ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 26-09-2012નો લેખ.
મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.
– ભગવતીકુમાર શર્મા.
લોપા આજે બહુ જ ઉદાસ હતી. રસોઈ કરતાં કરતાં પણ એનો જીવ તો પોતાના ઘરથી 25મીનીટના અંતરે આવેલા પોતાના પીયરમાં- મમ્મી-પપ્પાની ચિંતામાં જ હતો.
અમદાવાદમાં લો-ગાર્ડન એરીઆમાં રહેતી લોપા -મા બાપનું એકનું એક સંતાન. પહેલેથી જ મા-બાપની લાડકવાયીના મગજમાં પોતાનું સાસરું અમદાવાદમાં જ શોધવાના કોડ હતા. લગ્ન માટે અમુક બાબતે એ બહુ જ સ્પ્ષ્ટ હતી. એમાંથી ‘અમદાવાદ શહેર’ પહેલી શરત હતી. નસીબવાન લોપાને એની ધારણા કરતા પણ વધુ સારુ સાસરું અને એ પણ અમદાવાદ શહેરમાં મળી રહ્યું. એનો પતિ દેવ એને હાથમાંને હાથમાં – ફૂલની જેમ સાચવતો હતો. વળી એના સાસુ – સસરા પણ બહુ પરિવર્તનશીલ હતા. જમાનાના કદમ સાથે કદમ મિલાવીને ચાલતા આ ઈન –મીન અને તીનના પરિવારમાં લાગણીશીલ અને સમજદાર લોપા બહુ જ સરળતાથી ગોઠવાઈ ગયેલી.
એને પોતાના પીયરે જતા કોઇ દિવસ કોઇ રોકતું નહીં. વારે – તહેવારે, સાજે – માંદે લોપા પોતાના પીયરીયાના સંબંધોને પણ આરામથી સાચવી લેતી.કમી તો કોઇ નહોતી પણ આજે આખા શહેરમાં જ્યારે વરસાદ ગાંડો થયેલો, લોપાના બંગલામાં પાણી ભરાતા ભરાતા 3 ઇંચની સપાટીએ પહોંચી ગયેલું. જેટલો સામાન ખસેડી શકાય એટલો ખસેડી લીધેલો એ પછી ચાલુ વરસાદે કંઈ કામ કરવાનું નહોતું રહેતું. લોપા-એના સાસુ – સસરા સામ સામે બે ખુરશી ગોઠ્વીને ચૂપચાપ ઘરમાં ઘૂસતા પાણીને જોઇ રહ્યા સિવાય કંઈ જ નહોતા કરી શકતાં. દેવ હજુ ઓફિસેથી આવ્યો નહતો એની ચિંતા બધાને હતી. એની ઓફિસેથી ઘર તરફ આવવાના ‘હેલ્મેટપોલીસ ચોકી-મેમનગર’ વિસ્તારમાં 4-4 ફૂટ પાણી ભરાયાના સમાચાર જોઇને એમનો ટેન્શનનો પારો વધુ ને વધુ ઉંચે જતો હતો. લોપાને બીજી પણ એક ચિંતા હતી. એ જ એરીઆમાં આવેલ પોતાના વિજય ચાર રસ્તા પર આવેલ મમ્મી-પપ્પાના ગ્રાઉંડ ફ્લોરના ફ્લેટની. ફોન કરીને પૂછયું તો એમના ઘરમાં પણ પાણી આવી ગયેલા. પત્યું..લોપાનો મૂડ એકદમ ડાઉન. પોતે ઇચ્છવા છ્તાં પણ પોતાના મા-બાપને કોઇ જ હેલ્પ નહી કરી શકેનો ખટકો એના દિલોદિમાગને કોરી ખાવા લાગ્યો.
67 વર્ષના મમ્મી અને 75 વર્ષના પપ્પા – બેયની તબિયત નરમ ગરમ રહેતી હતી. આજુ બાજુમાં ખાસ પાડોશી જેવું કોઇ નહોતું. હતા તો થોડા યંગસ્ટર જેમને પાડોશીધર્મ એટલે શું જેવી ઝાઝી ગતાગમ પણ નહોતી કે એના માટે સમય પણ નહતો.
લોપા પોતાની મૂંઝવણ બોલી પણ નહોતી શકતી કે સહી પણ નહોતી શકતી.એવામાં દેવની ગાડીનું હોર્ન વાગ્યું.લગભગ 2.30 કલાક પાણીમાં ફસાઈને એ માંડ માંડ ઘરે પહોંચેલો. દેવને જોઇને લોપાને એક રાહતનો શ્વાસ લેવાઈ ગયો. એને ચા – નાસ્તો કરાવીને થોડો ફ્રેશ થયો એટલે પોતાની ચિંતા કહી.
