Namaskar gujarat – june’18


ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત પેપર ‘નમસ્કાર ગુજરાત’ ની રેગ્યુલર કૉલમ’અક્ષિતારક’નો મારો આ માહિનાનો લેખ.

Dhoko


‘ઠ્ક…ઠક…ઠકાક…’
ત્રણ રુમ ધરાવતા ફ્લેટની રસોડાની બહાર આવેલી ચોકડીમાંથી અવાજ આવી રહ્યો હતો. રુપા – શહેરમાં સ્થાયી થવાના અરમાનો સાથે એના એક ના એક પુત્ર અને પતિ સાથે ગામડાંની તાજગીભર્યુ વાતાવરણ છોડીને આવેલી અને અહીં આવીને પતિ કાળુને પૈસા કમાવામાં મદદરુપ થવાના હેતુથી થોડા ઘરના વાસણ – ક્પડાં ધોવાનું કામ કરતી હતી. આ ત્રણ રુમની માલકિન પૂર્વી ફોન પર કોઇની સાથે વાત કરતાં કરતાં ઘરના બીજા કામ આટોપી રહી હતી. રુપા એના અસ્સલ લહેંકામાં કોઇ ગામઠી ગીત ગણગણતી હતી અને કપડાં ધોવાનું કામ કરી રહી હતી. કપડાં ધોકાવતી હતી અને ત્યાં જ એના કાને પૂર્વીનો અવાજ અથડાયો,
‘રુપા, જરા ધીમેથી ધોકા માર. આમ ને આમ તો કપડાં ફાટી જશે .’
અને રુપાની મસ્તીમાં ખલેલ પડી.
‘આ બેનને તો કાયમ દરેક વાતમાં કચકચ જ હોય. વળી હું ક્યાં એમના કપડાં રોજ ધોઉં છું ? એમણે ક્યાં આ કામ બંધાવ્યું છે? આ તો એમનું વોશિંગ મશીન બગડયું છે ને મને આજીજી કરી એટલે સમય ન હોવા છતાં મેં એમનું આ કામ કરી આપવાનું સ્વીકાર્યું હતું, પણ મૂઉ આ શહેર – અહીં કોઇને સમય સાચવ્યાંની કદર જ ક્યાં છે ? બધી વાતો પૈસાથી જ થાય છે.’ અને અચાનક રુપાના જમણાં હાથનો છેલ્લી આંગળીનો નખ ધોવાઈ રહેલ બ્લ્યુ જીન્સના કાપડમાં ફસાઇ ગયો. પાણીમાં પલળવાથી થોડો પોચો થઈ ગયેલ નખ તરત જ તૂટી ગયો અને રુપાના મોઢામાંથી એક ‘હાય’ નીકળી ગઈ. સાબુવાળું પાણી હોવાથી તરત બળવા લાગ્યું. એણે ફટાફટ હાથ ધોઇને નખને સાચવીને દાંત વડે કાપી નાંખ્યો અને ગેલેરીમાં થૂંકી દીધો. પૂર્વી પ્રત્યેની બધી કડવાશ પણ એમાં થૂંકાઈ ગઈ અને ફરી પાછી રુપા પોતાની મસ્તીમાં આવી ગઈ, પેન્ટ પર સાબુ લગાવવા લાગી. અચાનક એનો હાથ અટકી ગયો અને આ પેન્ટ પહેરનારા ઘરના માલિકનો ચહેરો એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.
નાજુક નાક નકશાવાળો સ્વસ્તિક ! કાલે કામ કરવા આવતી જ હતી અને લિફ્ટમાં માલિક એની સાથે થઈ ગયા હતાં. આખી લિફટમાં સ્વસ્તિકના બોડીસ્પ્રેની સુગંધ તરતી હતી. રુપાએ નજરની કિનારીએથી જ સ્વસ્તિકની સામે જોયું તો એ એની મસ્તીમાં મસ્ત થઈને ઉભો હતો.વારે ઘડીએ એની નજર ઘડિયાળમાં જતી હતી. રુપાથી સભાનપણે એક અંતર જાળવેલું જેથી કરીને એના કપડાંને પણ ના અડકી જવાય. રુપા એના ગોરા ચિટ્ટા અને એમાં કાળી કાળી દાઢીથી ભરેલ પૌરુષથી ભરેલા ચહેરાંને જોતી જ રહી ગઈ. સ્વસ્તિકનું ઇસ્ત્રી ટાઈટ ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ જોઇને એની ક્રીસ પર હાથ ફેરવવાનું મન થઈ ગયું. પોતાની આખી જીંદગીમાં રુપાએ આવા ઇસ્ત્રીટાઈટ્ કપડાં નહતાં જોયાં. સલૂકાઈથી શર્ટના કોલરના બટન પણ બંધ કરેલા હતાં અને છેક ઉપરનું બટન પણ બંધ કર્યું હતું , કદાચ એ ટાઈ પહેરવાનું વિચારતા હશે. ટાઈવાળા શર્ટના બટન છેક સુધી બંધ હોય એવું એને હમણાં હમણાંથી થોડું ખબર પડી રહી હતી. વ્હાઈટ શર્ટ અને નીચે લાઈટ સ્કાય બ્લ્યુનુ જીન્સ એ છ ફૂટના વ્યક્તિત્વને અદભુત ઓપ આપતો હતો. ત્યાં જ લિફ્ટ ખચાક દઈને ઉભી રહી ગઈ. બે ય જણ લિફ્ટમાંથી નીકળીને પોતપોતાની મંઝિલ તરફ વળી ગયાં. રુપાના મગજમાં હજી પેલી બોડીસ્પ્રેની સુગંધ તરી રહી હતી. આજી એ જ બ્લ્યુ ડેનિમનું જીન્સ એના હાથમાં હતુ. અચાનક રુપાના મગજના અમુક કીડાં સક્રિય થઈ ગયાં.
‘સ્વસ્તિક.’
