કેટલા નસીબદાર..!!


 ફ઼ુલછાબ દૈનિકમાં -’નવરાશની પળ’ કોલમનો મારો આજનો લેખ.. 

પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે,

એ ધારણાનાં સત્યમાં યારો વસંત છે !

 

ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,

ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !

– વિસ્મય લુહાર

 

અમદાવાદ શહેરની મધ્યમવર્ગીય નાની શી સોસાયટી. ચાર બ્લોક. દરેક બ્લોક્માં એક માળ પર ચાર ચાર એમ સોળ ફ્લેટ્સ હતાં. વળી જગ્યાના અભાવે બને એટલી ‘સ્પેસ’નો સફળતાપૂર્વક ઉપયોગ કરવાની બિલ્ડરની મંશાને કારણે સામ સામે ખૂણે ગોઠવાયેલા ફ્લેટ્સમાંથી એક પાડોશી બીજા પાડોશીના ઘરોની બારી બારણાંમાંથી એના ઘરની ગતિવિધીઓ આરામથી જોઈ શકે એમ હતું.

‘એ’ બ્લોકમાં પહેલા માળે ફ્લેટનં-૧ માં રહેતા સુશીલાબેન એમના પતિ રામ અને દીકરા જોડે રહેતા હતાં.પતિનો ધંધો સારો ચાલતો હતો. પણ એમનો સ્વભાવ થોડો ગરમ.સુશીલાબેન નખશીખ ગ્રૂહિણી.ઘરમાં કોઈ પણ વાતનો નિર્ણય લેવાનો હોય ત્યારે પતિદેવ રામની મરજીથી જ લેવાતો હતો. સુશીલાબેનની મરજી નામરજીની કોઇ ગણત્રી ક્યારેય ના કરાતી. ભણેલા ગણેલા સુશીલાબેનનો માંહ્યલો ઘણીવાર વિરોધના સૂર પોકારવાની પેરવી કરતો જેને સુશીલાબેન સમજણની નકેલ પહેરાવીને સમયસર કાબૂમાં રાખી લેતા. આમ હેપી ફેમિલી હતી આ..બીજી કોઇ મગજમારી નહોતી પણ પોતાના અસ્તિત્વને સતત નજરઅંદાજ કરાતા આ વર્તનનું સુશીલાબેનના દિલમાં ભારોભાર દુઃખ રહેતું. એમની નજર ઘણીવાર સામેના ‘૨’નંબરના ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પર પડતીને એક હાયકારો નીકળી જતો.

તૃપ્તિબેન..એક વિધવાબાઈ હતા. જે પોતાના એક દીકરો અને એક દીકરી સાથે સુખેથી રહેતાં હતાં. પતિએ સેટ કરેલ પ્રોવિઝનની નાનકડી દુકાનથી ઘરસંસાર આરામથી ચાલતો હતો. વળી દીકરો પણ જુવાન, નોકરીએ સેટ થઈ ગયેલો. તૃપ્તિબેનની પોતાના નિર્ણયો જાતે લેવાની સ્વતંત્રતા જોઇને સુશીલાબેન વિચારતા, ‘મારા કરતાં તો આ વધારે નસીબદાર છે. કેટલા લકી..પોતાનું જીવન પોતાની મરજી મુજબ નિર્ણયો લઈને પોતાની આવડત અને સમજદારી પૂરવાર કરી શકવાની તકો એમને કેવી આસાનીથી મળી રહે છે.નાકોઇ આગળ કે ના પાછળ જેને પૂછવું પડે..તૃપ્તિબેન રસોડાની બારીમાંથી સામેની’૩’ નંબરના ફ્લેટમાં રહેતા રુપાલીબેનના ઘર તરફ નિહાળતા કંઇક ઊંડા વિચારોમાં ગરકાવ હતાં ને વિચારતા હતાં કે આ લોકો કેવા લકી છે..!!

