khalipo /ખાલીપો

ખાલીપો : ૧

આજે બહુ દિવસોની ધગધગતી ગરમી પછી વરસાદ પડ્યો. ઘરની બાલ્કનીમાં ઉભેલી ઈતિએ છાલકો મારી મારીને મોઢુ ભીનું કરવાનો એક નિરર્થક પ્રયત્ન કર્યો તો ખરો પણ..દિલના દાવાનળ એમ કંઈ વર્ષાની કોમળ બૂંદોથી કદી બુઝાયા છે, તે આજે ઈતિ સફળ થવાની? એણૅ તો જાણી જોઈને હારવાનો એક પ્રયત્ન જ કર્યો બસ… આશા હતી એમ જ એ વર્ષા-બૂંદો તો સટ…ટ દઈને મોઢા પર અડતા પહેલાં જ વરાળ બનીને ઊડી ગઈ. આજે બહુ જ બેચેન હતી..એના એક એક ડગલાંમાં એની એ બેચેની છલકતી હતી..ભારે ભરખમ અતૃપ્ત અપેક્ષાઓની બેડીઓ, ગરમા ગરમ ઊના લ્હાય જેવા નિસાસાઓ…ઓહ..!! ઈતિ આખેઆખી સળગતી હતી..પીગળતી હતી…જમીન પર પ્રસરતી જતી હતી..કોઈ જ સમેટી ના શકે એવા કાચની કરચોમાં તૂટતી જતી હતી…

આમ તો ઈતિ સફળ બિઝનેસવુમન હતી..એની સફળતાના સૂરજની રોશની ભલભલાને ચકાચોંધ કરી જતી હતી..કોઈને પણ ઇર્ષ્યા કરવા માટે પ્રેરી શકે એમ એનો સક્સેસનો પારો ઉંચે ને ઉંચે જ ચડતો જતો હતો..પણ અંદરની વાતની કોને ખબર પડે..? એ ઠેર ઠેરથી ઠોકરો ખાઈ ખાઈને ગોબાઈ ગયેલી..ચારે બાજુથી મન, એને પડેલ ઊઝરડાઓથી લોહીલુહાણ હતું. એના મનગમતા, તૂટતા સંબંધનો ખાલીપો એના જીવનને અઝંપા ભરેલી રાતો સિવાય કંઈ જ નહોતું આપી શકતું.
કોઈને કહેવાય નહી ….સહેવાય નહી..!!
માનવીની એક અતિ પીડાદાયક સ્થિતિ. દિલ ચોધાર આંસુથી રડતું હોય…તરફડતું હોય…પણ આંખો કોરી ધાકોર..!! ઈતિ રોજ રોજ એ સૂક્કી ભઠ્ઠ આંખોની કિનારીઓ પર કાજળની એક લાંબી રેખા ખેંચી દેતી. જેથી આંજણની એ કાળાશમાં એના ભડ-ભડ સળગી રહેલાં અરમાનોની કાળી – ભૂખરી રાખનો દરિયો જે સતત આંખોમાં હિંડોળા લેતો રહેતો..ઉફનતો રહેતો..ગમે ત્યારે આંખોની કિનારીઓ તોડી વહી આવવા, આંસુ નામના પ્રવાહમાં તૈયાર રહેતો..એ કાળો-ભૂખરો દરિયો , કોસ્મેટીકના  રૂપાળા આંચળ હેઠળ છુપાઈ જાય. આજે રહી રહીને એને એ સંબંધનો ખાલીપો સતાવતો હતો..શાંતિથી જપવા જ નહતો દેતો.

રસોડામાં જઈને થોડી કડક કોફી બનાવી..કોફી મગ લઈને ફરીથી બાલ્કનીમાં આવીને એની મનપસંદ જગ્યા..હિંચકા પર બેઠી. ધીમી ધીમી ઠેસથી ઝુલવા લાગી..ત્યાં નજર સામે પડેલ કાગળ અને પેન પર પડી. એને લખવાનો અનહદ શોખ હતો . હંમેશા નોટ અને પેન હાથવગી રહે એમ ચાર પાંચ જગ્યાએ મૂકી જ રાખતી..લખી નાંખતી..મનઃસ્થિતિ કાગળ પર ઉતારીને થોડી હળવી થઈ જતી..અને પછી જ્યારે શાંતિથી એ વાંચે ત્યારે હોઠ પર એક નાજુક સ્મિત છલકી આવતું..એ આટલું સરસ લખી શકે છે એનો એને લખતી વખતે ખ્યાલ જ નહ્તો આવતો..આજે પણ એ નોટ પેન જોઈ હાથ કંઈક લખવા માટે સળવળી ઉઠ્યો..અને બેધ્યાનપણે જ નોટ લઈને શબ્દો ટપકાવવા માંડી..

તને ખબર છે..
મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા..
અને
તને મળવાની તીવ્ર ઝંખના છતાં
મિલનની આઘે ઠેલાતી પળો..
નિરર્થક કોશિશો…
હવાતિયાં જેવું જ કશુંક..
એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!
એ બેય મારા હૈયે ક્યારેય ના પૂરી શકાતો
અંધકારના કાળા ડિબાંગ સમો,
છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,
સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,
ખાલીપો જ ભરતો જાય છે…

આટલું લખતા લખતા તો એની છાતી ધમણ પેઠે હાંફી ગઈ..
માઈલોનું અંતર કાપીને આવેલ દોડવીરની જેમ થાકીને લોથપોથ.. !!
કાગળ અને પેન બંધ કરી, આંખોનો વરસાદ દુપટ્ટામાં સમેટતી કોફીનો મગ પુરો કરતી ઈતિ હિંચકા પર પાછળની બાજુ માથુ અઢેલીને લાશવત થઈને ઝુલતી રહી….

[ક્રમશઃ]

ખાલીપો-ભાગ-૨
____________

ઈતિને ખ્યાલ જ નહોતો રહ્યો કે એ થાકીને ચૂર થઈને ક્યારે એમ જ હતાશાભરેલ હૈયે હિંચકા પર જ સૂઈ ગઈ…આમે સવારે ૬.૦૦ વાગ્યે તો ઊઠવાનું જ હોય એણે..હાથમાં બાકી તો ફકત ૨-૩ કલાક જ વધેલા ને…!!!
રાતનો ઉજાગરો લાલધૂમ આંખોમાં સ્પષ્ટ વંચાતો હતો.
જોકે હવે તો ઈતિ એની જિંદગીમાંથી આવા કલાકોની બાદબાકીથી ટેવાઈ ગયેલી ..!!
માણસ પાસે જ્યારે નાગમતી સ્થિતિનું કોઈ ઓપ્શન ના હોય એટલે એણે નાછૂટકે એ પરિસ્થિતિથી ટેવાવું જ પડે છે. ‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દે, પણ જો માનવી એનો સાચો અને પોઝીટીવ ઉપયોગ કરતાં શીખે તો તો આસમાનની ઉંચાઈઓ પણ સર કરાવી દે છે.
આ જ ‘નો ઓપ્શન’ શબ્દ વિચારતાં વિચારતાં ઈતિથી એમ જ હસી પડાયું.  માથું ખંખેરીને બધા વિચારોને ભગાડી અને ફટા ફટ તૈયાર થઈ..બ્રેક્ફાસ્ટ…લંચબોક્સ…બાથ…અને એજ રોજ ઘરના ડ્રોઈંગરુમમાં કલાકે કલાકે ટહુકતી કોયલવાળી ઘડિયાળ સાથે હરિફાઈ..
આજે તો પણ અડધો કલાક મોડું તો થઈ જ ગયેલું..ઉતાવળે ઉતાવળૅ પાર્કિંગમાંથી ગાડી કાઢી અને ૮૦ની સ્પીડે ભગાવી …!!

ઝુમ…ઝુમ…મગજ્ના વિચારો તેજ હતાં કે ગાડીની સ્પીડ…એનું માપ તો કઈ રીતે નીકળે? ?
કાલ રાતનો યાદોનો ‘હેંગ ઓવર’ હજુ પણ માથે સવાર હતો .

ઈતિ નાનપણથી જ બહુ મહત્વાકાંક્ષી છોકરી હતી. એને જિંદગીમાં ખૂબ જ આગળ જવું હતું. ખૂબ પૈસા કમાવા હતા. મા બાપનું નામ રોશન કરવું હતું. એટલે જ કોલેજ સમય દરમ્યાન એ પોતાની સખીઓની પ્રેમકથાઓ સાંભળીને ફકત હસીને જ સાંભળી લેતી..એક કાનથી બીજા કાને બહાર. એને ના પોસાય આ બધા લાગણીવેડાં. એ ચકકરમાં એ પોતાના કેરિયર સાથે ચેડા ના કરી શકે. એકચિત્તે ઈન્ટીરીઅર ડિઝાઈનીંગનો કોર્સ કરી અને ખૂબ  સારી કંપનીમાં પાંચ આંકડાના પગાર સાથે જોડાઈ ગયેલી. એની ધગશ..આવડત અને હિંમત… બધુંય ભેગું થાય પછી એને સફળ થતાં કોણ રોકી શકવાનું..??
ત્યાં એની મુલાકાત એક મોટી કન્સ્ટ્રકશન કંપનીના એન્જિનીયર અર્થ સાથે થઈ. તરવરીયો , હસમુખો, શાર્પ દિમાગનો માલિક એટલે અર્થ મહેતા.કંપનીની એક મિટીંગ દરમ્યાન ચર્ચાઓ દરમ્યાન ઈતિ એના બહુમુખી અને હસમુખા વ્યક્તિત્વથી ખાસી અંજાઈ ગયેલી. સામે અર્થને પણ આ રુપકડી રુપકડી એના થોડી અંતર્મુખી હોવાના કારણે અભિમાની લાગતી ઈતિ પણ એટલી જ આકર્ષી ગયેલ.બંને બહુ જ ઝડપથી એક-બીજાની નજીક આવેલા અને થોડા સમયના પરિચય પછી પરણી ગયેલા..
શરુઆતના લગ્ન-જીવનના દિવસો તો ક્યાં ઝડપથી પસાર થઈ ગયા એ બેય ને ખ્યાલ જ ના રહ્યો.
લગ્નના ૨ વર્ષના ટુંકા ગાળામાં તો એમના પ્રેમની નિશાની રુપે, ઈતિ અને અર્થના સંસારમાં એક સરસ મજાનો રાજકુમાર જેવો ‘સ્પર્શ’ નામનો દિકરો પણ પ્રવેશી ચુકેલો.
સુખના સમયને સાચે પાંખો જ હોય છે.
ક્યાં એ પસાર થઈ જાય એ સમજાય જ નહી. એવું જ કંઈક ઈતિ અને અર્થની જિંદગીમાં પણ થયેલું. બંનેને જીવન ધન્ય ધન્ય લાગવા માંડેલું..
અર્થની સ્વપ્નસુંદરી જેવી ઇતિ અને ઈતિનો ઘોડેસવારવાળો રાજકુમાર એટલે અર્થ…
આ સમયગાળા દરમ્યાન ઈતિ એક્દમ જ ઘરરખ્ખુ આદર્શ ગૃહિણી બની ચુકેલી. સ્પર્શના જન્મ બાદ એણે પોતાની કેરિયર વિશે વિચારવાનું લગભગ છોડી જ દીધેલું.
ત્યાંતો એક્દમ જ ઈતિની ગાડી સામે એક નાનો છોકરો દોડતો દોડતો આવ્યો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….

ખાલીપો – ભાગ – ૩.

ત્યાંતો એક્દમ જ ઈતિની ગાડી સામે એક નાનો છોકરો દોડતો દોડતો આવ્યો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….
સાથે જ ઈતિના વિચારોને પણ જોરદાર આંચકા સાથે બ્રેક વાગી ગઈ..ગભરાટમાં ગાડીનું ઈગ્નિશન ચાવી ફેરવીને બંધ કર્યુ અને હાંફળી ફાંફળી ગાડીમાંથી નીચે ઉતરી.
પાંચેક વર્ષનો માસૂમ છોકરો બોલની પાછળ દોડતો દોડતો રસ્તા પર આવી ગયેલો.
એને જોતા જ ઈતિના દિલમાં એક જોરદાર સણકો વાગ્યો.મમતા..ઉર્મિઓનો સાગર હિલ્લોળા લેવા માંડ્યો.
અરે, આ તો અસ્સલ એના સ્પર્શ જેવડો જ, એવો જ ગોરો ગોરો..વાંકડિયા ઝુલ્ફાંવાળો,ગુલાબી ગુલાબી હોઠ અને રડે ત્યારે એના ચેહરાના હાવભાવ અદ્દ્લ સ્પર્શની કાર્બન કોપી જ જોઈ લો.
એનો સ્પર્શ પણ આવડો જ થઈ ગયો હશે ને..આવો જ લાગતો હશે કદાચ..ના ના…આનાથી પણ વધુ રુપાળો..
ઈતિએ ધ્યાનથી જોયું તો એ છોકરાને બહુ ખાસ કંઈ વાગ્યુ નહોતું. બસ, ખાલી થોડો ગભરાઈ ગયેલો ..એના ઢીંચણ પર થોડી ચામડી છોલાઈ ગયેલ..ઈતિને મોઢેથી એક હાશકારો નીકળી ગયો.સામે જ એક પ્રોવિઝનની દુકાન હતી એમાંથી એ છોકરાને એક મોટી ‘ડેરીમિલ્ક’ કેડબરી અપાવી દીધી…છોકરો ખુશ થતો થતો બધી ઈજા ભુલીને, ‘થેંક્સ આંટી’ કહીને પાછો ભાગી ગયો.
કેટલી સહજ હોય છે આ છોકરાઓની દુનિયા..કાશ, મોટેરાંઓને પણ આમ જ મનાવીને સંબંધો યથાવત કરી શકાતા હોત તો ઈતિની દુનિયા આજે કેટલી સુંદર હોત…!!!

પણ એક્વાર તૂટેલ કાચ કે એક વાર તૂટેલ સંબંધ એમ કદી સંધાયા છે..??

સંબંધો પર સમાધાનોના થીંગડા મારી મારીને જ ચલાવવા પડે છે.

આ સંબંધોની દુનિયા પણ અજબ હોય છે. જેટલી સરળ એટલી જ જટિલ.

____________________________________________________________

ઈતિએ ઓફિસે પહોંચીને એક હાશ…નો શ્વાસ લીધો. બેલ મારીને પહેલાં તો બુમ પાડી…

‘હરિકાકા..’

હરિકાકા…૫૦-૫૫ વર્ષના પ્યુન જેને ઇતિ કાકા કહીને જ બોલાવતી…

‘એકદમ ચીલ્ડ પાણીની બોટલ અને એક કડક કોફી કાકા…પ્લીઝ્…’

રુમમાં ચાલતું એસી થોડું ફાસ્ટ કર્યુ…આજકાલની ગ્લોબલ વોર્મિંગીયા ગરમી આમે માનવીની અડધી તાકાત તો એમ જ ચુસી લેતું હતું..!!

અસહ્ય ગરમી પડતી હતી..લોકોના જીવવા માટેની – જીવન જરૂરિયાતની માંગમાં હવા, પાણી, ખોરાકની સાથે સાથે જાણે ઠંડા પીણા , એ.સી, કુલર..આવું કેટ કેટલુંયે લિસ્ટમાં વધતું જતું હતું.

પાંચેક મિનિટ પછી થોડું ફ્રેશ થઈ ઈતિએ કોમ્પ્યુટરમાં સૌમ્ય પટેલની ફાઈલ ખોલી…

‘સૌમ્ય પટેલ..’

અમદાવાદના પોશ ગણાતા એરિયા ‘બોપલ’માં એમનો બંગલો હતો.. એમના બઁગલાનું ઈન્ટીરિયરનું કામ ઈતિના હાથમાં હતું.

જોકે પતિ અને પત્ની બેયના મતભેદ બહુ રહેતા ઈન્ટીરિયર બાબતે. પતિદેવને થોડું ચલાવી લેવામાં અને થોડું સુવિધાજનક ફર્નીચર જોઈતું હતું, જ્યારે પત્નીને કોઈ જ બાંધ છોડ કરવી નહોતી.ભલેને પૈસો પાણીની જેમ રેલાય પણ ૧૦ માણસ આવીને કહેવા જોઈએ ,
‘વાહ..શું ઘર છે..”

બારીનાં પડદાનું કાપડ..એને સિલાઈ..છોકરાઓનો પલંગ બધુંયે અત્યારની લેટેસ્ટ ડિઝાઈન અને સ્ટાઈલમાં જોઈએ.

બેબીના રુમની વોલનો કલર રેડ શેડમાં જ જોઈએ અને બાબાનો થોડો ડાર્ક યલો..
સોફા તો સૈફ અલીની પેલી એડ છે ને એવા જ અદદ્લ.. એ જ ડીઝાઈન ..અને ટેપેસ્ટ્રીના કલરમાં જ..

બહુ જ કચ કચ..
પણ ઈતિ હવે ટેવાઈ ગયેલી.
ક્લાયન્ટની બધી વાત ધીરજથી સાંભળતી અને પછી શાંતિથી પોતાના મુદા એવી હોંશિયારીથી રજુ કરતી કે ક્લાયન્ટ બીજાના ઘરે અને શો-રુમો કે ટી.વી.ની લોભામણી એડમાં જોયેલ ફર્નિચર ભુલીને ઈતિની ‘હા’ માં ‘હા’ કરતું થઈ જ જતું.

બધીય ડિટેઈલ્સ ધ્યાનથી જોઈ…સામે પડેલ કોફી અને મેરી બિસ્કીટ્ને ન્યાય આપી, ઈતિ સૌમ્ય પટેલના ઘર તરફ જવા ઓફિસેથી નીકળી.

ખાલીપો- ભાગ-૪
______________

ગાડીમાં બેસીને ઈતિએ આબિદા પરવિનના ગીતોની સીડી પ્લૅયરમાં સરકાવી … મ્યુઝિક સિસ્ટમમાંથી રેલાતા સૂર અને સીડીની ચોઈસ.. બેય ઈતિના સંગીતના શોખ અને એના ઊંચા ટેસ્ટની સાબિતી આપતા હતા.. એસીની ઠંડકથી એને થોડી રાહત થઈ.. થોડું ડ્રાઈવ કરીને તે ક્લાયન્ટ સૌમ્ય પટેલના બંગલાની સાઈટ પર પહોંચી. જો કે એ પહેલા સૌમ્ય પટેલ અને એના ફેમિલી વિષે જે કંઈ જાણકારી હતી એ મનોમન વાગોળી લીધી… આખરે પ્રોફેશનલ ઇન્ટીરિયર ડિઝાઈનર તરીકે એના ક્લાયન્ટના ગમા અણગમા વિષે અને એની પર્સનાલીટી વગેરે અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હતું… સાઈટ પર પહોંચી એણે કારના ડેશ બોર્ડ પર રાખેલા સુગંધિત વેટ ટિશ્યુઝ કાઢી ચહેરો લૂછ્યો અને વાળ પર હાથ ફેરવી થોડા સરખા કર્યા અને પોલેરોઈડના સન ગ્લાસીઝ માથા પર ચડાવ્યા.. સૌમ્ય પટેલના ફેમિલી મેમ્બર્સ સાથે ઈતિની આ પ્રાથમિક મુલાકાત હતી. એ સૌને જોઇ રહી..
લગભગ છ ફૂટ હાઈટ, સપ્રમાણ બાંધો અને બ્લ્યૂ લીવાયસ જિન્સ, વ્હાઈટ રીચ કોટન શર્ટ, બ્રાઉન શૂઝ… રીમલેસ ફ્રેમના ચશ્માં… ગોરો વાન… આ બધાનું મિશ્રણ સૌમ્યને અદ્દલ એના નામ પ્રમાણે જ સૌમ્ય હોવાની સાબિતી આપતું હતું .જ્યારે એની પત્ની સોનિયા એનાથી સાવ વિરુદ્ધ… ઝીરો સાઈઝ ફિગર, સૌમ્યના કાન સુધીની ઊંચાઈ… બ્રાઈટ રેડ કલરનું ટોપ, બ્લેક શોર્ટસ એના લાંબા અને સુડોળ પગને વધુ લાંબા હોવાનો અભાસ કરાવતા હતા.. ખભા સુધીના વ્યવસ્થિત રીતે કપાયેલા કલર્ડ વાળ, અને ટોપ સાથે મેચ થતી બ્રાઈટ રેડ લિપસ્ટિક અને લાઈટ ગોલ્ડ ચેઇનમાં ભરાવેલું સિંગલ રુબીના પ્રેશ્યસ સ્ટોનનું પેન્ડન્ટ અને એવીજ ઈયરિંગ્સ… કોપર બ્રાઉનથી એક શેઈડ લાઈટ ત્વચા… સોનિયાના દેખાડાવૃતિવાળા સ્વભાવની ચાડી ખાતું હતું
પળભરમાં બન્નેને જાણે નજરથી માપી લઈને તેણે વિચારી લીધું કે સોનિયા અને સૌમ્ય વચ્ચે સજાવટ અંગે ચોક્કસ મતભેદ રહેશે અને એ એણે કેવી રીતે સિફતથી દૂર કરવા પડશે એ અંગે પણ માનસિક તૈયારી કરી લીધી…. ઈતિની આ ખાસ આવડત હતી.. એના ક્લાયન્ટને એ પહેલી જ દ્રષ્ટિએ પારખવાની કોશિશ કરતી. અને એ સાયકોલોજી અને બિહેવિયરલ સાયન્સમાં માહેર હોવાને કારણે તેની ધારણાઓ ખરી ઊતરતી.. અલબત્ત આ એનો શોખ હતો.

બંગલીનો ઝાંપો ખોલતા જ એણે વિચારી લીધું કે આ જુનવાણી આડેધડ ઉગાડેલા મોટા મોટા કડવા લીમડા કે જંગલી ઝાડવાળો બગીચો તો ના જ ચાલે..અત્યાધુનિક ઓર્નામેઁટ્લ પ્લાંટસ્..વિવિધ પ્રકારના હિઁડોળા…ગાર્ડનનો વોક વે…બધાંયના ચિત્રો ઇતિના કોમ્પ્યુટર જેવા મગજમાં ફટાફટ દોરાઇ ગયા. બંગલીના પ્રવેશદ્વાર પાસે સાયકસ પામ તો જોઇએ જ અને નારિયેળીના ઝાડ તેમજ બોટલ પામ ગાર્ડનની બેય બાજુ નાખી એક મનોરમ્ય વાતાવરણ ઉભુ કરી શકાય…

ગાર્ડનનો જે ખુણો મંદીરની દિવાલ બાજુ પડતો હતો, ત્યાં ઇતિએ થોડા મહેંકતા અને પુજાના કામ લાગે તેવા ફુલોવાળા ગુલાબ અને જાસુદના છોડ અને જૂઇની વેલ અને ચંપાના તેમજ પારિજાતના ઝાડ નાંખવાનુ સજેસ્ટ કરી.. જેના લીધે મંદીરની શાંતી અને બગીચાના ફુલોની મહેંક સાથે મળીને એક પવિત્ર વાતાવરણ ઉભું કરી જાય.

ડ્રોઇંગરુમ અને ગાર્ડનની વચ્ચે એક કાચનું વોલ ટુ વોલ પાર્ટીશન આપ્યું. ગાર્ડનના ખૂણામાં વ્હાઇટ સ્ટોનવાળો વોટરફોલ ….ડિઝાયનર સ્ટેચ્યુ અને એને ફરતે અલગ અલગ કલરની નાની નાની લાઇટ નાંખવાનું ઇતિને યોગ્ય લાગ્યું જે ડ્રોઇંગરુમના સોફામાં બેસનારને સીધું જ નજરે પડે અને એમનું મન પ્રસન્ન કરી જાય. વળી ડ્રોઇંગરુમની એક દિવાલ રસોડામાં લગાવાના ગ્રેનાઇટથી જ સજાવવાનું નક્કી કર્યું. જે એકદમ રિચ અને ડિઝાઇનર લુક આપી જતું હતું. ડ્રોઇંગરુમની દિવાલને અનુરુપ પિકચરોની વુડન એંટિક ફ્રેમોવાળા એબસ્ટ્રેકટ પેઈન્ટિંગ્સ સજેસ્ટ કર્યા. ઉપરની બાજુએ પિક્ચર લાઇટ્સ મૂકાતા ચિત્રો વધુ સોહામણા બનાવી દેશે. સોફાની બાજુમાં પડતા એક ખાલી ખૂણાને પનિહારીના મનોરમ્ય સ્કલ્પ્ચરથી જાણે એકદમ જીવંત બનાવી દીધો.

આજકાલના ખુબ જ પ્રચલિત ઓક..ચેરી જેવા વુડન ફ્લોરિંગ થોડા મોઁઘા પડતા હતા..પણ ખુબ જ રીચ લુક આપતો હોવાથી સૌમ્યભાઇએ પણ પૈસા અંગે થોડી બાંધ છોડ સ્વીકારી લીધી.

સૌમ્યપટેલના પિતા અમરીષભાઇ પણ એમના જેવા જ સૌમ્ય હતા..એમની રુમમાં લાઇટ ક્રીમ કલર સિલેક્ટ કર્યો અને એમને યોગાસનો માટે મદદરુપ થઇ પડે એ માટે બેડરુમમાંથી એક દરવાજો પાછ્ળ બગીચામાં પાડવાનું વિચાર્યુ.

વુડનફ્લોરવાળી સીડીથી ઉપર ચડતા જમણી બાજુ આવતા બાળકોના બેડરુમમાં, ૮ વર્ષના છોકરાના રુમ માટે એણે ‘સ્પાઇડરમેન’ની થીમ સિલેક્ટ કરી એ મુજબ જ એના વોર્ડરોબ અને પડદાં તેમજ પલંગની ચાદરોની ડિઝાઇન બતાવી જેના પરિણામ સ્વરુપે રુમ એનર્જેટીક ફિલીંગ્સથી ભરી દીધો હોય એમ લાગે… ટીનએજ છોકરી માટે એણે ‘હેના મોંટેના’ની થીમને અનુરુપ જ લાઇટ બેબી પિંક કલર સજેસ્ટ કર્યો. એના ડ્રેસિઁગટેબલ..વોર્ડરોબના બધાયના કલર એ મુજબ જ થોડા બ્રાઇટ સિલેક્ટ કર્યા જેથી એક રોમેંટીક વાતાવરણ ઉભુ થતું હતું.

તો ડાબી બાજુ આવતા સૌમ્યભાઇ અને સોનિયાબેનના માસ્ટર બેડરૂમ માટે બહુ જ મહેનત કરી અને બન્નેને પસંદ આવે તેવો થોડો બ્રાઇટ લાગતો બે કલર ભેગા કરીને બનતો એક નવો જ ગ્રીન કલરનો એક શેડ સજેસ્ટ કર્યો. સોનિયા તો ખુશ ખુશ. આવો કુલ કલર એણે ક્યાંય જોયો નહતો..

‘બહેનપણીઓમાં વટ પડી જશે હવે..!!’

અને સૌમ્યભાઇ પણ ખુશ.. એમના શાંત નેચરને અનુકૂળ આવે તેવો જ આ કલર લાગતો હતો…

વળી ઈતિ એ બેઉના લગ્નપ્રસંગના અને અમુક રોમેન્ટિક પ્રસંગોના ફોટાની થીમથી સામેની દિવાલની સજાવટની વાત કરી એ પરથી એમને એક આશા પણ બંધાઈ કે, જુની યાદોને વાગોળતા એમની જુની પ્રેમાળ સોનિયા કદાચ પાછી જીવતી થઈ પણ જાય…!!!

વળી એક રુમ ખાલી પડતો હતો ત્યાં ઇતિએ મ્યુઝિક સિસ્ટમ..ટી.વી. અને લેટેસ્ટ સાઉંડ સિસ્ટમ ગોઠવી એને એક અલગ હોમ થિયેટર બનાવવાનું સજેસન કર્યુ જેથી બેડરુમ બેડરુમ જ રહે..ટી.વી.ના પ્રોગ્રામો પતિ પત્નીના માંડ માંડ મળતા સમયમાં વચ્ચે ના આવે….!!!

એકદમ સુવિધાજનક ગોઠવણ્…ના કોઇ જ ફેસીલિટીની કમી લાગે કે ના રુમો નાના લાગે…બહુ જ હોંશિયારીથી ઇતિએ આખા ઘરની સજાવટ સૌમ્ય પટેલ પાસે રજુ કરી…
થોડાક નાના નાના મુદ્દા સિવાય સૌમ્યપટેલ અને સોનિયા પટેલ ઇતિના બધા જ સજેશન સાથે સહર્ષ રીતે સહમત થયા.બીજા દિવસે સોફાની ટેપેસ્ટ્રી અને પડદાંના કાપડ માટે સાથે આવવાનું વચન આપી ઈતિ ઘરે પહોંચી.

હવે ઓફિસે જવાનો મૂડ અને સમય બેય નહતા. કપડાં બદલી, એનું ફેવરીટ લૂઝ ટી શર્ટ અને કોટન ચેકસની કેપ્રીઝ પહેરીને સોફામાં આડી પડી.

સૌમ્ય અને સોનિયાના મતભેદ ભરેલા સંવાદો યાદ આવતા એક લખલખું ઈતિના એકવડા બાંધાના નાજુક શરીરમાં ઝડપથી ફરી વળ્યું…એનું મન પણ વારંવાર ભૂતકાળમાં જાણે ડૂબકી લગાવી આવતું…… વીજળીની જેમ એક વિચાર આવી ગયો અને ચહેરા પર એક ફિક્કું સ્મિત પણ…

એની અને અર્થની જિંદગીમાં પણ આવા નાના નાના મતભેદોની વણઝારો ક્યાં નહોતી..!!
એને ખાવામાં દાળ-ભાત-રોટલી-શાક જેવું સાદું અને પૌષ્ટિક ખાવાનું ભાવતું. જ્યારે અર્થ.. એની જીભને તો જાત જાતની.. મસાલેદાર વાનગીઓના જોરદાર ચટાકા હતા. ભલે ને બે દિવસ એસિડિટીથી પીડાય. પણ જીભ પર કંટ્રોલ કદી ના રહે..!!! ઈતિ હંમેશા એને ટોકતી એ બાબતે.પણ નકરું પથ્થર પર પાણી.

અર્થનો જીવનમંત્ર એક જ હતો, ‘જિન્દગી મળી તો જીવી લો.. માણી લો.. કાલ કોણે જોઈ છે..?’
એ જીવનને માણવાની ઘેલછામાં શરાબ.. સિગારેટ.. નોનવેજ ખાવાનું.. એ બધા શોખનો ગુલામ થતો ચાલ્યો હતો.. મિત્રો પાછળ પૈસાનો દેખાડો કરવા માટે દિલ ખોલીને પૈસા પાણીની જેમ વાપરતો.. પરિણામે ઘરમાં હંમેશા પૈસાની ખેંચ રહેતી.

ઈતિ ઘરના બે છેડા ભેગા કરતા કરતા જાતે તૂટી જતી.
‘અર્થ, આ સિગારેટ.. શરાબ.. આ બધું તને અંદરથી ખોખલો કરી દેશે..’
થોડા વાદ-વિવાદ.. પ્રેમભરી સમજાવટ અને પછી અર્થ ડાહ્યા છોકરાની જેમ માની જતો..
‘ઓ.કે. હવેથી એ બધાને હાથ પણ નહીં લગાવું..’

થોડા દિવસ બધું સરખું ચાલતું.. ઈતિને થોડી શાંતિ વળતી.
ત્યાં તો અર્થની અંદરનો પુરુષ પાછો ઊથલો મારતો..

‘એણે મારી સાથે જીવવું હોય તો આમ જ રહેશે.. એને થવું હોય તો એ એડજસ્ટ થાય. બાકી હું તો આમ જ રહીશ. મારે શા માટે મારી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની..? અરે, વર્ષોથી હું મારી મરજીથી જ જીવ્યો છું..હવે હું કઈ રીતે બદલાઈ શકું? આ બૈરાંઓને થોડી સ્વતંત્રતા આપીએ એટલે માથે જ ચડી વાગે સા….આના કરતા પહેલાંના બૈરાઓ સારા..!!! ઝાઝી ગતાગમ ના પડે.. પતિ એ જ પરમેશ્વર માનીને જ જીવન વિતાવી કાઢે.. બહુ ટક ટક ના કરે..!!’

અને અર્થની એજ જીવન વ્યવસ્થા પાછી ચાલુ ..!!

ઈતિ ફરી પાછી જ્યાં હતી ત્યાંની ત્યાં…!!! એ જાતને બહુ સમજાવતી. જાત સાથે વાતો કરવાની એની ટેવ હતી. એમાં હવે થોડો વધારો થતો ચાલ્યો હતો. જોકે એમાં ને એમાં બેય પતિ – પત્ની વચ્ચે સંવાદોની આપ – લે ઓછી થતી જતી હતી.. એ વાત એ બેયના ધ્યાન બહાર જ જતી હતી..ખબર જ ના પડી કે એક નાનકડી તિરાડ ક્યારે ધીમે ધીમે ખાઈ બનવા તરફ વધતી ચાલી…!!

પાણીમાં શ્વાસ રૂંધાય એવું જ કૈંક ક્ષણવાર માટે એને લાગ્યું..લોકો માટે ચોક્કસ અનુમાન બાંધી શકતી, એ મુજબ એમને સમજાવી શકતી ઈતિ એના અંગત જીવનમાં પતિને કદી સમજાવી નહોતી શકી…

પરિણામે ઈતિના જીવનમાં ધીમે ધીમે વ્યાપતો જતો હતો એક ખાલીપો….
અર્થથી ઈતિ સુધીનો ખાલીપો …
અથથી……… ઈતિ સુધીનો ખાલીપો……

ખાલીપો ભાગ-૫

ધીમે ધીમે પૈસાની એ ખેંચમાં ઈતિના દીકરા સ્પર્શની સુવિધાઓ પણ તણાતી ચાલી. ઈતિ બધું ય સહન કરી શકતી પણ સ્પર્શના ઉછેરમાં સહેજ પણ કચાશ એ નહતી સાંખી શકતી. એનું કોમળ માતૃ-હ્રદય ચૂર ચૂર થઈ જતું…. અર્થ પણ સ્પર્શને બહુ જ પ્રેમ કરતો હતો. પણ એના આવ્યા પછી ઈતિના પ્રેમના જાણે બે ભાગ થઈ ગયા હોય એમ સતત લાગ્યા કરતું… પહેલાં ઈતિ એનું સતત નાની નાની વાતોમાં ધ્યાન રાખતી એ જ ઈતિ હવે ૨૪માંથી ૧૫ કલાક તો સ્પર્શની દેખરેખ અને વાતોમાં જ કાઢતી..

