ઉરાંગઉટાંગ


http://www.gujaratguardian.in/02.09.12/magazine/index.html

ગુજરાત ગાર્ડીઅન દૈનિક પેપર > ટેક ઈટ ઇઝી કોલમ -લેખ નંબર – 7 > 2-09-2012

અઠવાડીયું પતવા આવ્યું. આર્ટીકલ આપવાનો સમય માથા પર ભૂતની માફક મંડરાઈ રહેલો. કોઇએ જેના પર લખેલું ના હોય, વિચારેલું પણ ના હોય એવું કંઈક તાજુ, તડકતુ –ફડકતું આપણે શોધી કાઢીએ એટલે ‘ઈડરીઓ ગઢ’ જીત્યાં જેવી લાગણી અનુભવાય.

ટીવી, બુક્સ, છાપા, નેટ બધુંય ભોમિયાની માફક ફરી વળી. પણ મગજ સાવ જ ‘હવાઈ’ ગયેલું.

અકળામણ હદ પાર કરવા લાગી.કાગળના ડુચાથી ડસ્ટબીન અને કોફીના મગથી ટેબલ ભરાવા લાગ્યું. બાજુમાં પડેલ નાસ્તાની ડીશ પર માખીઓ ‘ફૂટબોલની ચેમ્પિયનશીપ’ મેચો રમવા લાગી. પેનની આખ્ખી બે રીફિલ ખાલી થઈ ગઈ. કંટાળીને ‘આઈ પોડ’ના ડ્ટ્ટા કાનમાં ઠુંસીને મગજ શાંત કરવા માટે મનગમતા ગીતો સાંભળવા બેઠી. એમાંય  ‘જાને જા…ઢૂંઢતી ફિર રહી હૂં..મૈં તુઝે રાત દિન’ જેવું ગીત વાગવા લાગ્યું. કાનમાં કોઇએ સુતળી બોંબ નાખી દીધો હોય એવા તડાકા-ભડાકા થવા લાગ્યાં. આંખો સામે લાલ-લીલા-ભૂરા તારાઓ નાચવા લાગ્યા.

કંટાળીને કપડાં બદલીને ઘરની બહાર નીકળી ગઈ. વિચાર્યુ ‘તાજી હવા ફેફસામાં ભરાશે એટલે આપોઆપ મગજને થોડો વધારે ઓકસીજન મળતા ફ્રેશ થઈ જશે.રસ્તામાં કોઇ ઘટના ઘટે અને કોઇ સબ્જેક્ટ મળી જાય એમ પણ બને.’

ત્યાં તો પાછ્ળથી બૂમ પડી,

’હાય સ્નેહા ‘

‘હાય વિની, હાઉ આર યુ ?’

‘બસ એકદમ સરસ. તું કહે શું નવા-જૂની છે ? તારું લખવાનું કેમનું ચાલે ? આજકાલ કયા વિષય પર લખે છે ?’

એક  પ્રશ્નની સામે ધનધનાધન ત્રણ પ્રશ્નોનો ગોળીબાર ! જાણે લંડનના ઓલિમ્પિકમાં શૂટીંગની હરિફાઈમાં જવાની પૂર્વતૈયારી કરીને આવેલી.

ઓક્સીજનની ચાહમાં નીકળેલા જીવના અણુ એ અણુમાં પ્રશ્નોનો કાર્બન ડાયોકસાઈડ વ્યાપી ગયો. શરીરમાં નબળાઈ અનુભવાવા લાગી, જીભ લથડવા લાગી. વિનીને આશ્ચ્રર્યના મહાસાગરમાં છોડીને હું પાછી ઘર તરફ વળી ગઈ.

એક વાર તો તીવ્ર ઇચ્છા થઈ ગઈ કે અંગ્રેજી બુકમાં વાંચેલ લેખ ‘ટ્રાંસલેટ’ કરીને ડીટ્ટો જ કોપી કરી દઉં. આમે પહેલાં કોણે, ક્યાં શું લખેલું આજ-કાલના ફાસ્ટ જમાનામાં શોર્ટ મેમરીવાળાઓને ક્યાં કંઇ ખબર પડવાની ? મારામાંનો દુર્જન આત્મા મારી સજ્જ્નતા પર હાવી થવા માંડ્યો. હાથ ધીમે ધીમે બુક તરફ વધવા લાગ્યો. ત્યાં મોબાઈલમાં ‘ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના ‘ની રીંગટોન વાગી અને મારું ‘પ્લેઝરિઝમ’નું વશીકરણ તૂટ્યું. અજાણતાં જ બે કાને હાથ અડી ગયો ,’રામ..રામ..રામ.’

ફોન પર બાજુવાળા રીટાબેન હતા.

‘જલ્દીથી અહીં આવો’ કહીને ફોન કટ કરી દીધો.હું બાઘાની જેમ ફોનને તાકી રહી. આ કેવી દાદાગીરી. જાણે આપણે એમના પ.પૂ.ધ.ધૂ ના પગારદાર !

