phoolchhab paper > panchmrut poorti >Navrash ni pal column > 06-02-2013
આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.-
-મુકેશ જોષી.
રાજીવ પાંત્રીસે’ક વરસનો સરળ -પ્રામાણિક અને સમજદાર વ્યક્તિ હતો.એના સંસારમાં માતા -પિતા,સરળ-વિવેકી-સાલસ પત્ની રુચા અને બે રુપકડાં બાળકો અર્થ અને પ્રાપ્તિનો સમાવેશ થતો હતો. ઉંમર તો નાની હતી પણ આ પાંત્રીસ વર્ષોમાં રાજીવે જીવનની દરેક મોસમના કડવા -મીઠા ફળો ચાખી લીધેલા. હંમેશા બધી વાતમાંથી સારું શીખી અને ખરાબને વિદાય કરવાની એની વૃતિએ સદૈવ પોઝીટીવ વાતો શીખવેલી. આટલી નાની ઉંમરે પણ ઘરના નાના મોટા દરેક જણ કોઇ પણ મહત્વની વાતનો નિર્ણય લેતા પહેલાં રાજીવની જોડે ચર્ચા વિચારણા જરુરથી કરતાં અને એની વાત પર ધ્યાનથી વિચાર કરીને માન્ય પણ રાખતાં.
આજકાલ રાજીવ બહુ ઉદાસ રહેતો હતો. એક બાજુ ધંધામાં મંદી – દિન-પ્રતિદીન વધતી જતી હરીફાઈ અને બીજી બાજુ મોંઘવારી – આ બધું ય ભેગા થઈને એની કમર તોડી કાઢતા હતાં. જેટલું વધારે કમાય એટલા ખર્ચા વધતા જતા હતાં. પિતાજીનું પેન્શન આવતું પણ એ તો સાવ ચણા – મમરા જેવું જ લાગતું. છ સભ્યોના કુટુંબને એક માણસની કમાણીમાંથી પોસવા એ લગભગ અશક્ય જ હતું પણ રાજીવ પોતાની આ હાલત કોઇને કહી શકતો નહતો અને અંદરો અંદર મૂંઝાયા કરતો હતો. હંમેશા એણે લોકોની તકલીફોમાં સાથ આપેલો, એમના પ્રોબ્લેમ સોલ્વ કરીને એમાંથી બહાર કાઢવામાં મદદ કરી હ્તી પણ આજે પોતાની સમજણ પોતાને જ કામ નહતી લાગતી. એની હાલતનો થોડો ઘણો અંદાજ એની પત્ની રુચાને આવતો હતો પણ એ સાલસ સ્વભાવની સ્ત્રી પોતાના ગજા અનુસાર પતિ સાથે વાત કરતી અને એને હૈયાધારણ આપતી. રાજીવ એની લાગણી સમજી શકતો હતો પણ લાગણીથી એની કમાણીમાં કોઇ ભરતી આવે એવા ચમત્કાર તો થવાના નહતા.
રુચાના બેન અને બનેવી બેય રાજીવની ખાસી નજીકની વ્યક્તિ હતાં. એ લોકો ઘણા વખતથી રાજીવનો આ સંધર્ષ જોતા હતા અને રાજીવના બોલ્યા વગર પણ એની તકલીફ સમજી શકવાને સમર્થ હતાં. રાજીવના ધંધામાં દિન -બ-દિન હરીફાઈઓ વધતી જતી હતી અને રોજ નવા નવા ભણેલા ગણેલા યુવાનો એમાં બાપદાદાના કરોડોના ઇનવેસ્ટમેન્ટ્ સાથે ઉમેરાતા જતા હ્તા. જેની સામે રાજીવ પોતાના પગ પર ઉભો થયેલો એક સામાન્ય ઘરનો છોકરો ઝીંક નહતો લઈ શકતો.મહેનત કરવામાં ક્યારેય પાછી પાની નહતી કરી કે ક્યારેય વિપરીત સંજોગોમાં હાર પણ નહોતી માની. પણ વર્ષોથી એકની એક સ્થિતી અને માર પડે રાખતા રાજીવ હવે થોડો થાકયો હતો. એના માટે હવે એક જ ઓપ્શન હતું કે એ આ ધંધો છોડીને કોઇ સારી કંપનીમાં સારા પગારે નોકરી સ્વીકારી લે. રુચાના બેન બનેવીએ એકાદ બે વાર આડકતરી રીતે આ વાત રાજીવના કાને નાંખવાનો પ્રયાસ કરી જોયો પણ રાજીવના ગળે એ વાત ઉતારી ના શક્યા. રાજીવ મકક્મપણે વિચારતો હતો કે અત્યારે ભલે ધંધામાંથી રેગ્યુલર ઇન્કમ નહતી થતી પણ એમાં પોતાનું સ્વમાન તો સચવાતું હતું. પહેલેથી ધંધાની ટેવ પડેલી તો હવે કોઇના હાથ નીચે નોકરી કરવાનું કદાચ પોતાને ના ફાવે અને આટલા વર્ષોની મહેનતે જમાવેલો ધંધો પણ ખોવાનો વારો આવે તો પોતે ના ઘરનો રહે કે ના ઘાટનો..ધંધામાં તો આવો સમય આવ્યા કરે…અત્યારે પોતાની જમાવેલી શાખના પ્રતાપે થોડી બેંક લોન, ક્રેડીટ અને મિત્રો પાસેથી થોડા ઘણા નાણા ઉછીના પાછીના કરીને ધંધો સાચવી લેશે અને જ્યારે તેજી આવશે ત્યારે બધું સારા વા’ના થઈ રહેશે..આમે મળી મળીને પોતાને ૧૦,૦૦૦ – ૧૨,૦૦૦ થી વધારેની નોકરી ના મળી શકત.એનાથી પોતાના કયા દહાડા ભરાઈ જવાના હતા ? એના કરતા ધીરજ રાખીને થોડો સમય કાઢી લેવો વધુ સારો..
