phoolchhab newspaper > navrash ni pal column > 29-04-2015
જાતને વાદળ બનાવી રાખવી,
કોણ જાણે, કોઇ ક્યારે તરફડે !
-નેહા પુરોહિત.
‘ક્યારનો ફોન કરું તો ઉપાડતો નથી વળી મેસેજીસના ય રીપ્લાય આપતો નથી ! નવાઈનો જાણે એ જ આખી દુનિયાનો વ્યસ્ત છે. સાવ જુઠ્ઠાડો છે; આ બધાની વાતો પર વિશ્વાસ કરાય જ નહીં.’વત્સલના અવાજનો પારો એની તીવ્રતમ સપાટીને સ્પર્શતો જતો હતો.
‘શું થયું બેટા ? કેમ આટલો બધો ગુસ્સો ?’ વત્સલની સામે બેઠેલા વયસ્ક રવિભાઈએ હાથમાં પકડેલા અખબારની અને આંખે પહેરેલાં બેતાલાના ચશ્માની ઉપલી સપાટીએથી નજર વત્સલના મુખ પર ઠેરવી. વત્સલના મોઢા ઉપર અણગમાની છાયા પ્રસરેલી હતી જે સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.
‘અરે આ અજય – મારા ધંધાની નવી પાર્ટી – એ મારો ફોન જ નથી ઉપાડતો. મારે આજે મારા કારીગરોને પગાર ચૂકવવાનો છે અને એના માટે પૈસાની તાતી જરુર છે. આજે એણે મને પેમેન્ટ કરવાનું હતું તો મને એમ કે હું એ પેમેન્ટમાંથી મારી ચૂકવણીઓ પતાવી દઈશ. અજયે મને આજની તારીખે ચેક આપી દઈશ એવો વાયદો કરેલો અને આજે જુઓ…ફોન જ નથી ઉપાડતો.’
‘ફોન ના ઉપાડે એટલે આટલી બધી ગાળો ? બની શકે કે એ સાચે કોઇ કામમાં ફસાયેલો હોય ?’
‘અરે પપ્પા, તમે આ બધાને ઓળખતાં નથી. આની પહેલાં પેલા સુબ્રતોની વાત તો તમે જાણો છો જ ને ? એક તો ક્રેડિટથી માલ વાપરે અને પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં. સાવ જાડી ચામડીના જ બનેલા હોય છે આ બધા. મેં એને ચડેલા બિલો પર વ્યાજ લેવાની ધમકીઓ પણ આપેલી પણ એ કાળિયાને એની કોઇ જ અસર ક્યાં થતી હતી ! કંટાળીને આપણે એની સાથે ડીલીંગ જ બંધ કરી દીધું. હજુ આજની તારીખમાં એની લેણી નીકળતી રકમમાંથી માંડ સીત્તેર ટકા જ નીકળી શકી છે. બાકીની ત્રીસ તો આવશે ત્યારે હવે. એ સુબ્રતો પણ હું જ્યારે ફોન કરું ત્યારે આવા ગલ્લાં તલ્લાં જ કરે. ફોન સ્વીચ ઓફ હતો, હું મીટીંગમાં હતો, મારે બહારગામ જવાનું છે, બીજી પાર્ટીને પેમેન્ટ આપવાના છે, મારે ય પૈસા ફસાયેલા છે મન થાય છે કે નાદારી જ નોંધાવી દઉં..વગેરે વગેરે.ત્રીસ ટકાની રકમ તો માંડી વાળવાનો જ વારો આવશે કદાચ. ‘
‘પણ એમ ના બને કે આ તારો કોણ…હા; અજય, એ સાચે ફોન ના લઈ શકે એવી સ્થિતીમાં હોય ?’
‘મારા ધંધામાં મારે રોજ રોજ આવા ‘ફોન ના ઉપાડવા કે મેસેજીસના જવાબ ના આપવા’ જેવી વર્તણૂકનો સામનો કરવાનો આવે છે. હવે હું આ બધી રીતોથી પૂરેપૂરો પરિચીત થઈ ગયો છું. મને આવા કોઇના જવાબ પર વિશ્વાસ જ નથી આવતો .’
‘દીકરા, તું થોડો વધુ પડતો નેગેટીવ થઈ ગયો છે એમ નથી લાગતું ? આ અજય સાથે તો તારું પ્રથમ ડીલીંગ છે, સાવ નવો નવો છે. એની રીતભાતથી ય તું પૂરતો પરિચીત નથી. પેલા સુબ્રતોએ દગો કર્યો એનો અર્થ એમ થોડો કે અજય પણ એવું જ કરશે ?’
