તું…


તારે  જે જોઈએ એ

તું બોલતો નથી

કદાચ એટલે જ

મારે જે જોઈએ છે

એ તું સમજતો નથી…

 

સ્નેહા પટેલ – અક્ષિતારક..

અસ્તિત્વની શોધ..


આજનો ફ઼ુલછાબ દૈનિકમાં ’નવરાશની પળ’ કોલમનો મારો લેખ.

રાખ શમણાની સાથે વહી જાય છે

અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે

જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

ગરિમા..૨૮ વર્ષની સુંદર મજાની પરિણીત યુવતી હતી.એને ૬ વર્ષનો રુપકડો ‘ગર્વ’નામનો એક દીકરો હતો.

અત્યારે બપોરના ૨ વાગ્યા હતાં. ગર્વ સ્કુલેથી આવીને જમીને સૂઈ ગયેલો. ગરિમાનું રુટીન કામકાજ પતી ગયેલું. છાપા અને મેગેઝિન્સ વાંચી લીધા. હવે..!! સામે પડેલું રીમોટ નજરે પડયું. એ લીધું અને ટીવી ચાલુ કર્યું. કાલે રાતે જ જોયેલા પ્રોગ્રામો અને સિરીયલોની ભરમાર..આજે કશે જ એનું મગજ ચોટ્તું નહોતું અને ‘કમ્પલસરી’ના બધા કામકાજ  પતી ગયેલા.

‘ખાલી દિમાગ શેતાન કા ઘર’ની જેમ જ એનું મગજ પણ વારંવાર આજે એની કોલેજકાળની ફ્રેન્ડ ‘રીતુ’ સાથે થયેલી વાતોથી અંદર ને અંદર અકળાતું હતું. રીતુ એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ સારી પોસ્ટ પર જોબ કરતી હતી. પાંચ આંકડાનો સારો એવો કહી શકાય એવો પગાર હતો.ઘરે રસોઈયો, ઘરઘાટી, કામવાળી બધાયના ખર્ચા આરામથી ઉપાડવા ઉપરાંત વર્ષે એકાદ ફોરેન ટ્રીપ,પાર્લરોના કોસ્મેટીકીયા ખરચા અને  બીજા નાના મોટા શોપિંગની લજ્જત કોઇની બેરોકટોક વગર આરામથી માણતી હતી. કાશ…પોત પણ પોતાનો મોડેલિંગની કેરિયરનો ગ્રાફ ઊંચે ને ઊંચે ચડતો જતો હતો ત્યારે પોતાના પતિદેવની આજ્ઞા પર ધ્યાન ના આપીને, એને અવગણીને, થોડી હિંમત દાખવીને પોતાનું કામ ચાલુ રાખ્યું હોત તો એ પણ આજે રીતુની સમકક્ષ જ હોત . છેલ્લે કંટાળીને એણે પોતાનું નેટ ચાલુ કર્યું અને ફેસબુકમાં લોગઈન કર્યું.

વીકમાં એકાદ બે વાર આમ નેટ પર આંટો મારતી ગરિમાને નેટની દુનિયાની બહુ સમજ નહોતી.આજે ‘ટાઇમ પાસ’ના ઇરાદા સાથે જ ચેટનું ઓપ્શન ક્લીક કર્યુ. કોઇકની જોડે વાત કરવાની,પોતાની અક્ળામણ ઠાલવી દેવાની ઇરછા આજે  તીવ્રતાની ટોચ પર પહોંચેલી. ત્યાં તો એને ઓનલાઈન જોઇને એક સરસ મજાનું પ્રોફાઈલ પિકચર ધરાવતો વિકાસ નામનો યુવાન સામેથી ચેટમાં આવ્યો.

‘હાય મે’મ’ હાઊ આર યુ..’

આઈ એમ ફાઇન..’ થી વાતો ચાલુ થઈ તે લગભગ કલાક સુધી ચાલી. ગરિમા ફ્રેશ થઈ ગઈ. બહુ જ મીઠડો અને તોફાની છોકરો હતો. કોઇ જ ઓળખાણ નહી અને કોઇ જ સ્વાર્થ નહીં. બસ ગરિમાના પિકચરો અને પ્રોફાઈલમાં ‘મોડેલિંગ’ને એના પેશન તરીકે જોઇને એ જ ફીલ્ડની ઢગલો વાતો કર્યા કરી. એના આલ્બમમાં  અપલોડ કરેલા એના ફોટાઓના દિલ ખોલીને વખાણ કરવા માંડ્યા. પ્રસંશા કોને ના ગમે? એમાં પણ પોતાના ભૂતકાળમાં મોડેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલી માનુનીનું દિલ તો આવી વાતોના નશાની ટેવ ધરાવતું જ હોય.

પછી તો ગરિમાને વિકાસ સાથે ચેટ કરવાનું જાણેકે વ્યસન પડી ગયું . રોજ રોજ ક્લાકોની કલાકો વાતોના પરિણામે છેલ્લે વિકાસે ગરિમાનો વિશ્વાસ જીતી જ લીધો અને ગરિમાનો ફોન નંબર મેળવી લીધો. પછી ચાલુ થયું ગરિમાના મોબાઇલમાં મેસેજીસનું નવું વિશ્વ. મોબાઇલનો માત્ર કામની વાતો કરવા ખપપૂરતો જ ઉપયોગ કરાય એવું માનનારી ગરિમાની સવાર અત્યારે વિકાસના રોજ સવારના ગુડ મોર્નિંગથી તે શુ કરે…શું ખાધું..શું પીધું..શું પ્રોગ્રામ છે હવે અને છેલ્લે ગુડનાઈટના મેસેજીસથી જ રાત પડ્તી. વિકાસે આટલા સમયમાં ગરિમાની વાતોમાંથી એની અંદરની સુસુપ્ત અવસ્થામાં પડેલી ઇરછાઓ વિશે બરાબર માહિતી મેળવી લીધેલી. રીતુ જેવી સખીઓના એક સ્વતંત્ર વ્યક્તિત્વથી સતત પ્રભાવિત રહેતી ગરિમાની એષણાઓ જાણી લીધી અને ફુંક્ મારી મારીને ધીમે ધીમે ગરિમાની અંદર પણ એનું પોતાનું એક આશાસ્પદ ગાયિકાનું અનોખુ અલાયદું અસ્તિત્વ છે જે આ મા, વહુ, પત્ની બધાથી એક્દમ અનોખું છે. એનું પોતાનું અસ્તિત્વ. રોજ રોજ એ જ મતલબની વાતો ગરિમાને હ્રદય સોંસરવી ઉતરવા માંડી. પરિણામે,

‘મારે પણ મારી મોડેલિંગની છોડી દીધેલી કેરિયરને ફરીથી ચાલુ કરવી જોઈએ.મારું પણ એક અલગ અસ્તિત્વ છે, જે મેં આ ઘરની પાછળ લગભગ ગુમાવી દીધું છે. મારે મારા એ અસ્તિત્વની નવેસરથી ખોજ કરવાની છે, ફરીથી એને પાછું મેળવવાનું છે’ ની ધૂન એના મગજમાં સતત ચાલવા લાગી.

એ પછી તો એણે વિકાસની સહાયતાથી નેટ પર કેટલાંય સોર્સ શોધી કાઢ્યાં અને પોતાના નિર્ણયની દિશામાં ડગ માંડવા માંડ્યા. સ્વયંમ – એના પતિએ એને રોકવાનો  ઘણો પ્રયત્ન કર્યો, પણ ગરિમા એકની બે ના થઈ. આ બાજુ વિકાસે પોતાના એક બે મિત્રો જોડે વાત કરીને એને ગરિમાને એકાદ બે મોડેલિંગના કોન્ટ્રાકટ અપાવી દીધા. સ્વયંમનો વિરોધ સામે વિકાસના સતત મળતા પ્રોત્સાહનીયા મેસેજીસ અને એની કાળજીથી ગરિમાના મનમાં પણ એના માટે એક સોફ્ટ કોર્નર ઊભો થવા માંડ્યો. વિકાસ બસ આ જ તકની રાહમાં હતો. એણે ધીરે ધીરે ગરિમાને પોતાની ખૂબસુરત જાળમાં હોંશિયારીથી લપેટવા માંડી અને ગરિમા એમાં આસાનીથી લપેટાતી ગઈ.