રીટાબેનના ઘરે. જઈને જોયુંતો મોઢું આશ્ચર્યથી પહોળું જ રહી ગયું. એ કંઇક વિચિત્ર રીતે બાથરુમમાં બે પગ લાંબા – પહોળા કરીને બેઠેલા હતા. બાજુમાં ‘હારપીક’ની બોટ્લ આડી પડી ગયેલી, એમાંથી ભૂરું ભૂરું લીકવીડ બહાર રેલાતું હતું જેને એ દેવીજી ઊંચી કરવાની કોઇ જ તસ્દી લેતા નહોતા. સાવ ‘કેરલેસ’ ! એમનો જમણો પગ પાછ્ળની બાજુએ એવી વિચિત્ર રીતે વળી ગયેલો કે બે ના બદલે  ત્રણ પગ દેખાતા હતા. વિચિત્ર દ્ર્શ્યના આઘાતમાં ચશ્મા કાઢીને કાચ લૂછીને ફરીથી આંખે ગોઠવ્યા. રીટાબેને એક હાથથી બાથરુમના દરવાજાને જાણે પડતા રોકી રાખવા ટેકો દેતા હોય એમ પકડી રાખેલો.બીજા હાથમાં સાવરણો હવા ખાવાના પંખાની માફ્ક લબડતો હતો.લાઈટ બંધ હોવાથી બાથરુમમાં અંધારાની દાદાગીરી હતી. રીટાબેનના થોડા વાળ બટરફ્લાયમાંથી નીકળીને  કાન – કપાળ આગળથી વિચિત્ર રીતે મોઢા પર આવતા હતા જેથી અંધારામાં એમને દાઢી મૂછ ઉગ્યાનો ભાસ થતો હતો. નાઈટ ગાઉન પગ પર થોડું ઉંચુ ચડી ગયેલું જેમાંથી લોકોથી કાયમ છુપાવીને રાખેલા ‘ટુનટુનછાપ’ પગ ઢીંચણ સુધી ઉઘાડા થઈ ગયેલા. બે ઘડી તો મને કમકમા આવી ગયા.

‘અરે,શું વિચારો છો ? ઘડી ટેકો તો કરો મને. આ બાથરુમ સાફ કરવા ગઈ તે વાલામૂઇ લપસી પડી. પડી તે એવી પડી કે હવે ઉઠાતું ય નથી. વળી ઘરમાં કોઇ છે ય નહી કે જેની મદદ લઈ શકાય.

‘તો તમે મોબાઈલ..!’ આગળનું વાક્ય મેં સહેતુક અધૂરું જ મૂક્યું.

‘એ તો મોબાઈલમાં ગીતો સાંભળતી હતી તો આ નાઈટ ગાઉનના ખીસામાં જ હતો. કાનમાં ઈયરફોન લગાવી ને બાથરુમ ધોતી હતી, એવામાં મારું ‘આજ મૈ ઉપર આસમા નીચે ‘ ફેવરીટ સોંગ  આવ્યું અને ’તાલસે તાલ’ મિલાવવામાં બળ્યું પગ લપસ્યો અને આ ઉપાધિ થઈ ગઈ’

મારાથી મનોમન એમના ગીતપ્રેમને વંદન થઈ ગયા. મેં એમને ટેકો આપીને માંડ માંડ એમની અંધારી ગુફા જેવા બાથરુમની બહાર કાઢ્યા. સોફા પર બેસાડ્યા. થોડી કળ વળતા એમને બાજુમાં રહેલા  હાડવૈદ્યને ત્યાં લઈ ગઈ. હાડવૈદ્યએ પીંડી આગળથી સૂજી ગયેલા રીટાબેનના નાજુક પગને જમણી ડાબી, આગળ પાછ્ળ બધી બાજુ નિર્મમતાથી વાળવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો રીટાબેનથી એ દર્દ સહન ના થતા ‘મારા રોયા ‘ કહેતા’ક્ને સટ્ટાક દઈને ડોકટરને ગાલ પર અડબોથ ઝીંકી દીધી. આઘાતના માર્યા ડોકટરે તરત એમનો પગ છોડી દીધો જે જમીન પર પછ્ડાતા રીટાબેન ફરીથી બરાડી ઉઠ્યાં.

‘આ ઉરાંગ ઉટાંગને જલ્દીથી વિદાય કરી દેવામાં જ જાનની સલામતી છે’ની વિચાર-ભાવના સાથે ડોકટરે ફટાફટ બે ચાર ગોળીના નામ લખીને પ્રિસ્ક્રીપશન મને પકડાવી દીધું .

‘ ફ્રેકચર હોય એવું લાગે છે તો ‘એકસ રે’ પડાવવો પડશે.’

બધું પતાવીને પૈસા આપીને રીટાબેનને ટેકો દેવામાં ક્યાંક હું ના ગબડી પડું નું પૂરેપૂરું ધ્યાન રાખતી હું એમને દાદર ઉતરાવતી હતી ને એમણે પ્રશ્ન પૂછ્યો ,

’ હેં સ્નેહાબેન,આ પગનો ફોટોગ્રાફ ક્યાં પડાવીશું આપણે ?’

‘એને એક્સ –રે કહેવાય.’

‘અરે હા. બળ્યું એ જ. પણ હેં સ્નેહાબેન, પગને અંગરેજીમાં ‘ફૂટ’ કહેવાય, તો ‘પગના એકસ-રે’ ને ‘ફોટોગ્રાફ’ કેમ ના કહેવાય ?’

મારી પાસે આટલા મહાન સવાલનો કોઇ જ જવાબ નહતો. જોકે એક વાત પૂરતી એમની આભારી કે  આ ‘ફોટોગ્રાફ પ્રકરણે’ મારા મગજને ડાયવર્ટ કરી દીધેલુ અને મગજમાં ઢગલો ‘સબજેક્ટ’ કીડીયારાની માફ્ક ઉભરાવા માંડેલા.

-સ્નેહા પટેલ