નથીનું મૂલ્ય


 

gujarat guardian paper > take it easy column > 30-09-2012 > artical no -10. http://www.gujaratguardian.in/30.09.12/magazine/index.html

 

 

‘નથી’નું મૂલ્ય.

લેપટોપ પર આંગળીઓ ધડાધડ પછડાતી હતી,શબ્દો એની ગતિ, લય પ્રોપર જાળવી નહોતા શકતા,મગજમાં  અક્ળામણ નામની ‘પોપકોર્ન’ ફાટ-ફાટ ફૂટતી હતી.એને ઠંડુ પાડવા ‘લેખન’ એક માત્ર રસ્તો હતો.

પણ આવી બધી મારા ‘બચુડીઆ’ મતલબ મારા ‘લાલુ’ મતલબ મારા ‘રાજુ’ મતલબ મારા ‘સોનુ’ મતલબ મારા ‘સોનુ બેટા’ મતલબ (અલ્ટીમેટલી ફાઈનલ)  મારા દીકરા ‘અક્ષત’ને બહુ સમજ ના પડે. એને તો હેય ને મજ્જાની લાઈફ ‘નો ટેન્શન નો અક્ળામણ.’

‘મમ્મી,એને લેપટોપ કહેવાય અને તમે જેની પર ‘બે- ત્રણ તાળી ના ગરબા’ રમો છો એને કી – બોર્ડ.’

‘મને ખબર છે. બહુ દોઢો થા મા.’

‘પણ મમ્મા, તમે કોઇને બોલતા જ ના આવડતું હોય અને એને દેશના મોટટટા…મોટટટા પ્રોબ્લેમસ આપીને એના સોલ્યુશન માટે બીજા દેશ જોડે વાટાઘાટો કરવાનું કહો તો કેવું લાગે? એક સસલાને સિંહણની જેમ દોડવાનું કેવી રીતે ફાવે ! લેપટોપનું કી-બોર્ડ એક્દમ ‘સોફ્ટ’ હોય એની ઉપર મમતાળુ હાથ ફેરવવાનો હોય નહીં તો જો એ છંછેડાશે ને તો તમે કયાંયના નહી રહો ‘

મારી આંખો 12-`13 વર્ષના નાનકડા દિમાગની આટલી મોટી મોટી વાતો સાંભળીને બે રુપિયાના સિક્કાની જેમ પહોળી થઈ ગઈ. આને નવાઈની લાગણી કહેવાય કે આઘાતની એ ના સમજાયું. જોકે અમારે બેયને સરખો પ્રોબ્લેમ હતો : ના તો એ મારી અકળામણ સમજી શકે એમ હતું કે ના હું એની સ્માર્ટનેસનો ક્યાસ પૂરેપૂરો કાઢી શકુ એવી સ્થિતીમાં હતી. છેવટે સવારના 5 વાગ્યાથી ઉઠીને પૂરી નિષ્ઠા સાથે લખતી હતી અને આને અત્યારે ‘પતાવી જ કાઢવો છે’ના  મક્કમ ઇરાદાવાળા આર્ટીકલને બાજુમાં મૂકી, લેપટોપ બંધ કરીને મન મજબૂત કરીને ઘરના કામને પ્રથમ ‘પ્રાયોરીટી’ આપવાના નિર્ધાર સાથે રસોડા તરફ વળી.

વાત એમ હતી કે આજકાલ મારી દરેક સવાર ‘નથી’ના ‘શબ્દોદય’થી જ ઉગતી હતી. એક દિવસ દૂધવાળો અડધી પડધી ઊંઘમાં દૂધની થેલી આપવાનું ભૂલી ગયો હોય તો બીજા દિવસે કચરાવાળી કચરો લેવા ના આવે. એ બેયની મતિ અને નીયત સાફ  હોય તો કામવાળી તો ગમે ત્યારે તૈયાર જ હોય રજા પાડવા. આ બધા ય સજીવ પ્રાણીઓ ‘સબ સલામત’ જેવી સ્થિતીમાં હોય ત્યારે લિફ્ટ રિસાઈ ગઈ હોય , નેટ ના ચાલે, ફોનની કમાન છ્ટકેલ હોય..આજે પાણી અને લિફ્ટ બે ય જણે સાથે વારો કાઢેલો !