વિકાસને સ્વયંમથી છુપાઈ છુપાઈને કામના બહાના હેઠળ મળવા લાગી અને ધીમે ધીમે એજ થઈને ઉભુ રહ્યું જે ઇરાદાથી વિકાસ ગરિમાનું છેલ્લા ૬ મહિનાથી સતત ધ્યાન રાખતો હતો..તન, મન, ધન ગરિમા બધી ય રીતે વિકાસ પર ખુવાર થવા લાગી. ક્યારેક ગિલ્ટી ફીલ થતું તો વિકાસ સતત એને એના ‘અસ્તિત્વની ખોજ’ની યાદ અપાવતો અને કહેતો,

‘ આજ કાલના જમાનામાં કેરિયર બનાવવા માટે તો આવું બધું ચાલ્યા કરે એ ચરિત્ર્ય બરિત્ર બધું તો હવે જૂના જમાનાની વાતો થઇ ગઇ’

એના પ્રેમમાં ગરિમા  બધું ય ભૂલીને પાછી પીઘળી જતી.ગરિમા અને વિકાસના સંબંધની વાતો સ્વયંમના કાને પડવા લાગેલી.એ હવે ધીરે ધીરે ગરિમાથી દૂર થવા લાગ્યો. પણ પોતાના દીકરાના લીધે પોતાના મોઢે સમજના તાળા મારીને ચૂપ રહી જતો.

આજે વિકાસ ગરિમાને લઈને એક ફિલ્મસ્ટાર્સની મોટી પાર્ટીમાં લઈ ગયો હતો. ફિલ્મલાઇનના મોટા મોટામાથાઓ ત્યાં નજરે ચડતા હતા. હાથમાં ‘કોકોનટ વિથ વોડકા’ના નાના નાના સીપ લેતા લેતા ગરિમા બે પળ તો વિકાસના આ પગલાંથી અભિભૂત થઈ ગઈ. ત્યાં તો વિકાસ એનો હાથ ખેંચીન એક જાડીયા સુટેડ બૂટેડ માણસ પાસે લઈ ગયો.

‘આ છે મિ. મીરચંદાની. ફિલ્મ લાઈનના બહુ આગળ પડતા માણસ છે.’

અને ગરિમાના ‘હીરોઇન’ બનવાના સપનાને જાણે પાંખો ફૂટી.

‘હાય .. આઇ એમ ગરિમા. તમારા વિશે તો બહુ બધું સાંભળ્યું છે. મારા નસીબ કે આજે તમને મળવાની તક મળી ગઈ’

‘કુલ ડાઊન..તમે પણ બહુ જ રુપાળા છો. મારે મારી ફિલ્મ માટે તમારા જેવી જ યુવતીની તલાશ હતી.એ લાગે છે કે પૂરી થઈ ગઈ. આમ તો પરણેલી સ્ત્રીઓને બહુ ચાન્સ નથી આપતો. પણ આપની વાત અલગ છે. આપ તો હજુ ‘સ્વીટ સીક્સ્ટીન’ જેવા જ લાગો છો.’

ગરિમા તો આટલું સાંભળતા જ સાતમા આસમાને ઉડવા લાગી.

‘થેન્કયુ વેરી મચ, હું આપનો આ અહેસાન કેવી રીતે ચૂકવીશ એ જ નથી સમજાતું?’

‘અરે એ તો બહુ જ ‘સિમ્પલ’ છે. બસ આપનો થોડો સુંવાળો અને મદમાતો સમય મને આપી દેવાનો બીજુ શું? વળી એ બહાને હું તમને થોડા નજીકથી ચકાસી પણ શકીશ.’

‘મતલબ.. તમે કહેવા શું માંગો છો મિ.?’

એની વાતના મર્મને સમજતા ગરિમા માથાથી પગ ગુસ્સા અને અપમાનથી ધમધમી ગઇ.

‘અરે ગરિમા, જો તને કેરિયરમાં બહુ મોટો ચાન્સ મળી શકે એમ છે. તો બહુ વિચાર નહી.થોડા ‘કોમ્પ્રોમાઇસીસ’ તો કરવા જ પડેને આ લાઇનમાં. તું કંઇ એટલી મૂર્ખ તો નથી જ હવે.. મારી સાથે  છું એમ સમજીને થોડો સમય એમની સાથે ગાળી લે ને,શું ફર્ક પડે છે ? તારા અસ્તિત્વને એક નવું રુપ આપવાનો, નિખારવાનો આવો ચાન્સ આમ નાની શી વાત પાછળ થોડી વેડફી દેવાય? વળી મને પણ આના માટે મોટું કમીશન મળશે.આપણે બેય માલામાલ થઈ જઇશું.નાદાન ના બન ગરિમા’

વિકાસનો અસલી ચહેરો સામે આવતા ગરિમા પળભરમાં જ જાણેકે આકાશમાંથી જમીન પર પછડાઈ. ‘અસ્તિત્વની શોધ’માંથી ચાલુ થયેલી આ જીદ્દી અને વણવિચારેલ લોભામણી યાત્રા આજે એને જીવનના એવા મુકામ પર લઈ આવી હતી કે જ્યાં એનું અસ્તિત્વ જ માટીમાં રગદોળાઇ જવાની તૈયારીમાં હતું..ધરમૂળથી જ નામશેષ થઈ જવાની અણી પર હતું. સ્ત્રી તરીકેની બધીય મર્યાદાઓનું છડેચોક ઊલ્લંઘન કરીને, સ્વતંત્રતાના નામે બધીય લક્ષમણ્રેખાઓ પાર કરી નાંખીને જેને શોધવા હવાતિયા મારતી હતી એ આ જ  હતું કે? શું આ જ એના અલગ અસ્તિત્વની પહેચાન હતી કે..? શું એને આ જ ગરિમાની શોધ હતી કે..? નારી તરીકેની અસ્મિતા ગુમાવીને મેળવાતા આ અલગ અસ્તિત્વની પહેચાન શું એને પૂરતો સંતોષ અને જોઇતી ખુશી આપી શકશે?

અનબીટેબલ :- ‘સંબંધોમાં અહમ કે વહેમ બેય તમારી નબળાઈઓ દર્શાવે છે.’

સ્નેહા પટેલ – અક્ષિતારક

પસ્તાવો..


આજનો ફ઼ુલછાબ છાપામાં મારો ’નવરાશની પળે’ કોલમનો લેખ..

નજર સામે એની પ્રીત છલકાતી રહી
નાહક હું તો વમળોમાં ઘુમરાતી ગઈ
પાણી જેવો પારદર્શક,તરલ પ્રેમ એનો
અને હું પાગલ
એમાં હાંસિયા પાડી ખાલી જગ્યાઓ
શોધતી રહી…

આચમન અને આદ્યા..સરસ મજાનું કપલ હતું. બેય જણના લવમેરેજ હતાં. લગભગ ૨ એક વર્ષ એકબીજાને ઓળખ્યાં-પારખ્યાં, ગુણ અવગુણોથી સારી રીતે વાકેફ થયા પછી ઘરવાળાઓની સંમતિ માંગી. બેય પક્ષે ‘ઓલ ઇઝ વેલ’ની  હ્તું તો બોલવા જેવું કંઇ રહેતું નહતું. બહુ જ સરળતાથી એમને લગ્ન માટે સંમતિ મળી ગઈ અને વાર્તાના રાજકુમાર અને રાજકુમારીની જેમ ખાધું પીધું ને રાજ કર્યુ જેવી હાલત થઈ.