આ થોડો સમય ધીમે ધીમે મહિનાઓ અને પછી વર્ષ અને અત્યારે વર્ષોમાં ફેરવાતો ચાલ્યો હતો. હવે ઘરના દરેક સદસ્ય રાજીવના ધંધાની હાલતથી માહિતગાર થઈ ગયેલા. દરેકની લાઈફ સ્ટાઈલ પર એની અસર વર્તાવા લાગી હતી. ખાનદાન, પ્રેમાળ અને સંસ્કારી સદસ્યો પોતપોતાની જરુરિયાતો બને એટલી ઓછી કરવાની તજવીજમાં રચ્યા પચ્યા રહેતા પણ રાજીવને શિખામણ આપવાની – સમજાવવાની કે સીધી ચર્ચા કરવાની કોઇની હિંમત નહતી થતી. બધાને રાજીવ માટે અનહદ લાગણી અને વિશ્વાસ હતો. એ ભલો માણસ એના ઘર માટે જ જીવે છે અને પૂરતી પ્રામાણિકતાથી ઘરના બે છેડા ભેગા કરવાના પ્રયત્નોમાં રચ્યો પચ્યો રહે છે એ વાતથી દરેકે દરેક માહિતગાર હતા.વળી એની સમજશક્તિ પર બધાને અનહદ માન હતું એટલે એને કંઈ જ અલગ સમજાવવાનું તો કોઇને સ્વપ્ન પણ ના આવે..રાજીવ જે કરે છે એ બરાબર જ કરે છે. આપણા કરતા એણે વધારે દુનિયા જોયેલ છે. આપણે તકલીફનો આ થોડો સમય પસાર કરી લઈને બને એટલા એકબીજાને સાચવી લેવાના છે ..બસ.એ લોકો આટલી જ વાત સમજી શકતા હતાં.
બે છેડા ભેગા કરવાના પ્રયાસોમાં વિફળ જતા રાજીવ રાતોની રાતો ઉંઘી નહતો શકતો..સતત તાણ અનુભવતો..આ ડીપ્રેશન દૂર કરવા માટે રાજીવ સિગારેટ અને શરાબની લતે ચડી ગયેલો..રુચા એકલી જ આ વાત જાણતી હતી. પોતાના શરીર સાથેની રાજીવની આ રમત એનાથી સહન નહતી થતી પણ તકલીફ એક જ હતી કે એ આ લત છોડવાનું પણ નહતી કહી શકતી. રાજીવનું ડીપ્રેશન દૂર કરી શકવાની એનામાં અત્યારે ક્ષમતા નહતી. પોતાના ગજા અનુસાર ઘરકામમાંથી પરવારીને આજુબાજુના છોકરાઓને ટ્યુશન્ કરાવીને થોડું ભરત ગૂંથણ કરી કરીને કમાણી કરવાના પ્રયત્નો કરતી. પણ મસમોટી ખાઈમાં આ પુરાણ કંઈ જ કામ નહતું કરતું. એના બેન બનેવી સતત રુચાને કહેતા કે રાજીવને સમજાવે કે ધંધો બદ્લી કાઢે કાં તો નોકરી શોધે…એમની નજરમાં ૩-૪ સારી નોકરી પણ હતી. પણ તકલીફ એ હતી કે રાજીવને આ વાત સમજાવે કોણ..એ તો પહેલેથી જ સમજદાર હતો. એ જે કરે એના પર બધાને વિસ્વાસ હતો. પોતાના દરેક પ્રોબ્લેમ્સમાં રાજીવની સલાહ કામ કરતી હતી એ જ રાજીવને સલાહ આપવાનું વિચારે પણ કોંણ..?
આજે રુચાથી એક નિસ્વાસ નંખાઈ ગયો,
‘ જે બધાથી ઉપર છે, જે બધું જ સમજે છે એને એની ભૂલ સમજાવે કોણ.?’
અનબીટેબલ ઃ આપણા જીવનમાં કમ સે કમ એક વ્યક્તિ તો એવી હોવી જ ઘટે કે જે આપણને સમજદારી -પ્રેમ-આત્મીયતાથી સમજાવી શકે, જેની વાત આપણે વિશ્વાસપૂર્વક માની શકીએ.
-sneha patel.