‘ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં..સંગાથમાં’ બેય બહેનપણા કરીને સાથે રજા પર ઉતરી ગયા એ પણ કોઇ જ આગોતરી જાણ નહી કે પાછા ક્યારે આવવાના એની એંધાણીઓ નહીં.

આ ‘નથી’શબ્દની હવે મને એલર્જી થવા લાગેલી.સવારના પહોરમાં ચા પણ ના પીધી હોય અને ‘નથી’ શબ્દ સાંભળતા જ મારી ખોપડી પૂરા  45 અંશના ખૂણે ફરી જાય. એમાંય ત્રીજા માળે લિફ્ટ વગર પાણી વગર કેમનું જીવાય ? બે –બે ટીપા પીવાના ભરેલા પાણીથી બ્રશને ભીનું કરાય, પછી અડધો ગ્લાસ કોગળા કરવામાં કચવાતા જીવે વાપર્યું .એ પછી રોજના કરતા થોડી વધારે ‘સ્ટ્રોંગ’ચા બનાવીને પીધી અને મૂડને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો.આગળ ટાંટીયાતોડ કસરત કરવાની હતી એની પૂર્વતૈયારીરુપે આજે જીમ –ફીમને ધરાર અવગણીને એનો સમય અને ઉર્જા ત્રણ માળ જરુરી પાણી ચડાવવાના કામમાં વાપરવાની હતી. ડીપ બ્રીધીંગ કરીને થોડું ‘રીલેક્ષેશન’કરી લીધું. ઘરના ત્રણેય સદસ્યોના માથે એક એક ફ્લોરની જવાબદારી. નીચે પતિદેવ,બીજા માળે અક્ષતભાઈ અને ત્રીજા માળે ઘરની મહારાણી (નામની જ બાકી અત્યારે તો નોકરાણીના રોલમાં હતી એવી હું.)

દરેક માનવીને ચાંસ મળે તો એની શારિરીક મહેનતની પ્રેકટીસ બહુ સરળતાથી  છૂટી જાય. મારે પણ સાવ એવું જ સમજી લો ને. જેનામાં અક્કલ ના હોય એમણે શારિરીક મહેનતના કામ કરવાનો વારો વધારે આવે આવી આપણા સમાજની જુની-પુરાણી-પ્રચલિત માન્યતાને પૂરતું માન આપનારી હું બને ત્યાં સુધી માનસિક કસરતોવાળા કામોને જ પ્રાધાન્ય આપું, રુટીન દિવસો હોય ત્યાં સુધી તો કંઈ જ વાધો ના આવે પણ આજકાલ મારા જીવનમાં ‘નિયમીતતા’ નિયમીત રીતે ‘અનિયમીત’ થઈ ગયેલી ! ના સમજાયું ને આ વાક્ય ?તો વિચારો..મારે આવી અટપટી પરિસ્થિતીને સમજ્વાની- સંભાળવાની-એ પણ રોજ રોજ !

જોકે સમાજ હવે બહુ સુધરી ગયો છે એટલે ‘પતિદેવ-દીકરા અને મને’ ત્રણેય ને પાણી ભરવાના મહાન કાર્યમાં લાગેલા જોઇને  ‘દીકરા કે વર જોડે કામ કરાવે છે’ જેવી પંચાત -‘ડાયલોગબાજી કરવાના કોઇ જ પ્રયત્નો કર્યા વગર પોતપોતાના પાણી ભરવાના કામમાં નિષ્ઠાપૂર્વક લાગેલા હતા. પતિદેવ પાણીની મોટી મસ ભૂરી ડોલ લઈને અડધે દાદરે આવ્યા તો મેં ટેવવશ  આ તાજુ અવલોકન એમના કાનમાં રેડયું :

‘આજકાલ સમાજમાં ‘સુધારા’નો પવન ફૂંકાતો દેખાય છે. લોકો પંચાતો ઓછી ને કામ વધારે કરતા દેખાય છે કેમ ?’

