સપનાનો અસબાબ !


 

એકલો ઊગે નહીં તો શું કરે?

આ સુરજને કંઈ નથી ઘરબારમાં.

-અંકિત ત્રિવેદી.

 

‘રીયા, તું કેવી આળસુ છું ! સ્કુલમાંથી ત્રણ દિવસ માટે આબુ ટ્રેકિંગમાં લઈ જાય છે અને તું છે કે જવાની ના પાડે છે ? નસીબવાળી છું કે આમ ફરવા મળે છે બાકી અમારા સમયમાં તો અમને વન ડે પીકનીકમાં ય જવા નહોતું મળતું.’ પરિમીતા હાથમાં કટકો લઈને ઘરનું ફર્નિચર ઝાપટતાં ઝાપટતાં એની દીકરીને ય શાબ્દિક ઝાપટતી જતી હતી.

‘ઓહ કમ ઓન મમ્મા, આ શું પાછા સવાર સવારના ‘અમારો સમય ને તમારો સમય’ની રામાયણ લઈને બેસી ગયા છો ? શાંતિથી ઉંઘવા દ્યો ને. માંડ હમણાં જ ‘હાફ યર એક્ઝામ’ પતી છે થોડો થાક તો ઉતારવા દો.’

‘તું તારે ઉંઘ્યા જ કર આખી જિંદગી. કાલે ઉઠીને સાસરે જઈશ ત્યારે શું થશે કોને ખબર ? આમ ને આમ ઉંઘતી રહી ને તો તારું નસીબ પણ ઉંઘતું જ રહેશે છોકરી, કહું છું હજી સમય છે સુધરી જા.’

હવે રીયાનો પિત્તો ગયો. એક હાથે ઓઢવાનું બાજુમાં ઉછાળીને વાળ ઝાટકતી પથારીમાં બેસી ગઈ.

‘મમ્મી, શું છે તમારે ? હું સોળ વર્ષની સમજદાર છોકરી છું. મારે શું કરવું ને શું નહી એની પૂરેપૂરી સમજ છે મને. જ્યાં નથી સમજ ત્યાં આપને કે ડેડીને જરુરથી પૂછીશ. પણ તમે મતલબ વગર સવાર સવારમાં મને આમ લેકચર ના આપો. સ્કુલમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આબુ લઈ જાય છે અને હું જઉં છું. આ વખતે કોઇ જ મિત્ર નથી જવાના તો મૂડ નથી જવાનો..દેટ્સ ઇટ. આમાં વાતને રબરની જેમ આટલી ખેંચવાની ક્યાં જરુર છે ? ‘

પરિમીતાનો અવાજ થોડો ઢીલો પડી ગયો.

‘દીકરા, તારા જેવડી હતી ત્યારે મને આમ બહારગામ જવાનો બહુ શોખ પણ ઘરની આર્થિક પરિસ્થિતીને વશ થઈને મને આપણા શહેરમાં ય મન મૂકીને ફરવા નહતું મળતું. મારો એ હરવા ફરવાનો શોખ લગ્ન પછી પણ તારા પપ્પાની વારંવાર છૂટતી રહેતી નોકરી અને અનિસ્ચિત આવકના કારણે પૂરો નથી થયો. આમ ને આમ પીસ્તાલીસ તો પૂરા થઈ ગયાં હવે તો એ શોખ પણ જાણે મરી ગયો છે પણ તને જોઇને એમ થાય કે મારી દીકરીને મારે આમ સબડવા નથી દેવી એટલે તો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરી કરીને ય તને આમ પીકનીક અને બહેનપણીઓ સાથે બહાર ફરવાનું પ્રોત્સાહન આપું છું. દરેક મા બાપને પોતાના સપનાની અને ના જીવી શકાયેલ જિંદગી એના સંતાનોને આપવાની ઇચ્છા હોય જ. પણ જવા દે, તું નહીં સમજે આ વાત. તું જ્યારે મા બનીશ ને ત્યારે જ તને એક મા ની લાગણીની કદર થશે.’ ને પરિમીતાની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યાં.

વાત ગંભીરતાના પાટે જઈ રહી હોવાની જાણ થતાં જ રીયા પથારીમાંથી ઉઠી પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને મોઢું ધોઈ, કોગળા કરીને પરિમીતાની પાસે બેઠી. પરિમીતાનો હાથ હાથમાં લઈને બોલી,

‘મમ્મા, પ્લીઝ કૂલ ડાઉન. હું તમારી લાગણી સમજુ છું પણ તમે આ વાતને જેટલી સંવેદનશીલતાથી લો છો એટલી એ લેવાની જરુર નથી. આ તમારો સ્વભાવ તમારી જિંદગીના દસ વર્ષ ઓછા કરી નાંખશે. તમારી ઉંમર જ શું થઈ છે કે તમે આમ તમારી જિંદગી મારામાં જીવવાનું વિચારો છો ? તમારા શોખ – ઓરતાં પૂરા કરવાને એક ડગલું તો ભરો પછી જુઓ મંઝિલ કેટલી દૂર છે !’

