Take it easy -30
શિયાળાની રવિવારની વહેલી સવાર ! આટલું લખું એટલે બધાની નજર સામે પોતાનો બેડ, પીલૉ, રજાઈ અને અલાર્મ બંધ કરીને મૂકેલા ટેબલક્લોક -મોબાઈલ યાદ આવી જાય એ નક્કી.આ સવારની એક પોતીકી અદભુત અવિસ્મરણીય અનુભૂતિ, અલગ જ મજા હોય છે . જોકે આ દિવસના વહેલી સવારની કોઇ ‘ સ્પેસીફીક ડેફીનેશન’ નથી હોતી.ઘણાની સવાર ૫ વાગ્યે પડે તો ઘણાની સાત તો ઘણાની ૧૧ વાગ્યે પણ ના પડે..બધાની પોતપોતાની ઘડિયાળ અને પોતપોતાના સમયના રાજા / રાણી ! અરે.. રવિવારની વહેલી સવાર પર લેખ લખવાનો કોઇ વિચાર નથી એટલે તમે ચિંતા ના કરશો આ તો એ સમય મને બહુ પ્રિય એટલે એના પ્રેમમાં થૉડી વહી ગઈ.
હા, તો મેઈન વાત એમ હતી કે, શનિવારની રાતે મોડે સુધી ટીવી જોઇને ‘રવિવાર નામની રજાનો પર્વ’ ધામધૂમથી મનાવવાના ઇરાદા સાથે રાતે ૩.૦૦ વાગ્યે સૂઇ ગયેલી પણ વહેલી સવારે (મારી વહેલી સવાર લગભગ ૫.૩૦ વાગ્યે પડી હતી ) જોરજોરથી કોઇની વાતો કરવાના અવાજો મારા નાજુક કાનના પડદા ચીરીને એમાં જબરદસ્તીથી પ્રવેશી ગયા. મારો ફ્લેટ ત્રીજા માળે છે અને તો પણ મારી હાલત આવી થઈ તો પહેલે માળે રહેનારની શું હાલત થતી હશે..? પરોપકારી જીવ હોવાથી ઉંઘમાંથી ઉઠતાની સાથે જ મને આ વિચાર પહેલો આવ્યો. એ ખતરનાક ધ્વનિના માલિકને જોવા માટે પડદો હટાવીને નીચે નજર કરી તો મારી અધખુલી – નિંદ્રાદેવીના પ્રભાવ હેઠળ રહેલી આંખો પૂરેપૂરી એની ઓરીજીનલ સાઈઝમાં ખૂલી ગઈ અને સાથે સાથે મોં પણ પહોળું થઈ ગયું જેની પર તરત મેં મારો કંટ્રોલ રાખીને બંધ કરી દીધું.
નીચે લગભગ ૨૦-૨૫ માણસોનું ટોળું હતું જે ધીરે ધીરે મારી બાજુની બિલ્ડીંગના બીજા માળે શિફટ થઈ રહ્યું હતું.
‘મૂયો આ બીજો માળ, જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ ત્યારથી દર છ મહિને ત્યાં નવા નવા ભાડૂઆતો બદલાયા જ કરે છે. હજુ તો પહેલા ભાડૂઆતના ચોકઠાથી આપણે માંડ ટેવાયા હોઇએ ત્યાં તો બીજો નમૂનો આવી ગયો હોય..’વિચારીને મેં પડદો બંધ કર્યો અને ફરીથી સૂવાનો પ્રયત્ન કરવા લાગી.
