લેખન.


સારા લખાણ માટે સારી વાંચનશક્તિ કરતાં સારી સમજણ અને સારી વિચારશકિત વધારે અગત્યના છે.

સ્નેહા…

અનોખું બંધન


હમણાં જ એક પંખી બારીએ ડોકાયું
કાચ પર ચાંચ ઘસીને હુંફાળો કરી દીધો
મારી સામે મરક્યું
મારાથી રહેવાયું નહીં ને
ફટ્ટ દેતાંક્ને કાચ ખોલી કાઢ્યો
નિઃશબ્દ સંવાદોના ઢગલાં બેયની આંખોમાંથી ખરી પડ્યાં
અત્ર-તત્ર-સર્વત્ર
પ્રેમ-શાંતિ-સંપૂર્ણતા..
બધુંય અદભુત, અદ્વિતીય
ત્યાં તો પંખીએ એની પાંખો ફેલાવી
ને સ્વતંત્ર સ્વભાવ મુજબ
મારી દુનિયાથી મોટી દુનિયા તરફ પ્રયાણ કર્યું
એક્દમ નજીક આવીને ખૂબ દૂર ભાગી ગયું
સાવ તારી જેમસ્તો !!
કાલે એ પાછું આવશે
મને વિશ્વાસ છે
છુટ્ટું મૂકીને કેમ બાંધવું
એ મને આવડે છે ને..
સ્નેહા પટેલ – અક્ષિતારક

પ્રેમ


પ્રેમ એટલે શબ્દોની સીમા બહારની સંવેદનોથી ભરપૂર લાગણી…

સ્નેહા…

એકાંતની પ્રામાણિકતા..


’ફ઼ુલછાબ’માં છપાયેલો મારો આજનો લેખ..:-

વહેલી સવારે

ફૂલને

ડાળે એકલું

ઝુલતુ જોઇ

મારાથી

અમસ્તુ જ પુછાઇ ગયું

કેમ એકલતા

મનને કોરી ખાય છે ને ?

“ના, દોસ્ત

આ સોનેરી

એકાંતની પળે

હું ખુદ અને ખુદાથી

મનના

તાર જોડું છું!”

– પ્રીતમ લખલાણી

સંજય..૨૭ એક્ વર્ષનો ખુબ જ સમજદાર અને શાંત છોકરો હતો. કોઈએ એને કદી ગુસ્સે થતા જોયો નહતો. સમજશક્તિના ઉદાહરણોમાં એ હંમેશા અવ્વલ નંબરે રહેતો. એને તો એ ભલો ને એનું કામ ભલું. ના કોઇની વાતોમાં બહુ માથુ મારે કે ના બીજાઓ સમક્ષ પોતાની તકલીફોના રોદણા રડતો ફરે…પોતાની તકલીફોનું સમાધાન મનોમંથન કરીને જાતે જ શોધે. જો કે અનુભવોની ખામી હોવાને કારણે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લઈ લે પણ એના પરિણામો સામી છાતીએ ભોગવવા હંમેશા તૈયાર જ રહે.હસતો રમતો અને લોકોને હસાવતો સંજય સ્વાભાવિક રીતે જ લોકલાડીલો હતો.

જીવનથી છલકાતો સંજય અમુક સમયે થોડું અકળ વર્તન કરતો. જેનું રહસ્ય કોઇને ખબર નહોતી પડતી. ઘણીવાર સંજય પોતાના બંગલાના ખૂણામાં આવેલા ‘૧૨ બાય ૧૨’ ના રુમમાં પુરાઈ જતો.કલાકે’ક જેવો સમય ત્યાં સાવ એકલો જ વિતાવતો. ત્યાંથી નીકળતી વેળા ચોકસાઈપૂર્વક દરવાજે  હંમેશા મોટું પીત્તળનું મજબૂત તાળું મારી દેતો અને એને ૨-૩ વાર ખેંચીને ચકાસી લેતો કે તાળું બરાબર વસાયુ છે ને..!! એના સિવાય કોઇને એ રુમમાં ડોકિયું કરવાની કે પ્રુચ્છા સુધ્ધાં કરવાની મનાઈ હતી. વર્ષોથી ઘરના બધાય લોકોના મનમાં આ રહસ્ય ઘૂંટાતુ રહેતું હતું. પણ મનમાં ને મનમાં એ રહસ્યનો તાગ લેવાની ઝંખના તો લીલીછમ જ રહેતી.

