ધારવાની તાકાત નથી એમ છ્તાં ધારો કે…
અત્યારે આખા દેશની જીભે જે છોકરીનું નામ સૌથી વધારે બોલાય છે એ નામ કયું ? દસ વર્ષના બાળકને પૂછીએ તો પણ એના મોઢેથી એક ત્વરિત જવાબ મળી જાય -દામિની.
દિલ્હીની છ – છ રેપીસ્ટ દ્વારા જેના પર બર્બરતાપૂર્વક બળાત્કાર થયો અને જાનવરને પણ શરમાવે એવી હરકતો દ્વારા ઇજાઓ પામીને મોત સામે હિંમતપૂર્વક અડધા મહિના જેવું ઝઝૂમીને જીવ ગુમાવનારી બાવીસ- ત્રેવીસ વર્ષની નિર્દોષ યુવતી.
ધારોકે… એનો જીવ બચી ગયો હોત અને આંતરડા વગર જીવવાની અઘરી સજા ભોગવવાનું એના શિરે આવ્યું હોત તો શું થાત..?
કલ્પના કરીએ કે આપણા સમાજે બહુ પ્રગતિ કરી છે અને દામિની સાથે સન્માનપૂર્વક એક સામાન્ય છોકરી જેવું વર્તન જ કરે છે ..!! તો ભાવિના પિકચરનો એક રંગ આવો પણ હોઇ શકે.
‘દામિની…આ તારા માટે આખા દેશમાંથી દરેક જાતિના યુવાનો તરફથી સન્માનપૂર્વક માંગા આવે છે, ક્યાં સુધી આમ એ ઘટનાને મનસપટલ પર રાખીને જીવીશ ? તારો મિત્ર હતો એ તો તારી પાછળ ભૂખ હડતાળ કરીને તને ન્યાય અપાવવા મોતને ભેટ્યો નહીંતર આપણે એની સાથે જ તને પરણાવત. ક્યાં સુધી તું તારા ગુનેગારોને સજા થાય એની રાહ જોયા કરીશ ? મારું ચાલે તો એ બધાને તારી સામે લાવીને મૂકી દઊં ને કહું લે..આ રહ્યાં તારા આરોપી..તારે જે સજા કરવી હોય એ કર. પણ હું એક સામાન્ય માણસ…મા ભગવાનની સમકક્ષ ગણાય પણ એમ માની લેવાથી એ સુપરપાવર ધરાવતી ભગવાન થોડી બની જાય છે..જીદ્દ મૂકી દે અને હવે આમાંથી કોઇ એક યુવાનને પસંદ કરીને નવું જીવન સ્ટાર્ટ કર દીકરા…જીવનને એક બીજી તક આપ..’
દામિનીના મમ્મીનું મોઢું આટલું બોલતા બોલતા તો સાવ રડમસ થઈ ગયું.
દામિની…ખુલ્લી આંખે છ્ત પર કંઈક શોધ્યા કરતી હતી..આંખ છ્ત પર હતી પણ નજર – મગજ બધે શૂન્યાવકાશનું તીવ્ર વાવાઝોડું ફેલાઈ રહ્યું હતું. થોડી થોડી વારે એ શૂન્યાવકાશ આંખોમાંથી વહી જતો હતો. શિયાળાની ઠંડીમાં એના સૂક્કા ગાલ પર એના રેલા લૂછવાની એને કોઇ દરકાર નહતી…ગાલ પર એ રેલાનું જાળું બનતું જતું હતું. મમ્મી -પપ્પાની કોઇ પણ વાતનો કંઇ જ જવાબ નહતી આપતી.કદાચ આપવાને સમર્થ જ નહતી.એમના વાક્યો કાનમાં રેડાતા હતા પણ મગજ સુધી પહોંચતા જ નહતા. થોડો સમય આમનું આમ ચાલ્યું. દામિનીના શોકનું વાતાવરણ થોડું હળ્વું થતું હતું. નિર્ણય લેવાની તાકાત આવતા એણે મક્કમતાપૂર્વક વિ્ચાર્યુ કે મમ્મી પપ્પા જે વિચારશે એ મારા હિતમાં જ હશે…અને હિત ના થાય તો પણ આનાથી મોટું અહિત તો હવે મારી સાથે શું થવાનું..? એમની ખુશી માટે પણ મારે પરણી જવું જોઇએ. છેવટે એક સારા ધરના સંસ્કારી યુવક નામે ‘વિવેક’ પર એણે પસંદગીનો કળશ ઢોળ્યો. આજના જમાનામાં એના જેવી યુવતીને આવા ‘કળશ’ મળી રહે છે એ વિચારીને પણ એનું માનસિક દુઃખ થોડું હળ્વું થયું. લોકો એને કોઇ પાપી –અસ્પ્રુશ્ય ની જેમ નહી પણ સહાનુભૂતિ અને સન્માનપૂર્વક જોતા હતા. સમાજ ઘણો બદલાઇ રહયો છે..મારા અપરાધીઓને પણ એમના દુશ્ક્રુત્યની સજા ચોકકસ અપાશે જ.