અર્થની પ્રકૃતિ બહિર્મુખી હતી..એને સતત કોઈ ને કોઈ માણસ જોઇએ પોતાને સાંભળવા..પોતાનું ધ્યાન રાખવા..ઈતિએ લગ્ન પછી એ જ પ્રમાણે એને સતત સાથ આપેલો. જ્યારે હવે તો ઉલ્ટાનું અર્થ પોતે બાપ બનતા એને માથે સ્પર્શની જવાબદારી આવી પડેલી. રાતે સ્પર્શ ઊઠી જાય.. રડે ત્યારે..એની નેપીઝ્ બદલવાની હોય…અડધી ઊંઘમાં એને હીંચકા પર બેસીને ઊંઘાડવો પડતો..શરૂઆતમાં તો અર્થ બહુ જ ખુશી ખુશીથી આ બધામાં ઈતિ સાથે સહિયારી જવાબદારી સમજી સાથ આપતો..પણ થોડા વખતમાં તો એ કંટાળતો ચાલેલો. ઉલ્ટાનું ઈતિ એનું બરાબર ધ્યાન નથી રાખતી એ ભાવ જ એના મગજમાં સતત ઘુમરાયા કરતો અને પરિણામે એનું બહાર મિત્રો સાથે રખડવાનું વધતું ચાલ્યું.

અર્થના વિધવા મમ્મી વિમળાબેન આ બધી યે પરિસ્થિતિ જોતા.. મનમાં દુઃખી થતા .. એકાદ બે વાર અર્થને ઈતિની મજબૂરી સમજાવવાનો આડકતરો પ્રયત્ન પણ કરી જોયો..પણ બધુંયે નકામું…

આખરે કંટાળીને ઈતિએ પોતે નોકરી કરીને આર્થિક રીતે પગભર થવાનું વિચાર્યું. આખો દિવસ અર્થ પાસે હાથ લાંબો કરી કરીને હવે એ થાકી ગઈ હતી. મનની મૂંઝવણ લઈને વિલાસબેન પાસે ગઈ…!!!!!

‘મમ્મી… હું વિચારું છું કે હવે સ્પર્શ થોડો મોટો થઈ ગયો છે.. જો તમે એને થોડો સમય સાચવી લેતા હો તો હું મારી જુની નોકરી પાછી જોઈન કરી લઉં.. ઘરની આર્થિક પરિસ્થિતિને પણ થોડો ઘણો ટેકો મળી રહેશે..’

‘ભલે બેટા.. મને તો કોઈ વાંધો નથી.. પણ.. અર્થને પૂછ્યું..?’
‘ના..’
‘કેમ.?’
‘એને ક્યાં ટાઈમ જ છે મમ્મી અમારા માટે..મારે એને શા માટે પૂછવાનું? એ એના નિર્ણયો મને પૂછી પૂછીને લે છે..??’

વિમળાબેનથી એક ઊંડો નિઃસાસો નંખાઈ ગયો..

‘બેટા..એ કરે છે એ ભૂલ તું ના કર..પતિ- પત્ની વચ્ચે તો આવી તકરારો ચાલતી જ હોય..આપણે સ્ત્રીઓએ થોડું જતું કરીને ચલાવી લેવાનું.’

‘પણ મમ્મી શા માટે..? આપણે એક સ્ત્રી છીએ એટલે જ..!!! દર વખતે ઝઘડો થાય ત્યારે મારે જ શા માટે પહેલ કરવાની..એને અહમ હોય તો, મને પણ સ્વમાન જેવું કંઈક તો હોય ને..? મારે દર વખતે સમાધાનો કરવાના કારણ કે એ કમાઈને લાવે છે.. ઘરનું પૂરું કરે છે.. સામે પક્ષે એ સ્પર્શનું લેશ માત્ર ધ્યાન નથી રાખતો એ તમને નથી દેખાતું.. ના.. હવે બહુ થયું.. હું પણ ભણેલી ગણેલી છું.આર્થિક રીતે સ્વતંત્ર થઈશ જ.. મારે મારા દીકરાને એક સુરક્ષિત ભવિષ્ય આપવા અર્થના સહારાની કોઈ જરૂર નથી…!!!’

એ રાત્રે જ્યારે વિમળાબેને આ વાત અર્થ સામે મૂકી ત્યારે અર્થનો મગજનો પારો છટક્યો…

‘અરે.. પણ મને પૂછવું તો જોઇએ જ ને.. હું થોડો ના પાડત.. મને પણ આ જ વિચાર આવતો હતો મગજમાં.. આમ તો થોડી ચાલે.. સ્વતંત્રતાના નામે ઊઘાડે છોગ મનમાની… કોઈ જાતની સમજદારી જ નહીં… હું પણ આખરે સ્પર્શનો બાપ છું. એના જેટલો જ હું પણ સ્પર્શને પ્રેમ કરું છું.. હા… એની જેમ મારો પ્રેમ વ્યકત નથી કરી શકતો.. એનો મતલબ એમ થોડી થાય કે મને એના ભવિષ્યની ચિંતા નથી…!!’

એ રાત્રે ઇતિ અને અર્થનો બેડરૂમ કટાક્ષ ભરેલા ઉગ્ર અવાજોથી સતત પડઘાતો રહ્યો.. એ.સી. રૂમ છતાં બહાર આવતો એ ઝગડાનો અવાજ વિમળાબેનનું કાળજું ચીરતો ચાલ્યો. ઈતિનુ ઓશીકું ઊના ઊના આંસુઓથી ભરાતું ચાલ્યું અને એનાથી વિપરીત દિશામાં મોઢું ફેરવીને સૂતેલા અર્થને પણ દિલમાં આ નાગમતી સ્થિતિઓના ચાબખા સટ..સટ…સટ..પ્રહારો કરતા રહ્યાં..આમ જ એ ઘટનાના ભારથી રાત હિજરાતી ચાલી…ચંદ્રનું તેજ પણ જાણે વ્યથિત થઈને આજે ઝાંખુ પડી ગયેલું હતું.

બંને વિચારતા હતાં કે, ‘પ્રેમ તો બેય પક્ષે છે…ખાત્રી છે..તો પછી આવી પરિસ્થિતીઓ કેમ ઊભી થતા હશે લગ્નજીવનમાં..? ફકત ૪-૫ વર્ષના સહજીવનમાં જ બેય પરિસ્થિતીઓને વશ થઈ સંબંધોના સામ સામા છેડે કેમ જતા રહ્યાં..કેટકેટલી કલ્પનાઓ કરેલી બેય જણે લગ્નજીવન વિશે…એ બધાયનું સાવ આમ જ બાષ્પીભવન..!!!’

ખાલીપો – ભાગ-૬
______________
ચૂંથાયેલી રાતના સળ સાથે બીજા દિવસનો સૂરજ ઊગ્યો… કોમળ રશ્મિકિરણો ઈતિના ચહેરા પર પથરાતા હતા. એના કારણે ઈતિનો નમણો, નાજુક ચહેરો જાણે કે સોનાનો ઢોળ ચડાવેલો હોય એવો મનમોહક લાગતો હતો. ઈતિ ખૂબ જ સુંદર હતી. અર્થ એનો સુકોમળ ચહેરો જોતો જ રહ્યો. મન થયું હાથ લંબાવી રોજની જેમ જ ઈતિના ગાલ પર પંખાના પવનથી ઊડતી લટોને સરખી કરીને ઈતિના કાન પાછળ ગોઠવી દે, જેથી ઈતિની ઊંઘમાં ખલેલ ના પહોંચે. એની કાળી લાંબી પાંપણો ઉપર પોપચાંમાં જે રતાશભરી પતલી, બારીક નસોનું જાળું છે એના પર એક મૃદુ ચુંબન કરી લે.. ડાબે પડખે સૂતેલી ઈતિનું રેશમી ગાઉન પણ ગળા પાસેથી થોડું નીચે અને પગ પાસેથી ઊંચું સરકી ગયેલું.. એકસરખી લયમાં લેવાતા શ્વાસોછવાસથી ઈતિની છાતી જે લયમાં ઊંચી નીચી થતી હતી, એ જોઈને એના સ્પર્શ માટે અર્થની અંદરનો પુરુષ એકવાર તો થોડો ઢીલો પડી ગયો. મન થયું એની છાતી પર માથું મૂકીને ફરી થોડીવાર સૂઈ જાય.. એના ધબકારાનું સૂરીલું સંગીત સાંભળે. ઈતિને જોરથી પોતાની છાતી સાથે વળગાડીને ચુંબનોના વરસાદથી નવડાવી દે…

પણ… હાયરે.. અહમ..!!!

‘એણે મને પૂછવું તો જોઇતું હતું એકવાર… હું ના થોડો પાડત? એણે સામે ચાલીને ઝઘડાની શરૂઆત કરી છે. તો ભોગવે એના પરિણામ.’

અને… એ ઊઠીને તૈયાર થઈને ટિફિન.. નાસ્તો કશાની પરવા કર્યા વગર, કશું જ બોલ્યા વગર ઓફિસ જવા નીકળી પડ્યો.

ઈતિ પણ મક્કમ હતી. રાતના ઉજાગરાથી આંખો રાતીચોળ હતી.. બહુ થાકેલી હતી.. પણ ફટાફટ સ્પર્શનું, ઘરનું બધું કામ આટોપી .. અને પોતાની જુની ઓફિસ પહોચી. એનો પહેલાનો રિપૉર્ટ તો સરસ જ હતો. એટલે નોકરીમાં ફરી જોડાવામાં કોઈ જ તકલીફ ના પડી.
..અને એ ફરીથી એ નોકરીમાં જોડાઈ ગઈ.

જો કે, અહમનો આ ટકરાવ ઈતિ અને અર્થના જીવનને નવો જ કદાચ ખતરનાક વળાંક આપી રહ્યો હતો એની તો બેમાંથી એકેય ને ક્યાં સમજ જ હતી..?
____________________________________________________________

બન્ને વચ્ચે જાણે કે એક નવી જ જીવનવ્યવસ્થા ગોઠવાતી જતી હતી…

‘કોઈ કોઈને રોકે નહીં… કોઈ કોઈને ટોકે નહીં..!!”

આમ જુવો તો બહુ સગવડભરી પરિસ્થિતિ કહેવાય..

પણ પતિ અને પત્નીના સંબંધોમાં આવું કેમ અને ક્યાં સુધી ચાલે..?? પ્રેમ અને વિશ્વાસનો આ સંબંધ જાણે બેય છેડેથી ચિરાતો જતો હતો ..!!!
____________________________________________________________

ઘરનું કામ, ઑફિસનું ટેન્શન.. સ્પર્શની જવાબદારી.. અને અર્થના બેજવાબદારી ભર્યા વર્તનથી અનુભવાતી માનસિક તાણ આ બધુંય ઈતિના શરીર પર પોતાની છાપ છોડવા માંડ્યું… વિમળાબેન પોતાનાથી બનતી બધી મદદ કરતા એને.. પણ અર્થ જેવો માનસિક ટેકો એ થોડી આપી શકવાના હતા.?

સામે પક્ષે અર્થ પણ અંદર ને અંદર અકળાતો… ધૂંધવાતો… પણ કોને કહે એ અકળામણ..?
એ અકળામણ છુપાવવાના અને તેનાથી બચવાના ઉપાયરૂપે નેટ.. શરાબ.. સિગારેટ.. મિત્રો પાછળ પૈસા વેડફવા જેવી પ્રવૃત્તિઓ વધવા લાગી.. રાતના ૨-૩ વાગ્યે તો એ ઘરે આવતો..
વિમળાબેન પણ હવે તો એને સમજાવી સમજાવીને થાક્યા..
‘આખરે એના લોહીમાં જ છે આ ઈગો ને ગુસ્સો… અસલ એના બાપ જેવો જ – રમેશભાઈનો જ વારસો જોઈ લો જાણે.. એને સમજાવવાનો કોઈ જ મતલબ નથી હવે…’

અર્થ પણ મનમાં વિચારતો..

‘ઈતિને બતાવી દઉં કે હું પણ તારા વિના મજાથી, કદાચ વધારે સારી રીતે જીવી શકું છું.. મારી સાથે મિત્રતા કરવા હજુયે કેટલી ય છોકરીઓ તરસે છે…!!”

બસ.. પત્યું… ઈતિને બતાવી દેવાની દાઝને શસ્ત્ર બનાવીને અર્થ રેશમા નામની એક છોકરીને વધુ મહત્વ આપવા માંડ્યો.. એને તો બસ ઈતિને બહુ જલાવવી હતી..
‘બળીને એની રૂપાળી ગોરી કાયા કાળી મેશ થઈ જાય.. એ હદ સુધી એને જલાવીશ હવે.. જલનમાં ને જલનમાં એ મારી તરફ પાછી ફરશે… મને ખાત્રી છે. હું મારા માટેનો એનો માલિકીભાવ બહુ સારી રીતે ઓળખું છું.’

અર્થ ઝેરના પારખા કરવા બેઠો હતો.. સાચો પ્રેમ નફરત કરીને કે ઈર્ષ્યાના પાયે કદી ના મેળવી શકાય એટલી સમજણ જ જાણે ગુમાવી બેઠો હતો..

ઈતિને રોજ અર્થના મોબાઈલમાં સમય કસમયે આવતા મેસેજીસ.. ફોન કોલ્સ.. અર્થના કપડામાંથી.. એના અસ્તિત્વ સુધ્ધામાંથી પરસ્ત્રીની ગંધ આવવા માંડેલી..

અર્થની સાથે એકાદવાર એ બાબતે વાત કરવાનો પ્રયત્ન પણ કરી જોયો.. પણ અર્થે એ સાંભળવાની દરકાર જ ના કરી.. ઈતિનું સ્ત્રીત્વ… સ્વમાન ભયંકર રીતે ઘવાયું. ખૂબ અકળાઈ ગઈ હતી હવે તે… એની સહનશક્તિની હદ આવી ગઈ જાણે કે.

એવામાં એક દિવસ સ્પર્શ માંદો પડ્યો..

એટલે નાછૂટકે થોડાઘણા સંવાદોની આપ-લે કરવી પડી પતિ પત્નીને..!!!

“આજે મારે ઓફિસે બહુ કામ છે અર્થ.. સ્પર્શને દવાખાને લઈ જઈશ તું?”

“ના.. મારે આજે બહારગામ જવાનું છે.. કદાચ બે- ત્રણ દિવસ પણ લાગી જાય.. તું તારી રીતે મેનેજ કરી લેજે..”

અર્થ ઘરની બહાર નીકળી ગયો… ઈતિની એક પણ વાત સાંભળવા ના રોકાયો..

ઈતિએ મજબૂરીમાં રજા પાડવી પડી.. પણ આખો દિવસ આંખો સામે બોસનો ગુસ્સેલ ચહેરો જ ફરતો રહેલો…
ને રાતે…
અર્થ પાછો ઘરે આવી ગયો..
‘અરે.. મારે જવાનું કૅન્સલ થયું. બપોરના ૩ વાગે જ કામ પતી ગયેલું.. મેં તને ફોન કરેલો પણ એંગેંજ આવતો હતો.. એ પછી મારા ફોનની બેટરી જ ખતમ થઈ ગઈ .. નહીંતો તારે નાહક રજા ના પાડવી પડત .. સોરી, હવે સ્પર્શને કેમ છે..?!!’

ઈતિ અર્થના એ ના કરાયેલા ફોન કોલ્સના જૂઠાણામાં ભડ ભડ સળગતી ઊભી રહી… કશું જ ના કરી શકી.. કરી શકે એ હાલતમાં પણ ક્યાં હતી..? એ મા હતી… દીકરાની માંદગી એ એની વણલખેલી, વણકહેલી ફરજમાં પહેલી આવતી હતી.. જેમાંથી અર્થે પોતાના હાથ સિફતથી ઊંચા કરી દીધેલા.. ચૂપચાપ સ્પર્શની દવાની બોટલ લઈને ત્યાંથી નીકળી ગઈ.. અને અર્થ પોતાની ચાલાકી પર ખુશ થતો ત્યાં જ ઊભો રહ્યો.

સ્પર્શને દવા આપી… થર્મોમીટરથી તાવ માપ્યો…. થોડું સીઝનલ ફીવર જેવું હતું. પણ ચિંતાને કોઈ કારણ નહોતું.

આખા દિવસની દોડાદોડીથી થાકેલી ઈતિ કપડાં બદલી અને સ્પર્શની બાજુમાં આડી પડી.. બહુ જ થાકેલી પણ ઊંઘ આજે એને દગો દેતી હતી. એની સાથે સંતાકૂકડી રમતી હતી. તન કરતાં મન વધુ થાકેલું હતું.. અર્થ પર ગુસ્સો આવતો હતો.. બહુ બધો.. પણ એના સ્વભાવ મુજબ એ એને નફરત નહોતી કરી શકતી. ચૂપ ચાપ પોતાની જાત સાથે જ વાતો કરતી રહી..

” હું તને સહેજ પણ નફરત નથી કરી શકતી
ઊલટાનું એ પ્રયત્નોમાં પ્રેમ વધતો જાય છે.
તારા માટે પ્રેમ વધે એ તો કેમ પોસાય…?
કારણ તું તો હવે મારાથી દૂર – સુદૂર વસી ગયો છે ને…
તને નફરત કરીશ તો કોઇ પર વિશ્વાસ નહીં મૂકી શકું,
કોઇને પ્રેમ નહીં કરી શકું…
વિશ્વાસ… પ્રેમ.. નફરત.. હાય રે…!!!
આ બધા ચક્કરો શું મારો જીવ લઇને જ જંપશે કે શું?”

ખાલીપો : ભાગ – ૭
સ્પર્શનું ગોરું ગોરું ગોળ મટોળ મોઢું તાવથી તપીને રતૂમડું થઈ ગયેલું.. એને થતા તકલીફ એના મોઢા પર સ્પષ્ટપણે દેખાતી હતી. !! અર્થ બાપ હતો આખરે સ્પર્શનો.. બેધ્યાનપણે જ એનો હાથ લંબાઇ ગયો સ્પર્શ તરફ..એના વાંકડિયા ઘુંઘરાળા વાળમાં એની આંગળીઓ પરોવી અને એના લલાટ પર મૃદુ ચુંબન ચોડી દીધું.
સ્પર્શ થોડો સળવળ્યો.. તાવના લીધે એની ઊંઘ થોડી કાચી હતી અને એકદમ જ ઊઠવું પડ્યું એટલે હોય કે હમણાંથી અર્થના સ્પર્શની ટેવ છૂટી ગઈ હશે એના કારણે હોય.. ખ્યાલ નહીં… પણ એ એકદમ જ ભેંકડો તાણીને રડી પડ્યો…!!
“શું થયું બેટા..?” ઈતિ એકદમ જ સફાળી બેઠી થઈ ગઈ.
એક તો તાવ અને એમાં ભેંકડો તાણ્યો ભાઇએ… અને. થોડા ટાઇમ પહેલાં જ માંડ માંડ થોડી ખીચડીના સથવારે આપેલી દવા બેય ભફાક્…ક…. દઇને સ્પર્શના પેટમાંથી ઊલટી રૂપે બહાર..!!!
ઈતિ આખા દિવસની થાકેલી… મેન્ટલ અને ફિઝિકલી બેય રીતે… માંડમાંડ સ્પર્શને ઊંઘાડીને એ આડે પડખે થયેલી.. હજુ તો બે પાંપણોનો માંડ મેળાપ થયેલો.. નિદ્રાદેવીએ એના શરણે લઈ.. હળવેથી થપકીઓ આપી.. જાણે સાંત્વના આપીને ઊંઘાડવાની શરૂઆત જ કરેલી.. અને સ્પર્શનો આ કકળાટ.

”આહ.!! “

એની સહનશક્તિ જવાબ દઈ ગઈ હવે…

”બહુ પ્રેમ છે દીકરા માટે તો આખો દિવસ ક્યાં હતો આ પુત્રપ્રેમ.?”

” તે હું ખોટું બોલ્યો એમ કહેવું છે તારું કેમ …?”

”મેં એવું ક્યાં કહ્યું..”

” પણ તારી વાતનો મતલબ તો એવો જ થતો હતો ને… ”

” જો અર્થ… હું સખત થાકેલી છું… પ્લીઝ… મને ઊંઘની સખત જરૂર છે… આપણે કાલે વાત કરીશું.”
” કેમ.. ? ખોટી પડી એટલે હવે વાત બદલી કાઢી એમ જ ને… અને ના મેનેજ થતું હોય તો નોકરી કરવા શેના નીકળી પડ્યા’તા આમ.. !!!”

”અર્થ તું બધી લિમિટ ક્રોસ કરે છે ”

” લો, સત્ય કહ્યું તો મરચાં લાગી ગયા…! આખી દુનિયાના બૈરાં નોકરી કરે છે, પણ આમ ઘરબાર ને છોકરાને રઝળતા નથી મૂકી દેતા કોઇ.. એક બહાનું જ જોઇએ છે તારે તો જવાબદારીમાંથી છટકીને સ્વતંત્રતાના નામે બહાર રખડવાનું .. મને બધું ય સમજાય છે.. કંઈ નાનો કીકલો નથી હું… તારી જુની ઑફિસમાં તારી પાછળ પાગલ પેલા આકાશીયાને પણ હું જાણું છું… એ હવે પાછો તને દાણા નાંખશે અને તને મજા આવશે કે “જો.. હજુ પણ મારા આશિકો મને એટલા જ ચાહે છે… અને હું પણ ધારું તો….”
”સટ્ટાક……..ક્….. ” ઈતિનો હાથ ઊપડી ગયો…!!!
ઈતિથી બધું સહન થઈ જતું. પણ એના ચારિત્ર્ય પર આવો કાદવ ઉછાળાય એ એનાથી ક્યારેય સહન ના થતું. અર્થ એની આ કમજોરી બહુ સારી રીતે જાણતો એટલે આજે હાથે કરીને એણે આવી રીતે વાત કરી..એ ઈતિને ઝુકાવવા માંગતો હતો..એની માફી માંગે એ માટે એ ગમે તે કરવાની હદ સુધી જવા તૈયાર થઈ ગયેલો. એનો ઘવાયેલો અહમ્ એને પશુતાની હદ સુધી ખેંચી ગયેલો.. એની આંખે નફ્ફટાઈના પાટા બંધાઈ ગયેલા જાણે. ઈતિને….એ જ ઈતિને જેણે અર્થે પાગલપણની સીમા સુધી પ્રેમ કરેલો.. એના એક એક વચને એ જાન આપવા તૈયાર થઈ જતો હતો.. એ જ ઈતિ સામે આજે વેર વાળવાની જીદ્દ લઈને બેઠેલો…!!!
અને ઈતિ … સાવ જ જડવત્ થઈ ગયેલી… આ એનો જ અર્થ બોલતો હતો..!!! જેને એણે પોતાની પાછલી જિંદગીની રજેરજ વિગત એકદમ નિખાલસતાથી કહી દીધેલી.. આકાશને એના માટે બહુ લાગણી હતી પણ એ એને એક સારો મિત્ર જ માનતી હતી એ વાત પણ એણે જ અર્થને કહેલીને… !! એ વાતનો અર્થ આવી રીતે પોતાને નીચી પાડવા માટે વાપરશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. થોડા દિવસ રહીને આ રિસામણા મનામણામાં ફેરવાઈ જશે એવો થોડો ઘણો વિશ્વાસ દિલના એક ખૂણે સતત ધબકતો હતો.. પણ અર્થના આજના વર્તને એ મનામણાનો સેતુ રચવાને બદલે એ રિસામણાની દિવાલને નફરતનું વધુ એક મજબૂત પ્લાસ્ટર ચણવાનું કામ કર્યું હતું..!!
અર્થને દુખતું હતું પેટ અને કૂટતો હતો માથું… સ્પષ્ટપણે દેખાતું હતું…!!
જ્યારે… આ બાજુ અર્થ પણ સાવ જ બઘવાઇ ગયો… ઈતિના એ લાફાએ તન કરતા મન પર ..એના પુરુષત્વ પર જ જાણે સીધો પ્રહાર કર્યો હતો..!!! ઈતિ જેવી શાંત પત્ની આવું વર્તન કરે એ હજુ પણ એના માન્યામાં નહોતું આવતું..!!! ધૂંધવાતો…અંદર ને અંદર તરફડતો એ રૂમમાંથી બહાર નીકળી ગયો…
અને ઈતિ ઘસી આવેલા આંસુના વેગને ખાળવા અસમર્થ એવી નિઃસહાય બનીને છુટ્ટે મોઢે રડી પડી…
__________________________________________________________________________
બીજા દિવસની સવાર ઈતિ માટે એક કાળમુખો સંદેશ લઈને જાણે કે ઊગેલી.. ચા-નાસ્તાના ગોળ ટેબલ પર અર્થ ઈતિની સામે જઈને બેઠો…
ઈતિ સ્પર્શને ચમચીથી બોર્નવિટાવાળું દૂધ પિવડાવી રહી હતી.
” ઈતિ … તું અને હું હવે એક છત નીચે એક સાથે નહીં રહી શકીએ..માફ કરજે મને. ”
” મતલબ…? તું શું કહેવા માંગે છે એ સ્પષ્ટપણે કહીશ અર્થ મને.. ”
” ના જ સમજાતું હોય તો લે એકદમ સરળ શબ્દોમાં કહું છું, મારે ડિવોર્સ જોઇએ છે..!! ”
”અર્થ… દીકરા… તું શું બોલે છે એ તને ભાન છે કંઈ.. ” વિમળાબેનનું દિલ જાણે કે એક ધબકારો જ ચૂકી ગયું..
”મમ્મી..તમે વચ્ચે ના આવશો પ્લીઝ.!! ”
ઈતિ સાવ જ અવાચક..!!!! એને ધારણા તો હતી જ કે રાતની ઘટનાના પ્રત્યાઘાતો તો આવશે જ ..પણ સાવ અર્થ આમ છેલ્લી કક્ષાની વાત કરશે એ તો એના માન્યામાં જ નહોતું આવતું.. રડી જ પડી એ ……
”અર્થ… સમજવાનો પ્રયત્ન તો કર… હું સ્પર્શની બીમારીને લઈને સખત ટેન્શનમાં હતી… એમાં તારી આવી વાત સાંભળીને મારો કાબૂ ના રહ્યો મારી જાત પર…. પણ એને લઈને સાવ આમ બાલિશ વર્તન ના કર… ”
”ઓહ્.. તો સ્પર્શની બીમારીનું ટેન્શન તને જ છે એમ કે… ઓ.કે… તો સાંભળ.. સ્પર્શને હું ઊછેરીશ.. મારા જેવો એક સારો અને મજબૂત માણસ બનાવીશ.. તું એકલી જ આ ઘરમાંથી જે જોઇતું હોય તે લઈને જઈ શકે છે.. જે ખાધા-ખોરાકી કે ભરણ-પોષણ પેઠે જોઇતું હોય તે અહીં જ કહી દેજે… નકામું કોર્ટમાં ભવાડા ના કરીશ..!! ”
ઈતિ પર જાણે કે વીજળી ત્રાટકી હોય એવી હાલત થઈ ગઈ..
એનું માથું ભારે થઈ ગયું.. આખી પૃથ્વી જરા વધુ જ સ્પીડમાં ફરવા લાગેલી… ચક્કર જ આવી ગયા એને.. અને
“ધબાક…”
એક મોટો અવાજ થયો… એના ખોળામાંથી દૂધ ના પીવા માટે ધમપછાડા કરતા સ્પર્શ પર એનો કાબૂ ના રહ્યો અને એ નીચે ફસડાઇ પડ્યો…!!!

ખાલીપોઃ ભાગ-૮
સ્પર્શ ના માથામાં પાછળના ભાગમાં ટેબલનો ખૂણો ઘુસી ગયો અને લોહીની ધાર વહેવા લાગી. નાના મગજની એકદમ જ બાજુમાં વાગેલું. લોહી હતું કે બંધ થવાનું નામ જ નહોતું દેતું. ઇતિ અને અર્થ બેય એકદમ સ્તબ્ધ..ઇતિનું મન તો અપરાધભાવથી જકડાઇ જ ગયું…

‘અરે..મારી બેદરકારીની સજા મારા દીકરાને..!!”

એક્દમ જ જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ અર્થે સ્પર્શને ખભા પર ઉપાડ્યો. ટેબલ પરથી ગાડીની ચાવી લીધી અને બહાર પાર્કિગમા પડેલી ગાડીમા એને નાંખ્યો. ઇતિ પણ
દોડતીકને એની સાથે જ બેસી ગઈ..સાથે એક બરફનો મોટો ગાંગડો પણ રુમાલમાં વીંટાળતી આવેલી. જે સ્પર્શના માથામાં ઘસવા માંડી.

અર્થે રસ્તામાંથી જ ડોકટરને મોબાઈલમાં બધી હકીકતથી જાણકારી આપી દીધી..
રડતાં રડતાં સ્પર્શ એક્દમ જ બેભાન થવા લાગ્યો..ઇતિ હવે જબરદસ્ત મૂંઝારો અનુભવવા માંડી. એક બાજુ એનો રક્ત-પ્રવાહ અટકવાનુ નામ નહતો લેતો અને એમાં આ દીકરો સાવ જ ખામોશ થતો ચાલ્યો..દિલમા સતત કંઈક તૂટતું જતું હોય એમ અનુભવવા લાગી.

‘અર્થ મને માફ કરી દે..હું બદનસીબ..બેદરકાર મા..આપણા દીકરાને સાચવી ના શકી એટલે જ આમ થયું ને..”

અર્થને ઇતિની પર ગુસ્સો આવતો હતો પણ સાથે હવે એની દયા આવવા લાગી..

‘ઇતિ..એ તો બનવાકાળ હશે..તે બની ગયું. તું આમ નિરાશ ના થા. આપણા સ્પર્શને કંઈ નહી થાય..હું બેઠો છું ને હજાર હાથવાળો એનો બાપો..”

પણ ઇતિ તો જાણે આ દુનિયાથી પર થઈ ગઈ હોય એમ શુન્યમાં જ તાક્યા કરતી હતી..એના કાને કશું જ અથડાતું જ નહતું..!!! સ્પર્શની ખામોશી જાણે કે એની વાચા હરી ગઈ હતી.

એટલામાં હોસ્પિટલ આવી ગઈ..સફેદ ડગલાંની દોડાદોડ–સ્ટ્રેચર લાવીને સ્પર્શને ફટાફટ ઓ.ટીમાં લીધો. અને ઓ.ટી. રુમની બહાર લાલ બલ્બ બળવા માંડ્યો..
એટલામાં હાંફળા ફાંફળા થતાંકને વિમળાબેન પણ રિક્ષામાં આવી પહોંચ્યા.,

“શું છે સ્પર્શની હાલત બેટા..? ડોકટરો શું કહે છે..કંઈ ચિંતાજનક પરિસ્થિતી તો…પ્લીઝ..મને કંઈક તો કહે..”

“મમ્મી…હજુ હમણાં જ તો સ્પર્શને અંદર લીધો છે..થોડી રાહ તો જુવો..શાંતિ રાખો..કંઇ નથી થવાનું એને..એ તો થોડું વાગ્યું છે….બસ, તમારા કાન્હાને પ્રાર્થના કરો બેઠા બેઠા…!!!”

વિમળાબેન હતપ્રભ થઈ ગયાં. આમ તો એમને એમના દીકરા પર પૂરો વિશ્વાસ હતો. કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવાની કુનેહ હતી એનામાં. પણ આ વાતમાં દીકરાની વાત પર ભરોસો કેમનો રહે..?? કંઈક અમંગળની એંધાણી સતત એમના દિલને અંદરથી બેચેન કરતી રહેતી હતી.

“મૂઈ..આ જમણી આંખ પણ સવારની ફરક ફરક કરતી હતી..મને ખ્યાલ હતું જ કે આવું કંઈક…” મનમાં ને મનમાં બબડયા ને જઈને ઈતિની પાસે બેન્ચ પર બેસી ગયા.

સતત ઓ.ટી.માં ડોકટરોની અવર-જવર..લોહીના બાટલા લઈને દોડતી નર્સો…દવાઓની ઉબાઉ ગંધ..વારેઘડીએ ખુલતો બંધ થતો ઓપરેશનરૂમનો દરવાજો થોડો ખુલ્લો જોઈને ઇતિથી ના રહેવાયું..એ તિરાડમાંથી અંદર નજર નાંખીને પોતાના લાડલાનું મુખ જોવાની લાલચ જતી ના કરી શકી..અને અંદર સ્પર્શની હાલત જોઈને હૈયુ જાણે કે બેસી જ ગયું. નાનકડા નાજુક સા હાથમાં પારાવાર સોયો…ટ્યુબોના ગુંચળા…પાછળ જાત જાતના મશીનો…અને ચારેબાજુ ડોકટરોથી ઘેરાયેલો એનો લાડકવાયો પારાવાર દુઃખ અનુભવતો હતો એના ચહેરા પરની વ્યથા આંખે ઊડીને વળગતી હતી..ઇતિએ ખાલી ખાલી નજરથી જ એને જોયા કર્યુ. એની આંખો જાણે કે મગજને કોઈ જ સંદેશો પહોંચાડવા માટે નિષ્ફળ જતી હતી. કોઈ જ જાતની સંવેદનાનો અનુભવ નહતો થતો એને..!!!

એટલામાં ઓ.ટી.ની બહાર લીલા રંગનો બલ્બ ઝબૂકી ઊઠ્યો..ડોકટરોની ટીમ બહાર આવી. સફળતા અને નિષ્ફળતા મિશ્રિત થોડા વિચિત્ર ભાવ હતા એમના મોઢા પર..

“ડોકટર..શું થયું..બધું બરાબર તો….” આગળનું વાક્ય બોલાયું જ નહી અર્થથી.

ડોકટરે અર્થના ખભે હાથ મૂકીને સાંત્વના આપી..

‘આમ તો બધું સરસ છે..ઓપરેશન પણ સક્સેસફુલ જ છે..તો પણ એ ભાનમાં આવે પછી જ ચોકકસ કહી શકાય..મોટાભાગે એ ૪-૫ કલાકમાં તો ભાનમાં આવી જ જવો જોઈએ..”

થોડો હાશકારો અનુભવ્યો અર્થ અને વિમળાબેને..

ઇતિને ખભેથી પકડીને હચમચાવતો અર્થ બોલ્યો..

‘ઇતિ જો..આપણા સ્પર્શને કંઈ જ નહી થાય હવે..હવે તો કંઈક બોલ..”

પણ ઇતિને તો જાણે કંઈ અસર જ ના થઈ..

ડોકટરોએ ધ્યાનથી એની સામે જોયું, “અર્થ..આમને કંઈક બોલાવો..રડાવો..આ હાલત બહુ ખતરનાક છે એમના માટે..”

અર્થ હવે સાવ જ તૂટી ગયો..ઇતિના વાળમાં હાથ ફેરવતા ફેરવતા એને નાના છોકરાની
જેમ સમજાવવા માડ્યો..પણ એક પણ શબ્દ ઇતિના કાને પડતો જ નહતો..પડદા સાથે અથડાઇને પાછો જ આવતો હતો..!!

વિમળાબેનથી પણ એમની નાજુક અને કહ્યાગરી વહુની હાલત જોવાતી નહતી..એમને ઓછાબોલી અને એમનું પૂરું ધ્યાન રાખતી આ રમકડા જેવી વહુ માટે અનહદ લાગણી હતી.

