ધારો કે…

 gujarat guardian paper > ટેક ઈટ ઈઝી કોલમ – લેખ નંબર -22.

મારું વોર્ડરોબ ખોલીને ઉભી હતી અને એક પછી એક ડ્રેસ હાથમાં લઈને પાછા મૂકતી હતી. મૂળે લેખકજીવ !  ઘણીવાર મારી જાણ બહાર જ મારા ‘વિચારોના ઘોડાપૂર’  ધીમે ધીમે ‘જીરાફપૂર’ થઈ જાય . છ્ઠ્ઠી ઇંદ્રિયને એ વાતની જાણ થાય એ પહેલાં તો ઓલમોસ્ટ હું એમાં સડસડાટ વહેવા માંડી હોઉં..આમ તો ઘણીવાર તણાઇ પણ જવાય.અ‍ત્યારે પણ એ પ્રવાહ ગતિમાન થાય એ પહેલાં જ પતિદેવનો અવાજ કાને અથડાયો:

‘શું વિચારે છે આટલું બધું ?’

કડડડભૂસ…વિચારોનો મહેલ કડડભૂસ થઈને તૂટી ગયો.

‘કંઈ નહીં બસ એ તો કયો ડ્રેસ પહેરું એનો વિચાર કરતી હતી.’

‘પેલો કેસરી કલરનો નવો ડ્રેસ -અનારકલી જેવું કંઈક નામ હતું ને..એ ડ્રેસ પહેર ને..’

‘હા., મને પણ એમ જ વિચાર આવેલો પણ અત્યારે કેસરી કલર પહેરું તો લોકો કંઈક ભળતું જ સમજી લે ‘

‘હ..એં..એં..’ મારી વાત સમજમાં ના આવતા ભોળાદેવ મારી સામે તાકી રહયાં. પછી મેં જે કહ્યું હશે એ કંઈક સમજી વિચારીને જ કહ્યું હશે..બધી ના સમજાતી વાતોમાં દર વખતે ડીસ્કશન ના કરાય, એ તો જેમ હોય એમ જ સ્વીકારી લેવાય વિચારીને પતિદેવે એક ફુલગુલાબી ડ્રેસ સજેસ્ટ કર્યો. હવે આ ભોળા પતિદેવને અત્યારે ‘કમળ’ જેવી પ્રીંન્ટના ડ્રેસ પહેરવામાં પણ મારા જેવી પોલીટીકસના સાવ બીજા છેડા જેવી વ્યક્તિને પડતી તકલીફો કેમ સમજાવું !  એમના ભોળપણ પર બહુ પ્રેમ આવી ગયો..એ પ્રેમ એમના ભોળપણને મૂર્ખામી માનવાની હદ સુધી જતો રહે એ પહેલાં જ મેં સાવચેતી રાખીને એમને એ પસંદગીની પ્રક્રિયામાંથી મુક્તિ આપી અને ત્વરાથી સફેદ કલરનો ચીકનનો કુર્તો અને બ્લ્યુ જીંસ સીલેક્ટ કરી લીધો.

આજકાલ ચારેબાજુ ચૂંટણીના પ્રચાર માટે જ્યાં જુઓ ત્યાં જે-તે પક્ષની નારેબાજી,  ખુરશીના પાયા માટે માણસો (!) ની ટાંટીયા ખેંચ, રેડિઓ –નેટ – સડકો – ટીવી..બધ્ધેબધ્ધી જગ્યાએ શાબ્દીક મારો –કાપો ..પોલીટીકસ પોલ્યુશન બહુ એની તીવ્રતમ કક્ષાને પણ વળોટી ગયું હતું. પરિણામે ડિસેમ્બરનો અડધો મહિનો પતવા આવ્યો પણ હજુ શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ જ નહતો થતો.

સુશિક્ષિત નાગરિક તરીકે મારે વોટીંગ તો કરવું જ પડશે. કોને વોટ આપીશ..આમ તો નક્કી જ છે –ખબર જ છે કે કોણ વધુ યોગ્ય ઉમેદવાર..પણ બીજા પેલા ખાદીધારી જે હંમેશા એના કુરતાથી એનું શેંડાડું નાક લૂછીને ભાષણો કરે છે એ કેટલો માસૂમ લાગે છે..કેટલા બધા સારા સારા વાયદાઓ કરે છે..કદાચ રાજકારણના કાદવમાં એ કમળ જેવો નીકળી પણ જાય..એને એક તક આપી શકાય કે નહીં..ના..ના..આવા તો બહુ આવ્યા ને ગયા..અત્યારે જે નક્કર પરિણામ આપે છે – જે પોતાના બોલેલા વેણ કરતાં પણ વધુ કરી જાણે છે..જે પોતાની જાતને પ્રૂવ કરી શક્યો છે એને જ વોટ કેમ ના આપું..મારી સમજમાં તો એ જ યોગ્ય પગલું છે.. વિચારોનું ‘કીડીપૂર’ ચાલુ થયું.

