phoolchhab newspaper > 14-10-2015 > Navrash ni pal column
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
-દેવિકા ધ્રુવ
‘અલી રમાડી, આ સાવ આવું કરવાનું ? આખી જિંદગી સાથે જીવવાના કોલ હતાં ને તું સાવ આમ અધવચાળે છોડીને કાં જતી રહી ? ઓ માડીરે..આ કાળઝાળ બુઢાપો સાવ એકલાં કેમનો જીવાશે ?’
રમેશભાઈ મનોમન કકળી રહ્યાં હતાં. સામે એમની જીવનસંગીની રમાબેનનો મૃતદેહ પડ્યો હતો જે સાવ નજીવા તાવની બે દિવસની માંદગીમાં જ મૃત્યુ પામ્યાં હતાં. રમેશભાઈ રહ્યાં પુરુષ માણસ ! રડવાની – જીવ હલકો કરવાની ટેવ તો પહેલેથી જ નહીં એટલે આજે પણ આંખો ભીની તો ના જ થઈ પણ અંતરાત્મા લોહીલુહાણ થઈ ગયો હતો. સામે એક દીકરો,દીકરી, જમાઈ, વહુ અને બે પૌત્ર બેઠેલા હતાં દરેકની આંખમાંથી ગંગા જમના વહી રહી હતી. સાજા સમા રમાબેન સાવ જ આમ એમને રેઢાં મૂકીને ચાલ્યા જશે એવી તો કલ્પના ય નહતી કરી એ લોકોએ.પણ કુદરત આગળ કોનું ચાલ્યું છે ?
રમાબેનની અંતયેષ્ટી પતી અને બધાં ધીમે ધીમે એ આઘાતમાંથી રુટીન જીવનમાં સેટ થવા લાગ્યાં. દીકરો રીવાન અને દીકરી રેવા તો જુવાન હતા અને કામ ધંધાવાળા. મહિનો એ’ક રમેશભાઈ પાસે રહી એ લોકો પોતપોતાના કામે પાછા ચડવાનું વિચારવા લાગ્યાં અને પોતપોતાના માળા તરફ ઉપડવાનું વિચારવા લાગ્યાં. પણ પાછળ રમેશભાઈનું શું ? એ હતાશ, તૂટી ગયેલા જીવને સાવ એકલા જીવવા છોડી દેવાનો બેમાંથી એક પણ સંતાનનો જીવ નહતો ચાલતો પણ સામે પક્ષે એ લોકો સમયની દોડ સાથે તાલ મિલાવી રહ્યાં હતા અને એમાં સહેજ પણચૂક્યાં તો એમના જીવનની ગાડી ખોટકાઈ જાય દોડ્યાં વિના તો છૂટકો જ નહતો. છેવટે રેવા અને જમાઈએ રમેશભાઈને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો.
ગર્વીલા રમેશભાઈ પણ અત્યારે તો તૂટી જ ગયેલા હતાં એમને પણ આ વ્યવસ્થા યોગ્ય લાગી અને તૈયાર થઈ ગયાં.
