હે મારા વ્હાલીડાં..મારા પ્રભુ, તને મારા ઘરે બોલાવવા શું કરું ? પ્રાર્થનાના શબ્દોની તો તને કયારેય જરુર જ નથી પડતી , નહીં તો શબ્દોના વૈભવથી તને થોડો ચકાચોંધ કરી શકત. તું તો મારા અનેકો ગુમાન ઉગતા પહેલાં જ ડામી દે છે, મને મારી સીમારેખાઓથી સતત સાવચેત કરતો રહે છે.આમ છતાં દિલમાં ઉગતી પ્રાર્થનાના ફૂલો તને અર્પણ કરું છું.
એક રહેમનજર ઇધર ભી જરા…મારા પ્રત્યેક શ્વાસમાં લેવાતા તારા નામની મહેંક તું ચોક્કસપણે અનુભવી શકીશ.મારા ભીના – પ્રેમરસ ઝરતાં નયનની આરતીની તસવીર તારી નજરમાં ઝીલી શકીશ. મારા ધબકારનાદ તારું નામ કેટલી તીવ્રતાથી પોકારે છે એનો અંદાજ તને આવશે ! એમાં તારે હા બોલવાનું – હામી ભરવાનું કે ના બોલવાનું -નકારવાનું કશું જ નથી રહેતું. મને મારી ભક્તિ અને તારી શક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે.
આ મારું ઘર બારેમાસ, ચારે પ્રહર ખુલ્લું છે. તારી સાનૂકુળતાએ ત્યારે આવી જજે. હું કદાચ બહાર હોઈશ તો પણ મારું ઘર આપણા બેયની વાતોથી તને ભરચક્ક મળશે. તારે ખાલી હાથે કે નિરાશ હૈયે પાછા નહી વળવું પડે એટલો વિશ્વાસ રાખજે. હું સરળ ને મારો પ્રેમ પણ સરળ !
ચાલ બહુ સમય નથી લેતી તારો, તારે બીજા બહુ વ્હાલાઓને સાચવવાના છે એનો મને ખ્યાલ છે, મારી જેમ એક જ ‘વ્હાલપાત્ર’ થોડી’ છે ! હું તો ફક્ત તારામાં જ એકધ્યાન પણ તારે તો કેટલાં ‘એકધ્યાન’ સાચવવાના ! તારી જીંદગી તો લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં, એમને સાચવવામાં પૂરી થઈ જતી હશે પણ મને તો એવી કોઇ ‘અપેક્ષાબેડી’ નથી સતાવતી. મારો દિલચીર પ્રેમપ્રવાહ કાયમ એક જ દિશામાં વહેતો રહે છે. આમ જોવા જઈએ તો હું તારા કરતા વધારે નસીબદાર કહેવાઉં કેમ ? શું બોલ્યો..ના..હા..ના…અરે, સાચી વાતનો સ્વીકાર કરતાં તું ક્યારનો અચકાવા લાગ્યો..સારું, શાંતિથી વિચારી લેજે તું. થોડા સમયના અંતરાલ પછી તને મળીશ. કોઇ’ક નવી વાત નવા સંવેદનો લઈને !
આવજે ત્યારે..મારી પાસે કોઇ ખાસ કારણ નથી તને મારા ઘરે બોલાવવાનું – મન થાય ત્યારે હાલ્યો આવજે ! હું તો કાયમ તારી રાહમાં જ…
-સ્નેહા પટેલ
ઈશ્વર સાથે વાતો કરતા તમારા આધ્યાત્મિક સંવાદો અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત…તમે ઈશ્વર પ્રત્યેની તમારી સંવેદનાઓને/લાગણીઓને/પ્રેમને અદ્ભુત શબ્દો થકી વ્યક્ત કરી શકો છો એ તમારી કાબેલિયત છે અને તમારી એ કાબેલિયત પર આફ્રીન…ઈશ્વરને જો પોતાના પ્રિય ભક્તને મળવું હોય તો એને ક્યાં કોઈ ખાસ કારણની જરૂર પડે છે, કે નથી મનુષ્યએ કોઈ ખાસ કારણ આપવાની જરૂર પડતી…કહે છે ને કે ઈશ્વર તો કણ-કણમાં રહેલો છે અને માણસના તો હૃદયમાં બિરાજમાન છે પણ તેમ છતાય આપણે તેને બહાર શોધતા ફરીએ છીએ કે પછી મળવા માટે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, એ પણ આપણો પ્રભુ પ્રત્યેનો ભાવ જ છે ને..! કહેવાય છે કે પ્રેમની પરાકાષ્ઠા હોય ત્યારે ભગવાનનું ધ્યાન થાય, જે તમે કરો છો…તમે ઈશ્વરને કહ્યું કે, “મને મારી ભક્તિ અને તારી શક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે.”, બસ એ વિશ્વાસ બરકરાર રહે… અને બીજું કહ્યું કે “હું સરળ ને મારો પ્રેમ પણ સરળ !”, ઈશ્વરને બીજું શું જોઈએ એ પોતે પણ સરળતાનો પુજારી છે…બસ વધુ તો શું કહું ખરેખર તમે દિલથી લેખ લખ્યો છે અને હું દિલથી આ લેખને બિરદાવું છું…
LikeLiked by 1 person
Pingback: તાજગી | sneha patel - akshitarak