ત્યાં તો બીજા માળે ખુરશીઓ ખસવાના અવાજ આવવા લાગ્યાં..પ્લાસ્ટીકની ખુરશીઓ હતી એટલે ટર્રર..ર…ર..ચ..જેવા વિચિત્ર સ્વરમાં અવાજ આવતા હતાં.બેડમાં બાજુમાં પડેલો નાનો પીલો લઈને કાન પર દબાવીને હું વિચારવા લાગી કે એવી તો કેટલી ખુરશીઓ સામાનમાં લઈને આ લોકો આવ્યાં હશે…ચોકકસ બહારગામની પાર્ટી લાગે છે નહીંતર અમદાવાદની પાર્ટી પોતાની અને બીજાની ઉંધ આમ સવાર સવારમાં તો ના જ બગાડે નિરાંતે ૧૦ વાગ્યે સવાર પડવાની રાહ જુએ.
મારા જેવા શાંતિપ્રિય માણસોને વસવાટ લાયક આ ધરા પર યોગ્ય સ્થાન જ નથી..મારે હવે પેલા સ્પેસ- એકસ કંપનીવાળા ‘એલન મસ્ક’ માર્સ કોલોની ડેવેલોપમેંટ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની સરકારની મદદથી મંગળ પર રહેવા માટેનો રેસિડેન્સીયલ પ્લાન વિચારે છે એમાં વહેલી તકે એક ઘરનું બુકિંગ કરાવી દેવું છે. મંગળ પર રહેવામાં આવા ‘ કચકચીયા પાડોશી’ નામના ગ્રહો તો ના નડે..એ તો અહીં પૃથ્વી પર જ નડે..વહેલી સવારના મારું મગજ એની સુપરસ્પીડમાં વિચાર કરતું હોય…પૂરેપૂરા ફોર્મમાં કાર્યાવિન્ત હોય પણ આ અડધી ઉંઘના ઘેનમાં આજે એ થોડી બહેકી ગયેલું અને વિચારોના આડાઅવળા રસ્તે ચઢી ગયેલું.
ત્યાં તો એ ભાડૂઆત વાળા ફ્લેટમાંથી નાના છોકરાંઓના અવાજ આવવા લાગ્યા..
‘હેય..આ મારી લોલીપોપ છે, મારી મમ્મીએ અપાવેલી’હળન
‘તું મારો ભાઈ નહી’ નાની ૫-૬ વર્ષની છોકરી જેવા અવાજમાં પ્રષ્નના રેપરમાં ઇમોશનલ બ્લેકમેઈલ વિટાળીને ફેંકાયું.
‘તમે બે ય જણ મને મૂકીને લોલીપોપ ખાઓ છો ને..હું કાકીને જઈને કહી આવ્યો..’ આ વળી એક નવો અવાજ..
હવે હું ચમકી..આ કેટલા ફેમિલી એકસાથે રહેવા આવ્યાં છે આ ઘરમાં..! ત્યાં યાદ આવ્યું કે મેં લગભગ ૨૦-૨૫ માણસો જોયેલા એ બધાં કઈ ભાડૂઆત તો ના જ હોય..મારે અડધી ઉંઘમાં એ સીનને સમજવામાં કંઈક લોચા વાગ્યા ચોકક્સ.
આંખો મસળી, રજાઈમાંથી બહાર નીકળવાની હિંમત ભેગી કરીને પીલોને મોઢા પરથી હટાવીને હું ઉભી થઈ. મોઢું ધોઈને હવે પડદા પાછળની બારીના બદલે દરવાજો ખોલીને ગેલેરીમાં જઈને જ એ ઘર તરફ જોવાનો નિર્ણય લીધો અને કડકડતી ઠંડીમાં ગેલેરીમાં જઈને ઉભા રહીને પાલન કર્યું. ઉતાવળમાં સ્લીપર્સ પહેરવાના ભૂલી ગયેલી તો કાલના માવઠાની અસરમાં આવી ગયેલી ગેલેરીની ટાઇલ્સ પર પગ મૂકતાં જ એક ઠંડું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું.. નીચે એક મસમોટું આશ્ચર્ય મોઢું ફાડીને ઉભેલું જોવા મળ્યું.
