All time available

Phulchhab > Navrash ni pal column>30 august-2017.

 ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ ઃ


ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,

એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

– અનિલ ચાવડા.


વૈદેહી પાર્લરમાં પોતાના વાળ કપાવી રહી હતી. આજે એને ઓફિસમાં રજા હતી. બે મહિનાથી બ્યૂટી પાર્લરનો મેળ પડતો જ નહતો તો આજે એણે ફોનમાં ‘પ્રાયોરીટી’ના લિસ્ટમાં એને પહેલું સ્થાન આપેલું હતું. આધુનિક હેરસ્ટાઈલમાં એનો આત્મવિશ્વાસ અનોખી રીતે વધી રહ્યો હતો. વાળ પછી વારો આવ્યો મેનીક્યોર -પેડીક્યોર – ફેસિયલનો..આરામથી આંખો બંધ કરીને એ પેડીક્યોરના મસાજની મજા માણી રહી હતી અને એનો ફોન રણક્યો. સહેજ આંખ ખોલીને એણે સામે ટૅબલ પર પડેલ ફોનનો નંબર જોયો તો એ આતિશનો ફોન હતો. ‘હમણાં પાંચ મીનિટ પછી કરીશ’ વિચારીને એણે એ ફોન ના ઉપાડ્યો. ફોન કટ થયો અને બે મીનિટમાં તો પાછો રણ્ક્યો. મોઢા પર ફેસિયલનું ક્રીમ લાગેલુ હતું અને હાથ મસાજમાં બિઝી…હવે શું કરું ? એણે લાચાર નજરે એની બ્યૂટીશીયન સામે જોયું અને  બ્યુટીશીયન ભફાક દઈને હસી પડી અને બોલી,’ડોન્ટ વરી. હું પકડું છું ફોન..આપ વાત કરી લો..કદાચ કોઇ અરજન્ટ વાત હશે.’ અને એણે ફોન ચાલુ કરીને વૈદેહીના કાન પર ધર્યો.

‘બોલ આતિશ..શું થયું ?’

‘શું બોલું યાર..તું ક્યાં છે ? ક્યારનો ફોન કરી કરીને થાકી ગયો.’

‘હું પાર્લરમાં છું. કેમ શું થયું ? શું કામ હતું?’

‘કંઈ નહીં. આજે ઓફિસના કામથી ઘર બાજુથી નીકળેલો તો થયું કે ચાલ, ઘરે આંટો મારતો જઉં. ઘરે આવીને જોઇએ તો તું બહાર ને ઘરમાં મમ્મી એકલા. તારી સાથે ક્યાંક બહાર રખડવાનો પ્લાન કરેલો પણ હવે બધો મૂડ બગડી ગયો, જવા દે.’

‘ઓહ..પણ મને થોડી ખબર કે તું આવી રીતે ઘરે આવીશ.’

‘તને હજી કેટલી વાર લાગશે ?’

‘હજી લગભગ દોઢ બે કલાક તો ખરાં જ.’

‘ઓફ્ફોહ.આટલો બધો ટાઈમ…’અને આતિશે અકળાઈને ફોન કટ કરી દીધો. પાર્લરમાંથી પરવારી  આત્મવિશ્વાસમાં દોઢસો કિલોનો વધારો કરીને વૈદેહી ખુશ ખુશાલ થઈને ઘરે આવી. ઘડિયાળમાં જોયું તો ચાર ને દસ મીનિટ થયેલ. એણે આતિશને ફોન કર્યો પણ સામે નો રિપ્લાય આવ્યો. થોડીવાર રહીને ફરીથી કોલ કર્યો તો ફોન એંગેજ આવતો હતો. કંટાળીને થોડી વાર આડી પડવાના વિચાર સાથે એણે બેડ પર લંબાવ્યું. આંખ ખૂલી તો સીધા છ વાગી ગયેલાં. ફટાફટ ઉઠીને મોઢું ધોઇને એણે એની અને એના સાસુની ચા મૂકી. ચા ગાળતી જ હતી અને આતિશ આવી પહોંચ્યો.

