http://gujaratguardian.in/E-Paper/02-24-2013Suppliment/index.html
gujarat guardian paper >Take it easy – 31.> 24-02-2012
ગુજરાતી લોકો પોતાનો ‘વેલણ ખાવાનો ટાઈમ’ બચાવવા માટે ‘વેલેન્ટાઈન ડે’ ભરપૂર ઉત્સાહ ( એક્ટીંગના ખાટું પૂરેપૂરા આ લોકો) સાથે મનાવે. એની આગળ આવતા કેડબરી, ચોકલેટ,કીસ, રોઝ,પ્રપોઝ , ટેડી જેવા દિવસોએ સંનિષ્ઠતાથી પોતાની પોકેટમનીમાંથી જેટલો નીકળી શકતો હોય એટલો ફાળો પ્રામાણિકતાથી આપે. આ બધું જોઇને મને થાય છે કે આટલા વર્ષોથી લગભગ દરેક દેશ, દરેક ભાષા, દરેક જાતિએ આ પ્રેમ નામના પ્રદેશને આટઆટલો ખેડયો છે, અગણ્ય સંશોધનો થયા છે, પહેલાં જે લોકો ટીવી, સીડીમાં ફાંફા મારતા એ બધા હવે નેટ પર સર્ફિંગ કરી કરીને આ પ્રેમને સમજવામાં પોતાની એડી ચોટીનું જોર લગાવી દે છે એમ છતાં આ કેમ આટલો રહસ્યમય લાગે છે. લગભગ દરેક માનવીએ એની સંવેદના કેમ ભિન્ન ભિન્ન ! આટાઅટલી સગવડ પછી પણ આવી તકલીફો પડતી હોય તો જો એના વિશે કંઇ જ ના લખાયું હોત તો આ માનવજાતિનું શું થાત…કયા અંધારિયા કુવામાં એ ભટકતી, તરફડતી હોત..?
આ વાત પરથી શેક્સપિયરના નાટકનો એક પ્રસંગ યાદ આવ્યો.
રોસેલીન્ડ નામની એક યુવતી સંજોગવશાત એક જંગલમાં પુરુષવેશ ધારણ કરીને રહેવા આવે છે. એનો એક પ્રેમી હોય છે ઓર્લેન્ડો. એ રોસેલીન્ડની પાછળ પાછળ એ જંગલમાં એને શોધતો શોધતો આવી ચડે છે, પણ એને રોસેલીન્ડના પુરુષવેશ ધારણ કરવા વિશે કંઈ જ ખ્યાલ નથી હોતો. એ તો જંગલના દરેક વૃક્ષના થડ -ડાળીઓ ઉપર પ્રેમકાવ્યો લખતો ફરતો હતો.એકવાર રોસેલીન્ડ અને ઓર્લેન્ડો મળે છે. રોસેલીન્ડના પુરુષવેશને કારણે ઓર્લેન્ડો એને ઓળખી શકતો નથી પણ રોસેલીન્ડ એની પ્રિયા એને તરત જ ઓળખી કાઢે છે.વાતવાતમાં રોસેલીન્ડ એને કહે છે કે’ ‘પ્રેમમાં વિખૂટા પડેલા લોકોની હાલત બહુ ખરાબ હોય છે. આ જંગલમાં ઓર્લેન્ડો નામનો કોઇ પાગલ પ્રેમી પોતાની પ્રિયતમાના વિયોગમાં ઝૂરતો ઝૂરતો ડાળ – ડાળ, પાન – પાન પર એના હ્રદયનીએ વ્યથા લખતો ફરે છે. મને એની બહુ દયા આવે છે. એ જો મને મળી જાય તો એની લવસીકનેસ હું દૂર કરી શકું. હું એનો ઇલાજ સારી રીતે જાણું છું.’
આ સાંભળીને તરત જ ઓર્લેન્ડો કહે છે કે,’એ પ્રેમી તો હું જ છું.’