એક દિવસ સંજયના પપ્પા રીતેશભાઈને એ રહસ્યનું તાળું ખોલવાની તક મળી જ ગઈ. એ દિવસે સંજય ખૂબ ઉતાવળમાં હતો. એણે તાળું માર્યા પછી એને ચેક કરવાની કોશિશ ના કરી અને સંજોગોવશાત એ જ દિવસે તાળું બરાબર બંધ થયું નહોતું. સંજયના પપ્પા એ બાજુ પડતા બગીચામાં અમથા જ લટાર મારવા નીક્ળેલા અને એમની નજરે અધખુલ્લું તાળું લટકતું નજરે પડયું. પહેલી નજરે તો એમના સંસ્કારે એ બાજુ ડગ ઉપાડતા એમને ટકોર્યા પણ પછી દીકરાના હિતમાં કરાતું કોઇ કાર્ય સંસ્કાર વિરુધ્ધ ના ગણાય એમ માની ને એ રુમ તરફ એમણે મકકમતાથી ડગ માંડ્યા.

સાંકળ ખોલતાં જ અંદરનું દ્રશ્ય જોઇને જ રીતેશભાઈની આંખો આશ્ચર્યથી ફ઼ાટી ગઈ. રુમમાં બધી બારીઓ જડબેસલાક રીતે બંધ હતી. પ્રકાશના એક પણ કિરણની મગરુરી નહોતી કે અંદર પ્રવ્રેશી શકે. બે મિનિટ પછી એમની આંખો અંધારાથી ટેવાતા એમને રુમમાં નજર ફેરવી. રુમની દિવાલો ચિત્ર વિચિત્ર અને બિભત્સ કહેવાય એવા પિકચરોથી ભરાયેલી હતી. એક ખૂણામાં છત પર માણસની ખોપડી શીકા પર લટકાવેલી હતી. રુમના એક ખૂણામાં ફ઼ાટેલા તકિયા અને એમાંથી નીકળેલા રુનો ઢગલો જુગુપ્સા પ્રેરતી હાલતમાં ખડકાયેલો હતો. બાજુમાં એક માનવીનું ડમી હતું જેમાં એક લાંબા ફ઼ણાવાળો છુરો એના પેટમાં છેક સુધી ઝનૂની રીતે ઘુસાડેલો હતો. આખાય ડમીમાં ઢગલો’ક કાણાઓ પાડેલા હતાં. વળી એ બધા ઉપર લાલ રંગ પણ રેડેલો હતો જેનાથી સાચા ખૂનનો રાક્ષસી આભાસ ઉતપન્ન થતો હ્તો. ચારેકોર બિહામણું અને ઘાત્તકી વાતાવરણ ફ઼ેલાયેલું જોઈને રીતેશભાઈ દિલ પર હાથ મૂકીને બારસાખ પર જ ફ઼સડાઈ પડયાં.

રાતે સંજય આવ્યો ત્યારે રીતેશભાઈએ એ બિહામણારુમની હાલત વિશે પૂછ્પરછ કરી તો જવાબમાં સંજયના મુખ પર એક મીઠું સ્મિત ફ઼રકી ઉઠ્યું. એ હાથ પકડીને રીતેશભાઈને એ રુમમાં ઘસેડી ગયો. દિવાલ પરની તસ્વીરો વચ્ચે એક નાનકડો દરવાજો છુપાયેલો હતો જે રીતેશભાઈ ઘોર અંધકાર અને આઘાતના માર્યા જોઈ નહોતા શકયાં. હળ્વેથી સંજયે એ દરવાજો ખોલ્યો ને રીતેશભાઇ ફ઼રીથી હ્તપ્રભ થઈને ઉભા રહી ગયા. એ રુમનું વાતાવરણ એક્દમ પવિત્ર હતું. રુમની દિવાલો સફ઼ેદ રંગની હતી અને બારી પાછ્ળના બગીચામાં ખૂલતી હતી જ્યાંથી ચંપો,જૂઈ,ચમેલી જેવા ફ઼ુલોની ખુશ્બુ મંદ મંદ વહેતા સમીર સાથે આખા રુમમાં પ્રસરતી હતી. ખૂણામાં એક નાનકડું મંદિર હ્તુ જેમાં શિવજી,ગણપતિ અને કૃષ્ણની મૂર્તિઓ સુઘડતાથી ગોઠવાય઼ેલી હતી. દિવાલ પર પીળારંગનું ’ઓમ’ લખેલ કાપદ કલાત્મકતાથી ચોંટાડેલું હતું. છત પર એક નાજુક રણકાર પેદા કરતું વિન્ડ ચાઈમ લગાડેલુ હતું. આખુંય વાતાવરણ ખૂબ જ પવિત્ર અને રમણીય હતું.રીતેશભાઈ કંઇ પણ બોલે એ પહેલાં જ સંજય બોલ્યો,