‘હવે આ ઉંમરે પ્રેશર, ઘૂંટણની તકલીફ, ઉંઘની તકલીફ…આ બધા રોગો લઈને ક્યાં ફરવા જઉં બેટા ? વળી તારા ડેડીને તો સહેજ પણ સમય નથી, બહાર જવાનું તો વિચારાય જ કેમ ?’

‘મમ્મી, તમે વર્ષોથી મને આત્મવિશ્વાસની જે ઘુટ્ટી પાઈ છે એ તમે કેમ નથી શીખતા ? દરેક સંજોગો સામે લડવાનું, એકલા બિન્દાસ્ત પોતાની જાતને સુરક્ષિત રાખીને કેમ ફરી શકાય એના બધા પાઠ તમે મને આટલી ઉંમરમાં શીખવ્યા છે તો તમે એ કેમ અમલમાં નથી મૂકતાં? પપ્પા ના આવે તો કંઈ નહીં, મારા માટે જે પૈસા ભેગા કર્યા છે એ તમે તમારા ફરવા માટે વાપરો. મને કોન્ફીડન્સ આપનારી મારી માતામાં આત્મવિશ્વાસની કોઇ કમી હોય એવું હું સહેજ પણ નથી માનતી.મારી સામે તો હજુ આખી જિંદગી પડી છે શકયતાઓની. પણ તમે તમારી શક્ય છે એ જિંદગી જીવવાની શરુઆત ક્યારે કરશો ? મમ્મી, દરેક મા બાપ પોતાના અધૂરા સપના એમના સંતાનોમાં પૂરા કરવા ઇચ્છતાં હોય તો સામે પક્ષે દરેક સંતાન પણ એમના પેરેન્ટ્સને એમના ખુદના સપના સાકાર કરીને ખુશીથી જીવતા જોઇને આનંદ પામી શકે એવું કેમ નથી વિચારતા ? ચાલો હું ઓનલાઈન તમારા માટે શ્રીનાથજીની જવાની ને આવવાની બે ય ટિકિટ બુક કરાવી લઉં છું, તમે બેગ તૈયાર કરો.રહી પપ્પાની વાત. તો પપ્પાને તો તમારા કોઇ જ નિર્ણય માટે કદી કોઇ જ વાંધો નથી હોતો.’

‘રીયુ, હું એકલી તો કેટલાંય વર્ષોથી આપણા શહેરની ય બહાર નથી ગઈ. આમ એકલાં એકલા ટ્રાવેલિંગ , નવું શહેર…ના ના, મને ના ફાવે. વળી મને તો રસ્તા યાદ રાખવાની ય તકલીફ, આપણું શહેર હોય તો ગમે એને પૂછીને પાછી આવી શકું પણ બીજા શહેરમાં કેમનું પહોંચી વળાય ?’

‘મમ્મી, હું તમને ગુગલ પરથી મેપ ડાઉનલોડ કરીને આખા રૂટની પ્રીન્ટ કાઢી આપીશ. તમારી પાસે તમારો એન્ડ્રોઈડ ફોન છે, જવા આવવાની ટિકીટ છે ને પૂરતા પૈસા છે, પ્રોબ્લેમ ક્યાં છે ? મમ્મી, એક ડગલું જ ભરવાનું છે તમારે. જેમ તમને તમારી પરવરીશ પર ગર્વ છે, વિશ્વાસ છે એમ મને પણ મારો આવો તંદુરસ્ત ઉછેર કરનારી મારી મા ઉપર મારા કરતાં ય વધુ વિશ્વાસ છે. કમ ઓન…ચાલો આજે હું ચા બનાવું છું ત્યાં સુધી તમે સોફા પર બેસીને શાંતિથી વિચાર કરો.’

સોફા ઉપર સૂનમૂન થઈને બેઠેલી પરિમીતાના મગજમાં ઢગલો વિચારોના વાવાઝોડાં ફૂંકાઈ ગયા. જીવાઈ ગયેલ જીવનના, અધૂરા રહી ગયેલા ને દબાઈ રાખેલા સપનાંઓમાં આજે એની યુવાન દીકરીએ ફૂંક મારી દીધી હતી અને છેવટે ભય, આશંકાઓ ઉપર સંતાનના વ્હાલનો વિજ્ય થયો અને આગ પ્રજવલ્લિત થઈ ગઈ.

અનબીટેબલ ઃ સપનાં પર બાઝેલાં ઝાંઝવાને દૂર કરવા થોડી હિંમતના શ્વાસ જોઇએ, વધુ કંઇ નહી !

 

-sneha patel