નીતિ અને ધર્મ.


phoolchhab newspaper – janmabhumi group – navrash ni pal column – 4-03-2015
જીવતો માની ના બાળ્યો કે ના દાટ્યો, કઇ કર્યુ ના,
ને મરેલો હું પડ્યો’તો શ્વાસના દરિયાકિનારે.

– દિલીપ શ્રીમાળી.

ઘડિયાળમાં  નાનો કાંટો દસ અને મોટો બારને સ્પર્શતાં જ ભાર્ગવ ઘરેથી ઓફિસ જવા નીકળ્યો. આ એનો રોજિંદો નિયમ ! એને પ્રેમભરી વિદાય આપીને સોનલ નેપકીન વડે હાથ લૂછતી લૂછતી સોફા પર બેઠી. સવારના સાડા છની ઉઠેલી તે માંડ અત્યારે થોડો પોરો ખાવાનો સમય નીકળતો. હમણાં કામવાળી આવશે એટલે આ શાંતિનો શ્વાસ પાછો કામની ધમણમાં કેદ ! રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું, સોફા પર પડેલું ન્યૂઝપેપર હાથમાં લીધું, એક ન્યૂઝ વાંચતા વાંચતા મોબાઈલ હાથમાં લીધો. ત્યાં તો એની નજર સામે લેપટોપ આવ્યું. ઉભી થઈને લેપટોપ લઈને એ ખોલ્યું. એક સાથે કેટલા નિરાંતના શ્વાસ ફેફસામાં ભરી લેવા હતાં ! માંડ મળતો હળવાશનો સમય કેવી રીતે પસાર કરવો એ વિશે સોનલ કાયમ અવઢવમાં પડી જતી. છેલ્લે એનું ધ્યાન લેપટોપમાં નેટ સર્ફિંગમાં ચોંટી ગયું. રુમમાં પંખાના પવનમાં અધખુલ્લાં છાપાંના પાના આમથી તેમ ફરફરવા લાગ્યાં, મોબાઈલનો સ્ક્રીન એની જાતે જ સમય થતાં ઓફ થઈ ગયો અને ટીવીમાં ફિલ્મી ગીતોની ધમાલ ચાલતી હતી. આ બધાથી બેખબર થઈને સોનલ તો નેટ સર્ફિંગમાં ડૂબી ગઈ. ત્યાં જ ડોરબેલ રણકી અને ફુરસદની એ સુંદર પળોમાં ખલેલ પડ્યો. થોડાં નારજગીના ભાવ સાથે સોનલે લેપટોપ બાજુમાં મૂકી અને દરવાજો ખોલ્યો . જોયું તો સામે સાવ સસ્તા કપડાંમાં વીંટળાયેલ એક મજૂર જેવી લાગતી સ્ત્રી.
ઓહ, આ તો રમીલા. સોનલની કામવાળી બાઈ કશું જ કહ્યા કર્યા વગર ગામડે જતી રહેલી અને સોનલને એના વગર ઘર ચલાવવામાં નવના તેર થઈ જતાં હતાં. એક દિવસ મંદિર જતા આ બાઈ દેખાઈ અને સોનલ એને છૂટક કામ કરવા રાજી કરી લીધી. એ સ્ત્રી પણ મુસીબતની મારી હતી. પ્રેમથી ને દિલ દઈને સોનલનું નાનું મોટું ચીંધ્યું બધું જ કામ કરી આપ્યું હતું. આજે સોનલની કામવાળી બાઈ આવી જતાં આ એનો હિસાબ કરવા આવી હતી.એક છૂટક કામના ત્રીસ રુપિયા પ્રમાણે રમીલાનો પગાર છસ્સો રુપિયા પૂરો થતો હતો. પણ રમીલા કશું બોલે એવી નહતી તો ભલે ને થોડાં ઓછા પૈસા આપીએ. એ તો હમણાં જ એના ગામથી આવી છે. અહીંના કામવાળાની રીતરસમોની એને શું ખબર!
‘દસ દિવસ થાય છે રમીલા, ને રોજનાં બે કામ. એ પ્રમાણે તારા ત્રણસો રુપિયા થાય છે.’
આટલું બોલીને સોનલે એના પર્સમાંથી સો રુપિયાની ત્રણ નોટ કાઢીને રમીલાને આપી. રમીલા કશું જ બોલ્યા વિના રુપિયા લઈને પાછી વળી ગઈ. એનું દયામણું મોઢું જોઇને સોનલને દયા આવી ગઈ. આવા ગરીબના પૈસા શું મારવાના ? વળી એ હતી તો મારો સમય પણ સચવાઈ ગયો. જ્યારે પણ જે કામ ચીંધ્યું એક પણ અક્ષર બોલ્યાં વિના શાંતિથી પાર પાડી આપ્યું છે. આની સાથે આવો વ્યવહાર કરવો એ એની નીતિની બહારની વાત હતી.