પતિદેવ બે મીનીટ તો બાઘા જ બની ગયા. બે જ પળમાં આઘાત કે મૂંઝવણની સ્થિતી પર કાબૂ મેળવી લીધો (એમની આ તાકાતને સલામ. બાકી મારા રોજ રોજના તાજા અવલોકનોના વરસાદની ઝડીનું શું થાત ? બિચારા જન્મતા પહેલા જ મરણ પામી જાત ને !) હા, તો પતિદેવે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવીને જવાબ વાળ્યો:

‘એ તો આપણે જેવા હોઇએ ને ‘નેહુ’ એવી જ દુનિયા દેખાય. હવે આ ડોલ ખાલી કરીને આપ એટલે હું નીચે પાછો જઈ શકું. આપણી ‘પીંક ડોલ’ વારો આવશે ને કોઇ ખસેડી લેશે તો ફરીથી લાઈનમાં મૂકવી પડશે અને બીજીવાર ડોલનો વારો આવતા તો 15 મીનીટ લાગે છે તો પ્લીઝ અત્યારે..” અને આગળનું એમનું વણબોલાયેલ વાક્ય અને એની પાછળનો ભાવાર્થ બે ય હું તરત સમજી ગઈ.ચૂપચાપ એમની આજ્ઞાનું પાલન કરીને ‘ભૂરી ડોલ’ પાછી આપીને ‘પીંક ડોલ’ની રાહ જોવા લાગી.

લગભગ 40-45 મીનીટની કમરતોડ –ટાંટીયાતોડની કવાયત પછી ઘરમાં ‘ન્હાવા-ધોવા’ જેવી જીવનજરુરિયાત પોસાઈ શકે એટલા ‘પાણીદાર’ તો અમે થઈ જ ગયા.

દીકરાને મન તો આ રમત – એક રોમાંચ હતો. જીવનમાં પહેલી વાર આમ સાહસિક કાર્ય કરેલું ને ! એ તો તરત રમવા ઉપડી ગયો. પણ મારી કમર અને વરજીના પગ બેય સાવ નીચોવાઈ ગયેલ કપડાં પેઠે ‘લૂસ’ થઈ ગયા હતા. ઘરમાં સોફા પર બેઠા બેઠા બેય જણ એકબીજાના મોઢા સામે જોઇને આંખો હી આંખોમેં ‘તુમ મેરા રંજો ગમ અપની પરેશાની મુજે દે દો’ જેવી લાગણીની આપ લે કરતા હતાં.

‘ગમ બાંટને સે કમ હોતા હૈ ગોયા…’ આ ગોયા સામે મળી જાય ને તો..જવા દોને..એનો બિચારાનો શું વાંક..વાંક તો મારી થાકેલી માનસિક – શારિરીક હાલતનો હતો. આમ એકદમ ન્યાયપૂર્વક કહું તો ખરો વાંક તો જેણે ઇલેક્ટ્રીક બીલ નહોતું ભર્યુ અને જેના લીધે ‘ઇલેક્ટ્રીક કનેકશન’ કપાઈ ગયેલું એ બીજામાળ વાળા પેલા ‘વાયડા-સુકલકડી – ભરતભાઈનો જ કહેવાય. ‘પાડાના વાંકે અમારા જેવી સુંવાળી જીંદગીઓને ડામ’!

આખરે આ ખખડધજ દાદરાતોડ કસરતના થાકના પરિણામે એ દિવસનું લંચ બહારથી જ મંગાવી લીધું.આમ આજની ‘નથી’ મને પૂરા 1000 રુપિયા’ની પડી !.

-સ્નેહા પટેલ