આજનો ’ફ઼ૂલછાબ’છાપાની’નવરાશની પળ’ કોલમનો મારો લેખ..
‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ, એટલો જ સમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’
– બેરિયલ ફિજર
‘મનીષ, ફોન પર થોડી ધીમેથી વાત કરને બેટા, અને તમે પણ ટી.વી.નું વોલ્યુમ થોડું ઓછું રાખતા હો તો. બાજુના રૂમમાં પરમ ભણે છે એ વાતનો થોડો તો ખ્યાલ રાખો.’ અકળાયેલી મમતાએ સૌરવને, એના પતિને પણ ચિંતાયુકત અવાજે થોડો ઝાપટી કાઢ્યો. બાપ અને દીકરા એ એક બીજા સામે સૂચક રીતે ધીમું હાસ્ય કરીને પોત પોતાના ભાગનું ‘નોઇસ પોલ્યુશન’ ઓછું કર્યું.
પરમ.. મમતા અને સૌરવનો લાડકવાયો અને ભણવામાં તેજસ્વી છોકરો, બારમા ધોરણ, સાયન્સ પ્રવાહમાં ભણતો હતો. એને નાનપણથી ડોકટર બનવાની મહેચ્છા હતી.પોતાની મહેચ્છાને લઈને પરમ શાંત ચિત્તે, એક્ધ્યાનથી એડી ચોટીનું જોર લગાવીને મહેનત કરતો હતો. મમતાને પોતાના લાડકવાયાની બહુ ચિંતા રહેતી. એમાં ને એમાં નિયમિતપણે દવાઓ લેવા છતા એનું બ્લ્ડ પ્રેશર એને હાથતાળી આપતું ‘હાઈ’ રહેવા લાગેલું. પરિણામે સૌરવને દીકરા કરતા માની ચિંતા વધુ સતાવતી હતી.
સૌરવ એક પ્રેમાળ અને કાળજી રાખતો પિતા તેમજ પતિ હતો. ભણતી વેળાએ એ સતત પરમની નાની નાની વાતોનું ધ્યાન રાખતો. સમયાંતરે એની જરુરિયાત અનુસાર એને કોફી,જ્યુસ બનાવીને પીવડાવતો, એનો કોર્સ કૅટલો પત્યો, કેટલો બાકી છે, ક્યાંય કોઇ મૂંઝવણ તો નથી સતાવતી ને બધી વાતોથી સતત જાતને અપડેટ રાખતો. દીકરા માટે સારામાં સારા ટ્યુશન ક્લાસીસની જોગવાઈ પણ કરેલી. વળી તડકામાં દીકરાને ‘ટુ વ્હીલર’ પર ના આવવું પડે એટલે પોતાના ટાઈમટેબલોમાં થોડા ફેરફાર કરીને પણ એ ગાડીમાં પરમને લેવા મૂકવા જાતે જવાનો પૂરતો પ્રયત્ન કરતો. પંદરે’ક દિવસે આખુંય ફેમીલી એક દિવસની નાની શી પીકનીક પણ ઊજવી કાઢતું જેથી બધાય આ વાતાવરણમાંથી થોડો ચેન્જ અનુભવે અને રીચાર્જ થઈને બમણા ઉત્સાહથી પોત પોતાના કામ સ્વસ્થ ચિત્તે કરી શકે.જ્યારે મમતા ‘હાયવોય’ના ચકકરોમાં પરમની નકરી વાંઝણી ચિંતા કર્યા કરતી. પોતાના ટેન્શનિયા સ્વભાવના કારણે એ મનથી ઇચ્છવા છતાં તનથી કોઇ જ રીતે મદદરુપ થવાને અશક્તિમાન હતી. એ કશું જ મદદ ના કરી શકવાનો અપરાધભાવ એના અંતરમનમાં ઉથલપાથલ મચાવી દેતો.પરિણામે એ કાયમ અકળાયેલી અકળાયેલી રહેતી.
આ બધા ચકકરોમાં મમતાને આજે સાચે જ ચકકર આવી ગયા અને એ બેભાન થઈને ઢળી પડી. સૌરવે તરત ડોકટરને બોલાવ્યા. ડોકટરે હંમેશની જેમ જ એક વાક્ય કહ્યું,’ આમને ટેન્શનમાંથી બહાર કાઢો. નહિંતર કોક દિવસ મુશ્કેલીમાં મુકાઈ જશે.”
