનું…આ બધું મારા માટેબહુ જ અઘરું છે. અભયને ખબર છે કે હું એને કેટલો પ્રેમ કરું છું, એના વગર એકલી જીવી નથી શકતી તો પણ એ આમ અમને મૂકીને આટલા બધા દિવસ આટલે દૂર જવાનુંશું કામ રાખતો હશે?’

થોડીવારચૂપ રહીને રેખા બોલી,

‘સોનાલી, શાંતિથી વિચારીને એક વાતનો જવાબ આપ કે તું અભયને જ ‘મીસ’કરે છે ?’

‘હાસ્તો વળી, આ તો કંઈ પૂછવાની વાત છે…તું તો મને જાણે છે બરાબર..’

‘હુ તને જાણું છું સોનું..એટલે જ કહુ છું કે તું અભયને નહી પણ એના કામને..તારી જરુરિયાતને ‘મીસ” કરે છે.તું અભય પર ટોટલી ડીપેંન્ડેબલ છે જેને તું પ્રેમનું નામ આપે છે. પ્રેમ એટલે પરતંત્રતા ના હોય ડીઅર. સ્વતંત્રતા તો સોના જેવી મહામૂલી. એને આમ આપણી આળસ, કમજોરીના આંચળ હેઠળ ના ઢાંકી દેવાય. તને અભયના પ્રેમની નહી અભયના આધારની જરુર છે જેને હું પ્રેમનું નામ તો ના જ આપી શકું. તારી કમજોરી પર વિજય મેળવ..સ્વતંત્ર બન અને પછી અભયની કમીને મહેસૂસ કર..સ્વતંત્રતાની હવામાં આપણા પ્રિયપાત્રની હાજરીની જે ખોટ લાગે એ સાચો પ્રેમ’

બે પળની ખામોશી બાદ સોનાલી બોલી,

‘હા રેખા,તારી વાત આમ તો સાચી છે.હવેથી હું મારી માનસિકતા બદલવાનો પ્રયત્ન કરીશ…અભય મારી જરુરિયાત નહી પણ ‘સાચો પ્રેમ ‘ જ બનીને રહેશે..થેંક્સ ડીઅર…’

અનબીટેબલ : Until you try, you do not know what you can do and can not do.

-sneha patel.