’પપ્પા, હું પણ એક માણસ છું, મારી પણ  અમુક નબળાઇઓ છે. મારામાં પણ એક રાક્ષસ છુપાયેલ છે. હા, એ બધા વિશે હું પૂરેપૂરો જાગ્રત છું.  હું જ્યારે પણ ગુસ્સે થાઊં કે અકળાઈ જઊં ત્યારે પહેલાં અહીં આવીને સૌ પ્રથમ પેલા બિહામણા રુમમાં મારો બધો ગુસ્સો કાઢી નાંખુ છું.મારામાં રહેલા રાક્ષસને છુટ્ટો દોર આપી દઊં છું એ વેળા મને કંઈ જ ભાન નથી હોતું કે હું શું કરું છું, ઘણીવાર હું મારી જાતને પણ ઇજા પહોંચાડી દઊં છું. બધો આવેશ શમી જાય એ પછી હું આ રુમમાં આવું છુ અને આ રુમમાં ધ્યાન ધરી, અહીં પ્રસરેલી પોઝિટીવ એનર્જી મારામાં સમાવિષ્માટ કરી એકદમ તાજોમાજો થઈને બહાર આવું છું. એકાંતમાં હું જાણે ભગવાનની એકદમ નજીક પહોંચી ગયો હોઊ એમ અનુભવું છું. મારામાં રહેલ રાક્ષસને નાથવા માટેનો મારા મતે આ શ્રેષ્ઠ ઉપાય છે. જો એ ના નીકળે તો કદાચ દુનિયા સમક્ષ ગમે ત્યારે પોતાનો રંગ દેખાડી શકે અને કોઇ પ્રિયજનને ના બોલવાનું બોલી લે કે નુકશાન પહોંચાડી શકે. એના કરતા અહીં હું અને મારી અંદરનો રાક્ષસ મન મૂકીને લડાઇ કરી લઈએ છીએ છેલ્લે એને હરાવીને હું બહારની દુનિયામાં સ્વસ્થ ચિત્તે પાછો ફ઼રું છું. વળી મને મારો ગુસ્સો પહેલાં કરતાં ઓછો થતો જતો હોય એમ લાગે છે..બની શકે કે છેલ્લે મારે આ બિભત્સ રુમની જરુર પણ ના પડે..ખાલી પેલો સૌમ્ય અને પવિત્ર રુમ એકલા હાથે મારું બધું એકાંત સુગંધિત બનાવી મુકે..બાકી દુનિયા  સામે ડાહ્યાડમરા રહેવા માટે મારું ગાંડપણ મારી જાત સાથે વહેંચવું પડે છે. જાત સામે પ્રામાણિકતાથી નગ્ન થવાના ઘણા ફાયદા હોય છે, કેમ પપ્પા..? બસ..અને રીતેશભાઈ આગળ વધીને સંજયને ભેટી પડ્યા ને સંજયના કપાળે વ્હાલ ભરી એક ચૂમી ભરી લીધી.

અનબીટેબલ :- કમીઓ અમને પણ નડી જાય છે,

માણસ છીએ…

સ્નેહા પટેલ..અક્ષિતારક

બાંહેધરી..


દુનિયાના લોકોની બાંહેધરી લેવાની મૂર્ખામી ક્યારેય ના કરવી. લેવી હોય તો જાતની બાંહેધરી લો એ પણ પૂરતું છે..

(સ્પેશિયલ થેન્ક્સ ટુ અતુલભાઈ…:-)  )

સ્નેહા

મનગમતું


મનગમતું બધું મળી જાય એમ તો ના બને, પણ જે મળે એને મનગમતું ચોકકસ બનાવી શકાય..
સ્નેહા

મેધધનુષ્ય


તારી યાદમાં

પાંપણે બાઝેલા  ભેજ અને

મારી ઊર્મીશીલ કલ્પનાના સંયોગથી

રુપકડું મેધધનુષ્ય રચાઇ ગયું

અફ઼ાટ ક્ષિતિજ

તારા મનના છેડાથી મારા મનના છેડા સુધીની

પ્રેમ, અલૌકિકતા ચોમેર બધુંય અદભુત અદભુત…

મિલનઆશના નશામાં

એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા

તારા સુધી પહોંચવાનો એક ઓર પ્રયાસ…

સ્નેહા પટેલ – અક્ષિતારક

શકયતાની બારી..


અવસર વહી જશે તો ફરી આવશે નહીં,

આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

-શૂન્ય પાલનપુરી.

પૂરે પૂરી તન્મયતાથી પોતાના કામમાં ડૂબેલી ઋતુને એના બોસે કેબિનમાં બોલાવી,

‘એક મિનિટ માટે અંદર આવી જાઓને ઋતુ..”

“ઓ.કે.”

