foolchhab > navrash ni pal > 20-02-2012
ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,-
નહીતર એકસરખી જ વાંસ-ળી છે.
– આદમ ટંકારવી
આશ્વીનો મગજનો પારો આજે બરાબરનો છટકેલો હતો. એની દીકરી ખનક બહુ જ બેજવાબદાર હતી. એને કોઇ પણ વસ્તુ અપાવો બીજા જ દિવસે એ કાં તો ખોવાઈ ગઈ હોય કાં તો તૂટી ફૂટીને નવરી થઈ ગઈ હોય અને એ પછી આશ્વીનું લાંબુ લચક લેકચર ચાલુ થઈ જાય;
‘અઢાર વર્ષ પૂરા થઈને આવતા મહિને ઓગણીસમું વર્ષ બેસશે, કાલે ઉઠીને સાસરે જઈશ. ત્યાં તારી આવી બેજવાબદારી કોણ ચલાવી લેશે..? સાસરીમાં તારું અને તારા માવતરનું નામ બોળવાની તું આમ તો..” આમ ને આમ અડધો કલાક લેકચર ચાલતું અને પછી આશ્વીનો ગુસ્સો માંડ શાંત થતો. એનો ગુસ્સો જોઇને ખનક ઓર ઉદ્દંડ – કેરલેસ બનતી જતી અને ઘણીવાર મમ્મીના ગુસ્સા સામે પોતે કઈ જ પ્રતિરોધ ના કરી શકતા અકળામણમાં જાણી જોઇને અમુક વસ્તુઓની તોડફોડ કરી મૂકતી.
આજે વાતમાં એમ હતું કે, જીદ કરીને ખનકે લેટેસ્ટ એંડ્રોઈડ્ફોન બર્થડેની ગિફ્ટ તરીકે થોડા દિવસ પહેલાંજ લઈ લીધેલી. હજુ તો માંડ અઠવાડિયું થયું હશે અને એનો ફોન દસ વાર પછ્ડાઇ ચૂક્યો હતો, એની સ્ક્રીન પરથી સ્કીનગાર્ડ નીકળી ગયેલુ અને દસબાર લીસોટા પણ પડી ચૂકેલા. વળી નવા નવા એપ્સ ડાઉનલોડ કરતા કરતા એનો ફોન હેંગ થઈ ગયો. ખનકે એને ચાલુ કરવા બહુ ધમપછાડા કર્યા પણ સફળ ના રહી અને છેલ્લે એને રીપેર કરાવવા પાછળ રુપિયા 4,000નો ખર્ચો થઈ ગયો. આટલા કિઁમતી ફોનની આવી હાલત જોઇને આશ્વીનો જીવ કળીએ કળીએ કપાઈ જતો. કેટલી મહેનત કરીને મા – બાપ પૈસા કમાય, પાઈ પાઈ કરીને રકમ જોડીને સઁતાનોને મોઁઘી મનપસંદ ગિફ્ટ અપાવે અને એ લોકો સાવ આમ બેજવાબદારીપૂર્વક વર્તે…આવું તો કેમનું પોસાય ?
‘ખનક, આજે તો તને કોઇ બરાબરની શિક્ષા કરવી જ પડશે – તો તું સુધરીશ. તું પહેલાં થોડા પૈસા કમાતા શીખ, આ મોબાઈલની કિઁમત જેટલા પૈસા ભેગા કર અને પછી મારી જોડે આ મોબાઈલ પાછો માંગજે’
આમ બોલીને આશ્વીએ એની પાસેથી એનો મોબાઈલ પાછો લઈ લીધો. ખનકે લાખ ધમપછાડા કર્યા, મોબાઈલની સાચવણીની હજારો કસમો ખાધી..પણ આ વખતે આશ્વી ટસથી મસ ના થઈ. ‘જે વસ્તુ સાચવી ના શકો એ વસ્તુ વાપરવાનો તમને કોઇ હક નથી. પહેલાં એ વસ્તુની જાળવણી કેવી રીતે કરવી એ શીખો પછી જ એ વસ્તુ વાપરવાને તમે હકદાર કહેવાઓ..’
એ એની આ વાત પર મકક્મ રહી.
ખનક મન મસોસીને રહી ગઈ. એની એક પણ દલીલ અસરકારક નહોતી નીવડતી. પોતાની બેજવાબદારી કબૂલ પણ સામે મમ્મીની તાનાશાહી પણ થોડી વધારે જ કહેવાય એવા વિચારોથી એની અકળામણ રોજ વધતી ચાલતી.
અઠવાડીઆ પછી આશ્વી લેપટોપમાં કામ કરી રહી હતી. એક નવું સોફ્ટવેર ડાઉનલોડ કરવા જતા એનું લેપટોપ હેંગ થઈ ગયું. બહુ મથામણ કરી પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ના થયું. અંતે એણે એના પતિ સુહાસને બોલાવ્યો,
‘સુહાસ,આj જોને લેપટોપમાં કંઈક પ્રોબ્લેમ છે..સમજાતું નથી જોઇ આપને જરા..’
