પારકી મા જ કાન વીંધે ..

gujarat guardian paper– ટેક ઈટ ઇઝી કોલમ – લેખ નંબર – 8.

http://www.gujaratguardian.in/09.09.12/magazine/index.html

માનવીના ‘કાજુ’ આકારના કાનમાં ભગવાને સાંભળી શકવાની જરુરિયાત સંતોષવા માટે સરસ મજાના લખોટી જેવા કાણા આપ્યાં છે. જેને માનવી ‘ઇયર બડ,સ્ત્રીઓને વાળમાં નાંખવાની કાળી પીન (બપ્પીન) કે પછી ‘જે હાથમાં એ સાથ’માં મતલબનું કાનમાં નાંખી નાંખીને એ કાણાની યથાશક્તિ સફાઇ કરતો રહે છે. જેવો એનો વપરાશ એવી એની સાફસફાઈની જરુરિયાત.જીભ કરતા કાનનો ઉપયોગ વધારે થતો હોય એવાને રોજ સાફ કરવા પડે તો ઘણા માણસોને આશ્રર્યજનક રીતે એ વર્ષો સુધી સાફ કરવાની જરુર જ નથી પડતી !

આ તો થઈ કાનની જરુરિયાતની વાત પણ આપણે તો  જરુરિયાત કરતા મોજ – શોખ, સાજ-શણગાર – દેખાડામાં વધારે માનીએ ને.એટલે આપણે (આ આપણેમાં સ્ત્રી –પુરુષ બેય આવી જાય) એની બૂટને વીંધાવીને એમાં સરસ મજાના બુટીયા લટકાવીએ.ઘણાંને એક કાણું પડાવીને સંતોષ ના થાય તો એની ઉપર બીજુ,ત્ર્રીજું મન ના ધરાય ત્યાં સુધી કાનને વીંધાવ્યા જ કરે.છેલ્લે પેલો કાન વીંધનારો પણ મૂંઝાઈ જાય કે, ‘હવે આમાં ક્યાં કાણું પાડું?’ ત્યારે એ અટકે.

મુદાની વાત પર આવું તો અમારા ઘરે આવેલ ‘ફોરેનીયા મહેમાન’ના આખા કાન ભરીને પહેરેલા હીરાના ‘ઝક્કાસ’ બુટીયા જોઇને મને પણ એવા કાન-શણગારની સૌંદર્ય-ચળ ઉપડેલી.

એણે ‘દેખાડો’ કર્યો ને મને બરાબર ‘દેખાઈ ગયો.’

સારો દિવસ અને મૂર્હત જોઇને હું પહોંચી એક ફેમસ શો રુમમાં. ચારે બાજુ કાચ જ કાચ..નકલી-અસલી  હીરા-ઝાકમઝોળ.

કાચમાં પણ માણસ જેવી જાતિ – ગુણ !

મારે કાન વીંધાવવા ત્રીજા માળે જવાનું હતું.પણ સ્વભાવે નારી –ઘરેણાંની પ્રસંશક જીવ.નીચેના બે ‘ફ્લોર’ પરની ચમક-દમકમાં જ કલાક વીતી ગયો. છેલ્લે ‘ઓરીજીનલ’ કામ યાદ આવતા બધી લાલચોને બાજુમાં હડસેલીને મન મક્ક્મ કરી સડસડાટ ત્રણ સીડીઓ ચડી ગઈ. હાંફતા શ્વાસે ઉપર પહોંચી ત્યાં તો ડાબા ખૂણામાં નજર પડી અને લિફ્ટ ઉપર આવતી દેખાઈ. ઓહ..આ તો હવે નજરે ચડી. પરસેવે લથબથ તન અને એમાં આપણી મૂર્ખામી – બેધ્યાનપણાનો બફારો ભળે પછી કંઈ કહેવાનું રહે ? .જોકે એસી  ‘ ક્યા સુપર કુલ હૈ હમ ‘ ઠંડ્ક ફેલાવી રહેલું એટલે મગજ જલ્દી ઠેકાણે આવી ગયું.