‘મે આઈ કમ ઈન’ કહીને બોસની કેબિનનો દરવાજો ખોલીને ઋતુ અંદર પ્રવેશી.

‘હા, તો ઋતુ તમને એક ખાસ વાત કહેવાની છે. છેલ્લા ૩એક મહિનાથી આપણા સ્ટાફ તરફથી તમારી વિરુધ્ધ અવારનવાર થોડી ફરિયાદો સાંભળવા મળી હતી. એના આધારે મેં મારી રીતે તપાસ કરી તો એ બધી સાચી નીકળી છે. તો હવે વધુ સમય ના વેડફતા મુદ્દાની વાત કહી દઊં કે કાલથી તમારે નોકરી પર આવવાની જરુર નથી. એકાઊન્ટન્ટને મળીને હિસાબ જોઈ લેજો.’

કોઇ જ પૂર્વભુમિકા વગરની આવી અણધારી વાત સાંભળીને ઋતુ તો હતપ્રભ જ થઈ ગઇ.

ઋતુ એક ખુશખુશાલ વ્યક્તિત્વવાળી, મળતાવડી અને આત્મવિશ્વાસ્થી છલોછલ છોકરી હતી. આખી ઓફિસની લાડકી. એની વ્યવહારકુશળતા પર બધાયને વિશ્વાસ. ઓફિસમાં કોઇને પણ કંઇ પ્રોબ્લેમ  હોય એટલે તરત ઋતુ પાસે પહોંચી જતું અને પોતાના પ્રોબ્લેમ્સ શેર કરીને એનું સચોટ સોલ્યુશન મેળવી લેતા હતા. બધાયને એની હકારાત્મક વિચારસરણી પર પૂરતો ભરોસો હતો. આ ’પોઝીટીવ એટીટ્યુડ’ એના સુંદર વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવતું હતું.

બોસના ઋતુના નોકરી છોડવાના આદેશથી આખી ઓફિસમાં ચર્ચાસ્પદ વાતાવરણની ચાદર ફેલાઈ ગઈ હતી. આવી સુંદર મજાની છોકરી સામે કોને ફરિયાદ હોઇ શકે ? આખા સ્ટાફને કંઈ જ સમજાતું નહોતું. બધાય પોતપોતાના તર્કના ઘોડા દોડાવવા માંડયા પણ કોઇ જવાબ મળતો નહતો. એવામાં ઓફિસનો પટાવાળો ત્યાં આવ્યો અને બોલ્યો,’આ બધું ય ખુશ્બુબેનનું કામ છે. આ બધાનો હું નજરોનજર સાક્ષી છું. છેલ્લા કેટલાંય વખતથી એ ઋતુની વધતી જતી ખ્યાતિથી મનોમન ઇર્ષ્યાની આગમાં બળતા હતા. બોસની જોડે સંબંધ વધારીને કાચા કાનના બોસના મગજમાં રોજ ઋતુની ફરિયાદોનું ઝેર નાંખતી જતા હતા. આ બધું એમણે સારું ના જ કર્યુ કહેવાય’ અને આંખમાં તગતગતા આંસુ સાથે એ મોઢુ ફેરવીને ચાલ્યો ગયો. પાછળ છોડી ગયો ભેંકાર સન્નાટો. કોઇ માની જ ના શક્યું કે ખુશ્બુ જે ઋતુની નિકટની સખી હતી એ આવું પગલું ભરે?? ઋતુએ જ ખુશ્બુને આ ઓફિસમાં નોકરી અપાવેલી અને આજે એ જ ખુશ્બુ સાવ આવો છેલ્લી પાટલીનો વ્યવહાર કઈ રીતે કરી શકે?

બે પળ વીતી. ઋતુએ પોતાની જાતને સંભાળી લીધી અને આખા સ્ટાફને જતા જતા પોતાના તરફ્થી કેન્ટીનમાં એક યાદગાર પાર્ટી  આપવાની જાહેરાત કરીને કાળા વાદળ જેવું વાતાવરણ વિખેરી નાંખ્યું.

બધાંય કેન્ટીનમાં એકઠા થયેલા. ઋતુ જતી રહેશે પછી ઓફિસની ખુશનુમા ઋતુમાં વસંત ક્યારે આવશે…રંગવિહીન વાતાવરણમાં પોતાના સુંદર હાસ્ય અને સ્વભાવની રંગપૂરણી કોણ કરશે એ વિચારે દુઃખી વદન સાથે વાતો કરી રહ્યાં હતાં. પણ ઋતુ…એ ક્યાં હતી ? એ કેન્ટીનના દરવાજે મીટ માંડીને બેઠી હતી. કાગડોળે કોની રાહ જોતી હતી ? એટલામાં એણે કંઇક વિચારીને ખુશ્બુની કેબિન તરફ મક્ક્મ ડગ માંડ્યા.ઓહ..તો એ ખુશ્બુની રાહ જોતી હતી..ખરી છોકરી છે આ પણ. બધાંએ એને રોકીને આ વર્તન પાછળનું કારણ પૂછતાં સામેથી સુંદર મજાના સ્મિત સાથે ઋતુએ જવાબ આપતા કહ્યું,