નવાઈમાં પોતાની વિશાળ આંખો થોડી વધારે ફેલાવીને એના દેહ પર ઉપરથી નીચે નજર ફેરવીને નવાઇનો સાગર પોતાના અવાજમાં ઠાલવીને બોલે છે ઃ
‘તું..તું ઓર્લેન્ડો..પાગલ પ્રેમી..પણ તું..તું તો એ પ્રેમી જેવો જરાય નથી લાગતો !’
‘પ્રેમી કેવા લાગે વળી?’
‘અરે, સાચા પ્રેમીના ચહેરા પર મહિનાઓની વધેલી દાઢી હોય, પ્રિયાની શોધમાં ભૂખતરસ નેવે મૂકીને રખડ્યા કરવાના કારણે ક્પડાં મેલા -ઘેલા અને ઠેકઠેકાણેથી ફાટેલા તૂટેલા હોય, ઘસાઈને તૂટી ગયેલી ચપ્પલ પણ ફેંકી દીધી હોય એના કારણે એની પગની પાની આખી ઉંડા ઉંડા વાઢિયાથી ભરાઈ ગયેલી હોય, ગાલ પર વસંતની ગુલાબીને હડસેલીને પીળી પાનખરે કબ્જો જમાવ્યો હોય, આંખોની જગ્યાએ લખોટી રમવાની ગબ્બી જેવા ખાડા દેખાતા હોય..ટૂંકમાં સાવ બિચારો, એકલતાના જંગલોમાં અટવાયેલો શૂન્યમનસ્ક આત્મા જેવો લાગે ..જ્યારે તું તો આવો નથી લાગતો..!!’
રોસેલીન્ડની આ વાર્તાના વિચારોમાં ને વિચારોમાં હું ખૂબ આગળ વધી ગઈ. મારા વિચારો મારા હાથ બહાર તીવ્ર ગતિથી મારા મગજમાં એમનો રાક્ષસી પંજો ફેલાવતા તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ખુલ્લી આંખે દુનિયામાં મશહુર થઈ ગયેલી પ્રણયવાર્તાઓ નજર સમક્ષ તાદ્રશઃ થવા લાગી.રોમિયો – જુલિયેટ. હીર – રાંઝા, રાધા – કૃષ્ણ, લેલા – મજનૂ, સલીમ -અનારકલી…બધા અદભુત પ્રેમીઓ એકબીજાના ગાઢ પ્રેમમાં પડેલા. પડેલા એના કારણે શરીરે ઠેર ઠેરથી ઘવાયેલા. તનના ઘાવ હોય તો ડોકટરો પાટાપીંડી કરી આપે પણ આ મનના ઘાવની પીડા એ ડોકટરો જાડા ગ્લાસના ચશ્મા ઉપર પાવરફુલ દૂરબીન લગાવીને પણ શોધી ના શક્યા, જે રોગ ના દેખાય એનો ઉપચાર કેમનો થાય..? એટલે એમણે જાહેર કર્યું કે ‘પ્રેમ ફેમ જેવું દુનિયામાં કંઈ છે જ નહીં, અને હોય તો પણ એનાથી માનવીને કોઇ પીડા નથી પહોંચતી. આ તો ભગવાનમાં માનવું – ના માનવુંની જેમ શ્રધ્ધાનો વિષય છે. આ બધા હકીકતમાં પડેલા છે જ નહી, હરતા ફરતા ઘોડા જેવા છે માટે અમારા ક્લીનીકમાંથી એમને વિદાય કરો ને બીજા દર્દીઓ માટે જગ્યા ખાલી કરો’
હદ થઈ ગઈ.. આ ડોકટરની અરસિકતા – શુષ્કતા ઉપર મને જબરી ખીજ ચડી..માનવીના શરીરમાં આવેલ લાલના એક્કા જેવા લાલઘૂમ હ્રદયમાં કામદેવે છોડેલ અમોઘ તીર સમો, તીરવાળો પ્રેમ એ ફકત એક કલ્પના જ છે એવું કઈ રીતે માની શકાય..? ચિંતન -મનનનો દોર આગળ ચાલ્યો. મારા વિચારો મારા કંટ્રોલમાં નહતા..હું એમના કંટ્રોલમાં હતી.એ વિચારો મને એના હિંડોળે બહુ જ પ્રેમથી ઝુલાવતા હતા ( હું પ્રેમ નામની લાગણીમાં સ્ટ્રોંગલી માનું છું )
પ્રેમનો શરુઆતનો તબકકો કેવો હોઇ શકે.. અને તરત જ મારા સુપરફાસ્ટ મગજે એનો જવાબ મારી પર છુટ્ટો ફેંક્યો..