રેવાની બીજા દિવસની સવાર સાતના બદલે પાંચ વાગ્યે પડી ગઈ, કારણ રમેશભાઈને પાંચ વાગ્યામાં ચા પીવાની ટેવ હતી અને રમાબેન એમને પાંચ વાગ્યામાં ગરમા ગરમ ચાની સાથે નાસ્તો ખાટલે બેઠાં બેઠાં આપતા હતાં એ રુટીન તો કેમનો તોડાય ? રાતના બાર – એક વાગ્યે બધા કામ પતાવીને સૂતેલી રેવાને આજે બે કલાકની ઉંઘની ખોટ બહુ અઘરી પડતી હતી. નોર્મલી એ પોતાની ઉંઘ ડીસટર્બ ના કરે જ્યાં સુધી ચાલી જતું હોય ત્યાં સુધી એ ચલાવી લે પણ પિતાની ચાનો સમય કેમનો ડીસ્ટર્બ થાય ? એમના આખા દિવસનો સવાલ હતો ચા મોડી મળે તો એમનો દિવસ બગડે ને. એ પછી પણ રમેશભાઈનો દિવસ સુધારવા રેવાએ દરેક જગ્યાએ નાની નાની તકેદારી રાખવા માંડી. પપ્પાને ગળી દાળ જ જોઇએ, દરેક શાકમાં બટાકા તો જોઇએ જોઇએ ને જોઇએ જ, નાહવા જાય ત્યારે એમના કપડાં ને ટુવાલ પલંગ પર જોઇએ, એમનો મનગમતો સાબુ અલગ ડબ્બીમાં જ જોઇએ, રોજ નાહીને વાળમાં તેલ નાંખવા જોઇએ, પાંચની ચા પછી નવ વાગ્યે કેસર પિસ્તાવાળું દૂધ જોઇએ….જોઇએ જોઇએ જોઇએ નું લિસ્ટ વધતું ગયું અને રેવા એના ચકકરોમાં ગોળ ગોળ ફરવા લાગી. થૉડા દિવસ તો એણે બધું એડજસ્ટ કર્યું પણ હવે એ એડજસ્ટમેન્ટની અવળી અસર એની જોબ, પતિ ઋગ્વેદના સંબંધ પર અને એના દિકરાના ઉછેર પર પડવા લાગી. આખા ઘરમાં પપ્પા એક જ મહત્વની વ્યક્તિ રહી ગઈ હતી બાકી બધા પોતાના કામ પોતાની રીતે પતાવીને પપ્પાને એડજસ્ટ થવામાં કાઢવા લાગ્યાં.
રમેશભાઈ દુનિયાનો સૌથી દુઃખી જીવ ! એ તો પોતાના દુઃખની દુનિયામાં જ વ્યસ્ત હતાં. આજુબાજુ કોણ શું કેમ જીવે છે એની સાથે એમને કોઇ જ લેવા દેવા નહતી. રમાની સ્મ્રુતિ એમને નિરાંતે જંપવા નહતી દેતી.
થોડા દિવસમાં રેવા કંટાળી ગઈ. આવું તો ના ચાલે. એણે આડકતરી રીતે પપ્પાને પોતાની તકલીફ, સ્થિતી સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ રમેશભાઈને તો જાણે કંઈ સમજવું જ નહતું. આંખ આડા કાન કરીને બેસી ગયેલાં. પોતે એક વડીલ છે પોતાના પૌત્ર વરુણ સાથે થોડો સમય કાઢે ઘરની થોડી જવાબદારીઓ પોતે ઉપાડી લે તો રેવાને શાંતિ રહે, વળી પોતાની ટેવો પૂરી કરવી એ પોતાની પત્ની પાસેથી અપેક્ષા રાખી હોય ત્યાં સુધી યોગ્ય હતી પણ દીકરી, જમાઈ પાસેથી રાખવી તો સાવ જ અયોગ્ય કહેવાય એ વાતની એમને સમજ જ નહતી. પોતે બાપ છે અને પોતાની સગવડ સાચવવી,ધ્યાન રાખવું એ પોતાના સંતાનોની ફરજ છે. એમણે તો એમનું જક્કી વલણ ચાલુ જ રાખ્યું. રીવાએ કંટાળી ધીમે રહીને રેવાનને પપ્પાને થોડો સમય પોતાના ઘરે લઈ જવા કહ્યું ને રીવાન એમને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પણ એ જ હાલત,
