http://www.gujaratguardian.in/E-Paper/10-28-2012Suppliment/index.html
ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઇટ ઇઝી લેખ નંબર- લેખ નંબર-14.
50% સેલના લેબલ પર મોહી ગયેલ મારા નારી-સ્વભાવની સહજ નબળાઈ પર આપણે છેલ્લે વાત અધૂરી મૂકેલી એટલું તો મારા મિત્રોને યાદ જ હશે ને..કે તમે પણ મારી જેમ કાચી યાદશક્તિવાળા..? મારા વિદ્વાન અને પ્રેમાળ વાંચક મિત્રો નહી જ ભૂલ્યા હોય એ વાત એમ ધારીને વાત આગળ ધપાવું છું ( ભૂલી ગયા હોય તો પાછ્ળના રવિવારની પૂર્તિ કાઢીને થોડું વાંચી લેજો ને ભાઈસા’બ..આટલું બધું ટેંન્શન ન’કો…ટેક ઈટ ઇઝી..!)
અહાહા..લેટેસ્ટ કુર્તીસ, લેગીંગ્સ,બ્રાંડેડ ડીઝાઈનર વેર્સ ! સેલ વગર તો આવા કપડા ખરીદવાના સપના પણ જોવાના ના પોસાય. આટલા સસ્તા કપડાં જોઇને નાજુક મન લલચાઈ ગયું. સટાસટ એક પછી એક ડ્રેસ ટ્રોલીમાં ભરવા માંડી. પતિદેવ મોઢું પહોળું કરીને મને જોઇ જ રહ્યાં જેને ધરાર અવગણીને ટ્રોલી લઈને હું ‘ટ્રાયલરુમ’ તરફ વળી. પતિદેવને બહાર ઉભા રાખ્યાં અને ટ્રાયલરુમમાં ઘૂસી.પહેલી કુર્તીનો ટ્રાયલ લેવા જતાં જ ખ્યાલ આવ્યો કે આ તો ‘સ્મોલ’સાઈઝ..મારે તો મીડીઅમ જોઇએ..ઉત્સાહના અતિરેકમાં આવી ભૂલ તો મેં દરેક ડ્રેસમાં કરેલી. કોઇક સ્મોલ હતી તો કોઇકની એક્સ્ટ્રા લાર્જ..! લટકેલા મોઢે બહાર આવી.. પતિદેવ મને મારા ઓરીજીનલ ડ્રેસમા જોઇને થોડા ચમક્યાં કે આ અંદર જઈને આટલો બધો સમય શું કરી આવી ? હવે આપણી મૂર્ખામી એમ ખુલ્લેઆમ આટલા મોટા શોરુમમાં ખુલ્લી તો પડાય નહી, એટલી બધી પ્રામાણિકતા દાખવવા જતા આજુ બાજુવાળા દાંત કાઢે એ જોવાનો અમૂલ્ય શિરપાવ જ આપણા લમણે ચોંટે.. કોઇ ચંદ્રક -ફંદ્ર્ક ના મળે એટલે ચૂપચાપ હું મારા સિલેક્ટેડ ડ્રેસીસની મીડીઅમ સાઈઝ શોધવામાં પડી.
વરજીને આ બધામાં જ ન સમજ ના પડતા એ મને સાચે ‘બિચારા’ લાગતા હતા. પણ ‘મજબૂરે હાલત ઉધર ભી થે ઓર ઇધર ભી..’ ચૂપચાપ દૂરથી મારી રેક પરની ડ્રેસ શોધવાની કવાયત નિહાળી રહ્યાં.