‘આ પ્રેમ નામનો રોગ થવામાં સૌપ્રથમ આંખો મહત્વનો ભાગ ભજવે છે. આંખ અને હ્રદય ભલે શારિરીક રીતે અલગ હોય પણ માનસિક રીતે એ બહુ જ ગાઢ રીતે જોડાયેલ હોય છે. આંખમાં આ પ્રેમ નામનું ઇન્ફેકશન લાગ્યા પછી આ દર્દીને કોઇનું સમોસા જેવું નાક રોમન નાસિકા જેવું લીસું અને અણીદાર લાગે છે કાં તો સંસ્કૃત સાહિત્યમાં વર્ણવેલ તેલની સીધી ધાર જેવું લાગે..હાથીકાન કોઇ શિલ્પીએ ખૂબ જ જહેમત લઈને કંડારેલ કલાત્મક લાગે અને ઓષ્ડદ્વય અમૃતકુપી જેવી લાગે.આંખનો ચેપ કાન સુધી પ્રસરે અને પ્રિયપાત્રનો ફાટેલા ઢોલ જેવો, તૂટી ગયેલા તંબૂરાના તાર જેવો અવાજ પણ અનાહતનાદની અનુભૂતિ કરાવે છે. પ્રિયપાત્રની આંખમાં કૃષ્ણના મુખમાં દેખાયેલ એવા ચૌદ બ્રહ્માંડ દેખાવા લાગે અને છેલ્લે એનો આંખના રસ્તેથી પેસારો કરી ગયેલ રોગ એના હ્રદય પર કુશળતાથી એની જ જાણ બહાર પોતાનો કોમળ પંજો જમાવી દે છે.
આ માનસિક અને શારિરીક હ્રદયરોગના ઘણા ખરા લક્ષણોમાં અમુક સામ્યતા તો ખરી. બંનેમાં હ્રદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હોય એમ શરીરના પ્રત્યેક નાડી સ્થળો ઘબકવા માંડે. ‘મેરી ગો રાઉન્ડ’માં બેસતી વેળા આપણને નીચે ઉતરતી વખતે પેટમાં જે ગરબડ થઈને ગોટાળા વળવાની લાગણી થાય એવી જ લાગણી પ્રિયપાત્રને જોતી વખતે થાય. આખો દિવસ સ્વપનદુનિયામાં વ્યસ્ત રહેવાના કારણે ખાવા પીવાની ઇચ્છાઓ ઉપર પ્રેમ નામની લાગણી હાવી થઈ જાય અને એ બધાંનુ હનન કરી નાંખે પરિણામે ઉડ્ડિયા નામના યોગાસનમાં પેટ અંદર ખેંચવાની ક્રિયા કરવાની હોય એ વખતે પેટમાં જે ખાડો પડે એવો જ ખાડો ધીમે ધીમે પડતો જાય .
