સરપ્રાઈઝ !


gujarat guardian paper > take it easy 36 > 31-03-21-013Snap1

http://www.gujaratguardian.in/E-Paper/03-31-2013Suppliment/index.html

લગભગ ત્રણે’ક વર્ષના વહાણા વાઈ ગયા હતા અને મારે મારી કોલેજકાળની સખી રીનાને મળવાની બહુ જ ઇચ્છા હોવા છતાં મળી શકતી નહતી. વારે તહેવારે ફોન પર  ઔપચારિક વાત થઈ જતી. એ પણ નોકરી કરતી હતી એટલે બીઝી બીઝી રહેતી. મન મક્ક્મ કરીને બધા જ કામને થોડો વિરામ આપીને એક રવિવારે  સવારના અગિયાર વાગ્યાના સુમારે (!) એને ‘સરપ્રાઇઝ’ આપવાના ઇરાદા સાથે આજના જમાનામાં કોઇને પણ મળવા માટે લેવી પડતી ફોન દ્વારા અપોઇન્ટમેંટનો ધરાર વિરોધ કરીને એના ઘરે પહોંચી જ ગઈ. ડોરબેલ પર હળ્વેથી આંગળી દબાવી અને મરકતા મોઢે ‘સરપ્રાઈઝ’નું રિઝલ્ટ જોવાની તાલાવેલી સાથે ઉભી રહી. ડોરબેલમાંની કોયલ ટહુકી કુ..હ..હુ…. અને મને યાદ આવ્યું કે કોઇ કવિએ ક્યાંક લખેલું છે કે,’ ડોરબેલની કોયલ રણકી’ એ આવી જ વાત પરથી લખાયું હશે. દરવાજો ખૂલતા વાર લાગી એટલે હું ફરીથી બેલ વગાડવા જ જતી હતી અને દરવાજો ખૂલ્યો. સામે મારી પ્રિય સખી ઉભી હતી. પણ મેં ધારેલા એવા ‘સરપ્રાઈઝ’ના ભાવના બદલે એના મુખારવિંદ પર મને કંઇક અજબ હતાશાની લાગણી લીંપાયેલી લાગી. પળભર તો મારા સુપરફાસ્ટ વિચારપ્રક્રિયામાં એક ભરતી આવી ગઈ. ડોરબેલમાં મને જે અવાજ કોયલનો લાગ્યો હતો એ કયાંક કાગડાનો કર્કશ તો નહતો ને. મેં જે કોયલના મધુરા રણકાર લાગ્યો એ ક્યાંક કાગડો ચીખવાની પ્રકિયા જેવું તો નહતું ને !

‘અરે સ્નેહા, તું.,..આમ …અચાનક…અહ..હ્હ..,હ…આવ આવ..અહીં સોફામાં બેસ, હું બે મિનીટમાં આવી.’ અને મને અચરજના સાગરમાં ગોથું ખવડાવીને એણે એના બેડરુમ તરફ પ્રયાણ કર્યું.

પાછા આવતાં એને ખાસી દસ મિનીટ લાગી ત્યાં સુધી સમય પસાર કરવાને રુમનું નિરીક્ષણ કર્યું. બહુ સમયે આવી હતી. ફર્નિચર અને દિવાલોનો કલર બધું બદલાઈ ગયેલું. સઁખેડાના ફર્નિચરની જગ્યાએ નવા લેટેસ્ટ ડિઝાઈનના સોફા આવી ગયેલા જેમાં ચારે બાજુ નાની મોટી સાઇઝના કુશનો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલા હતાં. સોફા ઉપર બેસવાની ક્રિયા તો બહુ જ સામાન્ય અને સરળ પણ મારે તો એ કુશન પર બેસવું પડે એવી અઘરી સિચુએશન હતી..બધી શરમ છોડીને સોફામાં કુશન વ્યવસ્થિત કર્યા અને પછી સોફા પર બેસીને હાશનો એક શ્વાસ ફેફસામાં ભર્યો. ઘરની   દિવાલ પર  નવો કલર હતો જે જૂનો પણ થઈ ગયેલો અને અમુક જગ્યાએથી એના પોપડા પણ ઉખડવા આવ્યાં હતાં. આ ઉપરથી મને ખ્યાલ આવ્યો કે હું એના ઘરે ઘણા સમય પછી આવી હતી…! બારી પર કોટનનો ભૂરી – કેસરી ચેકસનો મેલોઘેલો પડદો મંદ મંદ પવનમાં ઝૂલતો હતો. સામે દિવાલ પર એક ફોટો ફ્રેમ હતી જેમાં લીલા – ભૂરા કોમ્બીનેશનમાં એક પિકચર હતું જે મારી સમજશક્તિની બહારનું હતું. એક મિનીટ તો મને એમ થયું કે ક્યાંક આ પિકચર એણે દિવાલ પર ઉંધુ તો નથી ટીંગાડ્યું ને ? ભ્રમને ભાંગવાના પ્રયત્નોમાં મારું માથું આપોઆપ નીચેની તરફ વળ્યું અને નજરને શીર્ષાસન કરાવીને એ પિકચર જોવાનો પ્રયત્ન કર્યો પણ અફસોસ એ પણ વ્યર્થ ગયો. શેનું પિકચર છે એ ક્લીઅર જ નહતું થતું. મારું માથું નજરને શીર્ષાસન કરાવવાના ચક્કરમાં થોડું વધારે જ નીચે નમી ગયું અને જમીન પર હળ્વેથી અથડાયું..એ જ સમયે મારી સખીએ રુમમાં પ્રવેશ કર્યોં. એક તો માથામાં વાગ્યું, બીજું મારી વિચિત્ર અવસ્થા પકડાઇ ગઈ અને ત્રીજું આટઆટલી મહેનત પછી પણ ફળ તો મળ્યું નહીઁ મતલબ પિકચરનું પિકચર કલીઅર તો થયું જ નહીં.આ બધાની ભોંઠપ સાથે હું સોફામાં સભ્ય રીતે ગોઠવાઈ ગઈ.

સભ્યતાની એ રસમ નિભાવ્યા પછી તરત એ વાત ધ્યાનમાં આવી કે હું ઘરમાં પ્રવેશી હતી ત્યારે મારી બહેનપણી કરચોલીથી ભરપૂર એવા પિઁક કલરના  ઘૂંટણ સુધી માંડ પહોંચતા નાઈટ્ડ્રેસમાં સજ્જ હતી અને એના વાળ બટરફ્લાયની ક્લીપમાંથી જેલમાંથી ભાગી છૂટેલા કેદીની જેમ મનસ્વી રીતે એના ખભા, કપાળ પર ઝૂલતા હતાં, વળી સ્ટેપ કટવાળનું પહેલું સ્ટેપ બે ય કાનની બાજુમાં ટૂથબ્રશની જેમ લટકી રહેલું હતું. એક મીનીટમાં આટલું જ ઓબઝર્વ કરી શકી હતી પણ બારણું ખોલ્યું ત્યારની અને અત્યારની અવસ્થામાં જમીન આસમાનનો ફરક હતો. અત્યારે એ લેટેસ્ટ ટાઈટ જી ન્સ અને જાઁબલી કલરની કોટન કુર્તીમાં સજજ હતી. ટુથબ્રશ જેવી મનસ્વી લટો ઉપર એનું હેરબ્રશ ફરી ચૂક્યાની સાક્ષીરુપે એના વાળ સરસ મજાના સેટ થયેલા હતા અને મોઢું પણ કદાચ ધોઈને આવી હશે એટલે એકદમ ફ્રેશ લાગતી હતી. દસ મિનીટમાં કાયાપરિવર્તન ! હવે મને બારણું ખોલ્યું એ સમયની એની ભોંઠપનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો. અફસોસ એ હતો કે મારે એને સરપ્રાઇઝ આપવી હતી, બારણું ખોલીને એ મને ભાવવિભોર થઈને હર્ષાતિરેકમાં ભેટી પડશે એવી આશા રાખી હતી એના બદલે એણે એના બાહરી પહેરવેશની વધારે ચિઁતા કરી અને મારા એ મૂડનું ઠંડે કલેજે મર્ડર કરી નાંખ્યું હતું.

જે પરિસ્થીતી આવી ચડે એનો સ્વીકાર કરતાં શીખો – મગજને ટપાર્યું અને વિચારો પર બ્રેક મારી.

‘શું લઇશ સ્નેહા…ચા કે કોફી ?’

ગરમી બરાબરની પડતી હતી અને કંઠે પાણીનો તીવ્ર સોસ પડતો હતો. એ લ્હાયમાં સવાલ બરાબર સાંભળ્યા વગર જ જવાબ અપાઈ ગયો -‘પાણી’

રીના પાણીનું પૂછવાનું જ ભૂલી ગઈ હતી અને હું ચા -કોફીના ઓપ્શનમાં પાણી માંગી બેઠી. બે ય જણને પોતાની ભૂલ સમજાઈ. જોકે આ કસબ જેવી મહાન ભૂલ તો નહતી જ કે જેના પરિણામસ્વરુપ ફાંસીની સજાની સુનવાઈ કરાય. આ તો એક નિર્દોષ અને રોજબરોજની ચીલાચાલુ ભૂલોમાંની એક હતી. જેના પરિણામમાં મને ચીલ્ડ્ વોટરનો ક્રિસ્ટલ ગ્લાસ ધરવામાં આવ્યો. હજુ પણ તકલીફો મારો કેડો નહતી મૂકતી. મને ચીલ્ડ પાણી પીવાની સહેજ પણ આદત નહીઁ. મારા ગળાની સહનશક્તિની સીમા બહારનું ઠંડુ પાણી પીવાઈ ગયું હોય તો બીજા દિવસે ચોકકસ એ બળવો પોકારતું રિસાઈ જાય અને શરદી થઈ જ જાય. કરવું શું ? ચા ગરમ હોય તો એને ઠંડુ કરવાના હેતુથી થોડી વાર ઠરવા દેવાય, નાસ્તાને ન્યાય અપાય પણ પાણી ઠંડુ હોય અને એને મૂકી રાખીએ તો ગરમ થાય એવું કોઇ વિજ્ઞાન મારા ધ્યાનમાં નહતું. જગતમાં કેવા કેવા ધર્મસંકટૉ ઉદભવતા હોય છે ! જેમ તેમ કરીને એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને ગ્લાસ ટીપોઇ પર પાછો મૂકી દીધો. રીનાને પણ નવાઈ લાગી કે આને આટલી બધી તરસ લાગી હતી તો આટલું જ પાણી કેમ પીધું..? એની આંખોમાં એનો સવાલ સ્પષ્ટ્પણે ડોકાઈ આવ્યો જેને મેઁ નજર ફેરવીને નજરઅંદાજ કરી દીધો.

‘આ સામે જે ચિત્ર્ર છે એ શેનું છે ? એને કયું પેઇંટીઁગ કહેવાય ?’ વાત બદલાવાનો એક સઁનિષ્ઠ પ્રયાસ.

રીનાના મુખ પર પહેલી વાર હાસ્ય જોવા મળ્યું.

‘એ તો અસીમે (એનો દસ વર્ષનો દીકરો)  એની સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન હતી એ વખતે બનાવેલું છે. સ્કુલમાં ટેબલ પર બોંઝાઈ ઝાડનું કુંડું મૂકી અને એને દોરવા માટે કહેલું. ધ્યાનથી જો.. પેલા બે ભૂરા ‘કર્વ્સ’ દેખાય છે એની ડાળીઓ છે, બોંઝાઈ વૃક્ષ હતું એટલે નાની અને જાડી ડાળીઓ અદ્દ્લ આવી જ લાગે કેમ ? મેં આંખો ખેંચીને ભૂરા કર્વ્સને જોવાનો પ્રયત્ન કર્યો જે મને રસ્તા પર ચાલ્યા જતા નિર્વસ્ત્ર બાવાઓના ખુલ્લા અને ગૂઁચળું વળી ગયેલા વાળ જેવા વધારે લાગ્યાં. આઘાતથી મોં સિવાઈ ગયું અને એના સદમામાં ક્યાંક સત્યવચન મોઢામાંથી બહાર ના ધકેલાઈ જાય એ પૂરતી તરત સાવચેત થઈ ગઈ. કંઇક પ્રત્યુત્તર તો આપવો જ પડે ને..

‘પણ ડાળીઓ ભૂરા કલરની કેમ ?’

‘એ તો હરિફાઈનું ટેન્શન હતું એટલે અસીમે ફૂલોનો કલર ડાળીમાં અને ડાળીઓનો કલર ફૂલોમાં પૂરી દીધો..જો ને ગ્રીન ફ્લાવર્સ કેવા યુનિક લાગે છે. તને ખબર છે એની આ ભૂલને એ લોકોએ એની ક્રીએટીવીટી માની લીધી અને એના જ આધારે એને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું બોલ..’

શું બોલું..?અનાસક્તભાવે પેઈટીંગ નિહાળતા, મોં પર પરાણે ભગવાન કૃષ્ણ જેવું સ્થિતપ્રજ્ઞ સ્મિત રાખીને વિચારવા લાગી કે ‘મારે કોમ્પીટીશનના નિર્ણાયકોની બુધ્ધિને સલામ કરવા જોઇએ કે એની આ હરખપદુડી માતાની મંદબુધ્ધિને કોસવી જોઇએ ?’

ત્રણેક વર્ષમાં તો રીના સાવ જ બદલાઇ ગયેલી. અમારી કોલેજમાં ટી.વાયમાં એને ‘બ્રેઈન વિથ બ્યુટી’નો અવોર્ડ મળેલો. પણ આજે એની ઓરીજીનલ બ્યુટી અને બુધ્ધિ બે ય પણ સમયનું પોતું ફરી ગયેલું, ચમક સાવ ઝાંખી થઈ ગયેલી. હું જેને મળવા આવી હતી એ આ રીના તો નહતી જ. સમય માણસને બદલી નાંખે એ તો સાંભળેલું પણ આટલા ઓછા સમયમાં આટલું ચમત્કારિક પરિવર્તન મારા માટે થોડું આઘાતજનક હતું.

થોડી ઘણી આડીઅવળી વાતો કરી ત્યાં તો વાતોના વિષયો પણ ખૂટી ગયા.

હવે પછી કયારેય પણ કોઇને આવી સરપ્રાઈઝનો ડોઝ આપવાની હિઁમત નહી કરું વિચારતી આખો દિવસ રીના સાથે વિતાવવાની ઇચ્છા ધરાવનારી હું અડધો કલાકમાં તો એના ફ્લેટની નીચે હતી.

-સ્નેહા પટેલ

unbeatable – 36


હંમેશા મગજ શાંત ના રહી શકે તો કાયમ ગુસ્સામાં રહેવાની જરુર તો નથી જ.