“બેટા..જો સ્પર્શને તો હમણાં સારું થઈ જશે..મારો હજાર હાથવાળો બેઠો છે ને…આમ ચિંતા ના કર બેટા..લે આ પાણી પી લે થોડું..સારુ લાગશે..વળી સ્પર્શ ભાનમાં આવે તો માનું આવું દીવેલીયું મોઢું જોઈને એને કેવું લાગે..ચાલ થોડું હસતું મોઢું રાખ હવે..”
થોડી થોડી એ નજરની સફેદાઈ ઓછી કરતી ઇતિની સ્થિર કાળી કીકીઓએ હલન ચલન કર્યું..

એનાથી અર્થને થોડી શાતા વળી.. હાશ…હવે સ્પર્શની કાલીઘેલી વાણીમાં..’મમ્મી’ શબ્દો સાંભળશે એટલે ઇતિને આમાંથી બહાર લાવતા પળનો સમય પણ નહી લાગે..!

આ બધી મથામણોમાં સામેની દિવાલ પર અર્થની નજર સતત ચોંટેલી જ હતી..પળ પળનું ધ્યાન રાખતો હતો એ..આ ૪-૫ કલાક…એટલે બપોરના બે કે ત્રણ..હવે તો પાંચ વાગવા આવેલા..હજુ પણ સ્પર્શને ભાન નહોતું આવેલું..બીજા બે- ત્રણ ડોકટરો પણ આવીને એને તપાસી ગયેલા અને ઠાલા શબ્દોથી એની સારી તબિયતના સમાચાર આપતા ગયેલા….અર્થને પણ હવે તો સમજાતું નહોતું કે શું કરવું..??

આખરે સાંજે સાત વાગે સ્પર્શ થોડો સળવળ્યો..અને નર્સ દોડતી દોડતી મોટા ડોકટરને બોલાવી લાવી..

ડોકટર પણ દોડતા દોડતા ઓ.ટી.માં ઘૂસ્યાં…અને એને ચેક કરવા લાગ્યાં.એક સ્પર્શની હાલત જોઈને એક લ્હાય જેવો નિઃસાસો નાંખી ગયા..એમને જે ડર હતો એ આખરે સાચો પડ્યો હતો..

સ્પર્શની બોલવા અને સાંભળવાની શક્તિ ચાલી ગયેલી…!!!!!

બહાર આવીને ભારે હૈયે એમણે આ સમાચાર અર્થને અને વિમળાબેનને આપ્યાં..
અર્થ અવાચક જ થઈ ગયો..બહુ મોટો આઘાત હતો આ એના માટે..એણે ઇતિ સામે નજર ફેરવી…
ઇતિએ કદાચ ડોકટરની વાત સાંભળી લીધેલી..એનું શરીર હવામાં લહેરાવા લાગ્યું..અર્થ બે સેકંડ માટે જ મોડો પડ્યો એને ઝીલવામાં, અને એ જમીન પર ધડામ દઈને ફસડાઇ પડી..ને બેભાન થઈ ગઈ..!!!

ખાલીપોઃ ભાગ- ૯

વિમળાબેન અને અર્થ બેય એક-બીજાનું મોઢું તાકતા રહી ગયા.
ફટાફટ ડોકટરોએ ઇતિને તપાસવા માંડી.

“ચિંતા ના કરો. માનસિક આઘાત છે એટલે આમ થયું. થોડી કળ વળતા આપો આપ હોશમાં આવી જશે..આ થોડો સમય એમને ‘ટ્રાંક્વિલાઈઝર’ની ગોળી આપીને પણ ઉંઘાડી દો..પૂરતી ઉંઘ લેવાતા મગજના સ્નાયુઓને આરામ મળશે એટલે ‘સૌ સારા વાના’ થઈ જ્શે. પણ એમને થોડા સાચવજો. બહુ ઉંડો આઘાત લાગ્યો છે.”

સ્પર્શની તબિયત ધીમે ધીમે સુધરતી જતી હતી. હવે એ પહેલાંની જેમ જ હસતો – રમતો થઈ ગયેલો. હા ..ખાટલે જે ખોટ પડેલી એ કદી પુરાવાની નહતી એ બધા જાણતાં હતાં. એ સિવાય એ એકદમ તંદુરસ્ત અને સુંદર મજાનો છોકરો હતો.

પણ, એ બધાની અસર ઈતિના મનોજગત પર ઊંડી છાપ પાડતી ગયેલી.
સ્પર્શની આ હાલત માટે પોતાને જવાબદાર માનવા લાગેલી. એક અપરાધભાવ એના દિલને અંદરો-અંદર કોરી ખાતો હતો. એને રાતોની રાતો ઊઘવા નહતો દેતો.

ઈતિ એ આઘાત સહન નહોતી કરી શકેલી.આખો દિવસ ઘરની દિવાલો પર ખાલી ખાલી નજરોથી જોયા કરતી.. શૂન્યમાં જ તાક્યા કરતી. કોઈની સાથે બે-ચાર ખપ પૂરતા શબ્દો બોલતી બસ એટલું જ..બાકી એકલી એકલી ખબર નહી શું વિચાર્યા કરતી? શરીર પણ અપૂરતી ઊંઘ અને માનસિક થાકથી સાવ  લેવાઈ ગયેલું. હાલત દિવસે દિવસે ખરાબ થતી હતી. કોઇ જ પ્રશ્ન પૂછો તો સાવ બાઘાની માફક એ મોઢા સામે તાકયા કરતી..

એકવાર ઇતિ સ્પર્શને ઊંચકીને જતી હતી ને એની નજર સ્પર્શના ટેડી બીઅર પર પડી. એકદમ જ ખબર નહી એને શું થયું કે એ ખડ્ખડાટ હસવા લાગી..સ્પર્શનું ટૅડી બીઅર બે હાથમાં ઊંચકી હવામાં ઝુલાવવા માંડી..
‘રે મારા સોના બેટા..જો તો આને શું કહેવાય? ચાલ તો..મમ્મા એ તને શીખવેલું ને..”
સ્પર્શ  એની સામે ટગર ટગર જોઈ રહ્યો.
“બોલ તો જોઈએ..”
‘….ખાલીખમ પળો…”

હવે ઇતિની ધીરજ દગો દઈ ગઈ જાણે કે. ગુસ્સે થઈ ગઈ..એના મગજે બેલેન્સ ગુમાવી દીધું..

‘બોલ ..બોલ…કેમ બોલતો નથી? મોઢામાં મગ ભર્યા છે કે શું?”

સ્પર્શને આખે આખો ઝંઝોડી નાંખ્યો..અને એક્દમ જ ચકકર ખાઈને નીચે પડી..!!

સ્પર્શે ગભરાટમાં રોકકળ મચાવી દીધી..અર્થ ઓફિસે હતો અને ઘરમાં વિમળાબેન એકલા જ હતા. સ્પર્શને ચૂપ કરાવતા-કરાવતા નાકે દમ આવી ગયો એમનો.

એ પછી ઇતિને વારંવાર આવા દોરા પડવા માંડ્યા.. હવે સ્પર્શને એક મિનિટ પણ એની સાથે છુટ્ટો મૂકવાનું હિતાવહ નહોતું.

આખરે થાકીને અર્થ ઇતિને શહેરના નામી મનોચિકિત્સક એવા ડો.રાવલ પાસે લઈ ગયો. ડો. રાવલે ધ્યાનપૂર્વક ઇતિને ચકાસી.

‘મિ. અર્થ..આપની પત્નીની હાલત બહુ જ નાજુક છે. ચેતાતંત્રને ભારે ફટકો પહોંચ્યો છે.  એમને ઉંઘની દવાઓ પણ અસર નથી કરતી. માંડ ૨-૩ કલાકની ઉંઘ અને એ પણ સાવ જ ઉપર છલ્લી..આમ તો આમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. તમે આમને યોગા, હીલિંગ,રેકી જેવા ઉપચારો પણ સાથે સાથે કરાવી જુવો. કદાચ એ કારગત નીવડે. કાં તો છેલ્લાં ઉપાય તરીકે થોડો સમય દિલ પર પથ્થર રાખીને શહેરના પાગલખાનામાં દાખલ કરી દો.”
અર્થ હવે થાકેલો. સ્પર્શની દેખ-રેખ..આર્થિક સંકડામણ, અને ઇતિની કથળતી જતી માનસિક હાલત..

સાંજે જમતાં જમતાં જ એણે ટેબલ પર વિમળાબેનને પુછ્યું,

‘મમ્મી, હું ઇતિને છુટા-છેડા આપવા માંગુ છું અને સ્પર્શને મારી પાસે રાખવાનો છું. કારણ એ ઇતિ પાસે સુરક્ષિત નથી. એના મગજ્નો કોઈ ભરોસો નથી. આમ ને આમ તો એ સ્પર્શને ક્યાંક મારી નાંખશે. હવે મારાથી આ બેયને સાથે લઈને નહી ચલાય. મારે પણ કામ ધંધો જેવું કંઈ છે. આમ ને આમ જ કરીશ તો મને કોઈ ઘરે બેસીને પૈસા નહી આપી જાય. તમે સ્પર્શની જવાબદારી લઈ લેશો??”

વિમળાબેનનો કોળીયો ગળે જ અટકી ગયો.

આ એનો દીકરો એને કેવી દ્વિધામાં ફસાવી રહ્યો હતો. ઇતિને આમ એકલી છોડી દેવી …એમનું મન નહોતું માનતું..થોડી દલીલો કરી જોઈ દીકરાને સમજાવવાની..પણ પરિણામ શૂન્ય..

ડો.વિકાસ પંડ્યા, માનસિક રોગોના દર્દીના ડોકટરે, અર્થની સાથે આવેલી નાજુક,રુપકડી ઇતિને જોયા જ કર્યું. અર્થે ઇતિની આખી કથની વિકાસને કહી સંભળાવી. ઇતિ એકદમ ચૂપચાપ બેઠી બેઠી દિવાલના સફેદ રંગને જ તાકયા કરતી હતી. અત્યારે એ એક્દમ જ નોર્મલ હતી. વિચારોમાં ગુમ-સુમ. અર્થે થોડું ઘણું વધારી વધારીને એની વાત કહી. પણ એણે કોઈ જ વિરોધ ના નોંધાવ્યો. એને ખ્યાલ હતો કે આ બધુંય અર્થ એને સરળતાથી છૂટા-છેડા મળી જાય એ માટે જ કરતો હતો. એને પોતાના વિચારો દર્શાવવાની કોઈ જ ઇચ્છા જ નહોતી થતી. ખબર નહી કેમ..અંદર કંઈક સુકાઈ ગયેલું..લાગણીઓ સાવ બરડ થઈ ગયેલી..સાવ રુંછે રુંછા..લીરે લીરા….તિરાડો..દિલ ઠેક ઠેકાણેથી તરડાઈ ગયેલું ..તૂટેલા અરમાનોની કરચો એના દિલમાં ચુભતી જતી હતી, કાળજામાં ઊંડે ઊંડે ઊતરતી જતી હતી. સતત લોહી નીંગળતી હાલત..પણ અર્થ પાસે એ સંવેદનો સમજવાની અક્ક્લ પણ નહોતી કે નહતો ટાઇમ..!!! એ તો નક્કી કરીને આવેલો એમ જ ઇતિને ત્યાં ઇલાજ માટે (!!!)મૂકીને ચાલતી પકડવાના મૂડમાં જ હતો…

 

અર્થ ઘરે ગયો ત્યારે વિમળાબેન સ્પર્શને ડીવીડી મુકીને કાર્ટુન બતાવી બતાવીને ખુશ રાખવા મથતા હતા. પણ દિલ તો ઇતિ પાસે જ હતું. મનનું ધારેલું નહોતા કરી શકતા એટ્લે થોડા અકળાતા હતા.
અર્થને આવેલો જોઈને ડીવીડીના રીમોટમાં પૉસ બટન દબાવ્યું.
‘શું થયું દીકરા..? બધું ય બરાબર થઈ જશે ને..કેટલા સમય માટે ઇતિની સારવાર કરાવવી પડશે? એ સાજી સમી તો થઈ જશે ને પહેલાં જેવી જ..?”

“મા, બહુ થાકેલો છું…પ્લીઝ..કાલે વાત..હું સૂવા જઊ છું..જય શ્રીક્રિશ્ના..”

વિમળાબેન તો સાવ અવાચક જ થઈ ગયા…

હાથમાં રહેલ રીમોટના બટ્નો સામે જોતા જોતા પોતાના દીકરાના સુખી લગ્ન-જીવનની મીઠી યાદો મમળાવતા રહ્યાં..

‘કેટલો પ્રેમ હતો બેય વચ્ચે..!! લોકો સારસ બેલડી જ કહેતા હતા. ફકત થોડીક ગેરસમજ..થોડી ધીરજનો,સમજણનો, સહનશક્તિનો અભાવ અને આ સુંદર મજાનું લગ્ન-જીવન ભંગાણના આરે પહોંચી ગયેલું.. કોઈએ સ્વપ્નામાં પણ ના વિચારેલું હોય એવા પરિણામો એમની વયસ્ક નજર સામે આવતા જતા હતા. ખીલેલા ગુલાબ જેવો, મઘમઘતો પ્રેમ આજે કેવો કરમાતો ચાલેલો..ઇતિના પ્રેમમાં ભરપૂર ભીંજાયા પછી આમ સાવ જ કોરાકટ રહેવાની આ કેવી સજા પોતાનો દીકરો ભોગવવા તૈયાર થઈ ગયેલો..!! રીમોટ પર હાથ વારે વારે એમના ધ્યાનબહાર જ’પૉસ’ના બટન પર દબાવતા જતા હતા..જાણે અર્થની પ્રેમાળ દુનિયા એમની એ ક્રિયાથી ત્યાં જ ‘પૉસ” ના થઈ જવાની હોય..!!’

કાશ,પ્રેમ જ્યારે પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે માનવી ‘પૉસ’નું બટન દબાવી શકતો હોત તો..!!!

ખાલીપોઃ ભાગ – ૧૦

કાશ,પ્રેમ જ્યારે પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે માનવી ‘પૉસ’નું બટન દબાવી શકતો હોત તો..!!!

તો… કદાચ માનવીને આંસુ, દુઃખ, વેદના, વિરહ એ બધાની ઓળખ જ ના હોત.. સુખનો અતિરેક માણતા માણતા માનવી કદાચ છકી જાય. પ્રેમ મફતમાં મળતા પાણી જેવો જ મામૂલી લાગત. ધોધમાર વરસતો જ રહે બારેમાસ..કોઇ જ કમી નહી એની. તો કદાચ પ્રેમની આટલી કિંમત પણ માનવીને ના હોત. પ્રેમ સાથે વિરહની વેદનામાં તરસવું, માલિકીભાવથી પીડાતા પીડાતા બળતા અગ્નિમાં કુદી પડવા જેવું જ અનુભવવું, વળી પાછા પ્રિયના પ્રેમમાં ભરપૂર ભીંજાવું..બધી સ્થિતી ઉપરવાળાએ બહુ સમજી વિચારીને નક્કી કરેલી છે. એને ખબર છે કે ‘પૉસ’ની સ્થિતીમાં તો માનવી એક જ જગ્યાએ ઉબાઈ જશે..અટકી જશે અને કદી પ્રગતિ નહી કરી શકે..નવું નવું શીખી નહી શકે..એડજ્સ્ટ થતા પણ નહી શીખે…અને એક દિવસ સુખના વમળોમાં ઘેરાઈ ઘેરાઈને ગોળ ગોળ ઘૂમરીઓ ખાતો ખાતો ડચકાતો ડચકાતો ત્યાં જ ડુબી જશે..એટલે જ એણે એના રિમોટમાં ‘ફાસ્ટ ફોરવર્ડ’ જેવી જ સહુલિયત આપી છે. ના ‘રિવાઈન્ડ’ કે ના’પૉસ’.. બસ,જીવનના અવિરત પ્રવાહમાં વહેતા જ રહો અને એને અનુકૂળ થતા શીખો…ના શીખી શકો તો મધ-દરિયે ડૂબી જાઓ, નાક દબાવો તો જ મોઢું ખોલવાના ને…વાહ રે પ્રભુ તારી લીલા…!!!
____________________________________________________________

અર્થના થોડાક ઘમ-પછાડા અને ઇતિની અકળ ખામોશી..આ બધાયના કારણે અર્થને બહુ તકલીફ ના પડી એનાથી ‘ડિવોર્સ’ લેવામાં. આસાનીથી સ્પર્શ પણ એને મળી ગયો.. એ તો જાણે કે છૂટ્યો..પણ ઇતિ…અર્થ, સ્પર્શ અને મા સમાન વિમળાબા…એને બૂમો પાડી પાડીને અર્થની બધી વાતોનો વિરોધ કરવો હતો. આ બધામાં એની સ્પષ્ટ્તઃ નામરજી બતાવવી હતી..પણ ખબર નહી..એની અંદર કોઈ જ જોમ નહોતું રહ્યું. એને જાણે બોલતા જ ના આવડતું હોય એમ એની જીભ સાથ જ નહોતી આપતી. એની લાચારી એના જીવનમાં ‘ખાલીપા’ નામની કાળીમેશ જેવી ચાદર પાથરતી ચાલી. જેમાં હવે કોઈ પણ રંગની ભાત પડી શકે એવી શક્યતા નહોતી..!!
હવે તો ઇતિ અને એનો ખાલીપો…એક બીજાના કાયમના સાથી-સંગાથી જેવા જ થઈ ગયેલા.
____________________________________________________________

હોસ્પિટલના રુમમાં પોતાના પલંગ પર બેઠી બેઠી ઇતિ ઉપર ચાલતા પંખાને ગોળ ગોળ ફરતો જોતી હતી. ક્યારની ચાલતી એ પ્રક્રિયાથી હવે એણે થાકોડો અનુભવ્યો. ઉભી થઈને રુઅમની બારી પાસે ગઈ. એના રુમની બહાર એક સરસ મજાનો બગીચો પડતો હતો. એમાં પવનની લહેરખીઓ સાથે ઝુમતુ સૂરજમુખીનું સોનેરી ફુલ ઇતિને બહુ જ પ્રિય હતું..એકીટશે એની સામે જોયા કરતી હતી..એ વિચારતી હતી કે ,’જો એના બદલે અર્થને આવા પાગલપણના દોરા પડતા હોત તો શું એ પણ આમ જ અર્થને છૂટાછેડા આપીને એની જવાબદારીઓથી મ્હોં ફેરવી દેત..? એક્દમ જોરથી અંતરમનમાંથી ‘ના..કદાપી નહી’નું એક વાવાઝોડું આવ્યું. એ તો પ્રેમથી અર્થની દેખરેખ કરત અને એને એ ડીપ્રેશનમાંથી પાછો લઈ આવત. એ અર્થની તાકાત બની જાત..કોઈ પણ ટેન્શન ‘ઇતિ’નામની દિવાલ સાથે અથડાઇને પાછા ફંટાઇ જાત. તો અર્થે કેમ આમ કર્યું? શું સ્ત્રી અને પુરુષના પ્રેમમાં આવો જ તફાવત હોતો હશે? અને હા..તો કેમ આમ..? વિચારતા વિચારતા એના કપાળની નસો તંગ થવા લાગી અને એને યાદ આવ્યું..ડોકટર વિકાસે એને ચોખ્ખી ના પાડેલી કોઈ પણ જાતના નકામા અને ટેન્શનવાળા વિચારોનો બોજ મગજ પર ના લાદતા.. તમારું મગજ અત્યારે બહુ જ નાજુક હાલતમાં છે..જો નહી સાચવો તો કદાચ આખી જિંદગી તમારે એનું દુઃખદ પરિણામ ભોગવવાનું રહેશે. એ રોગ લાઈલાજ થઈ જશે..

ડોકટર વિકાસ..ઇતિની રુમના દરવાજે ઉભા ઉભા એને જ નિહાળી રહ્યાં હતા..ઇતિના કાળા ભમ્મર વાળની થોડીક અલકલટો એના નાજુક રુપકડા ચેહરા પર નફફ્ટાઇથી મનમાની કરતી ગાલ..કપાળ..નાકને વારેઘડીએ ચૂમતી હતી. જેને હટાવવાની દરકાર સુધ્ધા ઇતિ નહોતી કરતી. એનાથી એ વધુ આકર્ષક લાગતી હતી…ગોરીગોરી..તીખો નાક-નકશો ધરાવતી ઈતિ બહુ રુપાળી હતી. હોસ્પિટલના સફેદ યુનિફોર્મમાં તો વળી એની સાદગી ઓર ખીલી ઊઠ્તી હતી. નાજુક ગુલાબી ગુલાબી હોઠ હંમેશા ઝાકળથી નહાયેલા ગુલાબ જેવા જ લાગતા…વિકાસને પહેલા દિવસથી જ ઇતિ માટે એક અદ્મ્ય આકર્ષણ જાગેલું. એમાં પણ એની કહાની  સાંભળ્યા પછી એના માટે દિલમાં સહાનુભૂતિનો ધોધ વહેવા માંડેલો..અત્યારે એના મનમાં આવ્યું કે ઇતિની નજીક જાય અને એની નફ્ફટ અલકલટોને પોતાના હાથેથી ખસેડીને એના કાન પાછળ વ્યવસ્થિતપણે ગોઠવી દે. એના લીસા ગાલ પર પોતાનો હાથ ફેરવી લે…સહાનુભૂતિ ધીરે ધીરે પ્રેમના રુપમાં પરિવર્તિત થતી જતી હતી એ વાતથી ડો. વિકાસ પોતે પણ બેખબર હતા.

ખાલીપો – ભાગ-૧૧.

 

અર્થ..ઈતિ વગરના ઘરમાં મમ્મી વિમળાબેન અને પુત્ર સ્પર્શ સાથે બેઠેલો. ખબર નહી પણ ઘરનો કોઈ ખૂણો સતત ખાલી ખાલી લાગતો હતો. જાણે કે આ એનું ઘર હતું જ નહી.!! એણે અને ઇતિએ કેટ કેટલા અરમાનોથી સજાવેલું આ ઘરને. અત્યારે એમાં નીરવ ખામોશીનું જ વર્ચસ્વ હતું. હિંચકા પર ઝૂલતા ઝૂલતા એંણે ચોતરફ એક ખાલીખમ નજર ફેરવી. સામે જ સરસ મજાનું ગાર્ડન હતું. જેમાં ઈતિની હયાતી હજુ સ્પ્ષ્ટપણે છલકતી હતી. ઇતિના હાથમાં જાણે કે જાદુ હતો. એમાં પણ ઇતિએ ખૂબ જ મનથી એક બાજુ પારિજાતનું ઝાડ રોપેલું. એ હવે ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું. એના ઉપર મનમોહક સફેદ અને નારંગી રંગની દંડીવાળા નાજુક નમણા ફુલો આવી રહ્યાં હતાં..પણ એનો આનંદ ઊઠાવવાની જેને ચાહ હતી એ ઈતિ ક્યાં..??

ડગલે ને પગલે અર્થને ઇતિની યાદ હેરાન કરતી હતી…અકળાઈને બૂમ પાડી…

“મમ્મી, આ સ્પર્શને શાંત રાખને..પ્લીઝ..અને એક કપ ચા પીવડાવીશ..ઇતિ બનાવતી હતી એવી કડક, આદુ-ફુદીનાવાળી..”

વિમળાબેન અંદરથી બહાર આવ્યાં. સ્પર્શને અર્થના હાથમાંથી લઈ લીધો અને એક તીખી નજર અર્થ સામે નાંખી..ના ઈરછવા છતાં બોલાઈ ગયું..

‘અસ્સલ ઈતિ જેવી જ…!!”

ના બોલાયેલા શબ્દોના કટાક્ષબાણોનો સામનો કરતાં કરતાં અર્થ આરપાર વીંધાઈ જ ગયો જાણે..!

પણ શું થાય..પોતે જ પોતાના પગ પર કુહાડો મારેલો ને..!!!!

ઇતિ વગર એનું જીવન સાવ જ આમ ખાલીખમ થઈ જશે એવો તો એને અંદાજ પણ નહોતો. સામે હતી ત્યારે એનું મહત્વ એણે ક્યારેય આંક્યું જ નહોતું ને..”ઘરકી મુર્ગી દાલ બરાબર ” જેવું જ તો..!!

—————————————————

ઇતિ…સાવ પાગલ તો નહોતી જ ..એને ક્યારેક કયારેક પાગલપણના કાં તો વધારે પડતી લાગણીના ઍટેક્સ આવી જતા હતાં..બસ એ સમયે એને સાચવવી બહુ જ અઘરી પડતી. બાકી એ સાવ જ નોર્મલ હતી. આમે એ ઈન્ટેલીજન્ટ તો હતી જ.. એણે ડો.વિકાસની મદદથી ત્યાં જ પોતાના શોખની ઈન્ટીરીયર ડિઝાઇનની લેટેસ્ટ બુક્સ મંગાવી લીધેલી..

જે પરિસ્થિતી હતી એને સ્વીકાર્યા વગર એની પાસે કોઈ જ છૂટકો ક્યાં હતો? ના સ્વીકારે તો પણ એ જ હેરાન થાય. એટલે એણે એના ખાલીપાને પોતાના શોખ તરફ ડાયવર્ટ કરવાનું નક્કી કરી લીધું હતું.  બેઠાં બેઠાં એ મેગેઝિનના પાના જ ઉથલાવતી હતી ..નજર એક પાના પર પારિજાતના વિશાળ અને સફેદફુલોથી સુશોભિત વૃક્ષ પર અટકી ગઈ.ત્યાં એની નજરે એ સ્તબ્ધ થઈ ગઈ.

’પારિજાત’..કેટ કેટલી યાદો હતી આ નામ સાથે…એના કુમળા કુમળા ફુલો..એની કેસુડી નાજુક નમણી દંડીઓ..રોજ રાત્રે એ પારિજાતના વ્રુક્ષ નીચે એક સફેદ ચાદર પાથરીને સૂઈ જતી હતી. વહેલી સવારે ઊઠીને એ ચાદરમાં મન મૂકીને રીતે વેરાયેલ પારિજાતને ચાદરમાં સમેટીને ગાલ સાથે અડાડીને વ્હાલ પણ કરી લેતી..પાગલ હતી એ પારિજાતના ફુલો પાછળ..!! આજે એ યાદ આવી ગયું. પોતાના (!!!) ઘરમાં પોતે આટલા જતનથી ઊછેરેલ પારિજાતની હાલત કેવી હશે?  હવે એનું ધ્યાન કોણ રાખતું હશે..?

વળી યાદ આવ્યું..”રે પાગલ તારો અંગનો એક કટકો..સ્પર્શ…અને આખેઆખી જેનામાં તું વસેલી એ અર્થ જ જ્યાં તારા નથી ત્યાં આ પારિજાતની ચિંતા તને શીદને સતાવે..?”

સ્પર્શ…એક હાયકારો નીકળી ગયો..એના મનમાં વિચારોનું તોફાન ચાલુ થઈ ગયું.. કોઈ જ મતલબ વગરના વિચારો એના મનનો કબ્જો જમાવવા માંડ્યા. સ્પર્શ…અર્થ…બેયના ચહેરા એક બીજામાં જાણે કે મળી ગયા હોય એમ જ લાગ્યું..બેય જાણે કે એની આ હાલત પર હસતાં હોય એમ જ લાગ્યું..અને ઇતિ બે હાથેથી માથું પકડીને બેસી ગઈ..

ડો. વિકાસની ભલામણથી મળેલ સેલફોનમાંથી ડો. વિકાસને જ ફોન કર્યો..

“ડો. પ્લીઝ..કમ સૂન…આઈ નીડ યોર હેલ્પ અર્જન્ટલી”

____________________________________________________________

વિકાસ ઓફિસની કેબિનમાં બેઠો બેઠો ઇતિ વિશે જ વિચારતો હતો..કાલે તો એ દરવાજેથી જ ઇતિને નીહાળીને પાછો વળી ગયેલો. ઇતિને જોઈને એના દિલમાં વ્હાલનું ઝરણું ફૂટી નીકળતું હતું. ધસમસ એના પાણી..વિકાસને કંઈ જ સમજાતું નહોતું કે એની સાથે આ શું થઈ રહ્યું છે…! કદાચ એને ઇતિથી પ્રેમ થઈ રહ્યો છે..એ વિચારોથી જ એની નસનસમાંથી વહેતા લોહી જાણે શિરા-ધમની ફાડીને બહાર આવવાને આતુર થઈ ગઈ હોય એમ લાગ્યું..જાણે ચિલ્લાઈ ચિલ્લાઈને ના કહેતી હોય..

‘અરે નાદાન..કદાચ નહી…સો એ સો ટકા તમે ઇતિન પ્રેમમાં છો..પાગલોના ડોકટર વિકાસ..એમની પાગલ પેશન્ટ ઇતિના પ્રેમમાં પાગલ..!!”

આમ વિચાર કરતા કરતાં જ વિકાસ એકદમ હસી પડ્યો..અને ત્યાં તો એના સેલની રીંગ રણકી.

’અરે..આ તો ઇતિનો નંબર…”

વિચારતા વિચારતા એણે ફોન ઉપાડ્યો અને ઇતિનો વ્યાકુળ અવાજ સાંભળીને તરત જ એના રૂમ તરફ દોડ્યો. ઇતિનું માથું ભયંકર વેદનાથી ફાટું ફાટું થઈ રહ્યું હતું. વિકાસને જોઈને એ એકદમ જ એને વળગી પડી..અને એકદમ જ રોવા લાગી. વિકાસ બે ઘડી તો અવાચક જ.. ઇતિ એની આટલી નજીક પહેલી વાર જ આવેલી..એ પણ હાડ- માંસનો બનેલો માણસ હતો આખરે. ધૂજતા હાથે ઇતિના લીસા વાળમાં હાથ પૂરોવીને એને સાંત્વના આપતા બોલ્યો,

’ઇતિ..જાતને થોડી સંભાળ..વિચારવાનું બંધ ક્રર..”

હળ્વેથી ઇતિને પલંગ પર બેસાડી. ઇતિના ગોરા ગોરા કોમળ બાવડે, વોર્ડબોય પાસે મંગાવેલ ઘેનનું ઈંજેકશન આપતાં આપતાં વિચાર્યું કે…

” જાત તો મારે પણ સંભાળવાની છે..ઇતિ મારી એક પેશન્ટ છે..આમ એના વિશે કંઇ પણ વિચારવું ઠીક તો નથી જ..”

ઘેનના ઇજેકશનની અસર હેઠળ ઇતિને ઉંઘ આવવા માંડી..્વિકાસે ઇતિને સંભાળીને પલંગ પર સુવાડી. ઇતિના કાળા ભમ્મર વાળ એના મોઢા પર આવી જતા હતા..આ ઘડીએ વિકાસ એની જાતને ના સંભાળી શક્યો અને અવશપણે એના મોઢા પર આવતા વાળ હળ્વેથી ખસેડીને કાન પાછળ સા્ચવીને ગોઠવી દીધા. ઇતિ ઉંઘમાં એક્દમ માસૂમ લાગતી હતી. વિકાસ ધીમે ધીમે એની જાણ બહાર જ એના ચહેરા તરફ ઝુકતો ચાલ્યો..અંદરથી એક તીવ્ર આવેગ ઊઠી રહ્યો હતો..ઇતિને કપાળ પર ચુંબન કરી લેવાની ઇરછા બળવત્તર થતી જતી હતી..એક્દમ જ ઇતિએ ઉંઘમાં પડખું ફેરવ્યું અને ડો. વિકાસને હકીકતનું ભાન થયું કે પોતે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. પણ બહુ જ મજબૂર હતો દિલના હાથે એ. એનું દિલ તો ઇતિના નામથી જ ધડકી ઉઠ્તું હતું..જલતરંગ વાગવા લાગતા હતાં..

બહુ જ મુશ્કેલભરી સ્થિતીમાં મુકાઈ ગયેલા ડો .વિકાસ….!!!

ખાલીપોઃ ભાગ-૧૨

 

વિમળાબેન…અર્થના મમ્મી, સ્પર્શના દાદી, ઇતિના સાસુમા…રોજના નિયમ પ્રમાણે સવારે વહેલાં ઊઠીને નિત્યક્ર્મથી પરવારી અને પૂજા પાઠ માટે ઘરના પાછળના ભાગમાં ઇતિએ પ્રેમથી સજાવેલા બગીચામાં ગયા.જૂઈ – ચંપો – જાસુદ બધાંય પર રુડાં રૂપાળા ફૂલો આવેલા. મન પ્રસન્ન થઈ ગયું. ત્યાં  જ એમની નજર પારિજાતના વૃક્ષ પર પડી. એની નીચે તેઓ રોજ રાતે ચાદર પાથરીને સૂઈ જતાં અને સવારે પારિજાત એની આખી જાત જાણે કે ઠાલવીને ઢગલોક ફૂલોથી એને ભરી દેતું. ઇતિની જેમ જ એ પણ મન મૂકીને વરસી પડતું હતું. ક્દાચ ઇતિએ એને બહુ પ્રેમથી ઊછેરેલું એટલે એના ગુણો પારિજાતે પણ અપનાવી લીધા હશે..!!

પારિજાત…અહા..એ નામ સાથે જ વિમળાબેનને ઇતિની યાદ તાજા થઈ ગઈ. બહુ નજીક હતી એ એમના દિલની. પણ કિસ્મત તો જુઓ..
ત્યાં જ એમની નજર કંપાઉન્ડ વોલની બહાર એક ગાય અને એને બચ…બચ..ધાવતા એના વાછરડાં પર પડી. એમનું હૈયું વલોવાઈ ગયું. એ પણ એક મા હતા આખરે. એમને પણ ખબર હતી કે એક દીકરાને અને એની માને છૂટા પાડવા એ કેટલા મોટું પાપ છે. અર્થ તો ઓફિસના કામ માટે અઠવાડિયાની ટૂર પર ગયેલો. વિમળાબેને પળભરમાં જ એક મકકમ નિર્ણય કર્યો અને સ્પર્શને ઉપાડી ઘરને તાળું વાસીને ઘરની બહાર નીકળ્યા.

‘રિક્ષા…”

‘ક્યાં જવું છે માજી..?”

“પ્રભાત મેન્ટલ હેલ્થ કેરમાં..”