રંગે ચંગે દામિનીને વિવેક સાથે પરણાવામાં આવી. એના લગ્નનું ટેલીવીઝન પર આખા દેશમાં લાઈવ ટેલીકાસ્ટ રજૂ થયું. ચારેબાજુથી એના લગ્નજીવનની શુભેચ્છાઓના ઢગલા થવા લાગ્યા.દામિનીના સાસરિયામાં પણ એને પૂરતી ઇજ્જત અને માન સન્માન મળતું હતું. કોઇ ભૂલથી પણ એને એના ભૂતકાળને લઈને એક અક્ષર બોલતું નહતું..દામિની એના આઘાતમાંથી ખાસી એવી બહાર આવવા લાગી હતી. પરણી તો ગઈ પણ જ્યારે વિવેક સાથે નિકટતાના પતિ પત્નીના અંતરંગ પ્રસંગો આવતા ત્યારે દામિનીના મગજમાં છ ચહેરા એકબીજામાં ભળી જતાં અને તાંડવ નૃત્ય રમતાં. એના લમણાંની નસો ફૂલી જતી..લાગતું કે આ નિકટતાના પ્રસંગો હમણાં એનો જીવ લઈ લેશે..પણ વિવેકની લાગણી અને પ્રેમને કારણે આ વિશે એક હરફ ઉચ્ચારવાનું પણ મન નહોતું થતું.
લગ્નજીવનના વર્ષાંતે એને સારા દિવસો રહ્યાંના સમાચાર મળ્યાં.દામિનીના મગજમાં કોઇ દ્વંદયુધ્ધ ચાલવા માંડ્યું. જેની એના સિવાય કોઇને ખબર નહતી. એ યુધ્ધનું પરિણામ પણ ભવિષ્યમાં ભયંકર આવવાનું હતું..કોઇ ભાવિથી ક્યાં જાણકાર હોય છે ?
અંદરથી ફફડતી, જાત જોડે લડતી દામિની બહારથી ખુશ રહેવાના પ્રયાસ કરતી રહેતી. આખરે એ દિવસ આવીને ઉભો જેની બધા આતુરતાથી રાહ જોતા હતાં. દામિનીને લેબરપેઈન ઉપડતાં જ એને તરત હોસ્પિટલ એડમીટ કરાઈ. એનો કેસ બહુ જ નાજુક – કોમ્પ્લીકેટેડ હતો.. સાચવીને એની ડિલીવરી કરાવવાની હતી. ડોકટરો પણ ટેન્શનમાં હતાં. સિંગાપુરથી સ્પેશિયલ ડોકટરની ટીમ બોલાવી હતી એ લોકો પણ હથેળી મસળતા હતાં. મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવઝ અને બધા ડોકટરોએ એકબીજા સામે જોઈને નજરથી જ ‘ઓલ ધ બેસ્ટ’ કહીને પોતાનું કામ ચાલુ કર્યું.
પાંચ કલાકની ભારે જહેમત બાદ આખરે દામિનીની ડિલીવરી સારી રીતે થઈ શકી. ડોકટરોના મોઢા પર હર્ષની, સફળતાની લાલિમા છવાઈ ગઈ.ગ્લોવઝ કાઢી એક હાથે કપાળ પર ઝામેલી બૂંદો સાફ કરતા કરતા એકબીજાને ભેટીને કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા લાગ્યાં. દામિની …એના મગજમાં છેલ્લા આઠ આઠ મહિનાથી ઘુમતો ભય શબ્દોના આકારે એના મોઢામાંથી બહાર નીકળ્યો…
“ડોકટર..શું છે..બાબો કે બેબી..?’
‘અરે દીકરો છે બેન દીકરો..અને એ પણ એકદમ તંદુરસ્ત..તમતમારે કોઇ જ ચિંતા ના કરતા. શાંતિથી આરામ કરો..!’
“ડોકટર..મારે એ સંતાન નથી જોઈતું..’
‘શું..! શું બોલો છો તમે..?’
એકદમ જ દામિનીનો પોતાની જાત પરનો કંટ્રોલ જતો રહ્યો.. એનામાં હિસ્ટીરીયાના લક્ષણો દેખાવા લાગ્યાં..
‘ડોકટર..મને બાળક તરીકે દીકરો નથી જોઇતો..કાલે ઉઠીને એનામાં કોઇ રાક્ષસ પ્રવેશે અને એ પણ..ના…ના…મારે એ સંતાન નથી જોઇતું..એને મારી કાઢો..ફેંકી દો..જે કરવું હોય એ કરો..પણ મને દીકરો નથી જોઇતો…’
‘બેન..રીલેક્ષ થાઓ..પ્લીઝ..’
દામિનીએ એના હાથમાંથી ગ્લુકોઝની બોટલની સોય કાઢી નાંખી અને એકદમ જ ઉભી થઈ ગઈ…અશક્તિના કારણે એ ત્યાં જ્મીન પર જ ફસડાઈ પડી. ડોકટરોએ એને ઘેનનું ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કર્યો પણ એણે કોઇને મચક ના આપી. લગભગ બે કલાકની જહેમત પછી ડોકટરોએ વિવેકના હાથમાં એનો નવજાત બાળક સોંપવાની સાથે જ સમાચાર આપ્યાં કે,
‘દામિની એનું માનસિક સંતુલન ખોઇ બેઠી છે, એટલે હવે તમારે માથે બે વ્યક્તિને સાચવવાની જવાબદારી આવી ગઈ’
વિવેકથી નહતું હસી શકાતું કે નહતું રડી શકાતું. આવી ખબર હોત તો પોતે સંતાનની ઇચ્છા જ ના રાખત !
દામિનીના ગુનેગારો હજુ એમની સજાના ચુકાદાની રાહ જોતા જોતા જેલમાં પત્તા રમતાં હતાં !!
-sneha patel.