મમતાની આંખો ખૂલી ત્યારે સૌરવ એની બાજુમાં જ ખુરશી પર બેઠ બેઠો ઊંઘતો હતો. મમતાએ પ્રેમથી એનો હાથ પોતાના હાથમાં લઈને ધીમેથી પંપાળ્યો. સૌરવ સફાળો જ જાગી ગયો,
‘અરે..તું ભાનમાં આવી ગઈ…સરસ.’
‘પણ મને શું થયેલું સૌરવ..? કેમ વારંવાર આમ બેભાન થઇ જઊં છુ હું..? તમે બધા મારાથી કશું છુપાવતા તો નથી ને?”
‘અરે પાગલ, તું ખોટી ખોટી ચિંતાઓ કરે રાખે છે, બસ આ એનું પરિણામ છે. પ્રેશર વધી ગયેલું બસ. ‘
સૌરવે એને પાણી અને દવા આપતા આગળ કહ્યું, ‘જો મમતા આમ ચિંતાથી ચહેરાઇ ના જા, એ તો ચિતાની અગ્નિ જેવી છે. એના કારણે તારી કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે. આમ તો તું પરમને કે કોઇને પણ કશું જ મદદ નહી કરી શકે. ઉલ્ટાનુ તારી તબિયતની ચિંતાનો ભાર સતત એમના શિરે ખડકાયેલો રહેશે. ચિંતાના બદલે તું તારાથી શક્ય એટલી પ્રેમપૂર્વક કાળજી લેવાનો પ્રયત્ન કર. ચિંતા અને કાળજી બેય વચ્ચેનું અંતર સમજતા શીખ. ખાલી ચિંતા કરી કરીને વિચારોના માનસિક ભયમાં ગોળ ગોળ ફર્યા કરવાનો કોઇ જ મતલબ નથી. દીકરાની, ઘરની, તારી જાતની પણ જરુરિયાતોને સમજ અને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર. સફળ ના થાય તો એનો અજંપો ના રાખ. બધા કંઇ બધું કામ નથી કરી શકતાં. પણ તું જે કામ સૌથી સરસ કરી શકે એમ હોય એને વાંઝણી ચિંતાના ખપ્પરમાં ના હોમી દે.’અને ધીમેથી મમતાની આંખોમાં ધસી આવેલ આંસુ લુછી કાઢ્યાં.
મમતાને પણ અણસમજમાં સતત પુનરાવર્તન કરતી આવેલી પોતાની ભુલ સમજાઈ. હવે એને પૂર્ણ સમજદારી સાથે સુધારવાના મકકમ ઇરાદાનો ભાવ મનમાં ધરીને પોતાના હાથ પર મૂકાયેલ સૌરવના હાથને દબાવી દીધો.
અનબીટેબલ :– “બહુ ગડમથલમાં ના રહે એ જીવ કે,
સઘળાને હંમેશા ખુશ રાખવા શક્ય નથી… “
સ્નેહા પટેલ – અક્ષિતારક
ચિંતા અને કાળજી વચ્ચેનો ફરક સારી રીતે સમજાવાયો છે. ચિંતાથી કાર્ય ઉલટાનું બગડે છે, ખરા હ્રદયથી લીધેલ કાળજીથી કાર્ય દીપી ઉઠે છે, મુરઝાયેલા ચહેરાઓ ખીલી શકે છે, મરી પરવારવાની અણીએ પહોંચેલા હ્રદયો ફરી પાછા કો’ળી શકે છે.
લેખ ગમ્યો – “નવરાશની પળો” હવે કામમાંથી યે સમય કાઢીને વાંચવાની ઈચ્છા રહ્યાં કરે છે.
LikeLike
nice article. Article ni headline j bahu badhu kahi jay che..
LikeLike
thnx atulbhai and ketanbhai….
LikeLike
વાહ… ફરી ફરીને અભિનંદન !!
LikeLike
આવા લેખો વાંચવાંથી નવરાશની પળોનુ અમુલ્ય પળોમાં રૂપાંતર થાય છે.
LikeLike
thnx vivekbhai and jigneshbhai….
LikeLike