કેટલું સરસ નામ અને સ્વભાવ પણ કેવો સરસ ! માલકિણ અને એમની દીકરીને કેવાં હાથમાં ને હાથમાં રાખે છે ! ક્યારેય એમના મોઢામાંથી ઉંચો કે ક્ડવો અવાજ નથી સાંભળ્યો. ગયા મહિને માલકિણ એની બે રજાનો પગાર કાપવા જતી હતી ત્યારે એમણે માલકિણને ટોકી હતી અને કહેલું કે,
‘જવા દે ને પૂર્વી, આ બિચારીએ બે રજા જ તો પાડી છે , બાકીન અઠ્ઠાવીસ દિવસ તારા એ કેવા પ્રેમથી સાચવી લે છે. વળી એ પણ માણસ છે ને, આખો મહિનો એકધારા કામના ઢસરડાં ..’
‘આ તમે પુરુષો શું સમજો ઘરની વાતો ? આમ ને આમ આ લોકોને માથે ચડાવીએ ને તો એક દિવસ આંગળી આપતાં પહોંચો પકડી લે. તમે કંઈ બોલશો નહીં’ અને પૂર્વીએ ધરાર એની બે દિવસના પૈસા કાપી લીધાં હતાં. રુપાનું મોં પડી ગયેલું. એ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૂર્વી બેડરુમમાં આડી પડીને કોઇ પુસ્તક વાંચી રહેલી. સ્વસ્તિક ધીરેથી ઉભો થઈને રુપાની પાસે ગયો અને ચૂપચાપ એને સો રુપિયાની નોટ પકડાવી દીધી હતી. મોઢા પર આંગળી મૂકીને ચૂપચાપ એને નીકળી જવા આંખથી જ આદેશ આપી દીધેલો. બે પળ શું કરું – શું ના કરું ની દ્વિધામાં અટવાયેલી રુપા તરત જ સભાન થઈ ગઈ અને આંખોથી જ સાહેબનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ.
‘સાહેબ.’
અને રુપાનો હાથ જીન્સ પર ફરવા લાગ્યો. જીન્સના પાંયચા, ઢીંચણ આગળથી થોડું સફેદ થઈ ગયેલ કાપડ, કમરની બે બાજુના એક ખીસાની અંદર બીજું નાનું ખીસું, જાડી અને મોટી પિત્તળની મજબૂત ચેન..આ બધા પર સાબુવાળો હાથ હતો કે બીજુ કંઈક..રુપાનું મન લપસવા લાગ્યું. જાણે જીન્સ નહીં જીન્સનો માલિક સાક્ષાત ત્યાં હતો. આંખો ઘેરાવા લાગી હતી. મગજમાં બધું સૂન્ન થઈ જતું હતું. પોતાનો રુખ્ખો હાથ જીન્સને વાગી ના જાય એમ ધીમે ધીમે ફેરવતી હતી.અને
‘રુપા.’
અચાનક પૂર્વીના અવાજથી એની તંદ્રા તૂટી ગઈ.
‘જી..જી ભાભી..’
‘આ મારું વોશિંગ મશીન રીપેર થઈ ગયું છે. હવે કાલથી તું કપડાં ના ધોઇશ. ફકત કચરાં પોતાં અને વાસણ. તારા આટલા દિવસના કપડાં ધોવાના જે પૈસા થતા હોય એ લઈ જજે.’
અને રુપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો.
‘બેન, આટલો મહિનો ધોવડાવી દો ને કપડાં.’
‘અરે, મારે શું કામ ખાલી ખાલી તને પૈસા આપવાના ? વળી બ્રશ અને ધોકા મારી મારીને તેં મારા કપડાંની જો હાલત કરી છે એ. ના બાબા ના..તું તારે આજનો છેલ્લો દિવસ કપડાં ધોઇ લે. તમારા લોકોની આ જ તકલીફ છે. કામ બંધાવો એટલે છોડાવીએ ત્યારે દાદાગીરી જ કરી ખાઓ…’ આગળ પણ કેટલું ય બોલી ગઈ પણ રુપાના કાને રોજની જેમ એની કચકચને કાનમાં ઘૂસવા જ ના દીધી અને કામે વળગી.
ડ્રોઇંગરુમમાં પૂર્વી ફોનમાંથી એનું ગમતું ગીત શોધીન કાનમાં ઇયરપ્લગ ભરાવીને આંખો બંધ કરીને સોફામાં આડી પડી ગઈ.
રુપાનો જીવ કળીએ ને કળીએ કપાતો જતો હતો. ચોકડીમાં સામે હજી પેલું જીન્સ પડ્યું હતું, એની સામે જાણે અટ્ટહાસ્ય કરીને એની મજાક ઉડાવી રહ્યું હતું.
‘મૂઆ આ વોશિંગ મશીનની શોધ કોણે કરી હશે ? આવા રુપાળા જીન્સને સ્પર્શવાનો આજે છેલ્લો દિવસ !’
અને રુપાની આંખમાં બોર બોર જેવડાં આંસુ ઉભરાઈ ગયાં. પાણી નાંખીને જીન્સમાંથી સાબુ કાઢ્યો અને વધારાનો સાબુ નીકળી જાય એ હેતુથી બીજું પાણી નાંખીને વધારાનો સાબુ કાઢવા હેતુ હળવા હાથે ધોકો મારવા લાગી.
‘ધબ..ધબ…ધબા..ધબ..’
‘અલી, કપડાં જરા ધીરેથી ધોકાવતી હો તો. આમ ને આમ મારા કપડાં ફાડી કાઢીશ.’
અને અચાનક રુપાના મગજમાં શું ભૂત ભરાયું ખબર નહીં એ ધોકો લઈને ઉભી થઈ . જોયું તો ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો, મોઢા પર હિંમત વધી ગઈના ભાવ સ્પષ્ટ થયાં અને હતી એટલી બધી તાકાત ભેગી કરીને એણે સોફા પર આંખો બંધ કરીને ગીતો સાંભળતી પૂર્વીના માથામાં ઉપરા ઉપરી ચાર પાંચ ઘા કરી દીધા.