ભૂખ્યા પેટની અસર તળે જીભ પોતાનો સ્વાદ ગુમાવવા લાગે, લાળગ્રંથિઓ પોતાનું મૂળ કાર્ય ભૂલી જાય અને બાઘી બનીને ઠરી જાય. મોઢું ખૂલે ત્યારે એમાંથી એક જ રાગ નીકળે -પ્રેમરાગ. પ્રિયના આરઝૂના ગીતો ગવાય – જોડકણાં જેવી મહાન શાયરીઓ લખાવા લાગે, દરેક પ્રેમી પોતાની માંહ્યલી કોરમાં એક મરીઝ, બેફામ શ્વસતો અનુભવતો થઈ જાય. પ્રેમ થાય એટલે લગભગ દરેક પ્રેમી શાયરીઓ લખતો તો થઈ જ જાય – પ્રેમની એક આડપેદાશ – જે પ્રક્રિયા થોડા પ્રેમીઓમાં આખી જીંદગી ચાલે તો અમુક પ્રેમીઓમાં પાર્ટટાઇમ ચાલે. ઘણાખરા લોકો એમ માને છે કે કવિઓએ થોડા થોડા સમયે પ્રેમમાં પડતા રહેવું જ જોઇએ તો જ કવિતાઓ લખી શકે. મૂંઝવણ એ થાય છે કે પ્રેમ થાય એટલે કવિ થઈ જવાય કે કવિ થવા માટે પ્રેમ કરવાનો હોય…..હશે હવે..આ તો બહુ ગહન ચર્ચાવિચારણા માંગી લેતો પ્રશ્ન છે એટલે અત્યારે એને બાજુમાં મૂકી દઇએ. પ્રેમ નામનો રોગ અત્યાર સુધીમાં તો એના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકયો હોય છે. એના દિલની સાથે સાથે મગજ પર પણ કબ્જો જમાવી બેઠું હોય છે. પ્રિયપાત્ર જગતના અનંતકોટિ માનવોમાંથી સાવ જ નોખું તરી આવતું અને અદભુત સર્જન છે. બર્નાડ શો એ કહ્યું છે કે -‘લવ ઇઝ અ ગ્રોસ એક્ઝારેઝશન ઓફ ધ ડિફરન્સ બીટવીન વન પર્સન એન્ડ એવરીબડી એલ્સ !’ આ જ ભાવ પર મગજ કેન્દ્રિત થાય છે. મગજ પૂર્ણતયા એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થતાં પ્રણય સિવાયના કોઇ પણ કાર્ય માટે મગજ કાર્યરત નથી રહી શકતું. બુધ્ધિ વાપરવાના દરેક કાર્યમાં એ સાવ જ નાકારા જેવો થઈ જાય છે. શારિરીક અને માનસિક ક્રિયાઓ શિથિલ થઈ જાય છે. ઘરની દરેક દિવાલો, પિકચર – ટીવી સીરીયલની દરેક હીરોઇનમાં એને ફકત અને ફક્ત પોતાના પ્રિય વ્યકિતના જ દર્શન થાય છે. આ મતિભ્રમ જેવી સ્થિતી લખતાં લખતાં મારું મગજ થોડું હેવી થઈ ગયું. મને પ્રેમમાં પડનારાઓની દયા આવવા લાગી. આ પડનારાઓને સહારો કેવી રીતે મળે, કેવી રીતે ઉભા કરી શકાય એ અંગે વિચારવા મગજને થૉડો બ્રેક આપવાનું વિચાર્યું.
કોઇ પણ ગંભીર રોગની દવા શોધવા માટે મગજ બરાબર ફ્રેશ હોય તો જ કામનું નહીંતર ગરબડ ગોટાળા કરી નાંખીએ તો રોગ વધુ વકરે…તો દોસ્તો…આવતા અઠવાડીએ આ પ્રેમ વિશે વધુ કંઈક નવી જાણકારી પીરસવાની ઇચ્છા સાથે અત્યારે તો વિરમું છું.
તમે પણ આ પ્રેમ નામની બિમારીના તમારા અનુભવો શૅર કરજો. કદાચ મારા સંશોધનમાં મને હેલ્પફુલ થઈ પણ શકે.
-સ્નેહા પટેલ.