બે પળની વાત


આજનો  ’ફ઼ૂલછાબમાં નવરાશનીપળ’ કોલમનો મારો લેખ..

તું કહે રાત તો છે રાત સખી,આપણી એમ એક જાત સખી.

એકબીજા ઉપર વિજય યાને,બેઉ બાજુ થયા મહાત સખી.

-ભરત વિંઝુડા.

આજે રાધા બહુ જ ગુસ્સામાં હતી. આજે એની ’મેરેજ એનીવર્સરી’ના સપરમા દિવસે જ  પતિ પલાશ જોડે  ફરીથી ઝગડો થઇ ગયેલો. બેય જણાએ લગભગ મહિના પહેલાથી આ દિવસ માટે  લોંગ ડ્રાઇવ અને હાઇ-વે પરની અતિપ્રખ્યાત મેક્સિકન અને થાઈ ફુડની રેસ્ટરાંમાં જવાનો પ્લાન ઘડેલો હતો. પણ એક ફોનની ટ્રીન ટ્રીન વાગી અને પલાશની ધંધાની એક અણધારી મીટીંગ ગોઠવાઈ ગઈ.પત્યું.. પ્રોગ્રામમાં એક મોટું પંક્ચર પડી ગયું. એમના લગ્નજીવનની ગાડી હંમેશની જેમ ફ઼રીથી આ પંકચરથી હાલક ડોલક થઈ ગઇ.

રાધા અને પલાશ..રાધા ખૂબ જ પ્રેમાળ પત્ની હતી અને પલાશ પણ રાધાની કાળજી લેતો પતિ હતો.એમના લગ્નજીવનને લગભગ ૨એક વર્ષ થવા આવેલા પણ પલાશના ધંધાની વ્યસ્તતાએ એમના સહજીવનની શરૂઆતમાં હનીમૂનના પ્રોગ્રામને તો ઠેબે ચડાવેલો જ. પણ હવે તો આવા નાનકડા ’ડીનરીયા’ પ્રોગ્રામની પણ હવા કાઢીને ટાંય ટાંય ફીસ્સ કરી નાંખતી હતી. આ બધા પછી એ બેય વચ્ચે રિસામણા-મનામણાની ઋતુઓ પૂરબહારમાં પાંગરતી. નવું નવું હતું ત્યાં સુધી તો રાધાને રિસાવાનું અને ક્યારે પલાશ મનાવે એની રાહ જોઇને બેસી રહેવાનું, ખોટા ખોટા નાટકો કરી કરીને પલાશને વધુ ને વધુ હેરાન કરવાનું અને પછી સાવ પાણી પોચા વાદળની માફક એના પર વરસીને એને પ્રેમમાં ભીંજવી દેવાનું બહુ ગમતું. પણ હવે એ રિસામણા- મનામણાના પ્રસંગોની માત્રા વધવા લાગેલી. સામે પલાશ પણ હવે કંટાળેલો. વારંવાર મનામણા કરતા કરતાં હવે એ રાધા સામે આજીજી કરતો હોય એવો ભાવ અનુભવતો. એનો ’મેલ ઇગો’ એના પ્રેમ પર હાવી થવા લાગ્યો હતો. એમના ઝગડાંઓમાંથી પ્રેમના સ્થાને સામેવાળાને સંભળાવી દેવાની ગણત્રીપૂર્વકની દલીલો, શબ્દોની માયાજાળ વગેરે છલકાવા માડ્યા હતાં.લગ્નજીવનની ગાડીમાંથી પ્રેમ નામનું પેટ્રોલ ઉડી જતા છેલ્લે એ રીઝર્વમાં ચાલવા લાગેલી.

રાધા એકલતામાં સતત આ બધી વાતો પર ઊંડો વિચાર કરતી તો એને ઘણીવાર પલાશ સાચો લાગતો. પલાશની વ્યસ્તતા અકારણ નહતી એ પણ અહેસાસ થતો. પલાશને પણ એની સાથે પ્રેમ ભરેલ પળો વિતાવવાનું ગમતું હતું. પોતાના તરફ એને અદ્મ્ય આકર્ષણ પણ હતું. એના પ્રેમની તીવ્રતા એ અવારનવાર અનુભવી શક્તી હતી. પણ જ્યારે આવા અદ્મ્ય આશાથી ભરેલા પ્રોગ્રામ કેન્સલ થતા ત્યારે એ પોતાની જાત પર કાબૂ નહોતી રાખી શકતી અને પરિણામે આવેશના પ્રવાહમાં પલાશને થોડા આકરા શબ્દો બોલી બેસતી હતી. સામે પલાશ શબ્દો નહી પણ વર્તનનો માણસ હતો. એ આકરા શબ્દોની સજારૂપે એ રાધા સાથે અબોલા રાખી લેતો. આમ બેય પક્ષે પ્રેમની અખૂટ ધારા વહેતી હોવા છતાં વચ્ચે મસમોટી ‘હું’ની ‘અહમ’ની ખાઇ આવી જતી.