સુહાસે આવીને શિફ્ટ –ઓલ્ટર –કંટ્રોલ બધીય કીનો ઉપયોગ કરી જોયો,,,છેલ્લે એણે લેપટોપ શટડાઉન કર્યા સિવાય કોઇ ઉપાય ના દેખાયો પણ એમ કરતાં આશ્વીની અમુક કામની ફાઈલો સેવ નહતી થઈ એ મિસ થવાના ભરપૂરચાંસીસ હતાં, કદાચ ઓટો રીકવરીમાં એ ડોક્યુમેંટ્સ મળે પણ ખરા…ના પણ મળે…આશ્વી બરાબરની મૂંઝાણી..એના ત્રણ –ચાર કલાકની મહેનત પર સાવ આમ શટડાઉનનું ટાઢુઁ પાણી ફરી જશે એવો તો સ્વપ્ને ય ખ્યાલ નહતો.
સુહાસે લેપટોપ ફરીથી ચાલુ કરવાનો ટ્રાય કર્યોપણ ના જ થયું છેવટે એને રીપેર કરવા આપવું પડ્યું. વાત એમ હતી કે આશ્વીના લેપટોપમાં એન્ટી વાયરસ સોફ્ટવેરની ડેટ અઠવાડીઆ પહેલાંજ પતી ગઈ હતી –એક્સપાયર થઈ ચૂકી હતી અને નવું સોફ્ટવેર ઓનલાઈન પરથી જરુરી સિક્યોરીટીસ ચેક કર્યા વિના લેવા જતાં એમાઁ કોઇ વાયરસ આવી ગયો હતો.
‘આશ્વી, જે વસ્તુ વાપરે છે એની જાળવણી કરતાં પહેલાં શીખ.આ બધા ડીવાઈસીસ જેટલા સુવિધાજનક છે એટલા જ ભારે જાળવણી માંગી લે છે. તેં ધ્યાન રાખીને એન્ટી વાયરસ ટાઈમસર નાંખી દીધું હોત તો આ પ્રોબ્લેમ ના નડત. વળી જે તે સાઈટ પરથી ડાઉનલોડ કરતાં પહેલાં એની રીલાયબીલીટી પ્રોપર ચેક કરતાં શીખ. આ બધા પાયાના જ્ઞાન વગર લેપટોપ વાપરીશ તો ભવિષ્યમાઁ આવીને આવી ભૂલો વારંવાર થશે.’
સુહાસે પ્રેમપૂર્વક આશ્વીને એની ભૂલ સમજાવી અને ઓફિસે ચાલ્યો ગયો, સામે સોફામાં બેઠી બેઠી ખનક આશ્વીની સામે એકીટશે નિહાળી રહી હતી. એની નજરની ભાષા સમજતા આશ્વી હલબલી ગઈ. એણે પણ પોતાની દીકરી ખનક જેવી જ ભૂલ કરી હતી ને..! લેપટોપના પાયાની જરુરિયાતની, મહત્વની વાતોની કયાં દરકાર કરી હતી. પોતાની ભૂલ પર પતિ સુહાસે પ્રેમથી જ સમજાવ્યું ને…એણે પણ ગુસ્સામાં આવીને પોતે જેમ ખનકનો મોબાઈલ લઈ લીધો હતો એમ પોતાનું લેપટોપ લઈ લીધું હોત તો ..? કદાચ પોતે પણ સુહાસની જેમ પહેલેથી જ ખનકને પ્રેમથી સમજાવવાનું વલણ રાખ્યું હોત તો ખનક આટલી જીદ્દી ના પણ હોત..પોતાના ગુસ્સાના કારણે પોતાનું સંતાન ‘હાયપર’ બની ગયું હોય એ શક્યતા નકારી શકાય એમ ક્યાં હતી..!
આશ્વીની આંખમાં આંસુ છ્લકાઈ આવ્યાં અને ઉભા થઈને કબાટમાંથી ખનકનો મોબાઈલ કાઢીને લઈ આવી અને એને મમતાળુ આલિંગન કરી, માથા પર એક ચુંબન કરીને બોલી,
‘ખનક, મને તારી પર વિશ્વાસ છે કે હવે તું આ મોબાઈલ બરાબર સાચવીશ મારા દીકરા..’
મમ્મીના હેતાળ શબ્દોથી ખનકને પણ ભરપૂર પસ્તાવો થતો હતો અને એણે પણ શક્ય એટલી પોતાની વસ્તુઓની જાળવણી કરવાનો નિર્ણય કર્યો.
Unbeatable : દરેક ઘટનાની મુઠ્ઠીમાં નવી સમજની રેખાઓ હોય છે.