જોકે વાર્તાઓમાં તો વાત અહીં જ પતી જાય..બધું સુખી સુખી..’અંત ભલા તો સબ ભલાની જેમ’. પણ સાચી જીંદગીમાં તો વાર્તા હવે જ શરુ થાય એ હકીકત આપણે સૌ જાણીએ છીએ.

આચમન અને આદ્યાનો લગ્નજીવનનો શરુઆતનો દસકો તો સુખરુપ હેમખેમ સમયની પાંખો પર ઊડતો ઊડતો સરળતાથી વહી ગયો. ભગવાને એમને બે સુંદર મજાના બાળકોની ભેટ પણ આપી. બધુય આમ તો સરસ મજાનું હતું..સુખી સુખી. પણ આદ્યાના દિલમાં એક નાનો શો અસંતોષનો જ્વાળામુખી સતત ભભકતો રહેતો હતો. આચમન સાથે જ્યારે ઓળખાણ થયેલી એ સમયે એના માથે કોઇ જ જવાબદારીઓ નહોતી. એ સમયે પ્રેમનું નવું નવું ભૂત માથે સવાર હતું. દિવસ રાત એ આદ્યાની આગળ પાછળ ફરતો. એની નાની નાની વાતોનું બરાબર ધ્યાન રાખતો. આદ્યાના મોબાઈલ પર દિવસમાં ઢગલો’ક રોમાંટીક મેસેજીસ કરતો.અવનવા કાર્ડસ, ફુલ અને ભેટ સોગાદોથી આદ્યાને પોતાના પ્રેમમાં માથા લગી  ડુબાડી દેતો. પણ હવે એના માથે જવાબદારીઓ વધી હતી. આજકાલના હરીફાઈના અને ડગલે ને પગલે વધતી મોંઘવારીને પહોચી વળવામાં જ એની બધી માનસિક અને શારીરિક તાકાત વપરાઈ જતી. ઘરે આવીને સાવ થાકીને ઠુસ જ થઇ જતો.

આદ્યા એનામાં જુનો આચમન શોધવા સતત વલખા મારતી પણ ત્યાં સતત એને ‘કોરોધાકોર’ આચમન જ મળતો. એના રસઝરતા પ્રણયના સંવાદો આચમનની સંવેદનાવિહીન દિલની દિવાલો સાથે અથડાઇને નિઃશબ્દ થઈને એના જ કાળજે પાછા ભોંકાતા. લાગણીની શોધમાં સતત પ્રયત્નશીલ આદ્યા આચમનને પોતાની આ જરુરિયાતો વિશે સતત સમજાવવાતી રહેતી. એની માંગણીઓ બહુ નાની નાની હતી. મોટાભાગે આચમનના પ્રેમભર્યા સહવાસની જ અપેક્ષા રહેતી. પણ બધું ય પત્થર પર પાણી જેવું જ થઇ જતું. આચમન પૈસા, સુખસગવડની પાછળ આંધળો થઈને દોડતો હતો. પોતાની સાથે જોડાયેલી ત્રણ જીંદગીને અવગણીને સતત પૈસા પાછળ જ દોટ મૂકતો રહેતો. ‘પૈસો છે તો જીવન શાંતિથી જીવવા જેવું  છે’ની માન્યતા એના માનસમાં જડબેસલાક રીતે પેસી ગયેલી. આદ્યાના પ્રેમાળ સ્પર્શ કે ‘આઇ લવ યુ’ ના રીસ્પોન્સમાં પણ,

‘મને આખો દિવસ આવા પેમલા પેમલીના પિકચરના હીરો હીરોઈનો જેવા ડાયલોગો બોલવાનું ને વર્તવાનું ના ફાવે. અમે પુરુષો તમારી માફક આસાનીથી દિલની વાતો કહી ના શકીએ. પણ હું તને પહેલા જેટલું જ ચાહું છુ આદ્યા. મને સમજ્વાનો પ્રયત્ન તો કર તું.’

આદ્યા બધું સમજતી પણ એનું દિલ હંમેશા એક પ્રેમાળ, કાળજી લેતા આચમનની શોધમાં જ રહેતું, જે અતિસંવેદનશીલ આદ્યાની એક અર્થવિહીન -દિશાવિહીન – અંતવિહીન દોડ જ બની રહેતી.

હમણાં થોડા વખતથી આદ્યા ખૂબ શાંત થઈ ગઈ હતી. પહેલાંની જેમ પોતાની લાગણીના રીસ્પોન્સ માટે આચમન સમક્ષ કોઇ જ માંગણીઓ નહોતી કરતી. આચમન એના આ પરિવર્તનથી ખુશ થઈ ગયો. થોડી રાહત અનુભવવા લાગ્યો. હવે આદ્યાની રોકટોકથી મુક્ત થઈને ઘર તરફ, આદ્યા તરફ વધુ બેપરવાહ, બેજવાબદાર બની ગયો. થોડો સમય સુખરુપ વહી ગયો. એકવાર આચમનની તબિયત બરાબર ના હોવાથી એની ૫ દિવસની ટુર ટુંકાવીને બીજા જ દિવસે ઘરે પાછો આવી ગયો. આદ્યાને સરપ્રાઇઝ આપવાના ઇરાદાથી એને પોતાની પાસેની બીજી ચાવીથી હળ્વેથી દરવાજો ખોલ્યો.

ઘરમાં એક્દમ નીરવ શાંતિ હતી. આ સમયે તો આદ્યા રસોઇ કરતી હોય વિચારતા આચમનને થોડી નવાઇ લાગી. ત્યાં તો બેડરુમમાંથી અવાજ આવતા એણે ધીરેથી એ તરફ ડગ માંડયા પણ આદ્યાને સરપ્રાઇઝ આપવાનું એને અઘરું પડી ગયું. અંદર આદ્યા અને એનો પરમ મિત્ર સૂરજ એકબીજાને વળગીને બેડરુમના ‘એલઈડી’માં કોઇ પિકચરની ડીવીડી જોઇ રહ્યાં હતાં. એ બેયના સંબંધની નિકટતા સમજમાં આવતા જ આચમન ધડમૂળથી હલી ગયો. પળ બે પળમાં આદ્યાનું છેલ્લા થોડા સમયથી બદલાયેલું સઘળુંય વર્તન એની સમજમાં આવી ગયું. પણ એના પક્ષે હવે કશું જ નહોતું કે એ હવે કંઇ જ બોલી શકે.સામે પક્ષે આદ્યા અને સૂરજ પણ શરમથી પાણી પાણી થઈ ગયેલાં. ત્રણ માણસોથી ભરેલા બેડરુમમાં વિચિત્ર પ્રકારના સન્નાટાએ પોતાનો ભરડો લઈ લીધેલો.

થોડો સમય ચૂપચાપ રહ્યાં પછી આચમને આત્મમંથન કરીને એક નિર્ણય લીધો અને બોલ્યો,

‘આદ્યા…આઇ લવ યુ સો મચ. આ બધુંય જે થયું એ પા્છળ મારો પણ મોટા પાયે હાથ છે એ હું સ્વીકારું છું. પણ આ થોડી પળોમાં જ મને એવું લાગ્યું કે તારા વિના મારો સંસાર, મારું જીવન કંઇ જ નથી. મારે તારી જરુર છે એ વાતનો  અહેસાસ મારે તને બહુ સમય પહેલાં જ કરાવી દેવા જેવું હતું. પણ અફસોસ..હું એ ના કરી શક્યો. હું બધુંય ભૂલીને તને ફરીથી મારા દિલની રાણી બનાવવા માંગુ છુ ”

પછી એકદમ જ ઘૂંટણીયે પડીને આદ્યાનો હાથ પકડીને એને ચૂમી લીધો અને એની આંખોમાં આંખ પૂરોવીને બોલ્યો,

‘તારી અત્યારની બધી વણબોલાયેલી અને પહેલાં જે સતત બોલાતી પણ અવગણાતી એ બધી વાતો ભુલી જઇને ચાલ, આપણે જીંદગીની સાચી સમજ સાથે એક નવેસરથી શરુઆત કરીએ. તારા આચમનને માફ નહી કરે આદ્યા?”