એક દિવસ રાધાએ એ ખાઇ ઓળંગવાના પ્રયાસરૂપે એક કાગળ લીધો. એમાં  પલાશ પ્રણયના નશામાં એને અવાર નવાર જે વાક્યો કહેતો હતો, એ ઉપરાંત પલાશની સારી સારી ટેવો જે એને ખૂબ જ ગમતી હતી, પલાશની વ્યસ્તતાની મજબૂરીના કારણો.. એ બધુંય શાંત ચિત્તે વિચારીને  એક લિસ્ટ બનાવ્યું અને પોતાના વોર્ડરોબના દરવાજા પાછળ સેલોફોન ટેપથી ચોંટાડી દીધું.

થોડો સમય વીતતા ફરીથી એજ ‘પ્રોગ્રામ કેન્સલ’નું વાવાઝોડું ફુંકાયું, પણ પલાશના આશ્રચર્ય વચ્ચે આ વખતે રાધાના ગુસ્સાનો જવાળામુખી ના ફાટ્યો. એના બદલે એ પોતાના વોર્ડરોબનો દરવાજો ખોલીને ૫-૧૦ મીનીટ ઉભી રહી ગઈ .એ થોડી મિનેટોમાં શું ખબર કેવા જાદુનો વાયરો વાયો કે દરવાજો બંધ કરતી વખતે રાધાના મોઢા પર મીઠું મધુરુ સ્મિત છલકવા લાગ્યું. એણે સામેથી આવીને પલાશનો હાથ પકડીને કહ્યું,’કંઇ વાંધો નહીં. આપણે ફરી ક્યારેક પ્રોગ્રામ ગોઠવી લઇશું. તું તારું કામ ‘કન્ટીન્યુ’ કર’

એ સમયે તો પલાશ ઘરેથી નીકળી ગયો. પણ રાતે જમ્યા પછી આ વર્તન પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરી તો રાધા એનો હાથ પકડીને પોતાના વોર્ડરોબ પાસે લઇ ગઈ અને પેલું લાંબુ લિસ્ટ એને બતાવ્યું.જેમાં એણે ફકત સારો સારો પલાશ જ ચીતરેલો હતો.રાધાએ પ્રેમથી પલાશના ખભા પર માથું મૂકતા કહ્યું,’ જ્યારે ગુસ્સો આવ્યો બે પળ જ જાત પર કંટ્રોલ રાખી તારી વ્યસ્તતાનું કારણ શોધવાનો યત્ન કર્યો અને તારા સુંદર, પ્રેમાળ ગુણો, તારી મજબૂરી વગેરે વાંચી ગઈ અને જો જાદુ થઈ ગયો..ગુસ્સાનું બાષ્પીભવન થઈ ગયું.બસ, બે પળ સાચવી લેવાની હતી મારે. એ બે પળમાં લાગણીના આવેગો પર મન મકક્મ કરીને કાબૂ રાખવાનો હતો. તારા પ્રેમે એમાં સો એ સો ટકા ભાગ ભજવ્યો.પૂરતી મદદ કરી મગજ શાંત રાખવામાં. પણ પછી જો કોઇ જ ફ઼રિયાદ ના રહી. વાત છે બધી.આટલી નાની શી જીંદગીમાં પ્રેમ કરવાનું છોડીને રિસાવા જેવી નાદાનિયત હવે નથી કરવી. એના કરતા પરિસ્થિતીનું કારણ શોધીને એનો ઉકેલ લાવવાનું વધુ સુખદ રહેશે.તું શું માને છે? અને પોતાની પાતળી લાંબી આંગળીઓવાળો નાજુક હાથ પલાશના વાળમાં પૂરોવી દીધો.

પોતાના ગુણોની આટલી લાંબી લચક યાદી બનાવનાર, પોતાની આટલી કાળજી લેનારી સ્નેહાળ પત્નીના પ્રેમથી પલાશ છેક અંદરથી પીઘળી ગયો. પોતાની પર્સનલ અને બિઝનેસ બેય લાઇફને વ્યવસ્થિત રીતે મેનેજ કરી બેય પક્ષે પૂર્ણ ન્યાય આપીને જીવવાના મક્ક્મ નિર્ધાર સાથે રાધાના કપાળ પર વ્હાલ ભર્યુ એક મૃદુ ચુંબન ચોડી દીધું.અને મનોમન બોલ્યો,

’હા મારી વ્હાલી..આમ તો બે પળની જ વાત હોય છે આ બધી.’

અનબીટેબલ :- મનગમતું બધું મળી જાય એમ તો ના બને, પણ જે મળે એને મનગમતું ચોકકસ બનાવી શકાય..

સ્નેહા પટેલ.