અને મનોમન પા્છળનું વાક્ય પૂરું કર્યું..
“એક માને એના દીકરાનો મેળાપ કરાવવા…ભગવાનની પૂજા કરતાં એ કામ વધુ મહત્વનું છે.”
____________________________________________________________

ઇતિ.. નાહી ધોઈને પરવારીને રૂમની બારી આગળ ઊભી હતી. વાળ ધોઈને હમણાં જ બહાર નીકળેલી. સદ્યસ્નાતા ઇતિ…ખુલા કાળા ભમ્મર વાળ..એમાંથી ટપકતું ટપ ટપ પાણી એના ચહેરા પર જાણે ફૂલ પર ઝાકળની બુંદો જેવું જ લાગતું હતું. ઇતિના સુંવાળી ત્વચા પર બારીમાંથી સૂરજનો કુણો સોનેરી તડકો અડપલાં કરતો હતો. એનાથી ઇતિ જાણે કે સોનપરી જેવી જ નાજુક નમણી લાગતી હતી. ઇતિની કાળી કાળી લાંબી પાંપણો જાણે કે હજુ કોઈ પ્રણયના સ્વપ્નના નશામાં ડૂબેલી હોય એમ અધખુલી હતી. ગજબની રૂપાળી લાગતી હતી ઇતિ..ત્યાં એને બારીમાંથી એક રિક્ષા બિલ્ડીંગના દરવાજે ઊભી રહેલી દેખાઈ. એમાંથી કો’ક જાણીતો અણસાર ડોકાયો..અને એનું હ્રદય જાણે કે એક ધબકાર ચૂકી ગયું..!!

‘આ તો…આ તો…”
અને એ એકદમ જ બહારની તરફ દોડી…
‘મારા લાલ..” અને સ્પર્શને રીતસરનો ઝૂંટવી જ લીધો એણે વિમળાબેનના હાથમાંથી.
વિમળાબેને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને અનેરા સંતોષ સાથે એ મા-દીકરાનું સુભગ મિલન નિહાળી રહ્યાં.
‘ઇતિ દીકરા..અંદર જઈશું..?”
“અહ્હ..હાઆઆ…ચાલો મમ્મી..”

સાસુ વહુ અંદર ગયાં.

“કેમ છે દીકરા તબિયત હવે તારી?”

“બસ મમ્મી..બહુ સુધારો છે..પણ અમુક ટાઈમે હજુ લાગણી એના પૂરમાં મને ધસેડી જાય છે. જો કે હવે એની તીવ્રતા ઓછી થતી જાય છે.”

આટલું બોલી ત્યાં તો ડો. વિકાસ એમના રોજના ક્રમ મુજબ રાઉન્ડ પર આવ્યાં.
“ઇતિ..આ કોણ..?”

“કહેવાને ખાતર મારા સાસુ..પણ માથી યે સવાયા..”

‘ઓહોહો…માજી..તમારા તો બહુ બધા વખાણ સાંભળ્યા છે ઇતિના મોઢે. કેમ છો?”

વિમળાબેન એ ફૂટડા યુવાનને જોઈ જ રહ્યાં. બહુ જ પ્રતિભાશાળી અને શાલીન વ્યક્તિત્વના માલિક વિકાસને જોઈને ખબર નહી પણ દિલના એક ખૂણે એક વસવસો ઊઠ્યો..કાશ..મારો અર્થ પણ આવો હોત તો..!!”

‘માજી..ક્યાં ખોવાઈ ગયાં?”

“અરે..કંઇ નહી બેટા..બસ જો મજામાં ..પણ અમે તો હવે પીળું પાન કહેવાઈએ..આ સ્પર્શની થોડી ચિંતા રહ્યાં કરે…બસ..”

‘માજી..તમે લગીરેક ચિંતા ના કરશો..તમારી વહુ ઇતિ હવે મારા હવાલે છે ને..”

અને એક્દમ જ ડો. વિકાસને સમજાયું કે પોતે શું બોલી રહ્યો છે…જીભ કચડતા તરત જ આગળ બોલ્યો..

“ઇતિની તબિયત હવે ખાસી સુધારા પર છે. બસ થોડો સમય..પછી તો એ એક્દમ જ નોર્મલ..મારી ગેરંટી છે..”

બોલીને એક પ્રેમાળ નજરથી ઇતિને નિહાળી લીધી એમણે.

એની આ ચેષ્ટા વિમળાબેનની અનુભવી આંખોએ તરત જ પકડી પાડી. મનનો વ્હેમ…ના ના..પાક્કું કંઈક તો છે જ આ ડોકટરના દિલમાં..એક ગુસ્સાની તીખી લહેર ઊઠી એમના દિલમાં..પણ વળતી પળે જ દિલને સંભાળીને થોડું વિચારતા એમને લાગ્યું કે આ છોકરો ઇતિને કદાચ એ બધી જ ખુશીઓ આપી શકશે જે એનો દીકરો નહોતો આપી શક્યો. અર્થ થોડો નાદાન અને ઊતાવળીયો હતો. જ્યારે આ તો ધીર-ગંભીર અને ઠરેલ છોકરડો છે.

“જોઈએ હવે..જેવી હરિ ઈચ્છા..મારો વ્હાલીડો જેમ રમાડે એમ રમવાનું..આપણે તો માત્ર ક્ઠ્પૂતળી જ ને..!!”

બે એક ક્લાક જેવો સમય ચપટી વગાડતાંક ને આમ જ વહી ગયો. સ્પર્શને જમડવાનો સમય થઈ ગયો હતો. વિમળાબેને કહ્યું,”
‘ચાલો દીકરા..હવે અમે જઈએ.. પછી ક્યારેક આવીશ.આ મુલાકાતની વાત અહીંથી બહાર ના જાય ..પ્લીઝ ડો.”

એક આજીજીપૂર્વક નજરે વિમળાબેને બે હાથ જોડીને રીતસરનું વિકાસ સામે કરગરી  જ લીધું.

‘અરે હોય માજી..તમે મને શું એટલો નાદાન સમજો છો..તમતમારે બેફીકર રહો..”
વિકાસે એમના બે હાથ પોતાના હાથમાં લઈને સાંત્વના આપતા કહ્યું

ઇતિ લગભગ કલાકેક સ્પર્શ સાથે રમી..મન ભરીને એને વ્હાલ કર્યું…પણ હવે એને પાછો પોતાનાથી અળગો કરવો પડશે એ વિચાર માત્રથી જ એ હલબલી ગઈ.
પણ સચ્ચાઈનો સામનો કર્યા વગર છૂટકો જ નહતો ને એને તો…ભીની આંખે એણે સ્પર્શને વિમળાબેનના હાથમાં સોંપ્યો. સ્પર્શે પણ મોટો ભેંકડો તાણ્યો..બોબડા સ્પર્શનું એ રૂદન ઇતિને પાછો પોતાનો અપરાધ યાદ કરાવી ગયો..અને કાળજે શૂળ ભોંકાયાની કાળી વેદના ઉપડી. અને
વિમળાબેન એક સારું કામ કર્યાનો સંતોષ લઈને ઘરે જવા નીકળ્યા.
___________________________________________________________

સ્પર્શનો એ બોબડો અવાજ ઇતિને ઊંઘવા નહ્તો દેતો. રહી રહીને એના માનસપટ પર એનો ચહેરો અથડાતો હતો. માંડ આંખ મીંચે અને સ્પર્શ આવીને ઊભો રહી જતો..કલાકેકની મથામણ પછી એણે વિકાસને મોબાઈલ કર્યો..
“વિકાસ..પ્લીઝ..થોડી વાર આવશો અહીં?”

 

ખાલીપોઃ ભાગ-૧૩

સ્પર્શનો એ બોબડો અવાજ ઇતિને ઊંઘવા નહ્તો દેતો. રહી રહીને એના માનસપટ પર એનો ચહેરો અથડાતો હતો. માંડ આંખ મીંચે અને સ્પર્શ આવીને ઊભો રહી જતો..કલાકેકની મથામણ પછી એણે વિકાસને મોબાઈલ કર્યો..

“વિકાસ..પ્લીઝ..થોડી વાર આવશો અહીં?”

વિકાસનું ઘર હોસ્પિટલથી નજીક જ હતું. એ નાહીને ફ્રેશ થઈને સફેદ ઝગઝગતા ઝભ્ભા અને પાયજામાનો નાઈટડ્રેસ ચડાવીને સૂવાની તૈયારી જ કરતો હતો. ત્યાં ઇતિનો ફોન આવ્યો. પળભર તો થયું કે ના પાડી દે…બહુ જ થાકેલો આજે..નિંદ્રાદેવીએ જબરા કામણ કરેલાં..પછી વિચાર્યુ કે ,

“ઇતિ ખાલી તો ફોન કરે જ નહી. કોઈ ખાસ કારણ હોવું જોઈએ..”

પગમાં ફ્લોટર્સ ચડાવી બાઈકને કીક મારીને બે મિનિટમાં તો ઇતિની સામે જઈને ઊભો રહી ગયો.

‘બોલો, કેમ યાદ કર્યો મને તમે?”

ઇતિ બે ઘડી તો જોતી જ રહી ગઈ વિકાસને. સફેદ ઝભ્ભા-પાયજામામાં ગોરો ચિટ્ટો અને થોડી ઊંઘરેટી રતાશ પકડતી આંખો જબરી નશીલી લાગતી હતી. એણે કોઈ જ દિવસ વિકાસ સામે ધ્યાનથી નજર જ નહોતી નાંખી. એના રૂંવે રૂંવે હજુ પણ અર્થ જ શ્વસતો હતો. કોઈ પણ પુરુષ એ અર્થ નામનો અભેદ્ય કિલ્લ્લો તોડીને અંદર આવવા સક્ષમ નહોતું. પણ આજે વિકાસને જોઈને એના મનમાં એકદમ જ એક નવાઈનું તોફાન ઊમટયું. વિકાસને એ એક ખૂબ જ સારા ડોકટર અને સજ્જ્ન મિત્ર તરીકે જ જોતી હતી.

“હલો…આટલી રાતે મને કેમ બોલાવ્યો..?’

વિકાસે ઇતિના ખભા પર હાથ મૂકીને માર્દવતાથી પૂછ્યું.

અને ઇતિ એકદમ જ સચ્ચાઈને ધરતી પર પછડાઈ..

‘અહ્હ…કંઈ ખાસ નહીં..બસ..આ તો સ્પર્શને બહુ સમય પછી જોયો અને પાછો ખોયો..એટલે થોડી અકળામણ થતી હતી…

અમુક સમયે આ એકલતાનો સાપ જબરો ડંખી જાય છે.
એનું લીલું લીલું કાચ જેવું ઝેર મારી રગ રગમાં ના સહી શકાય એવો દાહ લગાડી જાય છે.
એમાંથી પછી સર્જાય છે લાગણીના વમળો…
ચક્રવાતો..
અને એમાં હું ઘૂમરાતી ઘૂમરાતી ચકરાવે ચડી જઊં છું.
ઘણી વાર એમાંથી પાછી આવી જાઉં છું,
પણ અમુક સમયે એમાં જ અટવાઈ જવાય છે..
આજે એવું જ કંઈક…”

વિકાસ અપલક નયને ઇતિને જોઈ જ રહ્યો. ઇતિ બેહદ ખૂબસૂરત હતી. પણ એની વિચારશીલતાનું આ રૂપ આજે જ એણે જોયું.ઇતિ બેહદ બુધ્ધિમાન સ્ત્રી હતી અને એની આવી અવદશા..!! એને આવી નમણી નારી પર બેરહમ કુદરતના આ કાળા કેર પર બેહદ ગુસ્સો આવી રહ્યો હતો. આગળ વધીને ઇતિનો હાથ કુમાશથી હાથમાં લઈને બોલ્યો..

“ચાલો..થોડી વાર બહાર આંટૉ મારી આવીએ.તમને થોડી હળવાશ અનુભવાશે. આ બંધિયાર વાતાવરણ અને આ એકલતા..આમાંથી તમને બહાર કાઢીને જ તમારો ઈલાજ થઈ શકશે..અને હું એ કરીને જ જપીશ. તમે પાગલ નથી ઈતિ. બસ સમયના સતાવેલા છો. ચિંતા ના કરો. હું એ સમય સાથે લડીને તમને પાછા પહેલાં જેવા બનાવીશ. વચન આપું છું”

ઇતિ આટલી રાતે એક પરપુરુષ સાથે બહાર નીકળતા થોડી ખચકાઈ. પણ વિકાસની એ વાત પણ એટલી જ સાચી હતી કે એ આ બંધિયાર વાતાવરણથી અકળાતી હતી. એના ફેફસાને બહારની હવાની તાતી જરૂર હતી. મન મક્ક્મ કરીને એ બહાર નીકળી.
____________________________________________________________

વિકાસની પાછળ એની બાઈક પર બેઠેલી ઇતિ થોડી સંકોચાતી હતી. બેયની વચ્ચે એક મર્યાદીત અંતર રાખીને બેઠેલી. વિકાસના પ્રમાણમાં  થોડા લાંબા ઝુલ્ફા એના મોઢા પર અથડાતા હતા. વિકાસ એની મસ્તીમાં જ બાઈક ચલાવતો હતો. અમુક વળાંકો અને ચાર રસ્તે ટ્રાફિક આવતા અણધારી બ્રેક મારવી પડતી હતી. આ બધી પ્રક્રિયામાં ઇતિ ગમે તેટલી જાત સાચવતી હતી તો પણ સીટ પર આગળ સરકી જ જતી હતી અને એના ધ્યાન બહાર જ એનો હાથ વિકાસના ખભા પર જતો રહેતો હતો. વિકાસ તો એની મસ્તીમાં જ હતો. અલક મલકની વાતો કરીને ઇતિનું ધ્યાન ડાયવર્ટ કરવાના પૂરતા પ્રયાસોમાં પ્રામાણિક્પણે લાગેલો હતો. પણ ઇતિના કાન જાણે કે બહેરા થઈ ગયેલા. એનું દિલ એટલી જોરજોરથી ધક ધક થતું હતું કે વિકાસની એક પણ વાત કાને નહતી અડતી.

“ચાલો કોફી પીશું ઇતિ..આ શંભુની કોફી બહુ વખણાય છે ને..મેં પણ નથી પીધી ક્યારેય. સમય જ નથી મળ્યો..”

જવાબમાં ખાલીખમ મૌન…!!

વિકાસ હવે થોડો ચોંક્યો . બ્રેક મારીને બાઈક ઉભી રાખી. સાઈડ મિરરમાં જોયું તો  આટલી રાતે પણ ચાંદના થોડા અજવાશમાં ઇતિના ચહેરા પર રતાશ સ્પષ્ટ નિહાળી શક્તો હતો.

“ઇતિ..આર યુ ઓલ રાઈટ..?”

ઇતિ હવે એકદમ ચમકી…

“હા ..હા..પરફેક્ટલી ઓલરાઈટ..ડોન્ટ વરી. તમારી પાછળ જ છું..કયાંય પાડી નથી આવ્યાં તમે મને. તમારું ડ્રાઇવિંગ આમ તો સરસ છે.” વાતાવરણમાં થોડી હળવાશ લાવવાના ઇરાદા સાથે જ

ઇતિએ ઉત્તર આપ્યો.

બેય જણ બાઈક પરથી ઉતર્યા. વિકાસ કાઉન્ટર પર જઈને બે એક્ષપ્રેસો કોફીના ઓર્ડર આપીને બાજુમાં પડેલી ખુરસી પર બેફિકરાઈથી બેસી ગયો. ઇતિને એનું એ બેફિકરાઇનું રૂપ બહુ જ ગમ્યું.

આજે એના દિલને શું થયું હતું આ..એ થોડી અકળાઇ હવે.

‘હા તો બોલો.શું તકલીફ હતી દેવીજી તમને?”

“તકલીફ હતી પણ.સાચું કહું..આ ઠંડી હવા અને આ વાતાવરણ..બધુંયે ભુલાઈ ગયું.” બોલીને ઇતિએ એક મધુરૂં સ્મિત વેર્યું.

વિકાસ એના એ સ્મિત તરફ અપલક જોઈ રહ્યો.

એની એ નજરમાં રહેલ પોતાના પ્રત્યેનું આકર્ષણ ઇતિ સ્પષ્ટપણે વાંચી શકી. દિલના એક ખૂણે એક અપરાધભાવ જેવું કંઈક ફીલ થયું..આ શું..મારાથી આમ કેમ વિચારાય જ..વિકાસ તો એક ડોકટરની ફરજ નીભાવે છે..કદાચ આ એની ફરજનો એક ભાગ સમજીને પણ કરતો હોય. કદાચ મેં જે જોયું એ મારી નજરનો ઘોખો પણ હોય..ના ના..આવું ના વિચારી શકાય..હજુ તો મારા તન મન બધે અર્થ જ અર્થની છાયા છે.આ જે વિચારું છું એ ખોટું છે.”

આ બાજુ વિકાસના મગજમાં કંઈક અલગ જ વિચારો રમતા હતા. એ વિચારતો હતો કે ઇતિને આમ બંધિયાર વાતાવરણમાં રાખીને ઇલાજ કરીશ તો કદાચ એ ક્યારેય સાજી નહી થાય. એને કોઈ ને કોઈ પ્રવ્રુતિમાં લગાડી દેવી જોઈએ. તો જ એ આ બધામાંથી બહાર નીકળી શકશે. મનોમન ઇતિના ઇલાજના આગળના પગલા વિચારતો હતો. ત્યાં..

‘સાહેબ ..કોફી…” ના અવાજે બેયને વાસ્તવિકતામાં લાવીને પટકયાં.
અને બંને એક-બીજાની સામે જોઈને અકારણ જ હસી પડ્યાં…
ઇતિ બહુ સમય પછી આજે આમ ખુલ્લા દિલથી હસી હતી..

ખાલીપોઃ ભાગ-૧૪

વિકાસ તો એને અપલક નયને નિહાળી જ રહ્યો…બેધ્યાનપણે જ એના હાથમાં રહેલો કોફીનો મગ એકબાજુ પર ઢળી ગયો અને ગરમ ગરમ એક્ષપ્રેસો કોફી એના હાથ પર છલકાઈ..

“આઉચ..”

‘શું થયું વિકાસ..?” ઇતિએ ઊતાવળે જ વિકાસનો દાઝેલો હાથ એના હાથમાં લઈ લીધો અને બાજુમાં પડેલ ગ્લાસમાંથી પાણી લઈને એની પર રેડવા લાગી. વિકાસ બધીયે વેદના ભૂલીને ઇતિની એ બેકરારી જોઈ રહ્યો. એને થયું કે બસ…સમય આમ જ, અહીં જ થંભી જાય અને ઇતિ આમ જ એનો હાથ એના હાથમાં પકડીને આમ સંભાળપૂર્વક કાળજી લેતી રહે.
અચાનક જ ઇતિને ખ્યાલ આવ્યો કે એ શું કરી રહી છે..અને એકદમ જ એણે વિકાસનો હાથ છોડી દીધો..એનો ચહેરો શરમથી લાલ લાલ થઈ ગયો. દિલની વાત આમ એકદમ જ ખુલ્લી પડી જશે એ તો એને વિચાર પણ નહતો આવ્યો.

હવે વિકાસે પૂછ્યું,”શું થયું ઇતિ..?” વિકાસનો સઘળો પ્રેમ જાણે કે એ પાંચ અક્ષ્રરોમાં છલકાઈને બહાર આવી રહયો હતો.

‘હ્મ્મ્મ..ક..ક્ક..કંઇ નહી વિકાસ..એ તો બસ એમ જ..” ઇતિની જીભ હવે થોડા લોચા વાળવા માંડેલી.એને સમજાતું નહોતું કે શું બોલે તો આ વાત અહીં જ અટકી જાય.

વિકાસને ઇતિને આમ પરેશાન કરવામાં એક અજબ આનંદ આવતો હતો. એને સમજાતું હતું કે આબધું શું થઈ રહ્યું છે..પણ એકદમ જ એ વાત બોલીને એ આ વાતની મજા બગાડવા નહતો માંગતો.. એનામાં ભરપૂર ધીરજ હતી. જાણે કંઈ જ ના બન્યું હોય એમ એ એકદમ જ મસ્તીમાં આવી જઈને,”યે રાતે યે મૌસમ નદી કા કિનારા…” એના મનગમતા ગીત પર વ્હીસલીંગ કરવા લાગ્યો.
ઇતિ ગભરુ હરિણીની માફક વિકાસનું આ નવું રૂપ જોઈ જ રહી. વિકાસ હરામ બરાબર જો એની સામે એક વાર પણ જોયું હોય તો..પણ એને સતત એમ જ લાગતું હતું કે એની નજર એના તન મનને આરપાર વીધી રહી છે..એના દિલની વાતનો તાગ માપી રહી છે. આ સમયે ઇતિ અર્થની પત્ની…સ્પર્શની મા…વિમળાબેનની વહુ એ બધા રૂપોને પાછળ છોડીને એક નવી જ ઇતિ બની ગઈ હોય એમ અનુભવતી હતી. લાગણીથી તરબતર ભીંજાતી…વિકાસના સ્નેહમાં તણાતી..એને સમજાતું જ નહોતું કે એ શું કરે..?
અવઢવના ચકકરો…
લાગણી..પ્રેમ…ભરપૂર ભીનાશ,
ફરજો…રુપ-બદલાનો ભાર…
દિલમાં કંઈક કૂણા કૂણાં સ્પંદનોની ધાર વહેવા માંડેલી..
બધીયે ગડમથલ એના ચહેરા પર એકદમ જ સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. વિકાસને ઇતિનું આ રૂપ બેહદ ગમ્યું..એનું મન થયું કે આ સમય..આ પળ અહીં  જ રોકાઈ જાય.કોઇ સ્વીકાર નથી જોઈતો..કોઈ જ શબ્દોની હારમાળા નથી સર્જવી..એ વણબોલાયેલા વાક્યો પાછળની અઢળક લાગણી બસ આમ જ વહેતી રહે..અને એ અસ્ખલિત ધારામાં એ જિંદગીભર પલળતો રહે.

પ્રેમ બેય જુવાન હૈયામાં ફૂટી રહ્યો હતો..પણ મર્યાદાની સાંકળો તોડીને હજુ સ્વીકાર કરી શકાય એ હદ સુધી એમનામાં તાકાત નહોતી..કદાચ સામેવાળું પોતાના જેમ ના પણ વિચારતું હોય..કદાચ આ બધો પોતાનો ભ્રમ પણ હોય..અમુક ભ્રમ જીવવા માટે જરૂરી હોય છે. એ તૂટવાની બીકે ઘણાં એને વાસ્તવિકતામાં પલટાવાની હિંમત નથી કરી શકતા.

જેમ તેમ બંને એ કોફી પતાવી…

“હવે…??”

“નાઊ આઇ એમ પરફેકટ્લી ઓલ રાઈટ…ચાલો..પાછા વળીએ..”

‘ઓ.કે.”

અને વિકાસે બાઈકને કીક મારી..ઇતિ એની પાછળ ગોઠવાઈ. એનું શરીર લગભગ ઠંડી લાગતી હોય એમ ધ્રુજતું હતું.. એના દિલની ધડકન એને પોતાના કાનમાં અથડાતી હતી.કાનની બૂટ સુધ્ધાં લાલ લાલ થઈ ગયેલી..શરમ..સંકોચ..થોડા નજીક સરકીને પાછા એક અંતરે ગોઠ્વાઈ જવું…આ બધી પ્રક્રિયામાંથી પસાર થતી ઇતિ આખરે હોસ્પિટલ આવીને નીચે ઊતરી ત્યારે એક હાશકારો અનુભવી રહી હતી…

ઉતાવળે ઉતાવળે એણે વિકાસને ગુડનાઈટ કહ્યું અને એના જવાબની રાહ જોયા વગર જ પોતાના રૂમ તરફ રીતસરની દોટ મૂકતી હોય એમ ભાગી…

વિકાસ હવે એકદમ જ ખુલ્લા દિલે હસી પડ્યો…એને બધું સમજાતું હતું..અને એ એનો આનંદ ઉઠાવી રહ્યો હતો..એ જ બેફિકરાઇથી વ્હીસલીંગ કરતો કરતો પોતાના ઘર તરફ વળ્યો..

ઘરે જઈને એણે ઇતિને ફોન લગાવ્યો..
‘ઇતિ..એક ૦.૫ની આલ્પ્રેક્ષ લઈને સૂઈ જાઓ હવે…કાલે મળીએ અને હા…ગુડ નાઈટ…મારું ઉધાર રહી ગયેલું ને..!!” અને ઇતિની વાત સાંભળ્યા વગર જ નટખટ સ્મિત સાથે ફોન કટ કરી દીધો..

ઇતિ બે પળ તો બાઘાની માફક ઉભી રહી ગઈ ..વિકાસના વિચારોમાં ને વિચારોમાં એ એમ જ પલંગમાં આડી પડી..એને આજે વિચારોને રોકવા કોઈ જ આલ્પ્રેક્ષની ગોળી લેવાની જરૂર નહોતી લાગતી. ઊલ્ટાનું  આજે તો એને આ વિચારોની એ ધારામાં બેફામ વહેવું હતું. આજે એનામાં રહેલી સ્ત્રીનું અનોખું રૂપ ભરપેટ માણી રહી હતી…એનું એ સ્ત્રીરૂપ આજે એના બધા અપરાધભાવને ધોઈ રહ્યું હતું…એના મનો-મસ્તિષ્કમાં એક અનોખી જ આનંદની છોળો ઊછળી રહી હતી…એના મનના તરંગોમાં વહેતી વહેતી એ ક્યારે નિંદ્રાદેવીના શરણે જતી રહી એને ખ્યાલ જ ના રહ્યો.

ખાલીપો- ભાગ: ૧૫

ઇતિના સુખના દિવસો પાછા આવી રહ્યાં હતાં. એણે ક્યારેય વિચારેલી નહોતી એવી દુવાઓ પણ કબૂલ થઇ ગઈ હતી. મનોમન એ અને વિકાસ એક-બીજાની નજીક આવતા જતા હતાં. બંનેયને ખબર હતી હાલત પણ બેમાંથી એકેય મગનું નામ મરી નહોતા પાડતા અને સાથે સાથે એ બંધ મુઠ્ઠીની મજા પણ માણતા હતા. વિકાસ અને વિમળાબેન બેયની મહેનત અને પ્રેમ ધીમે ધીમે રંગ લાવી રહ્યાં હતાં.

વિકાસની ભલામણથી ઇતિને એક આર્કીટેક મિત્ર સુધીર ભાટીયાને ત્યાં ઇન્ટીરીયર ડેકોરેટર તરીકે જોબ પણ અપાવી દીધેલી. બસ..ઇતિને તો જીવવા માટેનો ટેકો મળી ગયો..ભગવાને એના અસ્તિત્વના પીંડને ઘડવાનો, એક આકાર આપવાનો ફરી અવસર આપી દીધો હતો. હવે એ આ તક ખોવા નહોતી માંગતી. રોજબરોજની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ અને સ્માર્ટ ઇતિને ક્લાયંટસની અઢ્ળક પ્રશંસા મળવા માંડી. એ સફળતાનો નશો ઇતિને એના જાનલેવા ડીપ્રેશનમાંથી બહાર કાઢવામાં બહુ મોટો ભાગ ભજવી ગયો. વિકાસ દૂરથી ઇતિને સફળતાની સીડીઓ ચઢતી જોઈને મનોમન હરખાતો અને ઉપરવાળાનો ખરા દિલથી પાડ માનતો.

લગભગ છએક મહિના વીતી ગયા. હવે ઇતિ ઓલમોસ્ટ સાજી થઈ ગઈ હતી. આ સમય દરમ્યાન એને એક પણ વાર પાગલપણનો દોરો પડ્યો નહતો. વિકાસે એને વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં બે રૂમ- રસોડાનો સરસ મજાનો નાનક્ડો ફ઼્લેટ લેવડાવી દીધો. ઇતિની જીંદગીમાં ફ઼રીથી એકવાર નવા રંગો પૂરાવા માંડેલા. નવીજ ભાતની રંગોળીથી એની જિંદગી સુશોભિત થઈ ગઈ હતી. હવે એ પહેલાંની જેમ જ ઉત્સાહ,જોમ અને આત્મ-વિશ્વાસથી ભરપૂર ઇતિ બની ગઈ હતી.

આજે ઓફ઼િસમાં ઇતિ બહુ કંટાળેલી. એક ડ્રોઈંગ કેમે કરીને પુરું થતું જ નહોતું. કેટ કેટ્લી વાર પ્રયત્નો કર્યા પણ એને સંતોષજનક પરિણામ નહોતું મળતું. છેલ્લે થાકી હારીને એને પડતું મુક્યું..કાલે થોડી ફ઼્રેશ થઈને જ હાથમાં લઈશ હવે ..એ નિર્ધાર કરીને ઓફ઼િસમાંથી નીકળી…રિક્ષાવાળાને હાથ કરીને ઊભો રાખ્યો…

’રીક્ષા..’

’બોલો મેડમ, ક્યાં જવું છે?’

’વસ્ત્રાપુર લેક…’

’ઓ.કે.’

આજે બહુ દિવસ પછી ઇતિને વસ્ત્રાપુર લેક પર જવાની ઇચ્છા જાગી આવેલી. રસ્તામાં આજે બહુ ટ્રાફ઼િક નહોતો એટલે દસેક મિનિટમાં તો એ લેક પર પહોંચી ગઈ ત્યાં.

રિક્ષાવાળાનું ભાડું ચુકવીને , બહાર લારી પર તપેલામાં ગરમ પાણીમાં બાફ઼ેલી અમેરિકન મકાઈ વેચાતી હતી એના પર થોડો એક્સ્ટ્રા મસાલો લગાવડાવીને, બાજુના સ્ટોલમાંથી એક એક્વાગાર્ડની બોટલ ખરીદીને એક હાથમાં મકાઈ ને બીજા હાથમાં પાણીની બોટલ સંભાળતીકને બગીચામાં પ્રવેશી.  ત્યાંથી થોડેક અંતરે આવેલ બાંકડે હાશ કરીને બેઠી..

સાંજનો સમય હતો. સામે લેકમાં ૪એક બોટ તરતી હતી. બાજુમાં ફ઼ાઊન્ટેનનું રંગીન લાઈટોથી રંગાયેલ પ્રકાશવાળું પાણી આકાશને ચુંબન કરવાના મિથ્યા યત્ન કરી રહ્યું હતું.  આજુબાજુ નકરા જીવનથી છલકતા નવજુવાનિયાઓની ચહલ-પહલ..સામેની તરફ઼ નાના બાળકો માટેના હીંચકા અને લપસણીમાં લસરતા..ધમાચકડી મચાવતા માસૂમ ભૂલકા..અને લાલ – ભુખરા..વાદળી..આસમાની..કંઈક અલગ જ જાતના ,,ભાત ભાતના કોમ્બીનેશન વાળું આકાશ..આ બધુંય મળીને રચાતું સુંદર મજાનું વાતાવરણ ઇતિને તરબતર કરી ગયું. આખા દિવસનો થાક ઉતરી ગયો..આ બધામાં ખોવાઈને એની મકાઈ ક્યાં પતી ગઈ ખ્યાલ જ ના રહ્યો. બાજુમાં ’use me’ લખેલા કાંગારુ-ડસ્ટ્બીનમાં મકાઇનો ડોડો નાંખીને બોટલનું ઢાંકણું ખોલતા ખોલતા એ વિચારતી હતી કે,

’ હવે ઘરે જઈને શું રસોઈ બનાવું કે બહારથી એક ભાજી-પાઊંનું પાર્સલ કરાવી દઊં..?”

પાણી પીને બોટલનું ઢાંકણું બંધ કરી, અને ખભે લટકતા પર્સને સંભાળતી એ બગીચાના એકાદ બે ચકકર લગાવવાના મૂડ સાથે જેવી ફ઼રી ત્યાં એની નજરે સામેથી ગેટમાં પ્રવેશતા અર્થ પર પડી.

અર્થનું ધ્યાન નહોતું. એ તો જોર જોરથી હસતો હતો અને એની બાજુમાં ચાલી રહેલી એક ૨૫એક વર્ષની યુવતીની પીઠે જોરથી ધબ્બો મારતો હતો. ઇતિને દિલમાં એક સબાકો ઉપડ્યો. એકદમ જ એ અર્થથી વિરુધ્ધ દિશામાં મોં ફ઼ેરવી ગઈ ને ધીમેથી એક ખૂણામાં સરકી ગઈ..

ખાલીપો ભાગ- ૧૬

વિમળાબેનને આજે બહુ ઉતાવળ હતી. ફટાફટ કામ આટોપીને એમને બહાર જવું હતું. ડો. વિકાસને મળવા. થોડા સમયમાં એમને એ છોકરા માટે એક નવાઈની માયા બંધાઈ ગઈ હતી. બહુ સરળ અને સાફ દિલનો એ છોકરો એમના દિલમાં ઘર કરી ગયેલો.

જમીને છેલ્લે રસોડાના પ્લેટફોર્મને પોતાનો છેલ્લો લસરકો મારી ફટાફટ સાફ્ કર્યું. પછી બેડરૂમમાં આવેલ ડ્રેસિંગટેબલ પાસે જઈ વાળ સરખા કર્યા. સ્પર્શને કપડાં બદલાવ્યાં,પગમાં મોજા અને બૂટ પહેરાવ્યાં અને ઘરની બહાર નીકળ્યાં.
સૂરજ માથે ચડવાની તૈયારીમાં હતો. પણ આ મે મહિનાની ગરમી તૌબા…

હાથ લાંબો કરીને સામેથી આવતી રીક્ષાને ઊભી રાખી ને એમાં બેસતા વેંત જ યાદ આવ્યું કે,

‘અરે..આ સ્પર્શની ‘કેપ’ લેવાનું તો ભૂલી જ ગઈ ..હવે ઊંમર થઈ છે ને..યાદ નથી રહેતું બહુ..મારા પછી આ છોકરાની સંભાળ કોણ રાખશે? મારો અર્થ તો હજુ પોતે જ છોકરડો છે. પોતાના કપડાં અને ખાવા પીવાનું ધ્યાન તો એ રાખી નથી શકતો. આ નાજુક ફૂલને એ કેમ ઉછેરશે? ‘

મન સાથેના ચિંતાશીલ વાર્તાલાપમાં ‘પ્રભાત મેન્ટલ કેર’ ક્યાં આવી ગયું ખ્યાલ જ ના રહ્યો. નીચે ઉતરી રિક્ષાવાળાને પૈસા ચૂકવી, સ્પર્શને સંભાળતાક ને એ અંદર ગયા.
‘ડો.વિકાસ’ નેઇમપ્લેટ લગાવેલ દરવાજો ખોલતા એમના મને એમને ફરીથી ટપાર્યા..
‘વિમળા..તું જે કરવા જઈ રહી છું એ બરાબર છે? ફરી એક વાર વિચારી લે હજુ. ભાથામાંથી નીકળી ગયેલ તીર પાછું નથી આવતું. પછી આખી જિંદગી અફસોસ ના થાય..”

વિમળાબેન કોઈ અવઢવ અનુભવતા એક ક્ષણ અટકી ગયા. બે-ચાર ખાલી મિનિટો એમ જ વહી ગઈ. અચાનક કોઈ મકકમ નિર્ણય લઈ લીધાના ભાવ એમના મુખ પર કોમળ સ્મિત સાથે ફરકી ગયાં.એ જ મક્ક્મતાથી એમણે દરવાજો નોક કરીને હળ્વેકથી અંદર ધકેલ્યો.

‘કોણ..?”

‘વિકાસ દીકરા..એ તો હું…વિમળા…અંદર આવું કે..?”