‘તું ચા પીશ…બીજી બનાવી દઉં..?’

‘તારે શું કામ ચિંતા કરવી જોઇએ ? મારી ઇચ્છા હશે તો હું જાતે બનાવી લઈશ. તું તારે તારા પાર્લરને તારા કામોમાં બીઝી રહે..’ આતિશે થોડા તીખાશભર્યા સ્વરે ફરિયાદ નોંધાવી.

‘અરે પણ નોકરીમાંથી માંડ સમય મળતો હતો અને પાર્લરની અપોઇન્ટમેન્ટ મળી તો જવું પડ્યું એ સમયે. એમાં શું ખાટું મોળું થઈ ગયું.આટલો આકરો કાં થાય છે.’

‘નવાઈની નોકરી કરે છે તું. કાયમ જાણે મારી પર ઉપકાર કરતી હોય એવું જતાવે છે. હું માંડ સમય સેટ કરું કે ચાલો થોડો સમય સાથે વીતાવીશું. પણ તું તો કાયમ…’

‘આતિશ, બસ કર હવે. બહુ થયું. હું કાયમ ઘર ને ઓફિસના સમયમાં રેગ્યુલર જ હોવું છું એ પછી મારે ઘરના, છોકરાંઓના સમય પણ સાચવવાના હોય છે. મેં ક્યારેય એ બધી ફરજોથી મોઢું નથી મચકોડ્યું. પણ તું અચાનક જ આમ આવી ચડે તો મને ના ફાવે. હું કંઈ તારા માટે ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ ના રહી શકું. મારે હજારો કામ હોય છે અને મારો પોતાનો મૂડ જેવું પણ કંઈ હોય કે નહીં ? તું ઘરે આવી ચડે એટલે મારે તારી આગળ પાછળ ફરવાનું ? મને માંડ રજા મળેલી તો મને થોડો આરામ કરવાનો મૂડ હતો. હું ઘરે હોત તો પણ બહાર તો નહતું જ જવું.’

‘ઓહ..નવાઈના બે પૈસા કમાય છે એમાં આટલો તોર !’ 

અને આતિશનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ઘરમાં કકળાટના ઘેરાં વાદળ બંધાવા લાગ્યાં હતાં – હમણાં વરસ્યાં , હમણાં વરસ્યાં…ત્યાં જ વાતાવરણનો બાફ ઓછો કરતો અવાજ ગૂંજયો – એ અવાજ હતો આતિશની દસમી ચોપડી પાસ પણ સમજણમાં ભલભલા ગ્રેજ્યુટસને પણ ભૂ પાડી દેતી મમ્મી સુમિત્રાદેવીનો!


‘આતિશ, વહુ બેટા બરાબર કહે છે. હવે પહેલાંનો સમય નથી રહ્યો કે પુરુષ ઘરે આવે ત્યારે એની બૈરી એની રાહમાં આંખો બિછાવીને બેઠેલી મળે. એના હજારો કામ પડતાં મૂકીને પોતાના વરના મૂડને પ્રાયોરીટી આપે અને પોતાનો સમય એ પ્રમાણે વીતાવે. આજકાલની નારીને હજારો કામ હોય છે, પહેલાંની સ્ત્રીઓ કરતાં એ વધુ સમજણ અને આત્મવિશ્વાસ ધરાવતી હોય છે એના કારણે એમનો પોતાની પરનો વિશ્વાસ પણ વધુ હોય છે. પોતાની ફરજો સારી રીતે પૂર્ણ કરતી આવી સ્ત્રીઓને પોતાનો સમય પોતાની રીતે વિતાવવાનો પૂરો હક અને મરજી રાખવાનો પૂરો અધિકાર છે.તમારે પુરુષોએ હવે મન થાય ત્યારે પોતાની પત્ની સાથે સમય વિતાવવાની નીતિને બદલવી પડશે. તમારે પણ હવે એનો સમય સાચવવો પડશે. એનો મૂડ – મરજી – જરુરિયાત બધું ઓળખતાં શીખવું પડશે. બંનેના શિડ્યુલ બીઝી હોય ત્યારે એકબીજા સાથે વાત કરીને સમયનું વ્યવસ્થિત ટાઇમટેબલ બનાવો અને એ પ્રમાણે ચાલતાં શીખો. આધુનિક જમાનો અનેકો સુખ સુવિધાઓ લાવે છે પણ સાથે સાથે આ નવી શીખ પણ લેતો જ આવે છે જે તમારે લોકોએ યેન કેન પ્રકારેણ શીખવું જ પડશે. વહુ બેટા, તારે પણ આતિશ આ રીતે તને સેટ ના થાય ત્યાં સુધી થોડી વધારે સહનશક્તિ દાખવવી જ પડશે. જો અત્યારથી નહીં ચેતી જાઓ તો તમારું દાંપત્યજીવન આગળ જતાં ખતરામાં આવી જશે.’