-સ્નેહા પટેલ

ઓમ સવાલદેવતાય નમઃ.


http://gujaratguardian.in/E-Paper/03-24-2013Suppliment/index.html

Gujarat guardian paper > Take it easy column > 24-03-2013 > article no: 35

Snap1

સવાલો પૂછવા એ માનવીની સમજશક્તિની પારાશીશી છે. જન્મથી માંડીને મરણ સુધી દરેક માનવીના મગજમાં હજારો પ્રશ્નો ઉદભવતા હોય છે. સવાલોના બહુ બધા પ્રકારો હોય છે. ઘણા લોકો ખાલી ખાલી પોતાની હાજરી પૂરાવવા માટે કોઇ મહત્વની ચર્ચા ચાલતી હોય ને કોઇ પણ  પ્રશ્ન પૂછી કાઢે જે એની ચૂપચાપ હાજરી કરતા વધુ ભયાવહ હોય છે, પરિણામે એ સવાલનો માલિક લોકોની નજરમાં તુચ્છ અને મહત્વની ચર્ચામાં મોટામસ ‘બમ્પર’ જેવો થઈને ઉભો રહે છે જેને ત્યાં બેઠેલા દરેક જણ ઇચ્છતું હોય કે આને કોઇ ‘ડમ્પર’ આવીને વહેલાસર ઉપાડી જાય તો સારું. ઘણા લોકોના પ્રશ્નો ઉચ્ચકક્ષાના હોય, ગુણવત્તાસભર હોય છે પણ એના જવાબો જે વ્યક્તિ પાસે મંગાય છે એ વ્યક્તિ એ સવાલને ન્યાય આપવાને લાયક નથી હોતું એથી આવા સવાલનું કસમયે મોત થઈ જાય છે. એ જીવ બહુ ઉત્સુક અને ઉત્સાહી હોય તો પોતાના પ્રશ્નો પૂછવા બીજા વ્યક્તિને શોધી લે છે કાં તો વિચારે કે જવા દે ને- બીજો કોઇ સવાલ શોધી કાઢીશ..સવાલ શોધવામાં વળી શું મહાન કામ કરવાનું છે..ઘરની જ ખેતી છે ને..! ઘણા સવાલો નિર્દોષ હોય તો ઘણા ટાઈમપાસના હેતુથી સભર, ઘણા સહેતુક અને સ્વાર્થી હોય છે જેના જવાબો થકી પોતાના મતલબની માહિતી સામેવાળા પાસેથી કઢાવી લેવાનો મહાન ઉદ્દેશ હોય છે. અમુક સવાલો પંચાતીયા હોય છે – અમારા ઘરમાં – જીવનમાં જ આવું ચાલે છે કે આખી દુનિયા આવી બધી સ્થિતીઓના સકંજામાં સપડાયેલી છે જેવો એક સર્વેનો હેતુ લઈને આવા પંચાતીયા સવાલો પૂછાતા હોય છે. અમુક સવાલો જીવનના ભાવિ માટે અતિજરુરી હોય છે – જેમ કે કોઇ છોકરો – છોકરી પરણવાના હોય અને પહેલવહેલી મુલાકાતમાં એના વિશેની જાણકારી માટે પૂછે એ આ કેટેગરીમાં આવી શકે. અમુક સવાલોના જવાબ મળે પછી એનો રી-સવાલ ઉભો જ હોય.

સવાલોની આ પિષ્ટપિંજણના વિચારોમાં મેઁ નાનપણમાં સાંભળેલી વાર્તામાં થોડું મોડીફીકેશન કર્યું.

વહેલી સવારે નદીકિનારે પોતાના પિતા સાથે ફરવા નીકળેલ એક છોકરાના મનમાં પ્રશ્નોનું , ઉત્સુકતાનું ઘોડાપૂર ઉઠે છે :

‘પપ્પા, આ માછલીઓ પાણીમાં ગુંગળાઇ કેમ નથી જતી ?’

પિતાશ્રી એમની આગળ જોગિંગ કરી રહેલી કન્યાની ‘બોડી રીધમ’ જોવામાં મશગુલ હતા અને આવો પ્રશ્ન માથે ઠોકાયો. ધ્યાનભંગ થતા થોડા અકળાઇ ગયા અને દીકરાનો કર્ણપટલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલા પ્રશ્નનો જવાબ અપાયો,

‘ખબર નહીં’

બાળક નાનું હતું .. આ મહાન ડીસ્ટર્બનશની વાતથી અજાણ, એણે બીજો પ્રશ્ન ફેંક્યો,

‘તે હેં પપ્પા, આ વાદળોમાં આટઆટલું પાણી ભરાય છે એના થકી એ કેટલા બધા વજનદાર થઈ જાય છે તો એમાં પૂર ના આવે..એ વાદળા તૂટીને જમીન પર કેમ વેરાઈ નથી જતાં ? એવું થાય તો કેવી મજા આવે એ વાદળોના ટુકડા ભેગા કરીને હું મારા ખિસ્સામાં ભરી લઉં અને ઘરે જઈને આપણા ઘરની છત પર એને મારી ‘ઝીગ શૉ પઝલ’ ના ટુકડાની જેમ બનાવીને ચોંટાડી દઉં..’

‘હ..મ..મ..હેં..શું કહ્યું…હા..હા…એ તો…એ તો…મને નથી ખબર કે કેમ આવું ના થાય ?’

મનમાં પેલી છોકરીની ગુલાબી ટીશર્ટ ઉપર ઝુલતી એની લાંબી પૉની ટેઈલથી બનતા વાદળા જોવામાં મશગુલ પિતાશ્રીએ જવાબ વાળ્યો.

બાળકને તો જવાબ સાથે બહુ લેવા દેવા નહતી. એ પ્રામાણિકપણે પોતાનું ‘સવાલ પૂછવાનું’ કર્મ કરે જતું હતું.

‘ પપ્પા, આ દરિયાકિનારાની રેતી આટલી ઠંડી અને લીસી કેમ હોય ?’

થોડો ઘણો પ્રશ્ન કાને અથડાયેલો અને બેધ્યાનીમાં જ પપ્પાએ ઉત્તર વાળ્યો,

‘ એ તો આપણે લપસી ના જઈએ ને દીકરા એટલે ! ‘

અને આગળ જતી છોકરીની રેતીમાં પગલા પાડતી લીસી પાની જોઇને એમના મોઢામાંથી એક ઠંડો આહ નીકળી ગઈ.

સવાલનો જવાબ તો મળ્યો. ભલે એ ના સમજાણો પણ પિતાશ્રી એને જવાબ આપવા યોગ્ય ગણ્યો જાણીને દીકરાનો આતમસંતોષ વધી ગયો.

‘પપ્પા, તમે કદી ઓસ્ટ્રીચ જોયું છે  ? પેલો મીત મને કહેતો હતો કે એની આંખો એના મગજ કરતાં મોટી હોય છે.શું  આ સાચું છે ?  આપણા મગજ અને આંખોની શું હાલત છે?’ – એકસાથે બે પ્રશ્નો  !

‘બેટા, આંખો તો આંખો હોય છે મોટી હોય કે નાની શું ફરક પડે છે એનાથી આપણે જે જોઇએ છીએ એ દુનિયા થોડી બદલાઈ જવાની !’

પોતાનું ઓસ્ટ્રીચ અંગેનું અજ્ઞાન છતું ના થઈ જાય એનુ ધ્યાન રાખીને પિતાએ જવાબ આપ્યો. મગજ વિચારે ચડી ગયું કે કાશ, ભગવાને માનવજાતિને પીઠ તરફથી જોઇ શકાતી વ્યક્તિનો ચહેરો આસાનીથી જોઇ શકે એવી આંખો આપી હોત તો ! મુખદર્શન એક નિર્દોષ – હાનીકારક પ્રક્રિયા જ છે ને અને દરેક માનવીનો કર્મસિધ્ધ હક છે.

ત્યાં તો દરિયાની એક લહેર આવી અને બાળકના શરીરને એના છાંટાથી ભીનો કરી ગઈ. બાળકને પાણીની આ ગલીપચીથી બહુ મજા આવી.  આવી ગલીપચી તો વરસાદમાં નહાતી વેળાએ થાય અને મુખની તોપમાંથી પ્રશ્નનો ગોળીબાર થયો.

‘પપ્પા, આ ઉનાળાની ઋતુમાં વરસાદ પડે તો એને ચોમાસું કહેવાય કે ઉનાળો ?’

એ જ સમયે પેલી ગુલાબી ટીશર્ટવાળી યુવતી જોગિંગ કરતા કરતા થાકીને વિરામ લેવાના હેતુ સાથે રેતી પર બેસી ગઈ અને પિતાજીની મનોકામના પૂર્ણ થઈ ગઈ.

પાછળથી સુંદર મજાના વળાંકોવાળી કાયા ધરાવતી માનુનીનો ચહેરો જોતા જ પિતાજીને હાર્ટએટેક આવતા આવતા રહી ગયો. આ તો.. આ તો..આ તો એમના સાસુમા હતાં. એ વળી અમેરિકાથી ક્યારે પાછા આવ્યાં? વળી એ ભારે ભરખમ કાયા આવી નાજુક નમણી પદમણી નાર જેવા શૅઇપમાં કેવી રીતે આવી ગઈ ? સારું હતું કે પોતે આગળ વધીને એ પદમણી નારને જોવાના હેતુથી કોઇ જ સારી – નરસી ચેષ્ટા નહતી કરી નહીં તો…

‘અરે પપ્પા, જવાબ આપો ને..એને ચોમાસુ કહેવાય કે ઉનાળો ?’

કલ્પનામાં પોતાના ગાલ પર ચાર લાલ લાલ સોળ ઉઠેલી નિશાની દેખાઈ અને પપ્પાથી બોલાઈ ગયું,

‘બેટા એને ધોધમાર વરસેલું માવઠું કહેવાય..’

‘હેં…એ વળી શું..?’

પોતાની સમજશકિતના કોર્સ બહારનો જવાબ મળતા પુત્રની સવાલ પૂછવાની ઇચ્છા ઓ મરી પરવારી.

થોડા સમય પહેલાં જ મારી નજરે રસદાયક  રાજનૈતિક સવાલોના સમાચાર ચડેલા –

આપણે ત્યાં નેતાનું જોર વધારે ચાલે કે પ્રજાનું – આપણી લોકશાહી કહેવાય કે રાજાશાહી ?  દરેક નાના મોટા નેતાની મોટીમસ તોતિંગ ગાડીઓ આગળ પાછળ ચાર – પાંચ ગાડીઓ અમથી અમથી શું કામ ફરતી હશે?  આ નેતાઓ કોઇ પણ જાતના દેખીતા કાર્ય કર્યા વગર જ આટલી વૈભવશાળી જીંદગી જીવવા માટે પૈસા કેવી રીતે મેળવતા હશે? નેતાઓના દીકરાઓ પરણે ને હેલિકોપ્ટરોના ધાડેધાડા ઉતરી આવે ત્યારે એ બધો ખર્ચો કોની કેડ પર આવતો હશે?પક્ષબદલનાર નેતાઓને બીજા પક્ષમાં જોડાઇને પોતાના ભૂતપૂર્વ પક્ષને ભાંડતા કોઇ જાતનો શરમ સંકોચ કેમ નહી નડતો હોય ? નેતાઓ એ કોસ્મેટીક જેવા હોય છે કે શું..કાયમ એમની મૂળકિંમત કરતાં પ્રચારખર્ચ વધારે જ હોય છે !

થોડા આધ્યાત્મિક સવાલો જે મને ક્યારેય નથી સમજાતા કે જેના જવાબો મળવાની ભવિષ્યમાં કોઇ વકી પણ નથી..

‘સત્ય એટલે શું ? હું ખરેખર કોણ છું ? કાવ્યમય ઉપનિષદની તો શરુઆત જ કંઇક આવા સવાલથી થાય છે કે માણસ મરી જાય ત્યારે એ ખરેખર મરી જાય છે – કારણ ઘણા લોકો કહે છે કે ‘ ના આ મૃત્યુ નથી. આત્મા અજર અમર છે’ અને ઘણા કહે છે કે ‘હા આ તો નિર્વિવાદપણે મોત છે’ આધ્યાત્મ – દર્શન  દરેક શાસ્ત્ર આની ચર્ચાઓથી ભરચક છે. શું દરેક વસ્તુનું અંતિમ મોત જ છે..શું મોત એ સત્ય છે..ગોળ ગોળ ફરીને એકના એક સવાલો પૂછાયે જ રાખે અને ચર્ચાઓ ચાલે જ રાખે.

‘ઓમ સવાલદેવતાય નમઃ.’

ભૂતકાળ અને ભવિષ્ય જેવું કંઈ નથી જે છે એ વર્તમાન જ છે એને માણો અને મજાની લાઈફ જીવો – આની પાછળ વળી એક નવો સવાલ ઉભો થાય કે ભૂતકાળ એટલે આપણા વડીલો અને ભવિષ્ય એટલે આપણા સંતાનો જેવું કંઈ આ દુનિયામાં છે જ નહીં ..વર્તમાન ફકત આપણે અને આપણે જ છીએ એમ માનીને સ્વાર્થી બનીને જીવવાનું..?

મિત્રો, હવે હું વિરમું. કારણ આ સવાલોની વણઝાર આમ જ ચાલી તો કદાચ  આ રવિવારની આખેઆખી પૂર્તિ મારા ધ્યાનમાં આવેલા સવાલોથી ભરચક્ક હશે. સવાલોના જવાબ ચોક્કસ હશે પણ અંત કદી નથી હોતો.

આ લખતી હતી અને મોબાઈલમાં એક મિત્રનો મેસેજ આવ્યો,

‘રાધાએ કૃષ્ણને સવાલ પૂછ્યો, ‘ તમારામાં જ્યાં હું વાસ ના કરતી હોઉં એવી એક જગ્યા બતાવો.. ‘

શ્રીકૃષ્ણ તો સવાલો ઉભા કરવામાં ઉસ્તાદ. એમને આવા સવાલો ના કનડે. ફટ દઈને ભાવવિભોર સ્વરે રાધાની આંખોમાં આંખ પૂરોવીને આર્દસ્વરે બોલ્યાં,

‘મારા નસીબમાં પ્રિયે !’

-સ્નેહા પટેલ.

આપના અભિપ્રાય


મિત્રો, મારી ‘નવરાશની પળ કોલમ’ ના આવનારા પુસ્તક  માટે આપના અભિપ્રાય માંગવાનો છેલ્લો પ્રયાસ. આગળ જે પણ મિત્રોએ એમની શુભેચ્છાઓ અને અભિપ્રાયો આપ્યાં છે એ બધાં હું  મારી પુસ્તકમાં સમાવવાની કોશિશ કરું છું. આપ પણ આપની વાત નિષ્પક્ષ રીતે અને બેધડક કહી શકો છો. એ જ શબ્દો અને એ જ સ્ટાઈલમાં બુકમાં છપાશે.
મારા પહેલાં પુસ્તક સાથે આપ સૌ મિત્રોની યાદ વણી લેવાનો જ હેતુ છે. હંમેશાથી આપ સૌએ મને પ્રોત્સાહન આપ્યું છે એમ જ ભવિષ્યમાં પણ આપતા રહેશો એવી આશા સહ,
ગુડનાઈટ.
-sneha patel.

 

મુકતક – 1


અઢી અક્ષરનો મતલબ તેં જણાવ્યો
ને એનાંથી વધુ જીવી બતાવ્યો !
મેં આંગણ વાવેલો તુલસીનો ક્યારો
બધાં પર્ણોમાં તું દેખાઈ આવ્યો !

– સ્નેહા પટેલ

નવી દુનિયા.


Phoolchhab paper > Navrash ni pal column > 20-03-2013

અસંખ્ય ઝાંઝવાં ઘરની હવામાં ભટકે છે
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે.

– રમેશ પારેખ.

‘તમે ક્યાંના રહેવાસી ?’

‘મારી પ્રોફાઈલમાં લખેલ છે ..ચેક ઈટ.’

બે મિનીટ પછી..

‘ઓહોહો…તમે બોમ્બેના એમ ને..સરસ. હું રાજકોટ બાજુ આવેલા એક નાનકડા ગામમાં રહેતો હતો. હમણાં જ મારી નોકરીમાં ટ્રાન્સફર થતા બરોડા આવ્યો છું.’

‘મને ખબર છે.’

‘તમારા ઘરવાળા શું કરે?’

‘આ પ્રશ્નનો ઉત્તર જરુરી નથી લાગતો. ઠીક છે, અમારે હોલસેલ કાપડનો ધંધો છે.’

‘અરે વાહ, સરસ અને તમે શું કરો?’

‘અરે કહ્યું તો ખરું કે પ્રોફાઈલ…ઓકે..હું એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છું’

‘તે  કામ કરતાં કરતાં તમે આમ નેટ પર વાતો કરો તો કંપનીને અન્યાય કર્યો ના કહેવાય? એનો સમય આમ વાતોમાં..’