વિકાસ એક્દમ ઊભો જ થઇ ગયો. દરવાજા પાસે જઈને વિમળાબેનના હાથમાંથી સ્પર્શને તેડીલીધો અને બનાવટી ગુસ્સો કરતાંકને બોલ્યો..

“શું માસી..તમારે મારી કેબિનમાં આવવા માટે કોઇ પરવાનગી લેવાની જરૂર થોડી હોય. ફરીથી આવું ના કરશો. મને તમારા દીકરા જેવો જ ગણજો હોંકે….”

અને વિમળાબેનનો ઘાવ અનાયાસે જ છેડાઇ ગયો…અર્થ અને વિકાસની તુલના…એ કયા મોઢે કરે? વળી એમનો દીકરો એ તુલનામાં સાવ વામણો ઠરતો હતો..એની એ હાર એના સંસ્કારોની હાર કહેવાય..એ ક્યા મોઢે કબૂલે. બે જ પળમાં જીન્દગીના ૫૫ વર્ષ પૂરા કરી ચૂકેલ અનુભવી મહિલાએ પોતાના એ ભાવ ઉપર સ્મિતનું મુખોટું પહેરી લીધું ને ધીમે પગલે વિકાસના ટેબલની સામેની બાજુની ખુરશી પર જઈને બેઠી.
વિકાસ સ્પર્શ સાથે  ટેબલની બીજી બાજુ ખુરશીમાં ગોઠવાયો. બેલ મારીને પટ્ટાવાળાને બોલાવી પાણી અને  બે ઓરેંજ જ્યુસનો મંગાવ્યા. પછી વિમળાબેન સામે જોતા બોલ્યો…

‘બોલો માસી..આજે અચાનક કેમ આવવાનું થયું..કોઈ ખાસ કારણ? ઇતિના ગયા પછી કદાચ તમે પહેલી વાર અહીં આવ્યા છો કેમ..?’

‘હા દીકરા..પહેલી વાર…એક ખાસ કામ માટે આવવું  જ પડે એમ હતું.’

‘બોલો ને માસી.કોઇ જ સંકોચ ના રાખશો …પ્લીઝ.’

પ્યુન આવીને બે નાજુક પતલા લાબા કાચના ગ્લાસમાં ઓરેંજ જ્યુસ અને પાણીની બોટલ અને સાથે બે ખાલી ગ્લાસવાળી એક ટ્રે ટેબલ પર ગોઠવી ગયો.

વિકાસે પાણીનો ગ્લાસ વિમળાબેનને ધર્યો..એ પીતા પીતા વિમળાબેન વાત કયાંથી શરુ કરવી એ વિચારતા રહ્યાં.

‘જો દીકરા..એક બહુ જ મહત્વની વાત કહેવા આવી છું. તું તો જાણે છે ને કે હું ઇતિને મારી દીકરી જેમ  જ માનું છું.’

‘હાસ્તો..પણ કેમ એક્દમ આમ..!! મારાથી કોઇ ભૂલ થઈ ગઈ છે ..?’

‘અરે ના…એમ નહી..પણ..પણ..મારે એમ કહેવું હતું કે..આઈ મીન..હું એમ માનું ્છું કે…વિમળાબેને લારા ચાવવા માંડયા

વિકાસ ઊભો થયો. વિમળાબેનના ખભે હાથ મૂકીને સાંત્વનાપૂર્ણ સ્વરે બોલ્યો..

‘માસી જે પણ કહેવું હોય નિઃસંકોચ કહો. મને તમારી કોઇ જ વાતનું દુઃખ કે ખોટું નહી લાગે.વિશ્વાસ રાખો.’

અને વિમળાબેનની આંખો છલકાઇ ગઈ..આવી રીતે તો એમના અર્થે પણ એમને કોઈ દિવસ કહ્યું નહોતું. વિકાસ નિઃસંકોચ એના કરતાં બેં વેંત ઊંચેરો માનવી જ હતો..એની સાથે ઇતિ જરૂરથી ખુશ રહેશે. ગળું ખોંખારીને આખરે દિલની વાત મોઢા સુધી લઈ જ આવ્યાં.

‘દીકરા..છેલ્લાં કેટલાય સમયથી હું તને અને ઇતિને જોતી આવી છું અને આ અનુભવી આંખો જો ભૂલ ના કરતી હોય તો તમે બંને એક બીજાને પસંદ કરો છો. મને એમ લાગે છે કે તમે બંને પરણી જાઓ..ચોકકસ તમે એકબીજાને ખુશ રાખી શકશો.’

એકીશ્વાસે આટલું બોલીને વિમળાબેને સામે ટેબલ પર પડેલ ઓરેંજ જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને એક ઘૂંટ્ડો ભર્યો.

વિકાસ એમની આ વાત સાંભળીને ભોંચક્કો થઈ ગયો.

‘માસી..આવું તમે…આઈ મીન…આવું કંઈ..’

વિમળાબેન વિકાસની નજીક ગયા..એના વાળમાં માર્દવતાથી હાથ ફેરવ્યો અને બોલ્યાં..

.દીકરા …તો હું એમ માનું કે મારી અનુભવી આંખોએ મને દગો દીધો છે..!!?’

‘ના ના…એવું નહી માસી..’પ્રત્યુત્તરમાં એકદમ જ વિકાસથી બોલાઇ ગયું.

‘તો કેવું…?”

વિકાસનો ગોરો ચિટ્ટો ચહેરો લાલ થઇ ગયો..હવે તો એનાથી પાછા હટાય એમ નહોતું. જે છુપાવી રાખેલું એ તો બોલાઈ ગયું..હવે સ્વીકાર કર્યે જ છૂટકો..સામે પક્ષે વિમળાબેન એની આ મીઠી મૂંઝવણની સહાસ્ય મજા માણી રહ્યાં હતાં.

‘જુઓ માસી…મને તો કોઈ વાંધો નથી..પણ ઇતિના મનની વાત પણ જાણવી પડે ને ‘

‘ઇતિને હું બહુ સારી રીતે જાણું છું..એના દિલની હાલત મને ખબર છે..પણ તું હા પાડ..તૈયાર થા પછી એનો વારો..’

‘ઓકે માસી પછી તો મને શું વાંધો હોય ..આમે મને તો ઇતિ..અને આગળના શબ્દો ગળી જ ગયો..એના મુખ પર ફરકતા મધુરા સ્મિતે એ શબ્દોની જગ્યા ભરી દીધી…’

વિમળાબેન આનંદપૂર્વક વિકાસને ભેટી પડ્યા અને એના માથે એક ચુંબન ચોડતા કહ્યું..

‘ભગવાન તને સો વર્ષનો કરે દીકરા..સદા ખુશ રહે…મારી ઇતિએ બહુ દુઃખ વેઠ્યા છે દીકરા..એને બહુ બધી ખુશીઓ આપજે.’
અને હર્ષાવેશમાં એમની આંખો છલકાઇ ગઈ..
____________________________________________________________

ઇતિને દિલમાં એક સબાકો ઉપડ્યો. એકદમ જ એ અર્થથી વિરુધ્ધ દિશામાં મોં ફ઼ેરવી ગઈ ને ધીમેથી એક ખૂણામાં સરકી ગઈ..

અર્થ અને પેલી છોકરી હસતા હસતા ભીડથી દૂર થોડા અંતરે આવેલ એક ખાલી બાંકડા પર ગોઠવાયા.

ઇતિએ થોડી હિંમત એક્ઠી કરીને એ દિશા તરફ નજર નાંખી. એ લોકો એનાથી થોડા દૂર હતા. પણ એમની વાતો સાંભળવાની લાલચ એનાથી જતી ના કરી શકાઈ.

માથે અને મોઢે દુપટ્ટો બાંધ્યો અને આંખો મોટા ગોગ્લસ ચડાવ્યા. અને અર્થનું ધ્યાન ના પડે પણ એની વાતો પોતે સાંભળી શકે એ રીતે બીજા બાંક્ડે એ ગોઠ્વાઈ..પર્સમાંથી એક મેગેઝિન કાઢીને એની આડશ લઈ એ પેલા બેયની વાત સાંભળવા લાગી.

અર્થે પેલી છોકરીનો હાથ પોતાન હાથમાં લઈ લીધેલો અને બીજો હાથ પાછળથી એના ખભા પર ગોઠવેલો..આમ તો આટ્લું  જ પૂરતું હતું એ બેયની નજદીકી સમજવા માટે.

‘મોના ડાર્લિગ..આજે તો ઓફિસમાં બહુ કામ હતું ..થાકીને ઠુસ્સ…થઈ ગયેલો..પણ તને મળ્યો ને ખબર નહી કેમ..બધો થાક છૂ..’

‘ઓહ..તો છોકરીનું નામ મોના છે એમ ને..’ ઇતિએ મનોમન વાત કરી.

મોના નામધારી છોકરી અર્થના વાળમાં હાથ પૂરોવતા બોલી..

‘તો કાયમ માટે હવે મને ઘરે ક્યારે લઈ જાય છે..રોજ તું ઓફિસેથી આવજે..હું તારો બધો થાક ચપટી વગાડતાંક ને આમ જ મિનિટોમાં ભગાડી દઈશ.’

બસ..આટલું તો ઇતિ માટે પૂરતું હતું..એનાથી વધુ સાંભળવાની એનામાં હવે હામ નહોતી રહી..

ફટાક દેતાંકને ત્યાંથી ઊભી થઈને બગીચાના દરવાજા તરફ જાણે કે દોટ ના મૂકતી હોય એમ ચાલવા માંડી.આજુ-બાજુમાં ચાલતા લોકોને પણ એની એ સ્પીડ પર નવાઈ લાગી..પણ ઇતિને અત્યારે એ કશાનું જ ભાન ક્યાં હતું..!!

ખાલીપો- ભાગ-૧૭

ફટાક દેતાંકને ત્યાંથી ઊભી થઈને બગીચાના દરવાજા તરફ જાણે કે દોટ ના મૂકતી હોય એમ ચાલવા માંડી.આજુ-બાજુમાં ચાલતા લોકોને પણ એની એ સ્પીડ પર નવાઈ લાગી..પણ ઇતિને અત્યારે એ કશાનું જ ભાન ક્યાં હતું..!!બહાર નીકળતા નીકળતા એક વયોવૃધ્ધ કાકા સાથે અથડાઇ ગઈ. કાકાના ચશ્મા અને ઇતિના હાથની પાણીની બોટ્લ બેય એકસાથે નીચે પડયાં અને કાકાના ચશ્મા શ્રી હરિને વ્હાલાં..!!
’આટલી ધમાલમાં ક્યાં ભાગે છે બેટા..?’
’અહ્હ…કંઇ નહી કાકા..થોડી ઇમરજન્સી છે..સોરી…હુ તમારા ચશ્માના પૈસા આપી દઊ છું..’ અને એણે પર્સમાં હાથ નાંખ્યો.
’બેટા…રહેવા દે..ચશ્મા તો નવા આવી જશે..પણ આમ વાવાઝોડાની જેમ ચાલીશ તો જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે..એ ક્યારેય પાછી નહી મળે..્તમનેઆજકાલના જુવાનિયાઓને જીન્દગીનું કોઇ મૂલ  જ નથી ને ..તમારા પેરેન્ટસનો તો કંઈ વિચાર કરો. તમારી સાથે કેટ-કેટલી જિંદગીઓ જોડાયેલ હોય છે!!’
’સારું કાકા…તમારી વાત ધ્યાન રાખીશ..ફ઼રીથી તમારી માફ઼ી માંગુ છું..માફ઼ કરજો.’

અને સડ્સડાટ કાકાના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ ઇતિ ત્યાંથી ભાગી..સીધી ફ઼્લેટમાં જઈ બેડરૂમના પલંગમાં પડતું મૂક્યું.
જેને આત્માની સચ્ચાઇથી ચાહેલો.પ્રેમ કરેલો…એના રૂંવે-રુંવે હજુ પણ એ નામ ..એ સ્પર્શ શ્વસતો હતો…એ અર્થ…આમ ખુલ્લે આમ…એનાથી હજી પોતાના છૂટાછેડાની સચ્ચાઇ સહન નહોતી થતી..સ્વીકારી જ નહોતી શકતી. વિકાસ સાથે હોય ત્યારે એના દિલમાં પણ કૂણી કૂણી લાગણીના અંકુર ફ઼ૂટતા હતા એ વાત સાચી..પણ એનો સ્વીકાર એ ક્યારેય નહોતી કરી શકતી. ઊલ્ટાનું એકલા પડતાં વિકાસ માટેની પોતાની લાગણી માટે દિલના એક
ખુણે અપરાધભાવ અનુભવાતો હતો. દિલમાં અંદરખાને તો હજુ અર્થ જ અર્થ હતો..બાકી બધું એના માટે નિરર્થક …એ જ અર્થ આમ બીજી કોઈ છોકરી સાથે…છી…એનાથી સહન ના થયું. આંખોના છેડા પલળવા માંડ્યા.
અચાનક એ ઊઠી અને ડ્રેસિંગટેબલના કાચમાં પોતાના પ્રતિબિંબને જોવા લાગી..ડાબેથી જમણે …જમણેથી ડાબે…ફ઼રી ફ઼રીને પોતાની જાતને નિહાળી..એ છોકરી..મોનામાં એવું તે શું હતું કે પોતાનામાં નહોતું.પોતે એના કરતાં લાખ દરજ્જે રૂપાળી હતી. એક છોકરાની મા બન્યા પછી તો ઉલ્ટાની એ વધુ ગૌરવશાળી….રૂપાળી અને ભરેલી ભરેલી કાયાવાળી બનેલી. તો પછી કેમ આમ..?
ઇતિના વિચારો પાછા એને હેરાન કરવા માંડ્યા..મનમાં થયું વિકાસને ફ઼ોન કરે..સેલ કાઢ્યો..નંબર લગાડ્યો..પણ ડાબી બાજુનું ગ્રીન બટન દબાવતા જ એના મનમાં એક વિચાર ઝબૂક્યો..’ઇતિ..ક્યાં સુધી તું આમ કોઇના સહારાની આશામાં જ જીવીશ? ક્યાં સુધી તકલીફ઼ોમાંથી બહાર આવવા કોઇ ખભાનો સહારો શોધીશ..આમ તો આખી જીન્દગી તારી ઓશિયાળી જ જશે..આમ ના કર..પોતાની જાતે જ જાતને સહારો આપ..અને પરિસ્થિતિમાંથી બહાર આવ..અને ત્વરાથી એણે  જમણી બાજુનુ લાલ બટન દબાવીદીધું .
મન મક્ક્મ કરી..ડો. સ્નેહ દેસાઈની રિલેક્ષેશનની સીડી ચાલુ કરી પદ્માસન લગાવી અને લાંબા લાંબા શ્વાસ લઈને ડીપ બ્રીધિંગ ક્રરવા લાગી…૨-૫-૭ મીનીટ અને ઇતિને હવે સારું લાગવા માંડ્યું હતું.
થોડીવાર આમ જ ’સેલ્ફ કાઉન્સેલિંગ’ની ટ્રીટ્મેન્ટ પછી એ વજનદાર ક્ષણો થોડી હળવી બની. ઉઠીને બાથરૂમમાં જઈ હર્બલ ફેસવોસની ટ્યુબ ખોલી એનું લીલું લીલું લિકવીડ હથેળી પર લીધું.એને હથેળીમાં રગડતા રગડતા જાણે અર્થના બધા વિચારો પણ રગડી ના કાઢવા હોય એમ જોર જોરથી બે હથેળીને ઘર્ષણ આપ્યું…સફેદ સફેદ ફીણ જોઈને એનું મન પ્રફુલ્લિત થઈ ગયું…મોઢા પર લગાવી અને પાણીની છાલકો મારી..
‘હાશ ફ્રેશ …હવે એક કપ કોફી પી લેવા દે..’નેપ્કીનથી મોઢું લૂછતા લૂછતા વિચાર્યું.
એક મોટો મગ કોફી અને સેન્ડવીચ બ્રેડની ચારેક સ્લાઈસ…ઇતિનું ડીનર પતી ગયું.
‘હવે વિકાસ પાસે જવામાં વાંધો નથી. એના સહારા માટે નથી જવું. બસ એને મળવાનું મન થયું તો જવામાં શું ખોટું..?”
જાત જોડે જ વાતો કરવા માંડી એણે..છેલ્લે નિર્ણય કરીને વિકાસને મળવા એના ફ્લેટ તરફ પગ ઊપાડ્યા…

 

વિકાસ પલંગમાં આડો પડીને ‘ઓશો’ની કોઇ બુક વાંચી રહ્યો હતો. માનવીના અંતરમનની વાતો જાણવા..સમજવા…ઊલઝનોના રસ્તા શોધવા આ બધી વાતો અને વિચારો એના પ્રિય વિષયો હતા.
ત્યાં જ ડોરબેલ વાગી..
ટીંગટોંગ..
“અત્યારે..રાતના ૯.૩૦ વાગ્યે વળી કોણ હશે?”
બારણું ખોલ્યું…
“ઓહ ઇતિ તું..અત્યારે…વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ..!! આવ આવ.”
ઇતિ થોડી ચોળાયેલી રેડ ટી-શર્ટ અને નીચે જીન્સની શોર્ટસમાં વિકાસને જોઈ જ રહી..એના થોડા અસ્ત-વ્યસ્ત વાળ..એની મધુર અને ધીરજસભર મુસ્કાન…ઇતિને દિલમાં કંઇક કંઈક થવા માંડ્યું.
‘અરે,,શું થયું..અંદર આવ. કેમ બારણે જ અટકી ગઈ .?”
વિકાસે ઇતિનો હાથ પકડી અને અંદર ખેંચી.
વિકાસનો એ સ્પર્શ ઇતિને વધારે ને વધારે શરમાવી રહ્યો હતો..એક વાર મન થયું પાછી જતી રહે..આમ આટલી રાતે એકલા રહેતા પુરુષને ત્યાં કોઈ સ્ત્રી એકલી જાય એ સારું ના લાગે..કોઈ જોઈ જાય તો શું વિચારે..??
વિકાસ ઉભો ઉભો ઇતિની એ મૂંઝવણની મજા ઊઠાવી રહ્યો હતો. એને બરાબર ખ્યાલ આવતો હતો કે ઇતિના મનોપ્રદેશમાં શું યુઘ્ઘ લડાઇ રહ્યું છે.
ઇતિને સોફા પર બેસાડી ફ્રીજમાંથી પાણીની બોટ્લ લઈ આવ્યો.
‘લે થોડું પાણી પી લે..અને જે કહેવું હોય એ શાંતિથી વિચારીને કહી દે.એટલે મનનો ભાર હળવો થઈ જશે ..ચાલ..”
ઇતિ ચમકી..
‘અરે..મારે ક્યાં કંઇ જ કહેવું છે…હું તો અમસ્તા જ..’
વિકાસ એની નજીક ગોઠવાયો..
ઇતિનો હાથ પોતાના હાથમાં લઇને એને પંપાળતા માર્દવતાથી બોલ્યો,
‘ઇતિ..તેં જ્યાં તારી જાતને પૂરી રાખી છે ત્યાંથી મારી તને સમજવાની હદ ચાલુ થાય છે. તારામાં સડસડાટપણે વહેતી ઇતિને હું બરાબર ઓળખું છું..મારે તને સમજવા તારા શબ્દોની કોઈ જ જરૂર ક્યારેય નથી પડી..”
વિકાસની નજદીકી..એના પ્રેમાળ શબ્દો..
ઇતિના શ્વાસો-શ્વાસ એક્દમ જ વધી ગયા.પોતાના દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા. આંખો બંધ થઈ  ગઈ..
વિકાસ એકીટશે ઇતિને નિહાળી રહ્યો..ગજબની રુપાળી લાગતી હતી એ અત્યારે…વિકાસનો જાત પર કાબૂ ના રહ્યો. ઇતિની થોડી વધુ નજીક સરક્યો અને બે હાથમાં એનો ચહેરો લઈને એના કપાળ ઉપર એક નાનકડું ચુંબન કરી દીધું..ઈતિની બંધ આંખો સામે અર્થ અને મોનાના ચહેરા તરવરવા માંડ્યા..અર્થ માટે એને થોડો ગુસ્સો હતો, કારણ, એણે મન મૂકીને ચાહેલ અર્થને એ નફરત તો એ કદી નહોતી કરી શકવાની..એ જ ગુસ્સો આજે એને વિકાસ તરફ ધકેલતો હતો..આજ સુધી એનામાં અર્થ ક્યાંક ઊંડે ઊંડે સળવળતો હતો..એ સળવળાટ પર વિકાસનો પ્રેમ હાવી થતો જતો હતો..એ ચૂપચાપ એ પળોને ..,વિકાસના સાન્નિધ્યને માણી રહી..આજે એને કોઈ જ અપરાધભાવ  નહ્તો રંજાડતો.

 

ખાલીપો-ભાગઃ ૧૮
વિકાસની અવિરત લાગણી ઇતિના દિલના ખૂણે સળવળતા અર્થને જાણેકે હડસેલતી હતી..
‘તને કોઈ હક નથી આવી કોમળ સ્ત્રીના દિલને દુખાડવાનો..બસ..બહુ થયું.હવે એને શાંતિથી જીવવા દે..”એવા જ કંઈક આદેશો આપતી જતી હતી

ત્યાં જ વિકાસના સેલની રીંગ વાગી…
‘ટ્રીંગ…ટ્રીંગ..’

અને બેય જણ વાસ્તવિકતાની ધરતી પર પાછા ફર્યા.

‘હલો.’

‘ડો. વિકાસ..એક અર્જન્ટ કેસ આવ્યો છે હોસ્પિટલમાં. પ્લીઝ તમે આવી શકશો?’
સામે છેડેથી હોસ્પિટલની નર્સનો અવાજ રણક્યો.
‘હા..બસ …પાંચ મિનિટ..આવ્યો..’
વિકાસ આટલું બોલીને ફટાફટ ઊભો થયો.
બેડરૂમમાં જઈને ફટાફટ કપડાં બદલીને બહાર આવ્યો. ઇતિની સામે જોતા બોલ્યો..’
સોરી..મારે જવું પડશે..ડ્યુટી ફર્સ્ટ..’ એની આંખમાં અમૂલ્ય પળ ખોવાનો રંજ સ્પષ્ટ ડોકાઇ રહ્યો હતો.
ઇતિને એ માસૂમ,ભાવવાહી આંખોમાં જોવું હતું..હજુ ઊંડા ઉતરવું હતું…એના થકી વિકાસના દિલ-દિમાગની આરપાર થઈ જવું હતુ..પણ..લાગણીઓના ઘોડાપૂરને ખાળ્યાં સિવાય એની પાસે કોઈ જ ઓપ્શન ક્યાં હતું.??
હસતા મુખે અને દુખતા દિલ સાથે વિકાસ સાથે આંખો-આંખોથી જ અમુક  વાત કરી લીધી અને પછી ખોખલું હાસ્ય કરતાં બોલી..
‘અરે, હું પણ નીકળું..આ તો અમસ્તું જ આવેલી..એક્લા એકલા કંટાળો આવતો હતો એટલે જ ..તમતમારે નીકળો.પછી મળ્યાં શાંતિથી.’
અને વિકાસના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ સીધી નીકળી ગઈ.

ઘરે જઈને પથારીમાં પડતા વેંત જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.,!! રોજની માફક આજે એને ‘આલ્પ્રેક્ષ’ની ઊંઘની ગોળી લેવાની કોઈ જ જરૂરિયાત ના પડી.

ખાલીપોઃ- ભાગ-૧૯
_____________

ઇતિ માટે બીજા દિવસની સવાર કંઇક વધારે મનોરમ્ય જ હતી. દિલનો કોરોધાકોર ખૂણો પલળીને સંતોષાઈ ગયેલો. બહાર વાતાવરણ પણ એના જેમ જ અનુભવતું હતું. કાલે ભરઊનાળે વરસાદ પડયો હતો. ગરમીના કાળઝાળ તાપથી તરસી જમીન વરસાદના એ છાંટણાથી તૃપ્તિના ઓડકાર લેતી હતી. વાતાવરણ ગુલાબી ગુલાબી થઈ ગયેલું. સવારના છ વાગ્યાનો કૂણો તડકો ઇતિની ગેલેરીમાં, છત પર ટીંગાડેલ બોન્ઝાઇ વડના કુંડાને અથડાતો અથડાતો ઇતિના ડ્રોઈંગરુમ સુધી પહોંચી ગયેલો. ઇતિ સવારે ઊઠીને ખુલ્લા વાળને બટરફ્લાયમાં ક્લીપ કરતી કરતી રોજની આદત મુજબ ગેલેરીમાં જઈને ઉભી રહી.

ગુલાબી ઠંડક અને કોમળ રશ્મિ-કિરણો એને કોઇક અનોખો જ આનંદ આપી ગયા. વાતાવરણની માદકતાએ એનો આખો દિવસ સુધારી દીધો હતો જાણે..આંખો બંધ કરીને એના મોઢા પર દસેક મિનિટ એ સૂર્યદેવનો કોમળ પ્રેમ ઝીલતી રહી. એનું આખું શરીર જાણે કે પ્રેમમય થઈ ગયું. એક પોઝીટીવ ફિલીંગ એના તન અને મનને આનંદના રસકુંડામાં ઝબોળી રહી હતી.
દસેક મિનિટના વિરામ પછી એનો નશો ઓછો થતા કાલની વાતોએ પાછો મગજ પર ભરડો લેવા માંડ્યો..

બ્રશ કરતા કરતા કોફી અને બ્રેડ ટોસ્ટનો નાસ્તો બનાવી કાઢ્યો..સાથે સાથે મગજ્માં પેલું વિચારોનું તુમુલ યુધ્ધ તો ચાલુ જ હતું. અર્થ જો બીજા કોઇની આટલી નજીક જઈ શકતો હોય તો મને કેમ તકલીફ પડે છે? હવે તો અમે છૂટા છેડા પણ લઇ લીધા છે..હું કોઈ પાપ તો નથી જ કરી રહી. તો કેમ આમ અંતરનો અવાજ મને ઢીલી પાડે છે? વિકાસ જેવો નિષ્પાપ મિત્ર જો મારા જીવનમાં પ્રવેશવા માંગતો હોય તો ખોટું શું?

વિચારો ને વિચારો સાથે રુટિન કામ કાજ પતાવ્યું. ફટાફટ તૈયાર થઈ અને હાથે બાંધેલ ગોલ્ડ બેલ્ટવાળી નાજુક ઘડિયાળ પર નજર પડી…

‘ઓહ માય ગોડ..નવને પાંચ..’

આજે ફરીથી બોસનો ઠપકો ખાવો પડશે મનોમન વિચારતા એ ફટાફટ તૈયાર થવા માંડી.

ઇતિને રાતે ઊંઘની ગોળી લઈને સૂવાની  ટેવ પડી ગઈ હતી. એના વગર એ આખી રાતોની રાતો પડખા જ બદલ્યા કરતી. એના પરિણામે ઘણીવાર બીજા દિવસે સવારે  ટાઇમસર નહોતી ઉઠી શકતી.અઠવાડિયામાં બેએક વાર તો ઇતિને ઓફિસે પહોંચવામાં મોડું થઈ જ જતું અને ટાઇમનો પાકો એવા ઇતિના બોસનો પારો સાતમા આસમાને જ પહોંચી જતો..

‘ઇતિ..આ છેલ્લી વાર કહું છું..હવે નહી ચલાવી લઊ..અડધા દિવસની ‘લીવ’ મૂકી દઇશ વગેરે વગેરે…’
આજે પણ એ જ વાતનું પુનરાવર્તન..

‘ફરી તમે મોડા પડ્યા છો ઇતિ..આવી બેજવાબદારી તો કેમ ચલાવી લેવાય..તમે સુધરી જાઓ નહી તો..’

રોજ-રોજની કચકચથી ઇતિ આમે કંટાળી ગયેલી. પણ જાત સાથે સમાધાન કરી કરીને મોડું બંધ રાખી લેતી અને વાત પતી જતી. પણ આજે ઇતિ અકળાઇ ગઈ.

‘નહીં તો શું..?’

‘કંઈ નહી..તમારા જેવા બહુ બધા મળી રહેશે કંપનીને..રખડતા હોય છે ફૂટપાથ પર..’

બોસ પણ કદાચ ઘરે ઝઘડીને આવ્યા હશે,,એનો પારો પણ ઊંચે હતો આજે..બોલવામાં કંટ્રોલ જ નહતો એમનો..આગળ પણ કેટ-કૅટલું બોલી ગયા..પણ ઇતિને ફૂટપાથ શબ્દ સાંભળીને ગુસ્સો આવી ગયેલો આગળના શબ્દો તો કાનથી અંદર પ્રવેશ્યા જ નહી.
ફટાફટ પોતાના ટેબલ પર જઈને ‘રેઝિગ્નેશન લેટર’ કોમ્પ્યુટરમાં ટાઇપ કર્યો  અને બોસના ટેબલ પર મૂકીને બોલી…

‘તમારી સાથે જેટલો સમય કામ કર્યું..મજા આવી..ધન્યવાદ..આ મારું રેઝિગ્નેશન સ્વીકારી લેજો..હું અત્યારથી જ આપની જોબ છોડું છું’

અને સડસડાટ પોતાનું પર્સ લઈને ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.
____________________________________________________________

ઓફિસમાંથી નીકળીને વિકાસ અને વિમળાબેન બેયને નોકરી છોડ્યાના સમાચાર આપ્યાં. હવે આગળ શું નો યક્ષ પ્રશ્ન..
સામે જ આવેલા ‘હેવમોર’ રેસ્ટોરન્ટમાં જઈને એક ચણા-પુરીનો ઓર્ડર આપ્યો અને વિચારવા લાગી.

‘હવે આગળ શું?’

ત્યાં એના ટેબલ પર રસિકલાલ શાહ આવીને ઊભા રહ્યાં. રસિકલાલ શાહ..ઇતિના ક્લાયંટ અને એના કામના બહુ મોટા ચાહક. એમના ઘરના ઇતિએ કરેલ ઇન્ટિરીયર કામના વખાણ કરતા લોકો થાકતા નહોતા. બસ એ પછી કોઈ પણ સંબંધીના ઘરના કામ હોય રસિકલાલ ઇતિ પાસે જ એ કામ કરાવવાનો આગ્રહ રાખતા. આજે પણ એ એક કામ લઇને ઇતિ પાસે  જવા નીકળેલા. પણ ઇતિને હેવમોરમાં જતા જોઈ ચમક્યા. ઇતિની ચાલવાની સ્ટાઇલ પરથી સ્પ્ષ્ટ જણાતું હતું કે એ વિચારોમાં ખોવાયેલી હતી. રસિકલાલ પણ એની પાછળ પા્છ્ળ જ રેસ્ટોરાંમાં પ્રવેશ્યા અને હવે એના ટેબલ સામે ઉભા હતાં.

‘હલો ઇતિ’

‘ઓહ હાય રસિકભાઈ..કેમ છો? તમે અત્યારે અહીં..?”

‘હા..તમને મળવા ઓફિસમાં જતો હતો પણ તમને અહીં આવતા જોઈ તમારી પાછળ પાછળ અહીં આવ્યો. એક સંબંધીનું કામ છે. બહુ મોટું કામ છે..કરશો ને?.’
‘સોરી રસિકભાઈ..મેં એ જોબ છોડી દીધી છે.”
‘ઓહ..’બે મિનિટ તો રસિકભાઈ અટકી ગયા.પછી મોંઢા પર હાસ્ય ફરકાવતા બોલ્યા,’તમે તમારી પોતાની ઓફિસ ખોલી લો ને ઇતિ. તમે તમારા કામમાં નિપુણ છો, મહેનતુ છો, પ્રામાણિક છો…મારા ખ્યાલથી તમને તકલીફ નહી પડે. હા…ફાઇનાન્સની તકલીફ્ હોય તો બોલો.હું તૈયાર છું ..કેટલા રુપિયાની જરૂર પડશે? ચેક લખી દઊ છું હમણાં જ.”
અને ઇતિ જોતી જ રહી ગઈ..
“વાહ ..આ દુનિયા હજુ આવા નિઃસ્વાર્થ અને પરગજુ માણસોથી ભરેલી છે…! “

થોડી વાટાઘાટો પછી બધું નકકી થઇ ગયું અને ઇતિએ એકાદ મહિનામાં પોતાની ઓફિસ ખોલી લીધી. જુના જુના કેટલાય કલાયંટ્સ એની પાસે જ આવતા અને એના કામ અને મહેનતથી નવા નવા કલાયંટ્સ બનતા જતા હતાં.

ત્રણ વર્ષ તો ઇતિ બધું ભૂલીને કામ કામ અને કામમાં જ ડૂબેલી રહી..પરિણામે આજે એ સફળતાની ટોચ પર ઊભેલી. વિકાસ અને વિમળાબેન ચૂપચાપ રીતે હંમેશા એની પડખે જ ઊભા રહેલાં.

વિકાસ પૂરી ધીરજ સાથે ઇતિની રાહ જોઇને હજુ પણ લાગણીના રસ્તે એ જ જગ્યાએ અડીખમ ઊભેલો..એક દિવસ ઇતિ ચોક્કસ એની પાસે આ જ રસ્તે આવશે..એને પાકી ખાત્રી હતી.
કારણ..સફળતાની ટોચ પર બેઠેલી ઇતિનો દિલનો એક ખૂણો સાવ ખાલી હતો…નકરો ખાલીપો જ  વસવાટ કરતો હતો અને વિકાસથી વધારે તો એ ખૂણાની કોને ખબર હોય?

આજે સૌમ્ય પટેલ અને સોનિયા પટેલના મતભેદવાળા વિચારોથી ઇતિની નજર સમક્ષ એનો પોતાનો  ભૂતકાળ ફરી તરવરી ઊઠેલો…જૂનો ઘા ફરી રીસવા માંડેલો..

મિત્રો…આ વાર્તા અહીં સુધી ‘ફ્લેશબેક’ હતી. આના માટે ‘ખાલીપો-ભાગ- ૪’ જોઇ લેજો…
https://akshitarak.wordpress.com/2010/06/27/khalipo-4/
આ એની લિંક છે..હવે આગળની વાર્તા વર્તમાનમાં જ લખીશ. પહેલ વહેલી વાર આટલું લાંબુ લખ્યું છે તો કદાચ વાર્તાની માવજતમાં કચાશ જેવું લાગ્યું હોય તો પ્લીઝ ધ્યાન દોરજો.