-sneha patel.

maro sakha maro antratmaa


મારો સખા મારો અંતરાત્માઃ

ઊંચે અનંત આભ, હવા પણ અસલ હતી
ફસકી ધજાની જાત, ફરકવાનું રહી ગયું!
સુરેન્દ્ર કડિયા.

સવારના સાત વાગ્યાંનો સમય હતો.એક દિવસની પીકનીક ચાર મિત્રો ગાડીમાં નીકળ્યાં હતાં.મનસ્વીએ ચાલુ ગાડીમાંથી બહાર ડોકું કાઢીને ઠંડી હવાની લહેરખીને પોતાના મનોપ્રદેશ પર ઝીલવાનો પ્રયાસ કર્યો , આંખો અનાયાસે બંધ થઈ ગઈ. બંધ આંખે અનુભૂતિ વધારે તેજ બની જાય છે. મન્સ્વીને પણ એવો જ અનુભવ થયો. ખુલ્લાં રુખા કેશ હવામાં ફરફરતાં હતાં. આંખની લાંબી કાળી પાંપણ સુધ્ધાં હવાની ઠંડી ઠંડી લહેરખીમાં ફરફર કરતી હતી. એના કોમળ ગોરા કપોળ આછી રતાશ પકડી રહ્યાં હતાં. એની બાજુમાં કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વૈભવ, એનો પતિ એને ડ્રાઈવિંગના સમયમાંથી થોડી પળૉ ચોરીને એને ચૂપચાપ નિહાળી લેતો હતો. વૈભવ – બોલે કશું નહીં પણ મનસ્વીના આવા શાંત સૌમ્ય રુપનો એ દિવાનો હતો. મનસ્વીનો સાથ કાયમ એને એક અદભુત પોઝિટીવ ઊર્જાથી ભર્યો ભર્યો કરી દેતો. ગાડીમાં પાછળની સીટ પર બેઠેલ મિત્ર – કપલ કૃપા અને ધૈર્ય એમની આ મસ્તી ચૂપચાપ જોતું હતું અને હરખાતું હતું. કૃપાની નજર પણ અચાનક ધૈર્ય તરફ જતાં એ પણ એને નિહાળી રહેલો જણાયું અને એ અચાનક હસી પડી. શાંત વાતાવરણમાં કાંકરીચાળો થઈ ગયો અને બધો નજરનો ખેલ ખલાસ થઈ ગયો.
‘મિત્રો, ત્યાં એક મંદિર છે. બહુ જૂનું છે અને એનું સત બહુ છે. વધારે ડીટેઇલ્સ નથી ખબર પણ મંદિરનું રમ્ય વાતાવરણ મૂડ ફ્રેશ કરશે. શું કહો છો બધાં ?’
શાંત રમ્ય વાતાવરણ, ચોતરફ હરિયાળી અને મંદ મંદ વહેતો પવન- એમાં નજીકમાં કોઇ ઝરણું વહેતું હશે એનો ધીમો ધીમો ખળખળ અવાજ. મંદિર ના હોત તો પણ અહીં બે પળ રોકાઈ જવાને મન લલચાઈ જાય એમ હતું. જોકે મનસ્વી થોડી અચકચાઈ અને એનું ડોકું નકારમાં એક વાર ધૂણી ગયું પણ ઉત્સાહથી છલકાતી જુવાનીમાં એ ધીમો નકાર કોઇના કાન – આંખ લગી પહોંચ્યો જ નહીં. બધા ગાડીમાંથી ઉતરી જ ગયા. છેવટે મનસ્વીને પણ ઉતરવું જ પડ્યું.
આરસના પથ્થરોથી બનેલ પગથિયાં, એની આજુ બાજુમાં હાથી અને સિંહની લાલ પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓ, મંદિરના શિખર પર ફરફરતી પદ્યધજા, કળશ અને મંદિરમાંથી પડઘાતો ઘંટારવ ! અદ્બભુત અને અલૌલિક વાતાવરણ હતું. હાથ મોઢું ધોઇ ફ્રેશ થઈ, વાળ – કપડાં સરખા કરીને બધાએ બોટલમાંથી પાણી પીધું અને મંદિરમાં જવા પગ ઉપાડ્યો. મનસ્વી થોડી અચકાઈ. ‘હું નથી આવતી, તમે લોકો જઈ આવો.’ કહીને ગાડીમાં જઈને પાછી બેસી ગઈ. બધા બે મિનીટ તો એના આ વર્તન થી ડઘાઈ ગયાં.
જોકે વૈભવને આછો પાતળો અંદાજ આવી ગયેલો એટલે એ ચૂપ રહ્યો પણ કૃપાથી ના રહેવાયું અને ગાડીમાં બેઠેલી મનસ્વી પાસે જઈને બોલી,
‘મનુ, આ શું ? આટલું સરસ વાતાવરણ અને તું ગાડીમાં જ ગોંધાઈને બેસી રહીશ ? આવું ના ચાલે, કંઈ આમ બેસી રહેવા થોડા નીકળ્યા છીએ. ચાલ.’ અને એને હાથ ખેંચ્યો.
‘ના કૃપા, હું મંદિરમાં નહીં આવી શકું. તમતમારે જઈ આવો.’
‘અરે પણ પ્રોબ્લેમ શું છે ડીઅર ?’
‘કંઈ ખાસ નહીં – પીરીઅડસ.’
‘ઓહોહો..તું પણ છે ને સાવ મણીબેન છે. આજના જમાનામાં આવા બધા તાયફા…છોડ હવે આ બધું જૂનવાણીપણું ને ચાલ. મારે પણ આજે ત્રીજો દિવસ ચાલે છે પણ મને એની કોઇ ફિકર નથી. હું તો મસ્તીથી જઈશ. આવા આભડછેટવેડાં શીદને ?’
‘પણ તું તારે જા ને. મને તારા જવા સામે કોઇ વિરોધ નથી. હું તો મારે શું કરવું ને ના કરવું એની વાત કરું છું. આજકાલ બધા મોર્ડન – મોર્ડનના નામે જે ‘માસિકમાં હોવ તો પણ મંદિરે જાવ’ જેવી વાતો કરે છે અને એની સામે એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે જે એનો તીવ્ર વિરોધ કરે છે. હું એ બધામાં આવતી જ નથી. મારા માટે દર્શન કરવા એ શારિરીક કરતાં માનસિક સ્થિતી વધારે છે. મારે એના માટે આવા ચોક્કસ પ્રકારના મંદિરોની પણ જરુર નથી પડતી. મનોમન હું આંખ બંધ કરીને પણ ભગવાનને મળી શકું છું. વળી હું એવા પ્રકારના વાતાવરણમાં ઉછરી છું કે જ્યાં આવા બધા બંધનો હતાં જ નહીં. અમને કદી કોઇ રોક ટોક કે ખૂણૉ પાળવાનું જેવી વાતો શીખવાડાઈ જ નથી. પણ હું આ મંદિરની મનોમન એક આમન્યા રાખું છું. મને મનથી જ આવી અવસ્થામાં મંદિરમાં જવાની ઇચ્છા નથી થતી. વળી જે અંદર બિરાજમાન છે એ તો મારા હ્રદયસિંહાસનમાં ય હાજરાહજૂર છે જ. હું કોઇ ચોક્કસ પ્રકારના ટોળાઓમાં જોડાઈને મારા મનની વાતને વણસાંભળી કરવા નથી ઇચ્છતી. આપણે કોઇને કહીએ નહીં તો લોકોને શારિરીક સ્થિતીની કોઇને સમજ પણ નથી પડવાની. હા , હલ્કી વરણના સમાજમાં જે આભડછેટના નામે અતિરેક થાય છે એની હું તદ્દન વિરોધી છું. બાકી તું જ કહે કે આપણા જેવાંને આ દિવસોથી શું ફર્ક પડે છે ? આપણે આપણી મરજીના માલિક! આજકાલ ઠેર ઠેર લોકો આ વાતને વિવાદ બનાવીને હો-હા કરતા ફરતાં હોય છે એવા ટોળાઓમાં હું ક્યારેય નથી જોડાતી. મારી પોતાની બુધ્ધિ અને પરિસ્થિતી જોઇને મારું જીવન હું મારી રીતે જ જીવું છું. મારો સખા મારો અંતરાત્મા. એને જે કામ કરતાં મજા આવતી હોય એ કામ હું આરામથી કરી નાંખુ છું પણ આ મૂર્તિદર્શનમાં મારું મન કચવાય છે. સમાજ ગયો તેલ પીવા પણ મારું મન એ મારો ભગવાન. લોકોને બતાવી દેવા હું કોઇ કામ ક્યારેય નથી કરતી. કોઇનાથી આકર્ષાઈ જવું કે કોઇને આપણાંથી આંજી કાઢવા જેવી અર્થહીન પ્રવ્રુતિઓથી હું કાયમ દૂર રહું છું. આ મેં તને મારા મનની વાત કહી.બાકી હું મારા વિચારો ક્યારેય કોઇ પર થોપતી નથી. લોકોએ શું કરવું ને શું નહીં એ તદ્દન એમની પોતાની સ્થિતી અને સમજને અનુસાર જ હોય ને હોવું જ જોઇએ. બાકી ‘લાંબા સાથે ટૂંકો જાય’ જેવી હાલત થઈ જાય.’
‘હમ્મ…હું તને બરાબર ઓળખું છું મનસ્વી અને તારી એકે એક વાત હું સમજી પણ શકું છું. તારી ઇચ્છાને હું આદર પણ કરું છું ડીઅર. કાયમ આવીને આવી સરળ અને સુકોમળ જ રહેજે.તારા સાથ સુધ્ધાંથી અમને લોકોને એક આધ્યાત્મિક વાતાવરણ જેવી ફીલીંગ આવે છે. ચાલ હું દર્શન કરી આવું- કારણ મેં તો કદી આ વિષય પર તારી રીતે વિચાર્યુ જ નથી. સમાજનો આ સ્ત્રી વિરુધ્ધનો નિયમ છે અને મારે એનો વિરોધ કરવાનો છે એ જ વિચારથી આ પગલું ભરતી આવી છું તો એક વાર ઓર સહી.’
અને મનસ્વીને ટાઈટ હગ અને ગાલ પર કીસ કરીને ધ્રુવીએ મંદિર તરફ ડગ માંડ્યાં.
અનબીટેબલઃ માણસ મુખ્યત્વે મનથી આધ્યાત્મિક જોઇએ, તન તો માધ્યમ માત્ર.
-સ્નેહા પટેલ

