મેન્ટાલીટી


મેન્ટાલીટી

phoolchhab paper -janamabhoomi group > Navrash ni pal column > 13-02-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;

વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,

વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર

 

અમ્રુતા – લગભગ પચાસીએ પહોંચવા આવેલી વીસ વર્ષના દીકરાની મા હતી. આદ્યાત્-મ એનો પતિ એક મોટો બિઝનેસમેન હતો જેને કામકાજાર્થે  બહારગામની ટ્રીપ વધારે રહેતી હતી.

અમૃતાનો સૂર્યોદય રોજ સવારના પાંચ વાગ્યે થતો. દીકરાની કોલેજ બહારગામ હતી એથી એને રોજ બે કલાક અપડાઉન કરવું પડતું. કોલેજની કેન્ટીન બરાબર ન હોવાથી કમ્પલસરી એના માટે આખું ભાણું ટીફીન બનાવવાનું રહેતુ. વળી દીકરાને સવારે છ વાગ્યે ઉઠાડવાનો હોય…એ એક જ વારની બૂમમાં ઉઠી શકતો નહતો એથી અમૃતાએ એને વારંવાર ૧૦ -૧૦ મિનીટના અંતરાલે ઉઠાડવા એના પહેલા માળે આવેલા બેડરુમમાં જવું પડતું. સવાર સવારની ધમાલમાં સારી એવી એકસરસાઈઝ થઈ જતી. વચ્ચે પતિદેવ ઘરે હોય તો એમને  ઉઠાડવાની જવાબદારી પણ ખરી..ઘણીવાર આદ્યાત્મને સવારના ચાર વાગ્યે બહારગામ જવાનું હોય તો એના માટે ચા-નાસ્તો બનાવવા ઉઠવું પડે..આગલી રાતે જમ્યા પછી આદ્યાત્મ માટે થોડો ઘણો સાથે લઈ જવાનો નાસ્તો બનાવીને થાકી પાકી એ રાતના ૧૨-૧ વાગ્યે સૂતી હોય..સવારે ચાર વાગ્યે ઉઠે..પાછી સૂઇ જાય…પાછી અડધો કલાકમાં દીકરાની કોલેજનો સમય સાચવવા માટે ઊઠવાનું.. એ પછી સાસુ -સસરાની ચા -નાસ્તો અને છેલ્લે પોતાનું ટીફીન ભરીને દસ વાગ્યામાં તૈયાર થઈ ઘર સરખું કરીને દોડાદોડ કરતાં ઓફિસે ભાગવાનું. મેનેજમેન્ટ લેવલે રહેલ એનું કામ  એને ઓફિસમાં  પણ શાંતિનો શ્વાસ નહતું લેવા દેતું..રોજ રોજની ઓફિસ સ્ટાફના પ્રોબ્લેમસ સોલ્વ કરવાના, એ બધાની વચ્ચે પોતાની મહત્વની ફાઈલો મેનેજ કરવાની..ઘણીવાર તો લંચ લેવાનો સમય પણ નહતો રહેતો અને એનું ટીફીન એમનું એમ પાછું આવતું.

 

કાલે રાતે આદ્યાત્મ બહારગામથી રાતના બે વાગ્યે આવેલો અને અમૃતા એને એરપોર્ટ પર લેવા ગયેલી.સૂતા સૂતા લગભગ ૪ વાગી ગયા હતા. આજે પાંચ વાગ્યે ઉઠવાનુંહતું…દીકરાના એક મિત્ર માટે પણ ટીફીન બનાવવનું હતું એટલે કમ્પલસરી પાંચ વાગે ઊઠવુ પડે એવી હાલત હતી. જેમતેમ બધું કામકાજ પરવારીને ઓફિસે પહોંચી અને ઓફિસમાં પણ કકળાટ..આખો દિવસ માથું સખ્ખત દુઃખતું હતું. જેમ્તેમ કરીને દિવસ પસાર કર્યો.

સાંજે ઘરે પહોંચતા રસ્તામાંથી શાકભાજી, કરીયાણું જેવી રોજબરોજની ખરીદી કરતા કરતા સમયસર ઘરે પહોંચીને સાંજનું જમવાનું સમયસર બનાવવાનું ટેન્શન સતત એના શિરે તોળાયા કરતું.

ત્યાં તો ગાડી ચલાવતા ચલાવતા અચાનક અમૃતાને ચકકર આવતા હોય એમ લાગ્યું.  ફટાફટ ગાડીને સાઈડમાં ઉભી રાખીને સ્ટીઅરીંગ પર બે મીનીટ માથું મૂકીને એ બેસી રહી. થોડીકળ વળતાં એણે પોતાના મોબાઈલમાં સ્પીડ ડાયલમાંથી આધ્યાત્મને તરત ફોન લગાવ્યો અને પોતાની ખરાબ હાલત વિશે જણાવ્યું. નસીબજોગે આધ્યાત્મ ત્યાં નજીકના વિસ્તારમાં જ હતો એથી એ તરત ત્યાં આવી શક્યો અને અમૃતાને સાચવીને ઘરે લઈ ગયો. આદ્યાત્મએ અમૃતાને ઘરે જઈને લીંબુનુ શરબત પીવડાવ્યું અને એને આરામ કરવાનું કહીને ફેમિલી ડોકટરને ફોન કર્યો. ડોકટર એનો મિત્ર હતો એથી ફોન કરતા’કની સાથે જ બધા કામ બાજુમાં મૂકીને  થોડીવારમાં એના ઘરે પહોંચી ગયો.