ખાલીપોઃ ભાગ- ૨૦

આજે સૌમ્ય પટેલ અને સોનિયા પટેલના મતભેદવાળા વિચારોથી ઇતિની નજર સમક્ષ એનો પોતાનો ભૂતકાળ ફરી તરવરી ઊઠેલો…જૂનો ઘા ફરી રીસવા માંડેલો. જીન્દગીની કિતાબના થોડા ઉથવાલેલા પાનાનો થાકોડો ઇતિને પાયાથી હચમચાવી ગયો. માનસિક થાક્થી થાકેલી ઇતિએ પાસે પડેલ કોફીનો મગ ઊપાડ્યો. ઇતિના હોઠ સુધી પહોંચવાની રાહ જોઈ જોઈને એ હવે સાવ જ ઠરીને ઠીકરૂં થઈ ગયેલો. સૂકા થઇ ગયેલા કંઠને થોડો ભીનો કરવાની ગરજે જ ઇતિએ એ ઠંડી કોફીનો છેલ્લો બચેલો ઘુંટડો ભર્યો અને હળવેકથી બધા ય વિચારોને ખંખેરી નાંખવાની ઇરછા સાથે  ડોકને એક ઝાટકો આપ્યો. સામે સૂર્ય ડૂબવાની તૈયારીમાં હતો. આખુંય આકાશ લાલ રંગની ઓઢણી પહેરીને સજી-ધજીને ભૂખરા વાદળો સાથે મસ્તી કરી રહ્યું હતું. આ ઇતિનો  મનગમતો સમય હતો..આ ૫-૧૦ મિનિટનો ગાળૉ એ મનભરીને માણી લેતી. હતાશા..વિચારો..બધુંય બાજુમાં હડસેલીને આ જીવનને ભરપૂર માણી લેતી. આજે ખરા સમયે ફરીથી આ કુદરતે ઇતિને સહાય કરી. ધીમે ધીમે ડૂબતો સૂરજ ઇતિને તરબતોળ કરી ગયો. વાતાવરણના નશામાં રંગાઇને હળ્વેથી ઊભી થઈ અને ચેઇન્જ કરીને પીન્ક સિલ્ક્ની ટુ-પીસવાળી નાઈટી ચડાવીને પથારીમાં આડી પડી-પડી નિંદ્રાદેવીને મનાવવા લાગી.

‘આ ભી જા…આ ભી જા..એ સુબહ આ ભી જા…રાત કો કર વિદા…’ની રિંગટોનથી ઇતિ ઝબકીને જાગી ગઈ. સામે વોલ-ક્લોક પર જોયું તો સવારના ૬-૦૦ વાગેલાં. ફોન હાથમાં લેતા સ્ક્રીન પર વિકાસનું નામ વાંચતા જ એના કોમળ ગુલાબી હોઠ પર એક નાજુક હાસ્ય ફરકી ગયું.

‘ગુડ મોર્નિંગ…’

‘વેરી ગુડ મોર્નિંગ ઇતિ..’ શક્ય એટલો અવાજને  કોમળ બનાવવાના પ્રયાસમાં થોડો ઘીમો થઈ ગયેલા વિકાસના અવાજમાંથી નીતરતો ભરપૂર સ્નેહ ઇતિ અનુભવી શકતી હતી.

‘શું કરે છે? મૂડ હોય તો ચાલ..યુનિવસિટી પાસે ચા-નાસ્તો કરવા જઈએ..હું હમણાં વોક લેવા ગયેલો, ત્યારે વાતાવરણ ખૂબ જ આહલાદક હતું ..એ જોઇને તારી યાદ આવી ગઇ..’

‘ઓકે..૧૫ એક મિનિટ આપ મને..હું ફ્રેશ થઈ જઊં છું.’

‘ઓ.કે..તો હું તારા ઘરે પહોંચું છું ‘

ફટાફટ ફ્રેશ થઇ જીન્સ અને કોટન કુર્તો ચડાવી, પાણીદાર આંખોને લાઇનરનો એક ઘસરકો માર્યો અને સુંવાળા કાળા વાળમાં બ્રશ ફેરવતી ફેરવતી ઘરની ચાવી હાથમાં લઇને ઇતિ તૈયાર થઈ, ત્યાં સુધીમાં તો વિકાસ એના ડોરબેલની ઘંટડી વગાડી ચૂકેલો..

વ્હાઈટ ટી-શર્ટ અને નેવી બ્લ્યુ જીન્સમાં સજ્જ વિકાસ જબરો હેન્ડસમ લાગતો હતો. ઇતિનું દિલ એક પળ તો ધબકારો ચૂકી ગયું. પણ દર વખતની માફક જાતને સંભાળી લીધી.

ઇતિને સમજાતું નહોતું કે એના દિલમાં વિકાસ માટે જે લાગણી ઊદભવે છે એને ‘પ્રેમ’ કહી શકાય કે? અને જો હા..તો એના અજાણતાંક ને પણ થયેલા સ્પર્શ એને અર્થની યાદ કેમ આપાવી જાય છે? જબરી ગડમથલમાં ફસાયેલી હતી એ અર્થ ને વિકાસની વચ્ચે..

મનમાં તો એને પણ ખબર હતી કે વિકાસ ભલેને કંઈ જ બોલતો નથી. પણ એ પોતાને અનહદ પ્રેમ કરે છે અને પોતે એને કેરિયરના ચકકરમાં છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી નજર-અંદાજ કરતી આવી છે. એમ છતાં એ ધીરજ ધરીને શાંતિથી  પોતાની રાહ જોઈ રહ્યો છે. ઇતિને પોતાની જાત પર થોડો ગુસ્સો અને વિકાસ માટે માનની લાગણી ઊત્પન્ન થઈ રહી હતી. એકાંતમાં સતત પોતાની જાત સાથે વાતો કરતી કે,

‘વિકાસ માટે પ્રેમ હોય તો એમાં ખોટું શું છે? અર્થ દિલના ખૂણામાંથી નીકળતો કેમ નથી? પોતાને વિકાસ અને અર્થ બેય માટે પ્રેમની લાગણી કેમ અનુભવાય છે? શું એક વ્યક્તિ બે જણને સાચો પ્રેમ કરી શકે? ‘

એને આવા સમયે સાચો રાહ બતાવનાર, જમાનાના અનુભવો પોતાના સફેદવાળમાં પૂરોવીને જીવતા વિમળાબા…પોતાની સાસુની બહુ યાદ આવી ગઈ. એવામાં વિકાસે એને ખભેથી પકડીને હલબલાવી..

‘હલો..ક્યાં છો મેડમ? અહીં હું એકલો એકલો બોલ્યા કરું છું ને તમે તો ક્યાંય બીજી દુનિયામાં..?’

અચાનક જ ઇતિ બોલી..

‘વિકાસ..ચાલ ને વિમળા બા અને સ્પર્શને મળી આવીએ..કાલે એમનો ફોન હતો..અર્થ બહારગામ છે. વળી સ્પર્શને જોયે પણ ખાસો સમય થઈ ગયો છે..તો..પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઈન્ડ..”

વિકાસ બે ઘડી ઇતિને જોઈ જ રહ્યો…એ ઇતિને બહુ સારી રીતે સમજતો હતો. એટલે એને ઇતિના આવા બદ્લાતા મૂડથી સહેજ પણ નવાઈ નહોતી લાગી. એક પણ અક્ષર બોલ્યા વગર હલ્કું સ્મિત કરીને એણે તરત જ ‘યુ ટર્ન’ મારી ગાડી વિમળાબાના ઘર તરફ  દોડાવી.  ઇતિ આભારવશ આંખોથી વિકાસના એકપણ અક્ષ્રર બોલાયા વગરના સમજદારી ભર્યા વર્તનને સલામી આપી રહયા વગર કશું જ ના કરી શકી..

 

‘ટીંગ ટોંગ’…’

“આ આટલી સવારમાં કોણ આવ્યું હશે વળી?” થોડા ધોળા ને થોડા કાળા પણ કમર સુધી પહોચતા વાળનો બેફિકરાઇથી લૂઝ અંબોડો વાળતા વાળતા વિમળાબા એ એક ચિંતાતુર નજર સ્પર્શના પલંગ તરફ નાંખી દીધી..આ બેલના અવાજથી રખેને એ વહેલો જાગી ના જાય..થોડી ચીડ ચડી ગઈ બેલ મારનાર પર એમને..

‘બોલો..કોનું કામ છે’

કહેતાંકને બારણું ખોલ્યું. પણ સામે ઇતિને જોઈને એમનો મૂરઝાયેલો ચહેરો ખીલી ઊઠ્યો.

‘આવ આવ દીકરા.તું અત્યારે…?’

ત્યાં તો નજર પાછળ ઉભેલા વિકાસ પર અથડાઇ અને અકારણ જ હસી પડયાં..

‘ઓહ્હ…આજે તો સૂરજ પશ્ચિમમાંથી ઊગ્યો છે ને કંઈ’

વિકાસ અને ઇતિ બેય એક્સાથે હસતા હસતા ઘરમાં પ્રવેશ્યા. ઇતિની વ્યાકુળ નજરને વાંચતા વાંચતા વિમળાબા તરત જ અંદર જઈને સ્પર્શને ઢંઢોળીને ઉઠાડી લાવ્યાં.

‘આમે એનો ઉઠ્વાનો સમય તો થએલો જ છે..’

ઇતિ આજુ-બાજુનું બધું ય ભાન ભૂલીને પોતાના લડકવાયાને જોઇ રહી.આગળ વધીન વિમળાબેનના હાથમાંથી એને તેડી લીધો અને જોરથી એને ભેટી પડી..

‘ઉમ..ઉમ..ઉઉઉ’

બોબડો સ્પર્શ રડતો ત્યારે એના મોઢામાંથી થોડો વિચિત્ર અવાજ નીકળતો..અને એ રૂદન ઇતિને પોતાનો અપરાધ યાદ કરાવી જતું.   મા-દીકરાનો મેળાપ જોઈને વિકાસ અને વિમળાબાની આંખોમાં આંસુ આવી ગયા .

‘ચાલો ચાલો..હું ગરમા ગરમ આદુ-ફુદીના અને મસાલાવાળી કડક ચા અને બટાકા-પૌંઆ બનાવી દઊ. તમે બેસો દીકરા..’

કરતાંકને વિમળાબા આંખ પર સાડીનો ખૂણો દાબતાંકને રસોડા તરફ વળ્યાં. મનમાં ને મનમાં પોતાના એક ના એક દીકરા પર થોડો ગુસ્સો પણ આવી ગયો.

“શું મળશે આમ મા-દીકરાને અળગા રાખીને? આ એક એવી હાય ભેગી કરી રહ્યો છે કે એના પરિણામો ભોગવતા ભોગવતાં નવ ના તેર થઇ જશે…”

 

 

 

 

 

 

 

ખાલીપો ભાગ-૨૧

 

વિમળાબાના ગરમા ગરમ બટાકા-પૌંઆ અને ચાને ન્યાય આપ્યો. ત્યાં ‘રિસ્ટવોચ’ પર નજર પડતાં જ વિકાસ ચમક્યો..

‘અરે બાપરે…સાડા દસ…ઇતિ..તું તારે બેસ..હું ભાગું છું…આજે તો મારે દસ વાગે જ હોસ્પિટલ પહોંચવાનું હતું. બાય”

કહેતાંક ને કોઇના પણ જવાબની રાહ જોયા વગર જ એ ભાગ્યો.ઇતિ અને વિમળાબા બેય સમજી ગયા કે વિકાસ એ બેયને થોડો સમય એકાંત આપવા માટે જ આવા નાટકો કરતો હતો.. મીઠડા વિકાસ માટે બેયના મનમાં વ્હાલનો ભાવ ઉભરાઇ આવ્યો.

‘કેટલો સરસ છોકરો છે આ વિકાસ, નહી ઇતિ…પરાણે વ્હાલો લાગે એવો જ તો..શું કહે છે તું.?”

ઇતિ એક ક્ષણ ખચકાઈ ગઇ. થોડી શરમના ભાવ ઊપસી આવ્યા એના ચહેરા પર. રતુંબડા ચહેરામાંથી ફકત એક જ અક્ષર નીકળી શક્યો ’હા’.

વિમળાબા ધ્યાનથી એને જોઈ રહ્યાં. બહુ વખતથી મનમાં ઘુમરાતી વાત આખરે આજે એમણે જુબાન પર લાવી જ દીધી.

‘ઇતિ દીકરા..તું અને વિકાસ આટલા સરસ મિત્રો છો..આટ-આટલું એક બીજાને સમજો છો તો..લગ્ન કેમ નથી કરી લેતા તમે બેય જણ..?”
ઇતિને જે વાતનો ડર હતો એ જ સામે આવીને ઉભી રહી ગઇ.. દિલ એકદમ જ જોર- જોરથી ધડકવા લાગ્યું.

‘ના મમ્મી….તમે વિચારો છો એવું કશું જ નથી…’આઈ મીન’ અમે હજુ એવું કશું જ વિચાર્યુ નથી…’ એની જીભે લારા ચાવવા માંડ્યા.

‘તો હવે વિચાર દીકરા..હવે તો તું માનસિક રીતે પણ એક્દમ સ્વસ્થ છે. વળી અર્થ સાથે તો તે છૂટા-છેડા પણ લઈ લીધા છે. તો ખોટું શુ છે ? આમે અર્થની સાથે તો રોજ કો’ક ને કો’ક નવી નવી છોકરીઓ દોસ્ત તરીકે જોવા મળે જ છે. જ્યારે એ તને ભૂલીને એની જીન્દગીમાં સેટ થઈ રહ્યો છે, તો તું કેમ આમ પાછી પાની કરે છે દીકરા. શું અર્થ હજુ પણ તારા નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમને લાયક છે?’

ઇતિ ફાટી આંખે વિમળાબા સામે તાકી રહી…આ એક મા બોલે છે..પોતાના સગા દીકરા માટે…??

‘જો બેટા, એક વાત ગાંઠે બાંધી રાખ, કોઈ પણ સંબંધ હોય પણ જો એનું ભાવિ સ્પષ્ટ ના હોય તો, એને ત્યાં છોડીને આગળ વધવામાં જ સમજદારી છે. નહીંતો તમે ત્યાં વમળોમાં ફસાઇને આખી જીંદગી ગોળ-ગોળ ફર્યા કરશો અને કોઇ જ પરિણામ પર નહી આવી શકો. આ ‘દુધ અને દહીં બેયમાં પગ’ જેવી હાલતમાં ના જીવ…રસ્તો તારી સામે જ છે…મંઝિલ પણ સાફ દેખાય છે..બસ…તારો પગ ઉપડે એટલી જ વાર..થોડી હિંમત ભેગી કર અને દિલને થોડો પોરો ખાવા દઇ દિમાગને સતેજ કર..’

દીકરાની વિરુધ્ધમાં એકીશ્વાસે આટલું બોલી તો કાઢ્યું પણ છેલ્લે વિમળાબાની આંખો ભરાઈ આવી. એક – બે પળમાં જ એ ભાવ કુશળતાથી છુપાવી દીધાં અને ઇતિના વાળમાં હાથ ફેરવતા બોલ્યાં,

‘મારે એક પણ દીકરી નથી ને..આ વખતે તારું કન્યાદાન હું કરીશ..મને એ લ્હાવો આપીશ ને બેટા..???”

ઇતિ તો હજુ પણ બઘવાયેલી હાલતમાં જ ઊભી હતી.. એના મોંઢામાંથી એક પણ શબ્દ બહાર જ નહો્તો નીકળી શકતો. પોતાના મનની ગડમથલ કેટલી સરળતાથી વિમળાબા સમજી ગયા..!! ખુદ ઇતિ પણ પોતાના હિતની વાત સમજતી હતી,  બસ એના સ્ત્રીમાનસથી એ વાત સ્વીકારાતી નહોતી. બહુ અઘરો હતો એ સ્વીકાર એના માટે. બધી ગુંગળામણ આંખોમાંથી ધોધમાર વરસાદ રૂપે વરસી પડી અને એક બાળકીની જેમ જ એ વિમળાબાને વળગી પડી…
____________________________________________________________

’લાલ ચટ્ટ્ક ઘુઘરિયાળું જરદોસીવર્ક વાળું લેટેસ્ટ ડિઝાઈનવાળું પાનેતર, હાથીદાંતનો ચૂડલો, સોનીને ત્યાંથી દાગીના લાવવાના,ચાંદલા,બંગડીઓ, કોસ્મેટીકસ..હ્મ્મ્મ….કેટરીંગવાળાનું કામ તો વિકાસને સોંપેલું છે..પણ એ ભુલક્ક્ડરામને ફ઼રીથી યાદ કરાવવું પડશે મારે’

વિમળાબેન એક હાથમાં કાગળ અને એક હાથમાં પેન પકડીને પતી ગયેલા કામની યાદી પર ખરાનું નિશાન કરતા જતા હતાં. ત્યાં એક્દમ જ યાદ આવ્યું,

“અરે..હજુ તો હોલવાળાને ફ઼ોન કરીને છેલ્લું કન્ફ઼ર્મેશન લેવાનું બાકી છે…કેટલા કામ બાકી છે મારે તો..”

એ ફ઼ોન ઉપાડવા જ જતા હતાં ને ત્યાં જ કંકોત્રીવાળાનો ફ઼ોન આવ્યો..

’માસી, આમંત્રક તરીકે કોનું નામ લખવાનું છે એ ડિટેઇલ્સ લેવાની તો બાકી રહી છે હજુ…’

“લખો..’વિમળાબેન પટેલ’..તમને એમની દીકરી ઇતિ પટેલના ડો. વિકાસ સાથેના લગ્ન પ્રસંગ નિમિતે ભાવભીનું આમંત્રણ આપે છે. તો  પ્રસંગની શોભામાં અભિવ્રુધ્ધિ કરીને નવદંપતિને આશીર્વાદ આપવા આપ સૌ જરુરથી પધારશો..”

આટલું બોલતા બોલતા તો એમનું મોં અનેરા તેજથી ઝગમગી ઉઠ્યું.
___________________________________________________________

આજે ઇતિ-વિકાસના લગ્ન હતાં. વિમળાબેને કંકોત્રી ઘરના ડાઇનિંગ ટેબલ પર અર્થને દેખાય એમ જ મૂકી રાખેલી.આમે કેટ્લાય સમયથી એમની દોડા-દોડી જોઈને અર્થને કોઇક શંકા તો હતી જ. પણ કશું પૂછ્યું નહોતું. આજે ચાનો કપ લેતા લેતા જ એની નજર સુંદર મજાની ડોળી દોરેલ આછા પીન્ક કલરના હેન્ડમેડ પેપરવાળી કંકોત્રી પર પડી. ઉત્સુકતાવશ જ એણે એ ખોલી અને નામ પર નજર પડતાં જ દિલને એક ધક્કો લાગ્યો..

’ઇતિ અને વિકાસ….!!’

ઘણા સમયથી આમ તો એ બેય વિશે વાતો સાંભળતો હતો. પણ ઇતિ એને ભૂલીને આમ એક નવી મંજ઼િલ તરફ઼ પ્રયાણ કરશે એ તો એના માન્યામાં જ નહોતું આવતું. ચાનો કપ પાછો ટેબલ પર મૂકીને ફ઼ટાફ઼ટ તૈયાર થઈને એક પણ અક્ષર બોલ્યા વગર એ ઓફ઼િસે જવા નીકળી ગયો. વિમળાબા સાથે વાત કરવાનો તો મતલબ જ નહતો..એણે નીચે આમંત્રક તરીકે એમનું નામ વાંચી લીધેલું. અને આમ ઇતિ અને વિકાસના ઘડિયા લગ્ન લેવાઈ ગયા..
____________________________________________________________

સુખનો સમય બહુ જલ્દીથી પસાર થઈ જાય છે..એવું જ ઇતિ અને વિકાસની સાથે થયું.લગ્નના ૫-૬ મહિના તો ચપટી વગાડતાંક ને પસાર થઈ ગયા.ઇતિને ડો. વિકાસ અને મિત્ર વિકાસ પછી હવે એક નવા વિકાસનો પરિચય થઇ રહ્યો હતો…એના પતિ વિકાસનો…જે સૌથી સારો અને સમજુ હતો. એના નસીબમાં ખુશીઓની આટલી મોટી રેખા પણ ખેંચાયેલી હતી એની એને નવાઈ લાગતી હતી. નાહક જ પોતે અર્થ અને વિકાસની વચ્ચે ઝોલા ખાયા કરતી હતી. વિકાસે એના જીવનનો ખાલીપો પોતાના સ્નેહથી ભરપૂર કરી દીધેલો. દુઃખની નાનકડી વાદળી પણ ત્યાં ના ફરકી શકે એવી જડબેસલાક પ્રેમની દિવાલ ઇતિની અને પોતાના સુખી સંસારની ચોતરફ રચી દીધેલી. ખુશીઓની રેલમછેલ હતી એમના ઘર-સંસારમાં…
____________________________________________________________

અર્થ અને મોનાની વચ્ચે ઝઘડો થયેલો આજે. એમાં કોઈ નવાઈ નહોતી. એકની એક જ વાત. મોનાને અર્થ સાથે લગ્ન કરીને સંસાર માંડવો હતો. એક અસલામતીનું ચક્ર એનો સતત પીછો કરતું હતું. જ્યારે અર્થને એવી કોઈ જ ઇચ્છા નહોતી. એ તો આટલા વકહતથી ચાલતા આવેલા ‘લીવ-ઇન-રીલેશનશીપ’ના સંબંધમાં સરસ ગોઠવાઈ ગયેલો. લગ્ન કરીને કોણ ફરીથી એ ઝંઝાળમાં પડે? મન થતું હોવા છતાં એ ઇતિના લગ્નમાં ના ગયો. એની અંદરનો પુરુષ જડબેસલાક રીતે એને રોકતો હતો..સતત એક હારેલો-થાકેલો અર્થ જ એની હાંસી ઊડાવતો સંભળાતો હતો. દિલ હજુ પણ માની નહોતુ શક્તું કે ઇતિ….એને દિલ ખોલીને પ્રેમ કરનારી ઇતિ આમ સરળતાથી બીજાનું ઘર માંડી જ કેમ શકે? પોતે જ એને છૂટા-છેડા લેવા માટે મજબૂર કરેલી પણ એ તો એનો અધિકાર હતો હજુ પણ એ એમ જ માનતો હતો ..કોઇ ક્યાં સુધી આમ પાગલ સ્ત્રી સાથે જીન્દગી કાઢી શકે? પણ જો ઇતિ સ્વસ્થ થઇ રહી હતી તો મારી સામે ફરીથી કેમ ના જોયું..? ફરીથી હાથ કેમ ના લંબાવ્યો? એણે લંબાવ્યો હોત તો એનો કોમળ હાથ હું ચોક્ક્સ થામી લેત. પણ સાવ આમ છેલ્લી કક્ષાનો નિર્ણય લેતા પહેલાં મારા માટે એક વાર વિચાર્યું પણ નહીં..?

પ્રેમ….પછી દયા અને હવે એ સતત નફરતની લાગણી જ અનુભવતો હતો ઇતિ માટે..અને એટલે જ કદાચ એ આખી નારીજાતિને નફરત કરવા માંડેલો..મોના સાથે એ આમ ‘લીવ-ઇન-રીલેશનશીપ’ દ્વારા અંદરના પૌરુષને સંતોષતો હતો. બાકી મોના માટે એને ક્દી સાચી લાગણી ઉતપન્ન થઈ જ નહોતી. આજે એ મોના એની સાથે લગ્ન કરવાની જીદ્દ લઇને બેઠેલી. મનો-મન હસતાં એણે સિગારેટ કેસમાંથી સિગારેટ કાઢીને સળગાવી અને બેફિકરાઇથી ફુંકવા માંડ્યો…દેખાવ તો બેફિકરાઇનો હતો, પણ એનું મન જ જાણતું હતું કે આમ ને આમ એ પોતાની જાતને ફૂંકી રહ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ખાલીપો – ભાગ – ૨૨

ઇતિ વિકાસના કાનમાં કંઈક ગણગણી રહી હતી..

‘શું…શું કહે છે ઇતિ તું..આ સાચું છે..કે મજાક…પ્લીઝ આવી મજાક ના કર..’

‘ના ડોકટરસાહેબ..આ એક્દમ સાચું છે..તમે ‘ડેડી’ બનવાના છો…”

અને વિકાસ આનંદના અતિરેકમા ઇતિને  ઊંચકીને ગોળ ગોળ ફરવા માંડ્યો…

ઇતિ અને વિકાસના મધુરા હાસ્યથી એમના ઘરની દિવાલોમાં પણ જીવ આવી ગયો અને દિવાલને અથડાઇને એ હાસ્યના પડઘા ઘરમાં રેલાઇ રહ્યાં.
____________________________________________________________

વિમળાબેનને આજે સવારથી જ મન બેચેન લાગતું હતું..કશાય કામમાં મન નહોતું ચોંટતું. માથામાં થોડા થોડા સમયે એક જોરદાર સબાકો ઉઠતો હતો..

‘સટ્ટાક..’

પણ બે પળમાં તો બધું પાછું બરાબર થઇ જતું હતું.

‘આ શિયાળાના દિવસો ચાલુ થઇ ગયાને..થોડું કળતર તો રહેવાનું જ હવે આ બુઢ્ઢી હડ્ડીઓમાં..’

જાત જોડે વાત કરતાં કરતાં ઇતિ અને વિકાસના લગ્નનું આલ્બમ લઈને એ પોતની પ્રિય લાકડાંની ખુરશી પર બેઠાં અને એમાં આગળ -પાછળ ઝૂલતાં ઝૂલતાં આલબ્મના પાના ફેરવવા માંડ્યા..

‘આહા..મારી દીકરી કેટલી રુપાળી લાગતી હતી..અને વિકાસ..ભગવાન બેયની જોડી સલામત રાખે..દુનિયાની બુરી નજરથી બચાવે આ સારસ બેલડીને..’

લાગણીના અતિરેકમાં આંખમાં હર્ષાશ્રુ ઊભરાવા માંડ્યા..
ઇતિ અને વિકાસ બેયનું સુખી દાંપત્ય-જીવન જોઈને વિમળાબાને એક અનોખો સંતોષ મળતો હતો. જાણે આમ કરીને પોતાના દીકરાના પાપનું પ્રાયસ્ચિત ના કરી કાઢયું  હોય ..!!
ત્યાં તો પાછું મગજમાં પેલું ‘સટ્ટાક’ બોલ્યું. આજે બહુ થાક લાગતો હતો એમને..ખબર નહી કેમ..? સ્પર્શના નાના નાના કામ પણ આજે પહાડ જેવા મોટા લાગતા હતાં. પાનેતરમાં શોભતી ઇતિ પર વાત્સલ્યપૂર્ણ નજર નાંખતા નાંખતા આગળનું પાનું ફેરવ્યું, ત્યાં તો આંખ આગળ અંધારા છવાઈ ગયા. કાળા..લાલ..પીળા..કેટલાય વર્તુળો રચાવા માંડ્યા..આગળનું પાનું સાવ કાળું ધબ્બ જ દેખાવા લાગ્યું..માથામાં એક સામટા કેટલાંય બોમ્બ ફ્ટાફટ ફૂટી રહ્યાં હતાં. આખું ઘર ગોળ-ગોળ ફરવા માંડ્યું.. શરીર પાણી પાણી થઇ ગયું. હાથમાંથી આલ્બમ એક બાજુ પડી ગયું. ચીસો પાડવાનો વ્યર્થ યત્ન કરતાં કરતાં બે મિનિટ્માં તો એમની ડોક એકબાજુ ઢ્ળી પડી અને આંખો કો’ક વિચિત્ર ભાવ સાથે ખુલ્લી જ રહી ગઈ..
નાનક્ડો સ્પર્શ આ બધું જોઈને ગભરાઇ જ ગયો. નાજુક  હાથે વિમળાબેનને હચમચાવી કાઢ્યા પણ કોઇ  હલન ચલન નહીં..  દોડતા- દોડતા બાજુમાંથી નીલમઆંટીને એની બોબડી ભાષામાં જેમ-તેમ સમજાવી પટાવીને ઘરે લઇ આવ્યો. નીલમબેન પણ વિમળાબેનની હાલત જોઇને ગભરાઇ ગયા. સૌથી પહેલાં તો એમણે ’૧૦૮’માં ફ઼ોન કરીને તાત્કાલિક એમબ્યુલન્સ મંગાવીઅને પછી અર્થને મોબાઈલ કર્યો.

અર્થ ‘જીમ’માં પુશ-અપ્સ કરી રહ્યો હતો અને પાડોશી નીલમબેનનો ફ઼ોન આવ્યો.  બે મિનિટના આઘાત પછી જાતને સંભાળી વ્હાઇટ ટર્કીશ ટોવેલથી પરસેવો લૂછતાંકને ઝડપથી એ જ કપડામાં  ફ઼ટાફ઼ટ એ ઘરે દોડ્યો. ઘરે પહોંચતાવેંત જ જોયું તો બધુંય પતી ગયેલું. ડોકટરે આવીને વિમળાબેનને તપાસી લીધેલા. લોહીના ઊંચા દબાણના કારણે વિમળાબેનનું બ્રેઇન હેમરેજ થઇ ગયેલું અને થોડી જ મિનિટમાં તો એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયેલું…અર્થ તો એક્દમ અવાચક જ થઇ ગયો..એના માન્યામાં જ નહોતુ આવતું હજુ આ બધુ..!!પંણ સચ્ચાઇ  સામે હતી ..
____________________________________________________________

ઇતિ ચ-નાસ્તો તૈયાર કરી રહી હતી અને વિકાસ હજુ ઊંઘતો હતો. રાતે એને હોસ્પિટલથી આવતાં થોડુ મોડું થઇ ગયેલું. ત્યાં વિકાસનો સેલ રણકી ઊઠ્યો. સ્ક્રીન પર વિમળાબેનના પડોશી નીલમબેનનું નામ ઝળકી ઉઠ્યું. થોડીક નવાઇના ભાવ સાથે જ ગ્રીન બટન દબાવતાં ઇતિ બોલી..

‘હેલો…’

‘ઇતિબેન..તમે તરત જ અહીં આવી જાઓ’

‘કેમ’

‘બસ..આવી જાઓને…’

ઇતિનુ દિલ કંઇક અમંગળની ભાવનાથી એક્દમ જ ધડકવા લાગ્યું.

‘પણ વાત શુ છે એ તો કહો…’

‘તમારા સાસુ..આઇ મીન વિમળાબેન..મતલબ કે હવે…’નીલમને સમજાતું નહોતું કે શું બોલવું..છેલ્લે બધી હિંમત ભેગી કરીને બોલી જ કાઢ્યું,

‘ઇતિ…તમારા સાસુ હવે આ દુનિયામાં નથી રહ્યાં..’

‘હેં.. શુ કહો છો નીલમબેન..પણ આવુ કેમનું થઇ ગયું..એક્દમ જ ..અચાનક…!!!”

ઇતિનો અવાજ સાંભળીને વિકાસ જાગી ગયેલો. આંખો ચોળતોકને એ પથારીમાંથી ઊભો થયો. નીલમબેન આગળ પણ કંઇક બોલતા હતા પણ ત્યાં સુધીમાં તો આઘાતના મારી ઇતિએ બેલેન્સ ગુમાવી દીધેલું અને ફોનસમેત એ ચક્કર ખાઇને જમીન પર પડી અને બેહોશ થઇ ગઇ.

___________________________________________________________

એક બાજુ વિમળાબા અને બીજી બાજુ ઇતિ…બે સ્ટ્રેચર પર મા-દીકરી…સાસુ-વહુ એક જ હોસ્પિટલમાં જઈ રહ્યા હતાં.  એકમાં જીવ નહતો જ્યારે બીજીમાં બે-બે જીવ ધબકી રહ્યાં હતાં.અર્થ અને વિકાસ એક સામે થઇ ગયા..અર્થની નજરમાં વિકાસ માટે ભારો ભાર તિરસ્કાર છલકી રહ્યો હતો. ધૃણાથી એણે બીજી દિશા તરફ઼ મોઢું ફ઼ેરવી દીધું..એ જોઇને વિકાસનો મૂડ પણ બગડી ગયો..પણ સામે વિમળાબા હતા..એમની મા સમાન…એટલે નાછૂટકે એણે અર્થની સામે થયા વગર છૂટકોજ નહતો. બધું ય ભૂલીને એ સતત હોસ્પિટલના બેય રૂમ વચ્ચે આંટા-ફ઼ેરા કરી રહ્યો હતો. વિકાસની ઓળખાણના લીધે વિંમળાબાનુ ડેથ સર્ટીફ઼િકેટ અને બીજી બધી ય વિધિ ફ઼ટાફ઼ટ પતી ગઈ. આ બાજુ ઇતિની હાલત ગંભીર હતી.છેલ્લે ડોકટર શર્મા વિકાસ પાસે આવ્યા અને ધીરેથી બોલ્યા,

“લુક મિ. વિકાસ, હું તમારી હાલત સમજી શકું છું..પણ અત્યારે ઇતિની હાલત બહુ જ ગંભીર છે. એમને બહુ જ મોટો આઘાત લાગ્યો છે અને મારે બહુ જ દુઃખ સાથે આપને કહેવું પડે છે કે અમે તમારા બાળકને બચાવવામાં અસફ઼ળ રહ્યાં છીએ. એટલું જ નહીં પણ કદાચ હવે આપની પત્ની ક્યારેય મા નહી બની શકે ……..”

ખાલીપો-ભાગ:૨૩

 

વિમળાબાના મૃત્યુને તેર દિવસ થઇ ગયા..મોટાભાગની બધી ધાર્મિક વિધીઓ પતી ગઈ. સગા-વ્હાલાં પણ એક પછી એક વિખરાવા લાગ્યાં. અર્થ હવે જીવનની ‘ઝીગ-શો’ પઝલ ફરીથી પહેલાંની જેમ ગોઠવવાની મથામણમાં પડી ગયો.

ખરેખર તો, જીંદગી  નાની -મોટી ઘટનાઓના ટુકડાઓથી બનેલી ‘ઝીગ શો’ પઝલ જેવી જ હોય છે..દરેક ઘટનાના ટુકડા યોગ્ય જગ્યાએ ગોઠવાય તો જ જીવનનું ‘ક્લીઅર -રીઅલ’ પિકચર ઊપસે. પણ જો એક પણ ટુકડો તમે બેદરકારીથી ખોઈ કાઢ્યો, તો એ પિકચર કદી પહેલાંની જેમ વ્યવ્સ્થિત નથી થઈ શકતું. અર્થ તો એમાંથી બે-બે મહત્વનાં ટુકડાં ગુમાવી ચુકેલો. વિમળાબાએ પોતાના વિશાળ વ્યક્તિત્વના ઓથા હેઠળ એ બીજા ટુકડાની જગ્યા છુપાવી રાખેલી. એ વિશાળ ટુકડો હટી જતાં પાછળની ખાલી જગ્યાની રીકતતા અર્થને હેરાન – પરેશાન કરી નાંખતી હતી.

સ્પર્શના નાના નાના કામ…ઓફિસની દોડા-દોડ…ઘરના  નાના નાના અઢળક કામ.સાંજ પડે ત્યારે એ બે છેડા ભેગા કરતા કરતાં હાંફી જતો હતો. મગજ સુન્ન થઇ જતું હતું. જીન્દગી એકદમ જ અસ્ત-વ્યસ્ત થઇ ગઇ હતી. આજે એને ભાન પડતું હતું કે ઘરમાં ચૂપ ચાપ પોતાની જવાબદારી નીભાવતી પોતાની મા-વિમળાબાનુ એના જીવનમા કેટલું મોટું અને મહત્વનું સ્થાન હતું. ઘણીવાર ઓફિસની દોડા-દોડ વચ્ચે સ્પર્શની જવાબદારેઓ પૂરી કરતા કરતાં એને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ લેતો  એ ઇતિની યાદ આવી જતી હતી..