Miss perfectionist


Phulchhab newspaper > 20-9-2017> navrashni pal column

મિસ પરફેક્શનીસ્ટઃ

 

ક્યાં કહું છું કે દાવ છોડી દો?

ખેલ ખેલો, તણાવ છોડી દો.

-ડો. મનોજ જોશી ‘મન’

 

શતરુપા એની કોલેજના બસસ્ટોપ પર ઉભી હતી. બસને આવવાને હજુ પાંચ દસ મિનિટની વાર હતી. શતરુપાને સમય કરતાં થોડાં વહેલા જ પહોંચી જવાની ટેવ હતી. છેલ્લી મિનિટ સુધી ઘરમાં પરવાર્યા વિના હાંફ્ળા ફાંફળા ફર્યા કરવાનું એને સહેજ પણ પસંદ નહતું. એના ઘણાં બધા મિત્રોને એવી ટેવ હતી.સવારના ઉઠીને મોબાઈલમાં માથું ઘાલીને બેસી જાય, ટીવી ચાલુ…છેલ્લે જોવા જાવ તો બસને આવવાની દસ પંદર મિનિટ માંડ બાકી હોય અને એ લોકોની બેગ ભરવાની, લંચબોકસ, વોટરબોટલ, કપડાંનું મેચીંગ બધું બાકી હોય. ઘણીવખત વહેલાં ઉઠ્યાં છતાં એ લોકોને નહાવાનું સ્કીપ કરવું પડે. શતરુપાને એવું બધું નહતું પસંદ. એને બધું ટાઈમ ટુ ટાઈમ જોઇએ.

 

‘મિસ પરફેક્શનીસ્ટ’

 

રોજ સવારે બસ સ્ટોપ પર આવીને એ વધેલી દસ મિનિટ આજુબાજુનું નિરીક્ષણ કરવામાં પસાર કરતી. એની સાથે બસમાં એક આંટી ચડતાં. તેલ નાંખીને સુવ્યવસ્થિત રીતે ઓળાયેલા વાળ, કપાળ પર બરાબર મધ્યમાં મધ્યમ કદનો ગોળ લાલ ચાંદલો, આર કરેલી અવરગંડીની સાડી, હાથમાં ટીફિન, ફાઈલ ને ખભે મરુન ચોરસ પર્સ, પગમાં કોલ્હાપુરી ચંપલ. બધું જ વ્યવસ્થિત. શતરુપાને એમને જોવાની બહુ મજા આવતી. મનોમન એ સ્ત્રીની એ મોટી ફેન બની ગઈ હતી. ઘણી વખત એ સ્ત્રી ફોન પરથી એની કામવાળી બાઈ સાથે વાત કરતી.

 

‘રાધા, આજે રસોડાનું કબાટ ખાલી કર્યું છે. તો ત્યાં કચરો વાળી, પોતું કરીને પેપર મૂકીને બધું સરખું પાછું ગોઠવી દેજે. પ્લેટફોર્મ પર કાલનો હાંડવો છે એ લાલ ડબ્બામાં મૂકેલો છે એ તું લઈ જજે. તારા દીકરાને બહુ ભાવે છે ને એટલે થોડો વધુ બનાવેલો.’

 

‘……..’  સામે છેડેથી કંઈક બોલાય અને એ સ્ત્રી આખી વાત ધ્યાનથી સાંભળે પછી જવાબ વાળે,

 

‘હોય હવે રાધા, એ ય પુરુષ જાતિ છે, કંટાળે ને  ધોલધપાટ કરે તો સહી લેવાનું…તારે થોડું ચલાવી લેવાનું. તારી જાતિમાં તો આવું બધું ચાલ્યા જ કરવાનું બેન. એને સમજાવવાનો પ્રયત્ન કરતા રહેવાનું, અકળાવાનું નહીં.’

 

ઘણીવખત એ એમની સખીઓ સાથે વાત કરતી.

 

‘હાય બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ.’

 

‘……’

 

‘હા. આજે સાંજે ધાત્રીના ઘરે ચોક્કસ મળીએ છીએ. એનો પતિ એને આમ અપશબ્દો બોલે, અપમાન કરે એ કેમનું ચલાવી લેવાય? આપણું મહિલા મંડળ એને બરાબરનો પાઠ શીખવીશું.’