થોડીવારના આરામ પછી હવે અમૃતાને સારું લાગતું હતું. ડોકટરે આવીને એને ચેક કરી તો ખાસ કંઈ ચિંતાજનક નહતું પણ એનું બ્લડપ્રેશર ૧૧૦-૧૭૦ની સપાટીને સ્પર્શતું હતું. ઘરમાં બધાને નવાઈ લાગી. આટલા વર્ષોની આટલી એક્ટીવ લાઈફ જીવનાર હસમુખી, તાજગીસભર અમૃતાએ ક્યારેય માથું દુખવાની સુધ્ધા કમ્પ્લેઈન કરી નહતી. બધા પોતાના કામકાજ નો ભાર અમૃતા પર સરળતાથી નાંખીને પોતે બિન્દાસ લાઈફ જીવવાને ટેવાયેલા હતા અને અમૃતાએ પણ એ બધો ભાર હસતારમતા પોતાના નાજુક ખભા પર ઉપાડી લીધેલો. પણ ડોકટરે બધાની લાડલી અમ્રુતાને મેન્ટલ અને ફ્ઝિકલ બેય રીતે એના કામકાજ અને સ્ટ્રેસથી દૂર રાખવાની વાત કહીને ઘરનાને ચિંતામાં મૂકી દીધા હતાં. ઘરમાં બધાને પોત-પોતાના કામ સમયસર પતાવવા  ‘અમૃતા’ નામના સપોર્ટની ટેવ પડી ગઈ હતી.

 

આદ્યાત્મને કાલથી ચાર દિવસની ટુર પર જવાનું હતું અને એના માટે એણે સવારે સાત વાગ્યે નીકળવાનું હતું. એણે મોબાઈલમાં, ટેબલ ક્લોકમાં બધે એલાર્મ મૂકી દીધું અને સવારે જાતે ચા નાસ્તો કરીને નીકળશે એવો નિર્ણય કરીને અમૃતાને આરામ આપવાનું નક્કી કર્યુ. દીકરાએ સ્વેચ્છાએ જાતે ઉઠીને તૈયાર થવાનું, જાતે આવડે એવું ટીફીન બનાવી લેવાનું અને છેલ્લા ઉપાય તરીકે કેન્ટીનનું બોરીંગ ખાવાનું ખાઈ લેવાનો નિર્ણય કરી લીધો. સાસુમાએ સવારની ચાનાસ્તાની જવાબદારી સાથે સાથે બને એટલું રસોડામાં મદદ કરવાની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. બધાના કારણે અમૃતાને રોજ ૭-૮ કલાકની સાઉન્ડ સ્લીપ મળવા લાગી. થોડા દિવસ નોકરીમાં પણ પાર્ટટાઇમ કરવાનું વિચારી લીધું. મહિનામાં તો અમ્રુતા એકદમ બરાબર થઈ ગઈ. ઘરમાં બધાને એની બિમારીના કારણે વેઠવી પડતી તકલીફથી એ મનોમન દુઃખી થતી હતી.

 

એક દિવસ એણે ચા પીતા પીતા આદ્યાત્મને કહ્યું,

‘આદ્યા, હવે હું પહેલાની જેમ કામ કરી શકીશ એમ લાગે છે. બહુ રેસ્ટ કરી લીધો..તમને બધાને બહુ તકલીફ પડે છે મારા લીધે કેમ..?’

અને આદ્યાત્મ બોલ્યો,’ના અમી, અમને બધાને તકલીફ નથી પડતી પણ અમારા કામ જાતે કરવાની આદત પડવા લાગી છે. અમે બધા કાલે જ વાત કરતા હતા કે આપણે અમૃતા પર કેટલો બધો કામનો બોજો નાંખી દીધેલો…દરેકના સમય સાચવવામાં તારી શરીરની ઘડિયાળ બગાડી કાઢેલી. તારે પણ હવે તારી એ મેન્ટાલીટી બદલવાની જરુર છે કે ઘરની વહુ એટલે બધા કામ અને બધાના સમય સાચવવામાં જ જીંદગી ખતમ કરવાની…હવે જે રીતે બધા ટેવાઈ ગયા છે એ બરાબર જ છે. દીકરો પણ એનું ખાવાનું,દૂધ નાસ્તો જાતે કરવાનું શીખી ગયો છે. જ્યારે શક્ય હોય ત્યારે મમ્મી કે હું પણ એને હેલ્પ કરી લઈએ છીએ..તને સમય મળે ત્યારે તું પણ ઘરના કામો કરી લેજે..પણ બધી જવાબદારી તારી એકલીની નથી જ..બધાએ પોતાની શક્ય એટલી જવાબદારી જાતે ઉપાડવાની વૃતિ કેળવવી જ જોઇએ. તારે પણ તારી જુની પુરાણી ‘ફરજોના લિસ્ટ’ સંભાળવાની મેન્ટાલીટીમાંથી બહાર આવવાની જરુર છે. માનવી પોતાના કામ પોતે કરે એ ગર્વની બાબત છે એમાં તું ગિલ્ટી ફીલ ના કર. જીંદગીનો થોડો સમય તું તારા માટે પણ જીવ.

અને અમૃતા વિચારી રહી , ‘ આદ્યાની વાત પર ગંભીરતાથી વિચારવા જેવું છે.’

 

અનબીટેબલ :  પોતાના જીવનમાં બદલાવ લાવવા સૌ પ્રથમ સ્ત્રીઓએ પોતાની જુનીપુરાણી મેન્ટાલીટીમાંથી બહાર આવવાની જરુર છે, એ પછી સમાજ સામેથી  તમારી વાતને ત્રણ ‘સ’ – સન્માન,સમર્થન અને સ્વીકાર આપશે.