‘તમે કદાચ નેટમાં નવા લાગો છો મિ.શંકર. મારું બધું કામ નેટ પર જ હોય છે અને એ પતાવ્યા પછી જે સમય વધે એમાં જ હું આમ વાત કરું છું..જેનો કંપનીને શો વાંધો હોઇ શકે? અચ્છા, મારે કામ છે. ચાલો બાય.’

‘અરે..સાંભળો તો…પછી કેટલા વાગે મળશો ?”

‘નક્કી નહીં..મોસ્ટલી કલાકે’કનું કામ છે બહાર પછી આવી જઈશ ઓફિસમાં. સમય હશે તો વાત કરીશું’ અને ઉર્વશી લોગ-આઊટ થઈ ગઈ.

શંકર બે મિનીટ તો હક્કો બક્કો રહી ગયો. ઉર્વશીએ સાચું કહેલું..એ નેટમાં નવો સવો જ આવેલો અને નેટની ઝાકમઝોળ દુનિયાથી લગભગ અંજાઈ જ ગયેલો. એના ગામમાં તો હજુ સ્ત્રીઓ ઘુમટા તાણીને ઘરની બહાર નીકળતી હતી અને પરપુરુષ જોડે વાત કરવી એ તો જધન્ય અપરાધ જ ગણાઇ જતો. બરોડાની દુનિયામાં હજુ સેટ નહતો થઈ શક્યો ત્યાં તો નેટ પર આમ આસાનીથી કોઇ પણ સ્ત્રીની સાથે વાતચીત થઈ શકે એ જાણીને એ તો કલ્પનાની દુનિયામાં આવી ગયો હોય એમ જ લાગતું હતું. એ ઘડિયાળમાં નજર ખોડીને બેઠો હતો. ક્યારે કલાક પતે અને ક્યારે ઉર્વશી નેટ પર પાછી આવે ને એની સાથે ફરીથી વાત થાય..કલાક તો બાજુમાં રહયો પણ એ પછી તો ઉર્વશી આખો દિવસ નેટ પર મળી નહીં. શંકરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પોતાના ગામમાં એ રાજકુમારની જેમ ઉછરેલો. ધનવાન જમીનદારનો એકનો એક લાડકવાયો દીકરો.. પાણી માંગતા દૂધ હાજર થતું. શોખ ખાતર જ નોકરી કરવા પોતાની પત્ની અને બે દીકરા સાથે બરોડા આવેલો. એ બહાને ગામની બહારની દુનિયા પણ જોવાય.

બીજા દિવસે ફરીથી ઓફિસમાં નેટ પર ગોઠવાઈને ઉર્વશીની રાહ જોવા લાગ્યો. એના પ્રોફાઇલ પિકચરમાં ઉર્વશી ખૂબ જ નમણી અને મોર્ડન જમાનાની નારી લાગતી હતી. શંકર એને જોયા જ કરતો હતો. ના રહેવાતા એણે ચેટીંગબોકસમાં એકલા એકલા વાતો કરવાનું ચાલુ કર્યું. ત્યાં તો ઉર્વશીનું સ્માઈલી સાથે ‘હાય ગુડમોર્નિંગ શંકર, કેમ છે ‘ જવાબ આવ્યો અને શંકર તો ખુશ થઈ ગયો.

આટલા ફ્રેન્કલી’તું-તારી’થી તો કોઇ સ્ત્રીએ એની સાથે વાતો નહોતી કરી.એની ‘કૂપમંડૂક સમજ’ મુજબ મનોમન વિચારતા લાગ્યું કે ઉર્વશીને એ પસંદ આવી ગયો છે એટલે જ એ આવી રીતે પ્રેમથી જવાબ આપે છે. પછી તો થોડી આડીઅવળી વાતો કરીને એણે પોતાની નારાજગી જાહેર કરી..’કાલે કેમ પછી આવી નહી..કેટલી રાહ જોઇ હતી મેં.’

‘થોડું કામ આવી ગયું ને પછી મોડું થઈ ગયેલું તો નેટ પર ના આવી શકી. ઓફિસમાં મારા પ્રમોશનની વાત ચાલે છે તો થોડું વધારે ધ્યાન રાખવું પડે ને..’

‘કોનું…બોસનું કે…’શંકરથી એકદમ જ લખાઈ ગયું.

અને ઉર્વશીએ સામે દસ બાર અટ્ટહાસ્ય કરતા સ્માઈલી મોકલી દીધા.

‘તું તો કેવી સ્ત્રી છે સાવ..’શંકરનો પિત્તો જતા એણે રીપ્લાય કર્યો.

‘કેમ..શું થયું.?’

‘આમ ખુલ્લે આમ તારા બોસની જોડે લફરેબાજી કરતાં શરમ નથી આવતી. તારા ઘરવાળાને ખબર પડશે તો કેવું લાગશે..?’

હવે ઉર્વશીની કમાન પણ છ્ટકી..’હેય મિસ્ટર, માઈન્ડ યોર ઓન બિઝનેસ..આ મારી લાઈફ છે મારે જે કરવું હોય એ કરું. અમે હસબન્ડ – વાઇફ એકબીજાની અમુક બાબતો માં માથું નથી મારતાં અને તમે કોણ મને આમ કહેનારા ? વળી તમે મારી સાથે ‘ફર્લ્ટ’ કરવાનો પ્રયત્ન કરો છો એ શું મને નથી સમજાતું..પહેલાં પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ પછી બીજાને સલાહ આપો.’

બે મીનીટ તો શંકર ચૂપ થઈ ગયો પછી વળતો જવાબ લખતા બોલ્યો,

‘અમે તો પુરુષો કહેવાઇએ…ગમે તે કરીએ કંઈ ફરક ના પડે.તમારી સ્ત્રીઓની ઇજ્જત નાજુક કહેવાય, કાચ જેવી. મારી ઘરવાળીને તો હું પાડોશી સાથે પણ વાત નથી કરવા દેતો. તમે આમ ખુલ્લે આમ પુરુષો સાથે વાતો કરો એ મને નથી ગમતું. મારા મિત્ર હો તો એ બધું બંધ કરી દેવું પડ્શે.’

સામે ઉર્વશી એની એ નાદાનિયત પર જોરજોરથી હસી પડી. એને મજા આવી રહી હતી આ બેવકૂફ માણસને હેરાન કરવાની. એણે થોડીવાર તો શંકરની બરાબર ખેંચી પછી સામેથી શંકર એલફેલ લખવા માંડ્યો એટલે ઉર્વશીએ એને ફોન કરીને ખખડાવી કાઢ્યો.

‘તમે સમજો છો શું શંકર તમારી જાતને…આ તમારું ગામડું નથી. આ બોમ્બે છે બોમ્બે. જમાનો ક્યાં આગળ વધી ગયો છે ને તમે હજુ એ જ લાજ કાઢુ જમાનામાં જીવો છો..’

અને એક એને ગાળ ચોપડાવી દીધી.

‘લુક મિસ્ટર, નેટ પર તમારા ઘરના બૈરા સાથે વાત કરતા હો એમ વાત ના થાય. અહીંઆ પહેલા સામેવાળી વ્યક્તિ કેવી છે, એના ગમા અણગમા કેવા છે જાણીને જ એની સાથે વાત થાય. મેલ ઇગો તમારા ઘરમાં ચાલે નેટ પર કોઇ પણ સ્ત્રી તમારો આ સ્વભાવ સહન ના કરી શકે. ઉલ્ટાનું આ દુનિયામાં સ્ત્રીઓ સાથે વાત કરીને તમારે તમારા ઘરમાં તમારી પત્ની સાથે થતો અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ, થોડા સુધરવું જોઇએ. નેટ પર વાતો કરતી દરેક સ્ત્રી તમારા પ્રેમમાં પડી જશે કે બધી સ્ત્રીઓ ચારિત્ર્યહીન જ એવી સમજને મારો ગોળી..દકિયાનૂસી વિચારોની ખાઇમાંથી બહાર આવો.આજે સ્ત્રી અને પુરુષની બરોબરીનો જમાનો છે એમાં આવા સડેલા વિચારોનો કચરો નાંખીને એને પ્રદૂષિત ના કરો.. જમાનો ક્યાંનો ક્યાં જઈ રહયો છે ને તમારા જેવા સા……..’ અને ઉર્વશીએ ફોન મૂકી દીધો.

સમસમી ગયેલો શંકર  કંઈ જ ના બોલી શક્યો. વિચારતા વિચારતા એને લાગ્યું કે એ પોતાની પત્નીને ઘણો અન્યાય કરી રહેલો. વાતવાતમાં એની પર ઓર્ડરો કરતો, એને ઉતારી પાડતો, એક ઘરસજાવટની વસ્તુની જેમ જ સમજતો હતો. એની બહુ મોટી ભૂલ હતી.એણે હવે નેટનો પોઝીટીવલી ઉપયોગ કરીને પોતાની માનસિકતા સુધારવાનો નિર્ણય કર્યો અને સાથે સાથે પોતાની પત્નીને પણ નેટ વાપરતા શીખવાડી શકાય એના માટે સાંજે પોતાની સાથે કોમ્ય્પુટર ખરીદીને જ ઘરે ગયો.

 

અનબીટેબલ:  By three methods we may learn wisdom: first , by reflection – which is noblest: second, by imitation- which is easiest and third by experience –  which is the bitterest.-Confucius.

 

કુછ ટેન્શન અચ્છે હોતે હૈ..!


gujarat guardian paper > take it easy column > 17-03-2013 – article -34.

http://gujaratguardian.in/E-Paper/03-17-2013Suppliment/index.html

Snap1

આખું અઠવાડીયું આપણા આદરણીય  એડીટરે આપણને( પોતાની જાતને આપણે કહેવાની મારી ટેવ (કુ)થી તો હવે મારા પ્રિય, સુજ્ઞ વાચકો માહિતગાર છે જ) આપ્યું હોય પણ આપણે છીએ કે છેલ્લાં દિવસની છેલ્લી ક્ષણ સુધી લખવાનો મૂડ નથી, ટોપિક નથી, સમય નથી જેવા બહાનાઓમાં ગોળ ગોળ ફર્યા કરીએ. છેવટે નાછૂટકે હવે સમય નથી જ એટલે દુનિયા પર મહેરબાની કરતા હોઇએ એવા ભાવ સાથે લેપટોપ લઈને લખવા બેસીએ…બે ચાર બુક વાંચીને થોડો મૂડ ડેવલોપ થાય એવો યત્ન કરીએ..મગજ પર જમણીબાજુ જમણાહાથની તર્જનીથી થોડા ટકોરા મારીને આંખો બંધ કરીને વિચારોના ધ્યાનમાં ખોવાઈ જઈએ – એક્ધ્યાન થઈએ …બે ચાર કોઇએ લખેલા ના હોય એવા ટૉપિક મગજના બારણા ખડખડ કરે…અને આંખો ખૂલી જાય. આ બે મીનીટથી વધુ ધ્યાન ધરવાની આપણી તાકાત નહીં.મારા સુપરસોનીક વિચારો એનાથી વધારે એક જગ્યાએ રોકાઈ ના શકે ..એને રોકવા જઊ તો બળવો પોકારી ઉઠે અને પછી મારા ભીતરે ઉથલપાથલ મચી જાય, ધરતીકંપ આવી જાય, જવાળામુખીઓ ફાટે અને થોડી ક્ષણોમાં તો વિચારોનો લાવા બનીને વહેવા લાગે…સાવ જ નિરર્થક પ્રોસેસ..એટલે હું બને ત્યાંસુધી મારા વિચારોને બહુ છંછેડું નહીં..નાના બાળકની જેમ લાડ-પ્રેમથી સમજાવીને બીજા રસ્તે વાળવા જેટલી ધીરજ કેળવી છે એના થકી એને સુંદર મજાનો વળાંક આપીને મારી સર્જનક્રિયામાં એનો શક્ય એટલો ઉપયોગ કરી લઉં. એ પણ ખુશ અને આપણે પણ. હા તો વાત હતી કે સાત દિવસ એટલે કે સાત ગુણ્યાં ચોવીસ કલાક ગુણ્યાં સાઈઠ સેકંડ. આટલો સમય હોવા છતાં છેક છેલ્લી ઘડીનું ફરજીયાતપણાનું છૂટકો જ નથીનું ટેન્શન બિલ્ટ અપ ના થાય ત્યાં સુધી હું આળસુની પીર કશું લખી શકતી નથી.

સામાન્યતઃ ટેનશનને રોગોનું દર, રાક્ષસ કહેવાય છે પણ મારા જેવા અમુક મહાન માણસો માટે તો આ ટેન્શન એ આશીર્વાદરુપ છે. ટેન્શનથી, ફરજીયાતપણાથી સર્જનપ્રક્રિયા ઝડપી અને સ્મૂધ બને છે. જોકે ટીવીમાં બતાવાતી અમુક એડવેન્ચરસ પ્રોગ્રામોમાં જેમ ચેતાવણીઓ આપતા હોય છે કે આ એક ખતરનાક સ્ટંટ છે, એમાં જીવ પણ જઈ શકે છે એટલે દર્શકોને ખાસ વિનંતી કે એવા કોઇ અડપલા જાતે કરવા નહી એ જ રીતે મારા અંગત અનુભવોને કોઇએ મહાન વિચારકના કે સુજ્ઞ લેખિકાના મહાન વિચારો માનીને ‘ફોલો’ ના કરવા એવી નમ્ર વિનંતી. ઘણાખરાને આ ટેન્શનનો સમયગાળો માફક નથી આવતો. મારા સર્જન માટે જે થ્રીલનું કામ કરે છે એ તમારા દિલને ઝાટકો આપવાના કામ કરી શકે છે. પછી કહેતા નહી કે ચેતવ્યા નહી !

થોડા સમય પહેલાં અમારા એક સંબંધીને ત્યાં વહેલી સવારે ( લગભગ ૧૦.૩૦ વાગ્યે) મળવા જવાનું થયું. એ આજે થોડા મોડા ( રોજ ૯ વાગ્યે ઉઠનારો મહાનજીવ આજે ૯.૨૦ વાગ્યે ઉઠ્યો) ઉઠવાના કારણે એમની હાર્ટબીટ ૨૦ ગણી રફ્તારમાં કામ કરતી હતી અને એમાં હું જઈને બેઠી હતી એ કામ પણ મહત્વનું હતું એટલે એમાં ઉમેનારી હાર્ટબીટની સ્પીડનું ટેન્શન એના ગુલાબી ચમકતા ચહેરાની ચમક ફીકી પાડીને એના ચહેરાનું તેજ છીનવીને એને ફીક્કી ફસ કરતું હતું. મને એક પળ તો મારા આ સમયે એમના ઘરે જઈ ચડવા બદલ થોડું દુઃખ થયું પણ કામ મહત્વનું હતું. એ ભાઈએ મારા કામના જરુરી કાગળૉ મને આપીને કહ્યું કે ‘આની પર સહેજ નજર નાખતા થાઓ હું પાંચ મિનીટમાં નાહીને આવું ‘ કહીને બાથરુમમાં ભાગ્યાં. હું મારું કામ કરતી થઈ અને બરાબર ૪.૩૦ મિનીટે પેલા ભાઈ બાથરુમની બહાર નીકળીને તૈયાર થઈને બેગ ઝુલાવતા મારી સામે હાજર.

એમને જોઇને ભગવાનના ‘વાણીપ્રભુત્વ’ ના મારા વરદાનને મૌનનું સીલ વાગી ગયું, પણ મારું ‘મૌનસીલ’ કોઇની ઇજજતને સરેઆમ ઉછાળી શકે એમ હોવાથી મહાપ્રયાસે ગળામાંથી ધક્કો મારીને મારા શબ્દોને બહાર ધકેલ્યાં,

‘તમે આવી રીતે જ બહાર જશો..?’