ત્યાં મારો દીકરો એની ગણિતની નોટબુક હાથમાં લઈને મારી પાસે આવ્યો.

‘મમ્મી, આ બીજગણિતનો એક દાખલો છે. કંઈ સમજાતું નથી. મદદ કરી શકશો.?’

યુનિવર્સીટીની ડીગ્રીઓનો મહાસાગર તરીને પાર ઉતર્યા હોઇએ એટલે એક તકલીફ કે આપણને અમુક નાની નાની વાતો સમજ બહાર છે એ કોઇને કહી ના શકીએ અને કોઇ એના વિશે પૂછે તો એ ના આવડવાની તકલીફ સહી પણ ના શકીએ. ‘પડશે એવા દેવાશે’ કહેવત મારા જીવનમાં બહુ કામ લાગી છે. એના જ આધારે મેં ઘણાંય મોટામોટા કામ લોકોની ઇર્ષ્યા, અદેખાઈ અને સાનંદાસ્ચ્ર્યો સાથે પાર પાડ્યા છે. આજે પણ એનો સહારો લીધો.

‘બોલો, શું તકલીફ છે દીકરા?’

‘મમ્મી, આ જુઓને આ રેખાબેન બહુ હેરાન કરે છે !’ આ આખીય વાતમાં વળી રેખાબેન ક્યાંથી આવ્યા એ વિચારમાં હું ગોટાળે ચડી અને એની બુકમાં નજર કરી.

‘આ રેખાબેન દૂધની તપેલી ગેસ પર મૂકીને એમની ફેવરીટ સાસુ વહુની સીરીઅલ જોવા બેસી ગયા તેમાં એમનું દૂધ ઉભરાઈ ગયું. તે એમના દૂધની ઉભરાઈ જવાની ઝડપ અને ઉભરાઈ ગયેલ દૂધની માત્રા…આ બધાની ચિંતા અમારે માથે..ગણિત જેવો વિષય પણ આ રેખાબેનના સીરીઅલપ્રેમની નોંધ લે છે..એકતાકપૂર તુસ્સી ગ્રેટ હો !

‘હા તો દીકરા ધારો કે,દૂધ ઉભરાવાની ઝડપ ‘ X ‘ અને એની માત્રાને ‘ Y ‘ તરીકે લઈએ..’ વાક્ય પૂરું થાય એ પહેલાં તો મારો સુપરસ્માર્ટ અને જીજ્ઞાસાવૃતિથી ફાટ ફાટ થતો દીકરો બોલ્યો,

‘તે મમ્મી, ગણિતમાં આટલું બધું ધારવાનું  કેમ હોય..અને હોય તો હોય પણ દરેક વખતે એમાં આ  ‘X – Y ‘ જેવા આલ્ફાબેટ જ કેમ ધારવાના..સાવ છેવાડાની ધારણાઓ કરવાની..’A-B-C…..’આમ શરુઆતથી શરુઆત કેમ નહી કરવાની..?’

એક પળ તો હું પણ એના આ ‘સુપર ક્વેશ્ચન’થી વિચારે ચડી ગઈ..વાત તો સાચી છે. વિચારોનું ‘જીરાફપૂર’..ભગવાનનો મહામૂલ્ય આશીર્વાદ..

‘હા.. X તો સાવ કેવો બોરીંગ..એક લીટી ઉપર ક્રોસમાં બીજી લીટી..એના બદલે  ‘A’ કેવો કળાત્મક..બે લીટીઓના ઉચ્ચ છેડાઓને સાચવીને એકબીજાને અડાડીને ત્રાંસમાં ગોઠવી ટોપી જેવો આકાર આપવાનો અને એ બેય લીટીઓને ટેકો આપવા વચ્ચે એક બીજી આડી લીટી દોરવાની…’B’ તો વળી સુપર ડુપર વળાંકોવાળો એકદમ આર્ટીસ્ટીક..C, D, E, F થોડા ઠીક ઠીક …પાછો જી સુંદર મજાનો ડીઝાઈનર..મહાચિંતનમાં ડૂબી ગઈ અને દાખલો એની જગ્યાએ…ત્યાં તો દીકરાએ મને ઝંઝોડીને અસલની દુનિયામાં પાછી પટકી.