‘અરે હા લોપા, હું પણ રસ્તામાં એ જ વિચારતો હતો કે મમ્મી-પપ્પાને મારી સાથે લઈ આવું પણ પાણી એટલા બધા ભરાયેલા કે હું કશું ના કરી શક્યો.’ બોલતા બોલતા દેવે પોતાની સાસરીમાં ફોન લગાવ્યો તો ફોન ડેડ. આજુબાજુમાં પણ કોઇ ‘કોન્ટેક્ટ’ ના થઈ શક્યો. એ આખી રાત વરસતા વરસાદમાં 3-3 ઇંચ પાણી ભરાયેલા બંગલામાં એક વહુ – એક દીકરી ઘોર અજંપાના કારણે સૂઇ ના શકી.
વરસાદ બંધ થતા જ દેવે પોતાના થોડા કારીગરોને ઘરે બોલાવી લીધા એમને કામ સમજાવીને એ તરત લોપાને લઈને સાસરીમાં પહોંચ્યો. જોયું તો ઘરમાં 4-4 ઇંચ પાણીમાં ઘરડા સાસુ-સસરા એકબીજાનો હાથ પકડીને પાણીમાં ડૂબેલા સોફામાં સૂતેલા હતાં. લોપા તો એક્દમ રડી જ પડી. એના રુદનથી એના મમ્મી-પપ્પા જાગ્યા અને આખી રાતના અંધકાર પછી થયેલા સૂર્યોદયમાં વ્રુધ્ધ આંખો ખેંચી ખેંચીને પોતાની દીકરીને નિહાળવા લાગ્યાં. ચારે જણાની આંખો ભીની થઈ ગઈ. શબ્દોનો અવકાશ જ નહતો.
દેવે બે પળ વિચારીને પોતાના સાસુ –સસરાનો હાથ પકડીને કહ્યુ,
’ચાલો, આપણા ઘરે. હવેથી તમારે અમારી જોડે જ રહેવાનું છે’લોપા અને એના મમ્મી પપ્પા તો ભોંચક્કા રહી ગયા.’ના,ના દેવકુમારએમ તે કંઈ થોડુંબને…દીકરીના ઘરે કાયમ રહેવાનું અમને ના શોભે. એ તો આવી કુદરતી આપત્તિ આવે તો થોડી તકલીફ થાય. બાકી બધું હેમખેમ જ છે ને!’
‘કેમ હું તમારો દીકરો નથી ?વળી આ તો હું મારા મતલબથી કહું છું. તમારા ટેન્શનમાં મારી ધર્મ પત્ની અડધીસૂકાઈ જાય છે એ મને ના પોસાય હકીકતે તો આ વિશે થોડા દિવસ પહેલાં જ મારે મારા મમ્મી પપ્પા જોડે વાત થયેલી અને એ લોકોએ જ મને આ રસ્તો કહેલો. આગલા અઠવાડીએ લોપાની બર્થડે પર આ વાત કરીને એને સરપ્રાઈઝ આપવાનો જ હતો. આપણે બધા એક ફેમિલીની જેમ રહીશું. મમ્મી-પપ્પાને પણ તમારી જોડેસરસ ફાવે છે. ઉલ્ટાનું તમે લોકો સાથે હશો તો અમે થોડા છૂટા થઈ શકીશું.આમ તો અમે જુવાનીયાઓ થોડા ‘સેલ્ફીશ’ખરા ને !’
‘દેવ,આ શું બોલો છો? દુનિયા-સમાજ શું કહેશે ? આ શક્ય જ..’અને દેવે લોપાના મોઢા પર હાથ મૂકીને એને રોકી દીધી.
‘લોપા, મને કે મારા ફેમીલીને સમાજની ચિંતા નથી. પોતાના માણસોની ચિંતા વધારે છે.હવે મારે કોઇ જ વધારે ડીસ્કશન નથી જોઇતું, અત્યારે જ આ ઘર આમ ને આમ મૂકી દો અને ચાલો આપણા ઘરે. બહુ બધા રુમ એમ જ ખાલી ખાલી બંધ પડ્યા કોઇ આવીને એમને પાવન કરે એની રાહ જોવે છે. તો ચાલો, શુભ કામમાં દેરી ના કરો.’
અને હાથ પકડીને સાસુ સસરાને લઈને દેવ ઘરની બહાર નીકળ્યો. પાછ્ળ લોપા પોતાને આવો સમજદાર ઘર અને વર મળ્યા એના બદલ ભગવાનનો પાડ માનતી રડી પડી.
અનબીટેબલ :- Do not save anything for a special occasion, being alive is a special occasion.
-સ્નેહા પટેલ.