‘એણે એની સમજ, સ્વભાવ મુજબ વર્તન કર્યું અને હું મારી સમજ, સ્વભાવ મુજબ વર્તન કરીશ. એના આ પગલા પછી પણ હું આ ડગ એની તરફ ઉપાડી રહી છું..કારણ  માત્ર એક જ, અમારા સંબંધોમાં હું મારા તરફથી ‘શક્યતાની એક બારી’ ખુલ્લી રાખવા માંગુ છું. એના મનની વાતોની તો  મને નથી  ખબર, પણ મારા દિલ પર ક્યારેય એ જગ્યાને જડબેસલાક બંધ કર્યાનો રંજ તો નહી જ રહે.”

અને પાછળ બે ડઝન જોડી આંખોમાં પ્રસંશાના ભાવ છોડતી’કને એ ખુશ્બુની કેબિન તરફ વળી.

અનબીટેબલ – ’આવતીકાલ’ ક્યારે આવતી હશે…?? આવતા આવતા આજે તો એ ’આજ’ બની ગઈ !!

સ્નેહા પટેલ – અક્ષિતારક

ભ્રમ..


દુનિયાના મોટાભાગના કપલ એક ભ્રમને પંપાળતા હોય છે  કે, “પોતાના જીવનસાથી (spouse) સાથે જીવવું એક બહુ જ અઘરું કામ છે અને પોતે  બહુ જ બહાદુરી,ધીરજ અને સમજદારીપૂર્વક એ કામ કરે છે.”

સ્નેહા પટેલ –  અક્ષિતારક

શ્રધ્ધાનો દીપ


’ફ઼ુલછાબ’ છાપામાં છપાયેલ કાલનો મારો લેખ.

http://www.janmabhoominewspapers.com/phulchhab/ePaper.aspx

કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

– વિવેક મનહર ટેલર

સુમય આજે બહુ અકળાયેલો હતો. છેલ્લા મહિનાથી જે સંજોગોની ભીતિ સેવેલી આજે એ જ એની સામે વિકરાળ જડબું ફાડીને ઉભા હતા. એને ધંધામાં જબરદસ્ત ખોટ ગયેલી.સગા સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરીને,બેંક લોનો લઈ લઈને ધંધો જમાવેલો. ૪ વર્ષ તો સફ઼ળ રહ્યાં.પણ આ વખતે માર્કેટની હવા એની સામે પડી અને એમાં એ તણખલાની જેમ મૂળસોતો ઊખડી ગયેલો. અધૂરામાં પુરું એની પત્ની સ્મૃતિ, આવા સમયે એના પડખે રહીને હિંમત બંધાવવાના સ્થાને એના ૧ વર્ષના દીકરાને લઈને પિયર ચાલી ગઈ ને પડતા ને પાટું મારતી ગઈ. સુમયને ચારેકોર ભાવિ કાળુંધબ્બ જ લાગતું હતું. લોકોને જવાબો આપી આપીને એની જીભ હવે સુકાઇ ગયેલી. જીવનમાં ક્યારેય ના સાંભળેલી કડવી વાણીના ઝેર પી પીને લગભગ એ ભાંગી જ ગયેલો. માન-સન્માન ના હોય એ જીવનમાં મોત આવે એની રાહ શુ કામ જોવાની? ચાલ હું જ એને ભેટવા ઉપડી જાઊં. એ તો ચોક્કસ મારો સ્વીકાર કરશે. આમ વિચારીને એણે આત્મહત્યા જેવા અંતિમ રસ્તા પર પસંદગીનો કળશ ઢોળ્યો.