રીવાનની સહિષ્ણુ અને ધૈર્યવાન પત્ની રેખા પણ પોતાના જક્કી સસરાથી કંટાળી ગઈ, પણ આ તો સસરા- એમની વિરુધ્ધ તો વિચારાય પણ કેમ ? વળી પરણીને તરત અલગ રહેવા લાગેલા એટલે એમની લાઇફસ્ટાઈલ અને રમેશભાઈને લાઈફસ્ટાઈલમાં આભ જમીનનો ફર્ક. રમેશભાઈ બાથરુમમાં જાય તો સરખું પાણી ના રેડે, જમવા બેસે તો ચારે બાજુ ખાવાનું વેરે, હાથ લૂછવા માટે નેપકીનનો ક્યારેય ઉપયોગ ના કરે જે હાથમાં આવ્યું ત્યાં જ ..ભલે ને પછી એનો સોફો કેમ ના હોય..કપડાં ય ત્રણ ત્રણ દિવસ સુધી ધોવા ના નાંખે, રોજ સવારે મોટેમોટેથી અવાજ કરીને અડધો કલાક કોગળાં કરે અને ગળામાં આંગળી નાંખી નાંખીને કફ કાઢે…રેખાની ધીરજ પણ છૂટવા લાગી હતી. એ આખો દિવસ રમેશભાઈની પાછળ પાછળ ફરવામાં દિવસ નીકળી જતો અને ઘરના ઢગલો કામ એમના એમ જ પડ્યાં રહેતા. રીવાન અને પોતાના દીકરાની માટે તો એની પાસે સહેજ પણ સમય નહતો નીકળતો. અંદરો અંદર એ અકળાવા લાગી પણ આનો ઉપાય શું? તાળી એક હાથે તો ના જ પડે ને ? જો પોતે રમેશભાઈને સાથે રાખવાની ના પાડે તો સમાજ તો એમને ફોલી જ ખાય ને કે બુઢ્ઢા સસરાને સાવ એકલાં તડપવા છોડી દીધાં…આવા તો કેવા છોકરાંઓ છે આ ? રીવાન પણ રેખાની મનોસ્થિતી સમજતો હતો. એક દિવસ એ ઓફિસથી થોડો વહેલો આવી ગયો અને રમેશભાઈને લઈને બેડરુમમાં ગયો,
‘પપ્પા, મમ્મીના જવાનું તમને એકલાંને જ દુઃખ છે એવું માનો છો કે ?’
‘ના રે દીકરા, રમા તો બધાની લાડકી હતી.’
‘ઓકે. હવે પપ્પા એમ કહો કે એના ગયા પછી તમારી લાઇફસ્ટાઇલમાં કોઇ ફેરફાર આવ્યો કે ?’
‘ના, આમ તો ખાસ કંઈ નહીં. હા મારું જીવન ખાલી ખાલી થઈ ગયું દીકરા.’
‘પપ્પા, તમે મમ્મી પાસેથી જે કામની અપેક્ષાઓ રાખતાં હતાં એવી અપેક્ષા તમે તમારા સંતાનો પાસેથી રાખો એ કેમ ચાલે ?’ વાત લાગણીના પાટે વળી જાય એ પહેલાં જ રીવાન ‘ટુ ધ પોઈંટ’ બોલ્યો.
‘ના રે…મારી એવી કોઇ આશા ક્યાં છે…’
‘તો આ બધું કામ તમારા સમયે અને તમારી રીતે જ થવું જોઇએ એવી આશા કેમ રાખો ? રોજ સવારે પાંચ વાગ્યે ચા જોઇએ જ…એના માટે બીજાને જે તકલીફ પડવી હોય એ પડે..હાથ નેપકીનથી નહીં લૂછવાના…ઘરનાં ઉંઘતા હોય ને મોટેમોટેથી કોગળાં કરીને એમની ઉંઘ બગાડવાની…પપ્પા, માન્યું કે તમને વર્ષોથી આવી ટેવો પડી છે ને મમ્મી સાથે એ રીતે જીવ્યાં જ છો પણ અમારી લાઇફસ્ટાઇલ સાવ અલગ છે. તમે એમાં એડજસ્ટ થવાનો સહેજ પણ પ્રયત્ન જ નથી કરતાં એવું કેમ ચાલે ? વળી અમારી લાઈફસ્ટાઈલ સુઘડ અને વ્યવસ્થિત છે તો એ અપનાવવામાં,સમય પ્રમાણે અપડેટ થવામાં વાંધો શું છે? તમને નથી લાગતું કે તમે જે સાવ આંખો બંધ કરીને, જડતાપૂર્વક જીવો છો ખોટી વાત છે. થોડાં અમે તમને એડજસ્ટ થઈએ અને થોડા તમે એડજસ્ટ થાઓ તો જ પ્રેમપૂર્વક અને સન્માનપૂર્વક જીવી શકાશે બાકી આમ તો બહુ લાંબુ નહીં ચાલે પપ્પા. આદરભાવ અલગ વાત છે પણ એને લઈને કોઇ તમારું ગુલામ બનીને રહે એવી માન્યતાઓ ભૂલભરેલી છે. સમય સાથે દરેકે બદલાવું જ પડે છે અને તમારે ય તમારી ટેવોમાંથી થોડાં બહાર આવવું જ પડશે. બાકી સમાજ તો નવરો છે…એક દીકરાએ પોતાના બાપને ના રાખ્યો ..સાવ લાગણીહીન છે જેવું બોલીને ચૂપ થઈ જશે. અંદરની તકલીફ કોઇ જોવા નથી આવતું હોતું ને મને એવા સમાજની કોઇ તમા ય નથી. સો વાતની એક વાત સ્વમાનથી જીવવું હોય તો જ્યાં રહેવુ હોય ત્યાં એક લાગણીભીના, જવાબદાર વડીલ – સદસ્યની જેમ રહો , બાકી તો ઘરમાં બહુ ફર્નિચર પડ્યું હોય છે જ !’