‘ઉભી રહે રમીલા, આ લે બીજા ત્રણસો રુપિયા પણ તું રાખ. સાથે મારી એક જૂની સાડી અને થોડી મિઠાઇ છે એ પણ લેતી જા. અમારે નહીં વપરાય તું અને તારા બચ્ચાંઓ વાપરજો. આ બાજુ આવે તો મળતી રહેજે.’
અને રમીલા હરખાઈ ઉઠી. એનો પ્રફુલ્લ ચહેરો જોઇને સોનલે બધો બદલો વાળી દીધાનો સંતોષ મેળવ્યો. સોનલ બહુ જ પ્રામાણિક હતી. કોઇનો હક મારી લેવો કે કોઇની સાથે છેતરપીંડી કરવી એ બધું એના લોહીમાં જ નહીં ને ! કાયમ બધાંને એક જ વાક્ય કહેતી કે, ‘પોતાના નસીબનું પોતાને મળી જ રહેશે અને જે નસીબમાં નથી એ ગમે એટલા ધમપછાડા કરશો તો ય મળશે નહીં! કોઇ ન જોતું હોય તો ય તમારો અંતરાત્મા કાયમ તમને જુએ છે. એનાથી -પરમ શક્તિ એવા ભગવાનથી ડરીને જીવો.’  નીતિની પૂજારણ સોનલ !
જમી – પરવારીને થોડું શોપિંગ કરવાના આશયથી એ ઘરની નજીક આવેલ એક મોલમાં ગઈ.
સોનલ હાથમાં રહેલ વસ્તુઓનું લિસ્ટ્માં જોઇ જોઇને વસ્તુઓ રેક પરથી શોધી શોધીને પોતાની ટ્રોલીમાં મૂકતી હતી. એનું ધ્યાન ટોટલી પોતાના શોપિંગના કામમાં ડૂબેલું હતું . બેધ્યાનપણાના એ જ આલમમાં એક રેક થી વળીને બીજા રેક સુધી જવાના પ્રયાસમાં એ સામેથી આવતી એક સ્ત્રી સાથે અથડાઈ પડી.
‘ઓહ, માફ કરશો. મારું ધ્યાન જ નહતું.’
‘કંઈ વાંધો નહીં બેન, આવું બધું તો ચાલ્યા કરે.’ સામેથી આવી રહેલ સ્ત્રીએ થોડું હસીને કહ્યું અને ઉતાવળમાં જ આગળ વધી ગઈ. પહેરવેશ અને સ્ટાઈલ પરથી ઠીક ઠીક પૈસાવાળા ઘરની સ્ત્રી લાગતી હતી. એના વિચારો ખંખેરીને પોતાના કામમાં જીવ પરોવતાં સોનલ આગળ વધવા ગઈ તો એના પગ પાસે એક નાનકડું ગુલાબી અને જાંબલી રંગનું લેડીઝપર્સ અથડાયું. નીચા વળીને સોનલે એ હાથમાં લીધું અને ખોલીને જોયું તો આંખો ખુલ્લી રહી ગઈ.અંદર સોનાનો એક અછોડો, વીંટી અને હજાર હજારની નોટની થોકડી હતી ને સાથે નાની નોટૉ બેપરવાઈથી ભરાયેલી પડી હતી. મનોમન આંકડો ગણતાં આખું પર્સ લગભગ સીત્તેર એંસી હજારનું તો લાગ્યું જ! એના જેવી મધ્યમ વર્ગની સ્ત્રીને સાવ આમ જ પોણા લાખની લોટરી લાગી ગઈ, અહાહા ! તરત જ સોનલે આજુબાજુ નજર ફેરવી.બપોરનો સમય હતો એથી આખા મોલમાં માંડ દસ પંદર જણ જ દેખાતા હતાં અને એની બાજુ તો કોઇનું ધ્યાન જ નહતું. પર્સવાળી સ્ત્રી બિલની લાઈનમાં ઉભી ઉભી મોબાઈલ મંતરતી હતી. તરત જ સોનલે પર્સમાંથી બધો સામાન કાઢીને પોતાના પર્સમાં ઠાલવી દીધો અને પર્સ પાછું જ્યાં હતું ત્યાં ગોઠવી દીધું. સામાન ભરેલી ટ્રોલી બાજુમાં ધકેલી અને તરત જ લાલ અંગ્રેજી અક્ષરોમાં ‘એક્ઝીટ’ લખેલ દરવાજામાંથી મોલમાંથી બહાર નીકળી અને રીક્ષા કરીને સીધી ઘરભેગી થઈ ગઈ.
અનબીટેબલ ઃ નાની નાની લાલચમાં સ્થિર રહીને પ્રામાણિક રહી જનાર માનવી નીતિવાન કહેવાય પણ મોટી લાલચોમાંથી ય સફળતાથી પસાર થઈ જાય ત્યારે એ  ધાર્મિક બની જાય છે !