અંકગણિતની ગણત્રી મને હંમેશા સીધાસાદા માનવીના સ્વભાવ જેવી લાગે..જે કહેવું હોય તે મોઢામોઢ…સરવાળૉ-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર…જે હોય એ સીધે સીધું કહી દેવાનું..ધારવા બારવા જેવી લપ્પન છ્પ્પનમાં નહી પડવાનું..મગજને બહુ વધારે કષ્ટ નહી આપવાનું….વળી નાનપણમાં ‘પાયથાગોરસ’ શબ્દ મને બહુ આકર્ષી ગયેલો. બહુ જ અદ્બભુત ઉચ્ચાર લાગતો અને એના મોહ – આકર્ષણ-પ્રેમમાં પડીને ડીગ્રી, ત્રિજયા, પરિઘ, લઘુ –ગુરુકોણ,વ્યાસ,રેખા, મધ્યબિંદુ, કર્ણધ્યબિંદુ, કર્ણ –વિકર્ણ , કાટકોણ જેવું બધું ફટાફટ ભેજામાં ઉતરીને પ્રમેયોરુપે તાજા તળાયેલા ભજીયાની ફ્રેશનેસ લઈને બહાર આવતું. પણ આ બીજગણિત.. અવયવ..લ.સા.અ..ગુ.સા.અ. શરુઆતથી જ તોડફોડ..આ બધું વિકૃત માનસિકતા જેવું લાગતું એટલે પહેલેથી જ મને એમાં રસ નહતો પડતો..આજે એ જ મારા માથે આવીને તાંડવ નૃત્ય કરી રહેલો. મારા મગજના રસાયણોમાં અકળામણના  તરંગો ઉભા કરી રહેલો.. મારી માનસિક સ્થિતી ડામાડોળ કરતું હતું,  હવે મને સમજાયું કે કાર્લ પોપર નામના બ્રીટીશ પ્રોફેસર કમ ફિલોસોફરે ‘ ગણિતમાં  વિજ્ઞાન સમાયેલુ છે એમ શું કામ કહેલું ?’  વળી કાર્લ ફેડરીક ગાઉસ ‘ગણિતનો રાજકુમાર’ કહેવાય છે એતો એનાથી પણ એક કદમ આગળ વધીને ગણિતને ‘વિજ્ઞાનની રાણી’ કહેતા હતા !

ગણિત અને વિજ્ઞાનના લગ્નપ્રસંગ હોય તો કેવી કંકોત્રી છપાય..અંદર શું શું લખાય..! આ બધા જ પ્રશ્નોના ઉદભવને દીકરાના સુપરફાસ્ટ પ્રશ્નોના મારાએ જન્મતા પહેલાં અધમૂઆ કરી નાંખ્યા..મારું મગજ લગભગ શૂન્યાવકાશની કક્ષાએ પહોંચી ગયેલું.સામાન્ય સંજોગોમાં આ સ્થિતી મારા જેવા ‘વિચારોની હેલી’ વાળા મગજ માટે વરદાનરુપ ગણાય..પણ અત્યારે પોપકોર્નની જેમ ફૂટ ફૂટ થતા દીકરાના શબ્દો કર્ણપટલને અથડાઈને સંભળાયા વિના જ પાછા ફેંકાતા હતા..હું દિગ્મૂઢ થઈને એ પ્રચંડ આઘાતને સહન કરતી’કને ઉભી રહી.

જોરથી માથુ હલાવીને એ સ્માર્ટપ્રશ્નોની સંમોહનજાળને ફગાવીને દીકરાને મેં અચાનક જ એક પ્રશ્ન પૂછ્યો:

‘સત્તર ગુણ્યા છ કેટલાઁ?’

દીકરો બે પળ મારી સામે જોઇ રહયો..આમાં સત્તરનો આંકડો જ ક્યાંથી આવ્યો..?

‘મમ્મી, હજુ તો આપણે ધારવાનો કોઠો પણ પાર નથી કર્યો ને તમે પરિણામ પર…’

‘ચૂપ…મેં પૂછ્યું એનો પહેલો જવાબ આપ…’

હવે આ ‘સત્તર ગુણ્યા છ’ અને ‘અઢાર ગુણ્યા છ’ એ બેયમાં મારો દીકરો પહેલેથી લોચા મારે એની મને બરાબર ખબર..એટલે અત્યારે મેં સંકટ સમયે સાંકળ ખેંચીને એને આ અભિમન્યુ જેવા કોઠામાં ધકેલ્યો અને મારો એ પ્રયાસ લગભગ સફળ પણ થયો. માથું ખંજવાળતો બીજા હાથે આંગળીના વેઢા ગણતો એ પોતાની બુક પણ ત્યાં ભૂલીને ત્યાંથી વિદાય થયો. એને જતો જોઇને મેં ભગવાનનો લાખલાખ પાડ માન્યો કે એ ‘સ્માર્ટકીડ’ ના ભેજામાં મારા હાથમાં રહેલા મોબાઈલનું ધ્યાન ના રહ્યું નહીં તો….

-સ્નેહા પટેલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s