હવે પેલા ભાઈ ચમક્યાં…અને ત્યાં તો મહાપરાણે દબાવી રાખેલ મારો હાસ્યનો ફુવારો છુટી ગયો. હું પણ કાળામાથાની માનવી આખરે..!

સંબંધી બોખલાઈને મને નિહાળી રહ્યાં.એક તો ઉનાળો, એમાં ય ટેન્શન નામનું તત્વ શરીરનું ઉષ્ણતામાન વધારી રહેલું..એમાં મારું આવું અટ્ટહાસ્ય એમને હાર્ટએટેક આવી જશે એ ભીતિએ મેં તરત મારા હાસ્ય પર બ્રેક મારીને મોઢું ગંભીર બનાવી દીધું.

‘ભાઈ, તમે પેન્ટના બદલે ભાભીજીનો….’ આગળનું વાક્ય અધ્યાહાર રાખીને એમને વધુ શરમમાં ના મૂકવાની મારી ઇચ્છા હતી. પણ એ નિખાલસભાઈ તો પોતે ઉતાવળમાં પેન્ટના બદલે પોતાની પત્નીનો ચણિયો પહેરીને બહાર આવી ગયા છે એ જોઇને ‘ભફ્ફાક’ દઈને હસી પડયાં અને બધું ટેન્શન છોડીને મારી સાથે સોફા પર બેસી પડ્યાં.

‘મારું બેટું,  કપડાંના સ્ટેન્ડ પરથી ઝપ્પ કરતું પેન્ટ લીધું – બુશ્કોટ પહેર્યો ને પેન્ટમાં ટાંટીયો આમ લાઈખો ને બીજો ટાંટીયો આમ..ડ્રોઈંગરુમ લગી પોંચતા’ક થયું તો ખરું કે આજે મોકળાશ વધારે છે..!!  ત્યાં લગર તો મેં’કું મને હમજ જ નો પડીકે તમે આટલું કેમ અહો છો..પણ ધ્યાનથી જોતાં ચણિયા અને પેન્ટની મહાન ભૂલ હમજાણી. આજથી કાન પકડું સું’કે હવે ટેન્શન -ઉતાવળમાં કોઇ ‘ઇમ્પોર્ટન્ટ’કામ નહી કરું.’ ત્યાં તો પાછળથી એમના પત્ની સહાસ્ય રુમમાં પ્રવેશ્યા અને બોલ્યાં,

‘આ જનમે તો હુધરવાથી રહ્યા..જાઓ જાઓ…હવે જરા હરખા થઈને આવો..ભૂંડા લાગો’સો..બેન તો સરમમાં તમને કાંઈ બોલતા નથ.. એટલો એમનો આભાર..બીજું શું તંયે..!’

મને થયું કે હવે મારે આ ‘ચણિયા અને પેન્ટ’ના જગતમાંથી વેળાસરતી વિદાય લઈ લેવી જ હિતાવહ રહેશે…ફટાફટ મારું કામ પતાવી અને ત્યાંથી નીકળી અને બસસ્ટેન્ડ પર જઈને ઉભી રહી.

મગજમાંથી હજુ એ પ્રસંગ ખસતો નહતો. મગજને મહાપરાણે ત્યાંથી વાળીને સામેથી આવતી બસ મારા કામની છે કે નહી એના પર કોનસ્નટ્રેટ કર્યું. લકીલી એ મારા જ રુટની બસ હતી. મારી આગળ રહેલા કોલેજીયન છોકરાને ‘એક્સ્યુઝ મી’ કહીને આગળ વધીને બસમાં પ્રવેશી. બસમાંથી બહાર જોતાં પેલો કોલેજીયન છોકરો બેફિકરાઈથી ચ્યુંઈગમ ચાવતો ચાવતો એક હાથમાં મોબાઈલમાં ગેમ રમતો દેખાયો. બસ ધીમે ધીમે ગતિ પકડી અને ત્યાં તો મારા આસ્ચ્ર્ય વચ્ચે પેલો ચ્યુંઈંગમ ચબાઉ છોકરો મોબાઈલ ખીસામાં મૂકીને દોડતો દોડતો બસમાં ચડી ગયો. શૉકનો ઝાટકો પચતાં મેં એને પૂછ્યું,

‘ભાઈ, તારી બસ આવી ત્યારે તું આરામથી ઉભો રહેલો. ઇચ્છ્ત તો આરામથી એમાં ચડી શકત ..આમ ‘બ્રેવડા’ થવાની ક્યાં જરુર હતી?’

પેલાએ મધમીઠું હાસ્ય સામું ફટકારીને કહ્યું,

‘એમ સીધે સીધા સમયસર ચડવા જઉં તો મારું બેલેન્સ કદાચ ગુમાવી બેસત. મને ચાલુ બસમાં ચડવાની ટેવ જ છે. એ માપસરની સ્પીડ પકડે ત્યારે જ હું એમાં ચડી શકું..રીધમ જાળવી શકું..આમ છેલ્લા સમયે દોડીને બસ પકડવાની થ્રિલ જ અલગ છે…મજબૂરી છે શું થાય..?’

અનુત્તર રહ્યા સિવાય કોઇ ચારો નહતો.

બધાના થ્રીલના માધ્યમ અલગ અલગ હોય છે. મારા માટે મારું લખાણ, મારું સર્જન એક થ્રીલ છે. મનગમતું લખાઈ જાય પછી આળસ ડેરો નાંખી જાય..લખેલું વાંચીને આત્મશ્લાધા જેવી નાહકની પ્રવ્રુતિઓમાં રત થઈ જાય, ક્રીએટીવ વિચારોમાંથી મગજને વિરામ આપવાની અસહ્ય સ્થિતીમાંથી પસાર થવું પડે.લખવાનું છે એટલે લખી નાંખવાનું એવું થોડી હોય..થોડું ક્રીએટીવ ટેન્શન બીલ્ટ અપ થાય, કોઇ સુંદર મજાનો પ્રેરણાદાયક પ્રસંગ બને, અનુભવેલું બધું એની જાતે કાગળ પર ઉતરી આવે એટલી હદ સુધી અનુભવોને પ્રેશર આપી આપીને દિમાગમાં ભરી રાખવાનું..અહાહા..કેવી મજા..!

‘ટેન્શન તારા રંગ છે હજાર ‘

લખવાની બાબતમાં તો ટેન્શન મને બહુ જ  મદદરુપ થાય છે. ટેન્શનોના દરિયામાં હું એક્ધ્યાન થઈ શકું છું એનાથી મારો જીવન પ્રત્યેનો લડતનો અભિગમ ડેવલોપ થાય છે. બીજા બધામાં કદાચ ટેન્શન અવોઈડ કરવાનું ગમે પણ લખવામાં ..નેવર..ભલે પધાર્યા ટેન્શન બાપા…આવ્યા છો તો થોડા દી રોકાઈ જ્જો..બીજો લેખ લખવાનો સમય થાય ત્યાં સુધી જ તો…વધારે નહી રોકું બાપલીયા..!’

-sneha patel.

પીડાનો નશો


sneha  patel -2013

 

બાકી રહે…


કહેવી છે એ વાત બાકી રહે,
અને એક શરુઆત બાકી રહે.

હજારો વખત વાતચીત થાય છે,
કરોડો સવાલાત બાકી રહે.

તને ચાહવામાં જ હું વ્યસ્ત છું,
ગુનાની વકીલાત બાકી રહે.

હું સમજું છું સમજાવી શકતી નથી,
ને મારી રજૂઆત બાકી રહે.

રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે.

-સ્નેહા પટેલ.

સહિયારી જવાબદારીઃ


ફૂલછાબ પેપર > નવરાશની પળ કોલમ > 13-3-2013.

 

લાખ ઝંઝાવાતની છાતી ચીરીને બાઅદબ

જે દીવો પ્રગટી ચુક્યો ક્યારેય ઠરવાનો નથી

 

– ચંદ્રેશ મકવાણા

ગ્રે કલરના ડિઝાઈનર વોલપેપરથી મઢેલી રુપકડી દિવાલ પર લટકતી વોલક્લોક્માં છ ટકોરા પડ્યા અને સ્તુતિની નજર તરત પોતાના હાથ બંધાયેલ ઘડિયાળ તરફ ગઈ. કન્ફર્મ..છ વાગી ચૂકેલા અને એનો ઓફિસેથી ઘરે જવાનો સમય થઈ ગયેલો. સમય તો થઈ ગયેલો પણ સામે પડેલ ફાઇલમાં રહેલા પંખાના પવનથી ઉડાઉડ થતા પેપર એની હાંસી ઉડાવી રહેલાં. આ ફાઇલનું કામ કમ્લ્પીટ ના થાય ત્યાં સુધી એનાથી આજે ઓફિસ છોડાય એમ નહોતું અને આજે સાંજે એના ઘરે મહેમાન જમવા આવવાના હતાં. સવારે થઈ શકે એટલું કામ નીપટાવીને આવેલી પણ બાકીના અધૂરી કામની તલવાર હજુ એના માથા પર લટકતી હતી. બધું બરાબર ઉતરત જો એના બનાવેલા શિડ્યુલ પ્રમાણે બધું ય પાર ઉતર્યુ હોત તો..કમબખ્ત આ ફાઈલ..છેક સાંજના પાંચ વાગે હાથમાં આપીને સરે એની અગત્યતા સમજાવી, જે જાણ્યા પછી હવે સ્તુતિને પણ એમની ઉતાવળ યોગ્ય જ લાગી એટલે કશું બોલ્યા વગર ચૂપચાપ કામે લાગી ગયેલી. અંદાજે સાત – આઠ વાગવાની ગણત્રી તો હતી જ..મનોમન અકળાતી સ્તુતિએ છેવટે એના પતિ સૌમ્યને ફોન કર્યો,

‘સૌમ્ય, મારે એક અર્જન્ટ કામ આવી ચડયું છે અને એ પતતાં લગભગ હજુ બે કલાક થશે..શું કરું…મને કંઈ સમજાતું નથી..!’

‘નો પ્રોબ્લેમ ડાર્લિંગ, હું આજે ઓફિસથી થોડો વહેલો નીકળી જઉં છું. બેકડીશ, સબ્જી, સલાડ,પાપડ એ બધું હું તૈયાર કરી નાંખીશ..તું તારે આવીને ગરમાગરમ નાન બનાવી દેજે. સહેજ પણ ટેન્શન ના કર અને કામ પતાવ. ચાલ હું હવે નીકળું છું ઘરે જવા.’

‘ઓહ,,યુ આર સચ અ ડાર્લિંગ સૌમ્ય, મારો કેટલો મોટૉ પ્રોબ્લેમ તે ચપટી વગાડતાં’ક સોલ્વ કરી દીધો. ‘અને એક ઉષ્માભર્યુ ચુંબન ફોન પર આપીને શાંતિનો શ્વાસ ખેંચીને સ્તુતિએ ફોન કટ કર્યો.

પોણા આઠના સમયે સ્તુતિ ઘરના ઉંબરે હતી. મહેમાન આવી ચૂક્યા હતા અને ડ્રોઇંગરુમમાં વાતો કરી રહેલા હતાં.સ્તુતિ ઘરમાં પ્રવેશીને એ બધાંની સામે એક સ્માઇલ કરીને ‘જસ્ટ પાંચ મિનીટમાં ફ્ર્રેશ થઈને આવું’ કહીને પોતાના રુમમાં ગઈ. ફ્રેશ થઈને ફટાફટ રસોડામાં ઘૂસીને કામે વળગી. સૌમ્ય એક બહુ જ સારો કૂક હતો અને કૂકીંગ એનો શોખ હતો. જ્યારે પણ મૂડમાં હોય ત્યારે બહુ પ્રેમથી એ જમવાનું બનાવતો. આજે પણ સ્તુતિની ધારણા કરતાં પણ વધુ સારી રીતે એણૅ ઑલમોસ્ટ બધું કામ પતાવી કાઢ્યું હતું. સ્તુતિની આંખમાં બે પળ હરખના આંસુ આવી ગયા. થોડી વારમાં તો બધું રેડી..!

ડાઈનિંગ ટેબલ પર મહેમાનોને આગ્રહ કરીકરીને સ્તુતિ પીરસી રહી હતી. જમવાનું બહુ જ સરસ બનેલું હતું. બધા રસોઇના વખાણ કરતા કરતા જમી રહ્યાં હતાં. ત્યાં તો સ્તુતિના મામીસાસુ બોલી ઉઠ્યા,

‘સ્તુતિ, તેં તો સૌમ્યને સારો ‘ટ્રેઈન’ કરી દીધો છે હોં’કે..! આજે એણે તને કામમાં કેટલી બધી મદદ કરી કેમ..ખરેખર તું બહુ ભાગ્યશાળી છે કે તને આવો પતિ મળ્યો છે.’

‘હા સ્તુતિ, તારે તો લીલાલહેર કેમ આવો પતિ મળ્યો એટલે. તારી દીકરી સોનમ માટે પણ તું આવો જ વર શોધજે જે એને રસોઈમાં, ઘરકામમાં હેલ્પ કરે..’

બે પળ તો સ્તુતિ સમસમી ગઈ. મનમાં હજારો શબ્દો આવી ગયા પણ એને બોલ્યા વિના ચૂપચાપ ગળી ગઈ. ધ્યાનપૂર્વક એને નિહાળી રહેલી એની સત્તર વર્ષની દીકરી સોનમ તરત બોલી ઉઠી,

‘માફ કરજો આંટી, તમે મમ્મીને કેમ ભાગ્યશાળી કહ્યાં એ જરા સમજાવો ને..મને બહુ સમજ ના પડી..’

‘અરે બેટા, ઘરનો પુરુષ આમ રસોડામાં કામકાજ કરે એ કેવી અદભુત વાત છે. પુરુષોનું કામ તો કમાવાનું હોય…તારા પપ્પાની જેમ રસોડામાં રસોઈ કરવાનું નહીં દીકરા..’

અને વળતી પળે જ સોનમ ટહુકી ઉઠી,

‘તો આંટી, સ્ત્રીઓનું કામ શું?’

‘લે..આ કેવો પ્રશ્ન…સ્ત્રીઓએ ઘર – છોકરા-સામાજીક વ્યવહારો સંભાળવાનું-રસોઈ કરવાની એવું બધું…આવડી મોટી થઈ તો તારી મમ્મીએ તને એટલું પણ નથી સમજાવ્યું કે?’

‘ના..ના..આંટી…વાત એમ છે કે તમે જે લિસ્ટ બતાવ્યું એમાં સ્ત્રીઓએ નોકરી કરવાની, પૈસા કમાવાના..એવી કોઇ વાત તો આવી જ નહીં..અને મારી મમ્મી તો એ બધા કામ ઉપરાંત આ પૈસા કમાવાનું વધારાની જવાબદારી પણ સુપેરે પૂરી રીતે નિભાવે છે. અમારા ઘરમાં તો કોઇ પણ કામ મમ્મીનું કે પપ્પાનું…એવા ભેદભાવ હોતા જ નથી. જે સમયે જે અવેઈલેબલ હોય એણે કામ પતાવી લેવાનું..કામ સારી રીતે પતે એ મહત્વનું..હું પતાવું..મમ્મી પતાવે કે પપ્પા કે મારો નાનો ભાઈ…એ બધું કંઈ મેટર જ નથી કરતું..તો મને એમ થાય છે કે તમે જેમ મમ્મીને ભાગ્યશાળી કહ્યાં એમ પપ્પાને પણ એમની પત્ની ઘરના કામકાજ ઉપરાંત આઠ કલાકની નોકરી કરીને પૈસા કમાઈને એમને આર્થિક રીતે ટેકો આપે છે એ બાબતે એમને ભાગ્યશાળી કેમ ના કહ્યાં મને એ નવાઈ લાગે છે. આવી કોઇ જ વાત અમારા ઘરમાં ક્યારેય ચર્ચાતી નથી કે એને સમજાવવાની મારા મમ્મી – પપ્પાને ક્યારેય જરુર પણ નથી પડી એટલે મને આવી બધી ગતાગમ ના પડે એટલે આપને પૂછાઈ ગયું.અવિનય લાગ્યો હોય તો માફ કરજો..’