ખાલી ઘરની રોડ સાઈડ પડતી ગેલેરીમાં ઠેર ઠેર શેતરંજી પથરાયેલી હતી, ઉપર તકિયા અને કવર થોડા થોડા અંતરે ગોઠવાયેલા, એક બાજુ ગરમ ધાબળાની થપ્પી કરેલી હતી, બારણાની પાસે એક મોટા લોખંડના તગારામાં ચા પીને કરાયેલ કપ – રકાબી અને ફાફડા -ગાંઠીયાની ઉજાણીની ચાડી ખાતા મરચા અને કાચા પપૈયાની છીણની ડીશોનો ખડકલો હતો. બાજુમાં ગોળાકારે બેઠેલા ૬-૭ પુરુષો નજરે પડયાં. આ ટોળું વળીને શું કરતા હશે..સવાર સવારમાં ચાની સાથે પત્તાની મહેફિલ જમાવી હશે કે શું..? આંખો ઝીણી કરીને જોતાં ખ્યાલ આવ્યું કે એક્ ભાઈ એમનો બેલ્ટ લઈને બેઠેલા અને બાકીના એના પર કંઈક સંશોધન કરી રહેલા…એવું તો શું હશે એ રેક્ઝીનના સાદા એવા બેલ્ટમાં..પંચાતિયા મગજે બહુ વિચાર્યુ પણ એનો કોઇ સંતોષજનક ઉત્તર ના મળ્યો.. ત્યાં તો એ ઘરની બીજી અંદરની બાજુ પડતી ગેલેરીમાં નજર પડી તો ત્યાં ૫-૭ સ્ત્રીઓ નજરે પડી. એકના વાળ હમણાં જ ધોઈને બહાર આવેલી એ સ્પષ્ટ દેખાતું હતું..અટલી ઠંડીમાં વાળ ધોવાની કલ્પનાથી જ મને અચાનક વધારે ઠંડી લાગવા માંડી. થોડી બેનો કિંમતી સાડીમાં ફરતી હતી અને બીજી ઘરેણાં પહેરીને તૈયાર થતી હતી. બીજી બે બેન વાતો કરતી હતી એમાંથી એક બેન સતત અંદરના રુમમાં એની નજર ફેરવતી ધીમે ધીમે બોલતી હતી ..કદાચ અંદર રહેલી કોઇ વ્યક્તિની કૂથલીની મજા માણી રહી હશે..એક માજી હાથમાં ખાલી ‘મરુન ડિઝાઈનનું ક્રીમ ‘કલરનું કવર લઈને એમના દીકરા જેવડા છોકરા જોડે ઉભા ઉભા કંઇક મોટી અવઢવમાં પડેલા દેખાતા હતા – દીકરાના હાથમાં પર્સ હતું એ જોઇને મને લાગ્યું કે કદાચ કવરમાં મૂકવાની રકમ નક્કી થઈ રહી હશે..બધી અટક્ળોવાળા પ્રસંગોના ટુકડાં જોડતાં એમાં મને કોઇ શુભ પ્રસંગની એંધાણીઓ વર્તાઈ.
આપણા ભારત દેશમાં ધાર્મિક પ્રસંગોએ રાતના ૩ વાગે પણ જોર જોરથી ઢોલ પીટવા પર પાબંદી નથી. ધર્મના નામે બધું ય ચાલે..ના ચાલે તો ય કોઇની એની સામે ચૂં કે ચા કરવાની હિંમત ના થાય.થોડી બારીકાઈથી આજુબાજુના ઘરોનું ઓબઝર્વેશન કરતાં ધ્યાન પડ્યું કે ડાબી બાજુનો ચોથા માળનો ફ્લેટ પણ આવી જ તૈયારીઓથી ધમધમી રહેલો.ત્યાં તો મારા કર્ણપટલ પર જાણીતા શબ્દો અથડાયા,
‘નાણાવટી રે સાજન બેઠું માંડવે..’