અને આદ્યાની આંખો વરસી પડી.’આઇ એમ સોરી આચમન. હું …”

આગળની વાતો સાંભળવાનો કોઇ જ ઇરાદો ના હોઇ આચમને આદ્યાના હોઠ પોતાના હોઠથી બંધ કરી દીધા.

બેડરુમમાં ચોતરફ પથરાયેલા પ્રેમના સામ્રાજ્યમાં પોતાની જાતને અપરાધી માનતા સૂરજે આદ્યાના ડ્રેસિંગ ટેબલના કાચ પર એની લિપસ્ટીક્થી ‘આઇ એમ સોરી દોસ્તો ..હવે પછી હું ક્યારેય તમારા જીવનમાં પાછો નહી આવું..તમારું જીવન પ્રેમથી આમ જ નવપલ્લિત રહો’ લખીને રુમની બહાર સરકી ગયો.

અનબીટેબલ :-” જે વ્યકિતએ જીવનમાં ભુલો કરી છે,  એનો  પસ્તાવો પણ  છે અને આગળ એવી ભુલો ના થાય એ માટે સજાગ પણ છે…તો એ પ્રામાણિક, સારો અને વિશ્વાસ મુકવાની  એક તક અચૂક આપવા જેવો માણસ છે.”


સ્નેહા પટેલ – અક્ષિતારક

બાળમરણ


સમાજમાં ધીરજ વગરના અને ઉતાવળે બંધાયેલા સંબંધોના બાળમરણનો દર સારો એવો ઊંચો જોવા મળે છે.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

સપના


જીવનમાં અમુક સપનાઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક

કાચની બારી


કાચની બારી બંધ કરી
‘કોલીન’નું સ્પ્રે કર્યું
છાપાનો ટુકડો લીધો
ઘસી ઘસીને સાફ કરવાનું અભિયાન શરૂ..
કાચની બારી
ડાઘાવાળી હોય તો કેવી ગંદી લાગે
એક પણ ડાઘો ના જોઇએ એના પર આજે
કચ્ચીને થતી મહેનત કપાળના પરસેવાની બુંદો બની ગઈ
કુર્તાની ‘સ્લીવ’થી પરસેવો લુછ્યો
દૂરથી થોડા અલગ અલગ ‘એંગલ’થી કાચ ધ્યાનથી નિહાળ્યો
હાશ..
હવે કોઇ જ ડાઘો નથી દેખાતો
મહેનત વસૂલ
ત્યાં તો એક કબૂતર જોરથી ઉડતું આવ્યું
ખુલ્લાપણાનો ભ્રમ નીપજાવતા ચોખ્ખા ચણાક કાચ
અને એ ગભરું નિર્દોષ પારેવું ભરમાયું
ધડામ..
રામ નામ સત્ય…
કાશ..અતિચોખ્ખાપણાનું ભૂત ના ભરાયું હોત
તો આજે મારા શિરે પારેવાના મોતમાં
આડકતરો હાથ હોવાનો ગુનો તો ના હોતને..

સ્નેહા પટેલ – અક્ષિતારક

પ્રતિકાર


http://www.janmabhoominewspapers.com/Phulchhab/ePaper.aspx

આજના ફ઼ુલછાબ દૈનિક પેપરમાં’નવરાશની પળે’ કોલમનો મારો લેખ.

અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,

બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!

વેદિકા.. સુંદર, પ્રેમાળ અને લાગણીશીલ નારી હતી. પતિદેવનું નામ અનુજ અને આઠ વર્ષના દીકરાનું નામ આદિત્ય. ઘર સદા એના પ્રેમાળ અને કાળજી લેવાની  ટેવવાળા સ્વભાવથી છલકાતું, મઘમઘતું રહેતું. ઇન-મીન ને તીનની સરસ મજાની લાઇફ હતી.

આ દુનિયામાં કોઇ સર્વગુણ સંપન્ન નથી હોતું. એમ વેદિકા પણ બહુ ‘શોર્ટ ટેમ્પર’ હતી.

નાની નાની વાતમાં એને ગુસ્સો આવી જતો, અકળાઇ જતી. ઘણીવાર એ અનુજની જોડે ઝગડી પડતી અને આકરા શબ્દો પણ બોલી જતી. અનુજને કામધંધાના અનેકો ટેન્શન માથે હોય એટલે દર વખતે એને વેદિકાને સંભાળવાનો સમય નહતો રહેતો. એટલે એ વાતને બહુ મહત્વ આપ્યા વિના ઘરમાંથી બહાર નીકળી જતો.એનું આવું રુક્ષ વર્તન વેદિકાના દિલ પર આરી ચલાવવાનું કામ કરતું. એને વાત પતે નહીં ત્યાં સુધી ગુસ્સો કંટ્રોલમાં ના આવે અને અનુજ ઝગડો કરવાનું ટાળવા માટે એની સાથે વાત કરવાનું જ બંધ કરી દેતો. આમ ઘરમાં ટેન્શનનું વાતાવરણ સર્જાઈ જતું. ઘણી વાર આ બધા ચકકરોમાં એમનું નાનકડું નિર્દોષ ફુલ આદિત્ય વેદિકાના ગુસ્સાની ચપેટમાં આવી જતો. એક નાનકડી ભુલ કે અસ્તવ્યસ્તતા થાય તો પણ વેદિકા એનું મગજ ગુમાવી બેસતી અને આદિત્ય પર હાથ ઊગામી બેઠતી. લાગણીશીલ માણસોના ગુસ્સાનું હોય એમ જ પળભરમાં તો એનો ગુસ્સો ઠંડો પડી જતો. એ વખતે એને ભાન થતું કે પોતે કેટલી મોટી ભુલ કરી બેઠી. કોનો ગુસ્સો કોની પર કાઢી બેઠી. પસ્તાવો થતાં એ એના દીકરા જોડે જઈને એને ચૂમીઓથી નવડાવી દેતી અને ‘સોરી’ કહીને મનાવી લેતી. છોકરાઓનું દિલ તો એક્દમ સાફ હોય. એમને માની જતા ક્યાં વાર લાગે ! આદિત્ય પણ મમ્મીના પ્રેમમાં તરબોળ થઈને પોતાની એકાદ કેટબરીની માંગણી પૂરી કરાવીને પાછો ખુશખુશાલ થઈ જતો. વેદિકા બહુ પ્રયત્ન કરતી કે હવે એ ગમે તે થાય પણ આદિત્ય પર હાથ નહી ઊગામું પણ એ બધું બહુ ઝાઝું ટકતું નહીં.