‘પપ્પા, આજના જમાનામાં પૈસા લેવામાં સૌ એક્કા છે પણ પૈસા કાઢવાના હોય ત્યારે બધા એક સરખાં જ થઈને ઉભા રહે છે. વિશ્વાસ જેવી મહામૂલી મૂડી આવા લોકો પર ના વેડફાય.’
‘જો તને વિશ્વાસ જ નથી તો લોકોને આમ ક્રેડિટ પર માલ શું કામ આપે છે ? એડવાન્સ પૈસા જ લઈ લે ને .’
‘અરે..આજના હરિફાઈના જમાનામાં એ વાત શક્ય જ નથી. ક્રેડિટ ના આપીએ તો પાર્ટી બીજા સપ્લાયરને પકડી લે. ક્રેડિટ પર માલ આપવો એ મજબૂરી છે.’
‘ઓકે..તો તું માલ ક્રેડિટ પર લે. એથી તારા પૈસા ઓછા ફસાશે.’
‘એ પણ શક્ય નથી. આજકાલ આપણે જે માલ વાપરીએ છીએ એની તંગી રહે છે જેથી કેશ પેમેન્ટ પર જ એ માલ ખરીદવો પડે છે.’
‘ઓહ, તારી હાલત હું સમજી શકું છું બેટા. પણ એક જણ વિશ્વાસ તોડે એટ્લે બીજા પર અવિશ્વાસ રાખવો એ તો આપણી નબળાઇનું પ્રતિક કહેવાય. વળી વિશ્વાસ વગર તો આપણે કોઇ જ કામ ના શ્રી ગણેશ કરી જ ના શકીએ. હા બને એટલી કાળજી અવશ્ય રાખવાની અને એ તો આપણે રાખતાં જ હોઇએ છીએ. બાકી આ અવિશ્વાસ તો ઝેર સમાન હોય છે. એની છાયામાંથી બહાર નીકળ ને વિશ્વાસના શ્વાસ લે. થોડી ધીરજ રાખ મારું દિલ કહે છે કે અજયનું પેમેન્ટ સમયસર આવી જ જશે.’
‘પપ્પા, એવી સૂફિયાણી વાતો પર ધંધા ના…’ વત્સલ હજુ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં દરવાજાની ઘંટી વાગી અને વત્સલ દરવાજો ખોલવા ગયો. દરવાજો ખોલતાં જ એનું મોઢું અચરજથી પહોળું થઈ ગયું. સામે હસતા વદનવાળો અજય ઉભો હતો,
‘હાય વત્સલભાઈ, સોરી મારે થોડું મોડું થઈ ગયું. એકચ્યુઅલી હું આ બાજુ જ નીકળતો હતો તો થયું કે લાવ હું જ તમને ચેક પહોંચાડી દઉં. ખાલી ખોટ્ટું તમને મારી ઓફિસે ક્યાં ધક્કો ખવડાવું ? તમે આમ પણ દસ વાગ્યા સુધી તો ઘરે હોવ છો એનો મને ખ્યાલ હતો. તો હું જાતે જ અહીં હાજર થઈ ગયો. નીચે પાર્કિંગમાં સ્કુટર પાર્ક કરતાં ખીસ્સામાંથી ફોન કાઢ્યો તો આપના મેસેજીસ ને ફોન જોયા પણ સોરી, હું ટ્રાફિકમાં હતો તો મને ખ્યાલ જ ના રહ્યો. આ લો તમારા એંસી હજારનો ચેક અને તમને બીજી ડીલમાં થોડી સરળતા રહે એથી આ બીજો પચાસ હજારનો એડવાન્સ ચેક ! અમને તમારા માલની ક્વોલિટી બહુ જ ગમી અને બીજો માલ તૈયાર થાય એટલે સમયસર ડિસ્પેચ કરાવી દેશો.’
‘અજયભાઈ, અંદર તો આવો. જરા ચા – બા..’
‘ના ના. મારે બહુ જ મોડું થાય છે. ચા ઉધાર રહી .’ કહીને મીઠું મરકતાં અજય ત્યાંથી નીકળી ગયો.
અને વત્સલ હાથમાં બે ચેક લઈને સામે ઉભેલા રવિભાઈની સામે જોઇ જ રહ્યો. એની પાસે બોલવા જેવું કશું ય બચ્યું જ ક્યાં હતું !
અનબીટેબલ ઃ ઘણી વખત બીજો ગાલ ધરવાથી વ્હાલ પણ મળે છે