એની ધારદાર વાતનો કોઇ જવાબ ‘આંટી’ પાસે નહતો.અંદરખાને એ પણ સોનમની વાત સાથે સહમત થઈ ગયા હતાં.

સૌમ્યએ પ્રેમપૂર્વક સોનમના વાળમાં હાથ ફેરવી અને એના કપાળ પર એક ચુંબન ચોડી દીધું અને બોલ્યો,

 

 

‘મારી વ્હાલી નાનકડી પરી આટલી મોટી ક્યારે થઈ ગઈ..હેં..!’

 

અનબીટેબલ ઃ બેય જણાએ કમ્પલસરી કમાવું જ પડે એવા આજના જમાનામાં પુરુષો ઘરકામમાં ‘મદદ’ કરે છે નો ભાવ રાખ્યા વગર ‘સહિયારી જવાબદારી’ સમજીને કામ વહેંચી લે એ વધુ જરુરી છે. સમાજ્ને એ સ્વીકારતા થોડો સમય લાગશે પણ એની પાસે એના સ્વીકાર સિવાય ભવિષ્યમાં કોઇ ઓપ્શન જ નથી.

જ્ઞાનનો મહિમા.


Gujarat guardian paper > Take it easy column > 10-03-2013 article no> 33

આજકાલ ઋતુઓને કોઇ ધારાધોરણો નથી નડતા. નાનપણમાં સ્કુલમાં ધ્યાન દઈને ભણતાં ગ્રહણ કરેલું,

‘ભારત ખેતીપ્રધાન દેશ છે અને એની  મુખ્ય ત્રણ ઋતુઓ છે -શિયાળો,ઉનાળૉ અને ચોમાસું.  શિયાળામાં ચાર મહિના ઠંડી પડે, ઉનાળામાં ચાર મહિના ગરમી અને ચોમાસામાં વરસાદ.’

પણ આજે સમજાય છે કે એ સઘળું જ્ઞાન મિથ્યા હતું. રાતે એસી ચાલુ કરવું પડે છે, વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય અને અચાનક બપોરે વરસાદ પડી જાય. ચમત્કારોની હારમાળા ! એટલે આજ કાલ કઈ મોસમ ચાલી રહી છે એના વિશે કોઇ પણ પૂછે તો બહુ મોટી દ્વિધા ઉતપન્ન થાય એવી હાલત હતી.  જોકે મારા આ ‘અતિજ્ઞાન’નો ઉપયોગ લોકોને ઋતુઓની સમજ આપવામાં નિષ્ફળ જતી હતી એની મને કોઇ ચિંતા નહતી. આમે જ્ઞાન એ પોતે જ બહુ દ્વિધાપૂર્ણ – છેતરામણો શબ્દ છે. ‘આપણે અતિ-જ્ઞાની છીએ’ એવી ધારણા મારા જેવા ઘણા અજ્ઞાનીઓ ધરાવતા હોય છે પણ ખરેખર પોતે કેટલા જ્ઞાની કે કેટ્લા અલ્પજ્ઞાની ..એવું ‘સાચું જ્ઞાન’ બહુ ઓછાને હોય છે.

‘સત્ય અને જ્ઞાનને બહુ નજીકનો સંબંધ છે.’

આ મહાન ખોજ અજાણતાં જ – કોઇ જ વિચારવાની લાંબી લાંબી પ્રક્રિયા કર્યા વિના મેં હમણાં કરી નાંખી. એ જ્ઞાનમાં થોડા ઉંડા ઉતરતા મને થયું કે આ જ્ઞાનને સમજી શકનારા, પચાવી શકનારા લોકો આ પૃથ્વી પર બહુ જ ઓછા છે એટ્લે આ વિશે મારે મૌન સેવવું જ યોગ્ય રહેશે. આમે મારા કહેવાથી કોઇ જ માનીતા-જાણીતાઓ વાત માનવાના નથી. એમને હજારો દલીલ સાથે લાંબી લાંબી ચર્ચાઓમાં જ વધુ રસ હોય છે  જ્ઞાન તો આવી ચર્ચા હેતુ લેવામાં આવતો એક પાંગળો સહારો જ છે.માનવીનો ‘અનુભવ એ જ એની સાચી મા બાકી બધા વગડાના વા.’

આ અનુભવજ્ઞાનના આધારે કેલેન્ડરમાં બતાવાતી શિયાળાની ઋતુની એક રાતે ગરમીનો અનુભવ થતા આજે ઉનાળો એવું જાણી-માનીને બહેનપણીઓને ફોન કરીને મારા ઘરના નજીકના આઇસક્રીમ પાર્લર પર ભેગા થવાનું આમંત્રણ પાઠવી દીધું. સ્ત્રીઓ પંચાત કર્યા વગર જીવી ના શકે અને અમારી પંચાતો તો નિર્દોષ – ટાઇમપાસ – ઘણીવખત તો જ્ઞાનવર્ધક મનોરંજન પણ બની જાય છે.

યજમાન હોવાના કારણે આઇસક્રીમ-પાર્લર સૌથી વહેલી પહોંચી ગઈ અને ‘હાઈવે ટચ’ થતો સૌથી વધુ લોકપ્રિય ઓટલો પસંદ કરીને રુમાલ-પર્સ મૂકીને ‘પંચાત હેતુ’ રોકી લીધો. દર બે મિનીટે મારી બાજુમાં આવી, બે પળ થોભીને રુમાલ, પર્સ વગેરે સામાન જોઇ, એની પાછળનો હેતુ સમજીને માણસો નિરાશવદન સાથે આગળ વધી જતા એ જોઇને મને થયું કે હવે ‘આ જગ્યા રોકો આંદોલન’માં ભાગીદારી નોંધાવવામાં કોઈ સખી જલ્દી આવી જાય તો સારું. હજુ તો આ વિચારું જ છું ને એક અવળચંડો રેડ શર્ટ અને ગ્રીન જીન્સધારી જુવાન મારો રુમાલ બાજુમાં હટાવીને આરામથી એ જગ્યાએ બેસીને એની ‘કેન્ડી’ ખાવા લાગ્યો. મેં એની સામે બની શકે એટલી ધારદાર નજરથી જોયું પણ એ મારી સામે જોવાની તસ્દી જ નહતો લેતો એટલે મારી એ બધીય મહેનત પાણીમાં ગઈ.એના ભારેખમ ચહેરાનો ભાર સહન કરીને કાન નીચેની બાજુ લબડી ગયેલા, આજના જમાનામાં લગભગ ગુમ થઈ ગયેલી પાવલી જેવી નાની નાની ગોળમટોળ આંખોની નીચે ભાવનગરી ગાંઠિયા જેવું વાંકુચૂકુ નાક અને એની નીચે કાળી અને ધોળી સ્કેચપેન એક સાથે પકડીને  ગુજરાતીમાં ‘ચોગડો’ લખવાનો પ્રયત્ન કરાયો હોય એવી વિચિત્ર શૅઈપની મૂછોની નીચે સિગરેટ પીને કાળા થઈ ગયેલા હોઠ પર એની ગ્રીન કેન્ડીનો રંગ લાગતા કાળામાં ગ્રીનના મિશ્રણથી કંઈક વિચિત્ર કલરના હોઠ દેખાતા હતા.એ જુગુપ્સાપ્રેરક દ્ર્શ્ય સહન ના થતા મેં તરત એના તરફથી નજર હટાવી દીધી. હમણાં જ મનપસંદ ભાજીપાઉં દબાવી દબાવીને ખાધેલા અને હજુ ગળા સુધી હતા એ આઘાતના ધક્કાથી કયાંક બહાર ના આવી જાય એવો છૂપો ડર મને સતાવી ગયો. એણે મને કંઈ પૂછ્યું હોત તો હું કહી શકત કે આ જગ્યા રોકેલી છે પણ આ ભાઈએ તો એવી કોઇ કર્ટસી દાખવી જ નહી. આનો સામનો કેમનો થાય એ વિચારું ત્યાં તો એ ભાઈ એમનો બીજો ખાલી હાથ હવામાં તલવાર વીંઝતા હોય એમ ડાબેથી જમણે ને જમણેથી ડાબે વીંઝવા માંડ્યા. પળ બે પળ માટે મને મારી નજર- સમજ શક્તિ પર અવિશ્વાસ થઈ ગયો.આ ભાઈને એકાએક એમના પૂર્વજોની યાદ આવી ગઈ કે એમનો કોઇ આત્મા બાત્મા એમનામાં ઘૂસી આવ્યો કે શું ?

એની નજરનો પીછો કરતા કરતાં મારી નજર સામેથી આવી રહેલ એક ‘પીળા કલરના વાંસ’ પર પડી. બે હાથમાં પીળા કલરની બે ડઝન કાચની બંગડીઓ, કાનમાં પીળા રંગના મોટા સ્ટોનવાળી ઇયરીંગ્સ, કપાળમાં મોટો ગોળ પેલાની ‘આંખની સાઈઝ’નો પીળો ચાંદલો, ઉંચી પેન્સિલહીલવાળા પીળા સેન્ડલ અને પીળું પંજાબી અને હાથમાં રહેલી પીળા કલરની કેન્ડી..ઉફ્ફ..!!   મારા અતિજ્ઞાને મને યાદ કરાવ્યું કે ‘કમળો હોય એને બધું પીળું જ દેખાય’ વાત યાદ આવી. ગભરાહટના મારી મેં તરત જ મેં મારી આંખો બરાબર ચોળી તો પણ મને મારી નજીક આવી રહેલી આકુતિ પીળી જ દેખાઈ. ત્યાં મારા સામાન્ય જ્ઞાને મને ચીંટીયો ભર્યો,

‘બાવરી.. બાજુમાં બેઠેલ લબડેલા કાનવાળો જુવાનનું શર્ટ, એની કેન્ડી એ બધાના રંગ તો તારી નજરે બરાબર પકડ્યાં..મતલબ પ્રોબ્લેમ તારી નજર કે તબિયતમાં નહી પણ સામેવાળાની ‘ડ્રેસિંગ સેન્સ’માં છે.

‘હે પરમકૃપાળુ ભગવાન, આમ જ મને અતિજ્ઞાનના શ્રાપથી બચાવીને કાયમ સામાન્યજ્ઞાનની અનરાધાર કૃપા વરસાવતો રહેજે..!’

મનોમન મારાથી બોલાઈ ગયું. અતિજ્ઞાનના મહાસાગરમાં ગોથું ખાઈ જવું, ડૂબી જવું એના કરતાં સામાન્યજ્ઞાનના ઝરણામાં નહાવું વધારે સારું. જોકે અમુક વીરલાઓ કમળપત્રનો ગુણ ધરાવતા હોય છે એમના જેવા અતિજ્ઞાનસાગરમાં ડૂબકીઓ માર્યા કરે તો એકાદ સાચું મોતી ચોક્કસ શોધી આવે એની ના નહી. પણ ક્યાં કમળપત્ર અને ક્યાં આપણે પામરજીવ ! એવા કમળપત્ર હોત તો આ ઋતુચક્રોની ફેરફારના ચકકરોમાંથી જ ના બચી ગયા હોત…ગરમી, ઠંડી, ચોમાસું..બધું ય આપણી પરથી ‘સ..ર..ર…ર’ સરકી ના જાત !

ત્યાં તો મને એક હળવો ધક્કો લાગ્યો ને મારી વિચારયાત્રા ખોટકાઈ. વિચારોની પગદંડી પરથી અચાનક વાસ્તવિકતાના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ચડી ગઈ અને ‘જે જગ્યાએ હોઇએ એ જ જગ્યા કાયમ હાજર રહેવાનો પ્રયત્ન કરવાનો’ મારો મનપસંદ વ્યાયામ ચાલુ થઈ ગયો.( બહુ પ્રેકટીસ પછી પણ આ વ્યાયામ મને કોઠે નથી પડતો એ વાત અલગ છે.) ધક્કો આવ્યો એ દિશામાં જોયું તો પીળો વાંસ મારી બાજુમાં રહેલ પર્સ મારી નજીક ખસેડીને મારી અડોઅડ બેસી ગયેલો જેના કારણે એનો ખભો મારા ખભાને અથડાઈ ગયેલો. એની સાથે નજર મળતાં જ એણે પોતાની આ ખભાના ધક્કાની ક્રિયા તરફ સાવ જ બેધ્યાનપણું દર્શાવ્યું. હવે મારાથી બોલાઈ ગયું,

‘એક્સ્યુઝ મી, આ જગ્યા મેં મારા ફ્રેન્ડસ માટે રોકેલ છે તમે આમ સાવ કેમના બેસી શકો…?’

પીળો વાંસ ઉવાચ –

‘ બુફે ડીનરમાં કોઇ પીરસે એની રાહ ના જોવાની હોય એ તો આપણી જાતે જ મનપસંદ વાનગી લઈને આરોગવા માંડવાની હોય…એવું જ આ જગ્યા માટે પણ સમજો ને..આમ શું આ રુમાલ -બુમાલ પાથરવાની તસ્દી લેવાની…વહેલા એ પહેલા..’

બેશરમીની સ્પર્ધામાં પીળો વાંસ પહેલા નંબરે આવે કે ગ્રીન -કાળા કોમ્બીનેશનવાળો એનો મિત્ર કે પતિ ? ( આજના જમાનામાં આવી બધી ધારણાઓ મોટાભાગે ખોટી પડે છે એટલે બોય ફ્રેન્ડ – પતિ -પત્ની -ગર્લફ્રેન્ડના તર્ક- વિતર્કોમાં બહુ સમય ના બગાડવો એવું મારું દ્રઢપણે માનવું છે. પંચાત કરવા માટે એવા જુનાપુરાણા વિષય કરતા વધુ સારા બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ છે ).

કોઇ જ યોગ શિબિરો કે ગુરુના માર્ગદર્શન વગર ફક્ત આત્મખોજ દ્વારા મારાથી આજે અનાયાસે એક નવી શોધ થઈ ગઈ.

‘સામાન્યજ્ઞાન આત્મજ્ઞાનની વધુ નજીક છે બીજી તરોતાજા ખોજ !’

જ્ઞાનના વમળોમાં ફસાયેલી હતી ત્યાં તો ચારઆનીની સાઈઝની આંખોવાળા યુવાનના સ્ટ્રોંગ પરફ્યુમથી માથું ભમવા લાગ્યું. આ ટીવીવાળાઓ પણ જાતજાતની એડવર્ટાઇઝ બનાવી બનાવીને લોકોને ઉલ્લુ  બનાવે રાખે છે અને આવા નમૂનાઓ વધારે મૂર્ખા બનતા જાય છે, ‘ઇવન એનજ્લ્સ વિલ ફોલ !’ છેક મોઢા સુધી શબ્દો આવી ગયા કે,

‘અલ્યા ભાઈ, આ તારી પીળી એન્જલ ફોલ થઈ જશે તો તૂટી જશે..સાચવજે બાપલિયા..’

ત્યાં તો દૂરથી મારું સખીવૃંદ આવતું  નિહાળીને હું ભાવવિભોર થઈ ગઈ. ‘હાય-હલો’ની ફોર્માલીટી પતાવ્યા પછી પાંચેય સખીઓનું ઘ્યાન અમારી ફેવરીટ જગ્યા પર ગયું. આંખો-આંખોમાં એ લોકોએ મને ઠપકો આપી દીધો જેનો મેં બે ખભા ઉંચકી,હથેળીની બધી આંગળીઓમાં મારી મજબૂરીના સંકેતો ભરી, મોઢા પર ભરપૂર લાચારીના ભાવ આણીને પરબારો જવાબ આપી દીધો.