આદિત્ય હવે ધીમે ધીમે મોટો થતો જતો હતો. સમજશક્તિ પણ વધી હતી. ઘરની હાલતનું ‘ઓબઝર્વેશન’ કરતો થઈ ગયો હતો. પણ વેદિકાને મન એ હજુ બચ્ચું જ  હતો..એનું નિર્દોષ બચ્ચું. એક વાર આમ જ ગુસ્સાની ચરમસીમાએ ફરીથી આદિત્યનો વારો પડી ગયો. આ વખતે એને બહુ લાગી આવ્યું. મમ્મીનો માર ખાધા પછી એ અચાનક જ એના રુમમાં જતો રહ્યો અને બારણું અંદરથી બંધ કરી દીધું. આદિત્યનું આવું અકલ્પનીય વર્તન જોઈને વેદિકાનો બધો ગુસ્સો એક્દમ જ ઊડી ગયો અને એનું સ્થાન એક અજાણ્યા ભયે લઈ લીધું. એણે રુમના બારણા પોતાની કોમળ મુઠ્ઠીથી ખખડાવવા લાગી..મુક્કા મારવા લાગી પણ આદિત્યએ બારણું ખોલ્યું જ નહીં. બહારથી બૂમો પાડી પાડીને વેદિકાએ મોટેથી ‘સોરી સોરી’નો, મારા ડાહ્યા દીકા જેવા આવડતા બધા રાગ આલાપી લીધા. પણ આદિત્ય ટસનો મસ ના થયો. હવે વેદિકા ગભરાઈ. એણે અનુજને ફોન કરીને તરત ઘરે બોલાવ્યો અને પરીસ્થિતીથી વાકેફ કર્યો.

અનુજ બે પળ તો સ્તબ્ધ થઈ ગયો. પછી એણે તરત મગજ દોડાવવા માંડ્યું તો બાજુવાળાની ગેલેરીમાંથી આદિત્યના રુમની ગેલરી સુધી પહોંચી શકવાનો રસ્તો દેખાયો. એણે તરત જ એક લોખંડની સીડી બેય ગેલેરી વચ્ચે ગોઠવીને એનો પુલ બનાવ્યો. આમ એ  આદિત્યની રુમની ગેલેરીમાં  પહોંચવામાં સફળ થઇ ગયો. ત્યાં જઈને સૌથી પહેલાં તો એણે રુમનો દરવાજો અંદરથી ખોલી કાઢ્યો. વેદિકા તરત જ અંદર ધસી આવી. બેયની નજર આદિત્ય પર પડતાં બેય સ્તબ્ધ થઈ ગયા. આદિત્યના કોમળ ગાલ પર આંસુના રેલાની નિશાનીઓ એના દુઃખની ચાડી ખાતી હતી. એના હાથમાં ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો હતો. અને આદિત્ય એની સામે એકીટશે જોઈ રહયો હ્તો.

વેદિકાએ એકદમ જ આદિત્યને પોતાની બાહોમાં લઈ લીધો.’આદિ..બેટા…હોશમાં તો છે ને..કેમ આમ વર્તન કરે છે? અનુજે એક હાથે વેદિકાને બાજુમાં ખસેડી અને આદિના રેશમી વાળમાં કોમળતાથી હાથ ફેરવતા પૂછ્યું,

બેટા શું થયું..તારા જેવો ડાહ્યો દીકરો સાવ આવું વર્તન કરે એ સારું કહેવાય કંઈ?”

અને આદિ એકદમ છંછેડાઈ ગયો.

‘તમે મોટા લોકો બાળકો જેવું વર્તન કરો એનું કંઇ નહીં ડેડ..? હું નાનો છું, તાકાત નથી મારામાં, એટલે મોટાઓની  સામે તો મારે કેમનું થવાય? એટલે ના તો કંઇ બોલાય કે ના વળતો પ્રહાર પણ થાય!! તેં હેં પપ્પા, આ તો ભારોભાર અન્યાય ના કહેવાય..? હું ક્યારનો આ કનૈયાને એ જ પ્રાર્થના કરું છું કે મને જલ્દીથી મોટો કરી દે..મારી મમ્મી કરતાં પણ મોટો…જેથી પપ્પાનો ગુસ્સો કે મમ્મીનો માર ના ખાવો પડે. જો હું પણ સામે મIરી દઈશ એવી બીક હોય તો મમ્મી, સાચું બોલ તું મારા પર હાથ ઊગામવાની?  પ્રતિકારમાં વળતા હુમલાની બીક હોય તો આવું કરતાં પહેલાં તું સો વાર વિચાર કરે કે નહીં? મારે સામે હાથ નથી ઉગામવો પણ માર પણ નથી ખાવો..કનૈયા જોડે શરત લગાવેલી કે તું મારી વાત માનીને મને મોટો નહી કરે ત્યાં સુધી હું દરવાજો નથી ખોલવાનો. પણ ડેડી..તમે બધા પર પાણી ફેરવી દીધું.”

વેદિકા અને અનુજ તો સ્તબ્ધ જ થઈ ગયાં. એમણે વાતને આ ‘પોઈન્ટ ઓફ વ્યુ’થી તો કદી વિચારી જ નહોતી. વેદિકાએ વિચાર્યુ તો એને પણ આદિની વાતમાં ભારોભાર સત્ય વર્તાયું. જો કદા્ચ આદિ બળવાન હોત..સામે હાથ ઉગામીને પોતાનો બચાવ કરવા માટે પ્રતિકાર કરી શકવાને સમર્થ હોત તો સો ટકા વેદિકાનો હાથ અટકી જાત. પોતાના મનસ્વી વર્તન સામે એ બિચારું બાળમાનસ તો બોલીને પણ ગુસ્સો વ્યક્ત કરી શકે એટલી સમજ નહતું ધરાવતું..હે ભગવાન, અજાણતા પોતાના જ લોહી પર પોતે કેવો અત્યાચાર કરતી આવી હતી એનું ભાન થતાં વેદિકાને પારાવાર પસ્તાવો થઈ ગયો.  પોતાના બે ઘડીના ગુસ્સાનું, અણસમજનું આવું કરૂણ પરિણામ જોઈને બેયની આંખોમાં આંસુ છલકાઇ આવ્યાં. બેય જણને પોતાની ભુલ સમજાઇ અને એક બીજાની આંખોમાં જોઇને આંખોથી જ એક વચનની આપ-લે કરી લીધી કે,” હવે પછી ગમે તે થાય પણ આદિત્ય પર હાથ તો નહી જ ઊગામીએ. બને એટલો એની સાથે સમજાવટથી , ધીરજથી જ કામ લેવાનો પ્રયત્ન કરીશું.”

અનબીટેબલ :- જીવનમાં રાગ, દ્રેષ જેવી લાગણીઓ ભલે  સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાંયનું  સમતોલન કરીને જીવનને હળ્વું ફ઼ુલ રાખો

સ્નેહા પટેલ – અક્ષિતારક

ગુલાબ અને શિશુ…

પ્રભાતના કોમળ સૂર્યકિરણોથી જેની
ચમકતી સુંવાળી મૃદુ ચામડી
ગુલાબી ગુલાબી થઇ ગઈ છે
એવું એક નાનકડું શિશુ
આખાય વિશ્વનું કુતૂહલ પોતાની
ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને
એકીટશે બાગમાં ખીલેલા
ગુલાબની સામે નિહાળતું હતું
નારાજગીના સૂરોમાં
’ઊંવા ઊંવા’ રાગ આલાપી
ફ઼રિયાદ કરતું હતું
જબરો ઉસ્તાદ તું હોંકે
સાવ સાચું બોલજે
તેં મારા ગુલાબી ગાલના રંગની
ચોરી કરી છે ને..!!
જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની
પાંખડીઓની વર્ષા કરી દીધી
અને
બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.
સ્નેહા પટેલ – અક્ષિતારકપ્રભાતના કોમળ  સૂર્યકિરણોથી જેની

ચમકતી સુંવાળી મૃદુ ચામડી

ગુલાબી ગુલાબી થઇ ગઈ છે

એવું એક નાનકડું શિશુ

આખાય વિશ્વનું કુતૂહલ પોતાની

ગોળ ગોળ માસૂમ કીકીઓમાં ભરીને

એકીટશે બાગમાં ખીલેલા ગુલાબની સામે નિહાળતું હતું

નારાજગીના સૂરોમાં ’ઊંવા ઊંવા’ રાગ આલાપી

ફ઼રિયાદ કરતું હતું

જબરો ઉસ્તાદ તું હોંકે

સાવ સાચું બોલજે

તેં મારા ગુલાબી ગાલના રંગની ચોરી કરી છે ને..!!