અને આતિશ અને વૈદેહી બે ય એકબીજાની સામે સહમતિપૂર્ણ નજરથી જોઇ રહ્યાં. આંખો આંખોમાં જ બદલાતા સમય સાથે પોતપોતાની માનસિકતાને બદલવાના આતિશના ઇરાદા સામે પોતાના લગ્નજીવનના સુખ માટે થોડું વધુ જતું કરવાની વૈદેહીએ સહમતિ આપી દીધી.


અનબીટેબલઃ સતત બદલાતા જીવનમાં તમે સાવ જ સ્થિર થઈ જશો તો વહેલાં ઘસાઈ જશો.


સ્નેહા પટેલ.

One comment on “All time available

  1. સરસ, સરળ, સહજ અને સામાજીક સંદેશ આપતો લેખ…લેખની શરૂઆતમાં અનિલ ચાવડાની સરસ રચના, જે થોડામાં ઘણું કહી જાય છે…પતિ-પત્નીના કે અન્ય કોઈપણ સંબંધમાં વૈચારીક મતભેદ તો રહેવાના જ, હા પણ મનભેદ ન થવા જોઈએ…મતભેદ ને પણ બને એટલા ઝડપથી ઉકેલી નાખીએ એટલું સંબંધ માટે વધું સારું…પત્ની પતિની દાસી નથી, પણ તેની સહચારીણી છે, સહધર્મચારિણી છે. બંને એકબીજાના સુખ-દુ:ખના સરખાં ભાગીદાર છે અને જેટલી સ્વતંત્રતા પતિને છે, તેટલી જ પત્નીને છે. (પણ આ સ્વતંત્રતાનો બંનેમાંથી કોઈએ પણ “દુર ઉપયોગ” ન કરવો જોઈએ…) ઘણી વખત એમ થાય કે આ બધી ફિલોસોફી જાડવાની મજા આવે કે વાંચવાની કે લખવાની જ સારી લાગે, બાકી વાસ્તવિક જીવનમાં આવું કંઈ હોતું હશે ?! આ બધી તો ખાલી કહેવાની વાતો, બાકી આ બધુ તો અઘરું છે એટલું સહેલું નથી, આ આપણું કામ નહીં…અરે મારા વહાલાઓ જીવનમાં સહેલું તો કશું નથી…પણ પ્રેમ, સમજણ, ધીરજ, મહેનત, વાણી-વર્તન-વ્યવહારથી બધું સહેલું બનાવવું પડે છે…પરિવર્તન એ સંસારનો નિયમ છે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ, દરેકને અસર કરે છે…માટે સમય સાથે પરિવર્તનને સ્વીકારવું જોઈએ, જો જીવનમાં સુખી થવું હોય તો…”અનબીટેબલ” લેખનો “સાર” કહી જાય છે…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s