‘યે નહી ઓર સહી’ના ભાવ સાથે અમે બીજે નજર દોડાવી.એક બાંકડો થોડો દૂર હતો પણ એ આ જગ્યા પછીની નેક્સ્ટ ચોઇસ માટે બેસ્ટ હતો એટ્લે બધાં ત્યાં જઈએ બેઠા. પોતપોતાની મનપસંદ આઇસક્રીમનો ઓર્ડર આપીને સો ટકા કરમુકત પંચાતકર્મ ચાલુ કર્યુ જેમાં સહજ્પણે નંબરવન પર પેલું કપલ જ આવે.

‘એ નંગના હાથમાં બધી આંગળીઓમાં ગ્રહોના નંગની વીંટીઓ છે જો તો..નંગને નંગની આટલી બધી જરુર પડે કે?’

‘પણ જેને આટલું મોટું પીળું ગ્રહણ લાગેલું હોય એને વળી વધારે શું નુકસાન થવાનું એની જ નવાઈ લાગે છે.’

‘હશે હવે, જેવા એના નસીબ. એકાદ બે અનુભવો થશે એટલે આપોઆપ સમજ આવી જશે કે કોઇ નંગ કોઇ ગ્રહણ ક્યારેય બચાવી શકતું નથી. જે સહન કરવાનું હોય એ તો સહન કરવું જ પડે. આપણા નસીબનું કો…ઇ લઈ જઈ શકતું નથી કે જેટલું લખેલુ  હોય છે એનાથી વધારે કોઇ કંઈ આપી શકતું નથી..આ  નંગ-ગ્રહ બધા તો ઢકોસલા છે..’

અમારામાંની એક ફિલોસોફર સખી ઉવાચ. (એની અમુક વાતો હું જીવનમાં ‘ફોલોસફર’ કરું છું અને અમુક્ વાતોને કાનના રસ્તેથી અંદર પેસવા જ નથી દેતી. બધા નિર્ણય સામાન્યજ્ઞાન – સમજશકતિ -અનુભવને આધારિત)

અમારો ઓર્ડર કરાયેલ આઇસ્ક્રીમ આવી ગયો. એ પછી અમારી અલક મલકની વાતો ચાલી..તેં કાલે શું બનાવેલું..આટલા દિવસોમાં શું નવાજૂની..તારી જોબ કેમ ચાલે છે..આજે શું જમીને આવી..કોઇ નવી રૅસીપીની મહાન શોધ કરી કે અનાયાસે થઈ કે નહી..સંતાનો શું કરે છે…પતિદેવે કેટલું શોપિંગ કરાવ્યું, કેટલા મૂવી બતાવ્યા..સાસુ-સસરાના મગજ – તેવર ઠેકાણે છે ને..નણંદ-જેઠાણી બધાંયના હાલચાલ પૂછ્યા…બધાના પાડોશીઓ મજામાં ને..પાણી બરાબર ચોવીસ કલાક આવે છે ને..કામવાળી મોંમાંગ્યો પગાર લઈને પણ તમારા કહ્યામાં છે કે નહીંની ભયંકર ચિંતા ….વગેરે વગેરે..!

એકાએક વાતાવરણમાં પલટૉ આવ્યો અને ધીમા ધીમા વરસાદના છાંટા પડવા લાગ્યાં. અમારો આઇસક્રીમ અને પંચાત બેય પતી ગયેલા એટલે અમે હવે સંતોષપૂર્વક છૂટા પડવાનું વિચાર્યું. જતાં જતાં મારાથી પેલા ઓટલા પર નજર ગઈ. હવે તો એ ખાલી હતો પણ વરસાદના છાંટામાં ભીની થઈને પેલી સ્ટ્રોંગ પરફ્યુમની સ્મેલ વધુ સ્ટ્રોંગ થઈને મહેંકી રહેલી હતી.

આવા બંજર જમીન જેવા માનવીઓમાં  ‘સામાન્ય -અતિ કે આત્મજ્ઞાન’ના બીજ કેવી રીતે વાવી શકાયના ગહન (કોઇ જ મતલબ વગરના – ફક્ત ટાઇમપાસીયા) વિચારમાં હું  મારી કાર જ્યાં પાર્ક કરેલી એ તરફ વળી.

-સ્નેહા પટેલ.

દિલ્હી ગેંગ રૅપ


smruti khodaldhaam mag. > Aachman column > march2013.

દિલ્હી એટલે  – 159 લાખ રહેવાસીઓ ધરાવતું, વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર કે  શયતાનીયતને  પ્રોત્સાહિત કરીને એને પોસતું શક્યતાઓનું નગર કે ભારતનું સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને ભારતનું સર્વોચ્ચ ન્યાયલય જ્યાં આવેલું છે એ શહેર ?

 દિલ્હી ગેંગ રૅપ -આ ત્રણ શબ્દોએ છેલ્લાં કેટલાંય સમયથી ધૂમ મચાવી છે. નેટ હોય, સમાચાર પત્ર હોય, સ્કુલ હોય, દેશ-વિદેશ હોય કે સ્ત્રી -પુરુષ હોય ..બધાએ એક સાથે આ જધન્ય ક્રુત્ય સામે સજ્જ્ડપણે વિરોધ નોંધાવ્યો પણ પરિણામ શું..? સરકારની – પોલીસની નિષ્ક્રિયતા, જડતા, બેશરમી બધું ય એની ચરમ સીમાએ પહોંચી ગયું છે. માનવી પશુથી ય બદતર વર્તન કરે છે.કદાચ પશુઓની મીટીંગ થતી હશે તો એ લોકો પણ આજકાલ આપણા બધા માનવીઓની હાલત જોઇને ચર્ચા વિચારણા કરતા હશે કે સારું છે કે આપણે માણસ નથી. જોકે પશુઓ સુખી છે..એમની ડિક્સનરીમાં રૅપ, સન્માન, મર્યાદા, લક્ષમ્ણરેખા, બિભત્સતા, લગ્ન, સમાજ જેવા શબ્દ જ નથી. પાશવીપણું એટલે શું એની પણ એમને સમજ નથી. મન ફાવે એમ જીવો..હરો..ફરો ને મોજ કરો. જે વસ્તુની સમજ જ ના હોય…જે વાત વિશે બહુ બધી ચર્ચા વિચારણાઓ જ ના થતી હોય એ વાત કેટલી સરળ બની રહે છે એ આ પશુઓની દુનિયામાંથી શીખી શકાય. મને ઘણીવાર અફસોસ થાય છે કે હું એમની ભાષા સમજી શકતી નથી. એમ હોત તો કેટલા બધા સવાલોના જવાબ મળી જાત..!

પશુઓની દુનિયામાં નર – નારીના હક -ફરજો વિશે ક્યાંય વિશેષ ઉલ્લેખ નથી કરાતા.. બેય પક્ષ સમાન ! આ રીતે જોતા તો માણસો કરતાં તો પશુઓનો સમાજ સુધરેલો કહેવાય..આપણે માનવીઓ એમાં આપણી સમજ, સજ્જ્નતા ઉમેરીને સારો સમાજ બનાવવાને બદલે પશુઓથી પણ બદતર સમાજમાં રહીએ છીએ અને કમનસીબે કાયદો, ન્યાય જેવા કાણા પડી પડીને જીર્ણ શીર્ણ બખતરો પહેરીને વાંઝણી સાંત્વના મેળવવાનો નિરર્થક પ્રયાસ કરતા રહીએ છીએ.

પરણેલી સ્ત્રીઓ ગળામાં મંગળસૂત્ર ઝુલાવતી ફરે તો પુરુષોના ભાગે શું..? સ્ત્રીઓના ટુંકા કપડાં પર પ્રતિબંધ હોય તો પુરુષોના કપડાંનુ શું ? પુરુષોને ગુસ્સો આવે કે પોતાની જાત પર કંટ્રોલ ના રહે એટલે સ્ત્રીને નીચી બતાવવા ચાર રસ્તા પર એને જબરદસ્તી પકડીને છેડતી કરવાની, ઇજ્જત લૂંટી લેવાની..! આ પરથી મને વિચાર આવે છે કે ઇજ્જત લૂંટવાની પ્રક્રિયામાં બેય પક્ષ ‘ઇનવોલ્વ છે’ તો જે લૂંટાય એ ઇજ્જત એ માત્ર સ્ત્રીઓની જ..પુરુષોને ઇજ્જત જેવું કંઈ હોય જ નહીં એમ ને..? તો પછી બહુ જ મોટા મોટા અવાજે આપણે બોલીએ છીએ અને સંમત થઈએ છીએ એ ‘ ઇજ્જત આપો તો ઇજ્જત મળે’ એના વિરોધાભાસરુપે ‘ઇજ્જત લૂંટનારની ઇજ્જત જાય’ એવી વાત કેમ નથી બોલાતી કે સર્વસંમતિ સાથે બહાર આવતી..? બહુ કનફ્યુઝીંગ, એકપક્ષી અને સડેલી માનસિકતા છે આ બધી…એક તો સ્ત્રીઓ/ છોકરીઓની ઇચ્છા ના  હોય, અનિચ્છાએ એને એ પાશવી, હેવાનિયત ભરી પ્રવ્રુતિમાં ઘસેડાય, ચૂંથાય અને વિજયી હોવાના ભાવ સાથે પુરુષ એને બસમાંથી ઉછાળીને રસ્તા પર  ફેંકી દે..આ પછી જો એ સ્ત્રી બચી જાય તો પાછી એની સામાજીક, માનસિક સ્થિતી બધીય ડામાડોળ. કોઇના ગુનાની, કોઇની ભૂલોની કિંમત એણે આખી જીંદગી લોકોની આંખના ઢગલો પ્રશ્નો અને ઉપેક્ષા સાથે સહેવાની..આ બધું જોતા તો મને થયું કે આ દામિની (એનું સાચું નામ લેવા સામે પણ કાયદાકીય રીતે મનાઈ…!) મરી ગઈ એ જ સારું થયું. ધારો કે અત્યારે સોલિડ લડત આપીને પેલા છ નરાધમોએ એને જે રીતે શારિરીક, માનસિક સ્તરે ઇજા પહોંચાડી હતી એના ભવિષ્યમાં કદાચ આવા પડઘા કેવા પડત એ વિચારતા વિચારતા શરીરમાંથી ઠંડા લખલખા સાથે એક કાલ્પનિક પણ હકીકતની ખૂબ  જ નજીકનું વાર્તા ચિત્ર મારી આંખો સમક્ષ રજૂ થઈ ગયું એ આપની સાથે વહેંચું છું..

ધારવાની તાકાત નથી એમ છ્તાં ધારો કે…

અત્યારે આખા દેશની જીભે જે છોકરીનું નામ સૌથી વધારે બોલાય છે એ નામ કયું ? દસ વર્ષના બાળકને પૂછીએ તો પણ એના મોઢેથી એક ત્વરિત જવાબ મળી જાય -દામિની.

દિલ્હીની છ – છ રેપીસ્ટ દ્વારા જેના પર બર્બરતાપૂર્વક બળાત્કાર થયો અને જાનવરને પણ શરમાવે એવી હરકતો દ્વારા ઇજાઓ  પામીને  મોત સામે હિંમતપૂર્વક અડધા મહિના જેવું ઝઝૂમીને જીવ ગુમાવનારી બાવીસ- ત્રેવીસ વર્ષની નિર્દોષ યુવતી.

ધારોકે એનો જીવ બચી ગયો હોત અને આંતરડા વગર જીવવાની અઘરી સજા ભોગવવાનું એના શિરે આવ્યું હોત તો શું થાત..?

 કલ્પના કરીએ કે આપણા સમાજે બહુ પ્રગતિ કરી છે અને દામિની સાથે સન્માનપૂર્વક એક સામાન્ય છોકરી જેવું વર્તન જ કરે છે ..!! તો ભાવિના પિકચરનો એક રંગ આવો પણ હોઇ શકે.

‘દામિની…આ તારા માટે આખા દેશમાંથી દરેક જાતિના યુવાનો તરફથી સન્માનપૂર્વક માંગા આવે છે, ક્યાં સુધી આમ એ ઘટનાને મનસપટલ પર રાખીને જીવીશ ? તારો મિત્ર હતો એ તો તારી પાછળ ભૂખ હડતાળ કરીને તને ન્યાય અપાવવા મોતને ભેટ્યો નહીંતર આપણે એની સાથે જ તને પરણાવત. ક્યાં સુધી તું તારા ગુનેગારોને સજા થાય એની રાહ જોયા કરીશ ? મારું ચાલે તો એ બધાને તારી સામે લાવીને મૂકી દઊં ને કહું લે..આ રહ્યાં તારા આરોપી..તારે જે સજા કરવી હોય એ કર. પણ હું એક સામાન્ય માણસ…મા ભગવાનની સમકક્ષ ગણાય પણ એમ માની લેવાથી એ સુપરપાવર ધરાવતી ભગવાન થોડી બની જાય છે..જીદ્દ મૂકી દે અને હવે આમાંથી કોઇ એક યુવાનને પસંદ કરીને નવું જીવન સ્ટાર્ટ કર દીકરા…જીવનને એક બીજી તક આપ..’

 દામિનીના મમ્મીનું મોઢું આટલું બોલતા બોલતા તો સાવ રડમસ થઈ ગયું.

દામિની…ખુલ્લી આંખે છ્ત પર કંઈક શોધ્યા કરતી હતી..આંખ છ્ત પર હતી પણ નજર – મગજ બધે શૂન્યાવકાશનું તીવ્ર વાવાઝોડું ફેલાઈ રહ્યું હતું. થોડી થોડી વારે એ શૂન્યાવકાશ આંખોમાંથી વહી જતો હતો. શિયાળાની ઠંડીમાં એના સૂક્કા ગાલ પર એના રેલા લૂછવાની એને કોઇ દરકાર નહતી…ગાલ પર એ રેલાનું જાળું બનતું  જતું હતું. મમ્મી -પપ્પાની કોઇ પણ વાતનો કંઇ  જ જવાબ નહતી આપતી.કદાચ આપવાને સમર્થ જ નહતી.એમના વાક્યો કાનમાં રેડાતા હતા પણ મગજ સુધી પહોંચતા જ નહતા. થોડો સમય આમનું આમ ચાલ્યું. દામિનીના શોકનું વાતાવરણ થોડું હળ્વું થતું હતું. નિર્ણય લેવાની તાકાત આવતા એણે મક્કમતાપૂર્વક વિ્ચાર્યુ કે મમ્મી પપ્પા જે વિચારશે એ મારા હિતમાં જ હશે…અને હિત ના થાય તો પણ આનાથી મોટું અહિત તો હવે મારી સાથે શું થવાનું..? એમની ખુશી માટે પણ મારે પરણી જવું જોઇએ. છેવટે એક સારા ધરના સંસ્કારી યુવક નામે ‘વિવેક પર એણે પસંદગીનો કળશ ઢોળ્યો. આજના જમાનામાં એના જેવી યુવતીને આવા ‘કળશ’ મળી રહે છે એ વિચારીને પણ એનું માનસિક દુઃખ થોડું હળ્વું થયું. લોકો એને કોઇ પાપી –અસ્પ્રુશ્ય ની જેમ નહી પણ સહાનુભૂતિ અને સન્માનપૂર્વક જોતા હતા. સમાજ ઘણો બદલાઇ રહયો છે..મારા અપરાધીઓને પણ એમના દુશ્ક્રુત્યની સજા ચોકકસ અપાશે જ.