જવાબમાં ગુલાબે હસીને એના પર પોતાની

પાંખડીઓની વર્ષા કરી દીધી

અને

બાળક આખું ગુલાબી ગુલાબી થઈ ગયું.

સ્નેહા પટેલ – અક્ષિતારક

વિરોધાભાસ


સાફ઼ વાત બોલનારાના ભાગે હંમેશા બે વિરોધાભાસી વાક્યો  સાંભળવાના આવે છે.

 

એક-  તને બોલવાનું  સહેજ પણ ભાન નથી

અને

બે –  તને બહુ જ સરસ બોલતા આવડે છે.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

વાતો


જે માણસને મળો ત્યારે તમારી વચ્ચે  ’ એની અને તમારી ’ જ વાતો વધુ  થશે તો સંબંધ વધુ ગાઢ અને  મજબૂત બનશે..

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

ઉદાસ સાંજ


હમણાં જ રાતી સાંજ ઢળી તારા વગર

હતી એ પણ મારી જેમ

ચૂપચાપ , ક્ષુબ્ધ, ઉદાસ તારા વગર….

 

સ્નેહા પટેલ  – અક્ષિતારક

નબળાઈ


સંબંધોમાં અહમ કે વહેમ..બેય તમારી નબળાઈઓ દર્શાવે છે.

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

ગુસ્સો.


મારો આજનો ’ફ઼ુલછાબ – નવરાશની પળ’નો લેખ

તારે હૈયે વેદનાનાં સોળ ઊઠે છે,

તને ખબર…

લોહીની ટશરો ક્યાં ક્યાં ફુટે છે?

શ્રેયા અને પલક..બેસ્ટ ફ઼્રેન્ડસ.. બેય જણ નાનપણથી સાથે નૃત્યની તાલીમ રહયા હતાં. સાથે ઢગલો’ક સ્ટેજશો પણ કર્યા હતાં. બેયની કે્મિસ્ટ્રી એકબીજા સાથે એટલી સુંદર રીતે  તાલમેલ ધરાવતી હતી કે એકના વિના બીજાની કલ્પના પણ  નહોતી કરી શકાતી. શ્રેયા પલક સામે એનર્જીમાં થોડી નબળી પડતી હતી. પણ પલક બહુ જ ખૂબીથી એની એ નબળાઈ ઢાંકી દેતો હતો જેથી કોઇને એ વાત જલ્દી નજરે નહોતી ચડતી.ઓડીયન્સમાં એમની જબરદસ્ત લોકપ્રિયતા જોઇને એમના ડાન્સ ટીચર પણ શક્ય ત્યાં સુધી ડાન્સમાં એ બે ને જ પાર્ટનર તરીકે રાખતાં.

છેલ્લાં થોડા દિવસથી પલકના ઘરમાં ટેન્શનનું ભારેખમ મોજું ફ઼રી વળેલું હતું. એનું કારણ હતું પલકના પપ્પાના એમની સેક્રેટરી જોડેના દિવસે દિવસે વધતા જતા સંબંધો. પહેલાં પલકના મમ્મી જીજ્ઞાબેન એમના બેડરૂમ સુધી જ આ વાત સીમિત રાખતા હતા. પણ  હવે પલકના પપ્પાએ એને એમની વિરોધ ના કરી શકવાની નબળાઇ સમજીને સમાજમાં ખુલ્લે આમ પોતાની મનમાની કરવા માંડી હતી અને ઊઘાડેછોગ એમની સેક્રેટરીને શહેરના પોશ વિસ્તારમાં એક ફ઼્લેટ અપાવીને એમની બેશરમ રાસલીલાઓ આરંભી દીધી હતી. વળી જીજ્ઞાબેન કોઇ જ વિરોધ નોંધાવાનો પ્રયત્ન કરે તો, આ બધા પાછળ આડકતરી રીતે એમનો સીધો સાદો , ઘરેલુ સ્વભાવ જ જવાબદાર છે એમ પૂરવાર કરીને એક વિકૃત સંતોષ પણ અનુભવી લેતાં.જ્યારે હકીકત એકદમ ઊલ્ટી હતી. જીજ્ઞાબેન એક પ્રેમાળ, વ્યવહારકુશળ, સુંદર મજાનું હસમુખુ વ્યક્તિત્વ ધરાવતા હતા. લગ્ન પછી થોડા વર્ષોમાં ઘરને પોતાની જરૂર વધારે લાગતા પોતાની સુંદર મજાની નોકરી છોડીને ઉજ્વવળ કેરિયરને લાત મારી દેતા એક મિનિટનો પણ વિચાર નહતો કર્યો. પતિની ભ્રમરવૃતિને પોતાના પ્રેમથી જરુર અંકુશમાં લઈ શકશે અને એ પોતાની પાસે પાછો ફ઼રશે જેવી તકલાદી આશાના મિનારો પર શ્વસતું એમનું ૨૫ વર્ષનું લગ્નજીવન એમને હવે ખતરામાં લાગતું હતું. એટલે નાક બંધ થતા જીગિષાબેનનું મોઢું હવે જાહેરમાં ખુલવા માંડેલું. આજે પણ ફ઼રી એ જ વાતનો ઝગડો…પરિણામે ૨૨ વર્ષના પલકને પોતાનું જુવાન ગરમ લોહી હવે ઉછાળા મારીને લમણાંની નસો ફ઼ાડીને બહાર આવી જશે એમ જ લાગતું હતું. અકળાઇને ઘરની બહાર નીકળી ગયો ને પહોંચ્યો પોતાના ડાન્સ કલાસમાં.

મ્યુઝિક સિસ્ટમમાં વાગતા હીપ-હોપના લેટેસ્ટ ગીત પર નૃત્ય કરતાં કરતાં પલકનો ગુસ્સો એને વારંવાર ભુલો કરાવતો હતો. બે વાર તો શ્રેયાના પગ પર જોરથી એનો પગ પડતાં બહુ ખરાબ રીતે શ્રેયાનો પગ કચડાઈ ગયો. આંખમાં ધસી આવેલ આંસુ પર માંડ કાબૂ રાખીને શ્રેયા એક શબ્દ પણ ના બોલી. એક સ્ટેપમાં પલકે શ્રેયાને ઉંચકવાની હતી. ઢીંગલી જેવી શ્રેયાને આગળ પણ પલક પોતાના મજબૂત બાવડા પર આસાનીથી ઊંચકી લેતો હતો. કોઇ નવું સ્ટેપ નહોતું આ એમના માટે. આજે પણ શ્રેયાએ એ જ વિશ્વાસ અને બેફિકરાઈથી પોતાની જાતને પલકના હાથ પર છોડી..પણ આ શું…આટલા વર્ષોમાં ક્યારેય નહોતું બન્યું એ આજે બન્યું ને શ્રેયાને પોતાના હાથમાં સફળતાથી ઊંચકવામાં અસફળ પલકે બેલેન્સ ગુમાવતા શ્રેયા બહુ જ ખરાબ રીતે ભોંય પર પછડાઈ.. પલક બે ઘડી અવાચક થઈ ગયો પણ પછી એક્દમ જ શ્રેયા પર વરસી પડ્યો. “આટલા વર્ષોથી ડાન્સ શીખે છે પણ સાવ ‘ઢ’ની ‘ઢ’ જ રહી હજુ. આ તો હું છું તો તું આટલી આગળ આવી શકી બાકી તો હજુ તું ડાન્સની કે.જી.માં જ ભણવાને લાયક છું.મહેરબાની કરીને મગજને કોન્સન્ટ્રેટ કર અને ભુલો સુધારીને ડાન્સમાં પરફેક્શન લાવવાનો પ્રયત્ન કર.” અને ત્યાંથી બહાર નીકળી ગયો. સિગારેટના ખોખામાંથી એક સિગારેટ કાઢીને ફટાફટ ૪-૫ કશ ઉપરાઉપરી લગાવી દીધા. લગભગ ૧૦એક મિનિટ પછી એનું મગજ શાંત થતા એને પોતાની ભુલ સમજાણી. પોતે આટલા બધાની વચ્ચે શ્રેયાને સાવ આમ ઉતારીને  સારું તો ના જ કર્યુ કહેવાય. પસ્તાવાના ઝરણામાં નહાવા લાગ્યો. પોતાની વાતનો હવે શ્રેયા શું પ્રતિભાવ આપશે એની અવઢવ વચ્ચે એણે બારીમાંથી ઇશારો કરીને બહાર બોલાવી.પણ આ શું? આશ્ચર્યમ.. શ્રેયાએ પળના ય વિલંબ વિના ટોવેલ ઉઠાવી પરસેવો લુછતા લુછતા વોટર બોટલમાંથી ઘુંટડો ભરતી’કને એની આગળ આવીને ઊભી રહી ગઈ.