 

એની વાતોના અમુક અંશો ઘણી વખત શતરુપાના કાને પડતાં. આજે પણ આવા બે ફોન સળ્ંગ આવ્યાં ને એમાં સાવ જ વિરોધાભાસી વાત જોઇને એ ચમકી ગઈ. એનાથી ના રહેવાયું ને એ બોલી,

 

‘હાય આંટી, એક વાત પૂછી શકું?’

 

‘બોલ ને બેટા, એક શું બે વાત પૂછ.’

 

‘આંટી તમે તમારી કામવાળીને એનો પતિ મારપીટ કરે છે તો પણ ચલાવી લેવા કહ્યું અને તમારી બહેનપણીને એનો પતિ અપશબ્દો બોલે છે તો પણ એની ખબર લઈ નાંખવાની વાત કરી. આ બધું મને સમજાયું નહીં. આવું વિરોધાભાસી વલણ કેમ?’

 

‘હા, તારી વાત સાવ સાચી છે. તને ખબર છે?  માનવીના અલગ અલગ સમાજ, રીતિરિવાજો, વિચારસરણી હોય છે. એમની સમસ્યાઓનું સમાધાન આપણે એમના લેવલે જઈને શોધવું પડે. હવે આ કામવાળીને એમ કહું કે તારો વર મારે તો તારે સામે હાથ ઉપાડવાનો કે પોલિસમાં જઈને ફરિયાદ કરી દેવાની તો એ એવું કરી શકવાની નથી. કારણ એમનામાં પુરુષો વર્ષોથી આમ જ વર્તન કરતાં આવ્યાં હોય છે ને એ સ્ત્રીઓને આ બધું સામાન્ય સહજ જ લાગવાનું. એમનું માનસ આ બળવાની વાત એક ઝાટકે સ્વીકારી જ ના શકે. સૌથી પહેલાં તો એની સાથે અન્યાય થાય છે એ વાત એને સમજાવી જોઇએ અને એનો રસ્તો શોધવા આપણી પાસે આવે તો આપણે એને આગળ વધવાનો રસ્તો બતાવાય, બાકી પહેલાં એને સમજાવો કે તારી સાથે અન્યાય થઈ રહ્યો છે ને પછી એની સામે લડવાના રસ્તા બતાવવાના..આ બધા ચકકરોમાં એ કમાવા ધમાવાનું છોડીને આમાં જ પડી પાથરી રહે તો બની શકે એના છોકરાંઓને એક ટંકનો રોટલો ગુમાવવાનો વારો આવે એટલે એમના સંસારને છંછેડવાની આપણે કોઇ જરુર નથી હોતી.  આપણાં સમાજમાં આજે ઘણાં ઘરોમાં માસિક ધર્મ દરમ્યાન પણ કોઇ આભડછેટ નથી પળાતી, બધી સ્ત્રીઓ આરામથી રુટિન વર્ક કરે છે,  ઘણી તો મંદિરમાં સુધ્ધાં જાય છે. એ દિવસોમાં ખાવાપીવામાં વધારે ન્યુટ્રીશિયનસ ફૂડ લે છે જેથી એમને કામ કરવાની તાકાત મળતી રહે. મહિનાના પાંચ દિવસ આમ અટકી જવાનું આજકાલની નારીને સહેજ પણ ના પોસાય. પણ આ જ વાત હું મારી કામવાળીને કહું તો એની આંખો પહોળી થઈ જાય, જીભ બહાર નીકળી જાય..કદાચ બીજા દિવસથી એ મને પાપી ગણીને મારા ઘરે કામ કરવા આવવાનું જ છોડી દે. દરેકના સામાજીક, માનસિક સમજણના સ્તર અલગ અલગ હોય છે. એમની રહેણી કરણી જોઇને જ આપણાંથી વાત કરાય. હું કામવાળી બાઈ રાધાને પણ પરિવર્તનની વાતો કરું છું પણ એ જે લેવલે છે એનાથી એને એક સ્ટેપ આગળ લઈ જવાય તો એને સ્વીકાર્ય હોય. બાકી હજી એ પરિવર્તનના નામે એબીસી શીખતી, સ્વીકારતી હોય અને આપણે છેક ઝેડ કક્ષાની સલાહ આપીએ તો એને પચે નહીં અને એ સ્વીકારી પણ ના શકે. હું મારા પોતાના ઘરની વાત કરું તો મારા દીકરા અને દીકરીના કામકાજમાં કોઇ જ ફરક નહીં. દરેક માણસે ઇવન મારા પતિદેવ પણ પોતાના ઘણાં ખરા કામ જાતે કરી લે, હું નોકરી કરીને ઘરમાં આર્થિક સહાય કરું છું એટલે એ ઘરકામમાં મારો સાથ આપવાની એમની ફરજ સમજે છે. પણ આ બધું આપણાં જેવા સુશિક્ષિત અને સ્વીકારવા તૈયાર હોય એવા લોકોની વાતો. પણ કોઇનું માનસ ફ્લેક્સીબલ ના હોય તો સમાજના દરેક પરિવર્તન એણે સ્વીકારવા એવી ફરજ પાડીને એનું મગજ ના ખાવાનું હોય. વળી પરિવર્તનના નામે હક જોઇતા હોય તો આપણી સામે ફરજ પણ વધી જાય છે એનું પણ ધ્યાન રાખીને એ ફરજ બજાવવાની માનસિક – શારીરિક તૈયારી રાખવી જોઇએ. આ બધું એક ઝીગ શો પઝલ જેવું હોય છે બેટા, દરેક પીસ એની યોગ્ય જગ્યાએ ગોઠવવાની સમજણ ને આવડત જોઇએ નહીં તો આખું પિકચર બગડી જાય, વેરણ છેરણ થઈ જાય.’

 

‘માય ગોડ આંટી તમે કેટલી મોટી વાતો કરી દીધી. મને તો સપનામાં પણ આવા વિચાર ના આવે. હું તો કોઇ માણસ બોલે એટલે એના પરથી જ એને જજ કરી લઉં પણ આજે સમજાયું કે દરેક માણસના સમાજ અલગ અલગ હોય છે. આપણે વાત કરવા – સમજવા એ માનવીના માનસિક લેવલ સુધી પહોંચવું પડે તો જ સાચી સ્થિતીનો તાગ કાઢી શકીએ.’

 

‘સારું ચાલ હવે, આપણી બસ આવી ગઈ.’  અને બે ય જણ સામસામે મીઠું મરકીને બસમાં ચડી.

 

અનબીટેબલઃ પરિવર્તનનો પવન ધીમો પણ મક્કમ હોય, વાવાઝોડું હંમેશા વિનાશકારી જ નીવડે છે.

 

-સ્નેહા પટેલ.