‘આ બધું એકલા હાથે કઇ રીતે પહોંચી વળતી હશે ઇતિ એ સમયે?’

ઘરકામ…નોકરી…સ્પર્શની જવાબદારીઓ..વળી વધારામાં પોતાની પારાવાર અપેક્ષાઓ..રહી રહીને એને ઇતિની ખોટ તીવ્રતાથી સાલવા લાગેલી. એકાંતમાં વિકાસનો રુપકડો અને શાલીન વ્યવ્હારયુકત ચહેરો સતત એની હાંસી ઊડાડતો હોય એવો ભાસ થતો.

વિમળાબાની ખુરસી પર બેઠા બેઠા અર્થ એક હાથમાં બિઝનેસ મેગેઝિન વાંચતો વાંચતો ચા પી રહ્યો હતો. ત્યાં જ એક્દમ સેલ રણક્યો..સ્ક્રીનની ઝબુક-ઝબુકમાં ‘મોના’ નામ નિહાળીને અર્થના મગજમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું. એને લાગ્યું કે ભગવાન એની પડખે જ છે..પોતાના પ્રોબ્લેમસનું સોલ્યુશન એને હાથવગું જ લાગ્યું.

‘બગલમેં છોરા ઓર નગરમેં ઢિંઢોરા..” પોતે સાવ આવી જ મૂર્ખામી કરી રહ્યો હતો ..

ફોનનાં લાલ બટન પર અંગૂઠો દબાવતાક ને પોતાના અવાજમાં બને એટલી મિઠાસ ઘોળીને બોલ્યો..

‘હલો સ્વીટ-હાર્ટ..’

ત્યાં તો એને એકદમ નીચાજોણું થયું. સામેથી ફોન બહુ વાર સુધી ના ઉપડતા કટ થઇ ગયેલો.

અર્થ કોઇ જ દિવસ મોનાને સામેથી ફોન કરતો નહીં. મોનાની લાગણી એક ચરમસીમાએ પહોંચી જાય એટલે એ જ સામેથી ફોન કરતી..એમાં પણ આજ કાલ તો અર્થ પોતાની ફુરસતે જ એના ફોન ઊપાડતો..કારણ દર વખતે મોનાની એજ ‘લગ્ન કરવાની’ રેકોર્ડ ચાલુ થઈ જતી અને અર્થ હવે એનાથી બેહ્દ કંટાળેલો હતો. પણ આજે આવું થયું એટલે અર્થને જાણે કે ગાલ પર સણ-સણતો તમાચો વાગી ગયો. હવે શુ કરવું… સામેથી ફોન કરવામાં ‘ઇગો’ નડતો હતો પણ આજે તો એને મોનાનું કામ હતું..ના કરે તો પણ નહોતું ચાલે એવુ..

’શું કરવું??

છેલ્લે ‘ઇગો’ને થોડા કોમ્પ્રોમાઇઝના આવરણ પહેરાવીને એણે સામેથી જ મોનાને ફોન કર્યો.

‘હેલો ડીયર..ગુડ મોર્નિંગ..’

મોના એક ક્ષણ તો માની જ ના શકી કે અર્થે સામેથી એને ફોન કર્યો..એ જ અવાચક થયેલ સ્થિતીમાં એણે જવાબ આપ્યો..

‘ગુડ મોર્નિંગ’

‘કેમ છે..મજામાં..ચાલ ક્યાંક બહાર જઈએ..’

‘અત્યારમાં..!!! ના અત્યારે તો મારે ઘરમાં બહુ કામ બાકી છે અર્થ..’

‘ઓ.કે. તો આજે લંચ સાથે લઇએ..’મોનાને તો વિસ્વાસ જ નહતો આવતો કે આ સામે છેડે અર્થ જ છે અને એ આમ વાત કરી રહ્યો છે..એ થોડી અવઢવની ક્ષણૉ પસાર થઇ ગઇ પછી પાછી થોડી સ્વસ્થતા કેળવીને બોલી,

‘અર્થ, એકચ્યુઅલી.. મારે તને એક સમાચાર આપવાના હતા.’

‘ઓકે..બોલ શું વાત છે..?”

‘અર્થ, તું સમીરને જાણે છે ને..’

‘હા..કેમ..?’

‘કાલે અમે બે એ સાથે ડીનર લીધેલું.’

‘ઓહ..” અર્થના દિલમાં પાછો ઇર્ષ્યાનો કીડો સળવળ્યો.. સમીર મોનાની પાછળ એકદમ પાગલ હતો. પણ મોના અર્થની સાથે રહેતી હતી અને એના પ્રેમમાં પાગલ હતી એટલે એણે કદી સમીરની સામે જોયું નહોતું..એ સમીર સાથે મોનાએ ડીનર લીધું..!!

‘અને અમે બે ય જણાએ લગભગ કલાક એકના લાંબા ડીસ્કશન પછી એક-બીજાને પરણી જવાનું નક્કી કર્યું છે…’

મોનાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું..

‘શું..તું અને સમીર….એ કેમ બને..હું તને આજે એ જ વાત કરવાનો હતો મોના..ચાલ આપણે પરણી જઇએ…હું તારા વગર એક્દમ અધૂરો છું..પ્લીઝ..આઇ..આઇ..નીડ યુ..તુ આમ મને એક્દમ જ અધરસ્તે છોડી જ કેમ શકે..?’ અર્થ રીતસરનો મોના સામે કરગર્યો…

‘સોરી અર્થ..મેં તને બહુ ટાઇમ આપ્યો..બહુ વિચાર્યું..પછી મને લાગે છે કે મેં જે નિર્ણય કર્યો છે, એ એક્દમ બરાબર છે..હું જેને બેહદ પ્રેમ કરું છું એને પરણવા કરતા જે મને બેહદ પ્રેમ કરે છે..મારી બધી નબળાઇઓ સાથે મને અપનાવવા તૈયાર છે એને પરણવાનું વધારે હિતાવહ લાગે છે..સો..એન્જોય યોર લાઇફ..જો કે તને હું કદી નહી ભૂલી શકું..સ્ત્રી જેને પ્રેમ કરે એને પોતાની જીંદગીના અંતિમ શ્વાસ સુધી ના ભૂલી શકે…ટાટા..હેવ અ નાઇસ લાઇફ અહેડ..”

અને ફોન કટ થઈ ગયો…

અર્થ બાઘાની જેમ ફોનના સ્ક્રીનને તાકી રહયો.

____________________________________________________________

ખુશી અને દુઃખ બેય ઇતિ સાથે સંતાકૂકડી રમતા હતાં. ઘડીકમાં સુખની નાની વાદળી વરસી જતી તો ઘડીકમાં દુ;ખનો તડકો છવાઇ જતો હતો..હજુ તો પોતે મા બનવાની છે એ વિચારનો આનંદ માણે એ પહેલાં તો એ સુખ છીનવાઇ ગયું.. વળી વિમળાબાના મૃત્યુ પછી તો પોતાના લાડકવાયા સ્પર્શને મળવા ઉપર પણ સાવ જ ચોકડી લાગી ગયેલી…

‘આંખના કાળા વાદળૉને ચીરીને આ લાગણી હંમેશ હોઠ સુધી રેલાતી જ રહે છે..ભીનો ભીનો આ રસ્તોહજુ કેટલા આંસુનું બલિદાન માંગશે મારી પાસે….

આ ખાલીપો..ક્યારે મારો પીછો છોડશે…??’

ખાલીપો – ભાગઃ૨૪

વિકાસ ઇતિના દિલની હાલત જાણતો હતો. એની વેદના પોતાના દિલમાં અનુભવી શકતો હતો.  એની અને ઇતિની વચ્ચે એક જબરદસ્ત ટ્યુનિંગ હતું. શબ્દોની આપ-લે કરવાની જરૂર જ નહોતી પડતી. બેય એક-મેકના વર્તનથી, વણબોલાયેલા શબ્દોથી જ એકમેકની વાતો-જરૂરિયાતો  ઘણી ખરી વાંચી લેતા હતા. વિમળાબા ના અવસાન પછી ઇતિનો સ્પર્શને મળવાનો એક માત્ર રસ્તો પણ હવે બંધ થઈ ગયો હતો.. વળી ભગવાને પણ એક કોમળ-દિલ ઇતિ સાથે એક ક્રુર રમત રમી કાઢી હતી..રાત-દિવસ એને માત્ર એક જ વિચાર સતાવતો કે ‘ઇતિનો ખાલી ખોળો હવે ક્યારેય મમતાની મહેકથી નહિ મઘમઘે કે શું? ‘

____________________________________________________________

આજે સ્પર્શની બર્થ-ડે હતી..અર્થ રમકડાંની દુકાનમાં ઉભો ઉભો એના માટે શું ગિફ્ટ લેવી એની અસમંજસમાં દુકાનના કાઊન્ટર પાસે ઉભેલો હતો.સામે વિશાળ કાચના શો-કેસમાંથી દરેક રમકડું એને સ્પર્શને અપાવી દેવાની ઇરછા થતી હતી. છેલ્લે, એક સરસ મજાનું, મસ મોટું ટેડી બીયર એના માટે ખરીદયું અને ઘર તરફ કાર હંકારી.

ઘરમાં એક જ છત નીચે શ્વસતા..આખો દિવસ સ્પર્શની આસપાસ ફરતાં ફરતાં એ ધીમે ધીમે એની ખાસો નજીક આવી ગયો હતો. વિમળાબા જીવતા હતા, ત્યારે એને ખબર જ નહોતી કે સ્પર્શની જરૂરિયાતો શું-શું છે.. બધુંય  વિમળાબેન સુપેરે સંભાળી લેતા હતા. પણ હવે બધુંય એકલા હાથે કરવાનો વારો આવ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે એ નાનકડા અબોલ શિશુની જરૂરિયાતોનો કોઈ પાર  જ નથી. પોતાના નફિકરા  જીવનને  એક ધ્યેય મળી ગયેલું લાગતું હતું એને.. નાહક પોતે સુખ નામના માયાવી મૃગ પાછળ  ઘરની બહાર ફાંફા મારતો  હતો. જ્યારે સાચું સુખ તો  જીવતું જાગતું પોતાનીનજર સામે જ હતું. એને હવે સ્પર્શના કામ કરવાનો આનંદ આવવા લાગ્યો હતો. પોતાની જવાબદારી પૂરી કર્યાનો  એક અનોખા  સંતોષનો નશો એને ચડતો જતો હતો. એને પોતાના કામના કલાકો ઘટાડી કાઢેલા અને બને એટલું કામ હવે એ ઘરેથી જ કરવા લાગ્યો હતો જેથી કરીને એ પોતાનો સંપૂર્ણ સમય અને ધ્યાન સ્પર્શને આપી શકે. રોજ-બરોજ એ બધી પ્રક્રિયામાંથી પસાર થતા થતાં અર્થને પોતે ઇતિને કરેલા અન્યાય નજર સામે તાદ્રશ્ય થતા. પણ હવે એના અફસોસ સિવાય બીજું તો શું થઇ શકે?

એક દિવસ નેટ પર સર્ફિંગ કરતા કરતા અમેરીકા સ્થિત મૂંગા-બહેરા લોકોની લેટેસ્ટ  ટેક્નોલોજીથી સજ્જ એક હોસ્પીટલની સાઈટ નજરે ચઢી. ક્લિક ક્લિક ક્લિક….અને લગભગ ચારેક કલાકના સર્ફિંગ પછી એને લાગ્યું કે સ્પર્શને એકવાર અહી લઇ જવો જોઈએ. કદાચ એની સારવારનો કોઈ રસ્તો મળી પણ આવે.
એક અઠવાડીયાની ભાગમભાગ પછી આખરે અર્થ એ હોસ્પીટલની  બધી જ જાણકારી મેળવવામાં સફળ રહ્યો. ખર્ચો તો બહુ થશે..જવા આવવાની ટીકીટ અને સારવાર નો ખર્ચો બધું ય મળીને આશરે ૪૦એક લાખ સુધી તો આંકડો જરૂરથી  પહોચી જાય. જ્યારે પોતાની પાસે તો બહુ બહુ તો માંડ ૧૫એક લાખ જેટલા રૂપિયાને સગવડ થઇ શકે એમ જ હતું. શું કરવું હવે? આટલી મોટી રકમ તો કોઈ મિત્ર પાસેથી પણ ના નીકળી શકે…ત્યાં અચાનક એને એક રસ્તો સુઝ્યો..

‘ઇતિ અને વિકાસ ને કાને આ વાત નાંખી હોય તો કેવું રહે? આમેય  એ બેય આર્થિક રીતે પૈસા કાઢવા  સક્ષમ હતા. કમસે કમ ૨૫એક લાખ રૂપિયા  પણ જો એમની પાસેથી નીકળી જાય તો બાકીના તો પોતાની પાસે સગવડ હતી જ ને…’

પણ એમની સામે જવું કયા મોઢે? પોતે કરેલા ‘મહાન કાર્યો’(!!!) એનો પગ રોકી રહ્યાં હતા.બે દિવસની સતત અવઢવ પછી અર્થે મન મક્કમ કર્યું અને વિચાર્યું કે જો પોતે થોડું સહન કરી લે એનાથી જો સ્પર્શ ને એક નવી જિંદગી મળી જતી હોય તો પોતાનો અહમ અને શરમ થોડા બાજુમાં મૂકી દેવામાં કંઈ ખોટું તો  નથી જ..

____________________________________________________________

બીજા દિવસની સવારે અર્થ વિકાસના ઘરે જઈ ચડ્યો . ઇતિ તો ઓફિસે જવા નીકળી ગયેલી પણ વિકાસ હજુ તૈયાર થતો હતો અને બારણાની ઘંટડી વાગી..

‘ટીગ-ટોંગ..’

એક હાથે ટાઈમાંથી કોલર બહાર કાઢી ને સરખા કરતા કરતા વિકાસે  બારણું ખોલ્યું ને સામે અર્થને જોઇને ભોચક્કો  જ  રહી ગયો. કોલર સરખો કરવાનું પણ ભૂલી ગયો.જોકે સામે પક્ષે અર્થની હાલત પણ ખાસી ક્ષોભ-જનક જ હતી. એના મોઢા પર પોતે ભૂતકાળમાં કરેલી ભૂલો નો પડછાયો ડોકાતો હતો. બે ખામોશ પળો વીત્યા પછી વિકાસને એકદમ ભાન આવ્યું,

‘આવો અર્થ..અંદર આવો..કેમ છો? મજામાં ને? ‘

‘હા મજામાં’

‘બોલો ..પાછું હવે તમારે અમારું શું કામ પડ્યું ?” નાં ઈચ્છવા છતાં વિકાસના અવાજમાં થોડી કડવાશ ઘોળાઈ જ ગઈ. પણ પછી તરત જ જાત પર સંયમ રાખી લીધો. જે અર્થે કર્યું એ જ ભૂલો હવે એ પોતે કરે તો એના અને અર્થમાં ફરક જ શું રહ્યો..ના ના….પોતે પોતાની સારપ કદાપી  નહિ છોડે…આમે અર્થ પોતે કરેલી ભૂલો ની સજા ભોગવી જ રહેલો ને..હવે એનાથી વધુ સજા પોતે એને શું આપવાનો હતો..?

અર્થ પણ એ કડવાશથી એક મિનીટ તો સળગી ગયો પણ તરત જ પોતે જે કામ માટે આવેલો એ યાદ આવ્યું..એ કામ મગજ ઠંડુ હોય તો જ થઇ શકે એમ હતું…મગજ ગુમાવવાનું સહેજ પણ પાલવે એમ નહોતું..

‘જુવો મિસ્ટર વિકાસ, હું આમ તો અહી ઇતિને જ મળવા આવેલો…ખાસ તો મારે એનું જ કામ હતું..પણ એ નથી તો તમારી સાથે બે વાત કરી શકું..જો આપને વાંધો ના હોય તો..?’
સારું જ થયું કે ઇતિ નથી…અને જયારે અહી સુધી આવી જ ગયો છે તો  વાત કર્યા વગર થોડી જવાનો છે આ સ્વાર્થી માણસ…મનમાં ને મનમાં બે ગાળો ચોપડાવી ને પરાણે  મોઢું હસતું રાખી ને વિકાસ બોલ્યો,

‘ બોલો..અમે તમારી શું સેવા કરી શકીએ એમ છીએ..?’

એ પછી ના એક કલાકમાં અર્થે પોતાના અહી સુધી આવવા પાછળ નું પ્રયોજન એકદમ ચોખ્ખા શબ્દો માં વિકાસને જણાવ્યું.બે ઘડી  તો વિકાસને આ દગાખોર માણસની વાતો પર વિશ્વાસ જ ના બેઠો ..પણ અર્થ એકદમ પાકું હોમવર્ક કરીને આવેલો…હોસ્પિટલ અંગેની પૂરે-પૂરી માહિતી લઈને આવેલો .એ બધું ચેક કરતા વિકાસને એની વાત પર થોડો ભરોસો બેઠો..એની પાસેથી પુરતી રકમ નીકળી શકે એમ હતી..પૈસાનો કોઈ સવાલ જ નહતો .પણ કોઈ  નિર્ણય લેતા પહેલા એને આ આખી વાત વિષે  ઇતિને એક વાર પૂછવાનું વધુ યોગ્ય લાગ્યું..

ખાલીપો ભાગ – ૨૫

નિર્ણય લેતા પહેલા વિકાસને આ આખી વાત વિષે  ઇતિને એક વાર પૂછવાનું વધુ યોગ્ય લાગ્યું..
સાંજે વિકાસ અને ઇતિ ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા, રોજની આદત મુજબ એકબીજાના કામ-કાજ વિશે વાત-ચીત કરી રહ્યાં હતા; ત્યાં ધીરે રહીને વિકાસે ઇતિ સમક્ષ એની અને અર્થની વાતચીતનો મમરો મૂક્યો અને ટુંકાણમાં ઇતિને બધી ય વાત કહી સંભળાવી..

વાત સાંભળીને ઇતિના હાથ અને ગળા- બેય જગ્યાએ  કોળિયો એમ જ અટકી ગયો…ખુશી, અવિશ્વાસ અને આશ્વર્યના મિશ્રિત ભાવ વચ્ચે બે પળ  એ ઝોલા ખાઇ ગઈ..

એકદમ જ એણે વિકાસની સામે પોતાનો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું,
‘વિકાસ,મને ચુટલી ખણ તો જરા…આ જે સાંભળી રહી છું એ મારા મનનો ભ્રમ તો નથી ને..બે પળના સપનાની જેમ આ સુખ મારા દામનમાંથી હંમેશા થતું આવ્યું છે એમ સરકી તો નહી જાય ને..?”

અને એની આંખોમાંથી બોર બોર જેવા આંસુ છલકાઇ આવ્યાં..

એની વાત સાંભળીને વિકાસનુ દિલ પણ ભરાઇ આવ્યું..એ ઉભો થઈને ઇતિની પાસે બેઠો અને એનું માથું પોતાના ખભા પર ટેકવીને એના સુંવાળા વાળમાં પોતાનો હાથ ફેરવતા ફેરવતાં એને હંમેશની જેમ જ નિઃશબ્દ વાર્તાલાપથી સાંત્વના આપી રહ્યો…

_________________________________________________________

અર્થ ઓફિસમાંથી આવીને સોફા પર બેઠો અને ઘરમાં સ્પર્શની દેખરેખ માટે રાખેલા સુમિત્રાબેનને બુમ પાડી…

‘સુમિત્રાબેન..પાણીનો એક ગ્લાસ અને મસ્ત કડક કોફી સાથે મેરી ગોલ્ડના બિસ્કીટ લાવજોને..”

ટ્ક ઇન કરેલ શર્ટ પેન્ટમાંથી કાઢયું અને ગળાની ટાઈ ઢીલી કરતાં એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો,

‘સમજ નથી પડતી આજ કાલ આ મારી સાથે શું થઇ રહ્યું છે..? આટલી બધી નબળાઈ કેમ અનુભવાય છે? થોડું કામ કરુ ને થાકી જઊં છું.. છેલ્લા બે મહિનાથી ઝીણો ઝીણૉ તાવ આવ્યાં કરે છે..મટે છે ને પાછો ઉથલો મારે છે. કેટલાંય ડોકટરો બદલ્યાં..કેટ-કેટલાં રીપોર્ટ કઢાવ્યાં પણ એ તો બધાં નોર્મલ જ આવે છે. તો પછી આમ કેમ..? વળી સ્પર્શની સારવાર માટે મારે જો અમેરિકા જવું હોય તો આવી તબિયતે તો કેમનું જવાશે? આમ તો કેમ ચાલશે?”

નકરા પ્રશ્નોની અવઢવ વચ્ચે ડોરબેલ વાગ્યો.. રમવા ગયેલો સ્પર્શ ઘરમાં પાછો આવ્યો..અને આવીને એ અર્થને ભેટી પડ્યો..બે ચાર ચૂમી ભરીને પોતાની બોબડી ભાષામાં દોસ્તારો સાથે રમતમાં મેળવેલી જીત અર્થને સમજાવવા લાગ્યો..અને અર્થ એ સ્પર્શના એ વ્હાલના દરિયામાં આંખો બંધ કરીને ગોતા લગાવવા માંડ્યો..આખી દુનિયાની ખુશી જાણેકે એના બે બાહુમાં વસવાટ કરતી હોય એવી જ અનુભૂતિ એને થઇ. અચાનક જ એનો બધોય  થાક ઉતરી ગયો..

———————————————————

ઇતિ અને વિકાસ…અર્થ સાથે મોબાઇલ પર થયેલ વાત-ચીત મુજબ મળવાનું નક્કી કરેલા સમયે અર્થના ઘરના દરવાજે ઉભા હતાં.

ઇતિને થોડીક વિચિત્ર લાગણીનો અનુભવ થતો હતો..એક સમયે આ એનું પોતાનું ઘર હતું…એક સમયે પોતાના મનમંદિરની મૂરત બનાવેલા અર્થ અને પોતાના વ્હાલ્સોયા બાળકને મળવા આજે એ વિકાસ સાથે – પોતાના વર્તમાનના પતિ સાથે આવેલી…એને સમજાતું નહોતું કે એ અર્થનો સામનો કઇ રીતે કરશે..? પોતાનો કોઇ જ વાંક નહતો. પણ આ સ્થિતિ એને માટે કમ્ફર્ટેબલ પણ નહોતી. ધડકતા હૈયે એણે બેલ પર પોતાની લાંબા નખવાળી સુકોમળ આંગળી દબાવી..

‘ટ્રીન..ટ્રીન…”

થોડી વજનદાર પળો એમ જ નિઃશબ્દ નહી ગઈ.પણ અંદરથી કોઇ જ અવાજ ના આવ્યો.

વિકાસે ફરીથી બેલ વગાડ્યો..એક..બે..ત્રણ…કેમ આમ…ખાસી…૧૦ એક મિનિટ પછી પણ દરવાજો ના ખૂલ્યો.

ત્યાં તો સ્પર્શ સ્કુલ-બસમાંથી ઉતરીને દોડતો દોડતો આવીને ઇતિને વળગી પડ્યો..

ઓહ..આનો મતલબ કે અર્થ અંદર એકલો છે… ઇતિ અને વિકાસ બેય થોડા ગભરાયા…કંઈક અમંગળની એંધાણી સતત ઇતિના દિલના દ્વારે દસ્તક દઈ રહી હતી..બેલનો અવાજ સાંભળી સાંભળીને હવે તો આજુ બાજુ વાળા પણ ભેગા થઇ ગયાં..ઘરમાં જવા માટે મેઇન દરવાજા સિવાય બીજો  કોઈ જ  રસ્તો નહતો.. તેથી સર્વાનુમતે બધાંએ દરવાજો તોડવાનો નિર્ણય લીધો..
પાડોશી નીલમબેને ફોન કરીને મિસ્ત્રીને બોલાવ્યો અને દરવાજો તોડાવ્યો.
પણ આ શું…???

ઘરમાં ઘુસતાં જ બધાંની આંખો પહોળી થઇ ગઇ..અંદર અર્થ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો..એનું આખું શરીર વિચિત્ર રીતે ખેંચાઇ ગયેલું.

સ્પર્શના ખભેથી સ્કુલબેગ સરકી ગઈ…આંખો ભયના કારણે વિચિત્ર રીતે પહોળી થઈ ગઈ..ઇતિ પણ લગભગ એવી જ હાલતમાંથી પસાર થઈ રહી હતી. એના નાજુક  લમણાંની નસ ટેન્શનના કારણે ફુલી ગઈ..વિકાસને હવે અર્થ કરતાં આ બેયની ચિંતા વધુ પજવવા માંડી..ઘડીનોય વિલંબ કર્યા વગર વિકાસે સ્પર્શ અને ઇતિને પોતાના મજબૂત બાહુમાં સમેટી લીધાં અને સાંત્વના આપવા લાગ્યો.

ખાલીપો-ભાગ:૨૬

સવારનો કુણો કુણો તડકો કાચની પારદર્શક બારીમાંથી ચળાઇને આવતો હતો અર્થના ચહેરા પર અથડાતો હતો..એ સોનેરી રશ્મીકિરણૉમાં અર્થનો તામ્ર વર્ણૉ, મજબૂત જડબાવાળો અને તીખી રોમન નાસિકા ધરાવતો અને હોસ્પિટલના સફેદ યુનિફોર્મમાં અર્થનો ચહેરો પૌરુષથી ભર્યો ભર્યો અને અત્યંત આકર્ષક લાગતો હતો.

અર્થને હંમેશા કહેતી હતી,”તું સફેદ રંગના કપડામાં જબરો ખીલી ઉઠે છે….”ઇતિને યાદ આવી ગયું અને એક હાયકારો નીક્ળી ગયો…

પણ આમ હોસ્પિટલના સફેદ ડ્રેસમાં અર્થને જોવાની એને ક્યારેય આશા નહોતી…

અર્થના પલંગની બાજુમાં ખુરશીમાં બેઠી બેઠી ઇતિ એકી ટશે એને નિહાળી રહી હતી. એના દિલમાં અર્થ માટે કંઈક અજબ જેવી લાગણીનો દરિયો હિલ્લોળા લઈ રહયો હતી. એ લાગણી એના દિલને મોરપીંછ જેવો સુંવાળૉ અહેસાસ કરાવતી હતી.

એવામાં અર્થની લાંબી કાળી પાંપણ થોડીક હાલી અને ધીરે ધીરે એની થોડીક માંજરી રંગ ધરાવતી આંખો ખોલી.એ જોઇને  ઇતિ  ખુશીની મારી લગભગ ખુરશીમાં ઉછળી જ પડી અને એક્દમ જ ડોકટરને બોલાવવા  રુમમાંથી બહારની બાજુ ધસી. એ ઉતાવળિયા ડગલા માંડતા સામેથી આવતી નર્સ સાથે એ જોરથી અથડાઇ અને નર્સના હાથમાંથી દવાની ટ્રે નીચે પડી ગઈ..

“શું થયું મેડમ..?”

“અરે..આ જુઓ…જુઓ…દર્દીને હોશ આવી ગયો..જલ્દી ડોકટરને બોલાવો..પ્લીઝ..”

“અરે વાહ..સરસ..તમે શાંતિથી બેસો..હું ડોકટરને મોકલું છું.”

અને નર્સ નીચે વળીને વેરાયેલો સામાન ભેગો કરવા લાગી. જતાં જતાં અર્થની સામે મરકતાં મરકતાં બોલતી ગઈ,

“યુ  લકી મેન..આ તમારી પત્ની છેલ્લાં ૨ દિવસથી લાગલગાટ તમારી સેવામાં રાતદિવસ જોયા વગર અહીં ને અહીં જ છે..આંખનું મટકું ય નથી માર્યું એણૅ..બહુ પ્રેમ કરે છે એ તમને”

અને શરારતી સ્મિત સાથે રૂમની બહાર નીકળી ગઈ.

પાછળ એકલાં મૂકતી ગઈ એના સ્વાભાવિક શબ્દોની અસ્વાભાવિક લાગણીમાં ગોતા ખાતા અર્થ અને ઇતિને.. !!!

ઇતિની હિંમત નહોતી થતી કે એ અર્થની સામે આંખ મિલાવીને જોઇ શકે. અર્થને પણ આ સંબંધોની અટપટી પઝલ થોડી અકળાવનારી લાગી..બેય જણ મનમાં ઢગલો વાતો લઈને ચૂપ ચાપ જ બેસી રહ્યાં.

એટલામાં ડોકટરે આવીને એ મુશ્કેલ પળોને હળવી કરી નાંખી..

‘વેરી ગુડ મિ. અર્થ..ધાર્યા કરતાં જલ્દી હોશમાં આવી ગયા તમે..’

અને અર્થનો હાથ પોતાના એક હાથમા લઇને કાંડા ઘડિયાળ સાથે એની ધડકનનો હિસાબ લગાવવા માંડ્યા.

‘ગુડ..પલ્સ રેટ તો સરસ છે.’

‘પણ મને થયું છે શું ડોકટર ? હું બેઠો બેઠો ટીવી જોતો હતો અને એક્દમ જ મારી આંખો સમક્ષ કાળા ધોળા ચકકરો ફરવા લાગ્યાં ..દિલમાં કંઈક ચુંથારો થવા લાગ્યો..શ્વાસ ભારે થઇ ગયેલો..અને પછી મને કશું જ ખ્યાલ નથી કે શું થયું.”

‘આમ તો કંઈ રોગ પકડાતો નથી..અમે થોડાક રિપોર્ટ કઢાવ્યાં છે મિ. અર્થ….એટલે હવે એ આવે એની રાહ જોઈએ છીએ. બસ..’

થોડાંક રૂટિન ચેક અપ કર્યા બાદ ડોકટરે અર્થને થોડા ફ્રેશ ફૃટ જ્યુસ પીવાની ભલામણ કરી અને ઇતિની સામે એક નજર નાંખતા કહ્યું,

‘લગભગ ચારેક કલાકમાં આમના રીપોર્ટ આવી જશે. એ પછી હું તમને ઓફિસમાં બોલાવું છું .. નાહક તમે ચિતા ના કરશો..બધું ય સારું જ થશે..’ કહેતાંક્ને ડોકટરે રુમમાંથી વિદાય લીધી.

ઇતિએ એક ભરપૂર નજર વિકાસ પર નાંખી અને કહ્યું,

‘હું હોસ્પિટલની કેન્ટીનમાંથી લેમન જ્યુસ લઇને આવું છું.’

‘ઇન્ટરકોમ પર ફોન કરીને મંગાવી લે ને ઇતિ..તું અહીં જ બેસ..સારું લાગે છે.આમ એકલો મૂકીને ફરીથી તું જતી ના રહે પ્લીઝ..’

પણ હકીકતનું ભાન થતાં જ અર્થ મોઢા સુધી આવેલ આ વાક્યો ગળી ગયો…ફક્ત એક તરસી નજર ઇતિ સામે જોયા વગર કંઈ જ ના કરી શક્યો..
દિલના એક ખૂણે છાનો વસવસો સળવળ્યો…આ એ જ ઇતિ હતી જેને પોતે ભરપૂર ચાહી હતી..રોમે રોમથી વરસીને એને પ્રેમ કરેલો..આજે એ કેટલી નજીક પણ કેટલી દૂર થઇ ગઇ હતી એનાથી..!!

—————————————————————-

વિકાસ ડોકટરની સામે એમની કેબિનમાં બેઠેલો હતો. બન્નેની વચ્ચે લાકડાનું ટેબલ હતું. એ ટેબલ પર પડેલાં અર્થના રીપોર્ટના કાગળો છત પર ફરી રહેલા પંખાની હવાના કારણે ફરફરી રહ્યાં હતાં. બેયના મોઢા પર ચિંતાના વાદળો વિખરાયેલા હતાં. ખામોશીની એ કપરી પળોના તાર આખરે વિકાસે છંછેડ્યા…

‘આર યુ શ્યોર ડોકટર ?’

“યસ ડો.વિકાસ..આઇ એમ ડેમ શ્યોર. આ રીપોર્ટ મેં બીજી વાર કઢાવ્યો છે. સેઇમ રીઝલ્ટ..મિ. અર્થને ‘એઈડ્સ’ છે..અને એ પણ છેલ્લા સ્ટેજનો.. મારી ગણત્રી મુજબ એ વધુમાં વધુ  મહિનાના મહેમાન છે..બસ..”

“પણ હવે તો મેડિકલ સાયન્સ કેટલું આગળ વધી ગયું છે…એઇડસની દવા પણ શોધાઈ ચુકી છે એવું કંઈક મારા ધ્યાનમા પણ છે..ડોકટર સાવ આમ છેલ્લી કક્ષાની વાત ના કરો પ્લીઝ. કોઇક તો ઉપાય હશે જ ને..’

“જુઓ વિકાસ..તમે કહો છો એમ દવા શોધાઇ ચૂકી હોય તો  પણ હવે અર્થના શરીરમાં આ રોગે અજગરની જેમ ભરડો લઈ લીધો છે..આ બધી ટ્રીટ્મેન્ટ એઇડસને વધતો રોકે છે…પણ એને કાયમ માટે મટાડી શકે એમ હજુ શક્ય નથી બન્યું..માટે પ્લીઝ અર્થના કેસમાં  આવી દવાના આશાવાદી પરિણામની આશા રાખવાનો પણ કોઇ મતલબ નથી..સોરી..આ કેસ હવે મારા કાબૂ બહારની વાત છે..તમે ઇચ્છો તો બીજા ડોકટરનો ઓપિનીયન લઇ શકો છો અને છેલ્લા ઉપાય તરીકે આપણે જે કરીએ એ ..ભગવાનને પ્રાર્થના..આનાથી વધુ એક ડૉકટર તરીકે મારા પક્ષે હવે કંઈ જ કહેવાનું બચતું નથી”

‘હમ્મ્મ..’

આટલા શબ્દો સિવાય વિકાસના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળી શક્યો. એનું મગજ ચકરાવે ચઢી ગયું..

“આ સમાચાર નાજુક-દિલ ઇતિ અને મોતના આરે ઉભેલા અર્થને જણાવવા કેવી રીતે ?”

—————————————–

ઇતિની બેચેની હવે માઝા મૂકી રહી હતી..

વિકાસને ડોકટરની કેબિનમાં ગયે ખાસો કલાકેક થઇ ગયો હતો..આ કલાકમાં એણે કમ સે કમ ૨૫ વાર એના નાજુક કાંડે બંધાયેલ ઘડિયાળમાં નજર નાખીને સમય જોઇ લીધો હતો..

એને હવે અફ્સોસ થતો હતો કે એ કેમ વિકાસની સાથે ડોકટરની કેબિનમાં ના ગઈ.બેચેનીમાં ને બેચેનીમાં એ રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી.