એને દરિયો બહુ જ વ્હાલો હતો. આજે એ જ મિત્રના ખોળે માથું મૂકીને ચીર નિંદ્રામાં પોઢી જવાના ઇરાદા સાથે એ ઘેરથી નીકળ્યો.. ચાલતા ચાલતા રસ્તામાં દેખાતી દરેક વસ્તુને છેલ્લી નજરના પ્રેમસાથે આંખોમાં સમાવતો ગયો. એવામાં અચાનક વાદળોનો ગડગડાટ સંભળાયો..ધીરે ધીરે વીજળીના કડાકા સાથે જોરથી વાવાઝોડું ફ઼ુંકાવા માંડ્યું. સુમય બરાબર ઉભો પણ નહતો રહી શકતો.ડગ જમીન પરથી ઉખડવા માંડયા અને એ દોર વિનાની કઠ્પૂતળી સમ આમથી તેમ ફ઼ંગોળાવા લાગ્યો. એના સદનસીબે એના હાથમાં એક વિશાળ વૃક્ષનું થડ આવી ગયું. આંખો બંધ કરી, દાંત કચકચાવીને એ થડને બાથ ભરીને ઊભો રહી ગયો. વૃક્ષ આમ તો ઘટાદાર હતું પણ વાવાઝોડાના પ્રચંડ જોર સામે એનું કશું નહોતું ચાલતું. હવામાં ચારેકોર આમથી તેમ ડોલતું હતું. સુમય બીકનો માર્યો થરથર કાંપતો હતો. ક્યાંક આ મૂળસોતું જમીનમાંથી ઉખડીને જમીનદોસ્ત ના થઈ જાય.ત્યાં તો વળતી થપાટે ઝાડ ગૌરવભેર સીનો કાઢીને ટટ્ટાર ઉભું રહી જતું હતું ને પોતાની મૂળ અવસ્થામાં આવી જતું. સુમય પણ એની સાથે સાથે એ બધી પ્રક્રિયામાંથી પસાર થતો રહ્યો.

કલાકે’ક પછી વાવાઝોડાનું જોર ઓસરતા સુમયનો શ્વાસ હેઠો બેઠો અને પોતાનો જીવ બચાવવા બદલ એ ઝાડને ચૂમી ઊઠ્યો. ત્યાં તો એને વિચાર આવ્યો, ’ એ તો મરવા જ નીકળેલો ને તો આ શું? જીવન પ્રત્યેનો પ્રેમ તો એના અંતરમાં સાવ અકબંધ છે. વળી આવા વાવાઝોડાની સામે આ વૃક્ષ ભલે પોતાના સ્થાનેથી હાલી ગયું પણ એની સામે બાથ ભરીને કેવું ઝઝૂમ્યું ! ને હવે બધું ય ભૂલીને ફ઼રીથી એ જ પ્રસન્નતાથી કુદરત સાથે તાદાત્મ્ય કેળવીને જીવી રહ્યું છે. જ્યારે પોતે તો તણખલાવૃતિ અપનાવીને જીવનમાં મુસીબતની થપાટે ખેંચાઈને આમતેમ રઝળી રહયો છે જેનો અંજામ કાંતો સળગી જવાનો કાં તો કોઇ ગટરમાં પડી જવાનો , કાં તો કોઈ પશુના પેટમાં પહોચી જવા સિવાય કંઈ જ નથી આવવાનો. એવો વિચાર કેમ ના કર્યો કે થોડી હિંમત રાખીશ તો કાલે ઊઠીને ધંધામાં સારા દિવસો ફ઼રીથી આવશે, બધું ય સમુસૂતરું પાર ઊતરતા સ્મૃતિ અને દીકરો પણ પાછા આવી જશે ને જીવનબાગ પહેલાંની જેમ મહેંકી ઊઠશે. આ હતાશાની આમંત્રણપત્રિકાને હવે દૂર હડસેલવી જ રહી.

આમ, સંશયના બધા દ્વાર બંધ કરીને, મનોમસ્તિષ્કમાં પ્રભુ ઉપર અખૂટ શ્રધ્ધા રાખીને ખુમારીભેર ઘર તરફ઼ વળ્યો.

અનબીટેબલ- તમે અંદરથી જેટલા શાંત થશો, તમારો આત્મવિશ્વાસ એટલો જ મજબૂત થશે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

ઋતુ


શુભ સવાર મિત્રો..

ભીની ભીની ઋતુમાં કુમળો તડકો આજે  વ્હાલો લાગે છે, 

ચિકકાર પલળ્યા પછી કોરા થવાનો આજે વારો લાગે છે…:-)

સ્નેહા…

 


મને ગમે છે..



તારા અસ્તિત્વથી સભર આ એકાંત ગમે છે,
તારી યાદોમાં વિતતી એક એક પળ ગમે છે,
કારણ ના પૂછ્શો બધાનું કે,
સાવ અકારણ છે બધું એ મને અનહદ ગમે છે…

સ્નેહા


સ્વાભાવિકતા…


ચાલે છે ક્યાં વિરોધ વિના  કારભાર ?

ભરશું જો ફૂલછાબ તો કાંટાય લાવશું.