All time available


Phulchhab > Navrash ni pal column>30 august-2017.

 ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ ઃ


ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,

એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.

– અનિલ ચાવડા.


વૈદેહી પાર્લરમાં પોતાના વાળ કપાવી રહી હતી. આજે એને ઓફિસમાં રજા હતી. બે મહિનાથી બ્યૂટી પાર્લરનો મેળ પડતો જ નહતો તો આજે એણે ફોનમાં ‘પ્રાયોરીટી’ના લિસ્ટમાં એને પહેલું સ્થાન આપેલું હતું. આધુનિક હેરસ્ટાઈલમાં એનો આત્મવિશ્વાસ અનોખી રીતે વધી રહ્યો હતો. વાળ પછી વારો આવ્યો મેનીક્યોર -પેડીક્યોર – ફેસિયલનો..આરામથી આંખો બંધ કરીને એ પેડીક્યોરના મસાજની મજા માણી રહી હતી અને એનો ફોન રણક્યો. સહેજ આંખ ખોલીને એણે સામે ટૅબલ પર પડેલ ફોનનો નંબર જોયો તો એ આતિશનો ફોન હતો. ‘હમણાં પાંચ મીનિટ પછી કરીશ’ વિચારીને એણે એ ફોન ના ઉપાડ્યો. ફોન કટ થયો અને બે મીનિટમાં તો પાછો રણ્ક્યો. મોઢા પર ફેસિયલનું ક્રીમ લાગેલુ હતું અને હાથ મસાજમાં બિઝી…હવે શું કરું ? એણે લાચાર નજરે એની બ્યૂટીશીયન સામે જોયું અને  બ્યુટીશીયન ભફાક દઈને હસી પડી અને બોલી,’ડોન્ટ વરી. હું પકડું છું ફોન..આપ વાત કરી લો..કદાચ કોઇ અરજન્ટ વાત હશે.’ અને એણે ફોન ચાલુ કરીને વૈદેહીના કાન પર ધર્યો.

‘બોલ આતિશ..શું થયું ?’

‘શું બોલું યાર..તું ક્યાં છે ? ક્યારનો ફોન કરી કરીને થાકી ગયો.’

‘હું પાર્લરમાં છું. કેમ શું થયું ? શું કામ હતું?’

‘કંઈ નહીં. આજે ઓફિસના કામથી ઘર બાજુથી નીકળેલો તો થયું કે ચાલ, ઘરે આંટો મારતો જઉં. ઘરે આવીને જોઇએ તો તું બહાર ને ઘરમાં મમ્મી એકલા. તારી સાથે ક્યાંક બહાર રખડવાનો પ્લાન કરેલો પણ હવે બધો મૂડ બગડી ગયો, જવા દે.’

‘ઓહ..પણ મને થોડી ખબર કે તું આવી રીતે ઘરે આવીશ.’

‘તને હજી કેટલી વાર લાગશે ?’

‘હજી લગભગ દોઢ બે કલાક તો ખરાં જ.’

‘ઓફ્ફોહ.આટલો બધો ટાઈમ…’અને આતિશે અકળાઈને ફોન કટ કરી દીધો. પાર્લરમાંથી પરવારી  આત્મવિશ્વાસમાં દોઢસો કિલોનો વધારો કરીને વૈદેહી ખુશ ખુશાલ થઈને ઘરે આવી. ઘડિયાળમાં જોયું તો ચાર ને દસ મીનિટ થયેલ. એણે આતિશને ફોન કર્યો પણ સામે નો રિપ્લાય આવ્યો. થોડીવાર રહીને ફરીથી કોલ કર્યો તો ફોન એંગેજ આવતો હતો. કંટાળીને થોડી વાર આડી પડવાના વિચાર સાથે એણે બેડ પર લંબાવ્યું. આંખ ખૂલી તો સીધા છ વાગી ગયેલાં. ફટાફટ ઉઠીને મોઢું ધોઇને એણે એની અને એના સાસુની ચા મૂકી. ચા ગાળતી જ હતી અને આતિશ આવી પહોંચ્યો.

‘તું ચા પીશ…બીજી બનાવી દઉં..?’

‘તારે શું કામ ચિંતા કરવી જોઇએ ? મારી ઇચ્છા હશે તો હું જાતે બનાવી લઈશ. તું તારે તારા પાર્લરને તારા કામોમાં બીઝી રહે..’ આતિશે થોડા તીખાશભર્યા સ્વરે ફરિયાદ નોંધાવી.

‘અરે પણ નોકરીમાંથી માંડ સમય મળતો હતો અને પાર્લરની અપોઇન્ટમેન્ટ મળી તો જવું પડ્યું એ સમયે. એમાં શું ખાટું મોળું થઈ ગયું.આટલો આકરો કાં થાય છે.’

‘નવાઈની નોકરી કરે છે તું. કાયમ જાણે મારી પર ઉપકાર કરતી હોય એવું જતાવે છે. હું માંડ સમય સેટ કરું કે ચાલો થોડો સમય સાથે વીતાવીશું. પણ તું તો કાયમ…’

‘આતિશ, બસ કર હવે. બહુ થયું. હું કાયમ ઘર ને ઓફિસના સમયમાં રેગ્યુલર જ હોવું છું એ પછી મારે ઘરના, છોકરાંઓના સમય પણ સાચવવાના હોય છે. મેં ક્યારેય એ બધી ફરજોથી મોઢું નથી મચકોડ્યું. પણ તું અચાનક જ આમ આવી ચડે તો મને ના ફાવે. હું કંઈ તારા માટે ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ ના રહી શકું. મારે હજારો કામ હોય છે અને મારો પોતાનો મૂડ જેવું પણ કંઈ હોય કે નહીં ? તું ઘરે આવી ચડે એટલે મારે તારી આગળ પાછળ ફરવાનું ? મને માંડ રજા મળેલી તો મને થોડો આરામ કરવાનો મૂડ હતો. હું ઘરે હોત તો પણ બહાર તો નહતું જ જવું.’

‘ઓહ..નવાઈના બે પૈસા કમાય છે એમાં આટલો તોર !’ 

અને આતિશનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ઘરમાં કકળાટના ઘેરાં વાદળ બંધાવા લાગ્યાં હતાં – હમણાં વરસ્યાં , હમણાં વરસ્યાં…ત્યાં જ વાતાવરણનો બાફ ઓછો કરતો અવાજ ગૂંજયો – એ અવાજ હતો આતિશની દસમી ચોપડી પાસ પણ સમજણમાં ભલભલા ગ્રેજ્યુટસને પણ ભૂ પાડી દેતી મમ્મી સુમિત્રાદેવીનો!