રંગે ચંગે દામિનીને વિવેક સાથે પરણાવામાં આવી.  એના લગ્નનું ટેલીવીઝન પર આખા દેશમાં લાઈવ ટેલીકાસ્ટ રજૂ થયું. ચારેબાજુથી એના લગ્નજીવનની શુભેચ્છાઓના ઢગલા થવા લાગ્યા.દામિનીના સાસરિયામાં પણ એને પૂરતી ઇજ્જત અને માન સન્માન મળતું હતું. કોઇ ભૂલથી પણ એને એના ભૂતકાળને લઈને એક અક્ષર બોલતું નહતું..દામિની એના આઘાતમાંથી ખાસી એવી બહાર આવવા લાગી હતી. પરણી તો ગઈ પણ જ્યારે વિવેક સાથે નિકટતાના પતિ પત્નીના અંતરંગ પ્રસંગો આવતા ત્યારે દામિનીના મગજમાં છ ચહેરા એકબીજામાં ભળી જતાં અને તાંડવ નૃત્ય રમતાં. એના લમણાંની નસો ફૂલી જતી..લાગતું કે આ નિકટતાના પ્રસંગો હમણાં એનો જીવ લઈ લેશે..પણ  વિવેકની લાગણી અને પ્રેમને કારણે આ વિશે એક હરફ  ઉચ્ચારવાનું પણ મન નહોતું થતું.

 લગ્નજીવનના  વર્ષાંતે એને સારા દિવસો રહ્યાંના સમાચાર મળ્યાં.દામિનીના મગજમાં કોઇ દ્વંદયુધ્ધ ચાલવા માંડ્યું. જેની એના સિવાય કોઇને ખબર નહતી. એ યુધ્ધનું પરિણામ પણ ભવિષ્યમાં ભયંકર આવવાનું હતું..કોઇ ભાવિથી ક્યાં જાણકાર હોય છે ?

અંદરથી ફફડતી, જાત જોડે લડતી દામિની બહારથી ખુશ રહેવાના પ્રયાસ કરતી રહેતી. આખરે એ દિવસ આવીને ઉભો  જેની બધા આતુરતાથી રાહ જોતા હતાં. દામિનીને લેબરપેઈન ઉપડતાં જ એને તરત હોસ્પિટલ એડમીટ કરાઈ. એનો કેસ બહુ જ નાજુક – કોમ્પ્લીકેટેડ હતો.. સાચવીને એની ડિલીવરી કરાવવાની હતી. ડોકટરો પણ ટેન્શનમાં હતાં.  સિંગાપુરથી સ્પેશિયલ ડોકટરની ટીમ બોલાવી હતી એ લોકો પણ હથેળી મસળતા હતાં. મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવઝ અને બધા ડોકટરોએ એકબીજા સામે જોઈને નજરથી જ ‘ઓલ ધ બેસ્ટ’ કહીને પોતાનું કામ ચાલુ કર્યું.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આખરે દામિનીની ડિલીવરી સારી રીતે થઈ શકી. ડોકટરોના મોઢા પર હર્ષની, સફળતાની લાલિમા છવાઈ ગઈ.ગ્લોવઝ કાઢી એક હાથે કપાળ પર ઝામેલી બૂંદો સાફ કરતા કરતા એકબીજાને ભેટીને કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા લાગ્યાં. દામિની …એના મગજમાં છેલ્લા આઠ આઠ મહિનાથી ઘુમતો ભય શબ્દોના આકારે એના મોઢામાંથી બહાર નીકળ્યો…

“ડોકટર..શું છે..બાબો કે બેબી..?’

‘અરે દીકરો છે બેન દીકરો..અને એ પણ એકદમ  તંદુરસ્ત..તમતમારે કોઇ જ ચિંતા ના કરતા. શાંતિથી આરામ કરો..!’

“ડોકટર..મારે એ સંતાન નથી જોઈતું..’

‘શું..! શું બોલો છો તમે..?’

એકદમ જ દામિનીનો પોતાની જાત પરનો કંટ્રોલ જતો રહ્યો.. એનામાં હિસ્ટીરીયાના લક્ષણો દેખાવા લાગ્યાં..

‘ડોકટર..મને બાળક તરીકે દીકરો નથી જોઇતો..કાલે ઉઠીને એનામાં કોઇ રાક્ષસ પ્રવેશે અને એ પણ..ના…ના…મારે એ સંતાન નથી જોઇતું..એને મારી કાઢો..ફેંકી દો..જે કરવું હોય એ કરો..પણ મને દીકરો નથી જોઇતો…’

‘બેન..રીલેક્ષ થાઓ..પ્લીઝ..’

દામિનીએ એના હાથમાંથી ગ્લુકોઝની બોટલની સોય કાઢી નાંખી અને એકદમ જ ઉભી થઈ ગઈ…અશક્તિના કારણે એ ત્યાં જ્મીન પર જ ફસડાઈ પડી. ડોકટરોએ  એને ઘેનનું ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કર્યો પણ એણે કોઇને મચક ના આપી. લગભગ બે કલાકની જહેમત પછી ડોકટરોએ વિવેકના હાથમાં એનો નવજાત બાળક સોંપવાની સાથે જ સમાચાર આપ્યાં કે,

‘દામિની એનું માનસિક સંતુલન ખોઇ બેઠી છે, એટલે  હવે તમારે માથે બે વ્યક્તિને સાચવવાની જવાબદારી આવી ગઈ’

વિવેકથી નહતું હસી શકાતું કે નહતું રડી શકાતું. આવી ખબર હોત તો પોતે સંતાનની ઇચ્છા જ ના રાખત !

દામિનીના ગુનેગારો હજુ  એમની સજાના ચુકાદાની રાહ જોતા જોતા જેલમાં પત્તા રમતાં હતાં !!

 

આ તો કાલ્પનિક ચિત્રની વાત થઈ પણ સત્યઘટનાઓના ઉલ્લેખ કરું તો..આ ઘટના પછી રોજબરોજના સમાચારમાં ચાલુ બસમાં રેપ કરવાના સમાચાર નજરે વધારે ચડવા લાગ્યા. લોકોને જાણે મનોરંજનનો એક નવો રસ્તો સૂઝી ગયો. આ કઈ કક્ષાનું અધઃપતન !

બળાત્કાર શબ્દ્નો અર્થ જ ‘કોઈક વ્યક્તિની પાસે તેની મરજીથી વિરુદ્ધ બળપૂર્વક પોતાનું ધારેલું કરાવવું’ એવો થાય છે તો સૌ પ્રથમ તો સ્ત્રીઓએ પોતાની મરજી વગરની થતી આ ક્રિયામાં પોતાની જાતને સહેજ પણ દોષી માન્યા વગર જીવવાની હિંમત કેળવવાની જરુર છે. પોતાની ઇજ્જત એ કોઇના લૂંટ્યે લૂંટાઇ જાય એવી ‘ફટકિયા મોતી’ જેવી જણસ નથી. એ બધું તો  રંગરેલિયા મનાવતી, મોજશોખ માટે લાજશરમ નેવે મૂકીને જીવતી પાર્ટનરો બદલતી પ્રજાને મુબારક. કમનસીબે એમને ‘ઇજ્જત’ નામના શબ્દની કોઇ સમજ જ નથી. સમાજે દયા ખાવી હોય તો એવા સ્વચ્છંદી લોકોની ખાવા જેવી છે, એમને ટકોરવા કે વખોડવા જેવા છે..બાકી સીધી સાદી પોતાના કુટુંબના બે છેડા ભેગા કરવા માટે પ્રામાણિકતાથી તનતોડ મહેનત કરતી,કોઇને કનડ્યા વગર પોતાના કામ સાથે કામ રાખીને જીવતી પ્રજા સાથે આવો અકસ્માત થતા ‘ઇજ્જત લૂંટાઈ ગયા’નો કક્કો ઘૂંટીને એને ટોર્ચર કરવાથી શું મતલબ સરવાના…? 

આજની સ્ત્રીએ પોતે પોતાની જાતને આ માનસિકતામાંથી બહાર કાઢવાની છે કે જે થયું એમાં એનો કોઇ જ વાંક નથી કે કોઇ એનું કંઈ  જ લૂંટી શક્યું નથી. પોતે હજુ પણ પહેલાં જેવી જ છે..કોઇ જ ગિલ્ટી ફીલ કરવાની જરુર નથી. એની ઇજ્જત લૂંટાતી બચાવવામાં નાકામયાબ રહેલ કાયદાએ પ્રાયશ્ચિતરુપે એને ગિલ્ટી ફીલ કરાવનાર સામે  સજ્જડ પગલાં લઈને સપોર્ટ કરવો જોઇએ જેથી એ છોકરી માનભેર જીવી શકે..જોકે ફરીથી આવી કોઇ ‘દામિની ઘટના’ ના બને એના માટે સ્ત્રીઓએ પોતે પણ શારિરીક રીતે સજ્જ થતા શીખવું જ રહ્યું. પુરુષોના આધારે જીવશો તો એ લોકો હવામાં જ ઉડવાના..એમના વગર તમે શૂન્ય છો એવું જ ફીલ કરાવતા રહેવાના…એ શૂન્યતામાંથી સ્ત્રીઓએ બહાર આવવાનો સંઘર્ષ કરતી રહી છે અને કરવો જ રહ્યો…આપણી જ ઇજ્જત આપણે ભીખરુપે તો ના જ માંગી શકીએ ને..? એ તો લડીને છીનવી લેવાની હોય..આ લડાઈ સીતા – દ્રૌપદીના સમયથી ચાલતી આવી છે..ત્યારથી અત્યાર સુધીમાં સમાજમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે, પણ બધા કીડીપગી સુધારા છે. સ્ત્રીઓએ હવે એ ‘કીડીપગી’ સુધારાઓને ‘હરણફાળ’ કઈ રીતે ભરાવવી એ વિચારવાનું છે. એમાં કોઇ પુરુષના સહયોગની ( ઇવન કોઇ જ સ્ત્રીની પણ જરુર નથી) એમની ‘વોચમેન મેન્ટાલીટી’ને સ્વીકારવાને બદલે પોતાનો આત્મવિશ્વાસ વધારતા શીખવાનું છે, ખુદ્દાર અને સ્વતંત્ર બનતા શીખવાનું છે. પોતાની રક્ષા આપણે જાતે કરી શકીએ એનાથી વધારે રુડું અને મહત્વનું બીજું કશું નથી દોસ્તો.

બાકી દુનિયા તો એની એ જ છે..બોલ્યા કરે..નવા નવા બંધનો ઠોક્યા કરે..દુનિયા છે ચાલ્યા કરશે..એમાંથી આપણો ચીલો આપણે ચાતરવાનો છે ને માનભેર, હિંમતપૂર્વક જીવવાનું છે. કારણ..દામિનીઓ મરી ગયા પછી કોઇ કશું પણ કરે તો મતલબ વગરનું જ લાગે છે…એ બધાથી મરેલી દામિની જીવંત થોડી થઈ જવાની ?

સમાજમાં બીજી કોઇ દામિની સાથે આવું ના બને એવી કામના..!

-સ્નેહા પટેલ

સુપર પરવરીશ.


foolchhab paper > navrash ni pal column > 06-03-2012

મૈં કિતના હી તાલાબમેં ક્યોં ન ખડા રહું,

પર યે કૈસે ભૂલ જાઉં મૈં મૈં હું-કંવલ નહી !

– રમેશ પારેખ.

પ્રાર્થના એક આધુનિક માતા. એમાં પણ અભિદ્યુ એનો એકનો એક દીકરો એટલે એ આખો દિવસ એની પાછળ પાછળ જ લાગેલી રહેતી. એની જીંદગીમાં જેટલું પણ જ્ઞાન મેળવેલું, જેટલી સ્માર્ટનેસ હતી એ બધું રેડીને એ પોતાના ચાઈલ્ડને ‘સુપરચાઈલ્ડ’ બનાવવાનો પ્રયત્ન કરતી.એના પ્રયાસો બધે જ પ્રશંસનીય બની રહેતા.

ધીરે ધીરે અભિદ્યુ મોટો થતો ચાલ્યો. મા નો લાડલો ટીનેજરી થઈ ગયો. મૂછનો ઝીણો ઝીણો દોરો ફૂટવા લાગ્યો. એ સાથે એના અંતઃમનમાં બીજું બધું પણ બહુ ફૂટતું જતું હતું. પ્રાર્થના હજુ પણ પોતાની સ્માર્ટનેસને અપડેટ કરી કરીને પોતાના લાડલાની શારિરીક, માનસિક બધી જરુરિયાતો પૂરી કરવાના પ્રયત્નોમાં વ્યસ્ત હતી. આજકાલની પેઢી બહુ જ સમજદાર છે. આજના ઘોર હરિફાઈના જમાનામાં એ પોતાની ક્ષમતા અને પોતાની ખામીઓથી સારી રીતે વાકેફ થતો જતા હોય છે એમાં અધકચરું જ્ઞાન પણ આવી જાય. માહિતીના વિસ્ફોટના જમાનામાં, ટીવી -મોબાઈલ -નેટ જેવી ટેકનોલોજી હાથવગી – આંગળીઓના ટેરવાવગી હોય છે.

અભિદ્યુ પણ આ બધાને કારણે અનેકો વિકલ્પોમાં ઘેરાયેલો રહેતો પણ પોતાનો એક ગોલ નક્કી નહતો કરી શકતો. એને ખબર હતી કે એને આગળ જતા આ દુનિયાને કઈક અલગ જ કરી બતાવવું પડશે તો જ એના જીવનનો કોઇ મતલબ સરશે. સતત દુનિયા સાથેની દોડમાં એ ક્યાંક પાછળ ના પડી જાય એ પ્રયત્નોમાં એનામાં એક જાતનું ડીપ્રેશન ઘર કરતું ચાલેલું.એ સાથે એની ટીનેજરી અવસ્થામાં એને વિજાતીય પાત્રોનું આકર્ષણ પણ સતત રહેતું. એની ઉંમરના મિત્રો પણ આખો દિવસ એવી બધી જ વાતોમાં વ્યસ્ત રહેતા. અભિદ્યુ પોતાની જાતને બહુ મહેનત કરી કરીને એ બધામાંથી પાછો ખેંચી લાવતો પણ એમાં એ આખે આખો નીચોવાઈ જતો..ખેંચાઈ જતો. પરિણામે ધીમે ધીમે એ ડલ થતો ચાલ્યો.

પ્રાર્થના પોતાના લાડલાની માનસિક સ્થિતીથી સાવ જ અનભિજ્ઞ હતી. એ તો પોતાની રીતે પોતાના દીકરાને સારામાં સારો ખોરાક, હેલ્થી કૌટુંબિક વાતાવરણ, પ્રેમ અને ઉંચામાં ઉંચી કક્ષાનું શિક્ષણ આપતી હતી અને એના સોનેરી ભવિષ્યના સપના જોતી હતી. પણ જ્યારે અભિદ્યુની માર્કશીટ ઉત્તરોઉત્તર બગડતી ચાલી ત્યારે એ ચિંતાથી ઘેરાઈ ગઈ.

આટલા વર્ષોમાં બધી એક્ટીવીટી સાથે ભણવામાં પણ નંબર વન રહેતો એનો દીકરો સાવ જ આમ છેલ્લી કક્ષાનું પરિણામ લાવે એ કેમનું ચાલે? રાતે એણે પોતાના પતિ પરમ સાથે આ વાત છેડી. પરમને પ્રાર્થના પર પૂરો વિશ્વાસ હતો એટલે એ અભિદ્યુની બાબતમાં બહુ મગજમારી ના કરતો. પણ દરેક વ્યક્તિના જીવનમાં એક સ્ટેજ તો એવું આવે જ છે કે એ વખતે એ પોતાના સ્વજનો કરતાં પોતાના મિત્રવર્તુળ પર વધુ વિશ્વાસ મૂકે, મા બાપને બધું ના કહી શકે પણ એની ઉંમરના મિત્રો જોડે ચર્ચા કરીને પોતાના રસ્તા શોધવાના પ્રયત્નો કરે. ટીનેજરી અભિદ્યુ એ તબક્કામાંથી પસાર થઈ રહેલો એ વાત એના ધ્યાનમાં તરત આવી ગઈ. એણે પ્રાર્થનાને કહ્યું,

‘પ્રાર્થુ, આપણે અભિદ્યુની સ્કુલમાં જઈને એના ટીચર્સને મળીએ, એમના કાઉન્સેલરોને મળીએ તો કદાચ આપણને કોઇ રસ્તો સૂઝે પણ ખરો..’