ઓહ…આ તો કોઇના લગ્ન લાગે છે..પણ કાલે તો કોઇ ચહલ પહલ નહતી અને આજે એકાએક આ બધું..? સસ્પેન્સના વમળોમાં ઘુમરીઓ ખાતી ખાતી હું હવે કડક મજાની ચાના ડોઝ વગર વધારે કંઈ નહી વિચારી શકું એવી પાકી ખાતરી થતાં બ્રશ કરીને ચા મૂકીને પેપર લઈને બેઠી. બહુ વખત પછી મારા ઘરમાં રવિવારે ૭ વાગ્યામાં ચાની સુગંધી ફેલાઈ. ત્યાં તો પતિદેવ ઉઠ્યા અને મારી પાસે આવીને બેઠા..મારા હાથમાંથી પેપર લઈને એમાંથી વચ્ચેના પાના એમણે લઈ લીધા ઃ’તું તારે વાંચ પેપર શાંતિથી…હું પછી વાંચીશ..આ તો જરા વચ્ચેના પાના પર નજર ફેરવી લઉં..’
સામે જવાબ આપવા જવાની ઇચ્છાને તીવ્રપણે રોકીને એમની સામે જોયું..આંખોને આંખોમાં જ ઓલમોસ્ટ બધી વાત પતી ગઈ .
કહેવાતું હાથમાં આવેલું છાપું વાંચીને એક મોટું બગાસું ખાઈને પતિદેવ ઉવાચઃ
‘સ્નેહા..તને ખબર છે..આપણી સામે ચોથા માળે પેલી લબ્ધી રહેતી હતી ને…૧૮-૧૯ વર્ષની છોકરી..?’
‘હા..તો એનું શું ..’
‘આજે એના લગ્ન છે..એણે જાતે કોઇ છોકરો પસંદ કરી લીધેલો અને એના ઘરના માનતા નહતા… કાલે રાતે એનાઘરમાં મોડે સુધી ચર્ચાઓ ચાલેલી..અને આજે એકાએક એના લગ્ન લેવાનો નિર્ણય લેવાઇ ગયો..’
ઓહ..તો વાત એમ હતી.બધી સમસ્યાઓની ગુથ્થી સુલઝી ગઈ અને સસ્પેન્સમાં અટવાતા મારા પંચાતિયા મગજને થોડી રાહત મળી. શરીરે થોડી(!) હેવી કહી શકાય એવા- સ્વભાવ -સ્ટાઈલમાં બિલ્કુલ ગામડીયણ નમૂનાને સહન કરવાની તાકાત કયા માઈના લાલમાં ભગવાને મૂકી હશે..મનોમન મારાથી એ વધેરાઈ જનારા, વણદેખેલ ‘લાલ’ની દયા ખવાઈ ગઈ.
‘લાલજીને ગમે એ રાણી’
આપણે એમાં શું કરી શકવાના હતા અને કોઇ ‘ રાણી’ નું ભલુ થતું હોય તો આપણે દોઢડહાપણ પણ શું કામ કરવું જોઇએ. ભગવાન બે યને સુખી રાખે !
-સ્નેહા પટેલ.
શરીરે થોડી(!) હેવી કહી શકાય એવા- સ્વભાવ -સ્ટાઈલમાં બિલ્કુલ ગામડીયણ નમૂનાને સહન કરવાની તાકાત કયા માઈના લાલમાં ભગવાને મૂકી હશે.
જબરદસ્ત રહસ્ય સાથે ..હાસ્યમેવ ક્લાઈમેક્ષ યુક્તેન સમાપયેત ..ખુબ જ હ્યુમર સાથે આ લેખ અફર ચોટ કરી જાય છે ..આખો માહોલ ત્યાનો અહી સુધી ઉભો થઇ જાય !..
LikeLike
સુંદર પ્રસંગ કથા- જોકે મને તો પેલા લોખંડના તગારામાં ચા પીધેલા કપ વિ. જોઇ ખ્યાલ આવી ગયો હતો કે કોઇને ત્યાં લગ્ન પ્રસંગ છે..!
LikeLike