જમણી બાજુની નાનકડી કેબિનમાં પ્રવેશી. ઉદારદિલથી કરાયેલ ‘લાઈટ્સ’ના ઉપયોગના પરિણામે આંખો બે મીનીટ તો અંજાઈ ગઈ. નજર સેટ થતા કેબિનમાં એક તરફ સલમાનખાન(એક તો લાખ પ્રયત્ન કરું તો પણ આ ‘સલ્લુમિયા’ મારા ઘણા ખરા લેખમાં આવી જ જાય છે.શું થાય બચારો સારો માણસ છે, બસ નસીબનો માર્યો છે તે પિકચરો કરતા વધારે સમાચારોમાં ચમકી જાય છે) નજરે પડ્યો. એ જ હેરસ્ટાઈલ, એ જ ‘6 પેકસ’માં ગોઠવાયેલ સુદ્રઢ બોડી, શર્ટના કોલરમાં પાછળની બાજુ લટકાવેલા ગોગલ્સ અને સાથે ગર્લ ફ્રેંડ. કોઇની પ્રાઇવસીમાં બહુ ‘ડબકડોયા’ ના કરાય વિચારીને મેં મારા કામનું શો-કેસ શોધી સેલ્સમેન જોડે વાત શરુ કરી.

‘મારે કાનમાં બીજુ કાણું પડાવવું છે, નાની નાજુક કડીઓ બતાવો’

‘આઇંસ્ટાઈન-માળાછાપ’ હેયર સ્ટાઈલ ધરાવતા સેલ્સમેને મારી સામે બે મીનીટ તાક્યા કર્યું.

’આપના કાન થોડા પાછ્ળની બાજુએ છે. તમે નાનીના બદલે થૉડી મોટી કડી લેશો તો સારું રહેશે.’

‘એમ રાખો ત્યારે’

મારા સમાધાનીયા જીવે તરત એની વાત માની લીધી ને પરિણામ હંમેશની જેમ જ સુખદ !

એણે બતાવેલી કડી મને એક નજરે જ ગમી ગઈ.

‘કાણું કંઈ રીતે પાડશો? જુઓ હું ‘હેલ્થ’ની બાબતે બહુ જ સાવચેત છું.એટલે મને નવી સોય જ જોઇશે.વળી એની ધાર પણ ચકાસી લેજો.બુટ્ઠી સોય વડે કાન વીંધવા જશો તો.કદાચ એ પીડા સહન ના થતા હું અધવચાળે ઊભી થઈને ચાલી જઈશ. તમારી બધી મહેનત પાણીમાં જશે..’

‘અરે મેડમ,મારી પાસે લેટેસ્ટ ગન છે.જેમાં આ કડી ભરાવી ડાયરેક્ટ કડીથી જ કાણું પાડી આપીશ.એક જ સેકંડ.તમને કીડીએ ચટકો ભર્યો એવું જ લાગશે.બસ.’

એ એની ગન લઈને આગળ વધ્યો. ‘શોલે’નો ગબ્બરસિંઘ.!

સ્વભાવે આમ તો હું બહુ હિઁમતવાન. સ્ત્રીઓ ધારે તો શું ના કરી શકે? .ઉલ્ટાનું એ પુરુષો કરતા પણ વધુ કામ કરે છે એટલે પુરુષ કરતા એ વધુ તાકાતવાન – આવા ક્બાટૉના કબાટો ભરીને ફાંકા મારે રાખવાનું એ મારુ અતિપ્રીય કામ. જ્યારે-જ્યારે વરજી કે બહેનપણીઓ સાથે વાતોના તડાકા મારવા બેસું ત્યારે આવા મહાન ડાયલોગોનો ગોળીબાર થાય…ઢીસકાઉં..!

પણ અત્યારે તો આ ગન  જોઇને જ મારા મોતિયા મરી જતા હતા એ હકીકત હતી. કાયા થરથર ધ્રુજવા લાગી.પરસેવાની બૂંદ ક્પાળ પર છ્લકાવા લાગી.આંખો ચકળ વકળ થવા લાગી.લાલ—લીલા—પીળા બધા જ રંગ ફેરફુંદરડી ફરતા ફરતા મારી નજર સમક્ષ તાંડવ નૃત્ય કરવા લાગ્યાં.