‘બોલ”

“આઈ એમ સોરી શ્રેયા, મારે..આગળના શબ્દો મોઢામાંથી બહાર આવે એ પહેલાં શ્રેયાએ એની નાજુક આંગળી એના હોઠ પર મૂકીને  ચૂપ કરી દીધો ને  બોલી,

‘પલક,  હું તને વર્ષોથી ઓળખું છું. તે મને હંમેશા સાચા દિલથી  પ્રેમ અને ઇજ્જ્ત આપ્યા છે. તારા દિલમાં મારા માટે સાચી લાગણી છે એ મને ખ્યાલ છે. છેલ્લાં કેટલાંય વખતથી તું અકળાયેલો છે એ પણ તારા વર્તન પરથી ક્યાસ કાઢી શકી છું. તો બની શકે તારું ફ્રસ્ટ્રેશન આજે આમ નીકળી ગયું હશે.ફાઈન. ઓકે..મને કંઇ ફરક કે તકલીફ નથી પડી.આટ્લી જીંદગી અને મારા મમ્મી જોડેથી હું થોડી વાતો શીખી છું કે સામેવાળા માણસને તમારા માટે સાચી લાગણી હોય એ તમને ખ્યાલ હોય તો એ ગુસ્સામાં હોય ત્યારે એના શબ્દો પર બહુ ધ્યાન ના અપાય.એના શબ્દોનો કોઇ અર્થ જ નથી હોતો.બોલનાર વ્યક્તિને પોતાને શું બોલે છે એનું ભાન નથી હોતું. વળી માણસ ક્યારેય ખરાબ નથી હોતો. ખરાબ હોય છે તો માત્ર એના સંજોગો.તો તારા આ સંજોગોમાંથી બને એટલો જલ્દી રસ્તો શોધીને બહાર આવે એની હું આતુરતાથી રાહ હોવું છું.”

અને પલક બાધો બનીને શ્રેયાની નાની ઊંમરની મસમોટી સમજણને મનોમન વંદન કરી રહ્યો. એના મનમાં શ્રેયા માટે લાગણી અને ઇજ્જત ઓર વધી ગયા.મનોમન હવે ભવિષ્યમાં કોઇનો ગુસ્સો કોઇ પર કાઢવાની ભુલો ના થાય એટલો સજાગ રહેવાનું જાતને વચન આપી બેઠો.

અનબીટેબલ :-  જીવનમાં રાગ, દ્રેષ,ગુસ્સો જેવી લાગણીઓ ભલે  સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાંયનું  સમતોલન કરીને જીવનને હળ્વું ફ઼ુલ રાખો.

સ્નેહા પટેલ – અક્ષિતારક

અહમ


જો તું

તારો ’અહમ’ ના વહાવી શકતો હોય

તો મારા

આ પ્રેમના ’ગંગા – વહેણ’ પણ નકામા…

 

સ્નેહા પટેલ – અક્ષિતારક

મારા શિક્ષકો


ફ઼ુલ,ઝાડ,પાન

પશુ- પંખી, નદી, પર્વત, ઝરણાં, સાગર

નાના ભૂલકાંઓ, મોટેરા વડીલો, સમવયસ્કો

પ્રિય પતિદેવ અને લાડકવાયો દીકરો

સજ્જનો, દુર્જનો

મિત્રો, દુશ્મનો

નેટની દુનિયાના લોકો હોય કે રીઅલ દુનિયાના

અને બધાયથી ઉપર

પેલ્લો આકાશમાં બેસીને

આ સઘળાંયનો દોરીસંચાર જે પોતાના હાથમાં રાખે છે

એ મહાન કારીગર…મારો ભગવાન…મારો અંતરાત્મા

આ સઘળાંય લોકો પાસેથી રોજ કંઇક નવું શીખું છું

એ બધાયને હું મારા આદરણીય શિક્ષકો ગણું છું..

સઘળાંયને મારા શત શત વંદન…

સ્નેહા પટેલ – અક્ષિતારક

તક બાય ચાન્સ…


‘શ્રી ખોડલધામ સ્મૄતિ’ માસિક મેગેઝિનમાં મારો આ મહિનાનો લેખ..:-

“સરી ગયેલી તક જીવનમાં ફરી નથી મળતી.પણ હા, નવી તકો જરુર મળે છે”

‘તક’  આ બે અક્ષરોનો નાનકડો શબ્દ બહુ લપસણો અને સરકણો હોય છે. વળી મનમૌજીલો પણ ખરો. જીવનના કયા વળાંકે ક્યારે એ સામે ભટકાઈ જશે એનો કોઇ જ સમય કે ધારાધોરણો પહેલેથી નક્કી નથી હોતા. આપણે બસ આપણી સમજદારીના આંખ અને કાન ખુલ્લા રાખી સતત આપણી આજુ-બાજુ એની હાજરીની એંધાણીઓ શોધતા રહેવું પડે. સજાગ સાબદા રહેવું પડે છે અને જરાક પણ અણસાર આવે એટલે ચીલઝડપથી એનું પગેરું ચાંપીને ફટાક દેતાંક્ને એનો ‘થપ્પો’ કરી દેવો પડે છે. જરાક પણ ગફલત રહેવાનું ના પોસાય એમાં. જોકે સાચી તકો સમયસર  સમજવી અને ઝડપવી એ સરળ નથી. અમુક સમયે તક જતી રહે ને આપણે બીજા જ જ રસ્તે તક્ને શોધતા ફરતા હોઇએ..

એક અમેરિકન લેખક હતા હોર્થોન. એમને પોતાની ગવર્નમેન્ટની સલામત નોકરીમાંથી એકાએક જ બરતરફી મળી. એ નિરાશાની ખાઇમાં ગર્ત થઈ ગયા. જીવનની કટોકટી ભરેલી આ પળોએ એમની વ્હારે આવ્યા એમના મિત્રતુલ્ય પત્ની. નિરાશાના વાદળોમાંથી આશાની રોશની શોધી કાઢી અને પતિના ટેબલ પર એક પણ અક્ષ્રરનો વાદ્-વિવાદ કર્યા વગર શાહીનો ખડીયો અને કલમ મૂકીને કહ્યું,

“ ઘણા વખતથી તમારા મગજમાં નવલકથા લખવાનો વિચાર રમતો હતો તો ઇશ્વરે હવે એ વિચારને પૂર્ણ કરવાની તક આપી છે. તો ઝડપી લો હવે.જે થયું સારા માટે જ થયું. “

હોર્થોને એ તક ઝડપી લીધી અને એમને પોતાની યાદગાર ક્રુતિ ‘ધી સ્કાર્લેટ લેટરનું’ સર્જન કર્યું અને એ પુસ્તક પોતાની પત્નીને સપ્રેમ અર્પણ કર્યું. આના જેવું સુંદર ઉદાહરણ બીજું કયું હોઇ શકે નિરાશામાંથી તક શોધીને એ તકનો યોગ્ય ઉપયોગ કરવાનું..!