એની આ બેચેની જોઇને અર્થના દિલના એક ખૂણે એક અજબ સંતોષની લાગણી અનુભવાતી હતી..એને ચિંતાતુર ઇતિનો ચહેરો…એની બેચેની..બધુંય બહુ જ ગમતું હતું…

‘આનો મતલબ કે હજુ ઇતિના દિલના કોઇ ખૂણે હું થોડો થોડૉ ધબકું છું એ વાત તો ચોક્કસ.’

અને એક કોમળ હાસ્ય એના ગુલાબી હોઠ પર રમવા લાગ્યું

——————————————
જાતને સંભાળવાનો મિથ્યા યત્ન કરતો કરતો વિકાસ અર્થના રૂમ તરફ ડગ માંડવા લાગ્યો.

આ એ જ અર્થ હતો જેના નામ માત્રથી પોતાને અકળામણ થતી હતી. પોતાના સ્વાર્થ અને બેદરકારીના કારણે જેણે પોતાની નાજુક ઇતિને પારાવાર હેરાન પરેશાન કરેલી. પણ આજે વિકાસ એ બધું ભુલી ગયેલો..અત્યારે એની અંદરનો ડોકટર, એક પરગજુ અને લાગણીશીલ માણસ જાગી ઊઠેલો.. એને યાદ હતું તો ફક્ત ડોકટરના મોઢે બોલાયેલું એક મકક્મ સ્વરવાળું વાક્ય..

‘અર્થ હવે વધુમા વધુ મહિનાનો મહેમાન છે.’

આ સમા્ચાર હવે એ ઇતિને અને અર્થને કઇ રીતે આપે એ વિચારમા ને વિચારમાં એ ક્યારે અર્થના રૂમની અંદર પ્રવેશી ગયો એનુ ધ્યાન જ ના રહ્યું.

ખાલીપો-૨૭

વિકાસના વદન પર ચિંતાના કાળા વાદળૉની ઝાંય સ્પષ્ટ રીતે ડોકાતી હતી. ઇતિની વિકાસ પારખુ નજરે એક જ મિનિટમાં એ પકડી પાડ્યું.

કંઈક અમંગળ સમાચારની આશંકાથી એનું દિલ જોર-જોરથી ધડકવા માંડયું. બે ભારે ભરખમ-દિલ પર ભીંસ વધારી દેતી પળો વીત્યાં પછી ઇતિએ તરતજ સભાનતાપૂર્વક પોતાની જાતને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને જાતને સૂચનો આપવા માંડી..

‘થીન્ક પોઝીટીવ ઇતિ. સારું વિચાર તો સારું જ થશે.”

૩-૪ મીનીટના ભારે અકળાવનારા મનોમંથનમાં ‘સેલ્ફ કાઉન્સેલિંગ- સેલ્ફ હીપ્નોટાઇઝ’નો થોડો ડૉઝ મેળવી ઇતિએ હતી એટલી બધી હિંમત ભેગી કરીને વિકાસ સામે નજર કરી તો વિકાસ એને આંખના ખૂણેથી ઇશારો કરીને રૂમની બહાર આવવાનું કહેતો દેખાયો..

જોકે એ આંખોની છાની રમત પથારીમાં સૂતેલા અર્થની નજરોથી છુપી ના રહી શકી.

————————————————————–

ઇતિના ધબકારા હવે માઝા મૂકી રહ્યાં હતાં. એ ધબકારનો અવાજ એ પોતાના કાનમાં હથોડાની જેમ અથડાતો અનુભવી શકતી હતી.

‘વિકાસ..કેમ આમ રહસ્યમયી વર્તન કરે છે સાવ જ..? જલ્દી બોલ..શું કહ્યું ડોકટરે? બધુ સારું છે ને? અર્થને કોઇ….આગળ એ કંઈ બોલી જ ના શકી..એની આંખોમાં લાગણીના અતિરેકથી ઝળઝળીયા આવી ગયા.

‘ઇતિ..થોડી હિંમત રાખીને સાંભળજે..પ્લીઝ.”

“કેમ આમ કરે છે તું..જલ્દી બોલ અને જે પણ હોય એ પુરેપુરી સચ્ચાઇ જણાવ ..તને..તને…સ્પર્શના સોગંદ છે વિકાસ.”

હતી એટલી બધી હામ હૈયે ભરીને વિકાસે આખરે ઇતિનો હાથ પોતાના હાથમાં લીધો..એની પાણીદાર..મોટી પારદર્શક આંખોમાં પોતાની ભીની ભીની નજર પુરોવી..

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

આટલાં શબ્દો બોલતાં તો વિકાસને માઇલોની દોટ લગાવીને આવ્યો હોય એટલો થાક વર્તાવા લાગ્યો..

ઇતિને તો આખું વિશ્વ જાણે કે ગોળ ગોળ ફરતું લાગ્યું..વિકાસે ઇતિને જોરથી પોતાના બે બાહુમાં સમાવી લીધી અને એના લીસા વાળમાં હાથ ફેરવવા લાગ્યો. વિકાસની આંખમાંથી બે અશ્રુબિંદુ એની જાણ બહાર જ ઇતિના લીસા વાળમાં સરી પડ્યાં અને એની જીન્દગીની જેમ જ ઇતિના વાળમાં ગુંચવાઈ ગયાં..

————————————————————

અર્થ આંખોના છુપા ઇશારાની રમત જોઇ ગયેલો..એને દાળમાં કંઈક કાળું લાગ્યું.

ઉભા થઇને દિવાલની બીજી બાજુએ પોતાના કાન માંડ્યા અને વિકાસના એક્દમ ધીમા અવાજમાં બોલયેલા શબ્દો એના સરવા કાને અથડાયા…

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

છેલ્લાં મહિનાની એકધારી બિમારીથી આમે શરીર એક્દમ અશકત બની ગયેલું..એમાં આવી વાત સાંભળીને અર્થે તરત જ ભીંતનો સહારો લેવો પડ્યો.

આવી સ્થિતીમાં પણ અર્થને હસવું આવી ગયું..એને હંમેશાથી પોતાની શારીરીક શકિતનું મિથ્યા-અભિમાન હતું. આ શારીરીક શકિતએ એને થોડો ‘અહમ’ પણ ભેટમાં આપેલો. પોતાને કદી કોઇની જરુર નથી પડવાની..પોતે એક્દમ સ્વસ્થ છે..આવી વિચાર-વ્રુતિને લઇને એ કદી કોઇ બિમાર માણસની સેવા ના કરતો..શુ કામ છે આવી બધી લપ્પન – છ્પ્પન પાળીને…એના કર્યા હશે એ ભોગવશે.!!”

પણ  આજે પોતે આ કયા કર્મોની સજા ભોગવી રહ્યો હતો..?

એની નજર સામે પિકચરની રીલ પટ્ટીની જેમજ ઇતિની માંદગી..એની સાથેનું પોતાનું વર્તન તાદ્ર્શ્ય થઇ ગયું અને છેલ્લે એણે મોનાની સાથે પણ જે ખરાબ વ્યવહાર કરેલો એનુ ભાન થયું

મોત એક  કડવી વાસ્તવિકતા છે..એ નજર સામે હોય એટલે ભલ ભલા ભડવીરોને પણ પોતાની જીન્દગીના સારા-નરસા કાર્યો, ન્યાય-અન્યાય બધુંય એક પળમાં યાદ કરાવી જાય છે.

ઇતિ સાથે એણે એની માનસિક બિમારીના સમયે કેવો ખરાબ વ્યવ્હાર કરેલો..અને આજે એ જ ઇતિ એનું સર્વસ્વ બનીને એનો ટેકો બનીને રાત-દિવસ ભૂલીને એના પડખે ઉભી છે..કોઇ જ જાતની કડવાહટ , ફરિયાદ કે સ્વાર્થ વિના જ સ્તો..

પોતે આવી પત્નીને સમજી ના શક્યો અને જવાનીના મદમાં જ્યારે એને ખાસ પોતાની જરૂર હતી એ જ પળે એને ધક્કો મારીને ઘરની બહાર તગેડી દીધી..એક વાર પણ ના વિચાર્યુ કે એ આવી હાલતમાં કયાં જશે…શુ કરશે..અધૂરામાં પુરું એને એના લાડકવાયાથી અળગો રાખીને સતત ખાલીપાની લાગણીમાં ઝૂરવા દીધી હતી…મોતના આંખ સામેના તાંડવ-ન્રુત્યથી  અર્થને થોડીક જ મિનિટમાં પોતાની જાત પર ધીક્કાર થઇ આવ્યો.ભારોભાર તિરસ્કારથી એનું હૈયું ભરાઇ આવ્યું.

કેવી મોટી નાદાની કરી હતી એણે જિન્દગીમાં..!! શું ભગવાન એને ક્યારેય માફ કરશે? વળતી પળે એને વિકાસ સાથે જોઇને એક અનોખો સંતોષ થયો..વિકાસ અને ઇતિ..ઇતિ અને વિકાસ..બેય એક બીજા માટે જ સર્જાયા હતાં. ઇતિ મારા કરતાં વિકાસ સાથે વધુ સુખી છે. વિકાસ એને બરાબર સમજી શકે છે..તકલીફોના કાળા સમંદરમાંથી વિકાસ એકલા હાથે જ ઇતિને બહાર લઇ આવેલો ને..’ ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે જ કરે છે.”

પણ પોતાને એઈડ્સ ..આ કઇ રીતે શક્ય છે..? ભલે એણે ગમે તેટલી છોકરીઓને ફેરવી હોય પણ મોના સિવાય કોઇ જ સ્ત્રી સાથે એના શારીરીક સંબંધ નથી રહ્યા તો…

એક્દમ જ એને યાદ આવ્યુ….હા. એકાદ વર્ષ પહેલાં પોતાને એક જીવલેણ એક્શિડ્ન્ટ થયેલો એ વખતે એના ઘાવમાંથી સતત ખૂન વહેતું હતું. જેના કારણે એને ખાસા એવા લોહીના બાટલા ચડાવવા પડેલા..નક્કી…આ એનું જ પરિણામ…

હશે…જેવી હરિ ઇચ્છા…

વિચારીને એ પલંગ પર પાછો આડો પડ્યો..

——————————————-

વિકાસે ઇતિને સંભાળી અને સમજાવતા કહ્યું,’ઇતિ..જો અર્થને આ વાત જણાવીને કોઇ જ ફાયદો નથી. મને એમ થાય છે કે આપણે એને આપણા ઘરે લઈ જઇએ. આપણી સાથે રાખીએ અને એનો છેલ્લો સમય આપણા સહવાસના સુખથી છલકાવી દઇએ..મારે આમ તો તને કંઇ કહેવાનું જ ના હોય એમ છતાં એક વાત કહીશ, બધો ભૂતકાળ ભૂલી જા..ફકત ભવિષ્યને નજર સમક્ષ રાખીને અર્થને બને એટલો સુખ-શાંતિ આપવાનો પ્રયત્ન કરજે..એનો છેલ્લો સમય….આનાથી વધુ એ ના બોલી શક્યો.

સામે ઇતિ પણ આશ્વર્યચકિત થઇને દેવદૂત જેવા વિકાસને જોઇ જ રહી..પોતાની પત્નીને એના ભૂતપૂર્વ પતિ સાથે પ્રેમથી વર્તવાનું કોઇ માણસ  કઇ રીતે કહી શકે..? એના મનમાં  ‘એક મુઠ્ઠી ઊંચેરા વિકાસ’ માટે માનની લાગણી બમણી થઇ ગઇ અને અર્થને મળીને એ લોકો ઘરે જવા નીકળ્યાં.

——————————————

બીજા દિવસે સવારે ઇતિ અને વિકાસ અર્થને ઘરે લાવવા માટેની બધી તૈયારી કરીને ઘરેથી નીકળ્યાં.

હોસ્પિટલનું વાતાવરણ આજુ બાજુ વાવેલા વ્રુક્ષો અને એના પર પક્ષીઓના અવાજથી મનોરમ્ય લાગતું હતું.

હોસ્પિટલના રુમનં. ૯ આગળ બે સેકન્ડ ઊભા રહીને ઇતિએ નાટક માટે જાતને તૈયાર કરી લીધી અને વિકાસનો હાથ પકડીને અંદર પ્રવેશી.

પણ આ શું..? સામે જોયું તો પલંગ ખાલી હતો. ઇતિ અને વિકાસને નવાઇ લાગી..અર્થ આટલો વહેલો તો કદી ઉઠતો નથી આજે કેમ આમ?

હશે..આ હોસ્પિટલનુ વાતાવરણ જ એવું હોય છે ને કે ભલ-ભલાની ઊંઘ હરામ કરી નાંખે છે. પણ અર્થ ક્યાં? કદાચ બાથરૂમમાં હશે…ના ત્યાં તો નથી….બહાર જઇને હોસ્પિટલનુ ક્મ્પાઉન્ડ..બગીચો..એકે એક ખૂણૉ એમણે ચેક કરી લીધો..

રાતપાળી કરી રહેલા નર્સ…ડોકટર બધાય નો એક જ જવાબ હતો..હજુ કલાક પહેલાં તો એ અહી જ હતા. રુટીન ચેક અપ…સ્પંજ બધીય વિધિ સમયસર રોજની જેમ જ પૂર્ણ કરાયેલી….તો સવાલ એ હતો કે અત્યારે એ ક્યાં..?

એટલામાં ઇતિની નજરે પલંગમાં ઓશિકા નીચે દબાયેલ એક કાગળનો ખૂણો દેખાયો..

બાજ્ત્વરાથી જ એણૅ એ કાગળ ઓશિકા નીચેથી કાઢ્યો અને એકી સ્વાસે વાંચવા લાગી,

‘પ્રિય…(જો કે આ સંબોધનનો હવે કોઇ અધિકાર નથી જાણું છું…મેં જ મારા કરતૂતોથી એની લાયકાત ખોઇ કાઢી છે..એમ છતાં આજે મન થઈ આવ્યું દિલની વાત કાગળમાં લખવાનું) ઇતિ,

તને નવાઇ લાગતી હશે કે આ વળી અર્થને શું થયું પાછું? કહ્યા કર્યા વગર હંમેશની જેમ  ક્યાં ગુમ? તો સૌ પહેલા તો એક વાત કહી દઊ કે ઇતિ મે તારી અને વિકાસની કાલની વાતો છુપાઇને સાંભળી લીધેલી. મને ખ્યાલ છે કે હું હવે બહુ ઓછા સમયનો મહેમાન છું. હું મારી જીન્દગીનો એ છેલ્લો સમય મારી જાત સાથે એકાંતમાં ગાળવ માંગુ છું. ઇતિ, તને તો ખબર છે ને કે મને કોઇના ટેકાની આદત નથી…હજુ પણ એ સહન નથી થતું.

હા.. કાલે મારી બધી મિલક્તનો હિસાબ લગાવ્યો તો આંકડો ૭૦એક લાખ જેટ્લે પહોંચે છે. જે મારા…સોરી…આપણાં સ્પર્શના ઇલાજ્માં પૂરતા થઇ પડશે.

મેં ઇતિના જીવનમાં કાયમ પારાવાર ખાલીપો જ ભર્યો છે..આજે હું એ ખાલી જગ્યામાં સ્પર્શ નામ લખીને થોડી  જગ્યા પૂરવાનો પ્રયાસ કરું છું..આશા છે તમને મારા આ વર્તનથી  માઠું નહીં જ લાગે.

છેલ્લે જતાં જતાં એક વાત જરુરથી કહીશ કે ઇતિ , વિકાસ બહુ જ સારા માણસ છે. મારા કરતા સો દરજ્જે સારા… એમને જીવનસાથી રૂપે મેળવીને તું બહુ નસીબદાર છું. આપણી વચ્ચે જેવા નાની નાની,મતલબ વગરની વાતોના કડવા ઝેર ફેલાયેલા એવા આ લગ્નજીવનમાં ના ફેલાય એની ખાસ તકેદારી લેજે.

સ્પર્શને મળવાની બહુ ઇછ્છા હતી પણ કદાચ એ નસીબમા નહીં લખાયેલું હોય મારા…એને મારી વતી વ્હાલ કરજો..એને કહેજો..એના પપ્પા દુર દુર એના માટે બહુ બધી ચોકલેટ અને નવી જાતનો આઇસક્રીમ લેવા ગયાં છે..તો એમની રાહ જોજે..રડીશ નહીં..તું રડતો હો એ ડેડીને નથી ગમતુંને…?

ડો. વિકાસ, તમારો આભાર માનવા આ કલમમાં શાહી અને મારા શબ્દો બેય ખૂટે છે..બસ એક વિનંતી..મારી ઇતિ અને સ્પર્શને સાચવી લેજો..

હવે રજા લઊ છું…પ્લીઝ મને શોધવાની કોશિશ ના કરશો..જય શ્રી ક્રિષ્ના.”

અને ઇતિના હાથમાંથી કાગળ છટકીને ભોંય પર પડ્યો..

સમ

 

 

11 comments on “khalipo /ખાલીપો

  1. An extra ordinary story ! A Master piece on relationships between men & women & an innocent child ! The grandmother’s as well as Dr Vikash’s character & courage of conviction are also so well defined & heart warming ! May no child have to be unfortunate like Sparsh !

    Liked by 1 person

  2. ખુબ જ અદ્‍ભુત તથા લાગણીસભર અને વેદના-સંવેદનાથી છલોછલ નવલકથા…આફ્રીન…આ વાર્તામાં કરુણ રસ, પ્રેમ રસ અને શૃંગાર રસનું અદ્‍ભુત મિશ્રણ…સ્નેહા એ અહીં જીવનના અને સંબંધોના ગુઢ રહસ્યો અને પીડાને એકદમ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં રજુ કર્યા છે…તમે એટલી બધી ઊંડાણ પૂર્વક આ વાર્તા લખી છે જાણે કે ફિલ્મ જોતા હોય એવી રીતે વાર્તાના દ્રશ્યો નજર સામે તરવરવા લાગે…તમે મનોચિકિત્સકની સાથે-સાથે ઈન્ટીરિયર ડિઝાઈનર પણ બની ગયા હોય એવું લાગે, કારણ કે આ લેખમાં તમે દરેક વ્યક્તિના મનનાં ભાવ, મનમાં ઉદભવતા વિચારો અને ગડમથલને સચોટ રીતે રજુ કર્યા છે અને એટલી જ બારીકાઈથી ઘર સજાવટ (ઈન્ટીરિયર ડિઝાઈન) ની બાબતનો ઉલ્લેખ પણ કરેલો છે…અહીં જીવન અને સંબંધમાં આવતા ચડાવ-ઉતાર ને તમે બખુબી વર્ણવી લીધા છે…જીવનમાં આવતી મુશ્કેલીઓનો ખુબ જ ધીરજ અને હિંમતથી સામનો કરવો પડે છે તે ખુબ સરસ રીતે સમજાવ્યું…જીવનમાં ખાલીપો સર્જાય ત્યારની મનુષ્યની મનોસ્થિતિનું જોરદાર વર્ણન અને ત્યારે જીવન અને સંબંધમાં કેવો શૂન્યાવકાશ સર્જાય છે તેની સચોટ રજુઆત…અહમ અને જીદ માણસના જીવન તથા સંબંધને કેટલી હદે ડામાડોળ અને વેરાન કરી નાખે છે તેનો યોગ્ય ઉલ્લેખ…અહીં તમે માણસનો દેખાવ, તેનું સૌંદર્ય, તેનો પહેરવેશ અને એના ઉપરથી તેનો સ્વભાવ તથા વાતાવરણ, જગ્યા અને વસ્તુનું ખુબ જ જીણવટ ભર્યું વર્ણન કર્યુ છે…ઈતિની એક પત્ની અને માં તરીકેની પ્રેમ, લાગણી અને પીડાને કેટલી ભાવસહિત દર્શાવી છે…ઈતિ અને સ્પર્શ આ માં-દિકરાના પ્રેમને તમે ખુબ જ લાગણીથી મઠાર્યો છે…વિમળાબેન અને ઈતિનો સંબંધ સાસુ-વહુનો હોવા છતા બંને માં-દિકરીની જેમ રહેતા હોય છે, જે સમાજને થોડામાં ઘણું સમજાવી જાય છે…એવી જ રીતે ઈતિ અને વિકાસની લાગણી, પ્રેમ અને અસંમજસના ભાવને પણ સરસ રીતે રજુ કર્યા છે…તમે ઘણીબધી અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઈતિના સૌંદર્યનું મનમોહક વર્ણન કર્યું છે…જેમાં ભાવકને ઈતિમાં પોતાની અતિ પ્રિય વ્યક્તિનો ચહેરો નજર સામે તરવરવા લાગે…અહીં લાગણીના ઘોડાપુરમાં ભાવક પોતે ભાવુક બની જાય એટલી ઉમદા અને દિલથી રજુઆત કરી છે…તમે એક સ્ત્રી છો માટે સ્ત્રીની મુંઝવણ, તેની માનસિક અને શારીરિક પીડાને સારી રીતે સમજી શકો પણ તમે અહીં એક પુરુષની એટલે કે અર્થ કે જેને પોતાની પત્ની ઈતિને હેરાન કરીને છુટાછેડા આપી દીધા ત્યારપછી તેને તેની ભુલનો અહેસાસ થાય છે અને એને પસ્તાવા સાથે પીડા થાય છે ત્યારે એની મનોસ્થિતિને તમે આબાદ રીતે રજુ કરી છે અને સાથે ઈતિ પ્રત્યેના વિકાસના મનમાં રહેલી લાગણી અને દરકારને ભાવપુર્વક રજુ કર્યા છે, જે ખરેખર કાબીલેદાદ છે…અર્થે પોતાની પત્ની ઈતિને તરછોડી દીધી ત્યાર પછી એની અને એના પ્રેમની ગેરહાજરી વર્તાણી અને એના ઘર-પરિવારને જે પ્રેમથી, હુંફથી સંભાળી લેતી એની કદર થઈ પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને સમય વીતી ચુક્યો હતો, સમય થોડો કોઈની માટે રોકાય છે એતો સતત વહેણની જેમ વહ્યા જ કરે છે (વહેણ પણ ક્યારેક સુકાઈ જતા હશે પણ સમય માણસને સુકવી નાખે છે)…એટલે રાંડ્યા પછીનું ડહાપણ નકામું…પછી પસ્તાવા સિવાય જીવનમાં કશું રહેતું નથી…એટલે સમયસર ચેતી જવું, જે સમાજને એક ચેતવણી આપી જાય છે…પતિ-પત્નીએ એકબીજા સાથે હંમેશા વફાદાર અને પ્રામાણિક રહેવું, ક્યારેય એકબીજા સાથે દગો ન કરવો કે રમત ન રમવી, કારણ કે એનું પરિણામ હંમેશા ખરાબ જ આવે અને પછી જ્યારે કુદરત માણસ સાથે રમત રમે ત્યારે તેની શું હાલત થાય છે તે આ વાર્તામાં અર્થ ની સ્થિતિ પરથી ખ્યાલ આવી જાય…પછી તે સ્ત્રી હોય કે પુરુષ…
    અર્થ ને થતો અનુભવ – જેનો તમે એકદમ વાસ્તવિક ચિતાર રજુ કર્યો છે…
    “પણ આજે પોતે આ કયા કર્મોની સજા ભોગવી રહ્યો હતો..?
    એની નજર સામે પિકચરની રીલ પટ્ટીની જેમજ ઇતિની માંદગી…એની સાથેનું પોતાનું વર્તન તાદ્ર્શ્ય થઇ ગયું અને છેલ્લે એણે મોનાની સાથે પણ જે ખરાબ વ્યવહાર કરેલો એનુ ભાન થયું…
    મોત એક કડવી વાસ્તવિકતા છે…એ નજર સામે હોય એટલે ભલ ભલા ભડવીરોને પણ પોતાની જિંદગીના સારા-નરસા કાર્યો, ન્યાય-અન્યાય બધુંય એક પળમાં યાદ કરાવી જાય છે”…
    આ નવલકથા લખવા માટે તમે ખુબ જ દિલથી મહેનત કરી છે તે સ્પષ્ટપણે દેખાય આવે છે…અહીં તમે આટલી પીડાદાયક વાર્તા લખી છે તેને લખવા માટે દિલ નિચોવી નાખવું પડે અને દિમાગને વલોવી નાખવું પડે ત્યારે આ “ખાલીપો” નામની વાર્તાનું સર્જન થાય અને એક સર્જકને પણ આ સર્જનનો થાક લાગે પણ પછી સારી રીતે વાર્તા લખાયાનો આનંદ બધો થાક ઓગાળી નાખે છે…કેટલું બધું લખી નાખ્યું તમે…મારા ખ્યાલથી તમે આટલી લાંબી વાર્તા (27 ભાગ) કદાચ પહેલી વાર લખી હશે, કારણ કે આ પહેલા મેં ક્યારેય તમારી આટલી મોટી વાર્તા નથી વાંચી…”ખાલીપો” વાર્તા વાંચીને નામ પ્રમાણે જ વાંચક પોતે પણ દુઃખ અને ખાલીપો અનુભવે…વાર્તાનો અંત સુખદ પણ છે અને દુઃખદ પણ…
    તમારી (“સ્નેહા પટેલ – અક્ષિતારક” ની) આ અદ્‍ભુત અછાંદસ રચના એ આ “ખાલીપો” નવલકથાનો સારાંશ કહી જાય છે…જેમાં ઈતિની પીડા અને પ્રેમ બંને પ્રગટ થાય છે…
    તને ખબર છે…
    મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા…
    અને
    તને મળવાની તીવ્ર ઝંખના છતાં
    મિલનની આઘે ઠેલાતી પળો…
    નિરર્થક કોશિશો…
    હવાતિયાં જેવું જ કશુંક…
    એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!
    એ બેય મારા હૈયે ક્યારેય ના પૂરી શકાતો
    અંધકારના કાળા ડિબાંગ સમો,
    છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,
    સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,
    ખાલીપો જ ભરતો જાય છે…

    Liked by 2 people

  3. લાગણીને શબ્દોમાં આટલી સહજ, સરળ અને અદ્‍ભુત રીતે લખવી કે વ્યક્ત કરવી કે મઠારવી એ સહેલી વાત નથી પણ સ્નેહાએ એ કરી બતાવ્યું એ એનું લખાણ પ્રત્યેનું સમર્પણ, જુનૂન, વિચારશક્તિ, મહેનત અને કાબેલિયત પ્રગટ કરે છે…સ્નેહા એ આ વાર્તાનું કોઈ એક પાત્ર (જેમકે ઈતિ નું) જ નહીં પણ જાણે કે દરેક પાત્રને જીવી જાણ્યા હોય એટલા સુંદર અને સચોટ રીતે રજુ કર્યા છે એની આ સાબિતી છે…આ કંઈ ખાવાના ખેલ નથી, એની માટે કાલ્પનિક પાત્રોને દિલોદિમાગથી જીવવા પડે છે અને એની પીડા અને થાક પણ સહન કરવો પડે છે, ત્યારે આવી “ખાલીપો” નામની વાર્તાનું સર્જન થતું હોય છે…સ્નેહા મોટાભાગે વાર્તામાં પીણા તરીકે “ચા” નો ઉલ્લેખ જ કરતી હોય છે પણ આ વાર્તાની જરૂરીયાત મુજબ ચા, કોફી, જ્યુસ અને શરાબ નો પણ ઉલ્લેખ કર્યો છે…વ્યસન થી દુર રહેવું કારણ કે વ્યસન માણસને શારીરિક, માનસિક, અને આર્થિક રીતે તો ખોખલો કરી જ નાખે છે સાથે સામાજિક દ્રષ્ટિ એ પણ ખરાબ ચીતરે છે એવો સરસ મજાનો સંદેશો પણ આપી જાય છે…સ્નેહાની ઘણી બધી વાર્તાઓ વાંચી છે પણ આ બધાથી કંઈક અલગ, વિશેષ અને સર્વોત્તમ છે…આવું “બેસ્ટ ઓફ ધ બેસ્ટ” સર્જન કરવા બદલ સ્નેહાને ખુબ ખુબ અભિનંદન…બસ વધુ તો શું કહું, કેમ કે ઉપરની કોમેન્ટમાં ઘણુંબધું કહી દીધું છે…
    આ વાર્તા પરથી તો સરસ મજાની ફિલ્મ બની જાય એમ છે…હવે આ વાર્તાના અંતમાં આ મુજબની પરિસ્થિતિ છે…
    અર્થ ને પોતાની બિમારીનો ખ્યાલ આવતા તે હવે થોડા દિવસોનો જ મહેમાન છે તે જાણ્યાં પછી તે હોસ્પીટલના પલંગમાં ઓશિકા નીચે ઈતિ માટે લખેલો કાગળ મુકીને ક્યાંક દુર ચાલ્યો જાય છે અને એ કાગળ ઈતિ એ વાંચી લીધા પછી હાથમાંથી નીચે પડી જાય છે…અને હવે ફિલ્મી સીચ્યુએશન મુજબ છેલ્લા સીનમાં અર્થને બધાથી દુર જતો બતાવવામાં આવે છે અને હિન્દી ફિલ્મ “નમસ્તે લંડન” (2007) નું બેકગ્રાઉન્ડ ગીત વાગતું હોય છે…જેને અર્થ પોતે ઈતિ માટે ફિલ કરતો હોય છે…

    मैं जहाँ रहूँ, मैं कहीं भी हूँ, तेरी याद साथ है
    किसीसे कहूँ के नहीं कहूँ, ये जो दिल की बात है
    कहने को साथ अपने एक दुनिया चलती है
    पर चुपके इस दिल में तन्हाई पलती है
    बस याद साथ है …
    कहीं तो दिल में यादों की इक सूली गड़ जाती है
    कहीं हर एक तस्वीर बहोत ही धुंदली पड़ जाती है
    कोई नई दुनिया के नये रंगो में खुश रहता है
    कोई सब कुछ पाके भी यह मन ही मन कहता है
    कहने को साथ अपने एक दुनिया चलती है
    पर चुपके इस दिल में तन्हाई पलती है
    बस याद साथ है …
    कहीं तो बीते कल की जड़े, दिल में ही उतर जाती है
    कहीं जो धागे टूटे तो, मालायें बिखर जाती हैं
    कोई दिल में जगह नई बातों के लिये रखता है
    कोई अपनी पलकों पर यादों के दिये रखता है…
    कहने को साथ अपने एक दुनिया चलती है
    पर चुपके इस दिल में तन्हाई पलती है
    बस याद साथ है …
    – जावेद अख्तर (Film : Namastey London – 2007)

    Liked by 2 people

  4. wow…wonderful philosophy of love…bravo Sneha…
    “ખાલીપો : ભાગ – ૧૦”… કાશ, પ્રેમ જ્યારે પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે માનવી જીવનમાં એ સ્થિતી કાયમ રાખવા ‘પોઝ’ નું બટન દબાવી શકતો હોત તો..!
    તો કદાચ માનવીને આંસુ, દુઃખ, વેદના, વિરહ એ બધા સંવેદનોની ઓળખ જ ના હોત અને સુખનો અતિરેક માણતા માણતા માનવી કદાચ છકી જાત. પ્રેમ સાવ આસાનીથી મળતા હવા – પાણી જેવો મામૂલી જ લાગત. ‘પોઝ’ ના બટનને દબાવ્યા પછી પ્રેમ બારેમાસ, ચોવીસ કલાક ધોધમાર વરસતો જ રહે, વરસતો જ રહે…કોઇ જ દુકાળ – કમી ના પડે, તો કદાચ માનવીને પ્રેમની આટલી કિંમત ના સમજાત. પ્રેમ સાથે વિરહની વેદનામાં તરસવું, માલિકીભાવથી પીડાતા પીડાતા બળતા અગ્નિમાં કુદી પડવા જેવી લાગણી અનુભવવી, વળી પાછા પ્રિયના પ્રેમમાં ભરપૂર ભીંજાવું…આ બધી સ્થિતી ઉપરવાળાએ કદાચ બહુ સમજી વિચારીને – ગણતરીઓ કરીને નક્કી કરી લાગે છે. એને ખબર છે કે ‘પોઝ’ ની સ્થિતીમાં તો માનવી એક જ જગ્યાએ સ્થિર થઈને ઉબાઈ જશે, અટકી જશે અને કદી પ્રગતિ નહી કરી શકે. કશું નવું શીખી નહી શકે, કોઈ નવી સ્થિતીને અનુકૂળ થતા પણ નહી શીખે અને છેલ્લે એક દિવસ સુખના વમળોમાં ઘેરાઈ ઘેરાઈને ગોળ ગોળ ઘૂમરીઓ ખાતો ખાતો ડચકાતો ડચકાતો ત્યાં જ ડુબી જશે, એટલે જ એણે એના રિમોટમાં ‘પ્લે’ જેવી જ સહુલિયત આપી છે. ના ‘રિવાઈન્ડ’ કે ના ‘પોઝ’… બસ, જીવનના અવિરત પ્રવાહમાં વહેતા જ રહો અને એને અનુકૂળ થતા શીખો, ના શીખી શકો તો મધ-દરિયે ડૂબી જાઓ. નાક દબાય ત્યારે જ મોઢું ખૂલે. વાહ રે પ્રભુ તારી લીલા અપરંપાર..!
    અને…
    “ખાલીપો : ભાગ-૬” માં ઈતિની અર્થ પ્રત્યેની વિરહની વેદના, પ્રેમ અને મુંઝવણ ને અદ્‍ભુત રીતે વ્યક્ત કરી છે…
    ” હું તને સહેજ પણ નફરત નથી કરી શકતી
    ઊલટાનું એ પ્રયત્નોમાં પ્રેમ વધતો જાય છે.
    તારા માટે પ્રેમ વધે એ તો કેમ પોસાય…?
    કારણ તું તો હવે મારાથી દૂર – સુદૂર વસી ગયો છે ને…
    તને નફરત કરીશ તો કોઇ પર વિશ્વાસ નહીં મૂકી શકું, કોઇને પ્રેમ નહીં કરી શકું… (what a philosophy of love & trust..! well done)
    વિશ્વાસ… પ્રેમ.. નફરત.. હાય રે…!!!
    આ બધા ચક્કરો શું મારો જીવ લઇને જ જંપશે કે શું..?”

    Liked by 2 people

  5. ખુબ સરસ વર્ણન… મને તો એવું જ લાગ્યું કે શું આ મારી જ કથની નથી ને!!! મારા હૃદયને સ્પર્શી જાય એવું જ છે. ઈતિને મેં મારી જાતમાં જ ગણી લીધી છે. મતલબ ઈતિ ઇસ લાઇક ધ્રુવી. સાચું તમે જે પણ કહાની લખો છો એ ક્યાંક મને જ સ્પર્શે છે.

    ~D.J

    Liked by 1 person

  6. This is awesome! I was feeling lonely and entered my feelings on google and found “Khalipo” read it in one shot, that too in office hours and my god.. this narration is way beyond then anything… it seems like i am living life of Iti … ! 3 cheers for your writing skills Sneha Patel.!! 🙂

    Liked by 1 person

Leave a comment