‘આતિશ, વહુ બેટા બરાબર કહે છે. હવે પહેલાંનો સમય નથી રહ્યો કે પુરુષ ઘરે આવે ત્યારે એની બૈરી એની રાહમાં આંખો બિછાવીને બેઠેલી મળે. એના હજારો કામ પડતાં મૂકીને પોતાના વરના મૂડને પ્રાયોરીટી આપે અને પોતાનો સમય એ પ્રમાણે વીતાવે. આજકાલની નારીને હજારો કામ હોય છે, પહેલાંની સ્ત્રીઓ કરતાં એ વધુ સમજણ અને આત્મવિશ્વાસ ધરાવતી હોય છે એના કારણે એમનો પોતાની પરનો વિશ્વાસ પણ વધુ હોય છે. પોતાની ફરજો સારી રીતે પૂર્ણ કરતી આવી સ્ત્રીઓને પોતાનો સમય પોતાની રીતે વિતાવવાનો પૂરો હક અને મરજી રાખવાનો પૂરો અધિકાર છે.તમારે પુરુષોએ હવે મન થાય ત્યારે પોતાની પત્ની સાથે સમય વિતાવવાની નીતિને બદલવી પડશે. તમારે પણ હવે એનો સમય સાચવવો પડશે. એનો મૂડ – મરજી – જરુરિયાત બધું ઓળખતાં શીખવું પડશે. બંનેના શિડ્યુલ બીઝી હોય ત્યારે એકબીજા સાથે વાત કરીને સમયનું વ્યવસ્થિત ટાઇમટેબલ બનાવો અને એ પ્રમાણે ચાલતાં શીખો. આધુનિક જમાનો અનેકો સુખ સુવિધાઓ લાવે છે પણ સાથે સાથે આ નવી શીખ પણ લેતો જ આવે છે જે તમારે લોકોએ યેન કેન પ્રકારેણ શીખવું જ પડશે. વહુ બેટા, તારે પણ આતિશ આ રીતે તને સેટ ના થાય ત્યાં સુધી થોડી વધારે સહનશક્તિ દાખવવી જ પડશે. જો અત્યારથી નહીં ચેતી જાઓ તો તમારું દાંપત્યજીવન આગળ જતાં ખતરામાં આવી જશે.’

અને આતિશ અને વૈદેહી બે ય એકબીજાની સામે સહમતિપૂર્ણ નજરથી જોઇ રહ્યાં. આંખો આંખોમાં જ બદલાતા સમય સાથે પોતપોતાની માનસિકતાને બદલવાના આતિશના ઇરાદા સામે પોતાના લગ્નજીવનના સુખ માટે થોડું વધુ જતું કરવાની વૈદેહીએ સહમતિ આપી દીધી.


અનબીટેબલઃ સતત બદલાતા જીવનમાં તમે સાવ જ સ્થિર થઈ જશો તો વહેલાં ઘસાઈ જશો.


સ્નેહા પટેલ.

Aalsu


 

