એ મારી બહુ જૂની સખી હતી
પણ ખબર નહીં શું..
હંમેશા
કંઇક ખૂટ્યા કરતું હતુ
એની વાતો હંમેશા મારી ‘હા’ માં ‘હા’ ને ‘ના’ માં ‘ના’ પૂરાવતી
મને દુનિયાની સર્વોત્તમ વ્યક્તિ હોવાનો અનુભવ કરાવતી
પણ
કંઇક તો હતું જે નડતું હતું
કંઈક કૃત્રિમ હતું
મને ગૂંચવતું હતું
આજે એક વાતમાં એ અકળાઇ ગઈ
વાત એકદમ નાની હતી..મતલબ વિનાની જ
પણ એ ગુસ્સે થઈને રિસાઇ ગઈ
પછી મેં એને મનાવવાનો પ્રયત્ન કર્યો..
જોકે એ બધામાં બહુ સમય લાગ્યો
પણ છેલ્લે હાસ્ય સમેત એણે મને ગળે લગાડી
બે હાથમાં મારો ચહેરો લઈ
કપાળે એક તસતસતું ચુંબન ચોડી દીધું
હાશ..
હવે અમારી મૈત્રી સાચી અને પારદર્શી લાગી
અમારું સખીપણું એક પગથિયું
ઉપર ચડ્યું હોય એમ લાગ્યું… 🙂
સ્નેહા પટેલ – અક્ષિતારક