રમેશભાઈ એકીશ્વાસે બોલી રહેલ રીવાનની વાત એકીશ્વાસે જ સાંભળી ગયાં. આખી જિંદગી પોતાના સિવાય એમણે કદી બીજાનો વિચાર જ નહતો કર્યો અને રમાએ તો પ્રેમપૂર્વક એ નીભાવી પણ લીધો પણ છોકરાંઓની જિંદગી આમ ડહોળવાનો એમને કોઇ હક નહતો. આંખ ને કાનની સાથે સમજણનાં દ્વાર પણ ખોલીને જીવવું જોઇએ એ વાત જીવનના અડસઠમા વર્ષે સમજાઈ હતી.
અનબીટેબલ ઃ સમયના પ્રવાહને અનુરુપ વહીએ નહીં તો કોહવાઈ જઈએ.
-sneha patel
અદ્ભુત…અદ્ભુત…અદ્ભુત લેખ…સ્નેહાબેન, ઘણા લેખકો એવું સમજતા હોય છે કે લેખ એટલે કંઈક ખાસ વિષય હોવો જોઈએ, પરંતુ તમે સામાન્ય વિષયને, ઘટનાને, ઘરની કે બહારની સમસ્યાને, સંબંધની આંટીઘુંટીને કે પછી અન્ય કોઈ બાબતને તમારી કલમથી, આવડતથી, વિચારોથી ખાસ બનાવી દો છો, જે એક કળા છે. એ બદલ તમને સલામ. તમે આ લેખમાં દર વખતની જેમ એકદમ જીણામાં જીણી વાતોને વણી લીધી છે. આના માટે તો મગજને ખુબ હચમચાવવું પડે, ખુબ વિચારવું પડે. (સાદી ભાષામાં કહીએ તો મગજનું દહીં કરવું પડે.) તમે લખાણમાં ખુબ ઉંડા ઉતરી જાવ છો જે લેખમાં દેખાય આવે છે. ગુજરાતીમાં એક કહેવત છે, “સોળે સાન ને વીસે વાન”…પરંતુ અડસઠે પણ સાન આવે જો વ્યક્તિ સમજે તો એ આ લેખ દ્વારા જાણ્યું. જો કે શીખવાની કે સમજવાની કોઈ ઉંમર નથી હોતી. એ તો વ્યક્તિ ઉપર આધાર રાખે છે. દરેકના જીવનમાં નાના-મોટા દુઃખ આવતા હોય છે, પરંતુ તેમાંથી બહાર નીકળીને, સ્વસ્થતા કેળવીને ઉભરવું એ એક મોટી વાત છે. વર્ષોથી જે લાઈફ સ્ટાઈલને જીવ્યા હોઈએ તે ઘરેડમાંથી બહાર નિકળવું ઘણું અઘરુ કામ છે, પરંતુ પરીસ્થિતિ અનુસાર જીવનમાં બદલાવ લાવવો પડે છે. એ પણ હકીકત છે. અહીં તમારી કાવ્ય પંક્તિને ટાંકવાનું મન થઈ આવે છે કે “નદી જેવું બિન્દાસ વહું છું, હા એટલું ખરું વળાંકોને અનુરૂપ થઈ જાઉં છું”…વધારે તો શું કહું, બસ એટલું જ કે આખરે તો તમારુ કામ જ બોલે છે…
LikeLiked by 1 person
Kaam bole eno anand j anero amitbhai. Mane bolvani tev pan nathi..etle kalam na shabdo MA vadhare ne vadhare samjan purovti rahu chhu. Tamara jeva mitro aatla dhyaan thi vache ne cmmnt lkhvano samay falve etle majamaja…thx
LikeLike