 

-શૂન્ય પાલનપુરી

 

જીમમાં આજે સૌમ્યાના પગ  ટ્રેડમિલ પર એની જાણ બહાર જ થોડા વધારે સ્પીડ પકડતા જતા હતા. મનનો ઉદ્વેગ તેની બોડી લેન્ગવેજમાં સ્પષ્ટપણે છલકી રહયો હતો. કપાળેથી પરસેવાનો રેલો વારંવાર દદડી જતો હતો અને યંત્રવતપણે સૌમ્યા એને બાજુના હેન્ડલ પર પડેલા પીન્ક ટર્કીશ ટોવેલથી લુછતી જતી હતી. વારંવાર એની નજર સમક્ષ આજ સવારની બ્રેકફાસ્ટ વખતે એના પતિ પારિજાત જોડેનો સંવાદ તરી આવતો હતો.

 

આજે સાંજે એ લોકોને એમના એક કહેવાતા સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું હતું. કહેવાતા એટલા માટે કે છેલ્લા પાંચ વર્ષથી એમને એ લોકો જોડે બોલવા ચાલવાનો સહેજ પણ નાતો નહતો. એ હતા મિ. કપૂર., પારિજાતના ભૂતકાળના પાર્ટનર. જેમણે પારિજાત જોડે ધંધામાં છેતરપિંડી કરીને લગભગ એને ૩ લાખ રુપિયાના ટાઢા પાણીએ નવડાવી કાઢેલો. એમના તરફથી આમ અચાનક જ એમની દીકરીના લગ્નમાં આવવાનું આમંત્રણ મળ્યું એટલે બે ઘડી તો સૌમ્યા ચકરાઇ જ ગઈ.. એ એક્દમ ‘સ્ટ્રેઇટ ફોરવર્ડ’ છોકરી હતી. કોઈનું બુરું કદી વિચારતી પણ નહી અને એટલે જ કોઇ એનું ખરાબ કરી જાય તો એનાથી સહન ના થતું. એ પોતાની લાગણીઓ કદાપિ સંતાડી નહોતી શકતી. નારાજગી એના ચહેરા પર સ્પષ્ટ્પણે તરવરી ઊઠતી. પારિજાત થોડો પ્રેકિટકલ હતો. કદાચ ભવિષ્યમાં ધંધાર્થે મિ. કપૂરની ફરીથી જરુર પડી પણ શકે એ વિચારે એને પ્રસંગે જઈને થોડો સમય ઉભા ઉભા મળી આવવામાં કોઇ વાંધો નહતો. એ આરામથી એમ વર્તી શકતો હતો.એણે જોકે સૌમ્યાને કોઇ જ જાતની બળજબરી નહોતી કરી.’ તું તને ફાવે એમ કરી શકે છે. ચોઈસ ઈઝ યોર્સ ‘.  સૌમ્યા માટે એ બહુ અઘરુ  હતું. નાગમતી વ્યક્તિની એ થોડી ઘણી મિનિટની મુલાકાત પાછળ લગભગ એકાદ અઠવાડિયું એને વિચારોના ચકરાવે ચડાવી જતું. માંડ માંડ ‘બી પોઝિટીવ ..બી પોઝિટીવ’ વાળા એટીટ્યુડના શિડ્યુલમાં આવી ઘટના મોટું  પંકચર પાડી જતું અને પા્છળ છોડી જતું નકરું નેગેટીવ વિચારાત્મક વાતાવરણ. જેની હડફેટે પછી સૌમ્યાની આજુબાજુની દરેક વ્યક્તિ આવી જતી. સૌમ્યાના મન ઉપરાંત આ બધી ઘટનાઓ તન પર પણ છાપ છોડી જતી. એનું બ્લ્ડપ્રેશર પણ કંટ્રોલ ખોઈ બેસતું હતું. વળી પ્રસંગે ના જાય તો સમાજ શું કહેશેની બીક પણ અંદરખાને પજવતી હતી. અજબ જેવી કશમકશ ભરેલ સ્થિતીથી એ હેરાન હતી. કોઇ નિર્ણય પર નહોતી પહોચી શકતી.

 

એવામાં એના કાને એના જીમના ઈન્સ્ટ્રકટરનો સાદ પડ્યો,

 

‘અરે બેન..આ શું કરો છો? રીલેક્સ. આ રીતની કસરત તો તમારા શરીરને ફાયદાને બદલે નુકશાન પહોંચાડશે.

 

બાજુમાં કસરત કરી રહેલી સૌમ્યાની નજીકની સહેલી રેશમાએ સૌમ્યાને પૂછ્યું

 

“શું વાત છે સૌમ્યા? આજે થોડા ટેન્શનમાં લાગો છો ને કંઈ ?”

સૌમ્યાએ એને પોતાની મૂંઝવણ કહી.