આળસુ:
बिछड़ने वालों ने आपस में दोस्ती कर ली,
ये पहली बार मुहब्बत में कुछ नया हुवा है!
-શાહિદ નવાઝ.
રાતનો એક વાગવા આવ્યો હતો પણ મિતાલીની આંખોમાં હજુ સુધી નિંંદ્રાદેવીની કૃપા ઉતરે એવા કોઇ એંધાણ નહતા દેખાતા. કંટાળીને મિતાલીએ ફેસબુક ચાલુ કર્યુ અને એને મીનાક્ષી મળી ગઈ. મીનાક્ષી, એની સ્કુલ સમયની બહેનપણી હતી અને મેરેજ કરીને અમેરિકા જઈને વસી ગયેલી. મિતાલીને તો મજા પડી ગઈ. આમ પણ દસ કલાકની નોકરીની લ્હાયમાં એની સોશિયલ લાઈફનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મજબૂરીમાં હાજરી પૂરાવવા પડે એવા પ્રસંગોમાં નાછૂટકે જઈ આવતી બાકી તો આખા દિવસના ગધ્ધાવૈતરું પછી થાકીને લોથપોથ થઈ જાય ત્યારે એને પથારી જ દેખાતી. થાકના પ્રભાવ હેઠળ એને રોજ અગિયાર વાગ્યામાં તો પથારીમાં પડે એવી જ ઉંઘ આવી જતી હતી પણ આજે ખબર નહીં શું થયેલું..મગજ ગોટાળે ચડેલું અને ઉંઘ વેરી! મેસેંજર ખોલીને એ મીનાક્ષી સાથે ચેટીંગ કરવા લાગી.
‘હાય મીનુ, હાઉ આર યુ?’
‘ હું તો મજા મજામાં તું બોલ…પહેલાં એ કહે કે હજુ જાગે છે કેમ ? તમારે ઇન્ડિયામાં તો અત્યારે મારા ખ્યાલથી રાતનો એકાદ વાગ્યો હશે ને ?’
‘હા, આમ તો હું સૂઇ જ ગઈ હોઉં આ સમયે, પણ આજે નથી સૂઇ શકી. છોડને એ બધું, તું ત્યાંના સમાચાર આપ. છોકરાંઓ ને જીજાજી કેમ છે? તારી જોબ કેવી ચાલે?’
‘અરે, બધું સરસ સરસ છે ડીઅર, છોકરાંઓ હવે મોટા થઈ ગયા અને યુનિવર્સિટીમાં બીજી સીટીમાં ભણવા જતાં રહ્યાં છે તો અમે હુતો હુતી એકલાં. એમાં ય મારા હુતાને રાતની શિફ્ટ અને આ હુતીને સવારની..તો અમારું ફેમિલી તીતર બીતર.. પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઇફ. એવરીબડી એન્જોય ધેયર લાઈફ. વીકએન્ડમાં અમે હુતો હુતી કમાયેલા પૈસા દિલ ખોલીને શોપિંગ કરવામાં વાપરીએ, રખડીએ. છોકરાંઓને મળવા જઈએ. તું બોલ, તારા બચ્ચાંઓ શું કરે છે ? તારી ને જીજુની તબિયત કેમ છે?’
‘મારા બચ્ચાંઓ – એક દીકરો કોલેજ્માં ને મોટી દીકરી પોસ્ટગેજ્યુએટ માટે બહારગામ. તારા જીજુની એ જ માર્કેટીંગની જોબ – મહિનાના વીસ દિવસ બહારગામ અને દસ દિવસ અહીં. એમાંય અડધો સમય દોસ્તારો સાથે વીતે…એ માંડ પાંચ દિવસ નવરો પડે ને હું મારા ઓફિસના કામમાં બીઝી હોઉં…બધું અગડ્મબગડમ…પણ ચાલે રાખે, સંસાર છે.’
‘હોય રે, આ સમય જ એવો છે ડીઅર, બધા દોડે છે. અટકી જાય તો એની સાથે એમની ફેમિલીનો ગ્રોથ પણ અટકી જાય..આજના જમાનામાં કોઇને શાંતિ મળતી નથી શોધી લેવી પડે છે. ‘
‘સાચું કહ્યું મીનુ, મેં પણ એટલે જ એક રસોઈયણ બાઈ રાખી લીધી. ઓફિસેથી થાકી પાકી આવું ત્યારે રસોઇ કરવાના હોશ કોશ હોતા જ નથી અને ઘરમાં કોઇ મદદ કરનારું પણ નહીં. ઘણી વખત એમ થાય કે આપણે કેવા આળસુ થઈ ગયા છીએ કે રસોઇ કરવા માટે પણ માણસ રાખવાના ?’
‘અરે, તમારે ત્યાં ફ્રેશ ખાવાનું મળે છે એમ કહે ને ..બાકી અહીં તો આખા અઠવાડીઆની રસોઇ કરીને ફ્રીજમાં મૂકી દઈએ છીએ, રોજ ફ્રીજરમાંથી કાઢી ને ઓવનમાં મૂકીને ખાઈ લેવાનું. અમારે અહીં રસોઇઆ કે કામવાળા નથી મળતા નહીં તો હું પણ એ રખાવી લેત.’ મીનાક્ષી બોલી.
‘અમારે અહીં મળે છે તો એમના નખરાં હજાર. એમ કામવાળા રાખવા સહેલા નથી.’
‘સારું ને મીતુ, એ બહાને તમે લોકો ઘરે બેઠાં મેનેજમેન્ટના પાઠ શીખી જાઓ …’ને મીનાક્ષીએ ખડખડાટ હાસ્ય રેલાવતું સ્માઈલી મૂક્યું.
‘હા, એ તો ઠીક પણ બધા કામ માટે માણસો રાખવાના અને પછી આપણે જીમના ય ખર્ચા કરવાના…એના કરતાં ઘરના કામમાં જ જે એકસરસાઈઝ થાય એ સારીનહીં..પૈસા પણ બચે અને શરીર પણ સારું રહે..’
‘શું મીતુ તું પણ..આજનો જમાનો ટાઈમ મેનેજમેન્ટનો છે.તમારે દોડવું હોય તો સમયને મેનેજ કરતાં શીખવું જ પડે. ઘરના કામ તો આખો દિવસ ચાલે અને હવે પહેલાં જેવો સમય નથી રહ્યો કે આપણે ઘર માટે ઓલ ટાઈમ અવેઇલેબલ રહી શકીએ. હવે આપણે સમય સાથે તાલ મેળવવાનો હોય છે. તું આળસુ થોડી છે? તારે સમય સાચવવાનો હોય છે એટલે તારે પણ માણસોની હેલ્પની જરુર પડે એમાં કંઇ જ ખોટું નથી. વળી આ બધાને પહોંચી વળવા તારું સ્વાસ્થ્ય પણ સાચવવાનું હોય તો જીમ પણ કરવું જ પડે. તારે તો ગર્વ લેવો જોઇએ કે તું જીમમાં જઈને એક સરખી એક્સરસાઈઝ કરવા જેટલાં પૈસા કમાઈ શકે છે, એવો સમય પણ મેનેજ કરી શકે છે. આજની આધુનિકા કપડાં ધોવા ને વાસણ માંજવા રહે તો એમની ઓફિસનો સમય ચૂકી જાય ને નોકરીને ‘બાય બાય ટાટા’ કહેવાનો સમય આવી જાય. એ બધા શારીરિક કામકાજ તો કોઇ પણ માનવી કરી શકે પણ તું આટલી સારી નોકરી કરીને, માનસિક કામ કરીને પૈસા કમાય છે ને તારી જાત પાછળ થોડાં વાપરે છે તો ખોટું શું ? આટલાં કામ કરતી નારીને કોઇ આળસુ તો શું કહે ? ને કહે તો કહે એમની ચિંતા નહીં કરવાની? કોઇ તું થાકી હોઇશ તો ચા નો એક કપ ધરવા ય નથી આવવાનું ? ઘરના કામ કરીને બપોર આખી નવરાં પડે એટલે આવી ચૌદસીયણ પ્રજાતિ બીજાના સુખ જોઇ શકે નહીં અને એમને નીચા કેમ બતાવવા એની વેતરણમાં જ રચ્યાં પચ્યાં હોય છે. તું અફોર્ડ કરી શકતી હોય અને સારો માણસ મળતો હોય તો એમને થોડાં પૈસા આપીને કામ કરાવી લેવામાં કશું જ ખોટું નથી. તારા મનમાં એક ‘આળસુ’ નામનો અપરાધભાવ તરવરે છે એને શાંત કર અને આ વ્યવસ્થામાં કંઈ જ ખોટું નથી એમ જાતને સમજાવ બેના..તું પણ આખરે માણસ છે, મશીન નહીં. ઘરના કામ કરવામાં ઓફિસના કામમાં ઢંગધડા ન આવે ને ઓફિસ સંભાળે તો ઘર અસ્તમ વ્યસ્તમ..આપણે માનવી છીએ – બાહુબલી નહી.’ અને બાહુબલીની જોક માટે દસ બાર સ્માઈલી સ્કીન પર રમતાં મૂકી દીધા.
અને અચાનક મીતાલીને પોતાને અત્યાર સુધી ઊંઘ ના આવવાનું કારણ ખ્યાલ આવી ગયું. જ્યારથી રસોઇવાળી બેનને એણે કામ પર રાખી હતી ત્યારથી એના મગજમાં પોતાના છોકરાંઓને , ઘરનાંને પોતાના હાથે રાંધીને જમાડી ના શકવાનો અસંતોષ સતત એના મનમાં એક અપરાધભાવની લાગણી પેદા કરતું હતું, એને સતત હેરાન કરતું હતું, પણ મીનાક્ષી સાથે જે ચેટીંગ થઈ તેના પરથી એના ઘરની જે સ્થિતી છે એમાં આ જ હાલત બેસ્ટ છે એ વાત એ સ્વીકારી શકી, અને મનની અંદર સતત ચકરાવો લેતાં વમળ શાંત થયા અને એને એકાએક ઉંઘની ઘેરી અસરનો આભાસ થવા લાગ્યો. મીનાક્ષીને બાય બાય કહીને ફોન બંધ કર્યો અને બીજી જ મીનીટે એ નીંદ્રાદેવીના પારણે ઝૂલવા લાગી.
અનબીટેબલઃ માનવીમાં ક્ષમતા જેટલી જ સમજણ અક્ષમતાઓની પણ હોવી જોઇએ.
-સ્નેહા પટેલ