ખરી તકલીફ તો હવે થઈ. મીડીઅમ સાઈઝમાં કોઇ જ સારા કપડા નહોતા બચ્યાં. બધા કાં તો સ્મોલ સાઈઝ્ના હતા કાં તો એક્સ્ટ્રા સાઈઝના. હવે મને આ સેલનું અસલી રહસ્ય ધ્યાનમાં આવ્યું. કાયમથી ‘બધા સેલના એક રહસ્ય હોય છે’નું બ્રહ્મજ્ઞાન પીરસતા પતિદેવ સાથે ‘સેલની તરફેણ’માં જ ડીબેટ કરી છે એના પર મને આજે ભરપૂર પસ્તાવો થતો હતો. બહુ જ ગમી ગયેલા ડ્રેસ સાવ જ આમ મૂકી દેવા પડશે એ વિચારે મારું હૈયું કળીએ કળીએ કપાતું હતું. છેલ્લે થોડુ મન કાઠુ કરીને ‘એક્સ્ટ્રા લાર્જ ‘સાઈઝના કપડાંને ફીટીંગ કરાવી દેવાશે વિચારીને એવા થોડા પીસ સિલેક્ટ કર્યા અને ટ્રાયલરુમ તરફ વળી. પતિદેવને દૂરથી જ નજરથી ઇશારો કરીને ‘ફાઈનલ સિલેક્શનમાં હેલ્પ કરવાની ડ્યૂટી’ પર હાજર થવાની વાત સમજાવી દીધી.
ટ્રાયલરુમનો દરવાજો ખોલવા જ જતી હતી અને એકદમ એ દરવાજો અંદરની બાજુથી ખૂલ્યો. મેં દરવાજાનું હેંડલ પકડેલું અને થોડી ઉતાવળ અને બેધ્યાન હોવાથી હું અંદર ઢસડાઈ. અંદર રહેલ દેવીજી સાથે મારું માથું જોરથી અથડાયું. બે ય જણ એક પળ તો ‘મંગળગ્રહ’ના મુલાકાતીની જેમ શૂન્યાવસ્થાની હાલત અનુભવી રહ્યાં. ‘સોરી સોરી’ ની વિધી પતાવી હું બહાર આવીને ડાહી ડમરી થઈને મારો વારો આવે એની રાહ જોવા લાગી. પેલા દેવીજીએ ફરીથી એમનું દ્વિધાપૂર્ણ ડોકું બહાર કાઢ્યું.મારી જોડે નજર અથડાતા જ ‘અહીં વ્હાઈટ શર્ટ-બ્લ્યુ જીંસમાં મારા મિસ્ટર ઉભેલા તમે એમને જોયા કે..? નો પ્રશ્ન ફેંક્યો અને હુ એની તકલીફ સમજી ગઈ. એનો વ્હાઈટ શર્ટીયો મિસ્ટર એને એકલી મૂકીને શોરુમની બહાર કયાંક્ જતો રહેલો હતો. થોડી અકળામણ સાથે એણે દરવાજો બંધ કર્યો પણ એ પહેલાં મેં એના ટ્રાયલ કરવાના કપડાંનો જથ્થો જોઇ લીધેલો .કમ સે કમ 15 મીનીટ..મનોમન ગણત્રી કરી લીધી. ઓ બાપરે..આ તો બહુ સમય લેશે..એક વાર તો મન થયું કે ને કહી દઉં કે આમ ના ચાલે. 3-4 કપડા સુધી તો ઠીક છે પણ પછી બીજાને વારો આપવો પડે ને..આમા ને આમા જ તારો વર કંટાળીને જતો રહ્યો હશે.એ જ લાગની છે સાવ તું..હુહ્હ…!