તક અને મહેનત એ બેય ‘નસીબ’ નામના સિક્કાની બે બાજુ જેવી છે. દરેક માનવીના જીવનમાં અમુક તબકકે આ વાક્ય મોઢામાંથી સરી પડતું જ હશે કે,’અરે યાર…આટ-આટલી મહેનત કરીએ છીએ પણ શું થાય, નસીબ છે કે સાથ જ નથી આપતું. જીવનમાં આગળ વધવા એક જ ‘ચાન્સ-તક’ જોઈએ છે પણ એ હાથમાં આવતી જ નથી. મહેનત કરવામાં ક્યારેય પાછા નથી પડતા પણ તક હંમેશા ટપલીદાવ કરીને છટકી જ જાય છે શું કરવું આની અવળચંડાઇને હવે? ઘણા વ્યક્તિઓ બહુ જ  પ્રેકટીકલ હોય છે.’અમે નસીબ બસીબમાં કંઇ નથી માનતા. મહેનત કરો મહેનત..તમને તમારા ભાગની મજૂરી મળી જ રહેશે. મહેનતના ફળ મીઠા જ હોય છે. તક બક તો આવે ને જાય..એવી ચિંતા નહી કરવાની’ જેવા સ્વસ્તિવચનો બોલ્યા કરતાં હોય છે. પણ એક વાર-બે વાર- ત્રણ વાર..બસ..મહેનતના ફળ પાક્યા વગર ટપ-ટપ જમીન પર પડવા માંડે અને નજર સામે જ ધૂળમાં રગદોળાઈને વેડફાતા લાગે ત્યારે જાત પરનો કાબૂ ગુમાવી, ધીરજ ખોઇને એ લોકો પણ રાતો રાત નસીબમાં માનતા થઈ જાય છે. ‘સાલ્લુ…નસીબ જ સાથ નથી આપતું..એક  તક જોઇએ છે બસ..પછી જુઓ મારો સૂરજ કેવો મધ્યાન્હે તપે છે.’  પ્રારબ્ધ નામનો દેવ આવા લોકો પર સમય આવે રીઝે અને અણધારી રીતે જ કોઇ સોનેરી તક એમના જીવનમાં ધકેલી પણ આપે છે.પણ ત્યારે મુશ્કેલી એ આવે છે કે માણસો એ તકને સમજવા માટે અજાણ હોય છે.

આના સંદર્ભમાં એક જાણીતી વાત યાદ આવી. એક માણસને ભગવાન પર બહુ જ વિશ્વાસ હતો.એક વાર એ નદી પાર કરી હોડીમાં બેસીને શહેરમાં જતો હતો.રસ્તામાં ભયંકર વાવાઝોડું ફુંકાયું અને હોડી હાલક ડોલક થવા લાગી. એ માનવીને રસ્તામાં એક તૂટેલી હોડીનું લાકડું દેખાયું તો એણે વિચાર્યુ કે મારી રક્ષા કરનારો તો હજારહાથ વાળો બેઠો છે. મારે શું કામ આવા લાકડાની મદદ લેવી. મને મારા પ્રભુમાં અનહદ વિશ્વાસ છે. એમ કરીને એણે એ લાકડું  જવા દીધું. તોફાન તો બંધ જ નહોતું થતું.ત્યાં પેલા માણસને એક તણખલું દેખાય છે તો પણ એ વ્યક્તિ ભગવાન જાતે આવીને એને બચાવશેની માળા જપતો બેસી રહે છે. છેલ્લે હોડી ડૂબી જાય છે અને પેલો માણસ ઉપર  ભગવાન સમક્ષ ફરિયાદ કરે છે.’મેં તારી પર આટલો વિશ્વાસ રાખ્યો ને તું મારી મદદે ના આવ્યો. મેં તારી જોડે આવી અપેક્ષા તો નહોતી જ રાખી.’ ત્યાં પ્રભુએ કહ્યું,’હું બે વાર તારી મદદે આવ્યો..એક વાર તૂટેલ લાકડાના સ્વરુપે અને બીજીવાર તણખલાના સ્વરુપે. પણ  તું સમજી ના શક્યો ને ફક્ત નસીબ અને શ્રધ્ધાના સહારે હાથ પર હાથ ધરીને  બેસી રહ્યો. મળેલ તક સમજી ના શક્યો, ઝડપી ના શક્યો તો હું શું કરું? આમાં મારો વાંક ક્યાં?

આમ માનવી પોતાને કયા સ્વરુપે અને કયા સમયે  તક રસ્તામાં ભટકાણી અને પોતે ક્યાં  ચૂક્યા  એ વાતોનું ધ્યાન આવે ત્યારે તો બહુ  મોડું થઇ ગયું હોય છે. વધારામાં આ વેળા તો સાંપડેલી તક પોતે સમજી શક્યો નહીંનો વસવસો એને  હેરાન પરેશાન  કરીનાંખે છે.ચારેકોર જાણે ઘોર નિરાશાના વાદળો છવાઇ જાય છે. હતાશાની પળો એના દિલોદિમાગ પર કબ્જો જમાવી દે છે. અંદરોઅંદર તૂટતો જાય છે.

પણ એક વાત હંમેશા યાદ રાખો મિત્રો, આ દુનિયા એ ઉપરવાળાએ ગોઠવેલી એક ‘ઝીગ શો’ પઝલ ( નાના બાળકોની પૂંઠાના ટુકડાં જોડીને પિકચર બનાવવાની એક ગેમ)જ છે. એણે દરેકે દરેક પીસ એની યથાયોગ્ય જગ્યાએ ગોઠવીને જ આપણી આ જીદગી નામની ગેમ બનાવી છે. એક તસુભાર જેટલી ખોટ પણ ના હોય એની ગણત્રીમાં. બહુ અદભુત કલાકાર છે એ પણ. તમે બસ એની પર વિશ્વાસ રાખો. અખૂટ શ્રધ્ધા રાખો. આ તક ગઈ તો જાણે જીવન પતી ગયું કે અટકી ગયું જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહો. અરે આપણું જીવન તો જાત જાતની ભાત ભાતની તકોથી ભરપૂર છે. એક ગઈ તો બીજી નહી મળે એવું ક્યારેય ના વિચારો. બની શકે કે બીજીવાર કદાચ એનાથી પણ વધુ સારી તક તમારા નસીબના સિક્કામાં છપાયેલી હોય. માટે ફરીથી એક વાર સાબદા થઈ આંખકાન અને સમજશક્તિના દ્વાર ખુલ્લાં રાખીને મહેનત કરવાની લગન જીવંત રાખો.આ સડસડાટ સરકતી તકોની શું વિસાત કે તમારા હાથમાંથી ફરીથી છટકે? બસ તમારી મહેનત અને ઉપરવાળાના ન્યાયમાં શ્રધ્ધા અને થોડી ધીરજની જરુરત હોય છે.એ છેડા ભેગા થાય એ ક્ષિતીજની સીમાએ કેંઈ કેટલીય જાતની તકો હાથ ફેલાવીને તમારી રાહ જોતી’કને ઊભી જ છે. તો ઊઠો મિત્રો..રાહ કોની જુવો છો..મહેનત,,તક અને નસીબના ત્રિભેટે સફળતાનો સંગમ અચૂક થાય જ છે.જે તમારો બધો થાક ઉતારી કાઢશે. આખરે સફળતાનો, એમાંય રાહ જોઈ જોઈને, દિવસ-રાત એક કરીને મહેનત કરીને, તકોને સમજીને સદઉપયોગ કરીને મેળવેલ સફળતા તો જીવનની ગાડીમાં એકસ્ટ્રા માઈલેજ વધારી કાઢે છે.

–          સ્નેહા પટેલ – અક્ષિતારક