રુપાલીબેન એમના ઘરવાળા અને ઘરડા સાસુ જોડે રહેતા હતાં. બેય એકલવાયા જીવ. બેય દીકરીઓને પરણાવી દીધેલી બધી જવાબદારીઓ પતાવીને બેઠેલા. રોજ સવારે રમેશભાઈ ચા નાસ્તાની ટ્રે તૈયાર કરીને રુપાલીબેનને કેવા પ્રેમથી ઊઠાડે છે. જ્યારે મારે શિરે તો આ બે જુવાનજોધ જવાબદારીઓનો બોજ અને સાથ કોઇનો નહી. બધું ય એકલપંડે. કોઇ મહત્વનો નિર્ણય લેવો હોય તો કોને પૂછવાનું? બહારના ઓ તો ટાંપીને જ બેઠા હોય..એમના ભરોસા થોડી કરાય. વળી આ છોકરાઓ એમનું ઘર અલગ માંડશે તો મને રાખશે કે કાઢી મૂકશે ? હું એકલી ક્યાં જઈને આશરો શોધીશ? કેવી અસલામત જીંદગી સાવ.. રુપાલીબેન હીંચકે હળવી ઠેસ લગાવતાંકને ચાનો ઘૂટડો ગળે ઉતારતા ઉતારતા સામેના ‘૪’નંબરના ફ્લેટમાંથી દેખાતા કપલને જોઈને વિ્ચારતા હતા કે, ‘ આ બેય કેવા લકી છે..! કેવા લહેર પાણી ને જલસા. બેય નોકરી કરે..ના કોઇ જવાબદારી. ના કોઇ આગળ જવાબ માંગનારું ના પાછળ ટૉકનારું. પાંચ પાંચ વર્ષ પણ હજુ છોકરાની જવાબદારી પણ નથી વિચારતા. જ્યારે મારે માથે તો હજુ આ ઊંમરેય ઘરડા માજીની સેવા માથે. એક કલાક પણ બહાર જવું હોય તો પાંચ વાર વિચારવું પડે સાલું. કોને ખબર ક્યારે આ બલાથી જાન છૂટશે? ‘૪’નંબરવાળું કપલ રસોડામાંથી ‘૧’નંબરના સુશીલાબેનનો ડ્રોઈંગરુમ જોઇને જીવ બાળતું હતું..આ સુશીલાબેન કેવા લકી છે..કેવું હર્યુ ભર્યુ ઘર છે જ્યારે અમારે લગ્નના પાંચ પાંચ વર્ષ પણ ખોળો ખાલી ને ખાલી. કેટ કેટ્લાં ડોકટરો, દવા, ખરચા,,,બધી કમાણી જાણે એમાં જ જાય છે ને પરિણામ પણ શું…શૂન્ય…

જ્યારે બીજા માળે રહેતાં ‘૫’ નંબરના ફ્લેટમાં રહેતા ૬૦ વર્ષના વિધુર વિલાસભાઈ હમણાં જ હાથમાં લેબોરેટરીમાંથી પોતાનો રીપોર્ટ લઇને આવેલા એ વાંચતા હતાં. જેમાં લાલ માર્કરની નીચેથી છેલ્લા સ્ટેજનું સ્વાદુપિંદના કેન્સરનો ભયાવહ સંદેશો ડોકાતો હતો. બે પળનો આંચકો સહી લઈને વિલાસભાઈ થોડા સ્વસ્થ થયાં. ને વિચારવા લાગ્યાં,’હું કેટલો લકી છું કે મને મારો મૃત્યુસમય, જીવનની ‘ડેડલાઈન’ ખબર પડી ગઈ છે. જીવનમાં બહુ ભુલો કરી છે, બહુ સંબંધો કડવા કર્યા છે એ બધાને સમય મળ્યો છે તો સુધારી લઈને પછી શાંતિથી  બધીય જવાબદારીઓ પૂરી કરીને મારી રાધાને મળવા ઉપર પહોંચી જઇશ.

કદાચ દુનિયાનો સૌથી નસીબદાર…’લકી’ માણસ હું જ હોઈશ…કેમ…!!

અનબીટેબલ :- ‘’જીવન- નામે-વાનગી’ માં   હક, અપેક્ષા, જવાબદારી,  લાગણીના મસાલા હંમેશા ઓછા-વત્તા   જ પડે છે..

-સ્નેહા પટેલ- અક્ષિતારક