બાજુના ટ્રાયલરુમમાં 4-5 જણ ઉભેલા એટલે ત્યાં જવાનો તો પ્રશ્ન જ નહતો. મારે પણ ડ્રેસનો ટ્રાય કર્યા વગર ચાલે એમ નહોતું. આ બધામાં ટેંશન તો એક જ વાતનું હતુ કે માંડ માંડ મારી જોડે ધીરજ રાખીને ઉભેલા મારા વરજી પણ પેલા મિસ્ટરજીની જેમ છૂ…ઉ….ના ના…આ વાતની તો કલ્પ્ના જ એકદમ ભયંકર હતી. છેલ્લે મારો વારો આવ્યો અને મેં ઉભા ઉભા 8-9 ડ્રેસની સંખ્યા ઘટાડીને 3-4 કરી કાઢેલી. ફટાફટ એ ટ્રાય કરવા લાગી. ઉતાવળમાંપહેલો જ ડ્રેસ પહેરેલ ડ્રેસ પર ચડાવ્યો , મીરરમાં વિચિત્ર જેવું લાગ્યુ ત્યારે એ ભૂલ ખ્યાલ આવી. અને ઝડપથી સુધારી લીધી. પહેર્યા પછી મને એનો કલર સૂટ થતો હોય એમ ના લાગતા પતિદેવને તકલીફ ના આપી. બીજો થોડો ફીટ લાગતો હતો તો માથામાંથી નીચે જ ના ઉતર્યો. બધા વાળ વેરવિખેર થઈ ગયા. ત્રીજો બરાબર લાગ્યો અને ખુશ થઈને દરવાજો ખોલવા જ જતી હતી ત્યાં ડ્રેસની નીચેની બાજુએ એક મોટું કાણું પડેલુ દેખાયું જે કોઇ પણ રીતે ‘રીપેરેબલ’ નહોતું. હવે માત્ર એક જ ડ્રેસ બચેલો જેને ભગવાનનું નામ લઈને પહેર્યો. બધી જ રીતે સુંદર લાગતા આ ડ્રેસની નેકલાઈન બહુ જ ડીપ હતી જે મને કોઇ પણ સંજોગોમાં પાલવે એમ નહોતું. વીલા મોઢે બધુ સમેટીને બહાર નીકળી. પતિદેવ મારા હાલ જોઇને ભોંચક્કા રહી ગયા.
‘શું થયું ?’
‘કંઈ નહી. ના મજા આવી.ચાલો જઈએ હવે’
‘અરે એમ થોડી ચાલે? એક મીનીટમેં એક ડ્રેસ જોયેલો મને બહુ ગમ્યો’અને એ જઈને એક પર્પલ કલરમાં એક્દમ ફ્રેશ ડિઝાઈનર પીસ લઈ આવ્યાં. એમની પસંદગી પર મને માન થઈ ગયુ અને ફરી એક વાર ટ્રાયલરુમમાં ગઈ. ડ્રેસ ટ્રાય કર્યો એક્દમ પરફેક્ટ ! ખુશીથી દરવાજો ખોલીને પતિદેવને ત્યાંથી જ એ બતાવ્યો જેને એમણે પહેલી આંગળી અને અંગૂઠાથી ગોળ કરીને ‘મસ્ત’ કહીને મંજૂરી આપી.છેલ્લે બિલ બનાવવા કાઉંટર પર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ફ્રેશ પીસ હતો. આની પર કોઇ જ ડીસ્કાઉણ્ટ નહોતું.મૂડ મરી ગયો.ડ્રેસ મૂકીને બહાર જ નીકળી ગઈ. ઘડિયાળમાં નજર ગઈ..બાપરે..આ બધી કવાયતમાં 9.30 થઈ ગયેલા. હવે ઘરે જઈને શું રસોઇ કરીશ ? ના વિચારમાં ગુમ હતી ત્યાં તો પતિદેવ હાથમાં ‘રેડ શોપિંગ બેગ’માં પેલો પર્પલ ડ્રેસ પેક કરાવીને બેગ ઝુલાવતા ઝુલાવતા આવતા નજરે પડ્યાં.
‘અરે પાગલ, આમ મૂડ ડાઉન કરી દેવાનો..આવું તો ચાલ્યા કરે, છોડ બધી વાત. ઉભા ઉભા ટાંટીયાની ક્ઢી થઈ ગઈ છે. તું પણ થાકી હોઇશ. ચાલ સામેના ‘ફૂડ કોર્ટ’માં જઈને કંઈક જમી લઈએ.આમે હવે ઘરે જઈને રસોઇ કરવાનો સમય તો છે નહી ‘
અને મારી આંખમાં હર્ષના આંસુડા છ્લકાઈ ગયા. પ્રેમાળ –સમજુ પતિદેવના પ્રેમે મારી સાંજનું સત્યાનાશ થતા અટકાવી દીધેલી..
મારા રામ..તમે સાચ્ચે મહાન..!!
ઇતિ સમાપ્તમ.
-સ્નેહા પટેલ.