‘પારકી મા જ કાન વીંધે’ કહેવત કેમ પડી હશે એ બરાબર ખ્યાલ આવતો હતો.

ગન હજુ તો મારા કાને અડી ત્યાં તો મારી રાડ નીકળી ગઈ.

’અરે મેડમ, હજુ તો મેં મશીન ચાલુ જ નથી કર્યું..રીલેક્સ,.આમ તો કામ કરવાનું કેમનું ફાવે?’

“જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ‘

હાથની મુઠ્ઠીઓ જોરથી વળી ગઈ,દાંત પર જોરથી દાંત જમાવી દીધા,કચકચાવીને આંખો બંધ.આખીય દુનિયાનો નકશો મારા ચહેરા પરા દેખાય એટલી કરચલીઓ પડી ગઈ..

‘આ લો એક બાજુ તો કાણું પડી પણ ગયું’

આટલી જ વાત અને હું કેટલી ભયભીત !

પેલો ટોપી વાળો મહાન વિચારક ‘પાબ્લો પિકાસો’ કહી ગયો છે ને કે , ‘’Everything u can imagine is real’ , સાવ ખોટ્ટાડો.

ત્યાં તો સેલ્સમેને મારી ચીબુક પકડી લીધી.હજુ હું મારી નારાજગી જાહેર કરું ત્યાં તો એણે મારું માથું બરાબર 90 અંશની ડીગીએ ગળા પર ગોઠવીને ડાબી બાજુના કાન પર જમણી બાજુની સમાંતર રેખાની નિશાની કરી કુશળતાથી બીજો કાન પણ વીંધી કાઢ્યો,એંટીસેપ્ટીક લગાવી દીધું.કામ ખત્મ.થોડું દુ:ખતું હતુ,પણ ધારેલું એટલું ‘ભયાવહ –મિશન’ તો નહોતું જ.ત્યાં તો,

‘સટ્ટાક’ આ શું ?પેલા સલમાનને કેટરીનાએ બરાબરની ઝીંકી દીધેલી…

‘આટલી સસ્તી ઈયરીંગ્સ આપીને તેં તારો પ્રેમ કેટલો સસ્તો છે એ સાબિત કરી આપ્યું..આવા કડકા બોયફ્રેંડનું મારે કંઇ કામ નથી.બાય ફોર એવર’

‘એક થા ટાઇગર’ ગાલ પંપાળતો ખુરશીમાં ફસડાયો.કોલરમાં પાછ્ળની બાજુએ ઝૂલતા ગોગલ્સ પ્રેમિકાના હાથના થયેલા અવર્ણનીય સ્પર્શના તડાકાથી સરકીને ખુરશીમાં પડી ગયેલા જેનો એ મજનૂજીવને સહેજ પણ અંદાજ નહતો..દિલ અને ગોગલ્સ બેય ક્ડડડભૂસ…

માર,અપમાન,ગોગલ્સ- પ્રણય ભંગ..! એ પ્રેમીની પારાવાર પીડા જોઇને મને મારી કાન વીંધાવ્યાની પીડા ભૂલાઇ ગઈ.

સ્નેહા પટેલ.

 

6 comments on “પારકી મા જ કાન વીંધે ..

  1. ક્લાસ…ક્લાસ ..ક્લાસ ….અદભૂત…બેન પ્રત્યેક લીટીએ મારે મગજને હાજર રાખવું પડ્યું…ખરેખર તમે એક ‘ક્લાસ લેવલ’ની ગ્રીપ સાથે રજુ થયા છો…યેસ ગુજરાતમાં આ સ્ટાઈલ કોઈની ના હોય શકે સિવાય સ્નેહાબેન …ફક્ત આ તમે જ આલેખી શકો …હું એકદમ ગૌરવ અનૂભવું છું…જમાવટ…………….!!!!!!!!!!

    Like

  2. “જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ‘
    Mast artical maja aavi gai…Saullu ni vaat ma pan..

    Like

  3. એણે ‘દેખાડો’ કર્યો ને મને બરાબર ‘દેખાઈ ગયો.’ super like

    Like

Leave a comment