 

” એક વાત યાદ રાખ સૌમ્યા, ટેન્શન તારા શરીર માટે સહેજ પણ હિતકારક નથી. જે વાતો તને ટેન્શન આપતી હોય એનો શક્ય એટલો જલ્દી ઉકેલ લાવ અને ઉકેલ ના જ લાવી શકતી હો  તો  શાંત ચિત્તે સાપેક્ષતાથી વિચારી લે કે કયાંક તું જવાબદારીઓથી ભાગવાનો યત્ન તો નથી કરતીને? જો જવાબ સ્પષ્ટપણે  ’ના’ માં હોયતો લોકોને સારું લગાડવાના ચકકરમાં તમારું સ્વાભાવિકપણું ના ગુમાવ. તું જે છું સરસ જ છું એ આત્મવિશ્વાસ સાથે થોડા સ્વાર્થી થઈને પણ બેઝિઝકપણે વાત ટાળી દે. જીવનમાં બને એટલું પોઝિટીવ વાતાવરણ સર્જાય એવો યત્ન કર.”

 

અને ત્યાં જ જીમના ઇન્સ્ટ્રકટરે સાદ પાડ્યો,”બેન, કસરતો આપણા શરીર, મગજને હળવાફુલ કરવા માટે કરવાની હોય નહીં  કે  બગાડવા.’

 

અને સૌમ્યાએ ઈન્સ્ટકટરની વાતને ’સંબંધો’ના સંદર્ભે વિચારી તો એને તરત જ પોતાની વાતનો ઉકેલ મળી ગયો.

 

 

ટોવેલથી પસીનો લૂછીને, ટ્રેડમિલ બંધ કરીને એક આભારવશ સ્મિત ઈન્સ્ટ્રકટર અને રેશમા સામે નાંખતી એ ઘરે જવા નીકળી.

 

અનબીટેબલ :- માણસ જેનાથી અપરાધભાવ અનુભવતો હોય અને એ જ વ્યક્તિ સમક્ષ આવે તો બે રીતે વર્તન કરે.. (૧) એની સાથે આંખોમાં આંખો પૂરાવીને વાત ના કરી શકે કાં તો (૨) પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ પડતો નફ઼્ફ઼ટ થઈ જઈને વાત કરે..

ટાઇમ પ્લીઝ..


હે મારા વ્હાલા પ્રભુ..તેં જ કહેલું છે ને કે,

’જે પણ કામ કરો એ દેખાડા વગર, ઘોંઘાટ કે શોરબકોર કર્યા વગર મનમૂકીને કરો..તો આ વાત પેલા મેહુલિયાને કેમ સમજાવતો નથી. રોજ બે ચાર છાંટાની સખાવત કરીને , સતત ઘેરાયેલા વાદળોને છેતરીને, શરમ નેવે મૂકીને કેવો નિર્લજ્જ થઈને નાસી જાય છે.. આમ રોજ ’ટાઈમ પ્લીઝ’ તો ના જ કરાય ને.. !!!

સ્નેહા….

સંબંધોની ભાષા.


દુનિયામાં દરેક માણસની બોલવાની,સાંભળવાની,અપેક્ષાની શક્તિ અલગ અલગ હોય છે. થોડી ધીરજ રાખીને  એમની સમજશક્તિ-ભાષામાં વાત કરાય તો એ સંબંધો કાયમ મીઠા મધુરા રહે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

વરસાદ છે કેવો..


આ વરસાદ છે કેવો, સાવ તારા જેવો જ ,

આમ ડાહ્યો ડમરો પણ, આમ સાવ વંઠેલો.

ઓઢણીની ગાંઠે બાંધ્યા સોળ-સોળ ઉજાગરા

સતરંગી સોણલાંની ભાતથી સજાવ્યા અને

વાયદાબજારી કરી હાથતાળી તું આપતો

….ઓ દગાખોર…

સુંસવાટી સુંસવાટીને, ખોટ્કડી કીટ્ટા કરી

ડુમો બનીને મારા કાળજે ભોંકાતો ને

શુભલાભના લથપથ ચોઘડીયા તું બગાડતો

..ઓ નખરાળા…

રોમ રોમ ફ઼ૂટે આ કાળઝાળ તરસ ને

દૂરથી તું મૂઓ મૂંછમા મલકાતો

ના તું પલળતો ના મને પલાળતો

…ઓ હઠીલા…

હાથ જોડું, પગે પડું રિસામણા છોડ હવે

ધસમસતા વ્હાલથી મબલખ વરસ હવે

કે લાગણી અવહેલ્યાનો શ્રાપ તને લાગતો

…ઓ નાસમજ..

આ વરસાદ છે કેવો, સાવ તારા જેવો જ,

આમ ડાહ્યો ડમરો પણ, આમ સાવ વંઠેલો.

સ્નેહા પટેલ – અક્ષિતારક.