અને પ્રાર્થના વિફરી,

‘અરે, મારો દિકરો એકદમ હેલ્ધી છે એને વળી કાઉન્સેલિંગની શુ જરુર પડવાની ? મેં એને પાળીપોસીને મોટો કર્યો છે. મને મારા ઉછેર પર પૂરતો વિશ્વાસ છે, એવા કાઉન્સેલર – ફાઉન્સેલરો વળી એક દીકરાને એની મા થી વધુ થોડા જાણી શકવાના.. તમે સાંભળ્યું નથી કે ‘એક મા સો શિક્ષકોની ગરજ સારે’ એને અપડેટ કરો તો ‘એક મા આવા હજારો કાઉન્સેલરીયાઓની ગરજ સારે’ એમ હોય છે. આ તો બધા એમના પૈસા કમાવાના ત્રાગા છે. તમે વળી ક્યાંથી આવા ચક્કરોમાં પડવા લાગ્યા ?’

‘પ્રાર્થુ, આજના ઈ-યુગમાં કાઉન્સેલરોનો રોલ બહુ જ મહત્વનો છે. થોડું મોટું મન રાખી એની અગત્યતા સ્વીકાર. કોઇ પણ મા – બાપને પોતાના દીકરાની ખામી ના દેખાય. અભિદ્યુ જે વાતો આપણી સાથે શૅર ના કરી શકતો હોય એ વાતો એ કાઉન્સેલરો બહુ જ હળ્વેકથી અને પ્રેમપૂર્વક કઢાવી શકે છે, એની ઇચ્છાઓ સારી રીતે જાણી શકે છે એની ક્ષમતા મુજબ માર્ગદર્શન આપી શકે છે..એક પ્રયત્ન કરવામાં તને શું વાંધો છે.’

થોડું વિચાર્યા પછી પ્રાર્થના એ વાત માટે તૈયાર થઈ અને સ્કુલ કાઉન્સેલરનો સંપર્ક કર્યો. સાઇકોલોજીમાં માસ્ટર ડીગ્રી ધરાવનાર કાઉન્સેલરે બહુ જ સાવચેતીથી અભિદ્યુની તકલીફોને સમજી અને ધીમે ધીમે એના એક પછી એક માનસિક પ્રશ્નોનું નિરાકરણ લાવી આપ્યું. પરિણામે અભિદ્યુ એક સ્વસ્થ અને તેજસ્વી વિદ્યાર્થી બની ગયો.

અને પ્રાર્થના વિચારતી હતી કે પોતાના જેવી કેટલી મા હશે આ દુનિયામાં જે પોતાને સુપરમોમ અને કાઉન્સેલિંગને એક નક્કામી પ્રક્રિયા ગણીને,  માનસિક રોગ ગણીને નાછૂટકે જ લેવી પડતી મદદ સમજીને, પોતાની ‘સુપરપરવરીશ’ના ઘમંડમાં  પોતાના  તેજસ્વી સંતાનોનું ભાવિ જોખમમાં મૂકતી હશે..?

 

અનબીટેબલ ઃ દરેક સમયની એક અલગ માંગ હોય છે. જમાના સાથે કદમ મિલાવવા એનો સ્વીકાર કરવો જ પડે છે.

સોરી..


તું જે પણ માંગે એ બધું
બહુ જ પ્રેમથી આપ્યું જા..
પણ
રોજ રોજ
જેને લાખોની સંખ્યામાં
નાજુક કૂંપળૉ ફૂટે છે
દિલની ધડકનોના તાલે
એની પર મઘમઘતા ફૂલોના ખીલવાની
આતુરતાપૂર્વક રાહ જોવાય છે
એ મારા કોડીલા
સપના તારા નામે કઈ રીતે કરું..!
-સ્નેહા પટેલ

unbetable – 37


મારા અઢળક સપનાઓમાં મારી આવડત, મહેનત અને ધીરજ ઉમેરીને હું જે  પામવા લાયક બની શકુ એટલી મારી મહત્વાકાંક્ષા !
-સ્નેહા પટેલ

ડે આફટર વેલેન્ટાઈન ડે – t.it.easy-32


 

 

 

Snap1

 

 

http://gujaratguardian.in/E-Paper/03-03-2013Suppliment/index.html

 gujarat guardian paper > take it easy > 3-03-2013

ગયા સપ્તાહે ‘મૈં હું પ્રેમરોગી’ વિષય પર વાત કરી. પહેલાં જ કહ્યું એમ એના પર લખવા માટે તો જન્મોજન્મ ઓછા પડે. આ તો આપણે આપણા ગજા મુજબ એમાં ‘સમંદર મેં દો બૂંદ પાની’ની જેમ આપણો ફાળો નોંધાવી દેવાનો અણિશુધ્ધ પ્રામાણિક – તટસ્થ હેતુ !

આ લેખ લખતી હતી ત્યારે મારી જાણમાં એક નવી માહિતી આવી કે ૨૦૧૩, ફેબ્રુઆરીના માસમાં વેલેન્ટાઈન વીકના દિવસોમાં વધારો કરાયો છે અને એનું સેલિબ્રેશન ૧૪મી ફેબ્રુઆરીના રોજ ખતમ થવાને બદલે ૨૧મી ફેબ્રુઆરીના રોજ પૂરું થશે. હવે આ સાત સાત દિવસોમાં એવું તો શું રહી ગયું કે આપણા મોર્ડન પ્રેમીપંખીડાઓએ બીજા એક વીકનું એક્સ્ટેન્શન કરાવ્યું ! સમાચાર ધ્યાનથી જોતા આ લવરમૂછિયાઓની પ્રેમને સમજવાની શક્તિ પર માન થઈ ગયું. કેટલી જલ્દી એ લોકો કારમી વાસ્તવિકતા સ્વીકારી શકે છે એના નમૂનારુપે પંદરમી ફેબ્રુઆરીનો દિવસ ‘સ્લેપ ડે’ તરીકે જાહેર કરાયેલો. આખા વીક દરમ્યાન છોકરીઓ એમને ગમતી કે કલ્પના કરેલી હોય એ મુજબ ગિફ્ટ ના મળી હોય તો આ દિવસે પોતાના મનની બધી ભડાસ કાઢી શકે એવો આશય હોઇ શકે. સોળમી એ ‘કિક ડે’…મતલબ કે ‘લાફો’ ખાધા પછી પણ ‘લાલો’ પોતાની ભૂલસુધારણા કરવા માટે જોઇતા નાણા ભેગા કરીને એ ભૂલ પર મોંઘેરી ગિફ્ટનું ડસ્ટર ના ફેરવી શક્યો હોય તો બીજા દિવસે પ્રિયતમાના સેંડલની…રામ રામ રામ..એ પછી પરફ્યુમ ડે, ફલર્ટિંગ ડે (!) એક બીજાની ગર્લ ફેન્ડ એક દિવસ એક્સચેન્જ કરી લેવાનો મહાપ્લાન પણ હોઇ શકે..આ તો જ્યાં ના પહોંચે કવિ કે લેખક ત્યાં પહોંચે આજનો પ્રેમીવર્ગ…કેફેશન ડે, મિસિંગ ડે અને છેલ્લે બ્રેકઅપ ડે..! અલ્યા..આ તે જાણે ૧૪ દિવસનો ઘરઘત્તા નો ફેસ્ટીવલ ઉજવવાનો હોય એવી વાત થઈ. આ પ્રેમ નામના અઘરા તત્વને હજુ તો આપણે પૂરેપૂરું ઓળખી નથી શકતા ત્યાં આ જુવાનિયાઓ તો બ્રેકઅપ કરીને બાય બાય ‘ઇશ્કવાલા લવ’ કહી દે છે.

નેટ ઉપર હમણાં એક હરતું ફરતું રસપ્રદ ફોર્મ નજરે ચડેલું. જેમાં ગર્લફ્રેન્ડ બનવા માટેનું ફોર્મ નામના મેઈન ટાઈટલ નીચે સબટાઈટલ હતું કે ‘બિનઅનુભવીને પ્રથમ પસંદગી’. પછી નામ-સરનામું અને ફોન નંબરની માંગણી કરેલી, જેમાં લેન્ડલાઈન નંબર લખવાની તો ધરાર મનાઇ જ હતી. એ પછી ઇમેઈલ આઈડી, ફેસબુક -ટવીટર આઈડીની માહિતી દ્વારા ઇ-યુગની પ્રાથમિક જરુરિયાત સંતોષવાની ઇચ્છા જાહેર કરાયેલી. એ પછી છોકરીની રસપ્રદ ક્વોલિફીકેશનની ડીટેઈલ્સ માંગી હતી. જેમાં એની ઉંચાઈ (સેન્ડલની હીલ વગરની) અને ઉંમર (સાચેસાચી)ની વિગતો માંગેલી. છોકરીના રુપરંગ વિશે ઝાઝી માહિતી લેવામાં કોઇ રસ લીધો હોય એવું દેખાતું નહતું..કેમ..? એ પછી આજકાલની અતિપ્રામાણિક પેઢીએ ખુલ્લે આમ એમના બોયફ્રેન્ડની સંખ્યા પૂછી લીધેલી અને બેથી વધુ બોયફ્રેન્ડ હોય તો ‘સોરી’ તમારી અરજી રદ કરાશે એમ ચોખ્ખે ચોખ્ખું કહી દેવાયેલું. પહેલાં પરણતી વેળા લોકો આપણે બે અને આપણા બે..બે બસ..આવી ભાવના ધરાવતા હતા જ્યારે આજે એ જ ભાવના થોડી મોડીફાઈ થઈ ગયેલી લાગી…તારા બે બોય ફ્રેન્ડ ને મારી બે ગર્લફ્રેન્ડ એટલે બસ ! એ પછીનો મુદ્દો વાંચતા મને છોકરીનો આગળનો રુપરંગ વાળો મુદ્દો કેમ અતિગૌણ બની ગયેલો એ તરત જ સમજાઈ ગયું. આ મુદ્દામાં છોકરીના પિતાની મિલકત, મહિનાના હોટલના બિલો, ભાઈઓ અને પિતાજીના ફોટા, ફ્રેડલિસ્ટની પૂરેપૂરી નામ -સરનામા-મોબાઈલ નંબર સાથેની માહિતી, મહિનાની પોકેટમનીની વિગત અને ઘરના બધા કમાતા સદસ્યોની ભેગી કરીને થતી વાર્ષિક આવકનો આંકડો – આ બધી વિગતો બિડાણ કરવાની હતી. ધન્ય ધન્ય એમની દૂરંદેશીને..! એકચ્યુઅલી આ થકી હું પણ પ્રેમ અને લગ્નનો એક નવો મતલબ સમજી શકી. હવે આટલી બધી એકસરસાઈઝ કર્યા પછી પ્રેમકહાનીઓના પરિણામોની શક્યતા શું હોઇ શકે?

પહેલાં તબક્કે જો પ્રિયપાત્રની પ્રાપ્તિ થાય તો બે શક્યતાઓ એની પાછળ છે. બાળવાર્તામાં  સાંભળતા આવ્યાં છીએ એમ’ હેય ને રાજા ને રાણીએ ખાધું પીધું ને રાજ કર્યું’ જેવી અવસ્થાનો અનુભવ થાય અથવા તો પરણ્યા પછી બે ય ને ધ્યાન આવે કે ઓત્તેરી, જગતની સૌથી સુંદર, અદભુત દેખાતી વ્યક્તિ તો આખરે બીજા બધા સામાન્ય માનવીઓની જેમ હાડચામના મનુશ્ય જેવી જ સામાન્ય અથવા તો એનાથી ય ઉતરતી કક્ષાની નીકળી.   બધું ય ખવડાવેલું પીવડાવેલું  ગિફ્ટેલું વ્યર્થ – બે બે ગર્લ-બોય ફ્રેન્ડના મહાન સેક્રીફાઈસ પછી પણ આપણે તો નસીબના ફૂટલાં જ રહ્યાં. ત્યારે ખાધુ – પીધું અને નારાજ થયાં જેવી અવસ્થાનો ઉદભવ થાય.

 

પ્રિયપાત્રની પ્રાપ્તિ ના થાય તો શું ? એ પછી પાછી બે પ્રકારની લાગણી ઉદભવી શકે. પ્રેમીને લાગે કે ક્યારેય પ્રેમ ના કર્યો હોય એના કરતાં પ્રેમ કરવો અને પછી ગુમાવવો એ વધારે સારી સ્થિતી. પ્રેમનો લાડું ખાઈ તો લેવો જ જોઇએ એક વાર…હજમ થશે કે નહી એ પછી જોયું જશે. પ્યાર કિયા કોઇ ચોરી નહી કી…જે થાય એ એક વાર પ્રેમ તો કરવો જ રહ્યો ..ભલે એણે મને પ્રેમ ના કર્યો  મેં તો હૈયાફાટ પ્રેમ કરી લીધો. જ્યારે બીજી સ્થિતી મુજબ પ્રેમ કરવો અને પછી ગુમાવવું એ ક્યારેય ના ગુમાવ્યાં કરતાં સારું મતલબ ગુમાવવું એ મેળવવા કરતાં સારો અનુભવ રહ્યો. આમે એનું ને મારું ગાડું કંઈ બહુ લાંબુ ચાલે એમ નહતું. એ જતી રહી કે રહ્યો તો પણ પ્રણય પામ્યાનો આનંદ તો સિલકમાં રહી જ ગયોને.

 

બહુ સંવેદનશીલ પ્રેમીઓના કેસમાં હજુ એક શક્યતા વર્ષો વર્ષથી કોઇ જ ફેરફાર વિના એ ના એ જ ફોર્મેટમાં ચાલી આવી છે એ આત્મહત્યાની પણ છે.યશરાજ ચોપ્રાની હીન્દી રોમાંટીક મૂવી અને ટીવી સિરીઅલો જોવાનો શોખ ધરાવતા ઋજુ હ્રદયના પ્રેમીઓ આ વર્ગમાં આવે છે. જોકે મને પર્સનલી આ માર્ગ સહેજ પણ પસંદ નથી એટલે હું એની પ્રખર વિરોધી છું. કારણ..આત્મહત્યા કર્યા પછી તો કશું જ કરવાની શક્યતા નથી રહેતી…બીજીવાર આત્મહત્યા કરવાની પણ નહીં. આવી ‘ડેડએન્ડ’ વાળી શકયતાઓ દુનિયામાંથી કાયમ ‘ડેડ’ થઈ જાય એવી ઇચ્છા ધરાવું છું.

 

ટૂંકમાં કહીએ તો પ્રેમ એ મને અછબડા જેવો રોગ લાગે છે જે દરેક મનુષ્યને એક વાર તો થાય થાય ને થાય જ…કોઇ ગમે એટલા પ્રયત્નો કરે એની મીઠી – શાર્પ નજરમાંથી છટકી નથી શકતું.જેટલા જલ્દી અછબડા નીકળી જાય એટલુ વધુ સારું એ જ રીતે પ્રેમ પણ બને એટલો નાની ઉંમરમાં થઈ જાય તો સારું..દિલ તૂટવાના દર્દ એ સમયે જલ્દી સહન થઈ જાય બીજું કોઇ ખાસ કારણ નહીં.

તો મહાન પ્રેમના અગાધ જ્ઞાનસાગરમાં મારી બે બૂંદોનું યથાશક્તિ જ્ઞાન પીરસ્યાના સંતોષ સહ હવે અહીં આ લેખ પૂર્ણ કરું છું. આશા છે કે કોઇ’ક ક્યારેક ક્યાંક તો કામ આવશે જ !

 

-સ્નેહા પટેલ